જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/વાર્તા - ઉન્મેષ અને અભિગમ

વિકિસ્રોતમાંથી
← નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
વાર્તા - ઉન્મેષ અને અભિગમ
નટુભાઈ ઠક્કર
નાટ્યકાર જયભિખ્ખુ →


પ્રકરણ ૩

વાર્તા : ઉન્મેષ અને અભિગમ

સાહિત્યનાં સઘળાં સ્વરૂપોમાં સૌથી વધારે પ્રાચીન સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. ‘હિતોપદેશ’, ‘પંચતંત્રની વાતો’, ‘જાતક કથાઓ’ વગેરેમાં એનાં બીજ દેખાય છે અને તેથી ધૂમકેતુએ નવલિકા પાસે આત્મનિવેદન કરાવતાં કહ્યું છે : ‘હું લગભગ બેત્રણ હજાર વર્ષની મુસાફરી કરતી આવી છું.’ (‘ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તા’ની પ્રસ્તાવના, પૃ. ૧૭), છતાં અર્વાચીન ટૂંકી વાર્તા એ પ્રાચીન ટૂંકી વાર્તાથી સાવ જુદી જ ચીજ છે. એક વિશિષ્ટ કલાપ્રકાર તરીકે, સર્જકની અનુભૂતિની સંક્રાંતિના એક સબળ અને સચોટ માધ્યમ તરીકે આ અર્વાચીન ટૂંકી વાર્તાનો જન્મ ગુજરાતી સાહિત્યમાં તો છેક વીસમી સદીમાં થયો છે.

નવલકથાની જેમ ટૂંકી વાર્તા પણ સપ્તાંગી સૃષ્ટિ છે. વસ્તુ, પાત્ર, સંવાદ, વાતાવરણ, ભાષાશૈલી, રસ અને જીવનદર્શનને અભિવ્યક્ત કરતી આ સપ્તાંગી સૃષ્ટિ સજીવ છે અને એનાં અંગો એકબીજાથી અવિચ્છેદ્ય છે. વિરાટ સૃષ્ટિના જીવનસત્યમાંથી ઉદ્‌ભવતા અને ટકી જતાં આ સત્ત્વોનો સુભગ સમન્વય કરીને એક સુંદર આકાર ટૂંકી વાર્તામાં રચાતો આવે છે અને એમાંથી જ એનું નિરાળું પોત પ્રગટ થાય છે.

ટૂંકી વાર્તાનું અસ્તિત્વ વસ્તુ વિના સંભવી શકે નહીં. વસ્તુની પસંદગી ઉપર જ ટૂંકી વાર્તાની સફળતાનો આધાર રહેલો છે. વસ્તુની પસંદગી માટે વાર્તાકાર પાસે જીવનનું વિશાળ ક્ષેત્ર પડેલું છે. જીવન જેટલું વિશાળ એટલું જ વિશાળ ટૂંકી વાર્તાનું વસ્તુફલક. આવા વિશાળ ફલકમાંથી ટૂંકી વાર્તાનો કર્તા જે વસ્તુ પસંદ કરે છે તે પ્રમાણમાં ટૂંકું અને ચમત્કૃતિભર હોવું જોઈએ. ટૂંકી વાર્તામાં વસ્તુ એ ટૂંકી વાર્તાના શિલ્પને ખડું કરવાની પાલખ છે. અલબત્ત, પહેલાના સમયે ટૂંકી વાર્તામાં વસ્તુની જેવી અનિવાર્યતા હતી એવી અત્યારે નથી. આમ હોવા છતાં નાની કે મોટી ઘટના વગર ટૂંકી વાર્તાની ઇમારત ખડી કરવાનું કાર્ય મુશ્કેલ જરૂર બને. ટૂંકી વાર્તામાં વસ્તુફલક મર્યાદિત હોવાથી એનું સંવિધાન કુશળતા માગી લે છે. ટૂંકી વાર્તા જે બિંદુએ શરૂ થાય તેનાથી જ આગળ વધીને અપ્રસ્તુત અંશોને લાવ્યા વિના, એ જ રસબિંદુએ સમાપન પામે. આરંભમાં એનું જે રસબિંદુ રચાયું હોય એને જ અનુરૂપ સચોટ અંત આવે એ જરૂરી છે. ટૂંકી વાર્તાના આરંભ, મધ્ય અને અંત વચ્ચે સુમેળ અને સુસંગતતા હોવી જોઈએ. ટૂંકી વાર્તામાં બનાવોની ગોઠવણ એવી રીતે થવી જોઈએ કે જેથી એમાં કુતૂહલ જન્મીને સતત રસ ટકી રહે અને બનાવો એના સ્વાભાવિક ક્રમમાં આવતા રહે. કદની લઘુતાને કારણે એમાં પ્રસંગબાહુલ્યને અવકાશ નથી. વીજળીના ઝબકારની જેમ જીવનના એક અગોચર ખંડને ક્ષણમાં આલોકિત કરતી ટૂંકી વાર્તાનો વ્યાપ ભલે મોટો ન હોય, એની દૃષ્ટિ વેધક છે. વ્યાપના અભાવમાંથી ટૂંકીવાર્તા જે ગુમાવે છે તે એકાગ્રતા અને ઉત્કટતાની સાધનાથી પાછું મેળવે છે. ટૂંકી વાર્તામાં જે ઘટના આલેખવામાં આવે તે પ્રતીતિકર લાગવી જોઈએ. આ અર્થમાં ટૂંકી વાર્તાનો સચોટ અંત કેવળ વસ્તુલક્ષી નહિ, પણ ભાવનાલક્ષી પણ બને છે, ઘણી વાર્તાઓનો અંત ભાવકચિત્તને ક્ષુભિત કરી મૂકે, વિચારતું કરી મૂકે એવું આયોજન હોય તો એ વિશેષ અર્થમાં સચોટ અંત જ કહેવાય.

ટૂંકા ફલક ઉપર વિહરતી હોવાને કારણે ટૂંકી વાર્તાએ પાત્રની પસંદગી પરત્વે પણ કરકસર અને સંયમ જાળવવાના હોય છે. મોટે ભાગે એક મુખ્ય પાત્રની આસપાસ જ વાર્તાની ગૂંથણી થાય છે. ટૂંકી વાર્તાના પાત્રો સજીવ, સુરેખ અને વ્યક્તિત્ત્વયુક્ત હોવાં જોઈએ. પાત્ર વ્યક્તિચિત્ર કે જાતિચિત્ર ભલે હોય એમાં જીવંતતા અવશ્ય હોવી જોઈએ. ટૂંકી વાર્તાનાં પાત્રો ગતિશીલ અને અગતિશીલ બંને પ્રકારનાં હોય. વાર્તામાં બંને પ્રકારનાં પાત્રો સરખાં રસ જન્માવી શકે છે. નવલકથાની જેમ ટૂંકી વાર્તાનો સર્જક પાત્રનાં ઘણાં બધાં પાસાઓનું સુરેખ નિરૂપણ પોતાની કૃતિમાં કરી શકતો નથી. એણે તો પાત્રનું અમુક એકાદ પાસે જ સાંગોપાંગ રૂપે નિરૂપવું જોઈએ. ટૂંકી વાર્તાકાર ઇચ્છે તો પોતાની કૃતિમાં પાત્રને આંતરબાહ્ય બંને પ્રકારનો પરિચય પાત્રની થોડી પણ ચમકદાર રેખાઓ દ્વારા કરાવી શકે.

ટૂંકી વાર્તામાં સંવાદનું પણ ક્યારેક નોંધપાત્ર યોગદાન બની રહે છે. એના દ્વારા વાર્તામાં વસ્તુ અને પાત્ર ઉદ્‌ધાટન પામે છે. ટૂંકી વાર્તાના સંવાદો પાત્રાનુરૂપ અને પ્રસંગોચિત્ત હોવા જોઈએ. આકર્ષક, તેજસ્વી અને ધારદાર સંવાદો ટૂંકી વાર્તાને નાટ્યાત્મક બનાવી શકે. ટૂંકી વાર્તામાં આવતા ટૂંકા અને અણિયાળા સંવાદોએ એક બાજુ પાત્રના વ્યક્તિત્વનો સૂક્ષ્મ પરિચય કરાવવાનો છે અને બીજી બાજુ પાત્રની પરિસ્થિતિનો સમ્યક્‌ બોધ પણ કરાવવાનો છે. લાંબા સંભાષણ જેવા સંવાદોને બદલે ટૂંકા અને યક્તિત્વદ્યોતક સંવાદો વાર્તાને અસરકારકતા પ્રાપ્ત કરાવી શકે. ટૂંકી વાર્તાના આ સંવાદોમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ અને નાટ્યકૌશલ હોવાં જોઈએ. નિર્બળ સંવાદે, ઘણી વાર સારી કૃતિની અસરકારકતા ઘટાડી દે છે તેમ જ તેનાં પાત્રને ફીકા બનાવી દે છે.

ટૂંકી વાર્તામાં વસ્તુ, પાત્ર, સંવાદની જેમ વાતાવરણ એટલે કે સ્થળ અને કાળના યથાપ્રસંગ પ્રગટીકરણનું ખૂબ મહત્ત્વ છે. વાતાવરણ વિના - સ્થળ અને કાળની પાશ્ચાદ્‌ભૂ વિના – ટૂંકી વાર્તા રચી શકાતી નથી. ટૂંકી વાર્તામાં આ સ્થળ અને કાળની પશ્ચાદ્‌ભૂ આપોઆપ ઊપસતી આવવી જોઈએ. પાત્રોનું જીવન દર્શાવાતું જાય એમ એની વિગતો ઉપરથી સમય અને સ્થળની રેખાઓ ઉપસવા માંડે છે. ટૂંકી વાર્તાકારે વાર્તામાં વાતાવરણનો પશ્ચાદ્‌ભૂ તરીકે જ ઉપયોગ કરવાનો હોવાથી એ જ મુખ્ય ન બની જાય એની સાવધાની રાખવાની હોય છે. ટૂંકી વાર્તામાં વાતાવરણ-નિરૂપણ સમયે જ વાર્તાકારે પ્રતીતિકરતાના તત્ત્વને પણ ધ્યાનમાં રાખવું પડે છે. જે-તે સમયના સ્થળ અને સમયને નિરૂપતા વાર્તાકારે એ સમય અને સ્થળને અનુરૂપ વાતાવરણ ઉપસાવવું પડે છે. ઐતિહાસિક ટૂંકી વાર્તામાં જે-તે સમય અને સ્થળનું તથા સમકાલીન જીવનની વાર્તામાં આજનું વાતાવરણ વાચકને પ્રતીતિકર લાગે એ રીતે આલેખાય એ જરૂરી છે. ક્યારેક વાતાવરણ પ્રતીતિકર અને તાદૃશ બનાવવા વાર્તાકારે વાતાવરણને અનુરૂપ ભાષા કે બોલીનું સભાનતાથી નિરૂપણ કરવું પડે છે.

ટૂંકી વાર્તાકારના વસ્તુ, પાત્ર કે સંવાદને મૂર્ત રૂપ આપવાનું કામ કરે છે વાર્તાકારની ભાષાશૈલી. આથી ટૂંકી વાર્તામાં ભાષાશૈલી એ એક અનિવાર્ય તત્ત્વ છે. શબ્દના સ્વામી બન્યા સિવાય વાર્તાકાર ન થઈ શકાય. કારણ કે વાર્તાકારે થોડા શબ્દોમાં જ વાર્તાની અસરકારકતા સિદ્ધ કરવાની છે એટલે એની પાસે શબ્દવિવેકની સૌથી વધુ અપેક્ષા રહે છે. ભાવકના ચિત્તમાં ચમત્કૃતિ ઉપજાવી શકે, એનું વાર્તામાં સતત ધ્યાન રોકી શકે, એને વાર્તાના નિર્વહણમાં અંતરાય વગર વહેતો રાખી શકે એવા વીણેલા શબ્દોથી જ વાર્તાકારે કામ પૂરું પાડવાનું હોવાથી વાર્તામાં ભાષાશૈલીનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. ટૂંકી વાર્તાની ભાષા પ્રવાહી અને વાર્તાવિષયને અનુરૂપ હોવી જોઈએ. વાર્તામાં ભાષાનું જોમ, ભાષાનું સૌંદર્ય, ભાષાનો લય, શબ્દકોશની વિપુલતા, વિવિધ વાક્યભંગીઓ, આલંકારિકતા અને પ્રતિકાત્મકતા આ બધાં તત્ત્વો પણ ઔચિત્યપુર:સર સિદ્ધ થવાં જોઈએ.

સાહિત્યનાં અન્ય સ્વરૂપોની જેમ ટૂંકી વાર્તામાં પણ વિવિધ રસોનું નિરૂપણ થાય છે. અલબત્ત, નવલકથા જેવી રીતે એકસાથે અનેક રસોનો આસ્વાદ કરાવી શકે છે તેમ ટૂંકી વાર્તા કરાવી શકતી નથી પણ એક ટૂંકી વાર્તાનો સંગ્રહ આપણને એની જુદી જુદી વાર્તાઓ દ્વારા જુદા જુદા રસનો આસ્વાદ કરાવી શકે છે ખરો. એક ટૂંકી વાર્તામાં તો વધુમાં વધુ બે કે ત્રણ રસનું નિરૂપણ થાય, એમાંય મુખ્ય રસ તો એક જ હોય છે.

કવિતા કે નવલકથાની જેમ ટૂંકી વાર્તા પણ જીવનના કોઈ રહસ્યને સૂચવી જાય છે. અલબત્ત ટૂંકી વાર્તામાં વીજળીના ઝબકારની જેમ આવતું આ રહસ્ય માનવના ચિત્તને ક્ષણમાં આલોકિત કરે એવું હોવું જોઈએ. ટૂંકી વાર્તામાં આવતું આ જીવનદર્શન ઉપદેશાત્મક ઢબે ન આવવું જોઈએ. કારણ કે કોઈપણ કલાકૃતિની જેમ ટૂંકી વાર્તાનું પણ મુખ્ય ધ્યેય તો આનંદની પ્રાપ્તિ કરાવવાનું જ છે.

આમ, ટૂંકું અને ચમત્કૃતિપૂર્ણ વસ્તુ પસંદ કરીને, તેનું કુશળ સંવિધાન યોજીને, સજીવ, સુરેખ અને વ્યક્તિત્વયુક્ત પાત્રોનું સર્જન કરીને, પ્રતીતિકર વાતાવરણ નિરૂપીને અને પ્રસંગોચિત્ત, તેજસ્વી અને ધારદાર સંવાદો યોજીને સચોટ ભાષાશૈલીમાં રસભાવાદિનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તા એ સમયના પ્રવાહ સાથે પોતાનું સ્વરૂપ બદલતી રહી છે.

પ્રસ્તુત પ્રકરણમાં જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિનો પરિચય મેળવીએ તે પહેલાં ગુજરાતી સાહિત્યમાં જયભિખ્ખુના આગમન પહેલાં ટૂંકી વાર્તાએ કેવો વિકાસ સાધ્યો હતો તેનું વિહંગવાલોકન અસ્થાને નહીં બને. છેક પુરાતનકાળથી પ્રચલીત એવા આ સાહિત્યમાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી જે પરિવર્તનો આવ્યાં એના પરિણામરૂપે અર્વાચીન કાળમાં ટૂંકી વાર્તાનું બાહ્ય અને આંતર ક્લેવર બદલાયું.

આવાં બદલાયેલાં રૂપ-સ્વરૂપવાળી ગુજરાતી ટૂંકી વાર્તા એના સાચા અર્થમાં તો સૌપ્રથમ વાર મળે છે ગાંધીયુગના સર્જકો પાસેથી. નર્મદયુગે બોધાત્મક રૂપે જ નવલિકાઓ આપી તો પંડિતયુગની ગંભીર સાહિત્યોપાસનામાં નવલિકાને નહીંવત્ સ્થાન મળ્યું. ગુજરાતી સાહિત્યની કલાત્મક ટૂંકી વાર્તા સૌથી પ્રથમ પ્રાપ્ત થાય છે. ગાંધીયુગમાં મલયાનિલ પાસેથી, નવલિકાની કલાનો પ્રથમ મૌલિક ઉન્મેષ એમની ‘ગોવાલણી’માં પ્રગટ થયો. મલયાનિલના સમકાલીન ધનસુખલાલ મહેતા ‘પહેલો ફાલ’, ‘હું, સરલા ને મિત્રમંડળ’, ‘સંધ્યા ટાણે’ જેવા અનેક વાર્તાસંગ્રહો લઈને આવે છે. તેમાં હાસ્યરસનું નિરૂપણ ખાસ ધ્યાનાકર્ષક બને છે. ધનસુખલાલ મહેતા પછી આવતા મુનશી ‘મારી કમળા અને બીજી વાતો’ દ્વારા પોતાની વાર્તાકાર તરીકેની શક્તિઓનું દર્શન કરાવે છે. મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને મુનશી એ ત્રણ આરંભકાળે નવલિકાની કલાના સાચા મર્મજ્ઞ બન્યા. વાર્તાકળા ખીલવા લાગી અને નવલિકાની સ્વતંત્ર કલાપ્રકાર તરીકેની ગુંજાશનો મર્મજ્ઞોને ખ્યાલ આપ્યો.

મુનશી પછી ‘તણખા’નાં વિવિધ મંડળો લઈને એક બાજુ આવે છે ધૂમકેતુ અને બીજી બાજુ ‘દ્વિરેફની વાતો’નો મધુ ગુંજારવ પ્રસરાવે છે. રા. વિ. પાઠક-દ્વિરેફ. બંને ગુજરાતી વાર્તાસાહિત્યનાં શિખર છે. માનવજીવનના રહસ્યથી સુપેરે અંકિત એવી વાર્તાઓ વિપુલ પ્રમાણમાં લઈને આવતા ધૂમકેતુનો પ્રભાવ જયભિખ્ખુ ઉપર સારા એવા પ્રમાણમાં રહ્યો છે. બંને મિત્રો પણ ખરા. સાહિત્યસૃષ્ટિની એમની મિજલસે કેટલુંક સહિયારું સર્જન કર્યું છે ત્યારે એને મુકાબલે દ્વિરેફની વાર્તાસૃષ્ટિ મર્યાદિત છે. ધૂમકેતુ ભાવનાદર્શી વાર્તાકાર રહ્યા છે જ્યારે દ્વિરેફ વાસ્તવદર્શી. દ્વિરેફની વાર્તાઓમાં લાગણીના અતિરેકને સ્થાને કલાનો સંયમ નજરે પડે છે.

ધૂમકેતુ અને દ્વિરેફની વચ્ચે વાર્તાક્ષેત્રે થોડાં નામોનો ઉલ્લેખ કરવો જોઈએ એમાં ‘સાહેબરામ અને બીજી વાર્તાઓ’ના લેખક રણજિતરામ મહેતા, ‘જીવનમાંથી જડેલી’ના લેખિકા લીલાવતી મુનશી, ‘સંસારલીલા’ અને ‘વીતકની વાતો’ના સર્જક મટુભાઈ કાંટાવાળા નોંધપાત્ર છે. આ સહુમાં નારીજીવનની દુઃખદાયક કહાણીઓને આવેશપૂર્વક રજૂ કરનાર લીલાવતી મુનશીનું પ્રદાન સ્મરણીય બને છે.

સોરઠની રઢિયાળી ધરતીના કળાયેલ મોર મેઘાણી પાસેથી ‘સૌરાષ્ટ્રની રસધાર’ તથા ‘સોરઠી બહારવટિયા’ના વિવિધ ભાગોમાં જે વિપુલ વાર્તાસૃષ્ટિ મળે છે એની મુખ્ય લાક્ષણિકતા એ ચે કે નવલિકામાં લોકસાહિત્યની વાર્તાનાં તત્ત્વોને વણી લીધાં. ગત યુગની દિલાવરીભરી સંસ્કૃતિની પ્રતિમાઓનું દર્શન કરાવનાર આ સાહિત્યકાર ટૂંકી વાર્તાક્ષેત્રે આ બાબતમાં જયભિખ્ખુના પ્રેરક બન્યા હશે.

ધૂમકેતુ, દ્વિરેફ અને મેઘાણી જેવા સિદ્ધહસ્ત સર્જકોના હાથે અવનવા કલારૂપ પામતી ટૂંકી વાર્તા જ્યારે ૨. વ. દેસાઈના હાથમાં આવે છે ત્યારે વિપુલ એવી વાર્તાસૃષ્ટિના આ સર્જકની વાર્તાઓ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ક્યારેક સિદ્ધ નવલકથાકારના હાથમાંથી નવલિકા છટકી જાય છે ખરી. જ્યારે કવિ-વાર્તાકાર ઉમાશંકરે ‘ત્રણ અડધું બે’, ‘અંતરાય’ અને બહુ પ્રચલિત ‘શ્રાવણી મેળો’ દ્વારા વાર્તાનો જે ચકડોળ ચગાવ્યો એ હજુ પણ ચાલુ જ છે. વાર્તામાં મનોવૈજ્ઞાનિક રહસ્યનું નિરૂપણ તેઓ સૌ પ્રથમવાર લઈને આવ્યા છે. પોતાની વાર્તાઓમાં વેદનાનું ઘેરું ચિત્રણ કરવાને બદલે હળવા સ્પર્શથી વેદનાને તેઓ વ્યંજિત કરે છે.

‘હીરાકણી’, ‘પિયાસી’, ‘ઉન્નયન’ વગેરે વાર્તાસંગ્રહો લઈને આવતા સુંદરમ્‌ની કેટલીક વાર્તાઓમાં માનવહૈયાની વણછીપી તૃષાનું આલેખન વિશેષ પ્રમાણમાં થયું છે. એમની વાર્તાઓનું વાસ્તવચિત્રણ વેધક અને મર્મસ્પર્શે છે. વાર્તાકારનો સમાજવાદી દૃષ્ટિકોણ અછતો રહેતો નથી. ‘ગાતા આસોપાલવ’, ‘તૂટેલો તાર’, ‘સ્વર્ગ અને પૃથ્વી’ના સર્જક કવિ-વાર્તાકાર સ્નેહરશ્મિનું કાવ્યત્વ વાર્તાઓ ઉપર આક્રમણ કરી જાય છે ખરું. આ કારણે એમની વાર્તાઓ ગદ્યદેહે વિચરતાં ઊર્મિકાવ્યો જેવી વધુ બની છે.

ઉમાશંકર, સુંદરમ અને સ્નેહરશ્મિની કવિ-વાર્તાકારોની ત્રિપુટી પછી આવતા પન્નાલાલ અને પેટલીકર ગ્રામજીવનના વાસ્તવદર્શી, ભાવનારંગી આલેખનો લઈને વાર્તાક્ષેત્રે પ્રવેશે છે. એમના આગમન પછી જાનપદી વાર્તાઓની પરંપરાઓ આપણે ત્યાં સુદઢ થાય છે. પ્રાદેશિક રંગની આ નવલિકાઓમાં પન્નાલાલ પટેલે ‘સુખદુ:ખના સાથી’, ‘જિંદગીના ખેલ’, ‘જીવોદાંડ’, ‘લખચોરાશી’ વગેરેમાં ઇડર પ્રદેશનું, તેમની લોકબોલીની સાથે ચિત્રણ કર્યું છે તો ‘પારસમણિ’ ‘કાશીનું કરવત’ અને ‘લોહીની સગાઈ’ વગેરેમાં પેટલીકરે ચરોતરના જનજીવનને આલેખ્યું છે. પેટલીકરની વાર્તાઓમાં મોટે ભાગે કથાવર્ણન પ્રધાન હોય છે.

પન્નાલાલ પટેલ અને પેટલીકર પછી આવતાં ચુનીલાલ મડિયાથી ગ્રામજીવનની વાર્તાઓમાં મધ્ય સૌરાષ્ટ્રના પ્રાદેશિક રંગોની સાથે મુંબઈનું વાતાવરણ પણ આલેખાય છે. એમની પાસેથી ‘ઘૂઘવતાં પૂર’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્રોતા’ વગેરે વાર્તાસંગ્રહો મળે છે.

ઈ. સ. ૧૯૪૪માં સૌ પહેલો વાર્તાસંગ્રહ ‘ઉપવન’ લઈને જ્યારે જયભિખ્ખુ વાર્તાક્ષેત્રે પ્રવેશે છે ત્યારે આમ પાશ્ચાત્ય સંસ્કારોના સ્પર્શવાળું ટૂંકીવાર્તાનું સ્વરૂપ એની ઘણી બધી પાંદડીઓ સમેત વિકસિત થઈ ચૂક્યું હતું. અલબત્ત, સુરેશ જોષી ના આગમન પછી એટલે કે ઈ. સ. ૧૯૫૭ બાદ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં જે આમૂલ પરિવર્તન આવ્યું એવી વાર્તાઓ જ્યારે લખવાની શરૂ થઈ હતી ત્યારે પણ જયભિખ્ખુનું વાર્તાક્ષેત્રે પ્રદાન ચાલું હતું. પણ નવી ટેકનીકવાળી વાર્તાઓ આપવા તરફ તેઓ મોટે ભાગે ઉદાસીન જ રહ્યા છે, એવું એના સમગ્ર વાર્તાસર્જન ઉપર નજર કરતાં લાગે. ઘટનાને ગૌણ કરીને વાર્તાના સ્વરૂપને મહત્ત્વ આપતી સુરેશ જોષીના પ્રભાવથી વેગીલી બનેલી ટૂંકી વાર્તાના પણ સમકાલીન રહેલા જયભિખ્ખુએ આ પ્રવાહનું અનુસરણ કર્યું નથી, પણ વિષયવસ્તુ અને સામગ્રીના વૈવિધ્યને સમૃદ્ધ રીતે ટૂંકી વાર્તામાં ઢાળવાનો તેમનો ઉદ્યમ પોતાની અભ્યાસપાત્રતા સિદ્ધ કરે છે એટલું અવશ્ય કહી શકાય.

‘ગુલાબ અને કંટક’ :

શ્રી જયભિખ્ખુ એ સામાજિક, રાજકીય પ્રસંગચિત્રોરૂપે ઓળખાવેલ ‘ગુલાબ અને કંટક’માંની ૩૧ વાર્તાઓ પત્રકારલેખકની કલમનું ફળ છે. ‘દૈનિકના વણસ્પર્શેલા વાતાવરણને સ્પર્શવાનો લાભ મળે એ હેતુથી’ (‘પ્રવેશ ':પૃ. ૫’) લખાયેલી આ વાર્તાઓને એના લાભાલાભ બંને મળ્યા છે. લેખકે અહીં મુખ્યત્વે રાજકીય અને સામાજિક જીવનનાં ગુલાબ અને કંટકને નિરૂપવાનું તાક્યું છે.

સંગ્રહની પહેલી પાંચ વાર્તાઓ નારીજીવનના બહુરૂપી કારુણ્યને વર્ણવે છે. પ્રવેશમાં વાર્તાકાર કહે છે ‘સમાજમાં પ્રગતિની દૃષ્ટિએ સ્ત્રી દાસી મટી દેવી બની છે, પણ એ મંદિરમાં જ દેવ બનીને પુરુષ-પૂજારી પેસી ગયો છે. આખરી વર્ચસ્વ પુરુષનું ! સ્ત્રી પહેરે-ઓઢવે સ્વતંત્ર ! હાલ-ચાલમાં સ્વતંત્ર ! વિહાર-વિલાસમાં સ્વતંત્ર, પણ છેલ્લી ઘડીએ એને પુરુષવર્ચસ્વની બેડીમાં આવવાનું ! એ કંઈ ભૂલ કરે, તો એને એની સજા ખમવાની જ ! ત્યાં ઉદારતાનું એક બિંદુ પણ નહિ મળવાનું !’ (પૃ. ૮, પ્રવેશ) સંગ્રહની પહેલી વાર્તા ‘ધોળી ધજાનો ચોર’ જ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ વાર્તાની નાયિકા પાર્વતી કંટકો વચ્ચેનું ગુલાબ છે એણે વૈધવ્ય ન સહેવાતાં શંકર સાથે ભાગીને લગ્ન કર્યું એ વાત સાચી પણ એના એટલા ગુનાની સજા શંકર અને શંકરના ઘરના અન્ય પુરુષપાત્રો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં મળે છે. સદા સંયમ રાખી, ગરમાગરમ લાવારસને અંતરમાં ઓગાળતી પાર્વતીના રૂપના દિવાના તો અનેક મળે છે. એના રૂપને ભોગવવામાં પતિ ઉપરાંત સસરો અને દિયર પણ પાછા પડતા નથી અને એને કોઈ સ્વમાનયુક્ત જિંદગી આપતું નથી. છેવટે મૃત્યુ જ એની વેદનામાંથી છુટકારો અપાવે છે એનું લેખક દ્વારા વાર્તામાં થયેલું નિરૂપણ એના તરફ ઘૃણા ઉપજાવતું નથી, સમવેદના જન્માવે છે.

‘ગુજરાતની લક્ષ્મી’ની નાયિકા ગુજરાતમાં જન્મેલી પણ કલકત્તામાં લાંબો સમય વસેલી અને મદ્રાસના શિવલિંગમને પરણીને મદ્રાસના એક નાનકડા ગામડામાં આવીને વસેલી છે. એ ભણેલી નથી છતાં ય એનો આતિથ્યભાવ તથા આદરસત્કાર કોઈપણ સંસ્કારી વ્યક્તિથી સહેજ પણ ઊણો ઉતરે એવો નથી. લેખકની એક મીઠી યાદમાંથી આ વાર્તા જન્મી છે. ગુજરાતનું ગૌરવ તથા ગુજરાતપ્રેમને વર્ણવતી આ વાર્તા નારીના એક સંસ્કારી રૂપને ખડું કરે છે.

જયભિખ્ખુ માને છે કે સ્ત્રી હજી પણ મોટે ભાગે નજાકતની પૂતળી, પહેરે-ઓઢવે શોખીન ને પોતાના રૂપ-પ્રદર્શનની લાલચુ રહી છે. અને એને કારણે એ નાનકડી જ્યોતને પતંગિયાના ફફડાટ હંમેશાં સહવાના રહ્યા છે.’ (પ્રવેશ, પૃ. ૮) એવી રૂપલાલસાને કારણે અને વૈભવવિલાસની ઝંખનાએ બરબાદ થતી નારીની કથાઓ તે ‘ભરથરી અને પિંગળા’ ને ‘એક પતંગિયાની જીવન-કહાણી’. ‘ભરથરી અને પિંગળા’ની નાયિકાનું નામ છે સાવિત્રી પણ એના ગુણો એથી વિપરીત છે. આર્થિક સમૃદ્ધિ માટે પોતાના ચરિત્રનો, પરપુરુષનો પ્રેમ મેળવવા માટે માતૃવાત્સલ્યનો અને મોજશોખ સંતોષવા માટે કુટુંબની શાંતિનો ભોગ આપનાર સાવિત્રી દ્વારા લેખકને સૂચવવું છે કે સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ કે નરક બનાવી શકે. ‘એક પતંગિયાની જીવન કહાણી’ એક એવી નારીના કારુણ્યની કથા વર્ણવે છે જે યોગ્ય દિશા સૂચન અને સંસ્કારના અભાવે પતનના પંથમાં અટવાય છે. સુકન્યાનું પુરુષો દ્વારા થતું શોષણ એકવા પુરુષોને દોષિત ઠરાવતું નથી. સુકન્યા જેવા પતંગિયાં જે કામવાસનાની આગમાં હોમાવા માગતા હોય એમની ગતિ આવી જ હોય છે એ લેખક સુપેરે વર્ણવે છે. આ વાર્તામાં સમાજના ગુંડાતત્ત્વ, સિનેમા દ્વારા ફેલાતા દૂષણ તરફ લેખકની લાલ નજર છે.

‘ભાષાના ભાલા વાગ્યા’માં મનોરમાનો પતિ ભાષાભેદના એક નાનકડા વિગ્રહમાં માર્યો ગયો છે. ભાષાના ભાલા એક સુકોમળ નારીના જીવનને વેદનાની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. લેખક જાણે કે અંહી વાર્તા લખવા બેઠો નથી. એ તો સમાજમાં પોતાને થયેલા કોઈ વિષયના અનુભવને વર્ણવવા બેઠો હોય એવું વિશેષ લાગે છે. વાર્તામાં આવતા લાંબા અને પ્રસ્તારયુક્ત વિચારો કલાતત્ત્વને કથળાવી વાર્તાકારને સમાજસુધારક બનાવી દે છે. કોલમ લેખક ઘણી વખત તત્કાલીન પ્રશ્નોને પોતાના સર્જનમાં સ્થાન આપીને છણવા પડતા હોય છે. કદાચ એનું ફળ આવી વાર્તાઓરૂપે નિપજી આવે છે.

પ્રથમ પાંચ વાર્તા પછી લેખકનું વિષયવસ્તુ દેશપ્રેમને વ્યક્ત કરતી વાર્તાઓ તરફ વળે છે. એમાં ‘કાશ્મીરની કેસર કન્યા’ પાકિસ્તાની પ્રદેશની કૉલેજકન્યા પોતાના દેશ માટે ભારતીય સરહદ ઉપર જાસૂસી કરવા આવે છે એનું કથાનક નિરૂપે છે; તો ‘શહીદ પીરઅલી બુકસેલર’ એ અપ્રસિદ્ધિના અંધકારમાં અટવાયેલા એક તેજસ્વી મોતી પીરઅલીના દેશપ્રેમને વર્ણવે છે. એક સામાન્ય બુકસેલરે પુસ્તક વેચતા વેચતાં વાચન કરીને સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝંખનાની એવી જ્યોત જગાવી જેણે ૧૮૫૭નું બળવારૂપ મેળવ્યું. ‘ગાંદીવાદની શાન’ માનવતાના ઘોડા પર જિંદગીના દાવ ખેલી જનાર ‘ભાઈસાહેબ’ની સાચી ગાંધીવાદી શાનને વર્ણવે છે. ‘કેસરિયો સિપાહી’ રાજને માટે રણમેદાનમાં જાનફેસાની કરનાર એક શહીદ સિપાહીની કથા વર્ણવે છે તો ‘દેશભક્ત પારસી વીર’ વિલીન થતી દેશી સત્તાને ટકાવવા મથતા પૂનાના એક પારસી ખુરશેદજી જમશેદજી મોદીની અબોલ છતાં અણણોલ શહીદીને વાર્તારૂપ આપે છે. ભારતીય પ્રજાનું ભોળપણ, ભારતના જ માણસોનો હાથા તરીકે ઉપયોગ કરી ભારતને સર્વનાશ તરફ ધકેલનાર અંગ્રેજોની પ્રપંચલીલાનું કલાત્મક ચિત્ર આ વાર્તામાં મળે છે. લેખક કહે છે, ‘સત્તાવનનો બળવો અમને શૌક્તનો પણ લાગ્યો છે, ને આપણી લાજશરમને પણ લાગ્યો છે. જ્યાં અપૂર્વ વીરત્વ નજરે પડ્યું છે ત્યાં ઘોર સ્વાર્થાંધતા પણ નજરે પડી છે.’ (પ્રવેશ, પૃ. ૭). વાર્તામાં ખુરશેદજીની શહીદીમાં અપૂર્વ વીરત્ત્વ અને ગંગાધર શાસ્ત્રીની સ્વાર્થાંધતામાં આપણી શરણ જોવા મળે છે.

જયભિખ્ખુને અંગ્રેજો સદા શત્રુ લાગ્યા નથી. એમના મતે આ ધર્મપ્રેમી દેશને રાષ્ટ્રપ્રેમની ભેટ એ અંગ્રેજો દ્વારા મળેલી બક્ષિસ છે. ‘સાચા રાષ્ટ્રપ્રેમી’માં લેખકે આ પ્રજામાં રહેલી સાચી રાષ્ટ્રીય ભાવનાને બિરદાવી છે. લખનૌને જીતવા માટે નીકળેલા જનરલ નીલ, હેવલોક અને ઔટ્રામની પોતાનાં માન-અપમાનને, નિજી હિતને રાષ્ટ્રહિત સમક્ષ ગૌણ ગણવાની ભાવનાએ છેવટે રાષ્ટ્રીય ઐક્યનું કેવું દર્શન કરાવ્યું તેનું નિરૂપણ છે. અહીં લેખકે અંગ્રેજોની રાષ્ટ્રીય ભાવનાની બિરદાવલી ગાઈ છે પણ એ દ્વારા સૂચવવું તો એ જ છે કે જ્યારે વિશાળ હિતની રક્ષા કરવાની હોય ત્યારે નાનાં હિતોએ પોતાનો સ્વાર્થ ત્યજવો જોઈએ. માન-અપમાનના ખ્યાલો કોરાણે મૂકવા જોઈએ. વ્યક્તિગત હિતાહિતે સાર્વજનિક ફરજમાં દખલ ન કરવી જોઈએ એવો સંદેશ આપતી આ વાર્તા એમાં નિરૂપાયેલા ધ્વનિની દૃષ્ટિએ નોંધપાત્ર છે.

માનવીની જેમ પશુને પણ પોતાની જનમભોમનું કેવું આકર્ષણ હોય છે, એની યાદ, એની ભાષા એને ગાંડપણમાંથી શાણપણ તરફ કઈ રીતે લઈ જાય છે તે વર્ણવતી ગાંડા હાથીની વાર્તા ‘જનમભોમની પ્રીત’ પશુમાં રહેલા સ્વદેશપ્રેમને વર્ણવે છે. તો રશિયાના મહાન લેખક દોસ્તોવસ્કી - જેને લેખક ડેસ્ટોવસ્કી તરીકે વર્ણવે છે તે – ના વ્યક્તિચિત્ર સમી ‘બંડખોર’ વાર્તા દોસ્તોવસ્કીના દેવ પણ દૈત્ય બની જાય એવા દારુણ દુ:ખોની કથાને વર્ણવે છે. રશિયામાં જ્યારે ધર્મને અફિણ અને ‘ગૉડ’ને ગોળીએ મારવા જેવો ગુનેગાર માનવામાં આવ્યો ત્યારે ગૉડ, હાર્મની અને ટ્રૂથ-ઈશ્વર, શાંતિ-સુમેળ, સત્યમાં લોકોને રસ ધરાવતા કરતી તથા વિચારતા કરતી નવલકથા ‘ધી બ્રધર્સ કારામાઝોવ’માં દોસ્તોવસ્કીએ ૧૯મી સદીના રશિયાના જીવનને વણી લીધું હતું. માનવહૃદય અને માનવજીવનનાં સર્વ પાસાંઓને સ્પર્શતી આ વિશ્વવિખ્યાત નવલકથાના સર્જક પ્રચલિત સમાજ વ્યવસ્થા અને રાજતંત્ર સામે ઉદ્દામ અને બંડખોર વિચાર પ્રગટ કરવાને કારણે ખૂબ મુશ્કેલીઓ સહી હતી. રાજ્યસત્તાએ ફાંસીની સજા ફરમાવી હતી. સાઈબીરીયાનાં રણોમાં દેશનિકાલની સજા ભોગવવી પડી હતી. તત્કાલીન સમાજ દ્વારા હડધૂત થવું પડ્યું હતું. આવું સહેવાં છતાં ઝિંદાદિલીપૂર્વક જીવન જીવી જનાર રશિયન સર્જકનું શબ્દચિત્ર લેખકે આછા લસરકાથી ઉપસાવ્યું છે.

‘આઝાદીનું પંખી’ શીર્ષક નામ ઉપરથી દેશપ્રેમની કથા લાગે પણ એ એક કટાક્ષકથા છે. જયભિખ્ખુએ પિંજરના પંખીનું રૂપક ઉપસાવીને વર્તમાન સમયનાં સમાજ, ન્યાયતંત્ર, રાજકારણ, અમલદારશાહી વગેરે દેશનાં વિવિધ અંગોમાં કેવો ભયંકર સડો પેસી ગયો છે એનું નિરૂપણ કર્યું છે. વાર્તામાનું રૂપક અને કટાક્ષ પુરાણકાલીન પ્રાણીકથાની નિરૂપણશૈલીથી આલેખાયાં છે.

‘નાના સાહેબ’માં નાના સાહેબને નિમિત્ત બનાવી લેખકે મરાઠા રાજ્યસત્તા રાજકીય દીર્ઘદ્રષ્ટિ અને ઐક્યના અભાવે અંગ્રેજોનો હાથો કઈ રીતે બની અને પોતાનાંઓનો જ સર્વનાશ કઈ રીતે નોતર્યો તેનું નિરૂપણ કર્યું છે.

‘લક્ષ્મીબાઈની સમાધ’, ‘તાત્યા ટોપેની સમાધ’, ‘તેગ હિન્દુસ્તાન કી’ સ્થળચિત્રો તરીકે નોંધનીય છે. વાર્તાતત્ત્વ એમાં નહીંવત્ છે. પહેલીમાં લક્ષ્મીબાઈની, બીજીમાં તાત્યા ટોપેની સમાધિના સ્થળનું વર્ણન મળે છે. જ્યારે ‘તેગ હિંદુસ્તાનકી’માં કવિ બહાદુરશાહ ઝફરનું સ્વદેશપ્રીતિને વ્યક્ત કરતું નાનકડું શબ્દચિત્ર મળે છે. ‘રુદિયામાં વસતો રામ’માં સમાજ જેને ગંદકી ગણી તિરસ્કારે છે એવી વ્યક્તિઓમાં ઘણી વાર ઉજળી ઉદારતાનું દર્શન થતું હોય છે તેને વર્ણવે છે. સરહદ ઉપર થયેલા ધરતીકંપમાં ઘવાયેલાઓની કંઈ પણ બોલ્યા વગર સારવાર કરતી, સહાય કરતી સિંધ હૈદ્રાબાદની ઇકબાલ નામની વેશ્યાનું પ્રસંગચિત્ર લેખકે ખૂબ ટૂંકાણમાં ઉપસાવ્યું છે.

છેલ્લી ૨૦ થી ૩૧ સુધીની વાર્તાઓ મોટે ભાગે નીતિયુક્ત બોધકથાઓ છે. જેમાં કોઈ પ્રસંગને વર્ણવી એના દ્વારા ઉમદા વિચારને નિરૂપ્યો છે. એકાદ પાનાની કે સોએક શબ્દોની આ વાર્તામાં ટૂંકી વાર્તાનાં તત્ત્વો નહીંવત્ છે. ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’ની પ્રાચીન કથાશૈલીની પદ્ધતિએ જ આ વાર્તાઓનું નિરૂપણ થયું છે. એમાં ‘રૂપાળી આમ્રપાલી - રૂપાળું પંખી’ સદ્‌ચરિત્ર કે ચરિત્ર, બાહ્ય આડંબરની કે દેખાડની વસ્તુ નથી એ તો અંતરનો ઉદાત્ત ભાવ છે એવો ઉપદેશ આપતી વૈશાલીની સુપ્રસિદ્ધ ગણિકા આમ્રપાલીને નિમિત્ત બનાવી ભગવાન બુદ્ધ દ્વારા પોતાના શિષ્યોને અપાતા બોધની કથા છે. ‘હાથીએ ચડીને ચીભડું ખાનાર’ સહજાનંદ સ્વામીના જીવનની નીતિકથા છે. ‘ચકવર્તીનો ઘોડો’ રૂપકાત્મક વાર્તા છે. જેમાં ચક્રવર્તીના ઘઓડાને નિમિત્ત બનાવીને લેખકે સમાજમાંના વહેમી માણસો જેમને હકીકતમાં કોઈ રોગ ન હોવા છતાં વહેમને કારણે જ રોગનો ભોગ બને છે એમનો ઇલાજ વૈદ્ય ડૉક્ટરથી થતો નથી પણ માનસ-ચિકિત્સક દ્વારા જ થઈ શકે છે એ લેખકે બતાવ્યું છે. ‘દેખતા આંધળા’ સંસારમાં દેખતા આંધળાને કટાક્ષ વિષય બનાવતી કથા છે; તો ‘કવિનો મિજાજ’ ઉર્દૂના મહાકવિ મીરના જીવનને નિમિત્ત બનાવી કવિના સ્વમાની સ્વભાવ અને આગવા મિજાજનું શબ્દચિત્ર ઉપસાવે છે. ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ સાહિત્યકારની હૃદયવેદનાને વ્યક્ત કરતી નાનકડી ટહેલ સી વાર્તા છે, જેમાં રમણલાલ વ. દેસાઈએ પોતાને નવલકથા લખવામાં તેજસ્વી પાત્રોનો તૂટો પડ્યો છે માટે તત્કાલીન યુગ પાસે તેજસ્વી પાત્રોની ટહેલ નાખી છે. વાર્તા દ્વારા લેખકને સૂચવ્યું છે કે સાહિત્ય સમાજની આરસી છે. તેજસ્વી નર-નારનો તૂટો પડ્યો છે. એટલે સમાજમાં તેજસ્વી નર-નાર પેદા કરવા-કરાવવાની ટહેલ આ વાર્તા દ્વારા આડકતરી રીતે જયભિખ્ખુ નાખે છે. ‘સુભૂમ રાજાની સેના’ દૃષ્ટાંતકથા છે, જેમાં 'ઘણાં કરે છે આપણે એક નહિ કરીએ તો શું ?’નો જાણીતો ઉપદેશ સુભૂમ રાજાની વાર્તા દ્વારા લેખકે ગૂંથ્યો છે. ‘અપ્સરા ઠગવા આવી’ ઇશ્વરની પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતી પ્રસંગકથા છે, જેમાં નારાયણ હેમચંદ્રના જીવનનો એક નાનકટો પ્રસંગ ગૂંથાયો છે. ‘જીવનમાં હાર, મૃત્યુમાં જીત’ સહુને માટે જીવનમાં કંટકરૂપ બની જનાર શિવાજીપુત્ર સંભાજીનું દેશપ્રેમથી ઝળહળતું મૃત્યુ એને ગુલાબ કઈ રીતે બનાવે છે તે વર્ણવે છે. જીવનમાં કેટલીક વાર નાના માણસને આવતો મોટકડો વિચાર એને કેવું શ્રેષ્ઠત્વ અર્પી જાય છે એ વર્ણવતી ‘છ માં સાતમો શ્રેષ્ઠ’ બુદ્ધજીવનની દૃષ્ટાંતકથા આપે છે તો શ્રીમદ્ રાજચંદ્ર પોતાના શિષ્યોને આપેલા ઉપદેશની કથા ‘જીવનનાં છાશ અને ઘી’ છાશ જેવા દેહ અને ઘી જેવા આત્મામાંથી રક્ષણ કરવાનો સમય આવે તો ઘીના જેવા આત્માનું માણસે રક્ષણ કરવું જોઈએ એનો ઉપદેશ આપે છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘મેળવનાર કરતા મૂકનાર મોટો’ મેળવનાર કરતાં મૂકનારની ઉદાત્તતાને વર્ણવતી ધૂમકેતુના મુખે કહેવાયેલી દિલ્હી દરબારની કથા છે.

‘ગુલાબ અને કંટક’ની કુલ ૩૧ વાર્તાઓમાં નારીજીવનના કારુણ્યને વ્યક્ત કરતી જે વાર્તાઓ છે એમાં વસ્તુ પાંખુ છે. આ વાર્તાઓમાં સમાજહિતચિંતક વાર્તાકાર સર્જક રહેતો નથી. લેખકને તો પોતે જે શીર્ષક રજૂ કર્યું છે - ગુલાબ અને કંટક – એ શીર્ષકને વિવિધ રીતે સાર્થ રૂપ આપવામાં જ રસ છે. લેખકના મનમાં શીર્ષકના વિવિધ અર્થો રહેલા છે, દેવમંદિર સમાન પૃથ્વીના વિશાળ આંગણામાંના ઉદ્યાનની અનેક ફૂલક્યારીઓમાં ગુલાબ છે અને કંટક પણ છે. એમાં કેટલાક ગુલાબ કંટક સમા છે તો કેટલાક કંટક ગુલાબ સમા છે. જેમકે ‘ભરથરી અને પિંગળા’માંની સાવિત્રી ગુલાબ સમું કટક છે જ્યારે ‘એક પતંગિયાની જીવન કહાણી’માંની સુકન્યા કંટક લાગતું ગુલાબ છે. સમાજમાં એવા પણ કેટલાક વિરલા છે જે પોતાની શક્તિથી કંટકને ગુલાબ બનાવે છે. ‘ગુજરાતની લક્ષ્મી’માંની કાંતા પોતાના કંટકમય જીવનને ગુલાબ સમું બનાવે છે. સમાજમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ લેખકને મળી છે જેમણે ગુલાબમાં કાંટા ઉગાડ્યા છે. દા. ત. ‘ધોળી ધજાનો ચોર’ની નાયિકા પાર્વતીના જીવનમાં શંકર જેવાએ કાંટા ઉગાડ્યા છે. શહીદ પીરઅલી બુકસેલર, ‘ગાંધીવાદીની શાન’માંના ભાઈસાહેબ પૃથ્વીરૂપી દેવમંદિરના એવા ગુલાબ છે જેમણે પોતાની સુગંધથી ચિત્તની પ્રફુલ્લતા વધારી છે.

આ સંગ્રહની રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતી રચનાઓમાં જયભિખ્ખુએ એવી વ્યક્તિઓને આલેખી છે જેમણે પોતાની શહીદી દ્વારા આઝાદીની મશાલનાં અજવાળાં વધારવા તેલસિંચણનું કામ કર્યું છે પણ જે પ્રસિદ્ધિમાં આવ્યા નથી. આવા અનામી દેશભક્તોને આ વાર્તાઓ દ્વારા લેખકની શબ્દાંજલિ છે તો સંગ્રહના અંત ભાગે આવતી અડધા ઉપરાંતની વાર્તાઓ જેનું સ્વરૂપ આપણે આગળ જોયું તેમ ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’ની બોધકથાઓ જેવું વધારે છે જેને લઘુ કથા પણ ન કહેવાય અને ટૂંકી વાર્તા પણ ન કહેવાય એવી ટૂચકારૂપ કથાનું છે એમાં કોઈ વિચારતણખાને લેખક ટૂંકી કથા દ્વારા બોધિત કરે છે.

સંગ્રહની ઘણી વાર્તાઓની આલેખનપદ્ધતિ આત્મકથાનાત્મક ઢબની છે. ક્યાંક લેખક પોતે પાત્ર બનીને આવે છે જેમકે ‘દેશની લક્ષ્મી’માં, કે પછી પાત્રોને પણ પોતે જ વર્ણનથી ઉપસાવે છે જેમકે ‘બંડખોર’ વાર્તામાં. પાત્રો પોતે પોતાના કાર્યોથી વિકસતાં હોય એવું પાત્રચિત્રણ અહીં ઓછું જોવા મળે છે. લગભગ બધાં જ પાત્રોને લેખકે પોતાની આંગળીથી સહેજ પણ વિખૂટા પાડ્યાં નથી. એને જ કારણે પાત્રનિરૂપણમાં જે પ્રભાવકતા આવવી જોઈએ. જીવંતતા ઉપસવી જોઈએ એ ઓછી અનુભવવા મળે છે. વાર્તાકારની નિરૂપણરીતિમાં કથન-વર્ણનકારની જેટલી સારી છાપ ઊપસે છે, એટલી સંવાદની કલાની ઊપસતી નથી.

આરંભમાં આવતી વાર્તાઓમાં લેખક પોતે જે વિષય ઉપર વાર્તા રચવાનો હોય એની પીઠિકા વાર્તારંભે ખૂબ લંબાણ દાખવે છે. ઘણી વાર તો પીઠિકા જ મુખ્ય બની જાય છે અને વાર્તા ગૌણ, જેમકે ‘ભાષાનાં ભાલાં વાગ્યાં’ વાર્તામાં કન્યાપરીક્ષાનું કાર્ય કન્યાના માતાપિતા, કુટુંબ અને કન્યાના પોતાના માટે કેવું દુષ્કર છે એ વર્ણવવામાં લેખકે અડધી વાર્તા પૂરી કરી છે. કથાતત્ત્વ આરંભાતા પહેલાં પીઠિકા-ભૂમિકાની એક લાંબી પળોજણમાંથી સતત પસાર થવું પડે છે.

વર્તમાનપત્રની કોલમ લખતા લેખકની કેટલીક મર્યાદાઓ હોય છે એનો ભોગ આ વાર્તાઓ પણ બની છે. જેમકે અમુક માપનું કૉલમનું બંધારણ હોય તો એ જાળવવા વાર્તાને ક્યારેક કૉલમિસ્ટ લેખકે નિરર્થક લંબાવવી પડે છે, બિનજરૂરી વર્ણનો કરવા પડે છે. એવું આ સંગ્રહની ઘણી વાર્તાઓમાં થયું છે. વિષયાંતર તો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કૉલમિસ્ટની સામે સામાન્ય વાચક વર્ગ જ વધારે રહે છે. વળી તત્કાલીન બનતા બનાવોથી પણ તે અસ્પૃશ્ય રહી શકતો નથી. સામાન્ય વાચકવર્ગને સમજાય તેવું જ લખવાની જાણે કે પોતાની જવાબદારી હોય એમ લેખકનું કથન અહીં ઘણીવાર બિનજરૂરી બોલકું બની ગયું છે.

વાર્તાના કલાતત્ત્વની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કોટિમાં મૂકી શકાય એવી વાર્તા આ સંગ્રહમાંથી મળતી નથી પણ જીવનધર્મી સાહિત્યકારના ઉદાત્ત વિચારોને વ્યક્ત કરતી કેટલીક વાર્તાઓ જેવી કે ‘શહીદ પીરઅલી બુકસેલર’, ‘ગાંધીવાદની શાન’, ‘દેશભક્ત પારસી વીર’, ‘સાચા રાષ્ટ્રપ્રેમી’, ‘બંડખોર’, ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ વગેરે નોંધપાત્ર છે. સમગ્રતયા, આ સંગ્રહમાં જયભિખ્ખુ જેટલા નવલકથાકાર તરીકે ઉત્કૃષ્ટ કોટિના ઊપસે છે એટલા વાર્તાકાર તરીકે ઉપસતા નથી.

‘ઉપવન’ :

વાર્તાકાર જયભિખ્ખુનો મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થતાં પહેલો વાર્તાસંગ્રહ ‘ઉપવન’ ઈ. સ. ૧૯૩૨માં જયભિખ્ખુએ વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારથી માંડીને ઈ. સ. ૧૯૪૪ સુધીમાં લખાયેલી ઇતિહાસને સ્પર્શતી વાર્તાઓનો સંગ્રહ છે. આ સંગ્રહની વાર્તાઓમાં લેખક દ્વારા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશથી માંડીને ગાંધીજી, ગોખલે કે ગજાનન સુધીના પુરુષોના જીવન-ઇતિહાસના કોઈ અપ્રગટ ભાગનું પ્રાગટ્ય થયું છે અને એ રીતે એને લેખક ‘ઇતિહાસની વાર્તાઓનો સંગ્રહ’ કહે છે. આ સંગ્રહની વાર્તાઓમાં એક પણ કાલ્પનિક વાર્તા નથી. લેખકના સ્વાધ્યાયમાંથી વાર્તાઓનું સર્જન થયું છે.

સંગ્રહમાં કુલ ૨૪ વાર્તાઓ છે. જેમાંની પહેલી વાર્તા ‘હું પોતે’ મગધરાજ શ્રેણિકપુત્ર નંદિસેનના હૃદયપરિવર્તનની કથા કહે છે. મોત સામે એકલે હાથે ઝઝૂમનાર, ક્ષણમાત્રમાં યમરાજના સહોદરને વશ કરનાર મગધકુમાર નંદીસેનમાં રહેલ અહમ્‌નું વિનમ્રતામાં થતું પરિવર્તન અહીં વર્ણવાયું છે. સંગ્રહની આ પહેલી વાર્તામાં આરંભકાલીન સર્જનની કચાશ અનુભવાય છે. વસ્તુસંકલન રસવાહી ઓછું છે.

બંગાળના સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રના લીંબડી આશ્રમમાં થયેલા એક કટુ અનુભવનું શબ્દરૂપ ‘ભૈરવી ચક્ર’માં મળે છે. આપણે ત્યાં પ્રચલિત નાથ સંપ્રદાય, વામ માર્ગનો એક આશ્રમ જ્યાં મદ્ય, માંસ, મૈથુનને મહત્ત્વ આપવામાં આવતું હતું એ આશ્રમમાં પહોંચેલા સ્વામીને થયેલો કટુ અનુભવ અહીં વર્ણવાયો છે. માનવીમાં હીન પશુવૃત્તિને વર્ણવતી આ વાર્તા સમાજના એક મલિન ચિત્રને શબ્દરૂપ આપે છે પણ લેખકનો હેતુ સમાજને એના દ્વારા લાલબત્તી ધરવાનો છે. વાર્તામાં બીભત્સનું નિરૂપણ હોવા છતાં એ ક્યાંક અશ્લીલ બનતી નથી એ વાર્તાકારની નિરૂપણ લેખે ખૂબી ગણાવી શકાય. ‘સરસ્વતી ને લક્ષ્મી’માં બંગાળના પ્રખ્યાત ચિત્રકાર રવિ વર્માના જીવનનો એક પ્રસંગ આલેખાયો છે. કલાકારની કલામાં ઘણી વાર એવો કીમિયો હોય છે કે એના પારસસ્પર્શે લોકંડ સોનું બની જાય એનું નિરૂપણ સરસ્વતીના મોડેલ તરીકે આવેલી ગોવાનીઝ યુવતીમાંના પરિવર્તન દ્વારા લેખકે કર્યું છે. સોના-રૂપાને ખાતર ધર્મ, ઇમાન અને દેશને વેચવા તૈયાર થનાર દેશદ્રોહી અમીચંદની વાત, ‘અમીચંદ’માં મળે છે તો કવિ કાલિદાસના લોકપ્રિય નાટક ‘શકુંતલ’ને આધારે લખાયેલી ‘શકુન્તલા’ વાર્તાની વિશેષતા વસ્તુની રજૂઆતના જુદાપણામાં છે. પુરાણપ્રસિદ્ધ પાત્રોમાં લેખકે આગવાં અર્થઘટનોની મ્હોર ઉપસાવી છે જેમ કે વિશ્વામિત્ર-મેનકા ઋષિ-અપ્સરા નહીં પણ દગાખોર દગલબાજ નિષ્ઠુર આત્માઓ છે. વિલાસ ને વાસનાના બેજવાબદાર જંતુઓ છે જેમણે માબાપના સૃજન જૂના સંતાનસ્નેહને લાત મારી એ જ રીતે દુષ્યંત અહીં માત્ર શિકારીરૂપે ઉપસે છે, જેણે ભલીભોળી શકુન્તલાને જ્ઞાનના વૃક્ષનું ફળ ચખાડી એના શીલનો શિકાર કર્યો. આવા બેજવાબદાર જગતમાં જન્મેલ શકુંતલા આદર્શ પત્ની, આદર્શ જનેતારૂપે જીવે છે માટે જ એ અને એનાં કાવ્યો અમર છે. વિના સ્વાર્થ સહન કરનાર જ જગતમાં વંદનિય બને છે એ સંદેશ વાર્તામાંથી નીપજે છે.

મહારાષ્ટ્રના દેશભક્ત શિવાજી મહારાજના સાથીદાર ફલટણના બજાજી નિવાલકરને વિજાપુરની શાહજાદીએ પોતાના પ્રેમમાં પ્રચૂર બનાવી મુસલમાન બનાવ્યો ત્યારે આ સમાચારથી દુઃખી માતા જીજીબાઈની પ્રેરણાથી વિજાપુર જઈ બજાજીમાં ફરી પાછી સ્વદેશપ્રેમની જ્યોત જાગતી કરનાર શિવાજીનાં શૌર્ય અને શાણપણની કથા ‘વતનને ખાતર’માં નિરૂપાઈ છે. વાર્તામાં જીજીબાઈનું પ્રેરણામૂર્તિ માતૃસ્વરૂપ, શિવાજીનું શૌર્ય અને બજાજીનો તલવાર કે તરુણી વચ્ચેનો સંઘર્ષ સુંદર રીતે ઊપસ્યાં છે.

શૌર્યભર્યા માતૃત્વને અને માતૃપદના ગૌરવને અભિવ્યક્ત કરતી ‘સિહણને ધાવેલા’માં માનું પાત્ર સરસ ઉઠાવ પામ્યું છે તો નાના સાહેબ પેશ્વાનાં શૌર્ય, શાણપણ અને ચાલાકી વર્ણવતી ‘આખરી સલામ’ વાર્તા નાના સાહેબને પોતાના જીવન દરમિયાન થતા સારા-માઠા માનવીઓના પરિચય વર્ણવે છે. પોતાના વહાલસોયા દિયરને ભણાવવા ભાભીએ ઘરેણા વેચ્યાં એની વાત કરતી ‘ભાભીના ઘરેણા’ વાર્તા સંસારની એક સ્ત્રીના આત્મભોગે જગતના ઘરેણારૂપ બનેલા ગોપાલકૃષ્ણ ગોખલેની ઇતિહાસકથા વાર્તારૂપે રજૂ કરે છે.

માણસાઈના એંધાણને અફર બનાવનાર જામનગરના ઝંડુ વૈદ્યના જીવનનો એક કિસ્સો ‘આદર્શ વૈદ્ય’માં મળે છે. ‘શકુન્તલા’ની જેમ ‘કામદેવની કુરબાની’ પણ એમાંના લોકપ્રસિદ્ધ વસ્તુમાં વાર્તાકારે આરોપેલા નવીન અર્થઘટનને કારણે આસ્વાદ્ય બની છે. આ વાર્તામાં દેવો અકર્મણ્ય અને ખમીરહીન નિરૂપાયા છે. વિલાસ એમના જીવનનું ધ્યેય ગણાયું છે. મર્યાદા એમને પસંદ નથી, સંયમ એમને સૂઝતો નથી. દેવીઓ અને ઇન્દ્રાણીઓ પુત્રને જન્મ ન આપવાના સોગંદ લઈ બેઠી છે. પ્રસૂતિની વેદના એમના નિત્ય યૌવનને ભરખી જાય એ એમને પસંદ નથી. સંતાનોનો કપરો ઉછેર એમના વિલાસોમાં વિઘ્નો પેદા કરે છે. માતા તરીકેની સમર્પણભાવના એમને પસંદ નથી. આવા સમર્થ્યહીન દેવ-દેવીઓને અસુરો સામેના યુદ્ધમાં જીતવું હોય તો અર્પણ, પ્રેમ અને પરાક્રમની ત્રિવેણીમાં સ્નાન કરવું પડે. દેવોએ એવો પુત્ર પેદા કરવો પડે જે અનન્ય પરાક્રમ, અનન્ય સમર્પણ અને અનન્ય પ્રેમમાંથી પેદા થયો હોય, શંકર-પાર્વતી જેવાના અનન્ય પ્રેમ અને કામદેવ જેવાના અનન્ય સ્વાપર્ણમાંથી કાર્તિકેય જન્મ. કામદેવના જનહિતાર્થે નિસ્વાર્થે સમર્પણની સુગંધ લહેરાવતી આ કથા આજના યુગને પણ કહી જાય છે કે નિસ્વાર્થ સમર્પણ હંમેશાં અમર બને છે. મનના આઝાદ કવિઓ પણ રાજા છે. એમને પ્રશસ્તિઓ ગાવાની આજ્ઞા કર્યે એ ન ગવાય. સંસારની લાલચો દેખાડી એમની ઊર્મિઓને ન ઢંઢોળી શકાય. એ તો ભાવનાની ભૂમિ ઉપર જ સહજ રીતે મ્હોરી ઊઠે એ સંદેશ આપતી ‘કવિરાજા’ પાટણના કુમારપાળના પુત્ર અજયપાળના રાજ્યઅમલ દરમિયાન રાજ્યસત્તાના વીંઝાતા કોરડા સામે અણનમ રહેતા હેમચંદ્રાચાર્યના શિષ્ય કવિ રામચંદ્રના અણનમ, સ્વમાનશીલ કવિયશની કથા છે.

લેખક વાર્તાન્તે ફૂટનોટમાં નોંધે છે તે પ્રમાણે સાહિત્યશિરોમણિ કલાપીના માતુશ્રીના જીવનમાં ઘટેલી ઘટના રજૂ કરતી ‘રજપૂતાણી’ વાર્તા રજપૂત નારીના અનોખા ખમીરને વર્ણવે છે. કુરુક્ષેત્રના રણમેદાન ઉપર સોળમાં દિવસની પૂર્વસંધ્યાએ સવિતાનારાયણને અંજલિ અર્પતા સારથિપુત્ર કર્ણની માનસભૂમિ ઉપર ખેલાતા વેદનાના માનસયુદ્ધને એકોક્તિરૂપે વ્યક્ત કરતી ‘કુલાભિમાન’ વાર્તા વ્યર્થ કુલાભિમાને વરેલા વિનાશને વર્ણવે છે. કુલાભિમાન કેવા પ્રકારે વિશાશ કરે તે વાર્તામાં વિવિધ પાત્રોનાં વર્તન દ્વારા વર્ણવાયું છે. ‘બલિદાન’માં આસ્તિકપણા અને નાસ્તિકપણાની જૂઠી માન્યતાઓને પોતાના ઉના લોહીથી ભૂંસી નાખનાર મહારાજા અશોકના મોટાભાઈ વીતશોકના બલિદાનની કથા નિરૂપાઈ છે. માનવી માનવી વચ્ચે રક્તપાત મિટાવી દેવાની ઝંખના સેવતા વીતશોકનું પાત્ર સરસ ઊપસ્યું છે.

જૈન ધર્મના તીર્થંકર નેમિનાથ લગ્ન કરવા નીકળ્યા અને વાડામાં બંધાયેલા જમણ માટેના પશુઓના કરુણ પોકાર સાંભળી પાછા વળી ગયાનો ખૂબ જાણીતો પ્રસંગ ‘અમર કૉલ’માં વાર્તારૂપ પામ્યો છે. વાર્તામાં રાજુલાની નેમકુમાર તરફની પ્રીતિનું સુંદર નિરૂપણ થયું છે. કાશી નગરીની પ્રચારિણી સભાની એક પુસ્તિકાને આધારે લખાયેલી ‘સૌન્દર્યનો જાદુ’ વાર્તા મોગલ શાહજાદા ઔરંગઝેબને પોતાના સૌંદર્યમાં અભિભૂત કરી અત્યાચારના રસ્તે જતો રોકનાર રમણીય સૌંદર્યભરી યુવતીની કથા છે. તો ‘પુરુષાર્થની પ્રતિમા’ બહારવટિયા દુર્ધરે પોતાનામાં રહેલું જૂઠા પુરુષાર્થનું ઝેર ઉતારી સાચા પુરુષાર્થની દિશા કઈ રીતે પકડી તેને વર્ણવે છે.

ગમે તેવાં પ્રચંડ તોફાન પણ દિલની પ્રચંડતા સામે વિનમ્ર બની જાય છે એનો અનુભવ કરાવતી ‘દર્શનાતુર’ વાર્તા આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ ખાતે રહેતા ગાંધીજીને મળવા આતુર શ્રી પુરુષોત્તમ કોટવાળની દર્શનઝંખના કેવા દુઃસહ જોખમોની વચ્ચેથી માર્ગ કરીને પણ ધાર્યું પરિણામ સાધે છે તે વર્ણવે છે. મહારાજા શ્રેણિક બિંબિસારના રાજ્યમાં રાજગ્રહીની શાન વધારનાર એક પ્રજાજન ભદ્રા શેઠાણીના રાજ તથા રાજવી તરફના પ્રેમની કથા ‘રાજાધિરાજ’માં મળે છે. ચીનથી આવેલા શાહ સોદાગરે પોતાની બધી દોલત અને અર્ધી જિંદગી ખર્ચી બનાવેલી રત્નકંબલો એકસાથે ખરીદી પુત્રવધૂઓને અંગલુછણા તરીકે વહેંચી આપીને રાજગ્રહીની શાન વધારનાર ભદ્રા શેઠાણીનું પાત્ર વાર્તામાં સરસ ઊપસ્યું છે.

આંટનો પ્રશ્ન ઘણીવાર જીવનમાં કેવો નોંધનીય બનાવવો પડે છે તે વર્ણવતી ‘આંટનો પ્રશ્ન’ વાર્તા માંડુના શાહસોદાગર ભૈસા શાહની માતાનું પાટણના એક વેપારી દ્વારા જ્યારે અપમાન થાય છે ત્યારે એ અપમાનનો બદલો ભૈસા શાહ કેવી કુશળ રીતે લે છે તેને વર્ણવે છે. આતિથ્યધર્મને જાળવવા અને શરણાગતને બચાવવામાં રાજપૂતી શૌર્ય પોતાનું ખમીર સોળે કળાએ દાખવી અમર બની જાય છે. એ વર્ણવતી રણથંભોરના હમીરદેવની કથા ‘હમીરહઠ’માં મળે છે. તો હિંદુઓના મિથ્યાભિમાનીપણાને અને અંગ્રેજોની નમ્રતા, જિજ્ઞાસા ને જહેમતને વર્ણવતી ‘ગોમાંસભક્ષક’ વાર્તા સંસ્કૃત-ભાષા સાહિત્યને જગતઆંગણે ગૌરવવંતુ બનાવનાર વિલિયમ જ્હોન્સની વાત કરે છે. અંગ્રેજોને ગોમાંસભક્ષક ગણીને એમનો છોછ કરનાર હિંદુઓ પોતે વાસ્તવમાં ગોમાંસભક્ષણ કરતાં પણ કેવી વધારે ખરાબ પ્રવૃત્તિઓ કરતા હતા એને વરવું પણ વાસ્તવિક ચિત્ર લેખકની કટાક્ષભરપૂર શૈલીમાં વ્યક્ત થયું છે.

સંગ્રહની છેલ્લી વાર્તા ‘સોમનાથનાં કમાડ’ ઈ. સ.ની અગિયારમી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા સૌરાષ્ટ્રના ભગવાન સોમનાથના મંદિરનાં કમાડ જે અફઘાનિસ્તાનનાં ગજની પ્રાંતમાં લઈ જવાયા હતા એની ૧૯મી સદીમાં લોર્ડ એલનબરો દ્વારા પુન:સ્થાપના કરવાની અંતરંગ ઝંખના રાજખટપટના આડાઅવળા દાવમાં અધૂરી રહી એ કથાને વર્ણવે છે.

‘ઉપવન’ સંગ્રહની વાર્તાઓ લેખક કહે છે તેમ ‘ઇતિહાસની વાર્તાઓ’ છે ખરી પણ એ ઇતિહાસ ક્યાંક પ્રાચીન છે, ક્યાંક મધ્યકાલીન છે તો ક્યાંક અર્વાચીન. ઇતિહાસને નિમિત્ત બનાવીને અહીં ઘણીવાર સમકાલીન વ્યક્તિઓના આછા લસરકા જેવાં શબ્દચિત્રો પણ નિરૂપાયાં છે. પ્રાચીન કથાતત્ત્વવાળી વાર્તાઓમાંનાં પાત્રોનાં કે વિચારોનાં કેટલાંક નવા અર્થઘટનો વાર્તામાં ચમત્કૃતિનો અનુભવ કરાવે છે ખરાં છતાં આ વાર્તાઓમાં આરંભકાલીન વાર્તાલેખકની કચાશ અછતી રહેતી નથી. પ્રસંગની ગૂંથણીમાં ક્યાંક રસિકતાનો અભાવ વરતાય છે, તો ક્યાંક પાત્રચિત્રણમાં જીવંતતા કે અસરકારકતા જોવા મળતી નથી, પાછલા વાર્તાસંગ્રહોમાં ગદ્યશૈલીની તેજસ્વિતા કે વિચાર તથા ભાવનાની જે મર્મસ્પર્શીતા અનુભવાય છે એવું અહીં છે ખરું પણ આછા ચમકારા જેવું જ. આમ છતાં ‘ઉપવન’ આશાસ્પદ્‌ વાર્તાકારની કલમના કસબનો પરિચાયક તો જરૂર બને જ છે.

‘પારકા ઘરની લક્ષ્મી’ :

કુલ ૨૫ વાર્તાઓને સમાવતો ‘પારકા ઘરની લક્ષ્મી’ વાર્તાસંગ્રહ હેતુપ્રધાન સામાજિક નારીલક્ષી વાર્તાઓનો સંગ્રહ છે. આપણા સમાજના એક ઘૃણિત કોણનું દર્શન કરાવતી બાલવિધવાના જીવનની જે ઝાંખી જયભિખ્ખુને પોતાની તરુણ વયમાં થઈ એની ઊંડી છાપમાંથી સંવેદનશીલ વાર્તાકાર દ્વારા આ વાર્તાઓનું સર્જન થયું છે.

વાર્તાઓનું સર્જન થયું ત્યારે લેખકનો ઇરાદો એવો હતો કે ભવિષ્યમાં પોતે એ વાર્તાઓમાંની મુખ્ય મુખ્ય વિગતોમાંથી નવલકથા સર્જશે. પણ જ્યારે નવલકથા લખવા બેસવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો કે એમ કરવા જતાં વિગતો અડધી થઈ જાય. શણગાર થાય પણ દેહસૌષ્ઠવમાં ક્ષતિ આવે. એટલે ‘નિહાળ્યા એવા નિરૂપ્યા’ની રીતે આ વાર્તાઓ જેમની છે તેમ રજૂ કરી. આ કારણે આ સંગ્રહમાં વાસ્તવનું નરવું, વરવું અને ગરવું રૂપ વાર્તાઓરૂપે ઊપસે છે. જીવનમાંગલ્યવાદી લેખકનો આશાવાદ જે અન્યત્ર લેખનમાં ઊપસ્યો છે એ અહીં સર્વત્ર જોવા મળતો નથી.

સંગ્રહની વાર્તાઓને લેખકે એ ખંડમાં વહેંચી છે. પ્રથમ ખંડની સોળ વાર્તાઓને લેખકે વિષયદૃષ્ટિએ ‘જુનવાણી’ એવું પેટા મથાળું આપ્યું છે તો બીજા ખંડની નવ વાર્તાઓનું મથાળું છે ‘નવયુગ’. પ્રથમ ખંડની મોટા ભાગની વાર્તાઓ આપણા જૂનવાણી સમાજ અને સંસારમાં નારીની અવદશા તથા વિટંબણાનો વાસ્તવિક ખ્યાલ આપે છે, જ્યારે બીજા ખંડમાંની વાર્તાઓ નવા સમાજના યુવક-યુવતીઓનો પ્રણય ને લગ્નજીવનનો ચિતાર આપવા મથે છે. સંગ્રહમાંની ‘મુંબઈનું પાણી’, ‘કાઠિયાવાડી’, ‘મુવે મોટી પોક’, ‘મહાજન’, ‘સોનાની મેડી’, ‘સૌંદર્ય કે કલા’, ‘છેલ્લો પ્રયોગ’ નારીજીવનને સ્પર્શતી વાર્તાઓ નથી. સમાજનાં અન્ય પાસાંઓનું એમાં દર્શન થાય છે.

શીર્ષકનામ સૂચવતી પ્રથમ વાર્તા ‘પારકા ઘરની સાચી લક્ષ્મી’ નારીનાં વિધવિધ રૂપ દર્શાવી પારકા ઘરની લક્ષ્મી કોણ છે એ બતાવે છે. સુવર્ણા શ્રીમંતપુત્રી છે, આધુનિકા છે. વિલાસ-વૈભવ અને પ્રિય છે. સુવર્ણાની સાસુ જૂનવાણી છે. વહુને વધુ પડતી છૂટ ન આપવી જોઈએ એમ માને છે. બંને વચ્ચેનો સંઘર્ષ છેવટે શારદાને જુદા રહેવા માટે મજબૂર કરે છે. કુટુંબથી વિખુટો પડેલો શરદ નથી પત્નીના પ્રેમને પામી શકતો કારણ કે પતિને પ્રેમ કરવાની, એની કાળજી રાખવાની સુવર્ણાને ફુરસદ નથી. બીજી બાજું જીવતરના જોતર કરીને ઉછેરેલો પુત્ર જતાં પિતા આર્થિક રીતે ભાંગી પડે છે. વિલાસ-વૈભવમાં છકેલી સુવર્ણા શરદને ગુમાવે છે. મૃત્યુ સમયે શરદ પોતાના જીવનમાં માતૃસ્વરૂપે અને પત્નીસ્વરૂપે આવેલી નારીઓને તિરસ્કારતો બોલી ઊઠે છે, ‘એક તરફ સગી જનેતા, બીજી તરફ સંગિની – બંનેમાંથી એકને મારા તરફ દયા ન આવી. એકને નમતું આપવાનું ન સૂઝ્યું... મા અને પત્નીએ મારી નાવ ડૂબાડી.’ (પૃ. ૧૬). સ્ત્રીનું લક્ષ્મીસ્વરૂપ લેખક આ વાર્તામાં થોડા સમય માટે દેખાતી છતાં છવાઈ જતી લક્ષ્મીના પાત્ર દ્વારા ઉપસાવે છે, જેણે આજની કૉલેજ કે શાળામાં શિક્ષણ નથી મેળવ્યું પણ સંસારની શાળાએ જે આત્મસમર્પણનું સંસ્કારયુક્ત શિક્ષણ આપ્યું એણે એને સાચા અર્થમાં લક્ષ્મી બનાવી. વાર્તાનો કરુણ અંત નારી જ પોતાના સંસારની પોતે ઘણી વાર કેવી ખરાબી કરાવે છે તેનું વરવું વાસ્તવદર્શન આપે છે.

હિંદુ સમાજમાં દીકરીના બાપ બનવું એ કેવું દુઃખકર છે તેનું ચિત્રણ કરતી ‘દીકરીનો બાપ’ વાર્તા ગામના બેતાજ બાદશાહ ગણાતા મલુકચંદ શેઠની દીકરી સવિતાની સાસરે જે અવદશા, અવમાનના થાય છે તેની હૃદયસ્પર્શી સ્થિતિને સારી રીતે વર્ણવે છે. સારો એવો કરિયાવર આપીને સાસરે મોકલેલી ફૂલ જેવી લાડકી દીકરીની સ્થિતિ સાસરીમાં નોકરડીથી બદતર હોય, શરીરમાં રોગ હોવા છતાં આરામનું નામ ન હોય, ‘મોટા ઘર’ને નામે સાસુ દ્વારા સિતમ ગુજારાતો હોય એનું વરવું દર્શન કરાવતી આ વાર્તા પણ સંગ્રહની એક કરુણાંતિકા જ છે.

લેખક પોતે કાઠિયાવાડના વતની હોવાને લીધે કાઠિયાવાડની ધરતીના જનજીવનને આ સંગ્રહમાં વિશેષ શબ્દરૂપ મળ્યું છે. કાઠિયાવાડમાંનુ વઢવાણ એની સામાજિક રીતે ખરાબ છાપથી વગોવાયેલું છે. ‘ટોપીવાળો’ વાર્તામાં ‘વઢવાણની સાસરી ને દીકરીની કાચરી’ની છાપને સાચી પુરવાર કરતી બે દૃષ્ટાંતકથાઓ ટ્રેનમાં વાતો કરતાં પાત્રોના મુખમાં મુકાયેલી મળે છે. કરિયાવર ઓછો પડવાને કારણે એકમાં સાસુએ વહુને બાળી મૂક્યાની અને બીજામાં મારીને ટાંકામાં ફેંકી દીધાની ઘટના દ્વારા વાર્તાન્તે લેખકનો પ્રશ્ન એ છે કે આવો સમાજ સ્વરાજ ભોગવી શકે ખરો ? ‘ટોપીવાળો’ શીર્ષક અનેકાર્થનું સૂચક છે. ટોપીવાળો એટલે આબરૂદાર.... ઇજ્જતદાર. સમાજનો કહેવાતો આબરૂદાર વર્ગ જ અંદરખાનેથી આવો હોય એ સમાજને જીવવાનો અધિકાર ખરો ? વાર્તાની નાયિકાને જ્યારે સાસુએ બાળી મૂકી ત્યારે બાળનાર કોણના જવાબમાં મરતી વખતે તે બોલે છે. ‘ટોપીવાળો’. આ ‘ટોપીવાળો’ એટલે તેનો પતિ…. વાર્તાન્તે સ્ટેશન ઉપરથી ઊતરતા નાયકને પોતાના મિત્રો મળે છે. તેઓ સ્વરાજ્યપ્રાપ્તિનું ગીત ગાય છે. ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’ ત્યારે નાયકથી સહજ રીતે પ્રશ્ન પુછાઈ જાય છે કે ‘આવો સમાજ સ્વરાજ ભોગવી શકશે ?’ (પૃ. ૩૫), નાયકને ટોપાવાળા - અંગ્રેજોની ખબર લેવા કરતાં પહેલાં ટોપીવાળા - કહેવાતા ભદ્ર સમાજની ખબર લેવાનું વધારે ઉચિત લાગે છે. પોતાનો આ પ્રયત્ન કેવો વામણો છે એની ખબર પણ નાયકને છે એટલે જ વાર્તાનું અંતિમ વાક્ય છે ‘એક મચ્છરે જાણે હાથીને પછાડવાનો નિર્ણય કર્યો.’ આમ શીર્ષક અનેકાર્થ સૂચવે છે.

‘પાઘડીએ મંગળ’ આપણા સમાજના એક વધુ વરવા રૂપનું દર્શન કરાવે છે. પોતાનામાં જ ખામી હોવા છતાં વાસનાની આગમાં પિડાતાં ઓતમચંદ શેઠ ત્રણ ત્રણ વાર લગ્ન કરીને કાચી કળી સમી સ્ત્રીઓને મૃત્યુની આગમાં હોમી દે છે. લોકો પણ આ વાતની ખબર હોવા છતાં પૈસાને જોરે એમને ત્યાં દીકરીઓ દેતા જ રહે છે. રહેંસાતું નારીહૃદય સરિતાના પાત્ર દ્વારા અહીં સારું ઊપસ્યું છે. ખેમા શેઠ જેવા દલાલો વહેમ અને અંધશ્રદ્ધાનું ઓઠું લઈને દીકરીના ગરજાળ મા-બાપને કેવા ફસાવે છે, તે દર્શાવતી આ વાર્તામાં સરિતાના ભાઈ જેવો સુધારક યુવાન પણ છે જેને પોતાની બહેનનું બાવન વર્ષના રોગિષ્ઠ બુઢ્ઢા સાથે થતું લગ્ન અટકાવવું હતું પણ અટકાવી શકાયું નહીં. બહેનને બદનસીબીની આગમાંથી બહાર કાઢવી હતી પણ કાઢી શકાઈ નહીં. પ્રતિષ્ઠાના ડરે સૌએ એમ કરતાં અટકાવ્યો પણ જ્યારે બહેનનું મૃત્યુ થયું ત્યારે આ અનાચાર સામે એનું યૌવન યુદ્ધે ચઢયું. પોતાની બહેનને તો એ અનાચારના ખપ્પરમાંથી ના બચાવી શક્યો પણ અન્યની બહેન-દીકરીનો તો એણે આવા પાખંડીને ખુલ્લા પાડીને ભોગ લેવાતો અટકાવ્યો.

‘રાંડેલો મુરતિયો’ પણ સમાજના એક વરવા રૂપને પ્રગટ કરતી કટાક્ષકથા જ છે જેમાં દીકરીના બાપ ગરજાળ બનીને રાંડેલા મુરતિયા માટે કેવી પડાપડી કરે છે એ વર્ણવાયું છે. ભાંજગડિયાઓ દ્વારા થતી છેતરામણી, પોતાની જ દીકરીનું ગોઠવાય એ માટે દીકરીના પિતાઓની પડાપડી, હજી તો મુરતિયો રાંડ્યો નથી પણ ‘કદાચ રાંડશે’ એવી સંભાવના થતાં જ મુરતિયાને મેળવવા માટે ઊતરી પડેલા ટોળેટોળાં વગેરે નાનકડી વાર્તામાં જુદાં જુદાં શબ્દચિત્રોરૂપે ઊપસ્યું છે. વાર્તાન્તે ચારપાંચ ગરજાળ દીકરીના બાપના મુખમાં મુકાતા શબ્દો ‘ભાઈ રાંડેલો મુરતિયો ક્યાંથી ? આ તો પરખેલું અને નીવડેલું સો-ટચનું સોનું’ (પૃ. ૧૦) કટાક્ષની ચરમ સીમાએ વાર્તાને મૂકી આપે છે. કારણ કે આ ‘સો ટચનું સોનું’ ખરેખર તો એવું પિત્તળ છે જે ઘરમાં વહુને માત્ર સવારથી સાંજ સુધી કામ જ ઢસડવાનું છે. પહાડ જેવી કાયાને કામથી ઓગાળવાની છે, સાસુ-સસરાના મહેણાં ખમવાનાં છે અને માંદા પડ્યે દેખાડ ખાતર દયા પામવાની છે. જેના મૃત્યુની ક્ષણે ક્ષણે રાહ જોવાય છે એવી રુખીના શબ્દચિત્ર દ્વારા આ ‘સો ટચનું સોનું’ ખરેખર કેવું પિત્તળ છે એ લેખકે ઉપસાવ્યું છે.

જ્ઞાતિનાં બંધન ઘણી વાર માનવોનું સત્યાનાશ નોતરે, વિચારોની જડતા માણસને વિકસવા ન દે ત્યારે કેવું પરિણામ આવે એ દર્શાવતી ‘વાંઢાઓનું ગામ’ વાર્તા એક એવા ગામની વાત છે જ્યાં પચાસથી વધારે વાણિયાઓનાં ઘર હતાં પણ બધાં જ વાંઢાનાં. એક જ વાણિયો પરણેલો અને તે જ્ઞાતિ બહાર. જ્ઞાતિના બંધનોને કારણે અન્ય ગામના કોઈ વાણિયા દીકરી દેતા નહોતા એટલે એ ગામ વાંઢાઓનું હતું. પણ એમાં એક વાણિયાએ પટેલની દીકરી સાથે લગ્ન કરી વંશવેલાને જીવતો રાખ્યો એની ઉપર જ્ઞાતિ દ્વારા ગુજરતા ત્રાસનું નિરૂપણ ‘રિવાજના કૂવામાં તરવું સારું પણ ડૂબી મરવું ખોટું’ એ ધ્વનિ પ્રગાટેવ છે.

નારીજીવનનાં સુખદુઃખને વર્ણવતા આ વાર્તાસંગ્રહની ‘મુંબઈનું પાણી’ વાર્તા એમાંના વિષયને કારણે જુદી પડે છે. વાર્તાના લેખકને દર્શાવવું છે એટલું જ કે મુંબઈ - અર્થાત્ કોઈ પણ શહેર એ માનવી માટે કાળું પાણી છે. કારણ કે શહેરના ગંદા વસવાટ, ભેળસેળીયા ખાણીપીણી, વધુ પડતી આરામપ્રદ જિંદગી અને વિલાસ-વૈભવ જીવનની સ્વાભાવિક તંદુરસ્તીને નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે. એના પ્રમાણમાં શ્રમયુક્ત, તાંજાં હવાપાણી ને સાદા છતાં પૌષ્ટિક ખોરાકવાળું ગામડાનું જીવન વધારે ઉમદા છે. ગ્રામ અને શહેરી જીવન વચ્ચેનો તફાવત વર્ણવતી વાર્તામાં ગ્રામજીવન તરફનો પક્ષપાત પ્રગટ કરતાં લેખક પાત્રમુખે એક સ્થળે કહે છે, ‘લોકો શહેરી બની માંદલા બને એના કરતાં જંગલી રહી આરોગ્યપૂર્વક જીવે એ મને વધારે ગમતું.’ (પૃ. ૭૮)

‘ચોરાયેલી’ એ સુમંગલા નામની એક એવી સુકોમળી કન્યાની કરુણતાની વાત છે જેની પાસે ઉત્તમ પ્રકારનું બાહ્ય રૂપ ન હોવાને કારણે કદરૂપી છોકરી તરીકે સમાજમાં ચહેરાઈ જાય છે…. વગોવાઈ જાય છે. સગપણના બજારમાં અનેક ટેકાણેથી ઠોકરાયેલી આ કુસુમ કન્યાના મા-બાપ પણ દીકરી સાથે દુશ્મનની જેમ જ વર્તે છે ત્યારે એની સ્થિતિ કરુણતાની પરિસીમા વળોટી જાય છે. ગુણ કરતાં રૂપને વધુ મહત્ત્વ આપતો સમાજ, સમાજના એવા નીતિનિયમોના ખપ્પરમાં હોમાતી આવી સુકોમળ કન્યાની કરુણતાની આ વાત કટાક્ષરૂપે લેખકે રજૂ કરી છે.

અજ્ઞાન, વહેમ અને પરંપરાગત માન્યતાને કારણે ઘણી વાર સ્ત્રી જ સ્ત્રીને કેવી દુશ્મન બને છે એ નિરૂપતી ‘વાંકો સેંથો’ વાર્તા સાસુ-નણંદ જેવા સંસારના મગરમચ્છોની વચ્ચે રહેંસાતી એક નવવધૂની કથા આલેખે છે. પરણીને આવેલી પુત્રવધૂનો વાંકો સેંથો સાસુના મનમાં વહુ માટે, એના શીલ માટે અનેક અમંગળ વિચારો જન્માવી વહુને દુઃખી કરે છે એનું નિરૂપણ કરતી આ વાર્તા કરુણાંત કથાઓમાં એના સુખાંતને કારણે જુદી પડે છે. છતાં સ્ત્રીની દયનીય સ્થિતિનું નિરૂપણ તો અહીં પણ એવું જ છે.

એક અદના મુસ્લિમ જમાદાર મિયાં અનવરમાં રહેલા ઉમદા માનવીય ગુણનો, ઊંચા સંસ્કારોનો અને ઉદાત્ત શીલનો પરિચય કરાવતી ‘ઢોળાતું ધન’ વાર્તા સમાજને આપણા શીલરૂપી ઢોળાતા ધનને ઉદાત્ત સંસ્કારોથી બચાવી લેવાનો સંદેશ આપે છે. અનવરના જીવનમાં આવેલી એક રૂપરમણીને જીવનનો સાચો રસ્તો ચીંધીને સંસ્કારિતા, માનવતા અને મોટાઈએ કાંઈ કહેવાતા મોટાઓનો જ ઇજારો નથી એ સૂચવે છે. માણસમાં રહેલા દેવતાને અહીં લેખકે સંઘર્ષમાંથી ઊંચે ઊઠતું બતાવ્યું છે. અનવરનું માનવીયપણું સંઘર્ષની સરાણે ચડી કઈ રીતે વિશુદ્ધ બને છે એ બતાવતી આ વાર્તા માનવજીવનના ઉમદા ગુણોને અભિનંદે છે.

કાઠિયાવાડી સમાજના દોષો બતાવતી, ત્યાંના સમાજના અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, દીકરીની જાત ઉપર ગુજારાતા જુલમની અનેક વાર્તાઓ એના વરવા રૂપે અહીં આલેખાઈ છે. પણ એની સામે આ ધરતીનાં ખમીર, મહેનત, આતિથ્યભાવના વગેરેનું નિરૂપણ કરતી એકાદ પ્રસાદીરૂપ વાર્તા પણ અહીં આપવાનું લેખક ચૂક્યા નથી. ‘કાઠિયાવાડી’ સંગ્રહની આવી વાર્તા છે.

સમાજના દંભ, મિથ્યાડંબરની ઠેકડી ઉડાડતી ‘મૂવે મોટી પોક’ વાર્તા એક એવા પિતૃહૃદયના કારુણ્યને વર્ણવે છે, જેણે પુત્રઆંગણે દુઃખ સિવાય કશું મેળવ્યું નથી. મુંબઈના વાતાવરણને નિરૂપતી આ વાર્તા શહેરી જીવનની ગંદકી, બેદિલીને વાચા આપે છે. ગામડાંની સ્વચ્છ હવા અને આરોગ્યપ્રદ વાતાવરણને ત્યજીને વશરામ ફુવાને પોતાના દીકરા મણિલાલના ફ્લેટની ગંધાતી ચાલીમાં કેવી રીતે રહેવું પડે છે એનું નિરૂપણ દયાની સાથે શહેરીજીવન તરફ જુગુપ્સા પણ જન્માવે છે. તો ‘મહાજન’ વાર્તા મહાજન પ્રત્યેના વ્યક્તિના આન માન ને શાનના ખ્યાલને વર્ણવે છે. આમાં એક એવા કાકાની વાત છે જેણે મહાજનની શાનને જાળવવા હત્યાના પાપને પણ પુણ્ય ગણ્યું.

શ્રી અનંતરાય રાવળને આ સંગ્રહના શીર્ષકનામ સાથે સહેજ પણ બંધબેસતી ન લાગેલી વાર્તા ‘છેલ્લો પ્રયોગ’ એક બાવાજી દ્વારા નપુંસક યુવાનને પુરુષત્વ પ્રાપ્ત કરવા અપાતી ભસ્મની અને એની સાથે જોડાયેલી શરત પાલનની વાતને વર્ણવે છે. સિદ્ધ પુરુષો દ્વારા મેળવવાની સિદ્ધિ શિર સાટે હોય છે. કાચા પારા જેવી શરતનો ભંગ કરનારને એ સિદ્ધિ કેવી હાનિકર્તા નીવડે છે એનું નિરૂપણ વાર્તામાં થયું છે.

‘શાન્તાનું સગપણ કર્યું’ પણ હિંદુ સમાજની અને કાલપને વ્યક્ત કરે છે. દીકરીનું સગપણ કરવા બાપને છોકરા પક્ષવાળાની કેવી કેવી ખુશામત કરવી પડે છે તે વર્ણવતી આ વાર્તા કટાક્ષ કથા છે. ‘વહુ’ આ સંગ્રહની એવી વાર્તા છે જેમાં કથાતત્ત્વ નથી. હિંદુ સમાજમાં સ્ત્રીનું દીકરીમાંથી વહુમાં થતું રૂપાંતર, રૂપાંતરની એ પ્રક્રિયામાંથી પસાર થતી કન્યકાના મનની સ્થિતિ સાથે સમાજનો પ્રતિભાવ - એને વાર્તાવિષય બનાવીને લખાયેલી આ વાર્તા જાણે જીવતુંજાગતું કરુણ કાવ્ય છે. આરંભનાં ત્રણ વાક્યોમાં જ પરિવર્તનની આ પ્રક્રિયાનું દર્શન એવું કરુણ બની નિરૂપાયું છે. ‘જાણે ઊછળતી-કુદતી સરિતા સાગરના ગંભીર રૂપમાં ફેરવાઈ ગઈ ! ન ગતિ, ન ગાન જાણે નિર્જિવ નિઃશબ્દ જીવન મંડાયું.’ (પૃ. ૧૪૭). સમાજે આ કાચી કુમળી કળીની ઉપર એવું વીતાવ્યું કે ‘એક દી એ મરી ને’ ચિતાએ ખડકાઈ, અગ્નિ ભભૂકી ઊઠ્યો. આબરૂદારની દીકરીના સ્વામીએ ઘેર લાપસી ખાઈ બીજી કોઈ અબળા સાથે કંકુના કર્યા. (પૃ. ૧૫૧) લેખકનો આક્રોશ આ સંદર્ભમાં આ પુણ્યપ્રકોપે પ્રગટે છે. ભારતની આ મહત્તા જગેજગે ગવાઈ. ભારતનું સતીત્વ વખણાયું એ સતીત્ત્વની ઊની ઊની રાખ પર બેસી પુરુષવર્ગે સ્વાભિમાન ગાયું અને સંસ્કૃતિનો વિજયઘોષ કર્યો, કારણ કે જગત સ્વતંત્ર કરવા નીકળેલા સપૂતોના ઘરની આ પરતંત્રતાને પાશવી કહેનાર કોઈ દીર્ઘદ્રષ્ટા ન મળ્યો. (પૃ. ૧૫૧)

આ સંગ્રહની પહેલી ખંડની છેલ્લી વાર્તા તે ‘સોનાની મેડી’. સટ્ટાના બજારની ચડતીપડતીને વર્ણવતી આ વાર્તા આ ચડતી-પડતી સાથે માણસના જીવનમાં પણ કેવા ઉતાર-ચઢાવ લાવી તેને કેવો બનાવી દે છે તેનું નિરૂપણ કરે છે.

વાર્તાસંગ્રહનો બીજો ખંડ આરંભાય છે કદની દૃષ્ટિએ સંગ્રહની સૌથી લાંબી વાર્તા ‘પરોઢનું પંખી’થી. આપણે આગળ જોયું તેમ આ ખંડની વાર્તાઓ નવા સમાજના આજના યુવક-યુવતીઓના પ્રણય ને લગ્નજીવનનો ચિતાર આપવા મથે છે. લેખક પણ એટલે જ પેટા મથાળું પસંદ કર્યું છે ‘નવયુગ’. ‘પરોઢનું પંખી’ નવયુગની આવી જ એક આધુનિક નારીના વેશ, વિચાર અને વાણીને શબ્દરૂપ આપે છે. વાર્તાની નાયિકા કમલા જેને આધુનિક વિચારસરણી ધરાવતા પિતાએ પુત્રસમોવડી બનાવી હતી. યૌવનના આરંભે આવેલા રમેશે લગ્ન વિશેનાં નવા ખ્યાલો આપ્યા હતા. સ્ત્રીત્વને ભરખી જનારી લગ્નસંસ્થાનો વિરોધ વર્ણવ્યો હતો. વર કે ઘરની ચિંતા વગરના મુક્ત સ્ત્રી-પુરુષ સંબંધોની હિમાયત કરતા રમેશની વાતોમાં રહેલા લોભામણા પણ છેતરામણા રૂપે કમલાને આકર્ષી એના જીવનમાં પતનની શરૂઆત થઈ. જોબન દાનની પહેલી ક્ષણે સ્ત્રી-પુરુષના વિપરીત સ્વભાવને વર્ણવતો લેખક કહે છે, ‘સ્ત્રીના દેહમાં સિંહણનો ગર્જારવ હોય છે. જોબનના પહેલા દાન સુધી અસ્પૃશ્ય જોબનવાળી યુવતી અગ્નિ સમાન તેજસ્વી હોય છે. જ્યારે પુરુષ જોબનની પહેલી ખેરાત સુધી એ નમ્ર, ભલો ને ભોળો હોય છે. જોબનનો પહેલો જામ ચાખતાંની સાથે એનામાં સિંહની મસ્તી પ્રગટે છે. નરમાંસ ખાધા પછી વકરેલા વાઘની જેમ સદા એ તાકમાં ફરતો રહે છે.’ (પૃ. ૧૦૨). કમલાનું પતન એને એક એવા કિનારે લઈ આવે છે જ્યાં રમેશ તો છોડીને જતો જ રહ્યો હોય છે પણ માતૃત્વનો પણ ભોગ આપવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જે ડૉક્ટરે એનું નિદાન કર્યું એ જ એને ચૂંથવા તૈયાર થાય છે ત્યારે તેનું સ્ત્રીતત્વ જાગી ઊઠે છે. માતૃત્વ પોતાની ફરજ અદા કરવા બલિદાન આપવા સુધી તૈયારી બતાવે છે. કમલાનું જાગેલું સ્વાભિમાન, સ્વાપર્ણ ડૉક્ટરની શાન ઠેકાણે લાવી બંનેને એક નવા પરોઢની નજીક લઈ જાય છે. વાર્તાનો અંત નવીન, ચમત્કારિક અને નવી આશા જગાવે એવો છે. અલબત્ત, વાર્તામાંથી એ આપોઆપ ફૂટતો જણાતો નથી છતાં સાથે સાથે તે કૃત્રિમ પણ લાગતો નથી.

પ્રેમલગ્નની આનને જાળવવા માટે એક નારી પોતાના પ્રેમનું કેવું ઉમદા બલિદાન આપે છે એ વર્ણવતી ‘પ્રેમલગ્નની પત્ની’ વાર્તા એના અંતના નાવિન્યને કારણે સંગ્રહમાં જુદી ભાત પાડે છે. સાચો પ્રેમ પોતાના પ્રિય પાત્ર માટે પોતાની જિંદગીનું બલિદાન આપતા પણ અચકાતો નથી. પ્રેમ એટલે માત્ર પ્રાપ્તિ નહીં, પ્રેમ એટલે ત્યાગ.... સર્વ સમર્પણ. એ ભાવને પ્રગટ કરતી વાર્તામાં કિશોર-સુરભિ શ્રીમંત-મધ્યમ ઘરનાં યુવક-યુવતી છે. પ્રેમલગ્નને કારણે કુટુંબથી ત્યજાયેલાં આ બન્ને આર્થિક મુશ્કેલીના વંટોળમાં અટવાય છે ત્યારે માંદગીને કારણે તન-મનથી ભાંગી પડેલા કિશોરને પોતે હવે પ્રાણાર્પણથી પણ કદાચ બચાવી નહીં શકે એવું જણાતાં સુરભિ આડકતરી રીતે એના માતા-પિતાને સોંપી દે છે. આ દરમિયાન માતા-પિતા દ્વારા સુરભિ વિષે અનેક વિકૃત વાતો કિશોરને સાંભળવા મળે છે, કિશોર પણ સુરભિને સાચી રીતે ઓળખી ન શકતાં ફરી અન્યત્ર લગ્ન કરી લે છે ત્યારે લગ્નની પ્રથમ રાત્રિએ જ પત્ર દ્વારા સુરભિના સાચા વ્યક્તિત્વને ઓળખીને પોતાની જાતને ક્યારેય માફ ન કરી શકે એવી પસ્તાવાની આગમાં અટવાય છે. સુરભિનું સ્વાર્પણ, કિશોરના જીવનને બચાવવા એણે લીધેલો નિર્ણય વાર્તાને એક નવા જ પરિમાણ તરફ લઈ જાય છે.

‘ઉષાની લગ્નફિલસૂફી’માં લગ્ન વિષેના બે ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે. ઉષાને મતે લગ્ન એ ભોગ છે જેમાં સ્વકલ્યાણ જ કેન્દ્રસ્થાને છે. જ્યારે અરુણ લગ્નને ત્યાગ સાથે સાંકળી સર્વસમર્પણ અને અન્ય કલ્યાણ ઉપર ભાર મૂકે છે. અરુણના મતે સાચા પ્રેમીમાં જીવન-સમર્પણની ભાવના હોવી જોઈએ. ત્યાગથી સર્વને વશ કરવાની શક્તિ હોવી જોઈએ. વાર્તા વાર્તા બનવાને બદલે નિબંધ વધારે બની ગઈ છે. વાર્તામાં વ્યક્ત થયેલા વિચારો ઉમદા છે. પણ કલાત્મકતાનો અભાવ જોવા મળે છે. લેખકે શીર્ષક ઉષાને બદલે ‘અરૂણની લગ્નફિલસૂફી’ રાખ્યું હોત તો વધુ ઉચિત જણાત. વાર્તાનો આરંભ કાવ્યાત્મકતાથી યુક્ત છે.

પ્રેમનો પંથ પાવકની જ્વાલા સમાન છે. જેમાં અગ્નિ ઉપર ચાલતા ચાલતા પણ સદાકાળ હસતા રહેવાનું. સમાજ અનેક પ્રકારના જુલમો ગુજારે છતાં એની ફરિયાદ કર્યા સિવાય માત્ર પ્રેમનું ગીત ગાયા કરવાનું એ સૂચવતી યુવાન કવિ નરેશની પ્રેમફિલસૂફીની કથા ‘પ્રેમ પંથ પાવકની જ્વાળા’ પ્રેમના મહત્ત્વને વર્ણવે છે. ‘સૌંદર્ય કે કલા’ વાર્તા જીવનમાં સૌંદર્ય કરતાં કલાનું મૂલ્ય વધારે છે એ દર્શાવે છે. સાચું સૌંદર્ય દેહનું નહીં, આત્માનું છે. દેહના સૌંદર્યના પૂજારીઓ તો દેહ-સૌંદર્ય નષ્ટભ્રષ્ટ થતાં જ નાસી જવાના, જ્યારે આત્માના સૌંદર્યને ઓળખનારનો પ્રેમ જ સાચો છે એ લેખક રૂપસૌંદર્યસ્વામિની નિરંજનાના જીવનપલટાઓ દ્વારા બતાવે છે.

સાચો પ્રેમી પોતાની પ્રેમિકા માટે જીવનનું બલિદાન આપતા પણ અચકાતો નથી. એ સૂચવતી ‘પ્રેમી’ વાર્તા સમાજના શોષિત વર્ગની પીડાને પણ વર્ણવે છે, તો ‘સુંવાળું ઝેર’માં ઘણીવાર રૂપનું સુંવાળું ઝેર પુરુષને વિનાશની કેવી ઊંડી પતનગર્તામાં ધકેલી એના જીવનને, જીવનના આનંદને ક્ષત-વિક્ષત કરી નાખે છે એ નિરૂપે છે. પત્રશૈલીમાં લખાયેલી ‘પરણ્યા પહેલાં અને પછી’ વાર્તા પુરુષ દ્વારા નારીને થતાં ઝાંઝવાના જેવા પ્રેમના અસલ-નકલ રૂપને વર્ણવે છે. એક પત્ર વાર્તાનાયકે પોતાની પત્નીને પરણ્યા પહેલાં લખ્યો જેમાં પત્ની દેવી હતી અને પોતે વિનમ્ર પૂજારી હતો. બીજામાં પત્ની એક હાંસલ કરેલી - ન છટકી શકે એવી દાસી હતી ને પોતે માલિક.

સંગ્રહની અંતિમ વાર્તા ‘મા-બાપ’ જીવનના એક નવા દૃષ્ટિબિંદુને જૂના રૂપમાં મઢીને રજૂ કરે છે. સ્વર્ગના સુંદર ઉપવનમાં રહેતા આદમ અને ઇવે સ્વર્ગના સ્વામીની મના છતાં જ્ઞાનવૃક્ષનાં ફળ ખાધાં અને સ્વામીની આજ્ઞા તોડ્યાની ભૂલને કારણે સ્વર્ગ ત્યજી પૃથ્વી ઉપર અવતરવું પડ્યું, સંસાર પેદા કરવો પડ્યો. દુઃખો વેઠવાં પડ્યાં. પણ આ બધાની વચ્ચે એમણે જીવનના આનંદને ક્યારેય ન ભુલાવ્યો. એમની એક જ વાત હતી, ‘અમે ભૂલ કરી. ભૂલ તો માટીનો માનવી કરે, પણ એ કરેલી ભૂલને આપભોગેથી ઊજળી કરી... દુઃખમાં હાય હાય ન કરજો. દુઃખ તો તમારી કસોટી છે.’ (પૃ. ૨૭૪). કાંટામાં પણ ગુલાબ મૂકનાર દુઃખમાંના સુખને શોધનાર જ જીવનના સાચા સુખને મેળવી શકે એ સંદેશ કથતી વાર્તા લેખકની જીવનમાંગલ્યવાદી દૃષ્ટિની સૂચક બને છે.

લેખક કહે છે તેમ ‘હાથ ચડ્યા કસબ’થી લખાયેલી આ વાર્તાઓ મુખ્યત્વે નારીજીવનનાં દુઃખ-સુખનાં વિવિધ પાસાંને ઉપસાવે છે. નારીજીવનની કરુણતાનું નિમિત્ત ક્યારેક ‘પારકા ઘરની લક્ષ્મી’ કે ‘પરોઢનું પંખી’માંની સુવર્ણ કે કમલાની જેમ નારી પોતે જ બને છે તો ક્યારેક ‘વાંકો સેંથો’માંની સુજાતાની સાસુની જેમ સ્ત્રી પોતે જ અન્ય સ્ત્રીની દુશ્મન બને છે. કેટલીક સ્ત્રીઓનો જન્મ જ દુઃખો સહન કરવા માટે થયો છે. ‘દીકરીનો બાપ’માની સવિતા, ‘ચોરાયેલી’ માંની સુમંગલા, ‘પાઘડીયે મંગળ’માંની સરિતા આ પ્રકારની નારીઓ છે. સંસ્કાર વગરનું શિક્ષણ નારીને આધુનિકા તો બનાવે છે પણ સાથે સાથે અનાચારની ગર્તામાં ધકેલે છે તે ‘પરોઢનું પંખી’માં બતાવ્યું છે તો કેટલીક એવી નારીની કથા પણ અહીં છે જેમણે શિક્ષણને ઉજાળ્યું છે. સાથે પોતાના વર્તન દ્વારા સમાજમાં ઉજળા આદર્શનો નમૂનો પૂરો પાડ્યો છે. ‘પ્રેમલગ્નની પત્ની માંની સુરભિ પ્રેમલગ્નની સ્વાર્પણ દ્વારા અન્યના જીવનબાગને મહેકાવતી પત્નીનું ઉદાહરણ છે તો પતિનો માર ખાઈને પણ પોતાની મક્કમતાથી અને ઉદાત્ત ગણોથી પતિની શાન ઠેકાણે લાવતી ‘વાંકો સેંથો’માંની સુજાતા નવી સ્ત્રીની અસ્મિતાને પ્રગટાવે છે.

હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન ‘જૈસે થે’ જેવું જ છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધર્યું નથી. સ્ત્રી મોટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે. ભોગની સામગ્રી જ બની છે. પુરુષે મરજી પડી ત્યાં સુધી એને ઘરની રાણી બનાવી છે. નહીં તો એનું સ્થાન દાસી સમું જ રાખ્યું છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં લેખકને પાંગરી જણાતી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈ તફાવત પડ્યો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી. અર્વાચિન કાળે એ વિલાસમૂર્તિ છે. એકમાં અંધશ્રદ્ધાનો અત્યાચાર છે તો બીજામાં આધુનિકતાનો અનાચાર. આત્મા, મન, હૃદય બંને સ્થળે ઠોકરાયા છે. સમાજનું સ્ત્રી જેવું અંગ જ્યાં હીણું હોય ત્યાં વિરાટ માનવતા કઈ રીતે પાંગરી શકે ?

આ સંગ્રહની વાર્તાઓ દ્વારા લેખક જાણે કે સૂચવે છે કે ભાવના, સંસ્કૃતિ અને માનવતાના નાતાથી આ સમાજનું દિનપ્રતિદિન અધઃપતન થઈ રહ્યું છે. સમાજના સ્વાર્થાંધોએ એટલી વર્ણસંસ્કારતા જન્માની છે જેનું દર્શન વેદના સિવાય અન્ય કોઈ જન્માવી ના શકે. ‘પાઘડીએ મંગળ’, ‘ટોપીવાળો’, ‘રાંડેલો મુરતિયો’, ‘ચોરાયેલી’ વાર્તાઓમાંનું સમાજદર્શન વેદના સિવાય શું આપી શકે ? લેખક માત્ર વરવું સમાજદર્શન કરાવીને જ અટકી જતો નથી. આ બધાના મૂળમાં જે વાત પડેલી છે તેને પણ વાર્તાઓ દ્વારા બતાવે છે. લેખકને લાગે છે કે આ બધાના મૂળમાં મુખ્ય વાત એ છે કે આપણે જીવન પ્રત્યે આદર ખોયો છે, વૃત્તિઓની તૃપ્તિમાં સુખ જોયું છે, આપણે શીલ ખોયું છે. શીલના આનુષંગિક સત્ય, સંયમ ને ઉદારતાને બદલે આખો સમાજ દંભ, વિલાસ ને સંકુચિતતા તરફ જઈ રહ્યો છે. શીલરૂપી ચિંતામણિનો સમાજમાં વર્તાતો અભાવ લેખકની વાર્તાઓમાં નિરૂપાયો છે.

સમાજ એ એક એવું બળ છે જેની સામે માનવીની સત્યપરાયણતા, આદર્શ ડગમગી ઊઠે છે. સમાજની પરંપરા દુર્ભેદ્ય નાગપાશની જેમ એને એવી રીતે વળગે છે કે એને એ ત્યજી શકતો નથી. સમાજમાં ચાલતાં દંભ, દૂષણ, રિવાજ, જલસા ને સમારંભોના શયતાની ચક્કરમાં એ અટવાતો જાય છે. રાષ્ટ્રિય ક્રાંતિ સમયે સામી છાતીએ ગોળી ઝીલતો જુવાન ઘરનાં બંધનો સામે લાચાર બની જાય છે. ગમે તેટલો બળવો કરે તો પણ છેવટે લાચારની જેમ પીઠ ફેરવીને નાસી છુટવું પડે છે. ‘ટોપીવાળો’, ‘પાઘડીએ મંગળ’, ‘પ્રેમલગ્નની પત્ની’માંના પાત્રની સમાજ સામેની ક્રાંતિ છેવટે આગિયાના ઝબકારા જેવી જ નથી નીવડતી શું ?

આ વાર્તાઓમાંની મોટાભાગની કાઠિયાવાડના જનજીવનને પ્રગટ કરે છે. કેટલીક જૈનોને સ્પર્શે છે. પણ લેખક કહે છે તેમ ‘પરિસ્થિતિ પરત્વે દેશ કે ધર્મથી કંઈ ભેદ પડતો નથી. કોઈપણ પ્રાંત કે ધર્મમાં નારીની સ્થિતિ લગભગ આવી જ છે.’

પાત્રચિત્રણની દૃષ્ટિએ આ સંગ્રહની વાર્તાઓને તપાસીએ તો અહીં વૈવિધ્યયુક્ત સ્ત્રી-પુરુષોનો મેળો જોવા મળે છે. અહીં સુવર્ણા (પારકા ઘરની લક્ષ્મી), સુજાતા (વાંકો સેંથો), સરિતા (પાઘડીએ મંગળ), કમલા (પરોઢનું પંખી), સુરભિ (પ્રેમલગ્નની પત્ની) જેવી નવા યુગની નારી છે. જેમાંની કેટલીક પોતાના શિક્ષણ, સંસ્કારને ઉજાળે છે તો કેટલીક અનાચારની વાહક બને છે. અહીં લક્ષ્મી (પારકા ઘરની લક્ષ્મી) જેવી સહનશીલ છે તો સુમંગલા (ચોરાયેલી) જેવી દુઃખિયારી કન્યકા પણ છે. અહીં નિરંજના (સૌંદર્ય કે કલા) જેવી રૂપ અને ધન પાછળ પાગલ નારી પણ છે, તો રાધા (વાંઢાઓનું ગામ) જેવી સ્પષ્ટવક્તા નારી પણ છે. નારીસૃષ્ટિની જેમ પુરુષસૃષ્ટિમાં પણ ઠીક ઠીક વૈવિધ્ય છે. પત્ની અને મા દ્વારા રહેંસાતો શરદ (પારકા ઘરની લક્ષ્મી) અહીં છે, તો મલકચંદ જેવો દીકરીનો દુઃખિયારો બાપ (દીકરીનો બાપ) પણ છે. સ્ત્રીને વાસના સંતોષવાનું સાધન સમજતા ઓતમચંદ શેઠ (પાઘડીએ મંગળ) અહીં છે, તો એની દલાલી કરનાર ખેમા શેઠ પણ અહીં છે. ભાંજગડિયા પાર્લામેન્ટના સભ્ય સમા લખા શેઠ, પોપટ શેઠ, (રાંડેલા મુરતિયા) અહીં જોવા મળે છે, તો માની ચડાવણીથી પત્નીને મારતો અને છેવટે પત્નીના ઉદાત્ત વર્તને સાચી દૃષ્ટિ મેળવતો જયમન (વાંકો સેંથો) પણ છે. અહીં શીલનું મહત્ત્વ સમજતો જમાદાર અનવર (ઢોળાતું ધન) છે તો સાચો કાઠિયાવાડી લાભચંદ (કાઠિયાવાડી) પણ છે. વશરામકુવાની કરુણતા (મૂવે મોટો પોક) આ વાર્તાસંગ્રહમાં વ્યક્ત થઈ છે તો પ્રેમની ઉદાત્તતા અભિયંજિત કરનાર જગન્નાથ (પ્રેમી) પણ છે. વાર્તાની આ પાત્રસૃષ્ટિ જેટલી વિશાળ છે એટલી વૈવિધ્યવાળી છે. એના રૂપ, રંગ, રેખા અવનવાં છે. લેખકે એમનું રૂપ જેવું નિહાળ્યું છે એવું જ નિરૂપ્યું છે.

વાર્તાના આલેખન માટે ક્યારેક લેખક સંવાદને કામમાં લે છે ત્યાં સંવાદો ટૂંકા, સચોટ, વ્યક્તિત્વદ્યોતક બન્યા છે. જેમકે હિંદુ સંયુક્ત કુટુંબના સાસુ, નણંદનું વહુ સાથેનું અણછાજતું વર્તન વ્યક્ત કરતા સંવાદ (પારકા ઘરની લક્ષ્મી, પૃ. ૧૨), હિંદુ સમાજમાં દીકરીની દયનીય સ્થિતિ વર્ણવતા ‘પાઘડીએ મંગળ’ વાર્તામાંના સંવાદ (પૃ. ૪૩), દીકરીના બાપની મુરતિયો મેળવવા લાળઝરતા લાલચુ મનુષ્ય જેવી સ્થિતિ નિરૂપતા સંવાદ (રાંડેલો મુરતિયો, પૃ. ૫૫). પણ મોટે ભાગે લેખકે કથનાત્મક પદ્ધતિ અપનાવી છે. લેખક પોતે ધીમે ધીમે નિરાંતે વાર્તા કથતો જાય છે, પાત્રો ઉપસાવતો જાય છે. પાત્રોનાં, ઘટનાનાં વર્ણનો આપતો જાય છે. ક્યાંક આ શૈલી કાવ્યાત્મક પણ બની છે. ‘વહુ’ કે ‘મા-બાપ’ વાર્તા ગદ્યદેહી ઊર્મિકાવ્ય સમી બને છે. એમાંના કેટલાંક શબ્દપ્રયોગ તો વાર્તાના કથનને તાદૃશ ઉપસાવી આપે છે. જેમકે કુમારિકાની સાસરે વિદાયના પ્રસંગને વર્ણવતા લેખક કહે છે, ‘રથ ઉપડ્યો ને કુમારિકા એમાં ઝિંકાઈ’ (પૃ. ૧૪૯). અહીં ‘ઝિંકાઈ’ શબ્દપ્રયોગ જ એવો વિશિષ્ટ છે જેમાં દીકરીમાંથી વહુ બનવાની પ્રક્રિયા સુખદ નથી જ બનવાની એનું જોરદાર સૂચન મળી રહે છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત પણ ક્યાંક નવા અને ચમત્કૃતિયુક્ત છે. જેમ કે પારિજાતકનાં પુષ્પ સમી સુવર્ણા (પૃ. ૩), ‘ઘોડાનાં મોં પર ચઢાવેલા તોબરાની જેમ ફૂલેલાં મોં’ (પૃ. ૧૦), પહાડની જેમ ઓગળતી સ્ત્રી (પૃ. ૫૧), કામનું ‘ભચડિયું’ કે ‘નમાલમૂંડી’ (પૃ. ૧૭), જેવાં શબ્દપ્રયોગ કાઠિયાવાડી જબાની બળકટતાને વ્યક્ત કરે છે તો સૂર્યોદય માટે લેખકે કરેલી ચિત્રાત્મક કલ્પના ‘ઉષાદેવીના લાલચોળ અધરોષ્ઠ પર સૂરજદેવે જ્યારે પહેલવહેલું ચુંબન ચોડ્યું’ (પૃ. ૧૪૨) કે પછી ‘અરુણના દ્વાર પર ઉષા આવીને ઊભી રહી, ત્યારે આકાશના ચંદરવામાં નવલખ હીરાની ભાત પડી ચૂકી હતી.’ (પૃ. ૨૧૪) એમાંનુ વર્ણન વાર્તાઓને મોહક બનાવે છે.

‘પારકા ઘરની લક્ષ્મી’ શ્રી જયભિખ્ખુની વાર્તાકલાને સુપેરે પ્રકાશિત કરતો અને વિશેષે લીબળથી સંક્રમણશીલ બનતો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે. એમાં પ્રગટ થયેલ નારીજીવનનું વૈવિધ્ય એક રીતે જોઈએ તો ‘ખ્યાતવૃત્ત’ ગણાય પણ શૈલીની અનેકવિધ શક્યતાઓ દાખવીને લેખકે એ ખ્યાતવૃત્તને વાર્તાક્ષમ બતાવ્યું છે. લોકપ્રિયતાની દૃષ્ટિએ પણ ‘પારકા ઘરની લક્ષ્મી’ નોંધપાત્ર પરિણામ દાખવે છે એનું પ્રમાણ સંગ્રહની એકાધિક આવૃત્તિઓથી પ્રાપ્ત થાય છે.

‘વીરધર્મની વાતો’ ભા. ૧ થી ૪ :

અનુક્રમે ઈ. સ. ૧૯૪૭, ૪૯, ૫૧ અને પ૩ની સાલમાં પ્રગટ થયેલ ‘વીરધર્મની વાતો’ના ચાર ભાગમાં મુખ્યત્વે જૈનધર્મના કથાંશોવાળી વાર્તાઓ સંગ્રહાઈ છે. ‘વીરધર્મની વાતો’ નામના પહેલા ભાગમાં પંદર, ‘ભગવાન મલ્લીનાથ અને બીજી વાતો’ નામના બીજા ભાગમાં છ, ‘દેવદુષ્ય અને બીજી વાતો’ નામના ત્રીજા ભાગમાં નવ અને ‘સિંહપુરુષ અને બીજી વાતો’ નામધારી ચોથા ભાગમાં તેર મળીને કુલ ૪૩ વાર્તાઓ ધરાવતા આ વાર્તાસંગ્રહમાં લેખક દ્વારા જૈન મહાપુરુષોનાં પ્રતાપી ચરિત્રોમાંથી કથાંશો લઈને એની વાર્તા રૂપે રજૂઆત થઈ છે.

મુખ્યત્વે જૈન ધર્મના ગ્રંથોમાંથી કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખીને લેખકની પોતાની રીતે લખાયેલી આ કથાઓને જૈનો તરફથી જેટલો આદર સાંપડ્યો છે એટલો જ આદર જૈનેતરો તરફથી પણ મળ્યો છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં હિંદુ અને બૌદ્ધની જેમ જૈન કથા સાહિત્યનો પણ અખૂટ ભંડાર ભર્યો છે. એ ભંડારમાંથી વીણી વીણીને કથીરત્નો બહાર કાઢવાની પહેલ જયભિખ્ખુ દ્વારા જ થઈ છે. જયભિખ્ખુની આ વાર્તાઓ દ્વારા સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું એટલું જ નહીં, પણ સહુ કોઈને આ સાહિત્ય તરફ એક અભિરુચિ જાગી છે અને વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ તથા વિશ્વસંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મના અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, મૈત્રી પ્રમોદ વગેરે સિદ્ધાંતોનું ઉચ્ચ સ્થાન છે એ વાતનો સર્વત્ર સ્વીકાર થયો છે.

જૈન કથાસાહિત્યના વિશાળ મહાસાગરમાં ડૂબકી મારીને પ્રાપ્ત કરેલ મૌક્તિક ગુચ્છ જેવા આ સંગ્રહોમાંની વાર્તાઓની વિશેષતા એ છે કે એમાં લેખકે જે તે મહાપુરુષના જીવનના એકાદ અંશને વાર્તા તરીકે પસંદ કરીને એની કલાત્મક રજૂઆત કરી છે. જયભિખ્ખુએ અહીં કથાસાહિત્ય કોઈ સંપ્રદાયનું જ ધન હોય એવી માન્યતાને અળગી રાખી કથાના મૂળ ઉદ્દેશને એના આત્માને જાળવીને એને ભાવસભર ભાષા, ઉન્નત કલ્પના તથા ભાવનાદ્રવ્યથી રસાયેલી બનાવીને આપણી સમક્ષ ઉપસાવી છે.

પહેલા ભાગમાંની ‘ઉત્તરદાયિત્વ’ વાર્તા એક ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય અને અત્યાચારને દૂર કરીને, ધર્મનમી ગયેલી પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપવા માટે પોતાના માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકનાર આર્યકાલકની કથા કહે છે. મૂર્તિમંત ધર્મ સમાન આર્યકાલકનું પાત્ર વાર્તામાં સારું ઉપસ્યું છે. જ્યારે ‘શિષ્યમોહ’ વાર્તા બાલ વનરાજને વીરધર્મ અને ક્ષમાધર્મ શીખવી, પછી એના પ્રકૃતિધર્મને માર્ગે જવા દેતા શીલગુણસૂરીના શિષ્યમોહ તથા તેમાંની નિવૃત્તિને વર્ણવે છે. જોબનને પૂરું માણી લીધા પછી મહાવીરના માર્ગે ક્રમશઃ ગમન કરતા મહાશતકને પત્ની રેવતી દ્વારા થતા કટુ અનુભવો અને એ અનુભવો સમયે મહાશતકમાં વિકસતો ક્ષમાભાવ નિરૂપતી ‘કુભાર્યા’ વાર્તા મહાવીરના ઉપદેશને કલાત્મક ઢબે આલે છે.

નિર્મળ સાધ્યની સિદ્ધિ અર્થે મેલું સાધન વાપરવામાં આવે, ધર્મની ઇમારત ઊભી કરવાના ઉત્સાહમાં એના પાયામાં અધર્મને ધરબાવવામાં ધર્મ માનવામાં આવે તો એ સાચો ધર્મ નથી. શુદ્ધ સાધ્યની પ્રાપ્તિ માટે શુદ્ધ સાધન જ હોવા ઘટે એ વાત પ્રતિબોધિત ‘સાધ્યને સાધન’ વાર્તામાં યાકિનીના ઉપદેશથી પ્રતિહિંસાના ઘોર પાપમાંથી ઊગરી જતા હરિભદ્ર મહામુનિના જીવનની ઘટના નિરૂપાઈ છે. ક્રોધને શાંતિથી, વેરને ક્ષમાથી ને અપમાનને મહાનુભાવતાથી જીતવાનો સંદેશ આપતી આ વાર્તા જયભિખ્ખુની એક સારી વાર્તા છે.

શ્રાવકને પમ એના સંસારી ધર્મો બજાવતાં અવધિજ્ઞાન થઈ શકે એવી શ્રમણોપાસક આનંદની વાતને અસત્ય તરીકે ઓળખાવતાં ગૌતમ મુનિની આ વાત ભગવાન મહાવીર પાસે અસત્ય ઠરતાં પોતાની ભૂલનો સ્વીકાર કરી ભૂલના પ્રાયશ્ચિત રૂપે મહામુનિ હોવા છતાં શ્રાવક પાસે જઈને એની માફી માગતાં સહેજ પણ ક્ષોભ ન અનુભવનાર ગૌતમ મુનિની નમ્રતાને વર્ણવતી ‘સાધુવંધ્યશ્રાવક’ વાર્તામાં ગૌતમ મુનિનું પાત્ર સરસ ઉઠાવ પામ્યું છે. જ્યારે ‘આત્મધર્મ’ વાર્તા ઇન્દ્રને આત્મધર્મનો મહિમા વાણીથી તેમજ પોતાના વર્તનથી શીખવતા જ્ઞાનપુત્ર મહાવીરના ઉપદેશને મુખ્ય બનાવી વર્ણવે છે. વાર્તાકાર આ વાર્તામાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, નિર્ભયતા વિના સિદ્ધિ નથી એ વાતનું પ્રતિપાદન કરે છે.

ખંભાતના ધરમી પુરુષો રાજિયા-વાજિયાની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, દિલેરી અને ક્ષમાભાવે વર્ણવેલી ‘રાજિયા-વાજિયા’ વાર્તા સંગ્રહની પાત્રપ્રધાન વાર્તા છે. તો ભગવાન મહાવીરના નિર્વાણપ્રસંગને નિરૂપતી ‘પરિનિર્વાણ’ વાર્તા મહાવીરશિષ્ય ગૌતમને મહાવીરના નિર્વાણમાંથી મળેલા ઉપદેશને નિરૂપે છે. ક્ષણભંગુરની ઉપાસના ન હોય એમ સહુને બોધ આપતા ગૌતમ જ જ્યારે ક્ષણભંગુર એવા ભગવાનના દેહના ઉપાસક બની રહ્યા, આત્મિક પૂજાને બદલે એમણે ભગવાનની વ્યક્તિપૂજા આદરી, ભાવનાને બદલે દેહના પૂજારી બન્યા ત્યારે પોતાના મૃત્યુથી ભગવાનને ગૌતમને સાચો નિર્વાણરાહ બતાવ્યો.

પોતાના શીલ વિષે ગર્વ ધારતા નંદીસેનનું નમ્રયોગમાં થતું રૂપાંતર ‘હું પોતે’ વાર્તામાં વર્ણવાયું છે, તો કર્તવ્યની વેદી ઉપર પિતૃઆજ્ઞાથી પિતૃહત્યા કરતા શ્રીયકની કથા ‘પિતૃહત્યાનું પુણ્ય’ માં નિરૂપાઈ છે. મગધની સીમાઓ જ્યારે શત્રુના ડાબલાઓથી ભયમાં હતી ત્યારે આંતરઅગ્નિની આગમાં હોમાતા મગધને બચાવવા રાષ્ટ્રભક્ત મહામંત્રી શકટાલે આપેલા ભોગની કથા નિરૂપતી આ વાર્તામાં દેશહિતચિંતક શકટાલનું ચિંતન સુંદર ઊપસ્યું છે.

રાજુલાને પરણવા આવતા નેમકુમાર વચમાંથી જ ત્યાગી થઈને નીકળી જાય છે ત્યારે એમની તરફ અપૂર્વ પ્રેમ ધારી સાધુવેશે ચાલી નીકળનાર રાજુલાના અમર દામ્પત્યની કથા ‘અમર દામ્પત્ય’માં રજૂ થઈ છે તો ‘કવિનો આત્મહુંકાર’માં કવિપદના ગૌરવને ખાતર નમ્યા વગર શાંતિથી મોતને ભેટનાર હેમચંદ્રચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિની વાત વર્ણવાઈ છે.

‘અમદાવાદનો ભામાશા’ સુબેદાર ઇબ્રાહિમ કુલીખાં અને સિપેહ સાલાર હમીદખાં જેવાં બે બળિયાની લડાઈ વચ્ચે ભીંસાઈ રહેલા અમદાવાદને પોતાની બધી મૂડી આપી દઈ બચાવનાર નગરશેઠ ખુશાલચંદની કથા કહે છે. જ્યારે ‘માયાના મૃગજળ’ પુત્રની પ્રાપ્તિ માટે દેવીની આરાધના કર્યા પછી માગવાની ક્ષણે જીવનભરની સંતાનરહિત સ્થિતિની માગણી કરનાર વિમળમંત્રી અને શ્રીદેવીના સમજભર્યા અનોખા દામ્પત્યને વર્ણવે છે. પત્થર પર પુત્રની મમતા જગાડી વગર વંશે વંશની વેલને સેવાસુકીર્તિની સુગંધથી ફાલવા દેવાનું વરદાન માગનાર આ દંપતીએ બંધાવેલા જૈન મંદિરો આજે પણ તેમનાં તપ, ત્યાગ અને ધર્મની પ્રતીતિ કરાવતા મોજુદ છે.

આ સંગ્રહની ચૌદ વાર્તાઓમાંથી ‘શિષ્યમોહ’, ‘કુભાર્યા’, ‘રાજિયા- વાજિયા’, ‘હું પોતે’, ‘અમર દામ્પત્ય’, ‘કવિનો આત્મહુંકાર’, ‘માયાનાં મૃગજળ’ લેખકના વિવિધ વાર્તાસંગ્રહોમાં પુનરાવૃત્તિ પામી છે જે લેખકની એ વાર્તાઓ તરફની પ્રીતિનું સૂચક ગણી શકાય. ‘ઉત્તરદાયિત્વ’નું બીજ ‘લોખંડી ખાખના ફૂલ’માં, પિતૃહત્યાનું પુણ્ય ‘કામવિજેતા’ જેવી નવકથામાં સોળે કળાએ ખીલી ઉત્કટ કલારૂપ પામે છે. એકનું એક કથાવસ્તુ એકના એક સર્જકના હાથે જુદાં જુદાં સ્વરૂપોમાં ઢળે ત્યારે એ રૂપફેરે કેવું મહોરી ઊઠે છે એની પિછાણ જયભિખ્ખુના વિવિધ સર્જનને આ દૃષ્ટિથી તપાસતાં મળી શકે છે. આ સંગ્રહમાંની ‘વીરધર્મની સાચી પિછાન’, ‘સાધુવંદ્ય શ્રાવક’, ‘આત્મધર્મ’, ‘પરિનિર્વાણ’ વાર્તાઓ મહાવીરજીવનને જ એક યા બીજી રીતે નિરૂપે છે.

‘ભગવાન મલ્લિનાથ અને બીજી વાતો’ નામધારી ‘વીરધર્મની વાતો’ના બીજા ભાગમાં માત્ર છ વાર્તાઓ મળે છે. આ છ યે વાતો એક રીતે ઐતિહાસિક કથાઓ છે. પહેલી વાર્તા ‘ભગવાન મલ્લિનાથ’માં મિથિલાની રાજકુમારી મલ્લિકાએ પોતાને પરણવા માટે ઉત્સુક બનીને યુદ્ધને નાદે ચડેલા છ રાજાઓને પ્રબોધીને કેવી રીતે વૈરાગ્યમાર્ગે વાળ્યા એવું બયાન છે. ભગવાન મલ્લિનાથ એ જૈનોમાં ઓગણીસમા તીર્થકર છે. મલ્લિનાથ એ જ મલ્લિકા એટલે કે મલ્લિનાથ સ્ત્રી તીર્થંકર છે એ લેખકે સરસ રીતે વાર્તામાં નિરૂપ્યું છે. સ્ત્રી અને પુરુષનો ભેદ આત્માની શ્રેષ્ઠતા આગળ કેવો ગૌણ બની જાય છે એ જયભિખ્ખુની બાની આવી સરસ રીતે આલેખે છે. ‘ભલા કોણ સ્ત્રી, કોણ પુરુષ ? જેના અંતરે આત્મ મોટાં એ મોટું. આત્માની જ્યેષ્ઠતા એ જ શ્રેષ્ઠતાનું સાચું કારણ.’ લેખકે અહીં એકલી જૈન સંસ્કૃતિનું જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિનું નવનીત આટલા વાક્યમાં રજૂ કરી દીધું છે!

સંગ્રહની બીજી વાર્તા ‘સૌંદર્ય કે સુંદરી’માં મોહ અને પ્રેમ વચ્ચેના તફાવતનું વાર્તાનાયિકા સુંદરી દ્વારા સચોટ આલેખન થયું છે. ચક્રવર્તી ભરત પોતાની બહેન સુંદરીને પોતાની પત્ની બનાવવા દીક્ષા લેતી થંભાવે છે પરંતુ આખરે એ જ સુંદરી ભરતને પ્રેમ અને મોહ વચ્ચેના તફાવતનું સાચું તત્વજ્ઞાન સમજાવે છે. આ વાર્તામાં સુંદરીનું પાત્ર ખરી વીરાંગના, તપસ્વિની અને ભગિનીરૂપે પૂર્ણ રીતે વિકસ્યું છે.

ગુજરાતના સુવર્ણયુગના તેજસ્વી ઇતિહાસનું છેલ્લું પાનું આલેખતી ‘દેરાણી-જેઠાણીનો ગોખ’ વાર્તામાં ગુજરાતના વીર વસ્તુપાલે પત્નીની પ્રેરણાને કારણે શસ્ત્રસંન્યાસનો માર્ગ કેવી રીતે સ્વીકાર્યો એનું નિરૂપણ છે. તો સંગ્રહની ચોથી વાર્તા ‘આત્મસમર્પણના અસ્થિ’ ભારતના એક સમયના મહાન પાટનગર પાટલિપુત્રની ઉત્પત્તિનો રસિક ઇતિહાસ નિરૂપે છે. મગધસમ્રાટ કોણિકના પુત્ર ઉદાયીએ આ નગરી કેવી રીતે વસાવી તેનો રસિક છતાં કરુણ ઇતિહાસ આપતી આ વાર્તામાં પરમ સેવાભાવી, વાત્સલ્યમૂર્તિ સાધ્વી પુષ્પચૂલાનું મૈત્રી, પ્રેમ અને કરુણાનું ચિત્ર સુંદર રીતે ઊપસ્યું છે.

‘દેવાનંદા’ વાર્તામાં જયભિખ્ખુએ સ્ત્રી જાતિમાં રહેલા માતૃત્વનું સુંદર અને સુભગ દર્શન કરાવ્યું છે. દેવાનંદાને મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ ‘લોકપ્રશંસા ને લોકનિંદામાં સમભાવ સ્થાપન કર ! પ્રીતિ અને અપ્રીતિ વિષે સમાન ભાવ ધારણ કર ! તું તરી જઈશ. યાદ રાખજે કે તૃપ્તિ કરતાં ત્યાગ મોટો છે. દેહ કરતાં આત્મા મોટો છે. સંસાર કરતાં સ્નેહ મોટો છે. દીર્ઘકાળ સેવેલાં જ્ઞાન અને ચારિત્ર્ય સિવાય જાતિ કે કુળને કોઈ બચાવી શકતાં નથી. કર્મ મહાન છે, કુલ નહિ’ (પૃ. ૧૨૬). આજે પણ સામાન્ય આચાર માટે જરૂરી જણાય છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘શિલ્પ’માં એક વિષયાંધ સુવર્ણકાર ભોગથી કંટાળી જિનેશ્વર ભગવાનની મૂર્તિ ઘડીને કયા ક્રમે સાચો કલાકાર બને છે એનું ચિત્રણ છે. ભારુંડ પક્ષીના ઉલ્લેખથી આ વાર્તામાં અદ્ભુત રસિકતા પણ આવે છે.

બીજા ભાગની આ વાર્તાઓ ટૂંકી વાર્તાકલા માટે આવશ્યક એવા વક્તવ્ય તરફ કૂચ કરતા સીધા ઉપાડના અભાવને કારણે કલાકૃતિ તરીકે થોડી અસફળ રહે છે. છતાં એ વાંચવી ગમે એવી તો જરૂર છે જ.

ત્રીજા ભાગની નવ કથાઓ એક યા બીજી રીતે વીરધર્મનાં એટલે કે ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા વ્યાપક માનવધર્મનાં વિવિધ પાસાંનું સુભગ દર્શન કરાવે છે. ભગવાન મહાવીરની ભવ્ય પ્રવજ્યાનું સુંદર ચિત્ર આપતી

સંગ્રહની પહેલી વાર્તા ‘દેવદૂષ્ય’ ભગવાન પાસેથી પામેલા દિવ્ય વસ્ત્રને વેચીને કોટ્યાધિપતિ થવા ઇચ્છતા સ્વાર્થી બ્રાહ્મણના ‘જીવનપ્રેમની ભેટ’ને વેચવા નહીં ઇચ્છતી ગણિકાના દૃષ્ટાંતથી થતા માનસપરિવર્તન દ્વારા પ્રેમ અને ત્યાગનો મહિમા સમજાવે છે. સંગ્રહની બીજી વાર્તા ‘અમરકૂંપો’ ધર્મને બલા ગણનાર નાસ્તિક રાજાના હૃદયપલટા દ્વારા આત્મારૂપી અમરકૂંપાનો ચમત્કાર વર્ણવે છે. તો ‘ભવનાટ્ય’માં એક ફૂટડી નટડીને દિલથી ચાહનાર ઇલાચીકુંવરને પ્રતીતિ થાય છે કે દેહના કરતાં દેહીનો આત્માનો પ્રેમસંબંધ જ શાશ્વત છે.

સંગ્રહની ચોથી વાર્તા ‘રંકનો રાય’ રગીબનો બેલી બનનાર કુમારપાળને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ દ્વારા અપાતા ‘રાજા તો યોગી અને યોગી તો રાજા’ના ઉપદેશને વર્ણવે છે, તો ‘સહુ ચોરના ભાઈ’ રાજા ચંડપ્રદ્યોત અને રાણી મૃગાવતીના વર્ષો જૂના વૈરાગ્નિને પોતાનાં શીતળ પ્રેમવચનો દ્વારા શમાવી દેનાર શાંતભવ્ય તેજોમૂર્તિ ભગવાન મહાવીરના સાત્ત્વિક પ્રભાવને નિરૂપે છે. સંગ્રહની એ પછીની વાર્તા ‘અજબ કીમિયાગર’ નીતિ અને સદાચારના સાદા વ્રત-નિયમો દ્વારા ઇપ્સિત વર આપનાર મસ્ત અવધૂત આનંદઘનનું સચોટ વ્યક્તિચિત્ર નિરૂપે છે. જ્યારે ‘વીરની ક્ષમા’ વાર્તા કેદ થયેલા કટ્ટા વેરીને સંવત્સરી પર્વના દિવસે પોતાનો સહધર્મી ગણીને ક્ષમા આપી છોડી મૂકનાર વીર રાજકુમાર ઉદયનની મહાનુભાવી ઉદારતાનું દર્શન કરાવે છે. ત્રીજા ભાગની સૌથી લાંબી વાર્તા ‘આત્મહત્યા’માં વૈરાગ્નિથી બળતો તરુણ પિતાના ખૂનીનું ખૂન કરીને નિર્દોષ આચાર્યની અને પોતાની પણ આત્મહત્યાનું નિમિત્ત બને છે.

સંગ્રહની છેલ્લી વાર્તા ‘મૃત્યુ મહોત્સવ’ ગુજરાતના બાહોશ જૈન મંત્રી ઉદયનના વીરોચિત મૃત્યુની ગૌરવકથા રજૂ કરી છે. આ વાર્તા નકલી સાધુનો સ્વાંગ સજ્યા બાદ ખરેખર સાધુ થઈ જનાર નોકરની મનોદશાને સુંદર રીતે વર્ણવે છે. શ્રી ધીરુભાઈ ઠાકરને આ વાર્તા બીજી એક રીતે પણ ઉલ્લેખનીય જણાઈ છે. તેઓ આ સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે. ‘શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈંક અંશે કાયર, ધર્માંધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું તેનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખુએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર મહત્ત્વનો પ્રકાશ ફેંક્યો છે. (પૃ. ૧૨, ‘અંગુલિનિર્દેશ’ - ધીરુભાઈ ઠાકર).

‘વીરધર્મની વાતો ભાગ-૪ - સિંહપુરુષ’ની કુલ તેર વાર્તાઓમાંની પ્રથમ વાર્તા છે ‘તેજોલેશ્યા’. ભગવાન મહાવીરના શિષ્ય આર્ય ગોશાલકને નાયક રૂપે રજૂ કરતી આ વાર્તા આત્મવિલોપન એ જ આત્મવિજયની સાચી ચાવી છે એ સંદેશ આપે છે. આત્મસાધનાને બદલે કીર્તિસાધનામાં પજી ગયેલા આર્ય ગોશાલકનું પોતાના ગુરુ મહાવીર તરફનું તેજોદ્વેષભર્યું વર્તન તેના પોતાના પતનનું કારણ કેવી રીતે બને છે તે વર્ણવતી આ વાર્તા શક્તિ કરતાં સત્ત્વના મહત્ત્વને સુંદર રીતે બતાવે છે. સંગ્રહને જેના ઉપરથી પેટાશીર્ષક મળ્યું છે એ ‘સિંહપુરુષ’ ધારાનગરીના રાજકુમાર આર્યકાલક હૃદયપરિવર્તનને કથે છે. બાર વર્ષ તપ કરી સંહાર કાજે મેળવેલી શક્તિમાં રહેલ અશક્તિનો સાચો પરિચય થતાં તેનો ત્યાગ કરી સાધુની શક્તિ કેળવવા નીકળી પડેલા આર્યકાલકનું ચિંતન, મનોમંથન વાર્તારૂપે સુંદર ઉપસ્યું છે.

‘રંગ છે સવા-સોમાને’ માનવહૃદયમાં પડેલા ઉદાત્ત તત્ત્વ તરફની માનવીની શ્રદ્ધાનું દર્શન કરાવતી બે લાખેણા માનવીઓ સવા-સોમાના હૃદયવૈભવને વર્ણવતી વાર્તા છે. જ્યારે અહિંસા-રૂપી સુવર્ણની, સમતારૂપી મોતીની, નિર્મમત્વરૂપી માણેકની શોધમાં નીકળેલા મહાવીરે છ છ માસ સુધી અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોમાંથી પસાર થઈને છેવટે દેહનું નિર્મમત્વ, જીવમાત્ર પ્રત્યેની કરુણા અને આત્માની અજેયતા કેવી રીતે સિદ્ધ કરી એનું નિરૂપણ ‘તિતિક્ષા’માં મળે છે.

અપાર શ્રદ્ધાથી ડૂબતો જન તરી જાય છે ને શંકાથી તરતો જન ડૂબી જાય છે એ સંદેશ અપાતી ‘શ્રદ્ધામૂર્તિ’ વાર્તા સુપાલિત અને સુરક્ષિત નામના બે ભાઈઓની મહાવીર-મુખે કહેવાયેલી દૃષ્ટાંતકથા રજૂ કરે છે.

‘મૂંડકવેરો’ પ્રભાસપાટણના ભગવાન સોમનાથના મંદિરમાં લેવાતા મૂંડકવેરાને સિદ્ધરાજ જયસિંહની માતા ગુજરાતની રાજરાણી મીનળદેવી દ્વારા દૂર કરવાની કથાને રજૂ કરે છે. નાનકડી રાજકુંવરી મીનળમાંથી રાજમાતા મીનળ સુધીનાં ચરિત્રનાં વિવિધ પાસાંને વાર્તાકારે આછા લસરકાથી વાર્તામાં ચિત્રાત્મક ઢબે ઉપસાવ્યા છે. ‘નાટકનું નાટક’માં જૈન મુનિ અસાડાભૂતિએ મુનિવેશ ત્યજીને સંસારી થયાની અને સંસારના અસાર સુખોનો પાર પામી સાચો વૈરાગ્ય આવ્યાથી પુનઃદીક્ષિત થયાની ઘટના રજૂ થઈ છે. જીવન એ એક મહાનાટક છે જેમાં આપણે સૌ નકલી વેશ ધરીએ છે. અંતરમાં કંઈક અને બહાર કંઈક એવી મનોદશા ત્યજી સાચા વેશધારી બનવાની પ્રેરણા આપતી આ વાર્તા જૈન ધર્મકથાને લેખક દ્વારા અપાયેલા રમણીય રૂપનું દર્શન કરાવે છે. જ્યારે ‘મનવા ભાણની ટેકરી’માં ભોપાલ પ્રદેશમાં વાર્તાકાર શબ્દરૂપ આપે છે. મનવો ભાંડ વેશ કાઢવાની કળામાં એવો કુશળ હતો કે એની કુશળતાને સાધન બનાવી બે મિત્રોએ પરસ્પરની મશ્કરી કરવાના કરેલા કારસ્તાનમાં મુનિવેશ ધરી નકલી મુનિ બનતો મનવો આત્મભાન જાગતાં સાચો સાધુ બની ગયો એની કથા છે. મનવા ભાણના હૃદયપરિવર્તનની ક્ષણને વાર્તાકારે સરસ રીતે ઉપસાવી છે.

સૌભાગ્યસુંદરીની પ્રેરણાથી બાપકમાઈ ત્યજીને આપકમાઈ માટે નીકળી પડતા રત્નચૂડને દેશપરદેશમાં થતા અનુભવોને નિરૂપતી ‘રત્નચૂડ’ વાર્તા આપકમાઈના મહિમાને વર્ણવે છે. સુવર્ણની પ્રાપ્તિ કરીને પ્રજાને સુખી બનાવવાનાં સ્વપ્નાં સેવનાર રાજા કુમારપાળને હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવેન્દ્રસૂરિએ તાંબામાંથી સોનું બનાવવાનો સાચો કિમિયો સદાચાર છે. એ મંત્રનું આપેલું જ્ઞાન ‘સુવર્ણસિદ્ધિ’માં વર્ણવાયું છે.

સંગ્રહની ‘અબોલની આંતરડી’ વાર્તા ભૂખ્યાને અન્નદાન એ સૌથી મોટો ધર્મ છે એ ઉપદેશ આપે છે, જ્યારે ‘અઢાર નાતરાં’ સજ્ઝાય કથા છે જેમાં મોગના માર્યા, લોભના માર્યા એકબીજાને સ્વાર્થી પ્રેમ કરતાં ગણિકા કુબેરસેના અને એના પુત્ર-પુત્રી કુબેરદત્ત-કુબેરદત્તાના ચિત્તની વિશુદ્ધિ અને પરોપકારના પંથે વર્યાની કથા છે. અચ્છાબાબા નામ ધરીને ખોટા કામ કરનારા ધુતારા સાધુના જૂઠને પ્રજા સમક્ષ ખુલ્લું પાડી તેને ચાસો રસ્તો ચીંધનાર ભગવાન મહાવીરની ઉપદેશકથા ‘અચ્છાબાબા ને ખોટાબાબા’માં મળે છે.

‘વીરધર્મની વાતો’ના ચાર ભાગ જે વાતો આપે છે એમાંથી કેટલીક ભગવાન મહાવીરે વિદ્વાનોની સંસ્કૃત ભાષાને બદલે પ્રાકૃત લોકબોલીમાં ધર્મોપદેશ આપવાની પદ્ધતિએ લખાયેલી બોધકથાઓ છે. તેમાં એમણે લોકકલ્પનામાં રમતાં રૂપકો અને દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. જ્યારે કેટલીક સ્વયં ભગવાન મહાવીર કે એમના અનુયાયી સાધુઓનાં નિર્મળ વ્યક્તિત્વના પ્રતીકરૂપ ધર્મોપદેશની વિજયગાથાઓને રજૂ કરે છે. પ્રાચીન વસ્તુને અર્વાચીન ઢબે નિરૂપતી આ વાર્તાઓ વીર ધર્મના એટલે કે ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા વ્યાપક માનવધર્મનાં વિવિધ પાસાંનું સુભગ દર્શન કરાવે છે.

આ વાર્તાઓ મોટે ભાગે ધાર્મિક કથાવસ્તુવાળી છે પણ અહીં વાર્તાકારે ધર્મને માત્ર આળપંપાળ કે પરંપરાગત વિધિવિધાન રૂપે રાખીને નિરૂપ્યો નથી. અહીં ધર્મનો એક વિશિષ્ટ અર્થ પ્રગટે છે. ધર્મ એટલે જીવનનેચેતનાને ધારણ કરી રહેલા આત્માનો ધર્મ, જેનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે પ્રેમ. આ બધી વાર્તાઓનો અંતિમ ઘંટારવ છે પ્રેમબોલનો. પ્રેમ અને એના અનુષંગે અહિંસા, દયા, ક્ષમા, શાંતિ, ત્યાગ, અપરિગ્રહ અને સદાચારનો પુરસ્કાર કરતી આ વાર્તાઓ શુદ્ધ આત્મધર્મનું ગૌરવ સ્થાપે છે. અને એ રીતે જૈન ધર્મનું કથાવસ્તુ તો વાર્તાનું બહિરંગ માત્ર છે. વાર્તાનું ખરું અંતઃસ્તત્વ તો પ્રત્યેક વાર્તામાંથી ફોરમની જેમ ફલિત થતા સર્વગમ્ય જીવનસિદ્ધાંતમાં જ રહેલું છે. સાંપ્રદાયિક વસ્તુને સર્વમાન્ય ભૂમિકા ઉપર મૂકી આપી માનવજીવનના મૂલગત અંતસ્તત્ત્વને પ્રગટાવવામાં જ વાર્તાકાર જયભિખ્ખુની કલાકાર તરીકેની ખૂબી જોવા મળે છે.

કોઈ પણ વાર્તાકારની સફળતાનો ઘણો આધાર એની લેખનશૈલી ઉપર હોય છે. ‘વીરધર્મની વાતો’ના વિવિધ ભાગોમાં ઘણે સ્થળે તેમની શૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને સતત જકડી રાખે એવી નૈસર્ગિક ધમકવાળી ચેતના છે. કથનની ઉત્કટતા અને સરસતા તથા વર્ણનની ચારુતા એ જયભિખ્ખુની શૈલીના આગવા ગુણો છે. ઇતિહાસ, સમાજ કે રાષ્ટ્રનો કોઈ પણ વિષય હોય, જયભિખ્ખુ એની એવી મિષ્ટ અને રોચક શૈલીમાં રજૂઆત કરે છે કે ભાવક તલ્લીન બનીને એ રસસૃષ્ટિમાં રમમાણ થાય છે.

ધર્મોપદેશને મુખ્ય બનાવતી વાર્તાઓનું એક ભવ્યસ્થાન એ છે કે જો વાર્તાકાર સજાગ ન હોય, તટસ્થ અને બિનઅંગત વલણ ન ધરાવતો હોય તો વાર્તામાં ઉપદેશ જ મુખ્ય બની બેસે. કલાતત્ત્વના ભોગે તત્ત્વબોધને કેન્દ્રિત કરતા કથાપ્રસંગને જ કૃત્રિમ ઢબે ગોઠવાઈ જાય. સંગ્રહોની કેટલીક વાર્તાઓ જેવી કે ‘આત્મહત્યા’, ‘સહુ ચોરના ભાઈ’ જેવાને બાદ કરતાં લાગે છે વાર્તાકાર રચનાવિધાન અંગેના આ ભયસ્થાનથી પૂરેપૂરા સજાગ છે. ‘દેવદૂષ્ય’, ‘અમર કૂંપો’, ‘ભવનાટ્ય’ જેવી કૃતિઓ તો વાર્તાકાર જયભિખ્ખુની શિષ્ટ માન્ય કલાષ્ટિના નોંધપાત્ર નમૂના છે. લેખકે સ્વીકારેલી કથયિત્વની મર્યાદાને લક્ષ્યમાં લેતાં એમની આ સિદ્ધિને નાનકડી તો ન જ ગણાવી શકાય.

શિષ્ટ સરળ અને હૈયા સોંસરવું ઊતરી જાય એવા સચોટ ગદ્યવિધાનથી વાર્તારૂપ પામતી આ વાર્તાઓમાં જૈનધર્મ અને એના ધાર્મિકોની દૃષ્ટિ વૃત્તિનાં ચિત્રણો છે, એમ છતાં એનો કલાગુણ સાર્વત્રિક પ્રભાવ ધારણ કરીને જૈનેતરોને પણ પ્રસન્ન કરે છે, - એ જયભિખ્ખુની વાર્તાકલાની સિદ્ધિ છે.

‘માદરે વતન’ :

શ્રી જયભિખ્ખુ આપણા ધ્યેયલક્ષી વાર્તાકાર છે. પોતાના સાહિત્યસર્જન દ્વારા સમાજને કંઈક ઉન્નત પ્રાપ્ત થાય એવી એમની ઝંખના છે. ઈ. સ. ૧૯૪૭માં ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સદીઓથી પદ્દલિત. પરાજિત હિંદ એક અને અવિભાજિત બન્યું. હિંદુસ્તાનના નવનિર્માણના આ સમયગાળામાં અન્ય ક્ષેત્રોની જેમ ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ સ્વચ્છ, નિખાલસ અને દીર્ઘદૃષ્ટિભર્યું નવનિર્માણ જ્યારે જરૂરી હતું ત્યારે લેખક ‘માદરે વતન’ લઈને આવે છે. હિંદની પરાધીન દશા દરમિયાન આ દેશ વિશે, એના નરવીરો વિષે અનેક ભ્રમજનક અને લાંછનકારક ઇતિહાસ તથા ઇતિહાસાધારિત સાહિત્ય રચાયું હતું. રાજકારણને ધર્મ માનનાર પરદેશી મુત્સદ્દીઓએ આપણાં બાળકોને ગળથૂથીમાંથી જ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ઝેર પાયું હતું. આપણું બધું જ ખરાબ, ઊતરતું કે હીન અને પરદેશીઓનું સઘળું ચડિયાતું એ ભાવ રોપ્યો હતો. આ વાર્તાસંગ્રહ સંસ્કૃતિહત્યાના ભ્રમને ટાળવાના હેતુથી જયભિખ્ખુએ રચ્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓ પોતે જ આ વાતની કબૂલાત કરતાં કહે છે : ‘માદરે વતન તરફ મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી શિર ઉન્નત થાય, સાથે કમજોરી તરફ ખાસ લક્ષ જાય, રાજકીય કાવાદાવાઓ ને રાજખટપટોનો કંઈક ખ્યાલ આવે, એવાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ લક્ષમાં રાખી આ વાર્તાઓનું ગૂંથન કર્યું છે.’ (પ્રસ્તાવના : પૃ. ૭).

પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારના કથાવસ્તુવાળી આ વાર્તાઓ વર્તમાનમાં ખપમાં લાગે એવો કોઈ ને કોઈ સંદેશ લઈને આવે છે. સંગ્રહની કુલ સત્તર વાર્તામાની ‘કુરબાની’, ‘કુળાભિમાન’, ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હમીરગઢ’, ‘વતનને વાટે’, ‘અમીચંદ’, ‘અનામી શહાદત’, ‘સોમનાથનાં કમાડ’, ‘આખરી સલામ’ એ નવ વાર્તાઓ આ સંગ્રહના પુરોગામીવાર્તાસંગ્હ ‘ઉપવન’માંથી અને ‘ટોપીવાળાની સમાધ’, ‘ગુલાબ અને કંટક’માંથી પુનરાવૃત્ત થઈ છે. એ સિવાયની વાર્તાઓમાં પ્રથમ છે ‘પાપના ડાઘ’. પૌરાણિક કથાસંદર્ભથી યુક્ત આ વાર્તામાં યુધિષ્ઠિરના હૃદયની વેદનાને વાચારૂપ મળ્યું છે. કુરુક્ષેત્રના અઢાર દિવસના મહાસંહારક યુદ્ધ પછી પોતાને શું પ્રાપ્ત થયું એની શોચના કરતાં યુધિષ્ઠિરનું હૃદય ઊંડા ચિંતન અને વ્યથા અનુભવે છે. કૌરવોનાં પાપોને સંહારવા જતાં પોતે પણ કેવા પાપાચાર આચર્યા એની યાદ હૃદયને કંપાવે છે. ઊંડી મથામણ પછી પ્રેમની પુનઃસ્થાપના માટે રાજપાટનો ત્યાગ કરી પાંડે પાંડવો દ્રૌપદી સંગે નીકળી પડે છે. વિશ્વયુદ્ધોની વિટંબણામાં ફસાયેલી માનવજાતને યુદ્ધનો નફો કેવો નુકસાનકારક બનતો હોય છે એ તરફ વિચારવા પ્રેરતી આ વાર્તા પાપના ડાઘને પ્રેમના જળથી ધોવાનો સંદેશ આપે છે.

‘હીરા માણેક’ ભગવાન સોમનાથની દેવદાસી માણેસ અને સિતારવાદક હીરા વચ્ચેના અનોખા પ્રેમ અને કુરબાનીની કથા રજૂ કરી છે. ગઝની સુલતાન જ્યારે સોમનાથના મંદિર ઉપર ચડી આવ્યો ત્યારે એકબીજાને પ્રેમ કરતાં આ બંને એના સૈનિકોને હાથે બંદી થયા. સૈનિકના બદઈરાદાથી બચવા માણેકે આત્મહત્યા કરી અને મૃત માણેકના પ્રેમની દાદ મેળવવા હીરાએ ગઝનીની આખી સેનાને રમણાં ચડાવી બદલો વાળ્યો.

સ્વદેશ ને સ્વાધીનતાની રક્ષાએ જ્યારે સહુએ એક થવું જોઈતું હતું એવા ટાણે સત્તાલોલુપી રાઠોડો ને સૌંદર્યલોભી ચૌહાણો આપસ-આપસના યુદ્ધમાં મસ્ત હતા. પરિણામે સ્વાધીનતા ગુમાવી. યવનો દેશ ઉપર ચડી આવ્યા. આ ઇતિહાસસિદ્ધિ હકીકતને વર્ણવતી ‘વીર જયચંદ્ર’ વાર્તા દેશદ્રોહી તરીકે વગોવાયેલા રાઠોડવીર જયચંદ્રના ઉજ્જ્વળ ચારિત્રને આલેખે છે. જયચંદને વગોવનારી કથા ચંદ બરદાઈના બનાવેલા ‘પૃથ્વીરાજ રાસા’માં છે પણ તે રાસો સોળમી સદીમાં લખાયો છે. પૃથ્વીરાજનો ચંદ જુદો હતો, રાસો લખનાર ચંદ જુદો હતો. રાસો લખનાર ચંદે ચૈહાણોને સારા ચીતરવા તથા કથારસ જમાવવા જયચંદને ખલનાયક તરીકે ચીતરીને અન્યાય કર્યો છે. પૂર્વગ્રહોથી મુક્ત ઇતિહાસ વિષેની સાચી હકીકતો જણાવતી આ વાર્તા જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાનની પરિચાયક છે. શાંતિચાહકો દ્વારા સંગ્રાહસિંહને ઝેર આપી મૃત્યુ પમાડ્યાની કથા ‘સંગ્રામ’માં રજૂ થઈ છે તો હિંદુ કોમ ઉપર કર લગાવવાની સૂચના કરનાર એક મુસલમાન અધિકારીને મુસલમાન બાદશાહ જહાંગીર દ્વારા મળેલા અદ્દલ જહાંગીરી ન્યાયની કથા આલેખાય છે ‘જહાંગીરી ન્યાય’ વાર્તામાં.

ઈ. સ. ૧૭૭૫ની ચોથી ઓગસ્ટે ગોરા જજે ન્યાયની જે મુરઘીના મુખે બનાવટી ઉચ્ચારણ કરાવવું એને કારણે જાગી ઊઠેલા દેશવાસીઓની વાત કરતી ‘મુરઘી બોલી’ વાર્તા ભારતીયો ઉપર ગુજરતા અંગ્રેજ સલ્તનતના જુલમના એક કાળા પાનાને શબ્દરૂપ આપે છે. વતનની મુક્તિ માટે મથનાર સત્તર વર્ષના જવામર્દ ખુદીરામ બોઝની શહિદીને વર્ણવતી ‘જિન્હોને અપને ખૂનસે’ વાર્તા આઝાદીના ઇતિહાસનું એક અમર પાનું છે.

સંગ્રહની કુલ સત્તર વાર્તાઓમાં ‘કુરબાની’, ‘કુળાભિમાન’ અને ‘પાપના ડાઘ’ પૌરાણિક કથાસંદર્ભવાળી વાર્તાઓ છે. જેમાં ‘કુરબાની’ કામદેવના નિસ્વાર્થ સમર્પણને ‘કુળાભિમાન’ મિથ્યા કુળાભિમાન ભારતના ધ્વંસનું નિમિત્ત કઈ રીતે બન્યું તેને વર્ણવે છે. ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હીરામાણેક’, ‘વીર જયચંદ્ર’, ‘હમીરગઢ’, ‘સંગ્રામ’, ‘જહાંગીરી ન્યાય’, ‘વતનને માટે’ ભુલાયેલા ઇતિહાસનાં પાનાંઓની ગૌરવકથાઓ છે યા તો આપણી ભૂલો તરફનું આંગળી ચીંધણું છે. ‘વીર જયચંદ્ર’, ‘સંગ્રામ’ કે ‘હમીર ગઢ’ રજપૂતોના આપસ કહલ સર્જેલા વિનાશને વાચા આપી આપણી ભૂલો તરફ ધ્યાન દોરે છે. ‘અમીચંદ’, ‘મરઘી બોલી’, ‘અનામી શહાદત’, ‘ટોપીવાળાની સમાધ’, ‘આખરી સલામ’ અને ‘જિન્હોંને અપને ખૂનસે’, ભારતના સમકાલીન ઇતિહાસના સારાંમાઠા પૃષ્ઠોને વર્ણવે છે. અંગ્રેજોની સામે દેશને બચાવવા મરી ખપી ગયેલા નામી-અનામી શહીદોની કીર્તિગાથા સમાન આ જ વાર્તાઓ ‘માદરે વતન’ની સુવર્ણકણિકાઓ છે. વર્તમાન માટે કંઈક બોધ આપતી આ વાર્તાઓ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને પ્રગટ કરે છે.

‘કંચન અને કામિની’

માનવસંસ્કૃતિના ઇતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલહોમાં કંચન અને કામિનીએ મોટો ભાગ ભજવ્યો છે. આ બંને ય અત્યાર સુધીના સમાજના ઇતિહાસમાં માણસની મિલકત જ બનીને રહ્યાં છે. ઉદારતા અને ઉચ્ચ વિચારણાના ગમે તેટલા થપેડા તેની ઉપર લગાવવામાં આવે તો પણ વ્યવહારુ જીવનમાં સ્વાર્થપરાયણ આચાર અને આદર્શપરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે અનેક કુટુંબોમાં, ઘરોમાં, જ્ઞાતિઓમાં અને વિશાળ સામાજિક સંઘોમાં ઘર્ષણો જાગ્યાં છે. સમાજમાં કંચનને કારણે વિશ્વયુદ્ધો ખેલાયાં છે તો કામિનીને કારણે આંતરયુદ્ધો એમાંય તે વિશ્વયુદ્ધો કરતાં આંતરયુદ્ધો વધુ સંતાપકારી બન્યાં છે. આ ઘર્ષણનાં અનેક આલેખનો શ્રી જયભિખ્ખુએ તેમની વાર્તાઓમાં વેધક રીતે કર્યા છે.

સહૃદય સ્વસ્થ માણસનું ઘડતર થઈ શકે એવું ઘરમાં, કુટુંબમાં કે સમાજમાં ક્યાંય કશું નથી. કંચન અને કામિની પાછળની દોટે માણસ પાસેથી ઘરને ખોવરાવ્યું છે. આજે આઝાદી છે, ધન છે, સત્તા છે, પ્રતિષ્ઠા છે, મહત્તા છે પણ માણસ પાસે સંજીવની સમું ‘ઘર’ નથી. ‘ઘર’ વિના માણસ પેટક્ષુધા અને જાતીયક્ષુધા માટે, અકરાંતિયાની જેમ આરોગતો હોવા છતાં ભૂખ્યો ને ભૂખ્યો દરબદર ભટકી રહ્યો છે. એની ક્ષુધા અતૃપ્ત જ રહી છે ! સંસારની સંસારજેલોમાં વસતા આવા અતૃપ્ત આત્માઓ ત્યારે જ તૃપ્ત થાય જ્યારે સમાજમાંથી કંચન અને કામિનીનું આકર્ષણ ઓછું થાય. ધન એ સાધન છે, સાધ્ય નથી. સ્ત્રી એ પ્રેરણામૂર્તિ છે, વિલાસમૂર્તિ નથી એ સમજાય તો જ ‘ઘર’ વસે અને ઘર વસે તો પરિવાર બને. પરિવાર બને તો કીંમતી પરંપરા રક્ષાય અને તો જ પૃથ્વી નરોત્તમ પામે છે.

સંસારને સ્વર્ગ બનાવવા માટેની આવી ધ્યેયનિષ્ઠ વિચારસરણી ધરાવતાં શ્રી જયભિખ્ખુએ પોતાના અનેક વાર્તાસંગ્રહોમાં સમાજને મૂંઝવતા કેટલાય સામાજિક પ્રશ્નોને છણ્યા છે. એમની આવી સામાજિક પ્રશ્નોની છણાવટ કરતી વાર્તાઓના સંગ્રહોમાં આ સંગ્રહ એમાંના વિચારબળ, કલાનિયોજન અને ધ્યેયદર્શનની વિશિષ્ટતાને કારણે આગવો તરી આવે છે.

કુલ ૧૨ વાર્તાના આ સંગ્રહમાંની પ્રથમ વાર્તા છે ‘કંચન અને કામિની’. આ વાર્તામાં એક કલાકાર સુથાર મનસુખે પત્ની તરીકે પ્રાપ્ત થયેલી એક સામાન્ય છોકરી આશામાંથી પોતાની કલ્પનાને પ્રિય એવી સુંદર પ્રિયતમા ઘડી. પોતાની આ પ્રિય પત્નીને એની ઓરમાન માએ એટલા માટે મારી નાખી કે એ પૈસાદાર સુથાર સાથે પોતાના પેટની જણી છોકરીને પરણાવી શકે ! ઓરમાન મા અનેક પ્રકારની યુક્તિપૂર્વક એ કાર્ય પાર પણ પાડે છે, પણ તે કલાકાર પોતાની પ્રથમ પત્નીના પ્રેમે પાગલ બની જાય છે, અને કંચનના મોહે પરણાવવામાં આવેલી બીજી પત્ની મેના પતિના પ્રેમને પામી શકતી નથી. કંચનના ધનના પ્રેમના મોહે આ વાર્તામાંની અપરમાએ જે કંઈ દુષ્કાર્યો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા કર્યાં એને કારણે નથી એ સુખી થઈ શકી કે નથી અન્ય કોઈને સુખી બનાવી શકી. માનવજીવનમાં ધન એ સાધન છે, સાધ્ય નથી. એનો ઉપયોગ પણ સાધન તરીકે જ થવો જોઈએ એ ધ્વનિને સમજાવતી આ વાર્તામાં મનસુખનું પાત્ર લેખકની કલમે કુશળ રીતે ઊપસ્યું છે.

આત્મકથનાત્મક સ્વરૂપની ‘સાંકળી ફઈબા’ વાર્તામાં જયભિખ્ખુએ ધર્મ જ્યારે સંસ્થાપ્રધાન કે સાંપ્રદાયિક રૂપ પામે ત્યારે સમાજના નિર્બળ તત્ત્વો ઉપર સત્તાનું કેવું હથિયાર બની જાય છે તે સરસ રીતે નિરૂપ્યું છે. જૈન સમાજના ફિરકા સ્થાનકવાસી અને દેરાવાસી વચ્ચે આમ તો રોટીબેટીનો વ્યવહાર હતો પણ અમુક સમયે અંગત રાગદ્વેષોમાંથી જન્મેલો આંતરસંઘર્ષ કેવી રીતે સમાજસંઘર્ષ અને ધર્મસંઘર્ષનું રૂપ લઈને કુટુંબો વચ્ચે વિખવાદની વિષવેલ બની બેઠો હતો એનું નિરૂપણ આ વાર્તામાં લેખકે સુંદર રીતે કર્યું છે. વાર્તાનું વાતાવરણ સંપૂર્ણપણે સાંપ્રદાયિક છે. સાધુઓની વૈયાવચ્ચ (પૃ. ૩૧), અઠ્ઠાઈ ઉત્સવ (પૃ. ૩૪), પ્રતિમાજીની પધરામણી (પૃ. ૩૪) જેવા શબ્દપ્રયોગો સાંપ્રદાયિક માનસ જ સમજી શકે એવા છે. વાર્તામાં દાદાનું ખીમરવંતું અને ઊંડી સૂઝવાળું પાત્ર સ્મરણીય છે.

‘સોનાની મરઘી’ વાર્તામાં પૈસાદાર છોકરાને પોતાની દીકરી પરણાવવા ઇચ્છતા અને એની પાછળ ગાંડા બનતા સમાજનું ચિત્ર આલેખાયું છે. કાઠિયાવાડી ધરતીનો પરિવેશ, ત્યાંનો સમાજ, દીકરીના બાપની ગરજાળ પરિસ્થિતિ, એનો લાભ ઉઠાવવા તત્પર દીકરાના મા-બાપ વગેરેનું વેધક ચિત્ર આ વાર્તા આપે છે. મુંબઈની દુનિયામાં રહેલી, ઓછું ભણેલી પણ વધુ ગણેલી શણગાર શેઠાણીનું દેશમાં નાતીલા સાથેનું વર્તન, એનું શ્રીમંતાઈનું તથા શહેરીપણાનું પ્રદર્શન લેખકે ખૂબ સરસ રીતે ઉપસાવ્યાં છે. પોતાની દીકરીને શહેરમાં વરાવવાના મોહે ગરજાળ બનતા દીકરીના બાપનું લેખકહાથે અહીં અચ્છું કટાક્ષચિત્ર ઊપસ્યું છે. કંચનના મોહે સ્વસ્થ વિવેકબુદ્ધિ ગુમાવતા ભોગી શેઠ અને શણગાર શેઠાણીની સાન ઠેકાણે લાવે છે એમનો પુત્ર કેશવ. જ્યારે ભાગી શેઠે મોટા કરિયાવર સાથે કેશવનો સોદો નક્કી કરી નાખ્યો હતો ત્યારે એ સોદાને નકારતો કેશવ પોતાની મનપસંદ કામિનીને પામવા એમનાથી દૂર જતો રહ્યો.

સંગ્રહની ‘ગંગા ગટરમાં’ વાર્તામાં જયભિખ્ખુએ ગામડાને નહિ બંધ-બેસતી શહેરી સંસ્કૃતિથી ગામડાની થતી પાયમાલી બતાવી છે. લેખકનો પક્ષઘાત શહેરી સંસ્કૃતિ કરતાં ગ્રામસંસ્કૃતિ તરફ વધારે રહ્યો છે. એથી વાર્તામાં શહેરી સંસ્કૃતિ તરફનો કટાક્ષભર્યો આક્રોશ અવારનવાર છલકાતો જણાય છે. વાર્તાનું વસ્તુ તો આછુંપાતળું જ છે. શહેરી જીવનના દવથી બળેલો સુમન શહેરની ચીકણી માંદગીને ગામડાંની તાજી હવાથી દૂર કરવા પોતાને ગામ આવ્યો હતો. પહેલાં તો ગામડાંનું જીવન એને જચતું નથી. શહેરના મોજશોખ સાંભરે છે પણ અનુભવે એને ગ્રામધરતીની ચોખ્ખી હવા અને આરોગ્યપ્રદ ખોરાકનું મૂલ્ય સમજાય છે. સાજો થયેલો એ શહેરને, શહેરના ભણતરને અને વીજળી-પાણીને ગામડામાં લાવે છે. ગામલોકો આ સુખસગવડોમાંથી એશઆરામી બની છેવટે દુ:ખના દરિયામાં ધકેલાય છે. ત્યારે રૂખો શહેરની એ સુખસાહ્યબીને નષ્ટભ્રષ્ટ કરી પોતાનો આક્રોશ પ્રગટ કરે છે. શહેરની એશઆરામીએ ગંગા જેવી ગામડાની શીલવતી યુવતીને કયા કારણે ગંદકીની ગટરમાં ધકેલી એનું નિરૂપણ તો લેખકે-હાથે સાવ જ ઉપરછલ્લું થયું છે. સ્ત્રીની દબાયેલી સ્થિતિનું આછુંપાતળું ચિત્ર આપતી આ વાર્તા મુખ્યત્વે તો વાર્તાકારનો ગ્રામજીવન તરફનો પક્ષપાત જ પ્રગટ કરે છે.

પ્રત્યેક સમાજમાં ખસની જેમ ખણી ખણીને સમાજને વલુરતો એક વર્ગ છે. એ વર્ગ સમાજમાં ચૌદશિયાના નામે જાણીતો હોય છે. એમની લાકડે માકડું વળગાડવાની પદ્ધતિ, કન્યા કે વરના વિક્રયમાંથી દલાલી મેળવવાની રીત એ બધાને નિરૂપતી વાર્તાઓ તો સાહિત્યમાં અનેક રૂપે મળે છે. આ વાર્તાકારે પણ એમના અન્ય સંગ્રહોમાં એવી વાર્તાઓ આપી છે પણ ‘ચૌદશિયો’ વાર્તા અન્ય વાર્તાઓથી એક ડગલું આગળ એ રીતે જાય છે કે અન્ય વાર્તાઓમાં જ્યાં આવા ચૌદશિયા દ્વારા રહેંસાયેલા સ્વજનો પોતાના પ્રિયજનનું એમના દ્વારા રહેંસાતુ સ્વરૂપ મૂંગે મોઢે સહી લે છે, ક્યાંક આંસુ સારીને તો ક્યાંક એમાંથી કંઈક લાભ મેળવીને, જ્યારે અહીં એનાથી વિપરીત પરિસ્થિતિ છે. ઓઘડચંદ ચૌદશિયાએ લાકડા શેઠની દીકરી લાડકી માટે ૪ર વર્ષનો મુરતિયો પસંદ કરી ચાર હજાર રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો અને એમાંથી એક હજાર રૂપિયા દલાલીના એને મળવાના હતા પણ ઓઘડચંદની આ ચૌદશ કરવાની રીતને લાડકા શેઠનો મુંબઈમાં ભણતો દીકરો રમણિક એવી રીતે ઊંધી પાડીને પદાર્થપાઠ શીખવે છે કે એને પરિણામે એ જિંદગીભર આવી દલાલી કરવાનું ભૂલી જાય છે. એટલું જ નહીં, બેંતાલિસ વર્ષે પરણવાના ઓરતા કરનાર તારાચંદ શેઠ પણ નાણું અને નાક બંને ખોઈને સમાજમાં બદનામ થાય છે. સમાજના દબાયેલા, કચડાયેલા વર્ગને જરૂર છે આવા નિર્ભિક અને વક્તા યુવાન રમણિકની , એની કાર્યપદ્ધતિની, સમાજમાં આવા થોડા યુવાન-યુવતીઓ ટીકાટિપ્પણની પરવા કર્યા વિના બહાર આવે અને કામ કરે તો કેટલાય નિર્દોષ યુવાન-યુવતીઓનાં જીવન રહેંસાતાં બચી જાય છે એ આ વાર્તા દ્વારા લેખક સૂચવે છે.

‘કુસુમ અને વ્રજ’માં સ્ત્રીની દબાયેલી સ્થિતિનું દયનીય અને કારુણ્યસભર નિરૂપણ છે. શેઠ વનવિહારીની પત્ની પ્રેમીલાએ પતિરૂપી હિમાળાને પ્રસન્ન રાખવા જાત લૂંટાવી દીધી હતી. સાત સાત છોકરાને જન્મ આપ્યા પછી કંતાયેલા શરીરે પણ પશુ જેવા પતિની હવસભૂખથી પીંખાતી અને છતાં કંઈ ન બોલતી અને પતિને દેવ ગણતી આ સ્ત્રી છેવટે આઠમા બાળકનું દાન દઈને મોતને શરણ થઈ ત્યારે હવસભૂખ્યા શેઠે પચીશ હજાર રૂપિયા ખર્ચી મધુમાલતી સાથે બીજું લગ્ન કર્યું. વગડાઉ રોજ જેવો પતિને, એના હવસને ઠેકાણે આણતી મધુમાલતી શેઠને દાસાનુદાસ તો બનાવે જ છે પણ સાથે સાથે મૃત પત્નીની સાચી કિંમત પણ સમજાવે છે.

‘અપહૃતા’ નારીજીવનના એક એવા કરુણ પાસાને શબ્દરૂપ આપે છે. જેને વિના વાંકે ઘણું સહન કરવું પડે છે. વાર્તાની નાયિકા રંજન પોતાના પતિ કનુને ખૂબ ચાહે છે. ધંધાના કામે પરદેશ જતો પતિ વહેલામાં વહેલો એટલે કે એકાદ વર્ષો પાછા ફરવાનું વચન આપી પ્રિય પત્નીથી વિખૂટો પડે છે. વિરહવ્યાકુળા રંજન એક નહીં બબ્બે વર્ષ પતિની રાહમાં તરફડી તરફડીને ગુજારે છે ત્યાં અચાનક આવતું સ્વરાજનું તોફાન એની આસપાસ આંધી બનીને વીંટાય છે. ગુંડાઓ દ્વારા તેનું સ્ત્રીત્વ લુંટાય છે. ગુંડાઓના પંજામાંથી ભાગી આવેલી રંજનાને સમાજ સ્વીકારતો નથી. પરદેશથી પાછો ફરતો કનુ જ્યારે બંગલાના ચોકીદાર પાસેથી આ કરુણકથા જાણે છે ત્યારે પત્નીના પ્રેમની યાદમાં તરફડીને જિંદગી વિતાવે છે.

અંધારી અને ગંદી ગલીમાં વસતા માનવીઓનાં દિલ અંધારમય કે ગંદા નથી હોતાં, ત્યાં પણ કાદવના કમળની જેમ દિલની ઊજળી સુવાસ જોવા મળે છે. એ વાતની પ્રતીતિ કરાવતી ‘રાજા બેટા’ વાર્તાની નાયિકા ગંગા ગામના ઠાકોરની રાણી ચંદ્રકુંવરબાને પોતાનો જણ્યો જણતાની સાથે આપી દે છે અને એના બદલામાં મળતા પૈસા કે સાડી સ્વીકારતી નથી. એની તો એક જ ઝંખના છે : ‘ઠાકોર’ મારો દીકરો રાજા થશે. એના જે જેકાર બોલાશે. મારા પેટનો જણ્યો ! મારો રાજા બેટા ! (પૃ. ૧૭૫) ‘મહર્ષિ મેતારજ’ની કથાની યાદ આપતી આ વાર્તાની કથા માની મમતાના ઊજળા પાસાને પ્રગટ કરે છે અને સાથે સાથે નાના માણસોના દિલમાં રહેલી ઉદ્દાત્તતાને પણ વર્ણવે છે.

સ્ત્રીને થતા અન્યાયની કથા ‘પ્રેમલક્ષણા’માં આલેખાઈ છે. શોભના નામની ગણિકાએ નગરના ધનકુબેર શેઠના વારસદાર પાસે એકનિષ્ઠ રખાત તરીકેના હક્કથી મિલકતમાં ભાગ માગ્યો. કોર્ટે ભાગ આપ્યો પણ ખરો પણ એ ભાગ લેવા જતાં સમાજમાં થયેલી બદનામીથી દુભાઈને એણે આત્મહત્યા કરી એની વ્યથાકથા વર્ણવાઈ છે.

‘કંથ અને કામિની’ કામ અને પ્રેમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપતી વાર્તા છે. લેખકે નવલ-માણેક અને સુશીલાના પ્રણયત્રિકોણ દ્વારા પ્રેમને કામ દ્વારા ઠોકરાતો અને અંતે પશ્ચાત્તાપની જ્વાળામાં પ્રજળીને પાવનરૂપે પ્રગટતો બતાવ્યો છે. નવલ-માણેકની પ્રસન્ન દામ્પત્યમય જિંદગીમાં વિષવેલ રૂપે ફાલીને દામ્પત્યને અગ્નિપરીક્ષામાં તાવતી સુશીલા આધુનિક નારીને વરવા રૂપે ઉપસાવે છે. કામીની દાસી બનીને વિલાસિતાની વિષવેલ પોતાની અને નવલની આસપાસ વીંટતી સુશીલાનો સાચો પરિચય થતાં માણેક પાસે પાછો આવતો નવલ પોતાની જિંદગી તો માણેકની અનુપમ સેવા અને સ્નેહથી પાછી મેળવે છે. પણ સાથે સાથે સ્ત્રીના બે સામસામાં રૂપોથી પણ પરિચિત થાય છે. એનાથી આપોઆપ માણેક અને સુશીલા - જૂની અને નવી નારી - ની સરખામણી થઈ જાય છે. એક ભૂખી છતાં સંતોષી ! એક ભરપેટ પામનારી છતાં ભૂખડી બારસ ! ‘એક તરફ સ્વયંસંપૂર્ણ પ્રેમ, બીજી તરફ સદા સંતપ્ત કામ ! નવલે સુધરેલી સુશીલાના દેહ પર નિરુદ્યમી અજગરની મહા ક્ષુધા વ્યાપેલી જોઈ. જૂનવાણી માણેકના દેહ ઉપર આત્મભોગનો સાગર હિલોળા લેતો દેખાયો.’ (પૃ. ૨૦૬). લેખકને આ વાર્તા દ્વારા સૂચવવું છે એ કે કામ એ પ્રેમમંદિરે પહોંચવાની નિસરણી જરૂર છે પણ માણસની એ આખરી મંઝિલ ન હોવી જોઈએ.

‘પ્રેમલક્ષણા’ની જેમ ‘પાપનો પોકાર’માં પણ સ્ત્રીને થતા અન્યાયની જ વાત છે. આ અન્યાય સ્ત્રીએ એટલા માટે સહન કરવા પડે છે કે એ અસહાય અને પુરુષની દબાયેલી છે. અનાઘાત પુષ્પ સમી કોમળ સુકુમાર બાળવિધવા કાન્તાને કઈ રીતે સહાનુભૂતિની અને પ્રેમની આડ લઈ સમાજમાં સંસ્કારદાતા ગણાતા માસ્તર દ્વારા છળવામાં આવે છે અને છેવટે શીલ ગુમાવી ચૂકેલી આ નારી ઉપર યાતનાના કેવા કેવા પહાડ ઝિંકાતા જાય છે એનું નિરૂપણ આપણા સમાજની એક કાળી બાજુને મૂર્તિમંત કરે છે. છેવટે કોર્ટમાં ન્યાયદેવતા સમક્ષ વીફરેલી આ વનિતા દ્વારા પુરુષસમાજના વરવા રૂપને પ્રગટ કરતી કેફિયતમાં કચડાયેલા નારીસમાજનો આક્રોશ પ્રતિબિંબિત થાય છે. અલબત્ત, કાન્તાના કોર્ટમાંના લાંબા સંવાદો વાર્તાતત્ત્વને કથળાવી મૂકે છે. પણ લેખકનો હેતુ સ્ત્રીની દયનીય સ્થિતિને સચોટ રીતે અભિવ્યક્ત કરવાનો છે એ સિદ્ધ થાય છે.

‘વસિયતનામુ’ આ સંગ્રહમાં એક નવા જ વિષયને નવા પ્રકારની આલેખનરીતિથી રજૂ કરતી વાર્તા છે. એમાં લેખકે એક સરસ પ્રકારનું સ્વપ્નાલેખન કર્યું છે. ગંભીર માંદગીના બિછાને પડેલા વાર્તાના નાયકલેખક મહાશયને લાગે છે કે હવે પોતે લાંબો સમય જીવી નહીં શકે. વકીલ મિત્ર મરતા અગાઉ પોતાની પાસે જે કંઈ હોય એનું વીલ કરવાની સલાહ આપે છે. આ વીલ એક લેખકનું વીલ છે. સરસ્વતીની પ્રસન્નતા હોય ત્યાં લક્ષ્મીનો વાસો તો હોય જ ક્યાંથી ? લેખકની મિલકત રૂપે કેટલીક ચોપડિયો… કેટલાંક દેવાં.... વગેરે વગેરે ! વીલ કરતાં કરતાં સ્વપ્નાવસ્થામાં સરેલો લેખક પોતાને મૃત્યુ પામેલો જુએ છે એ પછીની એની આનંદમય સ્થિતિ, એના સૂક્ષ્મ સ્વરૂપે નિરખેલું એના સ્થૂળ શરીર તથા એના નામની સાથે સ્વજનો તથા સંબંધીઓ દ્વારા થતાં ચેડાનું દર્શન વગેરેનું નિરૂપણ વાર્તામાં ક્યાંક કટાક્ષ, ક્યાંક હાસ્ય અને ક્યાંક આનંદલહર પૂરી પાડે છે. વાર્તામાં સરસ્વતી અને લક્ષ્મીના કુમળની વાત સુંદર રીતે મઢી લેવાઈ છે. વાર્તા વાંચતાં ક્યાંક લેખક પોતે જ નાયક તરીકે ઝળકતા હોય.… પોતાનું જ પ્રતિબિંબ વાર્તામાં પાડ્યું હોય એવું પણ જણાય છે ખરું !

કંચન અને કામિનીની માંગ સમાજના માનસને કેવું હિલોળે ચડાવે છે તેનું સુંદર અને સચોટ આલેખન કરતી જયભિખ્ખુની આ વાર્તાઓ સુવાચ્ય છે. મોટા ભાગે સામાજિક પ્રશ્નોની છણાવટ કરતી આ વાર્તાઓ ધ્યેયલક્ષી હોવા છતાં રસની જમાવટ એમાં સારા પ્રમાણમાં થઈ શકી છે. આ વાર્તાઓ લેખકના સીધા અનુભવમાંથી પ્રગટી હોવાને કારણે વાચકના મર્મભાગ ઉપર ધારી અસર કરી જાય છે.

સંગ્રહની વાર્તાઓ વાંચતાં જણાય છે કે વાર્તાકાર નિરાંત લઈને વાત કરવા બેઠા છે. એને લંબાણ થાય તો પણ સુંદર રીતે વાત કરવી છે અને એટલે જ આ વાર્તાઓ દિલ ઉપર ધારી અસર ઉપજાવે છે. શ્રી મધુસૂદન મોદીને જયભિખ્ખુની વાર્તાઓ એમાંના વસ્તુદર્શીપણાને કારણે સમરસેટ મો’મ કે મોંપાસાની કોટિની વધુ લાગી છે. (પુરોવચન, પૃ. ૧૫). વાર્તાકાર જયભિખ્ખુ પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ શૈલી છે. ગ્રામ અને તળપદા જીવનનો લેખકનો અનુભવ શૈલીમાં બળકટતા લાવી અને સુગ્રાહ્યતાનો અનુભવ કરાવે છે. શૈલીમાંનાં કલ્પના અને સૌષ્ઠવ વાર્તાને સુરેખ આકાર પૂરો પાડે છે. જયભિખ્ખુનો આ વાર્તાસંગ્રહ એમના સામાજિક પ્રશ્નોને છણતા વાર્તાસંગ્રહોમાં વિચારબળ, કલાનિયોજન અને ધ્યેયદર્શનને કારણે આગવો રહ્યો છે.

‘યાદવાસ્થળી’ :

નવરાષ્ટ્રના સ્થિરીકરણ અને ઉન્નતિકરણમાં ઊંડો બોધ આપતી વાર્તાઓનો સંગ્રહ ‘યાદવાસ્થળી’ શ્રી જયભિખ્ખુ પ્રસ્તાવનામાં જ કહે છે તેમ ‘માદરે વતન’ વાર્તાસંગ્રહનો અનુસંધિત સંગ્રહ છે. બે ખંડમાં વહેંચાઈને કુલ ચૌદ વાર્તાઓ રજૂ કરતાં આ સંગ્રહમાંની ‘અભિનેતા’, ‘વીરની અહિંસા’, ‘ગોમાંસભક્ષક’, ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’, ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તાઓ ‘ઉપવન’, ‘વીરધર્મની વાતો’ના વિવિધ ભાગોમાં કે પછી અન્યત્ર પ્રસિદ્ધ થયેલી છે જ્યારે ‘ઘરના ચિરાગ’નું વસ્તુ ‘ઉપવન’માંની ‘અમીચંદ’ વાર્તામાં રજૂ થયેલી તેજ છે. અલબત્ત, અહીં આ વાર્તા વધારે અસરકારક બની છે.

સંગ્રહમાંની ‘સંઘર્ષ’ અને ‘આમચી મુંબઈ’ એ બે વાર્તાઓ સિવાયની વાર્તાઓનું વસ્તુ વાર્તાકારે કાં તો ઇતિહાસમાંથી, કાં તો પુરાણમાંથી પસંદ કર્યું છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા એક સંઘર્ષ લઈને ખડી થઈ છે. કોઈમાં જીવનસંઘર્ષ છે તો કોઈમાં રાષ્ટ્રધર્મ કે આત્મસંઘર્ષ અને એ રીતે સંગ્રહને અપાયેલું શીર્ષક સાથે ઠરે છે.

સંગ્રહની પહેલી વાર્તા ‘યાદવાસ્થળી’ યાદવવિનાશ અને શ્રીકૃષ્ણના દેહોત્સર્ગને વર્ણવે છે. ‘પ્રેમાવતાર’ નવલકથામાં જેનું વિગતે નિરૂપણ થયું છે એવા દ્યુત અને સુરાપાનને કારણે થયેલા યાદવવિનાશને વર્ણવતી આ વાર્તા નવસર્જનને કાજે થતાં અનિષ્ટમાત્રના સંહારયજ્ઞમાં મારું-તારું નહીં જોવાની અનોખી કૃષ્ણદૃષ્ટિનો સંદેશ જગતને આપે છે. ઘણીવાર વસ્તુનો પથરાટ વસ્તુની અસરકારકતાને ઉપસાવવામાં બાધક નીવડતો હોય છે. સંક્ષિપ્તતા સચોટતાની દ્યોતક પુરવાર થાય છે. ‘યાદવાસ્થળી’ યાદવવિનાશપ્રસંગને જેટલી સુરેખ રીતે વાર્તારૂપે ઉપસાવી આપે છે એટલી સુરેખતા ‘પ્રેમાવતાર’માં નવલકથારૂપે રજૂ થયેલા આ પ્રસંગમાં જોવા મળતી નથી. વિગતોનું બિનજરૂરી ભારણ ત્યાં વાર્તાતત્ત્વની ચોટને ઉપસાવી શક્યું નથી. એકના એક વસ્તુને લઈને જયભિખ્ખુએ જ્યાં નવલકથા જેવી ઇમારત તથા ટૂંકી વાર્તા કે નાટક જેવી નકશીદાર ગોખરચના કરી છે ત્યાં નાનકડો ઘાટ વધુ કલાત્મક અને અસરકારક બન્યો છે.

મીરજાફર અને મીરકાસમની લીંબુ-ઉછાળ રાજ્યપ્રાપ્તિ અને અંગ્રેજોની ફૂટનીતિને વર્ણવતી ‘ઘરના ચિરાગ’ વાર્તા ભાઈ-ભાઈના સંહારની યાદવાસ્થળીની ઘટનાની નાનકડી પુનરાવૃત્તિ જ છે. એમાં મીરજાફર અને અમીચંદે કરાવેલા સિરાજ અને મીરકાસીમના વિનાશની કથા વર્ણવાઈ છે. સહેલાઈથી દેશદ્રોહ કરાવતો અદીર્ઘદર્શી સ્વાર્થ કેવાં વિનાશકારી પરિણામો લાવે છે તે વાર્તાકારે સરસ રીતે વર્ણવ્યું છે. યાદવાસ્થળીથી સોનાની દ્વારકાને જેમ દરિયો મળી ગયો તેમ આ કરુણ ઘટના પછી અંગ્રેજી સત્તા સોનાના ભારતને અથવા એના સોના-મૂલા સ્વાતંત્ર્યને ગળી ગઈ. તો ‘સંઘર્ષ’ની હિંદુ- મુસલમાનના કોમી હુલ્લડની વાર્તા પણ એક યા બીજા રૂપે યાદવાસ્થળીની કથા જ કહે છે. અને એનું પરિણામ તે માણસાઈની દ્વારકા પર જંગલિયાતનાં પાણી ફરી વળી જે વિનાશ વેરાયો તે જ છે.

‘આમચી મુંબઈ’ પ્રાંત પ્રાંત વચ્ચે યાદવાસ્થળી જગાડે એવા પ્રાંતવાદે સરજેલા માનસને હસી કાઢતી વાર્તા છે. વાર્તામાં વસ્તુ ન જેવું જ હોવા છતાં કહેણીને બળે વાર્તાને જયભિખ્ખુ આકર્ષક બનાવી શક્યા છે. વાર્તાની લખાવટમાં કટાક્ષ પ્રયોજી વાર્તાને યથાશક્તિ રસિક બનાવી છે.

‘વિષના પ્યાલા’માં રજપૂતોની આપ આપસની યાદવાસ્થળી અટકાવવા મેવાડની રાજકુંવરી કૃષ્ણાકુમારીએ કરેલા વિષપાનના ભવ્ય કરુણ પ્રસંગને નિરૂપે છે. વાર્તામાં કૃષ્ણાનું અદ્‌ભુત આત્મસમર્પણ સુંદર રૂપે ઊપસ્યું છે. ‘વીરની અહિંસા’ મગધ અને વૈશાલીનો વિગ્રહ વીરની અહિંસાને કારણે કઈ રીતે અટક્યો તે નિરૂપે છે તો ‘ગોમાંસભક્ષક’ સર વિલિયમ હોન્સે પ્રતિકૂળ સંજોગોમાં કરેલા સંસ્કૃતના અભ્યાસને વર્ણવે છે. ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પીડિત પરધર્મને અપાયેલા ન્યાયની કથા છે તો ‘કાફિર’માં અકબરની હિંદુઓ પ્રત્યેની ઉદાર નીતિનું નિરૂપણ છે.

‘જલમેં મીન પિયાસી’ મીનળદેવી અને કર્ણદેવ વચ્ચે પહેલી રાતે જ સરજાઈ ગયેલા અણબનાવને અને મીનળદેવીએ વિલક્ષણ રીતે વિમનસ્ક કર્ણદેવના કરેલા અનુનયને આલેખે છે. મીનળદેવીનું ગૌરવભર્યું નારીહૃદય વાર્તામાં સુપેરે વર્ણવાયું છે. ‘લવંગિકા’ એક આકર્ષક પ્રણયકથા તરીકે વાર્તાસંગ્રહમાં જુદી તરી આવે છે. સુપ્રસિદ્ધ કવિ જગન્નાથના લવંગિકા સાથેના વર્ણાન્તર-ધર્માન્તર સ્નેહલગ્નનો સમાજે કરેલો વિરોધ વર્ણવતી આ વાર્તામાં લોકવિરોધને ક્ષુદ્ર ઠરાવી તેને પરાજયથી લજ્જિત કરતું પ્રેમી યુગલનું આત્મબલિદાન કર્તાએ આલેખ્યું છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં સંઘર્ષનું મંગલાન્ત શમન થઈ જતું બતાવાયું છે જ્યારે આ વાર્તામાં એવું થયું નથી છતાં અંત વધુ પ્રતીતિકર લાગે છે.

‘યાદવાસ્થળી’ની ભારતના ઇતિહાસ-પુરાણની કથા તાંતણાવાળી વાર્તાઓની વચ્ચે કર્તાનું ધ્યાન ચૂકવી ઘૂસી ગયેલી ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તામાં ખલીફા ઙજરત ઉપરની દીનવત્સલતા અને પ્રજાપાલકતાને પ્રગટ કરતો એક કિસ્સો નિરૂપાયો છે. ખલીફાનું ઉદાત્ત પાત્રત્વ ઉપસાવતી આ વાર્તા પાત્રપ્રધાન વાર્તાનો એક ઉમદા નમૂનો પૂરો પાડે છે. તો સંગ્રહની અંતિમ વાર્તા ‘માધ્યમ માર્ગ’ કઠોર દેહદમન બાદ સિદ્ધાર્થ ગૌતમને લાધેલા મધ્યમ માર્ગના સત્યને અને બુદ્ધત્વને વર્ણવે છે.

આપણે આગળ જોયું તેમ સંગ્રહની પ્રત્યેક વાર્તા એક સંઘર્ષને લઈને ઉપસે છે, જેમકે ‘કાફિર’ જેવી વાર્તામાં રાષ્ટ્રસંઘર્ષ એટલે રાષ્ટ્રનું હિત જોખમાવે એવા સંઘર્ષનું નિરૂપણ છે તો અન્યત્ર જીવનસંઘર્ષ જોવા મળે છે. જેમ કે વિલિયમ જ્હોન્સને નડેલા રૂઢિચુસ્ત હિન્દુ માનસનો સંઘર્ષ કે અકબરની સામે ઊઠેલા ચુસ્ત ઇસ્લામ પરસ્તોનો વિરોધ વંટોળ, જગન્નાથ-લવંગિકાના ધર્માન્તર સ્નેહલગ્નનો સમાજે કરેલો વિરોધ વગેરે જીવનસંઘર્ષને જ ઉપસાવે છે. ‘લવંગિકા’ સિવાયની વાર્તાઓમાં સંઘર્ષનું મંગલાન્ત શમન જોવા મળે છે.

વાર્તાકાર જયભિખ્ખુની ઘણીબધી વાર્તાઓનું વસ્તુ જાણીતું છે એને કારણે વસ્તુગત આકર્ષણ વાર્તાઓમાં બહુ જળવાતું નથી. આવી વાર્તાઓને આકર્ષક રૂપ આપવામાં જ વાર્તાકારની શક્તિની કસોટી રહેલી છે. જયભિખ્ખુ આવી વાર્તાઓને પોતાની રજૂઆતની કુશળતાથી - કહેણીને બળે - આકર્ષક બનાવી શક્યા છે. સુગ્રથિત કલાત્મક વસ્તુસંવિધાન કરતાં ઝમકદાર અને પ્રવાહી ભાષા એમને વાર્તાઓમાં સારું કામ આપે છે. સંગ્રહની ‘લવંગિકા’ વાર્તાને તપાસનાર હરકોઈ વ્યક્તિ એમાંના ભાષાવૈભવથી પ્રભાવિત થયા વિના રહેશે નહીં. જયભિખ્ખુને શબ્દશોખીન વાર્તાકાર ઠરાવે એવો ભાષાનો વૈભવ એમાં જણાશે. ‘કાફિર’ ને ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તાઓ વાર્તાકારનું ફારસી શબ્દભંડોળનું જ્ઞાન બતાવે છે. આમ છતાં એમની સડસડાટ સરતી શબ્દશોખીન કલમ ક્યાંક ક્યાંક ભાષાના આવા ભાતીગળ વૈચિત્રો પણ ખડાં કરી દે છે જેમકે ‘ઇત્રભર્યા દીપકોની બ્લ્યુ શમેદાનીનો પ્રકાશ એના સૌંદર્ય પર સ્વર્ગીય આભા પાથરી રહ્યો છે.’ (પૃ. ૪ર). અહીં એક જ શ્વાસે સંસ્કૃત અને ફારસી શબ્દો સાથે ‘બ્લ્યુ’ જેવો અંગ્રેજી શબ્દ મિષ્ટ ભોજનમાંથી કાંકરી સમો બની ગયો છે કે પછી ‘ચંપક કળી જેવી આંગળીઓથી પરવાળા જેવા ઓષ્ઠને કરડતી’ (પૃ. ૪૪) જેવો ભાષાપ્રયોગ તાર્કિક રીતે પણ બંધબેસતો જણાતો નથી.

સડસડાટ ચાલી જતી લેખકની કલમ ક્યાંક વસ્તુના તાંતણામાં આવો અપ્રતીતિકર વણાટ પણ કરતી ગઈ છે. ખરી, જેમકે ‘લવંગિકા’ વાર્તામાં લવંગિકાને શાહજહાંની ‘હિંદુ બેગમની બેટી’ કહ્યા પછી તરત જ એને વાર્તાકાર ‘બાંદી’ પણ બનાવે છે ! એ જ રીતે ‘પાનીમેં મીન પિયાસી’ વાર્તામાંની કુરૂપ મીનળ કર્ણદેવ માટે સાક્ષાત્ રંભારૂપ નિશિગંધા કઈ રીતે બની ગઈ એની વાચકોને ઊપજતી સ્વાભાવિક શંકાનો પ્રતીતિકર ખુલાસો વાર્તામાંથી જ વાચકોને મળી રહે એવી જોગવાઈ કરવાનું લેખક ચૂકી ગયા જણાય છે.

શ્રી જયભિખ્ખુ એક સારા કલમબાજ છે અને તેમની પાસે તેજીલી કલમ અને વાર્તાલેખનની સારી ફાવટ છે એની પ્રતીતિ કરાવતી ‘યાદવાસ્થળી’ની વાર્તાઓ જયભિખ્ખુની લોકપ્રિય વાર્તાકાર તરીકેની પ્રતીતિ કરાવે છે.

‘લાખેણી વાતો’ :

ઈ. સ. ૧૯૫૪માં પ્રગટ થયેલો ‘લાખેણી વાતો’ શ્રી જયભિખ્ખુનો જીવનોપયોગી વાર્તાઓનો સંગ્રહ છે. લેખક પોતે અહીં એવી વાર્તાઓ લઈને આવે છે જેનો હેતુ સંસારને સારભૂત બનાવે એવો ઉપદેશ કલાત્મક ઢબે આપવાનો છે. આ વાર્તાઓનું ઉદ્‌ભવસ્થાન ક્યાંક વાર્તાકારના સ્વાનુભવોમાં, ક્યાંક અન્યના જીવનાનુભવમાં તો ક્યારેક સંતમહાત્માઓના જ્ઞાનોપદેશમાં રહેલું છે. શ્રી જયભિખ્ખુ દૃઢપણે માને છે કે કલા જીવન માટે છે. તેઓ આ સંદર્ભમાં સંગ્રહના આરંભે ‘લેખકના બે બોલ’માં કહે છે, ‘જે કલાથી જીવન જીવવાના દૃષ્ટિકોણમાં કંઈ કલાપૂર્ણ પરિવર્તન ન થાય એ કલા મારે મન સુંદર ઇન્દ્રવરણાના ફળ જેવી છે.’ (પૃ. ૪)

૨૧ વાર્તાઓના આ સંગ્રહની લાખેણી વાતોમાંથી કેટલીક જેવી કે ‘સાંપૂ સરોવર’, ‘બહુરૂપી’, ‘લોક-આત્મા’, ‘નટ’, ‘સુવર્ણમૂર્તિ’, ‘અમરફળ’, ‘રાજિયો ઢોલી’, ‘ચાવાળો છોકરો’, ‘સોમનાથનાં કમાડ’ અન્યત્રથી પુનરાવર્તિત થયેલી છે. આ સિવાયની વાર્તાઓમાં ‘કામનું ઔષધ કામ’, ‘લીલો સાંઠો’, ‘આંખ નાખી – આંસુ મોટું’ વગેરે નોંધપાત્ર છે.

પુરાણકાલીન લોકકથાને મળતા કથાવસ્તુવાળી ‘કામનું ઔષધ કામ’ વાર્તા કલાત્મક ઢબે કામની પીડાને દૂર કરનાર કામના મહાત્મ્યને વર્ણવે છે. ‘નવરા માણસને કામદેવ વધુ પીડે છે, કામગરા માણસ પાસે કામદેવ એનો દાસ બની રહે છે.’ (પૃ. ૨૯) એ સનાતન સત્યને વર્ણવતી વાર્તામાં કામની પીડાથી દિશાશૂન્ય બનતી પુત્રવધૂને પોતાની કુનેહથી સાચા રસ્તે વાળીને કામદેવની પીડાને સહન કરવામાં મદદરૂપ બનનાર સસરાની યુક્તિનું સુંદર આલેખન થયું છે. વાર્તામાં પ્રોષિતભર્તૃકા પુત્રવધૂ રોહિણીનું પતિવિયોગે કામની પીડાથી દિશાંધ બની ભદ્ર તરફ થતું ખેંચાણ, એને એ રસ્તેથી ઉપદેશ આપીને કે પછી કુપિત થઈને પાછી વાળવાને બદલે હૃદયની સાચી પ્રતીતિથી પાછી વાળવામાં મદદરૂપ થનાર સસરાના પાત્રનું આલેખન હૃદયંગમ છે.

લેખકના વાસ્તવ આયનામાં સમાજના વિવિધ વર્ગોના ઝિલાયેલાં વરવાં-ગરવાં રૂપોને વર્ણવતી ‘રામ રેઢા પડ્યા નથી’ વાર્તા એક કટાક્ષકથા છે જેમાં એક ભિખારીને નિમિત્ર બનાવીને જયભિખ્ખુએ સરકાર, ઇન્કમટેક્ષ, સમાજનો શ્રીમંત વર્ગ, ડૉક્ટર, ભિખારીઓ, દયા, સદાચાર વગેરે ઉપર કટાક્ષનાં તાતાં તીર વરસાવ્યાં છે. વાર્તાકારની કલમ અહીં વાર્તાકલાને ભોગે પણ કટાક્ષના તીખા બાણ છોડવાનું ચૂકતી નથી.

સદ્-અસદ્ વૃત્તિઓ વચ્ચે અટવાતા માનવીની ઉદાત્ત જીવનને પામવાની મથામણ, કુટુંબની નાવને વૃત્તિઓના ઝંઝાવાતી તોફાનની વચ્ચે સ્થિર રાખવા માટે મથતા કુટુંબના વડેરાઓની ચિંતા, પ્રયત્ન અને સંઘર્ષને વર્ણવતી ‘લીલો સાંઠો’ વાર્તા જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાંની એક છે. વાર્તામાં મરતા પિતાને આપેલું વચન પૂરું કરવા જતાં પુત્ર સુંદરને પોતાનાં જ સ્નેહીજનો, ખુદ પત્ની સાથે થતો સંઘર્ષ, પોતાનું દામ્પત્યજીવન જોખમમાં મૂકીને પણ યુવાન વિધવા માની કાળજીભરી જાળવણી, સુંદરની પત્નીનું પતિને સમજ્યા વિના પતિ તથા સાસુ સાથેનું બેહૂદું વર્તન, લીલા સાંઠા જેવી યુવાન વિધવા માને વૃત્તિઓના ઝંઝાવાતી તોફાનમાંથી બચાવવા માટે સુંદરનું કુશળતાભર્યું આયોજન, પુત્રની મહાનતાના પરિચયે ગજરામાં આવતું પરિવર્તન વાર્તાકારે કુશળ રીતે નિરૂપ્યાં છે. લીલો સાંઠો અહીં કાચી કુમળી યુવાનીનું પ્રતિક બનીને આવે છે. કુટુંબની નાવને ખરાબે ચડતી રોકવા વૃદ્ધ વયે કુમળી કન્યા સાથેનું લગ્ન એ જેમ વાર્તારંભે જગાશેઠના પાત્રને કાલપ લગાડનારું છે, જગાશેઠની યુવાન પત્ની ગજરાની જેમ ભાવક પણ જગાશેઠના આ વર્તનને માફ કરી શકતો નથી પણ મરતી ઘડીએ પુત્ર સમક્ષ પિતાએ કરેલો ખુલાસો અને એ કારણે પિતાની હૃદયવેદનાને સમજી ગજરાની યુવાનીને વિમાર્ગે જતી રોકવા ક્ષણેક્ષણનું ચોક્સાઈભર્યું અને છતાંય કોઈને સહેજ પણ ખ્યાલ ન આવે એવું સુંદર વર્તન વાર્તાકારની કુશળ કલમે સરસ આલેખાયાં છે.

ઘણીવાર અતિ વહાલપ માનવજીવનને કેવું વિષમય બનાવી દે છે તે વર્ણવતી ‘આંખ નાની આંસુ મોટું’ વાર્તાની ઘટના પરંપરાગત ખ્યાલને આઘાત આપનારી છે. માનવીની અંદર એને પોતાને પણ ખબર ન હોય એવું છુપાયેલા દાનવીય તત્ત્વને પ્રગટ કરી એનો કરુણ અંજામ નીરુપતિ આ વાર્તામાં ખુદ માતા દ્વારા પોતે જેને અતિશય પ્રેમ કરતી હતી એ પુત્રને વિષપાન કરાવ્યાની ઘટના વર્ણવાઈ છે. પુત્રવધૂનો પોતાના જ પુત્ર તરફનો અતિશય પ્રેમ સહન ન કરી શકતી એક માતા હૃદયની ઝંઝાવાતી વૃત્તિઓના તોફાને કેવી દિશાંધ બની ખુદ નાગણી બની પુત્રને ભરખી જાય છે. તેનું મનોવિશ્લેષણાત્મક નિરૂપણ વાર્તાકારે કર્યું છે. વાર્તાના ત્રણે પાત્રો અન્યોન્ય ઉત્કટ પ્રેમ કરતાં હોવા છતાં એ પ્રેમ જ ત્રણેના સર્વનાશનું નિમિત્ર કઈ રીતે બને એ નિરૂપતી ‘આંખ નાની આંસુ મોટું’ સંગ્રહની એક કરુણાંત વાર્તા છે.

‘આંખ નાની આંસુ મોટું’ મમતાની દિશાંધ વિગતિ વર્ણવે છે તો ‘મા એ મા’ મમતામયી માતાનું એવું સ્નેહલ સ્વરૂપ ઉપસાવે છે જે પુત્ર માટે મૃત્યુનો ઘંટ પણ હસતાં મુખે ગળી જાય છે. પુત્રના જીવનરક્ષણ માટે શીલને ફગાવતી, પુત્રની જીવનોન્નતિ માટે મમતાને ફગાવતી અને પુત્રના કુળાભિમાનને જાળવવા જીવનને ફગાવતી એક દુનિયાની નજરે બદનામ પણ મમતાની મહાન મૂર્તિનું આલેખન વાર્તાકારે આ વાર્તામાં કર્યું છે. ‘આંખ નાની આંસુ મોટું’માં પોતે ઉછેરેલા પુત્રના પ્રેમની પોતાને જ સર્વાધિક માલિક માનતી મા જ્યારે એ પ્રેમમાં કોઈની ભાગીદારી વહેંચવાની આવે છે ત્યારે ન સહન થતાં પુત્રને વિષપાન કરાવે છે. અહીં કોઈ ધનિકને ત્યાં ઊછરતો પુત્ર પોતાનું કુળાભિમાન અખંડ રહે, પોતે આવી બદનામ ઓરતનો પુત્ર છે એ દુનિયા ન જાણે એ માટે મા પાસે અંધકારની ગર્તા માગી લે છે. ત્યાં પુત્રનું પ્રત્યક્ષરૂપે નહીં તો પરોક્ષરૂપે માને દુઃખનું વિષપાન કરાવ્યાની ઘટના વર્ણવાઈ છે.

‘સંસારયોગ’ સુપ્રસિદ્ધ સંત કબીરના સંસારયોગને વર્ણવતી વાર્તા છે. જેમાં હિંદુ બ્રાહ્મણ પંડિત દ્વારા સંત કબીરને બદનામ કરવા માટે એક વેશ્યા સાથેના એમના સંગની ઉપજાવી કાઢેલી ઘટના વર્ણવાઈ છે. સાચો ભક્ત સંસારની માન કે હાનિથી કેવો પર હોય છે એ કબીરના વર્તન દ્વારા સૂચવતી આ વાર્તા ઉપદેશાત્મક વધુ છે.

કામના પતિ થવાને બદલે મૂર્ખપણે ગુલામ બનનારાઓને વાર્તાકાર કામદેવના ગધેડા તરીકે ઓળખાવે છે. આવા કામદેવના ગધેડાઓની વચ્ચે એક વિપરીત સ્વભાવનો જીવ જ્યારે પરાણે ખેંચાય છે ત્યારે પોતાની સ્વભાવસહજ ખાનદાનીને કારણે કઈ રીતે વેશ્યાઓના બજારમાં પોતાની જ જનેતા સાથે સ્ત્રીસંબંધ બાંધતા બચી જાય છે, પોતાની જનનીની અને જનની જેવી કેટલીય હતભાગી સ્ત્રીઓની આ દશા એના મનને કેવું વિષાદમય બનાવે છે એ નિરૂપતી આ વાર્તામાં વાર્તાનાયકનું પાત્ર સુંદર રીતે ઊપસ્યું છે. ગામ અને શહેરનો તફાવત વર્ણવતી એક નવા વિચારયુક્ત વ્યાખ્યા - ‘શહેર એ તર્ક છે, ગામ એ હૃદય છે.’ (પૃ. ૧૯૩) તથા વેશ્યાને માટે ‘શહેરની બજારનું સુખડું’ કથનને અસરકારકતા બક્ષે છે.

જે સમયે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અંગ્રેજો દ્વારા વવાયેલાં કુસંપ બીજ ફાલવા માંડ્યા હતાં એ વખતે એક હિન્દુ અને મુસ્લિમ યુવાન પરસ્પરના પરમ મિત્રો બની ભારતની સ્વતંત્રતાને માટે ઝૂઝ્યા અને શહીદી સ્વીકારી. ‘રામ અને કિશન’ વાર્તાના આ નામે જાણીતા બનેલા મિત્રો તે અશફાકુલ્લાંખા અને શ્રી ‘રામપ્રસાદ બિસ્મિલ’. રામપ્રસાદ ચુસ્ત આર્યસમાજી જ્યારે અસફાકુલ્લાંખાં કટ્ટર મુસલમાન છતાં માતા ભારતીના પુત્રો હોવાને નાતે એકબીજાને પોતાના બંધુ ગણતા આ બંને નવયુવાનોએ આપેલી પોતાના પ્રાણની આહુતિનું નિરૂપણ આ વાર્તામાં થયું છે.

લેખકના પોતાના સ્વાનુભવમાંથી જન્મેલી ‘કામ ત્યાં રામ’ વાર્તામાં કામને જ પોતાનો રામ ગણનાર ખાન શાહઝરીન જે ગુરુકુળના ચોકીદાર હતા અને જેમણે રજાઓ ગાળવા નરવર ગયેલી વિદ્યાર્થીઓની ટુકડી સાથે રહીને જોખમના વખતે એમના પ્રાણની રક્ષા કરીને તેના વ્યક્તિત્વને વર્ણવે છે. જે પોતાના કામને વફાદાર રહે છે એનાં ઇમાન અને આબરૂ ઈશ્વર જાળવે છે. કર્તવ્યનિષ્ઠા એ જ સાચી ઇશ્વરનિષ્ઠા છે એ ધ્વનિને સૂચવતી આ વાર્તા નાનકડા માનવીની મોટકડી ભાવનાને વ્યક્ત કરે છે.

પંચતંત્ર કે હિતોપદેશની બોધક કથાની યાદ આપે એવી ‘સદાનો ટંટો’ વાર્તામાં લક્ષ્મીના વાહન ઘુવડ અને સરસ્વતીના વાહન મોર વચ્ચે પોતપોતાના ઇષ્ટની મોટાઈ માટેનો ટંટો અને છેવટે એનું નિવારણ નિરૂપાયું છે. બંનેએ પોતાના માલિકો પાસે આવી બંનેમાં કોણ મોટું એની વઢવેડ દૂર કરવા વિનંતી કરી. બંનેએ પોતાનાં વાહનોની સમક્ષ મોટાઈ સિદ્ધ કરવા કેવા વેશ ભજવ્યા અને છેવટે બંનેને કઈ રીતે ખુશ કર્યા એનું નિરૂપણ વાર્તાત્મક ઢબે થયું છે.

માણસનું દિલ ખુદાનું સિંહાસન છે. એ સિંહાસન પાસે ભૂલથી પણ શેતાન ઢૂંકી ન જાય એની કાળજી રાખવી એનું નામ સારમાણસાઈ. પાપ તો માણસથી થઈ જાય છે. પણ પછી એના દ્વારા થતું પ્રાયશ્ચિત એને માણસ બનાવે છે. ‘ખુદાનું સિંહાસન’ વાર્તા સુલેમાન દ્વારા મિત્ર રામજીને થતાં અન્યાય અને એના પ્રાયશ્ચિત્તને નિરૂપે છે.

મેવાડ, મારવાડ અને અંબર રાજ્યને ત્રિભેટે આવેલું એક મંદિર જે સગાંવહાલાંનાં વેરઝેરથી ને ભાઈ-ભાઈના ક્લેશથી એટલું લોહિયાળ બન્યું હતું કે એ ભૂમિ ઉપર બે સગા ભાઈઓ આવે તો પણ ભૂમિના પ્રભાવે ઘડીકમાં એકબીજાના શત્રુ બની જાય એ મંદિરને આંગણે ઘટેલી ઘટના ‘બૂરો દેવળ’માં નિરૂપાઈ છે. કથાનો હેતુ રજપૂતોમાંનાં અંગત વેરઝેરનો ત્યાગ કરી માણસાઈને જગાવવાનો છે.

‘લાખેણી વાતો’માંની આ વાર્તાઓ સાચા અર્થમાં લાખેણી છે. વાર્તાકારનો ઇરાદો છે તેમ આ વાર્તાઓ વાચકના જીવનસંઘર્ષમાં માર્ગદર્શક નીવડે એવી છે અને તેથી જ લેખકનો શ્રમ સાર્થક બન્યો છે.

‘જયભિખુ વાર્તાસૌરભ’ ૧,૨ :

ઈ. સ. ૧૯૫૫માં પ્રકાશિત થયેલ શ્રી ધીરુભાઈ ઠાકર-સંપાદિત ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ના પહેલા ભાગમાં ૧૩ અને બીજા ભાગમાં ૧૨ થઈને કુલ ર૫ વાર્તાઓ મળે છે. સંપાદનમાં પસંદ થયેલી આ વાર્તાઓ લેખકના ઈ. સ. ૧૯૪૪થી ઈ. સ. ૧૯૫૪ સુધીમાં પ્રગટ થયેલાં વાર્તાસંગ્રહો ‘ઉપવન’ (૧૯૪૪), ‘ગુલાબ અને કંટક’ (પ્રકાશનવર્ષ નથી), ‘પારકા ઘરની લક્ષ્મી’ (૧૯૪૬), ‘વીર ધર્મની વાતો’ (૧૯૪૭), ‘વીરધર્મની વાતો’ ભા. ૨ (૧૯૪૯), ‘માદરે વતન’ (૧૯૫૦), ‘કંચન અને કામિની’ (૧૯૫૦), ‘વીરધર્મની વાતો’ ભા. ૩ (૧૯૫૧), ‘યાદવાસ્થળી’ (૧૯૫૧), ‘વીરધર્મની વાતો’ ભા. ૪ (૧૯૫૩), ‘લાખેણી વાતો’ (૧૯૫૪)માંથી લેવામાં આવી છે. વાર્તાઓના સંપાદનમાં શ્રી ધીરુભાઈ ઠાકરે મુખ્યત્વે ઊછરતી પેઢીને મસ્ત જીવનરસ પાય અને એમની સાહિત્યરુચિને સંસ્કારે (વાર્તા અને વાર્તાકાર, વાર્તાસૌરભ ભા. ૧, પૃ. ૧૧) એવી વાર્તાઓને પસંદગી આપી છે. સંગ્રહમાંની વાર્તાઓ સંપાદકના આ દૃષ્ટિબિંદુને સુપેરે ફલિત કરે છે.

વાર્તાસૌરભનો પહેલો ભાગ આરંભાય છે ‘મુનિ, મૃગ અને મુસાફર’ વાર્તાથી ઊંચી ભાવના ભાવનારનું જગતમાં ક્યારેય અકલ્યાણ થતું નથી એ જીવનસંદેશ આપતી આ વાર્તામાં મુનિ, મૃગ અને મુસાફરની ત્રણેની પરસ્પર તરફની ઉદાત્ત પ્રેમભાવનાનું દર્શન વાર્તાકારે સુંદર રીતે કરાવ્યું છે. તો ‘હમીર હઠ’ રાજપૂત વીર રણથંભોરના હમીરદેવે અલ્લાઉદ્દીન ખીલજીના વિદ્રોહી મંગોલ સરદાર પીરમહમ્મદને આશ્રય આપીને અલ્લાઉદ્દીન સાથે દુશ્મની વહોરી લીધાની કથા કહે છે. હમીરદેવના આતિથ્યધર્મ અને રજપૂતી શૌર્યનું દર્શન કરાવતી આ વાર્તા મધ્યકાલીન ગુજરાતનું અનુપમ શૌર્યકાવ્ય બની રહે છે. ‘લોકઆત્મા’ ધૂળમાંથી ઊઠીને ધૂળમાં વિલીન થનાર એક સાચા લોક-આત્માની કથા કહે છે. જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાં જેને સ્થાન આપી શકાય એવી ‘રાજિયો ઢોલી’ એક સામાન્ય માનવીમાં રહેલી ઉદાત્ત ભાવનાને વાચા આપે છે. માણસની માણસને ખપમાં આવવાની નાની લાગતી પણ મોટકડી વાત આ વાર્તાનું મુખ્ય પાત્ર રાજિયો ઢોલી પોતાના આત્મબલિદાનથી અમર કરી જાય છે. ઘણી વાર નાણું કોઈ એવા ઉમદા નરવીરો પાસે જાય છે જ્યાં નાણું અને નરવીર બંને અમર બની જાય છે. એવા નરવીર સવા અને સોમા શેઠની વાત રજૂ થઈ છે. ‘રંગ છે સવા સોમાને’માં. અમદાવાદના સોમા શેઠ ઉપર વંથલીના સવા શેઠે લખી આપેલી હૂંડીમાંના બે આંસુને ઓળખીને સોમા શેઠે એ લાખેણા મોતીમાં સવા શેઠની ન કહી શકાય તેવી મજબૂરીને હૈયાઉકલતથી પારખીને ખરા વખતે સાચી મદદ કરી અને લક્ષ્મીનો સદુપયોગ કર્યો. જયભિખ્ખુની ઉદાત્ત જીવનસંદેશ આપતી આ વાર્તાના લેખકને પણ ‘રંગ છે’ એમ કહેવાનું મન થાય એવી આ વાર્તા એની રજૂઆતની પદ્ધતિને કારણે, કથાવસ્તુ તથા જીવનને ઉદાત્ત બનાવે એવા સંદેશને કારણે નોંધનીય બને છે. ‘અનામી શહાદત’ દેશકાળના નામ નગરની એક એવી શૌર્યકથા છે જેમાં અન્યાયની વેદિ ઉપર આત્મબલિદાન આપી શહીદ થયેલા ચાર બેટડાઓની માતા ગર્વપૂર્વક ખોખલા ન્યાયના ઠેકેદારોને કહી શકે છે કે પોતે સિંહસુતા છે. પોતાના પુત્રો સિંહણને ધાવેલા છે. શીર્ષકનામથી કદાચ ગેરમાર્ગે દોરવાવાય એવી ‘દેરાણી-જેઠાણીનો ગોખ’ વાર્તામાં દેરાણી-જેઠાણીની વાત કેન્દ્રસ્થાને નથી. અહીં તો કેન્દ્રસ્થાને છે મંત્રીશ્વર વસ્તુપાળ અને તેની તેજભરી બુદ્ધિપ્રતિભા. ગુજરાતની અસ્મિતાને વધારનાર આ મંત્રીશ્વરનો ગુજરાત- ગૌરવને વધારતો કિસ્સો અહીં નિરૂપાયો છે. પોતાની પત્ની લીલાવતીની પ્રેરણાથી ગુજરાતને આંગણે એક નવા વિજયના, કહો કે અહિંસાના વિજયના વસ્તુપાળ તોરણ બાંધ્યાં. વણિકવીર બનીને વગર લોહી રેડ્યે ગુજરાતને દિલ્હી સામેની લડાઈમાં વિજયવંતુ બનાવ્યાની વાત અહીં કેન્દ્રસ્થાને છે. વાર્તામાં પતિને સાચો ધર્મ પ્રેમનાર લીલાવતી, પોતાના બુદ્ધિચાતુર્યનો ઉચિત ઉપયોગ કરનાર વસ્તુપાળ, વસ્તુપાળના આતિથ્યથી પ્રભાવિત બનીને એને પુત્રવત પ્રેમ કરી ગુજરાત માથેથી લડાઈનો ભય ટાળનાર મુસ્લિમ રાજમાતા અને માતાની વાતને સ્વીકારી ધર્મઝનૂન ભૂલી વસ્તુપાળ સાથે પ્રેમભરી મૈત્રી બાંધનાર બાદશાહનાં પાત્રો વાર્તામાં નખશિખ સુંદર ઉઠાવ પામ્યા છે. મહાભારતકાલીન કાળને કથાવિષય બનાવતી ‘અન્ન એવો ઓડકાર’ વાર્તા પાંડવોને અન્નનો સાચો મહિમા સમજાવે છે. ‘જેવું અન્ન એવું મન’ ‘અન્ન એ તો માણસનો પ્રાણ છે’ - ખરાબ હવાને લીધે જેમ નુકસાન થાય તેમ ખરાબ અન્ન પણ નકામું એ દંસેશ આપતી આ વાર્તામાં પાંડવોનું અન્નદાનનું અભિમાન લેખક દ્વારા સરસ ઊપસ્યું છે. નાના સાહેબ પેશવાનાં શૌર્ય, શાણપણ અને ચાલાકીને વર્ણવતી ‘આખરી સલામ’ વાર્તા એમના જીવનમાં થયેલા સારા અને નરસા બંને પ્રકારના અનુભવને કથે છે. જીવનમાં ઘણીવાર આપણે ખાતર પ્રાણ અર્પણ કરનારા ઉમદા માનવી પણ મળે છે તો ઘણી વાર એનાથી વિપરીત પણ નાનાસાહેબના પ્રાણ બચાવવા વાઘ સામે લડીને પોતાને પ્રાણ અર્પનાર ઉમદા સૈનિક પણ વાર્તામાં છે તો સામે પક્ષે પોતાની જાતને બ્રાહ્મણ કહેવડાવતા પુરોહિત દ્વારા આંગણે આવેલા નાનાસાહેબને પૈસાની લાલચે પકડાવી દેનાર દગલબાજ દેશદ્રોહી પણ વાર્તામાં છે. સારા-નરસાના પિંડ સમા માનવીઓની વચ્ચે નાનાસાહેબનું શૌર્ય અને ચાલાકી સુંદર ઊપસ્યા છે. જરૂર પડ્યે લાખ ખરચવા પણ વગર જરૂરે તેલનું ટીપું પણ નકામું ન જવા દેવું એ લક્ષ્મી વશીકરણનો મંત્ર આપનાર ‘લક્ષ્મીનું વશીકરણ’ વાર્તાના સાચા અને યોગ્ય ઉપયોગને વર્ણવી મહેનતી, ઇમાનદાર ધનસંપન્ન માનવીની કથા નિરૂપે છે. સુંદરની છાપ સમાજમાં ચીકણા, ગણતરીબાજ માણસ તરીકેની છે. પણ ખરેખર તો સુંદર સ્પષ્ટવક્તા અને લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરનાર છે એ વાતની પ્રતીતિ એની પોતાની પુત્રવધૂને યોગ્ય પ્રસંગે થાય છે. જે સસરા તેલના એક ટીપાને પણ અવસ્થા જવા દેતા નથી એવી ચિકાશ કરે છે એ જ સસરા પ્રસંગ પડ્યે સાચા મોતીને ભાંગીને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાના હોય તો આપતાં ક્ષણની પણ આનાકાની કરતા નથી. લક્ષ્મીને વશણાં રાખવાનો આ મંત્ર જો પ્રત્યેક માનવી શીખી લે તો લક્ષ્મીનો સમાજમાં સાચામાં સાચો અને સારામાં સારો ઉપયોગ થઈ શકે. ખંભાતના એક યવનોની વસ્તીવાળા પરા ઉપર ગુજરેલી યાતના અને આગની ફરિયાદ ખંભાતની મસ્જિદનો ખતીબ કુતુબઅલી પાટણપતિ રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ પાસે લઈને આવ્યો એને પાટણપતિએ ચૂકવેલા અદલ ઇન્સાફની વાત ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’માં મળે છે. જાત-પાતના ભેદ વગર પ્રજાને સમાન ધોરણે ન્યાય મળે છે એ સમજાવતી આ વાર્તા અનોખી ન્યાયભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે. દુનિયા આખીની નકલ કરનારો એક દિવસ નકલ કરતાં કરતાં અસલ થઈ ગયો એવા એક મનવા ભાણ બહુરૂપીની જૈન સાધુ તરીકેના એક વેશમાંથી સાચા સાધુમાં થયેલા પરિવર્તનની વાત ‘બહુરૂપી’માં નિરૂપાઈ છે. તો વાર્તા સૌરભના પહેલાભાગની છેલ્લી વાર્તા ‘કામ ત્યાં રામ’ આત્મકથનાત્મક ઢબે લેખકજીવનના એક અનુભવને વર્ણવે છે. ખાન શાહઝરીન નામના ચોકીદારની ફરજ પ્રત્યેની સાચી અને ઉત્કટ લગનને અભિવ્યક્ત કરતી આ વાર્તા સાચી ભાવનાથી કામ કરનારના રખવાળા રામ દ્વારા થાય છે એ સંદેશને કથે છે.

વાર્તા સૌરભનો બીજો ભાગ આરંભાય છે ‘વનરાજ’ વાર્તાથી. જેણે પોતાના અંતરના ધાવણ ધવરાવ્યાં હતાં એવી ક્ષત્રિયાણીને પુત્રમોહ ત્યજવાનો ઉપદેશ આપનાર સાધુ શીલગુણસૂરિ પોતે શિષ્યમોહમાં એવા અંધ બને છે કે જેને કારણે અંતરથી રાજસી ગુણોવાળો વનરાજ સાધુના સમતાગુણે રંગાતો નથી ત્યારે અથાક દુઃખ અનુભવે છે. પણ છેવટે એમને સમજાય છે કે માનવીના જન્મજાત સંસ્કારોને ફેરવી શકાતા નથી. અંતરથી વિરક્ત થવા ઝંખતો પણ જન્મગત રાજસી સંસ્કારોમાંથી ન છૂટી શકતો વનરાજ અને શિષ્યમોહથી મોહિત જૈન ગુરુનાં પાત્રો સુંદર ઊપસ્યાં છે. ‘સિંહપુરુષ’ વાર્તા દ્વારા નગરીના રાજકુમાર કાલક, જેની પાસે સૃષ્ટિ. સિંહારિણી સિંહનાદી મંત્રશક્તિ હતી એનું જૈન સાધુના એકમ માત્ર પ્રશ્ને ‘હાથીને મારી શકવાના સામર્થ્યવાળા તમે એક કીડીને જીવાડી શકશો ખરાં ?’ અહિંસા - માર્ગે થતું પરિવર્તન આ વાર્તામાં સરસ રીતે નિરૂપાયું છે. દેશને માટે પ્રાણ આપનાર, અંગ્રેજ શાસનને હંફાવનાર તાત્યાટોપેના સમાધિ સ્થળને નિમિત્ત બનાવી તાત્યાના જીવનના વિવિધ પ્રસંગોને આધારે એક દેશપ્રેમી નરવીરનું શબ્દચિત્ર ઉપસાવતી ‘ટોપીવાળાની સમાધ’ વાર્તા પણ સંગ્રહની સારી વાર્તા છે. ‘સંતોનો સંઘ’ વાર્તા એની આગવી કથા પદ્ધતિથી, રજૂઆતના જુદા જ દૃષ્ટિકોણથી તથા એમાં રહેલા ઉમદા રૂપકથી જુદી તરી આવે છે. આખઈયે વાર્તા નાયકને થતાં સ્વપ્નદર્શનરૂપે ૨જ થઈ છે. અટકચાળા મનમાં અઢસઠ તીરથ કરવાની ઝંખના જાગી, મન સાથેની યાત્રામાં જોડાવા ગણેશ, કાર્તિકેય, એકનાથ, નામદેવ, શ્રવણ, કબીર, તુલસી, અખા વગેરે હાજર થઈ ગયા. યાત્રાનો આ વિશિષ્ટ સંઘ ઉપડ્યો. આ વિશિષ્ટ સંઘને કાબૂમાં રાખવાનું કેટલું અઘરું હતું એ વાર્તાનાયક એક જ દૃષ્ટાંતથી વર્ણવે છે, ‘મેં ભાર તો માથે લીધો, પણ શંકર ભગવાન ભૂતગણને કાબૂમાં રાખે એનાથી પણ આ જુદી જુદી ખોપરીઓને સંભાળવાનું કામ દુષ્કર હતું.’ (પૃ. ૨૪), યાત્રાસંઘમાં થતા જુદા જુદા અનુભવોરૂપે લેખકે તે તે મહાન વ્યક્તિઓના જીવનમાં ઘટેલી નોંધપાત્ર ઘટનાઓને વણી લીધી છે. યાત્રાસંઘો તો અનેક નીકળે છે પણ સંતોનો આ સંઘ એમ જ સંગમાં રંગથી ભાવકની માનસયાત્રાને કેવી મઘમઘાવી મૂકે છે એ તો વાર્તા વચ્ચેથી જ અનુભવી શકાય ! સમાજવાદી વિચારધારાવાળું લેખકમાનસ ‘ચાવાળો છોકરો’ શ્રમજીવી વર્ગની દુઃખ-દારિદ્રભરી જિંદગીના એક રૂપને ખુલ્લું કરે છે. ટ્રેનમાં ફરીને ચાની ફેરી કરતાં છોકરાના અંગત જીવનની વેદનાકથા વાર્તાકારે અહીં એવી મંગળમય ઢબે વણી છે કે વાર્તા વાંચ્યા પછી વેદના તો થાય છે પણ હતાશા આવતી નથી. વાર્તામાં દસ વર્ષના લઘર-વઘર છોકરાની જવાંમર્દી વાર્તાકારે સરસ ઉપસાવી છે. દુઃખ એને દાબી શક્યું નહોતું. પરિસ્થિતિ એને અકળાવી શકી નહોતી, નિરાશા એને સ્પર્શી શકી નહોતી. એની એક જ ઝંખના છે, બીજું કંઈ દુઃખ નથી, પમ આ લંગડીબહેનને ભીખ માગવી પડે છે, એ બહુ ખટકે છે. ‘ઝટ મોટો થાઉં ને મોટી મજૂરી કરી એને ભીખમાંથી છોડાવું !’ (પૃ. ૭૧), ‘સાપૂ સરોવર’ લોકકથામાં છુપાયેલા ઇતિહાસને વર્ણવતી વાર્તા છે. રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ કર્નલ જેમ્સ ટોડને જોધપુર પાસે આવેલા સાંપૂ ઊર્ફે સર્પ સરોવરને જોઈને એનો ઇતિહાસ જાણવાની ઝંખના જાગે છે ત્યારે નજીકની ગુફામાં રહેલા ૧૧૦ વર્ષના યોગી સરોવરનો વેરઝેરથી યુક્ત ઇતિહાસ તો નહીં પણ એના સંદર્ભે પ્રચલિત લોકકથાને બતાવે છે. પીપલીયા ગામ જ્યાં આ સરોવર આવ્યું છે, ત્યાં જૂના વખતમાં વૈભવશાળી પીપલનગર હતું. એ નગરના પીપાબ્રાહ્મણે નગર છેવાડે આવેલા તમામ કિનારે વસતા તક્ષત નાગને હંમેશ દૂધ પિવડાવ્યું. બદલામાં નાગે બે સોનામહોર આપેલી. પણ પૈસાના લોભી એવા બ્રાહ્મણપુત્રે નાગને મારી નાખી સોનામહોરના ખજાનાને લૂંટી લેવા ઇચ્છ્યું. પરિણામે એને મૃત્યુ મળ્યું. વાર્તાની વિશેષતા એ બાબતની રજૂઆતમાં છે કે બ્રાહ્મણે પુત્રને માર્યાના વેરનો બદલો વેરથી લેવાને બદલે નાગને ક્ષમા દઈને લીધો તો એને ખજાનો મળ્યો, જેમાંથી આ સરોવર બંધાયું વેર નહીં પ્રેમ જ સૌને એકબીજા સાથે સાધે છે એ સૂર વાર્તાના કેન્દ્રમાં છે. ‘શું માગું ?’ જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાંથી એક છે. મંત્રીશ્વર વિમલ અને શ્રીદેવીના જીવનોત્કર્ષની પરમ મંગલકારી ઘટનાને વર્ણવતી આ વાર્તા દંપતીની સંતાનપ્રાપ્તિની ઝંખના અને વંધ્યત્વના માગેલા વરદાનની વચ્ચેના મનોવિકાસને, મનોસંઘર્ષને, પરસ્પરની સમજ તથા ઉદાત્ત ભાવનાને સુપેરે વ્યક્ત કરે છે. દેવી પાસે સંતાનપ્રાપ્તિ માટેનું વર માગવા આવેલા આ યુગલે વાવ ઉપર લાગો ઉઘરાવતા છોકરાને નીરખીને શા કારણે વંધ્યત્વનું વરદાન માગ્યું એ ઘટનાનું આલેખન વાર્તામાં અસરકારક રીતે થયું છે. મેવાડના રાણા ઉદયસિંહને પોતાના પુત્રનો પ્રાણ આપી બચાવનાર ધન્ય જનેતા પન્નાદાઈની જેમ જ પોતાના પુત્રને સાચો રાજધર્મ અને કર્તવ્યદીક્ષા આપી મેવાડની અમાનતનું રક્ષણ કરવા પ્રાણ પણ કુરબાન કરવાની પ્રેરણા આપનાર કમલમેરના રાજવી આશરાજની માની ઉમદા માતૃસ્હેનને વર્ણવતી ‘અમાનત’ નારીના ગૌરવશીલ પ્રેરણામય રૂપનું દર્શન કરાવે છે. સંગ્રહમાંથી ‘મૂવે મોટી પોક’ જેના વિષે અન્યત્ર લંબાણથી વાત થયેલી છે એ સમાજજીવનના વરવા-ગરવા રૂપને વર્ણવતી કટાક્ષ કથા છે. જેની જીવતા કોઈએ સંભાળ ન લીધી એની મૂઆ પછી જે ખાતરબરદાસ્ત થાય છે એનું કટાક્ષભરપૂર ચિત્ર વાર્તામાં ઉપસાવ્યું છે. ‘મધુબિંદુ’ બૌદ્ધ જાતકકથા છે જેમાં લેખકે એક રૂપક ઉપસાવ્યું છે. માનવી હકની રોટી, ન્યાયનું ધન, સેવાની કીર્તિ અને ઇજ્જત ઇમાનભર્યું જીવન ભૂલીને સંસારના વિષયોરૂપી મધુબિંદુને પામવા પોતાના પ્રાણને કેવો જોખમમાં મૂકી રહ્યો છે, એ વર્ણવતી વાર્તાનું રૂપક આપણે ત્યાં ખૂબ જાણીતુ બન્યું છે. ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તા નેતા થનાર વ્યક્તિમાં કેવા ઉમદા ઇમાનની આવશ્યકતા છે એ હજરત ઉમર ખલીફાના જીવનપ્રસંગને આધારે વર્ણવે છે. કપડાં પર લાખ થીગડાં ચાલી શકે પણ માણસના ઇમાન પર એક પણ થીગડું નહિ ચાલે’ (પૃ. ૧૩૩) એવું માનતા હજરત ઉમર એક વખત એક એવા ગરીબ કુટુંબના સંપર્કમાં આવ્યા જ્યાં માતા અન્નના અભાવે દુઃખી થતાં બાળકોને જૂટો દિલાસો આપવા ચૂલા ઉપર હાંડલીમાં પાણી ઉકાળતી હતી. આ દૃશ્ય નીરખી હજરત ઉમરને ખૂબ દુ:ખ થાય છે. નેતા તરીકે પોતાનો જ આ વાંક છે એવું માનતા ખલીફા જાતે જ અનાજ, લોટ, ગોળનો કોથળો ઊંચકી કુટુંબ પાસે પહોંચી બાળકોને પ્રેમથી ખવડાવે છે ત્યારે જ એમને સંતોષ થાય છે. નેતા થવા ઇચ્છનાર કોઈપણ વ્યક્તિએ આ ઘટનાને નજર સમક્ષ રાખવી જોઈએ. આવા ઉમદા નેતૃત્વવાળો સમાજ ક્યારેય દુઃખી ન થાય એમ લેખક વાર્તા દ્વારા સૂચવે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘વિદ્યાપ્રીતિ’ વિશિષ્ટ પ્રકારની કથનશૈલી અને ગદ્યશૈલીમાં લખાઈ છે. જેને કારણે હિંદુઓએ પોતાની જાતે પોતાનું પતન વહોર્યું એ મિથ્યાભિમાનીપણાને જેમ વાર્તા વર્ણવે છે તેમ માનપમાનો વેઠીને પણ એક વિદ્યાર્થીને શોભતી નમ્રતા, જિજ્ઞાસા ને જહેમત દ્વારા સંસ્કૃત ભાષાસાહિત્યના અંતરંગને પામીને જગતઆંગણે ભારતીય સાહિત્યને ગૌરવવંતુ બનાવનાર સંસ્કૃતના પ્રખર અભ્યાસી સર વિલિયમ જ્હોન્સની વાત કરે છે. અંગ્રેજોને ગોમાંસભક્ષક ગણીને એમનો છોછ રાખનાર હિંદુઓ પોતે વાસ્તવમાં ગૌમાંસ ભક્ષણથી પણ અધિક ખરાબ પ્રવૃત્તિઓ કરતા હતા એનું નિરૂપણ લેખકે કટાક્ષયુક્ત રીતે વાર્તામાં કર્યું છે.

વાર્તાસૌરભના બંને ભાગોમાંની વાર્તાઓ વાર્તાકારની કલમના વિષય વૈવિધ્યનો નોંધનીય પરિચય કરાવે છે. અહીં ‘હમીરહઠ’ (ભા.૧), ‘દેરાણી- જેઠાણીનો ગોખ’ (ભા. ૧), ગુર્જર ચક્રવર્તીનો ન્યાય (ભા. ૧), વનરાજ (ભા. ૨), શું માંગુ (ભા. ૨), અમાનત (ભા. ૨) જેવી ઇતિહાસકથાઓ છે. તો સાથે સાથે દંતકથા, લોકકથા જેમાં સચવાઈ હોય એવો લોકકથામય ઇતિહાસ વર્ણવતી ‘રાજિયો ઢોલી’ (ભા. ૧), બહુરૂપી (ભા. ૧), ‘સાંપૂ સરોવર’ (ભા. ૨), પણ છે. રંગ છે સવા-સોમાને (ભા. ૧) સંપૂર્ણપણે લોકકથા છે. ઇતિહાસની જેમ પુરાણકાલીન કથાનકને પણ વાર્તાકારે વિષય બનાવી વાર્તાઓ સરજી છે જેમકે ‘મુનિ, મૃગ ને મુસાફર’ (ભા. ૧) ‘અન્ન એવો ઓડકાર’ (ભા. ૧), ‘સિંહપુરુષ’ (ભા. ૨). ભગવાન બુદ્ધની જાતકકથાઓ પણ કથાવિષયનું રૂપ અહીં પામી છે. ‘લોકઆત્મા’ (ભા. ૧), ‘મધુબિંદુ’ (ભા. ૨) આવી વાર્તાઓ છે તો ‘અનામી શહાદત’ (ભા. ૧) શૌર્યકથા છે. રાષ્ટ્રનેતાનો ઇમાન (ભા. ૨), પોટીવાળાની સમાધ (ભા. ૨) દેશપ્રેમ વર્ણવે છે, તો ‘લક્ષ્મીનું વશીકરણ’ (ભા. ૧), ‘મૂવે મોટી પોક’ (ભા. ૨), વિદ્યાપ્રીતિ (ભા. ૨), સમાજજીવનના વરવા-ગરવા રૂપોને પ્રગટ કરે છે.

વાર્તાકાર જયભિખ્ખુએ પોતાની વાર્તાના વસ્તુ માટે ઇતિહાસ, પુરાણ, સમાજ કે રાષ્ટ્રમાંથી એવા પ્રસંગોને પસંદ કર્યા છે કે જે પ્રસંગ પોતે જ રસદાયક હોય. પ્રસંગની પસંદગીમાં જ વાર્તાકારની સફળતાનો અડધો ભાગ તો આવી જાય છે. જયભિખ્ખુ રસભરપૂર વસ્તુ પસંદ કરીને પછી પાત્ર, પ્રસંગ કે વાતાવરણને એકબીજા જોડે સાંકળી લે તેવા માનવભાવ કે રસકેન્દ્રની આસપાસ તેની ગૂંથણી કરે છે. જેમ કે ‘વાર્તાસૌરભ’માંની મોટાભાગની વાર્તાઓ કોઈને કોઈ જીવનભાવનાને અભિવ્યક્ત કરે છે. વાર્તાઓના મૂલ્યાંકનમાં આ વાત આપણે જોઈ જ છે.

ટૂંકમાં વાર્તાસૌરભના બંને ભાગોમાંની વાર્તાઓ ઊછરતી પેઢીને મસ્ત જીવનરસ પાય તેવી અને તેમની સાહિત્યરુચિને સંસ્કારે તેવી છે. એમાંનું વસ્તુ વૈવિધ્યયુક્ત છે. પાત્રનું જીવતું જાગતું ચિત્ર આપીને પ્રસંગનો આબેહૂબ ચિતાર વાર્તાકારે વાચકચિત્તને હલાવી મૂકે એ રીતે અહીં કર્યો છે. તો વાર્તાકારની સચોટ અને જીવંત બળવાળી ભાષા વાંચનારના હૃદયને વીંધે એવી છે. ધીરુભાઈ ઠાકર - સંપાદિત આ વાર્તા સૌરભના ભાગો જયભિખ્ખુની વાર્તાકાર તરીકેની વિકાસ યાત્રાનો વિશેષતા ભર્યો ઇતિહાસ વર્ણવે છે તેમ ધીરુભાઈ સંપાદક તરીકેના ગુણોને પણ પ્રગટ કરે છે.

‘અંગના’ :

શ્રી જયભિખ્ખુના સ્ત્રીલક્ષી વાર્તાસંગ્રહોમાંનો આ ચોથો વાર્તાસંગ્રહ ‘અંગના’ નારીજીવનના વરવાં-ગરવાં રૂપોનો પરિચય કરાવતો ૧૯ વાર્તાઓનો સંગ્રહ છે. છેક પુરાણકાળથી માણસ સ્ત્રીના સ્થાનની, મહત્તાની ચર્ચા કરતો આવ્યો છે પણ હજી એનો નિર્ણય એનાથી થઈ શક્યો જણાતો નથી. અનાદિકાળમાં ઋષિ-મુનિઓએ સ્ત્રી ઉપર કેટલાંક બંધનો મૂક્યાં, એને માટે કેટકેટલા નીચિનિયમો ઘડ્યા છતાં એનું ગૌરવવંતું સ્થાન એમનાથી સિદ્ધ થઈ શક્યું નહી. સામે પક્ષે અર્વાચીનકાળમાં નવ – મુનિઓએ સ્ત્રીને કેટલીક છૂટછાટો આપી. સ્ત્રીને મુક્ત કરવા વિવિધ પ્રકારના કાયદા-કાનૂનો ઘડ્યા પણ તો ય સ્ત્રીનું સ્થાન એમના દ્વારા સિદ્ધ થઈ શક્યું નહીં. જૂની સ્ત્રીનું જીવન પુરુષપ્રધાન સંસ્કૃતિમાં ગમાણના ઢોરની ને જેલના ચોરથી બદતર બન્યું. અર્વાચીનકાળે પુરુષ સ્ત્રીને સાવ છૂટી મૂકી. ધીમે ધીમે એ પુરુષની સમોવડી બની અને એમાંથી પુરુષસ્પર્ધિની પણ.… એ પૈસાથી સ્વતંત્ર થઈ, કુટુંબ-જંજાળથી મુક્ત થઈ પણ આ બંને દશામાંથી એકેયમાં એનું આત્મસંમાન સહજ રીતે ખીલ્યું નહીં. રૂપફેરે એ ભોગની અને શોખની વસ્તુ જ રહી.

જયભિખ્ખુના મતે સ્ત્રી પર જ સંસારના સર્જન-વિનાશનો આધાર છે. માટે સંસારને સ્વર્ગ બનાવવા ઇચ્છનારે સ્ત્રીને સ્વસ્થ, સંયમી અને વ્યક્તિત્વવાળી બનાવવી જોઈએ. ખરેખર તો સ્ત્રીએ પોતે જ પોતાના વ્યક્તિત્વમાં સુધારો કરવો જોઈએ. તેઓ કહે છે, ‘આજની સ્ત્રી પ્રથમ વ્યક્તિત્વ કેળવે, પછી સ્વસ્થતા કેળવે, સ્વસ્થતાના વજ્જર દુર્ગવાળી સ્ત્રી જ સાચી સ્વતંત્રતા માણી શકે.’ (પ્રસ્તાવના પૃ. ૭).

સંગ્રહની વાર્તાઓ લેખકના આ ધ્વનિને પ્રગટાવે છે. અહીં એવી સ્ત્રીની વાતો લઈને લેખક આવ્યા છે જેમણે સંયમ, સ્વસ્થતા, આત્મસમર્પણ, ઉદાત્તશીલ અને ભાવનાભર્યા પ્રેમ દ્વારા નારી હૃદયમાં રહેલા ઉમદા ખમીરનો પરિચય કરાવ્યો છે. આજના સંધિકાળે જ્યારે સ્ત્રીનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે નારીજીવનનાં ઉમદા રૂપોને પ્રગટ કરતી આ વાર્તાઓ સમાજજીવનની મોંઘેરી મિરાત બને છે.

સંગ્રહની પહેલી જ વાર્તા ‘અંગના’ જેના નામ ઉપરથી સંગ્રહને ‘અંગના’ નામ મળ્યું છે એ એક એવી નારીની કથા છે જેણે ભવતારણ નૌકા બની પોતાનું અને સાધુ બનેલા પોતાના સ્વામીનું જીવન તાર્યું. આ વાર્તાની નાયિકા બંધુમતી પાસે અપૂર્વ સૌંદર્ય હતું અને સાથે સાથે હતું એવું જ અભૂતપૂર્વ સ્વમાન પણ. કોઈની જીવાડી નહીં જીવવાની એની ઝંખના હતી એ જ ગામના યુવાન-સામયિકની નજરમાં આ અલબેલું યૌવન વસી ગયું હતું. પોતાનાં અદ્‌ભુત શૌર્ય અને રૂપસૌંદર્યથી છેવટે બંધુમતિ રૂપી નકલંક મોતી વિંધાયું. બંધુમતી - સામયિકનું દામ્પત્ય લોકોમાં દૃષ્ટાંતરૂપ બન્યું. યુવાનીના મસ્ત હિંડોળે ઝૂલતાં આ યુગલની મુલાકાત એક સાધુ સાથે થઈ અને એની ઉજમાળી વાતોથી બંનેને પોતાની યુવાનીને ઉજાળી લેવાની પ્રેરણા થઈ. બંને સંસારને અસાર બનાવી સાધુ બનીને ચાલી નીકળ્યા. કર્મબળે એક સમયે સાધુ-સાધ્વી બનેલા બંને એક સ્થળે ભેગા મળ્યા. સાધ્વી બંધુમતિને નીરખીને સાધુ સામયિકનું પૂર્વજીવન સ્મરણોમાં જાગી ઊઠ્યું. કામની દુનિયાનું સ્વર્ગ મેળવવા બેચેન બનેલા સામયિકને સંયમની દુનિયાના તેજમાં લઈ જવા સાધ્વી બંધુમતીએ આત્મબલિદાન આપીને પોતાનું અને પોતાના પતિનું જીવન ઉજાળ્યું.

સ્વામી દયાનંદ સરસ્વતીને મારનાર રસોયા જગન્નાથના પાપ અને પ્રાયશ્ચિત્તને વ્યક્ત કરતી ‘નન્હીજાન’ વાર્તામાં એક એવી નારીના વરવા રૂપનો પરિચય થાય છે જે વેરની આગમાં સંસારના સર્વશ્રેષ્ઠ સાધુત્વને હણવાનું નિમિત્ત બની હતી. નન્હીજાન નામથી ઓળખાતી આ ગણિકા નામ સૂચવે છે એ રીતની મુસ્લિમ યુવતી નહોતી પણ હિંદુ ગણિકા હતી જેણે સ્વામીશ્રી દ્વારા થયેલા અપમાનનો બદલો લેવા હિંદુ ધર્મના અને ઉદાત્ત માનવતાના હિમાયતીની હત્યા કરવા માટેનું કાવતરું ગોઠવ્યું જેનો ભોગ સ્વામીશ્રી બન્યાં. નારીના એક વરવા રૂપનો પરિચય આ વાર્તા કરાવે છે.

ઇતિહાસના એક પ્રસંગને વાચા આપતી ‘મીઠી મહિયારણ’ વાર્તામાં મારવાડના રાવ દુર્ગાદાસ જેમણે પચ્ચીસ વર્ષથી મુગલ સલ્તનત સામે બહારવટું ખેડી મોગલ સલ્તનતને હંફાવી હતી એમને અમદાવાદમાં ઔરંગઝેબના પુત્ર અને સૂબા આજમખાનનું તેડું મળ્યું હતું. તેડાના પ્રેર્યા અમદાવાદ આવેલા આ શૂરવીર યોદ્ધાને શામ દામ દંડ ભેદથી દિલ્હી-દાસ બનાવવાનો મોગલોનો ઇરાદો હતો એમાં સફળ ન થવાય તો દુર્ગાદાસ અને એમના સાથીઓને મોતને ઘાટ ઉતારી દેવાની પણ તેમની તૈયારી હતી. એમનાં આ કાવતરાંને નિષ્ફળ બનાવવામાં અને દુર્ગાદાસને સાવધ કરવામાં અમદાવાદની મીટી મહિયારણ પોતાની અગમવાણીથી કેવો ભાગ ભજવ્યો હતો એ વર્ણવતી આ વાર્તામાં દાદા દુર્ગાદાસનો જાન બચાવવા શૂરવીરતાપૂર્વક મોગલો સામે ઝઝૂમી પ્રાણાર્પણ કરતા દુર્ગાદાસના પૌત્ર અનુપસિંહનું ચિત્ર પણ ટૂંકામાં સરસ ઉપસ્યું છે.

મેવાડના રાણા ઉદયસિંહને બદલે પોતાના પુત્રના પ્રાણ આપી બચાવનાર ધન્ય જનેતા પન્નાદાઈ તો ઇતિહાસને પાને પોતાના આ સમર્પણથી અમર બની ગઈ જ છે. ઇતિહાસના ખૂબ જાણીતા પ્રસંગને સાંકળીને લેખકે આવી જ બીજી એક જનેતા જેણે પોતાના પુત્રને એનો સાચો ધર્મ અને કર્તવ્યનું જ્ઞાન આપી મેવાડની આ અમાનતની રક્ષા માટે જાન કુરબાન કરવાની પ્રેરણા આપી એનું ચિત્ર ઉપસાવ્યું છે.

‘જનેતાની જોડ’ વાર્તામાં. આ જનેતા તે કમલમેરના રાજવી આશરાજની માતા. જ્યારે આશરાજ જૈનધર્મની અહિંસા અને દયા ભાવનાની આડ લઈ આંગણે આવેલા કુંવર ઉદયસિંહને પોતાને ત્યાં આશ્રય આપવા માટે આનાકાની કરતો હતો એ સમયે આ શૂરવીર ક્ષત્રિયાણીએ એને માનવીનો સાચો ધર્મ સમજાવી સ્વકર્તવ્યની દીક્ષા આપી. આ વાર્તા પન્નાદાઈ અને નાપિત ભગા જેવા નાના માનવીના મોટા સમર્પણને તો આલેખે છે જ પણ સાથે સાથે ક્ષત્રિયવર્ગની દીનતા, હીનતા અને કાયરતાને પણ કથે છે. ઇતિહાસના આ શ્વેત -શ્યામ રૂપને વર્ણવતા સર્જકની પ્રસ્તુત વાર્તાના કેન્દ્રસ્થાને તો રહે છે નારીના ગૌરવશીલ પ્રેરણામય રૂપનું દર્શન જ.

સાચું જ્ઞાન વય કે વંશને જોતું નથી. નિરભિમાનીપણું અને હૃદયનો સાચો પશ્ચાત્તાપ એને પામવાની સીડી બને છે. એ ધ્વનિને પ્રગટ કરતી ‘રૂપજ્યોતિ’ વાર્તા વત્સદેશની રાણી મૃગાવતીને એમના સાધ્વીપણા દરમિયાન એમના ગુરુ જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ ચંદનાથી વહેલું ત્રિકાળજ્ઞાન કયા કારણે લાધ્યું છે એ રસપૂર્ણ રીતે વર્ણવે છે. વાર્તામાં સાધ્વી ચંદનાનો સંયમ, શીલ અને જ્ઞાનનો ગર્વ તથા સાધ્વી મૃગાવતીનું નમ્ર, પ્રાયશ્ચિતની આગમાં પ્રજ્ળતું હૃદય સુંદર રીતે ઉપસ્યાં છે. આ જ કથાવિષયને લઈને જયભિખ્ખુએ ‘પ્રેમનું મંદિર’ નવલકથા પણ લખી છે. જૈનધર્મનું વાતાવરણ નવલકથાને ક્યાંક સાંપ્રદાયિકતાનો સંસ્પર્શ કરાવે છે.

‘અનારાં દેવી’ એક એવી નારીના હૃદયાભિરામ સૌંદર્યને પ્રગટ કરે છે જે ક્ષત્રિયકુળમાં જન્મી ન હોવા છતાં, પોતાના પતિની અંગવસ્ત્ર હોવા છતાં પતિને અને પતિના પ્રિયજનોને અનહદ પ્રેમ કરતી હતી. પોતાના પતિના નામને અકલંકિત રાખવા માટે જેણે હસતાં હસતાં મીરાંની જેમ વિષ પીને પોતાની કાયાને રાજાના કાવાદાવાના આટાપાટામાં હોમી દીધી હતી. એનું નામ તો અનારાં દેવી. રાજસ્થાની ઇતિહાસમાં આજથી બસો વર્ષ પહેલાં થયેલાં મહારાજ જસવંતસિંહની એ ઓરમાન મા હતી. યવન સ્ત્રી હોવા છતાં જશવંતસિંહને રાજ્યસિંહાસન અપાવનાર આ માતાએ પોતાના બલિદાનથી, પ્રેમથી મારવાડના ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું હતું.

આછાપાતળા કથાવસ્તુવાળી ‘શરાફત’ વાર્તામાં એક તવાયફને શરાફતનો ફાયદો, કલાવંતની દુનિયા નીતિનિયમનો પદાર્થપાઠ અપાય છે. પ્રાચીન કાળમાં ગણિકાની સંસ્થાનું સમાજમાં ગૌરવભર્યું સ્થાનમાન હતું. રાજકાજમાં એની એક આગવી કામગીરી હતી. એની જ પ્રતિનિધિ સમાન આજની ગણિકા સંસ્થા જેમાં કલાનું સ્થાન કલદારે લીધું છે, કલાની ગણનામાં કલદારનું માન વધ્યું છે એ તરફ પોતાનો આક્રોશ પ્રગટ કરતી આ વાર્તામાં લેખક પાત્રમુકે કહે છે, ‘કલા ખોટી નથી, એનું બેસણું હીણું છે. હીન બેસણાથી કલા હીન બની છે.’ (પૃ. ૮૪).

‘ફૂલાંદેનો ચૂડો’ એક એવી નારીના મૂક અને ભાવનાભર્યા પ્રેમની કથા છે જેણે પોતાના પ્રેમની શાન નિભાવવા અન્યને પરણ્યા છતાં અખંડ શીલ જાળવ્યું. સાથે સાથે આ વાર્તા એક એવા નીતિમાન યુવાનની વાત લઈને આવે છે જેણે પોતાની પરણેતરને તે અન્યને ચાહતી હોવાને કારણે બહેન માની એના શીલની રક્ષા કરી એટલું જ નહીં, પણ એના ચૂડાની રક્ષા કાજે પ્રાણાર્પણની પણ તૈયારી બતાવી. જોધપુરમાં લોકહૃદયના સિંહાસને વિરાજેલા રાવ દુર્ગાદાસને મનથી વરી ચૂકેલી યુવતી ફૂલાંદેને લગ્ન સાવનસિંહ નામના યુવાક સાથે કરવું પડે છે. પણ મનના સ્વામીની પ્રીત જાળવવા એ સાવનસિંહ સમક્ષ શીલરક્ષાની વિનંતી કરે છે અને એનું શીલ સાવનસિંહ દ્વારા અખંડ રહે છે. એટલું જ નહીં પણ ખરે ટાણે દુર્ગાદાસને મારી નાખવાનું કાવતરું કડીબદ્ધ રીતે ખુલ્લું કરી તે એનો પ્રાણ પણ બચાવે છે. પ્રેમ એટલે માત્ર ભોગ નહીં, પ્રેમ એટલે સ્વાર્થ નહીં, પ્રેમ એટલે અન્યને કાજે ખપી મરવાની તમન્ના, ઉદાત્ત શીલની રક્ષા કાજે આ વાર્તાનાં પાત્રો જે રીતે મથે છે એ નિરૂપણ વાર્તાને સંસ્કારની એક અનેરી સૌરભ બક્ષે છે.

રોમન રાજ્યને પ્રજાસત્તાક બનાવનાર રૂપસુંદરી લુકેસિયાના બલિદાનને નિરૂપતી ‘સુંદરીનું બલિદાન’ વાર્તામાં રાજાશાહીનો વિનાશ એની પોતાનામાં રહેલી બદીઓને કારણે કેવી રીતે થયો એનું નિરૂપણ થયું છે. એક સુંદરીના શીલની હિંમત હજારો યોદ્ધાઓના બલિદાનથી પણ અનેકગણી ચડિયાતી છે. જ્યાં સ્ત્રીનું શીલ રક્ષાતું નથી, જે સત્તા પોતાની બહેન, દીકરીની ઇજ્જત રક્ષી શકતી નથી એને ટકવાનો કોઈ હક્ક નથી એ સૂચવતી આ વાર્તા એક નારીનું બલિદાન પ્રજામાં કેવા જુવાળને પ્રગટાવવાનું નિમિત્ત નીવડે છે તે નિરૂપે છે.

નારીના એક નરવા રૂપનો પરિચય કરાવતી ‘વીરાંગના’ વાર્તા આત્મસમર્પણ દ્વારા પોતાના દેશને બચાવવાનો પ્રયત્ન કરનાર ચીની યુવતીની સાહસકથાને શબ્દરૂપ આપે છે. જાપાન સામેના યુદ્ધ સમયે ચીની યુવતી મારા એક મોટા લશ્કરને પોતાની બુદ્ધિશક્તિથી કઈ રીતે થાપ આપે છે તેનું નિરૂપણ વાર્તામાં સ્વદેશપ્રેમની સુગંધ લહેરાવે છે.

‘અનામી’ વાર્તામાં પણ એક એવી જ યુવતીની વાત છે જેણે દેશને માટે આત્મભોગ આપી જાસૂસ તરીકેની કામગીરી બજાવતાં બજાવતાં મોતને પસંદ કર્યું પણ દુશ્મનને કોઈ માહિતી ન આપી.

નારીલક્ષી વાર્તાસંગ્રહની ‘રાધા ને કહાન’ વાર્તામાં નારી કેન્દ્રસ્થાને નથી. શીર્ષક ઉપરથી તો આપણને એમ જ લાગે કે અહીં રાધા કેન્દ્રસ્થાને હશે. રાધાની વાત અહીં આવે છે પણ ખરી, પણ અહીં તો સાધુ દ્વારા પોતે સ્વીકારેલા નિયમને ખાતર પોતાને મળેલું સર્વસ્વ સમર્પણ કરનાર એક ગરીબ કઠિયારાની વાત કેન્દ્રસ્થાને છે. આ વાર્તા એમાંના પ્રસંગનિરૂપણને કારણે જૈન ઉપદેશકથા જેવી વધુ લાગે છે. વાર્તામાં લંબાણ એટલું બધું થઈ ગયું છે કે એને કારણે કથાતત્ત્વ કથળી જાય છે. જૈન ધર્માનુસાર કર્મ જ મનુષ્યના સુખદુઃખનું નિમિત્ત છે, સારા કર્મ કરનારો સારું અને ખરાબ કર્મ કરનારો ખરાબ ફળ મેળવે છે એ સૂચવતી આ વાર્તામાં મહાન કઠિયારાની નીતિમાર્ગે ચાલતાં કેવી ઉન્નતિ થઈ એ વાર્તાકારે નિરૂપ્યું છે. સાથે સાથે રાધા જે એક ગણિકા હોવા છતાં પણ અણહકનું ન લેવાની કેવી ઉદાત્ત ભાવના ધરાવતી હતી એના પાત્રનો પણ લેખકે ટીક ઉઠાવ આપ્યો છે.

શ્રમણોપાસકે સત્ય હોય તો પણ અપ્રિય લાગનારું કે અનિષ્ટ કરનારું સત્ય ન બોલવું જોઈએ. માણસ પોતે ઇષ્ટ કે અનિષ્ટ કંઈ કરી શકતો નથી. એને કર્મમાં પ્રેરનારી એની વૃત્તિઓ છે. એટલે પાપ પર દ્વેષ હોઈ શકે, પાપી પર નહીં એ સંદેશ આપતી ‘અણગમતી’ વાર્તા રાજગૃહીના પ્રૌઢ મહાશતક અને એની રૂપજોબન-મસ્ત યુવાન પત્ની રેવતીની કથાને વાચા આપે છે. જીવનની ઉત્તરાવસ્થાએ સુકુમાર કળી સમી રેવતી સાથેનું મહાશતકનું લગ્ન થોડા જ સમયમાં એના જીવનમાં કેવી વિટંબણા સર્જે છે, ભગવાન મહાવીરનો ઉપદેશ મહાશતકને સાધુ ધર્મ તરફ વાળે તો છે પણ જે રેવતીએ એને કસોટીની સરાણે ચડાવી શુદ્ધ કાંચન બનાવ્યો એની જ એણે સત્યવચનની તલવારથી કેવી રીતે હત્યા કરી એનું નિરૂપણ વાર્તાને કરુણાંતિક બનાવે છે. જૈનધર્મના વાતાવરણ, સંસ્કારોવાળી આ વાર્તા પણ બોધાત્મક વધુ છે. પણ એમાંનો બોધ સામાન્ય જનને જીવન જીવવાની ચાવી પૂરો પાડે એવો છે.

'કાદવનું કમળ' મહાકાલની લોકપ્રસિદ્ધ નર્તકી વસંતસેનાની વાતને શબ્દરૂપ આપે છે. આ વાર્તાનું કથાનક લોકપ્રિય છે. લાંબા કથાતંતુને સંક્ષિપ્ત બનાવીને રજૂ કરવાનું લેખકને બહુ ફાવ્યું જણાતું નથી. વાર્તાકથક જાણે ઊભડક ચાલે કથાને આલેખતો જણાય છે. ગણિકા હોવા છતાં કોઈ પણ ભદ્ર સ્ત્રીના જેટલી ઉદાત્ત વિચારશીલતા ધરાવતી વસંતસેનાનું પાત્ર વાર્તામાં ઠીક ઊપસ્યું છે. ચારુદત્ત, શર્વિલક, મદનિકા, શકાર વગેરેનું ચિત્રણ ત્રૂટક છૂટક વધુ લાગે છે.

આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ ઐતિહાસિક-પૌરાણિક કથા વિષય પસંદ કરીને આલેખાઈ છે. ‘સ્ત્રીનો અવતાર’ વાર્તાએ રીતે જુદી તરી આવે છે. આ વાર્તા એક એવી નારીના દુઃખદર્દની કહાણીને શબ્દરૂપ આપે છે, જેને કોઈ સમજી શકતું નથી. સમાજે જેને ઊંચા કુળની વહુઆરુ બનાવી હતી એ રૂપવતી કુસુમ લગ્નના બે જ વર્ષમાં પાગલ બની ગઈ. જે કુસુમનું પાગલપણુ પતિના કુટુંબમાં વકરતું જતું હતું, એ જ કુસુમ એક ગરીબ ચિત્રકાર કરસનના ઘરમાં શાંત, સ્વસ્થ સ્ત્રી બનીને રહેતી હતી. સમાજનો ડર અને કાયદાની ચિંતા કરસનને પોતાના ઘરમાંથી કુસુમને જાકારો આપવા પ્રેરે છે. કુસુમ ફરી સાસરીયામાં જઈને પાગલ અવસ્થાની ચરમ કોટિએ પહોંચી મૃત્યુ પામે છે. સાદાસીધા પણ હૂંફાળવા જીવનની ઇચ્છા રાખનારી કુસુમને કોઈ જ સમજી શકતું નથી. લેખકે વાર્તામાં કુસુમના સાસરિયાની કોઈ એવી ખરાબી બતાવી નથી. કે જેને કારણે તે પાગલ બની હોય. વાર્તાના અંકોડા એ રીતે થોડા શિથિલ રહી ગયા હોય એવું લાગે છે ખરું. સ્ત્રી-અવતારનું ઓશિયાળાપણું વાર્તામાં કુસુમના પાત્ર દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત થયું છે.

કેટલીક વાર શંકાની નાનકડી ચિનગારી માનવીના જીવનને સુખના સ્વર્ગદ્વારેથી હડસેલી યાતનાની ભઠ્ઠીમાં કેવી રીતે તપતા કરી મૂકે છે એ વર્ણવતી ‘નારી તું નારાયણી’ વાર્તામાં અંજનાના રૂપસૌંદર્ય અને શીલ તરફ મિત્રોની દ્વેષભરી વાતોને કારણે શંકિત બનેલ વાર્તાનાયક પવન, લગ્નની પહેલી જ રાતે એને ત્યજે છે. શંકાની આ આગમાં હિજરાતા, રીબાતા પવન સમક્ષ એક વખત અંજના આવીને ખુલાસો માગે છે ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે પતિ પોતાના ચારિત્ર્ય તરફ શંકિત છે. પણ છેવટે સતીનું સત, પવિત્રતાનું પાવિત્ર્ય રંગ લાવે છે. અને અંતે પતિ-પત્ની એક બને છે. નારીને નારાયણી બનતાં પહેલાં કેવી કેવી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે ? નિરૂપતી આ વાર્તા નારીજીવનની દર્દ-કહાણીને જ વર્ણવે છે.

રાજસ્થાનની ધરતીની એક એવી રૂપરમણીની કથા ‘રૂઠી રાણી’ વાર્તામાં છે જેણે પોતાના માન-સ્વમાનને અખંડિત રખવા સંસારના સુખને, દામ્પત્યના આનંદને કાયમ માટે ત્યજ્યાં. જોધપુરના રાજા માલદેવની રાણી ઉમાદેને લગ્નની પહેલી રાત્રે જ પતિમાંની લંપટતાનો પરિચય થતાં પોતે દેહના પતિને ત્યજી આત્માના પતિને કઈ રીતે અને કેવી પૂજારણ બની એનું નિરૂપણ વાર્તામાં થયું છે. સ્ત્રી એ પુરુષને રમવા માટેનું રમકડું માત્ર નથી. જે પુરુષ એના સ્વમાનને ન રક્ષી શકે, સંયમ-શીલને પોતાના જીવનમાં ન ઉતારી શકે એવા પુરુષ સાથેનું સહજીવન એ સાચું લગ્ન નથી એ સૂચવતી આ વાર્તા સ્વસ્થ અને મક્કમ એવા નારીના શીલભર્યા વ્યક્તિત્વની પરિચાયક બને છે.

‘રજપૂત નારી’ જીવંત મોતને હાથમાં રમાડતી વીર રજપૂતાણીની કથા છે. નારીનું અહીં એક એવું ખમીરવંતુ નવલું રૂપ વાર્તાકારે ઉપસાવ્યું છે, જે સમાજમાં બહુ ઓછું જોવા મળે છે. રજપૂત નારીને વીરક્ષેત્રમાં રણહાક મારતી કે કેસરિયા કરતી કલ્પી છે, પણ અહીં રજપૂતાણીની શૂરવીરતાનું જે નમણું-ગરવું રૂપ લેખક દ્વારા નિરૂપાયું છે તે વિષય તરીકે નવીન છે. વાર્તાનું વસ્તુ ખૂબ ટૂંકું છે પણ જે રીતે ચિત્રાત્મક રૂપે લેખક દ્વારા એનું નિરૂપણ થયું છે એમાં જ એની ખરી ખૂબી રહી છે. ભાઈબહેન વાતો કરતાં બેઠાં છે. ઘણાં વર્ષે ભાઈ બહેનને આંગણે આવ્યો છે. ભૂતકાળની મીઠી વાતોની રસલ્હાણ વચ્ચે રજપૂતાણીએ અનુભવ્યું કે પોતાના ઘેરદાર ચણિયામાં સાપ ભરાયો છે. બીજી કોઈ સ્ત્રી હોય તો મૃત્યુને નજર સમક્ષ નિહાળી, લાજમલાજો ચૂકી જાય, વસ્ત્રોનું ભાન જતું રહે, ભલભલા મર્દના હૈયાં પણ બેબાકળા બની ઊઠે. એ ક્ષણે આ રજપૂતાણીએ હળવે હાથે પૂરી સ્વાભાવિકતાથી સાથળ પર ભરડો લઈ ડોકું ઊંચું કરી રહેલા સર્પરાજને કપડાં સાથે પોતાના પંજામાં દાબી દીધો અને તે પણ એટલી સ્વાભાવિકતાથી કે વાત કરનારને લેશ પણ ખ્યાલ ન આવે ! આંખોમાં એ જ શાંતિ ! મુખ પર એ જ સૌમ્યતા ! ને જબાન પર લેશ માત્ર થડકારા વગરનો એ જ ચાલુ વાક્ પ્રવાહ ! સાપ પણ જીવન વાંછતો આ વીર અંગનાની હાથની ચૂડમાંથી છૂટવા તરફડતો હતો એટલે એણે પોતાની ચૂડ વધારે મજબૂત બનાવી, બહેનના મોં પર વેદનાની સહેજ આછી રેખા અંકાઈ પણ ભાઈ એનો અણસાર પામી શકે એવી એ નહોતી ! છેવટે ભાઈ ડેલીએ ગયા ત્યારે જે કુશળતાથી આ નારીએ સાપને શરીર ઉપરથી દૂર કર્યો એનું લેખક-વર્ણવ્યું ચિત્ર ખૂબ જ આહ્‌લાદક અને દિલધડક છે. શૂરવીરતાના એક નવલા રૂપનું જે ચિત્ર શબ્દોમાં લેખકે ઉપસાવ્યું છે એ સ્પૃહણીય છે.

ઘણી વાર કોઈ નાનકડી ઘટના માનવીની જિંદગીમાં મોટું પરિણામ નિપજાવતી હોય છે, એ વાતની પ્રતીતિ કરાવતી ‘સરસ્વતી ને લક્ષ્મી’ વાર્તા એક ગોવાનીઝ યુવતીમાં આવેલા મોટા પરિવર્તનને આલેખે છે. એક કુશળ ચિત્રકારના હાથે સરસ્વતી-લક્ષ્મીનું મોડેલ બનેલી ગોવાનીઝ યુવતીનું શીલ- સૌંદર્ય એક ક્ષણે એવું જાગી ગયું કે આ બજારુ સ્ત્રી પોતાના શીલની રક્ષા કાજે મોતને ભેટી પણ શીલ કોઈને વેચ્યું નહીં.

પ્રસ્તુત સંગ્રહની વિવિધ વાર્તા નારીમાં રહેલા કોઈને કોઈ પ્રકારના ઉમદા ખમીરનો પરિચય કરાવે છે. આ ખમીર ક્યાંક પતિના શીલની રક્ષા કાજે આત્મસમર્પણ કરવામાં વ્યક્ત થાય છે. (‘અંગના’, પૃ. ૩), તો ક્યાંક દેશને માથે સતની ધજા બાંધનાર કોઈ શૂરવીરને સાવધ કરનાર અવળવાણી રૂપે રજૂ કરે છે. (‘મીઠી મહિયારણ’, પૃ. ૩૨). નારીનું આ ખમીર ક્યાંક દેશના મોવડીની રક્ષા કાજે પોતાના પુત્રનું બલિદાન આપતાં સહેજ પણ ખચકાટ અનુભવતું નથી તો બીજી બાજુ ધર્મની આડ લઈને કર્તવ્ય ચૂકતાં પુત્રને સાચી કર્મદીક્ષા આપતાં પણ ક્ષણનો વિનંબ સહેતું નથી. (જનેતાની જોડ, પૃ. ૪૩) નારીનું ખમીર ક્યારેક ગર્વ અને પ્રાયશ્ચિતના સંઘર્ષક્ષેત્રે પણ નીખરી ઊઠે છે. (રૂપ જ્યોતિ, પૃ. ૫૭), તો ક્યાંક પ્રિયનાં પ્રિય માટે સર્વસ્વ ન્યોછાવર કરવામાં અનેરી ધન્યતા પણ માણે છે. (આનારાં દેવી, પૃ. ૬૮). દિલમાં જ દિલના દાન દઈ, ચિત્તમાં ચોરી રચાવી લગ્નની ગાંઠ બંધાતું અનુપમ પ્રેમખમીર અહીં છે. (ફૂલાંદેનો ચૂડો, પૃ. ૮૬), તો લગ્નની પહેલી જ રાત્રે પોતાના માન-સ્વમાનને ન રક્ષી શકનાર દેહના પતિનો પોતાના દેહથી ત્યાગ કરી એનામાં રહેલા આત્મતત્ત્વની પૂજારણ બનનાર નારીના અનુપમ સ્વમાની ખમીરનો પરિચય પણ અહીં થાય છે. (રૂઠી રાણી, પૃ. ૨૦૨), સ્વદેશને ખાતર પોતાના અંગત સુખ અને જીવન સુદ્ધાં અર્પણ કરનારી નારીઓ આ ધરતી ઉપર તો છે જ તે (વીરાંગના, પૃ. ૧૦૭, અનામી, પૃ. ૧૧૩), ખમીરની સાથે રજપૂતાણીના જીવંત મૃત્યુને હાથમાં રમાડતાં શૌર્ય ભર્યા ખમીરનો પરિચય પણ અહીં થાય છે. (રજપૂત નારી, પૃ. ૨૧૧).

આ સંગ્રહમાં ઇતિહાસને કથાવિષય બનાવતી વાર્તાઓ જેવી કે ‘મીઠી મહિયારણ’ (પૃ. ૩૨), જનેતાની જોડ (પૃ. ૪૩), રૂપજ્યોતિ (પૃ. ૫૭), અનારાં દેવી (પૃ. ૯૮), ફૂલાંદેનો ચૂડો (પૃ. ૮૬), રૂઠી રાણી (પૃ. ૧૦૨), સામાજિક સંદર્ભયુક્ત વાર્તાઓ ‘સ્ત્રીનો અવતાર’ (પૃ. ૧૮૫), નન્હીજાન (પૃ. ૧૯), સરસ્વતી અને લક્ષ્મી (પૃ. ૨૧૭), દેશપ્રેમની સુગંધવાળી ‘સુંદરીનું બલિદાન’ (પૃ. ૯૭), વીરાંગના (પૃ. ૧૦૭), અનામી (પૃ. ૧૧૩) પણ અહીં છે. સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રાજસ્થાનની ભૂમિનાં શૌર્ય, સ્વાપર્ણ અને પ્રેમને વિષય બનાવે છે. જેમ કે મીઠી મહિયારણ (પૃ. ૩૨), જનેતાની જોડ (પૃ. ૪૩), અનારાં દેવી (પૃ. ૯૮), ફૂલાંદેનો ચૂડો (પૃ. ૮૬), રૂઠી રાણી (પૃ. ૨૦૨), તો કેટલીક વિદેશની ધરતીના નારીજીવનને કથાવિષય બનાવે છે, જેમકે ‘સુંદરીનું બલિદાન’ રોમને, ‘વીરાંગના’(પૃ. ૧૦૭) ચીનને અને ‘અનામી’ (પૃ. ૧૧૩) ફ્રાન્સને ત્યાંના જનજીવનમાં નારીના સ્થાનને કથાવિષય તરીકે પસંદ કરી રજૂ કરે છે. સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ જૈન ધર્મના સાંપ્રદાયિક વાતાવરણને પણ નિરૂપે છે. જેમ કે ‘અંગના’ (પૃ. ૩), રૂપજ્યોતિ (પૃ. ૫૭), ‘રાધા ને કહાન’ (પૃ. ૧૧૭), અમગમતી (પૃ. ૧૪૦).

આ સંગ્રહમાં ગણિકાના વરવાં અને ગરવાં રૂપોને પ્રગટ કરતી વાર્તાઓનું પ્રમાણ પણ ધ્યાન ખેંચે એવું છે. નન્હીજાન (પૃ. ૧૯), શરાફત (પૃ. ૭૯)માંની આવી નારીસૃષ્ટિએ વરવા રૂપે પોતાની રૂપજ્યોતિમાં ક્યાંક જીવંત માનવતાની મૂર્તિ સમાન સાધુત્વનો ધ્વંસ કર્યો છે તો ક્યાંક કલા કરતાં કલદારને વિશેષ મહત્ત્વ આપી કલાનું વગોવણું કર્યું છે. સામે પક્ષે 'અનારાં દેવી' (પૃ. ૬૮)માંની અનારાં દેવી, 'રાધા ને કહાન' (પૃ. ૧૧૬)માંની રાધા- 'કાદવનું કમળ' (પૃ. ૧૫૪)માંની વસંતસેના, 'સરસ્વતી ને લક્ષ્મી'માંની ગોવાનીઝ મોડેલ યુવતી એ ગણિકાજીવન જીવતી એવી યુવતીઓ છે જે સાચા અર્થમાં કાદવમાં કમળ છે, જેમણે પોતાના જીવનને સત્કર્મોની સુવાસથી મહેંકાવ્યું એટલું જ નહીં, અન્યની જિંદગીમાં ધૂપ સુગંધ પણ ફેલાવી.

નારીલક્ષી વાર્તાસંગ્રહ હોઈને અહીં લેખકનો કૅમેરો નારીના વૈવિધ્યવંતા રૂપ-સ્વરૂપ આકર્ષવા તરફ જેટલો સજાગ રહ્યો છે એટલો સંગ્રહની નરસૃષ્ટિ તરફ રહ્યો જણાતો નથી. આમ છતાં કણની દુનિયાનો માણસ સામયિક (અંગના, પૃ. ૩), 'નન્હીજાન' (પૃ. ૧૯)માંનો સ્વામી દયાનંદ સરસ્વતીનો મારનાર કલવો ઉર્ફે જગન્નાથ, લોકક્રાંતિકાર અને સત ધરમની ધજાને અણનમ રાખવા સતત મથનાર રાવ દુર્ગાદાસ (મીઠી મણિયારણ, પૃ. ૩૨) ધર્મની આડ લઈ સ્વકર્તવ્ય તરફ અભાન બનનાર કમલમેરનો રાજવી આશરાજ (જનેતાની જોડ, પૃ. ૪૩), પોતેના રાજ્યસિંહાસન અપાવનાર જનની અનારાં દેવીને અમર બનાવવા માટે મથતો રાજા જશવંતસિંહ (અનારાં દેવી, પૃ. ૬૦), પરસ્ત્રી તરફ આંખ ઊંચી કરીને જોવામાં પણ પાપ માનનાર દુર્ગાદાસ અને પોતાની પત્ની અન્યની પ્રેમિકા છે એવું જાણતા ભગિનીરૂપે એના શીલનો રક્ષક બનનાર સાવનસિંહ (પૃ. ૮૬, ફૂલાંદેનો ચૂડો), સાધુ દ્વારા પોતે સ્વીકારેલા નિયમને ખાતર પોતાને મળેલું સર્વસ્વ ન્યોછાવર કરનાર કઠિયારો કહાન (રાધા અને કહાન, પૃ. ૧૧૭), અપ્રિયને પ્રિય કરી પત્નીની અનેક પ્રકારે સતામણીની વચ્ચે પણ સહનશીલ, નમ્ર અને ઉદાર રહેલો મહાશતક (પૃ. ૧૦૦ અણગમતી) લેખકને હાથે ઠીક નિરૂપાયા છે.

સંગ્રહમાં ક્યાંક ક્યાંક ગદ્યશૈલીની અવાજ કે દૃશ્યને પ્રત્યક્ષ કરતી આગવી લઢણ જેવી કે 'વાત વાતમાં કાબરની જેમ લોકો ચીંવી ચીંધી કરી મૂકે' (પૃ. ૩), કોયલની બાનીની લોકોને હસાવી મૂકે (પૃ. ૩), કેટલાક અજાણ્યા શબ્દપ્રયોગ બૂતું (ગજું : પૃ. ૪), જયણા (સાયવણ – જૈન ધર્મનો સાંપ્રદાયિક શબ્દ પૃ. ૪૯), રેતના બવંડરો (ડમરી, પૃ. ૬૮), બેશ (નકામો, પૃ. ૧૦૮) ધ્યાન ખેંચે છે. કેટલીક ઉપમા, દૃષ્ટાંત, ઉત્પ્રેક્ષા જેવી અલંકારરચનાઓ પણ કથાને રસવાહી બનાવે છે. જેમ કે નદીના પાણી વચ્ચેથી બંધુમતીને ઊંચકતા સામયિકને લેખક આવી ઉત્પ્રેક્ષાથી વર્ણવે છે. 'જાણે વરુણદેવે સાગરસુંદરીને અધ્ધર તોળી લીધી.' (પૃ. ૬), જાણે જળ હાથીએ પૂર્ણવિકસિત કમળને સૂઢમાં ગ્રહી લીધું (પૃ. ૬), કે પછી દેહ છોડી આત્મા ચાલ્યો જાય, એમ ગામ છોડીને બે ય ચાલી નીકળ્યા (પૃ. ૧૧), હિમાલયની આંગળીએ નાનો પહાડ વળગ્યો હોય એમ રાજકુમાર દીસતો હતો (પૃ. ૫૫), રૂપને ફૂલની જેમ સંસારના તુષારાઘાતોથી રક્ષવું ઘટે (પૃ. ૬૧) માંના દૃષ્ટાંત કે પછી ક્ષત્રિયના પ્રચંડ અવતાર સમો આશરાજ (પૃ. પ૦), એના અંગો પર યૌવનની વસંત હજી લહેરાઈ નહોતી પણ મુગ્ધાવસ્થાનો મહોર બેસી ગયો હતો (પૃ. ૧૮૫)માંની ઉપમા ધ્યાનપાત્ર બને છે. વાર્તાકાર સંગ્રહમાં ક્યાંક લોકપ્રિય કહેવતને શબ્દફેરે જુદું રૂપ આપે છે જેમ કે “જેણે ગોળ ખાધો હોય એણે ચોકડાં પણ સહવાં જોઈએ' (પૃ. પ૯), કે પછી બહુ પ્રચલિત ન હોય એવી કહેવત પણ યોજે છે જેમ કે 'સો મસાલે મેં એક ધનીયા, સો બ્રાહ્મણ મેં એક બનિયા' (પૃ. ૪૯), ગધેડું પોતે ગોબરું પણ હવાડાનું પાણી ન પીએ. (પૃ. ૧૨૦).

વાર્તાસંગ્રહમાં ક્યાંક ઇતિહાસનો વિપર્યય પણ લેખકહાથે થયો જણાય છે. પણ એમાં ઇતિહાસના અજ્ઞાન કરતાં સરતચૂક વધુ જણાય છે. અભાનપણે એવી ભૂલ થઈ ગઈ હોવાનું લાગે છે. 'રૂપજ્યોતિ' વાર્તામાં વાર્તાની નાયિકા મૃગાવતીના પતિનું મૃત્યું થયા પછી અવંતિપતિ ચંડપ્રદ્યોતે એને પરણવાની રઢ લીધી હતી. જ્યારે લેખક વાર્તામાં એક સ્થળે કહે છે 'માથે પેલો બુઢ્ઢો પ્રસેનજીત એને પરણવાની રઢ લી બેઠો હતો' (પૃ. ૫૯) આગળ આ જ વાર્તામાં નિરૂપણ મળે છે. આ નિ:સહાય રૂપને પોતાનું કરવા ઉર્જૈનીનો રાજા ચંડપ્રદ્યોત ચઢી આવ્યો (પૃ. ૬૧) એટલે આ ભૂલ ઇતિહાસવિપર્યય કરતાં લેખકની શરતચૂકથી સર્જાઈ હોવાનું વધુ જણાય છે.

'અંગના' વાર્તાસંગ્રહ આમ એવી સ્ત્રીની વાર્તાઓને શબ્દરૂપ આપે છે જેમણે સંયમ, સ્વસ્થતા, આત્મસમર્પણ, ઉદાત્ત શીલ અને ભાવનાભર્યા પ્રેમ દ્વારા નારીહૃદયમાં રહેલા ઉમદા ખમીરનો પરિચય કરાવ્યો છે. 'સતની બાંધી પૃથ્વી' :

આ પૃથ્વી ગણતરી કરનારા વૈશ્યો પર, માથા સાટે માથું માંગનાર ક્ષત્રિયો પર કે પેટ કાજે આશીર્વાદ આપનાર બ્રાહ્મણો પર નથી ટકી. એ તો ટકી છે પૃથ્વીને સત્ ને બંધને બાંધીને જાળવનારા આધ્યાત્મિક ઓલિયાઓ પર. પરને કાજે કશી પણ અપેક્ષા વગર સર્વ સમર્પણ કરનારા આ ઓલિયાઓમાં રહેલું સત્ તત્ત્વ જ પૃથ્વીનું સાચું સંચાલન કરે છે એ ધ્વનિને પ્રગટ કરતી સોળ વાર્તાઓના સંગ્રહ “સત્ ની બાંધી પૃથ્વી 'માંની 'સરસ્વતીની છબી' અને ક્ષમા' વાર્તા અગાઉના વાર્તાસંગ્રહોમાં નામફેર પ્રગટ થયેલી વાર્તાઓ છે.

વાર્તાસંગ્રહને શીર્ષક જે વાર્તાના નામ ઉપરથી મળ્યું છે તે સંગ્રહની પહેલી વાર્તા 'સતની બાંધી પૃથ્વી' પોતાના પ્રાણ અર્પીને પણ મારવાડની ધરતીની શાન વધારનાર રેકલા અને અલતાનના ઠાકોરોની વતન માટેની શહીદીની કથા છે. 'શત્રુ કે અજાતશત્રુ' નવલકથામાં જેની કથા વર્ણવાઈ છે એ સેચનક હાથીને વશ કરનાર શ્રેણિક પુત્ર નંદિસેનમાં રહેલા હુંકારે એની શક્તિઓને આવાહન આપીને કઈ રીતે તાર્યો એ વર્ણવતી 'જે કર્મે શૂર તે ધર્મે શૂર’ વાર્તા વિષયની દૃષ્ટિએ પુનરાવર્તન લાગે એની પણ સચેનક હાથી અને નંદિસેનના પાત્રને કુશળ રીતે ઉપસાવતી વાર્તા છે.

સંગ્રહની અન્ય મૌલિક વાર્તાઓથી જુદી પડતી 'મકાઈનો દાણો’ વાર્તા ટૉલ્સ્ટોયની એક કથાને આધારે સર્જાઈ છે. વાર્તાનું કથાવસ્તુ નગણ્ય છે. બાળકોને રમતાં રમતાં મળેલી એક ઈંડા આકાર જેવી વસ્તુ ખરેખર શું છે એનું વડીલો દ્વારા થતું સંશોધન, સંશોધન પાછળ થતો સમયનો વ્યય, પૈસાનો ખર્ચ, બુદ્ધિમાનોની બુદ્ધિનું રોકાણ અને છેવટે આવતું તારણ કે 'છેક પુરાણ કાળનો એ મકાઈનો દાણો છે.' વાર્તામાંથી એવો ધ્વનિ પ્રગટાવે છે કે વસ્તુઓના સંશોધન પાછળ આડાઅવળા વ્યર્થ ખર્ચ કરવાને બદલે ખરેખર તો માણસે સમજવાનું સંશોધન કરવું જોઈએ. આજના કરતાં પુરાણકાળના આપણા વડવાઓ વધુ સુખી હતા કારણ કે એમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ જ 'શ્રમ કરવો, આનંદી રહેવું ને ઈશ્વરને યાદ રાખવો’ એ હતી જ્યારે આજે તો માણસનું મન નાનું થયું છે. માણસ પંડનો વિચાર વધુ કરતો થયો છે અને એટલે જ શરીર તથા મને એ પંગુ બન્યો છે. માણસ એ જ મોટું વિજ્ઞાન છે, એને સમજીએ તો બીજું સમજવા જેવું રહેતું નથી, એ ધ્વનિને પ્રગટાવતી આ વાર્તા સંગ્રહની વિષયવસ્તુ તથા તેના નિરૂપણની દૃષ્ટિએ જુદી પડે છે.

સંગ્રહમાંની ‘ગરીબનું હૃદય ગરીબ નથી’ વાર્તા ખુમારીવાળી પ્રજા અને પ્રજાની ખુમારીને ગૌરવથી વધારવા ન્યાયપ્રિય રાજાની અનોખી હૃદયઉદારતાને વ્યક્ત કરે છે. કાશ્મીરના રાજા ચંદ્રાપીડના મનમાં એક અપૂર્વ મંદિર બનાવવાની ઝંખના જાગી. આ મંદિર જે ભૂમિ ઉપર નિર્માણ કરવાનું નક્કી થયું ત્યાં એક ચમાર ઝુંપડી બાંધીને રહેતો હતો. એણે પોતાની ઝૂંપડી ગમે તેટલું દ્રવ્ય આપે, ગમે તેવી સજા કરે, ગમે તેવો દંડ દે તો પણ એ જગ્યાએથી હટાવવાની ના પાડી. એને મન પોતાની ઝુંપડીનું મૂલ્ય રાજાના મહેલથી સહેજ પણ ઓછું નહોતું અને છતાં રાજાને એ ઝૂંપડી જોઈતી જ હોય તો રાજાએ ઘેર હાથીએ ચડીને આવી સદ્દગૃહસ્થાઈના નીતિનિયમ મુજબ યાચના કરવી જોઈએ એમ તેનું કહેવું હતું. પોતાના એક અકિંચન પ્રજાજનમાં રહેલી ખુમારી તથા ન્યાયને પણ સાચા રસ્તે આહ્વાન આપીને પ્રગટાવવાની રીત રાજાને સ્પર્શી ગઈ અને યાચકની જેમ આવીને એણે માગણી કરી મંદિર માટે જમીન મેળવી. આવા માગનારા અને આવા આપનારા પૃથ્વીના પરતાપિયા જીવોને આધારે જ પૃથ્વી ટકી રહી છે. એ ધ્વનિને પ્રગટાવતી આ વાર્તા સત્તાનાં દૂષણોથી મુક્ત એક અનોખા આદાન- પ્રદાનનું ચિત્ર ઉપસાવે છે.

ભારત એ સ્થળ ભૂમિ નથી, રાજવીઓની રાજ્યસત્તા એ જ ભારત નથી. સાચું ભારત તો એની આધ્યાત્મિક સંપત્તિમાં જોવા મળે છે. એ વાતની પ્રતીતિ પામતા સિકંદરની અને ભારતના જોગંદરની કથા કહી જાય છે. ‘સિકંદર ને જોગંદર’ વાર્તામાં જગત જીતનારો સિકંદર ભારતના અકિંચન જોગંદર પાસે કેવો જિતાઈ ગયો એનું નિરૂપણ વાર્તાકારે સરસ રીતે કર્યું છે. વિધાતાના અસમતોલ દેખાતા ત્રાજવાં ખરેખર અસમતોલ નથી હોતા એ આશાવાદને પ્રગટાવતી ‘ઇસ હાથ દે ઉસ હાથ લે’ વાર્તા ‘જેવુ આપો એવું પામો’ એ ધ્વનિને ઉપસાવે છે. વાર્તાનાયક હરિભગત શેઠે વિધવા સ્ત્રીની આંતરડી કકળાવી અણહકના સોના ઉપર કબજો જમાવ્યો અને એને આધારે વૈભવવંત બન્યા તો બદલામાં જ્યારે સમૃદ્ધિ ભોગવવાનો સમય આવ્યો ત્યારે કુટુંબ ખોવું પડ્યું. સોનાનો ડુંગર શેઠને માટે દુર્ભાગ્યનું કેવું નિમિત્ત બને છે એ બતાવતી વાર્તા ઉપદેશપ્રધાન વધારે છે.

રાજપૂતી શૌર્ય સ્ત્રીની માનમર્યાદા રક્ષવા, સ્ત્રીના શીલને સાચવવા જાન પણ કુરબાન કરતાં અચકાતું નથી એ વર્ણવતી ‘મીર ઘડુલાનો મેળો’ વાર્તા મારવાડની ધરતીની ગૌરવકથા છે તો ભાભીના મહેણે પાલીતાણાના ડુંગર ઉપર જાત્રાળુઓને હેરાન કરતા વાઘને મારીને જાત્રાને નિર્ભય બનાવનાર ‘વિકમશી વાઘનો પાળિયો’ જેમ વિકમશીના પર કાજે પ્રાણ કાઢી પ્રભુતામાં પગલાં મૂક્યાની વાત કરે છે એમ ધર્મની ખોખલી વાતો કરી દેવા કરતાં દેહના વહાલમાં વધારે રાચનારા જાત્રાળુઓના વરવા વાસ્તવિક રૂપને પણ હળવી કટાક્ષસભર શૈલીમાં ઉપસાવી આપે છે.

‘બાર દુકાળી’ વાર્તા મગધરાજા ચંદ્રગુપ્તના રાજ્યકાળ દરમિયાન પડેલા કારમાં દુકાળ વખતે રાજા અને પ્રજા સહિયારા પ્રયાસો કરીને કઈ રીતે ઉગારવા મથે છે એ તો વર્ણવે જ છે પણ વાર્તાનું મુખ્ય વસ્તુ છે સંઘની શિસ્તનો ભંગ કરી નગરમાં રહી અદૃશ્ય રૂપે રાજાનું ભોજન જમી જતા બે સાધુઓને મહાગુરુ ભદ્રબાહુ દ્વારા અપાયેલી શિક્ષા-દીક્ષાનું. જેઓ વિદ્યાનો ઉપયોગ પંડ કાજે કરે છે એમને વિદ્યા મેળવવાનો હક્ક નથી એ ધ્વનિને પ્રગટ કરતી આ વાર્તામાં સાધુનું અદૃશ્ય રૂપે આવીને રાજાના ભોજનને જમી જવું એ ચમત્કાર વાર્તાકારે નિરૂપ્યો છે. અલબત્ત, અમુક પ્રકારનું ઔષધ લગાડવાથી માનવી ઔષધ થઈ શકે એ વાત આજના બુદ્ધિજીવીને ઘળે ભાગ્યે જ ઊતરી શકે ! સતી સીતાના આત્મવિસર્જન પછી સળગતી મશાલ બનીને હૃદયની વેદનાના તાપમાં જલતા શ્રીરામના અવતારકૃત્યની સમાપ્તિ પછીના નિર્વાણ સુધીના દિવસોનો ચિતાર આપતી ‘રામનિર્વાણ’ વાર્તામાં કથા નહીંવત્ છે, કેન્દ્રસ્થાને છે રામની હૃદય ભૂંજતી વેદના.

‘સિંહસંતાન’ વાર્તા એક એવા અનામી શહીદની નામી કથા વર્ણવે છે જેણે બાર વર્ષની ઉંમરે અંગ્રેજોની વિરુદ્ધ જેહાદ જગાવી. હૈદ્રાબાદ રિયાસતમાં આવેલ જોગીપુરની જાગીરના આ બાલ રાજવીએ અંગ્રેજોને સાચા સિંહસંતાનની પ્રતીતિ કરાવી મોતને મીઠું બનાવી દીધું. રાજિયા વાજિયા’ના નામે વીરધર્મની વાતોમાં આવી ગયેલી ‘ક્ષમા’ વાર્તા દયા કે કરુણાની વિલીન થયેલી એકાદ ક્ષણ મોડીવહેલી કોઈ અન્ય ક્ષણને જરૂર ઉજાળવાની એ સંદેશ આપે છે. ‘આજે આપણે ઉદાર થઈશું તો કાલે સંસાર ઉદાર બનશે.’ એ વાત વાર્તાનું વસ્તુ સૂચવે છે.

વેપારી માટે પૈસા કરતાં પણ આબરૂનું મહત્ત્વ વધારે છે. વેપારીની એ આંટને જાળવવા માટે એક પથ્થર પાછળ ત્રણ લાખ દિનાર ખર્ચી નાખનાર મુનિમ જેતસિંહને તથા મુનિમની હૈયાસૂઝને દિલથી બિરદાવનાર શેઠ જગડૂશાની કથાને રજૂ કરતી ‘ત્રણ લાખ દિનારનો પથ્થર’ વાર્તા ધરમના કામમાં કોઈનું આંચકીને ન લેવાય એવી ઊંડી નીતિબુદ્ધિ વાળા જગડૂશાહ દ્વારા ત્રણ લાખ દિનાર ખર્ચીને મંદિર બનાવવા મેળવેલ પથ્થરને મસ્જીદ બનાવવા માટે આપી દે છે, એની ઊંડી અને સાચી ધર્મબુદ્ધિની કથાને પણ વર્ણવે છે તો ‘દૂદા હરિજનની વાવ’ દરિદ્રતાના અવતાર એવા દૂદા હરિજન દ્વારા મજૂરીના પૈસાથી બંધાવાયેલી પણ જનસમાજને દુકાળ વખતે અતિ ઉપયોગી નીવડેલી વાવની કથા વર્ણવે છે. સમાજમાં શૂદ્ર ગણાતો માનવી પણ ભાવનાની ઉદાત્તતાને કારણે છેવટે સમાજમાં પૂજાવા યોગ્ય કઈ રીતે બને છે એ દૂદાના પાત્ર દ્વારા લેખકે સરસ ઉપસાવ્યું છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘અજર-અમર’ જગતના મહાન ફિલસૂફ સોક્રેટીસના જીવનના અંતિમ કાળે સમાજ દ્વારા મળેલા ઉપહાર-વિષપાનને વર્ણવે છે.

સંગ્રહની મોટા ભાગની વાર્તાઓના સર્જનનું નિમિત્ત બન્યાં છે. પાળિયા, દેરીઓ, મેળાઓ કે લોકકથા ઇતિહાસ, પુરાણ કે સમાજમાંથી એનું વસ્તુ વાર્તાકારને મળ્યું છે. વાર્તાકારની કલમની ખૂબી એ વસ્તુમાં રહેલા ઉમદા સમર્પણતત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. સમાજના સર્વ વર્ગને પ્રેરણા પૂરી પાડતી આ વાર્તાઓ એમાંના ઊજળા નીતિતત્ત્વને કારણે તેમ જ ફોરતી માનવતાને કારણે આગવી બની છે.

‘કર લે સિંગાર' :

‘કર લે સિંગાર’ વાર્તાસંગ્રહમાં જયભિખ્ખુએ પ્રેમપંથના ન્યારા ત્યાગ અને તપથી ભરેલા રાહની પિછાણ કરાવતી કેટલીક વાર્તાઓ ચૂંટીને રજૂ કરી છે. જયભિખ્ખુનું માનવું છે કે દૂધ અને પાણીની જેમ એક દેખાતા પ્રેમ અને મોહે અનેકને છેતર્યા છે, ભલભલા માણસોનું ડહાપણ એની આગળ નકામું નીવડ્યું છે, પ્રેમના આ રાહને સમજવા જતાં યોગીઓ ભૂલા પડ્યા છે, શાહ સોદાગરો ખોટા ઠર્યા છે. એમાં ય તે પ્રેમમંદિરના મોટા દેવની ખોટી પૂજામાં પુરુષ કરતાં સ્ત્રી વધુ ભરમાઈ ગયેલી દેખાય છે અને એટલે જ પહેલી નજરે એક જણાતા પણ એકબીજાથી તદ્દન ભિન્ન એવા પ્રેમ, કામ અને મોહનું સાચું સ્વરૂપ મેળવવામાં યુવાન હૃદયોને મદદગાર બનાવાના ઉમદા હેતુથી આ વાર્તાઓની રચના થઈ છે.

સંગ્રહની કુલ ચૌદ વાર્તાઓમાંની એકાદને બાદ કરતાં મોટાભાગની કોઈ ને કોઈ નારીપાત્રને એના હૃદયભાવોને શબ્દસ્થ કરે છે. પહેલી જ વાર્તા ‘કર લે સિંગાર’ એક એવી કન્યાના જૌહરને વર્ણવે છે જેણે સમષ્ટિના હિત માટે, કુલને કલંકિત થતું બચાવવા માટે, સ્વશીલની રક્ષા કાજે મીરાંની જેમ વિષપાન કરીને આત્મબલિદાન આપ્યું. પ્રેમ એટલે માત્ર મોહ નહીં, સ્વાર્થ નહીં, એમાં તો અન્યની ચિંતા જ મુખ્ય હોય છે એ ભાવ રજૂ કરતી આ વાર્તાની નાયિકા કૃષ્ણા સુરતના મયાચંદ નાગરની લાડકી દીકરી છે જેને નવાબી કામનાનો એરૂ આભડવા આવ્યો ત્યારે વિષપાન કરીને હસતાં હસતાં સોળ શૃંગાર ચિતાએ ચઢીને પૂરા કર્યા. કાચી કળી જેવું કૃષ્ણાનું અજબ ખમીર થોડા શબ્દોમાં વાર્તાકાર સરસ ઉપસાવી શક્યા છે. જ્યારે શીર્ષક જ જેનું અનેક વિરોધી મનોભાવો ભાવકચિત્તમાં ખડા કરે છે એવી ‘ગણિકા સતી’ વાર્તામાં એક ગણિકાના અનોખા સતીત્વને શબ્દરૂપ મળ્યું છે. મહારાજ ભીમદેવની આ ચક્રવર્તીને પેટે ધારવાની મનીષા ધરાવતી ગણિકા પ્રિયતમા-બહુલાના ઉમદા શીલનો પરિચય ગુજરાતના ઇતિહાસનું એક ઊજળું પાનું છે.

ગોરી ગોરી બસરાના ફૂલ જેવી એનીના મીણ હૃદયને પોલાદ બનાવનાર દુઃખના ગજવેલનો પરિચય કરાવતી ‘મીણ અને પોલાદ’ સુપ્રસિદ્ધ નારીરત્ન જગતજનની એની બિસન્ટના દુઃખભર્યા ગજવેલી જીવનને નિરૂપે છે. દુઃખનો લાવા જેમ સ્ત્રીના મીણ સમા કોમળ હૃદય ઉપર પડતો જાય એમ એમ સ્ત્રીહૃદય કરમાવાને બદલે વધુ ને વધુ મક્કમ બનીને ધ્યેયસિદ્ધિનું પોલાદ પ્રાપ્ત કરે એવી કર્તૃહૃદયની ભાવનાને વાચા આપતી આ વાર્તા પ્રેમના ન્યારા રાહની ખુમારીની કથા છે.

સ્ત્રીહૃદયમાં રહેલા અનોખા જનનીભાવનો પરિચય કરાવતી ‘કાંટો ઝેરી છે’ વાર્તા અંજારના મોતીચંદ ગૌરજીના મુખે કહેવાયેલી અનોખી પ્રેમકથા છે. પુત્રસ્નેહ માટે વ્યાકુળ એવી એક નારીજગતના કેવા કેવા ઝંઝાવાતોનો સામનો કરી પોતાની શક્તિ, ભક્તિ ને વિદ્વત્તાથી પ્રજાની સેવા કરનાર મોતીચંદ ગૌરજી જેવા પુત્રની જન્મદાત્રી બને છે, એ લેખકે સરસ રીતે વર્ણવ્યું છે.

આંખ, કાન અને હૈયાને એક સાથે આનંદ આપે એવું ઉમદા સંગીત જાતીય આવેગવાળા ગંદકીના સ્થળોમાં લહેરાવી કાયાનાં કૂંડા કામણને કંઠના કામણ પીરસી પરાસ્ત કરનાર બે તવાયફ ઉત્તમ-ઝગમગની જોડીની વાત આવે છે ‘ઉત્તમ-ઝગમગ’ વાર્તામાં.

પ્રેમનો પંથ એ ખરેખર પાવકની જવાળા છે... નર્યા હાડમાંસના મોહથી જુદો જ આ પ્રેમ તે પ્રિય પાત્ર માટે સર્વસ્વ સમર્પણ કરી દેવામાં સહેજ પણ ખચકાટ અનુભવતો નથી, એ વાતની પ્રતીતિ કરાવતી ‘પ્રેમ પંથ પાવકની જવાળા’ આલમગીર ઔરંગઝેબની પુત્રી જેબુન્નિસાના આકિલખાન સાથેના પ્રેમની અને પ્રેમના ગૌરવ માટે ભડભડતી આગની વચ્ચે બળીને પણ વેદનાનો હરફ ન કાઢનાર પાત્રોની ધીરતા-વીરતાની વ્યથાકથા છે. તો સમાજે પોતાની જડ નીતિરીતિને કારણે સરજેલા સમાજશત્રુ સમાજને જ કેવા ભારે પડે છે એવી વરવી છતાં વાસ્તવિક વાત ‘સમાજે સરજેલા શત્રુ’માં મળે છે. ગાંધીજી આ વાર્તામાં પાત્ર બનીને આવે છે.

ગુંડાઓ ભયંકર હોતા નથી પણ પોતાની કાર્યસિદ્ધિ અર્થે ગૂંડાઓનો ઉપયોગ કરનાર મસ્તિષ્કો ભયંકર હોય છે એ સત્યનો સાક્ષાત્કાર કરાવતી ‘બુદ્ધ અને સુંદરી’ વાર્તા સુંદરી દ્વારા બુદ્ધના ચારિત્ર્યને બદનામ કરાવવાના શ્રમણોના પ્રયત્નથી વિફળતાને અને નિંદાને પણ આત્મસાધનાની સીડી સમજનાર બુદ્ધના ઉમદા વિચારોને શબ્દરૂપ આપે છે. મોહને અંધકા નારીને કેવી દિશાહીન બનાવીને વિનાશને માર્ગે વાળે છે એ સુંદરીના પાત્ર દ્વારા સર્જકે ઠીક ઉપસાવ્યું છે.

સ્ત્રી એ શીતળ જળ પણ છે અને આગ પણ છે. મહાભારત યુદ્ધ માટે કૌરવ-પાંડવને પ્રેરનાર દ્રૌપદીએ લગાડેલી આગ તેજાબની જેમ, વડવાનલની જેમ બળીને ભસ્મ કરી નાંખે છે એ બનાવતી વાર્તા છે ‘પાણી અને આગ’. પૌરાણિક સંદર્ભયુક્ત આ વાર્તામાં લેખકે મૂકેલા કેટલાંક નવાં અર્થઘટનો અને વિચારો ઉલ્લેખનીય છે. દ્રૌપદીનાં વસ્ત્રાહરણ પ્રસંગને નવી રીતે વર્ણવતાં જયભિખ્ખુ કહે છે, ‘નવ્વાણુ વાર ચીરહરણનો નિશ્ચય કરી નવ્વાણુ વાર પડતો મૂક્યો. શ્રીકૃષ્ણની પ્રતિભા અને બળે બળે અનાચારથી સદાચાર તરફ ખેંચી જતી હતી. ત્રણ ટકાની છોકરી મને ચળાવી જાય ? દુર્યોધનનો હિંમતનો વૃષભ શિંગડાં ઊંચકતો ને થોડી વારમાં શ્રીકૃષ્ણની પુણ્યપ્રકોપવાળી આંખો જોતાં ગળિયો બળદ બની જતો.’ (પૃ. ૮૪-૮૫). ભીષ્મ, દ્રોણ, દુર્યોધન વગેરેએ સ્વયં અનીતિ આચરી અન્ય પાસે નીતિની માગણી કરી પણ એ માગણી કેવી રીતે પૂરી થાય ? જયભિખ્ખુ વર્ણવે છે, ‘જેના પર મોટો મદાર હતો, એ ભિષ્મ પિતામહ શિખંડીથી હણાયા. છેલ્લે એમણે નીતિ માગી, એ વખતે એમને નીતિ કોણ આપે ?’ (પૃ. ૮૯) આચાર્ય દ્રોણને ‘નરો વા કુંજરો વા’ની ભ્રમણામાં રાખી હણી નાખ્યા. અસત્ય વાતને અસત્ય સામે મળ્યું (પૃ. ૯૦). દુર્યોધનને ભીમે યુદ્ધનીતિની વિરુદ્ધ જઈ સાથળમાં ગદા મારી હણી નાખ્યો. અધર્મને અધર્મ મળ્યો. (પૃ. ૯૦).

સર્જનાત્મક ગદ્યના આછા લસરકાવાળી ‘દિલનો રંગ’ મહારાજા સયાજીરાવનાં પુત્રિ ઇંદિરાના કૂચબિહારના જિતેન્દ્ર સાથેના પ્રેમની, પ્રેમના એ રાહમાં પિતા દ્વારા ઊભી કરાયેલી વિપત્તિઓની વ્યથાકથા છે. સંસારનો સુખ્યાત સુધારક રાજવી જ્યારે ઘરમાં સુધારાની વાત આવી ત્યારે કેવો માટીપગો બની ગયો એની વાત આ વાર્તામાં સરસ રીતે નિરૂપાઈ છે, તો સરસ્વતીના દાસત્ત્વ કરતાં લક્ષ્મીનું દાસત્વ કેવાં અનર્થકારી પરિણામો લાવે છે એ ‘લક્ષ્મી નારાયણ’ વાર્તામાં વર્ણવ્યું છે.

નાનકડા માણસોમાં પણ ઘણીવાર કેવી મોટકડી ભાવનાઓ પડી હોય છે એ વાતની પ્રતીતિ ‘કલ્યાણ કૉચમેન’ વાર્તા કલ્યાણ નામના એક ડ્રાઈવરના ઉમદા ચરિત્રનો પરિચય કરાવે છે. નોકર થઈને દેહ વેચવો પડ્યો પણ આત્માને જાળવવા વર્ષો જૂની નોકરીને એક ક્ષણના પણ વિલંબ વગર ત્યાગનાર આ માણસમાં લેખકને ગુજરાતના સંસ્કારસ્વામીનું દર્શન થાય છે. અરણી રાષ્ટ્રમાં જેમ અગ્નિ છે એમ સ્ત્રીના દિલમાં પુરુષ અને પુરુષના દિલમાં પડેલી સ્ત્રીને દ્વેષ કે તિરસ્કારની દીવાલો ખાલી શકે નહીં. બંને એકબીજા વિના અધૂરા જ છે એ વાતનો પરિચય કરાવતી ‘રથના બે પૈડાં’ વાર્તા સંસારના સનાતન સત્યને કથે છે. તો ભુલભુલામણી સમા જીવનબાગમાં ગમર દૂધના ઊભરા જેવી બિન-અનુભવી જુવાનીની આગમાં અટવાતા બે પ્રેમી હૃદયોને જ્યારે વાસ્તવના કપરાં કાંટા વાગે છે ત્યારે પણ એમનો એકબીજા તરફનો પ્રેમ કોઈ પણ રંગ બદલ્યા સિવાય એવો ને એવો જ રહે છે અને એ રંગને જ્યારે સમજુ વડીલોની શીળી છાયા મળી રહે છે ત્યારે પાંગરતા કુટુંબમેળાનું કિલ્લોલતું જીવન ‘કોકિલા અને બપૈયો’ માં નિરૂપાયું છે.

પ્રેમના વિવિધ સ્વરૂપો નિરૂપતી, પ્રેમ અને મોહ વચ્ચેના તફાવતને પ્રત્યક્ષ રૂપે વર્ણવતી આ વાર્તાઓ જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં નોંધપાત્ર વધારો કરે છે.

‘શૂલી પર સેજ હમારી’ :

જીવનધર્મી વાર્તાકાર જયભિખ્ખુની સિસૃક્ષા ભાવનાપ્રધાન કથાવસ્તુને જોઈને સળવળી ઊઠે છે. સત્ ને ખાતર શૂળીએ ચઢનારાં સતિયાંનું એમને અનેરું આકર્ષણ છે. સિદ્ધાંતને માટે સ્વાપર્ણ કરનારા ઝિંદાદિલોની-પછી ભલે એ નામી હોય કે અનામી-યશોગાથા ગાવી એમને ખૂબ જ પ્રિય છે અને આ જ કારણે એમનું સાહિત્ય આબાલવૃદ્ધ સૌને એકસરખી રીતે આકર્ષીને વાચકરસ પૂરો પાડે છે.

વાર્તાકાર જયભિખ્ખુની એ ખાસિયત છે કે પોતાને પ્રિય એવી કોઈ ભાવના મળી ગઈ, પછી વસ્તુની પસંદગીમાં એમણે ક્યારેય છોછ રાખ્યો નથી. સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક પાત્રો કોમ કે સ્વદેશ કે પરદેશનાં પાત્રો હોય કે ગરીબ કે તવંગર પાત્રો હોય કોઈના પણ જીવનને આલેખ્યવિષય બનાવવામાં એમણે સંકોચ અનુભવ્યો નથી. ‘શૂલી પર સેજ હમારી’ વાર્તાસંગ્રહની વીસે વીસ વાર્તાઓ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ સંગ્રહની વાર્તાઓમાં પુરાણપ્રસિદ્ધ રાજા ભરત પણ વાર્તાવિષય બન્યા છે તો છેક ૧૯૬૦ના ઑક્ટોબરમાં પંદર દિવસની પુત્રીને ત્યજી દેનારી લક્ષ્મી ભિખારણ પણ સર્જકની સિસૃક્ષામાંથી પ્રગટી છે. આ સંગ્રહના કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત આવે તે પહેલાં વિદાય લે છે ફક્ત વૃક્ષ ઉપરનાં પર્ણ પર સત્કર્મનાં બે જલબિંદુ મુકીને ! આથી જ શ્રી ધીરુભાઈ ઠાકર એમના વાર્તાકાર તરીકેના આ પાસાની નોંધ લેતા ઉમંગથી કહે છે : ‘શ્રી જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતાં ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે. અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.’ (પ્રસ્તાવના – ‘ચાતક અને જલબિંદુ’, પૃ. ૧૦)

સંગ્રહની પહેલી શીર્ષકનામી વાર્તા શીલના મહત્ત્વને સમજાવે છે. સુદર્શન શેઠની જૈન ધર્મકથામાંથી વસ્તુ પસંદ કરીને વાર્તાકારે અહીં કથાગોફ રચ્યો છે. વણિક શ્રેષ્ઠી સુદર્શનના રૂપસૌંદર્ય તરફ આકર્ષાતી એ જ નગરની રાણી એને ગુપ્ત રીતે પોતાના મહેલમાં બોલાવી દેહદાન માગે છે. પહેલી વખત તો સુદર્શન પોતે પુરુષત્વહીન છે, એવું જુઠાણું બોલીને રાણી પાસેથી છટકે છે. પણ જ્યારે રાણીને આ વાતની જાણ થાય છે ત્યારે બમણા વેરથી એને બોલાવી પોતાને વશ થવા અથવા શૂળી ઉપર ચડવા કહે છે. સુદર્શન શૂળી પસંદ કરે છે પણ દેહના ભયે શીલને વેચતો નથી. સુદર્શનની આ મક્કમતા રાણીના આંતરચક્ષુને ખોલીને એને પશ્ચાત્તાપની આગથી પાવન બનાવે છે. શ્રેષ્ઠી સુદર્શન માટે આમ રાણી શીલસુવર્ણની કસોટીનો પથ્થર બને છે. વાર્તામાં સુદર્શનની મક્કમતા, દેહના ભાગે પણ શીલ જાળવવાની તમન્ના સરસ ઊપસ્યાં છે. વાર્તાના સંવાદો ટૂંકા, સચોટ અને વ્યક્તિત્વદ્યોતક છે.

પ્રસિદ્ધ સૂફી સંત મજૂર જેણે પોતાને લાધેલું જ્ઞાન નીડરપણે સમાજ સમક્ષ મૂકવા માટે થઈને હસતા હસતા મોતની સજા સ્વીકારી પણ ધર્મ, સંપ્રદાય કે સમાજનો ડર ન રાખ્યો એવા સંતની કથા ‘મન્સૂરને મોત મંજૂર’માં વાર્તાકાર એક જ સંદેશ આપે છે કે સાચો ધર્મ સમજનારમાં નીડરતા હોવી જોઈએ. પોતે જે સત્યને જાણ્યું હોય, માણ્યું હોય એને નિર્ભીકપણે અભિવ્યક્ત કરતાં એણે કોઈનો ડર ન રાખવો જોઈએ.

‘ભવરણના સિપાહી’ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભક કવિ નર્મદને પોતાના જીવનની ભવાઈ ધીરજથી જોવાનો જે વખત આવ્યો તેને કરુણાસભર વાણીમાં નિરૂપે છે. આ આખીયે વાર્તા આપણા સમાજનું એવું વરવું કલંક પણ ખુલ્લું કરી આપે છે. જેણે સમાજને સુધારવા માટે થઈને કલમને સહારે જીવવા ઇચ્છ્યું એને ચોવીસ વર્ષ બાદ ટેક મૂકીને નોકરી કરવા નીકળવું પડ્યું અને એનું કારણ એટલું જ કે જીવનની ઉત્તરાવસ્થાએ પોતાને જે સત્ય લાગ્યું એ નિર્ભિકપણે આ કવિએ સમાજ સમક્ષ મૂક્યું. પૂર્વાવસ્થાના સુધારાવીર નર્મદની ઉત્તરાવસ્થાના ધર્મવીર નર્મદે ટીકા કરી એ વાંકને કારણે સુધારાપ્રિય સમાજે કવિને માન આપવું બંધ કર્યું. મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ધર્મખાતાના મંત્રી તરીકે નોકરી કરવી પડી ! જીવતાં જેને સમજી ના શક્યા એવા ભવરણના સિપાહીની મૃત્યુ બાદ રચાયેલી ખાંભીને નીરખી વાર્તાકારથી તાતો કટાક્ષ થઈ જાય છે. લોકોએ એ વીરની ખાંભી ખોડી, ખાંભીને પૂજી. જય નર્મદ’ (પૃ. ૩૦). વાર્તામાં કેટલેક ઠેકાણે ગદ્ય એક નવો મિજાજ ધારણ કરે છે. જેમકે ધર્મખાતાની નોકરીની મંજૂરીપત્ર હાથમાં હાથમાં લેતાં જ એનાથી બોલાઈ જાય છે, ‘ભાઈઓ ! વાત આટલી હદે પહોંચી ગઈ ! કવિરાજ શબ્દને કલંક લાગ્યું.’ (પૃ. ૨૮) અને આ વાતમાં પહેલાં ભારને જયભિખ્ખુ એક જ વાક્યમાં આ રીતે વર્ણવે છે : ‘શબ્દોમાં હિમાલયનો ભાર હતો’ (પૃ. ૨૮).

દેશી સ્ત્રીના શીલ-મોતીને કલંકિત કરનાર એક અંગ્રેજ કુકર્મીની કથા કહેતી ‘કલંકી મોતી’ વાર્તામાં લેખકનો આક્રોશ એક અંગ્રેજ કુકર્મીની તરફ શબ્દજવાળા બનીને પ્રગટે છે. જે રાજ્યમાં સ્ત્રીનું શીલ ન જળવાય, સાચો ન્યાય ન મળે એ રાજ્યને તો મિટાવ્યે જ છૂટકો એ ભાવ દરેક દેશી હૃદયમાં જન્માવતી આ વાર્તા ગુલામ ભારતની કરુણ કથા છે. ટૂંકાં ટૂંકાં વાક્યોમાં જીવનના ઉમદા અને સનાતન સત્યોની રજૂઆત એ જયભિખ્ખુની ગદ્યશૈલીની આગવી લાક્ષણિકતા છે. આ વાર્તા એનો એક નમૂનો છે જેમ કે-

- સ્ત્રીનું શીલ - મોતી સંસારનો શણગાર ને દુનિયાનું સૌભાગ્ય છે. એક દિવસ એવું મોતી કલંકિત થયું. (પૃ. ૩૧)

- સ્ત્રી અને સાગર, બંનેને ભારતનાં ઋષિઓએ મર્યાદાવાન કહ્યાં છે. સ્ત્રી અને સાગરથી એ ઇચ્છે તો ય મર્યાદા ન લોપાય એ સર્જન જૂનો નિયમ - એની મર્યાદા લોપાવા કોઈથી યત્ન પણ ન થાય એ જમાનાજૂનું શાસન, કારણ કે બંનેને નકલંક મોતી પકવવાના હોય છે. જો મર્યાદા તૂટે તો મોતી કલંકિત પાકે. (પૃ. ૩૧)

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં આંતરરાષ્ટ્રીય પ્રેમ અને વિશ્વશાંતિનો સંદેશ પોતાના સાહિત્ય દ્વારા આપનાર વિચારસ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાધીનતાને સંસારની સર્વશ્રેષ્ઠ દોલત માનનાર વિયેનામાં જન્મેલા પ્રસિદ્ધ સાહિત્યકાર સ્ટિફનઝિવગની પોતાના વિચારોમાં મક્કમ રહેવાને કારણે સત્તાની ખફા વહોરી લીધાની વાતને વર્ણવે છે. સત્તાનું દાસત્ત્વ નહીં સ્વીકારી જાતે ઝેર ઘોળી જીવનનો અંત આણનાર આ સર્જકની સિદ્ધાંતપ્રિયતાનું અચ્છે શબ્દચિત્ર વાર્તાકાર ઉપસાવી શક્યા છે.

મનનું ઘડતર કર્યા વિના ચણતર શરૂ કરનાર આજની યુવા પેઢીને પથદર્શન પૂરું પાડનાર ‘કલ્પના અને શૈલ’ માનવજીવનના અંજવાસ અને અંધાર બંનેને ચિત્રરૂપ શબ્દદેહ આપે છે. કલ્પના અને શૈલ પ્રેમના રૂપકડા નામને બદનામ કરનાર અંધાર છે તો અંતરથી મહાન પણ મહાત્માપણાના ભારણ વગરનો મનસુખ વાર્તાનો અંજવાસ છે. હૃદયના સાચા સંતત્ત્વની વ્યાખ્યા જયભિખ્ખુ આ વાર્તામાં આપે છે.’ કપડામાં સંત નથી, ગીતામાં સંત નથી, આશ્રમમાં સંત નથી, સંત તો આવા છે જે અંધારી રાતમાં આવે છે, ને અંધારી રાત પૂરી થાય છે એ પહેલા ચાલ્યા જાય છે. ફક્ત કોઈ વૃક્ષના પર્ણ પર સત્કર્મના બે જલબિંદુ મૂકીને !’ (પૃ. ૫૨). માબાપ દ્વારા અયોગ્ય વયે અપાતી સ્વતંત્રતા બાળકો માટે કેવાં કુપરિણામો લાવનાર બને છે એનું નિરૂપણ આ વાર્તામાં સુપેરે થયું છે.

‘ઉદ્ધાર’ વાર્તા જાવડશા દ્વારા જૈન તીર્થ પાલીતાણાના થયેલા જીર્ણોધ્ધારને વાર્તા ઓછી અને કથન વધારે એ ઢબે વર્ણવે છે તો એ પછી આવતી ‘ચંદ્રની રેખ’ માનવજીવનના ગાઢ અંધકારમાં ક્યારેક ચંદ્રની આછી પ્રકાશરેખાની જેમ ફરકી જતા ઉદાત્ત ભાવને વાચા આપે છે. પોતાના પતિ ઉપર વિશ્વાસ મૂકીને આવેલા બહારવટિયા મામદને પકડાવી મોટું ઇનામ પામવાની લાલચવાળા દરબારની પત્ની એને સવેળા ચેતવી ભગાડી દે છે ત્યાં ચંદામાં રહેલા ચંદ્રરેખ જેવા ઉમદા અતિથિધર્મના પાલનની રેખ જોવા મળે છે.

સમ્રાટ હર્ષના દરબારનું અણમૂલું કવિરત્ન બાણભટ્ટના જીવનને સર્જકતાના પંથે વાળનાર એક અનુપમ નારીરત્નની કથા ‘અજ્ઞાન દેવનું મંદિર’માં વર્ણવાઈ છે. નારીનું હૃદય અને દેહ અજ્ઞાત દેવનું મંદિર છે. તેની પૂજા થાય, એને મસળાય નહીં એ વાતની પોતાના વર્તન દ્વારા પ્રતીતિ કરાવનાર કવિની પ્રિયતમા નિપુણાએ બાણભટ્ટમાં રહેલી સર્જકતાને જગાડવા કેવો આત્મભોગ આપ્યો તે વાર્તામાં નિરૂપાયું છે. સાચો સ્નેહ માનવીને સ્વધર્મથી વિમુખ ન બનાવે, એ તો સ્વધર્મપાલન અર્થે ત્યાગ અને તપશ્ચર્યામાં જ રાચે એ ધ્વનિ નિપુણાના પાત્ર દ્વારા વાર્તાકારે સુંદર રૂપે રજૂ કર્યો છે.

‘ભૂખી લક્ષ્મી’ એક એવી બેસહારા નારી અને માતાની દર્દકથા છે જેણે પોતાની પંદર દિવસની બાળકીને ત્યજી દીધી એ આશાએ કે બે બાળકોનું ગુજરાન જેમતેમ ચલાવતી પોતે આ બાળકીનું પોષણ નહીં કરી શકે અને અન્યત્ર જશે ત્યાં વધુ સુખી થશે. ન્યાયની કોર્ટમાં એને આ ગુના માટે પંદર દિવસની જેલની સજા થાય છે ! વાર્તામાં સમાજ સામે, સરકાર સામે અને સમાજમાં કહેવાતા વડેરાઓ સામેનો વાર્તાકારનો આક્રોશ કલાતત્ત્વના ભોગે પણ વ્યક્ત થયો છે.

જીવનમાં વર્ષોની કિંમત નથી, પળની કિંમત છે. એક પળનો પણ પ્રમાદ પાપરૂપ છે, એ લેખકચિંતવ્યો ધ્વનિ પ્રગટાવતી ‘યુગોથી મોટી ક્ષણ’ વાર્તા મહાયોગી પ્રસન્નચંદ્રના મનની વિવિધ ક્ષણોના ચિતારને ભગવાન મહાવીર સ્વામી દ્વારા બિંબિસાર સામે રજૂ કર્યાની કથા છે. તો ઇમાનની રક્ષા કાજે પુત્રસ્નેહનું પણ બલિદાન ધરનારી એક ઇતિહાસના પૃષ્ઠોમાં વીસરાયેલી મહાન માની ગૌરવભરી કરુણકથા ‘અમ્મા’માં વર્ણવાઈ છે. ગુરુ ગૌવિંદસિંહની પત્ની ગુજરીબાઈ જેના બે પુત્રો ધર્મ કાજે લડતા લડતા રણમેદાનમાં મર્યા અને બંને પરધર્મીઓએ જીવતા દીવાલમાં ચણી લીધા છતાં જેણે પરધર્મની આણ ન સ્વીકારી એવી ‘સિર દિયા પણ સાર ન દિયા’ની આત્મસમર્પણ જ્યોત જગાવતી માનું મોંઘેરું ચિત્ર ‘અમ્મા’માં ઉપસ્યું છે.

સત્‌ની ધજાને અણનમ રાખવા સ્વનું બલિદાન દેતા બહારવટિયા વાલા નામોરીની વાત વર્ણવે છે. ‘અણનમ’ વાર્તા. અન્યને થયેલા અન્યાયને મિટાવવા બહારવટિયો બનેલો અનાચારને અટકાવી નથી શકતો ત્યારે પોતાનો પ્રાણ અર્પીને બહારવટિયાના સાચા ધર્મની રક્ષા કરે છે તો ‘રાજા તે યોગી’ વાર્તા જેના વસ્તુ ઉપરથી વાર્તાકારે નવલકથા પણ લખી છે તે ચક્રવર્તી ભરતદેવના યોગી સ્વરૂપને વર્ણવે છે.

વાઘેલા અને ખીલજી વંશના વિનાશને નજરે જોનાર, વિનાશનું નિમિત્ત બનનાર દેવળદેવીની કથા વર્ણવતી ‘દેવળદેવી’ હિંદુઓ દ્વારા થતાં હિંદુના વિનાશને વર્ણવે છે. તો ‘કડવું કહેનાર’ વાર્તામાં સેવા ખાતર સેવા કરનારને સત્ય ખાતર સત્ય બોલનાર મહારાષ્ટ્રના નરરત્ન જ્યોતિરાવ ફૂલેનું શબ્દચિત્ર જીવનચરિત્રના નાનકડા અંશની જેમ ઉપસાવ્યું છે. વાર્તામાં કથાતત્ત્વ નહીંવત્ છે, વ્યક્તિ -પરિચય જ કેન્દ્રસ્થાને છે.

ક્યારેક મૂંગા પ્રાણી માનવીને અધોગતિને માર્ગેથી સન્માર્ગે વાળવાનું નિમિત્ત બને છે એ વર્ણવતી ‘વાદળ અને વીજ’ વાર્તામાં ઝરિયાની ખઆણના કામદાર કરણની રૂપકડી પત્ની તેજબાને પોતાની જાળમાં ફસાવી એક ‘સાહેબ’ લઈ તો ગયો પણ કરણના નિમકહલાલ કૂતરાએ પોતાની જાતના ભોગે તેજબાની શાન ઠેકાણે આણી. વાર્તામાં કૂતરાની નિમકહલાલી, તેજબાનું રૂપભૂખ્યું વાસનાભર્યું સ્ત્રીત્વ અને કરણની દિલેરી સુંદર ઊપસ્યાં છે. જ્યારે ગ્રામસેવા માટે પાયાના પથ્થર બનીને મેલી વિદ્યા ને અજ્ઞાન સામે બહારવટે ચઢેલા ત્રણ ગ્રામસેવકોની વાત ‘ગ્રામસેવક’માં આલેખાઈ છે. સમાજમાંથી વહેમ, અંધશ્રદ્ધાને તોડનારા આવા ગ્રામસેવકોની આપણને જરૂર છે એ ધ્વનિ વાર્તામાંથી પ્રગટે છે.

સાચની વાત નાની હોય તો પણ પ્રકાર્પણે પણ એની જાળવણી જરૂરી છે, એ ધ્વનિને પ્રગટાવતો ‘સાચનો ભેરુ સાંઈ’માં એક પથ્થરને માટે પોતાનો પ્રાણ ભયમાં મૂકનાર એક પઠાણ ચોકીદારની વાત આવે છે તો સંગ્રહની અંતિમ વાર્તા ‘સિર દિયા, સાર ન દિયા’ ઇસ્લામ સામે યુદ્ધ ચઢનાર, સ્વધર્મના રક્ષણ કાજે સર્વસ્વ સમર્પણ કરનાર, ધર્મહિત સમાજહિત અને રાષ્ટ્રહિત માટે જાનફેસાની કરનાર ગુરુ ગોવિંદસિંહની કથા આલેખે છે.

સમગ્રતયા, સંગ્રહની વીસ વાર્તાઓમાં મહાપુરુષો, મહાવીરો ને મહાગુરુદેવોની કથા છે. અને સાથે સાથે સામાન્ય પામર અને તુચ્છ જીવોની પણ કથા છે. અંધકાર ન હોય તો પ્રકાશની કિંમત નથી અને માત્ર પ્રકાશ જ ઉપયોગી છે અને અંધકાર નિરૂપયોગી છે તેવું પણ નથી, બંનેની બંને રીતે ઉપયોગિતા છે એ જીવનચિંતન પ્રગટ કરતી જયભિખ્ખુની આ વાર્તાઓમાં મનુષ્યસ્વભાવનું અટપટું અને ઝીણવટભર્યું પૃથ્થકરણ શોધવા જનારને કદાચ નિરાશા મળે. નવી ‘ટેકનિક’ની નવલિકાને જ નવલિકા ગણનારા વર્ગને સાધુ પ્રસંગકથન કરતી આ વસ્તુપ્રધાન રચનાઓ વાર્તા જ ન લાગે. પણ જો સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતાને ઊંચા સાહિત્યનાં લક્ષણ ગણવામાં આવતાં હોય તો આ વાર્તાને અવશ્ય વાર્તાઓ તરીકે નોંધવી પડે. વાર્તાઓમાં મધ્યયુગીન ખાનદાનીનું સ્મરણ કરાવે તેવા રંગદર્શી મિજાજને છાજે એવી શૈલી છે. ધીમી અને અલંકારપ્રચૂર, બોધક અને વેધક સ્ફૂર્તિલી અને વેગીલી ગદ્યશૈલી ગદ્યકાર જયભિખ્ખુના આગવા મિજાજને પ્રગટ કરે છે.

‘કાજલ અને અરીસો’ :

- સ્ત્રીની પ્રતિષ્ઠા અને ગૌરવ, લજ્જા અને મર્યાદા, સ્નેહ અને વિવશતા એ બધાંનાં પ્રતિબિંબ, એના ઘાત-પ્રતિઘાત સાથે સમાજની આરસીમાં ક્યાં અને કેવાં ઝિલાયાં છે, સ્ત્રીત્વની સાચી સુંદર મૂર્તિ ઉપર કાજળની કાળાશ કેવી રીતે અંકિત થઈ છે એ વર્ણવતી ‘કાજલ અને અરીસો’ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ નારીજીવનનાં વિવિધ પાસાંઓને પ્રગટ કરે છે.

‘કાજલ અને અરીસો’ સંગ્રહની પહેલી વાર્તા છે, જેમાં ત્રણ પાત્રો વેજલ, એનો પતિ ભોજો અને કામળિયો અને ભોજાનો મિત્ર પીટો હાટી કેન્દ્રસ્થાને છે. વાર્તાનું કથાવસ્તુ તો પરંપરાગત લોકકથાપ્રકારનું જ છે પણ લેખક વાર્તાને કૃતિના શીર્ષક સાથે બંધ બેસે એ રીતે એને ગોઠવ્યું છે. પતિની ગેરહાજરીમાં પતિના મિત્રની સરભરા કરતી વેજલના નિર્મળ હૃદયભાવને ન ઓળખી શકેલો પતિ ભોજો પત્ની ઉપર વહેમાઈ એને કાઢી મૂકે છે. ત્યારે દુ:ખ અને અપમાનની મારી વેજલ પીઠા પાસે પહોંચી પોતાના શીલ ઉપર મૂકવામાં આવેલ આક્ષેપને કકળતા હૃદયે વર્ણવે છે. વેજલને પોતાની મા- જણી બહેન બનાવી રાખતા પીઠા ઉપર ઘા કરવા આવેલા ભોજાને પીઠો ‘તારે મને મારવો હોય તો માર પણ હું તો મારી માની જણી બહેનના પતિ ઉપર હાથ નહીં ઉપાડું’ કહીને ભોજાના શંકિત હૃદયને શુદ્ધ બનાવે છે. સમાજમાં માણસો કાજળ જેવા પોતાના દોષ જોવાને બદલે પ્રતિબિંબરૂપ અરીસાને દોષ દેતા હોય છે. એવા માણસોને સ્વદોષ દર્શનનો સંદેશ આપતી આ વાર્તામાં ત્રણે પાત્રોનું વર્ણન પોતપોતાની જગ્યાએ ઉચિત છે.

આધુનિક નારીને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાના રસ્તે જતી રોકવામાં લાલબત્તી સમાન વાર્તા ‘શિવજીની જટા’માં સંસારે સરજેલા, પુરુષોએ ગોઠવેલા કાવતરાનો ભોગ બની દુઃખદર્દની ગર્તામાં ધકેલાતી નારીના વરવા પણ વાસ્તવિક રૂપને રજૂ કર્યું છે. નવા જમાનાની હવાએ બેફામ બનાવેલી સુરેખા કુટુંબની લક્ષ્મણરેખા ત્યજીને જગતઆંગણે પહોંચે છે ત્યારે ત્યાં એનો પરિચય થાય છે એના રૂપના ભૂખ્યા ગીધડાંઓ સાથેને છેવટે હારી થાકીને કુટુંબની પાંખોમાં સમાવા પાછી ફરેલી આ યુવતીને સમાજમાં સર્વત્ર બને છે એમ કુટુંબ ધિક્કારતું નથી પણ શિવજીની જટામાં ગંગા પાછી સમાય એમ પોતાનામાં સમાવી લે છે. વાર્તાનો આ અંત પ્રગતિવાદી માનસના વાર્તાકારનો પરિચય કરાવી સમાજને ઊજળા આશાવાદ તરફ દોરવાની પ્રેરણા આપે છે. સ્વછંદતા એ સંસ્કારિતા નથી, સાચી સ્વતંત્રતા તો સહન કરવામાં છે એ માનતા લેખકનો સ્વછંદતા સામેનો પ્રકોપ આવી નવી ઉપમાથી વર્ણવાય છે : ‘આ તમારી ફૂટેલી કાચની શીશી જેવી સ્વતંત્રતા’ (પૃ. ૧૭).

કર્ણજન્મના સંદર્ભમાં આજના બુદ્ધિજીવીને ગણે ઊતરે એવું અર્થઘટન લઈને આવતી વાર્તા ‘કર્ણનો જન્મ’ પૌરાણિક બીબામાં નવો વિચાર વ્યક્ત કરે છે. જૈન મહાભારતમાંથી કથાનું બીજ ઉપાડીને લેખકે એનું પ્રતિપાદન કર્યું છે કે કર્ણ કુંતીને સૂર્ય દ્વારા મળેલા વરદાનથી કુંવારી અવસ્થામાં થયેલો પુત્ર નથી, એ તો કુંતા અને પાંડુનું જ સંતાન છે પણ બંનેની કુંવારી અવસ્થાનું સંતાન. લગ્નમંત્રથી પુનિત થયા વગરની સ્ત્રી પુનિત ન કહેવાય અને એનું સંતાનરાજનું ઉત્તરાધિકારી ન લેખાય એવી હસ્તિનાપુરના શ્રાદ્ધપુરુષોની સલાહે અને સમાજ સામે કુંતિને નકલંક મોતીરૂપ બનાવવાના આગ્રહ કર્ણને નદીમાં વહાવી દીધો. વાર્તાનાં પાત્રો પુરાણના હોવા છતાં એમના વાર્તાલાપોને વાર્તાકારે આધુનિક ઢબે ગૂંથ્યા છે. પુરાણનું વાતાવરણ વાર્તામાં અનુભવવા મળતું નથી. જો વાર્તામાં નામો પુરાણનાં ન હોત તો આ વાર્તાને આધુનિક વાર્તા તરીકે જ મૂલવવી પડત, એવું એનું નિરૂપણ છે. વાર્તા મુખ્યત્વે બે પાત્રો કુંતિના માતા-પિતાની આસપાસ જ વળોટાય છે. નારીનું ઘેલું માતૃત્વ કુંતીની માતાના પાત્રમાં અને પુરુષની સામાજિક ચિંતા પિતાના પાત્રમાં સુપેરે ઊપસ્યાં છે. જેની આસપાસ વાર્તા વણાઈ છે એ કર્ણનું કારુણ્ય વાર્તાકારના કટાક્ષ નેત્રે આવું ઝિલાયું છે. કર્ણને માતાએ ખૂબ શણગાર્યો હતો પણ પરાક્રમ માટે જોઈતા પૂર્વજો, કૌશલ્ય માટે જોઈતું કૂળ ને પ્રેરણા માટે યોગ્ય માત-પિતા જન્મની સાથે એની પાસેથી ઝુંટવીને એને વિરૂપ કરી નાંખ્યો હતો (પૃ. ૩૧). કુંતીની માતાના મુખમાં મુકાયેલા નારીના દેહની કરુણતાનો આ સંવાદ ‘વિધાતાએ સ્ત્રીના દેહને તો જીવતી જાહેરખબર જ સરજી છે. જરાક કંઈ આઘુંપાછું કર્યું કે એના દેહ પર એનો ઇતિહાસ મોટા અક્ષરે અંકાઈ જ જાય ! જતો પણ એને વાંચી શકે !’ (પૃ. ૨૪) હિંદુ સમાજમાં નારીના સ્થાનનો પરિચય કરાવે છે.

પ્રીત એ બીજ નેવી સાંભળવી અને છેડવી ગમે એવી સરળ નથી, એ તો તાતી તલવાર છે, પોતાને પણ છેદી નાખે ને પારકાને પણ. જેને ખઆંડાનો ખેલ ખેલતાં આવડે એ જ એને કરી શકે એ સંદેશ આપતી ‘લાખનું માણેક’ વાર્તામાં લાખણશી અને માણેકના એવા સાચા પણ અધૂરા પ્રેમની કથા છે જેણે બલિદાનના કસુંબી રંગમાં જ પોતાનું સાર્થક્ય શોધ્યું છે. તો મણિમંદિરમાં મોરબીના રાજા વાઘના એક સામાન્ય પણ અનોખા રૂપની રાણી મણિ સાથેના પ્રેમની કથા આલેખાઈ છે. વાર્તાકારે આ વાર્તા દ્વારા મધ્યકાળના રાજવીઓના વ્યક્તિત્વનો પરિચય સુંદર રીતે કરાવ્યો છે.

‘અન્ના’ વાર્તામાં બાહ્ય રૂપમાં ઊણી પણ આંતરરૂપથી સભર એવી અન્નાના સાચા રૂપને ન ઓળખી શકનાર સમાજ દ્વારા એની ઉપર ગુજરાતના સિતમોની કથા વર્ણવાઈ છે, તો સ્ત્રી એ પ્રેરણામૂર્તિ પણ છે. પ્રેરણાની પરબ બની પોતાના પતિને સાચું મુનિપણું લેવડાવતી નારીના અનોખા પ્રેમ અને બલિદાનની કથા ‘નગિલા’માં આલેખાઈ છે. વાર્તામાં મુખ્ય પાત્ર દેવનો ભ્રાતૃપ્રેમ, રાગ અને ત્યાગ વચ્ચેની અટવામણ સુંદર રીતે નિરૂપાઈ છે.

મનનું માનવું એક અને ચરણના ચાલવા જુદા એવા પુરુષરૂપનો નગ્ન ચિતાર આપતી ‘એમાં શું દોષ’ વાર્તાની નાયિકાએ પોતાના પતિ અને ભાઈ જે પોતે ગૌરવપૂર્વક સ્ત્રીથી લોભાતા નથી એવું છડેચોક કહેતા હતા એમના સ્ત્રીલોલુપપણા અને સ્ત્રીસંગની આકાંક્ષાના પ્રયત્નોનો હળવી ભાષામાં મધુર ચિતાર આપે છે.

કન્યા પરીક્ષાનું તૂત આધુનિક કાળમાં અને વરપરીક્ષાનું ભૂત પ્રાચીન કાળમાં સમાજમાં કેવા પ્રચલિત હતાં એ વર્ણવતી ‘પરીક્ષા’ વાર્તા એક અર્વાચીન અને એક પ્રાચીન એવાં એકબીજાથી સામા છેડાનાં દૃષ્ટાંતોને કથારૂપે વર્ણવે છે. અલબત્ત, વાર્તાન્ત લેખકને એટલું જરૂર સૂચવવું છે કે અર્વાચીનકાળની કન્યા પરીક્ષા એ તો માત્ર તૂત જ છે જ્યારે પ્રાચીન કાળની નરપરીક્ષામાંથી તો પરસ્પરમાં રહેલા ગુણદોષની ચકાસણી કરવાની વૃત્તિ જ વધારે હતી.

જાહેર જીવનમાં ઉમદા જણાતો માનવી એના અંગત જીવનમાં કેટલીકવાર કેવો હીન હોય છે એ નિરૂપતી ‘રૂપતૃષ્ણા’ વાર્તામાં ઊજળા માણસોના અંધારિયા જીવનની કથા આલેખાઈ છે. ઇન્દોરનરેશ સર તુકોજીરાવ હોલ્કરના જીવનમાં આવેલી રૂપરમણી મુમતાજને કારણે વેરઝેરના કેવા તાણાવાણા રચાયા, રૂપ તૃષ્ણા કેવી વિષકર નીવડી એનું નિરૂપણ કરતી આ વાર્તા અંગ્રેજ રાજ્યઅમલની સામે દેશી રાજ્યોની વિલાસિતાનું વરવું પણ વાસ્તવિક ચિત્ર ઉપસાવે છે.

‘અધઃપાત’ શીર્ષક નામફેરે અગાઉના વાર્તાસંગ્રહમાંથી પુનરાવર્તિત થયેલી વાર્તા જેમાં માનવીના જીવનમાંની રૂપતૃષ્ણાની જેમ લક્ષ્મીતૃષ્ણા કેવો વિનિપાત સર્જે છે તેનું નિરૂપણ થયું છે. તો ‘મેઘદૂત’માં સંસારના રસતરસ્યાં રસિક-રસિકાની કાળી વ્યથાને વર્ણવતું મેઘદૂત થોડા શબ્દો અને રૂપફેરે વાર્તાનો પ્રસંગ બને છે. આ વાર્તાની ગદ્યશૈલી માણવા જેવી છે. જ્યારે હરખામાંથી હર્ષચંદ્ર બનેલ ગામડાના ભોળા, નિર્દોષ અને સેવાભાવી જુવાનમાંથી અમેરિકન સંસ્કૃતિના વરવા રૂપમાં વિકૃત મનોદશાવાળા બનેલ યુવાનની કટાક્ષ કથા ‘હર્ષચંદ્ર’ પરદેશી સંસ્કૃતિએ આપણામાં કેવી વિકૃતિ જન્માવી છે એને આલેખે છે.

કોઈની બેન-બેટી ઉપર એંઠી નજર નાખનારને જીવનમાં ઘણીવાર કેવો કડવો પદાર્થપાઠ શીખવો પડતો હોય છે એ ‘કોઈની બેન-બેટી’ વાર્તાનો મુખ્ય વિષય છે. સોહનની રૂપતરસી ભ્રમરવૃત્તિને એના મિત્ર મોહન દ્વારા કેવો પદાર્થપાઠ શીખવાય છે તે વાર્તાકારે સરસ વર્ણવ્યું છે. જ્યારે ‘અર્પણ’ વાર્તાનું કથાવસ્તુ લેખકને હાથે નવલકથારૂપ પામેલ મહર્ષિ તારજના જીવનનું જ છે. અસ્પૃશ્યતા-છૂતાછૂતના યુગોપુરાણા દૈત્યને નાથવાના રાજગૃહીના રાજવીએ કરેલા પ્રયત્નને અહીં વર્ણવી વાર્તાકારે કહેવાતી ઉચ્ચતા કે નીચતાને સમાનતાના ધોરણે એક બનતો બતાવ્યો છે.

કાજલની કોટડી વચ્ચે, સ્ત્રીને હીન નજરે નીરખનાર દુનિયા વચ્ચે, અનાચારોના ધામ વચ્ચે, ગુંડાઓની જાત વચ્ચે ઝઝૂમતા શ્રીમતી ચારુમતીબેન યોદ્ધાનું શબ્દચિત્ર આલેખતી ‘ન દૈન્યમ્ ન પલાયનમ્’ વાર્તા એક બાજુ જેમ સમાજના આવા ઉમદા કાર્યકરોની ઊજળી કારકિર્દીને વર્ણવે છે તો બીજી બાજુ સમાજમાં સ્ત્રીની કેવી દયનીય સ્થિતિ છે એનો પણ ચિતાર આપે છે. તો રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાને આધારે લખાયેલી ‘મમતા’ વાર્તા એક નોકરમાં છુપાયેલી મમતાનું ધનિકો દ્વારા થતું અપમાન અને એને કારણે એના ચિત્તને લાગેલા આઘાતને નિરૂપે છે. વાર્તાનું નિરૂપણ કરુણ અને ભાવસભર શૈલીમાં થયું છે.

સંગ્રહની અંતિમ વાર્તા ‘ચિનગારી’ હજારો બુઝાયેલા અંગારાની વચ્ચે રહેલી એક ચેતનવંતી ચિનગારી ઘણીવાર કેવા તેજીલા પ્રકાશને વેરે છે એ એક ચેતનવંતી નારીના ધર્મપ્રેમે એના સાથી પત્ની બનવાના, સાચી માતા બનવાના પ્રયત્ન દ્વારા બતાવ્યું છે.

આદિકાળથી તે આજ સુધીનાં નારીજીવનનાં વિવિધ પાસાંની ઝાંખી કરાવતી આ વાર્તાઓમાં જયભિખ્ખુએ સ્ત્રીની હૃદયસૃષ્ટિને સવિશેષ મમતાથી સજાવી છે. સ્ત્રીની સૂઝ અને શીલને વખાણ્યાં છે. અને સાથે સાથે સમાજની એકતરફી અળખામણી રીતરસમોને સહન કર્યા વગર સ્ત્રીનો કોઈ આરો નથી એ પુરાણયુગીન માપદંડોને પડકાર્યો પણ છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે ચેપીરોગ જેવા એ માપદંડોને નાબૂદ કર્યે જ છૂટકો. સંગ્રહની વાર્તાઓ આ દૃષ્ટિએ નોંધનીય છે.

‘માટીનું અત્તર’ :

‘માટીનું અત્તર’ જયભિખ્ખુકૃત ૨૩ એવી વ્યક્તિઓની વાતોનો સંગ્રહ છે, જેમનું જીવન માટીના અત્તર જેવું આપોઆપ સોઢાયું છે, જેનું અસ્તિત્વ વિશાળ સંસાર તુષારબિંદુમાંથી ક્ષણ માટે બનતા મોતી જેવું રળિયામણું બનીને જગતને સોહાવી ગયું એવા દિલ અને દિમાગને પોતાના સૌંદર્યથી અને ખુશ્બુથી મસ્ત કરનાર પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ માનવીઓનાં જીવનની વાતો લઈને આ સંગ્રહ આવે છે. ચારિત્ર્ય ઘડતર કરવાની લેખકની મહેચ્છામાંથી જન્મેલા આ સંગ્રહના પ્રસંગોમાંના કેટલાક રાણા પ્રતાપ, લોકમાન્ય ટિળક, સરદાર વલ્લભભાઈ જેવા પ્રસિદ્ધ માણસોના જીવનની અપ્રસિદ્ધ ઘટાઓને, કેટલાક હરદેવ ચાચરિયાક કે મજૂર આગેવાન શેખ અબુબકર અને ચિત્રકાર ભેદવાર જેવા અપ્રસિદ્ધ છતાં માનવતાક્ષેત્રે મોટા માનવીઓના જીવનની ઘટનાને અને કેટલાક લેખકના સ્વાનુભવની ઘટનાને વર્ણવે છે.

મહર્ષિ મેતારજ જયભિખ્ખુનું પ્રિય પાત્ર છે. એમને નિમિત્ત બનાવી પોતાના સર્જનમાં વિવિધ રૂપે એમની કથાને એમણે વર્ણવી છે. સંગ્રહની પહેલી વાર્તા જેના ઉપરથી સંગ્રહને શીર્ષકનામ મળ્યું છે એ ‘માટીનું અત્તર’ પચીસસો વર્ષ પહેલાનાં શુદ્ર મુનિ મેતારજના જીવનપ્રસંગને આલેખે છે તો રાણા પ્રતાપની ટેકને અકબરશાહના દરબારમાં અણનમ રાખનાર એક કવિ અને રાષ્ટ્રને ઉદ્ધારવા સાવરણીની સળીથી લઈને સ્ત્રીના સૌભાગ્યકંકણ સુધીનું સર્વસ્વ સમર્પણ કરનાર વણિકનર ભામાશાના દેશપ્રેમની કથા વર્ણવાઈ છે ‘એક કવિ, એક વણિક’ વાર્તામાં. પ્રતાપરૂપી પડતા ભાણનો ઉદ્ધાર કરનાર ભામાશા તો જગપ્રસિદ્ધ છે પણ અકબરના દરબારના રાજકવિ પૃથ્વીરાય જેણે અકબરચિત્તમાં જેમ રાણા પ્રતાપની ટેકનું ઔદાર્ય ઉપસાવ્યું તેમ રાણા પ્રતાપના ચિત્તમાં દેશ કાજે પત છોડી અન્ય રજપૂતોની જેમ અકબરના દરબારની નોકરી સ્વીકારવાની લાલચમાંથી પ્રતાપને ઉગારી દેશના રાજપૂતી ભાણની આનને બચાવી એ અપ્રસિદ્ધ ઘટનાને માટીના અત્તરની મહેંકથી ઉપસાવી છે.

જેનું ‘જીવન વિપદા બારે માસ’ની જેમ પસાર થયું, જેણે અંગ્રેજોનો આ દેશમાંથી પગદંડો કાઢવા માટે કમર કસી અને એને કારણે અંગ્રેજ સત્તા સામે દુશ્મની વહોરી લીધી એવા બાલ ગંગાધર તિલકને પોતાના જ મિત્રના એક કેસના સંદર્ભમાં કેવું કેવું સહન કરવું પડ્યું, એમની સર્વ શક્તિઓ પારકા અંગ્રેજો દ્વારા નહીં પણ દેશના પોતાના માણસો દ્વારા કેવી રીતે રહેસાતી ગઈ એનું કરુણ છતાં વાસ્તવિક ચિત્ર રજૂ કરતી ‘વિપદા બારે માસ’ વાર્તામાં બાળ ગંગાધરી અણનમ ટેક, અંગ્રેજોનું સ્વાર્થયુક્ત અને જોહુકમીભર્યું ન્યાય અને વહીવટીતંત્ર, અને મિત્રોની અમિત્રતા સુંદર રીતે ઊપસી છે.

નાનાં નાના રાજ્યોમાં વિભક્ત ભારતના રાજતંત્રને એક તારે બાંધવા માથાભારે રાજ્યો અને રાજવીઓને સંધિ કરવા મજબૂર કરનાર ન્યાય અને સત્યની ધજાના ધારક એવા લોખંડી પુરુષ વલ્લભભાઈની કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવતી ‘તેજમૂર્તિ’ વાર્તા જૂનાગઢના રાજવીના પ્રસંગને નિમિત્ત બનાવી તેજમૂર્તિ તરીકેના સરદારના વ્યક્તિત્વને જેમ એક બાજુ ઉપસાવે છે તેમ બીજી બાજુ દેશી રાજવીઓની આથમતી જાહોજલાલી અને વ્યક્તિત્વહીનતાને પણ વર્ણને છે. વાર્તાકારનું ગદ્ય ક્યાંય આલંકારિત બનીને પાત્રને આવું ઉપસાવે છે જેમકે ‘નિરવ પ્રભાતની જેમ મૌન સરદાર’ (પૃ. ૩૭).

‘કલાકારનું તપ’માં મનની મોજ ખાતર કલાદેવીને ચરણે બેસી તપ કરનાર એક છબીકાર શ્રી ભેદવારની કલાસાધનાને વ્યક્ત કરતો પ્રસંગ નિરૂપાયો છે તો મજૂરપ્રવૃત્તિના ઉદાર આગેવાન શેખ અબુબકરની મજૂરોના કલ્યાણ માટેની જાનફેસાની કથા રજૂ કરતી ‘ખાંભી ન ખોડાણી’ વાર્તામાં આજથી અઢીસો વર્ષ પહેલાનું અણદાવાદનું રાજકારણ નિરૂપાયું છે જ્યારે ગુજરાત દિલ્હીના તાબામાં હતું એ વખતે આલમગીર ઔરંગઝેબને નામે અમદાવાદમાં મજૂરો ઉપર ત્રાસ ગુજારતા સુબાના જૂલ્મની કથા કહેતી આ વાર્તા એક અપ્રસિદ્ધ વ્યક્તિના હૃદયમાં વસેલી ઊંચેરી માનવતાનું મોંઘેરું દર્શન કરાવે છે.

ગુજરાતના એક અપ્રતિમ કલાકાર હરદેવ ચાચરિયાકને પાત્ર બનાવતી ‘હરદેવ ચાચરિયાક’ વાર્તા કથાનાયક દ્વારા થતાં ગુરુતર્પણની વાતને રજૂ કરે છે. સુખદેવ ચાચરિયાકની કથાસિદ્ધિને પડકારીને ગોવિંદ ચાચરિયાક નામના મરાઠી કલાકારે જ્યારે આશાવલ્લીની પ્રજાને પોતાની કથાશક્તિનું ઘેલું લગાડ્યું ત્યારે સુખદેવે પોતાના શિષ્ય હરદેવને પોતાની હારનો બદલો લેવાની આજ્ઞા આપી. ગુરુ આજ્ઞાએ પોતાની કથાકાર તરીકેની શક્તિથી હરદેવ ચાચરિયાકે પ્રતિસ્પર્ધી સામે બદલો તો લીધો જ, પણ સાથે સાથે ગુજરાતમાં એક અપ્રતિમ કથાકાર તરીકેનું સ્થાન પણ મેળવ્યું. વાર્તામાં કાચીંડાની જેમ રંગ બદલતા જનમતનું, અપમાન કરતાં અવસાનને વધુ વહાલું ગણનાર સ્વમાનશીલ સુખદેવનું અને શિષ્ય હરદેવનું પાત્ર સુંદર ઊપસ્યું છે.

‘શેઠનું સ્વપ્ન’ વાર્તા અમદાવાદના એક શેઠ, સ્વપ્નદર્શી ઉદ્યોગપતિ શેઠ રણછોડભાઈના જીવનના આભઊંચેરા કલ્પનામિનારની કરુણ કથનીને વર્ણવે છે. અમદાવાદને બંદર બનાવવા માટે ખંભાતના દરિયાને નહેર વાટે અમદાવાદ સુધી તાણી લાવવા અને એ રીતે કાપડઉદ્યોગને નવું જીવન આપવા માટેની રણછોડભાઈ દ્વારા મુકાયેલી દીર્ઘદર્શી યોજના પરદેશી સરકારે એટલા માટે વિકસવા ન દીધી કે એને કારણે લાંબે ગાળે એમના વેપારને હાનિ પહોંચતી હતી, જ્યારે દેશની પ્રજા પોતાના આ સ્વપ્નશિલ્પની યોજનાને સમજી ના શકી એટલે સાથ ન આપ્યો અને એને કારણે અમદાવાદને સાચા અર્થમાં ભારતનું માન્ચેસ્ટર બનાવવાનું શેઠનું સ્વપ્ન કરુણ રીતે અધૂરું રહી ગયું.

ઝંડુ ભટજી અને જામસાહેબના જીવનપ્રસંગને આલેખતી ‘સત્યનો રથ’ સંગ્રહની પુનરાવર્તિત વાર્તા છે. જ્યારે કન્યાની ખાણ એવા કાઠિયાવાડની ધરતી ઉપર કળિયુગમાં પાકેલા મોતીની વાત ‘પાણખાણનું મોતી’માં છે. દેરાણીના મૃત્યુ પછી દિયરના છોકરા ઉછેરવા જેણે પોતાને માટે કલ્યાણકારક એવી દીક્ષા લેવાને બદલે સંસારી જીવનમાં રહી સંસારવાસથી ઊંચેરી સંન્યાસભાવના ભાવી એવી એક જનમદુઃખિયારી વિધવા ભાભીની વાત અહીં વર્ણવાઈ છે. લેખકના સ્વાનુભવમાંથી જન્મેલી આ ઘટના મધ્યમવર્ગમાં જિવાતા સત્યયુગના મોટકડા જીવનની સુવાસને ફોરાવે છે.

‘હાથલારીવાળો’ વાર્તામાં હાથલારીવાળા ભગા ડોસાને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે કવિની જેમ, સુધારકની જેમ, ક્યાંક કટાક્ષકારની અદાથી નાના માણસના જીવનની કરુણ છતાં વાસ્તવથી ભરી જિંદગીનું શબ્દચિત્ર ઉપસાવ્યું છે. વાર્તામાં કથાતત્ત્વ નહિવત છે છતાં વાર્તાકારની ખૂબી એવી રીતે વાર્તાને અનોખા ઢંગથી રજૂ કરવામાં આવે છે, કે વાર્તા ક્યાંય કંટાળોઆપતી નથી વાર્તાકારનું ગદ્ય ટૂંકા ટૂંકા અને છતાં ભાવ તથા અર્થથી ભર્યાં વાક્યોની એક હારમાળા રચે છે. વાર્તામાં શિક્ષણ ઉપરનો વાર્તાકારનો કટાક્ષ (પૃ. ૯૭) સુધારક શિક્ષણકાર જયભિખ્ખુની આકૃતિ ઉપસાવે છે.

‘યાકુબ’ નાના માણસોના અંતરમાં પડેલી ઉમદા હૃદયભાવનાને ઉપસાવતી વાર્તા છે. જેણે સદાય આપ્યું જ છે એવા જૂનાગઢના દિવાનની માઠી આર્થિક દશાના દિવસોમાંની કરુણતાને વર્ણવે છે જેને માટે પોતે જિંદગી અને જાત ઘસી નાખી એવા કહેવાતા મોટેરાઓ જ્યારે એને ઓળખી મદદ નથી કરતા ત્યારે એક સ્ટેશન માસ્તર જેવો કે યાકુબ જેવો ડ્રાઈવર યથાશક્તિ મદદ કરી દિવાનની દિલદિલાવરીની કેવી કદર કરે છે એ વર્ણવતી આ વાર્તામાં ત્રણે પાત્રો સ્ટેશન માસ્તર, યાકુબ અને દિવાન પોતપોતાની રીતે ઉમદા ઊપસ્યાં છે.

સ્વાતંત્ર્યયુદ્ધના બે અદના ગુજરાતી સૈનિકોની વાત ‘રામ-રાવણ’ વાર્તામાં વણાવાઈ છે. નાયક કોમના રામ અને લખો નામના બે યુવાનોમાં રામલીલામાં રામ-રાવણનો પાઠ ભજવતાં જાગેલી દેશના સ્વાતંત્ર્ય માટેની ઝંખના, એ નિમિત્તે અંગ્રેજો સામે એમણે કરેલા બળવાની અને એમાં આપેલા બલિદાનની વાત વાર્તાકારે સરસ શૈલીમાં વર્ણવી છે.

રજવાડાંની અંધારી તવારીખોમાં ચંદાની ચાંદની જેવી ધ્રાંગધ્રાના રાજવીમાં રહેલા ઉમદા રાજવિવેકને વર્ણવતી ‘રાજવિવેક’ વાર્તા પ્રજાની વહુ-દીકરીની લાજનાં લૂગડાં ખેંચી બતાવી બઢતીની આશા સેવતા એક અદના પાસવાનને રાજા દ્વારા અપાયેલા યોગ્ય પદાર્થપાઠને નિરૂપે છે તો પાલણનુરના નવાબની ન્યાયપ્રિયતાને વર્ણવતી ‘અણદાગ’ વાર્તા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક સ્ત્રીસંબંધે થયેલા વિવાદ દરમિયાન નવાબ દ્વારા ઇમાનના દેવ અને ઇન્સાફના ઝંડાના થયેલા રક્ષણને આલેખે છે.

સંગ્રહની ‘ઉત્તરાણકર’ વાર્તા સત્યની વેદી ઉપર આત્મસમર્પણ કરનાર વીસનગરના લોકક્રાન્તિના શહીદ ઉત્તરાણકરની કથા કહે છે. તો ‘પુનિત’ વાર્તા ગુજરાતના એક ખૂબ જ લોકપ્રિય અને માનવતાવાદી સંત પુનિત મહારાજના વ્યક્તિચિત્રને ઉપસાવે છે. દરિદ્રતાને પોતાના જીવનમાં બૂરી રીતે નિહાળનાર આ સંતે ભૂખ્યા દેવને રોટી મળી શકે એ માટે યોજનાઓ કરી ગુજરાતના જનજીવનને પોતાના ભક્તિપ્રિય ભજનસાહિત્યથી ભક્તિભીનું બનાવ્યું, જ્યારે ‘જાદુગર’ ગુજરાતના જાણીતા જાદુગર નથ્થુ મંછાનું માહિતીપ્રદ ચિત્ર ઉપસાવે છે. વાર્તાતત્ત્વવિહોણી આ વાર્તા એક માહિતીચિત્ર જ બની રહે છે.

ગુજરાત, ભારત અને વિશ્વના કેટલાક સુપ્રસિદ્ધ જવાંમર્દ જાદુગરો જેવા કે હુડિની, લિફાજે, ચિંગલિંગ શુ, પીરભાઈ રસૂલ, અલાબક્સ વગેરેના જીવનપ્રસંગોને આછા શબ્દસરકાથી વર્ણવતી ‘સરફરોશી’ વાર્તાનો મુખ્ય સૂર એ છે કે જાદુ એ કોઈ મંતર નથી, એ તો વિજ્ઞાને પુનિત કરેલી ને જવાંમર્દી સાથે જોડાયેલી કલા છે, જેમાં જાદુગર હરપળે પોતાની જાના સાથે જોહુકમી ચલાવતો હોય છે. તો મહામંત્રી વસ્તુપાલ-તેજપાલની માતાના જીવનપ્રસંગને આલેખતી ‘રત્નગર્ભા’ વાર્તા નારીના રત્નગર્ભાપણાને વાર્તાકાર દ્વારા અપાયેલી અંજલિ છે.

સંગ્રહની અંતિમ બે વાર્તાઓમાંથી એક ‘દર્દે જિગર’ માનવયાતનાના ઉધ્ધારક ડૉ. બૅન્ટિકના ઉમદા ચરિતને અને ‘મણિનું તેજ’ વીસમી સદીના આદર્શ નાગરિક મણિભાઈની જીવનઝરમર આલેખે છે. ‘ઇમાનનો દીપ’ સંગ્રહની પુનરાવર્તિત વાર્તા છે.

‘કન્યાદાન’ :

વાર્તાકાર જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંથી ચોથા ભાગની વાર્તાઓ નારીજીવવિષયક છે. ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘અંગના’, ‘કંચન અને કામિની’ જેવા તો આખાય સંગ્રહો નારીજીવનના વિવિધ પ્રશ્નોને કલાત્મક રીતે છણે છે. ‘કન્યાદાન’ની અઢાર વાર્તાઓમાંથી મોટાભાગની વાર્તાઓ પણ નવા અને જૂના યુગની નારીનાં વિવિધ રૂપોનું આલેખન કરે છે. આ બધી વાર્તાઓમાંથી વાર્તાકારને એક સ્વર અવિરત ગુંજ્યા કરે છે, અને તે એ કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી-નરસી કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રી પોતાનું સત્ત્વ ને સ્ત્રીત્વ ખીલવે તેવું વાતાવરણ હજી આપણે ત્યાં મોટે ભાગે ઘડાયું નથી.

વિષયદૃષ્ટિએ એક નવા જ પ્રકારના કન્યાદાનને વર્મવતી સંગ્રહની પ્રથમ અને શીર્ષકનામી વાર્તા ‘કન્યાદાન’ માં વલ્લભીપુર-વળાના રાજા એભલે પોતાની પ્રજાની દીકરીઓના સ્વહસ્તે આપેલા કન્યાદાનની વાત વર્ણવાઈ છે. મોટું દાપું મેળવવાના લોભે વળાના બ્રાહ્મણોએ કાયસ્થ કોમનું પુરોહિતપદું કરવાનો ઇન્કાર કરી દીધો. બ્રાહ્મણ વગર દીકરા-દીકરીઓનાં લગ્ન કોણ કરાવે ? કાયસ્થ કોમના હરેક ઘરમાં પચ્ચીસ-ત્રીસ વર્ષની દીકરીઓ કુંવારી રહી. સાપના ભારા સમી આ દીકરીઓની યુવાની જાળવવાનું કામ પ્રત્યેક માબાપને માટે અતિશય અઘરું બની ગયું. એકેએક કાયસ્થનું ઘર જુવાન દીકરીઓ માટે કેદખાનું બની ગયું. દીકરાઓ શીલની વાડ ટપારવા તૈયાર થઈને બેઠા. પોતાની પ્રજાનો એક મોટો વર્ગ આવી ચિંતામાં સપડાયેલો જોઈ રાજાએ વાલમ બ્રાહ્મણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બ્રાહ્મણપણાના અભિમાનવાળા, ધનના લાલચુ અને બ્રાહ્મણને ઉચિત ગુણો વગરના આ પુરોહિતો જ્યારે કોઈપણ હિસાબે પોતાની વાત ત્યજવા તૈયાર નહોતા ત્યારે એમને બાજુ ઉપર મૂકીને પ્રજાના બાપ તરીકે રાજાએ સામૂહિક કન્યાદાન દીધું. વાર્તામાં જ્ઞાતિઓનું રાજકારણ, સમાજ ઉપર બ્રાહ્મણ પુરોહિતોનો અંધશ્રદ્ધાભર્યો ડરામણો પ્રભાવ, પ્રજાકીય રાજવી તરીકેનું એભલનું વ્યક્તિત્વ સુંદર ઊઠાવ પામ્યાં છે. ‘શંકરના નંદી જેવો તળાજાનો નાનેરો ડુંગર’ (પૃ. ૯) માંની ઉપમા હૃદ્ય છે.

શ્રીમતી પકવાસાની ‘ગુલાબની શૈયા’ વાર્તાના ભાવાનુવાદરૂપે એ જ શીર્ષકનામ રાખી લખાયેલી વાર્તામાં ભારતને આંગણે વસેલા એક અંગ્રેજ મિ. ફિલનનો ગુલાબપ્રેમ તો વર્ણવાયો જ છે પણ એ પ્રેમને કારણે એમના અંગત દામ્પત્યજીવનમાં સર્જાયેલી કરુણ વિસંવાદિતા, એક બીજાને અતિશય ચાહતા અને છતાં નાનકડી બાબતમાં સમાધાન ન કરી શકવાને કારણે છેવટે દુઃખની અગ્નિપરીક્ષામાં પ્રેમના સોનાને તપાવી ધૂળરૂપે સદાકાળ માટે વિખૂટા પડેલા પણ અંતરથી વધારે નજીક આવેલાં પતિ પત્નીની હૃદય કથા કહે છે. જીવનમાં જેણે ગુલાબશૈયા પામવી છે એણે કંટકને પણ વેઠવાની તૈયારી રાખવી જ પડે. ગુલાબ અને કંટક એક સાથે જ રહેલાં છે, એ વાર્તાનો ધ્વનિ વાર્તાન્તે સુંદર રૂપ આપે છે, રૂપ અને સૌંદર્ય વચ્ચેનો તફાવત સમજાવતી લેખકની દૃષ્ટિ ‘આત્માને આકર્ષે તે સૌંદર્ય, દેહને આકર્ષે તે રૂપ’ (પૃ. ૧૨) વાર્તામાં સતત અનુભવાય છે.

નવલાં નારીરૂપો વર્ણવતો વાર્તાકાર ‘નેલી’માં જે નારીની વાત લઈને આવે છે તે ભારતીય નારી નથી. પશ્ચિમનું આ સુકુમાર પુષ્પ નેલીએ પોતાના કુટુંબને, બાળકોને નવપલ્લવિત કરવામાં જીવનનું હીર નિચોવી નાખ્યું પણ અંતકાળે એના નસીબમાં તો રહી ઘોર એકલતા. આ એકલતાથી કોરાઈને છેવટે જીવનનો અંત આત્મહત્યા દ્વારા આણતી આ નારીની કથની પશ્ચિમની વ્યક્તિપ્રધાન સંસ્કૃતિની કરુણ નીપજ છે. વૃદ્ધો માટેના કારાગાર સમાં પશ્ચિમના નારીજીવનનું અહીં એક કરુણ રૂપ વાર્તાકારે ઉપસાવ્યું છે.

‘નેલી’ જેમ પશ્ચિમની નારીના કારુણ્યને વર્ણવે છે તેમ ‘મીંઢળબંધો’ ભારતના દેશી રાજ્યોમાં દીકરીની કરુણ અવદશાને શબ્દરૂપ આપે છે. જ્યાં ખાનદાનીના ખોટા ખ્યાલો અને મોટાઈનો દંભ નારીના મોં અને હૃદય ઉપર સો મણના તાળા લગાવી કેવી વેદનાના વડવાનલમાં જલાવે છે તે આ વાર્તાની રાજકુંવરી ફૂલ ઉપર વડીલોની મરજી વિરુદ્ધ એક સામાન્ય માનવી સાથે લગ્ન કરવાને કારણે ગુજરતા ત્રાસ અને છેવટે એના લેવાતા ભોગ દ્વારા નિરૂપ્યું છે. નિરૂપણની કેટલીક ત્રુટિઓ એક સરસ ભાવનાવાળી વાર્તાને કથળાવી મૂકે છે. જેમ કે ધર્મશાળામાં રાત્રીરોકાણ દરમિયાન વાર્તાનાયકને રાત્રે દેખાતી લગ્નચોરી, ફેરા ફરતા વરકન્યા, સુંદર સેજ ઉપર કન્યાનું થતું ખૂન વગેરે ઘટનાઓનું પ્રેતરૂપ દર્શન અપ્રતીતિકર લાગે છે. વાર્તાની મુખ્ય ઘટના એના દ્વારા કહેવાઈ છે એ ચોકીદાર જ રાજકુંવરીનો પતિ-પ્રેમી છે એ અંતમાં થતું રહસ્યોદ્ઘાટન આહ્‌લાદક છે. વાર્તામાંની ‘આકાશના વાદળ જેવી ભારતની ગાડીઓ’ (પૃ. ૩૨), ‘વક્રકેતુ જેવા સાંધાવાળા’ (પૃ. ૩૩), ‘જાસુદના ફૂલ જેવો જમાઈ’ (પૃ. ૩૮) જેવી ઉપમાઓ લેખકના ગદ્યને રળિયામણું રૂપ આપે છે.

જયભિખ્ખુ માને છે કે નારી કોઈ પણ સ્વરૂપે પુરુષ દ્વારા શોષાતી જ રહી છે. પરિસ્થિતિને પરવશ પડેલી એવી એક પવિત્ર અને નમણી નારીના કારુણ્યની વાત ‘દિયર-ભોજાઈ’ વાર્તામાં વર્ણવાઈ છે. બુંદેલખંડનો રાજા ઝુંઝાર દિલ્હી દરબારમાં જહાંગીર બાદશાહની ચાકરીએ રહેલો એ દરમિયાન એકલી પડેલી એની પત્ની સુરેખા પોતાના લાડલા દિયર હરદૌલ સાથે હસીખુશીમાં સમય પસાર કરતી હતી. બંને વચ્ચેના માતા-પુત્ર જેવા પવિત્ર પ્રેમને શંકાની નજરે નિહાળી ઝુંઝાર પત્નીના હાથે ભાઈને ઝેર આપવા મજબૂર કરે છે. ભાભીના શીલ ખાતર મૃત્યુને માણનાર લક્ષ્મણ જતિ જેવે હરદૌલ, પુત્રવત્ ગણેલા દિયરને પતિઆજ્ઞાએ ઝેર આપવા મજબૂર બનતી ભાભીની મનોવેદના અને ઝુંઝારનું વહેમી માનસ વાર્તામાં સુંદર ઊપસ્યાં છે.

વાર્તાકાર અહીં નારીના કારુણ્યમય, મજબૂર રૂપ ઉપસાવ્યાં છે, તેમ કેટલીક વાર્તાઓ નારીના ગૌરવશીલ પ્રેરણારૂપને પણ પ્રત્યક્ષ કરે છે. ‘અલંકાર’માં તેજપાળની પત્ની અનુપમાનું આવું જ એક રૂપ ઊપસ્યું છે. ગુજરાતની ધરતીને, ખંભાતના બંદરને સાગરના ચાંચિયા સદિકના સકંજામાંથી છોડાવવાના બદલા રૂપે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને પોતાના અંગત મોજશોખ અને વૈભવવિલાસ માટે વાપરવાને બદલે સંસારના અનોખા અલંકારરૂપ બનાવવાનો માર્ગ અનુપમાનું તેજસ્વી સ્ત્રીમાનસ સૂચવે છે, જેમાંથી સર્જાય છે અર્બુદાગિરી ઉપર સુણિગ વસહિ નામનું પ્રખ્યાત, કલાત્મક જૈન મંદિર.

‘અલંકાર’ ની નમણી અનુપમા તો બુદ્ધિમતી નારી છે. જ્યારે ‘પિયાસી’ની રુખીબહેન તો અભણ બાળવિધવા છે. છતાં જીવનને ઉદાત્ત બનાવવાનો જેવો માર્ગ અનુપમા સૂચવે છે એવો જ એક માર્ગ રુખીબહેન દ્વારા પણ સૂચવાય છે. માનવદેહ એ જીવતું જાગતું મંદિર છે. એમાં બેટેલાની આરાધના એ જ સાચી ધર્મભાવના છે એ વર્ણવતી આ વાર્તાની નાયિકા રુખીએ પ્યાસાની પ્યાસ બુઝાવવા પરબો માંડીને અંતર ઠાર્યાની ઘટના વર્ણવાઈ છે.

સ્વદેશના રક્ષણ ખાતર પોતાના પુત્રને હસતે મુખે રણસંગ્રામમાં મોકલતી, પોતાના દૂધના ઇમાનની રક્ષા કરતાં, ગૌરવ કરતાં પુત્રને નિહાળી સિંહણસની હરખાતી માતાનું એક નવલું રૂપ ‘દૂધનો ઇમાન’ વાર્તામાં વર્ણવાયું છે. જ્યારે મેઘાણીની સોરઠી બહારવટિયાઓની કથાની યાદ આપતી ‘ચૂંદડી અને મોડિયો’ વાર્તા સ્ત્રીના એક વધુ મજબૂર છતાં મગરૂબ રૂપને ઉપસાવે છે. અંગ્રેજ સત્તા સામે બહારવટે ચડેલો બહારવટિયો બાવાવાળો પરસ્ત્રીને માત સમાન માને છે. એક વખત બિન આણાતી એવી પિયરમાં રહેતી પત્ની પાસે જઈને સુખશૈયાની માગણી કરે છે પણ ત્યારે સમાજમાં કલંકિત થવાના ડરે પત્ની પતિને વારે છે. આ ઘટનાને પોતાનું અપમાન સમજતો પત્નીના હૃદયભાવોને ન ઓળખી શકેલો બાવાવાળો જ્યારે માથે મોત ગાજે છે ત્યારે વડીલોની આજ્ઞાને વશ થઈ વંશવેલો વધારવા કાજે સામે ચાલીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા આવેલી શીલવતી પત્નીના શીલ ઉપર શંકા કરે છે ત્યારે પતિ-તલવારે ખપી જતી કાઠિયાણીનું ચિત્ર નારીજીવનની કરુણતાને ઉપસાવે છે. ‘દિયર-ભોજાઈની’ અને ‘ચૂંદડી અને મોડિયો’ની નાયિકાઓનું કારુણ્ય લગભગ રૂપફેરે સરખું જ છે.

યુવાન, રૂપસુંદર, સંસ્કારી, શિક્ષિત નારીનો આક્રોશ વ્યક્ત કરતી ‘પારુલ’ વાર્તામાં પારુલ ઉપર પુરુષો દ્વારા થતા અત્યાચારના પ્રયત્નો વર્ણવાયા છે, ત્યારે પારુલમુખે લેખકનો આક્રોશ આ રીતે વર્ણવાયો છે : ‘સ્ત્રીને ફક્ત સુધરેલા કે સુધરેલા હોવાનો દાવો કરતા પુરુષની કામવાસના જ સંતોષવાની ?’ (પૃ. ૧૦૦). વાર્તામાં કેળવાયેલી ને સ્વતંત્ર કમાણીમાં માનતી સ્ત્રીને પુરુષોની કામવાસનાભરી વિષયુક્ત દૃષ્ટિનાં બાણ કેવી રીતે ઘાયલ કરે છે તે નિરૂપાયું છે. અલબત્ત, પુરુષો તરફની વધારે પડતી ફરિયાદોવાળી આ વાર્તા બોલકી બની ગઈ છે. વાર્તામાં કથાતત્ત્વ અને કલાતત્ત્વ નહીંવત છે. બે સખીઓના લાંબા અને ભાષણ જેવા સંવાદો દ્વારા જ વ્યથાનાં વીતક વર્ણવાયાં છે.

પ્રભુ ઈસુના જીવનની એક બહુ જાણીતી ઘટના ‘કોણ પાપી નથી ?’ વાર્તામાં ઇસુના નામ વગર વર્ણવાઈ છે. વાર્તામાં દેવમંદિરે આવેલી ગણિકાને પાપિણી ગણીને જ્યારે લોકો પથરા ફેંકે છે ત્યારે એક માણસ આવીને સૂચન કરે છે કે જેણે પાપ ન કર્યું હોય એ જ પથ્થર મારે. અને સૌ પોતપોતાની જાતને તપાસતા અટકી જાય છે. વાર્તાનો ધ્વનિ છે ‘મારતા ન શીખો, માફ કરતા શીખો.’

નારીજીવનને વર્ણવતી વાર્તાઓમાં જુદી પડતી ‘લાજ અને લગામ’ વાર્તા ઇરાનના શાહ નાદિરશાહના મોગલ શહેનશાહ મહંમદશાહ સાથેના યુદ્ધને તો વર્ણવે જ છે, પણ વાર્તાકારને વાર્તા દ્વારા જે બતાવવું છે તે એટલું જ કે જેની લગામ ખુદના હાથમાં ન હોય એવું કોઈ કામ ખુદ ખુદા સોંપે તો પણ ન કરવું. એ જ રીતે જે સ્ત્રીની પાસે લજ્જાનો શણગાર નથી એ સ્ત્રી કદીયે પોતાની કૂખે સાચા મોતીને પકવી શકતી નથી. ‘જાદુઈ અરીસો’ બાળવાર્તા જેવી છે. જેમાં એક ચમત્કારિક મનાતા અરીસાના જોરે કુટુંબમાં સાવકી મા, દીકરી અને બાપની વચ્ચે થતા મનદુઃખોનો અંત આવે છે. જ્યારે ‘કાશીસે મથુરા ન્યારી’ જૂની અને નવી પેઢી વચ્ચેના ભેદને વર્ણવે છે. વાર્તામાં જૂની પેઢીની ઉદાત્તતાને વાર્તાકારે નિરૂપી છે. કાશીથી જેમ મથુરા ન્યારી જ રહે એમ અહીં પણ જૂની પેઢી નવી પેઢીથી ન્યારી છે એ વાર્તાતત્ત્વ વગર નિબંધાત્મક ઢબે વર્ણવ્યું છે.

શહેરી સંસ્કૃતિએ ગ્રામ સંસ્કૃતિ ઉપર કરેલા આક્રમણને કારણે ગ્રામસંસ્કૃતિનાં જે ઉમદા તત્ત્વો હતાં એ ધીમે ધીમે નષ્ટ થતા ગયાં એને કારણે સર્જાયેલી કરુણતાને વર્ણવતી ‘સાચા ઘીનો દીવો’ વાર્તામાં પણ કથાતત્ત્વ ઓછું, કટાક્ષતત્ત્વ વધુ છે. જ્યારે પ્રેમના કસુંબલ રંગને અભિવ્યક્ત કરતી ‘કસુંબલ રંગ’ વાર્તામાં રાજાની કુંવરી પ્રેમકુંવરનું નાટક કંપનીના એક નાચીઝ નટ શ્યામસુંદર સાથેના પ્રેમનું, એ પ્રેમને કારણે શ્યામસુંદરને વેઠવી પડેલી મુશ્કેલીઓનું, મુશ્કેલીઓને વેઠતા પણ પ્રેમની અનોખી લહેજત માણતા શ્યામસુંદરનું અનેરું નિરૂપણ વાર્તાકારે કર્યું છે. તો ‘આનંદમયી’ વાર્તા મા આનંદમયીના જીવનનો આલેખ ટૂંકા વ્યક્તિચિત્ર રૂપે આલેખે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘નારી અને નર’ અન્યત્ર પ્રસિદ્ધ થયેલી અને પુનરાવર્તિત વાર્તા છે.

‘કન્યાદાન’ વાર્તાસંગ્રહની આમ બધી વાતો નહીં પણ કેટલીક વાર્તાઓ નારીજીવનને અનુલક્ષીને લખાઈ છે. એમાંની થોડી કલાત્મક છે. બાકીની પ્રચારાત્મક કે નિબંધાત્મક સ્વરૂપની વધુ છે.

‘મનઝરૂખો’ :

‘મનઝરૂખો’ જીવનધર્મી વાર્તાકાર જયભિખ્ખુનું સર્જન છે. સંગ્રહની એકવીસ વાર્તાઓમાં લેખકે મનઝરૂખાના વૈવિધ્યવંતા રૂપસ્વરૂપો આલેખ્યાં છે. શ્રી જયભિખ્ખુ માને છે કે સંસારસાગરને સુખેથી પાર કરાવવામાં માનવીનો મનઝરૂખો અગત્યનો ભાગ ભજવે છે. પ્રભુતા કે પામરતાનો વાસ માણસના મનમાં છે. જેવું મન એવો માનવી. સંસારના સર્વ સુભગ પ્રયત્નો આ મનઝરૂખાની કેળવણીના છે. શાળા-મહાશાળાઓ, મઠો અને ઉપાશ્રયો, કોર્ટો અને જેલો એ બધાંય માણસના મનને મજબૂત અને મનોહર બનાવવા માટેનાં સાધનો છે. જો એનાથી મનઝરૂખાનું નકશીદાર અને નક્કર ચણતર ન થયું તો એટલી માનવીની મન-મહેલાત ઓછી સુંદર બનવાની અને એટલે અંશે માનવજીવન નિરર્થક થવાનું. મહાન મનઝરૂખાનો આદર્શ આપતાં તેઓ કહે છે, ‘મનમંદિરનું ઘડતર એવી રીતે થવું જોઈએ કે લાલચ તરફ, મોહ તરફ, અનીતિ તરફ મન જાય જ નહિ. કોઈ સૌંદર્યવતી અપેક્ષિત નારી સામે હોય, અબજોનો ભંડાર સમર્પણ થવા તૈયાર હોય, પ્રતિસ્પર્ધીનું ગળું પીસી નાખવા જેટલો ક્રોધપશુ ઊછળી રહ્યો હોય, સામે અકર્મ કરાવવા કોઈ કાપાલિક તરવાર લઈને ખડો હોય, તો પણ જે નીતિનો ચીલો લેશ પણ ચાતરે નહીં, પ્રાણ જાય પણ કષાયપશુને વશ થાય નહિ-એ મનઝરૂખો મહાન, એ માનવી શ્રેષ્ઠ’ (પૃ. ૮-૯). સંગ્રહની વિવિધ વાર્તાઓ મનઝરૂખાની આવી તરતમતા વિવિધ રીતે વર્ણવે છે.

મનઝરૂખા ઉપર આલેખાયેલાં વિધવિધ દૃશ્યોને કંડોરતા વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા શીર્ષકનામી છે. પૌરાણિક કથાસંદર્ભવાળી આ વાર્તામાં મનઝરૂખાને રાજકુમાર નાભાગે આપેલી ઉદાત્ત કેળવણીનું ચિત્રણ જોવા મળે છે. સમાજ ઉપર વર્ણાશ્રમ-વ્યવસ્થાની વધુ પડતી પકડને પરિણામે રાજકુમાર નાભાગ પોતે ક્ષત્રિય હોઈને વૈશ્યપુત્રી હેમાવતી સાથે લગ્ન કરે એને કારણે સમાજનો અને ખુદ રાજવી પિતાનો વેઠવો પડતો વિરોધ વેઠી પણ પોતાના આદર્શન અને પ્રેમને વફાદાર રહેતા રાજકુમાર નાભાગનું આખુંય વ્યક્તિત્વ ઉમદા મનઝરૂખાનું ઊજળું દૃષ્ટાંત પૂરું પાડે છે. પોતાના પ્રેમ માટે, આદર્શ માટે રાજ્યહક્ક ત્યજીને શ્રમભરી જિંદગી પસંદ કરતો નાભાગ વાર્તામાં સુરેખ રૂપે ઉપસ્યો છે. પૌરાણિક વાતાવરણયુક્ત વાર્તામાં લેખકના કેટલાક વિચારો આધુનિક છે, જેમકે, ‘ક્ષત્રિય કે વૈશ્ય’એ માનવસમાજે રચેલી એક સામાજિક વ્યવસ્થા છે. એ કોઈ કુદરતી કાનૂન નથી.’ (પૃ. ૪)

ઇતિહાસની ખૂબ જાણીતી ઘટના જેને શ્રી બાલમુકુંદ દવેએ ‘બેવડો રંગ’ કાવ્યમાં મઢીને લોકપ્રિય બનાવી છે એ જામનગરના રાજવીએ નીરખેલા દિલના અનોખા રંગને વર્ણવતી ‘રંગ દિલનો' વાર્તામાં પોતાના નગરના શ્રેષ્ઠિ સમારાશાની પાઘડી ઉપરનો લાલ મજીઠ રંગ નીરખી વિભાના મનમાં પણ પોતાની પાઘડીએ એવો જ રંગ ચડાવવાનું મન થયું. એક, બે પ્રયત્ન પછી પણ જ્યારે એવો રંગ પોતાની પાઘડીમાં ન જોવા મળતાં રંગરેજ લક્ષ્મીને હાજર થવા ફરમાન થયું અને એમાંથી પ્રગટ થઈ એક સ્ત્રીના હૃદયપાતાળમાં વહેતી ગુપ્ત પ્રેમની ગંગોત્રીની ઘટના. જે વાતથી સમરાશા પણ અજાણ હતો એ વાત રંગરેજ લક્ષ્મીના મુખે વર્ણવાઈ છે. રંગરેજ લક્ષ્મીએ કઈ ક્ષણે સમરાશાના રૂપયૌવન ઉપર હૃદય ગુમાવ્યું, શા કારણે પ્રેમના એ વહેણને ગુપ્ત રાખ્યું વગેરેને વર્ણવતી આ વાર્તા પ્રેમની અનોખી ચાહ અને ચલણીને અભિવ્યક્ત કરે છે. વાર્તાન્તે પાત્રમુખે લેખક કહે છે, ‘દિલનું ફૂલ ન જાણે કેવા પાણીથી પમરે છે ! એ તો ચાતકની જેમ ભર ઉનાળે તળાવની પાળે તરસ્યુ મરે છે ને સ્વાતિના એક બુંદની રાહમાં ન જાણે કેટલીય જિંદગીઓ બક્ષિસ કરી નાખે છે.’ (પૃ. ૧૮)

‘રાઈનો દાણો’ વાર્તામાં એક એવા માનવીના હૃદયપરિવર્તનની કથા વર્ણવાઈ છે. જેના મનઝરૂખામાં દુષ્ટ દેખાતી દુનિયા લાગણીનો પ્રવાહ બદલાતાં શાહુકાર દેખાય છે. મિ. જોશીના સંપર્ક પછી સ્વાર્થની દુનિયાનું માછલું હબીબ કેવું પરિવર્તન પામે છે એ નિરૂપતી વાર્તાનો ધ્વનિ એ છે કે જો મનઝરૂખાને યોગ્ય કેળવણી આપવામાં આવે તો માનવજીવન આબદાર બની શકે છે.

હિન્દુ-મુસ્લીમ એકતાની સૂચક ‘દીવા પાણીએ બાળ્યા’ વાર્તામાં ધર્મનું એક ઉમદા સ્વરૂપ વાર્તાકારે મૂર્તિમંત કર્યું છે. સદાચારને જ આત્મસાધના માનતા સાંઈબાબાનું વ્યક્તિચિત્ર વાર્તામાંથી તાદ્ર્શ્ ઊપસે છે. ઊપાસની મહારાજ જેને પોતાના હિંદુત્વનું અભિમાન છે એ અભિમાન દીનવત્સલ સાંઈબાબા કઈ રીતે દૂર કરે છે એ વાર્તામાં વર્ણવાયું છે.

યજ્ઞનો સાચો ધર્મ પોતાનું સર્વસ્વ હોમીને પણ ધર્મનું, કર્તવ્યનું રક્ષણ કરવાનો છે, એ ધ્વનિને સૂચવતી ‘યજ્ઞનો ધર્મ’ વાર્તામાં એક હરિજન પોતાને આંગણે આશ્રય માગવા આવેલા બ્રાહ્મણને આશ્રય તો આપે જ છે પણ સાથે સાથે એને જમના મુખમાં જતો રોકવા માટે જમાઈ પણ બનાવે છે. આ વાર્તામાં મનુનું એક અળવીતરું પણ સોહામણું રૂપ વર્ણવાયું છે, જેમાં પારકી પીડા વહોરીને પણ માનવી પોતે કંઈ અનોખું કર્યાનો આત્મસંતોષ મેળવે છે.

એક સમય એવો હતો જ્યારે યાત્રાઓ અત્યારના જેવી સુગમ નહોતી. યાત્રાળુ એ વખતે સામૂહિક રીતે સંઘમાં યાત્રાએ જતા. કોઈ શ્રીમંત વ્યક્તિ સંઘનો તમામ ખર્ચ ઉપાડતી. આ વ્યક્તિને સૌ સંઘપતિનું બિરુદ આપતા. ‘ધર્મલક્ષ્મી’ વાર્તામાં શત્રુંજયની યાત્રાએ ભેગા મળેલા બાવીસ યાત્રાસંઘોના સંઘપતિઓમાંથી શ્રેષ્ઠ સંઘપતિને તીર્થમાળ પહેરાવવાનું નક્કી થયું. શ્રેષ્ઠતા સિધ્ધ કરવામાં સૌ સંઘપતિઓમાં ધરણાશા સૌથી આગળ રહ્યા જેમણે બત્રીસ વર્ષની ભરયૌવન વયે રૂપલાવણ્યભરી પત્ની હોવા છતાં, ધન આરોગ્ય હોવા છતાં, સંતાનની અછત હોવા છતાં કઠિનમાં કઠિન એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું.

વજ્રનું પણ વજ્ર પ્રેમ છે એ ધ્વનિસંદેશ આપતી પૌરાણિક સંદર્ભયુક્ત ‘વજ્રનું પણ વજ્ર' વાર્તામાં જેના પિતા મહર્ષિ દધીચિએ દેવોના કલ્યાણ અર્થે પોતાનું જીવન અર્પણ કર્યું. એ જ કાર્યની વૈરાગ્નિમાં તપતા એના પુત્ર મુનિ પિપલાદ દ્વારા થતી વિફલતા વર્ણવાઈ છે. લેખકનું કથન વાર્તા દ્વારા એ છે કે પિપળાના મુનિના મનઝરૂખામાં જ્યારે વેરની જ્વાલાઓ ભભૂકતી હતી ત્યારે વિશ્વ સમગ્ર વૈરમય હતું અને જ્યારે એ મનઝરૂખાએ પ્રેમનું સાચું સ્વરૂપ નીરખ્યું ત્યારે એની ઉદાત્તતા સોળે કળાએ નિરખી ઊઠી.

રાષ્ટ્રિય ચેતનાના જુવાળને વ્યક્ત કરતી ‘કલમનો સિપાહી’ વાર્તામાં કાગળ અને કલમના એક સિપાહીનું, પત્રકારત્વની પથ્થરિયા ભૂમિના લડવૈયા શ્રી રામરખસિંહ સહગલનું રેખાચિત્ર વાર્તાકારે ઉપસાવ્યું છે. રાજકીય ક્રાંતિ અને સામાજિક સુધારાની અદમ્ય ધૂન સાથે ફરતાં આ કલમના સિપાહીએ એક સિંહની અદાથી પરદેશી સરકાર સામે જે મૂઠભેડ વેઠી એને જયભિખ્ખુએ સરસ રીતે વર્ણવ્યું છે.

‘અણનમ કે અડબંગ’ વાર્તામાં પરમ હિંદુ જામ અબડો મુસ્લિમ સુંદરીઓને રક્ષણ આપવા કેવી શૂરવીરતાથી મેદાને પડ્યો, શીલસંપત્તિને જ સર્વધર્મની શ્રેષ્ઠ સંપત્તિ લેખી, એ સુંદરીઓના રક્ષણ કાજે સ્વધર્મ તજી પરધર્મ સ્વીકાર્યો, ને એ પરધર્મી સ્ત્રીઓના રક્ષણમાં પોતાના પ્રાણની આહુતિ આપી. અબડાનું સાચા ધર્મશૌર્યને દાખવતું અણનમ વ્યક્તિત્વ વાર્તામાં સુરેખ આલેખાયું છે.

રાજાભોજની ધારાનગરી જ્યારે જલધારાથી છલકાઈ જતા સરોવરની જેમ સતત ચાલ્યા આવતા જનસમૂહની છલકાઈ ગઈ ત્યારે સામાન્ય જનપ્રવાહના નગરપ્રવેશ સામે પ્રતિબંધ મુકાયો. માત્ર શારદા અને લક્ષ્મીના પતિએ જ યોગ્ય પરીક્ષા પછી પ્રવેશમુદ્રા આપવાનું નક્કી થયું. એ સમયે એક શારદાકુટુંબ ધારામાં વસવા આવી પહોંચ્યું. મંત્રી મને રાજવીની પરીક્ષામાંથી પસાર થઈને ધારામાં વસવાની પ્રવેશમુદ્રા કઈ રીતે મેળવી એનું નિરૂપણ કરતી ‘પ્રવેશમુદ્રા’ વાર્તામાં રાજા ભોજનો તથા મંત્રીનો સરસ્વતી પ્રત્યેનો પ્રેમ, માણસ પરીક્ષાની દૃષ્ટિ સુંદર રીતે નિરૂપાયું છે.

ઈ. સ. ની અઢારમી સદીમાં કચ્છની ધરતી ઉપરથી રાજા નામનું પાપ દૂર કરવાની પ્રતિજ્ઞા લઈને નીકળેલા અંજારના દીવાન વાઘજી પારેખ, કોરા પારેખના જવાંમર્દીપૂર્વકના બલિદાનને વર્ણવતી ‘રાજા નામનું પાપ’ વાર્તામાં પ્રજાને ચૂસતા, પ્રજાને હેરાન કરતા રાજા નેતા તરીકે અયોગ્ય છે, અને જે અયોગ્ય છે એને રાજ્યની ધુરા વહન કરવાનો હોઈ હક્ક નથી અને માટે એમનો નાશ કરીને પ્રજાના હાથમાં રાજ્યતંત્રની બાગડોર આપ્યાની ઘટના વર્ણવાઈ છે.

‘તેં ત્રણ ખોયા’ વાર્તા રૂપકાત્મક ઢબે આત્મા, દેહ અને મન ત્રણેને ખોનાર માનવીની વાત કરે છે. યોગીમુખે રાણી પોતાના જ જીવનની કથાને સાંભળે છે. યોગી રાણીને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આત્મારૂપી રાજા, દેહરૂપી માવત અને મનરૂપી ચોરને ગુમાવનારની પાસે પછી કશુંય રહેતું નથી.

‘દિવ્યજીવનના આશક’ વાર્તા પોતાને ત્યાં આવતા અનેક દરદીઓને, એમનાં દુઃખોને નીરખીને સંસારને સાચો સુખી બનાવવા દેહવૈદ મટી ભવવૈદ બનતા ડૉ. કુપ્પુસ્વામીનું સુરેખ વ્યક્તિત્વ ઉપસાવે છે. આ ડૉ. કુપ્પુસ્વામી એ જ ‘દિવ્યજીવનના આશક’ એવા સ્વામી શિવાનંદ સરસ્વતી. તો ‘હજાર દિવસનો દુકાળ’ વાર્તામાં પોતાના ગુરુ દ્વારા હજાર દિવસના દુકાળની આગાહી સાંભળી અગમબુદ્ધિ અને પરમ દાનવીર એવા જગડુશાએ જનતાના નામે ભંડાર ભરવા પોતાનું અઢળક દ્રવ્ય વાપર્યું. ૪ અબજ મણ અનાજ અને સાડા ચાર કરોડ રૂપિયા વાપરી જગડુશાહે દેશને દુકાળમાંથી તાર્યો. આ સુપ્રસિદ્ધ દાનવીર વેપારીને વાર્તામાં લેખકની ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ છે.

‘બોલતા ઇમારતી ઝરૂખા’માં ઇમારતી ઝરૂખાને બોલતા બતાવી એમના મુખે ભારતનો ઇતિહાસ જયભિખ્ખુએ વર્ણવ્યો છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં હિંદુ-મુસ્લિમ ઐક્ય અનેરું હતું. અંગ્રેજોની તરકટી ચાલને કારણે આ ઐક્ય તૂટ્યું, ભારત ગુલામીની જંજીરમાં જકડાયો, અનેક શહીદોએ પોતાના લીલુડાં માથાં વધેરી દેશને સ્વતંત્ર બનાવ્યો. ઇતિહાસની આ બધી ઘટનાઓ આછા લસરકાથી વાર્તાતત્ત્વરૂપે વણીને જયભિખ્ખુએ નિરૂપી છે.

મિથિલાના મહારાજ જનકવિદેહની કુળપરંપરાના રાજવી ધર્મધ્વજની જીવનમુક્તતાની કસોટી કરવા એક સંન્યાસિની મેદાને પડી. એણે પૂર્ણિમાની રાતના ચાર પહોરનું એકાંત રાજા સાથે માણવા માગ્યું. દૂધ અને પાણીને જુદા પાડનાર માનસ સરોવરની આ હંસીની આકરી પરીક્ષા દરમિયાન કામ અને મોક્ષ વચ્ચે અટવાતા રાજવીનું અને છેવટે બંનેના પોતાના ઉચ્ચતા બાબતના ગર્વ ગળી ગયાનું સુરેખ નિરૂપણ ‘જીવનમુક્તની રાત’ વાર્તામાં થયું છે. માનવીમાંની સદ્-અસદ્ નિ વૃત્તિઓનું, એની કેળવણીનું, એ વૃત્તિઓના માનવ-જીવન ઉપર પડતાં પ્રભાવનું જયભિખ્ખુએ વાર્તામાં સરસ આલેખન કર્યું છે.

‘સો સાપ-એક મુસદ્દી’ની બે વાર્તાઓમાં પૂંજો, પાતાળ અને ભગવાન શ્રીકૃષ્ણના મુસદ્દી તરીકેના એકબીજાથી વિપરીત એવાં રૂપો આલેખાયાં છે. મુસદ્દીપણાને કારણે પ્રપંચ બંને ખેલે છે પણ પૂંજા પાતાળની દૃષ્ટિ સ્વાર્થ ઉપર છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની દૃષ્ટિ લોકકલ્યાણ પર. પહેલો પોતાની અતુલ શક્તિનો ઉપયોગ દેશને અધ:પાત તરફ લઈ જવામાં કરે છે, જ્યારે બીજો અધઃપાતમાંથી દેશને ઉગારે છે. સો સાપને ઘરમાં છૂટા મૂકવા સારા, પણ એક મુસદ્દીને જીવતો રાખવો ભૂંડો એ ધ્વનિને પ્રગટ કરતી આ વાર્તાઓ મનઝરૂખાના બે વરવાં-ગરવાં ચિત્રોને એક સાથે ઉપસાવી મનઝરૂખાની તરતમતા બતાવે છે.

પાપભૂમિમાં પુણ્યનાં વાવેતર કરવાના સદુદ્દેશથી પ્રેરાયેલા શ્રી શાંતિપ્રસાદ મહારાજની માનવરૂપી મંદિરમાં પોઢેલા દેવને જગાડવાની પ્રેરણા આપતી ‘સૂકો રોટલો’ વાર્તા ઉપદેશાત્મક વધુ છે, તો મેવાડમાં જન્મેલા અને જ્ઞાનગરવી ગુજરાતને કર્મભૂમિ બનાવી રહેલા ૭૬ વર્ષના મુનિ જિનવિજયજીની પુસ્તકોમાં વસેલા જ્ઞાનખજાનાને બચાવી લેવાની, સાચવી લેવાની ઝંખના વ્યક્ત કરતી ‘તમન્ના’ વાર્તામાં મુનિનું જ્ઞાન અને સાહિત્યપ્રિય વ્યક્તિત્વ ઠીક ઊપસ્યું છે.

સંગ્રહની અંતિમ વાર્તા છે ‘મગરૂબી’ દેશનાં દુઃખો દૂર કરવા પોતાનાં દુઃખોને ઓગાળી પીનાર, પુત્રને ગળથૂથીમાં જ દેશના ભૂતકાલીન પ્રતાપનું અને વર્તમાન અધઃપાતનું પાન કરાવનાર અભુત નારીરત્ન જિજાબાઈનું વ્યક્તિચિત્ર વાર્તામાં કલાત્મક ઢબે ઊપસ્યું છે. શિવાજીની માતા જિજાબાઈની અંગત દુઃખોથી ભરી જિંદગી વાર્તામાં જિજાબાઈને ‘દયામણી’રૂપે નથી ઉપસાવતી. દુઃખોને ઓગાળી પીનાર એક મગરૂબીભરી નારીનું ઔદાર્યયુક્ત રૂપ વાર્તામાંથી ઊપસે છે.

માણસને બનાવનાર અને બગાડનાર એવા મનની કેળવણીને કલારૂપ, વાર્તારૂપ બક્ષીને નિરૂપનાર જયભિખ્ખુએ ‘મનઝરૂખા’માં જે વાર્તાઓ આપી છે એમાંથી માનવજીવનના મનઝરૂખાનાં વૈવિધ્યવંતા નકશીદાર રૂપસ્વરૂપો પ્રગટ થાય છે. કેટલીક વાર્તાઓમાં કલાત્મકતાને ભોગે ઉપદેશે પ્રાધાન્ય મેળવ્યું પણ છે. આમ છતાં જીવનધર્મી વાર્તાકારનું આ સર્જન માનવજીવનઘડતરમાં સહાયરૂપ અવશ્ય થાય છે.

'પગનું ઝાંઝર' :

સંસારના બે અપ્રતિમ બળો કામ અને યોગ - જે વ્યક્તિને માટે ક્યારેક પગનું ઝાંઝક તો ક્યારેક પગની જંજીર બને છે એ બળોની તાકાતનો પરિચય કરાવતી, એ બળોને કેળવણી આપવાનું કાર્ય કરતી ‘પગનું ઝાંઝર’ વાર્તાસંગ્રહની અઢાર વાર્તાઓ વાર્તાકાર જયભિખ્ખુની એક ચોક્કસ વિચારસરણીને લઈને આવે છે. વાર્તાકાર માને છે કે ઝાંઝરને જંજીર કે જંજીરને ઝાંઝર બનાવવાનું કામ મન કરે છે એથી એની કેળવણીમાં જ વ્યક્તિની સાચી મહત્તા છુપાયેલી છે. આ સંગ્રહમાં લેખક માનવમનના આ બંને પાસાને અભિવ્યક્તિ કરતી વાર્તાઓ આપે છે.

સંગ્રહની પ્રથમ વાર્તા ‘મહાત્મા’માં કામની શક્તિ અને યોગની તાકાતનું દ્વંદ્વ્ બતાવ્યું છે. વાર્તામાં પગની જંજીર જેવો કામ ઋષિપત્ની રુચિને પશ્ચાત્તાપની આગમાં પ્રજાળી પગનું ઝાંઝર બને છે તો મહાત્માપદ પ્રાપ્ત કરેલ યોગીના મનનો દર્પ પગની જંજીર બને છે તો મહાત્માપદ પ્રાપ્ત કરેલ યોગીને કામી કરતાં પણ ઊતરતો ઠરાવે છે. પૌરાણિક કથાસંદર્ભવાળી આ વાર્તામાં ઋષિપત્નિ રુચિનું કામીપણું, ઋષિ દેવશર્માને સતત પજવતી પત્નીના શીલની ચિંતા, શિષ્ય વિપુલની ગુરુપત્નીને બચાવવા ઇન્દ્ર સાથેની અને એ દ્વારા કામ સાથેની લડત, ગુરુ દ્વારા ‘મહાત્મા’ પદની નવાજેશ પછી આવતું અભિમાન, ઋષિપત્ની રુચિનો પશ્ચાત્તાપ વગેરે અંશો ટૂંકાણમાં છતાં સુંદર ઊપસ્યાં છે.

એક સ્ત્રીના પગના ઝાંઝરને કેન્દ્રમાં રાખી લખાયેલી સંગ્રહની શીર્ષકનામી વાર્તા ‘પગનું ઝાંઝર’માં વાર્તાકારે એક એવી સ્ત્રીના મનોભાવોનું ચિત્રણ કર્યું છે જે ગૃહસ્થ હોવા છતાં મનની વેશ્યા છે. પગનાં ઝાંઝર દ્વારા યોગીને ભોગી બનાવવા ઇચ્છતી વાર્તાની નાયિકા મદનમોહના જ્યારે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ નીવડે છે ત્યારે સ્ત્રીચરિત્રથી યોગી ઉપર ચોરીનો આરોપ મૂકી એને સમાજના ધુત્કારનું કેન્દ્ર બનાવે છે. મનનો નિર્લેપ યોગી આ પરિસ્થિતિમાં પણ જળકમળવત્ રહી પોતાનું ઉદાત્ત યોગીપણું બતાવે છે, ત્યારે નિષ્ફળ મદનમોહના પશ્ચાત્તાપ અને દુઃખની આગમાં પ્રજળે છે. આમ અહીં સ્ત્રીનું ઝાંઝર જે યોગીને જંજીર પહેરાવવાનું નિમિત્ત બને છે તે ખરા અર્થમાં યોગીને માટે તો મુક્તિનું ઝાંઝર બની રહે છે અને સ્ત્રી માટે પશ્ચાત્તાપની જંજીર.

સુરાષ્ટ્રની સ્થાપના દ્વારા ધર્મસ્થાપનનો સંદેશ આપતી ‘રામદાસ અને ધર્મદાસ’ વાર્તા રાષ્ટ્રસેવક શિવાજી અને રાષ્ટ્રગુરુ રામદાસની રાષ્ટ્રપ્રીતિનું અનુપમ નજરાણું છે. દાનવતાની બહુમતી અને માનવતાની લઘુમતીવાળા સમાજમાં માનવતાની રક્ષા કાજે સર્વ સમર્પણ કરવાની માનવીની ફરજ ગુરુ રામદાસ દ્વારા સુંદર રીતે વર્ણવાઈ છે.

ગાંધીજીનું અવિજયીપણું એમના સત્ય ને અપરિગ્રહના વ્રતોમાં હતું એ દર્શાવતી ‘ભાવિ ભારત સમ્રાટ’ વાર્તા અંગ્રેજ અને ભારતીય સંસ્કૃતિની ભિન્નતાને અને ગાંધીજીના મસ્ત તથા દીનજન તરફ સમભાવભર્યા વ્યક્તિત્વને આકર્ષક રીતે ઉપસાવે છે. સાચી તાકાત શરીરબળ, લક્ષ્મીબળ કે વાણીબળમાં નથી પણ અંતરબળમાં છે એ દર્શાવતી આ વાર્તા ભારતના ભાવિ સમ્રાટનું જે ચિત્ર ઉપસાવે છે તે અનોખું છે.

‘તીન મૂર્તિ’ વાર્તામાં એક અસુર સ્ત્રીની વાત છે જે પોતાના જીવન દ્વારા જણાવે છે કે સ્ત્રી ફક્ત ત્રણ અવસ્થામાં સ્ત્રી હોય છે - એક માતાના રૂપમાં, બીજી પત્નીના ભાવમાં ને ત્રીજી માયારૂપેણ. બાકી સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી.

ઉકરડા જેવા માનવીઓ દુનિયાને પણ ઉકરડો જ માનતા હોય છે. સ્વાર્થના ચશ્મા ચડાવી દુનિયાને નિરખનારાને ક્યાંય ગુલાબની સુગંધ આસ્વાદવા મળતી નથી. એવા માનવીઓને જ્યારે દુનિયાના ઉકરડામાં ગુલાબની સુગંધ માણવા મળે ત્યારે એમનું થતું હૃદયપરિવર્તન ‘ગુલાબનો ઉકરડો’ વાર્તાનો વિષય છે. પોતાના મિત્રના પુત્રો પિતાની મિલકતના સંદર્ભે એક નાનકડી વાતમાં ઝઘડીને કોર્ટકચેરીએ ખુવાર ના થઈ જાય એ માટે જાતે ઘસાઈને બે ભાઈઓની પ્રેમથી મીઠાશ, ઐક્ય જાળવી રાખનાર બુઝર્ગ ચતુરદાસ સંસારના ઉકરડાના સાચા ગુલાબ છે.

‘અજી’ એક એવી નારીની કહાણી છે જેનું સ્થાન સમાજની હીનકક્ષાની સ્ત્રીઓમાં મનાતું હતું. અજીજાન લખનઉની એક વેશ્યા હતી જેણે પોતાના દેશના રક્ષણાર્થે ત્યાગ અને સમર્પણની એક એવી મિશાલ ધરી કે જેને નીરખી સહજ રીતે જ આપણાથી બોલી જવાય કે મનની કેળવણી માનવીને કેટલી હદે મહાન બનાવે છે. જે સમયે લોભ અને લાલચે હિંદના મોટા મોટા માણસોને વેશ્યા જેવા બનાવી દીધા હતા ત્યારે અજીજાન જેવી એક વેશ્યા અંગ્રેજ બેડાની નાચનારી બની દેશકાજે જાસૂસીનું કામ કરે છે. પકડાય છે છતાં મોંનું તાળું ખોલતી નથી. ફાંસીને માંચડે ચડી જિંદગીની જાજમ સંકેલી લેતી આ નારીની ઉદાત્ત રાષ્ટ્રભાવના વાર્તામાં ઝાંઝરના ઝણકાર જેવી મનોહર રીતે નિરૂપાઈ છે.

દુનિયામાં ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ એ એવી ચીજ છે જે માણસના દિલમાં રહેલા રામને જગાડી માણસાઈનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ‘ભરોસો’ વાર્તા એક યતિરાજના આવા સ્વાનુભાવને વર્ણવે છે જેમાં માણસખાઉ જાનવર જેવા માનવીને પનારે પડીને પણ તેઓ પ્રાણ તો બચાવી જ શકે છે. પણ સાથે સાથે માણસમાં મૂકેલા ભરોસાનું ઉજમાળું પરિણામ પણ અનુભવી શકે છે.

નરસિંહ જીવનના કેટલાક પ્રસંગોને આછા લસરકાને વર્ણવતી ‘શકટનો ભાર’ વાર્તા જીવનના ભારણ નીચે મિથ્યા અટવાતા માનવીને સાચી ઇશ્વરશ્રદ્ધાનો સંદેશ આપે છે તો પૌરાણિક સંદર્ભયુક્ત ‘બે અડધિયાં’ વાર્તા એક એવા માનવીની વાત કથે છે જેણે પોતાનામાંના નર અને નારીરૂપને ઉપયોગ કરી માણસ અને ભગવાન, નર અને નારાયણ જેને મારવા સમર્થ ન બન્યાં એવા ભીષ્મને હણીને સંસારમાં ધર્મની સ્થાપનાનો, સત્યની પ્રતિષ્ઠાનો માર્ગ ખુલ્લો કર્યો. અહિચ્છત્રા નગરીના રાજા દ્રુપદને પુત્ર શિખંડી જેનું લગ્ન થયું ત્યારે નારીરૂપ હતો - પત્નીના અપમાનજનક મહેણાંથી કંટાળી તપ કરી યક્ષ પાસેથી તેણે પુરુષત્વનું વરદાન મેળવ્યું. એનામાં રહેલા નર અને નારી અંશોનો ઉપયોગ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મના સંહાર વખતે કરવામાં આવ્યો. પૌરાણિક કથાનકમાં અર્વાચીનતાનું તત્ત્વ ઉમેરીને લખાયેલી આ વાર્તામાં પુરુષ અને સ્ત્રી જે અડધિયારૂપે અપૂર્ણ છે તેનું અને જેનામાં સ્ત્રીત્વ અને પુરુષત્વનો કલ્યાણાર્થે સમન્વય થયો છે એવા અનોખા મનુષ્યત્વનો મહિમા વર્ણવાયો છે.

‘મુરલી’ એક એવી ગણિકા સતી નારીની કહાણી છે જેણે એક રાજવીની ઉપપત્ની તરીકે રહીને પણ રાજવી તરફ અનોખા અનુરાગનું દર્શન કરાવ્યું. પ્રેમ એ કોઈ વેચાણની ચીજ નથી, પ્રેમનાં હાટ ન મંડાય, એક વાર જેને ચાહ્યો તેના થઈને જ રહેવાના ઓરતા સેવતી આ નારીએ દુન્યવી આકર્ષણોનો મુકાબલો તો મક્કમ મનોબળથી કર્યો જ પણ સાથે સાથે દુનિયાનાં સિતમોની વચ્ચે પણ તે અવિચલ રહી. માધવની મુરલી સમાન પ્રિય આ વાર્તાની નાયિકા મુરલીનું આંતરબાહ્ય સૌંદર્ય વાર્તામાં સોળે કળાએ મુખરિત બન્યું છે.

કલાવંતની કલાની કદર કલાપારખુ સિવાય કોઈ કરી શકતું નથી અને કલાકારને મોટે ભાગે જિંદગીમાં દુઃખના વિષઘૂટડા જ ગળવાના આવે છે, એ વર્ણવતી ‘મુજરો’ વાર્તામાં કચ્છના કલાવંત રાજવી રાવ લખપતની કથા વર્ણવાઈ છે. વિવિધ કલામાં પ્રાવીણ્ય ધરાવતા આ રાજવીની કલા ઉપર મોહિત થઈને દિલ્હીની કેટલીક કલાપારખુ ગાનારીઓ રાજવીના ઇજનથી કચ્છમાં ગઈ અને ત્યાંની થઈને રહી. પણ દિલ્હી લખનઉની આ રૂપવંતી નારીઓએ લખપતના આખા ય અંતઃપુરને ભડકાવી મૂક્યું. રજવાડાંની ખટપટે જ્યારે એના પ્રાણનો ભોગ લીધો ત્યારે એની જલતી ચિતા ઉપર એક પણ રાણીએ સહગમન કરવા તૈયારી ન બતાવી એ સમયે આ કલાપ્રિય આત્મા સ્વર્ગમાં કલાથી વંચિત ન રહે એ માટે દિલ્હી લખનઉની આ નાચનારીઓ એની સાથે ચિતામાં બળી મૂઈ. સાચા સતીપદની અધિકારિણી આ કલાધારિત્રી નારીઓનું સ્મારક આજે પણ કચ્છની ધરતી ઉપર મોજૂદ છે.

એક નાનકડી વિકારની બૂ માનવજીવનમાં કેવાં દુષ્પરિણામોની વાહક બને છે અને એમાં ય તે જેની રક્ષણની જવાબદારી હોય એવા પ્રજાપાલક રાજાની આંખ જ જ્યારે પ્રજાની બહેન-બેટીના શીલના શિકાર આરંભે ત્યારે એવાએથી સ્વધર્મનું રક્ષણ કરવા શીલવંત માનવીએ કેવો મોટો ભોગ આપવો પડે છે એ વર્ણવતી ‘માનુ ધડ’ વાર્તા સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકની જન્મે બ્રાહ્મણ પર સ્વધર્મ ગરાસણી એવી નારીના અનુપમ શૌર્યને વર્ણવે છે. જાનોખા રૂપસૌંદર્યની રાણી ગિરિજા ગરીબ બ્રાહ્મણની પત્ની હતી. પતિના મૃત્યુ બાદ જ્યારે એનું રૂપ રાજના ધણી માટે નશો બની ગયું અને એમાંય જ્યારે ગિરજાના ખુદના પુત્રે રાજા દ્વારા થતા માના રૂપનાં વખાણને ભોળા ભાવે સ્વીકારી લીધા ત્યારે માનું દૂધ પોતાના બલદાન દ્વારા પુત્રને સ્વધર્મની સાચી કેળવણી તો આપે જ છે પણ પરસ્ત્રી તરફ આંખ ઉઠાવનાર રાજાને પણ પદાર્થપાઠ શીખવે છે.

‘એક ગોરી એક શામળી’ ગોરી અને શામળી બહેનોના આંતર- રૂપસૌંદર્ય જેની સાચી કદર દુનિયાએ ન કરી, સાચી ઓળખાણ ન મેળવી અને એને કારણે સર્જાયેલા અનર્થને વર્ણવતી વાર્તા છે.

‘ત્રણ વૃક્ષો’ સંગ્રહની ઉપદેશપ્રધાન વાર્તા છે જેમાં એક રાજવીને સાધુ દ્વારા જીવનનું થતું સત્યદર્શન વર્ણવાયું છે. જે રાજા પોતાના રાજ્યને સૌરભવંતુ બનાવવા ઇચ્છતો હોય એણે શ્રણ, આનંદ અને સચ્ચાઈને પોતાના રાજ્યનાં વૃક્ષો રૂપે વાવવાં જોઈએ અને પોતે રાજા, સેવક અને સાધુ એવા જીવનના ત્રણ ટપ્પામાં મુસાફરી કરવી જોઈએ. મધ્યબિંદુ જેવું રાજકારણ એ છેવટે કેવું દુર્ગંધમય નીવડે છે એ વર્ણવતી આ વાર્તા સદ્જીવનનો બોધ આપે છે.

‘શાપ કે વરદાન’ વાર્તામાં આજના સ્તૈણ થતા જતા યુગ તરફ એક પૌરાણિક વાર્તા દ્વારા ચોટ લગાવવામાં આવી છે. રાજા ભંજદેવે અગ્નિદેવની આરાધના કરીને પુત્રપ્રાપ્તિનું વરદાન મેળવ્યું. અગ્નિની આરાધનાથી ખફા થયેલા ઇન્દ્રના શાપને કારણે એક સરોવરના સ્નાન કરતા રાજાનું નારીરૂપમાં પરિવર્તન થયું, નારીરૂપે એણે પુત્રોને જન્મ આપ્યો. જ્યારે ખફા થયેલો ઇન્દ્ર નર કે નારીરૂપમાંથી એક રૂપમાં થયેલા પુત્રોને બચાવવાનું કહે છે ત્યારે ભંજદેવ સ્ત્રીવેદે થયેલા પુત્રોને બચાવવાનું કહે છે અને કારણમાં જણાવે છે કે એ એના ઉદરમાં આળોટેલા છે એ જ રીતે જ્યારે ઇન્દ્રે પૂછ્યું કે તારે પુરુષ થવું છે કે સ્ત્રી રહેવું છે ત્યારે એણે સ્ત્રી અવસ્થામાં પોતાને સુખ મળતું હોવાથી સ્ત્રી રહેવાનું પસંદ કર્યું. આજનો માનવી કોમળતા, સુખ અને સગવડો તરફ આંધળી દોટ દઈ રહ્યો છે એ તરફ ધ્યાન દોરતી આ વાર્તા પૌરાણિક રૂપમાં આધુનિક ભાવનાને કથે છે.

‘દાન આશા ને અપેક્ષા સાથે થાય છે. દાન લેનાર એ સાપ પકડનાર ગારુડી જેવો છે. જો એની પાસે મંત્રસિદ્ધિ વિદ્યા ને ધર્મસિદ્ધ જીવન ન હોય તો વિષધરની કાતિલ દાઢની જેમ એ દાન એને પણ દંશ દે છે.’ (પૃ. ૧૭૩-૧૭૪). દાનધર્મના લેખકસર્જ્યા આવા માપદંડને પ્રગટ કરતી ‘દાનધર્મ’ વાર્તામાં એક કુષ્ઠરોગી રાજવી દ્વારા એની ભારોભાર સુવર્ણરૂપે અપાતું ધન જે બ્રાહ્મણ દાન તરીકે ગ્રહણ કરે એને એ ધન સાથે રોગ પણ પ્રાપ્ત થાય. આ કારણે એ સુવર્ણાદાનને ગ્રહણ કરવા મથુરાનો કોઈ બ્રાહ્મણ તૈયાર નથી થતો ત્યારે કાનજી ભટ્ટ દાન ગ્રહણ કરી રાજાના કુષ્ઠ રોગને પણ સ્વીકારે છે એટલું જ નહીં, પણ પોતાના શુદ્ધ બ્રાહ્મણત્વ દ્વારા ગાયત્રી મંત્ર જપીને જમુનાને સુવર્ણદાન કરીને રોગમુક્ત પણ થાય છે. દાન લેનાર અને દેનારનો મહિમા વર્ણવતી આ વાર્તામાં કાનજી ભટ્ટનું પાત્ર સુંદર ઊપસ્યું છે.

નેતાઓના હસતા ચહેરાની ભીતરમાં કાળજાં કોરનારી કેવી ક્રૂર એકલતા પડેલી હોય છે એ વર્ણવતી ‘નેતા રામ’ વાર્તા નેતાના એક અનોખા આદર્શને રામના નેતાસ્વરૂપના આલેખન દ્વારા મૂર્તિમંત કરે છે. પ્રજાઘડતરની બલિવેદી પર જેણે પોતાની નિષ્કલંક પ્રાણપ્યારી પત્ની અને પોતાના દ્વિતીય પ્રાણ સમા ભાઈ લક્ષ્મણને ત્યજીને જે વેદના વેઠી એ રામ નેતૃત્વનો એક અનોખો આદર્શ આજના ભારતના નેતાઓને પૂરો પાડે છે.

‘પગનું ઝાંઝર’ સંગ્રહની વાર્તાઓમાંની કેટલીક જંજીરને ઝાંઝર બનાવવાની વ્યક્તિની ક્ષમતાને વર્ણવે છે, તો કેટલીકમાં ઝાંઝર જંજીર બનીને માનવમાંના દાનવત્વને કેવું વિરૂપ રૂપ આપે છે તે નિરૂપાયું છે. ‘વેર અને પ્રીત’ :

વેર અને પ્રીતના આ સંસારમાં સબળનાં વેર અને પ્રીત ઉદ્ધારક છે. નિર્બળનાં વેર અને પ્રીત બંને નીચે પાડે છે. માનવતાને હણે છે રામ સાથે રાવણે દ્વેષ કર્યો તો રામમય બની ગયો, ને મુક્તિને વર્યો. વેર અને પ્રીત તો જાગૃતિનાં ચિહ્નો છે. જેને વેર હોતું નથી અને પ્રીત બંધાતી નથી. એવી વ્યક્તિ કાં તો નિર્વીર્ય હોય છે, કાં પરકોટિનો સંત ! સંસારરથનાં વેર અને પ્રીત એ તો પૈડાં છે જેના દ્વારા વ્હાલાની નિકટ જવાનું છે અને વહાલાની નજીક જઈને આ બંનેને ત્યજી દેવાના છે. વાર્તાકાર જયભિખ્ખુનો છેલ્લો વાર્તાસંગ્રહ ‘વેર અને પ્રીત’ લેખકની આ ભાવનાને જુદી જુદી વાર્તાઓમાં અભિવ્યક્ત કરે છે.

એકવીસ વાર્તાઓના આ સંગ્રહમાંની ‘બે અડધિયાં’ ‘લાજ અને લગામ’ ‘પ્રીતનું બજાર’ ‘કલમ અને કટારી’ વાર્તાઓ અગાઉના સંગ્રહોમાં આવી ગઈ છે. સંગ્રહની પહેલી જ વાર્તા ‘વેર અને પ્રીત’માં એક અનોખી પ્રીત અને એનું વેરમાં થયેલું પરિણમન નિરૂપાયું છે. પ્રીત જેટલી તીવ્ર છે, વેર પણ એવું જ તીક્ષ્મ છે. કાશીરાજની રાણી સોનલની દેવચકલી સાથેની પ્રીત, રાજકુંવરનું દેવચકલીનાં નાનકડાં બચ્ચાંને ભુંજીને ખાઈ જવું, દેવચકલીની પ્રીતિનું વેરમાં થતું પરિણમન, રાજકુમારની આંખ ફોડી નાંખવી વગેરે ઘટનાઓ નિરૂપતી આ વાર્તામાં અન્યોન્યના અપરાધમાંથી જાગેલું વેર પરસ્પર પ્રીતને ભસ્મીભૂત કરીને સુખી સંસારને કેવો નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે તે સરસ રીતે નિરૂપાયું છે.

‘જે વિદ્યા મુક્તિ માટે નથી, જે શિક્ષા ત્યાગ ને પરમાર્થ માટે નથી, જે ભણતરથી માનવતા ઉજજવળ થતી નથી, એ વિદ્યા વિદ્યા નથી.’(પૃ. ૧૩). ગુરુદીધા આ ઉપદેશને જીવનમાં સાર્થ કરવા મથતા ગુણચંદ્રની પોતાના મિત્ર શુભચંદ્રના શુભ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી ત્યાગીમાંથી પ્રાપ્ત થતાં એક અવર્ણનીય આનંદની પ્રાપ્તિની કથા એ ‘જિંદગી’ વાર્તાનો વિષય છે. વાર્તામાં ગુણચંદ્રનું પાત્ર તો ઉદાત્ત છે જ પણ એની એ ઉદાત્તતાને નિરૂપવા વાર્તાકારે શુભચંદ્રના વાર્તાનો વિષય છે. વાર્તામાં ગુણચંદ્રનું પાત્ર તો ઉદાત્ત છે જ પણ એની એ ઉદાત્તતાને નિરૂપવા વાર્તાકારે શુભચંદ્રના પાત્રને હીણું ચીતર્યું નથી. પરસ્પર સુખી કરવા મથતા બંને મિત્રોની એકબીજા તરફની શુભ ભાવના વાર્તાકારે સરસ ઉપસાવી છે. ‘બીજાના આનંદમાં જેનું મન કોળે એ માનવ’ (પૃ. ૨૦) – લેખકની આ ભાવના વાર્તાનું વસ્તુ સુપેરે ઉપસાવી આપે છે.

‘મન વૃંદાવન તન વૃંદાવન’ વાર્તા નારાયણ નામના એક સંતની નરમાં બેઠેલા નારાયણને જગાડવાની મથામણનું નિરૂપણ કરે છે. માનવી પોતાના તન અને મન બંનેને વૃંદાવન બનાવે તો વહાલો વણનોતર્યો ત્યાં આવીને વસી જાય. પ્રેમનું બળ કડીમાં માતંગની શક્તિ પૂરનાર બને છે, જ્યારે પ્રેમવિહોણો માતંગ એક કીડીને કચડી શકે છે, વશ કરી શકતો નથી એ સંદેશ આપતી વાર્તા પ્રેમના, ભક્તિના મહાત્મ્યને વર્ણવે છે.

ઝાકળને મોતી બનાવનાર, માટીમાંથી માણસાઈ પ્રગટાવનાર, જેસલ જેવા બહારવટિયાને પોતાની અનોખી ભક્તિથી શિષ્ય બનાવનાર તોરી રાણીનો જીવનપ્રસંગ નિરૂપતી ‘ઝાકળ બન્યું મોતી’ વાર્તામાં તોરી રાણીને અતિથિધર્મને જાળવવા સધિરશાહ જેવા વાણિયા સમક્ષ કેવી મોટી કિંમત ચૂકવવા તૈયાર બનાવી, તોરી રાણીના આ ઉમદા અર્પણભાવે રૂપભૂખ્યા વાણિયામાં ભક્તિનું નિર્મળ ઝરણું કઈ રીતે પ્રગટાવ્યું તે નિરૂપાયું છે. નારીના શીલમાં રહેલી અનોખી તાકાતનો પરિચય તોરી રાણીના પાત્રમાં લેખકે કરાવ્યો છે.

એક વિશિષ્ટ પ્રકારનાં વેર અને પ્રીતને વર્ણવતી ‘દોસ્તીના દાવમાં’ વાર્તા ઇતિહાસમાં બનેલી ઘટનાને શબ્દરૂપ આપે છે. ગુજરાતના મૂળરાજ સામે યુદ્ધે ચડેલા પોતાના બાલમિત્ર ગ્રહરિપુને મદદે જવા તૈયાર થયેલા કચ્છના લાખા ફુલાણીને પોતાની રાણી, પ્રધાન, પુરોહિત જ્યોતિષ સર્વ રોકે છે. ગ્રહરિપુના અન્યાય અને આતંકની યાદ દેવડાવી એવાનો સાથ ન દેવા વીનવે છે પણ બાળપણની પ્રીતની યાદમાં કટોકટીની ક્ષણે દોસ્તનાં દૂષણો શોધવાને બદલે દોસ્તીના દાવમાં તે પોતાની જાન કુરબાન કરી દે છે. દોસ્તી કર્યા પછી મિત્રની સારપ-ખોટપને ત્રાજવે તોળવાને બદલે મિત્ર માટે વખત આવ્યે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવામાં જ સાચી મૈત્રીનું સાર્થક્ય છે એ વાતનો મુખ્ય ધ્વનિ છે.

ગીરના ઝરખ તરીકે પંકાયેલ બહારવટિયા અબ્દુલ્લાને એક કેસરિયા સાવજ જેવા અમલદાર છેલભાઈ અનોખા પ્રેમવારિથી કઈ રીતે માણસ બનાવે છે તે નિરૂપતી ‘કાલે તલવાર, આજે ઢાલ’ વાર્તામાં પલટાતા માનવ મનનું નિરૂપણ થયું છે. જ્યારે ‘દૂધડાં હલાલ’ વાર્તાનો વિષય ન અનોખો છે. પોતાની આજુબાજુવાળાઓને દૂધનું દહીં, દહીંનું માખણ કે માખણનું ઘી ના કરી એ દ્વારા ગરીબનું ભાણું લૂંટી શ્રીમંતનું ભાણું ન ભરવાની પ્રેરણા આપનાર વાંકાનેરના જડેશ્વર મહાદેવના ખાખી જોગંદરની વાત આ વાર્તામાં આલેખાઈ છે. ‘ઘી શ્રીમંતાઈ છે, દૂધ ગરીબોની અમૃતાઈ છે’ નો નવો વિચાર આપતી આ વાર્તામાં દૂધડાં હલાલ કરવા ખાખી જોગંદર વખત આવ્યે પોતાનું કેવું પ્રાણાર્પણ કરે છે તે ઠીક નિરૂપાયું છે.

વેરના વલોણે પ્રજાઓનું કેવું સત્યાનાશ વળે છે એ વર્ણવતી ‘વલોણું’ વાર્તા સોળમી સદીમાં શિહોરમાં બ્રાહ્મણોના આંતરકુસંપે એમને કેવા ખેદાનમેદાન કર્યા એનું નિરૂપણ કરે છે. જાની અને રણા બ્રાહ્મણો એક નાની બાબતમાં એવું લડ્યા કે એ લડાઈમાં મરેલા બ્રાહ્મણોની જનોઈ ભેગી કરી એનું વજન કરતાં સવા મણ થયું હતું. અંગ્રેજ સત્તા સામે હિંમતપૂર્વક બાકરી બાંધી સયાજીરાવ ગાયકવાડનું કારભારી પદ ઉજ્વળ રીતે સંભાળનાર વેણીશંકર રાવળના મુત્સદ્દીપણાને નિરૂપતી ‘હિંમતે બહાદુર’ વાર્તામાં દેશી રજવાડાની ખટપટ અને અંગ્રેજોનું સ્વાર્થી મનોવલણ વાર્તાકારે ઉપસાવ્યા છે.

‘સુદેવી’ વાર્તા એક નારીના સંસારનજરે કલંકિત પણ અંતરના સાચા ઉમદાપણાને ઉપસાવે છે. તકદીરને સામે સતત લડનાર વિધવા સુદેવી પોતાને ખાતર દુનિયામાં બદનામ થનાર વિધુર હંસરાજ શેઠને સાચો પ્રેમ તો કરે જ છે, પણ એમના પુત્રો જ્યારે મિલકત માટે અંદરોઅંદર ઝઘડી ખેદાનમેદાન થવા જતા હતા ત્યારે પોતાની બધી મિલકત એમને માટે વાપરીને પ્રેમનું ઋણ ચૂકવે છે. ‘સ્ત્રી નાછૂટકે ખરાબ થાય છે’ એ ધ્વનિને શબ્દરૂપ વાર્તામાં મળ્યું છે.

વેર માણસને દાનવ બનાવે છે. માણસમાં રહેલી અભૂતપૂર્વ દાનવતાનું દર્શન કરાવતી ‘વેર, વેર ને વેર’ વાર્તામાં સાઠ લાખ યહૂદીઓનું નિકંદન કાઢનાર જર્મન ઇચમેર પોતે કેવી ખરાબ રીતે મરે છે એ નિરૂપાયું છે. યુદ્ધ વગર ગેસ ચેમ્બરમાં ભરીને એણે યહૂદીઓનું સત્યાનાશ વાળ્યું. પ્રતિબોધનું ચકકર પોતાનાને અને પોતાને પણ કેવું ઝડપી લે છે એ વાર્તામાંથી સરસ ઉપસ્યું છે. ભગવાન વિષ્ણુના બુદ્ધાવતારના મહાકાર્યને વર્ણવતી ‘બુદ્ધાવતાર’ વાર્તામાં બુદ્ધાવતાર પછી પૃથ્વી પ્રેમ અને કરુણાથી સ્વર્ગને શરમાવે એવી સુંદર કઈ રીતે બની ગઈ તે નિરૂપાયું છે.

ગૌસ્વામી તુલસીદાસજી સમક્ષ કિરપાણ મૂકી, સર્પકુળ જેવા રાજકુળોની કૂડકપટ ભરેલી જીવનરીતિ ત્યજીને અકબરના સંરક્ષક શિક્ષક બહેરામખાંનો પુત્ર મિરજાખાન કવિરાજાના દરબારનો સભ્ય થવા આવી પહોંચે છે, એને નિરૂપતી ‘કલમ અને કટારી’ વાર્તા કટારી કરતાં કલમની ઉદાત્તતાને વર્ણવે છે. ‘તલવાર પર ભરોસો રાખનારાનાં તકદીર હંમેશાં ખરાબ જ હોય છે. જેના નામ પર જગત આખું થડકારો અનુભવતું એના પર કોઈ ગમનાં બે આંસુ પણ સારતું નથી.’ (પૃ. ૧૩૨)

સૌરાષ્ટ્રના ઉત્તર છેડે છેક કચ્છના રણ નજીક આવેલું ખાખરેચી ગામ જે માલિયા-મિયાણા સ્ટેટનું પ્રાભવવંત ગામ હતું એના ઠાકોર રાયસિંહજી ના પ્રજા ઉપર કરાતા અત્યાચાર સામે અહિંસક યુદ્ધે ચઢેલા મગનલાલ પાનાચંદ વોરાનું વ્યક્તિચિત્ર નિરૂપતી ‘કર્મયોગી’ વાર્તામાં મગનલાલનું વ્યક્તિચિત્ર સુપેરે ઊપસ્યું છે. જ્યારે અમર શહીદ ખુદીરામ બોઝના જીવનચરિત્રને આછી શબ્દરેખાઓથી ઉપસાવતી ‘જમના જમાઈ’ વાર્તામાં જમની સામે છેતરામણી ઊભી કરીને જનેતાએ કઈ રીતે બાળકને બચાવ્યો, મા-બાપની છાયા ગુમાવી બહેનની વહાલપ અને બનેવીની ઉપેક્ષા વચ્ચે કઈ રીતે ઉછર્યો, મમતામૂર્તિ ગુરુ સત્યેન બોઝના હાથે કઈ રીતે ઘડાયો તેનું નિરૂપણ કરે છે.

માણસ તેજઅંધારાનો લિસોટો છે. તેજે ભરેલું વ્યક્તિત્વ ક્યારેક અંધકારની કાજળકાળી રેખાથી પણ અંકાય છે, એનું નિરૂપણ કરતી ‘ગંગી’ વાર્તામાં સંસારસાગરમાં ખીલેલી એક તુચ્છાતિતુચ્છ ફૂલ જેને સૌ ગગીના નામે જાણતા હતા એણે એક શ્રીમંત કુટુંબની સેવા ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરી. અતૂટ વિશ્વાસ મેળવ્યો પણ કમભાગ્યની કોઈ ક્ષણે એ જ ઘરમાં ચોરી કરી. પણ પોતાનું આ કાર્ય એને પોતાને જ એવું ડંખી ગયું કે છેવટે આત્મહત્યા જ એનું પ્રાયશ્ચિત બની રહ્યું. વાર્તામાં અંતભાગે ગગી પાસે જે ચોરીનું કામ કરાવ્યું છે તે વાર્તામાંથી ઊઠતા એના વ્યક્તિત્વ સાથે બહુ સુસંગત બનતું નથી.

કચ્છની સૂકી છતાં શૂરાતનભરી ભૂમિના એક અદના કલાકાર ઢોલી ફાગણની અનુપમ ઢોલીસર તરીકેની ખ્યાતિ, એના અસાઢા ઢોલના તાલ ઉપર પાગલ બનતી નારીઓ, એને કારણે ખાનદાન સ્ત્રીઓને કુછંદે ચઢાવ્યાનો એની ઉપર મુકાતો આરોપ, એ આરોપને પગલે પગલે અક્ષયતૃતીયાની રાત્રિએ ડોળના તાલે રમણે ચઢેલી રમણીઓની વચ્ચે આહીરો દ્વારા થતી એની હત્યા, આ હત્યાએ આહિરાણીઓના હૃદયમાં જગાવેલો પ્રણયપ્રકોપ, વજ્રવનિતાઓની જેમ એમણે કરેલું અગ્નિસ્નાન વગેરેને નિરૂપતી ‘ફાગણ અને અષાઢો’ વાર્તામાં ફાગણની કલાપ્રીતિનું હૃદ્ય આલેખન થયું છે.

ગુજરાત જ્યારે દુષ્કાળની ચુંગાલમાં ફસાયું હતું અને ગુજરાતના શાહ સુલતાન મહમૂદ બેગડાએ પ્રજાના પોષણની પોતાની જવાબદારી બજાવવાની અશક્તિ જાહેર કરી, એ જવાબદારી મહાજનને માથે નાખી ત્યારે હડાલા નામના ગામડાના એક સામાન્ય દેખાતા વાણિયાએ આખા ગુજરાત રાજ્યના લોકોને બાર મહિનાનું અનાજ પૂરું પાડવાની જવાબદારી સ્વીકારી, ગુજરાતને દુષ્કાળમાંથી તારનાર શાહ વાણિયાની સાદાઈ, નમ્રતા અને છતાં ધર્મના કાર્ય લક્ષ્મીને વાપરવાની તમન્ના નિરૂપણ વાર્તામાં સરસ રીતે થયું છે.

જયભિખ્ખુના આ પછીના સંગ્રહો સંપાદનો છે જેમાં જયભિખ્ખુના વિવિધ સંગ્રહોમાંથી પસંદ કરાયેલી વાર્તાઓનું કોઈએ ને કોઈએ સંપાદન કરેલું છે.

નવલકથાની જેમ નવલિકાક્ષેત્રે પણ વિપુલ અને વૈવિધ્યવંતુ સર્જન કરનાર જયભિખ્ખુ પાસે કુલ ૨૯ વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. આ વાર્તાસંગ્રહોમાં ‘જયભિખ્ખુની વાર્તાસૌરભ : ભા. ૧, ૨’ એ જયભિખ્ખુની કેટલીક ચૂંટેલી વાર્તાઓનું શ્રી ધીરુભાઈ ઠાકર દ્વારા થયેલું સંપાદન છે. એમના પુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ પણ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા ‘આંખ નાની આંસુ મોટું’ (ઈ. સ. ૧૯૭૨) અને અરિહંત પ્રકાશન દ્વારા ‘જયભિખ્ખુની ધર્મકથાઓ’ ભા. ૧, ૨ (ઈ. સ. ૧૯૮૫) મથાળે જયભિખ્ખુની કેટલીક વાર્તાઓનું સંપાદન કર્યું છે. વળી જયભિખ્ખુના ષષ્ટિપૂર્તિ વિશેષાંકમાં જેમને વાર્તાસંગ્રહનું લેબલ લગાવાયું છે એવી કેટલીક કૃતિઓ જેવી કે ‘કામનું ઔષધ કામ’, ‘મનવા ભાણની ટેકરી’, ‘લીલો સાંઠો’ હકીકતે વાર્તાસંગ્રહ નથી પણ જે તે નામની એક એક વાર્તાની પુસ્તિકાઓ છે અને એમાંની વાર્તાઓ બાકીના સંગ્રહોમાં પુનર્મુદ્રિત થઈ ચૂકી છે. આમ સંપાદિત વાર્તાસંગ્રહો અને એક એક વાર્તાવાળી પુસ્તિકાઓને ગણનામાંથી બાદ કરીએ તો જયભિખ્ખુ પાસેથી કુલ ૨૧ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંની કુલ ૩૬૫ વાર્તાઓમાંથી ૧૮ વાર્તાઓ નામફેરે અથવા એના એજ નામે પુનરાવર્તન પામી છે.

અનુક્રમ વાર્તાસંગ્રહનું
નામ
પ્રકાશન
વર્ષ
કુલ વાર્તા પુનરાવર્તિત
વાર્તા
૧. ઉપવન ૧૯૪૪ ૨૪ -
૨. પારકા ઘરની લક્ષ્મી ૧૯૪૬ ૧૬ -
૩. વીરધર્મની વાતો ભા.૧ ૧૯૪૭ ૧૭ -
૪. વીરધર્મની વાતો ભા.૨ ૧૯૪૯ -
૫. વીરધર્મની વાતો ભા.૩ ૧૯૫૧ -
૬. વીરધર્મની વાતો ભા.૪ ૧૯૫૩ -
૭. માદરે વતન ૧૯૫૦ ૧૭
૮. કંચન અને કામિની ૧૯૫૦ ૧૨ -
૯. યાદવાસ્થળી ૧૯૫૨ ૧૪ -
૧૦. લાખેણી વાતો ૧૯૫૪ ૨૧
૧૧. ગુલાબ અને કંટક - ૩૧ -
૧૨. અંગના ૧૯૫૬ ૧૯
૧૩. સતની બાંધી પૃથ્વી ૧૯૫૭ ૧૬
૧૪. કર લે સિંગાર ૧૯૫૯ ૧૪ -
૧૫. શૂલી પર સેજ હમારી ૧૯૬૧ ૨૦ -
૧૬. કાજલ અને અરીસો ૧૯૬૨ ૧૮
૧૭. માટીનું અત્તર ૧૯૬૩ ૨૩ -
૧૮. કન્યાદાન ૧૯૬૪ ૧૮
૧૯. મનઝરૂખો ૧૯૬૫ ૨૧ -
૨૦. પગનું ઝાંઝર ૧૯૬૭ ૧૮
ર૧. વેર અને પ્રીત ૧૯૬૯ ૨૧
૩૬૫ ૧૮

આ ઉપરાંત એકના એક વસ્તુમાંથી રૂપફેરે વાર્તા કે નવલકથા બનાવી હોય એવું પણ જયભિખ્ખુના સર્જનમાં કેટલેક ઠેકાણે થયું છે ખરું. જેમકે નવલકથામાંના જ કથાવસ્તુને ઉપયોગમાં લઈને વાર્તાકાર જયભિખ્ખુએ નકશીદાર વાર્તાસર્જન પણ કર્યું છે, ઉદાહરણ તરીકે -

વાર્તાસંગ્રહ વાર્તાનું નામ કઈ નવલકથામાંથી
વસ્તુ મળ્યું ?
ઉપવન અમરકોલ પ્રેમાવતાર
ઉપવન રાજાધિરાજ નરકેસરી
વીરધર્મની વાતો પિતૃહત્યાનું પુણ્ય કામવિજેતા
વીરધર્મની વાતો અમર દામ્પત્ય પ્રેમાવતાર
વીરધર્મની વાતો ભા.૪ તિતિક્ષા શત્રુ કે અજાતશત્રુ
વીરધર્મની વાતો ભા.૪ તેજોલેશ્યા શત્રુ કે અજાતશત્રુ
વીરધર્મની વાતો ભા.૩ વીરની ક્ષમા મત્સ્યગલાગલ
વીરધર્મની વાતો ભા.૩ સહુ ચોરના ભાઈ મસ્યગલાગલ
વીરધર્મની વાતો ભા.૩ આત્મહત્યા શત્રુ કે અજાતશત્રુ
અંગના મીઠી મહિયારણ બૂરો દેવળ
અંગના અનારાંદેવી બૂરો દેવળ
અંગના ફૂલાંદેનો ચૂડો બૂરો દેવળ
વીરધર્મની વાતો ભા.૪ સિંહપુરુષ લોખંડીખાખનાં ફૂલ
વીરધર્મની વાતો ભા.૪ ઉત્તરદાયિત્વ લોખંડીખાખનાં ફૂલ

વિષયવૈવિધ્યની દૃષ્ટિએ જયભિખ્ખુની આ વિપુલ વાર્તા સૃષ્ટિને તપાસીએ તો એમાંનુ વસ્તુવૈવિધ્ય આપણું ધ્યાન ખેંચે એવું છે. મોટે ભાગે વાર્તાકારે વાર્તાનું વસ્તુ ઇતિહાસ, પુરાણ, સમકાલીન સમાજ અને સ્વાનુભવમાંથી પસંદ કર્યું છે.

જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંથી લગભગ ચોથાભાગની વાર્તાઓ સામાજિક જીવનના વિવિધ પ્રશ્નોને વાચા આપે છે. એમાં ય તે નારીજીવનના વિવિધ પ્રશ્નોને વર્ણવતી વાર્તાઓનું પ્રમાણ સૌથી વધારે છે. ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘કંચન અને કામિની’, ‘અંગના’, ‘કન્યાદાન’, ‘કર લે સિંગાર' વગેરે વાર્તાસંગ્રહોમાંની મોટા ભાગની વાર્તાઓમાં નારીનું સર્જક- વર્ણવ્યું કોઈ ને કોઈ રૂપ સાકાર થયું છે. લેખકની નારીલક્ષી વાર્તાઓમાંથી એક વાત સતત સ્ફૂટ થાય છે અને તે હિંદુસમાજમાં સ્ત્રીનું સ્થાન ‘જૈસે થે’ જેવું જ છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધર્યું નથી. સ્ત્રી મોટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે. ભોગની સામગ્રી જ બની છે. પુરુષે મરજી પડી ત્યાં સુધી એને ઘરની રાણી બનાવી છે, નહીં તો એનું સ્થાન દાસી સમું જ રહ્યું છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં પાંગરી જણાતી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈ તફાવત પડ્યો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી, અર્વાચિનકાળે એ વિલાસમૂર્તિ છે. એકમાં અંધશ્રદ્ધાનો અત્યાચાર છે તો બીજામાં આધુનિકતાનો અનાચાર. આ જ કારણે નારીજીવનની વાર્તાઓ દ્વારા વાર્તાકાર એ સૂચવે છે કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી-નરસી કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રી પોતાનું સત્ત્વ ને સ્ત્રીતત્વ ખીલવે એવું વાતાવરણ હજી આપણે ત્યાં મોટે ભાગે ઘડાયું નથી.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં સામાજિક વાર્તાઓ પછી સંખ્યાની વિપુલતાની દૃષ્ટિએ નોંધનીય છે એમની ઐતિહાસિક પૌરાણિક વાર્તાઓ. ‘ઉપવન’, ‘માદરે વતન’, ‘યાદવાસ્થળી’, ‘ગુલાબ અને કંટક’ તથા ‘વીર ધર્મની વાતો’ વગેરે સંગ્રહોની મોટાભાગની વાર્તાઓ ઇતિહાસ-પુરાણને આધારે સર્જાઈ છે.

વાર્તાકાર જયભિખ્ખુની ઇતિહાસવિષયક વાર્તાઓમાં જે ઇતિહાસ નિરૂપાયો છે તે ક્યાંક પ્રાચીન છે, ક્યાંક મધ્યકાલીન છે તો ક્યાંક સમકાલીન પણ છે. આ વાર્તાઓમાં તેઓ ઇતિહાસને ઠીક ઠીક વફાદાર રહ્યા છે. ક્યાંક ઇતિહાસનું પ્રમાણભૂત ચિત્ર આપીને તેઓ વાર્તાને આધારે અસરકારક બનાવે છે. આ વાતની પ્રતીતિ ‘મૃત્યુ મહોત્સવ’ (વીરધર્મની વાતો ભા. ૩) વાર્તામાં જયભિખ્ખુએ મંત્રી ઉદયનનું પાત્ર જે રીતે ઉપસાવ્યું છે તેને આધારે થાય છે. સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી ધીરુભાઈ ઠાકર કહે છે, “શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈક અંશે કાયર, ધર્માંધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું એનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખુએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર પ્રકાશ ફેંક્યો છે. (અંગૂલિનિર્દેશ, પૃ. ૧૨). એ જ રીતે ‘વીર જયચંદ્ર’ (માદરે વતન) દેશદ્રોહી તરીકે વગોવાયેલા રાઠોડ વીર જયચંદ્રના ઉજ્જવળ ચારિત્ર્યને આલેખે છે. પૂર્વગ્રહોથી મુક્ત ઇતિહાસ વિષેની સાચી હકીકતો જણાવતી આ વાર્તા પણ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાનની પરિચાયક છે. ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હીરા-માણેક’, ‘વીર જયચંદ્ર’, ‘હમીરગઢ’, ‘સંગ્રામ’, ‘જહાંગીરી ન્યાય’ (માદરે વતન) વાર્તાઓ વતનના ભુલાયેલ ઇતિહાસનાં પાનાંઓની ગૌરવકથાઓ છે યા તો આપણી ભૂલો તરફનું ઇતિહાસલેખકનું આંગણીચૂંધણું છે. વર્તમાન માટે કંઈક બોધ આપતી આ વાર્તાઓ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને પ્રગટ કરે છે.

જયભિખ્ખુની પૌરાણિક વાર્તાઓમાંની કેટલીક એમાંના નવીન અર્થઘટનાને કારણે ઉલ્લેખનીય બની રહે છે. ‘શકુંતલા’, ‘કામદેવની કુરબાની’, ‘કુલાભિમાન’ (ઉપવન), ‘પાણી અને આગ’ (કર લે સિંગાર), ‘કર્ણનો જન્મ’ (કાજલ અને અરીસો) જેવી વાર્તાઓ એમાંના નવીન અર્થઘટનને કારણે નોંધનીય બની છે. ‘શાપ કે વરદાન’ (પગનું ઝાંઝર) આજના સ્ત્રૈણ થતા જતા યુગ તરફ ચોટ લગાવે છે.

જયભિખ્ખુની વાર્તાઓમાં નારીજીવનની વાર્તાઓની જેવી જ નોંધનીય બની છે જૈનધર્મી કથાનકોવાળી વાર્તાઓ. ‘વીરધર્મની વાતો’ના ચાર ભાગમાં વાર્તાકારે જૈન મહાપુરુષોનાં પ્રતાપી ચરિત્રોમાંથી કથાંશો લઈ વાર્તાઓ રચી છે. વાર્તાકારે એમાં જૈનધર્મગ્રંથોમાંના કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખ્યો છે.

આ વાર્તાઓ આપીને જયભિખ્ખુએ જૈન કથાસાહિત્યનો જે અખૂટ ભંડાર છૂપા-ખજાનાની જેમ ભરાયેલો પડ્યો હતો એમાંથી કથારત્નોને વીણી વીણીને બહાર કાઢવાની પહેલ કરી છે. આ પછી જ સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું. સહુ કોઈને આ સાહિત્ય તરફ અભિરુચિ જાગી. વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ તથા વિશ્વસંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મના અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, મૈત્રી, પ્રમોદ વગેરે સિદ્ધાંતોનું કેવું ઉચ્ચ સ્થાન છે તેનો સર્વત્ર સ્વીકાર થયો.

સામાન્ય રીતે ધર્મોપદેશને મુખ્ય બનાવતી વાર્તાઓનું એક ભયસ્થાન એ છે કે જો વાર્તાકાર સજાગ ન હોય, તટસ્થ અને બિનઅંગત વલણ ધરાવતો ન હોય તો એ વાર્તામાં ઉપદેશ જ મુખ્ય બની બેસે. કલાતત્ત્વના ભોગે તત્ત્વબોધને કેન્દ્રિત કરતા કથાપ્રસંગો જ કૃત્રિમ ઢબે ગોઠવાઈ જાય. પણ વાર્તાકાર જયભિખ્ખુ અહીં મોટે ભાગે રચનાવિધાન અંગેના આ ભયસ્થાનથી પૂરેપૂરા સજાગ છે. ‘દેવદૂષ્ય’, ‘અમર ફૂપો’ અને ‘ભવનાટ્ય’ જેવી કૃતિઓ તો વાર્તાકારે સ્વીકારેલી કથયિતવ્યની મર્યાદાને લક્ષ્યમાં લેતાં એમની આ સિદ્ધિને સાવ નાનકડી તો ન જ ગણાવી શકાય. આમ જૈનધર્મી કથાનકો વાળી આ વાર્તાઓ માનવ સમાજને નીતિ અને ધર્મનો, પ્રેમ અને ત્યાગનો, સ્નેહ અને સ્વાપર્ણનો મંત્ર આપી આજના યુદ્ધખોર માનસને માટે પથદર્શક બની રહે છે.

સાહિત્યકારો પણ વાર્તાકારની વાર્તાના વિષય બન્યા છે. ‘બંડખોર’ (ગુલાબ અને કંટક) જર્મન સર્જક દોસ્તોવસ્કીના વ્યક્તિચિત્રને વર્ણવે છે, તો ‘કવિનો મિજાજ’ (ગુલાબ અને કંટક) ઉર્દૂના મહાન કવિ મીરના સ્વમાની સ્વભાવ અને આગવા મિજાજને વર્ણવે છે. ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ (ગુલાબ અને કંટક) સાહિત્યકારની હૃદયવેદનાને શબ્દરૂપ આપે છે. શ્રી ર. વ. દેસાઈની તેજસ્વી પત્રો માટેની ટહેલ એમાં વર્ણવાઈ છે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (શૂલી પર સેજ હમારી) સ્ટિફનઝિવગને અને ‘અજ્ઞાત દેવનું મંદિર’ (શૂલી પર સેજ હમારી) બાણભટ્ટના જીવનની ઘટનાને નિરૂપે છે. ‘ભવરણનો સિપાહી’ (શૂલી પર સેજ હમારી) નર્મદને વાર્તાવિષય બનાવે છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં ‘તેં ત્રણ ખોયા’ (મનઝરૂખો) જેવી રૂપકાત્મક વાર્તાઓ પણ છે, તો ગદ્યદેહી ઊર્મિકાવ્ય સમી વાર્તાઓ ‘વહુ’ ‘માબાપ’ (પારકા ઘરની લક્ષ્મી) આગિયાના તેજઝબકાર જેવી વિશાળ વાર્તાસૃષ્ટિને ક્યાંક આલોકિત કરી જાય છે.

જયભિખ્ખુની કેટલીક વાર્તાઓ જીવનચરિત્રાત્મક પ્રકારની પણ છે, જેમાં વાર્તાકારે સમકાલીન સમાજમાં થઈ ગયેલી કેટલીક વ્યક્તિઓનાં શબ્દચિત્રો ઉપસાવ્યાં છે. ‘ન દેન્યમ્ ન પલાયનમ્’ (કાજલ અને અરીસો) ચારુમતીબેન યોદ્ધાનું શબ્દચિત્ર આપે છે.

વાર્તાકારે ક્યાંક કોઈ મોટા સર્જકની વાર્તાનો આધાર લઈને પણ વાર્તાસર્જન કર્યું છે. ‘મમતા’ (કાજલ અને અરિસો) રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાને આધારે લખાઈ છે જ્યારે ‘ગુલાબની શૈયા’ (કન્યાદાન) શ્રીમતી પકવાસાની આ જ નામોરી વાર્તાનો લેખકદીધો ભાવાનુવાદ છે.

વાર્તામાં વસ્તુ ન જેનું હોય છતાં વાર્તાકારે પોતાની કહેણીને બળે વાર્તાને આકર્ષક બનાવી હોય એવું આ વાર્તાસૃષ્ટિમાં ક્યાંક થયું છે. જેમકે ‘અમચી મુંબઈ’ (યાદવાસ્થળી), ‘મકાઈનો દાણો’ (સતની બાંધી પૃથવી) આ દૃષ્ટિએ નોંધનીય ગણી શકાય. સાંપ્રદાયિક પરિવેશવાળી વાર્તાઓમાં ‘સાંકળી ફઈબા’ (કંચન અને કામિની) તથા ‘ધર્મલક્ષ્મી’ (મનઝરૂખો) જુદી તરી આવે છે. એમાં વાર્તાકારે સાંપ્રદાયિક વાતાવરણ ઉપસાવવા બધી રીતે પ્રયત્ન કર્યો છે. ‘સાંકળી ફઈબા’ તો સ્વરૂપની દૃષ્ટિએ પણ વાર્તાઓના ઝૂમખામાં જુદી પડે છે. આત્મકથનાત્મક સ્વરૂપે લખાયેલી આ વાર્તા સરસ પણ નીવડે છે.

પાળીયા, દેરીઓ, મેળા કે લોકકથાઓએ પણ વાર્તાકાર જયભિખ્ખુને સર્જનનું નિમિત્ત પૂરું પાડ્યું છે. ‘સતની બાંધી પૃથવી’ સંગ્રહમાંથી મોટા ભાગની વાર્તાઓના સર્જનનું કારણ બની છે લોકકથાઓ, વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. આ વાર્તાઓ એમાંના ઉમદા નીતિતત્ત્વ અને માનવતાની સુગંધને કારણે સમાજના સર્વ વર્ગને પ્રેરણારૂપ બને છે.

વિષયવૈવિધ્યથી ઓપતી આ વાર્તાસૃષ્ટિનું ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ વર્ગીકરણ અને મૂલ્યાંકન કરીએ તો વાર્તાકાર જયભિખ્ખુ જૈન સાહિત્ય, પુરાણ-ઇતિહાસ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરે છે. પણ પછી તેને રસવાહી ઓપ પોતાની રીતે આપે છે, અને એમાં જ એમની વાર્તાકાર તરીકેની ખરી નિપૂણતા અને સર્જનશીલતા રહેલી છે : શ્રી ધીરુભાઈ ઠાકર વાર્તા અભ્યાસીને શા કારણે ગમી એ ધોરણે વાર્તાની કસોટી કરવાની હોય તો બે બાબતોનો વિચાર કરવાનો આગ્રહ રાખે છે : (૧) વાર્તાનું વસ્તુ રસ પડે એવું છે કે નહી ? (૨) તેની લખાવટ આકર્ષક છે કે નહીં ? એમાં વસ્તુને સમજવું તો સહેલું છે. વાર્તામાં સૌથી રસદાયક પ્રસંગ કયો છે તે પણ પારખી શકાય, પણ અઘરું કામ તે એની લખાવટની ચકાસણી કરવી તે છે. લખાવટમાંથી વાર્તાકારનો ખરો કલાકસબ પ્રગટ થાય છે. એની પરખ કરવાનું કામ મુશ્કેલ છે. આમ તો ટૂંકી વાર્તા નાનું કદ હોવા છતાં સ્વતંત્ર કલાસ્વરૂપવાળો સાહિત્યપ્રકાર છે. પાત્રપ્રસંગ કે વાતાવરણને એકબીજા જોડે સાંકળી લે તેવા માનવભાવ કે ઊર્મિના રસકેન્દ્રની આસપાસ તેની ગૂંથણી થાય છે, વાર્તાકારનો ઉદ્દેશ પણ વાર્તામાંથી માણસના હૃદયને સ્પર્શે એવો એકાદ ભાવ કે વિચારને ઝબકાવી દેવાનો હોય છે. આથી સૌથી પહેલું એ જોવાનું રહે છે કે ટૂંકી વાર્તાનો લેખક માનવહૃદયનો કયો ભાવ કે વિચાર પોતાની વાર્તામાં ઉતારવા માગે છે ? અને એ ભાવ શી રીતે પ્રગટ થાય છે. કુશળ વાર્તાકાર પાત્રનું જીવતું જાગતું ચિત્ર આપીને કે પ્રસંગનો આબેહૂબ ચિતાર આપીને વાચકના હૃદયને વીંધે છે. વાર્તાની ચોટ પ્રસંગચિત્રમાં છે કે પાત્રાલેખનમાં કે પછી વાર્તાવર્ણનમાં છે એટલું જ નક્કી કરી શકાય તો લખાવટ વિશે આપણા મનમાં યોગ્ય અભિપ્રાય આપવા જેટલી સ્પષ્ટ છાપ ઊઠે જ છે.

ટૂંકી વાર્તાના કલાતત્ત્વના આ માપદંડને લક્ષ્યમાં રાખીને જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિનો ચકાસીએ તો આપણે આગળ જોયું તેમ વાર્તાકાર જયભિખ્ખુ પુરાણ, ઇતિહાસ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરે છે પણ પછી તેને રસવાહી ઓપ પોતાની રીતે આપે છે. વસ્તુની મૃદુતાપૂર્ણ માવજત, રસળતી ભાષારોચક શૈલી અને સર્જક કલ્પનાશક્તિ તેમના વાચકને વાર્તામાં તલ્લીન અને તરબોળ બનાવી દે છે.

શ્રી ધીરુભાઈ ઠાકરના મતે જયભિખ્ખુની વાર્તાઓમાં સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતા છે. અલબત્ત, એમનામાં આધુનિક નવલિકાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ કે માનવસ્વભાવનું સૂક્ષ્મ વિશ્લેષ્ણ નથી. તેમનો એ આદર્શ પણ નથી. તેમને તો માનવસ્વભાવની ખાનદાની અને જિંદાદિલીનો જ પરિચય આપવો છે. પ્રેમ અને શૌર્યના કસુંબી રંગને માટે જ જયભિખ્ખુને વિશેષ અનુરાગ છે. તેમનામાં ભાવજમાવટની અનોખી કુશળતા છે. ‘મનઝરૂખો’, ‘પગનું ઝાંઝર’ જેવા વાર્તાસંગ્રહોની વાર્તાઓ જયભિખ્ખુની ભાવનાશક્તિની પરિચાયક બને છે.

જયભિખ્ખુની પાત્રસૃષ્ટિ ‘માનવ’ શબ્દના અર્થને વિવિધ પ્રકારના પાત્રોના ચિત્રણથી સાર્થક બનાવે છે. એમની વાર્તાઓ માત્ર મહાત્માઓને જ પાત્રરૂપે નથી આલેખતી. સામાન્ય કોટિના જીવો પણ જીવનની કોઈ ધન્ય ક્ષણે ઉદાત્ત જીવન જીવી જાય છે, જીતી જાય છે, એ બતાવતી આ પાત્રસૃષ્ટિ ત્યાગ, શહાદત અને સ્વાપર્ણનો મહામંત્ર મૂકી જાય છે. જયભિખ્ખુની વાર્તાઓમાંની પાત્રસૃષ્ટિ અમુક કર્મઠ કર્મકાંડના નીતિનિયમો જાળવે છે. પણ જીવનનો ઉલ્લાસ એ ગુમાવી દેતી નથી. એનું કારણ વાર્તાકારની રસિક જિવનદૃષ્ટિમાં રહેલું છે. ધર્મની શુષ્કતાને એમણે પોતાનાં પાત્રોમાંથી ઓગાળી નાખી છે અને માનવતા તથા જીવનના શુદ્ધ આનંદનો રંગ એને લગાડ્યો છે.

જયભિખ્ખુની ઉપરથી વિવિધરંગી લાગતી પાત્રસૃષ્ટિ એમાંના ગુણોની બાબતમાં ક્યાંક એકસરખી પણ જણાય છે. પાત્રોની પરિસ્થિતિઓમાં વૈવિધ્ય હશે પણ તેમના ભાવના વ્યવહારો લગભગ સમાન છે. દિલાવરી, અમીરી, શૌર્ય, નર્ક-ટેક, ત્યાગ, સ્વાર્થર્પણ, શહીદીની મસ્તી અને ભાવના તથા રસિકતાના કસુંબા એમનાં પાત્રો ઘૂંટતા રહે છે. તેમની આ વાર્તાસૃષ્ટિનાં પાત્રોનાં વ્યક્તિત્વમાં સત્ય માટેની તાલાવેલી અને ફના થઈ જવાની ભાવના છે. અહીં આલેખાતું આદર્શનું ચિત્ર કોઈ ઉપદેશરૂપે નથી અપાતું. લેખકને મન આ તો માનવસ્વભાવમાં પડેલી સુગંધ જ છે તેને તેઓ યથાર્થ રૂપે ઉપસાવે છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત પૂરી થાય તે પહેલાં વિદાય લે છે, ફક્ત કોઈ વૃક્ષ ઉપરના પર્ણ પર સત્કર્મના બે જલબિંદુ મૂકીને. જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતાં ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.

વાર્તાકાર જયભિખ્ખુ પાત્રોને ક્યાંક વર્ણનથી ઉપસાવે છે તો ક્યાંક પાત્રો પોતે પોતાનાં કાર્યોથી પણ ઊપસે છે. વાર્તાકાર ક્યારેક પાત્રના તેજ- અંધારભર્યા વ્યક્તિત્વને આલેખે છે, તો કલાકારના કારુણ્યને અથવા રાષ્ટ્રપ્રેમની ધગશને પણ પાત્ર દ્વારા ઉપસાવે છે. સમાજની દૃષ્ટિએ ધૃણિત પાત્રોનું નિરૂપણ પણ વાર્તાકાર એવી કુશળતાથી કરે છે કે એ પાત્રો તરફ ધૃણાને બદલે સમવેદના ઊપજે છે. ક્યારેક એક પાત્રની ઉદાત્તતા ઉપસાવવા બીજા પાત્રને હીણું ચીતરતાં નથી. વાર્તાકાર પોતે પણ ક્યાંક પાત્ર બનીને ઝળકી જાય છે. અલબત્ત, આટલી વિશાળ પાત્રસૃષ્ટિમાં ક્યાંક એવું પણ નિરૂપણ થયું છે કે જ્યાં વાર્તાકાર પાત્રોને પોતાની આંગળીથી સહેજ પણ વિખૂટાં પાડતો નથી અને એને કારણે પાત્રચિત્રણમાં જે પ્રભાવકતા આવવી જોઈએ, જીવંતતા લાગવી જોઈએ એ ઓછી અનુભવાય છે.

વાર્તાઆલેખન માટે જયભિખ્ખુ જ્યાં સંવાદને કામમાં લે છે ત્યાં સંવાદો ટૂંકા, સચોટ અને વ્યક્તિત્વદ્યોતક બન્યા છે પણ મોટે ભાગે લેખકે કથનાત્મક પદ્ધતિ અપનાવી છે. લેખક પોતે ધીમે ધીમે નિરાંતે વાર્તા કથતો જાય છે. વાર્તાને અસરકારક બનાવવા જયભિખ્ખુ ક્યારેક ટૂંકા અને કાવ્યાત્મક વર્ણનો પણ આપે છે. શ્રી જયભિખ્ખુની વાર્તાઓમાં સંઘર્ષ અને કાર્યવેગની માવજત પણ સારા પ્રમાણમાં છે. લેખક માને છે કે પુણ્યબળો અને પાપબળોનો સંઘર્ષ એ સંસારનું સત્ય છે. વિજયી થવા પુણ્યબળોને આકરી ચુકવણી કરવી પડે છે. આવા સત્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના આદર્શને મૂર્ત કરવા મરજીવાઓને આકરાં બલિદાનો આપવાં પડે છે. વાર્તાકારના ‘યાદવાસ્થળી’ સંગ્રહની પ્રત્યેક વાર્તા કોઈ ને કોઈ સંઘર્ષ લઈને આવે છે. કોઈમાં જીવનસંઘર્ષ છે તો કોઈમાં રાષ્ટ્રસંઘર્ષ કે આત્મસંઘર્ષ. માનવીમાં પડેલી સદ્-અસદ્ વૃત્તિઓનો સંઘર્ષ વર્ણવે છે. ‘આંખ નાની આંસુ મોટું’ વાર્તા માનવસંસ્કૃતિના ઇતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલહોમાં કંચન અને કામિનીએ ભજવેલા ભાગને વર્ણવે છે કે ‘કંચન અને કામિની’ની વાર્તાઓ, એમાં સ્વાર્થપરાયણ આચાર અને આદર્શપરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે ખેલાયેલા સંઘર્ષોનું નિરૂપણ કરે છે. લેખક માને છે કે સમાજમાં કંચનને કારણે વિશ્વયુદ્ધો ખેલાયાં છે તો કામિનીને કારણે આંતરયુદ્ધો. એમાં ય તો વિશ્વયુદ્ધો કરતાં આંતરયુદ્ધો વધુ સંતાપકારી નીવડ્યાં છે. લેખકની ‘લીલો સાંઠો’ (લાખેણી વાતો) કુટુંબજીવનના ઝંઝાવાતી તોફાનને વર્ણવે છે. તો ‘કાફિર’ (યાદવાસ્થળી) રાષ્ટ્રસંઘર્ષ અને ‘લવંગિકા’ (યાદવાસ્થળી) જીવનસંઘર્ષને વર્ણવે છે.

કોઈપણ વાર્તાકારની સફળતાનો ઘણો આધાર એની લેખનશૈલી ઉપર હોય છે. જયભિખ્ખુની શૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને જકડી રાખે એવી નૈસર્ગિક ધમકવાળી ચેતના છે, કથનની ઉત્કટતા અને સરસતા તથા વર્ણનની ચારુતા છે. ઇતિહાસ, સમાજ કે રાષ્ટ્રનો કોઈ પણ વિષય હોય જયભિખ્ખુ એની એવી મિષ્ટ અને રોચક શૈલીમાં રજૂઆત કરે છે કે ભાવક તલ્લિન બનીને રસસૃષ્ટિમાં રમમાણ થાય છે. તેમની શૈલીમાં જોમ છે. ભાષાની પ્રવાહિતા અને ચિત્રાત્મકતા એ એમની શૈલીનાં પ્રધાન લક્ષણ છે. જયભિખ્ખુની ગદ્યશૈલીમાં ભાવજમાવટની અનોખી કુશળતા છે.

વાર્તાકાર જયભિખ્ખુ પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ ગદ્યશૈલી છે. ગ્રામ અને તળપદા જીવનનો લેખકનો અનુભવ શૈલીમાં બળકટતા લાવી એક સુગ્રાહ્યતાનો અનુભવ કરાવે છે. શૈલીમાંનાં કલ્પના અને સૌષ્ઠવ વાર્તાને સુરેખ આકાર પુરો પાડે છે. જયભિખ્ખુની ગદ્યશૈલી આલંકારિક છે, શબ્દોના ઠાઠમાઠવાળી છે અને એ જ કારણે એમની કેટલીક ધર્મકથાઓ રસિક નવલકથા જેવો આસ્વાદ કરાવે છે.

ટૂંકા ટૂંકા વાક્યોમાં જીવનનાં ઉમદા અને સનાતન સત્યોની રજૂઆત એ જયભિખ્ખુની ગદ્યશૈલીની આગવી લાક્ષણિકતા છે. ‘કલંકી મોતી’ (શૂલી પર સેજ હમારી)નું ગદ્ય આનો એક નમૂનો છે.

સ્ત્રીનું શીલ-મોતી સંસારનો શણગાર ને દુનિયાનું સૌભાગ્ય છે. એક દિવસ એવું મોતી કલંકિત થયું. (પૃ. ૩૧)
સ્ત્રી અને સાગર બંનેને ભારતના ઋષિઓએ મર્યાદાવાન કહ્યાં છે. સ્ત્રી અને સાગરથી એ ઇચ્છે તો ય મર્યાદા ન લોપાય એ સર્જનજૂનો નિયમ. એની મર્યાદા લોપવા કોઈથી યત્ન પણ ન થાય એ જમાનાજૂનું શાસન, કારણ કે બંનેએ નકલંક મોતી પકવવાનાં હોય છે. જો મર્યાદા તૂટે તો મોતી કલંકિત પાકે. (પૃ. ૩૧)

જયભિખ્ખુની કેટલીક વાર્તાઓમાં મધ્યયુગીન ખાનદાનીનું સ્મરણ કરાવે તેવા રંગદર્શી મિજાજને છાજે એવી શૈલી છે. ધીમી અને અલંકારપ્રચુર, બોધક અને વેધક, સ્કૂર્તિલી અને વેગીલી ગદ્યશૈલી ગદ્યકાર જયભિખ્ખુના આગવા મિજાજને પ્રગટ કરે છે.

વાર્તાકાર જયભિખ્ખુનું ગદ્ય ક્યારેક કટારીની તીક્ષ્ણતા વ્યક્ત કરે છે. નારીના દેહની દારુણતા ‘કર્ણનો જન્મ’ (કાજલ અને અરિસો) વાર્તામાં આવી તીક્ષ્ણ રીતે વર્ણવાઈ છે. વિધાતાએ સ્ત્રીના દેહને તો જીવતી જાહેરખબર જ સરજી છે. જરાક કંઈ આઘુંપાછું કર્યું કે એના દેહ પર એનો ઇતિહાસ મોટા અક્ષરે અંકાઈ જ જાય ! રસ્તે જતો પણ એને વાંચી શકે !’ (પૃ. ૨૪).

વાર્તાકાર જયભિખ્ખુને ભાષાનું ચોખલિયાપણું બહુ ગમતું નથી. ‘ગૂંગે ગોળ ખાધા’ જેવી ચલણી લોકોક્તિઓ તેઓ સુંદર રીતે ઉપયોગમાં લે છે. જયભિખ્ખુની ગદ્યશૈલી વાર્તાપ્રવાહને ખંડિત ન કરતાં ધાર્યા નિશાન તરફ એકાગ્ર ગતિ કરે છે. ‘દિલનો રંગ’ (કર લે સિંગાર) જેવી વાર્તા સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે.

શ્રી જયભિખ્ખુની ભાષામાં અલંકાર માટેનો આગ્રહ પ્રાચીન લેખકો જેવો જ છે. ઉપમાઓ જેટલી નવલકથામાં રસિક રૂપે પ્રયોજાઈ છે એટલી વાર્તાસંગ્રહોમાં નથી છતાં એનો સાવ અભાવ પણ નથી, જેમકે ‘શંકરના નંદી જેવો તળાજાનો ડુંગર’ ‘કન્યાદાન’ વાર્તામાં (પૃ. ૯, કન્યાદાન), ‘આકાશના વાદળ જેવી ભારતની ગાડીઓ’ ‘મીઢળબંધો’ વાર્તામાં (પૃ. ૩૨, કન્યાદાન) વગેરે નોંધી શકાય.

વાર્તાકારની ગદ્યશૈલી ક્યારેક સનાતન સત્યોને અથવા ચિંતનાત્મક વિચારને રળિયામણા ગદ્યમાં મઢે છે, જેમ કે –

— ‘આત્માને આકર્ષે તે સૌંદર્ય, દેહને આકર્ષે તે રૂપ’ ‘ગુલાદની શૈયા’ વાર્તામાં (પૃ. ૧૨, કન્યાદાન).

— બીજાના આનંદમાં જેનું મન કોળે એ માનવ ‘જિંદગી’ વાર્તામાં (પૃ. ૨૦, વેર અને પ્રીત)

જયભિખ્ખુના વાર્તાસંગ્રહોનાં અને એમાંની વાર્તાઓનાં શીર્ષકોનો અભ્યાસ પણ ધ્યાનાર્હ છે. આ શીર્ષકો, રંગીન, ટૂંકા, અર્થપૂર્ણ અને ધ્વન્યાત્મક છે. પહેલા સંગ્રહનામોને તપાસીએ તો ‘મનઝરૂખો’ ‘પગનું ઝાંઝર’ કે ‘શૂલી પર સેજ હમારી’ જેવાં શીર્ષકો સંગ્રહમાની કોઈ વિશિષ્ટ ભાવનાના નિરૂપણના પરિચાયક બને છે. ‘કામનું ઔષધ કામ’ ‘કંચન અને કામિની’ જેવાં શીર્ષકો ધ્વન્યાત્મક હોવાની સાથે અર્થપૂર્ણ બની રહે છે. ‘યાદવાસ્થળી’ પ્રતીકાત્મક છે. ‘મનવાભાણની ટેકરી’ જેવાં કેટલાંક શીર્ષક સંગ્રહમાંની કોઈ વાર્તાને આધારે અપાયાં છે. વાર્તાસંગ્રહની જેમ વાર્તાકારે સંગ્રહની પ્રત્યેક વાર્તાને પણ શીર્ષકનામ આપ્યાં છે. લગભગ સાડા ત્રણસો જેટલી વાર્તાઓનાં શીર્ષકો ઠીક ઠીક વૈવિધ્યવાળાં છે. એમાં કેટલાંક મુખ્ય ઘટનાનાં સૂચક છે, જેમકે ‘ધોળી ધજાનો ચોર’ (ગુલાબ અને કંટક), ‘પારકા ઘરની લક્ષ્મી’ (પારકા ઘરની લક્ષ્મી), ‘આમચી મુંબઈ’ ‘સંઘર્ષ’ (યાદવાસ્થળી). કેટલાંક પાત્રનામ સૂચક છે. જેમકે ‘હીરામાણેક’ (માદરે વતન), ‘ભરથરી ને પિંગળા’ ‘શહીદ પીરઅલી બુકસેલર’ ‘નાના સાહેબ’ (ગુલાબ અને કંટક), ‘અમીચંદ’ ‘શકુંતલા’ (ઉપવન), ‘લવંગિકા’ (યાદવાસ્થળી). કોઈક સ્થળનિર્દેશ કરે છે, જેમકે ‘બૂરો દેવળ’ (લાખેણી વાતો), ‘દૂદા હરિની વાવ’ (સતની બાંધી પૃથવી). કૌતુકપ્રિય વાતાવરણનું નિદર્શન કરતાં શીર્ષકોમાં ‘મરઘી બોલી’ (માદરે વતન) તથા કુતૂહલોદ્દીપક શીર્ષકોમાં ‘અઢાર નાતરાં’ (વીર ધર્મની વાતો ભા. ૪), ‘ગણિકા સતી’ (કર લે સિંગાર), ‘પાણખાણનું મોતી’ (માટીનું અત્તર), ‘દીવા પાણીએ બળ્યા’ (મનઝરૂખો), ‘રાજા નામનું પાપ’ (મનઝરૂખો) નોંધપાત્ર છે. કેટલાંક શીર્ષકો કાવ્યાત્મક છે. જેમ કે – ‘પ્રેમપંથ પાવકની જવાળા’ (પારકા ઘરની લક્ષ્મી), ‘આત્મસમર્પણના અસ્તિ’ (વીર ધર્મની વાતો ભા. ૨), ‘જિન્હોને અપને ખૂન સે’ (માદરે વતન), ‘જલમેં મીન પિયાસી’ (યાદવાસ્થળી), ‘મન વૃંદાવન તન વૃંદાવન’ (મનઝરૂખો) કેટલાંક પાત્રનાં કોઈ વિશિષ્ટ લક્ષણસૂચક શીર્ષકો મળે છે જેવાં કે ‘ચૌદશિયો’ (કચન અને કામિની), અણદાગ (માટીનું અત્તર), રાષ્ટ્રનેતાનો ઇમાન (યાદવાસ્થળી). કેટલાંક શીર્ષકો વાર્તાના ધ્વનિનાં સૂચક છે જેમકે ‘ગંગા ગટરમાં’ (કંચન અને કામિની), ‘નાટકનું નાટક’ (વીર ધર્મની વાતો ભાગ. ૪), ‘કામનું ઔષધ કામ’ (લાખેણી વાતો), ‘લીલો સાંઠો’, (લાખેણી વાતો), ‘કામદેવના ગધેડા’ (લાખેણી વાતો), ‘દૂધનો ઇમાન’, ‘મીઢળબંધો’ (કન્યાદાન) તો કેટલાંક કોઈ ભાવનાનાં સૂચક છે, જેમકે ‘માટીનું અત્તર’ (માટીનું અત્તર), ‘મનઝરૂખો’ (મનઝરૂખો).

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિ વિશાળ, વ્યાપક વિષયવૈવિધ્યનું અને એવાં જ વિશિષ્ટ દર્શનનું આલેખન કરીને ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્રતા સિદ્ધ કરે છે. વસ્તુસામગ્રીના વૈવિધ્યને કારણે આકારલક્ષી પરિણામોમાં ફેર પડવાનો સંભવ સ્વાભાવિક છે, અને તેથી જ કોઈ પણ સ્વરૂપના આકાર પરત્વે એકસરખાં ધોરણોથી ચર્ચા કરી શકાતી નથી. જયભિખ્ખુના લેખનમાં પણ એ જ મુદ્દો આગળ તરી આવે છે. ‘મિષાંતરે વા’માં આઠમા દાયકાની ગુજરાતી ટૂંકી વાર્તાને સમજવા માટે ડૉ. પંચૂ વ્યાસે કરેલી સ્વરૂપ અને સામગ્રીના પારસ્પરિક પ્રભાવની વિચારણા કોઈ પણ કાળની વાર્તાઓ માટે સરખી વિચારણીય બને છે. તેઓ લખે છે : ‘સ્વરૂપને કેન્દ્રમાં રાખીને સામગ્રીની શક્યતાઓનો અને સામગ્રી કેન્દ્રમાં રાખી સ્વરૂપની શક્યતાઓનો - એમ દ્વિવિધ શક્યતાઓનો વિચાર, સ્વરૂપ અને સામગ્રીના પારસ્પરીક પ્રભાવની શક્યતાઓના વિચાર સુધી વાર્તાને આપોઆપ પહોંચાડે છે. કોઈ એક આકૃતિને મૂર્ત કરવા માટે ધાતુ કે માટીના ઉપયોગથી પ્રક્રિયામાં ફેર પડવાનો જ, અથવા આકૃતિને સહજ રીતે વિકસાવા દેતાં એના નિર્માણમાં સામગ્રીનું ગૌણત્વ કોઈ નવું જ પરિણામ આપવાનું. એવો પણ અનુભવ થાય કે આકારનું પ્રાધાન્ય સામગ્રી વિષેના પરંપરિત ખ્યાલોને જ ગૌણ કરી નાખે. તેથી ઊલટું, સામગ્રીની મહત્તાનો ખ્યાલ સરવાળે પ્રાધાન્ય પામી જાય, એવું પણ બને. મૂળ સવાલ તો કલાકૃતિના સર્જનનો જ રહે. શક્યતાઓ વિસ્તરતી રહે, વ્યાયામ થતો રહે, તો સર્જનાત્મક દિશાની એ પણ નોંધપાત્ર ઘટના ગણાય.’ (‘મિષાંતરે વા’ - ચં. પૂ. વ્યાસ, પ્રકા. : પૂલસા પ્રકાશન, પૃ. ૧૧૯, પહેલી આ.)

જયભિખ્ખુની વાર્તાઓ સર્જાઈ હશે ત્યારે ત્યારે સ્વરૂપલક્ષી વિશેષ સભાનતા તો સ્વાભાવિક રીતે જ નહિ હોય. અને તેથી જ, આપણે સામગ્રીના અનુસંધાનમાં જ નીવડી આવેલાં વાર્તાસ્વરૂપોની ચર્ચાવિચારણા કરી છે. એમાંથી સરવાળે એવો અનુભવ થયો છે કે - કશી વિશેષ પ્રકારની સભાનતા સિવાય પણ - (બીજા શબ્દોમાં કહીએ તો કશા આયાસ વગર) ટૂંકી વાર્તાના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને લેખકે પોતાની સામગ્રી જોગવી છે. અને મહદઅંશે એમાં સફળતા મળી છે.

મોંપાસા કહેતા કે તેઓને વાર્તાના કથાવસ્તુ તો પગમાં અડફેટે ચડે છે! આ અર્થમાં, વાર્તાકાર માટે વિષયવસ્તુને ઓળખવાની દૃષ્ટિ હોય તો પછી એની વાર્તાલક્ષી માવજત જ મહત્ત્વની બને. જયભિખ્ખુની માવજત તેઓના જમાનાને અનુરૂપ - બિનજરૂરી લંબાણ, સંદર્ભસંલગ્ન વિધાનોની યોજના વગેરેની - મર્યાદાઓ ધરાવે છે. એમ છતાં પોતાના વસ્તુસંદર્ભને વાર્તાકૌશલ્યથી પ્રભાવક બનાવતાં આલેખનનાં અનેક દૃષ્ટાંતો મળી આવશે . વસ્તુ સાથે સંકળાતાં પાત્રોની સક્ષમ અભિવ્યક્તિના અનુસંધાનમાં આપણે ‘લાખેણી વાતો’ વાર્તાસંગ્રહની બે વાર્તાઓ ‘લીલો સાંઠો’ અને ‘આંખ નાની આંસુ મોટું’ જોઈશું. બંને વાર્તાઓ મુખ્યત્વે માતાના પાત્રને કેન્દ્રમાં રાખીને વિકસેલી છે. પહેલીમાં પુત્ર માતાને તારે છે અને બીજીમાં પુત્ર માતાને મારે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ બંને વાર્તાઓ વિચિત્ર પ્રકારનું નાવીન્ય ધરાવે છે. એ વિચિત્રતા માવજતની કુશળતાને લીધે વિશિષ્ટતા ધારણ કરીને વાર્તાઓને કલાત્મક બનાવે છે.

સામાન્ય રીતે મા દીકરાનો ભવસાગર ઉજ્જ્વળ અને સરળ બનાવી જીવનલક્ષી માર્ગદર્શન આપી એને પાર પાડવામાં - વારવામાં - મદદરૂપ બનતી હોય છે. જ્યાલે ‘લીલો સાંઠો’માં વયોવૃદ્ધ બાપ સદ્‌ગત થયા પછી જીવનના લપસણા માર્ગો પર સરતી જતી નવી-યુવાન માને અહીં દીકરો બચાવી લે છે અને સુયોગ્ય માર્ગે વાળે છે. ‘લીલો સાંઠો’માં વૃદ્ધાવસ્થામાં લગ્નેચ્છક બનેલા બાપની મનોવૃત્તિ પરથી વાર્તાને અંતે દીકરો પરદો ઉઠાવી લે છે અને સત્ય પ્રકાશમાં આવે છે, ત્યારે એ સચોટ અંત સમજાય છે. એ કરતાંય નવી માની વૃત્તિઓને સાત્ત્વિક માર્ગે વાળવા દીકરો જે પ્રયત્નો કરે છે એની માવજતને માણવી વધુ ગમે છે. માનવસ્વભાવનાં આંતરસંચલનોને અને એની વિચિત્રતાઓ તથા વિશિષ્ટતાઓને લેખકે પામીને સરસ રીતે વાર્તાકલાથી, ખૂબીથી પખાળ્યાં છે, એ અહીં ખાસ નોંધપાત્ર છે.

‘આંખ નાની - આંસુ મોટું’ પણ જગતના ઘટનાચક્રની ગતિ ઉલટાવી નાખે એવી કથા ધરાવે છે. મા, જનની ઊઠીને પોતાના પુત્રના મૃત્યુ માટે સક્રિય બનતી હોય, એવા વિષયવસ્તુને રજૂ કરવાની મથામણ જ મોટી હોય એ સમજાય એવું છે, કારણ કે સામાન્ય સંજોગોમાં ભાવકની ચિત્તવૃત્તિ આ પ્રકારની ઘટનાઓને સ્વીકારી શકતી નથી, એટલું જ નહિ પણ એની સ્વીકૃતિ માટે ચોક્કસ નકારાત્મક વલણ જ સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ જયભિખ્ખુએ આ વાર્તામાં પોતાના વસ્તુસંદર્ભને ન્યાય્યતા આપવા માનવમનનાં તળિયાં ખોદી-ઉલેચી નાખ્યાં છે અને અત્યંત સૂક્ષ્મ મનોવિશ્લેષણાત્મક અભિગમને વાર્તાકલાનો વિશેષ અર્થ આપી ભાવકને પોતાની સાથે રાખ્યો છે એ વાર્તામાં એ રમમાણ બની રહે એવું આયોજન કર્યું છે. ‘આંખ નાની- આંસુ મોટું’ જેવી કરુણગર્ભ વાર્તાની કલાત્મક માવજત તપાસ્યા પછી એક કટાક્ષકથાને પણ જાણી લઈએ. ‘પારકા ઘરની લક્ષ્મી’ વાર્તાસંગ્રહમાં ‘રાંડેલો મુરતિયો’ નામની વાર્તાની ધારદાર કટાક્ષશૈલી, ગયા જમાનાની સામાજિક નીતિરીતિને આલેખતી હોવા છતાં, આજેય હૃદયને હસતાં હસતાં રડાવી દે એવી પ્રભાવક રહી છે. લખા શેઠના પ્રેમાની વહુ ક્ષયરોગને કારણે મરણની ઘડીઓ ગણી રહી છે એવે ટાણે પ્રેમાને વાયદાનો માલ ગણી પોતાની દીકરીઓ પરણાવવા ઉત્સુક બનેલા પિતાઓ પ્રત્યે અહીં નર્યો કટાક્ષ છે. પ્રેમાની વહુ મરે એની વાટ જોતા લોકોની મનોવૃત્તિ મોતની અદબ પણ જાળવતી નથી. વહુ મરું મરું કરે છે, પણ મરતી નથી એનો વલોપાત સાસુ-સસરાને પણ છે. લોકોની લાલચ દીકરીઓ માટે જગ્યા ખાલી થાય એની છે. પણ જયભિખ્ખુ લખે છે :

‘પણ વહુ ખબડદાર નીકળી ! જમ સાથે પણ ખૂબ બાખડી ! દાક્તર કહેતો હતો કે સાંજ ન ભાળે, પણ એણે તો રાત પણ કાઢી નાખી ! કન્યાનાં કહેણ કહેવા આવેલાંની મૂંઝવણ વધતી જતી હતી, ઘેર ખાતાં ખાતાં પણ તેઓ બૈરાંને સૂચના આપતા કે ‘જુઓ ! પ્રાણપોક સંભળાય કે તરત નાના ચીકાને ખબર આપવા દુકાને મોકલજો ! વહુ ઘડી-બે-ઘડીની છે. કંઈ કામકાજમાં ભૂલ ન થાય ! નહિ તો બાજી બગડી જશે !’ (પૃ. પર)

આરંભના કથનમાં લોકોની મનોવૃત્તિના અનુસંધાનમાં લેખકના પ્રતિભાવ વ્યક્ત થયા અને એની સાથે સંવાદનું સાંધણ થયું છે. આમ એક જ પરિચ્છેદમાં વહુના મૃત્યુની વાત જોતાં માણસોના માનસનું સુરેખ ચિત્ર લેખકે ઉપસાવ્યું છે.

પ્રેમાની વહુના મરણ પહેલાં પોતાની દીકરી માટે પ્રેમાનું મુરતિયાનું નક્કી કરવા આવી પડેલા પોપટલાલને ‘પોપટ શેઠ, તમે ક્યાંથી ?’ – એવો પ્રશ્ન થતાં ‘હેં હેં હેં’ કરી નાખે છે, એના અનુસંધાનમાં લેખકનો કટાક્ષ જુઓ :

‘હેં હેં હેં !’ પોપટ શેઠે વાણિયાશાહી હાસ્યમાં ઉત્તર આપ્યો. મહાપ્રાણ ગણાતો હકાર હેં હેં નું રૂપ ધરી જ્યારે વણિકશ્રેષ્ઠના કંઠમાંથી નીકળે, ત્યારે તેનું સામર્થ્ય ભલભલા પ્રશ્નકારને નિરુત્તર કરી દે છે.’(૫૫) ‘માબાપ તો દલાલ છે’ -ની ફિલસૂફીમાં માનતાં ને દીકરીને પરણાવવા કેવળ ભૌતિક પરિસ્થિતિએ રાજીના રેડ થતાં દીકરીનાં માબાપ સામે કટાક્ષ દાખવતી આ ટૂંકી વાર્તામાં લેખકે ધારદાર કટાક્ષનો આશ્રય લઈને વાર્તાકલાનો સમર્થ નમૂનો રજૂ કર્યો છે.

વાર્તાની સ્વરૂપલક્ષી સમજણ જ્યારે અલ્પવિકસિત દશામાં હતી ત્યારે પણ સામગ્રીના ભરપૂર વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકળામાં સંયોજવાની ક્ષમતા જયભિખ્ખુમાં હતી એના દૃષ્ટાંતરૂપે આપણે કેટલીક વાર્તાઓ અહીં ઉપસંહારમાં જોઈ છે. આટલા નમૂના પરથી પણ એટલું તો સ્પષ્ટ થાય છે જ કે જયભિખ્ખુની વાર્તાઓને પત્રકારની કે કટારલેખકની વાર્તાઓ કહીને – ગણીને ઉવેખવાને બદલે એનું રીતસરનું અધ્યયન કરવાથી જયભિખ્ખુની વાર્તાકલાલક્ષી સૂઝસમજણનો પરિચય પામી શકાય છે.

વસ્તુ અને સામગ્રીના વૈવિધ્ય ઉપરાંત જયભિખ્ખુની વાર્તાઓને તપાસીએ તો અવેર, સંપ, સત્ય, પ્રેમ, અહિંસા વગેરેનો સંદેશો લઈને આવતી જયભિખ્ખુની અનેક વાર્તાઓ એક અનોખા આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. એમાં મનુષ્યસ્વભાવનું અટપટું અને ઝીણવટભર્યું પૃથ્થકરણ શોધવા જનારને કદાચ નિરાશા મળે. નવી ‘ટેકનિક’ની નવલિકાને જ નવલિકા ગણનારા વર્ગને સીધું પ્રસંગકથન કરતી આ વસ્તુપ્રધાન અને ભાવનાપ્રધાન રચનાઓ સંપૂર્ણપણે વાર્તા ન લાગે તો પણ સંવેદનની સચ્ચાઈ અને વસ્તુલક્ષી માવજતને ઊંચા સાહિત્યના લક્ષણ ગણવામાં આવતા હોય તો જયભિખ્ખુની વાર્તાઓને અવશ્ય ઊંચી કક્ષાની વાર્તાઓ ગણવી રહી. ઊછળતી પેઢીને મસ્ત જીવનરસ પાતી અને એમની સાહિત્યરુચિને સંસ્કારતી આ વાર્તાઓ એમાંનાં વસ્તુસંદર્ભો, સામગ્રીવૈવિધ્ય, કલાસંયોજન, દર્શન વગેરેને કારણે પોતાની અભ્યાસપાત્રતા તો સિધ્ધ કરે જ છે. જયભિખ્ખુની ટૂંકી વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યનું એક લોકપ્રિય અને અભ્યાસપાત્ર પ્રકરણ બની રહે છે એ નિઃશંક છે.