જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ

વિકિસ્રોતમાંથી
← ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
નટુભાઈ ઠક્કર
સંદર્ભગ્રંથો →


પ્રકરણ ૯

ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ

‘પ્રત્યેક સર્જક એના જમાનાનું સંતાન હોય છે.’ ‘પ્રત્યેક સર્જક એના સર્જનનો પહેલો સાક્ષી હોય છે.’, ‘પ્રત્યેક સર્જક પોતાના જમાનાની સાથે સાથે પરંપરાગત લાક્ષણિકતાઓ કોઈને કોઈ રીતે-પ્રકારે જાળવતો હોય છે.’, ‘કોઈ પણ સર્જક પોતાની પરંપરાના અને સાંપ્રત સમાજના સંદર્ભોથી મુક્ત થઈ શકે નહિ’- એવા પ્રકારના અનેક અવતરણો આપણે વાંચીએ છીએ - વિચારીએ છીએ. ક્યાંક ચર્ચાને અવકાશ પણ ઊભો રહે છે, કારણ કે સર્જન, ઘણીવાર તેના સર્જકને જ ગાંઠતું નથી – એવું પણ આપણે ચુનીલાલ મડિયા જેવા એક ગણનાપાત્ર પ્રતિષ્ઠિત સર્જક પાસેથી સાંભળ્યું છે.

ઉપરના તમામ અવતરણોના સારરૂપ સંદર્ભ આપણે જયભિખ્ખુના સાહિત્યસર્જનમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક યુગના સમાજને અને રાષ્ટ્રજીવનને - એની આવતીકાલની અપેક્ષાએ કંઈ ને કંઈ વિચારવાનું કે આચરવાનું રહેતું હોય છે. અંગ્રેજ શાસન દરમ્યાન વ્યાપેલી માનસિક ગુલામીનો અંદાજ ના આવી શકે, એવી કરુણ સ્થિતિ હતી. બીજી તરફ ગાંધીજીની અહાલેક ભારતને અને આપણા સંદર્ભમાં ગુજરાતને નવા દર્શન તરફ પ્રેરી રહી હતી. ગાંધીજીનું વર્ચસ્વ જામતું જતું હતું અને સમાજના વિવિધ ક્ષેત્રોની જેમ સાહિત્યજગત પર એનો પ્રભાવ ચોખ્ખો દેખાતો હતો.

જયભિખ્ખુએ બાલ્યકાળથી જ, એટલે કે પિતા અને સમાજ તરફથી કુટુંબવાત્સલ્ય, ધર્મપ્રીતિ તથા જૈનધર્મના સંસ્કાર સુપેરે પ્રાપ્ત થયા હતા એ આપણે આરંભે જોઈ-તપાસી ગયા છીએ. તેમણે પરંપરાથી મેળવાતું માધ્યમિક અને કૉલેજશિક્ષણ લીધું નથી. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીના અભ્યાસ પછી વિજયધર્મસૂરિએ મુંબઈમાં સ્થાપેલ વીરતત્વ પ્રકાશક મંડળમાં તેઓ સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું ત્યાં ત્યાં - કાશી, આગ્રા અને શિવપુરીમાં નવ વર્ષ સુધી રહી તેમણે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનો અભ્યાસ કર્યો. શિવપુરીના ગુરુકુળમાં યુરોપીય વિદ્વાનો અભ્યાસ અને નિરીક્ષણ અર્થે આવે. ડૉ. ક્રાઉઝે નામનાં વિદૂષી તો વર્ષો સુધી આ સંસ્થામાં રહેલાં. એમના સંપર્ક અને સમાગમને કારણે પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો પણ જયભિખ્ખુને પરિચય થયો. વીરતત્ત્વ પ્રકાશ મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈનદર્શનનું અધ્યાપન પણ કર્યું.

કલકત્તામાં સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પરીક્ષા આપવા ગયા ત્યારે અંતરના ભાવિ જીવનના નકશા સંદર્ભે સંઘર્ષ ચાલતો હતો અંતર જીવનના કોઈ એવા માર્ગને ઝંખતું હતું જે કાંટાળો ભલે હોય પણ કોઈ ધ્યેયને ચિંતવતો હોય. એમાંથી ત્રણ નિર્ણયો થયા : નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ લેવી નહીં અને કલમના આશરે જિંદગી વિતાવવી. ગૌવર્ધનરામ અને નર્મદની જેમ પોતાના ખમીરની કસોટી કરતા આ નિર્ણયોએ એમની તાવણી તો ઘણી કરી પણ સાથે જીવનમાં પ્રાણ પણ રેડ્યો.

આમ જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં જન્મજાત શક્તિની સાથે ધાર્મિક પ્રકૃતિના સંસ્કારી અને સાહિત્યપ્રીતિ ધરાવતા કુટુંબમાં જન્મ અને ઉછેરે મૂળગત રીતે ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત માતા-પિતા, અન્ય સ્વજનો, શિક્ષકો, મહાનુભાવો તેમ જ પ્રસન્નમંગલ દામ્પત્યે અને પ્રકૃતિસૌંદર્ય તરફની વિશિષ્ટ અભિરુચિએ સારો ફાળો આપ્યો છે. સંસારીજનોની જેમ સાધુજનોના પણ જયભિખ્ખુ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંતશ્રી શાંતિપ્રસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની એમના પર ગાઢ પ્રીતિ હતી. પ. પૂ. મોટાના અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આશીર્વાદ પણ એમને પ્રાપ્ત થયા હતા.

આ ઉપરાંત જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં સંસ્કૃતના ઊંડા અભ્યાસે પણ સારો ફાળો આપ્યો છે. જૈન શાસ્ત્રોનો અભ્યાસ એમને વાર્તાલેખન તરફ દોરી ગયો છે. જૈન કથાસાહિત્યને સાર્વભોગ્ય બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન એમના દ્વારા થયું છે.

જયભિખ્ખુનો જીવનાદર્શ હતો સમાજને તંદુરસ્ત જીવનદૃષ્ટિ પ્રેરે તેવું સાહિત્ય પીરસવાનો. વાચકના ધ્યાનને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે અને સાથે સાથે એને કશાક ઉદાત્ત આનંદનો અનુભવ કરાવે એવું સાહિત્ય સમાજને ચરણે ધરવાની તમન્નાવાળા જયભિખ્ખુએ પોતાના સાહિત્યમાં રસિકતા અને ઊર્ધ્વગામિતાનો મેળ સાધવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. સાહિત્ય આમજનતાના ઉત્થાન માટે છે, જીવનઘડતર માટે છે, જીવનમાંગલ્ય માટે છે એ સત્યને સ્વીકારનાર આ સર્જકનું સાહિત્ય સ્વચ્છ, નિર્ભેળ અને માંગલ્યકર છે. આજે જ્યારે જીવનના નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, વ્યવહાર અને આચારમાં અપ્રમાણિકતા, અનીતિ, ભ્રષ્ટાચાર ઘર કરતાં જાય છે, માનવસંબંધોની સચ્ચાઈ જ્યારે લાભાલાભના માપદંડે મપાઈ રહી છે ત્યારે આ સર્જક પલાંઠી વાળીને જીવનનું પરમ મંગલ ગીત વહેતું રાખે છે. નીતિપરાયણતા અને સદાચાર એ જ માનવકલ્યાણના રાજમાર્ગો છે એ દર્શાવવા એમની કલમ વણથંભી ચાલ્યે જ જાય છે અને એમનું સર્જન સંપ્રદાયની સીમાઓ વીંધીને જીવનસ્પર્શી સાહિત્ય બની રહે છે.

જયભિખ્ખુએ મોટે ભાગે ધર્મકથાનું માળખું પસંદ કરીને પોતાની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પનાશક્તિ દ્વારા એમાંથી માનવવૃત્તિઓના સંઘર્ષથી સભર પ્રાણવંતી કૃતિઓ સર્જી છે. ધર્મની જીવનવ્યાપી હવાને કલાની મોરલીમાંથી ફૂંકવાની અને રસવૃદ્ધિ સૂરાવલિઓ સર્જવાની ક્ષમતા ધરાવતા જયભિખ્ખુએ આ શક્તિના બળે જ કલાત્મક કૃતિઓ સર્જી છે.

કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે લૂખુંસૂકું આપે એનાથી જીવનનિર્વાહ કરવાનો નિશ્ચય કરનાર અને એને કપરા સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળનાર જયભિખ્ખુના જીવનનાં અંતિમ વર્ષો શારિરીક બિમારીથી ઘેરાયેલાં હતાં. ડાયાબિટિસ, બ્લડપ્રેશર, આંખોની કચાશ, કબજિયાત અને કફની તકલીફની વચ્ચે પણ આ નિજાનંદી સર્જક ઇચ્છાશક્તિને બળે આનંદથી જીવતા હતા એટલે જ રોજનીશીમાં તેઓ લખે છે, ‘મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે ઉજવાય છે.’ અંતિમ સમયે હૃદયની એક જ ઝંખના હતી, ‘કોઈ પાણીનો પ્યાલો આપે અને પીવડાવે, તેટલીયે લાચારી મૃત્યુવેળા ન જોઈએ.’ તે સાચું પડે છે. ઈ. સ. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૪મી તારીખને બુધવારે જયભિખ્ખુની સ્થૂળ જીવનલીલા સમેટાઈ જાય છે. ધર્મ અને જય, કરુણા અને માંગલ્ય, સદ્ભાવ અને સુખ, પ્રેરણા અને આનંદ આ યુગ્મોએ જીવનસંઘર્ષના દ્વંદ્વ યુદ્ધોથી ઉફરા રાખી જયભિખ્ખુને આંતરબાહ્યમાં ચૈતન્યગતિનો અનુભવ કરાવ્યો છે. સંઘર્ષની પરિસ્થિતિમાં આનંદ અને આશ્વાસન આપ્યાં છે. એટલું જ નહીં પણ મરણાસન્ન પરિસ્થિતિમાંયે એમને સુખસંપન્ન રાખ્યા છે. જયભિખ્ખુના વૈવિધ્યવંતા સર્જન-થાળને તપાસીએ તો એમાં પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેને ‘મુદા’ તરીકે ઓળખાવે છે એવા સાહિત્યિક આનંદની સંતર્પક અનુભૂતિ થાય છે.

જયભિખ્ખુનું સાહિત્ય સંખ્યાદૃષ્ટિએ જેમ માતબર છે તેમ સત્ત્વશીલતા અને ક્ષમતાની દૃષ્ટિએ ઊંચા ગજાનું છે. ઇયત્તા અને ગુણવત્તાએ નોંધનીય એવા આ સર્જનરાશિમાં ૨૦ જેટલી ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નવલકથાઓ, ર૧ વાર્તાસંગ્રહોમાં ૩૬૫ જેટલી વાર્તાઓ, સાતેક નાટકો, ૨૩ જેટલા ચરિત્રગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની દશ શ્રેણીમાંનાં ટૂંકાં, પ્રેરક અને પ્રમાણભૂત એવાં વિદ્યાર્થીભોગ્ય ચરિત્રો તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્ય ગણનાપાત્ર બને છે. નાનાંમોટાં એવાં કુલ ૩૦૦ પુસ્તકો એમના ગ્રંથકાર તરીકેના વૈવિધ્યવંતા પાસાંઓને પ્રગટ કરતાં મળે છે એને આધારે જયભિખ્ખુના સર્જક-કલાકાર તરીકે વૈવિધ્યવંતા વ્યક્તિત્વને તપાસીએ તો જયભિખ્ખુ સૌથી ઉત્કૃષ્ટરૂપે ઊપસી આવે છે - નવલકથાકાર તથા વાર્તાકાર તરીકે.

નવલકથાકાર જયભિખ્ખુ પાસેથી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક નવલો મળે છે. ત્રીસેક વર્ષના વિશાળ સમયપટમાં સર્જાયેલી કુલ વીશ નવલોમાંથી મોટાભાગની ઐતિહાસિક વસ્તુને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે. આ નવલોમાંથી કેટલાકમાં પુરાકાલીન ઇતિહાસ નિરૂપાયો છે, કેટલીકમાં ઈ. સ. પૂ. પાંચમી સદીથી પહેલી સદીની આસપાસનો પ્રાગૈતિહાસિક યુગ કથાનો વિષય બન્યો છે. તો ક્યાંક અગિયારથી સોળમી સદીના મુગલકાલીન અને રજપૂતી ઇતિહાસને ભૂમિકારૂપ મળ્યું છે.

જયભિખ્ખુ પહેલાં જૈન ધર્મના કથાવસ્તુને વિષય બનાવી જૈન સાધુઓ સહિત સુશીલ, મોહનલાલ ધામી, રતિલાલ દેસાઈ જેવા કેટલાકોએ લખ્યું છે ખરું પણ એમાં સર્જનાત્મકતાનો અભાવ, ગતાનુગતિક રજૂઆત, વસ્તુની પ્રમાણભૂતતાનું શૈથિલ્ય, ઉપદેશાત્મકતા તથા સાંપ્રદાયિક પરિભાષાનું પ્રાચર્ય હતાં. જયભિખ્ખુએ સૌ પ્રથમ આ કથાનકોને લોકપ્રિય-સર્વભોગ્ય રૂપે રજૂ કર્યા. તેઓએ જૈનધર્મના કથાવસ્તુ ધરાવતી નવલોમાં કથાઓમાંના મૂળભૂત જીવનવિધાયક તત્ત્વને અને માનવીય પરિબળોને વિશેષ ઉઠાવ આપ્યો. આપણા શિષ્ટ સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા તરફ જ્યારે કોઈની ખાસ નજર નહોતી ગઈ ત્યારે એ તરફ જયભિખ્ખુએ સાહિત્યજગતનું ધ્યાન દોર્યું. જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો પ્રભાવ જયભિખ્ખુના વ્યક્તિત્વ ઉપર હોવા છતાં સર્જનમાં એ ક્યાંય સાંપ્રદાયિક બન્યા નથી એ એમની ખાસ વિશેષતા છે.

જયભિખ્ખુ સાંપ્રદાયિક સર્જક નથી એ વાતની પ્રતીતિ બીજી એક હકીકતમાંથી પણ થાય છે. એમણે માત્ર જૈનધર્મને જ વિષય બનાવીને નવલો લખી નથી. એમની ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ વૈષ્ણવી ભક્તિના રૂપ- સ્વરૂપને, ‘પ્રેમાવતાર’ મહાભારત તથા ભાગવતના ધર્મતત્ત્વચિંતનને અને ‘વિક્રમાદિત્ય હેમુ’ નવલત્રયી મુસ્લિમ ધર્મસિદ્ધાંતોને વિષય બનાવી નવલો સર્જી હોય એ સર્જકને સાંપ્રદાયિક સર્જક શી રીતે કહી શકાય ?

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોની વિશેષતા એ રહી છે કે એમણે પોતાની આવી નવલોમાં ઇતિહાસની બહુ પ્રસિદ્ધ ન હોય એવી વ્યક્તિઓને ઉપસાવીને કથારચનાઓ કરી છે. વિક્રમાદિત્ય હેમુ, મહર્ષિ મેતારજ, ભગવાન ઋષભદેવ, સ્થૂલિભદ્ર વગેરે આનાં ઉદાહરણો છે. સોલંકી, ચૌલુક્ય, ગુપ્તયુગ તો ઐતિહાસિક નવલકારોને હાથે ઠીક ઠીક અંશે નિરૂપાયા છે. એ બધાથી જુદા તરીને જયભિખ્ખુ હેમુ જેવા એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખી એની આસપાસ શેરશાહ અકબરનાં ચરિત્રોને ઉપસાવતી નવલો આપે છે.

પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ ઇતિહાસને મોટે ભાગે ક્યાંય વિકૃત બનાવ્યો નથી, ઇતિહાસને તેઓ વફાદાર રહ્યા છે. ઇતિહાસના કથાવસ્તુમાં ઇતિહાસ અંગે જ્યાં જૈન અને બૌદ્ધ પરંપરા પ્રચલિત છે ત્યાં તેઓ મોટે ભાગે જૈન પરંપરાને વિશેષ અનુસર્યા છે.

ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલોના પાત્રપ્રસંગઆલેખનમાં તેના સમયના વાતાવરણને લક્ષમાં રાખીને કેટલી હદે તેઓ કલ્પનાતત્ત્વ ઉમેરે છે, એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને માટે કેટલો ઉપકારક થાય છે એનો મહિમા તપાસી શકાય, એ હેતુથી જેટલી જરૂરી જણાય એટલી ઇતિહાસ-ભૂમિકા પણ પોતાની નવલોની પ્રસ્તાવનામાં તેઓ આપે છે. આ પ્રસ્તાવના ઇતિહાસના ઊંડા અભ્યાસી જયભિખ્ખુને આપણી સમક્ષ ખડા કરે છે.

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી આ નવલોનું નિર્માણ ધ્યેય ‘તર્કપ્રધાન અને શ્રદ્ધા અલ્પ’ એવા સમાજ માટે અને નવી ઊગતી તરુણ પેઢીને માટે તેમને ગમે તેવું અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેમ અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી આ નવલો સર્જકના માંગલ્યવાદી દૃષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું જ છે એ મંત્ર એમની અનેક નવલોમાં ગુંજે છે.

જયભિખ્ખુની નવલકથાઓનું વસ્તુસંકલન કથાના રસમાં ખેંચી રાખે તેવું હોય છે. આડકથાનો ઉપયોગ તેઓ ક્યાંક મુખ્ય કથાનકને પુષ્ટ કરવા તો ક્યાંક ઉપદેશને દૃઢાવવા કરે છે. કથાના આલેખન માટે જયભિખ્ખુ વર્ણન, સંવાદ, પ્રત્યક્ષ કથન વગેરે પદ્ધતિઓ યોજે છે. તેઓ પાત્રોની માવજત કુશળ રીતે કરે છે. એમની પાત્રસૃષ્ટિ વિવિધરંગી છે. એ વૈવિધ્યમાં દિલાવરી, અમીરી, શૌર્ય, નેક, ટેક, ત્યાગ, સ્વાર્થ, શહીદીની મસ્તી અને ભાવનાનો રંગ એમનાં પાત્રોમાં ઘૂંટાતા જોવા મળે છે. માણસને આંતરબાહ્ય પામવાની જયભિખ્ખુમાં પ્રબળ શક્તિના વિનિયોગને કારણે તેમનાં પાત્રો જીવનનાં જુદાં જુદાં પાસાં જીવતાં હોવા છતાં ઉચ્ચ જીવનના તલસાટવાળાં બન્યાં છે. વાચકો જ્યારે તેને વાંચે છે ત્યારે તે પાત્રો પોતાનું જ જીવન જીવતાં હોય તેવું અનુભવે છે ને તેમાં તદ્રુપ થઈ જાય છે.

જયભિખ્ખુની નવલોના સંવાદો ટૂંકા, સચોટ, માર્મિક અને પરિસ્થિતિ તથા પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ છે તો રસનિરૂપણમાં પણ એમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે જે પ્રસંગે જે રસની આવશ્યકતા જણાઈ છે તે રસને પૂર્ણ મર્યાદામાં રહીને ન્યૂનાધિક માત્રા ન થાય એ ધ્યાનમાં રાખીને એમણે પોતાની નવલોમાં સંયોજ્યો છે. શૃંગાર, કરુણ, અદ્ભુત અને શાંતિરસ એમની ઐતિહાસિક નવલોમાં યથાવકાશ ઉચિત માત્રામાં એમણે નિરૂપ્યો છે. એમની નવલોમાં શૃંગારના સંયોગ અને વિપ્રલંભ બંને પાસાંનુ રસિક નિરૂપણ મળે છે. પણ આ નિરૂપણ ક્યાંય સંયમની પાળ ઓળંગતું નથી. સર્જકની નવલોમાંનો શૃંગાર અંતે ઉપશમના શાંત રસમાં જઈને ઠરે છે. ધાર્મિક કથાવસ્તુને વિષય તરીકે પસંદ કરીને ઉદાત્ત જીવનમાંગલ્યને પોતાની નવલો દ્વારા સમાજચરણે ધરવા ઇચ્છતા લેખકમાં એ સ્વાભાવિક પણ છે. રસનિરૂપણમાં જયભિખ્ખુને જેટલું શૃંગારનું નિરૂપણ ફાવ્યું છે એટલો વીરરસ નિરૂપવો ફાવ્યો નથી. યુદ્ધવર્ણન તેઓ કરે છે ખરા, પણ એમાં ભયાનકતા ઉપસાવી શક્યા નથી (એ કદાચ, સહેતુક હશે). અલબત્ત, યુદ્ધનાં દુષ્પરિણામો તેઓ જરૂર બતાવે છે.

ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ જે તે યુગનું વાતાવરણ ઝીણવટભરી અભ્યાસપૂર્ણ વિગતો આપી સજીવ-તાદૃશ્ય બનાવ્યું છે. ઐતિહાસિક નવલોમાં એમાંનું વિવિધ વિષયોનું શાસ્ત્રજ્ઞાન પણ ધ્યાનાકર્ષક બને છે. ઐતિહાસિક નવલોમાં ક્યાંક ચમત્કારના તત્ત્વને એમણે ઉપસાવ્યું છે. એ રીતે જીવનમાંગલ્યવાદી સર્જકની નવલો ચિંતનના રસે પણ રસાઈ છે. આ ચિંતનનું તત્ત્વ મોટે ભાગે કલાત્મક રૂપે આવ્યું છે એ ખાસ નોંધવું રહ્યું. એમની નવલોમાં રાજકારણ વિષેની, ધર્મ વિષેની અમુક ચોક્કસ વિચારધારા ચિંતન બનીને આવી છે. ધર્મનો રાજકારણ દ્વારા થતો દુરુપયોગ એમને સતત કઠ્યો છે. એનો આક્રોશ ‘કામવિજેતા’ કે ‘વિક્રમાદિત્ય હેમુ’ જેવી નવલોમાં એમણે સફળ રીતે વ્યક્ત કર્યો છે. એ જ રીતે યુદ્ધ તરફનો અણગમો પણ વ્યથાની કથારૂપે જ પ્રગટ્યો છે.

સર્જકની ઐતિહાસિક નવલોમાં પૌરાણિક સંદર્ભના અર્વાચીન અર્થઘટનો બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. તો રાષ્ટ્રીય અસ્મિતાનું એમાં થયેલું નિરૂપણ કૃતિને અનોખું ગૌરવ બક્ષે છે. જયભિખ્ખુની નવલોમાં નારીગૌરવ પણ ઉજમાળો અંશ બનીને ડોકાય છે. લેખકે પોતાની લોખંડી ખાખનાં ફૂલ જેવી નવલોમાં ક્યાંક મલિન ચિત્ર ઉપસાવ્યા છે, એમની આવી નવલો ચર્ચાસ્પદ પણ બની છે પણ સર્જકનો હેતુ આવા નિરૂપણ દ્વારા સમાજમાં પ્રવર્તતા સડા તરફ લાલબત્તી ધરવાનો હોવાથી એ નિરૂપણ અનુચિત જણાતું નથી.

જયભિખ્ખુની નવલોમાંની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વિધાનો-વાક્યોક્તિઓ એમના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોની સંયુક્ત રજૂઆત એમની ‘કામવિજેતા’ ‘ભગવાન ઋષભદેવ’, ‘ભક્ત કવિ જયદેવ’ જેવી નવલોને ચીરસ્મરણીય બનાવે છે.

ઐતિહાસિક નવલક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલસૃષ્ટિ તરફ કમભાગ્યે વિવેચકોનું ધ્યાન ખાસ ખેંચાયું નથી. પ્રાચીન ધર્મપ્રથાને નિજી પદ્ધતિથી રસાત્મક નવલકથારૂપ આપવાની દિશામાં એમણે ઉદાહરણીય પહેલ કરી છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાખીને એને માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર મૂકી આપ્યું છે. ઇતિહાસની ઘટનાઓના ઉપયોગ દ્વારા જીવનમાંગલ્યલક્ષી ભાવનાઓનું નિરૂપણ કરી પોતાના અનોખા કલાવિધાનથી સમાજને શ્રેયષ્કર માર્ગ દોરે છે, ત્યારે એવી કૃતિઓને ઇતિહાસગ્રસ્ત થવા દેવાનું વિવેચકો-સંશોધકોને પાલવે નહીં. આ શોધનિબંધમાં તો જયભિખ્ખુની નવલકથા વિષેનું સંશોધન એક પ્રકરણરૂપે છે. આમાંથી ‘જયભિખ્ખુની નવલકથા’ વિષેના એક આખા શોધપ્રબંધની કોઈ અભ્યાસીને પ્રેરણા મળશે, તો અહીં કર્યું લેખે લાગશે.

નવલકથાની જેમ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ વિપુલ અને વૈવિધ્યવંતુ પ્રદાન જયભિખ્ખુએ કર્યું છે. એમની પાસેથી ર૯ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંના થોડામાં એમની જ ચૂંટેલી વાર્તાઓના સંપાદનો પણ છે. આ સંપાદનોને ગણનામાંથી બાદ રાખીએ તો એમની પાસેથી કુલ ૨૧ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંની ૩૬૫ વાર્તાઓમાંની ૧૮ વાર્તાઓ નામફેર પુનરાવર્તિત વાર્તાઓ છે.

વિષયવૈવિધ્યની દૃષ્ટિએ જયભિખ્ખુની આ વાર્તાસૃષ્ટિને તપાસીએ તો એમાં મુખ્યત્વે ઇતિહાસ, પુરાણ, સમકાલીન પરિસ્થિતિ અને સ્વાનુભવ વસ્તુસ્વરૂપે ઉપસ્યા છે. જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંની લગભગ ચોથા ભાગની વાર્તાઓ સામાજિક જીવનના વિવિધ પાસાઓને વાચા આપે છે. એમાં ય નારીજીવનની જુદી જુદી સમસ્યાઓને વર્ણવતી વાર્તાઓનું પ્રમાણ સૌથી વધારે છે. વાર્તાકારની નારીલક્ષી વાર્તાઓમાંની એક વાત સતત ફોર્યા કરે છે અને તે હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન જૈસે થે જેવું છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં સમાજમાં સ્ત્રી માટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે, ભોગની સામગ્રી જ બની છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં પાંગરી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈને કોઈ તફાવત જણાતો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી. જ્યારે અર્વાચીનકાળે વિલાસમૂર્તિ. પોતાની નારીજીવનની વાર્તાઓમાં વાર્તાકાર એ સૂચવે છે કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી કે ખરાબ કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રીના સત્ત્વને ખીલવે એવું વાતાવરણ જ હજી આપણે ત્યાં ઘડાયું નથી. જયભિખ્ખુના મતે સ્ત્રી પર જ સંસારના સર્જન અને વિનાશનો આધાર છે માટે સંસારને સ્વર્ગ બનાવવા ઈચ્છનારે સ્ત્રીને સ્વસ્થ, સંયમી અને વ્યક્તિત્વવાળી બનાવવી જોઈએ. નારીલક્ષી વાર્તાઓમાં વાર્તાકારે આથી જ નારીનાં કોઈ ને કોઈ પ્રકારના ખમીરનો પરિચય કરાવ્યો છે.

પોતાની પ્રસ્તુત વાર્તાસૃષ્ટિમાં આદિકાળથી તે આજ સુધીનાં નારીજીવનનાં વિવિધ પાસાંઓની ઝાંખી કરાવી સ્ત્રીની હૃદયસૃષ્ટિને એમણે મમતાથી સજાવી છે. સ્ત્રીનાં સૂઝ અને શીલને વખાણ્યાં છે. અને સાથે સાથે સમાજની એકતરફી અળખામણી રીતરસમોને સહન કર્યા વગર સ્ત્રીનો કોઈ આરો નથી એ પુરાણયુગીન માપદંડોને પડકાર્યા પણ છે. તેઓ સમાજને માટે ચેપી રોગ જેવા એ માપદંડોને નાબૂદ કરવા પ્રેરણા પૂરી પાડે છે.

સામાજિક વાર્તાઓથી સંખ્યાદૃષ્ટિએ બીજા નંબરે આવે છે જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ. ઇતિહાસવિષયક વાર્તાઓમાંનો ઇતિહાસ ક્યાંક પ્રાચીન, મધ્યકાલીન કે સમકાલીન છે. નવલકથાની જેમ વાર્તાઓમાં પણ ઇતિહાસને તેઓ ઠીક ઠીક વફાદાર રહ્યા છે. વર્તમાન માટે કાંઈને કાંઈ વિશિષ્ટ દર્શન આપતી જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ જયભિખ્ખુનાં ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને સામટાં પ્રગટ કરે છે. જયભિખ્ખુની સમકાલીન ઇતિહાસને વર્ણવતી વાર્તાઓમાં વાર્તાકારનો રાષ્ટ્રપ્રેમ છલકે છે. આવી વાર્તાઓની રચના સંસ્કૃતિહત્યાના પ્રત્યક્ષ-પરોક્ષ નિમિત્તોને ટાળવાના હેતુથી થઈ છે. માદરેવતન ઉપર મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી માથું ઉન્નત બને એવા ઉદ્દેશથી આ વાર્તાઓ રચાઈ છે. જયભિખ્ખુની પૌરાણિક વાર્તાઓમાંની ઘણી એમાંથી સિદ્ધ થતા અને સમકાલીન સમાજને સ્પર્શતા નવીન અર્થઘટનોને કારણે ઉલ્લેખનીય બની રહે છે.

નારીજીવનની વાર્તાઓની જેમ જયભિખ્ખુની જૈન ધર્મના કથાનકોવાળી વાર્તાઓ પણ નોંધનીય છે. આવી વાર્તાઓમાં સર્જકે જૈન ધર્મગ્રંથોમાંના કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખ્યો છે. આ વાર્તાઓ દ્વારા જૈન કથાસાહિત્યનો જે અખૂટ ભંડાર છૂપા ખજાનાની જેમ અજાણ પડ્યો હતો એમાંથી કથા રત્નોને વીણી વીણીને બહાર કાઢવાની તેમણે પહેલ કરી છે. આ પછી જ સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું અને સહુ કોઈને આ સાહિત્ય તરફ અભિરુચિ જાગી.

નવલકથાઓની જેમ જૈન કથાવસ્તુવાળી આ વાર્તાઓમાં પણ જયભિખ્ખુએ સાંપ્રદાયિકતાના તત્ત્વને અળગું રાખીને કથાના મૂળ આત્માને મધુર-ગૌરવાન્વિત ભાષા, ઉન્નત કલ્પના, ભાવનાનું સૌષ્ઠવ અને અલંકારથી મઢીને જીવંત રૂપ આપ્યું છે. આ વાર્તાઓનો અંતિમ સૂર પ્રેમનો છે. ધર્મનો એમાં વિશિષ્ટ અર્થ છે. ધર્મ એટલે જીવનને-ચેતનાને ધારણ કરી રહેલા આત્માનો ધર્મ અને એનું શ્રેષ્ઠ પ્રતીક છે પ્રેમ.

જર્મન સર્જક દોસ્તોવસ્કી (‘બંડખોરમાં’), ઊર્દૂના મહાન કવિ મીર (‘કવિનો મિજાજ’માં), શ્રી ર. વ. દેસાઈ (‘સાહિત્યકારની ખાલી ઝોળી’)માં સ્ટીફન ઝિવગ (‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં), બાણ ભટ્ટ (‘અજ્ઞાત્ દેવનું મંદિર’માં) જેવા સાહિત્યકારો પણ વાર્તાકારના આલેખ્યવિષયક બન્યાં છે. જયભિખ્ખુની આ વાર્તાસૃષ્ટિમાં રૂપકાત્મક પ્રકારની, ગદ્યદેહ ઊર્મિકાવ્ય જેવી, જીવનચરિત્રાત્મક રૂપની વાર્તાઓ પણ મળે છે, તો વાર્તામાં વસ્તુ ન જેવું હોય છતાં વાર્તાકારે પોતાની કહેણીના બળે વાર્તાને આકર્ષક બનાવી હોય એવું પણ ક્યાંક જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં બન્યું છે. પાળિયાઓ, દેરીઓ, મેળા કે લોકકથાઓએ પણ જયભિખ્ખુને સર્જનનું નિમિત્ત પૂરું પાડ્યું છે. વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને પૂરું પાડ્યું છે. વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. આ વાર્તાઓ એમાંના ઉમદા નીતિતત્ત્વ અને માનવતાની સુગંધને કારણે સમાજના સર્વ વર્ગને પ્રેરણારૂપ બને છે.

વાર્તાકાર જયભિખ્ખુ ઇતિહાસ, પુરાણ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરીને પોતાની રીતે રસવાહી ઓપ આપે છે. વસ્તુની કલાત્મક માવજત અને એને કારણે પ્રગટતી રસળતી ભાષા, રોચક શૈલી અને સર્જકકલ્પનાશક્તિ તેમના ભાવકને વાર્તામાં તલ્લીન અને તરબોળ બનાવી દે છે. વાર્તાકાર જયભિખ્ખુની એ ખાસિયત છે કે પોતાને પ્રિય એવી કોઈ ભાવનામળી ગઈ, પછી વસ્તુની પસંદગીમાં એમણે કોઈ પ્રકારનો છોછ રાખ્યો નથી. એમની વાર્તાઓમાં સંવેદનની સચ્ચાઈ અને કથનની રસાત્મકતા છે. અલબત્ત, એમાં આધુનિક નવલિકાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ યા માનવસ્વભાવનું સૂક્ષ્મ વિશ્લેષણ નથી, જયભિખ્ખુનો એ આદર્શ પણ નથી. એમને તો માનવસ્વભાવની ખાનદાની અને જિંદાદિલીનો જ પરિચય આપવો છે. પ્રેમ અને શૌર્યના રક્ત-કસુંબી રંગનો માટે જ જયભિખ્ખુને વિશેષ અનુરાગ છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાંની પાત્રસૃષ્ટિ ‘માનવ’ શબ્દના અર્થને, વિવિધ પ્રકારનાં પાત્રોનાં ચિત્રણથી સાર્થક બનાવે છે. સામાન્ય કોટિના જીવો પણ જીવનની કોઈ ધન્ય ક્ષણે ઉદાત્ત જીવન જીવી જાય છે, જીવન જીતી જાય છે એ બતાવતી આ પાત્રસૃષ્ટિ ત્યાગ, શહાદત અને સ્વાપર્ણનો મહામંત્ર ગુંજી રહે છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત પૂરી થાય તે પહેલાં વિદાય લે છે, ફક્ત કોઈ મહત્ત્વના વૃક્ષના પર્ણ પર સત્કાર્યના બે જલબિંદુ મૂકીને. જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતા ચાતકનો તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.

જયભિખ્ખુની આ વાર્તાઓનો હેતુ સંસારને સ્વસ્થ બનાવે એવો ઉપદેશ કલાત્મક ઢબે આપવાનો છે. તેઓ કહે છે, ‘જે કલાથી જીવન જીવવાના દૃષ્ટિકોણમાં કંઈ કલાપૂર્ણ પરિવર્તન ન થાય, એ કલા મારે મન સુંદર ઇન્દ્રવરણાં ફળ જેવી છે.’ (પૃ. ૪, ‘લાખેણી વાતો’) અને આવી ઇન્દ્રવરણાં ફળ જેવી વાર્તાઓ આપવાનું એમને પસંદ નથી. જયભિખ્ખુએ પોતાની વાર્તાઓમાં આબાલવૃદ્ધ સૌને મસ્ત જીવનરસ મળે અને એમની સાહિત્યરુચિ સંસ્કારાય એ રીતે દર્શન પ્રગટાવ્યું છે.’

વાર્તાઓમાં જયભિખ્ખુની ગદ્યશૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને સતત જકડી રાખે એવી નૈસર્ગિક ચેતના છે, કથનની ઉત્કૃષ્ટતા, રસાળ પ્રવાહિતા તથા વર્ણનની ચારુતા છે. તેમની શૈલીમાં જોમ છે, ભાષાની ચિત્રાત્મકતા અને સબળતા એ એમની શૈલીનાં પ્રધાન લક્ષણ છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિ વિશાળ, વ્યાપક વિષય વૈવિધ્યનું અને એમાં જ વિશિષ્ટ દર્શનનું આલેખન કરીને ગુજરાતી ટૂંકીવાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્રતા સિદ્ધ કરે છે. જયભિખ્ખુની વાર્તાઓ સર્જાઈ હશે, ત્યારે સ્વરૂપલક્ષી વિશેષ સભાનતા તો સ્વાભાવિક રીતે જ નહિ હોય, અને તેથી જ, આપણે સામગ્રીના અનુસંધાનમાં જ નીવડી આવેલાં વાર્તાસ્વરૂપોની ચર્ચાવિચારણા કરી છે. એમાંથી, એવું અનુભવાય છે કે ટૂંકી વાર્તાના સ્વરૂપને નજરમાં રાખીને લેખકે પોતાની સામગ્રીને જોગવી છે અને એમાં એમને મહદ્ અંશે સફળતા મળે છે.

લેખકે કેટલીકવાર એકના એક કથાવસ્તુને નવલકથા અને ટૂંકી વાર્તામાં ઉપસાવવાના પ્રયત્નો કર્યા છે. એમ કરતી વખતે ‘નવલકથા એટલે લાંબી કરેલી નવલિકા અને નવલિકા એટલે ટૂંકી કરેલી નવલકથા’ એવા ખોટા ખ્યાલથી લેખક કામ કરતા નથી. બંને સ્વરૂપોને ઉપસાવવા માટે લેખક પાસે ચોક્કસ દૃષ્ટિ છે જ. એમ છતાં સ્વરૂપની પોતાની જ મર્યાદા એને નડી હોય એવું બન્યું છે. ‘પ્રેમાવતાર’ નવલકથા અને ‘યાદવાસ્થળી’ વાર્તાનું કથાવસ્તુ એકસરખું છે. છતાં જે દર્શન ‘યાદવાસ્થળી’ માં સચોટ અને મર્મસ્પર્શી રૂપે પ્રગટે છે તે ‘પ્રેમાવતાર’ માં લંબાણને કારણે ઓછું અસરકારક બને છે. અહીં સ્વરૂપલક્ષી માવજતથી એકની એક સામગ્રી હોવા છતાં કલાતત્ત્વની અનોખું પરિણામ સિદ્ધ થયું છે. જયભિખ્ખુની વાર્તાકલાની આ સિદ્ધિ ગણાય, જે તેઓની આપોપી દૃષ્ટિનું-માવજતનું પરિણામ છે. વાર્તાની સ્વરૂપલક્ષી સમજમ જ્યારે અલ્પવિકસિત દશામાં હતી ત્યારે સામગ્રીના વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકારમાં સંયોજવાની જયભિખ્ખુની અનેરી ક્ષમતાનો પરિચય કરાવતી આ વાર્તાઓ નોંધનીય બને છે. આમ જયભિખ્ખુની ટૂંકી વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યનું જેટલું લોકપ્રિય એટલું જ અભ્યાસપાત્ર પ્રકરણ બની રહે છે.

રેડિયો તથા રંગભૂમિની માગમાંથી જયભિખ્ખુએ સાતેક નાટકોની પણ રચના કરી છે. નાટકકાર જયભિખ્ખુની અર્ધી સફળતા માટે તો એમણે કરેલી નાટ્યક્ષમ વસ્તુની પસંદગીમાંથી જ પ્રગટે છે. જયભિખ્ખુ પુરાણ, ઇતિહાસ કે દંતકથામાંથી એકાદ રસાળ અને ચમત્કૃતિપૂર્ણ પ્રસંગને પસંદ કરીને તેને પોતાની રીતે નાટકના સ્વરૂપમાં ઢાળે છે. લઘુ નાટકના નાનકડાં પટ ઉપર ખેલ કરતાં કરતાં જીવંત પાત્રોને ઉપસાવવાનું અઘરું કાર્ય પણ જયભિખ્ખુની સર્જકતા આસાનીથી સિદ્ધ કરે છે. એમનાં દરેક નાટકનાં મુખ્ય પાત્રોનો ઉઠાવ સચોટ રીતે થયો છે. આ નાટકોને સફળ બનાવવામાં જીવંત આવેશવાળા અને ચિત્રાત્મક સંવાદોનો પણ મોટો ફાળો છે. કથનની સરસતા અને સચોટતા આ સંવાદોનું આગવું લક્ષણ છે. નાટકકારની ઉદ્દિષ્ટ સૃષ્ટિને વાચકના ચિત્તમાં ઉપસાવવાનું અને તેની ભાવનાને હૃદયમાં ઉતારવાનું કામ સંવાદો જ કરે છે. અહીં સંવાદો દ્વારા પાત્રનું વ્યક્તિત્વ ઉઠાવ પામતું જાય છે. આ નાટકોમાં જયભિખ્ખુએ વસ્તુની પસંદગી જ એવી કુશળતાથી કરેલી છે કે એમાંથી નાટ્યક્ષમ સંઘર્ષ સહજ રીતે જન્મી જાય. નાટકમાં ઊભી થતી કટોકટી તથા તેના ભાવના ઉત્કલનબિંદુની સૂક્ષ્મ સમજ નાટકકારે વસ્તુનિરૂપણમાં દાખવી છે. આ નાટકોમાં વસ્તુના હાર્દને સ્ફુટા કરવામાં પાત્રો, અને સંવાદોની જેમ વાતાવરણ પણ મહત્ત્વનો ફાળો આપે છે. જયભિખ્ખુના નાટકોમાં માનવમૂલ્યોની હંમેશાં પ્રતિષ્ઠા થતી રહી છે. આ નાટકોમાં જીવનનો મર્મ અનાયાસ સહજ રીતે કળીમાંથી વિકસીને પૂર્ણ પુષ્પની જેમ - વિલસી રહ્યો છે. વિવિધ દૃશ્યોમાં વહેંચાયેલી આ નાટિકાઓનું કાઠું એકંદરે એકાંકીને મળતું આવે છે છતાં ઠેકઠેકાણે વિસ્તૃત પથરાટવાળી દૃશ્યયોજના કરીને નાટકકારે વસ્તુના પોતને થોડું પાતળું પાડી દીધું છે ને તેથી એકાંકીનું કલાવિધાન શિથિલ થતું પણ જણાય છે. આમાંથી અમુક દૃશ્યોની કાટછાંટ થઈ હોત તો એકાંકી વધુ ચૂસ્ત બનાવી શક્યા હોત. આમ આરંભકાલીન પ્રયત્નની કેટલીક મર્યાદાઓ એમાં હોવા છતાં આ નાટકો એક આશાસ્પદ નાટકકારનું દર્શન કરાવે છે. અલબત્ત, એક હકીકત નોંધવી રહી કે વિપુલ પ્રમાણના - નવલકથા, ટૂંકી વાર્તા અને પત્રકારત્વને લગતા - સાહિત્યસર્જનની વચ્ચે નાટ્યસર્જનના સર્જક જયભિખ્ખુને ઓછો ન્યાય મળ્યો છે. ગંગા-જમનાના મોટા પ્રવાહ તળે વહેતી સરસ્વતીના મહિમા જેવું એનું મૂલ્ય છે !

ટૂંકી વાર્તાની જેમ ચરિત્રક્ષેત્રે પણ જયભિખ્ખુનું યોગદાન માતબર પ્રકારનું છે. ત્રેવીસ જેટલા ચરિત્રગ્રંથો ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળામાં કેટલાંક બાલભોગ્ય, ટૂંકા અને પ્રેરક ચરિત્રો પણ તેઓ આપે છે. ‘ચારિત્ર્યને ને ઘડે તે ચરિત્ર’ એવા ચોક્કસ દ્રષ્ટિકોણને લઈને રચાયેલાં આ ચરિત્રો સર્જકની પ્રસંગની જમાવટની કલાથી અને રસળતી શૈલીથી આગવાં બની રહ્યાં છે. જયભિખ્ખુના સમગ્ર ચરિત્રસાહિત્યને તપાસતાં જણાય છે કે એમાં દીર્ધ ચરિત્રલેખનનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો જ વિશેષ પ્રમાણમાં તેઓ આપે છે. આવાં ચરિત્રો આપવા પાછળ ચિત્રકારનો હેતુ ચરિત્રનાયકના જીવન દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજ સમક્ષ પહોંચાડવાનો છે. પોતાની ચરિત્રવિષયક સામગ્રી સંશોધિત કરવામાં જયભિખ્ખુ ઠીક ઠીક પરિશ્રમ ઊઠાવે છે. ઉપલબ્ધ તમામ સામગ્રીમાંથી વિવેકયુક્ત તારવણી કરી વિશ્વસનીય હકીકતો સંપાદિત કરી એને રસયુક્ત બાનીમાં તેઓ અભિવ્યક્ત કરે છે. એકંદરે એમને પોતાના ચરિત્રનાયકો તરફ સમભાવ છે પણ નિરૂપણમાં તેઓ સત્યનિષ્ઠામાંથી ચલિત થતા નથી. જીવનચરિત્રનું સાહિત્યસ્વરૂપ વિષયવસ્તુની દૃષ્ટિએ ગુંજાશ ધરાવતું વ્યક્તિત્વ હોય અને સર્જકની શૈલી સક્ષમ હોય તો ટૂંકી વાર્તા કે નવલકથા જેવું રસાળ, સચોટ અને સુરેખ બની શકે એ વાતની પ્રતીતિ જયભિખ્ખુનાં ટૂંકા ચરિત્રો કરાવે છે.

આ ઉપરાંત ચરિત્રસાહિત્યને સંપૂર્ણ સાબિત થાય એવું બાલસાહિત્ય, શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોરસાહિત્ય તથા એ બે બાબતોની ઇતર વિવિધ સંદર્ભોમાં જીવનસંદેશ દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુની સર્જનપ્રતિભામાંથી પાંગરેલું - પ્રકીર્ણ છતાં નોંધપાત્ર સાહિત્ય છે. જયભિખ્ખુએ એમાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, ચરિત્ર, સંસારદર્શન વગેરે વિષે સરળ, સહજ અને બાલભોગ્ય શૈલીમાં આલેખન કર્યું છે. જયભિખ્ખુ પહેલાં કિશોરોને શૌર્ય - સાહસની પ્રેરણા મળી રહે એવું સાહિત્ય આપણે ત્યાં ઠીક પ્રમાણમાં લખાયું હતું પણ મોટે ભાગે એવા સાહિત્યના નાટકો ટારઝન કે અલીબાબા જેવી પરદેશી કથાસૃષ્ટિનાં પાત્રો હતાં. જયભિખ્ખુ અને એમના સમકાલીન બાળસાહિત્યકારો એ ભારત દેશના જ નવયુવાનોના ખમીરને વ્યક્ત કરતી સત્ય ઘટનાઓ કે કલ્પનાકથાઓ સાહસકથારૂપે આપવાની શરૂઆત કરી. વળી જયભિખ્ખુ પહેલાનું બાળસાહિત્ય કલ્પનાકથામાં વિશેષ રાચતું. એમાંની પરી અને રાક્ષસોની દુનિયાની સ્વપ્નમય સૃષ્ટિ વાંચતા આજે ય એના વચનના પરિણામ વિશે દ્વિધા રહે છે. જયભિખ્ખુએ એમાંથી ફંટાઈને વીર પુરુષોની કથાઓ આપી. બાળકોને પરીઓની સ્વપ્નસૃષ્ટિને બદલે શૌર્યની સૃષ્ટિનો પરિચય કરાવ્યો. જયભિખ્ખુનું આ સાહિત્યવિષય અને સ્વરૂપની દૃષ્ટિએ વૈવિધ્યવંતુ છે. જયભિખ્ખુનું આ સાહિત્ય એમાંથી ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરી દે એવું છે. જયભિખ્ખુએ આપેલી કહેવતકથાઓ એમના નાનકડા કથાવસ્તુને સચોટ કથનથી મર્મસ્પર્શી બનાવવાની સર્જકની ક્ષમતાનો પરિચય આપે છે. આ કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે, તો એમની પ્રાણી કથાઓ વાર્તાકલાના ઉત્કૃષ્ટ નમુના છે. એમાંય તે જૈન ધર્મની પ્રાણીકથાઓને સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે. જીવનમાંગલ્યલક્ષી સર્જકનો હેતુ આવા સાહિત્યના સર્જન પાછળ ઉમદા સાહિત્યના પ્રસાર-પ્રચારનો અને એ દ્વારા માનવીના સંસ્કાર ઘડતરનો જ છે.

પત્રકાર જયભિખ્ખુએ ઘણા લાંબા ગાળા સુધી એક કરતાં વધારે સામયિકોમાં નિયમિત સ્વરૂપે કૉલમો લખીને મબલખ સાહિત્ય ગુજરાતને ચરણે ધર્યું છે. એમના સમગ્ર સાહિત્યસર્જનનો ઘણો મોટો ભાગ પત્રકાર જયભિખ્ખુની દેન છે પણ એ સાહિત્ય કેવળ પત્રકારી ન રહેતાં – ચિરંજીવ બન્યું છે. એમની એ વૃત્તિ - પ્રવૃત્તિમાંથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રસંગકથાઓ અને બાળસાહિત્યના ઢગલાબંધ પુસ્તકો મળ્યાં છે. આ સાહિત્યમાં પણ જીવનલક્ષી સાહિત્યકાર જ સર્વત્ર છવાયેલો છે. એક રીતે જોઈએ તો કલમને વહેતી મૂકનાર કોઈપણ સર્જક સરવાળે તો જીવનલક્ષી જ હોય છે. જીવન જીવતા મનુષ્યોના અનુભવો અને પોતાના અધ્યાસોને આધારે સર્જક સાહિત્યની રચના કરે છે, અને એ દ્વારા જીવન જીવતા મનુષ્યોને સ્પર્શવાનો એને અભિલાષ હોય છે. આ બાબત પત્રકારને તો અનેકધા લાગુ પડે છે. પત્રકારનું કર્તવ્ય જ સમાજજાગૃતિનું છે. સમાચાર હોય કે કટારલેખન, પત્રકારે સૌ પ્રથમ વ્યવસાયની આદર્શવૃત્તિ જાળવવાની હોય છે. જયભિખ્ખુએ એ આદર્શો જાળવ્યા છે અને માનવમૂલ્યોની વિવિધલક્ષી પ્રતિષ્ઠાને અદકેરી સિદ્ધ કરી છે.

જયભિખ્ખુના સાહિત્ય અંગે ચર્ચા-વિચારણા કરતાં આપણે એકાધિક વાર કહ્યું છે કે આ લેખકે સતત લખ્યું છે. તેઓએ પોતાનો સહૃદય વર્ગ પણ ટકાવી રાખ્યો છે, એટલું જ નહિ, કેટલાક વિદ્વાન વિવેચકોએ પણ તેમના સાહિત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રસ દાખવ્યો છે. અલબત્ત જયભિખ્ખુને સાચો ન્યાય મળે, એટલું તેઓના સાહિત્યનું અધ્યયન થયું નથી. ચન્દ્રકાન્ત બક્ષી જેવા જબરું લખતા સર્જક તો કહેશે કે સફળ લેખકને વિવેચકના અભ્યાસની ખાસ ચિંતા હોતી નથી. વળી, આપણે ત્યાં આજે મૈત્રી વિવેચનનાં કાટલાંથી સાહિત્યિક સમીક્ષાઓનાં વજન જોવાય છે, ત્યારે બક્ષીની વાત વિચારવા જેવી પણ લાગે જ છે. આગળ વધીને એમ કહી શકીએ કે કોઈ પણ સફળ સર્જકની કોઈને ને કોઈને ક્યારેક તો ગરજ પડતી જ હોય છે. આ શોધનિબંધ પણ એવી જ કોઈ ગરજનું પરિણામ છે.

જયભિખ્ખુના સમગ્ર સાહિત્યસર્જનને અભિવ્યક્ત કરતી ગદ્યશૈલીનો મુખ્ય ગુણ એ કે તેઓ લેખન પરત્વે માંગલ્યદર્શી પ્રશિષ્ટ સર્જક હોવા છતાં શૈલી પરત્વે રંગદર્શી રહ્યા છે. અત્યંત સામાન્ય કથયિતવ્ય હોય તો પણ એમાંથી કશુંક અણધાર્યું સાધવાનો તેઓનો અનોખો આનંદ હોય છે. કોઈપણ સર્જક જ્યારે પાત્ર કે પ્રસંગનું આલેખન કરતો હોય છે ત્યારે એના વર્ણનમાં કેવળ શબ્દોની રજૂઆત હોતી નથી, પણ શબ્દસંલગ્ન એકાધિક સંદર્ભો આક્રમણ કરીને એમાંથી યોગ્ય પસંદગી કરવા એને પ્રેરે છે. સર્જક જો પોતે સ્વાધ્યાય-પરિશીલન ધારણ કરતો હોય તો તે શૈલીબળે અનેક સાહિત્યિક પરિણામો આપતો રહે છે. જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યમાં અનેક સ્થળે આ વસ્તુ જોવા મળે છે. નવલકથાઓમાં કવિતા કે કવિતાની સામગ્રીનો ઉપયોગ કરીને લેખક ગદ્યકૃતિને વધુ મહિમાવંત બનાવવાના પ્રયત્નો કર્યા છે. નવલકથાઓમાંની આ કવિતાની સામગ્રી નવલકથાના કાર્યવેગને વધુ તેજસ્વી બનાવે છે. એટલું જ નહિ પણ કથયિતવ્યને વધુ રમણીય અને આસ્વાદક રૂપ આપે છે. આ સર્જક પાસે નોંધપાત્ર ગદ્યરિદ્ધિ છે એની પ્રતીતિ એમનું કલ્પનાપ્રધાન સર્જનાત્મક ગદ્ય કરાવે છે.

સાહિત્યના વિષયવૈવિધ્યને કોઈ સીમા નથી. એમાંય, વૈવિધ્ય એ નવલકથાનું તો વિશિષ્ટ-સક્ષમ લક્ષણ છે. જયભિખ્ખુમાં પણ બેસુમાર વૈવિધ્ય છે. વસ્તુ અને સામગ્રી બંનેના ચયન અને સંયોજન દ્વારા તેઓ પોતાના સર્જનમાં એ લાક્ષણિકતાઓ દાખવે છે. અને તેથી જ આપણા અભ્યાસ માટે તેઓ નોંધપાત્ર બન્યા છે. એ ચયન અને સંયોજનને વિસ્તારથી દાખવવાનો આ મહાનિબંધનો સ્પષ્ટ આશય હતો. કેવળ નવલકથા કે ટૂંકી વાર્તાઓમાં જ નહિ, તેઓના અન્ય સાહિત્યમાં પણ એનું મૂલ્ય આપણે તપાસ્યું છે અને એનો મહિમા પણ યથાપ્રસંગ દાખવ્યો જ છે.

સમાજ, ધર્મ, ઇતિહાસ વગેરેના વસ્તુચયનની સાથે સાથે જ એના નિરૂપણના માહાત્મ્યને પણ આપણે તપાસ્યું છે. કોઈ પણ વિષયવસ્તુના આલેખનને આ સર્જકે પોતાના શૈલીબળના પ્રભાવથી રસાત્મક અને હૃદયંગમ બનાવ્યું છે. કથનવર્ણન અને સંવાદની સાથે સાથે જરૂર ઊભી થતાં કવિતા અને કવિતાની સામગ્રીનો વિનિયોગ કરતાં જયભિખ્ખુને નવલકથાના સ્વરૂપનો સંકોચ નડ્યો નથી, અને, બીજે પક્ષે, સહૃદયને પણ એ સામગ્રી કઠતી લાગતી નથી. સાદી ભાષામાં વાત કરીએ તો નવલકથાને, પેલી કવિતા કે કવિતાની સામગ્રી ઉપકારક બનતી આવે છે અને કથામર્મનું સાર્થક્ય પ્રગટાવવા એ પ્રભાવક પણ બને જ છે.

સર્જનાત્મક અભિવ્યક્તિની તપાસ માટે ‘સાહિત્યસંશોધનની પદ્ધતિ’માં ચંપૂ વ્યાસે જે મુદ્દાઓ ઉપસાવ્યા છે, એમાંથી ચાર મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખીને આપણે જયભિખ્ખુનો અભ્યાસ કર્યો છે : (૧) સર્જકનું સર્જકકાર્ય, (૨) સર્જકીય સામર્થ્ય દર્શાવતી રજૂઆતની ક્ષમતા, (૩) સર્જક કાર્યમાં આવતી સંવેદનશીલતા અને કલ્પનાશીલતા, (૪) સંયોજનલક્ષી નિર્માણવ્યવસ્થા (પૃ. ૭૬).

આ ચારેયને ધ્યાનમાં રાખીને કાર્ય કરતાં સ્વાભાવિક રીતે જ આપણે Toxtual અને Contextual એમ બંને પ્રકારનો અભ્યાસ કરીને જયભિખ્ખુના સાહિત્યને મૂલ્યાંકિત કરી આપવાનો પ્રયત્ન કર્યો છે. જયભિખ્ખુના સર્જનમાં - ખાસ તો નવલકથા, ટૂંકી વાર્તા, નાટકમાં - જે કાંઈ કથાવસ્તુનું વૈવિધ્ય છે, તેની તપાસની સાથે સાથે જ એમાં આવતા તમામ ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંદર્ભો આપણે તપાસ્યા છે. આ સંદર્ભો પાત્રપ્રસંગ દ્વારા કે કથન-વર્ણન-સંવાદ દ્વારા સાહિત્યસર્જનના સંયોજનની કઈ કઈ વિશિષ્ટતાઓ દાખવે છે, એ પણ યથાપ્રસંગ સમજાવ્યું છે.

આ તમામના તારણરૂપે એમ કહી શકાય કે જયભિખ્ખુના સાહિત્યમાં સાહિત્યિક સંપ્રાપ્તિની સાથે સાથે સાંસ્કૃતિક સંપ્રાપ્તિનો વિશિષ્ટ યોગ રહેલો છે. સાંસ્કૃતિક ચલણવલણ દાખવવા લેખકે કોઈ આભિનિવેશિક વલણ દાખવ્યું નથી. એમ છતાં તેઓના સાહિત્યસર્જનમાં જે રીતે સમાજ-ધર્મ- ઇતિહાસના સાંસ્કૃતિક સંદર્ભો પ્રાપ્ય બને છે તથા ભારતીય સાંસ્કૃતિક અસ્મિતાના માહાત્મ્યનું દર્શન થાય છે, એ સાંસ્કૃતિક સંપ્રાપ્તિ પણ તેઓના સર્જન દ્વારા પ્રાપ્ત થતી સાહિત્યિક સંપ્રાપ્તિ જેટલી જ મૂલ્યવાન છે.

જયભિખ્ખુ માંગલ્યદર્શી સર્જક છે, એટલું કહેવું બસ નથી. તેઓએ સાહિત્યપદાર્થમાં માંગલ્યના દ્રવ્યની સેળભેળ કરીને આલેખન કર્યું નથી. આ અભ્યાસ જોતાં સમજાશે કે વિષયવસ્તુના સંપૂર્ણ દર્શન પછી જ આપણે એમાં રહેલા માંગલ્યનો અનુભવ આસ્વાદ્યો છે. વિષયવસ્તુના તેજવર્તુળનું સમજણપૂર્વક અભ્યાસ દર્શન કરતાં કરતાં આપણે જ્યારે કેન્દ્રમાં આવ્યા છીએ ત્યારે પેલા જીવન – માંગલ્યનું દ્રવ્ય આપણા હાથમાં આવ્યું છે અને તેથી જ આપણે એ માંગલ્યદ્રવ્યનું સાહિત્યપદાર્થ જેટલું જ જતન કર્યું છે. માંગલ્યના એ આદર્શના ગઠ્ઠાટુકડા આપણે મોટે ભાગે જયભિખ્ખુની કૃતિઓમાં જોયા નથી. જે કંઈ આવે છે એ સાહિત્યના જ - એક સંયોજિત સ્વરૂપના - દર્શનરૂપે આવે છે અને એ આપણા અભ્યાસનું મહત્ત્વનું તારણ છે. બીજી રીતે જોઈએ તો વ્યક્તિથી માંડીને છેક રાષ્ટ્રજીવન અને એના અવાન્તરક્રમે સમષ્ટિને સ્પર્શતો સર્જકનો માંગલ્યલક્ષી આદર્શ તેઓના રચનાવિધાનમાં જેમ પ્રવર્તતો હોય છે – એ પકડાતો નથી, પામી જવાતો હોય છે. પુષ્પસૌંદર્યનો સાચો મરમી એના રંગઆકારાદિનો મહિમા કરે છે અને સાથે સાથે સુગંધની પણ અપેક્ષા રાખે છે. આગળ વધીને એમ પણ કહી શકાય છે. સુગંધ ઉપરાંત સફળતાનો ખ્યાલ પણ એ મરમીના ચિત્તમાં હોય છે. આ સંદર્ભમાં જયભિખ્ખુના સર્જનઆદર્શને સહૃદયતાથી તપાસવાનું – પામવાનું અને એનો મહિમા કરવાનું મહત્ત્વનું છે. તેથી જ, તેઓના સર્જનમાં ક્યારેક અતિચારી બનતા શૃંગારચેષ્ટાઓ કે વધુ રસિક બનતાં સ્ત્રી સૌંદર્યનાં વર્ણનો પણ સહૃદયને સરવાળે સંતર્પક બનતાં હોય છે.

અહીં જયભિખ્ખુના સાહિત્યસર્જનનો સમગ્રલક્ષી અભ્યાસ રજૂ કર્યો છે. એનાં વિવિધ પ્રકરણોમાં છેવટનું મહત્ત્વનું કારણ એ રહ્યું છે કે આ સર્જનનો આપણા સાહિત્યિક-સાંસ્કૃતિક અભ્યાસક્ષેત્રોમાં વધુ ને વધુ અભ્યાસ થવો જોઈએ. તેઓની કૃતિઓના સર્જનકાળ દરમ્યાન સમકાલીનોએ પણ એ સર્જનના મહિમા વિષે જોઈએ એટલું ધ્યાન આપ્યું નથી અને પછી પણ જે કાંઈ સંશોધન-વિવેચન થયું છે, એ ઓછું જ થયું છે એમ લાગે. સર્જકનું ગૌરવ તો એના વધુ ને વધુ અભ્યાસથી જ થઈ શકે. આ પુસ્તકનાં કેટલાંક પ્રકરણો વિશે ભાવિ સંશોધકો વિસ્તારથી સંશોધન કરશે અને જયભિખ્ખુની નવલકથાઓ (એનાય વિષયવસ્તુલક્ષી વિભાગો - પ્રકારો છે એ વિષે), ટૂંકી વાર્તાઓ તથા તેઓના પત્રકારત્વ અને ચરિત્રસાહિત્ય વિષે અલાયદા શોધનિબંધો ગુજરાતને મળશે અને એની સંશોધનાત્મક સાહિત્યિક- સાંસ્કૃતિક સંપ્રાપ્તિથી ગુજરાત ધન્ય બનશે તો આ પુસ્તકનું કર્તુત્વ પણ ધન્ય બનશે .