જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
નટુભાઈ ઠક્કર
વાર્તા - ઉન્મેષ અને અભિગમ →


પ્રકરણ ૨

નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય

ગુજરાતી નવલકથાનું સ્વરૂપ અંગ્રેજોના આગમન પછી અને પાશ્ચાત્ય નવલકથાના પ્રત્યક્ષ પ્રભાવથી પ્રગટેલું વિસ્તરેલું અને એમ સમર્થ બનેલું સ્વરૂપ છે. એનું નામકરણ પણ પાશ્ચાત્ય પ્રભાવ ધરાવે છે, એ ય જાણીતી વાત છે. આ સંદર્ભમાં ગુજરાતી નવલકથાના ‘નવલ’ તત્ત્વનો અભ્યાસ કરનારને એની નિર્માણ-વિકાસગાથા પણ નવલ-વિશેષ અનુભવ કરાવશે. એ નવલ તત્ત્વ માત્ર સ્વરૂપ પરત્વે જ નહિ, સામગ્રી પરત્વે ય સંતોષજનક પરિણામો આપે છે.

યુનિવર્સિટીની સ્થાપનાના આરંભકાળે ગુજરાત અને ગુજરાતીને મુંબઈની શૈક્ષણિક-સાહિત્યિક પ્રવૃત્તિઓનો લાભ મળતો હતો, એનાં સુપરિણામે ગુજરાતી સાહિત્યનો સુધારક યુગ અવતાર પામ્યો. સુધારાની દૃષ્ટિ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પરિણામ હતું, પણ સુધારાની ભૂમિ તો ગુજરાતની જ હતી. ગુજરાતી પ્રજાને સુધારક યુગનો લાભ જે મળ્યો હોય તે, પણ ગુજરાતી સાહિત્યને આ યુગે વિલક્ષણ પથદર્શન કરાવ્યું છે. સુધારાવાદી વલણો કેવળ સામાજિક પ્રવૃત્તિઓમાં રમમાણ બની રહ્યાં નથી, પણ સાહિત્યક્ષેત્રે એનું આગવું પ્રદાન રહ્યું છે, એ ય સર્વવિદિત છે.

સુધારક યુગની સાહિત્યિક પ્રવૃત્તિ માટે પાશ્ચાત્ય દર્શન એક મહત્ત્વનું પરિબળ બની ગયું એ સાચું, પણ સુધારક પ્રવૃત્તિના નિમિત્તમાં ગુજરાતના પ્રજાજીવનની જ ભૂમિકા હતી. એ રીતે વિચારતાં કોઈ પણ સહૃદય અભ્યાસીને સમજાશે કે ગુજરાતી નવલકથા કે અન્ય - પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રેરણા પામેલા - સાહિત્યસ્વરૂપોની સામગ્રીનાં મૂળ ગુજરાતી પ્રજાજીવન અને પ્રજાસંસ્કાર સાથે દૃઢતર રીતે જોડાયેલાં છે. આ દૃઢબંધ છેક અદ્યતન સાહિત્યપ્રવૃત્તિ સાથે પણ અનુસ્યૂત છે, એ ય સહૃદયો માટે જાણીતી બાબત છે.  આ પરિપ્રેક્ષ્યમાં વિચારતાં, અંગ્રેજોના આગમન પહેલાંની પરિસ્થિતિ દરમ્યાન એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વહેતા કથારસની અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ પછીની એવી પરિસ્થિતિની તુલનામાં સામ્યવૈષમ્ય તારવવાનું સહેલું બનશે. કથારસને વહેતો કરવા માટે મધ્યકાળે મુખ્યત્વે આખ્યાન અને પદ્યવાર્તાનો આધાર લીધો હતો. એમાં આખ્યાનમાં વિષયવસ્તુ પૌરાણિક હોવાં છતાંય પ્રેમાનંદ જેવા સમર્થ કવિએ સમાજજીવનની સામગ્રીના આલેખનમાં સમકાલીનતા જાળવી છે. એ જ રીતે શામળની લોકવાર્તાઓમાં જે પાત્રો આલેખાયાં છે. એનાં આચારવિચાર ઔપચારિકતા અને બાહ્ય ઉપકરણો તેના સમકાલીન ગુજરાતનાં જ જણાય છે. મધ્યકાલનાં અન્ય કથારસિત સ્વરૂપોના અભ્યાસથી પણ આવાં જ તારણો નીકળશે.

એ જ રીતે ‘કરણઘેલો’ કે ‘સાસુ વહુની લડાઈ’ જેવી આરંભકાલીન નવલકથાઓમાં વાતાવરણ તો એના સર્જનકાળના ગુજરાતનું જ રહ્યું છે. ‘કરણઘેલો’ તો ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથા છે, એમ છતાં એમાં સૂતરની આગ કે રેલનાં તાદૃશ ચિત્રણ છે એમ કહેવાયું છે. સંક્ષેપમાં કહીએ તો પાશ્ચાત્ય પ્રકારને ગુજરાતીમાં અપનાવીને ગુજરાતી નવલકથાકારે આરંભથી જ ગુજરાતી સમાજદર્શન, સંસ્કૃતિ અને વાતાવરણને નવલકથાની સામગ્રીના લેખે લગાડ્યાં છે.

મધ્યકાળમાં પદ્યરૂપે વહેતી કથાઓમાં પ્રેમાનંદે કે શામળે વસ્તુવિન્યાસ અંગે અનેકવિધ ચમત્કૃતિઓનો આધાર લઈને કથારસ બહેલાવ્યો છે. વિવિધ રસનું સંયોજન, તેજસ્વી પાત્રાલેખન, પાત્રપરિસ્થિતિની પારસ્પરિક સંપૂરકતા જેવાં વિલક્ષણ તત્ત્વો મધ્યકાલીન કથાસાહિત્યમાં હતાં અને એ પછી નવલકથામાં પણ ટકી રહ્યાં છે. સર્જકને ઇષ્ટ એવી - ‘જિજ્ઞાસારસને દ્રવતો રાખી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવાની’ - પ્રવૃત્તિ તો છેક ‘સરસ્વતીચંદ્ર’ સુધી અને પછી પણ નવલકથાના આલેખન સંદર્ભે વિલસતી રહી છે.

એ તો જાણીતી વાત છે કે ગુજરાતી નવલકથાકારે નવલ વસ્તુનિરૂપણ સંદર્ભે જેટલી સામગ્રીની ખેવના કરી છે, એટલી સ્વરૂપની કરી નથી. તેથી, સ્વરૂપલક્ષી આલેખનની સાચી કે ખોટી મથામણો, થોડા સ્વરૂપનિર્માણના અભ્યાસીઓ સિવાય વિવેચાઈ પણ નથી. આકૃતિ-નિર્માણની અપેક્ષાએ સુરેશ જોશી જેવા જાગૃત વિદ્વાને કરેલી વિવેચના ખુદ તેઓના પોતાના સર્જનમાં જ તેઓને વશવર્તીને રહી નથી, એ વાત પણ નોંધપાત્ર છે. આમ, સ્વરૂપની વિભાવના ગુજરાતી નવલકથાની વિકાસગતિમાં કેવળ એનાં ઘટક તત્ત્વોની પ્રાથમિક સમજણથી આગળ વધી નથી. તેથી કેટલીક વાર ‘નવલિકા લાંબી કરવાથી નવલકથા બને અને નવલકથા ટૂંકી કરવાથી નવલિકા બને’ એવી ખોટી સમજણ પણ ચગેલી જોવા મળે છે.

એમ છતાં, ગુજરાતી સાહિત્યના સર્જનકાલમાં નવલકથા વધુ લોકપ્રિય બનેલો સાહિત્યપ્રકાર છે. એના નવલતત્ત્વની અપેક્ષાએ સામગ્રીની નવીનતા સતત ધ્યાનપાત્ર બનતી રહે એવું સામગ્રીપરક ગજું પણ ગુજરાતી નવલકથાએ દાખવ્યું છે. બૃહદ્ નવલથી આરંભીને છેક લઘુનવલ કે અણુનવલ સુધીની વાત સમજણ વિસ્તારવામાં ગુજરાતી વિવેચન પણ - નવલકથા નિમિત્તે – ગજું દાખવી શક્યું છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નવલકથાની પરંપરા ઊભી કરનાર નંદશંકરની ‘કરણઘેલો’ (ઈ. સ. ૧૮૬૬) એક અંગ્રેજી શિક્ષણાધિકારી મિ. રસેલની પ્રેરણાથી લખાઈ હતી. ગુજરાતના છેલ્લા મહારાજા કરણ વાઘેલાની કથાને પસંદ કરીને લેખકે ઇતિહાસવિષયક નવલકથાનું આલેખન કર્યું છે. એમાં કથાનું સંવિધાન શિથિલ છતાં અવિસ્મરણીય વર્ણનો અને છટાદાર ભાષાશૈલી દ્વારા આરંભના તબક્કે જ લેખકે ગુજરાતીની નોંધપાત્ર નવલકથા આપી છે.

અંગ્રેજી સાહિત્યના જ સંગરંગથી ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ લગભગ આ જ ગાળામાં નવલકથા રચવાના પ્રયત્નો થયેલા છે. બંગાળી, મરાઠી, હિન્દી, તેલુગુ વગેરેમાં લખાયેલી પ્રથમ નવલકથાઓમાં બંગાળી નવલકથા ‘દુર્ગેશનંદિની’ પછી ‘કરણઘેલો’ વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ મહત્ત્વના ઉન્મેષ સમી બની રહે છે. એ પણ ગુજરાતી નવલકથાના આરંભ સંદર્ભે નોંધનીય ઘટના ગણાવી શકાય.

આજ અરસામાં શ્રી મહીપતરામ નીલકંઠે ‘સાસુવહુની લડાઈ’ (ઈ.સ. ૧૮૬૬), હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’ (ઈ.સ. ૧૮૭૯), કેશવલાલ પરીખે ‘રૂઢિ અને બુદ્ધિની કથા’ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘હિંદ અને બ્રિટાનિયા’ (ઈ. સ. ૧૮૮૫) જેવી સામાજિક, કાલ્પનિક કે ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથાઓ આપી છે.

‘કરણઘેલા’માંથી જ પ્રેરણા મેળવીને મહીપતરામ નીલકંઠ ‘સધરા જેસંગ’ ઈ. સ. ૧૮૮૦માં અને ‘વનરાજ ચાવડો’ ઈ. સ. ૧૮૮૧માં લખી. આ પહેલાં શ્રી અનંતપ્રસાદ વૈષ્ણવે ‘રાણકદેવી’ ઈ. સ. ૧૮૭૯માં આપી. અલબત્ત, આ કથાઓ કલ્પનાના મિશ્રણવાળી સામાન્ય કક્ષાની ઐતિહાસિક નવલકથાની ચોક્કસ વિભાવના વગર લખાયેલી નવલકથાઓ છે.

નર્મદયુગની ‘કરણઘેલો’ અને ‘સાસુ-વહુની લડાઈ’ એ બંને નવલકથાઓના પ્રકાશને ગુજરાતી નવલકથાના વિકાસ માટે સ્પષ્ટ રીતે બે માર્ગો ખુલ્લા કરી આપ્યા છે. એક ઐતિહાસિક અને બીજો સામાજિક નવલકથા સર્જનનો. એમાં ય તે ઐતિહાસિક નવલકથાઓ લખવા તરફ લેખકો વધુ વળેલા છે.

ઈ. સ. ૧૮૮૭માં લખાયેલી ગૌવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા નવલક્ષેત્રે નોંધપાત્ર પ્રસ્થાન કરે છે. ગાંધીજી પૂર્વે ગુજરાતી પ્રજાના સંસ્કાર-ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપતી આ નવલકથામાંથી ઈ. સ. ૧૮૮૫ની આસપાસના સંસ્કૃતિકાળનું આર્ષ-દૃષ્ટિયુક્ત દર્શન પ્રાપ્ત થાય છે. આપણી ગુજરાતી નવલકથાઓ વિકાસલક્ષી અભ્યાસ કરનારે એની સામગ્રીના વૈવિધ્યના સામર્થ્યનો અભ્યાસ કરવો હોય તો ‘સરસ્વતીચંદ્ર’ જેવા આકાર ગ્રંથને જ સૌ-પ્રથમ અભ્યાસ-નિમિત્ત બનાવવો જોઈએ. સમાજ, શિક્ષણ, સંસ્કાર, સાહિત્ય, ધર્મ અને રાજકારણ જેવાં વિવિધ અંગોના વૈવિધ્યનો અનુભવ આ આકર ગ્રંથમાં થાય છે. ગોવર્ધનરામે ચિંતનના ખંડો પણ આગવી રીતે નવલકથામાં સમાવિષ્ટ કર્યા છે. આ ચિંતન કથારસની ઉપરવટ જઈને ક્યારેક તો નવલકથાના કલાતત્ત્વને આઘાત આપીને પણ, પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરે છે. એનું સારતત્ત્વ કૃતિમાંથી પ્રગટતા જીવનદર્શનની પ્ર-સિદ્ધિ સાથે સંકળાયું છે અને એમ કરવામાં જ નવલકથાની ઇતિશ્રી છે, એમ ગોવર્ધનરામ માને છે – પ્રમાણે છે.  નવલકથાનું જીવનદર્શન ગુજરાતી નવલકથામાં અનિવાર્ય બની જાય, છેક આજ દિન સુધી નવલકથાનાં ઘટકતત્ત્વોમાં એની નોંધપાત્રતા ટકી રહે અને કથન-વર્ણન-સંવાદનાં વિવિધલક્ષી આલેખનોમાં એનું પ્રાગટ્ય મહિમાવાન બનતું રહે - એવી પરંપરા ગુજરાતીની પહેલી માતબર પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’થી વિશિષ્ટ રીતે સિદ્ધ થઈ - એ મુદ્દો અહીં નોંધપાત્ર બને છે. ‘સરસ્વતીચંદ્ર’ પછીની નવલકથાઓમાં મુનશી, રમણલાલ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ, દર્શક, રઘુવીર ચૌધરી વગેરે સર્જકોએ એક યા બીજી રીતે ‘જીવનદર્શન’નાં અર્થઘટનોને પોતાની રીતે અર્થવાન બનાવ્યાં છે.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની અસર અનુગામી નવલકથાઓ ઉપર ઘેરા રૂપે થઈ છે. ‘સરસ્વતીચંદ્ર’ની જ અસર રૂપે શ્રી ભોગીન્દ્રરાવ દિવેટીયા ‘ઉષાકાન્ત’, ‘મૃદુલા’ અને ‘મોહિની’ જેવી સામાજિક નવલો આપે છે. આ ઉપરાંત ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ’ વગેરે સાપ્તાહિક પત્રોની વાર્ષિક ભેટો દ્વારા પણ સામાજિક અને ઐતિહાસિક નવલો મળતી રહે છે. લગભગ ઈ. સ. ૧૯૦૮ના અરસામાં અમદાવાદમાં સ્થપાયેલી ‘બંધુ સમાજ’ સંસ્થાએ ‘સુંદરી સુબોધ’ માસિક દ્વારા લગ્ન અને સ્ત્રીશિક્ષણના કેટલાક પ્રશ્નો ચર્ચતી નવલકથાઓ પણ રચી છે. રામમોહનરાયે ‘બાલા’ તથા ‘યોગિની’ અને શિવુભાઈ દૂરકાળે ‘પદ્મનાભ’ ‘અલક્ષ્ય જ્યોતિ’ જેવી નવલકથાઓ ગોવર્ધનરામના પ્રભાવબળે રચી છે. ન્હાનાલાલની પહેલાં ‘અલભ્ય જ્યોતિ’માં શ્રી દૂરકાળે આત્મલગ્નની ચર્ચા કરી છે.

આ ગાળાના લેખકોમાં શ્રી નારાયણ વસનજી ઠક્કુર પણ નોંધપાત્ર છે. તેમણે આપેલી ઐતિહાસિક નવલકથાઓમાં સમય, સ્થળ અને પ્રસંગની બહુવિધતા સારી છે. એમણે નવલો લખવા માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાનના, ઉત્તરહિંદના સિંધ, કચ્છ, બંગાળ અને મહારાષ્ટ્રના ઇતિહાસનો પણ ઉપયોગ કર્યો છે. એમની લેખનપદ્ધતિમાં સ્કોટ શૈલીના અંશો જણાય છે. તેમણે આપેલી પચ્ચીસેક નવલોમાં ‘પ્લાસીનું યુદ્ધ’, ‘રઝિયા બેગમ’, ‘પદ્મિની’, ‘ચૂડેલનો વાંસો’ વગેરે નિવડેલી લોકપ્રિય નવલો છે. તેમનું પાત્રવિધાન મોટે ભાગે શાસ્ત્રીય ચોકઠામાં જડેલું હોય છે. મણિલાલ છબારામ ભટ્ટે પણ કેટલીક નવલો આપી છે જેમાં ‘ઝાંસીની રાણી’ અને ‘પૃથુરાજ’ એ બે ઉલ્લેખનીય છે. ‘સરસ્વતીચંદ્ર’ પછી હાસ્યરસભરપૂર પહેલી નવલકથા ‘ભદ્રંભદ્ર’ રમણલાલ નીલકંઠ પાસેથી મળે છે. રમણલાલની સ્થૂળ અને સૂક્ષ્મ નૈસર્ગિક હાસ્યકલાનો પરિચય કરાવતી આ નવલકથા આજે એ સમયનાં પ્રશ્નો નહીંવત્ હોવા છતાંય અને પુનરાવર્તનના દોષો તથા સુધારક વૃત્તિવાળી હોવા છતાં ય એટલી જ આકર્ષક રહી છે. ડિકન્સ અને સર્વાન્સિસની નવલકથાઓ જેવી હાસ્યરસિકતા આ નવલકથાની સિદ્ધિ ગણી શકાય.

નવલકથાનો બીજો ઉન્મેષ ક. મા. મુનશીમાં જોવા મળે છે. ‘વેરની વસુલાત’, ‘સ્વપ્નદૃષ્ટા’, ‘તપસ્વિની’ જેવી સામાજિક, ‘લોપામુદ્રા’, ‘લોમહર્ષિણી’ જેવી પૌરાણિક અને ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથ્વીવલ્લભ’ જેવી ઐતિહાસિક એમ ત્રિવિધ વિષયવસ્તુ ધરાવતી નવલકથાઓ એમણે રચી છે. એમની વિશેષ પ્રતિભા ઐતિહાસિક નવલકથાઓમાં ખીલી છે. ઈ. સ. ૧૯૧પમાં ‘પાટણની પ્રભુતા’ નામની એમની નવલકથા પ્રસિદ્ધ થઈ ત્યારથી નવલકથાક્ષેત્રે ‘મુનશીયુગ’ શરૂ થયો. કાર્યવેગી વસ્તુવિન્યાસ, વિલક્ષણ અને જીવંત પાત્રો અને ઓજસ્વી શૈલીએ મુનશીની નવલકથાઓને મોટી પ્રતિભા બક્ષી છે.

કનૈયાલાલ મુનશીની પરંપરાભંગ-રૂઢિભંગને કારણે સર્જનક્ષેત્રે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા, છતાં સમર્થ સર્જક હતા. આ સર્જકની કૃતિઓ વિષેના વિવાદમાં મહાત્મા ગાંધીજી જેવી ઉચ્ચસ્તરીય વિભૂતિ પણ સંકળાઈ હતી. એમ છતાં, મુનશીના જીવનદર્શન વિષે તત્કાલીન ગુજરાતી વિવેચનને નોંધ લેવી પડે, એવી પરિસ્થિતિ તો હતી જ. ઇતિહાસ, પુરાણ, સંસ્કૃતિના આ પ્રખર અભ્યાસી નવલકથાકાર પાસે જીવન જોવાની પરંપરાગ્રસ્તોને વાંકી લાગતી છતાં આગવી દૃષ્ટિ હતી, અને એ જીવનમાંગલ્યના મહિમાની વિરોધી નહોતી એટલું તો સ્વીકારવું જ પડે. માંગલ્યપ્રાપ્તિના મુનશીના અભિગમો વિવાદાસ્પદ હોઈ શકે, પણ એના સર્જનલક્ષી મહિમાનો વિરોધ થઈ શકે નહિ.

ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’ અને એના અનુકરણોની પરંપરાને હંફાવીને નવો ચીલો પાડી શકે તેવી સમર્થ કથા પ્રગટ થઈ ‘સરસ્વતીચંદ્ર’. એણે જે નવો પ્રકાશ પ્રગટાવ્યો તેને પરિણામે ગુજરાતીમાં ઐતિહાસિક નવલકથાના વળતા પાણી થયાં. ઈ. સ. ૧૯૧૫ સુધી તેની અસર રહી અને તેના અનુકરણમાં ઘણી નિઃસત્ત્વ સામાજિક નવલકથાઓ લખાઈ : પણ મુનશીનો ઉદય થતાં એમની ઐતિહાસિક નવલોએ વળી પાછો ઐતિહાસિક નવલકથાનો વિજયશંખ ફૂંક્યો. ગુજરાતની અસ્મિતાને એમણે મલાવીને લલકારી. ઈ. સ. ૧૯૨૦થી ૪૦ના સમયને ‘સરસ્વતીચંદ્ર’ની લોકપ્રિયતામાં આવેલી ઓટનો સમય ગણી શકાય. ગોવર્ધનરામ ભુલાતા નથી, વખણાય છે છતાં ઓછાં વંચાય છે. શ્રી આનંદશંકર ધ્રુવે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં (‘પરિષદ, પ્રમુખનાં ભાષણો’, પૃ. ૩૮૦-૮૧) કહ્યું હતું કે ‘આજે એ પુસ્તક વિષે બહુ બોલાતું-લખાતું નથી, કારણ કે પ્રજાની સહૃદયતા કંઈક બીજે માર્ગે વહેવા લાગી છે.’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ કહે છે કે ‘મુનશીની તેજસ્વી નવલકથાઓનો અને ગાંધીજીની સર્વસ્પર્શી પ્રવૃત્તિઓનો સમય ઈ. સ. ૧૯૨૦થી ૧૯૪૦નો સમય ‘સરસ્વતીચંદ્ર’ની લોકપ્રિયતામાં ઓટનો સમય ગણી શકાય.’ (‘ગૌવર્ધનરામ - ચિંતક અને સર્જક’પૃ. ૭૯).

મુનશી પછી ધૂમકેતુ, ચુ. વ. શાહ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય વગેરેની નવલકથાઓ ગુજરાતી નવલકથા સાહિત્યમાં-ગણનાપાત્ર બને છે. એ બધા પર મુનશીની પ્રત્યક્ષ પરોક્ષ અસર છે. ઐતિહાસિક ઉપરાંત સામાજિક નવલકથાક્ષેત્રે નવું પ્રસ્થાન કરવાનો યશ ૨. વ. દેસાઈને ફાળે જાય છે. ‘દિવ્યચક્ષુ’, ‘કોકિલા’ જેવી કૃતિઓમાં એમણે ગુજરાતનું સમકાલીન વાતાવરણ અને સામાજિક પ્રશ્નો આલેખ્યા છે તો જાનપદી લોકહૈયાની વિવિધ મુદ્રાઓ અને છટાઓ બતાવતો મિજાજ પન્નાલાલ, પેટલીકર, પીતાંબર વગેરેમાં દેખાય છે.

ધૂમકેતુની વિવિધ વિષયની નવલોમાં ઐતિહાસિક નવલો વિશેષ નોંધપાત્ર છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના સુવર્ણયુગ સમો સોલંકીયુગ ‘ચૌલાદેવી’, ‘વાચિનીદેવી’, ‘રાજકન્યા’ જેવી સોળ નવલકથાઓમાં સિલસિલાબંધ આકર્ષક રૂપે રજૂ થયો છે, તો ગણરાજ્યની પ્રેરણા આપતો ભારતના ઇતિહાસનો બીજો સુવર્ણયુગ એમની ‘આમ્રપાલી’થી શરૂ થતી ‘નગરવૈશાલી’, ‘મગધપતિ’ જેવી બાર નવલકથાઓમાં અંકિત થયો છે. આ બંને નવલકથાઓએ ગુજરાતના લોકહૃદયમાં નવલકથાકાર ધૂમકેતુને – એમની નવલિકાઓ જેટલી સફળતા એમને એમાં ન સાંપડી હોવા છતાં - આગળનું સ્થાન અપાવ્યું છે. મુનશીએ આ સંદર્ભે યોગ્ય કહ્યું છે : 'એમની કલ્પના સમૃદ્ધ હતી એવી સૃષ્ટિ એમણે સરજી તે લાંબા કાળ સુધી ગુજરાતી માનસને પ્રેરણા અને આનંદ આપશે.’ (ચૌલાદેવીની ૬ઠ્ઠી આવૃત્તિનો ફ્લેપ).

ચુ. વ. શાહ પાસેથી ‘કર્મયોગી રાજેશ્વર’, ‘અવંતીનાથ’ જેવી ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત ‘જિગર અને અમી’, ‘વર કે પર ?’ ‘વિલોચના’, જેવી સામાજિક નવલો પણ મળે છે. નવલકથાલેખનની એમની શૈલી સરળ, સ્વસ્થ અને રુચિકર છે. ઐતિહાસિક વાતાવરણને યોગ્ય પાત્રસૃષ્ટિનું નિર્માણ થયું હોવા છતાં મુનશીની આ પ્રકારની નવલોમાં જે કાર્યવેગ અને ઉત્કટતા છે તેનો એમની નવલોમાં અભાવ જણાય છે. તેમની સામાજિક નવલોમાં ‘જિગર અને અમી’ સૌથી વધુ લોકપ્રેમાદર પામી છે..

આ જ સમયગાળામાં બીજા લોકપ્રિય નવલકથાકાર મેઘાણી પાસેથી ‘નિરંજન’, ‘સત્યની શોધમાં’, ‘સોરઠ તારા વહેતા પાણી’, ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ જેવી સામાજિક ઉપરાંત ‘સમરાંગણ’, ‘રા' ગંગાજળિયો’ અને ‘જય ગુજરાત’ જેવી ઐતિહાસિક નવલોમાં તેઓ ઇતિહાસને વફાદાર રહેવા છતાં નવલકથાને ઠીક ઠીક આકર્ષક બનાવી શક્યા છે.

ગુમવંતરાય આચાર્યની ‘દેશદીવાન’, ‘ઇન્કિલાબ’, ‘દરિયાલાલ’ વગેરે લેખકની જોમવાળી શૈલીને લીધે નોંધપાત્ર બની છે. ગુજરાતી ઐતિહાસિક નવલોમાં સમુદ્રીય સાહસકથાઓને સર્વપ્રથમ લાવનાર તેઓ છે. સૌરાષ્ટ્ર અને શૌર્યકથાઓ સાથે સમુદ્રના સૌંદર્ય પ્રતિનો એમનો પ્રેમ, ગહન ભૌગોલિક જ્ઞાન, ઇતિહાસની સાથે લોકકથાઓ અને કિંવદંતીઓને એમની ઐતિહાસિક નવલોમાં વિશિષ્ટ સ્થાન મળ્યું છે. ભારતના દક્ષિણ તટ અને સુદૂર આફ્રિકા સુધીનો દેશકાળ એમની નવલોમાં વિસ્તર્યો છે. પ્રકૃતિ અને મનુષ્યનો સંઘર્ષ, તથા એ સંઘર્ષમાં પ્રણયકથા એમની નવલોને આકર્ષક બનાવે છે.

ત્યાર પછી સમયદૃષ્ટિએ ગુજરાતી નવલકથાના વિકાસમાં નોંધનીય નામ છે ‘જયભિખ્ખુ’નું. જયભિખ્ખુ નવલકથાક્ષેત્રે પ્રકાશમાં આવ્યા. ઈ. સ. ૧૯૩૫ પછી. એ એવા નવલકથાકાર છે જેમણે પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં પૂર્વપરંપરા કરતાં તદ્દન નવીન અને વિશિષ્ટ પ્રદાન કર્યું હોય. બુદ્ધકાળ, મૌર્યકાળ અને ગુપ્તયુગ પૂર્વેના ઇતિહાસની સાથે સંબંધ ધરાવતી રજપૂતકાલીન નવલકથાઓમાં એમણે જૈન ધર્મના પ્રાણ સમ અહિંસા અને શાંતિના સૂરને કૌશલ્યથી ઉપસાવ્યો છે.

આમ સામગ્રીના વૈવિધ્યની માતબર પરિસ્થિતિ, નવલસાહિત્યના સર્જન નિમિત્તે સતત સંકોરાતી જીવનચેતના, જીવનમાંગલ્યના પરમ તત્ત્વોને પામવા-પમાડવાની સર્જક-ચેતના સાથે ગુજરાતી સમાજ-સંસ્કારને આશ્લેષમાં રાખી વિકસતી ગુજરાતી નવલકથાને ‘જયભિખ્ખુ’ જેવા વૈવિધ્યસભર વિષયવસ્તુથી સમૃદ્ધ, સ્વચ્છ, માંગલ્યદર્શી જીવનદર્શનથી પરિસ્કૃત અને ગુજરાતી પ્રજાના સામાન્ય વાચકવર્ગથી માંડીને સુખ્યાત વિદ્વાનો દ્વારા પુરસ્કૃત સર્જક મળે એ કોઈ અકસ્માત ગણી શકાય નહિ. જયભિખ્ખુની સર્જક ચેતનાનું વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય ગુજરાતી નવલકથાની સોપાન-શ્રેણીનું એક વિશુદ્ધ સંસ્કાર-સંમાર્જિત, રંગસમૃદ્ધ અલ્પનામંડિત, પ્રશિષ્ટ સાહિત્યરસિત સોપાન છે.

ઐતિહાસિક નવલકથામાં આવતો ઇતિહાસ ઇતિહાસરૂપે અતડો ન રહેવો જોઈએ. કલાની વિશિષ્ટ પ્રક્રિયા હેઠળ એનું રાસાયણિક પરિવર્તન થવું જોઈએ. આવું સાહિત્યકૃતિમાંનું ઇતિહાસનું પરિવર્તિત રૂપ વધુ રમણીય અને આસ્વાદ્ય બને છે. અલબત્ત, ઇતિહાસ પરિવર્તન પામીને પણ ઇતિહાસસત્ત્વથી સ્યૂત ન થાય એનું ઐતિહાસિક નવલકથામાં ધ્યાનમાં રાખવું ઘટે.

ઇતિહાસ અને નવલકથા બંનેને માનવમાં રસ છે. માનવસંસ્કૃતિની ચરમ સિદ્ધિ પણ મનુષ્યને પામવામાં છે. માનવઆત્માનો તાગ મેળવવાના ઇતિહાસકારના પુરુષાર્થમાં નવલકથાએ મદદરૂપ બનવાનું છે. ઇતિહાસ નવલકથા પર કે નવલકથા ઇતિહાસ પર સત્તા જમાવવા જાય તો છેવટે માનવતાના ચિત્રણમાં જ વિકૃતિ આવે. ઐતિહાસિક સાહિત્યકૃતિમાં ઇતિહાસનું તથ્ય ન જળવાય તો એમાં સાહિત્યનું ઇતિહાસ પરનું આક્રમણ જ સિદ્ધ થાય અને એ ઉચિત નથી.

ઐતિહાસિક નવલકથાના સર્જકનું પ્રયોજન ઇતિહાસ લખવાનું નથી. એને તો કલાનિર્મિતિમાં રસ છે. પોતાની કૃતિ દ્વારા તેણે આનંદની શોધ માટેનો સાહસભર્યો પુરુષાર્થ આદર્યો હોય છે. ઐતિહાસિક નવલકથા ભાવકને જો આનંદનો અનુભવ ન કરાવી શકે, માત્ર માહિતીની ભરમારમાં જ અટવાયા કરે તો કલાકૃતિ તરીકે ઊણી સિદ્ધ થાય છે. વળી ઐતિહાસિક નવલકથા ઇતિહાસથી અલગ હોવાથી એને ચકાસવા માટે ઇતિહાસની તપાસના સાધનો અને પદ્ધતિઓ કામયાબ નીવડતાં નથી. ઐતિહાસિક નવલકથામાં તો ઇતિહાસની તપાસકલા પૂરતી જ મર્યાદિત રહેવી જોઈએ. ઐતિહાસિક નવલકથાને તેથી ઇતિહાસના ધોરણે નહીં, સાહિત્યના ધોરણે તપાસવી પડે.

ઐતિહાસિક નવલકથામાં રસદૃષ્ટિએ ઇતિહાસનું તથ્ય જળવાવું જોઈએ. સર્જક ઇતિહાસની સામગ્રીને આધારે કલાકૃતિ સર્જે છે. એ સામગ્રી ભાવકના મનમાં કેટલીક અપેક્ષાઓ જગાડે છે. મોટે ભાગે એ કળાની અપેક્ષાઓ હોય છે તેથી ઐતિહાસિક સામગ્રીમાં સર્જક જે કંઈ ફેરફાર કરે એ ભાવકને વિશ્વાસમાં લઈને જ કરી શકે. લખાણ ભાવકને સાદ્યંત શ્રદ્ધેય લાગવું જોઈએ. સામગ્રીનો ફેરફાર કરતી વેળાએ ભાવક સાથેનો પોતાનો ભાવસેતુ અખંડ રહે એની સર્જકે સાવધાની રાખવાની છે. આથી ટાગોરે કહ્યું છે : ‘રામચંદ્રને પામર કે રાવણને સાધુપુરુષ કોઈ નવલકથાકાર ચીતરે ત્યારે તે ઇતિહાસની વિરુદ્ધમાં અપરાધ નથી, કાવ્યની વિરુદ્ધમાં છે. સર્વજનવિદિત સત્યને તદ્દન ઉલટાવી નાખવાથી રસભંગ થાય છે.’ (સાહિત્ય, પૃ. ૧૫૩; લેખ : ‘ઐતિહાસિક નવલકથા’).

ઐતિહાસિક નવલકથા ઇતિહાસના વાતાવરણને ઉચિતરૂપે જાળવે એ પણ જરૂરી છે. અલબત્ત, તત્કાલીન દેશકાળની માહિતી એ નવલકથામાં સ્થૂળ વસ્તુ છે એને ચિત્રિત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કથાનકના સ્પષ્ટીકરણનું એ સાધન છે, સ્વયં સાધ્ય નહીં. કથાનકની ગતિ તોડીને એમાં દેશકાળનાં વર્ણનો રેડ્યા કરવામાં આવે તો કૃતિ પોતાની કાન્તિ ખોઈ બેસે.

ઐતિહાસિક નવલકથામાં ઘણીવાર પૌરાણિક નવલકથા જેવા કે તેથી ભિન્ન પ્રકારના ચમત્કાર આવતા હોય છે. આ ચમત્કારને ચમત્કાર લેખે જ કૃતિમાં સ્થાન આપવાથી કશું સિદ્ધ થઈ શકતું નથી. ચમત્કાર કે અપાર્થિવતા કથામાં રસક્ષતિ કરતા હોય તો તેને ટાળવા જ રહ્યા, પણ એના ઔચિત્યપૂર્વકના અને જરૂરી ઉપયોગથી ઐતિહાસિક નવલકથાને રસાત્મક બનાવી શકાય ખરી. નવલકથાની કલાને ઇજા ન થાય અને લોકોમાં અરુચિ ન જન્મે એ રીતે ચમત્કાર પ્રયોજી શકાય.

ઐતિહાસિક નવલકથામાં કલ્પનાનો ઉપયોગ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિના ચિત્રણમાં જેટલો ઇચ્છનીય હોય એટલો જ કરવો જોઈએ - અને તે પણ તટસ્થ ઐતિહાસિક દૃષ્ટિથી. ઇતિહાસને પચાવી એવાં સ્થાન એણે શોધી કાઢવાં જોઈએ કે જ્યાં કલ્પના માટે પૂરતો અવકાશ હોય. કલ્પનાના બળ ઉપર એ રામને ટાઈ કે સીતાને મોક્સી પહેરાવી શકે નહીં. ઇતિહાસની એવી વિકૃતિથી તો એનું લખાણ હાસ્યાસ્પદ બનવાનું. હડસન કહે છે : ‘ઐતિહાસિક નવલકથાઓના સર્જકનું કામ માત્ર ઇતિહાસની શુષ્ક અને વિશૃંખલ વિગતોને કલ્પનાતંતુથી સાંકળી જે તે સાંસ્કૃતિક સમયનું યથાર્થ અને રસપૂર્ણ ચિત્ર આપવાનું છે. એ ચિત્રમાં કલાગત એકતા અને પૂર્ણતા હોવી જોઈએ. સામાન્ય વાચક પણ આ કલ્પનાચિત્રનું જ સૌથી વધુ મૂલ્ય આંકે છે.’ (An Introduction to the Study of Literature p. : 212)

સમગ્રતયા જોઈએ તો ઐતિહાસિક નવલકથાઓના બે પ્રકાર પડતા જણાય છે : (૧) ઇતિહાસનિષ્ઠ નવલકથાઓ, (૨) ઇતિહાસકલ્પ નવલકથાઓ. ભૂતકાળની વિગતોનું યથાતથ નિરૂપણ કરતી નવલ ઇતિહાસનિષ્ઠ કહેવાય છે. એમાં લેખક ઇતિહાસને સજીવન કરી એને અનુભૂતિગમ્ય બનાવવાનો આનંદભર્યો પુરુષાર્થ આદરે છે. લેખકની કલ્પના ત્યાં ઇતિહાસને વશ વર્તે છે. ઇતિહાસનિષ્ઠ નવલમાં દેશકાળની મર્યાદામાં રહીને સર્જક ઐતિહાસિક વસ્તુ-પાત્ર આદિમાં ફેરફારો કરે છે, પણ એ ફેરફારોમાં કલાની-આગળ વધીને કહીએ તો ઇતિહાસની-અનિવાર્યતા પ્રતીત થાય છે. ઇતિહાસકલ્પ નવલોમાં ઇતિહાસની સામગ્રીનો ઉપયોગ થયો હોય છે, પણ તે કલ્પનાસૃષ્ટિને સાકાર કરવામાં લેખકની કલ્પનાને ઇતિહાસ વશ વર્તતો હોય એવું અહીં દેખાય છે. અહીં લેખકને ઇતિહાસ કરતાં ઇતિહાસની યથાશક્ય મદદ વડે ઊભી કરેલી પોતાની ગાંધર્વ નગરીમાં વધારે રસ હોય છે. ટૂંકમાં ઐતિહાસિક નવલકથાકાર ઇતિહાસની સન્નિકટ હોય છે. ઐતિહાસિક ઘટનાઓનું એને બંધન હોવા છતાં એની રચનાનું અંતિમ લક્ષ્ય કલાતત્ત્વ છે. ભૂતકાળ ઐતિહાસિક નવલકથામાં પુનર્જિવિત થાય છે પણ તે પુનર્નિર્મિત થઈને, અને આ પુનનિર્માણમાં ઐતિહાસિક નવલકથાની કલાપ્રક્રિયાનો ફાળો જ મોટો છે.

પૌરાણિક નવલકથા એના કથા વસ્તુની પસંદગીની બાબતમાં મુખ્યત્વે ઐતિહાસિક નવલથી જુદી પડે છે. પુરાણખ્યાત વસ્તુ સ્વીકારી લેખક એવી કૃતિનું નિર્માણ કરતો હોય છે. પુરાણના વિશ્વમાં લોકોત્તર પાત્ર કે ઘટના સ્વીકાર્ય બને છે. અલબત્ત, ત્યાં એ એટલા માટે સ્વીકાર્ય બને છે કે પુરાણકથાનું વિશ્વ લોકોત્તર રહસ્ય પર મંડાયેલું છે. પુરાણના આવા વસ્તુને લઈને રજૂ થતી નવલકથાને નવલકથાના કેટલાક નિયમો જાળવવા પડે છે. પુરાણકાલીન કથાવસ્તુવાળી નવલમાં લોકોત્તર પ્રસંગ કે ચમત્કારિક બનાવ ન જ આવી શકે એવું નહિ અને એને રહસ્યપૂર્ણ સંદર્ભ મળ્યો છે કે નહિ એ ચકાસવું જરૂરી બને. બીજી રીતે કહીએ તો, નવલકથામાં બનતા બનાવોપાછળ રહેલા કલાત્મક આશય અને એનાં આંતરિક તર્કસૂત્રનો આ પ્રશ્ન છે. કોઈ નવલકથાની રચના પુરાણકથાના અમુકઅંશો લઈને થઈ હોય, તો ત્યાં આ જાતના લોકોત્તર પ્રસંગને સહજ અવકાશ મળી શકે. બાકી ઐતિહાસિક-પૌરાણિક નવલકથાના પાયાગત નીતિનિયમો લગભગ સરખા છે.

શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓને સમજવા ઐતિહાસિક નવલકથાની આ વિભાવના ઇષત્ ભૂમિકા બને છે. એને લક્ષ્યમાં રાખીને હવે આપણે જયભિખ્ખુની નવલોનો સવિસ્તર પરિચય મેળવીશું.

ભાગ્યવિધાતા :

‘ભાગ્યવિધાતા’ અકબરના બાલ્યકાળની જ્વલંત શૂરવીરતા ને એના બહાદુર સરદાર ખાનખાના બહેરામખાના અભૂતપૂર્વ પરાક્રમને વર્ણવતી મોગલ સમયની લેખકને હાથે લખાયેલી પહેલી નવલકથા છે. ઇતિહાસના ઘણાબધા પ્રસંગોને એકસાથે ઉભડકપણે આલેખતી આ નવલકથાને આધારે જ જયભિખ્ખુએ પાછળથી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્વાણ’ અને ‘દિલ્હીશ્વર’ ત્રણ નવલકથાઓ રચી છે. પ્રસંગોનું સંમાર્જિત સ્વરૂપ જે આ નવલત્રયીમાં જોવા મળે છે એવું ‘ભાગ્યવિધાતા’માં જોવા મળતું નથી. લેખક પોતે જ આ વાતની કબૂલાત કરતાં કહે છે, ‘સંધ્યાની શીળી હવામાં ફરવા નીકળેલ મોટી ફાંદવાળા શેઠજીને માથે અચાનક મેઘમાળની ઝડીઓ વરસે, ને જે ઢબથી ને જે ઝડપથી તેઓ ઘર તરફ હાંફળાફાંફળા પાછળ દોડે તેટલી જ દોડ ને ઝડપથી આ કથા લખી છે. પાછું વાળીને જોવાની ઘડી જ મળી નથી.’ (‘લેખકની વાત’) અલબત્ત, એક વાત જે લેખક કહે છે કે ‘કથા અંગે કેવળ નિવેદન એટલું કે કલ્પનાના વ્યોમમાં વિહરતાં ઇતિહાસની શૃંખલાને તોડી નથી.’ (‘લેખકની વાત’) એ સાચી છે. ઇતિહાસની મુખ્ય મુખ્ય વિગતોને લેખક વફાદાર રહ્યા છે.

પ્રસ્તુત નવલકથા ઈ. સ. ૧૫૫૬ના નવેમ્બર માસની પમી તારીખે એકવીસ એકવીસ લડાઈના વિજેતા વિક્રમાદિત્ય હેમુના પાણીપતના મેદાનમાં ખાનખાના બહેરામખાના હાથે થતા પરાજય અને કેદી અવસ્થામાં બેભાનપણાની સ્થિતિમાં બહેરામખાંની તલવારથી થતા વધથી આરંભાય છે. હુમાયુ સુત અકબર ૧૪ વર્ષની ઉંમરે ગાદીપતિ બને છે. પણ સાચો રાજદંડ એના વજીર બહેરામખાંના હાથમાં છે. બહેરામખાંના હાથમાં રહેલા આ રાજદંડે મોગલ સત્તાને બહાર વિસ્તારી પણ અંદર વિખવાદ જગાવ્યો. ચાર વર્ષ આ આંતરવિગ્રહ ચાલ્યો. આ આંતરવિગ્રહનું ચિત્રણ પ્રસ્તુત નવલકથામાં લેખક દ્વારા સુપેરે થયું છે. પોતાની જાતને ભારતના ભાગ્યવિધાતા માનતા બહેરામખાંનું અભિમાનની કક્ષા સુધી પહોંચતું સ્વાભિમાન જ એના પતનનું કારણ કઈ રીતે બને છે એ નિરૂપતી આ નવલકથા છેવટે રમકડાના રાજા અકબરશાહ દ્વારા મોગલ દરબારમાં ચાલતા આંતરવિગ્રહને નિવારી સ્વતંત્ર રાજદંડ ગ્રહણ કર્યા સુધીની કથાને શબ્દરૂપ આપે છે.

પોતાની જાતને ભાગ્યવિધાતા માનતા ત્રણ ભડવીરો હેમુ, બહેરામખાં અને અકબરને થતી સાચા ભાગ્યવિધાતાની પ્રતીતિની આ કથા સૂચવે છે કે આ કે તે વ્યક્તિ પોતાના ભાગ્યની વિધાતા નથી. સાચો ભાગ્યવિધાતા તો ઈશ્વર જ છે. એટલે એણે જે પ્રમાણે જેના ભાગ્યનું નિર્માણ કર્યું હોય એ રીતે જએનું ભાગ્ય ઘડાય છે. પોતાની જાતને ભાગ્યવિધાતા સમજતા બહેરામખાંને હેમુ મૃત્યુની છેલ્લી ક્ષણે કહે છે, ‘ભાગ્યવિધાતા ! કોણ તું બહેરામ ? હા, હા, હા, સલ્તનતના ઓ ભાગ્યવિધાતા ! કાં ભ્રમણામાં ભમી રહ્યો છે ? સમય તને સમજાવશે કે સાચો ભાગ્યવિધાતા કોણ છે ? (પૃ. ૩૧)’ અને ખરેખર સમય જ બહેરામખાંને સમજાવે છે કે, ‘હેમુ ! તું સાચો ! ભાગ્યવિધાતાનો ભેદ તેં સાચો જાણ્યો, ન હું કે ન તું, અકબર પણ નહિ, કોઈ પડદા પાછળ ઊભો લાગે છે, અહા, યા પરવરદિગાર !’ (પૃ. ૧૫૧)

આ નવલકથામાં જીવનના અંતકાળે મુસ્લિમ સુંદરીના સૌંદર્યમાં લુબ્ધ થતા હેમુનું જે ચિત્રણ લેખકે કર્યું છે તે અથવા બહેરામખાં દ્વારા અકબરના મૃત્યુની જે યોજના ઘડાય છે એ નિરૂપણો એની મોગલ સમયની નવલત્રયીમાં બદલાયા છે. ‘દિલ્હીશ્વર’માં બહેરામખાંનું અકબરના એક વફાદાર વજીર તરીકેનું જ નિરૂપણ મળએ છે. કેટલીક ગેરસમજોને કારણે જ એ બંને વચ્ચે મનોવિખવાદ થયો છે છતાં પણ છેક છેવટ સુધી બહેરામખાં તરફનો એનો આદરભાવ એવો ને એવો જ રહે છે. એ નિરૂપણ વધુ તાર્કિક લાગે છે. ઇતિહાસનો પણ એ વાતનો ટેકો છે. એ જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ’માં અને ‘ભાગ્યવિધાતા’માં તેમનું એક સાચા શૂરવીર અને નીતિમંત યોદ્ધા તરીકેનું જે નિરૂપણ છે, મુસ્લિમ સુંદરી સાથેના લગ્નનો વિચાર પણ એને એટલા માટે આવે છે કે એ દ્વારા એના મનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ગાંઠને વધુ મજબૂત બનાવવાનો ખ્યાલ આવે છે. મુસ્લિમો એ લગ્ન માટે ઉતાવળ કરે છે. છતાં પાણીપત સંગ્રામ પછી જ આ લગ્ન કરવા માટે એ તૈયાર થાય છે એ રીતનું નિરૂપણ ‘ભાગ્યવિધાતા’માં થયેલ મુસ્લિમ સુંદરી પ્રત્યેના એના આકર્ષણ કરતાં વધારે સુસંગત, તાર્કિક અને પાત્રગૌરવની દૃષ્ટિએ ચડિયાતું લાગે છે.

‘ભાગ્યવિધાતા’ એ જયભિખ્ખુ દ્વારા એમના સર્જનના આરંભકાળે ઉભડક રીતે લખાયેલી મોગલ સમયના અકબરના આરંભકાળના રાજપ્રપંચથી ભરેલા કાવાદાવાને વર્ણવતી ઐતિહાસિક નવલકથા છે. વસ્તુસંકલના, પાત્રાલેખન જેવાં નવલકથાલક્ષી ઘટકતત્ત્વોની દૃષ્ટિએ એમાં ઊંચું કલાતત્ત્વ દેખાતું નથી, એમ છતાંય, ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યવિધાતા’ અને ‘દિલ્હીશ્વર’ જેવા ભવિષ્ય નિર્માણ થનારી સમૃદ્ધ નવલકથાઓના સર્જકના આરંભકાલીન સર્જનમાં હોવા જોઈતા સ્ફુલિંગોનું દર્શન ‘ભાગ્યવિધાતા’માં પણ થાય છે. કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર :

શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાઓમાં કલાત્મકતા અને લોકપ્રિયતાની દૃષ્ટિએ નિરાળી ભાત પાડતી ઈ. સ. ૧૯૪૦માં સર્જાયેલી ‘કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર’ લેખકની કૃતિઓમાં તો ખરી જ, પણ આ જ વસ્તુ ઉપર લખાયેલી અન્ય નવલકથાઓમાં પણ નોંધનીય રહે છે. લેખક જેને કૈંક અંશે ઐતિહાસિક અને કૈંક અંશે પ્રાગૈતિહાસિક ગણાવે છે, એવી આ કૃતિનો વાર્તાસંભાર જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતે જ કહે છે તેમ ‘આ નવલકથાનું એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પના સંતાન નથી.’ (પ્રસ્તાવના : પૃ. ૫) અલબત્ત એ પાત્રોના સમયનિર્ણય અંગે અવસ્થા છે. પ્રો. રવિશંકર જોશી આ નવલકથા તરફ ‘તેના વસ્તુની નૂતન દિશા’ નિહાળી આકર્ષાયેલા. (આમુખ પૃ. ૯) તેમના મતે ગુજરાતી નવલકથાઓમાં જયભિખ્ખુ પહેલાં ‘ગુલાબસિંહ’ કે ‘યોગિનીકુમારી’ જેવી થોડી નવલો સિવાય ધાર્મિક વસ્તુને નવલકથાનો સ્વાંગ આપવાના ક્ષેત્રમાં ઝાઝું ખેડાણ થયું નથી. જયભિખ્ખુએ એ ક્ષેત્ર પસંદ કરી અને વિપુલ પ્રમાણમાં ખેડાણ કરી વસ્તુની એક નવી દિશા તરફ ભાવકવર્ગને દોર્યો છે.

કથાની સેર બે વિભાગમાં વહેંચાઈને આગળ વધે છે. એક સેર નવલની મુખ્ય કથાઘટના સ્થૂલિભદ્ર-રૂપકોશાના પ્રેમના વિકાસને વર્ણવે છે, તો બીજી મગધની રાજધાની પાટલીપુત્રમાં ચાલતી રાજ્યખટપટ તથા સત્તાધારી પક્ષના અને પ્રજાનાં કાચીંડાની જેમ બદલાતાં જતાં મનોવલણોને વાચા આપે છે.

પાટલીપુત્રના મહાઅમાત્ય શકટાલનો પુત્ર અને કથાનો નાયક સ્થૂલિભદ્ર અઢારેક વર્ષનો રૂપગુણે સોહામણો યુવક, પાટલીપુત્રના યુવાનોમાં એ કામદેવ જેવો શોભતો. એનું લાંબુ, સીધુ ને સુરેખ નાક, વિશાળ ભવાં, ઝગઝગાટ કરતું લલાટ, શંખાકાર અણિયાળાં નેત્રો ને માંસલ સ્નાયુઓ જોનારને એની પ્રતિભાનું સ્પષ્ટ ભાન કરાવતાં. આ રસિક વિદ્વાન અને કુશળ રણયોદ્ધો પાટલીપુત્રની શુદ્ધ પ્રેમની દિવાની રૂપકોશા તરફ આકર્ષાયો. કોશા એટલે સૃષ્ટિનું જીવંત સૌંદર્ય. પ્રતાપી સ્વભાવ અને સ્વમાની શીલ એની પાસે હતું. એના અંતરમાં એક મુગ્ધાના દિલમાં હોય તેવું નારીત્વ ધબકતું હતું. આ નારીત્વ આદર્શ વધૂપદની ઝંખના કરતું. ધર્મ, અર્થ અને કામના ઝૂઝવા ધર્મો એના અંતરમાં હિલોળા લેતા. એની પાસે અપાર સંપત્તિ હતી, અજબ પ્રતાપી અને સૌને આકર્ષે એવું સૌંદર્ય હતું. એના જીવનમાં એક જ ઝંખના હતી અને તે આ બધાને સાચા અર્થમાં દીપાવી શકે એવા કલાભાર્યા, પૌરુષ-ભર્યા, હૃદયની. એ જે બધું શોધતી હતી તે એકસાથે સ્થૂલિભદ્રમાં એને લાધ્યું હતું. સ્થૂલિભદ્ર પોતાને વરે તો ‘જગતમાં બીજો પુરુષ વરવો નહિ’ એવો એનો દૃઢ નિરધાર હતો અને એટલે જ નવલકથાના છેક આરંભથી પોતાની એક એક રૂપછટાથી સ્થૂલિભદ્રને પ્રેમપાશમાં દૃઢ બંધ રાખવાની તેની મથામણો લેખકે કુશળ રીતે ઉપસાવી છે.

કથાના આરંભે સ્થૂલિભદ્ર સુકાન અને સઢ વગરની નૌકાની જેમ આમતેમ ખએંચાતો રહે છે. સંયમ અને શીલની મૂર્તિસમા મહાઅમાત્ય શકટાલની ઝંખના પુત્રને મંત્રીપદ સોંપી મગધની સર્વાંગી સેવા કરવી પોતાના પરંપરાગત મંત્રીકુલના વારસાને દીપાવવાની છે અને તેથી જ તે તેને કર્તવ્યધર્મનો બોધ સતત પાયા કરે છે.

નવલકથાના આરંભે ભજવાતા નાટકની કલાપ્રવિધિમાં લેખકે પણ શકટાલના સાતમી પેઢીના પૂર્વજ કલ્પકની સ્વદેશપ્રેમની ભાવનાને કલ્પકના પાત્રમાં મૂર્ત કરી છે. પિતાની ઝંખના પણ પુત્ર કલ્પક જેવો સ્વદેશભક્ત થાય, પાટલીપુત્રનું રાજ્યગૌરવ વધારે એ જ છે પણ કોશાનું રૂપસૌંદર્ય અવારનવાર ભડકો બનીને એને પજવે છે. જે સૌંદર્ય સામે સ્વસ્થતા જાળવવાનું કામ ભલભલા યોગી માટે દુર્લભ હતું, એ સૌંદર્ય પોતાનું સર્વાર્પણ લઈને એની આજુબાજુ વીંટાતું જાય ત્યારે એનાથી બચવાનું સ્થૂલિભદ્રનું શું ગજું ? અને એથી જ તે ‘સુકાન અને સઢ વગરની નૌકાની જેમ’ બંને બાજુએ ખેંચાય છે.

તક્ષશિલાના વિજય બાદ કોશાનો બોલાવ્યો સ્થૂલિભદ્ર જ્યારે એના ભવન ઉપર પહોંચે છે ત્યારે કોશાનું રૂપસૌંદર્ય, એની અંગભંગિ, એનો હૃદયરાગ તેનામાં સામટું આકર્ષણ પેદા કરે છે. દેવોની અપ્સરાઓને પણ દુર્લભ એવું કોશાનું સૌંદર્ય છે. એ કોશા જ્યારે સ્થૂલિભદ્રના આદરસત્કારમાં લાગી જાય છે ત્યારે અનંગનો એક અશ્રાવ્ય ઘોષ સ્થૂલિભદ્રની રગેરગમાં વહેવા લાગે છે. એક ક્ષણ માટે પોતાનું કુળ, પિતાની પ્રતિષ્ઠા, કર્તવ્યનો ઉપદેશ એ બધાનો તે વિચાર કરે છે. અને બોલી ઊઠે છે, ‘કોશા, તું મને સર્વનાશના માર્ગે ન લઈ જા !’ (પૃ. ૭૯) પણ કોશાનું સૌંદર્ય, તેની પ્રીતિ છેવટે વિજયી નીવડે છે અને કોશા-સ્થૂલિભદ્ર એક બને છે.

બીજે દિવસે રાજ્યસભામાં કોશા તક્ષશિલાના વિજય વખતે એણે કરેલી મદદના બદલામાં રાજા પાસેથી રાજગણિકાપદેથી નિવૃત્તિ માગી લે છે કારણ કે એને મન ગાંધાર વિજય કરતાં ભદ્રની પ્રાપ્તિનો વિજય મોટો છે. એક વાર કોશાના દ્વારે રહી ચૂકેલા સ્થૂલિભદ્રને મન હવે પોતે પોતાના પવિત્ર પિતાને મુખ દેખાડવા જેવો રહ્યો નથી એટલું જ નહીં, પોતાનું આ અધ:પતન સંસારમાં પણ તેને મુખ દેખાડવા લાયક જણાતું નથી એટલે પિતાના અનેકવારનાં કહેણને તે વેદનાસભર હૈયે પાછાં વાળે છે. બહેન યક્ષા જ્યારે સામે ચાલીને તેડવા આવે છે ત્યારે પણ એનો પરિતાપ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : ‘બેન, આ રૂપાળા રૌરવ નરકમાંથી જલદી ચાલી જા ! વાસનાની આઠે પ્રહર જલતી ભઠ્ઠીમાં અમારા વિષયી અંગોને અમને હોમવા દે !.. પણ બેન, તું જલદી આ નરકાગારમાંથી નીકળી જા.’ (પૃ. ૧૩૭) કોશા સાથેના સંબંધને તે પ્રારબ્ધબંધ તરીકે ઓળખાવે છે અને તેને દંભી બનીને જીવવામાં રસ નથી. નહીં તો દુનિયાના અનેક પુરુષોની જેમ તે પણ ખાનગીમાં કોશા સાથે સંબંધો રાખીને સમાજમાં ઊજળા મોંએ અને ઊજળા લૂગડે ફરી શક્યો હોત. પણ એનામાં સાચું ખમીર છે એટલે જ તે કહે છે : ‘દુનિયામાં દંભી બનીને જીવવા કરતા ઉઘાડા ગણિકાગામી થઈને જીવવું એમ જ મને મારો ધર્મ લાગ્યો છે.’ (પૃ. ૧૩૭)

કોશા પણ સ્થૂલિભદ્રને સાચા હૃદયથી પ્રેમ કરે છે. અંતરનો વિરાગી એવો એનો ભદ્ર કઈ ક્ષણે પોતાને ત્યજી જશે એનો એને સતત ડર પણ લાગે છે અને એટલે જ એ ભદ્ર ખુશ રહે એ માટેના સર્વોત્તમ પ્રયાસો કરે છે. પોતાની ધનસંપત્તિ, પોતાની કલાસૌંદર્યવૃત્તિ અને ભરપૂર હૃદયપ્રીતિ, એની ઉપર ઢોળીને તે એને સતત બાંધી રાખે છે. પણ કોશાને ક્યાં ખબર છે કે પોતે જેને સતત બાંધી રાખવા મથે છે એનું અંતર તો પશ્ચાત્તાપની કોઈ ઊંડી જ્વાળામાં સતત જલ્યા કરે છે. સ્થૂલિભદ્રને જ્યારે સમાચાર મળે છે કે રાજકારણના અવળાસવળા પેચમાંથી મગધનું રક્ષણ કરવા માટે, ઊકળતા લાવાના ચરુ સમાન મગધના રાજકારણને સંતપ્ત કરવા માટે પિતા શકટાલે પોતાનું બલિદાન આપ્યું. એટલું જ નહિ પણ પોતાના સગા ભાઈ શ્રીયકના હાથે જ એ બલિદાન અપાવરાવ્યું. એ સમાચાર જાણ્યા પછી એને પોતે પિતાની અંતિમ ક્ષણે પણ એમની અંતરની મુરાદ પૂરી કરી ના શક્યો એની વેદનાએ સ્થૂલિભદ્રના હૃદયમાં રહેલા વૈરાગ્યના પાતળા ઝરણાને જગાડી દીધું. ચોપાટની અધૂરી રમત મૂકીને કોશાના ભવનમાંથી નીકળેલો તે. પોતાને મળતા મંત્રીપદને લાત મારી પિતાના આખરી સંદેશાના શબ્દો ‘ભાઈ, સાચો પ્રેમ તો ત્યાગમાંથી જન્મે છે. જેમાં ત્યાગ નથી, એ પ્રેમરસ ફિક્કો છે.’ (પૃ. ૨૪૦) ને જીવનમાં ઉતારવા મથતો આહાર, વિહાર ને શૃંગારની સૃષ્ટિમાંથી જીવન, પ્રેમ ને ત્યાગની સૃષ્ટિમાં સરી જાય છે. ગુરુ સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી સાધુઓમાં શિરમોર બને છે.

ગુરુઆજ્ઞાથી પાટલીપુત્રમાં કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ ગાળવા જ્યારે સ્થૂલિભદ્ર પધારે છે ત્યારે સૌંદર્યગિરિના સ્વરચ્છેદ ઝરણ સમી કોશા સ્થૂલિભદ્રને વિચલિત કરવાના અનેક પ્રયત્નો આદરે છે. પણ છેવટે એના એ બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એટલું જ નહીં પણ હૃદયથી એને સાચો પ્રેમ કરતા સ્થૂલિભદ્ર એને પ્રેમનું સાચું સ્વરૂપ જે મોહમાં નથી, કામમાં નથી, વિષયકીચમાં નથી એ સમજાવે છે, અને કહે છે કે જિંદગીને પલવારમાં આનંદ માટે ખરચવાને બદલે ચિરંતન કાવ્ય બનાવ. ધર્મના અપૂર્વ સૌંદર્યને પિછાણી દિવ્ય આનંદ પ્રાપ્ત કર. કોશાનો આત્મા જાગી જાય છે. શ્તૂલિભદ્ર અને શ્રાવિકાના બાર વ્રત સ્વીકારાવી ચાતુર્માસ નિર્ગમન થતાં ગુરુચરણે પાછા વળે છે. આમ બાહ્યદેહના આકર્ષણથી શરૂ થયેલો સ્થૂલિભદ્ર અને રૂપકોશાનો પ્રેમ પ્રેમનું સાચું અને વિકાસસભર રૂપ - ‘ત્યાગ’ અને ‘શાંતિ’ – મેળવી આત્માના આનંદને પ્રાપ્ત કરે છે. પ્રેમની આ વિકાસયાત્રા જયભિખ્ખુએ નવલકથામાં ખૂબ જ સમૃદ્ધ રીતે પ્રગટાવી છે.

નવલકથાનો બીજો વાર્તાપ્રવાહ જે આમ તો વાર્તાનો ગૌણ પ્રવાહ છે. અને છતાં જે વાર્તાના મુખ્ય પ્રવાહને પુષ્ટ બનાવવામાં મદદરૂપ બને છે તે પાટલીપુત્રના રાજા ધનનંદના રાજ્યવહિવટને વર્ણવે છે. આ વાર્તાપ્રવાહમાં નાયકપદે રહે છે. મહાઅમાત્ય શકટાલ. પોતાની પૂર્વવયમાં જે રસિક કવિ તરીકે જાણીતો હતો, ગંગાની ટેકરીઓમાં જેની કવિતા ગૂંજતી હતી, મગધના મહાલયોમાં જેનો અભિનય રાજકુંવરીઓને ઘેલી બનાવતો તે શકટાલની જુવાનીને નંદ રાજાએ હાકલ કરી. એણે શકટાલની ભેટમાંથી કવિતાનાં ભૂંગળાં કાઢી, ફેંકી દઈ કૃપાણ બંધાવી અને માથેથી મોરમુગટ અળગો કરી મંત્રીનો તાજ પહેરાવ્યો. આ મહાઅમાત્યે પોતાની કુશળતાથી મગધની સીમાઓ ચારેતરફથી વિસ્તારી, મગધના સૈન્યને કેળવ્યું એટલું જ નહીં પણ મગધની પ્રજાને રસિક, સંસ્કારી અને કલાપ્રિય બનાવી. તક્ષશિલાની જીતમાં મળેલી ત્રણ અભૂતપૂર્વ વ્યક્તિઓ ચાણક્ય, વરરુચિ અને પાણિનીને મગધમાં વસાવ્યા. એમાં ચાણક્યનું અપમાન રાજા નંદ અને તેના કુમારો દ્વારા થતાં ચાણક્યે નંદ વંશના નાશની પ્રતિજ્ઞા લીધી. બીજી બાજુ સાહિત્યરસિક વરરુચિના મહાઅમાત્ય બનવાની જાગેલી લાલસાએ અનેક પ્રપંચલીલાઓ આદરી. તેમણે નંદના કાનને મહાઅમાત્ય વિરુદ્ધ ભરી દીધા. ત્યારે મગધને અને પોતાના હિતેચ્છુઓને આપસમાં અથડાતા બચાવવા મહાઅમાત્યે પોતાના પ્રાણની આહુતી આપી, મગધનું સામ્રાજ્ય તત્કાળ પૂરતું તો એક મોટી હોનારતમાંથી ઊગરી ગયું પણ સમય જતાં ચાણક્યના પ્રેર્યા ચંદ્રગુપ્ત દ્વારા નંદવંશનો નાશ થયો. ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ તથા સ્થૂલિભદ્રનું ભદ્રબાહુસ્વામીની પાટના અધિકારી થવું એ બંને બનાવો સાથે ઘેલી બનેલી પાટલીપુત્રની પ્રજાના આનંદને વર્ણવતી નવલકથા સમાપન પામે છે.

વસ્તુગૂંથણીની દૃષ્ટિએ તપાસીએ તો નવલકથામાં પ્રસંગોની ગૂંથણી સુસંકલિત છે. કોઈ સુરમ્ય ચિત્રપટ જોતાં હોઈએ તેમ પ્રસંગો વેગથી આગળ વધે છે. જેમ ફૂલની એક એક પાંદડી ખૂલતી જાય અને પોતાનું અનેરું રૂપ પ્રગટાવતી જાય તેમ કથામાં વસ્તુની ગૂઢ પાંદડીઓ કલાભરી રીતે નવે નવે રંગે ઊઘડતી જાય છે. શ્રી રવિશંકર જોશી કહે છે તેમ ‘વસ્તુ પ્રમાણબદ્ધ અને અંગપ્રત્યંગના સંવાદવાળું હોઈ ઘાટીલું બન્યું છે. વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને રસતરબોળ રાખે તેવું અખંડ કુતૂહલસાતત્ય પણ તેમાં છે.’ (આમુખ : પૃ. ૧૩). નવલકથાનો પ્રારંભ ચિત્રાત્મક રીતે થયો છે. પ્રથમ દસ પ્રકરણ સુધી સ્થૂલિભદ્ર-કોશાની પ્રણયકથા વિકસે છે. અગિયારમાં પ્રકરણથી પાટલીપુત્રના રાજકારણની શેતરંજ ઊકલતી જાય છે. વરરુચિની પ્રપંચલીલા, રથાધ્યક્ષ સાથેનું ભળવું, મહાન દેખાવા ગંગા પાસે પ્રસાદ મેળવવાની હાથચાલાકી રચવી, મંત્રી દ્વારા પ્રપંચ ખુલ્લો પડવો, મંત્રી ખરાબ દેખાય એ રીતે એની શસ્ત્રાસ્ત્રો શ્રીયકનાં લગ્ન પ્રસંગે ભેટ આપવાની પ્રવૃત્તિને મગધના હિતશત્રુની દગાભરી પ્રવૃત્તિ તરીકે વરરુચિ અને રથાધ્યક્ષ દ્વારા ઓળખાવવી, મગધના શ્રેય માટે મંત્રી દ્વારા આત્મબલિદાનનું અપાવું વગેરે બનાવો ૧૧ થી ૨૪ પ્રકરણમાં શેતરંજના પાસાની જેમ કાર્યવેગી બને છે. આ દરમિયાન સ્થૂલિભદ્ર-ખોસાની મુખ્ય કથાનો પટ પાતળો પડે છે. રપમાં પ્રકરણથી સ્થૂલિભદ્ર અને તેની આત્મવિજયની પ્રવૃત્તિઓ લેખકના કેમેરામાં ઝડપાતી જાય છે. એ પછી નવલકથાના અંત સુધી નાયક-નાયિકા જ લગભગ કેન્દ્રસ્થાને રહે છે.

વસ્તુગૂંથણીમાં ક્યાંક નાની કચાશ શોધનારને મળે ખરી. જેમકે ઇતિહાસ જેને ધનલોભી અને ક્રૂર રાજા તરીકે પિછાણે છે એ મહારાજા નંદને લેખકે ગ્રંથના પ્રારંભમાં એવો ઉદારચરિત નિરૂપ્યો છે અને ઉદાત્ત રંગે એનું પાત્ર આલેખ્યું છે કે મધ્યભાગ પછી અચાનક તેના પલટાયેલા શંકાશીલ માનસની પ્રતીતિકારકતા મનમાં સહજ રૂપે વસતી નથી. અને એમ એના ચારિત્ર્યના નિર્બળ અંશોના સ્વાભાવિક પરિણામરૂપે તેનું પતન થતું લાગતું નથી. વળી શકટાલને પોતાના પુત્રના જ હાથે માથું કપાવવું પડ્યું તે પ્રસંગની પૂર્વઘટનાઓ પણ એવી સુસ્પષ્ટ રીતે નિરૂપાઈ નથી કે જેથી આ પરિણામ સમુચિત લાગે. આ બંને ઘટનાઓમાં કાર્યકારણના અંકોડા થઓડા શિથિલ રહી ગયા હોય એવું ચોક્કસ લાગે. એનાં કારણો વિચારતાં એમ લાગે છે કે લેખકનું લક્ષ્ય જેટલું રૂપકોશા-સ્થૂલિભદ્રની કથાને સુસંબદ્ધરૂપે વિકસાવવા તરફ છે, એટલું આ ગૌણ કથાને વિકસાવવા તરફ નથી એને કારણે કથાપટને ઝડપથી સંકેલવા જતાં આ મર્યાદા રહી ગઈ છે.

‘કામવિજેતા’માં લેખકે નીચે મુજબના ઐતિહાસિક તથ્યો આધાર તરીકે સ્વીકાર્યો છે. અલબત્ત, આ તથ્યો એમને ગૌણ કથાના વિકાસમાં જ મુખ્યત્વે સહાયરૂપ બન્યાં છે. મુખ્ય કથા માટે તો એમણે જૈન ધર્મકથાનક અને સ્થૂલિભદ્ર સંબંધી ફાગુ રચનાઓનો જ આધાર વિશેષરૂપે લીધો છે. આ નવલકથાને ઐતિહાસિક નવલકથા ઠરાવતાં તથ્યો નીચે મુજબ છે. (૧) મહારાજા ધનનંદને શકટાલ નામે મંત્રી હતા. શકટાલને બે પુત્રો હતા : સ્થૂલિભદ્ર અને શ્રીયક. શકટાલના મૃત્યુ પછી એની જગ્યાએ રાજાએ સ્થૂલિભદ્રને એ પદ આપવા ઇચ્છ્યું પણ સ્થૂલિભદ્રે એ લેવાની ના પાડી અને એ જૈન સાધુ થયા. (‘ધ હિસ્ટરી એન્ડ કલ્ચર ઑફ ધી ઇન્ડિયન પીપલ,’ વો. ૨. ‘ધી એજ ઓફ ઇમ્પીરીયલ્ યુનિટ’, પૃ. ૩૫.)

(૨) આર્ય સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામીની પાટના અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. સમર્થ અને પ્રતિભાવાન જૈન ધર્મના યુગપ્રવર્તક તરીકે પણ તેમનું માન વધ્યું હતું. (‘વીર નિર્વાણ સંવત ઔર કાલગણના’, પૃ. ૬ર)

(૩) મહારાજા ધનનંદ સમ્રાટ નંદિવર્ધનની આઠમી પેઢીના નંદ વંશના રાજા હતા. (‘પ્રાચીન ભારતવર્ષ’, ભા. ૧, પૃ. ૩૫૪) ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું હતું. એ અપમાનનો બદલો લેવા ધનનંદના રાજ્યનો વિનાશ કરવાની ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી. રાજકુટુંબના ચંદ્રગુપ્ત નામના એક હિંમતવાન અને સાહસિક જુવાનને પોતાના પક્ષમાં લઈ તેણે પોતાનાં બુદ્ધિ અને બાહુબળના પ્રતાપે ગુમાની નંદરાજના રાજ્યનો નાશ કરાવ્યો અને ચંદ્રગુપ્તને મગધનો રાજા બનાવ્યો. (‘ચંદ્રગુપ્ત મૌર્ય એન્ડ હીઝ ટાઈમ’, પૃ. ૩૩ અને ‘અભિનવ માધ્યમિક ઇતિહાસ’, પૃ. ૭૩-૭૪)

(૪) ચંદ્રગુપ્ત મૌર્યનો નંદરાજ્ય સામેનો યુદ્ધનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. બીજી વાર પૂરી તૈયારી સાથે આવીને એણે નંદને પરાજિત કર્યો. (‘એ કોમ્પ્રીહેન્સિવ હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ - કે. એ. શાસ્ત્રી, પૂ. રપ-૬) હિમત્વકૂટનો રાજા પર્વતક પણ ચંદ્રગુપ્તને વિજય અપાવવામાં મદદરૂપ થયો હતો. (‘પ્રા. ભા. વર્ષ’, પૃ. ૧૬૭) વિજય પછી પર્વતક રાજાનું વિષકન્યાને કારણે મૃત્યુ થતાં એના ભાગની લક્ષ્મીનો પણ ચંદ્રગુપ્ત સ્વામી થયો. (‘પ્ર. ભા. વર્ષ’, પૃ. ૧૬૮) ચંદ્રગુપ્ત મહાનંદને જીવતો મૂક્યો અને એને જોઈએ તેટલું ધન રથમાં સાથે લઈ જવા દીધું. (‘પ્ર. ભા. વર્ષ’, ભા. ૨, પૃ. ૧૦૧) પોતાના પર મુગ્ધ થયેલી મહાનંદની કન્યાને ચંદ્રગુપ્ત રાણી તરીકે સ્વીકારી. આ ઐતિહાસિક તથ્યો ઉપરાંત જયભિખ્ખુ આ નવલકથાની મુખ્ય કથા માટે સૌથી મોટો આધાર લીધો છે સ્થૂલિભદ્ર અંગેની ધર્મકથાઓનો. એમાંય તે કવિ માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ રચનાએ જયભિખ્ખુને આ કૃતિના આલેખનમાં ખૂબજ પ્રેરણા આપી છે. મુખ્ય કથાના ઘણા બધા પ્રસંગોનું નિરૂપણ કરવામાં આ માલદેવની કૃતિએ લેખકને સારી એવી સહાય કરી છે. (‘પ્રાચીન ફાગુસંગ્રહ’, પૃ. ૧૨૯ થી ૧૪૧, સં. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ) ઉપર્યુક્ત આખ્યાયિકા ધર્મગ્રંથો પર આધારિત છે પણ ધર્મગ્રંથોમાં નોંધાયેલાં આ કથાનકો મુખ્યત્વે પરંપરાથી આવતી ‘દંતકથાઓનો પરિપાક’ હોય છે એને ઇતિહાસ ન કહી શકાય.

આ નવલકથાના સ્થૂલિભદ્ર, મહામંત્રી શકટાલ, નંદરાજ, મૌર્ય ચંદ્રગુપ્ત, ચાણક્ય મુખ્ય પાત્રો છે. જેમાંથી એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પનાસંતાન નથી એમ છતાં લેખકની વિવેકશક્તિને યોગ્ય લાગ્યા એ રીતે તેમનું સમાંર્જન અને સંવર્ધન થયું છે. નવલકથાનો નાયક સ્થૂલિભદ્ર લેખકને હાથે રસિક, વિદ્વાન, રૂપસુંદર અને છતાં અંતરથી વૈરાગીરૂપે આલેખાયા છે. પિતાનો સૂચવ્યો કર્તવ્યમાર્ગ અને કોશાનો સૂચવ્યો પ્રેમમાર્ગ બંને એકસાથે એકસરખા એને પોતાની તરફ લલચાવે છે. અને આ જ કારણે લેખક કહે છે તેમ ‘સઢ અને સુકાન વગરની નૌકા’ની જેમ તે ફંગોળાય છે. પણ અંતે જિંદગીનું સાચું સુકાન મેળવી જ લે છે અને પોતાને જે સુકાન લાધ્યું એ સુકાનના રસ્તે કોશાને પણ વાળી પ્રેમનું સાચું મૂલ્ય ચૂકવે છે. સ્થૂલિભદ્રના બંને પાસાં – સાચા પ્રેમી તરીકેનું તેમજ સાચા વૈરાગી તરીકેનું – લેખકે કૌશલ્યથી નિરૂપ્યાં છે.

પ્રો. રવિશંકર જોશીને સ્થૂલિભદ્રના પાત્રચિત્રણમાં નવલકથાકારની એક મોટી ખામી એ જણાઈ છે કે ‘વિલાસી સ્થૂલિભદ્રનું વિરાગી સ્થૂલિભદ્રમાં જે પરિવર્તન થાય છે તે પરિવર્તન અચાનક અને આકસ્મિક છે. પરિવર્તનની માનસિક ભૂમિકાનું ક્રમિક ચિત્ર બતાવવાનું લેખકથી ચુકાઈ ગયું છે.’ પણ આ સંદર્ભમાં ડૉ. સરોજીની શર્મા સાચું જ કહે છે કે ‘સ્થૂલિભદ્રના ચરિત્રમાં વેશ્યાની સાથે જીવન વ્યતીત કરતી વખતે પણ માનસિક સંઘર્ષનું ચિત્રણ તથા સ્થૂલિભદ્ર મનમાં વૈરાગ્યની ક્ષણોનું ચિત્રણ થાય છે.’ (‘હિંદી તથા ગુ. ઐ. ઉપન્યાસોંકા તુલનાત્મક અધ્યયન’, પૃ. ૪૯૪) ડૉ. કૃષ્ણકાંત કડકિયા પણ આ બાબત સાથે સંમત છે. તેમણે પોતાના શોધનિબંધમાં સ્થૂલિભદ્રના વૈરાગી અંતરના અનેક પુરાવાઓ પણ આપ્યા છે. ટૂંકમાં સ્થૂલિભદ્રનું સંસ્કારી, ઉદાત્ત, ભાવનામય તથા આદર્શ ચિત્રણ નવલકથાકારની એક સિદ્ધિ છે. જયભિખ્ખુની વિશાળ પાત્રસૃષ્ટિમાં સ્થૂલિભદ્રનું પાત્રચિત્રણ સદાકાળ નોંધનીય રહે એવું જીવંત અને કલાત્મક તેનું પાત્રાલેખન છે. સૌંદર્યમૂર્તિ કોશા એક ગણિકા હોવા છતાં એનું ચિત્રણ પણ લેખકની કલમે ઉદાત્ત નારી રત્નના નમૂના તરીકે જ થયું છે. અલબત્ત લેખક પોતે જ જણાવે છે તેમ તે સમયે ગણિકાનું સ્થાન આજના જેવું નિમ્ન કક્ષાનું નહોતું. પણ તેઓ કહે છે તેમ ‘એ વેળાની ગણિકા પણ આજની વેશ્યાનું અશુદ્ધ રૂપ નહિ, પણ સંસ્કારદત્ત, શિક્ષણદત્ત અને સર્વકલાકુશળ સ્ત્રી’ (પૃ. ૭, પ્રસ્તાવના)નું જ છે. કોશા પોતાની એક એક રૂપછટાથી સ્થૂલિભદ્રને પ્રેમપાશમાં બાંધે છે ત્યારે પણ એનો ઇરાદો આ મંત્રીપુત્રને પોતાના ફંદામાં લઈ કોઈ ગેરલાભ લેવાનો નથી જ. એણે તો જ્યારથી ભદ્રને જોયો છે ત્યારથી જ તે તેની ઉપર મુગ્ધ બની છે. એને કોઈપણ રીતે ભદ્રને પામવો છે. એણે જે કંઈ ઝંખ્યું છે એ બધું જ એકત્રરૂપે ભદ્રમાં એને જોવા મળ્યું છે. એટલે જ તો ભદ્ર પોતાને વરો તો જગતમાં બીજો પુરુષ વરવો નહિ એવું નક્કી કરતી તે ભદ્રને સંપૂર્ણ રીતે પોતાનો બનાવવા માટે થઈને રાજ્યગણિકાપદને પણ ઠોકર મારે છે. એટલું જ નહીં, ભદ્ર ખુશ રહે, સતત આનંદમાં રહે એ માટે થઈને લખલૂંટ ખર્ચ કરી નાટ્યશાળાનું નિર્માણ કરે છે. કર્તવ્ય અને પ્રેમની વચ્ચે વેદનાભરી રીતે પિસાતો એનો ભદ્ર સતત પ્રફુલ્લિત રહે એ જ એની નિરંતર ઝંખના છે. અલબત્ત, એનો પ્રેમ શરીરની બહાર નીકળ્યો નથી, અને રૂપ બાહ્ય આકર્ષણ સુધી મર્યાદિત છે છતાં એના દ્વારા એને કંઈક પામવું છે. આ વાતની એ પોતે કબૂલાત કરતા કહે છે કે, ‘આપણા આ સુભગ સુંદર સંયોગમાં કોઈ પાપ આવીને પ્રેવશી ગયું હશે તો એ પાપને આપણે પ્રેમયોગ દ્વારા દૂર હાંકી કાઢીશું.’ (પૃ. ૨૦). કોશાની આ વાત સાચી પડે છે. સ્થૂલિભદ્ર-કોશાનો પ્રેમ.... યોગ સુધીની સમાધિએ પહોંચે છે. કોશાને સાચા હૃદયથી ચાહતા ભદ્રને જે ક્ષણે જીવન જીવવાની સાચી ચાવી મળે છે તે જ ક્ષણે ગુરુઆજ્ઞાથી પહેલો ઉદ્ધાર કરવા નીકળે છે કોશાનો, કારણ કે એ માત્ર કોશાના રૂપને નહીં, કોશાના શરીરને નહીં, કોશાના આત્માને ચાહતો હતો. કોશાને તેના અંતરમાં રહેલા એ આત્માનું દર્શન કરાવી ધર્મના શરણે દોરે છે. પ્રેમની આ જ્યોતિને પામેલી કોશા પણ છેવટે સ્થૂલિભદ્રના ગુરુભાઈ એવા જૈન મુનિને અને રથાધ્યક્ષને પણ કામના વિકૃત સ્વરૂપમાંથી પ્રેમના સાચા સ્વરૂપ ભણી વાળવામાં સફળ થાય છે. સ્થૂલિભદ્ર અને કોશાનો આ પાત્રવિકાસ લેખકે સરસ રીતે નિરૂપ્યો છે.

કોશા-સ્થૂલિભદ્રના જેવું જ કૌશલ્યભર્યું પાત્રવિધાન લેખકે શકટાલ મંત્રીનું પણ કર્યું છે. પૂર્વવયનો વિદ્વાન, રસિક અને કવિજીવ એવો આ મહામંત્રી ધનનંદની પ્રેરણાથી કવિતાના ભૂંગળા ફેંકી દઈ રાજભક્તિમાં મગ્ન બને છે. એની સૂક્ષ્મદ્રષ્ટિ અને રાજરમતની પટાબાજીમાંની કુશળતા દાદ માંગી લે તેવી છે. મંત્રીધર્મને ઊંટધર્મ સાથે સરખાવતો આ મહામંત્રી મહાકાર્યની સિદ્ધિ અર્થે આત્મબલિદાન પણ આપે છે. એ ઉપરાંત સાહિત્ય અને રાજકારણ વચ્ચે ઝોલા ખાતો વરરુચિ, ચકોરબુદ્ધિ ચાણક્ય, સંયમ તેમજ સમભાવવાળો મુત્સદી વીર ચંદ્રગુપ્ત, મહાન જ્ઞાની પરમ સિદ્ધિનો જાણકાર, સંયમ અને શક્તિની મૂર્તિરૂપ ભદ્રબાહુ, સુકુમાર, શૂરવીર લાગણીસભર, પિતૃવત્સલ, પિતૃઆજ્ઞા પ્રમાણે વર્તનાર કર્તવ્યનીષ્ઠ શ્રીયક, વિદ્યાવ્યાસંગી યક્ષા, સત્તાલાલસુ પણ વિશુદ્ધ રાજ્યભક્તિવાળો રથાધ્યક્ષ વગેરે પાત્રો લેખક સફળતાથી આલેખી શક્યા છે. ઇતિહાસનો નંદ નવલકથઆમાં છે તેવો નથી, ધનલોભી અને ક્રૂર છે તેથી જ તો નવલકથાના પ્રારંભમાં દેખાતા એના ઉદાત્ત રંગો એના સ્વાભાવિક ચરિત્રચિત્રણને શિથિલ કરે છે.

એકરીતે જોઈએ તો કોઈપણ સંસ્કૃત સમાજના દર્શન સાથે એની ધાર્મિકતાનું તત્ત્વ આપોઆપ દેખાઈ આવતું હોય છે. એમાં ય જ્યાં ધર્મ અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ જેવા ગણાતાં હોય એવા દેશના સમાજનો કોઈ એક ભાગ રજૂ થતો હોય ત્યારે ધર્મની મહત્તા સમાજ-સંસ્કૃતિની સાથે જ પ્રકાશતી હોય છે. અહીં ધર્મવિમુખ લોકોનું આલેખન કરીને એની સામે ધાર્મિકતાની પ્રબળતા અને પ્રભાવકતા મૂકી આપીને લેખકે નવલકથાનો કાર્યવેગ સાધ્યો છે. આમ આ ઐતિહાસિક નવલકથામાં રાજ્ય, સમાજ અને ધર્મનાં આલેખનો સરવાળે તો નવલકથાના કલાતત્ત્વની જ ઉપાસના કરે છે. સૂક્ષ્મ રીતે સંપૂર્ણ નવલકથામાં રમ્યા કરતું આ તત્ત્વ ઐતિહાસિક નવલ દ્વારા વાચકને વર્તમાનથી ભિન્ન એવા વિગત સંસારમાં લઈ જાય છે. પ્રસ્તુત નવલકથામાં લેખકે દેશકાળની સીમાની મર્યાદામાં રહીને તે સમયના રાજકીય, ધાર્મિક અને સામાજિક વાતાવરણને વિશેષ રૂપે નિરૂપ્યું છે.

આ ઉપરાંત સમૃદ્ધિથી છલકાતાં રાજમહાલયો, કલાવૈભવયુક્ત રંગશાળાઓ, સમૃદ્ધિથી ઉભરાતાં રાજપણ્યો, અત્તરના તેલથી બળતી દીપમાલાઓ, કીમતી ગાલીચા, કલાવૈભવથી સમૃદ્ધ વેશભૂષા, વિવિધ પ્રકારની વિલાસથી સભર પ્રસાધનસામગ્રી, નૃત્યકળા, સંગીત, ઋતુપ્રમાણે પલટાતી સૌંદર્યમંડિત જીવનવિધિઓ, તે યુગના રાજપુરુષોની ખટપટો, ગુપ્તચર નારીઓ, વિષકન્યાનો યુદ્ધમાં કે રાજપ્રપંચમાં ઉપયોગ, ગુપ્ત માર્ગો અને ભેંયરાઓ, ગજપ્રધાન ચતુરંગ સેના, અસ્ત્રશસ્ત્રનું વૈવિધ્ય વગેરેમાં રાજકીય વાતાવરણ યથાર્થરૂપે ઊપસ્યું છે. એ સમયનું સાંસ્કૃતિક વાતાવરણ પણ કેવું ઉદાત્ત હશે, એનો પરિચય કરાવતાં પ્રસ્તાવનામાં લેખક પોતે કહે છે : ‘એ કાળ ખરેખર ઉન્નત હશે. માનવીનું જીવનસ્વાતંત્ર્ય પણ અજબ હશે. વિદ્યાનો વિશદ અર્થ જીવન જીવવાની કુનેહ એવા હશે ...... અને એ જ કારણે હશે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નાગર વંશીય, મહાઅમાત્ય શકટાલ જેવાનો પુત્ર, પિતાની અનિચ્છાએ પણ ગણિકાને ત્યાં વર્ષો સુધી પડ્યો રહે ! અને સત્તાનો અગ્નિ બેમાંથી એકેને ન પ્રજાળે ! એ વેળાની ગણિકા પણ આજનું વેશ્યાનું અશુદ્ધ રૂપ નહિ, પણ સંસ્કારદત્ત, શિક્ષણદત્ત ને સર્વકળાકુશળ સ્ત્રી હશે ! અને એક વેળાનો પતિત જુવાન થોડીક ક્ષણોમાં સર્પની કાંચળીની જેમ બધું ફગાવી મુનિઓમાં મહાન બની શકે, એવી હૃદયની મહત્તા પણ ધરાવતો હશે. સર્વશાસ્ત્રવેત્તા ગુરુદેવ પુનઃ એને ગણિકાને મંદિરે જવાની રજા આપે, સામર્થ્ય હોવા છતાં શકટાલ એકેશ્વર્ય (એક જ માલિક) ભાવના જાળવી કુરબાન કરે !’ (પૃ. ૭)

આ નવલકથાનું વાચન આપણા મનમાં એક અનુભવ એ પણ પેદા કરે છે કે જૈન ધર્મની વસ્તુને નવલકથાનો સ્વાંગ આપવામાં આવ્યો હોવા છતાં એ ધર્મના પ્રચારાર્થે લખાઈ છે એમ લાગતું નથી, તે એટલે સુધી કે ભગવાન મહાવીરે ઉપદેશેલા અને ગણધરોએ ગૂંથેલાં બાર અંગોના વર્ણનને કથામાં લેખકે ગૂંથ્યું છે, કેટલેય સ્થળે જૈન ધર્મના સાંપ્રદાયિક શબ્દો ઉપયોગમાં લેવાયા છે. છતાં આ કૃતિ સાંપ્રદાયિક હોવાની છાપ પાડતી નથી, બલ્કે એને કારણે સ્થૂલિભદ્ર વગેરે પાત્રોની રજૂઆત વધારે પડતી કલાત્મક બની શકી છે. આ જ કારણે પંડિત સુખલાલજીએ પણ કહ્યું છે કે લેખકની દૃષ્ટિ 'પંથમુક્ત' છે.

ઐતિહાસિક વાતાવરણને ઉપસાવવામાં નવલકથાનાં વર્ણનોએ પણ યશોચિત ફાળો આપ્યો છે. રૂપ, શણગાર, સ્થળ, પ્રકૃતિ અને પાત્રનાં માનસનાં વર્ણનો લેખકની સૂક્ષ્મતા, વિગતસભરતા અને ઐચિત્યનું દર્શન કરાવે છે. સ્થળ-વર્ણનોમાં પાટલીપુત્ર (પૃ. ૧-૨), તક્ષશિલા (પૃ. ૪૯)નું વર્ણન અને ધનનંદની વિજયસવારીનું વર્ણન (પૃ. ૬૮-૬૯) લેખકે વિગતસભર રીતે કર્યું છે. માનવીની વાસનાઓ જ્યાં મત્ત બનીને નિર્મુક્ત થઈ બહાર રમવા ચાલી આવે એવું સૌંદર્યસભર અને વિલાસખચિત વર્ણન કોશાના ભવનનું લેખકે કર્યું છે. રૂપવર્ણનોમાં કોશાના શણગારનું વર્ણન (પૃ. ૭૭, ૨૪૯) લેખકની સૌંદર્યસભર દૃષ્ટિનું દ્યોતક છે. સોળ શણગારના વર્ણનમાં લેખકનું શાસ્ત્રજ્ઞાન પણ પ્રતીત થયા વિના રહેતું નથી. પ્રકૃતિવર્ણનમાં કાવ્યત્વની છાંટ પણ ભળી હોય એવાં વર્ણનો ક્યાંક ક્યાંક નવલકથાની રંગપૂરણીમાં આગવી ભાત પાડતાં મળે છે. (પૃ. ૧૭૮ અને પૃ. ૧૮૨). પાત્રોનો મનોસંઘર્ષ પણ વર્ણનાત્મક ઢબે લેખકે અનેક સ્થળે નિરૂપ્યો છે. જેમાં સ્થૂલિભદ્રના આંતરસંઘર્ષને નિરૂપતું વર્ણન નોંધનીય છે. જેમકે કાયર પુરુષ ! તારું મૃત્યુ તારી શોભા બનવાને બદલે તારું કલંક બનશે. જગતનો એકે ય બાળ તારા જેવું સંતાન નહીં વાંછે. જગતના એકેય માતા-પિતા તારા જેવું જ્ઞાન દીકરાને નહિ આપે. તારા અવતારથી તેં એક ખોટો બોધપાઠ ઊભો કર્યો. તે તારા જેવા હજારો યુવાનોના સ્વતંત્ર માર્ગને રૂંધી નાખ્યો. અને ઓ ભણેલા મૂર્ખ ! આત્મહત્યા માત્રથી તારાં પાપ ધોવાઈ જશે એમ તું માને છે ? તારી વિદ્યાને તો યાદ કર ! આ ભવ કે આવતે ભવે, આ અવતારે કે બીજા અવતારે, તારા સંચિત કર્મ તારી આસપાસ નાચ્યાં જ કરશે. બધું છોડી શકીશું, કરેલાં કર્મને શી રીતે છોડીશ ? એ તારા કૃત્યકૃત્યાઓ જ્યાં જઈશ ત્યાં જંપ વાળીને તને બેસવા નહીં દે ! કર્મને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં પ્રજાળી નાખ ! તારી જીવનગાંઠડીનો બોજ પ્રેમ અને ત્યાગથી હળવો કર ! એમાં જ તારું શ્રેય છે.' (પૃ. ૨૫૬) ક્યારેક લેખક વાચકો પર પ્રભાવ નાખવા માટે વર્ણનને ખૂબ તીવ્રતા પણ પ્રદાન કરે છે. આને લેખકની મર્યાદા જ ગણવી રહી. નવલકથામાં રજૂ થયેલા સંવાદો ટૂંકા, સચોટ, ચેતનવંતા અને વ્યક્તિત્વના રંગો સુરેખ દર્શાવે તેવાં છે. નવલકથા ઘણે ભાગે સંવાદરૂપે જ વહે છે. એમાંના કેટલાક સંવાદ ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. જેમકે સ્થૂલિભદ્ર-કોશા વચ્ચેના પરસ્પર પ્રેમ કે સંઘર્ષ નિરૂપતા સંવાદ (પૃ. ૭૮૭૯), સ્થૂલિભદ્રના ચિત્તને સતત પોતાની તરફ આકર્ષવા મથતી કોશાના સંવાદ (પૃ. ૮૦), લાંબા અને ઉપદેશાત્મક સંવાદ પણ જયભિખ્ખુ યોજી શકે છે. મહામંત્રી શકટાલ-યક્ષા વચ્ચેના સંવાદ (પૃ. ૧૩૦થી ૧૩૩) એનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. એ જ રીતે લાંબા છતાં લાગણીભર્યા પ્રવાહી સંવાદ કોશા-યક્ષા વચ્ચે યોજાયા છે. શકટાલ-યક્ષાના ચિંતનરસ્યા, ટૂંકા અને જીવનના મર્મને સમજાવતા તથા શકટાલ-શ્રીયકના વ્યક્તિત્વને પ્રગટ કરતા સંવાદ (પૃ. ૨૩૨-૨૩૩) અને શકટાલનો મગધપ્રેમ જેમાંથી ભાવોદ્રેક બનીને ઊભરતો હોય તેવો સંવાદ (પૃ. ૨૩૪) નોંધનીય છે. નવલકથાના આ સંવાદો જેમ ટૂંકા, સચોટ, ચિત્રાત્મક અને માર્મિક છે તેમ પરિસ્થિતિ અને પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ પણ છે. કોશા એ સામાન્ય ગણિકા નહીં પણ સંસ્કારદત્ત સર્વકલાકુશળ સ્ત્રી છે. એ દર્શાવતા સંવાદ (પૃ. ૧૬ અને ૬૫, ૭૭) તેમ જ કોશા-મહાઅમાત્ય વચ્ચેનો તેજતણખા વેરતો સંવાદ જેમાંથી એકનું સુકોમળ અને છતાં મક્કમ તથા બીજાનું અગ્નિ જેવું તેજેભર્યું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. એ સંવાદ (પૃ. ૯૧) જયભિખ્ખુની સંવાદકલાના ઉત્તમ નમૂના છે. કોશાને સંસારસાગરના કીચડમાંથી ઉગારી શાંતિના પરમ ધર્મ તરફ વાળતા સ્થૂલિભદ્રના સંવાદ પણ અવિસ્મરણીય છે. સંવાદોની એક વિશેષતા એ છે કે એક જ ભાષાની અંદર બધાં પાત્રો બોલે છે, છતાં એમના બૌદ્ધિક વિકાસને અનુરૂપ જુદી જુદી શ્રેણીઓ તેઓ યોજી શક્યા છે. એક વેળાનો પતીત યુવાન સ્થૂલિભદ્ર સર્પની કાંચળીની જેમ બધું ફગાવી કામવિજેતા બને છે, મુનિઓમાં મહાન બને છે. આ બધા વખતે સંવાદમાં ભાષા બદલાતી નથી અને છતાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જ એનું નિરૂપણ છે. કથાને વિકસાવવામાં અને પાત્રોના વ્યક્તિત્વને પ્રગટાવવામાં મહત્ત્વનો ફાળો આપતા સંવાદોનું નિરૂપણ નવલકથાને નાટ્યાત્મક બનાવીને વધુ આકર્ષક બનાવે છે.

ઇતિહાસના વાતાવરણને નિરૂપતી આ નવલકથાના નાટ્યાત્મક આલેખનમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષનું આલેખન પણ કલાત્મક બને છે. નવલકથામાં બાહ્ય સંઘર્ષ શકટાલ-વરરુચિ વચ્ચે, નંદ અને ચંદ્રગુપ્ત વચ્ચે, ચાણક્ય અને નંદકુમારો તથા નંદ વચ્ચે તથા આંતરસંઘર્ષ નાટક સ્થૂલિભદ્રના ચિત્તના વંટોળરૂપે નિરૂપાયો છે. સ્થૂલિભદ્રનું સંસ્કારી હૃદય એક બાજુ પિતૃઇચ્છા મુજબ મગધભક્તિ ઝંખે છે તો બીજી બાજુ રૂપકોશાના પ્રેમપાશમાં બંધાઈને વિલાસ અને વિહાર ઝંખે છે શઢ અને સુકાન વગરની એની હૃદયનૌકા ઝોલા ખાય છે. રૂપકોશાના સૌંદર્યમાં રમમાણ થતી વખતે જ ચિત્તમાં નિર્વેદ પેદા થાય છે. પિતાના મૃત્યુ માટે પોતાને જ જવાબદાર ગણાતો તે પોતાની જાતને ફિટકારે છે અને એ વખતે તેને ક્ષણેક્ષણ મૃત્યુ વહાલું લાગે છે. વળી, જે ક્ષણે એ મૃત્યુની નજીક પહોંચવા ઝંખે છે એ ક્ષણે જ કીંમતી જીવન શતમુખે પોતાની તરફ આવકારે છે. એનું આ આંતરમંથન જયભિખ્ખુએ ખુબ જ સુંદર રીતે નિરૂપ્યું છે. સ્થૂલિભદ્ર સાધુસ્વરૂપે કોશાની ચિત્રશાળાએ ચાતુર્માસ ગાળવા આવે છે ત્યારે કોશાના સર્વજિત સૌંદર્યથી, પ્રેમથી અને રૂપથી સ્થૂલિભદ્રને ચલિત કરવા મથે છે. તે સમયે કોશાના ચિત્તની અસદ્ વૃત્તિઓની સામે સ્થૂલિભદ્રના ચિત્તની સદ્‌વૃતિઓનો સંઘર્ષ નવલકથામાં સુપેરે આલેખાયો છે. પોતાના ભવિષ્યની દીવાદાંડી સમાન અને પોતે જેને પોતાની સર્વ પ્રકારની વિદ્યાઓ શીખવી છે તેનો સ્થૂલિભદ્ર જ્યારે પોતાના ભવિષ્યનાં સ્વપ્નાને સળગાવી મૂકી એક ગણિકાને ત્યાં ચાલ્યો જાય, બાર બાર વર્ષ સુધી મોં પણ ના બતાવે, પોતાની ખરી જરૂરિયાત વખતે માન-સ્વમાન ભૂલી એને બોલાવવા માણસ મોકલે ત્યારે પણ તે ના આવે એવા પુત્ર તરફથી થતી વેદનાથી પિડાતા અને છતાં ય સમધારણ રીતે રાજનીતિના દાવપેચ ખેલતા શકટાલનો આંતરસંઘર્ષ જયભિખ્ખુએ સરસ રીતે નિરૂપ્યો છે. પોતે જેને પ્રાણથી પણ પ્યારી ગણી એવી પાટલીપુત્રની પ્રજા પોતાની વિરુદ્ધ થઈ જાય એ વખતના સંઘર્ષનું વેદનામાં જે રીતે રૂપાંતર થયું છે, એ જ જયભિખ્ખુની નાટ્યાત્મક નિર્માણશક્તિનો વિશેષ અનુભવ બની રહે છે. અહીં સ્થૂળ સંઘર્ષ નથી, ચિત્તનું વેદનામય આંતરમંથન છે.

જયભિખ્ખુએ સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે. જૈનશાસ્ત્રોનું પણ શિવપુરીમાં રહી તલસ્પર્શી અધ્યયન કર્યું છે. ઇતિહાસ અને પુરાણનું જ્ઞાન પણ એમની પાસે સારા એવા પ્રમાણમાં છે. એ વાતની પ્રતીતિ આ નવલકથા વાંચતાં ઘણે સ્થળે થાય છે. એમનું ઇતિહાસજ્ઞાન (પૃ. ૪૯), પુરાણજ્ઞાન (પૃ. ૯૪, ૧૩૨), નાટ્યશાસ્ત્રનું ઊંડુ જ્ઞાન 'રંગશાળા' નામના પ્રકરણમાં (પૃ. ૧૪૦,૧૪૧ વગેરે), જૈન શાસ્ત્રોનું જ્ઞાન (પૃ. ૨૬૩) અને શાસ્ત્રાસ્ત્રોનું જ્ઞાન (પૃ. ૨૦૪)જોવા મળે છે.

જયભિખ્ખુ નારીગરિમાના લેખક છે. નારીહૃદયના ઉદાત્ત ભાવોના ઉદ ગાતા છે. નારીગૌરવ એમની સર્વ પ્રકારની કૃતિમાં એક નોખારૂપે પ્રગટ્યું છે. અહીં પણ તક મળતાં લેખકનો હૃદયભાવ અછતો રહેતો નથી. ગણિકાપુત્રી કોશાને જ્યારે સ્થૂલિભદ્ર પિતૃઆજ્ઞાને કારણે ગણિકા હોવાને નાતે અવગણે છે ત્યારે પોતાનું ગૌરવ અક્ષત રાખતી કોશાના મુખમાં જયભિખ્ખુએ નારીની શક્તિને આ રીતે વર્ણવી છે : 'સ્ત્રી સદા અપયશભાગી બનતી આવી છે. પણ જો કોઈ સમજી શકે તો સ્ત્રી સંજીવની છે. અને એ વાત જ્યારે સમજાશે ત્યારે મોતના મુખમાંથી છૂટવા વલખાં મારતું જગત નવજીવન પામશે.' (પૃ. ૪૨) એ જ રીતે આખીયે નવલકથામાં લેખક કોશા ગણિકામાં રહેલા ઉદાત્ત નારીતત્ત્વને જ ઉપસાવે છે. કોશાનું ચિત્રણ સર્વત્ર એવા રૂપે લેખક દ્વારા થયું છે કે એના તરફ ક્યાંય પણ ભાવક હૃદયમાં દુર્ભાવ જાગતો નથી તે એટલે સુધી કે મુનિ સ્થૂલિભદ્રને પોતાના શૃંગારથી વિચલિત કરવાના એના પ્રયત્નોમાં પણ ક્યાંય જુગુપ્સા આવતી નથી. ત્યાં પણ ક્ષણે ક્ષણે કોશાની નારીસહજ ઝંખના સાથે ભાવહૃદય સહાનુભૂતિ જ દાખવે છે. કોશાના આવા ચિત્રણમાં પણ લેખકહૃદયનો નારી તરફનો ગૌરવનો ચાહ જ જાણે આગળ તરી આવે છે.

ઐતિહાસિક નવલકથામાં ચમત્કારતત્વનો ઉપયોગ જો ઔચિત્યપૂર્વક થાય તો એનાથી નવલકથા લોકભોગ્ય વિશેષ બને છે. આપણે જાણીએ છીએ કે દરેક ધર્મમાં એક યા બીજા સ્વરૂપે ચમત્કારિક તત્ત્વોનો સ્વીકાર થયેલો છે. સ્થૂલિભદ્રના જીવનને વર્ણવતી પ્રસ્તુત નવલકથા પણ છેવટે તો ધાર્મિક કથાવસ્તુવાળી કૃતિ છે અને સ્થૂલિભદ્રના જીવન સાથે પણ અનેક પ્રકારના ચમત્કારો વણાયેલા છે. એમાંનો એક ચમત્કારપ્રસંગ પ્રસ્તુત નવલકથામાં રજૂ કરવામાં આવ્યો છે. સ્થૂલિભદ્ર ગુફામાં સિંહ બનીને બેસવાનું કૃત્ય કરે છે તે (પૃ. ૩૬૮). આવા ઉલ્લેખ પાછળ સ્થૂલિભદ્રને એમના સાધુ-સાધ્વી સમાજ કરતાં ચડિયાતા બતાવવાનો પ્રયત્ન હોય પણ લેખકની વિશેષતા એ છે કે એમણે આ નિરૂપણને એમાં રહેલા દોષતત્ત્વને દર્શાવવાની ઢબે આલેખ્યું છે. આ રજૂઆત ભદ્રબાહુના શબ્દોમાં થઈ છે. સ્થૂલિભદ્રે સિંહરૂપ ધરી જે ચમત્કાર સર્જ્યો એની ટીકા કરી ભદ્રબાહુ મુનિએ એને સ્થૂલિભદ્રના અપરાધ તરીકે ગણાવ્યો છે. આત્માની આ વિદ્યા ઐહિક કીર્તિના સાધન માટે નથી. આત્મધર્મ ના વિસરાય એ માટે સાધુઓએ ચમત્કારો તરફ ઝૂકી જવું જોઈએ નહિ એ સત્ય ભદ્રબાહુ મુનિ સ્થૂલિભદ્રને બતાવે છે. ટૂંકમાં ધર્મકથાને ઐતિહાસિક રૂપ આપીને રચવામાં આવેલી આ ઐતિહાસિક નવલકથામાં ચમત્કાર તત્વનો વિનિયોગ નવલકથામાં કઈ રીતે કરી શકાય, એનું નિદર્શન અહીં સફળતાપૂર્વક થયું છે.

જયભિખ્ખુ આપણા જીવનધર્મી સાહિત્યકાર છે. સાહિત્ય દ્વારા સમાજને પ્રેરણા આપી સમાજચેતનાને સાંસ્કૃતિક પુષ્ટિ આપવાનો એમનો હેતુ છે. અને એટલે જ તેઓ હંમેશ સદ્ સાહિત્ય જ સમાજ ને ચરણે પીરસે છે. એમની કૃતિ ચિંતનરસે રસાયા વિનાની તો મળે જ શાની ? નવલકથામાં લેખકનું ચિંતન કથાવસ્તુનો જીવંત ધબકાર બનીને ધબક્યા કરે છે અને છતાંય લેખકની કુશળતા એ વાતમાં રહેલી છે કે એમનું આ ચિંતન ક્યાંય પણ નવલકથાને ઉપદેશાત્મક બનાવી દેતું નથી કે નથી નવલકથા એના કારણે બોઝિલ બનતી. વિવિધ વિષયોના જ્ઞાતા આ લેખક પોતાના વિચારોને નવલકથામાં વાચક વિચારતો થઈ જાય એ ઢબે ગૂંથી લે છે. લેખકના આ પ્રકારના નિરૂપણમાંથી જ ચિંતનનો ધ્વનિ ફોરી ઊઠે છે.

રાજકારણ લેખક નજરે જ્વાલામુખીના શિખર જેવું જણાય છે. એ શિખર પર બેસવાનું સૌને ગમે, જીવનની સુખસીમા એમાં પરિસમાપ્તિ પામતી જણાય, પણ જ્વાલામુખી એ છેવટે જ્વાલામુખી જ છે. જ્વાલામુખી જ્યારે લાવા ઉછાળવા માંડે ત્યારે કોઈ પુરુષાર્થી જ એમાં ટકી રહે. (પૃ. ૨૫-ર૭)

જયભિખ્ખુ માને છે કે સાહિત્ય દ્વારા પ્રજામાં એકલી રંગીનતા કે સ્થૂળ રસિકતા જ વિકસે-વિલસે તો ચાલે નહીં. મત્સ્યગલાગલના વાતાવરણમાં જીવતી અને મહારાજ્ય માટે ઝંખતી પ્રજા માટે યુદ્ધપ્રિયતા અને દેશાભિમાન ટકાવી રાખવાની પણ એટલી જ આવશ્યકતા છે. તેઓ શકટાલના મુખે કહેવડાવે છે, ‘મગધનો યોદ્ધો યુદ્ધનો થાક ઉતારવા બંસરી બજાવે, એ ભલે યોગ્ય લેખાય, પણ બંસરીનો નાદ એને રાષ્ટ્ર તરફ બેદરકાર બનાવે એ મને ન રુચે. મગધની રમણીઓ ભલે કાવ્યની છોળોમાં નહાતી રહે, પણ કાવ્યની મોહિની જીવનદ્રોહિની ન બનવી ઘટે... મગધનું સૈન્ય દિન-પ્રતિદિન અપ્રતિમ બનતું જતું હોય પછી દિવસરાત ભલે કાવ્યચર્ચાનો ધોધ વહેતો રહે.’ (પૃ. ૧૩૧) શકટાલની આ વિચારસરણીની સામે યક્ષાના મુખમાં લેખકે આપણે સહુ પણ લેખકને પૂછીએ એવો તાતો પ્રશ્ન પૂછયો છે : ‘રાષ્ટ્ર એટલે સૈન્ટ, કોશ ને શસ્ત્રો - એટલું જ ? સંસ્કાર, સંસ્કૃતિ કે સાહિત્ય જેવું એને કશું જ નહિ ?’ (પૃ. ૧૩૧) જયભિખ્ખુ શકટાલ પાસે એનો જે જવાબ અપાવે છે તે પણ એવો જ નોંધનીય છે : ‘રાષ્ટ્ર એટલે એ બધાનો સમન્વય. એને સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તો રાષ્ટ્ર ન કહેવાય, છતાં એ નિશ્ચિત સમજી લેવાનું કે પ્રજાઓ નિર્બળ બનતાં એનાં સંસ્કાર ને સાહિત્ય ગમે તેટલાં ઉત્તમ હોય એ નિર્બળ બનવાનાં ! સંસારમાં જ્યાં સુધી ‘મત્સ્યગલાગલ’ ન્યાય ચાલતો હોય, સબળા નબળા પર કાબૂ જમાવવામાં માનતો હોય ત્યાં સુધી સૈન્ય, કોશ ને શસ્ત્ર અનિવાર્ય. કાવ્ય, નાટ્ય, સાહિત્યનું ત્યાં સ્થાન મર્યાદિત.’ (પૃ. ૧૩૧) જયભિખ્ખુનો આ મુદ્દો આજના સંદર્ભમાં પણ સાચો નથી શું ?

સ્વરાજ્યની સુરક્ષાની સતત ચિંતા દ્વારા રાષ્ટ્રપ્રેમની કેળવણી જેમ જયભિખ્ખુના ચિંતિનમાં વ્યક્ત થાય છે તેમ લેખકની પ્રીતિમીમાંસાના ચિંતનાત્મક અંશો પણ નોંધપાત્ર છે. લેખકની ઝંખના પ્રેમતત્ત્વને જગતમાં શાસ્વત બનાવવાની છે. એટલે તો સ્થૂલિભદ્રના મુખમાં તેઓ આ ઉક્તિ મૂકે છે ને ? – ‘ભદ્ર અને કોશા એ બે તત્ત્વો સંસારમાં હજી રહેવા લાયક છે... અને એ રહેશે જ. કોઈ તોફાન, કોઈ આંધી, કોઈ દુર્ગ કે કોઈ દીવાલો એને નહિ ખાળી શકે !’ (પૃ. ૪૩) પણ સાચો પ્રેમ તો એ જ કે કસોટીની એરણ ઉપર જઈને પણ શુદ્ધ રૂપે જ બહાર આવે. લેખકની શ્રદ્ધા આ વિધાનમાંથી મુક્ત થાય છે : ‘પ્રેમનું સુવર્ણ જેમ સજાના તાપને સ્પર્શતું જશે, એમ દિવ્ય થતું જશે.’ (પૃ. ૧૩૮) જયભિખ્ખુના મતે ત્યાગમાંથી જે જન્મે એ જ સાચો પ્રેમ. તેઓ કહે છે, ‘જેમાં ત્યાગ નથી એ પ્રેમરસ ફિક્કો છે.’ (પૃ. ૨૪૦) તો રાજધર્મ અને સાધુધર્મનો ભેદ બતાવતાં તેઓ કહે છે, ‘પ્રીતથી પ્રીત એ સાધુધર્મ અને ભયથી પ્રીત એ રાજધર્મ.’ (પૃ. ૨૦૬)

શ્રી રવિશંકર જોશી આ નવલકથાના ઉદ્દેશ વિશે જણાવતાં કહે છે : ‘આ નવલનો પ્રધાન ઉદ્દેશ કલાપૂર્ણ સૂચકતાથી એક જીવનસંદેશ આપવાનો છે. રાજકારણમાં સત્તા અને સમૃદ્ધિ મળે છે ખરાં, પણ તેમાં આચરવાં પડતાં કુટિલ પ્રપંચો, ઘોર નિર્દયતાભર્યા કૃત્યો, હૃદયના રસપ્રવાહો ઉપર મૂકવાં પડતાં પથ્થર સમા કઠોર ઢાંકણો, અખંડ ચિંતાના સહેવા પડતા દાહ અને પરિણામ-શૂન્યતા : આ બધાં અગ્નિજ્વાળાઓ વચ્ચે જીવતાં હોઈએ એવું રાજકારણનું જીવન બનાવી મૂકે છે. ઇન્દ્રિયભોગ, વિલાસ સૌંદર્યવાસના ક્ષણિક, નિર્વેદકર, અશક્ત બનાવનાર, સ્વાર્થપોષક અને જન્મજન્માંતરનાં બંધનો ઉત્પન્ન કરનાર છે. તેનાથી નથી થતું લોકકલ્યાણ કે આત્મકલ્યાણ, ઇન્દ્રિયો, વાસનાઓ અને ભોગવૃત્તિઓ સંવર કરી આત્મસિદ્ધિને પંથે પળતાં જ શાસ્વત શાંતિ, હૃદયની વિશાળતા, વ્યાપક માનવબંધુત્વ અને જન્મજન્માંતરનો વિકાસ પ્રાપ્ત થાય છે. કામક્રોધાદિનો સંયમ પ્રાપ્ત કર્યા પછી જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત કર્યા પછી જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું છે એ મંત્ર કલાપૂર્ણ સૂચકતાથી આ નવલમાંથી લેખક ગુંજતો કરી શકે છે.’ (પૃ. ૧૩, આમુખ)

જયભિખ્ખુ પોતે કથાનો મર્મભાવ જણાવતાં કહે છે : ‘આ નવલકથામાં પાત્રો એક જ વાત કહે છે, અને એને જ કથાનો મર્મભાવ કલ્પી શકાય. પૂર્ણ તો એક સિદ્ધાત્મા કે પરમાત્મા છે, એ સિવાય અપાપી હોવાનો દાવો કોઈ મનુષ્ય કરી ન શકે. માનવ ભૂલનો ભંડાર છે. એટલે એવો એક માનવી બીજા માનવીની ટીકાનો અધિકારી નહિ, પણ સહાનુભૂતિ ને સમવેદનાનો અધિકારી છે… આ વાર્તાનું હાર્દ એટલું જ નહિ કે માણસ સંસારમાં બધું જીતી શકે છે, પણ કામ જીતવો મુશ્કેલ છે. અને જેણે કામ જીત્યો એને સંસારમાં જીતવા જેવું બહુ ઓછું બાકી રહે છે.’ (પૃ. ૮, પ્રસ્તાવના). ટૂંકમાં માનવીને દોષી, દુર્ગુણી કે પતિત તરફ હમદર્દ બનવું ઘટે છે. પાપને બદલે પાપીની ઘૃણા એ પણ એટલું જ પાપ છે એટલે જીવનવિકાસનું બીજ અહંતાના ત્યાગમાં અને સહૃદય બનવામાં છે એ વાત લેખક કલાપૂર્ણ પીતે ધ્વનિત કરે છે. આ નવલકથાની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો જયભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોની વણઝાર આ નવલકથામાં જોવા મળે છે. જેમ કે –

રત્નજડિત મુદ્રિકાઓથી અંકિત હાથીની સૂંઢ સરખો એ હાથ (પૃ. ૨૪)
સ્થૂલિભદ્રને વિરામાસન પર બેસાડી એના કંધ સાથે પોતાના સ્કંધ અડાડી કોશા બેઠી. હિમવંત પાસે જાણે ઉષા ઊગી (પૃ. ૭૮) (ઉત્પ્રેક્ષા)
કામદેવના સિંહાસન જેવાં એનાં પોપચાં બિડાઈ ગયાં હતાં. (પૃ. ૮૪) (ઉપમા)
પ્રેમની કુમકુમભરી કોઈ કંકાવટીમાંથી કોમળ કિસલય જેવી આંગળીએ જાણે લાગણીના કંકુ છાંટી રહી હતી. (પૃ. ૮૫) (ઉપમા અને ઉત્પ્રેક્ષા)
સિંહણના દૂધ જેવો વિજયોન્માદ (પૃ. ૯૩) (ઉપમા)
જ્વાલામુખીના શિખર જેવું રાજકારણ (પૃ. ૧૨૯) (ઉપમા)
શું વિલાસ તે કોઈ અનન્તકાલીન ભૂખ્યું ભિક્ષાપાત્ર છે ? (૫. ૧૯૩)
ભદ્રના જીવનની કોશા કિલ્લેદાર બની બેઠી હતી. (પૃ. ૧૯૩)
કમળદંડ જેવી નાકની દાંડી (પૃ. ૧૯૮) (ઉપમા)
વીજળી પૃથ્વી-આભનાં ઓવારણાં લેવા લાગી (પૃ. ૧૯૯)
સૂર્યદૂત અરુણ ઉષાના હાથે પૂર્વનું દ્વાર ઉઘડાવી રહ્યો હતો. (પૃ. ૨૧૪)
જ્વાળામુખીના ગર્ભ જેવી રાજસભા હકડેઠઠ ભરાઈ હતી. (પૃ. ૨૪૧) (ઉપમા)
વર્ષાની વાદળી જેવી ગાયિકાઓનું ટોળું ત્યાં જામ્યું હતું. (પૃ. ૨૪૮) (ઉપમા) કોશાનાં સુંદર નેત્રોમાંથી સ્ફટિક કણિઓની હારમાળા જેવાં અશ્રુબિંદુ ટપકી રહ્યાં (ઉપમા)
ગર્વોન્નત મસ્તકે ઊભા રહેલા ભાઈ-ભાંડુઓ જેવા નાના ડુંગરો (પૃ. ૨૫૫) (ઉપમા)
શાંત સમાધિસ્થ ચંદ્રમૌલીશ્વરની પ્રતિમૂર્તિ જેવું કૈલાસશિખર (પૃ. ૨૬૮) (ઉપમા)
મેઘરાજાની રાહમાં પવન સ્તબ્ધ થઈ ખડો હતો (પૃ. ૨૮૨)
કોશાની લાલ આંખડી જેવું સવિતા નારાયણનું લાલ બિમ્બ (પૃ. ૨૮૭) (ઉપમા)
એ તો નિર્વાત વૃક્ષ જેમ શાંત હતા (પૃ. ૨૯૩) (દષ્ટાંત)
મહામેઘની ઝડીઓ અને વાયુદેવનાં તાંડવ વચ્ચે હિમગિરિ જેમ શાંત ને સ્વસ્થ ઊભા રહે એવા જ એ શાન્ત અને સ્વસ્થ હતા. (પૃ. ૩૦૦) (દૃષ્ટાંત)
ઊકળતા લાવારસ જેવું સ્થૂલિભદ્રનું મન (પૃ. ૨૨૫) (ઉપમા)
તારાં સંચિત કર્મો તારી આસપાસ નામાં જ કરશે (પૃ. ૨૨૯)
પુરુષાર્થનો કોઈ પ્રચંડ ધોધ ગર્જતો લાગ્યો. (પૃ. ૨૫૭)
મને સંસારશેરી વીસરી રે લોલ (પૃ. ૨૬૧)
મુજ પતિતને ઉદ્ધારો (પૃ. ૨૬૫)
દેહશોભા અને મુખસૌંદર્યમાં પણ લાલસાના મનોહર સર્પો સદા ફેણ વિસ્તારી ડંખ દીધા કરતા હતા એમાંથી જાણે સાવ વિષ નીકળી ગયું હતું. અમૃતવર્ષા એને સ્થાને આવી હતી. (પૃ. ૨૯૭)
અષાઢી આભમાં વાદળીઓ ઘેરાવા લાગી હતી. ગર્જનાના ઘનઘોર ઢોલ ગાજવા લાગ્યા હતા. વીજળી પૃથ્વી-આભને વીંધતી ઝગમગાટ કરી રહી હતી, મેઘરાજાની રાહમાં પવન સ્તબ્ધ થઈ ખડો હતો. વૃક્ષોની ડાળીઓ કોઈની સ્મૃતિમાં જાણે સ્થિર થઈ ગઈ હતી (પૃ. ૨૮૨) (કાવ્યમય વર્ણન) જીવનને હવે ઝાંઝવાનાં જળ પાવાં નથી. (પૃ. ૨૨૯)
તારા આત્મા પર મારો ગાઢ પ્રેમ છે, રે નારી ! યોગીઓ તો આત્માના આશકો છે. (પૃ. ૨૯૫)
પ્રીતથી પ્રીત એ સાધુધર્મ, ભયથી પ્રીત એ રાજધર્મ. (પૃ. ૨૦૬)
સાચો પ્રેમ ત્યાગમાંથી જન્મે છે, જેમાં ત્યાગ નથી એ પ્રેમરસ ફિક્કો છે. (પૃ. ૨૪)

ઉપરનાં અનેક દૃષ્ટાંતો દ્વારા લેખકના સમર્થ ગદ્યની અને એ દ્વારા થતી નવલકથાની વસ્તુવિકાસલક્ષી સમૃદ્ધિનો પરિચય થાય છે. એમાં એવી કવિપ્રતિભા પણ નજરમાં આવે છે, જે સરવાળે ગદ્યકૃતિને અનુરૂપ થઈને નવલકથાના ગદ્યને જ ઉપકારક થતી હોય. એ ઉપરાંત ઐતિહાસિક વાતાવરણ મૂર્તિમંત કરવા શબ્દો પાસેથી પણ જયભિખ્ખુએ ઠીક કામ લીધું છે. દા. ત. પર્યાંકાસન (પલંગ, પૃ. ૨૪), અર્ધનાલિકા (દોઢ કલાક, પૃ. ૧૦૩), શિબિકા (રથ, પૃ. ૧૦૩), વિનિમય બજાર (પૃ. ૧૦૬), આપણ શ્રેણીઓ (દુકાનો, પૃ. ૧૦૭), કુત્રિકાપણ (જ્યાં બધા જ પ્રકારની વસ્તુઓ એક સાથે મળી શકે એવી દુકાન, પૃ. ૧૦૭), પણ્યગૃહો (પૃ. ૨૨૨), દુર્ગચ્છા (દુર્ગંધ, પૃ. ૨૨૯). જૈન મુનિઓએ રચેલાં નમૂનેદાર ભાવગીતોને પણ લેખકે નવલકથાની સામગ્રી લેખે ઠેર ઠેર કંડારી દીધાં છે. શ્રી કૃષ્ણકાંત કડકિયા કહે છે તેમ ‘નવલકથામાં વ્યાસશૈલી માટે વધારે ગુંજાયશ હોવા છતાં નાટક તેમ વાર્તા બંને કરતા વધુ સારી સરળ શૈલીને પણ ફેલાવી શકાય છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયભિખ્ખુએ આ નવલકથા દ્વારા પૂરું પાડ્યું છે.’ (‘ઈ. સ. ૧૯૨૧થી ૪૦ સુધીની ગુજરાતી-હિન્દી ઐ. મૂલક નવલકથાનો તુલનાત્મક અભ્યાસ’, પૃ. ૩૦૮)

જ્યારે વર્તમાન યુગ ભોગવિલાસ, સમૃદ્ધિ, સત્તા અને અનીતિ તરફ વેગથી ધસી રહ્યો છે ત્યારે નવલકથાની કલામાં રોચક રીતે મઢીને પ્રજાને સંયમ, નીતિ અને ત્યાગ તરફ વાળવાનો પ્રયત્ન કરતી આ નવલ જયભિખ્ખુની નવલોમાં તો ખરી જ, પણ ગુજરાતી સાહિત્યની ધાર્મિક કથાવસ્તુવાળી નવલોમાં પણ નોંધપાત્ર ભાવે કલાત્મક બની છે. વિક્રમાદિત્ય હેમુ :

ઇતિહાસમાંથી તથ્યની કણીઓને ઉપાડી લઈ કલ્પનાની છાપ ઉપર મઢી ઇસુની સોળમી સદીમાં થયેલા હેમુની કથાને રજૂ કરતી વિક્રમાદિત્ય હેમુ એક કલાના સત્યના નમૂનારૂપ નવલકથા છે. બચપણમાં પાઠશાળામાં જયભિખ્ખુએ મિત્રો સાથે હેમુનો પાઠ ભજવેલો ત્યારથી હેમુ કોણ હશે એ જાણવાનું આકર્ષણ જાગેલું. લેખક થયા પછી ઇતિહાસમાં એમણે હેમુની શોધ આરંભી, ખૂબ પ્રયત્ન પછી થોડી માહિતી મળી. કોઈક ગ્રંથમાં દશેક પંક્તિ, કોઈકમાં ચારેક ને કોઈકમાં તો એકાદ પંક્તિમાં જ એનો ઉલ્લેખ એમનો મળ્યો. ‘યવનમિત્ર’ તરીકે વગોવાયેલા આ પ્રતાપી રાજવીને ગાનાર કોઈ ‘ચંદ બારોટ’ નહીં મળ્યો હોય એને પરિણામે એક તેજસ્વી તારો જે સદા વાદળછાયો રહેલો તેને સાહિત્ય અને સમાજની ભૂમિ ઉપર આલોકિત કરી આપવાનું પ્રશસ્ય કૃત્ય જયભિખ્ખુ કહ્યું અને એ અર્થમાં તેઓ વિક્રમાદિત્ય હેમુના આ અને એની અનુસંધિત નવલકથાઓમાં ચંદ બારોટ બન્યા છે. આ ગ્રંથની રચનામાં તેઓએ અનેક જૈન, મુસ્લિમ, હિન્દુ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. જેનો ઉલ્લેખ ‘વિક્રમાદિત્ય હેમુ’ની પ્રસ્તાવના બાદ નવલકથા શરૂ થતાં પહેલાં તેમણે કર્યો છે. (જુઓ : ‘વિક્રમાદિત્ય હેમુ’ પૃ. ૧૪, ૧૫).

પ્રસ્તુત નવલકથાની કથાનો આરંભ અફઘાન બાદશાહ શેરશાહની ‘દિલ્હીપતિ’ બનવાની મહત્ત્વાકાંક્ષાના આલેખનથી થયો છે અને તેમના રાજ્યારોહણથી કથા સમાપ્ત થાય છે. સદા અપ્રસિદ્ધિમાં રહીને મિત્રને સહાય કરનાર હેમનું જીવન કથામાં શેરશાહના જીવનની પાછળ માળાનાં ફૂલને જોડનાર દોરાની જેમ સાથે સાથે ચાલે છે એટલે કથામાં ઘણીવાર નાયકપદ પર હેમુને બદલે શેરશાહ પણ આવતો લાગે છે. પણ આ સંદર્ભમાં લેખક પોતે જ કહે છે એ વાત આપણે પણ સ્વીકારીને ચાલીએ કે ‘જેમ જયપરાજયમાં એ બે મિત્રોએ કદી ભેદ નહોતો કર્યો તેમ જે કાળે જે નાયક બને તેમાં આપણે ભેદ ન પાડીએ.’ (પ્રસ્તાવના : પૃ. ૧૧)

‘વિક્રમાદિત્ય હેમુ' ની કથા એ સમયની વાતથી આરંભાય છે જ્યારે દિલ્હીની સલ્તનત અફઘાનોના કબજા હેઠળ હતી. પણ ક્લેશ અને કુસંપના કારણે અફઘાનોએ મોગલોને નોતર્યા, બંને વચ્ચે પાણીપતના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું. આંતરકલેશને કારણે અફઘાનો હાર્યા અને બાબર દિલ્હીનો બાદશાહ બન્યો. સામાન્ય જાગીરદારનો પુત્ર ફરીદ અને મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ - એક માળાના બે પરદેશી પંખી જેવા આ બંને - કાશીથી ૪૦ કોસ દૂર આવેલ યવનપુર-જોનપુરની મદ્રેસામાં સાથે ભણ્યા. એ વખતથી બંને વચ્ચે એક અજબ મૈત્રી બંધાઈ હતી. બંને એક મોંથી હસતા, એક આંખથી રોતા.

યુવાની જ્યારે ફરીદને બિહારના શાહને ત્યાં સિપાહી તરીકે અને હેમુને દિલ્હીના ઝવેરી બનવા તરફ લઈ ગઈ ત્યારે એક વખત બિહારના શાહની નોકરીમાં રહેલા ફરીદે વાઘ સાથેના શિકારમાં શાહને જાનના જોખમે બચાવ્યા. તલવારના એક જ ઝાટકે પહાડ જેવા વાઘના બે કટકા કર્યા એટલે એમણે એને ખુશ થઈને પ૦૦ સવારોની સરદારી અને ફરીદખાંને શેરખાંનું ઉપનામ આપ્યું. જ્યારે હેમુએ પોતાના મિત્રની શૂરવીરતાની આ વાત સાંભળેલી ત્યારે કહેલું કે ‘આ એકલહથ્થો લડવૈયો હિંદનો બાદશાહ બનશે (પૃ. ૩૪) અને પોતે પોતાના મિત્રને હિંદનો બાદશાહ બનવામાં મદદ કરશે’ એવું વચન પણ આપેલું.

જ્વાળામુખી જેવા રાજકાજમાં પુત્રને હોમવાની અનિચ્છાવાળા હેમરાજના પિતા શ્રેષ્ઠી રાજપાળે પુત્રને ઝવેરાતના ધંધામાં પારંગત બનાવેલો. દિલ્હીમાં એમની અજોડ શાખ હતી. નવાબો, સૂબાઓ, સુલતાનો એમનાં પગથિયાં ઘસતાં. આમ છતાં તેમનું આંતરસત્ત્વ કંઈક જુદા જ પ્રકારનું હતું. એના એક દિમાગમાં હજાર લશ્કરનું બળ હતું. એના શબ્દોમાં મડદાંને સજીવન કરવાની તાકાત હતી. એના બાહુમાં સલ્તનતો સર્જવાની ને ભાંગવાની અજબ કરામત હતી. પટાબાજીમાં એને પછાડે એવો નર હજી સુધી થયો નહોતો. એની બંદૂકની નેમ એવી હતી કે પંખી પોતાનો માળો ચૂકે તો એ નેમ ચૂકે. ગજસેનાના શોખીન એવા આ નરબંકાએ પોતાની આગવી ગજસેના કેળવી હતી. એમાંય ‘હવા’ તો એનો પ્રિય હાથી હતો . સળગતી ખાઈમાંથી પણ જો એને પસાર થવાનું હોય તો તે નિર્ભયપણે ચાલી નીકળે. હવાને માટે બંદૂકોના ને તોપોના વાર વૃક્ષ પરથી ઝરતાં ફૂલપાંદડાં જેવા હતા.

આવા હેમુને ત્યાં એક દિવસ જૈન જતિ આવે છે એ સમય એવો હતો જ્યારે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો ધર્મને રાજ્યાશ્રય મળે એ માટે ખૂબ પ્રયાસ કરતા. પોતાનાં વિદ્યા, તપ, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવી ધર્મનો પ્રચાર કરવામાં કૃતકૃત્યતા અનુભવતા. આ જૈન જતિ હેમુમાં ભાવિ દિલ્હીપતિનાં દર્શન કરે છે. તેના અંતરમાં દિલ્હીશ્વર બનવા માટેની ખ્વાહેશ જ્યોતિષને આધઆરે પેદા કરે છે. પણ એ જ ક્ષણે તેમને યાદ આવે છે પોતાના મિત્ર શેરખાં - શેરશાહને આપેલો કોલ. તેણે ભૂતકાળમાં શેરશાહને દિલ્હીપતિ બનાવવાનો કોલ આપેલો એ યાદ આવે છે. અને મિત્રને આપેલો કોલ પૂરો કરવા તેમના પિતાની અનિચ્છાએ પણ રાજકારણમાં પ્રવેશ થાય છે.

તે સમયગાળામાં હિંદની ભૂમિ નવા નવા વિજેતાઓનાં ધાડાઓનાં આગમનથી રહેંસાતી હતી. પ્રાંતપ્રાંતના સૂબા ને સરદારો સ્વતંત્ર થવાની અધીરાઈવાળા હતા. ચારે તરફ શાહી શેતરંજ મંડાઈ હતી. સ્વાર્થના દાવમાં સગાં વિસરાયાં હતાં. બાબરે આમુદરિયાથી આસામ સુધી ને શિયાલકોટથી રણથંભોર સુધી પોતાનું રાજ્ય જમાવ્યું હતું. એનું લશ્કર નાનું પણ એની ઉપર જાન આપનારું હતું. બાબર રાજનીતિકુશળ હતો પણ ભઆરતની રાજ્યપદ્ધતિથી અજાણ્યો હતો. એના મંત્રીઓ અને વજીરો જ રાજ્ય ચલાવતા. એ તો લડાઈઓમાં દીવાનો બન્યો હતો. એણે એક ગામમાં બે રમજાન મહિના વિતાવ્યા નહોતા. પ્રજાના કલ્યાણ તરફ એનું લક્ષ્ય જ નહોતું. એથી રૈયતને એના માટે પ્રેમ થયો જ નહીં.

ચુનારગઢથી મલિકા લાડુને ત્યાં શેરખાં મહેમાન બનીને રહ્યો હતો. શેરખાંના શેરદિલ વ્યક્તિત્વથી આકર્ષાયેલી લાડુ એના પ્રેમમાં મસ્ત બની હતી. એણે શેરખાને પોતાના ચુનારગઢનો માલિક બનાવવાનું ઇચ્છવું એ દરમિયાન એક વખત શેરખાંના ભાઈ સુલેમાને આપસી ફૂટને કારણે શેરખાંને મિલાક સાથે બાળી મૂકવાનું કાવતરું કર્યું. એમાંથી હેમરાજે બંનેને બચાવ્યા.

આ દરમિયાન દિલ્હીના રાજકીય તખ્તા ઉપરથી બાબરે વિદાય લીધી હતી. એના મૃત્યુ પછી એના ચાર પુત્રો વચ્ચે રાજ્યનો વિસ્તાર વહેંચાઈ ગયો. કામરાનને કાબુલ-કંદહાર મળ્યાં. હિંદાલ મેવાતનો રાજા બન્યો. મીરઝાં અસ્કરીને ચંબલની અને દિલ્હીની ગાદી હુમાયુને મળી. વિશઆલ રાજ્યના ટુકડા થતાં ઐક્યમાં જે શક્તિ હતી એ હુમાયુએ ગુમાવી દીધી. વળી ચારે ભાઈઓ વચ્ચે આપસમાં મનમેળ નહોતો. હુમાયુ બહાદુર હતો પણ બાહોશ નહોતો. દુનિયાનો બિનઅનુભવી હોવાને કારણે એણે પોતાના લશ્કરની ભરતી પોતાના ભાઈ કામરાન જેનામાં તેને અતિશય વિશ્વાસ હતો તેના પ્રાંતમાંથી કરી પણ આ લશ્કર જેટલું કામરાનને મદદ કરે એટલું હુમાયુને ન જ કરે એ હુમાયુ સમજી શક્યો નહીં. વળી બધા જ ભાઈઓને બાદશાહીનું સ્વપ્ન હતું તેથી દિલ્હીની ગાદી આપસી ફઊટનું કેન્દ્ર બની હતી. બીજી બાજુ હિંદમાંથી રાજપૂત પરંપરા પણ આથમતી જતી હતી. અફઘાનોની જેમ રજપૂતો પણ ખુદગરજી અને ખૂબસૂરતી પાછળ મરતા હતા.

જતિની પ્રેરણાથી અને આવા રાજકીય વાતાવરણને કારણે દિલ્હીની ગાદી ઉપર શેરખાંને લાવવાનું હેમરાજને સરળ લાગે છે. લાડુ સાથેના શેરખાંના લગ્ન પછી થોડા સમયે શેરખાંને મળેલો હેમરાજ શેરખાંને દિલ્હીનો બાદશાહ બનવા તરફ પ્રેરે છે. તે શેરખાંને મંત્ર આપે છે કે ‘શેરખાંની માશૂકા ચુનારગઢની મલિકા ભલે હોય, સાચી માશૂકા તો સલ્તનત છે.’

કિલાફત નામના યહુદીની વાતોમાં ભોળવાયેલો શેરખાં થોડા સમય માટે તો ચુનારગઢનો કિલ્લો ગુમાવે છે. પણ પોતાના સરદાર ખવાસખાનની સલાહથી બાદશાહ હુમાયુ સાથે તાત્કાલિક સુલેહ કરી લે છે. એ સમયે હેમરાજ ફરી એક સાંઈના વેશે એની પાસે આવીને એને રાજકારણની કેટલીક કિંમતી સલાહ આપે છે. તે શેરખાં પાસે હુમાયુના નામે રાજ્ય ચલાવી ફરી શિસ્તવાળું સૈન્ય તૈયાર કરાવડાવે છે. હેમુનો મંત્ર હતો. ‘સૈન્ય જમાવો, એકદિલી કેળવો, ત્રસ્ત પ્રજાને તમારી બનાવો.’ બિહારનો કિસાન લડાઈનાં ધાડાં નીચે કચડાઈ રહ્યો છે એને સૈન્યરૂપે એકઠા કરવાનું હેમુ સૂચવે છે અને એમાંથી તૈયાર થાય છે શેરખાનું બખ્તરિયા સૈન્ય. શેરખાં ધર્મને સ્પર્શ્યાં વિના ચાલનારો ઇન્સાન હતો એટલે એના લશ્કરમાં શેખપઠાણ-સૈયદ-અરબ-સીદી ને ગુલામ, બલૂચી ને ઇરાની મારવાડી અને મેવાતી વીરો તથા રાજપૂતો અને જાટ હતાં. શેરખાંનું સૈન્ય ભાવિ દિગ્વિજયો માટે કસાતું જતું હતું.

હેમરાજની સલાહ મુજબ શેરખાંએ હુમાયુ અને એના ત્રણ ભાઈઓ એકબીજાથી જુદા પડી રહે એવી રાજનીતિની ચાલ અપનાવી. પહેલાં બંગાળ, બિહાર અને જોનપુર કબજે કરી એની ગાદીએ બેઠો અને પછીની લડાઈમાં કામરાન પાસેથી પંજાબ જીત્યું. પંજાબનું એકેએક નાકું એણે મોગલો માટે બંધ કર્યું. લાહોર જે દુશ્મનોને ખૂબ મદદકર્તા હતું તેની પાસેથી ઝાડીમાં આવેલો રોહતાસનો કિલ્લો એણે સમરાવ્યો. ટોડરમલ ખત્રી નામના બાહોશ લાહોરવાસીની એના પર નિમણૂક કરી (અકબરના દરબારનું એક રત્ન રાજા ટોડરમલ તે આ જ. એ સહુપ્રથમ શેરશાહની નોકરીમાં રહેલો એ કાયસ્થ હતો.) અને છેવટે હુમાયુને પણ એની પાસેથી હારીને ભાગવું પડ્યું.

હિંદમાંથી મોગલોના મોભી હુમાયુને ભગાવ્યા પછી શેરશાહ-શેરખાંએ પશ્ચિમ હિંદને કબજે કરવા તરફ નજર દોડાવી. રાજપૂતાના, માલવા અને બુંદેલખંડ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. માલવાનો રાજા માલદેવ પશ્ચિમ હિંદની મહાન શક્તિ બનતો જતો હતો. બીજી બાજુ માળવાના પૂરણમલનું શૌર્ય પણ વખણાતું હતું. આ બંને એકસંપ બને તો શેરશાહની શહેનશાહત જોખમમાં મુકાય, એટલે એણે હેમુની સૂચના મુજબ પહેલો છાપો માલવરાજ પૂરણમલ ઉપર માર્યો. પૂરણમલ જે શૂરવીર રાજા હતો એનું પતન એટલા માટે થયું કે બીજા કોઈ રજપૂત રાજાઓએ એને સાથ ન આપ્યો. લેખક અહીં એ બતાવવા માગે છે કે ગિંદમાંના રજપૂતોનું પતન એટલા માટે થયું કે એમનામાં માત્ર પોતાનું જ ઘર સાચવવાની સ્વાર્થી મનોવૃત્તિ હતી. પૂરણમલને દગાથી મારવામાં આવ્યો. એની પુત્રીને વેશ્યા બનાવાઈ એ જ ચિંતામણિ. કાળજવર જેવા કલિંજરનો કિલ્લો સર કરવા જતાં ચિંતામણિની જ એક ચાલને કારણે શેરશાહ મરાયો. આગ્રાનો બહાદુરખાન જેને ચિંતામણિએ પોતાની રૂપજાળમાં મુગ્ધ બનાવ્યો હતો અને જેની સાથે ચિંતામણિ એક અફઘાન સૈનિકરૂપે યુદ્ધમાં આવી હતી એની જ ચાલાકીથી શેરશાહનું મૃત્યુ થયું.

શેરશાહના મૃત્યુ પછી સિપેહસાલાર ખવાસખાન શેરશાહની અંતિમ ઇચ્છા મુજબ વડા શાહજાદા આદિલખાનને તાજ પહેરાવવા ઇચ્છતો હતો, જ્યારે ઉમરાવો નાના શાહજાદા જલાલખાનને ગાદી આપવા માગતા હતા. વળી જલાલખાન બાહોશ, એના પિતા જેવો ન્યાયપ્રિય અને શૂરવીર પણ હતો; જ્યારે આદિલ ખાન તો આવી પડેલ ફરજ ખાતર જ લડનારો અને મોટે ભાગે ખુદાની બંદગીમાં જ મસ્ત રહેનારો હતો. એટલે આદિલખાને જાતે જ નાનાભાઈ તરફેણમાં ગાદીનો પોતાનો હક્ક જતો કર્યો. સલીમશાહનું નવું નામ ધારણ કરી જલાલખાન ગાદીએ બેઠો. તેણે પિતાની જેમ જ હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાજ્ય કર્યું.

સલીમશાહના સાળા મુબારિઝકાને એક વખત પોતાની બહેન બીબીબાઈને આદિલખાન વિરુદ્ધ ભડકાવી કહ્યું, '“તારા સ્વામી ને તારા પુત્રના ભલા ખાતર પણ આદિલખાનને છૂટો ન મૂકો.” (પૃ. ૨૬૧) બીબીબાઈએ પતિને વાત કરી તો તેણે વાતને હસીને કાઠી. પણ થોડા સમય પછી ફરી મુબારિઝખાને સલીમશાહને પોતાના મોટાભાઈ જે બિયાનાની જાગીરમાં અલ્લાહની બંદગીમાં મસ્ત રહેતો હતો, એની વિરુદ્ધ વાત કરતાં કહ્યું કે ‘તે અલ્લાહની બંદગીના બહાને સલીમશાહના વિરોધીઓ એકઠા કરે છે.’ એ વાતમાં સલીમશાહને તથ્ય લાગ્યું. તેણે આદિલખાનને દિલ્હી તેડી લાવવાનું ફરમાન મોકલ્યું. મુબારિઝની ચાલબાજીથી અને વાતની અવળી રજૂઆતને કારણે બંને ભાઈઓ વચ્ચે વેરનાં બીજ વવાયાં. બહાદુર ખવાસખાન આદિલખાનના પક્ષમાં હતો. એનો મુકાબલો કરવાનું કામ સરળ નહોતું.

બીબીબાઈના સૂચવ્યાથી સલીમશાહ, પિતાના મિત્ર હેમરાજ જેણે મિત્રના મૃત્યુ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રાજસ્થાનમાં આવેલા રેવાડીમાં નિવાસ કરવાનું રાખ્યું હતું. તેને મળવા ગયો. પિતા રાજપાલજીની અનિચ્છા છતાં મિત્રના પુત્રને અણીને વખતે મદદ કરવાની ફરજ સમજી હેમરાજ ફરી રાજકારણમાં પ્રવેશે છે. અને દૂરંદેશી અને યુદ્ધકુશળતાને કારણે મુબારિઝખાન જે ખવાસખાનના લશ્કરમાં ભળવાનો હતો એ પકડાઈ જાય છે. ખવાસખાનનું લશ્કર લડે છે પણ છેવટે હારે છે.

સલીમશાહના રાજ્ય ઉપર આવેલી કાળી વાદળી આમ દૂર થાય છે. બીબીબાઈ પતિ પાસે ભાઈ મુબારિઝખાનની જિંદગી માગી લે છે, અનિચ્છા છતાં પત્નીને રાજી કરવા સલીમશાહ મુબારિઝને જીવતદાન બક્ષે છે. નવ વર્ષ રાજ્ય ચલાવી સલીમશાહ મૃત્યુ પામે છે, ત્યારે તેનો બાર વર્ષનો બાળકુંવર ફિરોજશા ગાદીએ આવે છે.

પણ મુબારિઝખાંને આ બાળકુંવરનું કાસળ કાઢી નાખ્યું. એ વખતે બજારદારોગા હેમુ ત્યાં નહોતા એટલે બાકીના બધાને સામ-દામથી સમજાવી હેમુને એકલા પાડી દીધા. એટલે એ તો રાજત્યાગ કરીને ચાલ્યા ગયા. ગાદી મુવારિઝખાનને મળી. એણે ‘આદિલશાહ’નું ઉપનામ ધારણ કરી રાજ્ય કારભાર સંભાળ્યો.

આદિલશાહને રાજ્યકારભાર કરતાં રંગરાગમાં વિશેષ રસ હતો. એટલે એના સાળા ઇબ્રાહિમખાને દિલ્હી અને આગ્રા કબજે કર્યા. આદિલશાહે ચુનારગઢ સંભાળ્યું. બીજી બાજુ પંજાબના સૂબા સિકંદરશાહે પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો અને ઇબ્રાહિમખાન ઉપર ચડી આવ્યો. ત્રીજી તરફ મહંમદશાહ સૂર પણ આઝાદ થવાની આકાંક્ષાએ મેદાને જંગમાં હાજર થઈ ગયો.

આમ અફઘાનો, અફઘાનો દ્વારા જ વિનષ્ટ થવાની તૈયારીમાં હતા ત્યારે પંદર વર્ષના વનવાસ પછી મોગલ બાદશાહ હુમાયુ ફરી પાછો હિંદની ગાદીની લાલચે હિંદમાં આવી રહ્યો હતો. પંદર વર્ષમાં આ બાદશાહે અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યા હતાં. જ્યોતિષના જાણકાર એવા એણે પ્રતિષ્ઠિત સૈયદ ખાનદાનની યુવતી હમીદાબાનુ સાથે લગ્ન કર્યું. હમીદાબાનુથી તેને એક પુત્ર જન્મ્યો. ગ્રહયોગ જોતાં હુમાયુને જણાવ્યું કે આ બાળક ભવિષ્યમાં પ્રતાપી બાદશાહ બનીને મોગલકુળ ઉજાળશે. આ બાળક તે જ અકબર.

ઇરાનના શાહ સાથેની મુલાકાત બાદ ફરી હિંદમાં આવવા માટેની પ્રેરણા મળી. ચૌદ હજાર સૈનિકનું લશ્કર લઈ હુમાયુએ કંદહાર જીત્યું. કાબુલના રાજા કામરાનને હરાવ્યો. હિંદુસ્તાનમાં કોઈ રાજા અત્યારે સામનો કરી શકે એવો તાકાતવાન નથી એ જાણીને હિંદુસ્તાન તરફ તે આગળ વધ્યો. પ્રથમ લાહોર અને રોહતાસના કિલ્લા કબજે કર્યા. દિલ્હીના સિકંદરશાહને હરાવી દિલ્હીની ગાદી હાથ કરી.

બીજી બાજુ રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કરી રેવાડીમાં રહેતા હેમુની પાસે બીબીબાઈ - શલીમશાહની પત્ની – આવે છે. એના મનમાં મોગલોને હરાવવાની ઝંખના છે. તેમનો સાથ એ ઝંખે છે. પિતાની આજ્ઞા અને પત્ની કુંદનદેવીનો આડકતરો સહકાર મેળવી ફરી હેમુ મેદાનમાં આવે છે.

સેનાપતિ શાદીખાનનો સાથ મેળવી લશ્કરને ફરી એકઠું કરી હેમુ મોગલો સાથે યુદ્ધ ચઢે છે. એની હાક અને ધાક એવી છે કે ‘હેમુ યુદ્ધે ચડ્યો’ એ સાંભળતાં જ કેટલાયની શૂરવીરતા ઠંડી પડી જાય છે. અને અંતે મહારથી હેમુ દિલ્હી સર કરે છે. સિંહાસનની સુંદરીએ અનેક રાજવંશીઓને રઝળતા મૂકી અને બનિયાવીરને કંઠે વરમાળા આરોપી. વિક્રમાદિત્યનું બિરૂદ ધારણ કરી હેમુએ દિલ્હીનું રાજ્ય સંભાળ્યું. નવલકથાનો આ ભાગ વિક્રમાદિત્ય હેમુના રાજ્યારોહણ સાથે સમાપ્ત થાય છે.

જયભિખ્ખુની પ્રસ્તુત નવલકથાનું શીર્ષક ભલે ‘વિક્રમાદિત્ય હેમુ’ હોય... હેમુની કથાને નિમિત્તે લેખકનો મુખઅય ઝોક દિલદિલાવરીનાં અદ્‌ભુત નમૂનારૂપ પાત્રો શેરશાહ - વિક્રમાદિત્ય હેમુનાં ચરિત્રને અને એ દ્વારા આદર્શ હિન્દી રાજવીઓનાં ચિત્રને સમાજ સમક્ષ રજૂ કરવાનો રહ્યો છે. હેમુ કે શેરશાહ એવા રાજવીઓ હતા જેમાં એક જૈન વાણિયો અને બીજો અફઘાન હોવા છતાં રાજવી તરીકે જેમને હર્ષ કે ભોજની કક્ષામાં મૂકવા પડે. તેઓના હૈયે હિંદનું હિત, હિંદી પ્રજાનો ઉત્કર્ષ જ મુખ્ય હતાં. અદલ ઇન્સાફમાં મઝહબી પાગલપનનો નિતાન્ત અભાવ જોવા મળતો હતો. એમણે પોતાનું સુચરિત જીવન અહીં ગુજાર્યું, અહીંના થઈને રહ્યાં ને મર્યા પછી પણ આ ભૂમિની માટી પર જ સૂવા માટે પોતાના હાથે પોતાના મકબરા બાંધ્યા - સમન્વય, સહકાર અને સહાનુભૂતિના જાણે એ યુગના પયગંબરો.

જયભિખ્ખુના મતે આજે જે કમવાદ સમાજમાં વકર્યો છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણને મળેલું કટુ ફળ છે. સાચા ધર્મને વિસારી ધર્મઝનૂનમાં મસ્ત બનેલા આપણે નાની નાની વાતોમાં અસહિષ્ણુ બન્યા છીએ, પાગલ બન્યા છીએ. એવા વખતે હેમુ અને શેરશાહની આ કથા મઝહબી એકતાનું, દિલદિલાવરીનું અને રાજકારણ ધર્મનો કેવો સગવડિયો ઉપયોગ કરે છે એનું ઉદાહરણ પૂરું પાડી સમાજને સાચો માર્ગ બતાવે છે.

જયભિખ્ખુ આપણા જીવનધર્મી સાહિત્યકાર છે. પોતાના સાહિત્ય દ્વારા સમાજને કંઈક પથદર્શન કરાવવાની એમની નેમ રહેલી છે. એને કારણે જ ઐતિહાસિક નવલકથા હોવા છતાં યા નવલકથામાં કથાની સમાંતરે ચિંતન ચાલ્યું આવે છે. એ માને છે કે રાજનીતિ કરતાં ધર્મનીતિ ચડિયાતી છે. લોકસુધારણા કરવાથી સમાજનો ઉત્કર્ષ આપોઆપ થાય છે. હેમરાજના પિતા રાજપાલજીના મુખે આથી જ તેઓ કહેવડાવે છે : ‘માનવીએ રાજકારણથી અળગા રહેવું. રાજસુધારણા કરતાં લોકસુધારણાની પ્રથમ જરૂર છે. થડને નહીં, મૂળને પકડો. રાજાઓ બૂઝે કે ન બૂઝે, તેની પરવા ન કરો. નિષ્પ્રાણઆર્યોમાં પ્રાણ પૂરવાની યોજના ઘડો… સાધુસંતોએ ગામડાંઓને સચેત કરવાં, રાજવંશ આવે કે જાય, સામ્રાજ્ય જન્મ કે મરે, સત્તાનાં કેન્દ્રો હરે કે ફરે, પણ જો આપણી પાઠશાળાઓ સાબૂત છે. આપણે ધર્મશાળા કે તળાવોના શોખીન છીએ, આપણાં ધર્મમંડળોમાં શઆસ્ત્રોનાં પઠન થાય છે… તો આ દેશ કદી ભ્રષ્ટ નહીં થાય.’ (પૃ. ૨૭૩-૭૪)

વળી જયભિખ્ખુની યુદ્ધનીતિ અંગેની માન્યતા પણ નિરાળી છે. તેઓ વિક્રમાદિત્ય હેમુના મુખે આ અંગે કહેવડાવે છે : ‘સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતો હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે. સૈન્યનો નાશ નિશ્ચિત છે. માટે કોઈપણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને કરવી તો વ્યૂહથી કરવી.’ (પૃ. ૧૮૩).

‘યવનમિત્ર’ તરીકે ઇતિહાસમાં વગોવાયેલા હેમુએ શા માટે શેરશાહ જેવા યવનને મિત્ર તરીકે સ્વીકાર્યો, એની પડખે ઊભા રહીને સતત એને સાથ કેમ આપ્યો એ અંગેનો ખુલાસો એના જ મુખમાં મૂકીને કુંદનદેવી-એની પત્ની સાથેના સંવાદમાં કહ્યું છે કે –

‘આજે સાચા ક્ષત્રિયો ક્યાં છે ? એ ક્ષત્રિય ધર્મ ભૂલ્યા છે. દેવી ! પાળે એનો ધર્મ. વૈશ્ય પણ ક્યાં છે ? છે એ વૈશ્ય ધર્મ ભૂલ્યા છે. આજે સાચા ક્ષત્રિય જ ક્યાં છે ? એ હોત તો આ પરદેશીઓ જય મેળવી જાત ?... હું હિન્દુસ્તાન પર નજર નાખું છું ને મારું દિલ બળી જાય છે - અરે, એક હુમાયુ જેટલી, એક શેરશાહ જેટલી ય સમરવીરતા આટલા બધા ક્ષત્રિયકુલાવતંસોમાં નથી ? રામ અને કૃષ્ણના પૂજારીઓની શી હાલત છે ? તેમની મૂર્તિને દિવસમાં દશ દશ વાર નમસ્કાર કરીને, રામાયણ ને મહાભારતનું પારાયણ કરીને ય એમનામાં પૌરુષનો દેવ જાગતો નથી ?’ (પૃ. ૨૦૨)

‘ને ધરતી તો કુંવારી માતા છે. કુંવારી કન્યાના સો વર. કોઈને કોઈ વર તો પસંદ થવાનો જ. રજપૂતો એ સ્વયંવરમાં જીતી શકે એટલા સમરવીર રહ્યા નથી. કોક પરદેશી જ સ્વયંવરમાં વરમાળા પહેરશે. પછી એ પરદેશીમાં ય મહમદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી, અલ્લાઉદ્દીન ખિલજી કે સિકંદર લોદી ન પેસી જાય, એટલી તકેદારી રાખવી શી ખોટી ? આ પરદેશીઓના હાથે શાસ્ત્ર જળવાય, સ્ત્રીનાં શિયળ જળવાય, ધર્મ ને કર્મ જળવાય, મંદિરો અને મૂર્તિઓ જળવાય એટલું થાય તો ય ગંગા નાહ્યા. આપણા આ પુરાણપાઠીઓ ને વેદપાઠીઓ, આ ચંદ્રવંશીઓ ને સૂર્યવંશીઓ ગજનીના બજારમાં બબ્બે રૂપિયે ન વેચાય એટલું થાય તો યે ઘણું.’ (પૃ. ૨૦૨-૨૦૩)

આગળ જતાં હેમું દલીલ કરે છે કે, ‘પોતાને મનુ મહારાજનું સૂત્ર યાદ આવે છે કે ધર્મનું રુંધન થાય ત્યારે દ્વિજાતિએ શસ્ત્ર પકડવાં.’ આજે ધર્મનું રૂંધન થયું છે માટે પોતે શસ્ત્ર પકડ્યાં છે.’ તેમની આ દલીલ સાંભળી કુંદનદેવી કહે છે : ‘પણ એક હિંદુ ઊઠીને મુસલમાનની મૈત્રી કરે છે ? એના જય-પરાજયમાં મદદ કરે ? જેઓ તમને છૂપી રીતે આ જાતના કામકાજમાં પડેલા જાણે છે, તેઓ ઘણી વાર ટીકા કરે છે. શેરશાહ ગમે તેવા તો ય પઠાણને ? મિંયા ને મહાદેવને કેમ બનશે ?’ (પૃ. ૨૦૩) ત્યારે વિક્રમાદિત્ય હેમુ પોતાનો બચાવ કરતાં કહે છે :

‘કુંદન ! સાચી વાત છે, પણ વાત કરનારા નથી જાણતા કે અમારી મૈત્રી દિલની છે, પૂર્વજન્મના ઋણાનુબંધની છે. હું એને નિરખું છું ને મને રાજા ભોજ યાદ આવે છે, એને જોઉં છું ને હિંદુ-મુસલમાનના ભેદ વિસરી જાઉં છું. એના જેટલો ઉદ્યમી, ખંતવાન, ચારિત્ર્યશીલ બહાદુર બીજો એક પણ રાજા આજે મારી નજરે ચડતો નથી. વળી ધર્મ જુદો હોય તેથી શું થયું ? શૈવથી વૈષ્ણવ ધર્મ જુદો નથી ? વૈષ્ણવથી બૌદ્ધ ધર્મ જુદો નથી ? બૈદ્ધથી જૈન ધર્મ જુદો નથી ? એક ધર્મવાળાએ બીજા ધર્મવાળાઓ પર ક્યાં ઓછા અત્યાચાર કર્યાં છે ? શૈવ-વૈષ્ણવોના બૌદ્ધ-જૈનોના રક્તપાતોથી ઇતિહાસનાં પાનાંનાં પાનાં ભર્યા છે. શતાબ્દીઓ સુધી તેઓ ઝઘડ્યા, પછી ઠંડા પડ્યા ને સમજ્યા કે ધર્મને ઝઘડાનું કારણ ન બનાવવું. આપણું હિત ધર્મભેદ હોવા છતાં મનભેદ રાખવામાં નથી, ને એક બન્યા. એક દહાડો હિંદુ-મુસલમાનનું પણ એમ જ બનવું અનિવાર્ય છે. બાકી કુંદનદેવી ! રાજકાજમાં તો ધર્મનું બહાનું છે. એમાં તો બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી, ને જો ધર્મ એક જ હોવાથી ઉન્નતિ થતી હોત તો, આપણા અસંખ્ય રાજવીઓ એક થઈને દેશના દુશ્મનો સામે ઊભા રહ્યા હોત. (પૃ. ૨૦૪-૨૦૫) આમ ચિંતનના ભારને ઠીક ઠીક વહન કરતી નવલકથા કલાત્મકતાના બળે સરવાળે નોંધપાત્ર સાહિત્યકતા પણ ધારણ કરે છે. આ નવલકથાનું ગ્રંથન ‘કામવિજેતા’ જેવું ઉત્કૃષ્ટ કોટિનું નથી. એમ છતાં પાત્રપ્રસંગચિત્રણમાં સર્જકનું શૈલીબળ પ્રભાવક તો બનતું જ હોય છે. જેમકે શેરશાહને માટે તેઓ એક સરસ ઉત્પ્રેક્ષા વાપરી તેના પાત્રને ઊઠાવે છે - ‘રેતીના રણમાં જેમ લીલોતરી ઊગે એમ એ ઊગ્યો છે ને આગળ આવ્યો છે.’ (પૃ. ૫૧); એનો મિત્ર હેમુ તરફનો પ્રેમ, સર્વધર્મ સમભાવ (પૃ. ૧૬૩-૧૬૪); અન્ય સ્ત્રી તરફ ખરાબ નજર નહીં નાખવાની વૃત્તિ (પૃ. ૧૭૧); એને હાથે થતું નારીગૌરવ (પૃ. ૧૭૩); એની ઉદારતા, અદલ ઇન્સાફ, પ્રજાપ્રેમ અને કિસાનો તરફની એની વર્તણૂકને લેખક કુશળ ઉપસાવી આપવા પ્રયત્ન કર્યો છે. તો હેમરાજ, હેમુનું પાત્ર પણ આગળ જોયું તેમ શેરશાહની સાથે સાથે જ ઉપસતું આવે છે. મિત્રને ખઆતર થઈને, મૈત્રીને ખાતર થઈને, મિત્રને આપેલા વચનને ખાતર થઈને રાજવી થવાની પોતાની ક્ષમતા હોવા છતાં, રણકુશળતા હોવા છતાં, દીર્ઘદૃષ્ટિ હોવા છતાં એ બધાંનો ઉપયોગ એ પોતાના મિત્ર શેરશાહને દિલ્હીપતિ બનાવવા માટે કરે છે. જ્યાં જ્યાં શેરશાહ રાજવી તરીકે ચૂક કરે છે ત્યાં એનો પથદર્શક બનીને એને સાચા રસ્તે દોરે છે. શેરશાહનાં યુદ્ધો હકીકતમાં એની સમરવીરતાથી જ જિતાય છે. સામ, દામ, દંડ અને ભેદવાળી એની યુદ્ધનીતિ ઘણીવાર ઓછા વિનાશે મોટો વિજય પ્રાપ્ત કરાવે છે. એ પ્રેમાળ પતિ પણ છે. કુંદનદેવી તરફ એને અમોઘ પ્રેમ છે. સાથે સાથે આજ્ઞાપાલક પુત્ર પણ છે. યુદ્ધ અને રાજનીતિ એની રગેરગમાં હોવા છતાં પિતાની ઇચ્છા રાજકારણમાં પુત્ર ન પડે એવી હોવાને કારણે જ ઝવેરી તરીકેના ધંધામાં તેણે ફાવટ કેળવી હતી. રાજ્યપદપ્રાપ્તિની ખેવના એને નહીંવત્ છે અને એટલે જ શેરશાહના મૃત્યુ પછી તે પાછો માદરે વતનમાં પિતા-પત્ની પાસે ચાલ્યો આવે છે પણ જ્યારે જ્યારે મિત્રના સ્નેહીઓ દ્વારા એને મદદ માટે બોલાવવામાં આવે છે ત્યારે ત્યારે તે તૈયાર થાય છે. પોતાની રણકુશળતાથી મિત્રના પુત્રને જિતાડે છે. નવલકથાના અંતભાગે દિલ્હીની ગાદી માટે લાયક અન્ય કોઈ રાજવી ન રહેતાં પોતે રાજ્યપદ ગ્રહણ કરે છે.’

શેરશાહ-હેમરાજની સાથે સાથે સતત પતિપ્રેમ માટે ઝૂરતી શેરશાહની પત્ની લાડુમલિકા, હેમરાજની પત્ની કુંદનદેવી, યુદ્ધને ધિક્કારનાર હેમરાજના પિતા રાજપાલજી, આગ્રાનગરની સૌન્દર્યબજારની રૂપવાદળી ચિંતામણિ, ભોળો પણ શૂરવીર મોગલ બાદશાહ હુમાયુ, સેનાપતિ શાદીખાન વગેરેનાં ચરિત્રો સહૃદય માટે પ્રસન્નકર બન્યાં છે.

ઐતિહાસિક નવલકથાનું વાતાવરણ ઉપસાવવા લેખકે એ સમયના વેપારવણજ, રાજ્યકારભાર, એ સમયે પ્રચલિત વિવિધ વસ્તુઓની યાદી (પૃ. ૧૬૨), એ સમયના રણવાદ્યો (પૃ. ૧૬૦), એ સમયે પ્રચલિત વિવિધ પ્રકારના યુદ્ધવ્યૂહ (પૃ. ૧૮૩) વગેરેની જાણકારીને પણ નવલકથામાં શબ્દરૂપ આપ્યું છે. લેખકનું જ્યોતિષજ્ઞાન (પૃ. ૯૨), ઇતિહાસજ્ઞાન (પૃ. ૨૦૯) યુદ્ધનીતિમાં કયા સ્થળ પર કોણે અને કયા શસ્ત્રથી કેવી રીતે લડવું એનું જ્ઞાન (પૃ. ૧૮૪), તત્ત્વજ્ઞાનમાં યુદ્ધ સંબંધે અહઁ નીતિનું ઉદાહરણ (પૃ. ૧૮૩) વગેરે પણ નોંધનીય છે.

નવલકથાકાર જયભિખ્ખુ ક્યારેક સુંદર કાવ્યમય વર્ણન દ્વારા નવલકથાને રસરૂપ બક્ષે છે, જેમ કે —

‘દિલ્હીશ્વર શેરશાહના રાજ્ય પર પ્રભાતનો તપસ્વી હજી હમણાં જ ઊગ્યો હતો. શરદનું ઊંડું ભૂરું આકાશ ચાંદીની છીપ જેવી વાદળીઓથી શોભી રહ્યું હતું. સરોવરનાં કમળો અને જળાશયનાં પોયણાંઓએ હજી હમણાં જ ઉઘાડમીંચ આરંભી હતી. લીલી વરિયાળી જેવું તાજું ઘાસ મનને આહ્‌લાદ આપતું હતું.’ (પૃ. ૧૯૬) આ અને આવાં કેટલાંક વર્ણનો નવલકથામાં અત્રતત્ર નજરે પડે છે.

નવલકથામાં મુસ્લિમ સંસ્કાર અંગેનું વાતાવરણ જમાવવા માટે જયભિખ્ખુ પ્રસ્તાવનામાં જ કહે છે તેમ ‘આ ગ્રંથની ભાષા મારા બીજા ગ્રંથો કરતાં કંઈક ભિન્ન લાગશે. હિંદી ને ઉર્દૂ શબ્દોનો હળવો પ્રયોગ ને સંવાદોમાં ઘણે ઠેકાણે શેખ સાદી સાહેબ, મશહૂર સૂફઈ ઓમર ખય્યામ ને મહાકવિ હાફિજની સુંદર પંક્તિઓને અનુસર્યો છું. આજના સિનેમાના શબ્દો, મને લાગે છે કે, કંટાળો નહીં જ ઉપજાવે, બલ્ક એક નવી લહેજત આપશે.’ (પૃ. ૧૧, પ્રસ્તાવના) મુસ્લિમ વાતાવરણને ઉપયોગી શબ્દપ્રયોગો જેવા કે હિજરી સન (પૃ. ૧), જિલહજનો મહિનો (પૃ. ૧), મગરેબની નમાજ (પૃ. ૧), પોસ્તીનનો કોટ (પૃ. ૨), સરપરસ્તી (પૃ. ૨), કદમબોસી (પૃ. ૨), ૨), તદબીર (પૃ. ૨), ફિરકા (પૃ. ૩), આમીન (પૃ. ૪), દરબદર (પૃ. ૫), મિસ્કીન (પૃ. ૭), બિસ્મિલ (પૃ. ૧૪), મરુભૂમિના બાશિંદા (પૃ. ૨૩), હિકમત (પૃ. ૧૦૨) પણ લેખકે પ્રયોજ્યા છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ તપાસીએ તો શૈલી નવલકથામાં મોટે ભાગે નોંધનીય રહી છે. ટૂંકાં અને કાવ્યમય વાક્યો, ઉર્દૂ અને સંસ્કૃતમિશ્રિત શબ્દપ્રયોગો, રસળતી પ્રવાહી ગતિ, ક્યારેક કાવ્યાત્મક બનતું ગદ્ય વગેરેની શૈલી ઉલ્લેખનીય બની છે. કાવ્યમય ગદ્યથી ભર્યું ભર્યું નવલકથાનું ‘બુલબુલનું રુદન’ પ્રકરણ એમાંની ગદ્યની લઢણથી મઢાઈ રહે એવું બન્યું છે.

ગદ્યકાર જયભિખ્ખુની ઉપમાઓ એમની પ્રત્યેક કૃતિમાં આગવું રૂપ ધરીને આવે છે. એનો ઉલ્લેખ કર્યા વગર રહી શકાય જ નહીં ! જેમકે સૌન્દર્યભરી પ્રતિમાની ભ્રકુટિ શો ચંદ્ર (પૃ. ૮), સરુના ઝાડ જેવી કાયા (પૃ. ૧૦), આકાશની રંગબેરંગી વાદળી શું સપ્તરંગી ઓઢણું (પૃ. ૧૦), ધોળી પૂણી જેવો ચંદ્ર (પૃ. ૧૭૫), ભૂતના પગ જેવી લાંબી રાતો (પૃ. ૧૯૨), ચાંદીની છીપ જેવી વાદળીઓ (પૃ. ૧૯૬), લીલી વરિયાળી જેવું તાજું ઘાસ (પૃ. ૧૯૬), તીરની ફણા જેવાં કાતિલ નયનો (પૃ. ૧૯૬), મરુભૂમિના અનંત રજકણો જેવી રજપૂત શક્તિ (પૃ. ર૧૨), કુંદનના ફૂલ જેવી રાજકુંવરી (પૃ. ૨૧૭), કતાલજ્વર જેવો કલિંજરનો કિલ્લો (પૃ. ૨૨૨), હેમની દીવી જેવો રૂપાળો હાથ (પૃ. ૨૨૬), છરીની ધાર જેવા નયનો (પૃ. ૨૨૮), શ્વેત મેઘમાળ જેવું પારદર્શક વસ્ત્ર (પૃ. ૨૪૦), ધોળી માછલી જેવી આંખો (પૃ. ૨૪૧), ષડ્જ રાગના રંગ જેવો... લાલ કમળના પત્ર જેવો પાલવ (પૃ. ૨૪૧), કામદેવના બાગ સમી ચિંતામણી (પૃ. ૩૦૧), કાવ્યની સુંદર પંક્તિ જેવું સોનેરી ટપકીવાળું વસ્ત્ર (પૃ. ૩૦૧), ખંજરની ધાર જેવા ચિંતામણિનાં નેત્રો (પૃ. ૩૦૫), વસંત જેવો ચહેરો, કસ્તુરી મૃગ જેવી કમર, બાગનાં બે નરગીસ ફૂલ જેવી આંખો, તરાઝ શહેરમાં બનેલી કમાન જેવાં ભવાં, કાગડાથી યે કાળી પાંપણ, નખશીખ હાથીદાંત જેવી યુવતી (પૃ. ૩૧૩), ધીરજના અખૂટ ઝરા જેવો બાદશાહ (પૃ. ૩૧૪). પુષ્પમાંથી સુગંધ પ્રગટે એમ નવલકથાના રંગરૂપ દ્વારા કોમી એખલાસનો અનુપમ સંદેશ આપતી આ નવલકથાનું અનુસંધાન ‘ભાગ્યનિર્માણ’રૂપે આપણને મળે છે. ‘ભાગ્યનિર્માણ’ :

‘વિક્રમાદિત્ય હેમુ’ના અનુસંધાનમાં આગળ વધતી આ નવલકથા હેમુના રાજ્યારોહણથી અકબર સામેની લડાઈમાં હેમુના વીર મૃત્યુ સુધીની કથાને શબ્દરૂપ આપે છે. કથા આરંભાય છે સૌંદર્યસામ્રાજ્ઞી ચિંતામણિના સુરદાસ સાથેના મધુર મિલનથી. સામાન્ય રીતે કોઈથી પણ અભિભૂત ન થનારી ચિંતામણિ જમુનાના જલવિહાર દરમિયાન દૂરથી સંભળાતા સૂરસંગીતથી આકર્ષાઈ વિહ્‌વલ હરિણીની જેમ સૂરદાસની નજીક ખેંચાઈ આવે છે. થોડી ક્ષણોનો પરિચય અવનવી આત્મીયતામાં પલટાઈ બંનેને એક અજબ બંધનમાં બાંધી નજીક લાવી દે છે. કથાનો આ ઉઘાડ એક રમણીય ચિત્રમાલાના સુંદર દૃશ્ય જેવો આકર્ષક છે.

કથાનું આ રમણીય દૃશ્ય ભાવકની આંખમાં પૂરું અંકાય ના અંકાય ત્યાં જ લેખકનો કૅમેરો મૂળ કથા વસ્તુ તરફ ભાવકચિત્તને દોરી જાય છે. ગ્રીષ્મની એક વહેલી પરોઢે દિલ્હીશ્વર હેમુના સૈન્યના હાથી જમુનાસ્નાન બાદ દિલ્હીમાં પરત આવી રહ્યા હતા ત્યારે અંધારાનો લાભ લઈ હાથીઓની સાથે બે અજાણી વ્યક્તિઓ પણ દિલ્હીમાં પ્રવેશે છે. પોતાને છોટેભૈયા બડેભૈયા તરીકે ઓળખાવતી આ વ્યક્તિઓ ઘોડાના સોદાગર બનીને દિલ્હી દર્શન કરે છે. અને એ દરમિયાન ચિંતામણિના પરિચયમાં આવે છે. આગ્રા-દિલ્હીની આ મશહૂર ગાયિકા નર્તકીના હૃદયમાં દિલ્હીશ્વર હેમુ તરફ કોઈ છાને ખૂણે વિષવેલ બનીને પાંગરતા દ્વેષભાવ - રોષભાવને છોટેભૈયા પારખે છે અને પોતે પણ હેમુનો કાળ બનવા માટે જ હિંદુસ્તાનમાં આવ્યો છે, એવો એકરાર કરી શત્રુના મિત્ર બને છે.

હેમુના શત્રુ બનવાનાં સ્વપ્નો નિહાળનાર આ આજાનબાહુ કિશોર યુવકમાં કોઈ વિશિષ્ટ શક્તિ પારખી પુરુષ-પરાક્રમની પારખુ ચિંતામણિ તેને પોતાની અલકલટનાં બે મોતી આપીને ઇમાન અને ઇન્સાનિયત જાળવી યુદ્ધમાં વિજયી બનવાની દુઆ આપે છે. ચિંતામણિની કોઈ સુખનિયાળ ક્ષણે અપાયેલી આ દુઆ અને તકદીર તથા તદબીરના બે મોતી લઈને ચિંતામણિના રૂપગુણથી અભિભૂત બનીને ત્યાંથી નીકળેલો આ યુવાન તે બીજું કોઈ નહીં પણ મુગલ શહેનશાહ હુમાયુનો પુત્ર અકબર છે. પોતાના મંત્રી અને વડીલ બહેરામખાં સાથે દુશ્મનની તાકાત માપવા છુપા વેષે દિલ્હીમાં આવ્યો છે. પંજાબના પોતાના પ્રાંતમાં પાછા ફર્યા બાદ અને હેમુની દિલ્હીમાં પથરાયેલી પ્રભાવશાળી સેનાના દર્શન-વર્ણનથી અકબર મનોમન થોડો નાહિંમત બન્યો છે. એમાં મુલ્લાં પીરમહંમદ તેની સમક્ષ હેમુ સાથેની લડાઈ અને હેમુની શૂરવીરતાની જે વાતો કરે છે એનાથી યુદ્ધ જીતવાની એની આશા થોડી ઝાંખી બને છે. હિંદુસ્તાનમાં એ વખતે એવી પરિસ્થિતિ હતી કે જેને જુઓ તે હિંદનો શહેનશાહ બનવાના જ સ્વપ્ન લઈને સૂતો હતો. એમાં ય હેમુની પાસે તો ત્રણ લાખના હાથી, ઘોડા ને તોપોની સુસજ્જ સેના હતી એની સામે પોતાનું વીસ હજારનું લશ્કર કેવી રીતે જીતી શકશે એ વિચાર જ્યારે અકબરને આવે છે ત્યારે હિંદુસ્તાન જીતવાને બદલે પાછા કાબુલકંદહાર જતા રહેવાની ઇચ્છા વધારે તીવ્ર બને છે. પણ એ સમયે બરેહામમાં એને પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં, એની સેના જે તારગીબેગની કહેલી હેમુના સૈન્યની શૂરવીરતાની વાતોને કારણે હતોત્સાહ થઈ હતી તેને પ્રોત્સાહિત કરે છે. તારદીબેગ નો આવી વાતો ફેલાવવા બદલ વધ કરી સૈન્યમાં આશા, ઉત્સાહ અને વિશ્વાસ સીંચી પાણીપતના મેદાનમાં હેમુ સાથે યુદ્ધ માટે સુસજ્જ કરે છે. આ આખીયે ઘટના ઇતિહાસમાં છે એ રીતે જ લેખકે નિરૂપી છે.

વિક્રમાદિત્ય હેમુના અનિષ્ટ સામે જેમ એક બાજુ મોગલ સેના સુસજ્જ થતી જતી હતી તેમ બીજી બાજુ હિંદુસ્તાનમાં હિંદુઓનો એક એવો વર્ગ પણ હતો જે પોતાના પ્રાણના ભોગે પણ તેમનું શુભ ચિંતવતો હતો. આ વર્ગના કેન્દ્રબિંદુ હતા જૈન જતિ પદ્મસુંદર. ‘વિક્રમાદિત્ય હેમુ’ નવલકથાના આરંભે દેખાયેલા આ જૈન જતિની પ્રેરણાથી હેમુ હીરાનો ઝવેરી મટી દિલ્હીનો રાજા બનવા તત્પર થયો હતો. એમના ચિત્તમાં હેમુ દ્વારા જૈન ધર્મનો શાસનપ્રભાવ સમાજમાં દૃઢાવવાની તીવ્ર ઝંખના હતી. હેમુને તેઓ અવારનવાર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ધર્મભાવના દૃઢાવવાની પ્રેરણા, બોધ આપ્યા કરતા હતા. નવલકથામાં જૈન જતિ પદ્મસુંદરના આવા બોધ નિરૂપતાં કેટલાંક પ્રકરણો આવે છે, જ્યાં નવલકથા કલાતત્ત્વ વિસરી ઉપદેશક બની જતી જણાય છે. સાંપ્રદાયિક બની જતો આ ઉપદેશ ઘણી વાર કઠે પણ છે અને નવલપણું ગુમાવતી કૃતિ માટે રંજ પણ પેદા કરે છે.

આ જૈન જતિને જ્યારે સમાચાર મળે છે કે પાણીપતના મેદાનમાં ફરી લશ્કરો એકઠા થઈ રહ્યાં છે, હુમાયુપુત્ર અકબર સામે દિલ્હીશ્વર હેમુ યુદ્ધ ચઢે છે ત્યારે આ સમાચાર જ્યોતિષના જાણતલ એવા પદ્મસુંદર જતિને જરૂર કરતાં વધારે ચિંતિત બનાવી મૂકે છે. બાવીસ યુદ્ધોમાં વિજયી નીવડનાર હેમુ માટે તેવીસમા યુદ્ધનો યોગ અપશુકનિયાળ અને એને પરાજય આપનાર બનશે એવું એનું જ્યોતિષજ્ઞાન જ્યારે પદ્મસુંદરને સૂચવે છે ત્યારે સાધુને ન છાજે એવી રીતે તે વ્યાકુળ બની જાય છે. મહારાજ હેમુ દ્વારા ‘સવિ જીવ કરું શાસન રસી’ની એની ઝંખના હતી અને એ ઝંખના હેમુને કશું પણ અશુભ થાય તો પૂરી થઈ શકે તેમ નહોતી અને એ જ કારણે માથાના વાઢનાર તરફ પણ દ્વેષ ન કરનાર, દેહના શત્રુને મિત્ર માનનાર આ જૈન જતિ હેમુના પરાજયના વિચાર માત્રથી પરેશાન બની ગયા હતા. આ જૈન જતિની કમજોરી જ એ હતી કે પોતાના શાસનના શત્રુ તરફ એ સમદૃષ્ટિ રાખી શકતા નહોતાં.

આમ શાસનપ્રભાવ માટે મેદાને પડેલા આ મહાન સુભટને જ્યારે કોઈ અગમ્ય ભવિષ્યવાણીએ ભટકાવી દીધા ત્યારે ગ્રહ-નક્ષત્રો સામે હેમુને બચાવવા એમણે કમર કસી. વિધિના વિધાનો ફેરવવા એ મેદાને પડ્યા. એ સમયે પદ્મસુંદર સાધુ મટી માણસ બની જાય છે. નક્ષત્રસુંદર જેવો શિષ્ય જે વાત સમજી શકે છે એ વાત એમને સમજાતી નથી. શત્રુ કે મિત્ર બંને તરફ સાધુની તો સમભાવી દૃષ્ટિ જ હોવી ઘટે એ આ જતિથી થઈ શકતું નથી. અલબત્ત, પોતાની આ મર્યાદાથી તેઓ પરિચિત તો છે જ. એઓ એનો સ્વીકાર કરતાં પદ્મસુંદર સમક્ષ એકરાર પણ કરે છે, ‘માથાના વાઢનાર તરફ હું કદી દ્વેષ ન કરું. આ દેહના શત્રુમિત્ર મારે મન સમાન છે, પણ નક્ષત્ર, કમજોરી કહે તો કમજોરી, પણ મારા શાસનના શત્રુ તરફ હું કદી સમદૃષ્ટિ રાખી શકતો નથી.’ (પૃ. ૯૩)

સંસ્કૃત નાટકોમાં વિષ્કંભક કે પ્રવેશક કહે છે એવા ઉપવસ્તુરૂપે આવતું જતિજીની ધર્મભાવનાનું લેખકે કરેલું આવું નિરૂપણ નવલકથાને હૃદ્ય રૂપ બક્ષે છે. ધર્મભાવના અર્થે હેમુનિ જિંદગી બચાવી એને સફળતા અપાવવા માટે જતિજીના અતિ માનવ-નિયતિક્રમને પણ પલટાવી નાખવા મથતા પ્રયત્નો, એ હેતુ અર્થે એમની અદ્‌ભુતરસપ્રધાન સાધના અને એક ધર્મવીરને છાજે એવું આત્મસમર્પણ વગેરે વિગતોનું આલેખન જયભિખ્ખુની રોચક કલ્પનાશક્તિના પરિણામરૂપ છે. નવલકથામાં ઠીક ઠીક લંબાણથી નિરૂપાયેલો આ પ્રસંગ શ્રી રામપ્રસાદ શુક્લ કહે છે તેમ ‘કર્તાની કોઈ વિશિષ્ટ અનુભૂતિમાંથી આપોઆપ ઉપસી આવતો હોય એવો અસરકારક’ બન્યો છે. (કાર્યવાહી, સને ૧૯૪૮-૪૯). સાંપ્રદાયિકકથા અંશો દ્વારા લેખકે અહીં સામાન્ય માનવઅંશોનું નિરૂપણ આર્યસંસ્કૃતિની વ્યાપક પ્રણાલિકા અનુસાર કર્યું છે. દેહની બત્તી કરી, રુધિરનું તેલ કરી, જીવનને શાસનસેવા માટેની જલતી મશાલ બનાવી દેનાર પદ્મસુંદર જતિનું પાત્ર જયભિખ્ખુની અનુપમ પાત્રચિત્રણકલાનો યાદગાર નમૂનો બની રહે છે.

આ પ્રસંગના આલેખન દરમિયાન જૈનધર્મી લેખકનું સાંપ્રદાયિક માનસ પણ ઠીક ઠીક અંશે પ્રગટ થાય છે. ‘રાજાધિપાનાં શાંતિર્ભવતુ’ (પૃ. ૯૫) પ્રકરણમાં જૈન ધર્મ સાંપ્રદાયિક રૂપે ઊપસ્યો છે. આ પ્રકરણ જૈનધર્મી વાચકોને જ સમજાઈ શકે એવું બન્યું છે ત્યાં રામપ્રસાદ શુક્લે કરેલી ટકોર ‘સામાન્ય વાચકો કરતાં જૈન વાચકોને આ નવલકથા વધારે ગમશે’ (કાર્યવાહી, ૧૯૪૮-૪૯) સાચી પણ લાગે છે.

પદ્મસુંદરનો આ અતિ શાસનપ્રેમ એમના ગુરુના મુખે ટીકાપાત્ર બને છે. ધર્મને રાજસિંહાસનનો સર્વોપરી બનાવવાને બદલે એનો આશ્રિત બનાવી દેવાની પદ્મસુંદરની પદ્ધતિની તેઓ ટીકા કરે છે. રાજકારણને સાધન બનાવી ધર્મભાવનાને સાધ્યરૂપે વિકસાવવાની પદ્મસુંદરની ઝંખનામાં રહેલી ભૂલ બતાવતાં તેઓ કહે છે કે પવિત્ર સાધ્ય માટે સાધન પણ પવિત્ર જ જોઈએ. અલબત્ત, તેઓ રાજપદનો તિરસ્કાર કરવાનું સૂચવતા નથી પણ રાજા દેવ ન બની બેસે એની તકેદારી ધર્માચાર્યોએ રાખવાની છે એને બદલે ધર્માચાર્યો જ ધર્મને માટે રાજાને દેવ બનાવી બેસે તે સારું તો નથી જ. ધર્મનું સાચું કર્તવ્ય તો એ છે કે એણે રાજાને માનવી રાખવાનો છે, અને પ્રજા જે રાજશાસન અને ધર્મશાસનનું એક જરૂરી અંગ છે એમાં પ્રાણ પેટાવવાનો છે. પ્રજાનો પ્રાણ આજે જ્યારે મરતો જાય છે ત્યારે એને જગવવો એ જ ધર્મગુરુઓનું સાચું કર્તવ્ય છે. પદ્મસુંદર અને એમના ગુરુના મુખે ચર્ચાયેલી આ ચિંતનવાણી, જયભિખ્ખુની નવલકથાઓ એક જીવનધર્મી લેખકની સંસ્કારઘડતર કરનારી કથાઓ છે એનું ઉદાહરણ પૂરું પાડે છે.

વિધિના વિધાનને ફેરવવાની અસમર્થતાના સ્વીકાર સાથે પદ્મસુંદર મૃત્યુને ભેટે છે. બીજી બાજુ દિલ્હીમાં યુદ્ધ માટેની તૈયારીઓ પૂરવેગથી ચાલે છે. નવલકથામાં નાયકપદે હોવા છતાંય અર્ધ ઉપરાંતના કથાપ્રવાહ દેખાતો હેમરાજ હિંદુ-મુસ્લિમ ઐક્યનું સ્વપ્ન આંખમાં આંજીને ફરે છે.શેરશાહ તરફથી પ્રીતિએ એના મનમાં એક ભાવના જગાડી છે અને તે એ કે હિંદને ઘર કરી રહેનાર કોઈ પરદેશી નહિ ! બધા દેશી ! દેશી અને પરદેશીના ભેદ મટાડવા હોય તો લોહીના સંબંધ બાંધ્યેથી જ મટી શકે તો જ દિન દહાડે ઊઠતાં રાજકીય તોફાનો શાંત થઈ શકે. એટલા માટે જ શુર વંશની શાહજાદી સાથે લગ્ન કરવાની, અને એ દ્વારા ધર્મની તથા એકતાની ગાંઠ મજબૂત બનાવવાની ખ્વાહેશ વ્યક્ત કરે છે. એની આ વાત હિંદ અને મુસ્લિમ બંને ધર્મના લોકોના ચિત્તમાં અનેક પ્રકારના વંટોળ ઊભા કરે છે. ખુદ હેમુના પિતા રાજપાળને પણ આ વાત રુચતી નથી. ધર્મ અને પંથનો જે જ્વાળામુખી સદા માનવચિત્તમાં સળગતો રહ્યો છે અને બુઝાવવાની પોતાના પુત્રે ભીડેલી આ હામ રાજપાળને પુત્ર માટે અનિષ્ટકર ભાસે છે. હેમુને હૃદયથી ચાહતાં પિતા અને પત્ની કુંદનદેવી આ ઘટનાને કારણે વતનમાં જતાં રહે છે.

પોતાને હૃદયથી ચાહતા છતાં પોતાના અંતરથી ભાવનાઓને ન સમજી શકતા પિતા અને પત્ની પાસેથી વિખૂટા પડેલા હેમરાજના અંતરની વ્યથા ‘સુખી કે દુઃખી’ પ્રકરણમાં સુંદર રીતે ઊપસી છે. બહારથી વૈભવી જણાતા રાજ્યપદના આકરા સંતાપ એમાં લેખકે હેમુ-મુખે વર્ણવ્યા છે.

બાવીસ યુદ્ધોના વિજેતા હેમુ માટે કોઈ પણ યુદ્ધ જીતવું રમત વાત હતી. એની શૂરવીરતા, યુદ્ધકુશળતા ગજબનાક હતી. પણ વધુ પડતા આત્મવિશ્વાસે તેની સાવધતાને ઘટાડી હતી. વળી તેના સૈન્યમાં પણ શૈરશાહી સૈન્યમાં જે કવાયતીપણું, શિસ્ત અને જાનફેસાની માટેની તૈયારી જોઈએ એનો અભાવ હતો. સંખ્યાબળ જેટલું મોટું બન્યું હતું એટલું સત્ત્વબળ નહોતું. સતત યુદ્ધો પાછળ જ રચ્યાપચ્યા રહેવાને કારણે રાજ્યમાં વહીવટી ક્ષમતા હેમુ જાળવી શક્યો નહોતો. વળી એના લશ્કરમાં હિંદુ, મુસ્લિમ અને બીજી પણ જાતિના સૈનિકો હતા. આ બધા જ સૈનિકોમાં હેમુ તરફ પ્રેમ જરૂર હતો, પણ એ સૌમાં અડગ મનોબળનો અભાવ હતો. આ જ કારણે મોગલ સેનાપતિ બહેરામખાં જ્યારે કેટલાક મુસ્લિમ ધર્મવડાઓને છૂપી રીતે હેમુના લશ્કરમાં મોકલી ઇમાન વિરુદ્ધ ભડકાવે છે, ત્યારે એક વિષબિંદુ તો લશ્કરના કેટલાક ભાગમાં પડી જ જાય છે. હેમુને આ સમાચાર જ્યારે શાદીખાન મારફતે મળે છે ત્યારે એ ચિંતિત થતો નથી. એને પોતાની યુદ્ધકુશળતામાં અને સૈન્યબળમાં વધારે પડતો વિશ્વાસ છે પણ આરંભમાં જ ઊંધા શ્રીગણેશ મંડાય છે. ૩૦ હજારનું અફઘાન લશ્કર અને ભારે તોપખાનું મોગલોની યુક્તિથી ચપટીમાં ચુંથાઈ જાય છે. ધર્મની આણ અફઘાનોમાં બે ભાગ પાડી દે છે. કેટલાક લડવાના મતના જ રહેતા નથી એમાં પુત્ર યુગરાજ અને ભાણેજ રમ્યક્‌દેવ હણાય છે. છતાં પણ હેમરાજનું ચિત્ત અડોલ છે. રણજંગના આ જાદુગરને જીત વિષે કોઈ આશંકા નથી. પણ મુગલ સેનાપતિ બહેરામખાં એવી કપટભરી ચાલ ચાલે છે કે જેને કારણે હેમુની વિશાળ સેનામાં અંધાધૂંધી પ્રવર્તે છે. એનું ગજસૈન્ય જ એના વિનાશનું નિમિત્ત બને છે. એમાં અજાણી દિશામાંથી આવેલું એક તીર હેમુની આંખમાં ખૂંચી એને થોડી ક્ષણ બેભાન બનાવે છે. આનો લાભ મોગલ સૈન્ય લે છે. ‘હેમુ મરાયો’ની હવા એના સૈન્યમાં હતાશા પ્રેરે છે. પણ ત્યાં તો આ શૂરવીર યોદ્ધો આંખમાંના ઝેર પાયેલા તીરને કાઢીને લડવા માટે સજ્જ બને છે, અને સૈન્યમાં ફરી ઉત્સાહ પ્રગટે છે. હેમુ શૂરવીરતાથી લડતા લડતા બેભાન બને છે. એટલે હેમુને ઊંચકીને સૈન્યમાંથી દૂર લઈ જવામાં આવે છે. મુગલ સૈન્યનો વિજય થાય છે. બેભાન હેમુને હાથી ઉપરથી પકડીને મુગલ સૈન્યમાં લઈ જવાય છે. અકબર અને બહેરામખાં પાસે વિજયના ઉલ્લાસમાં નિષ્પ્રાણવત બનેલા હેમુને લાવવામાં આવે છે. જ્યાં બહેરામખાં તેનો વધ કરી તેનું મસ્તક આગ્રાના એક દરવાજે અને ધડ બીજા દરવાજે ટિંગાડાવે છે. એટલું જ નહીં, એનાં સગાંઓને શોધી શોધીને એમનો વિનાશ કરવામાં આવે છે. કુંદનદેવીને તેમના પિતા રાજપાળજી થોડા ધન અને વિશ્વાસુ રખોપા સાથે ગુજરાત તરફ વિદાય કરે છે અને પોતે મુસ્લિમ સૈનિકો દ્વારા વીરમૃત્યુ મેળવે છે.

હેમુના મૃત્યુ પછી એના શરીરની આ સ્થિતિની વાત જ્યારે લાડુ મલિકા જાણે છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે. આમ તો પોતાના પતિના આ મિત્ર તરફ એને દુર્ભાવ છે કારણ કે એનો જ પ્રેર્યો શેરશાહ લાડુના પ્રેમને ત્યજીને સલ્તનતના પ્રેમમાં પડ્યો હતો. પણ લાડુની દુશ્મની તો જીવતા હેમુ સાથે હતી. પતિના મિત્રની આ અવદશા એનાથી સહેવાતી નથી. એ પોતાની એક દાસીને તૈયાર કરી હેમુના શબને પાછું મેળવે છે. અને ચંદનની ચિતા જલાવી એનો સન્માનપૂર્વક અગ્નિદાહ કરાવે છે. આ સમાચાર મુગલ સૈન્યમાં અને તે દ્વારા અકબર સુધી પહોંચે છે, ત્યારે આ બાગી સ્ત્રીને પકડવાનું નક્કી થાય છે પણ ત્યાં ઓચિંતી આવી પડેલી ચિંતામણિ અકબરશાહને અટકાવે છે અને પૃથ્વી પર પડેલા રત્નોના પરીક્ષક બનવાનું સૂચવે છે. હિંદવાણી ઉપર મોગલસત્તાના ઊગતા સૂર્યનાં દર્શન સાથે નવલકથા સમાપ્ત થાય છે.

‘ભાગ્યનિર્માણ’ નવલકથાને ઐતિહાસિકતાની દૃષ્ટિએ તપાસીએ તો નવલકથાની મુખ્ય ઘટના - હેમુનું પાણીપતના મેદનામાં અકબર સાથેનું યુદ્ધને લેખકે કોઈપણ જાતના કલ્પનાના રંગો પૂર્યા સિવાય ઇતિહાસને વફાદાર રહીને નિરૂપી છે. પાણીપતના યુદ્ધમાં હેમુની થયેલી હારનાં જે મુખ્ય કારણો અને પરિસ્થિતિ ઇતિહાસે જણાવ્યાં છે એ સૌ ‘ભાગ્યનિર્માણ’માં પણ એના એ જ રૂપે આલેખાયાં છે. આ સિવાયની ઘટનાઓમાં કલ્પનાના તાણાવાણા હીરદોરે નવલકથાને ગૂંથે છે. કર્તાની કલમનું સાચું બળ ચિંતામણિના પાત્રસર્જનમાં, જતિની શાસનપ્રભાવનાના નિરૂપણમાં અને હેમુના શબના અંતિમ સંસ્કારો પરત્વેની ઘટનાના આયોજનમાં છે. ચિંતામણિનું પાત્ર નવલકથામાં માધુર્ય લાવે છે તો શેરશાહની પત્ની લાડુ મલિકાનું પાત્ર માનવમહત્તાની સાચી સમજ કેવો ગંભીર હૃદયપલટો કરી શકે છે, એની પ્રક્રિયાનું દ્યોતક બને છે.

આ કથામાં થોડા સમય માટે દેખાતું પણ પછીની નવલકથા ‘દિલ્હીશ્વર’ના નાયકપદે વિરાજતું અકબરનું પાત્ર પણ અહીં તેજતણખા તો વરે જ છે. સાહસ અને શૌર્યની જીવંત મૂર્તિ સમાન કિશોર અકબરનું ચંગેજી એને પહેલો પાઠ એ શીખવ્યો છે કે સહુની સાથે સુલેહ કર - સુલેહે યે કુલ - આદર્શ બાદશાહત એ એને ગણે છે જ્યાં હિંદુ સ્ત્રીઓની સૌભાગ્યચૂડી અને મુસલમાન સ્ત્રીની ચાદર સલામત રહે, સહુનાં ઇમાન અને ઇન્સાનિયત કાયમ રહે.

નવલકથામાં ધર્મોપદેશરૂપે આવી જતું ચિંતન ક્યાંક કઠે છે તો ક્યાંક પ્રેરણાત્મક નીવડીને સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બને છે. કેટલાક ચિંતનાત્મક ખંડો જેવા કે –

બહેરામખાન નિરાશ અકબરને કહે છે : ‘પૃથ્વી કંઈ કુંભારના ચાકડા પરનો માટીનો પિંડો નથી કે ઉતારી લઈએ. લીલાં માથાંની કલમ વાવીને, લોહીનાં પાણી પાઈને, હાડમજ્જાનાં ખાતર પૂરીને એને ઉગાડવી પડે છે.’ (પૃ. ૬૧)

જૈન જતિ પદ્મસુંદર કહે છે : 'દેહ અને દેશ સરખા ગણો, બંનેના કલ્યાણ માટે પારકાનો ભરોસો ખોટો છે. પ્રત્યેક ઘરે એક સૈનિક ને એક સાધુ સમાજને આપવો ઘટે. ગૃહસ્થ પર એટલું સમાજનું ઋણ.’ (પૃ. ૭૩).

તો યુદ્ધ તરફનો અણગમો વ્યક્ત કરતાં લેખકનું ચિંતનશીલ મગજ આવું વ્યથિત બને છે :

‘આપણે પશુ બચાવીએ, પાંજરાપોળો બંધાવીએ; પક્ષીઓને બચાવીએ, પરબડીઓ બંધાવીએ; મત્સ્ય બચાવીએ, અરે પાણીનાં પોરાંને પણ અભયદાન આપીએ. પાણી ગળાવીએ; પણ શું આ દીપકની જ્યોતિમાં બેળે બેળે બળી મરતાં ફૂદાં જેવા માણસને ન બચાવી શકીએ ? માણસની સમૃદ્ધિનું અંતિમ, એના પુરુષાર્થની પરાકાષ્ઠા, એની મહત્તાની છેલ્લી ટોચ કેવળ યુદ્ધ જ ? યુદ્ધ એ જ એનો વિકાસ ? વધુ માનવસંહાર એ એની પ્રગતિ ? શું યુદ્ધ વિનાનો સંસાર ન નિપજાવી શકાય ?’ (પૃ. ૯૧)

ધર્મને રાજસિંહાસનોનો સર્વોપરી બનાવવાને બદલે એનો આશ્રિત બનાવવા તરફનું દુઃખ આપણે આગળ પદ્મસુંદર અને એના ગુરુની ચર્ચામાં વ્યક્ત થતા ચિંતનરૂપે જોયું છે. અન્ય નવલકથાઓમાં પણ લેખકે ધર્મના રાજકારણ દ્વારા થતા દુરુપયોગ તરફ પોતાની નાપસંદગી બતાવી છે. એ જ વિચાર આ નવલકથામાં પણ લેખક દ્વારા ઘૂંટાય છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ કૃતિને તપાસીએ તો જયભિખ્ખુની શૈલી અન્ય કેટલીક નવલકથાઓની જેમ અહીં પણ તાજપનો અનુભવ કરાવે છે. ક્યાંક કાવ્યાત્મક અને દૃશ્યાત્મક સંવાદ પ્રયોજીને (પૃ. ૫), ક્યાંક ‘વ્યાકરણ ભણી લાગે છે નારી, મને તો વ્યાધિકરણનો પ્રેમ નથી.’ (પૃ. ૯)ની જેમ શબ્દરમત આદરીને તો નવલકથાના અંતભાગે અકબર સાથેના ચિંતામણિના મિલનને રમણીય કલ્પનાથી આવી રીતે મઢી લેતી શબ્દસૃષ્ટિ ‘પરોઢના પંખેરું જાગતાં હતાં, એ વેળા જાણે રૂપનું પંખી પાંખ દબાવીને પુરુષાર્થીના ખોળામાં માળો કરીને બેઠું હતું. દૂર દૂર ક્ષિતિજમાં ઊગતો મોગલ સત્તાનો સૂર્ય ત્યારે હિંદની ધરતીને પહેલી વાર ચૂમતો હતો.’ (પૃ. ૨૭૧)થી પણ લેખક ગદ્યશૈલીને રમણીય બનાવે છે.

ઉપમા, જયભિખ્ખુને સૌથી વધારે પ્રિય જણાય છે. કેટલીક તાજી ઉપમાઓ જેવી કે ‘હાખીદાંતમાં કંડારેલી પ્રતિમા શી સુંદરી’ (પૃ. ૨), આકાશના તારાની જેમ નીચે ખરતા વેણીનાં ડોલર કૂલ (પૃ. ૩), ઝાકળના બિંદુ જેવાં તારાં ગીત (પૃ. ૧૩), એક દાંત પડી ગયેલા બુઢા આદમી જેવા દાંતા વિનાનો દાંતિયો (પૃ. ૨૦), ચંપકકળીના ગુલદસ્તા જેવા બે પગ (પૃ. ૩૨), માશૂકની લાલ છાતી જેવા તડબૂચ (પૃ. ૩૯), ડાલામથ્થા સિંહ જેવું મહા ગુરુનું મસ્તક (પૃ. ૧૧૩), આત્માની કેદ જેવો રાજમહેલ (પૃ. ૧૩૮), સ્વપ્ન પરી જેવું મૃત્યુ (પૃ. ૧૩૯), નમ્રતામાં નેતરની સોટી જેવા (પૃ. ૨૧૧), સૂડાની ચાંચ જેવું નામ (પૃ. ૨૬૫), જેવા દૃષ્ટાંતોથી જોડી શકાય છે કે નવલકથાના ગદ્યને પણ એ અલંકાર સાર્થક કરે છે.

મુસ્લિમ વાતાવરણ જમાવવા ઉર્દૂ જબાની શબ્દપ્રયોગ પણ ક્યારેક લેખક કરી લે છે ! અલબત્ત; એમાં સતત સાતત્ય જળવાતું નથી છતાં - કાબિલેદિલ (પૃ. ૨૧), મુર્ગદિલ (નિર્બળ પૃ. ૨૪), ઝારઝાર (પૃ. ૫૫), ઉમરદરાજ (પૃ. ૫૫), જંગે બહાદુર (પૃ. ૫૭), સાલારે જંગ (પૃ. ૬) જેવાં નોંધી શકાય. ક્યાંક શૈલીદોષ પણ લેખકથી અજાણતાં થઈ ગયો છે, જેમ કે અકબરના મુખમાં અંગ્રેજી શબ્દ લેખક મૂકી દે છે ! ‘તમારા બંને લોક ન બગાડશો નહિ તો દુનિયાના આલ્બમમાં તમે ધિક્કારપાત્ર દેખાશો.’ (પૃ. ૮૧-૮૨)

વ્યક્તિત્વવર્ણનમાં આરંભમાં જ આવતું ચિંતામણિનું રૂપવર્ણન નોંધી શકાય (પૃ. ૨, ૩, ૪, ૩૨), એ જ રીતે સૂરદાસનાં બાહ્ય સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન (પૃ. ૫ ઉપર) મળે છે. બહેરામખાનનું વર્ણન અલંકારની આતશબાજી સમાન છે. (પૃ. ૬૪). હેમુના મૃતદેહનું વર્ણન બિભત્સ વર્ણનના નમૂનારૂપ છે. (પૃ. ૨૬૨). હેમુની શાહી સવારીના વર્ણનમાં વિગતો ઘણી આવે છે પણ વર્ણનની ચારુતા એમાંથી નિપજી આવતી નથી. (પૃ. ૨૬, ર૭). સુંદર પ્રકૃતિદૃશ્યો લેખક આવી કુમાશથી ક્યારેક ચિત્રકારની અદાથી નિપજાવી આપે છે. આકાશના ચહેરા ઉપરથી અંધકાર વધુ ને વધુ ધોવાઈ રહ્યો હતો. (પૃ. ૧૮) શ્રી રામપ્રસાદ શુકલને એમાંના મોળા પાત્રાલેખનને કારણે, વસ્તુસંકલાની શિથિલતાને કારણે, વાતાવરણ-જમાવટમાં રોચકતાના અભાવથી આ નવલકથા મધ્યમકોટિની લાગી છે. પણ હકીકતમાં જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાની શ્રેણીમાં ‘વિક્રમાદિત્ય હેમુ’ના અનુસંધાનમાં આગળ વધતી આ નવલકથા આપણે આગળ જોયું તેમ નવલકથાના કેટલાક રુચિર અંશોથી યુક્ત હેમુના સમયના ભારતને ઠીક ઠીક અંશે તાદૃશ કરતી મનોહર ઐતિહાસિક નવલકથાનો આદર્શ પૂરો પાડે છે, એટલું જ નહિ, એના અનુસંધાનમાં આવતી ‘દિલ્હીશ્વર'ના ભાવન પરીક્ષણની જિજ્ઞાસા પણ પ્રગટાવે છે.

દિલ્હીશ્વર :

ઈ. સ. ૧પપ૬ના નવેમ્બરની પમી તારીખે એકવીસ-એકવીસ લડાઈઓનો વિજેતા વિક્રમાદિત્ય હેમુ પાણીપતના મેદાનમાં માલ વગરની લડાઈમાં હણાયો. એ જ સમયે પંજાબના કરનાલ નામના એક નાનકડા ગામને ગોંદરે હુમાયુપુત્ર-અકબરનો રાજ્યાભિષેક થયો. ૧૪ વર્ષના અકબરને માથે રાજમુગટ મૂકી, રાજદંડ એના વજીર ખાનખાના બહેરામખઆંને હાથમાં લીધો. આ રાજદંડે બહાર સત્તા વિસ્તારી, પણ અદર વિખવાદ જગાવ્યો. મોગલ દરબારમાં આંતરવિગ્રહ જાગ્યો, એ ચાર વર્ષ ચાલ્યો. રમકડાનાં રાજા અકબરશાહે આ આંતરવિગ્રહ નિવારી સ્વતંત્ર રાજદંડ હાથમાં ગ્રહ્યો, ને રજપૂતોને ભેરમાં લઈ એમને લોહીની સગાઈથી પોતાની સાથે સાધ્યા. ખાનબાબાની સત્તાનું પતન થયું. ‘વિક્રમાદિત્ય હેમુ’ અને ‘ભાગ્યનિર્માણ’ નવલકથાના અનુસંધાનમાં આગળ વધતી પ્રસ્તુત નવલકથા ‘દિલ્હીશ્વર’ મુખ્યત્વે આ કથાતત્ત્વ લઈને ચાલે છે.

બિન મઝહબી સામ્રાજ્યનો ઇતિહાસમાં પહેલવહેલો પોતાની રીતે પ્રયોગ કરનાર મહાન રાજવી અકબરના પ્રારંભિક જીવનની પાંચ વર્ષની દાસ્તાન પ્રસ્તુત નવલકથામાં મળે છે. આમાં રમકડાના રાજા જેવા રમતિયાળ બાળકમાંથી અકબર દિલ્હીશ્વર કેવી રીતે બને છે એનું ચિત્રણ છે. મહારાજ વિક્રમાદિત્ય હેમુ સામેના યુદ્ધના પડઘા હજી શમ્યા નથી અને એ પડઘાની પગદંડીએ કથા આગળ વધે છે. વિક્રમાદિત્યના ભૂતની કરામત કરીને જૈન જતિઓને અકબરના બંદીખાનામાંથી છોડાવી જવા આવતા યુવાનોની સાથે જવાને બદલે કેટલાક જૈન જતિ ધર્મને કાજે પોતાનું બલિદાન આપવું ઉચિત સમજે છે. એમની સાથેની વાતચીત અકબર અને બહેરામખાંના ચિત્તમાં ધર્મ અંગેનો કેટલોક નવો પ્રકાશ પાથરે છે, ત્યાંથી આ ભાગની કથા આરંભાય છે.

ચિંતામણિના પ્રેમનો દિવાનો બનેલો સૂરદાસ ઘરમાં પતિવ્રતા સ્ત્રીનાં પ્રેમ, આજીજી અને કરુણાને ઠુકરાવી મેઘલી રાતે પ્રિયતમાને મળવા વીજ, વર્ષા અને વંટોળની પરવા કર્યા વિના નીકળી પડે છે. રસ્તામાં એનું મિલન થોડી ક્ષણો માટે અકબરશાહ સાથે થાય છે. ચિંતામણિની પ્રેમની ભક્તિથી ઈશ્વરને શોધતા મસ્ત સૂરદાસે ચિંતામણિને કાજે પત્ની-પુત્ર-પૈસો-પરિવાર સઘળું ત્યજી દીધું હતું અને ચિંતામણિ પાસે દોડી આવ્યો હતો. આવા તોફાની વાતાવરણમાં પૂરથી ભરેલી જમુના ઓળંગીને સૂરદાસ કઈ રીતે ચિંતામણિના મહેલ સુધી પહોંચ્યો એ જ્યારે ચિંતામણિ સૂરદાસ દ્વારા જાણવા ઇચ્છે છે ત્યારે સૂરદાસ પોતે જમુના કયા તરાપાથી પાર કરી તે બતાવવા તેને લઈ કિનારે જાય છે. જેને સૂરદાસે તરાપો માની નદી ઓળંગી એ તો હતું એના જ કિશોરનું મડદું ! આ મૃતદેહને ગઈ કાલે અતિવર્ષાને કારણે અગ્નિદાહ દઈ શકાયો નહોતો અને જમુનામાં વહાવી દેવાયો હતો. એક ક્ષણ માટે આ હકીકત જાણીને સૂરદાસને પોતાને પણ આઘાત લાગે છે પણ પછી તરત જ પોતાની જાતને એમાંથી બહાર કાઢી લેતાં તે બોલી ઊઠે છે, ‘ચિંતા ! મારે વળી પુત્ર કેવો ? પત્ની કેવી ? પિતા કેવા ? ઘરબાર કેવાં ? અરે, મસ્ત ફકીરને વળી આ માયાજાળ કેવી ? ધકેલી દે આ શબને ફરીને યમુનામાં ! ચિંતા ! સૂર તો કોઈનો પિતા નથી અને કોઈ પુત્ર નથી !’ (પૃ. ૪૮).

પોતાનું સર્વસ્વ ત્યજીને ચિંતામણિના પ્રેમના યોગી બની નીકળી આવેલા સૂરદાસને જ્યારે જાણ થાય છે કે ચિંતામણિ મોગલો અને રજપૂતોને એક કરવાનું સ્વપ્ન આંખમાં આંજીને દેશાટને નીકળી રહી છે ત્યારે તે એને રાજકારણ જે અનેક ખટપટોનું કેન્દ્રસ્થાને છે એ ત્યજી દઈ ઉચ્ચ પ્રેમની ભૂમિમાં લયલીન થવા સમજાવે છે પણ ચિંતામણિને હમણાં પોતાના આ સ્વપ્નને સાકાર કરવામાં જ રસ છે. મજહબી મારામારીને પોતાના દેશમાંથી વિદાય અપાવી પ્રેમનું સુરાજ્ય સ્થાપવાની એની ઝંખના છે. એ ઝંખનાને સાકાર કરવાની શક્તિ એને અકબરશાહમાં જણાય છે. એણે શેરશાહને જોયો હતો જે એકલી સત્તાની મૂર્તિ હતો. વિક્રમાદિત્ય અને બુદ્ધિ-શક્તિની મૂર્તિ સમાન જણાયો હતો જ્યારે અકબરશાહમાં જણાય છે. એણે શેરશાહને જોયો હતો જે એકલી સત્તાની મૂર્તિ હતો. વિક્રમાદિત્ય અને બુદ્ધિ-શક્તિની મૂર્તિ સમાન જણાયો હતો જ્યારે અકબરશાહમાં એકસાથે સત્તા, બુદ્ધિશક્તિ, અને સંસ્કારિતાનો અજબ સમન્વય એણે પારખ્યો હતો. અહીં લેખક ચિંતામણિ-સૂરદાસના લંબાણયુક્ત છતાં ચિંતનરસે રસેલા સંવાદો દ્વારા અકબરના સંસ્કારી, શૂરવીર અને દીર્ઘદૃષ્ટા વ્યક્તિત્વને ઉપસાવે છે. (પૃ. ૫૬, ૫૭, પ૮). આ અકબરશાહ નરરત્ન પરીક્ષક છે. એ માને છે કે તલવારથી સામ્રાજ્ય મેળવી શકાય, પણ સંભાળી ન શકાય. માત્ર તાકાતથી જ સમ્રાટ બની ન શકાય. સમ્રાટપદ માટે તો પ્રેમ, વિશ્વાસ, દયા ને ક્ષમા જોઈએ. વિજેતા દેશ ઉપર મેળવેલો અધિકાર જાળવી રાખવો હોય તો તે દેશના રહેવાસીઓના ઉદ્દેશ અને રહેણીને લક્ષમાં લેવાં જોઈએ. સૂરદાસ અકબરના આ વિચારો સાથે સહમત નથી. તે ચિંતામણિ સમક્ષ પોતાના વિચારો પ્રગટ કરતાં કહે છે કે દેશનો ઉદ્ધાર ધર્મ સિવાય થઈ શકે નહીં. સંસ્કૃતિ ધર્મથી જ જીવશે. ચિંતામણિ પણ સૂરદાસ સાથે સહમત થતાં કહે છે કે અકબરને પોતે આ જ વાત સમજાવી હતી કે દેવની પ્રતિષ્ઠા હૃદયમાં હોય છે. હૃદય જીતો તો બધું જિતાશે. કોઈ પ્રજાનો ઇતિહાસ તલવારથી અને તાકાતથી કદી ભૂંસી શકાયો નથી.

ચિંતામણિને અકબરના વ્યક્તિત્વનો જે પરિચય થયો છે તે મુજબ પુષ્પ જેવો કોમળ અકબર સમય આવ્યે યમ જેવો દુઃસહ પણ થઈ શકે છે. ભારત જીતનાર બીજા વિજેતાઓ જેવા પૂર્વગ્રહો એનામાં નથી. એનું વીરત્વ કદી ગફલત કરતું નથી. આવા અકબરને એણે વચન આપ્યું છે કે પોતે રજપૂતોની મૈત્રી મુગલો સામે લઈને આવશે અને અકબરશાહે એમને ઊંચા હોદ્દા આપવાના રહેશે.

જીવનની અનેક પ્રકારની વિટંબણાઓમાંથી પસાર થયા પછી ચિંતામણિમાંનું સ્ત્રીત્વ ક્યારનું મરી ગયું હતું. સૂરદાસે એનામાં સખીભાવ જાગ્રત કર્યો હતો એમાં અકબરશાહે આવીને આ એક નવી મહત્ત્વાકાંક્ષા ચિત્તમાં જગાવી હતી. ક્ષણભંગુર જીવનને આ ઉદ્દેશ અર્થે ખર્ચી નાખવા મરદના લેબાસમાં સજ્જ થઈને એ દેશાટને નીકળી પડી હતી. જાગીરદાર છત્રસિંહ બનીને નીકળી પડેલી ચિંતામણિને દેશનું જે દર્શન થાય છે એ ખૂબ જ કરુણ અને હૃદયદ્રાવક છે. જે ગામડાંઓમાં ગ્રામનારીનાં ગીતો સદા ગુંજતાં હતાં, જે નદીઘાટ ઉપર સ્ત્રીઓ નિ:સંકોચ નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી એ સૂનાં હતાં. કોઈ સ્ત્રી એકલી બહાર નીકળતી નહોતી અને તે એની પગની પાની પણ ન દેખાય તેવો વેષ પરિધાન કરતી હતી. પુરુષો પણ ચોરે ને ચકલે મરેલા ભૂત જેવા બેઠા હતા. એમના દેદાર કંગાલ હતા. વાતો બહાવરા જેવી હતી. શંકા, વહેમ અને ભીતિ એમને ઘેરી વળ્યાં હતાં. ભૂત-પ્રેતમાં એમનો વિશ્વાસ દૃઢ બનતો જતો હતો.

ગામડાં લૂંટાતાં હતાં. લૂંટારા ગામની સ્ત્રીઓને ઉપાડી જતાં. ભૂલેચૂકે એ સ્ત્રીઓ લૂંટારાના સકંજામાંથી નાસી છૂટી પાચી આવતી તો એને કુટુંબના સ્વજનો પાપિણી ગણીને ધુત્કારતા – અપવિત્ર ગણીને હડસેલી દેતા. કોઈ કૂવો એવો નહોતો જેમાં પાંચ-દશ સ્ત્રીઓ અપમૃત્યુ પામી ન હોય.

માર્ગમાં હરિયાળાં ગૌચર સૂનાં પડ્યાં હતાં, કારણ કે લશ્કરોના ભોજન માટે ખેતીનાં પશુ કપાઈ ગયાં હતાં. અન્નનાં કણથી ઊભરાતાં ખેતરો સાવ સ્મશાન સમાં સુનાં પડ્યાં હતાં. રજપૂત બહારવટિયાઓ ભોળા ગ્રામજનોને ખેતી કરવા દેતા નહોતા.

ખેડૂતોના ઘરમાં ખાવા દાણો નહોતો. વેપારીઓ પાસે અન્નભંડાર સંઘરાયેલા પડ્યા હતા પણ તેઓ પ્રજાને આપવા કરતાં લશ્કરને આપવાનું વધારે પસંદ કરતાં એમાંથી એમને મોં-માગ્યા ભાવ મળતા. કેટલાક સ્વાર્થી વેપારીઓની રીતિનીતિ અહીં લેખક નજરે કટાક્ષ બનીને આવે છે. દેશનું આ વરવું દર્શન ચિંતામણિને દુઃખી બનાવે છે. એને થાય છે કે ‘વેશ્યા હું છું, પણ વ્યભિચાર તો આખું જગત ચલાવે છે.’ (પૃ. ૯૭)

દેશાટને નીકળેલી ચિંતામણિએ જોયું કે પરદેશીઓએ જેટલો દેશને બરબાદ કર્યો છે એનાથી વધુ તો સ્વદેશીઓથી, એમના વ્યવહાર, વર્તન, અંધમાન્યતા અને જડ વિચારસરણીથી દેશ બરબાદ થયો છે. ક્ષત્રિયો કે જેમનું કામ દેશના રક્ષણનું હતું એમની ખાનદાની વધુ સ્ત્રીઓને પરણવામાં, એમનું શૂરાતન ગરીબ વર્ણને હેરાન કરવામાં ને એમની મોજ અફીણમાં જ પૂરી થતી પ્રત્યક્ષ નિહાળી ચિંતામણિનું હૃદય ઉદાસ બની ગયું.

ગામેગામ ફરતાં ચિંતામણિને એક દિવસ ભોળાશંકર નામના પૂજારીનો પરિચય થયો જેના દ્વારા તે રજપૂત બહારવટિયાઓ સુધી પહોંચે છે. વીરસિંહ બુંદેલો એમાં મુખ્ય છે. એમની પાસે પહોંચી પોતાના ભૂતકાળની કથની કહીને ચિંતામણિ એમને મોગલો સાથેની મૈત્રી માટે રાજી કરે છે.

કથાનો એક અંકોડો અહીં અટકે છે. ચિંતામણિના દેશાટનને અને એ દ્વારા દેશની દુર્દશાના ચિત્રને પ્રત્યક્ષ કરીને નવલકથાકારે અકબરના રાજ્યકાળના આરંભે હિંદની સામાજિક પરિસ્થિતિ કેવી હતી એનો ચિતાર તાદૃશ રીતે આપ્યો છે. નવલકથામાંનું ‘ભૂતિયો વડ’ (પૃ. ૭૭) પ્રકરણ તો કથાને સીધી રીતે તો ક્યાંય ઉપયોગી નીવડતું નથી. આ આખુંયે પ્રકરણ આડકથા જેવું છે. છતાં સમાજનાં વહેમ, અંધશ્રદ્ધા અને મુસ્લિમ સમયના ગુજરાતનું જનજીવન એમાં ગદ્યના એક આગવા મિજાજથી લેખકે વ્યક્ત કર્યું છે. ટૂંકા વાક્યો અને દૃશ્યાત્મક શબ્દાલિથી પેદા થતો ગદ્યનો એક સુંદર મરોડ અહીં અનુભવવા મળે છે.

મુસ્લિમોના હાથમાં દેશ ગયો એનું કારણ રજપૂતોમાં બહાદુરી નહોતી એવું નહીં, પણ એમનામાં સંપનો જે અભાવ હતો – ડહાપણનો અભાવ હતો એ વાત લેખક એક રજપૂત બહારવટિયાના મુખે કબુલાવતાં કહે છે : 'અમારામાં સંપ નથી, ડહાપણ નથી. યુદ્ધ છે પણ યુદ્ધની નવી કરામતો નથી. પ્રજાનો અમને સાથ નથી. શુદ્ધ અમલ નથી. અંતઃપુરની સૌંદર્ય-આગે અમને શેકી નાખ્યા છે !' (પૃ. ૧૦૩) દેશની દુર્દશાનું વાસ્તવચિત્રણ અહીં ચિંતનરૂપે પાત્રમુખે લેખક દ્વારા પ્રગટે છે.

‘ગણિકાની આત્મકહાની’ પ્રકરણ એમાંના ભાવાત્મક ગદ્યને કારણે નવલકથામાં જુદી ભાત પાડે છે. આ પ્રકરણમાં ચિંતામણિ પોતે ગુણકા શેના કારણે સર્જાઈ એ કથા રજપૂત વીરો સમક્ષ વર્ણવે છે. રજપૂતોના કુસંપે કેવી રીતે એક અફઘાન બાદશાહને હિંદુસ્તાનમાં વિજેતા બનાવ્યો એની કથની કહેતાં કહેતાં ચિંતામણિ કરે છે કે પોતે અને પોતાના જેવી અનેક ગભરું બાળાઓને ગુણકા બનવું પડ્યું. એનું કારણ રજપૂત રાજાઓનો કુસંપ, પરસ્પર સ્વાર્થનો સંબંધ ને લાંબુ વિચારવાના ડહાપણનો અભાવ ! એ વેળા સુલતાન શેરશાહ એક છત્ર રાજ્ય હાંસલ કરવા મથતો હતો. એને ડર હતો કે મારવાડ અને માળવાના રાજાઓ એક થઈ અને એમની હાકલે બીજા રજપૂત રાજાઓ જાગી જાય તો ભારત જીતવો ભારે પડે. એટલે એણે એક પછી એકને જીતવા માંડ્યા. રજપૂત રાજાઓ પણ પોતાના મિથ્યાભિમાન અને કુસંપમાં આંધળા બન્યા હતા. એમને હતું કે એક રજપૂત સો પઠાણને ભારે પડશે. આ મિથ્યાભિમાનથી એમણે પ્રજાને યુદ્ધ માટે તૈયાર કરી નહીં. જ્યારે ઇસ્લામના પ્રત્યેક માથે તો સિપાહીગીરી ફરજરૂપ હોય છે. હિંદુઓમાં તો ચારમાંથી એક લડે છે અને બાકીના જમે છે, કાં વેપાર કરે છે.

આ શેરશાહે ચિંતામણિના પિતા રાવ પૂરણમલને દગાથી માર્યા માર્યા એટલું જ નહીં, એની બાળપુત્રીને તફાવય બનાવવા માટે સોંપી દીધી એ જ ચિંતામણિ જ્યારે યુવાન થઈને જેણે પોતાને ઉછેરી એ તવાયફના મુખે આ કથા સાંભળે છે ત્યારે શેરશાહને મોતને ઘાટ ઉતારી પોતાના વેરનું તર્પણ કરે છે. એ પછી રાજા બનેલો વિક્રમાદિત્ય હેમુ પણ શેરશાહનો મિત્ર હોવાને કારણે જ ચિંતામણિ દ્વારા પાણીપતના યુદ્ધમાં મૃત્યુ પામે છે. ચિંતામણિની વેરભાવના બાદશાહ અકબરના સંપર્કમાં આવ્યા પછી આથમી ગઈ. ‘સહુ સાથે સુલેહ’નો અકબરનો મંત્ર એને જચી ગયો. પોતાની વેરભાવનાને કારણે રણજંગના જાદુગર હેમુનો વધ થયો અને હિંદુસ્તાનમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. રૈયત ત્રાહતોબા પોકારવા માંડી. રજપૂત બહારવટિયાઓ દ્વારા અનેક પ્રકારની કનડગતનો ભોગ બનેલી ભોળી પ્રજાને અને રજપૂતોને પણ સાચો માર્ગ બતાવવા નીકળેલી ચિંતામણિ વીરસિંહ બુંદેલાને કહે છે કે હવે પોતે પણ પોતાનો વ્યવસાય ત્યજી દે છે, પોતાની સંપત્તિ દેશ કાજે અને જીવન પરમાર્થ કાજે વાપરશે એવી પ્રતિજ્ઞા લે છે.

પોતે લીધેલી પ્રતિજ્ઞા અનુસાર ચિંતામણિએ જીવનમાં અસાધારણ પરિવર્તન આણી દીધું હતું. આગ્રા પાછા ફર્યા બાદ એણે જીવનને સાદગીમય બનાવી દીધું હતું. ગીત, વાદ્ય ને નૃત્ય ઓછાં થઈ ગયાં હતાં. ભાગવતનું પારાયણ વધ્યું હતું. એક સમયે એની પાસે આવેલા રજપૂતોને તે ભાગવાતમાંથી નારીગૌરવનો અને એ દ્વારા સત્તાના સામર્થ્યના કેન્દ્રીકરણનો મહિમા સમજાવે છે. તે રજપૂતોને કહે છે ‘ક્ષત્રિયવીરો, તમારા અંતઃપુરમાં તમે કેટકેટલી સ્ત્રીઓ એકઠી કરો છો ? પણ એમાં રૂપ સિવાય બીજું કંઈ જુઓ છો ? સામાન્ય જન કરતાં રાજાને વિશેષ રાણીઓ કરવાની છૂટ છે, પણ શા માટે ? એ રાણીઓ દ્વારા પોતાનું રાજ્ય વિશાળ અને પુષ્ટ કરવા માટે, નહિ કે નિરર્થક ક્લેશ, કંકાસ ને લડાઈ કરવા માટે.’ (પૃ. ૨૧૫) આ સંદર્ભમાં તે અનેક દાખલા આપે છે. ઓખામંડળના રાજા રેવત, યાદવ સત્રાજિતની પુત્રીઓને કૃષ્ણ વરે છે અને એ દ્વારા શત્રુને મિત્ર બનાવી રાજ્યને મજબૂત બનાવે છે. લોહીના સંબંધોની સાંકળોની ખૂબ કંઈક અનેરી છે એ અનેક દાખલાઓ દ્વારા ચિંતામણિ રજપૂતોને સમજાવી એમનામાં એક નવી ચેતનાનો સંચાર કરે છે. વેશ્યામાંથી વનિતા બનેલી, ઝેરીલી નાગણમાંથી નમણી નાગરવેલ બનેલી ચિંતામણિની રજપૂત વીરો સાથેની આ પ્રેરણાત્મક સંગોષ્ઠિ સમયે સૂરદાસ આવી પહોંચે છે. સૂરદાસના આગમનને લેખક આવી સરસ કલ્પનાથી નિરૂપે છે – ‘એ વખતે પાછળના ખંડમાંથી ચાખડી પર ચડીને કોઈ આવતું હોય એવો ખટપટ અવાજ આવ્યો. અવાજ તાલબદ્ધ હતો, કોઈ લયબદ્ધ ગીતને ટેકો આપતા તબલચીના જેવો સુયોજિત.’ (પૃ. ૨૧૮)

સૂરદાસના આગમને ચિંતામણિમાં આવેલું પરિવર્તન લેખકના કૅમેરામાં આવું ઝિલાય છે – ‘સુકાયેલા સુરજમુખીને જાણે સૂર્યના રશ્મિ સ્પર્શ્યાં !’ (પૃ. ૨૧૯) કે પછી સૂરદાસનું ચિંતામણિ સાથેનું બોલવું – નવલકથાકારને એમાં આવું સુંદર વાણીમાધુર્ય જણાય છે – ‘જાણે કવિતા સ્વયમ્ બોલતી હોય તેવું માધુર્ય.’ (પૃ. ૨૧૯-૨૦)

સૂરદાસ રજપૂતવીરોને રાજલીલા ત્યજીને ભક્તિમાર્ગે વળવાનું સૂચન કરે છે. એના મતે સંસારમાં ભક્તિ સિવાય સઘળું નિરર્થક છે ‘પરમ વૈષ્ણવ’ પ્રકરણમાં કથા કરતાં ઉપદેશ વધારે છે. લેખકનું ભાગવતજ્ઞાન ત્યાં સુપેરે પ્રગટ થાય છે.

ચિંતામણિએ પોતાનો ખજાનો લૂંટાવી દીધો હતો. પહેલા તો ઘા ઉપર ઘા કરવામાં જ માનતી હતી પણ સૂરદાસે હવે તેને ઘા ઉપર મલમ લગાડવાનું શીખવ્યું હતું. પણ સંસારને ચિંતામણિ વેશ્યા બની રહે એમાં જેટલો રસ હતો એટલો રસ એના નવજીવનમાં નહોતો. જમાનાઓથી વેશ્યાઓ દ્વારા ભેગો થયેલો જે ધનનો ખજાનો હતો એ એણે પોતાની વિશ્વાસુ દાસી મહાશ્વેતાને અને એના પિતા સૂરજસિંહને સોંપી દીધો હતો અને એમને કહ્યું હતું કે ‘આ શાપિત ધન છે. જેટલું સ્વકાજે ઓછું વપરાય એટલું સારું, પરકાજે એનો ઉપયોગ કરજો, દુનિયામાં દીનદુ:ખિયાનો તૂટો નથી.’ (પૃ. ૨૪૩) પોતાનું સર્વસ્વ જનહિતાય અર્પણ કરી દીધા બાદ ચિંતામણિ સૂરદાસ સાથે પ્રસાદના પાછલા ભાગમાં નિવાસ કરતી હતી. ધીમે ધીમે એનું મન માયાનાં બંધનોને કાપી રહ્યું હતું. સૂરદાસમાંથી પણ પોતાના મનને પાછું વાળવાની તૈયારીઓ એણે આરંભી દીધી હતી. એની સામે એની પ્રેરણામૂર્તિ હતી જનમ જનમની વિજોગણ રાધાની. એના મતે સંયોગ કરતાં વિયોગમાં જ વહાલાની મૂર્તિ અંતરમાં વધારે ઝળહળ્યા કરે છે.

એક દિવસ સૂરદાસની ઝૂંપડીએ આવીને એણે સૂરદાસને કહ્યું, “સૂરદાસ ! ચિંતામણિ પાસે જેમ અજબ સુવર્ણનિધિ છે, તેમ ગજબ સૌંદર્યનિધિ પણ છે. સુવર્ણનિધિની ભેટ ગઈ રાત્રે કરી. આજ તને સૌંદર્યનિધિની ભેટ કરું. સહુ હંમેશાં સ્ત્રી પાસેથી સૌંદર્ય લેવા મથે છે. પણ સાચું સૌંદર્ય તો ત્યારે મળે કે સ્ત્રી સ્વયં એ અર્પણ કરવા અધીરી બને ! અને એ આપવાની ક્ષણ પણ કોઈ ભાગ્યશાળીના જીવનમાં ક્યારેક જ આવે છે!” (પૃ. ૨૪૮) એ સૂરદાસના હાથે અઘોળ કરાવે છે. સ્નાન પછી ચિંતામણિ બહાર આવે છે ત્યારે સૂરદાસ છરી શોધતો હતો. સંસારનું સર્વોત્તમ રૂપ નીરખી હવે એને પોતાનાં નેત્રો નિરર્થક લાગે છે. એ રાત ચિંતામણિએ સૂરદાસના પડખામાં જ વિતાવી. બીજે દિવસે સૂરદાસ જાગે એ પહેલાં સંન્યાસિની બનીને એ ચાલી ગઈ. સૂરદાસને માટે સંદેશો હતો – ‘વિયોગ વૈષ્ણવનો પ્રાણ છે.’ સૂરદાસ પણ ચિંતામણિ વિનાના આવાસને સહી ન શક્યો. એ પણ ત્યાંથી ચાલી નીકળ્યો.

નવલકથાનો અર્ધ ઉપરાંત ભાગ રોકતી ચિંતામણિની કથા એક નારીના વૈવિધ્યભર્યા મધુર, કરુણ પહેલુઓનો પરિચય કરાવે છે. નવલકથાને માધુર્ય બક્ષતી આ કથામાં ઐતિહાસિક સત્ય ઓછું અને લેખકની કલ્પનાનજર વધારે છે, છતાં લેખકની કલમ એમાં જ વધારે હોરી છે. નારીગૌરવનો ચાહક લેખક અહીં ચિંતામણિના પાત્રમાં મન મૂકીને વરસ્યો છે. કોઈકની રાજદુલારી, રાજપૂતી ખાનદાનીની જ્યોત, રૂપબજારમાં રહેંસાતી કળી, ભ્રમરોને આકર્ષતું રૂપ, ડંખની વેદના, એમાંથી જન્મતું નાગણ સ્વરૂપ, સર્વભક્ષી બનીને એમાંથી ઝિંકાતો વિનાશ, સૂરદાસના સંપર્ક એમાં આવતું પરિવર્તન, અકબરશાહ દ્વારા એના પ્રાણમાં સિંચાતી ઝંખના, રજપૂતી ખમીરને સાચે રસ્તે દોરવાની તમન્ના, પુરુષવેષે સાહસી પ્રયત્ન, છેવટે રજપૂત-મુસ્લિમની મૈત્રી, પોતાના સર્વસ્વનું અર્પણ અને પ્રિયજનનો જાતે વહોરેલો વિયોગ - ચિંતામણિના આ એક પછી એક કમળની પાંખડીઓની જેમ ફૂટતાં જતાં પાસાંઓને લેખકે ત્રણ ભાગની આ કથામાં સરસ રીતે વિકસાવી કથાને તો આસ્વાદ્ય બનાવી જ છે, પણ સાથે પોતાની સર્જકતાનો પણ હૃદ્ય પરિચય પૂરો પાડ્યો છે.

આ સાથે વણાતી જતી નવલકથાની મુખ્ય કથા જેમાં રમકડાંનો રાજા અકબર ખરેખર સાચો બાદશાહ કઈ રીતે બને છે એનું નિરૂપણ મોટે ભાગે લેખકે ઇતિહાસને વફાદાર રહીને કર્યું છે. હેમુની કતલ બાદ રાજ્યસિંહાસને અકબરને બેસાડાય છે પણ રાજ્યવહીવટ બહેરામખાં જ ચલાવે છે. મુલ્લાં પીરમહમદ જેણે અકબરને શિક્ષણ આપ્યું હતું એની ઝંખના રાજ્યમાં કંઈક બનવાની હતી એ બહેરામખાંને ખુશ કરવા પ્રયત્ન કરતો હતો. બહેરામખાંના શાસનની પ્રશંસા કરતો હતો અને એને પ્રેરણા પણ આપતો હતો. મુસાહબ બેગ જે એક બાગી હતો એની હત્યા કરવાની અકબરની ઇચ્છા નહોતી, કારણ કે એના પિતા કલાં બેગ બાબરના જમાનાથી એક વફાદાર યોદ્ધા તરીકે મુગલ સલ્તનતમાં જાણીતો હતો. આવા પિતાના બાગી પુત્રનો ગુનો અકબરની દૃષ્ટિએ માફ કરવા યોગ્ય હતો પણ બહેરામખાં તેના વધનો હુકમ કરી દે છે. મુલ્લા પીરમહંમદની સુચનાથી આ વાત જ્યારે અકબર જાણે છે ત્યારે એને બહેરામખાં, જેને તે પોતાના આદરણીય વડીલ ગણતો હતો, એનું માન સન્માન કરતો હતો તેને માટે પહેલી વાર દુઃખ થાય છે. એમાં એક વાર અકબરના પ્રિય હાથી બિંદુએ બહેરામખાના પ્રિય હાથી કાલાકુંજરને કાળના મોંમાં ઓરી દીધો એટલે અકબરના મહાવતને બહેરામખાંએ ક્રોધ ભરાઈને ફાંસીની સજા કરી દીધી. અકબરે મહાવત ઉપર રહેમ કરવા બહેરામખાંને ઘણું સમજાવ્યો, આજીજી પણ કરી પણ બહેરામખાંનો એક જ જવાબ હતો ‘રહમ ન થઈ શકે બાદશાહ, બેપરવાઈનું ફળ એણે ભગવવું જ રહ્યું !’ (પૃ. ૧૩૫) કહેવાનું ઘણું હતું પણ અકબરશાહની જીભ ન જ ઊપડી.

બીજી બાજુ ખાનબાબાની કૃપાદૃષ્ટિ મેળવી મુલ્લાં પીરમહમદ ધીમે ધીમે શાસનમાં એક ચોક્કસ સ્થાન મેળવતો જતો હતો. એક વ્યક્તિ તરફ એના મનમાં દ્વેષભાવ હતો. એ હતા અલી-કુલીખાં શૈબાની. એણે અને એના ભાઈ બહાદુરખાં શૈબાનીએ પોતાનાં વીરત્વથી બહેરામખાંના સૈન્યમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. ખાનબાબાના એ બંને ડાબા-જમણા હાથ હતા. મોગલ દરબારમાં એમની ખુરશી આગળ પડતી. આ વાત મુલ્લાં પીરમહંમદને ખૂંચતી હતી. એણે વિચાર્યું કે હવેની સિદ્ધિ જુવાન શાહને પ્રસન્ન રાખવામાં હતી. ધીરે ધીરે ખાનબાબાનો સંગ છોડી એણે વધારે સમય શાહની સેવામાં ગાળવા માંડ્યો.

અકબરશાહના સ્વભાવને દયાનું વલણ વધારે અનુકૂળ હતું. સાધારણ ગુનામાં માણસને ગરદન મારવા તરફ એને અણગમો હતો. પણ એ વખતે પ્રવર્તતા બીજાં દૂષણો તરફ એને ભયંકર રોષ હતો. એ સમયે સેનામાં સજાતીય સંભોગની ઘૃણાજનક પ્રથા હતી એને કારણે મુસ્લિમો ભારતવાસીઓની નજરમાં હીણા દેખાતા. આ વસ્તુનો અકબરને પણ અણગમો હતો. ખાનબાબાનો વિશ્વાસુ શાહ અલીકુલીખાં જ આવા ગુના માટે અકબરની નજરે ચડી ગયો. એને ખરાબમાં ખરાબ સજા કરવાની અકબરની ઇચ્છાને બહેરામખાંને અટકાવી. તત્કાળ તો બાદશાહ ઠંડો પડ્યો પણ મુલ્લા પીરમહંમદે બરાબર છટકું ગોઠવ્યું અને બહેરામખાં કંઈ જાણે એ પહેલાં શૈબાનીને લખનઉ છોડી દેવાનો હુકમ થયો.

બહેરામખાં શેરો-શાયરીનો અજબ શોખીન જીવ હતો. સાથે દાનની બાબતમાં કરણનો અવતાર પણ. કવિતાની એક એક પંક્તિ પર ખુશ થઈ એ અઢળક સંપત્તિ દાનમાં દઈ દેતો. જ્યારે અલીકુલીખાનો દૂત અકબર પાસે દયા માગવા ગયો ત્યારે મુલ્લાં પીરમહમદે રસ્તામાં જ એને પતાવી નાખ્યો. પીરમહમદની આ હરકતોથી વાજ આવેલા ખાનબાબાએ કોઈને પણ પૂછ્યા વગર એનું પંત પ્રતિનિધિત્વ રદ કર્યું, એટલું જ નહીં પણ એમના ઘર ફરતો મોગલ મહારથીઓનો પ્રચંડ પહેરો મુકાઈ ગયો.

બહેરામખાંનું લગ્ન અકબરની ફોઈની દીકરી-હુમાયુની ઓરમાન બહેન ગુલબદન બેગમની દીકરી – સલીમા સાથે થયું હતું. એ રીતે લોહીનો સંબંધ બાંધીને બહેરામખાં સાથેના સંબંધો હુમાયુએ ઘનિષ્ટ બનાવ્યા હતા. બહેરામખાં પણ મુગલ ખાનદાનને વફાદાર હતા, પણ છેલ્લા થોડા સમયથી એમને લાગતું કે અકબરનું વર્તન હવે ધીમે ધીમે પોતાની તરફ બદલાતું જતું હતું. દરબારમાં નમકહરામ લોકોનું ચલણ વધતું જતું જોઈને બહેરામખાં મનમાં અકળાય છે. અકબર આવા લોકોને ઓળખ્યા વગર એમની ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકે છે એ બહેરામખાંને પસંદ નથી એ સંબંધમાં બંને પતિ-પત્નિ વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમ્યાન ગાંડા બનેલા હાથી દ્વારા જમુનાના જળમાં નૌકાવિહાર કરતા બહેરામખાંની નૌકાને ઉડાવી દેવાનો પ્રયત્ન થાય છે. ત્યારે પોતાના એક વફાદાર સાથીના પ્રાણના ભોગે બહેરામખાં બચી તો જાય છે પણ ત્યારથી હાથીઓ તરફનો રોષ એટલો બધો વધી પડે છે કે બધા જ હાથીને એ અમીરોને વહેંચી દે છે અને ભર્યું ભર્યું હાથીખાનું જે અકબરે પ્રેમથી બનાવ્યું હતું તે ખાલી થઈ જાય છે.

આ બધા આઘાત-પ્રત્યાઘાતોની ઓછીવત્તી અસર અકબર-ચિત્ત ઉપર થતી હતી પણ એનું જુવાન દિલ હજી ખેલવા-કૂદવા તરફ વધુ હતું એટલે જલદીથી એ બધું વીસરી જતો હતો. પણ છેલ્લો જે પ્રહાર ગજ શાળામાંથી આવ્યો એ એના મર્મસ્થળ ઉપર અસર કરી ગયો. જુવાન બાદશાહને લાગ્યું કે અહીં મારી ગણના કંઈ નથી. હું તો માત્ર પૂતળું છું. મારા નામે બહેરામખાં ગમે તે ખેલ રચે છે. એમાં બીજો પ્રહાર થયો અંતઃપુરમાંથી આ પ્રહાર અંતઃકરણ પર અસર કરી ગયો.

મરિયમ મકાની એટલે કે માતા હમિદાબાનુ બહેરામખાં અને અકબર બાદશાહ વચ્ચેના આંતરકલહને કારણે આગ્રા છોડી દિલ્હી જતાં રહ્યાં. એઓ ઇચ્છતા હતા કે બહેરામખાં અને અકબર વચ્ચે મનમેળ સ્થપાય પણ એ શક્ય જણાતું નહોતું. હમિદાબાનુના ગયા પછી અંતઃપુર આંતરકલહનો અખાડો બની ગયું. અકબરની ધાવમાતા માહમ અનગાની આગેવાની નીચે બહેરામખાં વિરુદ્ધ જાતજાતની ફરિયાદો અકબર સુધી પહોંચવા માંડી. માહમ અનગાની વાતનો સૂર એક જ હતો કે કોઈ પણ હિસાબે રાજ્યની બાગડોર સાચા અર્થમાં અકબરે હાથમાં લેવી જોઈએ. પણ હજી બહેરામખાં તરફ અકબરને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. એને કારણે અકબર શાંતિથી આ વાવાઝોડાને ખાળ્યા કરતો હતો.

ત્યાં એક પ્રસંગે એનો પરિચય રાજા બિહારીમલ અને એના વીર રજપૂત સાથીઓ સાથે થાય છે. એમની સાથે મિત્રતા બંધાય છે. આ મિત્રતા અકબરના ચિત્તમાં હિંદુસ્તાનને નવી રીતે પોતાનું બનાવવાના અરમાન જગાવે છે.

ગુજરાતને રસ્તે પસાર થતા જૈન મુનિ હીરહર્ષના સંઘમાં કુંદનદેવી પોતાના સાતવર્ષીય પુત્રને લઈને છુપા વેશે ગુજરાત તરફ પ્રયાણ કરી રહી હતી ત્યારે રસ્તામાં રજપૂતો સાથે મુનિનો ભેટો થાય છે. એમના દ્વારા અખબરના વ્યક્તિત્વનો પરિચય પામી મુનિ પોતે પણ આગ્રાના રાજકારણના રસિયા બની આગ્રા જવા તૈયાર થાય છે.

બીજી બાજુ આગ્રાથી શિકારે નીકળેલા બાદશાહને અચાનક મરિયમ મકાની દ્વારા દિલ્હી આવવાનું તેડું મળે છે. દિલ્હીમાં દરબાર ભરીને બેઠેલો અકબરશાહ સહુને બહેરામખાંની કાનૂનથી બચાવવાનું વચન આપે છે. બહેરામખાંના દુશ્મનો અકબરના દોસ્ત બની દિલ્હી તરફ આગળ વધે છે. ધીમે ધીમે અકબરના મનમાં બહેરામખાંની ઇમાનદારી તરફ અશ્રદ્ધા થાય છે. આ ઘટના બહેરામખાંને ખૂબ જ વ્યથિત બનાવે છે. એમનો સત્તાનો અંધાપો અને સામર્થ્યની બહેરાશ દૂર થઈ જાય છે. બાદશાહને મળવા અને એમને સાચી વસ્તુસ્થિતિ સમજાવવા એ પ્રયત્ન કરે છે પણ હવે ઘણું મોડું થઈ ગયું છે.

રાજખટપટ ત્યજીને મક્કાને રસ્તે જવા સર્વ રાજચિહ્નોને ત્યાગીને તે નીકળી પડે છે પણ દિલ્હીનો કાનૂન વિરુદ્ધમાં પડ્યો છે, જ્યાં જાય છે ત્યાં એમનો વિરોધ; એમના દુશ્મનો આગળ આવે છે. છેવટે ગનાપુરના મેદાનમાં અકબરશાહની સેના સામે યુદ્ધે ચઢીને હારે છે. આ સાથે જ બહેરામખાંને આત્મભાન લાધે છે. લડાઈનું કુત્સિતમાં કુત્સિત રૂપ જોઈને લડાઈને માંડી વાળી ખુદ બહેરામખાં પોતે એકલો અકબરશાહ પાસે પહોંચે છે. અકબરશાહ સાથેનું એમનું મિલન થાય છે. અકબર એમને પ્રેમથી આવકારી પોતાનું પુરાણું સ્થાન પાછું લેવા સમજાવે છે. પણ હવે બહેરામખાંને રાજકારણમાં રસ નથી. તે મક્કા જવા નીકળે છે, જ્યાં અણહિલપુર પાટણમાં એક અફઘાન સૈનિક દ્વારા એમનો વધ થાય છે. નવલકથાકારે બહેરામખના આ મૃત્યુને વર્ણવતા કહ્યું છે : ‘ભારતના ત્રણ ત્રણ વારના વિજેતાના શબની ભારે દુર્દશા થઈ. લાજ ઢાંકવા ચાદરનો એક ટુકડો પણ ન રહ્યો. શબ પાટણને પાદર ધૂળમાં આખી રાત ખુલ્લું પડ્યું રહ્યું. લોહીની નાનીશી નીક સરોવરનાં પાણીને લાલ કરતી રહી. આકાશ શોક કરતું રહ્યું. તારા માતમ મનાવતા રહ્યા. શિયાળિયા કોઈ વિધવાનું કારમું રુદન રડી રહ્યા. હવા આ અવિજેય યોદ્ધા પર ધૂળની ચાદર ઢાંકી રહી.’ (પૃ. ૩૪૨)

નવલકથાનો અંતભાગ દિલ્હીના દરબારમાં રમકડાંના રાજામાંથી સાચા રાજા બનેલ અકબરશાહના વૈભવને, રોનકને કથે છે અને સાથે સાથે અકબરની રજપૂતો સાથેની દોસ્તીની લોહીની સગાઈનું રૂપ આપવાની ઝંખના સાકાર રૂપને બતાવતી નવલકથા વિરમે છે.

પ્રસ્તુત નવલકથામાં ઇતિહાસની નીચેની હકીકતોને જયભિખ્ખુએ યથાતથ રૂપે સ્વીકારીને કથારૂપ આપ્યું છે —

આ નવલકથાના આરંભકાળે અકબર ચૌદ વર્ષનો રમતિયાળ બાળરાજા છે. સાચો રાજા તો એની ત્રણ પેઢીનો સેવક, સમરવીર, વજીર ખાનખાના બહેરામખાન છે. બહેરામખાંની સત્તાના ચાર વર્ષ, એનું પતન તથા રમકડાંના રાજા અકબરશાહે આંતરવિગ્રહ નિવારી સ્વતંત્ર રાજદંડ હાથમાં ગ્રહ્યો, અને ખાનબાબાની સત્તાનું પતન થયું એ કથાને કેન્દ્રમાં રાખીને લેખકે ‘દિલ્હીશ્વર’નું સર્જન કર્યું છે. બહેરામખાંના પતનના કારણો નીચે મુજબ હતા જેને નવલકથાકારે કથારૂપે મઢયા છે.

(૧) અકબરના શાસનકાળના પ્રારંભમાં બહેરામખાંએ કેટલીક અસાધારણ સફળતા મેળવી હતી એને કારણે રાજ્યમાં એનો પ્રભાવ અને મહત્ત્વ વધી ગયાં હતાં એથી એનામાં ગર્વ, હઠાગ્રહ અને ધાર્યું જ કરવાની વૃત્તિ આવી ગઈ હતી.

(૨) એની નીતિ પક્ષપાતપૂર્ણ રહી હતી. પોતાના સમર્થકોને ઊંચા પદે અને હોદ્દાએ મૂક્યા હતા અને વિરોધીઓની ઉપેક્ષા કરી હતી. વ્યક્તિગત મિત્રતાને કારણે કેટલીક વ્યક્તિઓને ગુનો હોવા છતાં દંડ દેવાનું ટાળ્યું હતું. જેમ કે બહેરામખાંનો સમર્થક અલકુલીખાં શૈબાનીએ પોતાના ગુલામ સાથે અવૈધિક સંબંધો રાખ્યા છતાં એને કંઈ પણ સજા કરવાનું ટાળ્યું હતું એનાથી વિપરીત અકબરના એક મહાવતને એટલા માટે મરાવ્યો હતો કે એ પોતાના હાથીને નિયંત્રણમાં નહોતો રાખી શક્યો અને એણે બહેરામખાંના હાથી ઉપર એવો હુમલો કર્યો કે એકના આંતરડા બહાર નીકળી ગયા. એ જ રીતે એક વખત બહેરામખાં નૌકાવિહાર કરી રહ્યો હતો ત્યારે અકબરનો એક હાથી મહાવતના નિયંત્રણ બહાર જતો રહ્યો અને બહેરામખાંની નૌકા તરફ જતો રહ્યો. બહેરામખાંએ એ મહાવતને મૃત્યુદંડ દીધો.

(૩) બહેરામખાં શિયાપંથી હતો જ્યારે અકબર અને એના અમીરો સુન્ની. સુન્ની પંથી અમીરો બહેરામખાંનો દ્વેષ કરતા હતા. એક શિયાપંથીના અનુશાસનમાં રહેવું એ લોકોને ગમતું નહોતું. બહેરામખાંએ સુન્ની પંથી વ્યક્તિઓના હિતની ઉપેક્ષા કરી અને પોતાના પંથવાળાને ઉચ્ચ પદવીઓ આપી. બહેરામખાંએ મુસાહિબ બેગ અને પીરમહમદને સુન્ની હોવાને કારણે જ પદચ્યુતત કર્યા. શેખ મહંમદ ગૌસ જેવા ધર્માધ્યક્ષને સ્થાને શિયાપંથી શેખ ગદ્દાફીને નિયુક્ત કર્યો આથી પણ બહેરામખાં તરફ સુન્ની પંથીઓમાં ભારે રોષ પેદા થયો.

(૪) અકબરના હિતેચ્છુ અને બહેરામખાંના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે બહેરામખાં ખાનગીમાં કામરાનના પુત્ર અબુલ કાસિમનો પક્ષ લે છે કારણ કે એ શિયા છે. એને સિંહાસન ઉપર બેસાડવા માટે અકબરને પદ્દચ્યુત કરવાની પેરવી બહેરામખાં કરી રહ્યો છે. આ અફવા સાંભળીને બહેરામખાંની સ્વામીભક્તિમાં અકબરને સંદેહ ઊભો થયો.

(૫) અકબરની ધાવમાં માહમ અનગા અને અંતઃપુરની સ્ત્રીઓએ પણ બહેરામખાં વિરુદ્ધ અકબરના કામ ભંભેર્યા.

(૬) અકબર અને એના સેવકોને ખર્ચ માટે બહેરામખાં મામૂલી રકમો આપતો. પરિવારના સભ્યોને પણ સદા અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં રહેવું પડતું, જ્યારે બહેરામખાં પોતે અને એના સેવકો છૂટની ધન વાપરતા. (૭) આ ઉપરાંત કેટલાક યુદ્ધક્ષેત્રોમાં પણ આ સમયે બહેરામખાંને નિષ્ફળતા મળી. સામ્રાજ્યની પ્રતિષ્ઠાને ધોકો લાગ્યો એટલે પણ બહેરામખાંનું પ્રભુત્વ ઓછું થયું.

(૮) આ બધાં કારણોને બહેરામખાંના પતનની ભૂમિકા તૈયાર થઈ ગઈ. પતનનું છેલ્લું નિમિત્ત બની માહમ અનંગા. એણે દિલ્હીના શાસક શિહાબુદ્દીન અહમદખાંને દિલ્હી તેડી લાવવાનું, બહેરામખાંની વિરુદ્ધ કરવાનું અને બહેરામખાંને પદ્દચ્યુત કરવાનું કાવતરું રચ્યું. એ રીતે અકબર આગ્રાથી શિકાર માટે નીકળ્યો, ત્યારે રસ્તામાંથી જ, હમિદાબાનુ બીમાર છે અને દિલ્હી બોલાવે છે – એવો સંદેશો મળ્યો. અકબર દિલ્હી પહોંચ્યો, રણવાસની સ્ત્રીઓએ બહેરામખાં વિરુદ્ધ ભડકાવ્યો. અકબરે બહેરામખાંને પદ્દચ્યુત કરતો કાગળ લખી નાખ્યો. મક્કા જવાનું સૂચવી દીધું. એ અનુસાર બહેરામખાં આગ્રાથી ગુજરાતમાં જવા નાગોર તરફ જઈ રહ્યો હતો ત્યારે અલવર પહોંચ્યો તે વખતે માહમ અનગાએ અકબરને કહ્યું કે બહેરામખાં વિદ્રોહી બની ગયો છે અને એની યોજના પંજાબ પર આક્રમણ કરવાની છે. આ સાથે અકબરે લશ્કર સાથે પીરમહમદને મોકલ્યો. પીરમહંમદને જોઈને ઉત્તેજાયેલા બહેરામખાંએ યુદ્ધનું એલાન આપ્યું. હાર્યો ... અકબરની અધીનતા સ્વીકારી ..... અકબરે ક્ષમા આપી. મક્કા જતાં અણહિલપુર પાટણમાં સહસ્ત્રલિંગ તળાવમાં નૌકાવિહાર દરમિયાન મુબારક લુહાની નામના અફઘાન સૈનિક દ્વારા તેનો વધ થયો.

આ બધી જ ઘટનાઓને યથાતથ રૂપે જયભિખ્ખુએ કથામાં નિરૂપી છે. એ રીતે ઇતિહાસને વફાદાર રહ્યા છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ આ નવલકથાને જોઈએ તો લેખકની અન્ય નવલકથાઓની જેમ અહીં પણ ગદ્ય વિવિધ મુદ્રાઓ ધારણ કરે છે. ક્યારેક ટૂંકાં અને સરળ વાક્યોમાં વહેતું આ ગદ્ય સીધી અસર ઉપજાવે છે તો ક્યારેક ભાવસભર વાક્યમરોડ એક આગવી ભાવસૃષ્ટિ નિપજાવે છે. આછા આછા શબ્દલસરકાથી ચિત્રો ઉપસાવતો નવલકાર ક્યારેક અનોખી પિક્ચર-ગૅલેરી પણ ખડી કરે છે. ગદ્યશૈલીની આવી કેટલીક વિશેષતાઓ તપાસીએ તો અન્ય નવલોની જેમ અહીં પણ ઉપમાપ્રિય જયભિખ્ખુની ઉપમાવલિનાં આવાં રૂપો જોવા મળે છે. આકાશના સિતારા જેવા ફૂલ (પૃ. ૮), કેસરિયા અસવારોના ઘોડાના ફીણભર્યા મુખ જેવાં મોજાં (પૃ. ૨૯), આર્યાવર્તની રંડાયેલી રજપૂતાઈના અવશેષ અને ખંડેર સમી રૂપસ્વામીની ચિંતામણિ (પૃ. ૩૭), સાચના સ્વસ્તિક જેવા શબ્દો, (પૃ. ૪૪), રણવાદ્ય જેના ખાનખાના (પૃ. ૧૬૯), સરિતા જેવી સુકોમળ સ્ત્રી (પૃ. ૧૭૫), અગનફૂલ જેવી વાણી (પૃ. ૧૯૩), સાપનાં જેવાં સગાં (પૃ. ૧૯૩), સૂર્યપ્રકાશમાં નર્તતા નીલ સમુંદર જેવી આંખો (પૃ. ૨૮૨), સમુદ્રની લહેર જેવો માણસ (પૃ. ૩૨૭), ભર્યા વાળ જેવું ઘટાટોપ વાતાવરણ (પૃ. ૩૨૮), ક્યારેક વર્ણનોમાં શૈલી આવી કાવ્યાત્મક અને કલ્પનાયુક્ત પણ બને છે જેમ કે વીજળી આભ-ધરતીનાં ઓવારણાં લેતી હતી (પૃ. ૨૩), સ્કંધ પરનું પીતરંગી ઉત્તરીય મેઘ પર સવારી કરીને આવતા દેવતા જેવું લાગતું હતું (પૃ. ૨૫), વાદળ હૈયાફાટ વરસી પડ્યું, ને ગર્જનાએ સતીના અંતરદાહ પર વાજિંત્ર વગાડ્યાં (પૃ. ૨૬), કેસરિયા અસવારોના ઘોડાના ફીણભર્યા મુખ જેવાં મોજાં, શેષનાગની જિહ્‌વા જેવા લપકારા લેતાં આગળ ધસતાં હતાં (પૃ. ૨૯), એક સ્થળે ચિંતામણિનું રૂપવર્ણન લેખકની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સૌંદર્યદૃષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે; જેમ કે ‘ચિંતામણિના નાના શા અધર અમૃતરસનું ઝરણ બની વહી રહ્યા હતા; ગૌર ગાલ સુંદર ફૂલગુલાબી ટેકરીઓ બની રહ્યા હતા. ભાલનો ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર બની ભ્રૂભંગની અટવીમાં અટવાતા આ પુરુષને માર્ગદર્શન આપી રહ્યો હતો.’ ટૂંકા ટૂંકા વાક્યો ક્યારેક અનોખી દૃશ્યાવલી ખડી કરી ગદ્યશૈલીનો એક નમણો મિજાજ પણ ક્યાંક ઉપસાવે છે. જેમ કે ‘’વીરસિંહ કોનું નામ ? કહે છે કે, એક રાતે હવાની પાંખ પર આવ્યો, સિતારા સહાયે તંબૂમાં ઘૂસ્યો ને નિરાંતની નીંદ માણતા મીરસાહેબનું મસ્તક ધડથી જુદું કરી ગયો, ને વળી હવામાં કપૂર જેમ અલોપ થઈ જાય એમ અલોપ થઈ ગયો.’ (પૃ. ૮૬), ક્યારેક કહેવતોનો ઉપયોગ કરીને જયભિખ્ખુ કથનની સચોટતાને દૃઢાવે છે જેમ કે ‘આ ખર્ચ તો તમારે સોપારીના કકડા જેવું. એ તો કુંજરના મુખમાંથી દાણો ગરે ને કીડીઓ ઘેર જમણ થાય’ (પૃ. ૭૫), ‘ગરીબોની કંઈ દાદ-ફરિયાદ સંભળાય છે, બાકી તો હાથીના કાન પર કીડી’ (પૃ. ૧૪૨), ઝાઝા કાગડે ઘડુ ઘેરાયુ (પૃ. ૩૧૨), વાતાવરણની પ્રતીતિકરતા વધારવા ગુજરાતી બાનીમાં અરબી-ફારસી શબ્દોના સાથિયા પૂરતો લેખક ક્યારેક સાવ અજાણ્યા અને સામાન્ય જનને સમજવા કઠિન શબ્દપ્રયોગો પણ કરી બેસે છે; જેમ કે મુરાદાદારદ (પૃ. ૮, મરેલો જેવો), કસાબા (પૃ. ૫૧, માથે બાંધવાનો રૂમાલ) કસીદા, (પૃ. ૫૧, દુહો), મર્દુમસનારા (પૃ. ૫૬, નરરત્ન પરીક્ષક).

‘વિક્રમાદિત્ય હેમુ’ ‘ભાગ્યનિર્માણ’ અને ‘દિલ્હીશ્વર’ એ નવલત્રયી દ્વારા રાષ્ટ્રીય ઐક્યના હિમાયતી અને સાહિત્યનો-કલાનો જીવનસુધારણાને માટે ઉપયોગ કરનાર સર્જકે મુનશી, દર્શક વગેરેની જેમ રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન કર્યું છે, ભારતના આવા ભવ્ય વારસાને સમાજ સમક્ષ રુચિર નવલકથાઓ દ્વારા રજૂ કરીને લેખક એ વાતની પ્રતીતિ કરાવવા માગે છે કે ‘સુલહ કુન બા ખઆસ ઓ આમ’ - ‘સહુની સાથે મળીને રહો.’ આ નવલત્રયી સમાજમાં એવા સમયે આવે છે જ્યારે હિંદુ-મુસ્લિમના ભેદભાવનું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતરતું જતું હતું. અંગ્રેજોએ હિંદુસ્તાન-પાકિસ્તાન કરાવીને હિંદુ-મુસ્લિમ કદીય સાથે ના રહી શકે એવું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતારી દીધું હતું. આવા વિષમય વાતાવરણ વખતે હિંદુ-મુસ્લિમ ઐક્યની કલ્પનાકથા નહીં પણ ઇતિહાસસિદ્ધ હકીકતોને રૂપકડા કલાકસબથી નવલકથાના સંયોજનમાં મઢીને લેખક પ્રસ્તુત કરે છે.

વિક્રમાદિત્ય હેમુની પ્રસ્તાવનામાં અને અન્યત્ર પણ જયભિખ્ખુ ઉલ્લેખે છે કે રાજશેતરંજ એક ન્યારી ચીજ છે. મહમદ ગજનવી જેવા વિજયી સુલતાનનો સેનાપતિ તિલક હિંદુ હોય, હેમરાજનો સેનાપતિ શઆદીખાન મુસ્લિમ હોય એ ઘટનાઓ જ બતાવે છે કે આજે આપણે જેને નવી રોશની કહીએ છીએ તે સાચી રોશની નથી. વસ્તુપાલ જેવા પ્રચંડ વીરો મસીદો બંધાવે, મક્કાની હજ માટે વ્યવસ્થા કરી આપે, કાશ્મીરના જૈનુલ આબિદીન જેવા સુલતાનો હિંદુ મંદિરોના પુનરુદ્ધાર કરાવે એ ઘટનાઓ કે બીનાઓ આપવાદ માત્ર નથી. ચુસ્ત મુસ્લિમ બાદશાહ ગઝનવીના સિક્કા પર સંસ્કૃતના નાગરી ભાષામાં લેખ હોય ને ચુસ્ત મુસ્લિમ શેરશાહના સિક્કા પર સ્વસ્તિકની છાપ હોય એ જ બતાવે છે કે જેવા અણભરોસા ને અવિશ્વાસ આજે રખાય છે તેવાં પહેલાં નહોતાં. ઇદ ને દિવાળી હિંદુ-મુસ્લિમ બંનેના તહેવાર હતા. હિંદુ-મુસ્લિમ ઐક્યના જ્વલંત ઉદાહરણરૂપ આ નવલત્રયી આમ ગુજરાતી ઐતિહાસિક નવલોમાં આગળી ભાત પાડે છે. ચૌલુક્ય, સોલંકી, ગુપ્ત, મૌર્ય વગેરે વંશના રાજવીઓને કથતી ઐતિહાસિક ગ્રંથાવલિઓ ધૂમકેતુ, ચુનીલાલ વ. શાહ, મુનશી વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યને મળી છે પણ હેમુ જેવી એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખીને એની આસપાસ શેરશાહ અને અકબરનાં ચરિત્રોને ઉપસાવતી વિશિષ્ટ પ્રકારની ઐતિહાસિક નવલત્રયી એ જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાક્ષેત્રે નોંધનીય દેણગી છે.

ઐતિહાસિક તથ્યોને નજર સમક્ષ રાખીને કલાના સત્યનો મહિમા કરતી અને પારસ્પરિક સંધાન દાખવી વાર્તારસને બહોળો-પહોળો-ઊંડો બનાવતી આ ત્રણે ય નવલકથાઓ, ગુજરાતી નવલકથાના આરંભથી જ પ્રાપ્ય બનતી ઇતિહાસરસિક નવલકથાઓમાં નોખી ભાત પાડે છે. ઐતિહાસિક સામગ્રીની વિગતો આપણે યથાપ્રસંગ જોઈ છે અને નવલકથામાં એનું સંયોજન શી રીતે થયું છે, એ પણ પ્રમાણ્યું છે. ઇતિહાસની શુષ્ક વિગતોને કલ્પનાની રંગપૂરણીથી કક્ષામય બનાવવાની જયભિખ્ખુની ગુંજાશ પણ આપણે પ્રસંગોના વિવરણની સાથે થતી આવતી રસસ્થાનોની પરિચયવિધિથી તથા ઇતિહાસનાં તથ્ય અને કલાના સત્યના પારસ્પરિક સંબંધોની શોધવિધિથી પ્રમાણી છે. અવિરત વહેતી અને નવા નવા પ્રવાહોથી પુષ્ટ બનતી નવલકથાની ગતિવિધિ સાથે ‘ઇશ્વરલીલા’નાં ચિત્રો અને જીવંત પાત્રસૃષ્ટિથી વધતા કાર્યવેગનાં દૃષ્ટાંતો પણ આપણે વિગતે તપાસ્યાં છે. ભૂતકાળની ભાવનાઓના સાંપ્રતમાં પણ સ્વીકાર્ય બનતા કે ભવિષ્ય અનિવાર્ય બનતા આદર્શનો મહિમા સ્વીકારી આપણે સર્જકને આર્ષદૃષ્ટા તરીકે ય નવાજ્યા છે. ગુજરાતના ઐતિહાસિક નવલકથા-સાહિત્યમાં સન્માનનીય બનતા જયભિખ્ખુના આ કાર્યની આપણા ઇતિહાસકારોએ કે વિવેચકોએ જરૂર નોંધ લીધી નથી, એટલું સખેદ સ્વીકારી અહીં તો અલમ.... પ્રેમભક્ત કવિ જયદેવ

જયભિખ્ખુની રસિકતાનો, સંસ્કૃત જ્ઞાનનો, જયદેવ વિષેના જરૂરી અધ્યયનનો તથા સૂક્ષ્મ વિવેકશક્તિનો પરિચય કરાવતી 'પ્રેમભક્ત કવિ જયદેવ' ઐતિહાસિક નવલકથા છે. 'ગીતગોવિંદ' એ સંસ્કૃત સાહિત્યનું વિશ્વપ્રસિદ્ધ, અદ્ ભુત લોકપ્રિય શૃંગારકાવ્ય. બારમી શતાબ્દિમાં વંગદેશાધિપતિ ગૌડેશ્વર મહારાજ લક્ષ્મણસેનના રાજ્યકાળમાં આ કાવ્યની રચના થઈ અને એ જ સમયે, કર્તાની હયાતી દરમ્યાન જ ભારતમાં એને અપૂર્વ પ્રસિદ્ધિ સાંપડી. કવિના પોતાના જ જીવનકાળ દરમિયાન આવી પ્રસિદ્ધિ બહુ ઓછા કવિઓની ઓછી રચનાઓને પ્રાપ્ત થતી હોય છે.

'ગીતગોવિંદ' લોકોત્તર પ્રેમશૃંગારનું કાવ્ય છે. એના અનુકરણમાં અનેકોએ રચનાઓ કરી છે. પણ અસલનાં ગેયતા, માધુર્ય કોઈ કૃતિમાં નીપજી શક્યાં નથી. એ કાવ્યમાં અનુભવાય છે એવા ભાવ, અર્થ અને સંગીતનું કલાત્મક સાયુજ્ય ભાગ્યે જ અન્યત્ર મળી આવે. આ એક જ કાવ્યરચનાએ એના કવિને મહાકવિનું બિરુદ કમાવી આપ્યું છે. આવા અજોડ ભક્તિશૃંગારથી છલકાતા કાવ્યના રચયિતા છે મહાકવિ જયદેવ. 'કવિરાજરાજેશ્વર' એ ગૌડેશ્વર દ્વારા એમને મળેલી પદવી. વલ્લભ સંપ્રદાયમાં એમનું પદ આચાર્ય તરીકેનું છે.

આવા લોકપ્રિય કાવ્યના રચયિતા કવિના જીવન વિષે જે માહિતી સાંપડે છે એમાં ઇતિહાસ ઓછો, દંતકથા અને ચમત્કાર વધુ છે. છેલ્લું સંશોધન 'ગીતગોવિંદ'ના રચયિતા જયદેવને બારમી શતાબ્દિમાં સેનવેશના રાજ લક્ષ્મણસેનના સમયમાં મૂકી આપે છે. વંગ દેશાધિપતિ મહારાજ લક્ષ્મણસેનની કવિસભામાં જયદેવનું સ્થાનમાન ખૂબ ઊંચું હતું, એટલી હકીકતને કેન્દ્રમાં રાખીને સર્જકે ઇતિહાસની ઓછી માહિતીને કલ્પનાના કસબમાં મઢીને કૃતિરૂપે રજૂ કરી છે. અલબત્ત, લેખકે ઇતિહાસને ક્યાંય મરડ્યો નથી. ખપ પૂરતી માહિતીને એમણે સકુશળ રીતે નવલકથામાં ગૂંથી છે. તેઓ પોતે પણ આ સંદર્ભમાં પ્રસ્તાવનામાં ખુલાસો કરે જ છે. 'કોઈ ખંડિત કલેવરોમાંથી નવી ઇમારત સર્જે એમ મેં મહાકવિનો જીવનપ્રાસાદ ચણ્યો છે. અનાધાર કોઈ રચના નથી. તેમ કોઈ એક જ ગ્રંથનો એને આધાર છે, એમ પણ નથી. લેખકે પોતાની વિવેકશક્તિને આમાં જરૂર વણાવા દીધી છે.' (પૃ. ૭, ૮)

સંધ્યાકાશે મનોરમ વાતાવરણ વચ્ચે નવલકથા આરંભાય છે. જગન્નાથ મંદિરના પૂજારીને ત્યાં ઊછરીને મોટી થયેલી યૌવનની સુરેખ પ્રતિભા શી પદ્માનો ભૂતકાળ પૂજારીની આંખોમાં ઉકેલાય છે. ભગવાન જગન્નાથના નાટ્યમંદિરની નાયિકા તરીકે ટૂંક સમયમાં સ્થાન પામનારી પદ્માને લઈને આજથી બાર વર્ષ પહેલાં એના માતાપિતા આ મંદિરમાં આવ્યા હતા. જગતશત્રુઓથી બચવા આવેલા આ બાળકીના પિતાનું મંદિર પ્રવેશ સમયે જ સર્પદંશથી મૃત્યુ થયું. એટલે સતી સાધ્વી એવી એની માતાએ પુત્રીને પૂજારીજીને ભળાવી પતિ પાછળ વિદાય લીધી.

એકાકી પૂજારીના શુષ્ક જીવનમાં આ હીણભાગી બાળકીએ નવચેતન પૂર્યું. માના હેતથી હાલરડાં ગાઈ, સખીની સુંવાળપથી એના કેશ સમારી શિક્ષકના સ્નેહથી ભણાવી ગણાવી પૂજારીએ પદ્માને રૂપયૌવન સોળે કળાએ ખીલી ઊઠેલું નિહાળી પૂજારીનું અંતર ક્યારેક અદીઠ ભયથી કંપી ઊઠતું. સમય જતાં શરદપૂર્ણિમાને દિવસે આવેલા એક યુવાનને પૂજારીએ ધીમે ધીમે હેળવી-કેળવી પૂજાનો ભાર સોંપી નિવૃત્તિ તરફ પ્રયાણ કરવા માંડયું.

ચંચળ પદ્માવતીને આ યુવાન પરદેશી તરફ કોઈ અગમ્ય આકર્ષણ જાગ્યું હતું. યુવાનની ભલીભોળી યુવાની એના રૂપાળા હૈયામાં ઘર બાંધી રહી હતી. ધીરે ધીરે એણે જયદેવ સાથે વધુ ને વધુ પરિચય કેળવવા માંડ્યો. એ થોડી ક્ષણો માટે ભૂલી ગઈ હતી કે થોડા દિવસમાં જ એ મંદિરની સેવામાં અર્પણ થવાની હતી ને મંદિરની સેવાદાસીને ભગવાન સિવાય કોઈની સાથે પ્રેમ કરવાનો અધિકાર નહોતો. એ તો જયદેવની ધૂનમાં વધુ ને વધુ લયલીન બનતી એક વખત જયદેવ સમક્ષ પ્રેમનો એકરાર પણ કરી બેઠી. જયદેવે પણ પોતે પદ્માને મનોમન ચાહતો હોવા છતાં પોતાની સાથેના પ્રેમને કારણે વેઠવી પડતી આપત્તિઓ સંબંધે ચેતવી કહ્યું, “પદ્મા... તું તો પૂજાનું પુષ્પ છે. એક વૈષ્ણવનો તારા પર અધિકાર.. મહા અધર્મ... અક્ષમ્ય અપરાધ” (પૃ. ૨૫). પણ પદ્મા તો મક્કમ છે. એ કહે છે કે સાચા પ્રેમને દુનિયા કદી પચાવી શકી નથી પણ સાચા પ્રેમીઓએ સંસારની શા માટે પરવા કરવી જોઈએ ? એના મનમાં તો એક જ અરમાન છે તે પોતાના પવિત્ર સૌંદર્ય-ઝરણનું પાન કરીને જયદેવમાંનું કવિપંખી અમર બને. એ પોતાનો દૃઢ નિરધાર કરી ચૂકી છે. 'પદ્મા, તમારી જીવનસહચરી બનવાનો નિરધાર કરી ચૂકી છે. રાખો તો ય ભલે, ન રાખો તો ય ભલે...મારો અંતિમ નિર્ણય સાંભળી લો. જીવતે કે મૂએ પદ્મા જયદેવની-જયદેવ પદ્માનો થાય કે ન થાય. આગ, ઇર્ષ્યા, અત્યાચાર કે સંસારની કોઈ સત્તા એને રોકી નહીં શકે.' (પૃ. ૩૦) અને ખરેખર મંદિરની આ નૃત્યદાસી ઉપર ધર્માચાર્યો, ભક્તો, પૂજારીઓ અને સમાજે કેર વર્તાવવામાં કંઈ બાકી ન રાખ્યું છતાં તે તો એક મને સમાજના આ બધા દંભીઓને કહેતી રહી- 'જીવતી રહી તો જયદેવની બનીને રહીશ, મરીશ તો ગોવર્ધનધારીનાં ચરણોમાં જઈ વસીશ. આ સિવાય મારો બીજો કોઈ નિર્ણય નથી.' (પૃ. ૪૦). અહીં લેખકે પદ્માના મુખે પોતાનો, સેવાદાસી પ્રથા વિરુદ્ધનો આક્રોશ પ્રગટ કરે છે. એ કહે છે ! સેવાદાસીને પણ દિલ છે તમારા જેવું, એને પણ અરમાન છે તમારા જેવાં. શા માટે ભગવાને હેતથી બક્ષેલા એના બહુરંગી જીવનને વ્યર્થ જવા દે ? તમારી કામનાઓની સિદ્ધિ માટે તમે પશુ, પક્ષીને ભોગ-નૈવેદ્યની જેમ તમારી બહેન-પુત્રીઓને પણ અર્પણ કરતા શરમાતા નથી.' (પૃ. ૪૦).

જગન્નાથપૂરીના પૂજારીઓને આવી સૌંદર્યભરી સેવાદાસીને ગુમાવવી પાલવે એમ નહોતું કારણ કે આવી સેવાદાસી એના સૌંદર્યને કારણે દેશ દેશના ભક્તોમાં ચર્ચાનો વિષય બનતી. ઘણીવાર આકર્ષણનો વિષય પણ બનતી. ભક્તો આ પૂજાના પુષ્પની સુગંધ કે સ્પર્શના લોભથી અનર્ગળ દ્રવ્ય પૂજારીઓમાં દાન-દક્ષિણાને બહાને વહેંચતાં. આ વિષમય વાતાવરણનો પરિચય લેખક ‘ભલે ધર્યો અવતાર' પ્રકરણમાં વિગતે કરાવે છે. ધર્મને નામે ચાલતા રાગદ્વેષ, વિતંડાવાદ, સ્વાર્થ, ઇર્ષ્યા વગેરેનો અહીં સબળો પરિચય થાય છે. (પૃ. ૩૨) અલબત્ત, ધર્માંધતાના વિષભર્યા કડવા લીમડામાં લેખક મીઠી ડાળ જેવા વિષ્ણુદાસ પૂજારીને પણ આલેખે છે. જે કોઈપણ ભોગે પૂજારીઓની સ્વાર્થનીતિને વશ થવાનું પસંદ કરતા નથી. સત્તા સામે ઝૂકવાને બદલે મરવું પસંદ કરે છે પણ પદ્માને દેવદાસી બનવાની ફરજ પાડતા નથી. છેવટે દેવવાણી જયદેવ-પદ્માના પ્રેમને સાચો ઠરાવી જયદેવના કાવ્યત્વને બિરદાવે છે. આ પ્રેમીપંખીઓ મુક્ત ગગનમાં વિહરવા જયદેવના કેન્દુબિલ્વ ખાતેના નાનકડા આશ્રમમાં પાછા આવે છે. અહીં આરંભાય છે આ યુગલનું શાંત, પવિત્ર અને દેવોને પણ ઇર્ષ્યા આવે એવું સુખી દાંપત્ય. જયદેવના રસિક વ્યક્તિત્વનો પરિચય કરાવતું 'સૌંદર્યપૂજા' પ્રકરણ જયભિખ્ખુની રસિકતાનો પણ પરિચય કરાવે છે. અલબત્ત શ્રી અનંતરાય રાવળ કહે છે તેમ સૌંદર્યવર્ણન માટે પહ્માની અનવસ્ત્રતા જરૂરી નહોતી (‘ગ્રંથસ્થ વાડ્મય', પૃ. ૧૭૯). પ્રેમભક્ત કવિ જયદેવને પદ્માના સૌંદર્યમાં રાધાના વિશ્વવિજયી સૌંદર્યની ઝાંખી થાય છે.

સૌંદર્યરમણી પદ્મા પાસે પવિત્ર શીલ અને સતીત્વ પણ હતું એની શાખ પૂરવા જ એની બોલાવી ગંગા મણિધર શેષનાગ પૃથ્વીની પરકમ્માએ નીકળી હોય એમ આશ્રમ તરફ ધસી આવે છે. અલબત્ત, લેખકના હાથે અહીં જે ચમત્કાર નિરૂપાયો છે એ તથા નવલકથામાં અન્યત્ર આવતા ચમત્કારોના સંદર્ભમાં લેખક દ્વારા એની અન્ય નવલકથાઓમાં કેટલીક વાર જે બુદ્ધિજન્ય ખુલાસા થયા છે એ મળતા નથી. લેખકે પોતાની કૃતિના નાયકના જીવનમાં થયેલા ચમત્કારોને ચમત્કારરૂપે જ રાખીને નિરૂપણ કર્યું છે.

પ્રેમભક્તિના ઉપાસક જયદેવ જે રાજ્યમાં રહેતા હતા ત્યાંના રાજવી છે લક્ષ્મણસેન ‘સેનવંશ અને નવદ્વીપ' (પૃ. ૯૧). પ્રકરણ આ રાજવીના વંશને અને તેના ભૂસ્થલને વર્ણવે છે. લેખક પાસે જરૂરી ઇતિહાસભૂગોળનું જ્ઞાન છે એ વાતની પ્રતીતિ કરાવતું આ પ્રકરણ નવલકથાના કથાવિકાસમાં બહુ મહત્વનો ફાળો આપતું નથી. સમગ્ર કથાના સંદર્ભમાં રાજકીય વાતાવરણ ઉપસાવવાનો લેખકનો હેતુ હોઈ શકે. આ નવલકથામાં લેખક દ્વારા લક્ષ્મણસેનનું રાજવી તરીકેનું જે ચિત્ર ઊપસ્યું છે તે કલાપ્રેમી, ધર્મપ્રેમી, સાત્વિક મનોવૃત્તિવાળા અને ઉમદા વિચારકનું છે. પોતાની પ્રજાને પ્રાણપણે ચાહતો આ રાજવી હસતે મુખે પોતાના કુમળા ફૂલ સમા પુત્રોને યવનો સામે લડવા મૃત્યુમુખમાં ધકેલે છે. એની એક માત્ર ઝંખના છે ગૌડના શત્રુઓનો સંપૂર્ણ પરાભવ અને વૈષ્ણવ ધર્મનો સર્વત્ર પ્રચાર. ગૌડના શત્રુઓના પરાભવ માટે એ પોતાના ત્રણે પુત્રોને એક પછી એક રણભૂમિને સમર્પિત કરે છે. જ્યારે વૈષ્ણવધર્મના પ્રચાર માટે એ પોતાને જેની ઉપર અતૂટ શ્રદ્ધા બંધાઈ છે એવા જયદેવને નોંતરે છે. ભક્તકવિ જયદેવ પાસે એક અદ્ભુત કાવ્ય રચાવવાની પોતાની મનીષા પ્રગટ કરતાં કહે છે, 'પરમ વૈષ્ણવને એક એવા પ્રભુપ્રેમથી છલકાતા કાવ્યની ઝંખના છે. એક એવું કાવ્ય રચો, એવો ભક્તિ-શૃંગારરસ વહેવડાવો, કે યુગેયુગ એમાં તરબોળ બની જાય. વિલાસભૂખ્યાના વિલાસ સમી જાય, કામનાઘેલાની કામના નષ્ટ થાય. તમારી ગિરા અને ગૌડેશ્વરની કવિસભા અમર બની જાય.' (પૃ. ૧૭૭)

કવિ જયદેવની મથામણ ચાલે છે કાવ્યનો વિષય શોધવાની ત્યાં અચાનક એક દિવસે રંગશાળાના નિર્માણને કારણે ઘેર મોડા આવેલા એમની નજર પદ્મા ઉપર પડે છે. પતિની રાહમાં ઉદાસ પદ્માને નિરખીને કવિને પોતાનો કાવ્યવિષય અને એની નાયિકા મળી જાય છે. રાધા-કૃષ્ણના મિલનને વિષય તરીકે પસંદ કરી ભક્તિશૃંગારથી છલકતું 'ગીતગોવિંદ' કવિહાથે રચાતું જાય છે. અંતભાગે લેખિની અટવાય છે. કવિમન કોઈ નિર્ણય લઈ શકતું નથી. એટલે કાવ્ય અપૂર્ણ મૂકી સ્નાન કરવા કવિ જલઘાટે ગયા ત્યારે ખુદ ભગવાને જાતે જયદેવ વેષે આવીને કવિની આ રચના પૂર્ણ કરી. પદ્માના હાથે જયદેવ બનીને પ્રસાદ આરોગતા ભગવાનની જાણ પદ્માને નથી પણ જ્યારે જયદેવ આવે છે અને ભોજન માગે છે ત્યારે જ ખુલાસો થાય છે. કવિ પદ્માને કહે છે, પદ્મા, ઓ સતી સ્ત્રી, તારા લીધે મારું કાવ્ય પવિત્ર થઈ ગયું. એ પામર જયદેવ નહોતો, ભગવાન જગત્પતિ હતા. તેં મને તાર્યો. તારા માટે કરેલી રચના પ્રભુએ સ્વીકારી, મારી રાધા !' (પૃ. ૨૦૦)

લોકોત્તર પ્રેમના આ મહાકાવ્યને નાટ્યરૂપ અપાય છે ગીતગોવિંદ' પ્રકરણમાં (પૃ. ૧૦૬). લેખકની રસિકતા પૂરજોશમાં ખીલી છે. જયદેવ પદ્માના અમર પ્રેમને નિરૂપતું ગીત, નૃત્ય, અભિનય અને દૃશ્ય સામગ્રીથી ભરપૂર 'ગીતગોવિંદ'નું નાટ્યરૂપ લેખકે મન મૂકીને નિરૂપ્યું છે. આ પ્રકરણની લખાવટ જાણે ચલચિત્રાત્મક શૈલી નજર સમક્ષ રાખીને થઈ હોય એવી પ્રબળ છાપ ઊપસે છે. જયદેવના 'ગીતગોવિંદ'ના જ્ઞાતા જયભિખ્ખુનો અહીં આપણને સુરેખ પરિચય સાંપડે છે.

'ગીતગોવિંદ'ની રચના જયદેવને અનુપમ કીર્તિના સ્વામી બનાવે છે. ભારતવર્ષમાં એક છેડેથી બીજે છેડે ગવાતું આ કાવ્ય એના ગાનાર અને સાંભળનારને એક અપૂર્વ રસલોકમાં વિહાર કરાવે છે. પ્રભુપ્રેમથી છલોછલ ભરેલા આ પ્યાલાએ અનેકને મસ્ત બનાવ્યા હતા. ભક્તની વિહ્‌વળતા, ભગવાનનો ભક્ત પ્રત્યે અનુરાગ એ આ કાવ્યનો મુખ્ય સંદેશ હતો પણ આ કાવ્યનો પૂરેપૂરો આસ્વાદ પ્રજા માણે એ પહેલાં યુદ્ધનું રણમેદાન ગાજી ઊઠ્યું. ગજનીનો મહાન બાદશાહ શાહબુદ્દીન ઘોરી પોતાની સેના સાથે ભારતવર્ષ પર ચઢી આવ્યો. શઊરા સૈનિકો ઠેર ઠેર ત્રાડ દેવા લાગ્યા. ખેડૂતોએ ખેતર છોડ્યા, ભૂખમરો ચારેકોર ડોકાવા માંડ્યો, એની સામે દુષ્કાળપીડિતોની સેવાર્થે રાહતકેન્દ્ર ખૂલ્યાં. આ રાહતકાર્યોમાં જયદેવે મન મૂકીને કામ કરવા માંડ્યું. ભગવાનના મહાકાવ્ય સમા માનવીની સુશ્રુષા કરવાનો મળેલો મોભો જયદેવ-દંપતીએ હોંશે હોંશે પોતાનો કરી લીધો. પ્રેમભર્યું આતિથ્ય, માયાભરી સુશ્રૂષા અને હેતભર્યા આદર અનેક નોંધારાના આધાર બની ગયા. જનગણ એમનો બન્યો તે એટલે સુધી કે ભૂતકાળમાં જયદેવની સર્વ સંપત્તિ લૂંટી માર મારીને ભાગી જનારા લૂંટારાને પણ એમણે એવો પ્રેમાદર આપ્યો કે છેવટે એ પણ એમના ભક્તો બની ગયા.

જયદેવના ‘ગીતગોવિંદ’ની પ્રસિદ્ધિથી ઇર્ષ્યાકુલ બનેલા એક રાજવીએ જયદેવ ઉપર એવો આરોપ મૂક્યો કે જયદેવે રચેલી આ રચના એ તો પોતાના એક કવિએ કરેલી રચનાનું અનુકરણ માત્ર છે. કવિસભામાં જ્યારે આ આરોપનું સત્યપણું સિદ્ધ ના થયું ત્યારે જગન્નાથપુરીમાં ઈશ્વર સમક્ષ સત્યપણાની કસોટીની એરણ ઉપર કૃતિઓને મૂકવામાં આવી જ્યાં જયદેવની કૃતિ સત્ય સિદ્ધ થઈ.

જયદેવને મળેલી આ પ્રસિદ્ધિથી ઇર્ષ્યાકુલ બનેલ કેટલીક વ્યક્તિઓએ રાજા લક્ષ્મણસેનની રાણીને જયદેવ-પદ્માના પ્રેમને કસોટીની એરણ ઉપર ચડાવવાનું સૂચવ્યું. જયદેવના મૃત્યુના માઠા ખબર આપ્યાં એ સાંભળીને પણ પદ્માએ પ્રાણ ત્યજ્યા. જ્યારે જયદેવને આ હકીકતની જાણ થઈ ત્યારે પોતાની પ્રાણપ્રિયાથી વિયોગી જયદેવે એવું કરુણ ગીત-સંગીત રેલાવ્યું કે મૃત પ્રિયતમા સજીવ બની. પણ હવે જયદેવને સંસારની સોનાની જેલ ગમતી નથી. વનનાં પંખેરું વનમાં ઊડે છે. ફરી પાછો પોતાનો આશ્રમ.... સુખી દામ્પત્ય અને અંતે ગંગાના પ્રવાહમાં વિલીન થઈ જતું આ દંપતી એક અદ્‌ભુત પ્રેમનું જીવનકાવ્ય જીવી જાય છે.

આ નવલકથાનું વાચન ભાવકના મન ઉપર એક એવી દૃઢ છાપ ઉપસાવે છે કે શૈલીછટા અને પ્રસંગાલેખનની કળાથી મૂળ વસ્તુ ઓછું છે છતાં તેને હુલાવીકુલાવીને રસમય કરતાં કર્તાને સારું આવડ્યું છે. કથાસાર નિરાંતવા જીવે મંદ મંદ ગતિએ કથાને આગળ વધારે છે. કથામાં નાયકનાયિકાની વિરોધીઓ અને તેજોદ્વેષીઓ દ્વારા થતી આકરી કસોટી અને ઈશ્વરી ચમત્કારોને મહત્ત્વનું સ્થાન મળ્યું છે. ‘ગીતગોવિંદ’ની પંક્તિઓનો લેખકે ‘ભલો ધર્યો અવતાર’ (પૃ. ૩૨), ‘ગૌડેશ્વરની રાજસભામાં’ (પૃ. ૧૬૫), ‘ગીતગોવિંદ’ (પૃ. ૨૦૬), ‘અમર પદ્મા’ (પૃ. ૨૬૯) જેવા પ્રસંગોમાં ઉચિત ઉપયોગ કર્યો છે. આછાપાતળા લાગતા છતાં નિરૂપણક્ષમતાને કારણે વિલક્ષણ બનતા વિષયવસ્તુને નવલકથાના દીર્ઘ સ્વરૂપમાં આલેખવાનું જયભિખ્ખુનું કાર્ય ભાવાનુકૂળ શિષ્ટમધુર શૈલીબળથી વિશેષ સફળ થયું છે, એટલું – આ નવલકથા સંદર્ભે તો – ઉમળકાથી કહી શકાય એમ છે.

ભગવાન ઋષભદેવ : ચક્રવર્તી ભરતદેવ : રાજવિદ્રોહ :

માનવતાના મૂળ ધર્મોનો સ્વીકાર કરનાર ભગવાન ઋષભદેવ અને તેમના બે પુત્રો ભરત અને બાહુબલિના ચરિત્રને આલેખતી નવલત્રયી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘રાજવિદ્રોહ’ લેખકની ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓમાં નોખી ભાત પાડતી નવલકથાઓ છે. ભગવાન ઋષભદેવ એક વિશ્વતોમુખી પ્રતિભા હતા. સમગ્ર આર્યદેશવાસીઓની વંદનીય વિભૂતિ હતા. દેશકાળની સીમાઓ, ધર્મસંપ્રદાયના વાડાઓ એમને સ્પર્શ્યા નહોતા. એ જ કારણે છેક પ્રાચીનકાળથી આજ સુધી કોઈને કોઈ રૂપે એમની પૂજા, ઉપાસના કે સેવા ચાલતી આવી છે. જૈનોએ એમને અસિ, મસિ ને કૃષિનાં પ્રવર્તક તરીકે ઓળખાવી પ્રથમ તીર્થકર અને ધર્મપ્રવર્તકરૂપે પૂજ્યા છે. જ્યારે ભાગવતકારે એમનો અગિયારમાં અવતાર કલ્પી ‘શતયજ્ઞકર્તા’ના બિરુદથી નવાજ્યા છે. અન્ય નાનામોટા પંથોએ પણ એમને પોતાના આદ્યપુરુષ તરીકે સ્વીકાર્યા છે. સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલા ભગવાન ઋષભદેવ તથા ચક્રવર્તી ભરતદેવ અને કામદેવના અવતાર લેખાતા બાહુબલિના શ્વેતાંબરી, દિગંબરી, વૈદિક, અવધૂતપંથી એવાં અનેક ચરિત્રો વાંચીને, એમાંનાં ચમત્કારો, સાંપ્રદાયિક મોટાઈનાં વર્ણનો વગેરેને ગાળી નાખીને લેખકે પ્રસ્તુત નવલત્રયીમાં ભગવાન ઋષભદેવ અને તેમના પુત્રોનું જે ચરિત્ર ઉપસાવ્યું છે તેમાં કેન્દ્રસ્થાને છે ઋષભદેવ દ્વારા રજૂ થયેલો માનવતાનો મહિમા.

અસંસ્કૃત માનવતા હજી સંસ્કૃતિમાં પહેલાં પગલાં માંડતી હતી એ સમયની જૈન આગમગ્રંથોને આધારે રચાયેલી આ નવલત્રયીનું કથાવસ્તુ કિંઈક આવું છે. સંસારમાં સર્વપ્રથમ રાજસંસ્થા અને લગ્નસંસ્થા જન્માવવાનો યશ જેને ફાળે જાય છે તે ઋષભદેવે સૌપ્રથમ ટોળામાંથી પ્રજા સરજી. પ્રજાને શિલ્પકળા અને વિદ્યા શીખવી અને એ રીતે સમાજનું ઘડતર કર્યું. ભગવાન ઋષભદેવે જગતમાં સબળ નિર્બળને સતાવે એવો મત્સ્યગલાગલ ન્યાય દૂર કરવા રાજસંસ્થા સ્થાપી. સમાજ તંદુરસ્ત રહે એ માટે લગ્નસંસ્થા યોજી અને અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યાગપ્રધાન ધર્મમાં છે એ બતાવવા ભર્યા વૈભવો છોડી એ સાધુ બન્યા.

હિંદુ પરંપરાએ ભગવાન ઋષભદેવને અવતાર તરીકે ઓળખાવ્યા છે. એમને બે પત્ની હતી. એકનું નામ સુમંગલા અને બીજીનું સુનંદા. દેવી સુમંગલાએ ભરત, બ્રાહ્મી વગેરે પુત્ર-પુત્રીઓને જન્મ આપ્યો. દેવી સુનંદાએ બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો.

આ પુત્ર-પુત્રીઓમાં ભરત મહાપરાક્રમી, નૃત્યકલા અને નીતિકલાનો વિશારદ હતો જ્યારે બાહુબલિ કામદેવનો બીજો અવતાર ગણાતો. બ્રાહ્મી અને સુંદરી સરસ્વતી અને લક્ષ્મીના અવતારરૂપ હતી. ભગવાન ઋષભદેવે સૌ સંતાનોને ઉચિત શિક્ષણ આપ્યું અને આત્મકલ્યાણ અર્થે જ્યારે સંસારત્યાગ કરવાનો સમય આવ્યો એ સમયે પોતાના પુત્રોમાંથી જ્યેષ્ઠ પુત્રને અયોધ્યાની ગાદી ને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું.

ઋષભદેવના જીવનકાળ દરમિયાન ભાઈ-બહેન પરણતા હતા. ઋષભદેવે આવાં લગ્નોને અયોગ્ય કહ્યાં. આ સમયે ભરત બાહુબલિની બહેન સુંદરીના મોહમાં હતો. સુંદરીનું રૂપ ઉષા જેવું પવિત્ર અને કમળદળ જેવું સુંદર હતું. ભરત સંદરીને પરણવા ઇચ્છતો હતો પણ મહાન પિતાની મહાન પુત્રીએ એને મોહનું પતંગિયું બની સૌંદર્યની આગમાં ભસ્મીભૂત થતાં રોક્યો અને જગત જીતવાની પ્રેરણા આપી.

ભગવાન ઋષભદેવના સંસારત્યાગ પછી સિંહાસનરૂઢ થયેલા ભરતદેવ સંસ્કૃતિના વિશેષ પ્રચારમાં ઉદ્યુક્ત થયા હતા. મહત્વાકાંક્ષી ભરતદેવે સંસ્કૃતિમાં પછાત, સંસ્કૃતિવિહીન એવા અનેક દેશોને જીતીને સંસ્કૃતિનો અને ઉદ્યમપરાયણ નાગરિકજીવનનો પ્રચાર કર્યો. જીતેલા રાજાઓને મૈત્રીના તાંતણે બાંધ્યા. ગંધા-સિંધુના તટને ફલદ્રૂપ કર્યા. આર્યમ્લેચ્છ રાજાઓને એક કર્યા. પૃથ્વીને એકસૂત્રે સંકલિત કરી.

આ યુદ્ધમાં વિજયાર્ધ પર્વતની ચઢાઈમાં નમિ-વિનમિ નામના પરાક્રમી વિદ્યાધર રાજાઓને પણ એમણે હરાવ્યા. આ રાજાઓએ રૂપરૂપના અંબાર સમી, શક્તિના પુંજ સમી સુભદ્રા નામની કન્યા - જે ખરેખર ચક્રવર્તીને યોગ્ય રત્ન હતું - તેને ભરતદેવ સાથે પરણાવી. જગતવિજેતા બનેલા ચક્રવર્તી ભરતદેવનો પટરાણી સુભદ્રા સાથે નગરપ્રવેશ થાય છે. ત્યાં નવલત્રયીનાં બીજા ભાગમાં ‘ચક્રવર્તી ભરતદેવ’ની કથા વિરમે છે.

પાટનગરી અયોધ્યામાં વિજયોત્સવ ઊજવાય છે. ત્યાંથી આરંભાતી ‘રાજવિદ્રોહ’ની કથા જગતમાં વિશ્વવિજય નહીં પણ આત્મવિજય મહત્ત્વનો છે એ લેખકની પ્રિય ફિલસૂફીનો ઘંટનાદ ગજવીને વિરમે છે. ચક્રવર્તી થવાની મહેચ્છાવાળા ભરતદેવે ઘણાં મોટા રાજ્યો પાસે પોતાની આણ સ્વીકારાવી, પરંતુ એના ભાઈ બાહુબલિએ એને વડીલબંધુ તરીકે આધીન થવાની તૈયારી દર્શાવી, પણ એના ચકવર્તીપણાનો ધરાર અસ્વીકાર કર્યો. ચર્ચાઓ, મંત્રણાઓ અને વિષ્ટિકારોના પ્રયાસ પછી હજારો સૈનિકોનો સંહાર અટકાવવા માટે ભરત અને બાહુબલિએ દ્વંદ્વયુદ્ધનો નિર્ણય કર્યો. આ યુદ્ધમાં ચક્રવર્તી ભરત પરાજય પામ્યો, પરંતુ છેવટનો હુમલો કરતી વેળા બાહુબલિના ચિત્તમાં જ્ઞાનનો ઉદય થયો. સત્તા અને વિજય માટે પોતાના વડીલ બંધુ પર હાથ ઉગામવા બદલ બાહુબલિને ભારે પશ્ચાત્તાપ થયો અને યુદ્ધના વિજયને મૂકીને મોટાભાઈની ક્ષમા યાચી તે આત્મવિજય તરફ વળ્યા. ‘રાજવિદ્રોહ’નું આ મુખ્ય વસ્તુ છે. આ ત્રણેય નવલોનું કથાવસ્તુ નવું નથી. કથા તો અતિ પ્રચલિત છે પણ જે વાત આપણે પહેલાં અનેકવાર સાંભળી હતી તે જ્યારે અહીં નવલકથાકારના શબ્દોમાં રજૂ થાય છે ત્યારે એના રૂપરંગ અનોખાં બની ગયાં છે.

કાલિદાસ, ભવભૂતિ અને બાણના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં સ્નાન કરતા હોય એવો અનુભવ જયભિખ્ખુની કલમમાંથી નિર્ઝરતી આ કથા કરાવે છે. નવલકથાકાર અહીં એક એક પ્રસંગ વર્ણવે છે અને એમાંથી એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે.

નવલકથામાં આદિયુગનું સંવેદન ગદ્યને પદ્યની કોટિએ પહોંચાડે છે. અને એને કારણે યુગલિક જીવનની આ સરસ રોમાંચક કથા આલેખનની અકૃત્રિમ છટાથી નવલકથાને ઘણે સ્થળે કાવ્યની કક્ષાએ પહોંચાડે છે. જેમ કે ‘ભગવાન ઋષભદેવ’નો આરંભ. લેખક મન્વંતર પહેલાંની એક વસંતને આવી કાવ્યાત્મક બાનીમાં વર્ણવે છે.

‘વસંત વને વને હસી રહી હતી.... નાનાં નાનાં મેદાનો પર માતાના સ્તન જેવા મીઠા ડુંગરા પથરાયેલા હતા, ડુંગરોની તળેટીમાં સુંદર ઉપવન વસેલાં હતાં. ઉપવનોને બારે માસ લીલાંછમ રાખતાં નાનાં નાનાં ઝરણાં આભઊંચા ડુંગરા માથેથી રમતિયાળ કન્યાના ઝાંઝર જેવો ઝણકાર કરતા વહ્યા આવતા. અહીંના લીલોતરીથી છવાયેલાં ડુંગરોના શિખરો પર કોઈ મહાકવિનો કળામય મેઘ અલકાનગરી રચતો.’ (પૃ. ૪, ‘ભગવાન ઋષભદેવ’)

કે પછી આદિ યુગમાં વસતા માનવીઓ, એમના આચારવિચાર, રહેણીકરણીને નાના નાના ગદ્ય ટુકડાઓમાં લસરતા ચિત્રફલકો રૂપે લેખક આવું ઉપસાવે છે –

‘અહીં રાજા નહોતો, અહીં પ્રજા નહોતી, અહીં દુર્ભિક્ષ નહોતો કારણ કે અહીં યુદ્ધ કે ટંટો નહોતો. જય કે પરાજય નહોતો. ઘર કે બાર નહોતાં. પરિગ્રહ કે પરિવાર નહોતા. ગામ કે નગર નહોતાં. અહીં દંડ નહોતાં કે શિક્ષા નહોતી. વસુંધરાની ગોદમાં જોઈતું અમૃત, પેય ખાદ્ય અહીં અભરે છલકાતું હતું. સહુને જોઈએ એટલું સહુ લેતું. હતી તો પૃથ્વી પણ સ્વર્ગ જેવી હતી. રંગબેરંગી પંખીઓ અહીં ગીત ગાતાં. વનવગડાનો વાયુ અહીં વેણુ બજાવતો. ભાતભાતનાં પતંગિયાં ફૂલગોટાને ચૂસતાં નિરંતર ઊડ્યાં કરતાં. આકાશમાં આંધી નહોતી ને વાયુમાં તોફાન નહોતું. ઇર્ષ્યાનો ઉગમ નહોતો, (પૃ. ૫, ભગવાન ઋષભદેવ), અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો (પૃ. ૭, ભગવાન ઋષભદેવ)'.

આ નવલત્રયી જે સમયની વાત લઈને આવે છે. એ સમયે માનવજીવન છૂટુંછવાયું વિખરાયેલું હતું. વગડાઉ ફૂલની જેમ એ ખીલતું ને કરમાતું. અનંત જંતુસૃષ્ટિમાં એનું મૂલ્ય એક જંતુથી વિશેષ નહોતું. સૃષ્ટિ એ સમયે બાલપણ વિતાવતી હતી અને માણસ પશુ સમાન હતો. જરૂરિયાતમાંથી જન્મેલી શૂરવીરતાનું પહેલું આત્મજ્ઞાન જે દિવસે એને થયું એ દિવસ એને માટે વિજયોત્સવના આનંદથી ભરપૂર બની ગયો.

સાતમા કુળકર નાભિદેવના સમયમાં પૃથ્વી પર ભારે ફેરફાર થવા માંડ્યા. પૃથ્વી ભોગભૂમિ મટી ગઈ. પડ્યા પડ્યા આજીવિકા પ્રાપ્ત કરવાના દિવસો પૂરા થયા. કર્મભૂમિના ઉદયનો સમય પાકી ગયો. એ સમયે દુઃખના કુંડ સમી સંતપ્ત ધરતી ઉપર માનવીને માનવતાનું પહેલું ભાન ઋષભદેવે કરાવ્યું. એમણે કહ્યું, "માનવમાત્ર પરસ્પર સ્નેહસંબંધથી બંધાય એ મારો આદર્શ છે. આજે યુગલિકોનું એક માનવકુળ કુળ વિનાના બીજા માનવજૂથો સામે વાઘ-વરુની જેમ જૂએ છે. એમને હિંસક સ્પર્ધા સિવાય સહકારની કલ્પના જ નથી. 'વિશ્વ-માત્રનો માન એક છે.' એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો.” (પૃ. ૫૭, ‘ભગવાન ઋષભદેવ') અહીં લેખક ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો સંદેશ આપે છે. જૂના ખોખામાં લેખકની ભાવના તો અહીં આમ નવી જ છે.

ભગવાન ઋષભદેવના ચરિત્રમાંથી લેખકને પ્રેરણા મળી છે અર્વાચીન યુગને નવસંદેશ આપવાની. આ સંદેશ તે અરિના હંતાને - વેરીના હણનારને હણવાનો, શત્રુ વિનાનો કોઈ શરીરી હોઈ ન શકે ને યુદ્ધ વિનાનું જીવન કલ્પી ન શકાય. આ શત્રુ એટલે પ્રાથમિક અવસ્થામાં નજરે પડતાં, માનવજીવનની ઘોર ખોદનાર વનજંગલોમાં જીવતા પ્રતિસ્પર્ધિઓ. માનવવંશને ભરખવા સદા તલસી રહેલા સ્થળ-જળના હિંસક શત્રુઓ, માનવતાને પાંગરતી કચડી નાખનાર વેરીઓ. ભયંકર શત્રુનાં આવાં રણમેદાનમાંથી ભગવાન ઋષભદેવ માનવજીવનના જંગલી રોપને પ્રફુલ્લાવે છે, એને નિર્ભય કરે છે. પ્રથમ ભાગના અંતભાગે જગતના જહાજને જુધ્ધે ચઢાવનાર સુકાની પોતાના સુકાનને નવી દિશામાં ઘઉમાવે છે. યુદ્ધ તો આદરવાનું જ છે પણ એ હવે ન દેખાતા શત્રુઓ સામે, અંતરંગનાં અરિઓ સામે. પ્રત્યક્ષ શત્રુઓથી મુક્ત થયેલી માનવતાને ઋષભદેવ હૃદયસ્થ રિપુઓ સામે જંગ ખેલવા આવાહન આપે છે. અંતરની આડમાં અડીંગા લગાવીને બેઠેલા કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દુશ્મનો સામે લડવાનું, લડીને જીત મેળવવાનું ભગવાન ઋષભદેવ અને એ દ્વારા લેખક સૂચવે છે. જગતને જીતી આવનારો જો જાતને ન જીતી શક્યો, તો એનો વિજય કમળના પત્ર પર ઠરેલા જળબિંદુ સમાન ક્ષણિક છે એ લેખક ઋષભદેવના પાત્ર દ્વારા સુપેરે સૂચવે છે.

સૃષ્ટિના વિશાળ પટ ઉપરથી જંગાલિયત, કંગાલિયત અને કરુણાભરી અજ્ઞાનાવસ્થાને દૂર કરતો રણનાદ જેટલા વ્યાપક અને અણિશુદ્ધ રૂપે ભગવાન ઋષભદેવે સૌપ્રથમ વાર જગાવ્યો છે એટલો અન્ય ચરિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ આ ચરિત્ર લેખકને ખાસ આકર્ષી ગયું. એમના મતે આજના જમાનામાં સમાજને આવાં ચરિત્રોની ખાસ આવશ્યકતા છે. કારણ કે ભૌતિક ઉન્નતિમાંથી હવે આપણે રસ ઘટતો જાય છે. આધ્યાત્મિક ઉન્નતિવાળું સંસ્કારયુક્ત શુદ્ધ જીવન પણ આજની અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો અને પરદેશી સત્તાઓ સાથેના સંઘર્ષમય જીવનમાં આપણે ગુમાવી બેઠા છીએ. આપણું હૃદય પુરાણું રહ્યું છે અને આપણી બુદ્ધિ નવીન તરફ લાલચુ બની છે. હૃદય અને બુદ્ધિના આ અસમંજસની કપરી વેળાએ ભગવાન ઋષભદેવનું ચરિત્ર ઘણું બધું કહી જાય છે. એ સૂચવે છે કે માનવ દેવથી મોટો છે. દેવ એની પૂજા કરે. માનવમાત્ર તરફ બંધુતા અને સહૃદયતા કેળવો. સાદું અને નિખાલસ જીવન જીવવાની કળા શીખો. ભયથી નહિ પણ પ્રેમથી નીતિ અને શીલ જાળવો. સંસ્કારપ્રિય સર્જકને ઉદ્દિષ્ટ એવા જીવનપોષક વિચારોને જયભિખ્ખુ નવલકથાત્રયીમાં સતત ગૂંથતા—સંયોજતા માલૂમ પડે છે. અને તેથી જ પહેલા ભાગની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે કોઈ પણ કળા જીવનના આનંદને પ્રગટ કરતી હોવી જોઈએ. એટલું જ નહીં, એ આનંદ આત્મોત્કર્ષને સાધતો હોવો જોઈએ. આ દૃષ્ટિએ આ કથાત્રયીને તપાસીએ તો જીવન-સંસ્કારને પ્રગટાવતા અનેક સંદેશ અહીં મળશે, જેમ કે ભગવાન ઋષભદેવ જીવનવિકાસ માટે પુરુષાર્થ ઉપર ભાર મૂકે છે. માણસનું ભલું માણસ જ કરશે એમ માને છે. સ્વર્ગ જેવી પૃથ્વી માણસે પોતાની જ પાપવૃત્તિથી નર્કસમાન કઈ રીતે બનાવી એ વર્ણવતાં ઋષભદેવ જે કહે છે એ વાત આજે પણ શું એટલી જ સત્ય નથી લાગતી ? ઋષભદેવ કહે છે-

'માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક ! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સંયમ ખોયો, સ્વાસ્થ્ય ખોયું એ બીજું પાપ ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની. ઉદારવૃત્તિ એ તમારું પરમધ્યેય બન્યું. પુરુષાર્થના બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો. હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતા તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી.' (પૃ. ૨૬, 'ભ. ઋ.')

માનવીને સુખી બનવાનું દૃષ્ટિબિંદુ બતાવતા ઋષભદેવના પાત્ર દ્વારા લેખક કહે છે, 'સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થશો.' (પૃ. ૧૮૬, ‘ભ. ઋ.')

આજની લોકશાહીમાં પણ રાજ્યધુરા વહન કરનારને પ્રેરક બને એવો આદર્શ આપતાં કહે છે : 'રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક..... પ્રજાના સુખ-દુ:ખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર... કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજ્યપદ.' (પૃ. ૧૮૭, ભગવાન ઋષભદેવ').

સમાજને લેખકનો આ પ્રશ્ન છે કે : પૃથ્વી ઉપર ભયનું શાસન ક્યાં સુધી રાખીશું ? પ્રેમની પ્રતિષ્ઠા કરવા માગું છું. તારી ગદાના ડરથી આ માનવકુળને ક્યાં સુધી સાચવીશ ? એમને સ્વેચ્છાએ સારું આચરતા શીખવાની જરૂર છે. (પૃ. ૨૭૯, 'ભ. ઋ.')

ભગવાન ઋષભદેવે પ્રચારેલા લગ્નના આદર્શને સમાજહિતચિંતક, સમાજશાસ્ત્રી જયભિખ્ખુ પાત્રમુખે આવી રીતે રજૂ કરે છે, 'આપણા સંતાનને આમ નહીં જીવવા દઈએ. આપણી પુત્રીને કોઈની સાથે ને આપણા પુત્રને કોઈની પુત્રી સાથે નિયોજીશું. એમ કરીશું તો જ આ માનવકુળો વચ્ચેની રોજની લડાઈઓ, વેરઝેર ઓછાં થશે. આજે તેઓ ભેગાં થઈને જે ઝેરી લડાઈઓ લડે છે, એ ઝેર આ રીતે લોહીની સગાઈથી ઉતારી શકાશે.' (પૃ. ૭૧, ભ. ઋ.)

આ નવલકથાના નાયક ઋષભદેવની એક જ ચિંતા છે 'આ માનવજાતનો ઉધ્ધાર કેમ થાય ? .... એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે ? સંસ્કારનાં બંધન સહુને સુખને ઝૂલે કેમ ઝુલાવે?' (પૃ. ૧૩૬, ભ. ઋ.) જાણે જયભિખ્ખુ જ ઋષભદેવના પાત્ર દ્વારા પોતાના અંતરની આ આરત વ્યક્ત ન કરતા હોય એવું નવલકથાના સમગ્ર વાચનને આપણે અનુભવીએ છીએ.

ઋષભદેવના જીવનસંદેશને પ્રસરાવતા એમના બે પુત્રોની કથા બીજા અને ત્રીજા ભાગમાં ફેલાય છે. 'ચક્રવર્તી ભરતદેવ'ની કથા સંસ્કૃતિ પ્રચારાર્થે ઘૂમતા, સમાજને ઉદ્યમપરાયણ નાગરિકજીવનનો બોધ આપતા ભરતદેવના જીવનકાર્યને આલેખે છે. મહત્વાકાંક્ષી ભરતદેવે સૃષ્ટિને એકતંતુએ સાધવા રણભૂમિમાં કેવાં પરાક્રમો કર્યા એનું વર્ણન કરતી આ કૃતિમાં કથાતંતુના સાતત્યમાં વિચ્છેદ કરે એવા લાંબા ભૂગોળવર્ણનો આવે છે. 'પૃથ્વીનું માનસચિત્ર' પ્રકરણ આ દૃષ્ટિએ નોંધનીય છે. લેખકનું આ પ્રકરણમાં પ્રગટતું ભૂગોળજ્ઞાન માન ઉપજાવે એવું છે, ભગવાન ઋષભદેવે પ્રસારેલી તત્વત્રયી અસિ, મસિ ને કૃષિ તથા ગુણત્રયી દયા, દાન ને દૈવત જ્યારે પૃથ્વીના પાટલેથી હણાતાં ચાલ્યાં હતાં, એ સમયે ભરતદેવ માનવતાનો શિલ્પી બનવા નીકળી પડે છે. એનું પાત્ર પણ લેખકે સરસ ઉપજાવ્યું છે. મુંબઈના અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર આ કૃતિનાં ગુણલક્ષણોને વર્ણવતા મુનિશ્રી અમરચંદ્રજીએ કહ્યું છે, “चक्रवर्ती भरतदेव एक द्रष्टिसे ही नहीं, अनेक दृष्टियोंसे सुंदर बन पडा है । उपन्यासकी रोचकता, इतिहासकी शृंखलाबद्धता, प्राचीन भूगोलका सुंदर वर्णन, मानवका मनोवैज्ञानिक विकास और इन सबसे बढ कर कलाकारकी कला इसमें साकार होकर बोल रही है || (प्रस्ताव, 'ચક્રવર્તી ભરતદેવ', પૃ. ૪)”.

શ્રી રામપ્રસાદ બક્ષીને આ ભાગમાં કેટલીક મર્યાદાઓ જણાઈ છે. તેઓ કહે છે, 'ભાષા સંસ્કૃત શબ્દોનો આવશ્યકતાથી ઘણો વિશેષ એવો પક્ષપાત બતાવે છે, જેથી શૈલી ભારેખમ બની છે અને વર્ણનાદિકમાં તથા કાર્યવિકાસમાં ગતિમંદતા ઊપજી છે. કવચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગમાં કૃત્રિમતા છે અને અર્થસંતર્પકતામાં અવિશદતા આવે છે. શ્રી જયભિખ્ખું, નવલકથાના સર્જનના અને એના વસ્તુસંવિધાનના અનુભવી છે, પરંતુ આ કથામાં નવલકથાને યોગ્ય સંવિધાન નથી. મુળ વસ્તુમાં પણ કાર્યની અને એમાં નિકટ સંબંધથી વ્યવહારતાં પાત્રોની અલ્પતા છે. (કાર્યવાહી, સન ૧૯૫૩-૫૪, પૃ. ૮૭). રામપ્રસાદ બક્ષીની આ વાતમાં સત્યાંશ છે ખરો પણ એ સર્વાંશે સત્ય નથી. 'ચક્રવર્તી ભરતદેવ'નું વાચન લેખકની રસભરી અને વેગીલી શૈલીને કારણે એવું અસરકારક બની જાય છે કે જાણે ખ્યાતવૃત્તનેય પુનઃ પુનઃ આસ્વાદવાનું મન થાય. એટલું જ નહિ પણ જાણે કે તૂટક વાતના અંકોડા આપોઆપ મળી જતા હોય અને કથાનો દોર અવનવા રંગો ધરતો જઈ ગૂંથતો હોય એવું પણ લાગે છે. શ્રી અમરચંદ્રજી મુનિ કહે છે તેમ ' कहीं वर्णन लम्बा अवश्य हो गया है, पर उससे पाठकके मनको भारसा नहीं લગતા! (પ્રસ્તાવ : ‘ચક્રવર્તી ભરતદેવ', પૃ. ૪)'

નવલત્રયીનો બીજો ભાગ 'રાજવિદ્રોહ' ભગવાન ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિની જૈન સાહિત્યમાં અતિ પ્રચલિત ખતા જેના ઉપરથી શાલિભદ્રસૂરિએ 'ભરતેશ્વર-બાહુબલિ રાસ' લખ્યો છે અને જે આપણા સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે પ્રચલિત છે એના કથાવસ્તુને સામગ્રી તરીકે લઈ એમાંથી અર્વાચીન ઢબની નવલકથા સર્જે છે. આ કૃતિમાં ભરત અને બાહુબલિનાં પાત્રો લેખકની સર્જક દૃષ્ટિએ સુંદર નિરૂપ્યાં છે. લેખકની વાર્તા કહેવાની પદ્ધતિ રંગદર્શી છે. બાહુબલિ અને ભરત બંનેની સ્પર્ધાનું નિરૂપણ કલાત્મક ઢબે થયું છે.

નવલકથાના ત્રણ ભાગમાં પ્રેમ, જ્ઞાનવહેવાર, વૈરાગ્યના પાને પાને વેરાયેલાં સૂત્રોમાં ઘણીવાર શાયરી અને કાવ્યાત્મકતાના ચમકારા દેખાય છે. રંગમહેલ કે ઉપવન, યુદ્ધ કે પ્રણયની વર્ણનમાં લેખકની કલમ સરસ ચમકી ઊઠી છે. પાત્રોને રોચક કલાત્મક રીતે મઢીને કથામાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન નોંધનીય છે. અલંકૃત શૈલીનો પ્રયોગ પાત્રોને ઘડનાર એક મહાબળ તરીકે રહ્યો છે. તે માટે ઘણે સ્થળે ચરિત્રવર્ણન લેખકને જ કરવું પડ્યું છે, છતાં એ કથાના આસ્વાદમાં અવરોધક બનતું નથી. લેખકની પ્રતિભા શાંત, કરુણ અને શૃંગાર રસનાં પ્રતિનિધિ પાત્રોમાં જેટલી ખીલી ઊઠે છે એટલી વીર અને શૌર્યનાં પ્રતીક સમાં પાત્રોનાં ચિત્રણમાં ખીલી ઊઠતી નથી. સંવાદો પ્રસંગાનુસાર ચમકદાર છે અને પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે. વિશ્વવિજય નહિ, આત્મવિજય મહત્ત્વનો છે એ સર્જક જયભિખ્ખુની મનપસંદ ફિલસૂફી ત્રણે નવલકથાઓમાં પુષ્પમાંની સુગંધની જેમ પ્રસરી રહી છે.

જયભિખ્ખુના મતે ભગવાન ઋષભદેવની આ કથા વિજ્ઞાનીઓ માટે પણ અભ્યાસયોગ્ય છે, કારણ કે નૃવંશશાસ્ત્ર, પ્રાણવિદ્યા અને વિકાસવર્ધનની કેટલીયે કથાઓ એમાં દસ્તાવેજી રૂપે પડેલી છે. આજે યુદ્ધના પડછાયા આખા જગત પર વિરાટ રૂપે પથરાઈ ગયા છે. મહા જોગણીઓનાં કાળ ખપ્પર જાણે આજે માનવભોગનાં ભૂખ્યાં બન્યાં છે. માનવસંહારનાં સાધનો પાછળ જગતની મહાલક્ષ્મી વપરાઈ રહી છે, અને એ સંહારની સામે પ્રતિસંરક્ષણને નામે પ્રજાના પેટનો કોળિયો પણ ઝુંટવાઈ રહ્યો છે. મહાસત્તાઓ બેફામ ખર્ચા કરી રહી છે, માણસાઈ પિલાઈ રહી છે, પશુતાનો જય અને પ્રભુતાનો પરાજય થાય તેવો ભય ઊભો થયો છે ત્યારે શુદ્ધની ભૌતિક અને આધ્યાત્મિક રીતની અહીં થયેલી ચર્ચા મનનીય છે.

ધર્મનું મુખ્ય ધ્યેય માનવીને સાચા સુખશાંતિનો માર્ગ ચીંધી કલ્યાણના રાહે દોરી જવાનું હોય છે. માનવજીવનના આરંભકાળથી તે આજ સુધી માનવી કેવી રીતે સુખી થાય, એને કઈ રીતે સુખી કરવો એ જ પ્રશ્ન સૌથી વધારે જટીલ, ગંભીર અને મોટો રહ્યો છે. આ કૃતિ માનવીને સાચા સુખની એની શોધમાં મદદરૂપ થાય છે. સાચું સુખ માત્ર વિશ્વવિજયથી નહીં પણ આત્મવિજયથી જ મેળવી શકાય છે એ અહીં સૂચવાયું છે. શ્રી અમરચંદ્રજી પણ કહે છે : 'जीस दृष्टिबिन्दु को लेकर कथाकार चला है , इसमें वह सफळ हो निकला है | (प्रस्ताव : પૃ. ૪, 'ચક્રવર્તી ભરતદેવ')

સમર્થ સર્જક માટે કથાવસ્તુ તો એક પ્રાથમિક ઘટક તરીકે જ ઉપયોગી બને છે. પોતાની સર્જનક્ષમતાથી એ વસ્તુવિન્યાસની આગવી ગુંજાશ દાખવે છે અને કૃતિને આસ્વાદક્ષમ બનાવે છે. આછાપાતળા કથાવસ્તુને લઈને રચાયેલી નવલત્રયીનું રૂપ, આગળ ઉપર જોઈ ગયા એવી વિદ્વાનોએ તારવેલી મર્યાદાઓ સ્વીકારીએ તો પણ - જીવનપોષક નવલકથાની લોકપ્રિયતા સિદ્ધ કરે છે એ સરવાળે તો સર્જકની નિરૂપણલક્ષી માવજતનું જ સફળ પરિણામ છે.

મત્સ્યગલાગલ અથવા પ્રેમનું મંદિર :

આજથી પચીસસો વર્ષ પહેલાનાં ઇતિહાસ સમયને કથાનો વિષય બનાવતી 'મત્સ્યગલાગલ' જયભિખ્ખુની એક લોકપ્રિય ઐતિહાસિક નવલકથા છે. એ સમયે ભારતમાં ગણતંત્ર, જનપદ, રાજન્ય ને રાજાનાં રાજ હતાં. અંગ, મગધ, કાશી, કોશલ, વૃજ્જિ, મલ્લ, ચેદિ, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શુસેન, અસ્મક, અવન્તિ, ગાંધાર, કંબોજ આ સોળ જાણીતા મહાજનપદ રાજ્યો હતાં. મગધનો બિંબિસાર ને એના પછી અજાતશત્રુ, કોશલનો પ્રસેનજિત, વત્સનો શતાનિક અને એનો પુત્ર ઉદયન, અને અવન્તિનો પ્રદ્યોત એ બધા એકબીજાને ગળી પોતે સમૃદ્ધ થવા તૈયાર બેઠા હતા. સત્તા અને વૈભવનું એકીકરણ થતાં એક સત્તા બીજી સત્તાની દ્વેષીલી બની હતી અને અંતરમાં એકબીજાને માટે ખાર રાખતી થઈ હતી. વૈશાલીના ગણનાયક ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંના રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં હતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં માત્સ્યી ન્યાય કેવી રીતે પ્રવર્ત્યો અને તેઓ કૌરવ-પાંડવોની પેઠે પોતાની ખાનદાની, તેમ જ અંદરો-અંદરનું સગપણ વિસારી ક્ષાત્રત્વને ભાવિ પતનની દિશામાં કઈ રીતે દોરી ગયા તે લેખકે પ્રસ્તુત નવલકથામાં કથાવસ્તુની સુંદર અને રસમય ગૂંથણી દ્વારા દર્શાવ્યું છે. કથામાં કેન્દ્રમાં છે વત્સ દેશનો રાજા શતાનિક અને એનો પુત્ર ઉદયન. ઇન્દ્રિયભોગમાં અતિ આસક્ત શતાનિક ચેદિરાજની રૂપગુણમાં પદ્મિની સમાન પુત્રી મૃગાવતીને પરણ્યો છે. પોતાના રાજ્યમાં શૃંગારભવનની રચના માટે રાજશેખર નામના ચિતારાને બોલાવે છે. રાજશેખર દ્વારા આલેખાયેલું મૃગાવતીનું એક ચિત્ર શતાનિકના મનમાં પત્ની અને ચિતારાના સંબંધમાં અનેક શંકાઓ ઊભી કરે છે. કુપિત થયેલો રાજા ચિતારાને અપમાનિત કરી એના જમણા હાથનો અંગૂઠો કાપી કાઢી મૂકે છે. અપમાનિત ચિતારો અવંતિના રાજા પ્રદ્યોત પાસે જઈ મૃગાવતીના રૂપગુણના વખાણ કરી પોતે આલેખેલું મૃગાવતીનું ચિત્ર બતાવે છે. ચિત્રને નીરખીને જ કામવિહ્વળ બનેલો પ્રદ્યોત મૃગાવતી જે સગપણમાં પોતાની પત્ની શિવાદેવીની બહેન એટલે કે પોતાની સાળી થતી હોવા છતાં એના હાથની શતાનિક પાસે માંગણી કરે છે. શતાનિક દ્વારા એ માંગણીનો ઇન્કાર થતાં બંને રાજ્યો વચ્ચે યુદ્ધનોબત ઊભી થાય છે. અવંતિની સેના સામે નહીં ટકી શકવાના ડરે શતાનિક આત્મહત્યા કરે છે. રાણી મૃગાવતી મંત્રી યુગરાજની સલાહથી યુક્તિ રચી તત્કાળ પૂરતો યુદ્ધ ભય ટાળી દે છે અને ભવિષ્યમાં મૃગાવતીની પ્રાપ્તિની આશા સાથે પ્રદ્યોત લશ્કર ઉઠાવી પાછો વળી જાય છે. થોડાં વરસોમાં શતાનિકનો પુત્ર ઉદયન કુશળ રાજવી તરીકે તૈયાર થાય છે. એણે હસ્તિકાન્ત વીણાવાદનમાં અપૂર્વ કુશળતા મેળવી છે. એ દ્વારા અવંતીની ગજસેનાને યુદ્ધમાં પરાસ્ત કરી પાછા વળી જવા માટે મજબૂર કરે છે. ડંખીલો પ્રદ્યોત દાવપેચ દ્વારા ઉદયનને અવંતીના કેદખાનામાં પૂરે છે. જ્યાં વીણા શીખવવાના નિમિત્તે એનો પરિચય પ્રદ્યોતની રૂપગુણસુંદર કુંવરી વાસવદત્તા સાથે થાય છે. બંને પરસ્પર પ્રેમમાં પડે છે અને ઉદયનના મંત્રી યોગંધરાયણની યુક્તિથી વાસવદત્તાનું હરણ કરી ઉદયન વત્સ દેશમાં પાછો ફરે છે. પોતાની વહાલસોયી પુત્રીનું આવું અપહરણ પ્રદ્યોતને ક્રોધિત બનાવી વત્સ સામે યુદ્ધ કરવા પ્રેરે છે. પણ મંત્રીની સલાહથી તે તાત્કાલિક થોભી જાય છે. આ દરમિયાન મગધ, વિતભયનગર વગેરે રાજ્યો પણ પરસ્પર યુદ્ધ કરવા આતુર છે. યોગંધરાયણની યુક્તિથી મગધની રાજકુંવરી પદ્માવતીનું લગ્ન ઉદયન સાથે ગોઠવાતાં વત્સ અને મગધ વચ્ચેની દુશ્મનાવટનો અંત આવે છે. મગધ અને વત્સ એક બની છેવટે પ્રદ્યોતને પ્રેમભાવે યુદ્ધમાંથી મુક્ત કરે છે. ભગવાન મહાવીરની ઉપદેશવાણી ગ્રહી સૌ પૃથ્વીને દ્વેષનું દેવળ બનાવવાને બદલે પ્રેમનું મંદિર બનાવવા માટે સજ્જ થાય છે. આ છે નવલકથાનું મુખ્ય વસ્તુ.

'મસ્યગલાગલ'નો અર્થ થાય છે માત્સ્યી ન્યાય. સબળ દ્વારા નિર્બળની સતામણીનો આ માત્સ્યી ન્યાય આપણે ત્યાં ખૂબ જૂના સમયથી જાણીતો છે. લેખકે આ માત્સ્યી ન્યાય દર્શાવવા ઇતિહાસપ્રસિદ્ધ પાત્રો અને કથાનકોનો આશ્રય લીધો છે. એ પાત્રો અને કથાનકો માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, વત્તેઓછે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. એટલે આ કથાને જૈન નવલકથા માનવાની જરૂર નથી. લેખક કહે છે તેમ 'કથાસાધન માટે સ્વીકારાયેલા આ વાર્તાતત્વને સંપ્રદાય સાથે કોઈ સંબંધ નથી. એ વેળા જેનો સ્વાધ્યાય ચાલતો હતો, એ મહાવીરજીવનમાં આવેલી આડકથાઓમાંથી એકાએક આ નવલ ગૂંથાઈ ગઈ છે.' (લે. નિવેદન, પૃ. ૯)

આ નવલકથાના સર્જનનું નિમિત્ત બની છે. હિરોશીમા-નાગાસાકી પરની એટમ બોંબ પડ્યાની ઘટના. લેખકના નિવેદનમાં આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરતાં જયભિખ્ખુએ કહ્યું છે કે એ સમાચાર સાંભળીને લેખકનું ચિત્ત ખૂબ વ્યગ્ર બન્યું. પ્રજાની પરસેવાની મૂડીનો આવો દુરુપયોગ એમના મનને પજવી ગયો. એક પ્રજા બીજી પ્રજાનું નખ્ખોદ કાઢવા સદાકાળ સજ્જ રહે એ કેટલું કરુણ ? 'વસુધૈવ કુટુંબકમ્'ની વાતો એ શું માત્ર પોથીમાંનાં રીંગણાં ? જ્ઞાન-વિજ્ઞાનનું અંતિમ એ શું આ જ ? સંસ્કૃતિની પરાકાષ્ઠા અને પ્રગતિ શું આ માટે જ ? સબળ દ્વારા નિર્બળનું ભક્ષણ એ જ શું સુધરેલા અને સંસ્કૃતિઘર ગણાતા સમાજનું લક્ષ્ય ? લેખકને આ બધું વિચારતાં લાગ્યું કે માનવજાત ફરીથી જ જંગલિયાત તરફ તો નથી જતી ને ? પૃથ્વી ઉપરથી હજીએ પશુરાજ્યનો અંત આવ્યો નથી ને ધર્મરાજ્ય કાયમ થઈ શક્યું નથી. બલ્કે ધર્મને માણસે ધતિંગ માનીને દૂર ફગાવવા માંડ્યો છે. માણસ જ સૃષ્ટિનો ભોક્તા... માણસ માટે જ બધું.... માણસને જ જીવવાનો હક્ક... પારકાના ભોગે પણ જીવવાનો હક્ક... માણસમાં પણ બળવાનને જ જીવવાનો હક્ક, સબળ નિર્બળને રગદોળે એ સ્વાભાવિક. સબળને ક્રૂર બનવાનો હક, નિર્બળને ક્રૂરતા સહન કરવાની ફરજ. આ પક્ષપાતી હક અને ફરજનું મત્સ્યગલાગલીય ન્યાયનું નાટક નિહાળી સર્જકચિત્ત વ્યથિત બને છે.

રાજકારણમાં જ નહીં પણ સામાજિક, ધાર્મિક અને નૈતિક જીવનમાં પણ માનવી અધ:પતનને કિનારે જઈ પહોંચ્યો છે. પ્રેમનું નામ નહિ, સત્ય પર ઇતબાર નહિ, પડોશી ધર્મનો છાંટો નહિ, ઉદારતા અને મહાનુભાવના તો ન જાણે ક્યાંય અલોપ થઈ ગઈ છે. અહમ્ સહુને માથે ચડી બેઠો છે. પુરુષ નિર્બળ બન્યો છે. સ્ત્રી સૌંદર્યની પૂતળી બની છે. નરોત્તમોને જન્માવવા માટે ભૂમિ હવે દિન-પ્રતિદિન નિર્બળ બની રહી છે. વિશ્વબંધુત્વની વાતો કરનારા પ્રાંતીયતાના પંકમાં ખૂંત્યા છે. ચૂંટણી, મત અને અધિકારની દુનિયા અંધારી બની છે. ભોળા લોકોને ભમાવવા જાતજાતના અખતરા અજમાવાય છે. થોડુંક પણ પ્રતિકૂળ પરિવર્તન માનવીથી સહ્યું જતું નથી. અવિશ્વાસ, ભય, આશંકા, પૂર્વગ્રહ ને નમાલા ગજગ્રાહો પૃથ્વીને, પૃથ્વીની તાકાતને નિરર્થક રીતે ભરખી રહ્યાં છે. શાંતિનું નામ નથી, સહકારનો શ્વાસ નથી, સમન્વયની ધીરજ નથી. દિશાઓમાં જાણે યુદ્ધના જ પડઘા સદાકાળ ગુંજ્યા કરે છે. આવી વિચારણાથી ખળભળેલી લેખકની હદયતંત્રીએ આ નવલકથામાં સૂર પૂર્યા છે.

લેખક કહે છે કે આ વિચારણાને કાલ્પનિક નવલકથાનું રૂપ આપીને પણ ગૂંથી શકાત પણ એમ તેમણે સકારણ કર્યું નથી. વર્તમાન યુગની આવી ઘટનાઓ ભૂતકાળનું પુનરાવર્તન જ છે એ બતાવીને લેખકને એવું સિદ્ધ કરવું છે કે જગત જાણે એનું એ જ છે, હજી એમાં ક્યાંય પરિવર્તન આવ્યું નથી અને એ અર્થમાં નવલકથા જેટલી પૌરાણિક છે તેટલી જ અર્વાચીન છે. સ્થળ, કાળ અને વ્યક્તિઓનાં નામકરણ નવાં કરીએ તો જાણે અત્યારે બનતા બનાવોનું જ નામફેર આ ઇતિવૃત્ત છે. કૌશાંબી, અવન્તી, ચંપા કે વિદેહને સ્થાને ઇટલી, જર્મની, ઇંગ્લેન્ડ કે રશિયાને અવશ્ય મૂકી શકાય.

સબળાનાં વર્ચસ્ સામે ઝૂકતી આ પૃથ્વી શું એની એ જ છે ? એમાં પરિવર્તન શક્ય જ નથી ? માણસ શું પશુરાજ્યનો જ પ્રજાજન છે ? જો લેખક એવું જ નિરૂપણ કરે તો તો સમાજને હતાશા કે નિરાશા સિવાય કંઈ જ આપી શકે નહીં. પણ ના, આપણે જાણીએ છીએ કે જયભિખ્ખુ આશાવાદી સર્જક છે. જીવનમાંગલ્યથી યુક્ત એમની દૃષ્ટિ જીવનમાંથી, સંસારમાંથી સારપ જ શોધે છે, સારપને જ વર્ણવે છે. અને એટલે જ આ કૃતિનો અંતિમ સંદેશ નિરાશાવાદી નથી. આખી નવલકથા વાંચ્યા પછી વાંચનારને એમ લાગે છે કે જો સર્વત્ર માત્સ્યી ન્યાય પ્રવર્તે છે છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લોકોત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માત્સ્યી ન્યાયનાં બળો જોઈ નિરાશ ન થતાં ઊલટો આશાવાન બને છે અનેસત્પુરુષાર્થની પ્રેરણા પામે છે. આ પ્રેરણા જન્માવવી એ જ પ્રસ્તુત નવલની આશયસિદ્ધિ છે.

આ નવલકથા આપણને એનાં પાત્રો દ્વારા, પ્રસંગો દ્વારા એક જ મુખ્ય સંદેશ આપે છે અને તે એ છે કે ભૌતિક બળો દ્વારા માનવી સુખી નહિ બની શકે. એ માટે એણે આધ્યાત્મિક માર્ગનું ગમે ત્યારે શરણ લેવું પડશે ને એ માટે અહિંસા એટલે કે પ્રેમ, અપરિગ્રહ એટલે કે જરૂરિયાતોનો સંયમ તથા અનેકાન્ત એટલે કે સર્વધર્મ સમન્વય એ તત્વત્રયનો આશ્રય લેવો જ પડશે.

પંડિત સુખલાલજી જેમણે આ નવલકથાનું પુરોવચન લખ્યું છે એમાં તેઓ કહે છે કે સત્ય બે પ્રકારનાં છે : એક તે લૌકિક અથવા માયિક સત્ય અને બીજું તે લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગતના લોકો લૌકિક સત્યનો જ આદર કરે છે અને તેમાં રસ લે છે. પણ જ્યારે તે કોઈ વિડંબનામાં સંડોવાય છે ત્યારે લોકોત્તર સત્ય જ એમને સાચો રસ્તો બતાવે છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યાભિમાન જેવાં દુરાચારી તત્વોથી પ્રેરાયેલ સબળ વ્યક્તિ હંમેશાં પોતાનાથી નિર્બળ વ્યક્તિ સામે બળનો પંજો અજમાવે છે અને પોતાનાથી વધારે બળવાળી વ્યક્તિઓ સામે દીનતા દાખવે છે. પણ જે મહાન વિભૂતિઓને લોકોત્તર સત્યનો સાક્ષાત્કાર થયો છે તેમના વિચાર અને વર્તન જુદાં જ હોય છે. તે કદી સબળ વ્યક્તિ સામે યોગ્ય રીતે નમતું આપતા નથી કે નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતા કે સતાવતા નથી. ઊલટું, એ તો પોતાના બળનો ઉપયોગ નિર્બળને દીનતાથી મુક્ત કરવામાં અને એને સબળ બનાવવામાં તથા સબળને મિથ્યાભિમાનની દિશામાંથી પાછો વાળી તેના બળનો ઉચિત ઉપયોગ સૂચવવામાં કરે છે. ભગવાન મહાવીર કે આજના જમાનામાં ગાંધીજી જેવી આ લોકોત્તર વિભૂતિઓ સમાજને સાચા રસ્તે દોરવા યુગે યુગે આવે છે એમ લેખકે આ કૃતિ દ્વારા સૂચવ્યું છે.

આ નવલકથા એક ઊજળો આશાવાદ લઈને આવે છે એ દર્શાવવા જ પ્રથમ આવૃત્તિમાં અપાયેલું શિર્ષક 'મસ્ત્યગલાગલ' ફેરવીને બીજી આવૃત્તિમાં લેખક આ નવલકથાને શીર્ષક આપે છે 'પ્રેમનું મંદિર'. બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં આરંભમાં જ લેખક કહે છે : 'મત્સ્યગલાગલ ન્યાય' એ ધરતીનું આદિ, પૃથ્વી પ્રેમનું મંદિર એ આ જગતનું અંતિમ ધ્યેય. આદિ અને અંત વચ્ચે ગજગ્રાહ તો ચાલ્યા જ કરે છે. ફક્ત માણસે તક પડે હૈયાદીપ પ્રગટાવી લેવાનો છે.' (લેખક નિવેદન, પૃ. ૯) એ દીપ જ એનો સ્વતંત્ર અને સુખી માર્ગ નિર્માણ કરશે. નવલકથાનાં પ્રસંગો, પાત્રો મત્સ્યગલાગલના ન્યાયમાં પોતાની રીતે હૈયાદીપ પ્રગટાવી લે છે અને જગતને અધ્યાત્મનો ઊજળો માર્ગ બતાવે છે.

ઐતિહાસિક નવલકથાકાર જયભિખ્ખુ પ્રેમાનંદ, મુનશી વગેરેની જેમ જૂની ઘટનાઓનું વિશેષ અર્થઘટન કરીને નવલકથામાં એક નવી તાજગી સિદ્ધ કરે છે એટલું જ નહીં, કેટલાક પ્રસંગોનો બુદ્ધિજન્ય ખુલાસો પણ મૂકી આપે છે. જેમ કે ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુષ્કર અભિગ્રહ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રચલિત છે. એ અભિગ્રહનું સ્વરૂપ જ જૈન સાહિત્યમાં એવી રીતે વર્ણવાયું છે કે બૌદ્ધિક રીતે આપણને એમાં અસ્વાભાવિકતા જણાય. જૈન સાહિત્ય પ્રમાણે ભગવાન મહાવીરે એવો અભિગ્રહ લીધો હતો કે પગમાં બેડી પહેરેલ, માથું મુંડાવેલ એક પગ ઊંબરામાં ને એક પગ બહાર મૂકેલ, આંખમાં આંસુથી યુક્ત લક્ષણોવાળી કોઈ સ્ત્રી પોતાને વહોરાવે તો જ પારણું કરી અભિગ્રહ પૂરો કરવો. આધુનિક વાચકને આવો અભિગ્રહ જ ઉચિત ન લાગે. એના મનમાં સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આવાં લક્ષણોવાળી સ્ત્રીનો ભિક્ષા લેવા કે દેવા સાથેનો શો સંબંધ હોઈ શકે ? આવી કઢંગી કલ્પના શા માટે કરવામાં આવી હશે ? આ પ્રશ્નનો જયભિખ્ખુએ આ નવલકથામાં બુદ્ધિગમ્ય ઉકેલ આપી નવલકથાને રસિક અને આકર્ષક બનાવી છે. તે સમયે દાસ-દાસી અને ગુલમાની પ્રથા સમાજમાં પ્રચલિત હતી એ ઇતિહાસપ્રસિદ્ધ હકીકત છે. ભગવાન મહાવીરે જે અભિગ્રહ લીધો એમાં આ કે તે ચિહ્ન ધરાવનારા સ્ત્રીના હાથે ભિક્ષા લેવી એના કરતાં લોકોમાં આવા તુચ્છ મનાતા, અવગણના પામતા દાસ-દાસીના હાથે ભિક્ષા લઈને એમને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવા જ માની સમાજને માનવતાનું સાચું જ્ઞાન કરાવવું એ સૂક્ષ્મ ઇરાદો આવા પ્રકારના અભિગ્રહ પાછળ હતો, એવું લેખક નવલકથામાંથી ઉપસાવી આપે છે. જયભિખ્ખુનો આ બુદ્ધિગમ્ય ખુલાસો ભગવાન મહાવીરના સાત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે.

જયભિખ્ખુની ભાષાશૈલી સરળ, પ્રવાહી, આકર્ષક અને અર્થવાહી છે. અલબત્ત, 'કામવિજેતા’ જેવું શઐલીનું આકર્ષણ પ્રસ્તુત નવલકથામાં અનુભવવા મળતું નથી છતાં એકંદર રસિક જનને તે આકર્ષે છે જરૂર. અન્ય નવલકથાઓની જેમ આ નવલકથામાં પણ અલંકારરસિક સર્જકે ઉપમાનો વિપુલ ઉપયોગ કર્યો છે. જેમ કે –

ચંદનની ડાળ જેવી છોકરી (પૃ. ૧૦), જલનિધીના અતાગ ઊંડાણ જેવી છોકરીની નીલીનીલી આંખો (પૃ. ૧૩), કિસલય સમા ઓષ્ઠ (પૃ. ૧૪), ઊડણ ચરકલી જેવી ચંદના (પૃ. ૨૩), રૂપ જાણે કવિનું જીવંત કાવ્ય (પૃ. ૩૪), યૌવનના સૌરભબાગ જેવી ચંદના (પૃ. ૩૫), સૂર્યપ્રકાશના સ્પર્શ હેમંતનું ઝરણ વહી નીકળે એમ છીજેલા અંતરમાંથી આંસુ વહી નીકળ્યાં. (દૃષ્ટાંત, પૃ. ૭૦), માનવતાના પરાગ સમું જીવનમાધુર્ય (પૃ. ૭૦), જાણે એના દિલના બાગમાં કવિતાના સમન ખીલ્યાં હતાં (પૃ. ૭૧, ઉત્પ્રેક્ષા), નાગપાશ સમો કેશકલાપ ઉન્નત એવા વક્ષસ્થળ પર, કોઈ ખજાનાની રક્ષા કરતા ફણીધરની જેમ હિલોળા લઈ રહ્યો છે. (પૃ. ૭૭, ક્યાંક ફુવારા ફૂંકાર કરતા ઊડતા હતા., અહીં ફુવારાને 'ફૂંકારતા' બતાવાયા છે જે ઉચિત લાગતું નથી; પૃ. ૭૮), નારીનો દેહ તો કામદેવનો બાગ છે. (પૃ. ૮૦), શું માણસોના મન છે – વિષ્ટાની માખી જેવાં (પૃ. ૧૦૧), વેરના ઘોર અંધકાર જેવો અંધકાર (પૃ. ૧૧૪, લેખક અહીં ઉપમાન શોધી શક્યા નથી - મર્યાદા), વિષયનાં ઝાડ કલમી ઝાડ જેવાં છે, એના પર ઝટ ફળફૂલ આવે છે. (ગદ્યશૈલી, પૃ. ૧૧૩), અવન્તિના રણમેદાનમાં રાજર્ષી ઉદયન અને રાજા પ્રદ્યોત બે ભર્યા મેઘની જેમ બાખડી પડ્યા. (પૃ. ૧૭૧, દૃષ્ટાંત), રૂદ્રની ક્રિડાભૂમિ જેવી રાજધાની (પૃ. ૧૪૬), અંગારવતી હસી પડ્યા જાણે ચંપા પરથી ચંપાકળીઓ ઝરી (પૃ. ૨૧૨), જીવનના પરાગ સમી પુત્રી (પૃ. ૨૨૨), મૂર્તિમય રાગિણી જેવી એ હવે ઉદાસીનતાની મૂર્તિ બની હતી. (પૃ. ૨૨૪), સજીવ ઊર્મિકાવ્ય જેવી વાસવદત્તા વૈરાગ્યનું શુષ્ક કાવ્ય બની હતી (પૃ. ૨૨૪), ગ્રીષ્મ ઋતુના ઝરણ જેવો શીતળ રાજા પ્રદ્યોત (પૃ. ૨૨૫), વાસવદત્તાના મોં ઉપર લજ્જાના ડોલર ખીલી રહ્યાં. (પૃ. ૨૩૮), પુષ્પધનન્વાને બેળે બેળે જાગવું પડે તેવી એ ઘડી હતી. (પૃ. ૨૪૫), લજ્જાવંતીના છોડ જેવી વાસવદત્તા (પ્રૂ. પપપ).

આપણે વિસ્તારથી જોઈ ગયા કે આ નવલકથા સર્જકચિત્તના ક્ષોભનું પ્રત્યક્ષ પરિણામ છે. એને કારણે નવલકથામાં પાત્રપ્રસંગના નિરૂપણને યોગ્ય ન્યાય મળ્યો નથી. લાંબા પરિચ્છેદોમાં પ્રવર્તતું ચિંતનાત્મક ગદ્ય અલાયદા નિબંધો તરીકે નિઃશંક નોંધપાત્ર બને, પણ અહીં નવલકથામાં એનો ઉપયોગ વિવાદાસ્પદ બને એટલી હદે પ્રચારાત્મક પ્રસાર ધરાવે છે. (જયભિખ્ખુની આ નવલકથામાં ચિંતનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી એનું કલાગત મૂલ્ય ઊણું ઊતરે છે, એટલું નોંધવું જ રહ્યું.)

'બૂરો દેવળ' :

માનવઇતિહાસનાં પૃષ્ઠો માનવીની ભલાઈ અને બૂરાઈ બંનેનાં સામટાં દર્શનથી જ ઉકેલી શકાય છે. પણ ઘણીવાર સૃષ્ટિ ઉપર એવું બન્યું છે કે માનવીમાંની ભલાઈ સદંતર લુપ્ત થઈ ગઈ હોય, ભલાઈને બૂરાઈ ખાઈ ગઈ હોય ત્યારે સૃષ્ટિ ઉપર રાજ્ય રહે છે માત્ર બૂરાઈનું. માનવસૃષ્ટિ 'બૂરો દેવળ' બની જાય ત્યારે એવી માનવસૃષ્ટિને ભલાઈ તથા બૂરાઈના અંજામ સમજાવતી કૃતિ છે 'બૂરો દેવળ'.

મારવાડના રેગિસ્તાનની દિલાવરીની અને બૂરાઈની ગાથા આલેખતી આ ઐતિહાસિક નવલકથા ઈ. સ.ની સોળમી-સત્તરમી સદીના રાજપૂતમોગલ ઇતિહાસને મોટે ભાગે વફાદાર રહીને કલારૂપ બક્ષે છે. આ નવલકથામાં નિરૂપાયેલી મુખ્ય મુખ્ય ઘટનાઓ જેવી કે દિલ્હીના આલમગીર બાદશાહ ઔરંગઝેબ દ્વારા જોધપુરનરેશ જશવંતસિંહને કાબૂલના નિયામક બનાવવા, જ્યાં તેમનું અચાનક ભેદી મૃત્યુ થયું. જશવંતસિંહની બે વિધવા પત્નીઓ દ્વારા પાછા વળતાં લાહોરમાં પુત્રોનો જન્મ, એકનું મૃત્યુ અને બીજાને દિલ્હી દરબારનું તેડું, દિલ્હી દરબારમાંથી જોધપુરના ગાદીવારસને છદ્મવેશ ધરી વીર દુર્ગાદાસ દ્વારા ઉપાડી જવું, આ કારણે ઔરંગઝેબ સાથેની દુશ્મનાવટ, પજવણી, મેવાડના રાજા રાજસિંહ દ્વારા અજિતસિંહને મળેલો આશ્રય, ઔરંગઝેબના પુત્ર અકબરશાહ સાથે દુર્ગાદાસે કેળવેલી મૈત્રી, ઔરંગઝેબ સામે અકબરશાહનો વિદ્રોહ, દિલ્હીની શહેનશાહત મેળવવા નીકળેલા લશ્કરમાં ઔરંગઝેબની કૂટનીતિના પરિણામે પડેલી ફાટકૂટ, ભાગલા, દુર્ગાદાસને થયેલો છેતરામણીનો અનુભવ, ફરી પાછી અકબરશાહ સાથે મૈત્રી, બંનેએ મળીને ઔરંગઝેબ વિરુદ્ધ લીધેલો મરાઠાઓનો સાથ વગેરેને ઇતિહાસનો ટેકો છે. આ ઘટનાઓના નિરૂપણ માટે જયભિખ્ખું પોતે જ કહે છે તેમ તેમણે કર્નલ ટોડના રાજસ્થાનનો, ને ઇતિહાસ માટે ઓઝાજી ને સરદેસાઈના ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. (પ્રસ્તાવના, પૃ. ૬). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથોએ પણ સામાન્ય છતાં કીમતી માહિતી લેખકને પૂરી પાડી છે.

આ કથામાં જે સ્થળનો ઉલ્લેખ આવે છે એ બૂરો દેવળ મારવાડ, મેવાડ ને અંબર રાજના ત્રિભેટા પર સૂકી નદીને કાંઠે આજે પણ ખંડેર રૂપે મોજૂદ છે. ત્યાંની ભૂમિ રાજકીય હત્યાઓ ને ભયંકર બનાવો માટે જાણીતી છે. બે સગા ભાઈઓ પણ ત્યાં જાય તો એ ભૂમિના પ્રતાપે એક-બીજાના શત્રુ કે હરીફ બની જાય એવો એ ભૂમિનો પ્રતાપ છે. નવલકથાના વસ્તુનું કેન્દ્રબિંદુ આ દેવળ છે એની આસપાસ આ વાર્તા ગૂંથાય છે. એ સ્થળનાં વર્ણનો, જય-પરાજય, ખૂબી-ખામીઓ તો જગજાણીતા છે. આ કથામાં આવતા ઔરંગઝેબ કે દુર્ગાદાસ પણ કંઈ અજાણી વ્યક્તિઓ નથી પણ લેખકની વિશેષતા એ છે કે તેઓ ઘટનાઓના હાર્દમાં ઊતર્યા છે અને ત્યાંથી પોતાનાં પાત્રો માટે વિશ્લેષણ શોધી લાવ્યા છે. સરોવરની સપાટી કરતાં એને તળિયે ગોથું મારવાનું એમને વધુ રુચ્યું છે. એમાંથી અલબત્ત લેખકની કીંમતી જીવનભાવનાને વ્યક્ત કરતી આ કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે.

આ નવલકથા જયભિખ્ખુની સામાન્ય રીતે લખાતી ઐતિહાસિક નવલોથી, એની રજૂઆતની પદ્ધતિને કારણે જુદી પડે છે. કથાની રજૂઆત એક સુંદરીના મુખે એક પછી એક આલેખાતા જતા ભૂતકાળના પ્રસંગો રૂપે થઈ છે. રામ અને લક્ષ્મણ જેવાં બે ભાઈઓ વિજયસિંહ અને જયસિંહ બૂરો દેવળની ભૂમિ ઉપર રાત્રિનિવાસ કરે છે એ સમયે નાનોભાઈ જયસિંહ જે આમ તો વિજયસિંહને ખૂબ જ પ્રેમ કરતો હતો, એના તરફ આદરભાવ ધરાવતો હતો એના મનમાં વિજયસિંહને મારી નાખવાના જે વિચારો આવે છે. કટાર લઈને મોટાભાઈને મારી નાખવા ઉગામેલો હાથ અંતરની કોઈ અકળ લીલાથી પાછો વળી જાય છે ત્યારે એ જોઈ રહેલી બાલુ સુંદરી ઉર્ફે લાલકુંવર જયસિંહને આ ભૂમિના બૂરા પ્રતાપની કથા કહે છે. પુરાણકાલીન મહાભારત વગેરે કૃતિઓમાં કે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન-પદ્યવાર્તામાં જેમ એક પાત્ર બીજા પાત્રને કથા કહેતું હોય - વૈશંયાપન ઋષિ જનમેજય રાજાને કે પછી બૃહદશ્વ મુનિ યુધિષ્ઠિરને કથા કહેતા હોય – અને એ રીતે કથામાં કથા આવે એવી પદ્ધતિથી કૃતિ રચાઈ છે. બાલુસુંદરી જયસિંહને મારવાડની આ મરુભૂમિની ભલાઈ અને બૂરાઈની કથા કહે છે.

કથાના નાયકસ્થાને છે દુર્ગ સમાન અટલ દુર્ગાદાસ. દુઃખ અને દારિદ્ર્‌ય વેઠીને વજ્જર સમાન બનેલા આ નરવીરની સાચી પરખ જોધપુરનરેશ જશવંતસિંહે કરેલી. એમણે કહેલું કે ‘આ દુર્ગામાં હું ભારે દૈવત નીરખું છું. એનો ચહેરો, એનો સીનો, એની ભાષા, એના વિચારો મને કહી રહ્યા છે કે કોઈ વાર મારવાડનો નબળો વખત આવશે ત્યારે એ ટેકો આપશે. (પૃ. ૧૨૬)’. અને ખરેખર દેવ અને દેશની પૂજા માટે એનું શિશ-કમળ સદાય તૈયાર રહ્યું. સતત પચીસ વર્ષ સુધી મારવાડની લોકક્રાંતિની મશાલ જલાવેલી રાખનાર આ નરબંકાએ ઇતિહાસ સામે એ સાબિત કરી આપ્યું કે રાજા વિના પણ રાજ ચાલી શકે છે. જો લોકમત જાગ્રત હોય, જો વીર દુર્ગાદાસ જેવાનું સફળ સંચાલન હોય તો રાજા વિના પણ લોકયુદ્ધ ચાલી શકે એ વાતની પ્રતીતિ ઔરંગઝેબને કરાવી આપનાર દુર્ગાદાસની આજુબાજુ નવલકથાનું મુખ્ય વસ્તુ વણાયું છે. જ્યારે ભારતનો ચક્રવર્તી આલમગીર ઔરંગઝેબ મૂછોને વળ આપતો રાજપૂત-રાઠોડને અને મરાઠાઓને મધમાખીઓની જેમ જેર કરવા તલસી રહ્યો હતો ત્યારે દેવ, ધર્મ, સ્ત્રી, બાળક ને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ બનીને રાજપૂતવીરોએ ઔરંગઝેબને મારવાડમાં ત્રાહિમામ પોકારાવી હતી. નવલકથાના આ મુખ્ય કથાવસ્તુની સાથે સાથે ઇતિહાસનું કે ઐતિહાસિક નવલકારોનું જે ઘટના તરફ બહુ ધ્યાન ગયું નથી એવી એક કથાને પણ અહીં જયભિખ્ખુએ સરસ રૂપે વણી લીધી છે. આ ઘટના તે ઔરંગઝેબપુત્ર અને દુર્ગાદાસ અને રજપૂતવીરોની મૈત્રીની. ઇતિહાસથી સહેજ આગળ વધીને જયભિખ્ખુએ અહીં અકબરશાહનું જે પાત્રચિત્રણ કર્યું છે તે એક ઉમદા વિચારવંત અને ભાવનાશીલ રાજવીનું છે. સર્વધર્મપ્રેમી આ શાહજાદાનું સ્વપ્ન મોગલ સલ્તનતની ઇમારતને એવા મજબૂત પાયા ઉપર ખડી કરવાનું હતું કે જેની કાંકરી સો વર્ષે પણ ના ખરે. દુર્ગાદાસની સાથે રહીને એને એ વાતની પ્રતીતિ થાય છે કે હિંદુઓના ઘરમાં રહી, હિંદુઓ સાથે બાખડી બાંધી, હિંદુસ્તાન મોગલો નહિ ભોગવી શકે. મઝહબના નામે રાજકારણે ખોદવા માંડેલી સલ્તનતની ઘોર ખોદાતી અટકે એ એની ઝંખના હતી. દગો જે આપણા રાજકારણનો આત્મા બન્યો છે એ અકબરશાહને રુચતો નથી, અને દગાથી બાદશાહી મેળવવાની વાત આવે છે ત્યારે એ બાદશાહી કરતાં ફકીરીને વધુ પસંદ કરે છે. (પૃ. ૧૬૮)

આ નવલકથા વીર દુર્ગાદાસને નાયકપદે સ્થાપી ભલાઈના પવિત્ર મંદિર સમા મરુભોમના માનવીઓની કથા કહે છે. રાજિયા જેવા નરબંકાએ પોતાના લોહીમાંસ ગઢના ચણતર માટે આનંદથી રાજવીને ભેટ ધર્યાં, ચતરા ગહલોત જેવા માળીએ જ્યાં લોહીનો પરસેવો પાડી અનારની વાડીઓ રચી, રઘુનાથદાસ ભાટી જેવાએ જાતભાઈઓને બચાવવા આલમગીરનું કારાગૃહ પસંદ કર્યું, ને જીવતું મોત માણ્યું, અનૂપસિંહ જેવા કલૈયા કુંવરો અઢાર વર્ષની ઊગતી જુવાનીમાં મહાન પહેલવાનો સામે લડતા મરાયા, દુર્ગાદાસનો પ્રાણ બચાવવા સજ્જનસિંહ જેવાએ પ્રાણાર્પણની તૈયારી બતાવી – એવા ભલાઈના પવિત્ર મંદિર સમી ભૂમી એવા પાપાત્માઓના હાથમાં ગઈ કે રાજકારણનું ‘બૂરો દેવળ’ બની ગઈ. જે દુર્ગાદાસે પોતાનું સર્વસ્વ જે રાજવીને બચાવવા ખર્ચ્યું એ જશવંતસિંહના પુત્ર અજિતસિંહે જ ગાદીપતિ બનીને દુર્ગાદાસને દેશનિકાલની સજા કરી. જાણે ખોળિયાએ જ પ્રાણને ધક્કો મારી બહાર કર્યો ! આ અજિતસિંહ આટલેથી જ ના અટક્યો. જે જગ્યાએ બૂરો દેવળ આવેલું છે એ ભૂમિ ઉપર એકવાર એ રાતવાસો રોકાયો, રાત્રે સરખે સરખા મિત્રોની મહેફિલ જામી. શરાબની શીશીઓ ફૂટી, ખૂબ પીધોપિવરાવ્યો. શરાબ પછી સુંદરી જોઈએ જ. અજિતસિંહને એના એક વૈદે એવું રસાયણ ખવડાવ્યું હતું કે સ્ત્રીનો ખપ એને હંમેશ રહેતો. પણ આજે જંગલમાં કોઈ રાણી કે ખવાસણ સાથે નહોતી એટલે મિત્રો ઉપડ્યા, પાસેના ગામના એક ઘરમાંથી બાર વર્ષની પૂનમના ચાંદ જેવી કન્યાને ઉપાડી લાવ્યા. કાચી કળી જેવી આ અસહાય અબળાની દબાયેલી ચીસોથી આ ભૂમિ આખી રાત કંપાયમાન રહી. સવારે જ્યારે એને હોશ આવ્યા અને ભાગવા ગઈ ત્યારે ફરી પાછા રાજસેવકો પાછળ પડ્યા. ત્યાં દુર્ગાદાસનો ભએટો થઈ ગયો. દુર્ગાદાસને જોઈને ડરેલા સેવકોએ સઘળી વાત કરી દીધી. પોતાના હાથે સંસ્કારાયેલા રાજાનું નબળી સંગતે આવેલું આ પરિવર્તન દુર્ગાદાસને વેદનામય બનાવી ગયું અને દુર્ગાદાસે દુઃખતે હૃદયે એ ભૂમિને આખરી સલામ કરી. નવલકથાનું ‘મહાન બલિ’ પ્રકરણ ‘બૂરો દેવળ’ બનેલા આ ભૂમિની ઘરુણ કથા અદ્‌ભૂત શૈલીમાં કહે છે.

‘બૂરો દેવળ’ શીર્ષક નવલકથામાં એક કરતાં વધારે અર્થનું સૂચક છે. આ નવલકથાનું કથાવસ્તુ જેની આસપાસ ગૂંથાયું એવું સ્થળ જે આજે પણ મેવાડ, મારવાડ અને અંબરની ભૂમિ ઉપર મોજૂદ છે એ અર્થમાં શીર્ષકનામ છે. બીજી રીતે જોઈએ તો ‘બૂરો દેવળ’ રૂપક પણ છે. આ નવલકથામાં જે ભૂમિની વાત થઈ છે એ મારવાડની ધરતી પવિત્ર દેવમંદિર સમી હતી પણ એ દેવમંદિર સમી ધરતીનું અજિતસિંહ જેવા લંપટ, સ્વાર્થી રાજવીઓને કારણે એવું અધઃપતન થયું કે એ ધરતી ‘બૂરો દેવળ’ બની ગઈ. રાજકારણ પણ અહીં ‘બૂરો દેવળ’ના અર્થમાં સૂચવાયું છે. જયભિખ્ખુ ઔરંગઝેબના સંદર્ભમાં આ ર્થ નવલકથામાં સૂચવે છે, ‘રાજકારણને મજહબની શાન સમજીને, એ ખાતર ફકીરના મનોભાવોને વેગળા મૂકીને સલ્તનતને બંદગીનું પવિત્ર મથક સમજીને અંદર પડેલા આલમગીરને રાજકારણી જિંદગી હવે બૂરો દેવળ સમી ભાસતી હતી.’ (પૃ. ૧૮૫)

જયભિખ્ખુની નવલકથાઓ મોટે ભાગે ઉદ્દેશપ્રધાન હોય છે. નવલકથાકાર કોઈ ને કોઈ ભાવનાને મુખરૂપ આપવા જ કૃતિ સર્જે છે. આ નવલકથાનું વાચન પણ લેખકચિત્તમાં પડેલી કેટલીક ઉદાત્ત ચેતનાને શબ્દરૂપ આપે છે. જેમકે લેખકને આ નવલકથા દ્વારા આવું સૂચવવું છે :

  • આ કૃતિની કથા સતની ધજા ફરકાવતા દુર્ગાદાસ જેવા દેશના એવા પવિત્ર દેવમંદિરની વાત કરે છે જેને સ્વાર્થી, તકબાજો, લોભી, લુચ્ચા, દુઃશીલ લોકો પોતાની પ્રવૃત્તિથી ‘બૂરો દેવળ’ બનાવી રહ્યા છે. જાગ્રત સમાજે એનાથી ચેતવું ઘટે.
  • રાજનીતિમાં કોઈ કોઈનું નથી, સ્વાર્થ જ સર્વસ્વ છે. સિંહાસનની શાન અને આનને ટકાવવા સ્વજનોનાં માથાં વઢાય છે. એવું માનનારા વર્ગની વચ્ચે જયભિખ્ખુએ જયસિંહના પાત્રને જુદું રૂપ આપ્યું છે. એ માને છે કે માણસની માણસાઈનો પણ કંઈક ખ્યાલ કરવો જોઈએ. આત્માના ડંખથી ડરવું જોઈએ. ‘બૂરો દેવળ’ની ભૂમિમાં માત્ર ખરાબ જ આચારવિચાર જન્મે ત્યાં માણસની માણસાઈનો વિચાર કરતા જયસિંહને જોઈને જ બાલુ સુંદરી એને મારવાડની આ મહાભારત કથાનો વૈશંયાપન બનાવી જગત સમક્ષ બૂરાઈનું પરિણામ કેવું બૂરું આવે છે તે વર્ણવી દેશ, દેવ કે સમાજને માટે કુરબાન થવાની જાગૃતિ જન્માવે છે.
  • બાલુ સુંદરીના મુખે જયભિખ્ખુ સાચી રાજનીતિ અને ધર્મનીતિનું સ્વરૂપ સમજાવે છે. લેખકની ઝંખના, આ કૃતિ દ્વારા સમાજમાં પ્રવર્તતો, મત્સ્યગલાગલ ન્યાય દૂર થાય એવી પણ છે.
  • ‘વિક્રમાદિત્ય હેમુ’ કે ‘દિલ્હીશ્વર’ની જેમ આ નવલકથામાં પણ જયભિખ્ખુએ પોતાની આન, બાન અને શાનને માટે ફના થઈ જતા રજપૂતો છેવટે કયા કારણે પોતાની ભૂમિ ખોઈ બેઠા છે એ વર્ણવ્યું છે. લેખક કહે છે કે ‘કીડા જેવા જંતુમાં જે સંપનો ગુણ છે એ પ્રજામાં આવ્યો નહોતો, સહુ પોતપોતાના પ્રાંત દેશને જાળવીને બેઠા હતા. (પૃ. ૧૦૩)’. રાજસિંહ નવલકથામાં એક સ્થળે કહે છે, ‘સિસોદિયા અને રાઠોડ એકત્ર થાય, તો ઝખ મારે છે આવા આઠ આલમગીર.’ (પૃ. ૯૮)
  • આ નવલકથામાં ઔરંગઝેબના પાત્ર દ્વારા જયભિખ્ખુ એ પણ સૂચવે છે કે ઔરંગઝેબે જે સફળતા મેળવી એના મૂળમાં એની સાદાઈ, સંયમ ને જાગરૂકતા રહેલા છે. આ નવલકથા કહે છે કે ‘ફકીર થઈને બાદશાહી સારી રીતે થાય, શોખીન થઈને નહિ.’ (પૃ. ૧૦૧). ‘રાજા તે યોગી, યોગી તે રાજા.’ એ લેખકની પ્રિય જીવનભાવના અહીં પણ ધબકે છે.
  • રાજકારણ અને યુદ્ધનો નફો હંમેશાં નુકસાનરૂપે જ આવે છે એ સંદેશ ઔરંગઝેબના પાત્ર દ્વારા જયભિખ્ખુએ આપ્યો છે. (પૃ. ૧૮૫-૮૬). જે મુત્સદીપણાથી એણે પારકાનાં ઘર બાળ્યાં એ મુત્સદ્દીપણાના ચિરાગે એનાં ઘર પણ બળ્યાં. એણે માણસમાં વસતા શેતાનની જ પરખ કરી. એ પરખે એને શંકાશીલ બનાવ્યો. એ શંકાએ ઘરમાં આગ લગાવી. સ્વજનોને ભરખનાર સર્પકુલનો સંસાર મોગલકુળમાં મંડાઈ ગયો. આલમગીર જેવા ચક્રવર્તીના ચરણમાં આખા ભારતની ધનદોલત આળઓટતી હતી, પણ માનવી સદાકાળ જેનો ભૂખ્યો છે, એ સ્વજન કે સગાનું સુખ એને ક્યારે ય ન મળ્યું.
  • નવલકથામાં નિરૂપાયેલ બૂરો દેવળરૂપ સમાજ અને રાજવીઓને લેખક જાણે કે સૂચવે છે કે ‘तपे सो राजा’ - રાજા તો તપસ્વી હોય, નહિ તો જાણજો ‘राजा सो नरको’.
  • રાજસેવા એ કેવું ખતરાનું કામ કરે છે અને એના પરિણામે ઘણીવાર લાભ કરતાં હાનિ જ વધુ થાય છે એ દુર્ગાદાસના મુખએ લેખકે આવું સૂચવ્યું છે, ‘રાજસેવા કરવી તે નાગી તલવાર પર નાચવા જેવું કામ છે. રાજા એવો અગ્નિ છે, જેને સો વર્ષ સુધી ઘરના આંગણામાં પ્રેમથી સાચવ્યો હોય ને પૂજ્યો હોય પણ એક દિવસ ભૂલથી પણ એને આંગળી અડી જાય તો બાળ્યા વગર ન રહે ! લોકસેવા સારી, રાજસેવા ભૂંડી છે.’ (પૃ. ૨૨૭)

આ નવલકથાના કેટલાક પ્રસંગોને આધાર તરીકે પસંદ કરીને જયભિખ્ખુએ એમાંથી સ્વતંત્ર વાર્તાઓ પણ બનાવી છે. ‘રાજિયો ઢોલી’ (પૃ. પ૩), ‘ચતરો ગહલોત’ (પૃ. ૫૯), ‘કાગા કા બાગ’ (પૃ. ૬૭), ‘દુર્ગાદાસની એકાદશી’ (પૃ. ૧૭૪) જેવા પ્રસંગો અન્યત્ર રૂપભેદે વાર્તા બનીને આલેખાયા છે.

શ્રી જયભિખ્ખુની કથનશૈલી સચોટ અને સરસ હોવાથી હૃદયસ્પર્શી માધુર્ય એ એમના લખાણનો આગવો ગુણ બની રહે છે. એમની ભાષાનું ઝરણું પહાડમાંથી ફૂટતી ગંગોત્રીની જેમ પહેલાં પાતળા રૂપેરી પ્રવાહની પેઠે ફૂટે છે અને ધીરે ધીરે આગળ વધી વેગ અને વિસ્તાર ધારણ કરે છે. લેખકની વર્ણનશૈલી આગવી છે. ક્યાંક સ્થળ વર્ણનો વિગત ખચીત હોય છે તો ક્યાંક ચિત્રકારની પીંછીના સ્પર્શથી આકર્ષક બનેલાં હોય છે. ગદ્યકાર જયભિખ્ખુનાં વ્યક્તિવર્ણનોની એ ખાસિયત છે કે એ મોટે ભાગે અલંકારોથી ભર્યા ભર્યા હોય છે. વર્ણનોમાં પણ ઉપમા અને દૃષ્ટાંતનો ઉપયોગ લેખકને વધુ પ્રિય છે. આ નવલકથામાં વ્યક્તિ-વર્ણનો એ વાતની પ્રતીતિ કરાવે છે. બાલુ સુંદરી, અકબરશાહ, દુર્ગાદાસ, જયસિંહ વગેરેના વર્ણનોમાં ઉપમાનો ઉપયોગ ધ્યાનકર્ષક રહ્યો છે. સુંદર રમણીય કલ્પનાની આવલિ રંચતો લેખક વર્ણનને હૃદ્ય રૂપ બક્ષે છે. દુર્ગાદાસના બાહ્ય વ્યક્તિત્વના નિરૂપણનો આ નમૂનો આપણને લેખકની અલંકાર દ્વારા વર્ણન કરવાની પદ્ધતિની પ્રતીતિ કરાવે છે. ‘પહોળા દાઢી મૂછના કાતરા, ઢાલ જેવી છાતી, લાંબા આજાન બાહુ, બરછીની અણી જેવાં નેત્ર ને દેવની પ્રતિમા જેવું દૈહસૌષ્ઠવ !’ (પૃ. ૧૨૮)

જયભિખ્ખુનું ગદ્ય એમની અન્ય નવલોની જેમ અહીં પણ કલ્પનાનો, અલંકારો અને ઉચિત શબ્દપ્રયોગોથી રુચિર રૂપ ધરી શક્યું છે.

મારવાડના ઊંટ જેવું પેટ (પૃ. ૪) - ઉપમા
નિર્મેધ વ્યોમમાં તારલાઓ ઠગારી આશા જેવા ચળકતા હતા. (પૃ. ૯, ઉપમા)
આલમગીર બાદશાહ ઇરાદામાં આરાવલીની ટેકરીઓ જેટલો અણનમ હતો. (પૃ. ૧૦૩) (દષ્ટાંત)
આલમગીર તો એ જ અવિચળ મુદ્રાએ ઊભો હતો, જાણે ખૈબર ઘાટીનો કોઈ ખડક ! (પૃ. ૧૪૭) (ઉત્પ્રેક્ષા)
મરુ દેશનો પ્રાણ એ દિવસે દેશત્યાગ કરીને ચાલ્યો ગયો, ખોળિયામાંથી જેમ જીવ ચાલ્યો જાય તેમ ! (દૃષ્ટાંત પૃ. ૨૨૭)

સતત, એકધારી પચીસ વર્ષ સુધી ચાલતી રહેલી લોકક્રાંતિને વાચા આપતી, રાજા વિના રાજ કેવું હોવું જોઈએ એના આદર્શનો કલાત્મક રીતે જવાબ આપતી ‘બૂરો દેવળ’ એ સુરાજ્ય-સંચાલનની કથા છે. જેમાં ઔરંગઝેબ જેવા બાદશાહની સામે એના જ પુત્ર અકબરે સ્થાપેલી સર્વધર્મપ્રેમી શહેનશાહીની તવારીખી પ્રયોગની સાવ ભૂલાયેલી કહાણીને વણીને લેખકે રાજકારણના ભલા બૂરા દેવળનું યથાર્થ ચિત્ર ઉપસાવી બૂરાઈની સામે લાલબત્તી ધરી છે.

ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી ચાહક જયભિખ્ખુ દ્વારા રચાતી ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવતી નવલકથાઓમાં જીવનમંગલ પોષક આલેખન - કોઈ એક કાળનું નહિ, પણ - સાર્વત્રિક અને સર્વાશ્લેષી ચિરંજીવી મૂલ્યોનું દર્શન કરાવે છે, - એ મુદ્દે આ અને તેઓની બીજી બધી જ ઐતિહાસિક નવલોમાં ઓછેવત્તે અંશે અભ્યાસપાત્રતા ધારણ કરે છે.

નરકેસરી :

ઈ. સ. પૂ.ની છઠ્ઠી અને પાંચમી સદીનો સમય ધર્મચક્રપરિવર્તનની દૃષ્ટિએ જગતના ઇતિહાસમાં અપૂર્વ હતો. એ સમયે પેલેસ્ટાઈનમાં યહુદી ધર્મ પુનરુદ્ધાર પામતો હતો. ચીનમાં લોઝ ને કોન્ફ્યુસિયસના વિચારો માનવજીવનમાં નવક્રાંતિનાં બીજ વાવતા હતા. અશો જરથુષ્ટ્રે ઇરાનને નવધર્મ સંદેશથી નવાજ્યું હતું. જ્યારે ભારતમાં ઊંચનીચના ભેદભાવથી મુક્ત અહિંસાધર્મનો સંદેશ ભગવાન મહાવીર અને બુદ્ધ દ્વારા ગુંજતો થયો હતો. એવા સમયની એક ઇતિહાસપ્રસિદ્ધ પ્રતિમા - મહારાજા શ્રેણિક બિંબિસારને કથાનાયકપદે સ્થાપતી પ્રસ્તુત નવલકથા ‘નરકેસરી’ જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં લોકપ્રિય નવલકથા છે.

આર્યાવર્તની વાડીના કલાવત્ત મયૂર સમાન મગધરાજના ચરિત્રે ઘણા ઇતિહાસકારોને આકર્ષ્યા છે. એમને કથાવિષય બનાવી અનેક કૃતિઓ રચાઈ છે. કલ્પનાના તાણાવાણા પણ એમની આસપાસ વીંટાયા છે. કેટલેક સ્થળે હકીકતો ફેરવાઈ ગઈ છે. કેટલેક સ્થળે નામોમાં પણ પરિવર્તન આવી ગયા છે. જૈન - બુદ્ધ મત પ્રમાણે સાલ-સંવતમાં પણ બે મત પ્રવર્તે છે. લેખક કહે છે તેમ ‘આ બધામાંથી તારવીને મગધરાજનું સળંગ સૂત્ર જીવન રજૂ કરવાનો આ નવલકથામાં તેમણે પ્રયાસ કર્યો છે.’ (પ્રસ્તાવના, પૃ. ૧૨). પણ નવલકથાનો અભ્યાસી વાચક કહી શકશે કે લેખક મુખ્યત્વે જૈન મતપરંપરાને વધુ અનુસર્યા છે. ઇતિહાસમાં બિંબિસાર વિષે પ્રાપ્ત થતી વિગતો નીચે પ્રમાણે છે :

ભટ્ટિય નામના એક મહાત્વાકાંક્ષી સામંતે પુલકના પુત્રનો વધ કરીને પોતાના પુત્ર બિંબિસારને મગધના સિંહાસન ઉપર બેસાડ્યો.
સિંહાસન ઉપર બેસતા સમયે એની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી.
ઈ. સ. પૂ. ૫૪૩ લગભગમાં તે મગધના રાજસિંહાસને બેઠો.
જે રાજ્યવંશની એણે સ્થાપના કરી તે હર્ષક વંશ તરીકે જાણીતો બન્યો.

બિંબિસાર એક કુશળ રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ રાજવી હતો. સામ્રાજ્ય વિસ્તારમાં એ યુગમાં પોતાની શક્તિઓનું સંગઠન કરવાનું એને ખૂબ જરૂરી જણાયું હતું. જો મગધ નબળું હોય તો અવન્તિ કે વત્સનો શિકાર બની જાય. એટલે પોતાની શક્તિને વધારવા તથા દૃઢાવવા વૈવાહિક સંબંધોની નીતિ એણે અપનાવી.

મહાવગ્ગ અનુસાર બિંબિસારને પાંચસો રાણીઓ હતી એમાં :–

(૧)કોશલના રાજા મહાકૌશલની પુત્રી કૌશલદેવી સાથે એનો વિવાહ થયો હતો. કૌશલદેવી પ્રસેનજિતની બહેન હતી. એ વિવાહથી એને કોશલ રાજ્યની મિત્રતા ઉપરાંત એક લાખની વાર્ષિક આવકવાળું કાશીગ્રામ મળ્યું હતું. કોશલનરેશે પુત્રીને દહેજમાં એ આપ્યું હતું.

(૨)આ ઉપરાંત એણે વૈશાલીના લિચ્છવી રાજા ચેટકની પુત્રી છલના સાથે પણ વિવાહ કર્યો હતો. એ રીતે મશહૂર લિચ્છવીઓની પણ મિત્રતા મેળવી હતી.

(૩)એનો ત્રીજો વિવાહ મદ્રદેશ (મધ્ય પંજાબ)ની રાજકુમારી ખએમાની સાથે થયો હતો.

(૪)એની ચોથી રાણીનું નામ વાસવી હતું જ્યારે પોતાના પુત્ર અજાતશત્રુએ જ બિંબિસારને કેદમાં પૂર્યો હતો ત્યારે આ વાસવી જ છૂપી રીતે પતિ માટે ભોજન લઈ જતી અને એ રીતે એણે પતિનો પ્રાણ બચાવ્યો હતો. જૈન અને બૌદ્ધ પરંપરામાં બિંબિસાર વિષે અનેક કથાનકો પ્રચલિત છે એ પ્રમાણે :

જૈન અને બૌદ્ધ ધર્મોના અનુયાયીઓ એને પોતાનો અનુયાયી ગણે છે.

હેમચંદ્રાચાર્ય કહે છે કે જ્યારે દેશમાં અંધકારયુગ ચાલતો હતો ત્યારે તે પોતાની પત્ની છલનાની સાથે ભગવાન મહાવીરની પૂજા કરવા ગયો હતો.

બૌદ્ધ સાહિત્ય અનુસાર બિંબિસાર બે વાર ગૌતમ બુદ્ધને મળ્યો હતો. એક વાર ગિરિવ્રજમાં અને બીજી વાર રાજગૃહમાં. એની પત્ની ખેમા દ્વારા એણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી.

જૈન પરંપરા પ્રમાણે બિંબિસારને ઘણા પુત્રો હતા. જેવાકે કુણિક, અજાતશત્રુ, હાલ (હલ્લ), બેહાલ (વિહલ્લ), અભય તથા મેઘકુમાર. એના આ પુત્રો રાજ્યપ્રાપ્તિની ઝંખનાથી એને સંતાપ આપતા હતા.

અજાતશત્રુ કઈ રાણીથી થયેલ પુત્ર હતો એ સંબંધે જૈન અને બૌદ્ધ મતપરંપરામાં મતભેદ છે. જૈન મતાનુસાર કુણિક રાણી ચેલ્લણાનો પુત્ર હતો અને પાછળથી તે અજાતશત્રુ તરીકે ઓળખાયો હતો જ્યારે એક બૌદ્ધ પરંપરા અનુસાર પ્રસેજિતની બહેન કોશલદેવીનો પુત્ર તે અજાતશત્રુ. દીઘનિકાયની એક કથામાં ઉપર પ્રમાણે નો ઉલ્લેખ મળે છે. વિનયવસ્તુમાં અજાતશત્રુને વૈદેહિ ચેલાનો પુત્ર બતાવ્યો છે. (પૃ. ૩૨૨, નરકેશરી)

એ જ રીતે અભયકુમાર જૈનોના મતાનુસાર વૈશ્ય પુત્રી સુનંદાનો પુત્ર જ્યારે બૌદ્ધ મતાનુસાર અંબપાલીનો પુત્ર છે. બૌદ્ધ ગ્રંથ ‘વિનયવસ્તુ’માં ઉપર પ્રમાણે ઉલ્લેખ મળે છે. બૌદ્ધોની બીજી પરંપરા પ્રમાણે રાજકુમાર અભય ઉજ્જયિનીની પદ્માવતી નામક ગણિકાનો પુત્ર હતો. બૌદ્ધો માને છે કે એ પ્રથમ મહાવીરભક્ત હતો, પછી બૌદ્ધભક્ત થયો.

મગધરાજ શ્રેણિક બિંબિસારના મૃત્યુ સંબંધે પણ જૈન અને બૌદ્ધ પરંપરામાં મતભેદ પ્રવર્તે છે. બૌદ્ધ પરંપરા અનુસાર બિંબિસારને એના પુત્ર અજાતશત્રુએ રાજ્યપ્રાપ્તિના મોહમાં મારી નાખ્યો હતો. એના આ કાર્યમાં દેવદત્તે એને સાથ આપ્યો હતો. જ્યારે જૈન પરંપરા અજાતશત્રુને પિતૃઘાતક સિદ્ધ નથી કરતી. રાજ્યલાલસાથી પ્રેરાઈને અજાતશત્રુએ મગધરાજને બન્દી બનાવ્યા હતા. પણ પોતાના પિતાની દશાથી અજાતશત્રુનું દિલ દ્રવી ગયું. પિતાના બંધન એક લોઢાની ગદાથી તોડવા માટે એ આગળ આવ્યો. પણ બિંબિસાર સમજ્યો કે પુત્ર પોતાને મારવા માટે આવ્યો છે એટલે એણે ઝેર ખાઈ લીધું.

ઇતિહાસ અને જૈન તથા બૌદ્ધ પરંપરાના મતમતાંતરોના જાળામાં અટવાયેલ બિંબિસારનું જયભિખ્ખુએ પ્રસ્તુત નવલકથામાં જે વ્યક્તિત્વ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે તે રાજવી કરતાં માનવી તરીકેનું વધુ છે. એક એવો માનવ કે જેનું જીવન જેમ સદ્‌ગુણોથી ભર્યું છે એમ ભૂલોથી પમ ભર્યું છે. આ ભૂલોએ એને અનેક પ્રકારની વેદના આપી છે. છતાં આખરે પુરુષાર્થીનો વિજય થાય છે. મૃત્યુ એને જીતી શકતું નથી. દેહના ત્રાસ એને દમી શકતા નથી. બુદ્ધ અને મહાવીર જેવી મહાન વિભૂતિઓ દ્વારા મેળવેલા જીવનશિક્ષણને એ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવે છે. અંતકાળે મુનિજન જેવી સમતા બતાવતા આ મહાન રાજવીનું જીવન અનેકોને પ્રેરણા પૂરી પાડી જીવનઘડતરનું બળ આપે છે.

રાજા પ્રસેનજિતના પુત્ર એવા મહારાજા શ્રેણિક બિંબિસાર એ એક એવી વિભૂતિ તરીકે પ્રસ્તુત નવલકથામાં ઊપસે છે જેને આર્યાવર્તની મહાન ધર્મત્રિવેણી-વૈદિક, બૌદ્ધ અને જૈન-માં સ્નાન કરવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું. છે. શ્રેષ્ઠીવર્ય, શાલિભદ્ર, ત્યાગવીર મેતાર્ય અને ધર્મવીર ધશાશેઠ જેવા સિદ્ધિવંત નગરજનોના પ્રજાવત્સલ રાજવી બનવાનો દિવ્ય યોગ મળ્યો છે. અહિંસા ધર્મના પ્રવર્તક ભગવાન બુદ્ધ અને મહાવીરના અનુયાયી થવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું છે.

ઇન્દ્રધનુના વૈવિધ્યવંતા રંગો જેવું સાંસારિક જીવન જીવનાર આ રાજવીને જીવનના આરંભકાળે પિતા તરફથી ઉપેક્ષિત બનીને દેશવિદેશનું પરિભ્રમણ કરવું પડે છે. ગોપાલકુમારના વેશે પરદેશમાં ભટકતી સુનંદા જેવી સૌંદર્ય અને શીલની દેવી સહચરી તરીકે પ્રાપ્ત થાય છે. વૈશાલીની સૌંદર્યનિધિ સમી અલબેલી અંબપાલીનો પ્રેમ સાંપડે છે તો જીવનની ઘોરનિશાના ખારાપાટમાં આશાની અનુપમ વીરડી સમી ચેલ્લણા મળે છે. સંસારનાં સૌંદર્ય અને શીલે જાણે કે સ્વયંવર રચીને મગધના નાથને વરમાળ આરોપી છે.

પણ આવા નરકેસરી સમાન પ્રતાપી રાજવીએ જીવનમાં દુઃખો પણ ઓછાં નથી જોયાં. જેટલું એનું સદ્‌ભાગ્ય મોટું છે એટલું જ દુર્ભાગ્ય પણ એના સાથમાં રહ્યું છે. કર્મના બળે નરકેસરી એવા આ રાજવીને જીવનની આથમતી સંધ્યાએ નરકેશ્વરી બનવું પડ્યું. નરકનાં દુઃખો વેઠવાં પડ્યાં. જીવનની જલતી ભઠ્ઠીમાં {{SIC|શએકાવું|શેકાવું} પડ્યું. એનું મોત કમોતે થયું. અલબત્ત, છેવટે પશ્ચાત્તાપ અને ત્યાગની શુચિતાથી ઉચ્ચ પદે એ પહોંચ્યો છે ખરો. જીવનના અંતભાગે મારવિજય અને દિગ્વિજય એણે સાધ્યા છે ખરા અને એટલે જ આર્યાવર્તની વાડીના મહાકલાવન્ત એવા આ મયૂરના જીવનનું આ નવલકથામાં નિરૂપણ કરતી વખતે લેખક એના ચરિત્રથી ઠીક ઠીક અંશે પ્રભાવિત રહ્યા છે.

પ્રસ્તુત નવલકથામાં જયભિખ્ખુએ મગધરાજના જીવનને ત્રણ તબક્કામાં વહેંચીને અંતે કથારૂપ આપ્યું છે. પહેલો તબક્કો નરકેસરી એવા આ રાજવીના યૌવનકાળના પરિભ્રમણનો નિરૂપે છે, જેમાં એમણે ગોપાલકુમારના નામે સુનંદાની પ્રાપ્તિ કરી સ્વબળે પોતાનું નામ સિદ્ધ કર્યું. બીજો તબક્કો રાજવી તરીકેની એની સિદ્ધિને નિરૂપે છે જેમાં પોતાની સ્વતંત્ર રાજધાની રાજગૃહીની સ્થાપના સાથે વૈશાલીની રાજકન્યા ચેલ્લણા તથા નારીરત્ન અંબપાલીના પ્રેમની પ્રાપ્તિના કથાનકો નિરૂપાયાં છે. ત્રીજો ખંડ જીવનશુદ્ધિ તરફ ધસતા રાજવીની પ્રૌઢાવસ્થાના ધર્મસંક્રાન્ત જીવનને નિરૂપે છે. જીવનની આથમતી સંધ્યાએ પુત્ર દ્વારા જેલપ્રાપ્તિ શ્રેણિક બિંબિસારને જીવનનું સાચું તત્ત્વજ્ઞાન સમજાવે છે.

આ નવલનું વસ્તુસંકલન ભાવકોને કથાના રસમાં ખેંચી રાખે તેવું કુતૂહલ્લોદ્દીપક છે. અન્ય કેટલીક કૃતિઓની જેમ અહીં પણ આડકથાઓ મુખ્ય કથાને ક્યાંક પુષ્ટ કરતી, તો ક્યાંક કથાપ્રવાહને આડેમાર્ગે લઈ જતી, ક્યાંક બિનજરૂરી જ હોય છતાં ઉપદેશને દૃઢાવવાના હેતુથી લખાયેલી - એવાં અનેક રૂપે મળે છે. કેટલાંક કથાનકો તો એવાં છે જેના ઉપરથી અન્યત્ર લેખકના હાથે આખી નવલકથા સર્જાઈ છે એનું વાંચન અહીં કે ત્યાં ભાવકના ચિત્તમાં પુનરાવૃત્તિદોષ ખડો કરે. જેમ કે - ભગવાન ઋષભદેવનું કથાનક (પૃ. ૧૩૬), મેતરાજનું કથાનક (પૃ. ૩૦૪), કેટલીક આડકથાઓ સ્વતંત્ર વાર્તા જેવી જ લગભગ બની ગઈ છે. જેમકે સુદર્શન શેઠનું કથાનક (પૃ. ૨૮૭), ધન્ય અણગારનું કથાનક (પૃ. ૩૦૦), શાલિભદ્રનું કથાનક (પૃ. ૧૭૪), કથામાં ઘણે સ્થળે ઉપદેશ જ મુખ્ય બની જાય છે - ધર્મકથા (પૃ. ૧૩૩), મધ્યમ પ્રતિપદા (પૃ. ૧૬૭), જગત ગુરુ ક્ષત્રિયો (પૃ. ૨૬૯), જ્ઞાતપુત્ર મહાવીર (પૃ. ૨૭૫) જેવાં કેટલાક પ્રકરણ માત્ર ઉપદેશયુક્ત જ છે. કથામાંથી કદાચ એમને દૂર કરવામાં આવે તો પણ કથાના અંકોડા ક્યાંય તૂટતા નથી. કેટલેક સ્થળે લેખક ઇતિહાસ-ભૂગોળનું પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા જ કથાને લંબાવતા હોય એવો પણ અનુભવ થાય છે. કથાના આરંભે વેણાતટ નગરનું વર્ણન કરે છે. એમાં (પૃ. ૧૯-૨૦) કે પછી ‘રાજગૃહી’ પ્રકરણમાં (પૃ. ૧૨૨) આ વાતની પ્રતીતિ આપણને થાય છે. ઇતિહાસની વિગતો પણ ક્યાંક લેખકને હાથે વિકૃત બની છે. જેમકે પ્રસેનજિતને અહીં લેખકે બિંબિસારના પિતા તરીકે વર્ણવ્યા છે જે ઇતિહા,દૃષ્ટિએ બિંબિસારના સાળા થાય. વૈશાલીના રાજા ચેતકની પુત્રીનું નામ ઇતિહાસમાં છલના બતાવાયું છે. અહીં ચેલ્લણા તરીકે તે વર્ણવાઈ છે. અલબત્ત આવા નિરૂપણ પાછળ લેખકની સામે મગધરાજની જૈન પરંપરામાં નિરૂપાયેલી કથા હોય એવું બને. કથામાં આવતી આડકથાઓ કે ઉપદેશના સંદર્ભમાં એવું કહી શકાય કે આ લેખકનું લક્ષ્યબિંદુ જ સાહિત્ય દ્વારા સમાજઘડતરનું છે. જીવનધર્મી લેખકે પોતાનું સમગ્ર સાહિત્ય, જીવનોપયોગી બને તે હેતુસર જ સર્જ્યું છે. ‘ભરતદેવ’ની પ્રસ્તાવનામાં આ વાતનો તેઓએ ખુલ્લા દિલે સ્વીકાર કરતા કહ્યું છે કે ‘મારા સાહિત્યનું નિર્માણ ધ્યેય મોટે ભાગે આજના ‘તર્ક પ્રધાન અને શ્રદ્ધા અલ્પ’ સમાજને માટે અને નવી ઊગતી તરુણ પેઢીને ગમે અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેય થવાનું ને અંતે શ્રેય થવાનું સાચા સાહિત્યનું ધ્યેય હોવું જોઈએ.’ (‘ચક્રવર્તી ભરતદેવ’, પૃ. ૫). પ્રસ્તુત નવલકથાને લેખકના આ દૃષ્ટિબિંદુથી તપાસીએ તો એનું વાચન ક્યાંય કંટાળો ઉપજાવતું નથી. આપણે આગળ જોયું તેમ મગધરાજનું ચરિત્ર પણ એક માનવી તરીકે જ એમણે ઉપસાવ્યું છે. તેજ-અંધારના પિંડ સમો માનવ પોતાના જીવન દરમિયાન અંધાર સામે સંઘર્ષ ખેલતો ખેલતો છેવટે તેજમય કઈ રીતે બની શકે તે મગધરાજ બિંબિસારના ચરિત્ર દ્વારા ઉપસાવ્યું છે.

પ્રસ્તુત નવલકથામાં મગધરાજનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે અને એનું નિરૂપણ તો લેખકે કુશળ રીતે કર્યું છે. પણ એ સાથે સૌંદર્યની પૂતળી શીલવતી ગુણવતી સુનંદા, સત્યવાદી, નિર્ભિક, ચતુર અને સહુ કોઈના સુખદુઃખમાં ભાગ લેનાર એક આદર્શ વેપારી ભદ્ર શેઠ, નામ પ્રમાણે ગુણયુક્ત અભયકુમાર, દેશને ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારી અલબેલી અંબપાલી, રત્નકંબલોને પોતાની વહુઓમાં અંગલૂછણિયા તરીકે વહેંચી આપીત જગતઆંગણે રાજગૃહીની પ્રતિષ્ઠાને વધારનારી ભદ્રાશેઠાણી. રસભોગી ભ્રમરમાંથી વૈરાગ્યના માર્ગે વળી જનાર શ્રેષ્ઠીવર્ય શાલિભદ્ર વગેરેનાં ચરિત્ર પણ આછાં છતાં સુરેખ અને યાદગાર ઊપસ્યાં છે.

જૈન ધર્મના અનુરાગી લેખક તક મળે જૈન ધર્મના સાંપ્રદાયિક નહીં પણ વ્યાપક તત્ત્વજ્ઞાનને સાદા, સરળ સૂત્રો રૂપે મૂકી દેવાનું ચૂકતા નથી. (પૃ. ૨૮૨, ૨૮૩). બૌદ્ધ ધર્મના તત્ત્વને પણ આ નવલકથામાં લેખકે ઊપસાવ્યું છે અને જૈનધર્મ તથા બૌદ્ધ ધર્મ વચ્ચે પાયાનો ભેદ ક્યાં છે એ પણ સરળ શૈલીમાં લેખકે બતાવ્યું છે. (પૃ. ૧૭૨). ભગવાન ગૌતમબુદ્ધ અને જ્ઞાતપુત્ર મહાવીર પાત્રો તરીકે પણ ઊપસે છે. એમના જીવન વિષેની મુખ્ય વિગતો પણ લેખક કથાત્મક ઢબે અહીં વણી લે છે.

સરળ, રસવતી શૈલીમાં વહેતી કથા ‘કામવિજેતા’ કે ‘ભગવાન ઋષભદેવ’ વગેરેમાં જણાય છે એવી એટલી અલંકારવતી નથી. છતાં અલંકારો સાવ નથી એવું ય નથી. ઉપમા જે લેખકને ખૂબ જ પ્રિય છે એ પરાજિત યોદ્ધા જેવા તેજવિહોણા બેચાર તારકો (પૃ. ૩), ઉષાદેવીના હાથે આખી સાગરસપાટી રાતા રંગે લીંપાઈ રહી હતી. (પૃ. ૩, સજીવારોપણ), કો રમતિયાળ અપ્સરાના નાજુક પાદપ્રહારથી ઠેબે ચડેલા રક્તસુવર્ણના ગોળા જેવો લાલ સૂર્ય (પૃ. ૩), સાગર પોતાની તરંગ માળાનો તાનપુરો બજાવી અનેરું સંગીત છેડી રહ્યો હતો. (પૃ. ૩, સજીવારોપણ), માના પારણા જેવો શાંત સાગર (પૃ. ૮), ધોળા ધોળા ડોલરફૂલ જેવા શંખ (પૃ. ૧૧), વાતા પવનની જેમ એની સ્થિતિ નિરાધાર હતી. (દૃષ્ટાંત, પૃ. ૨૨), ડૉલરના છોડ જેવી સુનંદા (પૃ. ૫૫), આભના દ્વાર પર સંધ્યા પોતાના કેસરિયા પડદા બાંધી રહી છે. (પૃ. ૫૬, સજીવારોપણ), કાળી નાગણોના રાફડા સમા અંતઃપુરો (પૃ. ૧૧૨), મૌક્તિક જેવાં આંસુ (પૃ. ૧૫૭), વૃક્ષ વૃદ્ધ આદમીના દેહની જેમ ડોલવા લાગ્યું (પૃ. ૨૨૧).

ટૂંકમાં મારવિજય અને દિગ્વિજય બંનેમાં કાલાન્ત વિજયી નીવડનાર મગધરાજ શ્રેણિક બિંબિસારની કથાને મુખ્યરૂપે આલેખતી પ્રસ્તુત નવલકથા કલાદૃષ્ટિએ જયભિખ્ખુની અન્ય નવલો જેટલી ઉત્કૃષ્ટ નીવડતી નથી, છતાં લેખકની તે લોકપ્રિય કૃતિ તો બની જ છે. આ નવલનો કથાતંતુ ‘શત્રુ કે અજાતશત્રુ’ માં લંબાય છે.

દાસી જનમ જનમની સાથી જનમ જનમનાં :

‘દાસી જનમ જનમની સાથી જનમ જનમનાં’ શ્રી જયભિખ્ખુની સામાજિક નવલકથા છે. શોષિત નારીજીવનના સ્વાતંત્ર્ય અને વિકાસના પ્રશ્નોને ચર્ચતી પ્રસ્તુત નવલકથામાં આધુનિક અને પુરાણી, શિક્ષિત-અશિક્ષિત, પરિણીત-અપરિણીત, વિધવા, ત્યક્તા, કમાતી અને ન કમાતી સર્વ પ્રકારની સ્ત્રીઓનાં જીવનબિંદુને કેન્દ્રમાં રાખીને મુક્ત મને છણાવટ કરવામાં આવી છે. સ્ત્રીનો સાચો વિકાસ એનું ખુદનું ખમીર જાગે ત્યારે જ શક્ય બને એ વાત અહીં લેખક દ્વારા જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી રજૂ થઈ છે. જયભિખ્ખુનો સ્ત્રી-સન્માન અંગેનો પ્રબળ અભિનિવેશ પ્રગટ કરતી આ નવલકથા એમાં રજૂ થયેલા નારીજીવન વિષેના કેટલાક ચિંતનસભર વિચારોની દૃષ્ટિએ નોંધપાત્ર બની રહે છે.

કન્યાવિક્રય, દેહલગ્નો, સ્ત્રીનું ગૃહજીવનમાં ગુલામ તરીકેનું સ્થાન વગેરે પ્રશ્નોની છણાવટ કરતા આ નવલકથાનું કેન્દ્રબિંદુ છે નિર્મળા. ગરીબ પણ સ્વમાની માતા-પિતાની પુત્રી નિર્મળા નાની ઉંમરે જ મા-બાપની શીળી છાયા ગુમાવી માસી-માસાના પનારે પડી છે. માસીને ત્યાં એ સૌની ગુલામી કરે છે, ઘરનો બધો જ ભાર માથે વહે છે, સૌના મ્હેણાં સહે છે છતાં એનામાંનું સ્વમાનશીલ નારીત્વ નષ્ટ થયું નથી. પોતાને ન ગમતા, પોતાનાથી ઘણી મોટી વયના લાલચંદ સાથે જ્યારે એનું લગ્ન થાય છે બલ્કે માસા દ્વારા એનો વિક્રય થાય છે ત્યારે એ વિચારે છે કે ‘આ લગ્ન છે કે દગો ? શું મારે સ્ત્રીની સર્વોત્તમ દોલત સમા શીલને એક દગલબાજને વેચવું ? મનને ન ગમે એવા, આંખને ન રુચે એવા સાથે પ્રભુતાના સંબંધથી જોડાવું ? અર્થહીન અગ્નિને અર્થલોભી પુરોહિત આવી મળ્યા એટલે શું કોઈ પણ લુટારુને એક અબળાને લૂંટવાનો અધિકાર મળી ગયો ? જીવનની આખી સફર એક એવા વહાણમાં શરૂ કરવી જે વહાણ સફરને લાયક જ ન રહ્યું હોય ?’ (પૃ. ર૭). એનું ગજવેલ વ્યક્તિત્વ આ સહન કરી શકે એમ નથી એને જ કારણે પહેલી જ રાત્રે પતિને પોતાના રૂમમાં પ્રવેશ ન આપીને પોતાનો આ લગ્ન સામેનો વિરોધ વ્યક્ત કરે છે. બારણું ન ખોલતી નિર્મળાને સમાજમાં થનારી ફજેતીનો ડર બતાવી લાલચંદ બારણું ઉઘાડવા વીનવે છે ત્યારે પણ તે ફજેતીથી ડરતી નથી.

લગ્નજીવનના પછીના દિવસોમાં પણ પતિ દ્વારા થતા શારીરિક-માનસિક અત્યાચારનો સામનો કરીને પણ મક્કમપણે તે પોતાના વિચારોમાં સ્થિર રહે છે અને પતિની કામવાસનાને તાબે થતી નથી. એટલું જ નહીં પણ પતિના ઘરને ત્યજીને ભાગી જવાનો વિચાર પણ કરતી નથી. પ્રેમના નામે કામવાસના પોષતા પુરુષોનો નિર્મળા બરોબર ઊધડો લે છે. લાલચંદને એ કહે છે : ‘લાલચંદ ! પુરુષદેહના કામરાક્ષસની તૃપ્તિ માટે આજ સુધી ઘેટાં-બકરાંની જેમ સ્ત્રીઓ બલિ બની છે. હવે એ નહિ થાય. તમે એક બુઢ્ઢિને પ્રેમ કરી શકો છો, તો હું એક વૃદ્ધને પ્રેમ કરી શકું. બાકી તો હજાર ટુકડા થાય ત્યાં સુધી તમારા દેહનો રાક્ષસ કદી બલિ નહીં જ પામે’ (પૃ. ૪૯).

વેદનાઓને સહેતાં સહેતાં નિર્મળાના હૃદયમાં સમસ્ત સ્ત્રી જાતિનું પ્રતિનિધિત્વ ઊગી નીકળ્યું હતું. એણે મનોમન નક્કી કર્યું કે, ‘ભલે એ કુમળી કળીઓનું કમભાગ્ય મને વરે, એ ઝેર હું જ પીઉં.’ (પૃ. ૪૮) અને એટલે જ જ્યારે એણે જાણ્યું કે પોતાની પડોશમાં રહેતી દુઃખિયારી કુસુમને ત્યજીને એનો પતિ નવી લાવવાનો છે ત્યારે કુસુમને મળીને એનામાં રહેલી નિર્બળતાઓ દુર કરાવી એક નવું ખમીર પ્રગટાવે છે. કુસુમ માત્ર કોમળ અને દયનીય કુસુમ ન રહેતાં ઇંટનો જવાબ પથ્થરથી આપતી આત્મગૌરવસભર નારી બને છે. એજ રીતે શોક્યની ઉપર પરણવા તૈયાર થયેલી ગજરાને પણ સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. નિર્મળાનો સ્ત્રી-જાગૃતિનો આ યજ્ઞ ધીમે ધીમે વિકાસ પામે છે. શાંતા, વિશાખા, સુંદરા વગેરેના હૃદયમાં સ્ત્રી સન્માનની, સ્વાતંત્ર્યની જ્યોત જગવતી આ નારી અંતે પોતાના પતિ લાલચંદની દોહવાસનાની સાથી તો નથી જ બનતી પણ એને સ્ત્રીવિકાસના પંથે સહભાગીદાર બનાવી અધ્યાત્મજીવનના સાચા સાથીદાર તરીકે કેળવે છે અને એ રીતે સ્ત્રી એ ‘દાસી જનમ જનમની’ નથી પણ ‘સાથી જનમ જનમની’ છે એ રીતે શીર્ષકને સત્ય ઠરાવે છે.

સ્ત્રી સમાજ પોતે જ જો જાગ્રત બને તો જ તેની દુર્દશા મિટાવી શકાય એ વક્તવ્યને રજૂ કરતી નવલકથાનો વિષય સાચે જ રોચક છે. પણ એ યોગ્ય વસ્તુસંકલન તેમ જ અકૃત્રિમ પાત્રચિત્રણ દ્વારા રજૂ થઈ શક્યો નથી. નવલકથાની કલાની દૃષ્ટિએ જોઈએ તો કલાતત્ત્વ અહીં ઠીક ઠીક અંશે હણાયું છે. લેખકે પોતે પણ એકરાર કરતા કહ્યું છે કે ‘લેખક જાણે લેખક રહ્યો નથી, એ સ્ત્રીનો વકીલ બની બેઠો છે’ (પ્રસ્તાવના, પૃ. ૨). ડૉ. મધુસૂદન પારેખે પણ કહ્યું છે, ‘વાર્તાકારનો સ્ત્રી સન્માન અંગેનો પ્રબળ અભિનિવેશ એમને વાર્તાકારને બદલે પ્રચારક બનાવી મૂકે છે.’ (કાર્યવાહી : સને ૧૯૫૮). આમ છતાં પણ આ નવલકથા આકર્ષક બની છે એમાંના જીવનચિંતનને કારણે.

સદીઓથી કચડાયેલું, કચડાતું આવતું નારીજીવન એની આવી દુર્દશામાંથી કઈ રીતે ઉગરી શકે એ લેખકની ચિંતા, ચિંતનનો વિષય રહેલો છે. અન્યત્ર પણ નારીગૌરવની મશાલ પેટાવતા આ સર્જક અહીં તો જાણે નારી-ગરિમાનું પુરાણ જ ખોલીને બેસે છે. સ્ત્રીશક્તિનું ચલણ સમાજને કેવા ઊંચા સ્થાન ઉપર મૂકી આપે એ વર્ણવતાં નિર્મળા કહે છે : ‘એ નોંધી રાખો કે જ્યારે સ્ત્રી-શક્તિનું ચલણ હશે, ત્યારે પુરુષો જેને ધર્મ કે નીતિ લેખવે છે એવી યુદ્ધોની અધર્મલીલા નહિ હોય, મોટે ભાગે સ્વાર્થથી થતી લડાઈઓ નહીં હોય, માનવતાનાં મૂલ અંકાશે કારણ કે સ્ત્રી એક માનવનો જન્મ એટલે શું તે બરાબર જાણે છે. સ્ત્રી સંસારમાં ન હોત તો કદાચ માનવતા, પુણ્ય, પાપ કે સહિષ્ણુતા, કાલ્પનિક વાતો રહેત, શીલવંત સંસાર કોઈ તિલેસ્માતી બનાવ હોત. સ્ત્રી અર્પણ-ધર્મ છે. એની નિંદા કરનાર નર નહિ પણ હેવાન છે.’ (પૃ. ૧૪૦).

સ્ત્રીવિરોધી શાસ્ત્રમાં થયેલાં વિધાનોને પણ જયભિખ્ખુ ઉદાહરણોથી ખંડિત કરતાં કહે છે કે ભલે શાસ્ત્રમાં કહેવાયું હોય કે સ્ત્રીમાં પુરુષ કરતાં આઠ ગણો કામ હોય છે. હકીકતમાં સ્ત્રીમાં જેટલો સંયમ છે એટલો પુરુષમાં ક્યાંય જોવા નહીં મળે (પૃ. ૧૩૭). નિર્મળા કહે છે : ‘સ્ત્રી ચાહે તો પણ સહેલાઈથી કામવાસના તૃપ્ત ન કરી શકે તેવી કુદરતે તેની રચના કરી છે. બંધન તો નુગરા પુરુષોને જરૂરી છે. સ્ત્રીને તો એક ક્ષણની તૃપ્તિ પાછળ લાંબું સહન કરવાનું હોય છે.’ (પૃ. ૧૪૦).

આમ છતાં એ પણ એટલું જ સત્ય છે કે સ્ત્રીના શીલભંગ માટે એકલો પુરુષ જ જવાબદાર નથી. સ્ત્રી પણ એટલી જ જવાબદાર છે. જેને અણીશુદ્ધ રહેવું હોય એને દુનિયાની કોઈ તાકાત ડગાવી શકે નહીં. નિર્મળા શાંતાને કહે છે, ‘બેન ! પુરુષોને શા માટે દોષ દેવો ? એ માટે જેટલા શેઠ જવાબદાર છે એટલી જ તું જવાબદાર છે. સીતા જેવી સુકોમળ અબળા રાવણને ત્યાં અણીશુદ્ધ રહી, એ કોના બળે ? આપણે બગડવું ન હોય તો પછી બગાડનાર દુનિયામાં કોઈ જન્મ્યો છે ?’ (પૃ. ૮૮).

આજની શિક્ષિત નારી જે પ્રકારનું શિક્ષણ પામી છે એ શિક્ષણ જયભિખ્ખુની દૃષ્ટિએ સાચું શિક્ષણ નથી. આજની નારીનું ચિત્ર ઉપસાવતાં નિર્મળા કહે છે : ‘આજની શિક્ષિત અર્ધદગ્ધ બહેનો ગઈ કાલની બહેનો કરતાં વધુ સુકુમાર, વધુ શોખીન અને વધુ પુરુષાશ્રિત બની છે. અલબત્ત, મોંથી પુરુષનો તિરસ્કાર કરે છે પણ અંદરથી પુરુષ વિના એમને ચાલતું નથી.’ (પૃ. ૧૮૬). ભણેલી સ્ત્રીઓનો શોખ, સુવાંળપને ટપારતાં નિર્મળા કહે છે : ‘આ જ કારણે તો જૂની સ્ત્રી હીન બનેલી ! તમે એની પુનરાવૃત્તિ કાં કરો ?’ (પૃ. ૧૯૧).

લેખકના મતે આજની સ્વતંત્ર નારીએ પોતાના જીવનવિકાસ માટે ‘કેળવણી, કૌમાર્ય અને કમાણી’ની ત્રિસૂત્રી અપનાવવી જોઈએ. નિર્મળા આ ત્રણે શબ્દોના વિશિષ્ટ અર્થો તારવી આપતાં કહે છે :

‘જે કેળવણી સ્ત્રીના સત્ત્વને ફીટાડે એને હું કેળવણી ન કહું. સત્ત્વને જગાડે, સંયમને જગાડે, સ્વાશ્રયને જગાડે એને કેળવણી કહું.’ (પૃ. ૨૩૩)

‘જે કૌમાર્ય માત્ર એકના બદલે અનેક સ્થળે રઝળવાનું શીખવે એને હું કૌમાર્ય ન કહું. કૌમાર્ય તો જલતી ચિતાને પણ ઠારનારું જલ હોય. એ એક યજ્ઞ છે.’ (પૃ. ૨૩૩)

‘કમાણી એ જીવનનિર્વાહ માટે કોઈના ઓશિયાળા ન થવું પડે એ માટે છે. પણ કમાણી ખાતર સ્ત્રીને પુરુષની કામિની બનીને જીવવું પડે, એ હું હરગિજ પસંદ ન કરું.’ (પૃ. ૨૩૪)

શિક્ષણ વિશે પણ લેખકના કેટલાક મનનીય વિચારો પ્રસ્તુત નવલકથામાં રજૂ થયા છે. નિર્મળાના મુખે લેખક કહે છે :

બીજાના સુખ ખાતર આપણા સુખ ઉપર કાપ મૂકવો એને હું શિક્ષણ માનું છું. (પૃ. ૧૯૭)

આપણામાં અહંકાર જન્મે ને બીજા તરફ તિરસ્કાર પ્રગટે, એને હું કેળવણી કહેતી નથી. (પૃ. ૧૯૭)

મને વધુ સગવડ મળે, હું વધુ ભણી માટે મને મોટર મળે, મનગમતાં માનપાન મળે, મહેલાત મળે, મોજશોખ મળે, મને વધુ મળે, આ શિક્ષણનો વ્યભિચાર છે. (પૃ. ૧૯૭)

સ્ત્રી અને પુરુષનું શિક્ષણ એક હોઈને પણ જુદું છે. સ્ત્રી-પુરુષની સરસાઈમાં આવે એ આજના શિક્ષણની જાણે શ્રેષ્ઠતા છે પણ એ સત્ત્વભરી નથી, સ્વૈરવિહારની છે. (પૃ. ૧૯૮).

શિક્ષણ સંસ્થા એ દારુની દુકાન નથી. (પૃ. ૨૦૦)

મન, વાણી ને ઇંદ્રિયો પર કાબૂ રાખનારી કેળવણી જો ન હોય તો એ સમાજમાં લુચ્ચાઈ, લફંગાઈ પેદા કરનારી શાપિત વિદ્યા છે. (પૃ. ૨૦૦) ધર્મ વિશેની ફિલસૂફી પણ લેખકની પોતાની છે. તેમના મતે :

જગતમાં ધર્મ એક જ છે, શું સ્ત્રી કે પુરુષ ! માણસને પડતો જે સાચવે અને વિકાસ તરફ લઈ જાય તે ધર્મ ! (પૃ. ૧૭૯)

એક નવો જ અને ઊજમળો વિચાર ભારતીય સંસ્કૃતિમાં રહેલી વારસદાર વિષેની માન્યતાના સંદર્ભમાં લેખક અહીં લઈને આવે છે. હિંદુ સંસ્કૃતિ વારસને ખૂબ જ મહત્ત્વ આપે છે. આ જ કારણે પુત્રનું મહત્ત્વ પણ ઘણું બધું છે. અપુત્ર સ્ત્રી-પુરુષનું ‘વાંઝિયાપણું’ સામાજિક દૃષ્ટિએ પણ નિંદનીય બને છે. આ સંદર્ભમાં નિર્મળા કહે છે : ‘હું પૂછું છું દરેકને અમર થવાનો આવો બળાપો શા માટે ? શા માટે પોતાની લક્ષ્મીનો સાચો વારસ દેશ નથી લેખાતો ? શા માટે એ વારસો ધર્મને નથી અપાતો ? આટલા અનાથાલયો, અપંગાશ્રમો, મજૂરગૃહો, શ્રમજીવીઓ છે, શું તેઓ તમારી દોલતની ખરી જરૂરવાળા વારસદાર નથી ?... શાસ્ત્રોએ વિશ્વબંધુત્વનો અજબ મહિમા ગાયો છે ! વિશ્વબંધુત્વથી જ જગતનું કલ્યાણ લેખ્યું છે, પછી વારસની આ ચિંતા શા માટે ?’ (પૃ. ૧૨૯).

લક્ષ્મીનો વારસો પુત્રને આપવાથી તો દરેક આપણે એનું અહિત જ કરીએ છીએ, એના સાચા વિકાસના રોધક બનીએ છીએ એ વાત કરતાં નિર્મળા કહે છે.

‘વારસ તમારી લક્ષ્મીનું શું કરશે એ કોણ જાણે ? લક્ષ્મી એના દિલને શેતાનનું ઘર નહિ બનાવે એનો શો ભરોસો ? હાથપગ લઈ આવનારને શા માટે મોજશોખનાં સાધનો આપી ઉચ્છંખલ, પરાધીન, પરજીવી ને અપંગ બનાવવો ? જે પોતાની લક્ષ્મીનો પોતાને હાથે ઉપયોગ કરી શકે છે, એને વારસની ચિંતા કદી સતાવી શકતી નથી. વિમળશાહે નખ્ખોદનું વરદાન માગ્યું હતું એ જાણો છો ને ? વારસ વગરનો પુરુષ વિશ્વપુરુષ બની જાય છે.’ (પૃ. ૧૨૯)

આ જ વાત નવલકથામાં અન્યત્ર પણ લેખક દોહરાવે છે :

‘સંતાન એ તો મૂડીવાદી મનોભાવના છે. વિશ્વબંધુત્વની એ વિરોધી છે. આખરે તો જેમ બધી સરિતાઓ એક સાગરમાં સમાય તેમ આપણું અલગ અસ્તિત્વ વિશ્વસાગરમાં સમાવું જ જોઈએ ને આપણી ધનસંપત્તિ વિશ્વકોષમાં ભળી જવી જોઈએ, નહિ તો જગતમાં અનર્થ જન્મે,’ (પૃ. ૧૮૧).

લેખકના આ વિચારો જો સમાજમાં અમલમાં મુકાય તો ? સમાજના ઘણા બધા વેરઝેરનું મૂળ સંપત્તિની વારસાવ્યવસ્થામાં નથી શું ? વ્યક્તિના ઉપાર્જનને દેશની સંપત્તિમાં ભેળવી દેશના વિકાસના પંથે જો એનો ઉપયોગ થાય તો છેવટે કુટુંબ અને વારસોનો પણ એમાંથી વિકાસ થવાનો જ છે એ સત્ય આપણને સમજાય તો ?

નારીગરિમાના ગાયક-સર્જકનો રોષ પુરુષો સામે નહીં, એમની પશુતા સામે છે. તેથી નિર્મળા કહે છે : ‘અમને પુરુષો તરફ રોષ નથી. અમારા એ મિત્રો છે. એમની પશુતા સામે અમારો રોષ છે. એને અમે પૂરી કરીને જ જંપીશું.’ (પૃ. ૨૧૫). નિર્મળાનું આ વિધાન એનાં કર્મો દ્વારા એ સાચું કરીને બતાવે છે. ૪૫ વર્ષના લાલચંદ સાથે જ્યારે એનું લગ્ન થયું ત્યારે લાલચંદમાં માત્ર કામનાવૃત્તિ જ કેન્દ્રસ્થાને હતી. નિર્મળાના રૂપસૌંદર્યનો તે ભોગી ભ્રમર હતો. નિર્મળા લાલચંદની આ કામવાસનાને વશ થતી નથી. અર્થહીન અગ્નિ અને અર્થલોભી પુરોહિત દ્વારા ગોઠવાયેલા સંબંધોને લગ્નની પવિત્ર મહોર મારતી નથી. આમ છતાં આજની આધુનિક નારીની જેમ છૂટાછેડા દ્વારા અથવા ઓન્ય કોઈ રીતે પોતાને અણમાનતા પતિને એ ત્યજતી પણ નથી. એ તો એની સાથે જ રહે છે. એના શરીરની ભોગી બનીને નહીં, એના ઉદાત્ત આત્માની ખોજક બનીને. એમનું જીવન વિષયાંધતાની આંધળી ગલીમાં ભટકવાને બદલે વહાલપનું વિશ્રામસ્થાન બને છે. માનવતાનો, આધ્યાત્મિકતાનો શંખનાદ એમાં ગુંજે છે. વસિષ્ઠ અને અરુંધતીની જેમ એકબીજામાં ગૂંથાયેલ આ દંપતી સાચા અર્થમાં ‘સાથી જનમ જનમનાં’ બને છે. એટલું જ નહીં પણ લાલચંદ પોતાની સંપત્તિ સમાજ માટે વાપરી સાચો વિશ્વમાનવ પણ બને છે.

જયભિખ્ખુની અન્ય ઐતિહાસિક નવલોની જેમ આ નવલનું વસ્તુસંકલન સુસંબદ્ધ નથી. સમાજમાં સ્ત્રીનાં સ્થાન વિષેની પ્રકરણે પ્રકરણે થતી ચર્ચાઓ વાર્તાને કથળાવી પ્રચારાત્મક પણ બનાવે છે. આડકથાઓનો ઉપયોગ વાર્તાના ઘાટને સુરેખ રહેવા દેતો નથી. પાત્રો પણ કરવા કરતા કહે છે વધુ. નવલકથાના શિર્ષકના પ્રથમાર્ધને સિદ્ધ કરવા નવલકથાએ જેટલો ભાગ રોક્યો છે એટલો ભાગ શીર્ષકના ઉત્તરાર્ધને સિદ્ધ કરવા માટે લેખકને જાણે કે મળ્યો નથી. પહેલાં ખૂબ જ પથારો કરીને બેઠેલા લેખકને પછી પોતાની બાજી ઝડપથી સમેટી દેવામાં ઔચિત્ય લાગ્યું હોય તેમ અંત ખૂબ જ ઝડપથી આવે છે. નવલકથાની નાયિકા નિર્મળાના મુખમાં મુકાયેલા કેટલાક ક્રાંતિવાદી વિચારો પણ કદાચ લેખકે એને અશિક્ષિત નારી તરીકે નવલકથાના આરંભમાં બતાવી હોવાને કારણે કોઈને પ્રતીતિકર ન જણાય, પણ એ એટલું જ સાચું છે કે નિર્મળાએ શિક્ષણસંસ્થાઓમાં શિક્ષણ ન લીધું હોવા છતાં અનુભવની શાળામાં એ જીવનના આરંભકાળથી કસાઈ છે. એ પોતે કહે છે, ‘હું નવા જમાનાનું માનવી નથી, શાળા-કૉલેજ મેં જોયાં નથી, અનુભવોથી હું ઘડાયેલી છું. જગતને જેવું મેં જોયું – એવાં મે મારા નિર્ણયો લીધેલા છે.’ (પૃ. ૧૯૪). અને એ દૃષ્ટિએ એના પાત્રવિકાસમાં અનુચિતતા ભાગ્યે જ જણાય. પોતાના પ્રભાવશાળી અને અન્યને પોતાના પ્રતાપથી ડારતા વ્યક્તિત્વની બાબતમાં મુનશીની મંજરી કે શશીકલાની યાદ તાજી કરાવતી આ નાયિકા અમુક અંશે મુનશીના વિરોધથી આગળ જાય છે. મુનશીની નાયિકાઓ પોતાના પ્રભાવી વ્યક્તિત્ત્વથી પહેલાં પુરુષ ઉપર સરસાઈ મેળવે છે અને અંતે સ્વવ્યક્તિત્વને ગુમાવી પુરુષચરણે સર્વ સમર્પિત કરે છે, જ્યારે જયભિખ્ખુની આ નાયિકા છેવટ સુધી પોતાના પ્રભાવથી પુરુષ સમોવડી બની રહે છે.

શ્રી કુંદનિકા કાપડિયાએ ‘સાત પગલાં આકાશમાં’ નવલકથામાં નારીજીવનના વિવિધ પ્રશ્નોને જે કલાત્મકતાથી છણ્યાં છે, એના બીજાંકુર જયભિખ્ખુની આ નવલકથામાં મળે છે. અલબત્ત, અહીં કાચું સોનું છે. કલાકારની તેજાબી પ્રકાશધારામાં એ ભૂજાયું નથી એને જ કારણે વિચારષ્ટિએ ઉત્તમ કક્ષાની આ કૃતિ લેખકની કલાદૃષ્ટિની મધ્યમ બરની કૃતિ બની રહે છે.

સંસારસેતુ મહર્ષિ મેતારજ :

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી નવલકથાઓના સર્જક શ્રી જયભિખ્ખુની ‘સંસારસેતુ’ નવલકથા ‘મહર્ષિ મેતારજ’નું નવું નામકરણ છે. આ નવલકથામાં આર્ય મેતારજ અને વીર રોહિણેય એમ બંનેના જીવનપ્રસંગો વિસ્તૃત નિરૂપાયા હોઈ નામનું એકાંગીપણું દૂર કરીને લેખકે એને નવું નામ આપ્યું છે. સમાજમાં પ્રવર્તતા ઊંચ-નીચના જન્મજાત ભેદભાવોને હટાવી કર્મથી મહાન બનવાનો આદર્શ આપતી પ્રસ્તુત નવલકથાનું કથાવસ્તુ જેની ઉપર આધારિત છે એ મહર્ષિ મેતારજના ચરિત્ર વિષે ઇતિહાસમાં ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. મહર્ષિ મેતારાજ ભગવાન ઋષભદેવ કે કામવિજેતા સ્થૂલિભદ્રની જેમ ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ નથી. લેખક નિવેદનમાં જણાવે છે તેમ ‘ઇતિહાસનો એમનો બહુ ઓછો - નગણ્ય ટેકો છે ને જૈન સમાજમાં ય સમતાગુણ’ના દૃષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી.’ એકાદ-બે અધૂરી સજ્ઝાયો કે તૂટક-છૂટક માહિતી સિવાય લેખકને મેતારજ વિષે બહુ માહિતી મળઈ નથી છતાં જે કંઈ માહિતી એમને મળી એનું આકર્ષણ સર્જક ચિત્તને એવું થયું કે નવલકથા સર્જ્યા વિના તેઓ રહી શક્યા નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને પોતાના જીવન દરમિયાન ચરિતાર્થ કરી જાણનાર આ અત્યંજ મુનિના નાનકડા પણ રંગબેરંગી તથા તેજસ્વી જીવને પ્રસ્તુત નવલકથામાં શબ્દરૂપ ધર્યું છે.

આજથી અઢી હજાર વર્ષ પૂર્વેના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથાની કથાસૃષ્ટિ બે ધારામાં એકસાથે એકબીજામાં ભળીને વહે છે. એક ધારા છે રાજગૃહીના મેત યુગલ માતંગ-વિરૂપાના પુત્ર મેતારજની. જન્મ શૂદ્ર-ચાંડાલ એવા આ યુગલના વિચાર, વાણી અને વર્તનમાં એક અનોખી સંસ્કારિતા વિલસે છે. રાજગૃહીના રાજબગીચાનો રખેવાળ કલાવંત મયૂર માતંગ મંત્રવેત્તા હતો. ભાગ્યયોગે એને વિરૂપા જેવી શીલવતી અને ગુણવતી પત્ની મળી હતી. સ્વભાવે ચિંતનશીલ વિરૂપાએ રાજગૃહીમાં પ્રસરતા શ્રમણ ધર્મને પોતાની રીતે ઝીલ્યો હતો. એ માનતી હતી કે સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ અને સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. રાજગૃહીના ધનાઢ્ય શ્રેષ્ઠી ધનદત્તની યથાનામગુણ પત્ની દેવશ્રી સાથે એને સખીપણાં થયાં હતાં. પાંચ પાંચ વાર સંતાન મેળવીને ગુમાવી ચૂકેલી દેવશ્રીની આ છઠ્ઠી વારની અગ્નિપરીક્ષામાં જો એ અફળ નીવડે તો ધનદત્ત શેઠ નવું લગ્ન કરશે એ હકીકત જાણી સખીના દુઃખે દુઃખી વિરૂપાએ સખીપદના ગૌરવને ઉજાળવા પોતાને થનાર પ્રથમ સંતાન સખીને સોંપી દેવાનું વચન આપ્યું. યથાસમયે દેવશ્રીને ત્યાં પુત્રી અને વિરૂપાને પુત્ર જન્મતાં સંતાનની અદલાબદલી બહું જ છૂપી રીતે થઈ ગઈ.

પુત્રઝંખના માટે ઉત્સુક માતંગ પુત્રી જન્મથી નિરાશ બન્યો. બીજી બાજુ ધનદત્ત શેઠને ત્યાં પુત્રજન્મનો અનેરો ઉત્સવ ઊજવાયો. વિરૂપાની પુત્રી છ જ દિવસમાં મૃત્યુ પામી. દેવશ્રીનો પુત્ર પૂનમના ચાંદની જેમ વધતો ગયો. દેવશ્રી સખીના ઋણને વીસરી નહોતી એથી જ નામકરણ સમયે અનેકોની મના છતાં એ વિરૂપાને બોલાવે છે અને એના જ હાથે પુત્રનું નામકરણ કરાવે છે.

અન્યના સુખ કાજે સ્વસંતાનને સોંપ્યા પછી વિરૂપાની વેદના વધી જાય છે. પુત્રદર્શન માટે એનું હૃદય તરફડી ઊઠે છે. જ્યારે દેવશ્રીને ત્યાંથી એને પુત્રના નામકરણ માટે નોંતરું મળે છે અને એ પુત્રનું ‘મેતાર્ય’ એવું નામ પાડી અને પોતાના હાથમાં હિંચોળે છે એ સમયની માતૃવાત્સલ્યથી યુક્ત વિરૂપાની લેખકના કૅમેરામાં ઝડપાયેલી આ તસ્વીર વિસરાય એવી છે શું ? વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી, ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ ઉપર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુક મૃદંગ પર કોઈ સંગીતનિપુણ કિન્નરીએ થાપ મારી ! એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્ય હતો, પણ એણે વિરૂપાના દિલમાં એક પ્રચંડ ઘોષ મચાવી મૂક્યો.’ (પૃ. ૩૯).

યુવાન થયેલા પુત્રની શૂરવીરતા, રૂપશાલીનતા, બુદ્ધિચાતુર્ય સર્વ કાંઈ વિરૂપાને મનોમન ઘેલી બનાવે છે. રોહિણેય સામે લડતાં ઘવાયેલા પુત્રની સારવાર કરતાં જે રહસ્ય એના હોઠો પર ક્યારે ય લાવવાનું નથી એ રહસ્ય સ્ફૂટ થઈ જાય છે. ખરે ટાણે આવેલી દાસી નંદા બાજીને સાચવી લે છે પણ પુત્રના લગ્ન ટાણે તો એક દિવસ હૃદયનું આ રહસ્ય મુખ દ્વારા પુત્ર સમક્ષ પોતે એની સાચી મા છે એવું વિરૂપાએ કહી તો દીધું પણ એ જ ક્ષણે આ રહસ્યસ્ફોટન અનર્થકારી બનશે એનો ખ્યાલ આવતાં જ પુત્ર પાસે એ રહસ્યને રહસ્ય જ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. વિરૂપાના પ્રેમમાં નબળાઈ નહોતી, કીર્તિલોભ કે અર્થલોભ નહોતો. એણે તો પોતાની વાડી ઉજ્જડ બનાવી ધનદત્ત-દેવશ્રીના બાગમાં અમૂલ્ય છોડ વાવ્યો હતો. એનું આ શૌર્ય ઓછું નહોતું. શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂંખાર જંગ ખેલતા યોદ્ધા કરતાં પોતાના વાત્સલ્યથી ભર્યા હૃદય સામેનો એનો આ જંગ અનેક ગણો મોટો હતો. લેખકે વિરૂપાના માતૃહૃદયને નવલકથામાં મન મૂકીને મ્હોરાવ્યું છે. માનવ માત્રના ઐક્યનો અમૂલો પાઠ આપતી વિરૂપાનું પ્રેમની વેદી ઉપર જે આત્મસમર્પણ લેખકે નિરૂપ્યું છે તે ખરેખર અનન્ય છે. પ્રતિપ્રેમની દિવાની આ વિરૂપા એક વખત માનવસહજ આવેશમાં આવીને ‘મેતાર્ય પોતાનો પુત્ર છે’ એવું રહસ્યસ્ફોટન માતંગ સમક્ષ કરે છે ત્યારે હરખઘેલો માતંગ મેતાર્યની વરયાત્રાના પ્રસંગે અણછાજતી રીતે રહસ્યસ્ફોટન કરી દે છે. એને કારણે અનેક અનર્થો સર્જાય છે. વિરૂપા અને દેવશ્રી મૃત્યુ પામે છે. લગ્નપ્રસંગ અધૂરો રહે છે. છેવટે મહામંત્રી અભયની દરમિયાનગીરીથી મેતાર્યનાં લગ્ન થાય છે.

ધનદત્તના આંગણે પોષાયેલા મેતાર્યનું પાત્રચિત્ર પણ જયભિખ્ખુના હાઠે ઠીક ઠીક વિકસ્યું છે. ભણવામાં તેજસ્વી એવા આ નવયુવાન મહામંત્રી અભયની મિત્રાચારી ગુણોને કારણે જ પ્રાપ્ત કરે છે. જન્મથી શૂદ્ર એવા લોકો તરફ એને કોઈ તિરસ્કાર નથી. જ્યારે પોતે પણ મેત જ્ઞાતિનો છે એવું વિરૂપા પાસેથી જાણે છે ત્યારે પણ એને આઘાત લાગતો નથી. ઊલટું પછીની જિંદગીમાં એ મેત લોકોની જીવનસુધારણા માટે સતત મથે છે. એની પાસે સાચી નરપરીક્ષાની દૃષ્ટિ છે. એટલે જ રોહિણેયને બદલે એનો વફાદાર સાથી કેપૂર પકડાય છે. એને ભયાનક શિક્ષા કરવાનું મહામંત્રી વિચારે છે ત્યારે પણ તે તો આમ જ કહે છે, ‘મંત્રીરાજ ! આવા નરને તો મગધના સેનાપતિનો હોદ્દો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી !’ (પૃ. ૧પ૯)

ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થોને પોતાના જીવનમાં સમતાથી જીતનાર મેતાર્ય સંસારત્યાગની વૃત્તિ અનેકવાર અનુભવે છે. વૈરાગ્યભાવ એના મનમાં ઊગી ઊગીને આથમે છે. અને એક વખત કમળકેદમાં છુપાયેલા ભ્રમરની કેદ ખૂલી જાય છે. સંસાર ત્યાગીને ‘મહર્ષિ મેતારજ’ બનીને નીકળી પડેલ આ શૂદ્ર મુનિ છેવટે જ્ઞાન પ્રાપ્ત કરે છે.

કથાના આ દોરની સાથે જ વણાઈને ચાલે છે રાજગૃહીના મહાચોર રોહિણયની કથા. મેતારજની જેમ શૂદ્ર જાતિમાં જન્મેલ આ રોહિણેય અખૂટ શારીરિક તાકાત, તીવ્ર બુદ્ધિપ્રતિભા, અજેય સ્વસ્થતા અને અપૂર્વ પરાક્રમશીલતા ધરાવે છે. જ્ઞાતિ-જાતિનાં બંધનોમાંથી ભેટ મળેલી જન્મજાત શૂદ્રતા એને કઠે છે. પરાક્રમની બાબતમાં પોતે મગધના રાજવીથી સહેજ પણ ઊતરતો ન હોવા છતાં કે પોતાના શૂરવીર સાથીદારો સહેજ પણ ઊણા ન હોવા છતાં શા માટે રાજગૃહિમાં પોતાનું સ્થાન હીણું ? પોતે શૂદ્ર જાતિમાં જન્મ્યો એમાં પોતાનો શો વાંક ? માણસ શું જન્મથી ઊંચનીચ હોય છે ? એનો આક્રોશ પોતાના સૈનિકો સમક્ષ આવી રીતે વ્યક્ત થાય છે : ‘મગધના કયા સૈનિકોથી તમે ઓછા ધનુર્ધરો છો ? કયા વીરથી તમે ઓછા પરાક્રમી છો ? શા માટે તમે લૂંટારા અને તેઓ કીર્તિવાન સૈનિકો ? બંનેનું પોષણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ કાયદાને જોરે પ્રજાને લૂંટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ. પછી શા માટે હીન ? તમે નીચા ? બ્રાહ્મણો ને ક્ષત્રિયો કેમ મોટા ?’ (પૃ. ૧૪૯)

આ જ કારણે રાજગૃહીની લૂંટ દરમિયાન અખૂટ ધનસંપત્તિ મેળવ્યા છતાં પણ રાજગૃહીના સિંહાસન ઉપર બેસવા તેને નથી મળ્યું એનો રંજ એને રહી જાય છે. કારણ કે એની ઝંખના આટલી જ હતી, ‘મારે તો ભવોભવના હિણાએલાઓનું રાજ માંડવું હતું. કાલે મારો કોઈ સમોવડિયો એથી અદકું પરાક્રમ કરી બતાવત. જેનો પછડાયો લેવામાં પાપ લેખાય છે, એવો મારો જ કોઈ ભાઈ એના સિંહાસન પર બેસીને હકૂમત ચલાવત.’ (પૃ. ૧૪૯)

રોહિણેયના મનમાં શૂદ્રોનું કલ્યાણરાજ્ય બનાવવાની ભવ્ય કલ્પના હતી. પણ આ રાજ્ય એને મેળવવું હતું લૂંટમારથી, દાદાગીરીથી, જીવહિંસાથી, રાજગૃહિમાં એક વખત જ્ઞાતપુત્રના ઉપદેશના થોડાં વચનો અનિચ્છાએ એના કાનમાં પડવાને કારણે એનું જીવનનાવ નવી જ દિશા તરફ ગતિ કરે છે. પોતાના સર્વ અપરાધોની ક્ષમા માગી એ દીક્ષા ગ્રહણ કરે છે.

ભગવાન મહાવીરની યુવતીના કાળનાં સમય, વાતાવરણ અને કથાવસ્તુ નિરૂપતી આ નવલકથા ઐતિહાસિક પ્રસંગોએ લેખકચિત્તમાં વર્તમાનકાળે ઉપયોગી એવા નવક્રાંતિના અનેક તેજસ્કુલ્લિંગો જન્માવ્યા છે. આ નવલકથા દ્વારા લેખકને સૂચવવું એ છે કે —

જે યુગમાં માનવીમાત્રને મન કંઈ કરી છૂટવાની તમન્ના હોય, અન્યને માટે સમર્પણની ભાવના હોય એ યુગ જ મહાન થઈ શકે છે.

સંસારમાં દ્રવ્ય, સત્તા કે કીર્તિ અગત્યનાં નથી. માનવી માનવી માટે મરવું, અન્યના કલ્યાણ અર્થે સ્વહિતનો ત્યાગ કરવો એવી જે ભાવના એ જ સાચો ધર્મ.

વળી પ્રસ્તુત નવલકથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત દંભી મોટાઈને મટાડવાનો પ્રયત્ન પણ પોતાની રીતે કરે છે.

‘હરિ કો ભજે સો હરિ કા હોય’ એ આદર્શ આ નવલકથાસર્જન સમયે લેખકચિત્તમાં જણાય છે.

માણસની પંથ, પક્ષ કે જાતિ વગરની માણસ તરીકેની યોગ્યતા, મહાનતા લેખકને દર્શાવવી છે.

નવલકથામાં નાયકપદે મેતરાજ છે છતાં એનું જીવન અલ્પ પ્રમાણમાં મળ્યું હોવાથી ઘણીવાર એનું નાયકપદ ‘વિક્રમાદિત્ય હેમુ’ માંના હેમુની જેમ ઝાંખુ પડતું જણાય છે. છતાં નવલકથામાં બધે એના જીવનસૂરનો તંતુ તો ચાલ્યો જ આવે છે જે વાતાવરણને એકસૂત્રતા બક્ષે છે. નાયકની જેમ નાયિકાસ્થાને તો કોઈ સ્થિર ચરિત્ર જ મળતું નથી છતાંય વાત્સલ્યની અનુપમ મૂર્તિ સમર્પણની ધારા સમાન મેત-રાણી વિરૂપા તથા વિરૂપાના ગુણને જાણી સમાજની નિંદાની પરવા કર્યા સિવાય એને હૃદયથી ચાહતી શેઠાણી દેવશ્રી બંનેનાં ચરિત્ર લેખકની કલાસૂઝનાં પુરસ્કરણીય પુરાવા બની રહે છે. આ ઉપરાંત સમાજશિક્ષિકાનું ગૌરવયુક્ત પદ સાર્થ કરતી ગણિતા દેવદત્તા, પોતાના બત્રીસેય પુત્રોને રાજસેવામાં સમર્પિત કરી ધર્મને સાચા અર્થમાં પચાવતી સુલસા, મૂર્તિમંત ધર્મધારા સમાન રાજરાણી ચેલ્લણા પણ યથોચિત ઠીક ઊપસ્યાં છે.

શ્રી અનંતરાય રાવળને આ નવલકથાની પાત્રસૃષ્ટિમાં સૌથી વધારે આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં લાગ્યાં છે. એમના મતે ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે હશે. નવલકથાની આ પાત્રસૃષ્ટિની કેટલીક મર્યાદાઓ પણ છે. કેટલેક સ્થળે પાત્રો એકાંગી ઊર્મિઓનાં કે તત્ત્વોનાં પ્રાણવંત છતાં આદર્શીકૃત એકવિધતાભરેલા બીબાં જેવાં કૃત્રિમ બની ગયાં છે અને એને લીધે કથામાં જે તરલતા તેમ જ માનવચિત્તની વિવિધ રંગછાયાઓ ઊપસવી જોઈએ એ ઊપસી શકી નથી. મહાઅમાત્ય, દેવદત્તા, મહારાજ બિંબિસાર, મહારાણી ચેલ્લણા જેવાં પાત્રોના રંગો મોહક છે છતાં તેમાં સજીવન વિકાસ જેવું નથી. અમુક ગુણના એ જાણે કે ચોક્કસ બીબાં બની ગયાં હોય તેવું નિરૂપણ લેખક-હાથે થયું છે.

વાર્તાનું વસ્તુ ઓછું હોવાથી એનું ગૂંફન જોઈને એવી સુબદ્ધ રીતે થયું નથી. વસ્તુગૂંથણીમાં એકસરખી ઘનતા, વણાટની ઘટ્ટતા જોવા મળતી નથી. આમ છતાં રોહિણેયનાં પરાક્રમો ઉપરાંત, વિરૂપાના અપત્ય પ્રેમમાં તેમ જ મેતારજની વરયાત્રાના જ પ્રસંગે કથા રસદૃષ્ટિએ ઊંચી તીવ્રતા સાધે છે. કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગો જેવા કે ‘પરભૃતિકા’, ‘કીર્તિ અને કાંચન’, ‘જગતનું ઘેલું પ્રાણી મા’, ‘જ્ઞાતપુત્રને ચરણે’, ‘પ્રેમની વેદી પર’, ‘સ્વર્ગલોકમાં’ જોવા મળએ છે. આ પ્રસંગોને નિરૂપતા લેખક ઉત્તમ ઊર્મિકવિતાની છટાઓ વ્યક્ત કરી શક્યા છે અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.

લેખકની શૈલી ‘કામવિજેતા’માં કે ‘ભગવાન ઋષભદેવ’, ‘દિલ્હીશ્વર’ વગેરેમાં જેવી સુચારુ કે અસરકારક બની છે એટલી ઊંચી કોટિ અહીં સર થતી નથી. ઘણે સ્થળે સંસ્કૃત શબ્દોના ભારણથી મેદયુક્ત નિર્બળતાવાળી પણ બની ગઈ છે. વ્યક્તિ, સ્થળ કે પ્રકૃતિના સુરેખ, ચિત્તાકર્ષક અને રમણીય વર્ણનો અહીં સાવ જ મળતાં નથી એવું નથી પણ અલંકારોની એક આવલિ રચાતી આવતી હોય, કલ્પનાનો એક રમણીય લોક ખાડો થતો હોય એવું અહીં ઓછું જ છે. આમ છતાં – પવન પર ચઢીને જતા તણખાની જેમ એ નગરના મધ્યચોકમાં પહોંચ્યો, આ દૃષ્ટાંત (પૃ. ૮૯)

રોઈ રોઈને રાતા કરેલાં પ્રિયાનાં નયન સમો સૂર્ય અસ્તાચળ પાછળ હડસેલાતો હતો - ઉપમા (પૃ. ૧૩૩)

પ્રભાતના સૂરજ સમુ લલાટ - ઉપમા (પૃ. ૧૩૪)

વદન પર ક્ષુધાની હજારો જોગણીઓ હીંચ લઈ રહી હતી. - રૂપક (પૃ. ૧૩૭)

મૂઠી બાકળામાં તો મેં લંકા લૂંટી. (પૃ. ૧૪૨)

મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાંય શરદના મેઘની જેમ અદૃશ્ય થયા છતાં. - દૃષ્ટાંત (પૃ. ૧૪૩)

ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તરુને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. (પૃ. ૧૭૬)

વગેરેમાંથી અલંકારસૃષ્ટિ, કલ્પના કૃતિને યથાશક્ય રમણીય બનાવે છે. અને શૈલી જ્યાં સંયત રહે છે ત્યાં સરસ ઘાટ પામે છે.

ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક સુંદર ચિત્ર વર્તમાનકાળે દર્શાવી લેખક આજે પણ જન્મજાત ઊંચનીચના ભેદભાવમાં રચ્યાપચ્યા રહેતા ભારતીય સમાજને ‘માણસ જન્મથી નહીં કર્મથી ઊંચો છે’ એ સંદેશ કલાત્મક ઢબે આ નવલકથા દ્વારા આપે છે. કવિતાની કક્ષાએ પહોંચતા રંગદર્શી આલેખનથી યુક્ત આ નવલકથા ભાવકચિત્ત ઉપર એક રમણીય અને આહ્‌લાદક આનંદની અનુભૂતિ ચિરંજીવ બનાવે છે.

શત્રુ કે અજાતશત્રુ :

‘નરકેસરી’ના અનુસંધાનમાં આગળ વધતી તથા ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીના પ્રજાતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેના સંઘર્ષને નિરૂપતી આ નવલકથા શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં આગવી ભાત પાડે છે. ભારતમાં એ સમયે મુખ્યત્વે બે પ્રકારની રાજ-શાસનપદ્ધતિઓ પ્રચલિત હતી. એક તે ગણશાસન પદ્ધતિ અને બીજી સામ્રાજ્યશાસન પદ્ધતિ. એ સમયે ભારતમાં ૧૬ મહાજનપદ જાણીતા હતાં. એમાં અંગ-મગધ-કાશી-કોશલ-વજ્જિ-મલ્લચેદિ-વત્સ-કરુ-પંચાલ-મસ્ય-શૂરસેન-અશ્મક-અવન્તી-ગાંધાર-કંબોજ વગેરે મુખ્યત્વે જાતિવાચક નામથી પ્રસિદ્ધ થયા હતા. એ સમયે આ બધાં રાજ્યો સર્વતંત્ર સ્વતંત્ર જેવાં હતાં. સ્વતંત્રતાનું સહુને અભિમાન પણ હતું. આ રાજ્યો પરસ્પર પ્રેમ અને યુદ્ધો પણ કરતાં. તેમાંના કેટલાક જેઓ શક્તિશાળી હતા તેઓ બીજાને ગળી જવાનો પ્રયત્ન પણ કરતા. પણ કોઈ રાજ્ય એટલું શક્તિશાળી નહોતું જે બીજાં રાષ્ટ્રોને પરાધીન કરીને સાર્વભૌમ બની શકે.

બધાં ગણરાજ્યોમાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીનાં પ્રજાતંત્ર વિશેષ જાણીતાં હતાં. વિદેહ-લિચ્છવી એકમેકમાં ભળીને વૃજ્જિ તરીકે ઓળખતાં હતાં. શાક્ય અને વૃજ્જિ પ્રજાતંત્રે એ સમયે સહુનું લક્ષ્ય ખેંચ્યું હતું એનું કારણ હતું શાક્ય દેશમાં જન્મ લેનાર ભગવાન બુદ્ધ અને વૃજ્જિ પ્રજાતંત્રમાં જન્મનાર ભગવાન મહાવીર. બંને પ્રજાતંત્રોની પ્રસિદ્ધિમાં આ બંને વિભૂતિઓનો ફાળો મોટો હતો.

વૈશાલી વૃજ્જિઓના પ્રજાતંત્રની રાજધાની હતું અને ભિન્ન ભિન્ન બળવાન ગણજાતિઓના મિલનથી સંયુક્ત ગણરાજ્ય બન્યું હતું. લિચ્છવી લોકોની રાજપ્રણાલી એવી હતી કે તેઓ રાજ્યમાંથી ત્રણ પુરુષોને પસંદ કરતા ને રાજ્યની લગામ તેમને સોંપી દેતા.

લિચ્છવીઓની એક મહાસભા હતી જે ગ્રંથાગારમાં મળતી, જેમાં જુવાન ને વૃદ્ધ ભેગા થતાં ને એકમતથી રાજકારોબાર ચલાવતા. આ મહાસભામાં પ્રત્યેક કુળના વડીલ આ પ્રતિનિધિ-સભ્યને ચૂંટવામાં આવતો એ ‘રાજા’ કહેવાતો. આવા રાજાઓની સંખ્યા ૭૭૦૭ની હતી. આ રાજાઓ મહાસભામાં એકત્ર થઈ કાયદા રચતા, તેમ જ વેપાર અને તેના વિષે વિચાર કરતા. આ મહાસભા પોતાના સભ્યોમાંથી નવ સભ્યોને ચૂંટતી, તેઓ ‘ગણરાજ’ કહેવાતા અને તમામ કાર્ય પર દેખરેખ રાખતા.

આ પ્રજાતંત્રમાં રાજ્યની તમામ વ્યક્તિઓ શાસનકાર્યમાં ભાગ લેતી. સમગ્ર પ્રજાના અધિકાર સમાન લેખવામાં આવતા. તમામ પ્રજાજનો પૂરતી રીતે પોતે ઘડેલા નિયમો પાળતા. આ લોકો સ્વીકારતા કે ગણશાસનનું મૂળ શમ છે – શાન્તિ છે. માત્ર સૈનિકોના પરાક્રમથી ગણશાસનનો આદર્શ સિદ્ધ થતો નથી. વળી તેઓ એ પણ સ્વીકારતા કે ગણશાસનમાં સદાકાળ એક વ્યક્તિ સર્વોપરી ન હોઈ શકે. વર્ણ, જાતિ, જન્મ કે કુલની બાબતમાં સર્વ સમાન હતા. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અહિંસા, સત્ય વગેરે પંચશીલ માટે આ ભૂમિ બહુ અનુકૂળ હતી. પ્રજાતંત્રના લોકો અહિંસા પર શ્રદ્ધા રાખતા, સાથે પોતાની વીરતા માટે અભિમાન રાખતા ને હારવાને બદલે મારવાનું વધુ પસંદ કરતા.

આ પ્રજાતંત્રો અને તેની બળવાન પ્રજા કોઈ રીતે વશ થાય તેમ નહોતા તેથી તેઓનો નાશ કૂટનીતિ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રજાતંત્રો કોઈ રીતે તૂટે તેમ ન હોવાનો અનુભવ થવાથી અજાતશત્રુએ પ્રતિજ્ઞા કરી કે હું આ લોકોને અનીતિમાર્ગમાં ફસાવી દઈશ, તેઓમાં કુસંપ કરાવીશ, ગુપ્તચરો દ્વારા એમનામાં ભેદ કરાવીશ - પછી જોઉં છું કે તેઓ કેમ વશ થતા નથી ?

પ્રજાતંત્ર રાજ્યોની મૂળ તાકાત એમની એકતામાં હતી. આપસમાં કુસંપ થવાથી એ શક્તિ નષ્ટ થઈ. ગુપ્તચરો, ગણિકાઓ અને વેશ્યાઓએ એમાં ખૂબ સાથ આપ્યો. વિલાસે એની જડ ઢીલી કરી નાખી. ગણતંત્રોને તોડવાનું કામ મગધનાજ અજાતશત્રુ અને તેના કૂટનીતિજ્ઞ મંત્રી વર્ષકારે શરૂ કર્યું અને એનો પૂરેપૂરો નાશ સમ્રાટ ચંદ્રગુપ્ત અને એના મહાકૂટનીતિજ્ઞ મહાઅમાત્ય ચાણક્યે કર્યો.

જયભિખ્ખુની ‘શત્રુ કે અજાતશત્રુ’ નવલકથાના આલેખનને તપાસતા પહેલાં આટલી ઇતિહાસભૂમિકા રજૂ કરવી એટલા માટે અનિવાર્ય લાગે છે કે લેખકનાં વિષયવસ્તુની ચોકસાઈ તથા માર્મિકતા પામવા માટે એ તમામ સામગ્રી સહાયભૂત બની રહે એમ છે. ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથા પાત્રપ્રસંગના આલેખનમાં તેના સમયના વાતાવરણને લક્ષમાં રાખીને એટલી હદે નવલકથામાં કલ્પનાતત્ત્વ ઉમેરે છે અને એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને કેટલો ઉપકારક થાય છે, એનો મહિમા તપાસી શકાય એ હેતુથી આ ઇતિહાસભૂમિકા રજૂ કરવી જરૂરી લાગી છે. પ્રસ્તુત નવલકથાની કથા આરંભાય છે ત્યારે મગધ, કોશલ, અવન્તિ વગેરે રાજાઓ આજના અર્થમાં રાજા બનવા પ્રયત્ન કરી રહ્યા હતા. પહેલા તો અપરાધીને દંડ દેવા સિવાય અને પરાક્રમ સામે લડવા જવા સિવાય બીજી કોઈ ખાસ સત્તા એમની પાસે નહોતી. પણ હવે તેઓ બળ અને એકહથ્થુ સત્તાના લોભી થતા જતા હતા. બીજાં રાજ્યોને જીતી ચક્રવર્તીપદ હાંસલ કરવાની ઝંખના તેમનામાં જાગી હતી અને એને કારણે તેઓ ઝઘડાખોર બન્યા હતા, ને લડવા માટે નાનાં-મોટાં બહાનાં શોધતા હતા. આ બધા માટે વૈશાલીનું ગણતંત્ર મોટી આડખીલીરૂપ હતું, ને એના વિજય વિના ચક્રવર્તીપદનું સ્વપ્ન પણ અશક્ય હતું. વૈશાલીનો પ્રભાવ તોડવા માટે ભગવાન મહાવીર અને બુદ્ધનો પ્રભાવ પણ ઓછો કરવાની આવશ્યકતા હતી.

નવલકથાનો ઉઘાડ થાય છે. રાજા બિંબિસારના પુત્ર અશોકચંદ્ર દ્વારા રાજા બિંબિસારને ગણતંત્રો તરફ સહાનુભૂતિભર્યું વલણ દાખવવા બદલ કેદમાં નાખવાના પ્રસંગથી. વૃદ્ધ રાજા કારાગારમાં પમ દુઃખી નથી. ચાર વિશી જેટલી ઉંમર થવા આવી હોવા છતાં હજી બે વીશી કાઢે એટલી તાકાત એના પૌરુષભર્યા દેહમાં હતી. તે આત્માની મહત્તામાં માનતો, વાણીના સ્વાતંત્ર્યમાં માનતો, મગધના સામ્રાજ્યવાદી રાજ્યતંત્રમાં ગણતંત્રના કેટલાક સારા અંશોને ભેળવી નમૂનેદાર આદર્શ રાજ્ય સ્થાપવાની તેની ઝંખના હતી પણ એના દીકરા અશોકચંદ્રને લાગ્યું કે બાપ જો ગણતંત્ર સ્થાપશે તો પોતાનું યુવરાજપદ જશે. પોતે દેશનો સ્વામી મટી રસ્તાનો ભિખારી થશે અને એટલે જ એણે સામ્રાજ્યવાદી પરંપરાના પક્ષકાર મહાભિખ્ખુ દેવદત્ત અને મહામંત્રી વર્ષકારની સહાયથી બિંબિસારને કેદમાં નાખ્યો, એટલું જ નહીં પણ રોજ કોરડા મારવાની સજા પણ કરી.

બિંબિસારની રાણી અને વૈશાલીના ચેદિરાજની પુત્રી ચેલા જ્યારે પતિને મળવા કારાગારમાં આવી ત્યારે પુત્ર દ્વારા થયેલી પતિની અવદશા નિહાળી તેને ખૂબ દુ:ખ થયું. હૃદયથી ભાવનાશાળી અને ભોળા પણ મહાભિખ્ખુ દેવદત્ત અને વર્ષકારથી પ્રભાવિત અશોકના હૃદયમાં રહેલા પિતૃપ્રેમને તેણે પોતાનો ભૂતકાળ ખોલીને જગાડ્યો. અશોકે જ્યારે કારાગૃહમાં જઈ પિતાને મુક્ત કરવા ઝંખ્યુ એ જ સમયે પુત્ર પોતાનો વધ કરવા આવ્યો માનીને પોતાના વધથી પુત્રને લાગનાર કલંકમાંથી બચાવવા અને સાચા અર્થમાં અહિંસા અને પ્રેમના અર્કને અન્ય સુધી પહોંચાડવા મહારાજ બિંબિસારે આત્મસમર્પણ કર્યું. પોતાની પાસે રહેલી વીંટીમાંથી હીરાને ચૂસીને મૃત્યુ નોંતરી લીધું. મરતી વખતે એના મનહૃદયમાં એક જ ઝંખના હતી ‘આજ હું દેહનું દાન આપીશ, પ્રેમનો મંત્ર આપીશ, નહિ ચઢવા દઉં કલંક નવા મગધપતિને માથે, મગધના મહામંત્રીને માથે કે મહાભિખ્ખુ દેવદત્તને માથે !’ (. ૧૨૬, ભા.૧)

પિતાને કારાગારમાંથી મુક્ત કરી ફરી સિંહાસનરૂઢ કરવા આવેલા અશોકને પિતૃમૃત્યુનું દુઃખ બેચેન બનાવે છે. વેદનાના સાગરમાં અટવાતા રાજવીને વેરના વમળોમાં ફંગોળવાનું કામ કરે છે રાણી પદ્મા. રાજા બિંબિસારે પોતાના બે પુત્ર હલ્લ-વિહલ્લને ભેટ આપેલા કીમતી હાથી સેચનક અને હાર રાણીએ પાછા માગતા રાજકુમારોએ એને આપવાનો ઇન્કાર કર્યો. આ ઘટનાને પોતાનું અપમાન લેખાવી એનો બદલો લેવા તે અશોકને ઉત્તેજે છે.

પોતાના મોસાળ વૈશાલીના રસ્તે વળેલા બંને રાજકુમારને પકડવા માણસો મોકલાય છે પણ રાજકુમારો પાછું વળવું ઉચિત ગણતા નથી. તેઓ વૈશાલી પહોંચે છે ત્યારે વૈશાલીમાં સંદેશો મોકલાય છે કે હલ્લ-વિહલ્લ મગધના ગુનેગારો હોવાથી એમને તાકીદે મગધને સોંપી દેવામાં આવે. વૈશાલીની ગણસભા સર્વાનુમતે નક્કી કરે છે કે હલ્લ-વિહલ્લનું આ મોસાળ છે એટલે અહીં વસવાને એમને હક્ક છે. એમને એમની ઇચ્છા વિરુદ્ધ પાછા સોંપાશે નહીં. બંને રાજકુમારોને વૈશાલી પોતાનું નાગરિકત્વ આપે છે.

પોતાના અપરાધીને વૈશાલીએ પાછા ન સોંપ્યા એ મુદ્દા ઉપર મગધ વૈશાલી સામે યુદ્ધે ચઢે છે ત્યારે આ યુદ્ધ પોતાને કારણે સર્જાયું હોવાનું જણાવી હલ્લ-વિહલ્લ એકલા હાથે લડે છે અને મગધને પીછેહઠ કરવાની ફરજ પાડે છે.

હલ્લ-વિહલ્લને વિજય અપાવવામાં ગજરાજ સેચનકનો ફાળો સૌથી વધારે હોવાથી વૈશાલીમાં સેચનક સૌનો પ્રિય બને છે. મગધના ષડયંત્રને પરિણામે વૈશાલી વતી લડતા એક વખત તેનું મૃત્યુ થાય છે. હલ્લ-વિહલ્લને બચાવવા સેચનકે કરેલા આત્મસમર્પણનો પ્રસંગ નવલકથામાં રસપ્રદ રૂપે નિરૂપાયો છે.

વૈશાલી સામેના શૌર્યયુદ્ધમાં વારંવાર મળતા પરાજયને કારણે મગધની કુટિલ રાજનીતિએ ષડયંત્રનો આશ્રય લેવાનું શરૂ કર્યું. એના પ્રથમ પગલા તરીકે મહામંત્રી વર્ષકાર વૈશાલીમાં પધારેલા તથાગતના દર્શને આવ્યા. વૈશાલીના ભોળા લોકોને માટે દુશ્મન રાજ્યના મહામંત્રીનું આગમન એક આશ્ચર્યકારક ઘટના હતી, છતાં વર્ષકારના આગમનને એમણે અંતરના ઉમંગથી આવકાર્યું. તેઓ કહેતા હતા, ‘વૈશાલીનું ગણતંત્ર વેરીને વધુ આદરમાન આપે છે, જો જો, વર્ષકારનું સંથાગારમાં સ્વાગત કરશે ! વૈશાલી ક્યાં કોઈથી ડરે છે.’ (પૃ. ૧૮૭, ભા. ૧) એમનો આ વધુ પડતો આત્મવિશ્વાસ અને એમાંથી દુશ્મનદળના પ્રતિનિધિને અપાયેલું બહુમાન એ વૈશાલીના પતન માટેની પહેલી ભૂલ હતી.

વૈશાલીમાં એકએકને આંટે એવા વીરો હતા પણ એમનામાં મગધ જેવી કૂટનીતિ નહોતી. તેઓ શાંતિમાં માનતા, અહિંસાના પૂજારી હતા. ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશ પછી યુદ્ધને ત્યજી પ્રેમના રસિયા બન્યા હતા. વૈશાલીની આ માન્યતાઓનો અવળો ઉપયોગ વર્ષકારે મગધને જિતાડવા માટે કરવાનું નક્કી કર્યું. વૈશાલીથી નીકળતા વૈશાલીની પ્રજાનો જે રીતે એણે આભાર માન્યો, એની સંસ્કૃતિને જે રીતે બિરદાવી એથી ગણતંત્રના લોકો ખરેખર ગાંડા થઈ ગયા. તેઓ છડેચોક પોતાની સંસ્કૃતિના વખાણ કરવા લાગ્યા.

ધ્યેયસિદ્ધનું પ્રથમ સોપાન સર કરી મગધમાં પાછા વળેલા વર્ષકારે વૈશાલી સામે કુટિલ નીતિયુદ્ધ આદરવા માટે મંત્રણા યોજી. છેવટે દેવદત્ત, રાજા અજાતશત્રુ અને મગધપ્રિયા સાથેની મંત્રણા બાદ વૈશાલીના સર્વનાશ માટેની યોજના તૈયાર કરાઈ. એ માટે વૈશાલીના જાણીતા લોકસેવક વેલાકૂલ જેમની પ્રજા ઉપર સારી એવી પકડ હતી એને વશ કરવાનું કામ મગધપ્રિયાને સોંપાયું. જવી મગધપ્રિયાને મહામંત્રી વર્ષકારે કહ્યું, “મગધપ્રિયે ! મુનિ વેલાકૂલને તારી રૂપજ્યોતિનું પતંગિયું બનાવી દેજે. એમની પાસે ગણતંત્રના કાયદાઓના મનમાન્યા અર્થ કરાવજે. પૂર્વપુરુષોનાં ચરિત્રોની તેમના ચરિત્ર સાથે સરખામણી કરીને એ ચરિત્રોને અલ્પ દર્શાવજે ! શ્રદ્ધાનું મૂળ, જે કોઈપણ રાજકીય કે ધાર્મિક એકતાનું મૂળ છે, એને ઉખાડી નાખજે. ક્રાંતિ કરજે અને અવનવા મતભેદો જગાવી બે મોટા રાજપુરુષો એકમત ન થઈ શકે, તેવા મતભેદો ખડા કરજે. ગણતંત્રનું ભયસ્થાન વિવાદો અને મતભેદો છે. એ વિવાદો વિખવાદો જગવજે અને એકવાર ઘર કાણું થયા પછી એને તોડી પાડતાં વિલંબ નહીં લાગે.” (પૃ. ૨૩૦, ભા. ૧)

મગધપ્રિયા પોતાને સોંપાયેલ કામગીરીનો આરંભ કરે છે. સતી ફાલ્ગુની બનીને રોગિષ્ટ પતિને નિરોગી કરવા નીકળેલી રૂપાંગના ફાલ્ગુનીનું રૂપ ધીમે ધીમે મહામુનિ વેલાકૂલ ઉપર કેવું કામણ જગાવે છે એ નવલકથાકારે સવિગત વર્ણવ્યું છે. મહામુનિ વેલાકૂલ ફાલ્ગુનીના રૂપસાગરમાં જ્યારે સંપૂર્ણપણે ડૂબે છે અને એમનું પતન થાય છે ત્યારે ફાલ્ગુની તેમને વચનબદ્ધ કરી પોતાના રાજા અજાતશત્રુ પાસે લઈ જવા તૈયાર થાય છે. મગધ જતાં પહેલાં રસ્તામાં ભગવાન મહાવીરના દર્શન કરવાનું સૂચન વેલાકૂલ કરે છે એ સૂચન મગધપ્રિયા સ્વીકારે છે. બંનેના શ્રાવસ્તી તરફના પ્રયાણ સાથે નવલકથાનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે.

આ નવલકથાનો બીજો ભાગ આરંભાય છે આર્ય ગોશાલક અને ભગવાન મહાવીરની સાઠમારીના પ્રસંગથી. ભગવાન મહાવીરના શિષ્ય આર્ય ગોશાલકમાં પોતે મહાવીરના સમકક્ષ જ્ઞાની હોવાના આવેલા અભિમાનને તોડીને એને વાસ્તવિકતાની પ્રતીતિ કરાવવાના પ્રસંગને અને એ દ્વારા મહાવીરના પ્રતાપ અને પ્રભાવને લેખક સવિગત વર્ણવે છે.

ભગવાન મહાવીરના દર્શન કરીને ફાલ્ગુની દ્વારા તૈયાર થયેલા રથમાં વેલાકૂલ મગધ પહોંચે છે. પહેલી જ નજરે મગધનો વૈભવ, મગધની સમૃદ્ધિ મુનિને આકર્ષી લે છે અને ગણતંત્રોની ઢીલી નીતિ તરફ એમનામાં અણગમો જન્મે છે.

મહાભિખ્ખુ દેવદત્ત જ્યારે મુનિ વેલાકૂલને મળે છે ત્યારે પોતાની અહિંસાની નવી વ્યાખ્યા જણાવતાં કહે છે કે હિંસાનો નાશ મહાહિંસાથી જ થાય. આ માટે હિંસાનું એવું સ્વરૂપ દાખવવાનું તે સૂચવે છે કે માણસ ફરી એનો વિચાર જ ન કરે. પોતાની આ માન્યતાની સિદ્ધિ માટે તેમણે મગધના વૈજ્ઞાનિકો સાથે મળી બે યંત્રો તૈયાર કરાવ્યાં હતાં. એ યંત્રોમાં એવી શક્તિ હતી કે આખા દુશ્મનદળને એ ચપટીમાં ચોળી શકે. એક હતું શિલાકંટક યંત્ર, જેમાં કાંકરો નાખીને ફેંકો એટલે તીરની જેમ કે પાષાણની જેમ વાગે. બીજું તે રથમૂશલ યંત્ર જેને ચાલુ કરીને મૂકો એટલે એની આગળ વળગાડેલા લોહમૂશલો ચારે તરફ વીંઝાઈને સર્વનાશ કરે. ભવિષ્યમાં પોતાનો જ મત ભારતમાં સર્વમાન્ય રહેશે એવી શ્રદ્ધા વાળા બુદ્ધ - મહાવીરના આ દ્વેષીએ આ યંત્રોને આધારે કેટલાંય રાજ્યોને મગધને નમતા કરી દીધા હતા. આ યંત્રોને નિરખીને થોડી ક્ષણો તો મુનિ વેલાકૂલને પણ થાય છે કે આવાં ભયંકર શસ્ત્રો જેની પાસે હોય એ અજાતશત્રુ જ હોય ને ? કોઈ બુદ્ધિશાળી એવાનો શત્રુ થવાનો વિચાર સેવે ખરો ?

મગધની રાજસભામાં મુનિ વેલાકૂલને લોકાચાર્યનું અને મગધપ્રિયાને રાજગણિકાને બદલે રાજકુમારીનું પદ આપવામાં આવે છે. આ પદની રૂએ મહામંત્રી મુનિ વેલાફૂલને રાજજમાઈ બનાવે છે. રાજજમાઈને લોકપ્રિયતા મેળવવી હોય તો મગધને પ્રિય એવું કોઈ કાર્ય કરવું ઘટે એમ જણાવી વૈશાલીવાસીઓને જેનામાં દૃઢ શ્રદ્ધા હતી એવા, જે સ્તૂપની હયાતી હતી ત્યાં સુધી પોતે સૌ અવિજેય જ હોય એવી દૃઢ માન્યતા ધરાવતા હતા એવા અજેય માનસ્તૂપને જમીનદોસ્ત કરવાનું કામ સોંપે છે. મુનિ વેલાકૂલ પહેલાં તો આ વાતનો ઇન્કાર કરે છે. પણ પછી ફાલ્ગુનીની મોહભરી વાતમાં આવીને આ કામ સ્વીકારે છે અને એ રીતે ફરી પાછા મુનિ વેલાકૂલ, ફાલ્ગની અને પૂનમ વૈશાલીમાં આવે છે.

વૈશાલીનો ગગનચુંબી માનસ્તૂપ એક દર્શનીય સ્થાન ગણાતો. દેશ-દેશના લોકો એને જોવા આવતા. રોજ રોજ કંઈને કંઈ નવું – અપૂર્વ કરવાના શોખીન વૈશાલીવાસીઓના નવીનતાના મોહનો ઉપયોગ મુનિ વેલાકૂલે માનસ્તૂપને જમીનદોસ્ત કરવા માટે કર્યો. એક દિવસ એ માટે ભરી સભામાં એમણે જાહેર કર્યું કે જૂના દેવો અને જૂના માણસોની પરાક્રમગાથાઓ હવે કંટાળો આપે છે. સૌએ 'મર્યા એ મહાન’ એ સૂત્રને છોડી દેવું જોઈએ, કારણ કે વૈશાલી પાસે નવા દેવો અને નવા માનવો ક્યાં ઓછા છે ? આપણે એમની વીરગાથાઓ રચવી જોઈએ. નવીનતા શોખીન વૈશાલીવાસીઓને આ વિચાર જચી ગયો.

અલબત્ત, કેટલાક જુનવાણી માણસોએ આ વાતનો વિરોધ પણ કર્યો પણ તેમની વાત કોણ સાંભળે ? થોડા વખતમાં આ મુદ્દા ઉપર વૈશાલી વિભક્ત થઈ ગઈ. માનસ્તૂપ આખરે ખંડિત થયો. માનસ્તૂપના ખંડિત થવાની સાથે જ સમાચાર આવ્યા કે મગધના રાજા અજાતશત્રુ વૈશાલી ઉપર ચઢી આવે છે. પણ છેલ્લા કેટલાક વખતથી વૈશાલીને યુદ્ધ ગમતું ન હતું. શાંતિની વાતો વિશેષ પસંદ આવતી હતી. એમાં પણ અહિંસા વિશે એમનો વધારે પક્ષપાત થતો જતો હતો. અહિંસામાં વૈશાલીવાસીઓને ઘણી સગવડ જણાતી હતી. એકવાર વસ્તુ પ્રાપ્ત કરી લીધા પછી કોઈ પડાવવા સામે આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી. જુગારના પાસા જેવા યુદ્ધમાં તો હાર કે જીત બંને સંભવે. વળી એમાં મૃત્યુભય પહેલો અને માલીકીસુખ પછી મળતું હતું. જ્યારે અહિંસામાં તો જે જેના હાથમાં તે તેની બાથમાં ! અહિંસાનો આવો નવો અર્થ તારવનાર વૈશાલીવાસીઓ એ ભૂલી ગયા હતા કે અહિંસાનો જન્મ ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે. એમને હવે જે કંઈ સમૃદ્ધિ એમની પાસે હતી તેની રક્ષા નહોતી કરવી, એનો ભોગવટો કરવો હતો. એટલે જ મગધની ચડાઈને અસંસ્કારીની પ્રવૃત્તિ તરીકે ઓળખી એની વગોવણી વૈશાલીવાસીઓએ શરૂ કરી. એમાં મુનિ વેલાકૂલે સાથ આપ્યો.

એવામાં એક ઘોડેસવાર, વૈશાલીને ગેરમાર્ગે દોરે એવા મગધના રાજા અને મહામંત્રી વર્ણકાર વચ્ચેના વિખવાદના અને એ વિખવાદને કારણે મગધમાંથી મહામંત્રીને દેશનિકાલ કર્યાના સમાચાર લઈ આવે છે. મગધની આ ચાલને ન પારખી શકેલા ભોળા વૈશાલીવાસીઓ મગધથી દુભાયેલા મહામંત્રીને પોતાને ત્યાં આશરો આપે છે અને ન્યાયદેવતા બનાવે છે.

વૈશાલીમાં રહીને મહામંત્રી વર્ષકાળ વૈશાલીના આંતર વિખવાદને વધારવાનું કામ શરૂ કરે છે. આ માટે એક બાજુ ગણતંત્રના વખાણ આરંભ્યા, અહિંસાનો મહિમા વધાર્યો, ગીત-સંગીત-નૃત્ય-નાટ્યને પ્રોત્સાહિત કર્યા અને સૈન્યને વિલાસિતામાં ડુબાડવા માંડ્યું. બીજી બાજુ મહોલ્લે- મહોલ્લે, જ્ઞાતિ-જ્ઞાતિએ, રાજ્યે-રાજ્યે વિખવાદ ઊભો થાય એવી વાતો વહેવડાવવા માંડી. મુનિ વેલાકૂલે એક પ્રેમી સમાજની સ્થાપના કરી જેણે શસ્ત્ર ક્યારેય નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી. દેવી ફાલ્ગુનીએ પોતાનાં નગ્નનૃત્યોથી પ્રજાની વિલાસિતાને બહેકાવવાનો વિશેષ પ્રપંચ સાધ્યો.

આમ વૈશાલી જ્યારે ભોગ-વિલાસ-વૈભવમાં ગળાડૂબ થતી જતી હતી ત્યારે એને ખ્યાલ પણ ના આવે એ રીતે મગધની સેના વૈશાલીની સરહદો દબાવતી જતી હતી. છેવટે એક દિવસ મગધપતિ અજાતશત્રુ પોતાની સેના સાથે વૈશાલીની નજીક આવી પહોંચ્યો. શત્રુ આવ્યાના સમાચારે દરેક જૂથમાં ઉત્તેજના તો ફેલાવી, પણ સૌ અંદરોઅંદર એક-બીજાને સલાહ આપવા માંડ્યા. યુદ્ધ આરંભવાની અને તે રીતે શત્રુને સીમાડેથી ભગાડવાની વાત બુદ્ધ-મહાવીરની અહિંસાપ્રેમી પ્રજાને રુચતી નથી. છતાં યુદ્ધની રણભેરી સાંભળી સૌ વૈશાલીના મુખ્ય મેદાનમાં મળે છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે આ રણભેરી વગાડી કોણે ? તપાસ કરતાં ખબર પડે છે કે યુદ્ધભેરી ન્યાયદેવતા વર્ષાકારે જ બજાવી હતી પણ એ વૈશાલીમાં ક્યાંય દેખાતા નથી. મગધના ગુપ્તચર પંખીઓ – વર્ષાકાર અને ફાલ્ગુની - વૈશાલીની ગુપ્ત વાતો લઈને ઊડી ગયાં હતાં. વૈશાલી વગર લડ્યે હણાઈ ગયું હતું.

આમ વિલાસ તરફના પ્રેમ ને વૈભવ પ્રત્યેની પ્રીતિએ વૈશાલીને શતમુખ વિનિપાત તરફ દોરી. અંદરઅંદરના મતભેદોએ એની શક્તિને પાંગળી બનાવી દીધી. મગધની સામે લડવા જવાનું સૌથી પહેલાં પ્રેમી સમાજે સ્વીકાર્યું. પ્રેમધર્મની અસર અને અહિંસાનો પ્રભાવ બતાવવા નીકળેલા આ પ્રેમીજનો યુદ્ધના મેદાનમાં પહોંચ્યા ત્યારે મગધ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે એમનો સામનો શસ્ત્રથી કરવામાં આવશે નહીં એટલે જ ઠીક ઠીક માણસોની ભરતી એમાં થઈ હતી. તેઓ જ્યારે યુદ્ધના મેદાન ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં મગધના બે સંહારયંત્રો મોજૂદ હતાં પણ લડાઈ લડનારો યોદ્ધો કોઈ હતો નહિ. પ્રેમીસમાજ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે મગધની શિબિરમાંથી એક ઘોડેસ્વાર એમની પાસે આવ્યો અને મગધરાજ પાસે પ્રેમીસમાજ કઈ માગણી મૂકવા માગે છે તે જણાવવા કહ્યું. પ્રેમીસમાજની માગણી હતી કે મગધ પોતાનું લશ્કર લઈને પાછું ફરી જાય, નહીં તો યુદ્ધ કર્યાનું કલંક એને માથે આવશે. ઘોડેસ્વારે મગધરાજનો સંદેશ આપતાં જણાવ્યું કે યુદ્ધ એક જ રીતે બંધ થઈ શકે અને તે વૈશાલી પોતાની સત્તા મગધને સોંપી દે તો. પણ વૈશાલી એ માટે કઈ રીતે તૈયાર થાય ?

મુનિ વેલકૂલે શાંતિ સ્થાપવાની માગણી ફરી દોહરાવી ત્યારે મગધે પોતાનો જવાબ યંત્રથી આપ્યો. પ્રેમી સમાજે દગાને પારખ્યો. શસ્ત્ર ન વાપરવાની પ્રતિજ્ઞા શાબ્દિક રીતે પાળીને મગધે દગો રમવાની શરૂઆત કરી. પ્રેમી સમાજ જે ખરી અંતરની અહિંસાથી મુનિ વેલકૂલ સાથે યુદ્ધભૂમિ પર નહોતો આવ્યો એમાં ભંગાણ પડ્યું. સૌ જીવ બચાવવા દોડવા લાગ્યા. એ ક્ષણે મુનિને આત્મજ્ઞાન લાધ્યું. પોતે અને વૈશાલીએ આદરેલી ભૂલો નજર સમક્ષ તરવરવા માંડી. જે વિલાસે વૈશાલીના પાયા બચમચાવી નાખ્યા હતા એ વિલાસ પોતાના દ્વારા આરંભાયાની ભૂલનું પ્રાયશ્ચિત જીવન આપીને કરવાનું એમને સૂઝ્યું. ભાગવા પ્રેમીસમાજને મુનિ કહેતા હતા કે શિર આપીને સાર સંગ્રહી લો. પ્રાણ આપવાની તૈયારી વગર પ્રેમ સ્થાપન નહિ થાય. અહિંસા નિખાલસ અર્પણ માગે છે. જીવનનું અર્પણ કરી સાચી અહિંસાનું ઉદાહરણ પૂરું પાડવા મુનિ વેલાકૂલે આત્મબલિદાન આપ્યું. એમનો આ રીતે થતો વિનાશ ફાલ્ગુનીથી નીરખ્યો ન ગયો. મગધના રાજકારણ પ્રેમી સમાજ સામે યોજેલી કૂટનીતિથી એનું સ્ત્રીહૃદય વિરક્ત બની ગયું. એમાંય મુનિ વેલાકૂલના આત્મબલિદાને તેના આત્મામાં રહેલી ઉદાત્ત ભાવનાને જાગ્રત કરી દીધી. એણે આવા પાપાચારનો વિરોધ કરી મુનિ વેલાકૂલને બચાવવાનું ચાગ્યું પણ એ એનાથી શક્ય ન બન્યું ત્યારે પોતાના જ હાથે પોતાનું નાક કાપી પોતાના સૌંદર્યને ખંડિત કરી સાધ્વીપણું સ્વીકાર્યું.

મગધ અને વૈશાલી વચ્ચે અંતે જોરદાર જંગ થયો. વૈશાલીના યોદ્ધાઓએ મગધના યોદ્ધાઓએ કલ્પી ન હોય એવી શૂરવીરતા બતાવી. જેણે ક્યારે ય શસ્ત્રો નહોતા પકડ્યાં એવાઓએ પણ અનેકોને હણ્યા. ગણનાયક ચેટકે મગધના આઠ રાજકુમારોને પોતાના એક એક તીરથી ખતમ કર્યા. મગધપતિથી આ સહ્યું ન ગયું. એણે પોતાની આખી સેનાને છૂટી મૂકી દીધી. આજ્ઞા આપી કે લૂંટો, બાળો, કાપો, સૈનિકોમાંનો વિવેકદીપ સાવ જ બુઝાઈ ગયો. બચી હતી માત્ર વેરની ભાવના. એમણે વૈશાલીની ખાઈઓ તોડી નાખી, દરવાજા ભાંગી નાખી, રાજમગેલને આગ ચાંપી, એમાં છુપાયેલા સૈનિકોને બાળીને ભસ્મ કરી દીધા. વૈશાલી પડીને પાધર થયું. એક ગણતરી મુજબ દશ દિવસમાં ૯૬ લાખ માણસોનો સોથ વળી ગયો. (પૃ. ૨૯૨, ભા. ૨)

ઘણાં વર્ષો બાદ અજાતશત્રુનું મૃત્યુ થયું. એનો ધર્મપ્રેમી પુત્ર ઉદયન ગાદીએ આવ્યો. એણે ગંગાને કાંટે પાટલીપુત્ર નામે નવું પાટનગર વસાવ્યું અને ભગવાન મહાવીરના અમર ઉપદેશને પાષાણમાં કોતરાવ્યો : ‘માણસનો પોતાની જાત જેવો બીજો કોઈ શત્રુ નથી. માટે જાતને ધર્મથી, વૈર્યથી ને તયાગથી ઘડજો !’ (પૃ. ૩૩૮, ભા. ૨)

ઇતિહાસની મુખ્ય વિગતોને જાળવતી પ્રસ્તુત નવલકથા જયભિખ્ખુની અન્ય કેટલીક નવલોની જેમ જૈન સાહિત્યપરંપરામાંના બિંબિસાર અને અજાતશત્રુના જીવનઆલેખનને પણ નવલકથાની સામગ્રીમાં ઉપયોગે છે. જેમ કે જૈન પરંપરા અનુસાર અજાતશત્રુએ પોતાના પિતાનો વધ પોતે નહોતો કર્યો. રાજ્યપ્રાપ્તિ માટે એણે પિતાને કારાગૃહમાં પૂર્યા હતા, જ્યાં રાણી વાસવી એની સેવા કરતી હતી. પોતાના પિતાની કરુણ દશાથી પીગળીને અજાતશત્રુએ પિતાના બંધન લોઢાની ગદાથી તોડવા ઇચ્છયું ત્યારે બિંબિસાર એવું સમજ્યા કે પુત્ર પોતાને મારવા આવે છે એટલે જાતે જ ઝેર ખાઈને આત્મબલિદાન આવ્યું.

એ જ રીતે વૈશાલી સામેના અજાતશત્રુના યુદ્ધનું નિમિત્ત બન્યા છે બિંબિસારના બે પુત્રો હલ્લ-વિહલ્લ. આ બંને હાથી અને અઢારસરો મોતીહાર લઈને પોતાના નાના ચેટકની પાસે જતા રહ્યા. અજાતશત્રુએ એને પાછા માગ્યા. એનો ચેટક દ્વારા ઇન્કાર થતાં યુદ્ધની ઘોષણા કરવામાં આવી.

લિચ્છવી ગણ ખૂબ જ શક્તિશાળી હતું તેથી તેનો સામી લડાઈએ પરાભવ કરવો અસંભવિત લાગતાં અજાતશત્રુએ લિચ્છવીઓની આંતરિક એકતાને નષ્ટ કરવાનું નક્કી કર્યું. આ માટે એણે ભેદનીતિ ઉપયોગમાં લીધી. પોતાના બે મંત્રી વર્ષકાર અને સુનીઢને શત્રુપક્ષમાં ફૂટ પાડવા છૂપા વેશે વૈશાલી મોકલ્યા. આમ મુખ્ય મુખ્ય ઘટનાઓમાં ઇતિહાસનો આધાર લઈ નવલકથાને કલારૂપ આપવા કેટલાક ફેરફારો તેઓ કરે છે. અલબત્ત, એમાં પણ જૈન સાહિત્યપરંપરાએ જયભિખ્ખુને સારી એવી પ્રેરણા પૂરી પાડી છે. મગધપ્રિયા ફાલ્ગુની, મુનિ વેલાકૂલનાં પાત્રો ઇતિહાસસિદ્ધ નથી.

આ નવલમાં જયભિખ્ખુએ વૈશાલી ગણતંત્ર અને મગધના રાજતંત્રની રાજકીય સંઘર્ષકથા રજૂ કરતાં કરતાં અર્વાચીન સંદર્ભને પણ કુશળ રીતે ઉપસાવી આપ્યો છે. ભારતની પ્રજા અત્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે એ વખતે એ પ્રજાને, પૂર્ણ રીતે નહીં તો પણ અમુક અંશે આ નવલકથા માર્ગદર્શક અને દૃષ્ટિ સૂચક નીવડે એવું એનું નિરૂપણ લેખકે કર્યું છે.

ભગવાન બુદ્ધ અને મહાવીરના જ જીવનકાળમાં એમના બંધુત્વ- અહિંસાના આદર્શની તથા સહુનો સરખો આદર કરી સહુના અવાજને માન આપતા ગણતંત્ર વૈશાલીની કસોટીના અને સામ્રાજ્યલક્ષી મગધની કુટિલ રાજનીતિ તથા પ્રચંડ સૈન્યશક્તિ દ્વારા વૈશાલીના થયેલા વિનાશની કથાને લેખકે એવી તો આકર્ષક રીતે નવલકથાનું રૂપ આપ્યું છે કે બે ભાગનાં લગભગ સવા છસો પૃષ્ઠમાં પથરાયેલો કથાપ્રવાહ વાચકને સતત જકડી રાખે છે.

વૈશાલી પડ્યું, છિન્નભિન્ન અને ભસ્મીભૂત થયું એનું કારણ એની અસાવધ આદર્શ ઘેલછા હતી તથા બંધુત્વ-શાંતિની ઓથે અપનાવેલી સુંવાળપ હતી એ વાતને લેખકે સચોટ રીતે અને છતાં પ્રશસ્ય સંયમપૂર્વક રજૂ કરી છે. વૈશાલીના ગણતંત્રને માથે અસ્તિનાસ્તિનો ભય ઝઝૂમી રહ્યો એ સમયે ય શાંતિની પોકળ વાતોમાં અટવાતા વૈશાલીના યોદ્ધાઓની આ બાલિશ વાદવિવાદપરંપરાને નિહાળી એટલે જ ગણનાયક ચેટકથી રંજપૂર્વક કહ્યા સિવાય રહેવાતું નથી, ‘આપણે આપણાપણું ભુલ્યાં છીએ. મોટાઈ, સ્વાર્થ, આળસ ને જીવતરનો મોહ આપણાં મન-ચિત્તને આવરી બેઠો છે.’ (પૃ. ૨૫૯, ભા. ૨). મુનિ વેકાલૂલ પણ યુદ્ધના મેદાનમાં આ જ સત્યનો એકરાર કરતાં પ્રેમીજનોને કહે છે : 'વિલાસે વૈશાલીના પાયા હચમચાવી નાખ્યા છે. સ્ત્રી એ પુરુષના જીવનનું સર્વસ્વ બની છે. ને પુરુષ એ સ્ત્રીનો આનંદ બન્યો છે. સ્ત્રી અને પુરુષ કેવળ કામદેવના દાસ બન્યાં છે, જે વિષયના દાસ એ સહુના દાસ.' (પૃ. ૨૩૧-૩૨, ભા. ૨) લેખક પોતે પણ પ્રત્યક્ષ કથનપદ્ધતિથી આ મુદ્દો ઉપસાવતાં કહે છે : ‘પણ છેલ્લે છેલ્લે એની ભાવુકતાનો લાભ લઈ, ધીરે ધીરે બળવાન અને નિષ્ઠાવાન લોકોને પાછળ નાખી, બળ અને નિષ્ઠાની પદે પદે મોટે ભાગે દુહાઈ દેતા તકસાધુઓ ગણતંત્રમાં આગળ આવી ગયા હતા... નાટક અને નૃત્યગીતનો તો જાણે આખો યુગ સમજાઈ ગયો હતો. મેદાની રમતો જોવા જનાર અજ્ઞાની અને ગુંડા લેખાતા રાજકારણી પુરુષો નર્તિકાઓ સાથે હરવા-ફરવામાં ગૌરવ અનુભવતા. એમનો સંપર્ક એ સંસ્કારિતાની પારાશીશી બન્યો હતો !' (પૃ. ૧૬૪-૬૫, ભા. ૨)

બીજી બાજુ મગધરાજ અજાતશત્રુને પણ પોતાની અપ્રતિમ સામ્રાજ્ય લાલસાથી સુખ નથી જ પ્રાપ્ત થઈ શક્યું એ પણ લેખક યુદ્ધનો નફો બતાવતાં બતાવતાં નવલકથાના અંતભાગે ઠીક વિસ્તારપૂર્વક વર્ણવે છે. કલાત્મકતાની દૃષ્ટિએ સહેજ ઊણો લાગતો નવલકથાનો અંત લેખકની પોતાની અહિંસાપ્રિય નીતિની નિરૂપણની દૃષ્ટિએ નોંધનીય રહ્યો છે. યુદ્ધની વિનાશકતા વિશેના લેખકના વિચારો અંતે લંબાણપૂર્વક વર્ણવાયા છે, જેમ કે ચક્રવર્તી બનવાની ઘેલછામાં ભાન ભૂલેલા રાજવીને રણમેદાનમાં ઘાયલો, કપાયેલા દ્વારા આવા શબ્દો સાંભળવા મળે છે, 'રે રાજા ! શા કાજે આ યુદ્ધ ને આ આગ ? આનાથી તેં શું હાંસલ કર્યું ? એક મૂઠીભર માનવીઓના સ્વર્ગ કાજે તેં પૃથ્વી પર રૌરવ નરક કાં ઉતાર્યું ? ઓ સ્મશાન નગરીના સ્વામી ! જા, અમારા પુત્ર, પતિ ને ભાઈના મડદાંનો મહારાજા થા ! રે, તારા જેવા પાપિયાનું મોં પણ પ્રાત:કાલે કોણ જોશે ? એક માણસની હત્યા કરનાર-કરાવનાર ખૂની-હત્યારો લેખાય છે, તેં કેટલી હત્યાઓ કરી ? તને શેનું બિરુદ આપવું ?' (પૃ. ૨૭૪-૭૫, ભા. ૨).

મગધપ્રિયા ફાલ્ગુની પણ અજાતશત્રુને આવા યુદ્ધ દ્વારા એણે શું વિશેષ મેળવ્યું એ કટાક્ષ દ્વારા અને રાજાની સામ્રાજ્યલાલસા તરફ ધૃણા દર્શાવતાં કહે છે : 'આજે રાજાઓનો ઘાટ વાંદરાને નિસરણી આપવા જેવો છે. એમને સદા સુંદર પ્રદેશો, મોટા ખજાનાઓ અને રૂપખજાના જેવી સ્ત્રીઓનાં સ્વપ્ન આવ્યાં કરે છે. દિગ્વિજયનો દારૂ એમને સદા ઘેનમાં ડોલાવ્યા કરે છે. સીમાડા વધારવા એ તો એમને વ્યસન થઈ ગયું છે. 'શાંતિ માટે મથે એ સુરાજ્ય, એ સિદ્ધાંત તો માત્ર શબ્દોમાં જ રહ્યો છે. તારા કાલ, મહાકાલ જેવા ભાઈઓની હત્યા કરીને, બાપનું મોત નિપજાવીને હલ-વિહલ્લ જેવાને ત્રસ્ત કરીને અને જેને પેટ તું પાક્યો એ માતાને હડધૂત ને વિધવા બનાવીને તેં શું મેળવ્યું એનો વિચાર કર, રાજન !' (પૃ. ૨૭૮-૭૯, ભાગ. ૨). મગધરાજની આ સામ્રાજ્યલાલસા જ એને કેવી રીતે ખતમ કરી દે છે એ લેખકે અંતભાગે બતાવ્યું છે.

છેવટે, નવલકથાના અંતભાગે માણસને પશુ માનીને એકચક્રી રાજતંત્રના અંકુશ વડે અહિંસા ફેલાવવાની મગધનીતિ યા માણસને દેવગણી એને ધાર્યું કરવાની મુક્તિ આપવા ચાહતી ગણતંત્રની વૈશાલીદૃષ્ટિ ઉભયના અતિરેકે કેવો વિનાશ આણ્યો એ ઇતિહાસદર્શન ક્યારેક સૂચક રીતે, તો ક્યારેક કલાને અવગણીને બોલકા બનીને લેખકે નવલકથામાં ઉપસાવ્યું છે. અલબત્ત, ગણતંત્રની વ્યવસ્થા જ મૂળમાં તો ઇષ્ટ છે એવું સૂચન નવલકથામાંથી મળી રહે છે ખરું.

કોઈ પણ સર્જનાત્મક કૃતિ દ્વારા જીવનદર્શન આપીને કૃત્યકૃત્ય થવાના યુગમાં જયભિખ્ખુનો આદર્શ જુદો પડી શકે નહિ. એ દર્શન જ્યારે નવલકથામાંથી વિગતે અને છેલ્લે દર્શાવેલા કથન-વર્ણન-સંવાદના નવલકથાલક્ષી નિરૂપણમાંથી પ્રગટે ત્યારે આપણને એક સારી કલાકૃતિ પામ્યાનો સંતોષ થાય છે. જયભિખ્ખુમાં જે મર્યાદાઓ છે એ તો એ જમાનાની મર્યાદાઓ છે. પણ એમાં જે કલાતત્વ છે એ જ આપણા અધ્યયનનો સંતોષ છે.

શ્રી હસિત બૂચ આ નવલનાં આકર્ષણસ્થાનો જણાવતાં કહે છે, “આરંભે આવતું રાજકેદી પરિતાપપૂત રાજા શ્રેણિક બિંબિસાર અને રાણી ચેલાનું દામ્પત્યચિત્ર, મગધની ગણિકા મગધપ્રિયા-ફાલ્ગુની અને વૈશાલીના મુનિ વેલાકૂલનો પાત્રવિકાસ, બિંબિસારના પુત્ર અને કથાનાયક મગધરાજ અજાતશત્રુનું સળંગ કારુણ્ય, ગૌણ પાત્રો - ગણનાયક ચેટક, મહામંત્રી વર્ષકાર, આદિ - નું સફળ આલેખન, મદ્યસીંચ્યા કેશકલાપમાં શક્તિદાયક મધુગોલક, વૈશાલીની છંદશલાકાઓ, તેજોલેશ્યા અને શીતલેશ્યાનો પ્રભાવ - ભવિષ્યકથન, નેત્ર કે મંત્રની શક્તિ, મહાશિલાકંટક અને રથમૂશલ જેવા યુદ્ધયંત્રો - ધર્માચાર્યો અને ગણિકાઓનો રાજકારણમાં વ્યાપક ઉપયોગ આદિ દ્વારા તત્કાલીન વાતાવરણની જમાવટ, ગજ સેચનકનું મૃત્યુ, ફાલ્ગુની - વર્ષકારનું વૈશાલીને છિન્નભિન્ન કરીને ભાગી જવું, મુનિ વેલાફૂલનું સમર્પણ, ફાલ્ગુનીનું સેવામૂર્તિ સ્વરૂપે વિકસવું આદિ આ નવલકથાના આકર્ષક સફળ પાસાં ગણાય.” (પૃ. ૬૩, કાર્યવાહી ૧૯૬૧).

નવલકથાકારે ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેના તફાવતને કથામાં ખૂબ જ આકર્ષક રીતે ગૂંથી લીધો છે. પ્રસ્તાવનામાં પણ એ ભેદ સવિગતે બતાવવાનું લેખક ચૂકતા નથી. બંને વચ્ચેનો પાયાનો ભેદ જે આ નવલકથામાં અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરેલો જોવા મળે છે. તેને પ્રસ્તાવનાના આરંભમાં જ બતાવતાં તેઓ કહે છે :

‘ગણશાસનનું મૂળ શમ છે – શાંતિ છે.
સામ્રાજ્યનું મૂળ બળ છે - યુદ્ધ છે.’
(પૂર્વભૂમિકા, પૃ. ૯, બા. ૧)

નવલકથાના આરંભમાં જ સામ્રાજ્યવાદી પણ ગણતંત્રને અંતરથી ચાહનાર અને ગણતંત્રના સારા અંશોને રાજ્યતંત્રમાં ભેળવી એક આદર્શ નમૂનેદાર રાજ્ય સ્થાપવાની ઝંખના સેવનાર બિંબિસારનું ચિત્ર લેખકે સરસ રીતે ઉપસાવ્યું છે. લેખક સ્થળે સ્થળે ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેનો ભેદ પ્રગટ કરે છે, જેમ કે -

'રાજતંત્રમાં એક સિંહ અને બાકી બધા અનુચરો ! ગણતંત્રમાં બધા ય સિંહો, અનુચરતામાં કોઈ માને નહિ ! રાજતંત્રમાં લાખ મરો પણ લાખનો પાલનહાર ન મરો, ત્યારે ગણતંત્રમાં એક ભલે મરો, લાખ જીવવા જોઈએ. બહુજનસુખાય, બહુમતિનું અહીં રાજ !' (પૃ. ૧૬૫, ભા. ૧)

તો અન્યત્ર રાજતંત્રની વિશેષતા વર્ણવતા લેખક સૂચવે છે : ‘અહીં એક માણસ માટે જાણે બધું હતું, ત્યાં બધા માટે બધું. એટલે અહીં કુંજા અનેક અને પીનાર એક હતા. જે પીએ તે ધરાઈને પીએ. ત્યાં જાણે એક નાના કુંજા તરફ અનેક મુખ લંબાયા હતાં, એટલે સહુના ભાગમાં પાણી મળે, એટલું મળે કે એકેયની તૃષા શાંત ન થાય ! અહીં અત્તરની સુગંધથી મઘમઘતા સ્નાનના કુંડો હતા. એની પાળ સોનેરી ને રૂપેરી વરખથી ચીતરેલી હતી. પણ પાણી ભરનારાઓના નસીબમાં એનો સ્પર્શ સુદ્ધાં લખાયેલો નહોતો.' (પૃ. ૫૭, ભા. ૨)

ગણતંત્રની ચાહક વૈશાલીના નગરજનો પાપ પ્રત્યે દ્વેષ રાખતા… પાપી પ્રત્યે નહીં. એમને વૃત્તિ સામે વિરોધ હતો, વ્યક્તિ સામે નહીં. જગતમાંથી ભય અને દંડ બંને કાઢી નાખવાની એમની આકાંક્ષા હતી. વૈશાલીનો પ્રત્યેક નગરજન સ્વાભાવિક રીતે જ નિષ્ઠાવાન બને, કાયદાપાલક બને, એને એ માટે દંડ કે ભયની જરૂર ન રહે એવું કરવા એઓ ઇચ્છતા હતા. એમણે કારાગારો કાઢી નાખ્યા હતા. માણસ જાણીબુઝીને દોષ કરતો નથી. એની અંદર રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ જ એને દોષ તરફ પ્રેરે છે. એને દૂર કરવાના પ્રયત્નો એણે આદર્યા હતા. આ પ્રદેશની અજબ સુંદરીઓ ઉપર કોઈ કોઈની માલિકી નહોતી. સમાજમાં એનો દરજ્જો ઊંચો ગણાતો. એમને મન તો ગણિકા ગણિકાનો સ્વધર્મ પાળે એટલે એ ઉચ્ચ. સારી રીતે સ્વધર્મ પાળતા કોઈ પણ નગરજનને ગણતંત્રમાં હલકો લેખવામાં આવતો નહીં. સહુને સમાન દરજ્જો મળતો. એટલે મોટા થવાની મહત્વાકાંક્ષા અને એમાંથી જાગતા યુદ્ધ તરફ આ પ્રજાને નફરત હતી.

કટ્ટર સામ્રાજ્યપ્રેમી વર્ષકારથી પણ ગણતંત્રના વખાણ થઈ જાય છે. એક સ્થળે તે કહે છે : “મૈત્રી આપવાનું મન તો જરૂર થાય. આવી ભોળી ને પ્રેમાળ પ્રજા, આવો સંસ્કારી દેશ, માર્દવની મૂર્તિ જેવા રાજસંચાલકો એ બધુંય ગમે.” (પૃ. ૨૧૮, ભા. ૧). અન્યત્ર પણ તેમનાથી કહેવાઈ જાય છે, ‘ગણતંત્ર તો વિષ્ણુનું મોહિનીરૂપ છે. ભલભલા ભરમાઈ જાય છે.' (પૃ. ૨૪૭, ભા. ૨)

આવા ગણતંત્રનો વિનાશ એના ભોળપણે, એની અતિ આદર્શઘેલછાએ, એની વિલાસિતાએ અને વધુ પડતા આત્મવિશ્વાસે કેવી રીતે કર્યો છે એ પણ નવલકથાકાર કુશળ રીતે વર્ણવે છે. અહિંસાનો અર્થ પણ સ્પષ્ટ કરી આપે છે. રાજ્યતંત્રમાં અહિંસાનો અર્થ થાય છે મહાહિંસાથી હિંસાનો નાશ. ભિખ્ખુ દેવદત્તા મુનિ વેલકૂલને કહે છે, 'હિંસાનો નાશ મહાહિંસાથી જ થાય. હિંસાનું એવું સ્વરૂપ દાખવવું કે માનવ એનો ફરી વિચાર પણ ન કરે... ઝેરનું ઓસડ ઝેર, એમ હિંસાનું ઓસડ મહાહિંસા.' (પૃ. ૬૬, ભા. ર) આ મહાહિંસા દ્વારા જગતમાં એમને વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિ સ્થાપવાના કોડ હતા. એમની ઝંખના હતી કે યુદ્ધ માટેનાં જે ભયાનક શસ્ત્રો એમની પાસે છે તેને નીરખીને કોઈ પ્રજા યુદ્ધ કરવા જ તૈયાર થશે નહીં. એટલે હિંસા આપોઆપ અટકી જશે અને અહિંસાનો જન્મ થશે.

જ્યારે વૈશાલીનું ગણતંત્ર વર્ષકાળના આગમન અને અસર પછી અહિંસાનો અર્થ કરે છે. એક વાર વસ્તુને પ્રાપ્ત કરી લેવી, પછી કોઈ પડાવવા આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી તે. યુદ્ધ તો જુગારના પાસા જેવું કહેવાય. એમાં તો હાર પણ મળે ને જીત પણ. વળી એમાં મૃત્યુ પ્રથમ ને માલિકીસુખ પછી હતું. જ્યારે અહિંસામાં તો જે જેના હાથમાં તે તેની બાથમાં હતું.

પરંતુ અહિંસાનું સાચું સ્વરૂપ આ બંને દૃષ્ટિકોણમાં નથી. અહિંસાનો જન્મ તો ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે. પ્રેમધર્મના ચાહકો જ્યારે અહિંસાની પોકળ વાતો કરે છે ત્યારે તેમને અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવતાં ગણનાયક ચેટક કહે છે : 'જેમ ગૃહસ્થ અને સાધુના ધર્મો જુદા છે, એમ રાજકારણ અને ધર્મકારણની અહિંસા પણ જુદી છે... શુદ્ર સ્વાર્થ માટેની લડાઈ તજી દો. અને દેશ માટે સ્વાપર્ણ કરવા તૈયાર થઈ જાઓ.’ (પૃ. ૧૬૭, ભા. ૨). અન્યત્ર પણ તેઓ કહે છે : 'હિંસાનું સામર્થ્ય મિટાવવા, શેતાનના પંજા આગળ વધતા અટકાવવા તન, મન, ધનની નિખાલસભાવે કુરબાની એ પણ અહિંસાનો જ એક પ્રકાર છે. જેમ શ્વાસોચ્છવાસ લેવામાં વાયુના જીવોની, ભોજન માટે રંધાતા અનાજની, ચેપ ફેલાવતા જંતુઓને દૂર કરવાની હિંસા અનિવાર્ય છે એમ દેશની સ્વતંત્રતા માટે દુશ્મનની સામે રણમેદાને સંચરવું એ પણ ગૃહસ્થની અનિવાર્ય ફરજ છે.' (પૃ. ૨૬૪, ભા. ૨) જૈન અને બૌધ્ધ ધર્મના સિદ્ધાંતો, સંપ્રદાયના નીતિ-નિયમો, કેટલાક સાંપ્રદાયિક શબ્દો વગેરેને પણ લેખકે નવલકથાના ઐતિહાસિક વાતાવરણમાં રસાયણથી કુશળતાથી સંયોજિત કર્યા છે. અહિંસા અને માનવતાને પૂજતા બે મહાન ધર્મપૂજકો - બુદ્ધ અને મહાવીર અહીં પાત્રરૂપે પ્રવેશીને નવલકથાના કાર્યવેગને મહત્વ અર્પે છે.

વારીગૌરવ અને નારી મહિમાના હિમાયતી લેખક પણ અહીં અછતા રહેતા નથી. રાણી ચેલા, મગધપ્રિયા ફાલ્ગુની અને આમ્રપાલીના ચરિત્રચિત્રણો એનાં જીવંત ઉદારહણો લેખી શકાય. નારી એ એવી શક્તિ છે કે જે નરમાંથી નારાયણ સર્જી શકે છે. એની શક્તિને બિરદાવતાં તેઓ મગધપ્રિયાના પાત્ર દ્વારા કહેવડાવે છે, 'પુરુષોએ હંમેશાં સ્ત્રીઓનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. સ્ત્રી તો શાંતિનો અવતાર છે. સંસારનું પ્રત્યેક સંતાન એની મૂડી છે.' (પૃ. ૨૯૯, ભા. ૨).

સંવાદને ઠીક ઠીક માત્રામાં પ્રયોજતા લેખકની શૈલી આ નવલકથામાં મુખ્યત્વે તો કથનાત્મક, વર્ણનાત્મક રૂપની જ જોવા મળે છે. અલબત્ત, ચિત્રો ખડાં કરવાની નૈસર્ગિક શક્તિને કારણે નવલકથાની આસ્વાદ્યતા સારા એવા પ્રમાણમાં જળવાઈ રહી છે. અલંકારોનો વિનિયોગ કરતી નવલકથામાંથી સુચારુ કલ્પના, જેવી કે - દિવસો પણ કેવા કઠિન ! ત્યક્તાના નઠારા નસીબ જેવા !' (પૃ. ૬૮, ભા. ૧) કે 'રાણી ચેલા એટલે શરદઋતુનું સ્વચ્છ જળ !' (પૃ. ૭૦, ભા. ૧) અને 'બ્રહ્મચર્ય' તો લજામણીના છોડ જેવું છે. જરાક સ્પર્શ થયો કે કરમાયું જ સમજો !' (પૃ. ૨૫૬, ભા. ૧) નવલકથાને રસવાહી બનાવે છે.

જયભિખ્ખુના સ્થળ, સ્વરૂપ અને મનોસંઘર્ષનાં નિરૂપણો પણ નોંધનીય પ્રકારનાં છે. ચિત્રાત્કમ રૂપે દૃશ્યોને ખડાં કરવાની કળા એમને સારી ફાવે છે. અલંકારોનાં ઉચિત ઉપયોગથી અને ઝીણી વિગતોથી એ વર્ણનમાં સચોટતા લાવી શકે છે. પાત્રનાં રૂપ-સ્વરૂપનાં વર્ણનોમાં અંબપાલીનું વર્ણન (પૃ. ૧૬૧, ભા. ૧) કે પછી મગધપ્રિયાનું વર્ણન (પૃ. ૨૦૮, ૨૦૯ ભા. ૧) સ્મરણીય છે. એમાંય તે મગધપ્રિયાના વર્ણનમાં તો લેખકની શૈલી અનેરુ શબ્દપ્રભુત્વ પ્રગટ કરે છે. ઉદાહરણ તરીકે - 'પરાગની પૂતળી જેવી એ પોતાની પાનીએ અડતું ઉત્તરીય અને અંતરવાસક એક હાથે ઊંચકીને પગથિયાં ચઢી રહી છે. અંતરવાસકે પ્રગટ કરેલો એની પગની પીંડીનો સ્નિગ્ધ ભાગ દૃષ્ટાની નજરને મુગ્ધ કરી ત્યાં ચોંટાડી રાખે છે. એ કવિને કાવ્યની પ્રેરણા આપે છે, કામીને કુરબાનીનો સંદેશ આપે છે. સૌંદર્યભોક્તાને વગર છરીએ જખમી બનાવીને પછાડે છે. કેળના જેવી સુકોમળતા ને હાથીદાંતના જેવી સ્નિગ્ધતા એ પિંડી પર મન બહાવરું બની ફૂલ પર ભ્રમર ચોંટે એમ ચોંટી જાય છે.' (પૃ. ૨૦૮, ૨૦૯, ભા. ૧)

ઐતિહાસિક નવલકથાના વિષયવસ્તુને પોષક વાતાવરણ સર્જવા લેખકે કથનવર્ણનમાં જે અલંકારાદિનો ઉપયોગ કર્યો છે, એમાં કવિતાવેડા નથી એ જયભિખ્ખુનું જમા પાસું કહેવાય. પ્રસંગોને ઉઠાવ આપવા, પરિસ્થિતિનું સર્વગ્રાહી દર્શન કરાવવા તથા પાત્રને જીવંત-સચોટ રીતે આલેખવા તેમણે પોતાની કલ્પનાશક્તિના વિનિયોગથી મનોહર દૃષ્ટાંતો પેદા કર્યા છે, એટલું જ નહિ પણ એ અલંકારો નવલકથાના ગદ્યને ભારે મારતા નથી, પણ ઉપર કહ્યું તેમ નવલકથાના વિષયવસ્તુ, પાત્રને ઉપકારક બન્યા છે તે વાત લેખકને ન્યાય આપવા સ્પષ્ટ કરવી જોઈએ.

અલબત્ત, આ નવલકથામાં કેટલીક મર્યાદાઓ પણ છે ખરી. વિચાર- નિરૂપણ યા વર્ણનથી વચ્ચે મંદ પડતો વાર્તાપ્રવાહ, પ્રત્યક્ષ યા સાર દ્વારા કેટલીક પુનરુક્તિની પદ્ધતિ, કવચિત્ સંવાદની અસ્વાભાવિક લઢણ, સુરશર્મા વર્ષકારની દૃષ્ટાંતકથાઓ માટે બે સ્વતંત્ર પ્રકરણોની યોજના, આરંભમાં અજાતશત્રુના પાત્રાલેખનની અસ્પષ્ટતા, સારદર્શી વલણને કારણે લાંબી લેખણે લખાયેલો અંત, પ્રથમ ભાગનું કંઈક શિથિલ આયોજન, વસ્તુ- સંકલનમાં કેટલાક અંકોડાનું શૈથિલ્ય વગેરે આ નવલકથાની મર્યાદાઓ છે. સમગ્રપણે જોતાં એમ છતાં ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવતી આ ભાવનાશીલ નવલકથા એ સમયના સાંસ્કૃતિક-સામાજિક-ધાર્મિક વાતાવરણને સજીવન કરતી રસપ્રદ કૃતિ બની શકી છે. નવલકથાકારે વૈશાલીના ગણતંત્રની આંતરિક અશક્તિ અને ક્ષતિઓ ખૂબ સફળ રીતે નિરૂપી હોવા છતાં વાચકોનો પક્ષપાત સતતરૂપે વૈશાલી તરફ જ રહે એવું એનું નિરૂપણ ચિત્તને સ્પર્શી જાય છે. આ નવલકથાનું વિષયવસ્તુ ઇતિહાસલક્ષી હોવા છતાં લેખકે ઇતિહાસની સ્થળ વિગતોને પોતાની કલ્પનામંડિત નિરૂપણરીતિથી રસિક અને આસ્વાદ્ય બનાવી છે. કથાવસ્તુને બહેલાવવા લેખકે ઇતિહાસ સાથે છૂટ લીધી હોય તો પણ નવલકથાને તેથી લાભ થયો છે. ક્યાંક વિસ્તાર-પ્રસ્તાર લાગે, ત્યારે વ્યાપક-વિષયવસ્તુના અનુસંધાનમાં એની અનિવાર્યતા જોવાનું મન થાય છે. અનેક પાત્ર-પરિસ્થિતિઓના નિરૂપણમાં લેખકે તર્કબદ્ધ નિરૂપણ અને તાત્વિક ભૂમિકાનું દર્શન રસીભૂત કરીને પાત્રપ્રસંગને નવલકથાની કલાત્મકતા બક્ષી છે. પહેલાં ભાગની વસ્તુસંકલનામાં જોવા મળતી શિથિલતા બીજા ભાગમાં વિશેષ સમૃદ્ધ બનીને લેખકની શક્તિઓનો સારો અને સાચો જવાબ વાળે છે. આમ આ સુદીર્ઘ નવલકથા, સામાન્ય વાચકને સાથે સાથે સરવાળે તો સહૃદય અભ્યાસીને માટે પણ સંતોષપ્રદ પરિણામો આપે છે એમ નિઃશંક કહી શકાય.

‘પ્રેમાવતાર’ ભા. ૧, ૨ :

પોતાની વૈવિધ્યવંતી જીવનમાંગલ્યલક્ષી સાહિત્યસૃષ્ટિ દ્વારા સમાજ ઉપર ઉદાત્ત જીવનભાવનાઓની નિર્મળી છાંટનાર શ્રી જયભિખ્ખુની પ્રસ્તુત નવલકથા અહિંસામૂલક પ્રેમમય જીવનની કહાણી રજૂ કરે છે. દ્વાપર અને કલિયુગના સંધિકાળે જન્મેલા ભગવાન અરિષ્ટનેમિ અર્થાત્ શ્રી નેમનાથના જીવનને આવરી લેતી આ કૃતિમાં તત્કાલીન કર્મયોગી શ્રી કૃષ્ણ તથા મહારથી બલરામના જીવનને પણ ગૂંથવામાં આવ્યું છે.

શ્રી જયભિખ્ખુ કહે છે તેમ દેશની અને આત્માની આઝાદીની આ કથાનું મુખ્ય વસ્તુ ઘણું ટૂંકું છે. નેમનાથના જીવનને કથાવિષય બનાવી નવલકથાકારે આ કૃતિને લઘુનવલનો ઘાટ આપ્યો હોત તો કદાચ એમાં વસ્તુની અને ભાવનાની ઘનતા વધારે ઉપસાવી શકાઈ હોત. પણ લેખકનો હેતુ અણુયુગની ભીષણ સંહારલીલા તરફ ધકેલાયે જતી માનવસૃષ્ટિને આ કૃતિ દ્વારા 'જીવો અને જીવવા દો' તથા 'અહિંસા પરમો ધર્મ'નો સંદેશ આપવાનો છે અને એટલે જ નેમનાથની સાથે સંકળાયેલા એમના કાકાના દીકરાઓ શ્રીકૃષ્ણ -બલરામ તથા ફોઈના દીકરા પાંડુપુત્રોના જીવનની કેટલીક ઘટનાઓને સાંકળીને અહીં જયભિખ્ખુએ જે અવનવો વસ્તુગોફ રચ્યો છે એમાં નથી કેન્દ્રસ્થાને નેમનાથ, નથી કૃષ્ણ-બલરામ કે નથી પાંડવો. અહીં તો કેન્દ્રસ્થાને છે સતત યુદ્ધ તરફ ઇચ્છાએ કે અનિચ્છાએ ધકેલાતો જતો માનવસમાજ. એ સમાજની શારીરિક-માનસિક બેહાલી અને યુદ્ધનો નફો નવલકથાન્ત લેખકે વર્ણવ્યો છે.

ભારતના ઇતિહાસમાં યાદવકુળ દેવકુળ તરીકે જાણીતું છે. એનો ઇતિહાસ ભવ્યતાથી ભરેલો છે. આ યાદવકુળ જે સમયે નેતા વગર નિષ્પ્રાણ હતું, મગધના રાજા જરાસંઘ, મથુરાના કંસ અને ચેદિના શિશુપાલની ત્રિપુટીએ સમાજ ઉપર કાળો કેર વર્તાવવા માંડ્યો હતો, પર્વત, પાણી અને પશુ એમ ત્રણ જે પ્રજાની સમૃદ્ધિ હતાં એની તરફ જ સત્તાના ડોળ્યા ઘૂમ્યા કરતા હતા, આતતાયીઓની સેનાઓ નિર્ભિક બનીને પ્રદેશોને ઉજ્જડ કરતી હતી, શિકાર શોખીન ટોળાઓ ગરીબ ખેડૂતની કાળી મહેનતને પોતાના ક્ષણિક આનંદ માટે બરબાદ કરતી હતી, મદિરા, મૃગયા અને માનુની મોટાઈના અનિવાર્ય શોખ બન્યા હતા, સ્વાવલંબન જેવી કોઈ વસ્તુ રહી નહોતી, સ્વમાનની કોઈ કિંમત ન હતી, સંસારને જે વધુ પીડી શકે એ વધુ મહાન લેખાય એવી માન્યતા હતી, જુલમગારોના જુલમથી પૃથ્વીએ ત્રાહિમામ પોકર્યું હતું, એ વખતે ક્રાંતિનો પહેલો તણખો ગોકુળમાંથી ઝગ્યો. શ્રીકૃષ્ણ અને એની ગોપસેનાએ કંસને મથુરામાં શાનથી હણ્યો પણ એ પછી તો કંસના સસરા જરાસંઘનું જોખમ યાદવો ઉપર સતત ભારણ બનીને તોળાયું. ઉદાર નેતા, મહાન ચિંતક અને ત્યાગમૂર્તિ સમા કૃષ્ણ, નેમ અને બલરામે જરાસંઘના જોખમમાંથી બચવા અંધક અને વૃષ્ણિ યાદવોને મથુરા - ગોકુલમાંથી હિજરત કરી અન્ય સ્થળે વસવાની પ્રેરણા આપી અને તેઓ આનર્તપ્રદેશ એટલે કે આજના સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. ત્યાં દ્વારકા નગરીને સમૃદ્ધ બનાવી.

એ સમયે હસ્તિનાપુરમાં કૌરવ વંશની એક મોટી શાખા રાજ કરતી હતી. ધૃતરાષ્ટ્ર અને પાંડુ ત્યાંના રાજા હતા. બંને એક મગની બે ફાડ જેવા હોવા છતાં પાંડવોને એમના હક્કની જમીન આપવાની દુર્યોધને ના પાડી. પોતાનો ભાગ જોઈતો હોય તો યુદ્ધ દ્વારા જ મળી શકે એ સૂચવ્યું. કૌરવ- પાંડવ વચ્ચે યુદ્ધ ના જન્મે એ માટે બલરામની સૂચનાથી ભગવાન શ્રીકૃષ્ણ સંધિવિગ્રહિક પણ થયા. પણ મિથ્યાભિમાની, સ્વાર્થોધ દુર્યોધન ન જ માન્યો અને છેવટે મહાભારત યુદ્ધ અનિવાર્ય બન્યું. આ યુધ્ધે દેશની માનવશક્તિ સાથે અન્ય સંપત્તિનો પણ કારમો વિનાશ કર્યો. હારેલા કે જીતેલા બંને પક્ષે વિનાશ સિવાય કોઈ નફો ના મેળવ્યો. કુરુવંશ પૃથ્વી ઉપરથી લગભગ નામશેષ બની ગયો.

ભગવાન શ્રીકૃષ્ણના કાકાના દીકરા રાજા સમુદ્રવિજયના પુત્ર નેમ જે બચપણથી જ ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિયથી વિપરીત વ્યક્તિત્વ ધરાવતા હતા. એમણે જગતના જીવો સાથે નેહ કરવાનું નીમ લીધું હતું. એમના મનમાં એક જ પ્રશ્ન સદાકાળ ગુંજ્યા કરતો હતો કે 'માણસ જેટલો પારકાનું ભૂંડુ કરવામાં રસ ધરાવે છે એટલો પારકાના ભલા માટે રસ કાં ન ધરાવે ?' (પૃ. ૩૭, ભા. ૧). નેમને શસ્ત્રો સજવાનો ઓછો શોખ હતો. દેહની તાકાત કરતાં મનની તાકાત ઉપર વિશેષ શ્રદ્ધા હતી. આ નેમને એટલે જ જમીનભાગ મેળવવા માટે ઝઘડતા કૌરવ-પાંડવ ગમતા નથી. રુકમણિને એ કહે છે, 'હું પાંડવ હોઉં તો કૌરવને માંગ્યું આપી દઉં. દેનારની જીત છે.' (પૃ. ૧૮૪, ભા. ૧) વેરનું સાચું ઓસડ વેર નહીં, પ્રીત છે અને સંસારમાં સૌથી મોટી શકિત ક્ષમા છે એમ દૃઢપણે માનનાર નેમનાથ આત્મિક યુદ્ધમાં માને છે. એમના મતે માણસનો ખરો શત્રુ માણસ નથી. માણસ હણવાથી તો બીજો માણસ જ શત્રુ બનવાનો. દુશ્મનને હણવાથી દુશ્મનાવટ ઘટવાની નહીં. ખરેખર તો અરિનું મૂળ - શત્રુતાને જ હણવી પડે અને આ અરિપણાનું, દુશ્મનાવટનું મૂળ તો કામ, ક્રોધ, લોભ, મોહ છે. માટે સાચા દુશ્મન તો એ જ છે. એને હણીએ તો યુદ્ધ જાય ને જગત ઉપર શાંતિ જન્મે. આવા, ભાવનાની ખેતી કરનાર અલગારી અને અંતરથી વિરાગી એવા નેમનાથને શ્રીકૃષ્ણનાં રાણી સત્યાદેવી સંસારી બનાવવા ઇચ્છે છે. શ્રીકૃષ્ણની આજ્ઞાથી પોતાની બહેન રાજ્યશ્રી સાથે સગાઈ ગોઠવે છે. રાજ્યશ્રી પણ નેમનાથના સાન્નિધ્યમાં આત્માનું અપૂર્વ સૌંદર્ય મેળવે છે. અને એટલે જ લગ્ન માટે વરઘોડે ચડેલા નેમનાથ જાનના જમણ માટે વાડે બલિ તરીકે બંધાયેલ પશુઓના પોકાર સુણી 'સર્યું આવા લગનથી' કહીને રેવતાચલ ઉપર આત્માના ઉજાશ માટે જતા રહે છે ત્યારે એ પણ એમની પાછળ જઈ આત્માની લગ્નદીક્ષા લે છે. યાદવોની તાકાતને પણ ધીમે ધીમે મદાંધતાનો લૂણો લાગે છે. દુનિયામાં પોતાને કોઈ હરાવનાર રહ્યું નથી એવા વધુ પડતા વિશ્વાસે તેઓ પરસ્પરના દ્વેષી બનીને પ્રભાસતીર્થે લડાઈમાં કપાઈ મરે છે.

ઇતિહાસના ભયંકર ઉત્થાન-પતનના સમયે, રાગ અને દ્વેષના સમયે, જાતિઓનાં બંધન અને મુક્તિ વચ્ચે જગતને નવી દિશા સૂચવનાર સૂર્યચંદ્રના તેજે ચમકતી આ વિરલ વિભૂતિઓ કૃષ્ણ-નેમ-બલરામની દિલેરીની કથા રજૂ કરતી આ કૃતિએ વસ્તુના આધાર તરીકે ભાગવતના ‘દશમસ્કંધ’માં આવતા કૃષ્ણચરિત્રના કેટલાક પ્રસંગો અને જૈન પરંપરામાં પ્રચલિત નેમચરિત્રનો ઉપયોગ કર્યો છે. જેમ કે કથામાં આવતા કાળયવનનો મુચકુંદ દ્વારા વધ કરાવ્યાનો પ્રસંગ, રુક્મિણીહરણસ, સત્રાજિત દ્વારા સ્યમંતક મણિ ચોરવાનો આરોપ અને એમાંથી મક્તિ મેળવવા જાંબવાન પાસેથી મણિની અને એની પુત્રી જાંબવતીની પ્રાપ્તિ, સત્રાજિતની પુત્રી સત્યા સાથે લગ્ન, યાદવોને બ્રાહ્મણોનો શાપ, ઉદ્ધવ સમક્ષ ભગવાન કૃષ્ણ કરેલું દત્રાત્રયના ગુરુઓનું વર્ણન, યાદવકુળનો સંહાર વગેરે ઘટનાઓ ભાગવતના ‘દશમસ્કંધ’ને આભારી છે. અલબત્ત, એમાં ક્યાંક નાના ફેરફારો લેખકથી થઈ ગયા છે એના મૂળમાં એવું અનુમાન કરી શકાય કે કદાચ લેખકે જૈન પરંપરામાંથી ભાગવત વિશે જ્ઞાન મેળવ્યું હોય અથવા શરતચૂકથી આવી ભૂલો થઈ ગઈ હોય, જેમ કે ભાગવતમાં જરાસંઘની પુત્રના નામો અસ્તિ અને નાસ્તિ છે જેમનું લગ્ન કંસ સાથે થયું હતું અને કંસવધથી રિસાઈને તે પિતાને ત્યાં જતી રહી હતી તથા પિતાને કૃષ્ણ-બલરામ વિરુદ્ધ યુદ્ધ માટે ઉત્તેજ્યા હતા. એ જ રીતે જરાસંઘના કોપથી સમગ્ર યાદવ સેનાને બચાવવા કૃષ્ણ-બલરામ એકલા પર્વત ઉપર જતા રહે છે. એ પર્વત ભાગવતાનુસાર પ્રવર્ષણ પર્વત છે. લેખકે એનું નામ ગોમંતક આપ્યું છે. દેવકીને સાત પુત્રો હતા એ કથા ભાગવતમાં મળે છે. એમાંના છને જન્મતાં જ કંસે મારી નાખ્યા હતા, જેને પાછળથી ભગવાન શ્રીકૃષ્ણે માતા દેવકીની વિનંતીથી સજીવન કરી મોક્ષ અપાવ્યો હતો. પ્રસ્તુત કથામાં દેવકીને આઠ પુત્રો હતા એવું જણાવ્યું છે. પહેલા છ કંસ દ્વારા હણાયા નહોતા. જન્મતાંની સાથે નાગ-ગાથાપતિની પત્ની સતી સુલસા જે મૃતવંધ્યા હોવાની-એટલે કે તેમના પુત્રો જન્મતાંની સાથે જ મૃત્યુ પામશે-ભવિષ્યવાણી જાણી એવા પુત્રો પાસે પણ કંઈક સંસાર કલ્યાણનું કામ કરાવવાની માતાની પ્રાર્થનાની બાળકોની અદલા-બદલી હિરણગમેષી દેવી દ્વારા થાય છે. આ પુત્રો દેવકીને જૈન મુનિના રૂપે પાછા મળે છે. સાતમા તે કૃષ્ણ અને આઠમા ગજસુકુમાર, આ કથા ભાગવતમાં નથી. લેખકને ભાગવતની જૈનપરંપરાનુસારની કથામાંથી આ વસ્તુ મળ્યું હોય ! નેમનાથની કથા જૈનોમાં ખૂબ પ્રચલિત છે. અહીં કૃતિમાં રાજ્યશ્રી તરીકે જેને ઓળખાવવામાં આવી છે તે યાદવ સત્રાજિતની પુત્રી અને સત્યારાણીની બહેન નહીં, જૈન પરંપરામાં એ રાજા ઉગ્રસેનની પુત્રી છે અને એનું નામ રાજુલ અથવા રાજમતી તરીકે વધારે પ્રચલિત છે. ટૂંકમાં ‘ભાગવત’, ‘દશમસ્કંધ’, જૈન પરંપરા અને કવિકલ્પનાના સંમિશ્રણથી સર્જાયેલી આ કૃતિ મુખ્યત્વે તો સમાજને વેરનો બદલો વેરથી નહીં, પ્રીતથી દેવાનો સંદેશ આપે છે.

પૌરાણિક કથાવસ્તુમાં લેખકે કરેલા આજના વૈજ્ઞાનિક યુગના બુદ્ધિજીવીને ગળે ઊતરે એવા કેટલાક નવાં અર્થઘટનો પણ કૃતિમાં ધ્યાનપાત્ર બને છે. ભાગવત અનુસાર પોતાની બહેન દેવકીને લગ્નમંડપમાંથી વિદાય આપતી વખતે કંસે જે ભવિષ્યવાણી સાંભળી તે અનુસાર પોતાના મૃત્યુનું નિમિત્ત બનનાર ભાણેજને જન્મ આપનારી બહેન તથા બનેવીને એણે જેલમાં પૂર્યા. ભાગવત કથામાં ભવિષ્યવાણી જેલ પૂરવાનું નિમિત્ત બને છે. આજના બુદ્ધિજીવીને આ ભવિષ્યવાણીની વાત જલદી ગણે ના ઊતરે તેથી આ સંદર્ભનું એક નવું અર્થઘટન તારવીને લેખક કથામાં એવી રજૂઆત કરે છે કે વાસુદેવનો કંસ સાથેનો કંસને સબળ બનાવતો સંબંધ જેમને પસંદ નહોતો એવા કેટલાક વિઘ્નસંતોષીઓએ વિદ્યાવાન પુરુષોનો સાથ લઈને કંસને જ્ઞાનતંતુઓના યુદ્ધમાં નાખી દીધો. વહેમી કંસના મનમાં ઠસાવી દીધું કે અમારું જ્ઞાન એવું કહે છે કે આ બહેન અને બનેવીના રાજવીર્યનું ફળ તારો ઘાત કરશે. (પૃ. ૩૮, ભા. ૧). કંસ આ કાવતરાનો શિકાર બન્યો. જ્ઞાનતંતુના યુદ્ધમાંથી છેવટે એણે વાસુદેવ-દેવકીને કેદમાં પૂરવાનો નિર્ણય કર્યો.

એ જ રીતે ભાગવતમાં પ્રચલિત કૃષ્ણજન્મની કથાને, એ સમયે થયેલા ચમત્કારને ગાળી નાખીને લેખક કથાસંદર્ભનું પુનર્ઘટન આવી તાર્કિક રીતે કરે છે. વાસુદેવના મોટાભાઈ સમુદ્રવિજયે કંસના અત્યાચારથી હારેલી, થાકેલી પ્રજામાં જન્મેલા અસંતોષનો પોતાને જરૂરી ઉપયોગ કર્યો. સૌ પ્રથમ જેલોના બંદોબસ્તને શિથિલ કરી નાખ્યો, વાસુદેવ ધારે ત્યારે બહાર આવ-જા કરી શકે એવી શિથિલતા બંદોબસ્તમાં આણી. એ પછી તેઓ દરેક રાજ્યમાં ફરી આવ્યા. રાજાઓને વિનંતી કરીને કહ્યું કે ‘સતના બેલી થવું ક્ષત્રિયોની ફરજ છે.’ રાજાઓ ખાનગીમાં કંસના શાસનની અને કંસની ખૂબ નિંદા કરતા પણ પ્રગટ રીતે કોઈનામાં એનો સામનો કરવાની તૈયારી નહોતી. કારણ કે એમ કરવામાં કંસ ઉપરાંત એના પ્રતાપી સસરા જરાસંઘનો પણ ડર હતો. ફરતા ફરતા તેઓ નંદગોપને ત્યાં આવ્યા. ગોપ લોકોએ સહકાર આપવાનું વચન આપ્યું. ગોપરાણીએ તો એટલે સુધી કહ્યું કે ‘જરૂર પડે સંતાન માટે સંતાન આપીશ પણ દેવકીનો બાળ બચાવજો. (પૃ. ૪૦).’ કંસના શાસનનો નાશ કરવામાં ગોપ લોકોનો ફાળો મોટો હતો. ગોપ લોકોએ ઘણી વાર રાજશાસન પલટાવવામાં મદદ કરી હતી એ વાતની સાબિતીરૂપે ઇતિહાસની એક હકીકત ફૂટનોટમાં નોંધતાં લેખક કહે છે, ‘ઇતિહાસમાં પાટણની ગાદી સ્થાપવામાં મદદ કરનાર ગોપ લોકો હતો. અને અલ્લાઉદ્દીન સામે હિંદુપદ-પાદશાહી માટે લડનારા ગુજરાતી ભરવાડો હતા.’ (પૃ. ૪૦, ભા. ૧).

સમુદ્રવિજયની કુશાગ્રતાથી ગોપ લોકોની મદદ સાથે કંસના પ્રતાપી શાસનની છાયામાં એક કાવતરું ગોઠવાઈ ગયું. બાળકની બદલીનું કાર્ય પણ એવા સમયે ગોઠવાયું જ્યારે મુશળધાર વરસતી શ્રાવણની મેઘલી રાતે બે બાજુ છલકાતી જમના કિનારે ચકલું ય ન ફરકે. આ રીતે કારાગાર ખૂલ્યા કઈ રીતે અને કોના દ્વારા એ કહેવાની જરૂર નથી. લેખક ક્રાંતિમાં સહાય કરનારા આવા લોકો માટે એટલું જ કહે છે, ‘નામ કીર્તિ માટે કામ કરનારા એ લોકો નહોતા’ (પૃ. ૪૧). એ જમુનાએ બે ભાગમાં વહેંચાઈને વાસુદેવને માર્ગ આપ્યો એવું નહીં પણ લેખક તો કહે છે, ‘સાગર જેવી જમુના તરી વાસુદેવ પેલે પાર પહોંચ્યા.’ (પૃ. ૪૧)

એ જ રીતે અહીં નાગ એ પશુસૃષ્ટિનો જીવ નથી, એ તો અનાર્ય લોકો છે જેમને આર્યોથી વેર હતું. કાલીય નાગ અહીં નાગરૂપે નહીં, માણસરૂપે રજૂ થાય છે. (પૃ. ૪૮) લેખક કહે છે, ‘કાલીયનાગ જાદુમંતરવાળો માણસ હતો. એ અનેક પ્રકારની કરામતો જાણતો હતો. મહાવૈજ્ઞાનિક અને ચતુર રાસાયણિક હતો. એ ધારે ત્યારે કાલિંદીના પાણીને વિષમય કરી મૂકતો. એ ધારે તો ગામડાં ઉજ્જડ કરી દેતો. એના ઇષ્ટદેવ નાગ હતા અને માટે એ અનેક નાગ પોતાની પાસે રાખતો. જે ગામને ઉજ્જડ કરવા હોય ત્યાં એ નાગોના સમૂહને છૂટો મૂકી દેતો.’ (પૃ. ૪૮, ભા. ૧). કાલિંદીના કાંઠે કૃષ્ણ એની સાથે કુસ્તીના દાવ ખેલ્યા અને પરાજિત કરી એને સદાનો પોતાનો સેવક બનાવ્યો.

નવલકથાની પાત્રસૃષ્ટિ વિશાળ અને વૈવિધ્યયુક્ત છે. અહીં સંસારને આતતાયીઓનું સંગ્રહસ્થાન બનાવે અને મિથ્યાભિમાની, ક્રૂર, ઘાતકી, સ્વાર્થાંધ સ્ત્રી-પુરુષો પણ છે અને અન્યને ખાતર ફના થઈ જનારા, પરકલ્યાણ અર્થે સર્વસ્વ હોમી દેનારા ભાવનાશાળીઓ પણ છે. જરા નામની ઇચ્છાશક્તિને વશ કરી સંસાર આખાને પોતાના આસુરી બળથી ત્રાહિમામ્ પોકારાવનાર જરાસંઘ તથા એવા જ ગુણોવાળી એની પુત્રી અને કંસની પત્ની જીવયશા અહીં છે, તો એની સામે પ્રતિપ્રચાર સંઘની અદની સેવિકા બની આર્ય આર્ય આર્ય - નાગને એક કરવાનું નેમ-દીધું સ્વપ્ન સાકાર કરવા મથતી વૈરાટ્યા પણ છે. નવલકથામાં થોડો સમય દેખાતી લેખકની કલ્પનામાંથી જન્મેલી આ યુવતી પ્રેમના પારસસ્પર્શથી જગતને સ્નેહસુવર્ણધામ બનાવવા ઝંખે છે. યુદ્ધ એને ગમતું નથી અને એટલે જ જરાસંઘ સામે યુદ્ધ નીકળેલા બલરામની પાસે એ એક વચન માગે છે, ‘કોઈવાર તમારી આ બહેનને યાદ કરી યુદ્ધધર્મ અળગો કરી પ્રેમધર્મ આચરજો.’ (પૃ. ૯૭, ભા. ૧) બલરામ એને સમજાવતા કહે છે કે, ‘સંસાર પર વધી ગયેલા આતતાયીઓને દૂર કરવા યુદ્ધ એ જ યુગધર્મ છે.’ (પૃ. ૯૮, ભા. ૧). ત્યારે યુગધર્મ તરીકે યુદ્ધનો સ્વીકાર તો કરે છે પણ પછી એને જે કહેવાનું છે તે આજે પણ યુદ્ધભૂખી જનતાએ સમજવા જેવું છે. એ કહે છે, ‘પેટમાં થયેલા ચરમને શુદ્ધિ કરવા કડવી ઝેરી દવા પીવી પડે છે પણ, હે બલરામ ! શું પછી પેટની શુદ્ધિ એવી સ્થાયી ન કરી શકાય કે ચરમ પેદા જ ન થાય !’ (પૃ. ૯૭, ભા. ૧) અને બલરામને આ વાત સ્વીકારવી પડે છે. એ વૈરાટ્યાને વચન આપે છે કે પોતે એક વખત યુદ્ધપ્રેમને બદલે પ્રેમયુદ્ધ ખેલી બતાવશે. એકાદ યુદ્ધ થતું થંભાવશે અને નહીં થંભે તો એમાંથી અળગા થશે. અને એ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ થંભાવવાના એમના પ્રયત્નો અસફળ થાય છે ત્યારે તેઓ એ નરસંહારાત્મક યુદ્ધથી અળગા રહે છે.

જરાસંઘની જેમ શિશુપાલ પણ આતતાયી સૃષ્ટિનો પામર જીવ છે. અસત્યનો પક્ષકાર, હલકો, મિથ્યાભિમાની, નીચલી કક્ષાની રસરુચિવાળો આ રાજવી એની નફ્ફટાઈને કારણે પોતાનો સર્વનાશ નોતરે છે. તો નેમનાથનો ભાઈ રથનેમિ મનચલો યુવાન છે. એનું નિરૂપણ અહીં સદ્-અસદ્ તત્ત્વોના મિશ્રણરૂપે થયું છે. શિશુપાલ, જરાસંઘ, દુર્યોધન, અશ્વત્થામા વગેરે માત્ર અસદ્ તત્ત્વોનાં પૂતળાં લાગે છે જ્યારે રથનેમિ બંનેનું સંમિશ્રણ છે. રાજ્યશ્રી તરફ એને એના રૂપને કારણે આકર્ષણ છે. આ આકર્ષણ જ તેને વિવેકહીન બનાવીને તેમનાથી લગ્ન કર્યા વગર રાજુલને ત્યજીને જાય છે ત્યારે રાજુલ સાથે લગ્નપ્રસ્તાવ મૂકવા પ્રેરે છે. એ વખતની એની સ્વાર્થપૂર્ણ વર્તણૂક આપણને કઠે છે. સાધ્વી રાજુલ સાથેનું સાધુરૂપમાંનું એનું વર્તન તો નિર્ભર્ત્સના પ્રેરે એવું જ છે પણ જેમ પારસસ્પર્શે લોઢું સોનામાં રૂપાંતરિત થાય એમ રાજ્યશ્રીના ઉદાત્ત શીલ અને વિચારના સ્પર્શે તેનું વાસનાવમળમાં અટવાતું મન સંયમની શ્રીને ગ્રહીને પવિત્ર બને છે. એનો સંઘર્ષ એનામાંના માનવીય તત્ત્વને નવલકથામાં સ્મરણીય બનાવે છે.

માનવતાના શત્રુ સામે તન, મન, ધનથી લડતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ જ સજ્જનોના પરિત્રાણ અને દુષ્ટોના દમન માટે થયો છે. યુદ્ધને તેઓ અંતરથી તિરસ્કારે છે. એમને એ પણ ખબર છે કે યુદ્ધ પાસે સારાસારનો વિવેક નથી. એમાં ન્યાયની જીત થાય એવું પણ નથી. યુદ્ધમાં તો બળિયો જ બે ભાગ લઈ જાય છે. યુદ્ધ એ પશુતા છે. એને પાંગરવા દેવામાં કોઈનું શ્રેય નથી છતાં અમુક પરિસ્થિતિમાં યુદ્ધને તેઓ અનિવાર્ય ગણે છે. તેઓ રાજ્યશ્રીને કહે છે : ‘રાજ ! પૃથ્વી પર પાપની ગંદકી વધી ગઈ છે. યુદ્ધની આગ વિના એને કોઈ સાફ કરી શકશે નહિ. પિતા ધૃતરાષ્ટ્ર અંધ છે, અને પુત્રપ્રેમ પાસે વિશેષ અંધ બન્યા છે ! દ્રોણ જેવા ગુરુઓ રાજ્યને નિયમનમાં રાખનાર રહ્યા નથી, એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો છે, ને એ રાજ્યાશ્રિત બની ગયા છે. પૃથ્વીને સત્યનો સંદેશ આપી શકે એવા ભીષ્મ જેવા પુરુષો પૈસાના દાસ બન્યા છે ! શું આવી સડેલી ધરતી તું સાચવી રાખવા માંગે છે ?' (પૃ. ૪૮૭, ભા. ૨) સાથે સાથે તેઓ એ બાબતમાં સ્પષ્ટ છે કે, 'યુદ્ધમાં આપણે સત્યના પક્ષે હોઈએ એટલું જ જોવાનું. પછી હારજીતની બાબતમાં અનાસક્ત થઈ જવાનું.' (પૃ. ૩૭૩, ભા. ૨) વિશ્વમાં સત્યનું રાજ્ય સ્થપાય એ માટે યુદ્ધ લડવાનું ઉચિત માનનાર શ્રીકૃષ્ણનું પાત્ર અહીં લેખકે કર્મવીર યોગી તરીકેનું નિરૂપ્યું છે.

નવલકથાની સમગ્ર પાત્રસૃષ્ટિ ઉપર છવાઇ જતા નેમ-રાજ્યશ્રી એક ચેતનાના બે અડધિયાં જેવાં ઉપસ્યાં છે. જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા જન્મેલા વિશ્વપુરુષ નેમનાથી પ્રેમની મુશળધાર વર્ષા જગતના મેલા અંતરપટને સ્વચ્છ બનાવે છે. યૌવનની લોહચુંબકીય દુનિયામાં એ મીણની મૂર્તિ બનીને રહે છે. જેને ગમે તેવું કાતિલ તેજાબી જોબન પણ ગાળી શકતું નથી. એમને અધ્યાત્મ દ્વારા રાગદ્વેષને દૂર કરી જગતને પ્રેમભર્યું બનાવવાની ઝંખના છે. પોતાના પ્રેમમય આત્માના અણુઓને પ્રેમજલથી આર્દ્ર અને કરુણાથી સભર બનાવી ચૌદ લોકમાં છાંટવા છે, જેના દ્વારા દ્વેષનો દાવાનલ પ્રેમસરોવર થઈને સૌને પ્રેમજળમાં સ્નાન કરાવે. આ અર્થમાં તેઓ પ્રેમાવતાર છે. આવા પ્રેમસાગરને હૃદયમાં ધરવાની ઝંખનાવાળી રાજ્યશ્રી નારીરૂપની નરવી છબી હતી. એના મસ્ત બેપરવા સ્વભાવ અને ગરવા વ્યક્તિત્વમાં એવી ખુમારી હતી કે જનમ જનમના ભેખધારીના ભગવા પણ ઊતરી જાય. લગ્નને એ કામ જીતવાનો દિવ્ય પ્રયોગ માનતી હતી. એને મન લગ્ન એ દેહની ક્ષુધાને ભુલાવીને આત્માની ક્ષુધા જગાવવાની દિવ્ય ભૂમિકા હતું. સ્થૂલ દેહલગ્ન દ્વારા આત્મિક પ્રેમના રાજમાર્ગે સંચરવામાં માનતી આ નારી સાથે ભલે સ્થૂલરૂપે નેમનાથનું લગ્ન થયું ન હોય, નેમનાથના આત્મા સાથેનું એનું મિલન એની જીવનનૌકાને વાસનાના ક્ષુદ્ર ને તોફાની તરંગો પરથી તારીને દિવ્યલોકની યાત્રી બનાવે છે.

આ ઉપરાંત આગ અને ગજવેલમાંથી ઘડાયેલી મૂર્તિ સમાન સત્યા-રુકિમણિ તેજસ્વી, મૃદુ અને ભાવભર્યા લાગે છે. લેખકે એક જ વાક્યમાં બંનેના વ્યક્તિત્વનો પરિચય આપતા કહ્યું છે : 'રુકિમણી લાજવંતીના ફૂલ જેવી છે તો સત્યા સૂરજમુખીના ફૂલ જેવી.' તેજસ્વી રુકિમણી જરાસંઘની આજ્ઞાંકિત પત્નીઓ જેવા ક્ષત્રિય રાજાઓને તિરસ્કારે છે. કૃષ્ણ તરફનો એનો પ્રેમ જ એનું હરણ કરવા માટે કૃષ્ણને પ્રેરે છે. સત્યાનું તેજભર્યું રૂપ ધારદાર છે. તીખી કટારી શી આ નારીના રાગ-વિરાગ-પ્રેમ-દ્વેષ જબરા હતા. એ જેને ચાહે એને વશવર્તીને રહેતી. એ જેનો દ્વેષ કરે એ દુનિયામાં સુખચેનથી ન રહી શકે એવો એનો સ્વતંત્ર મિજાજ નવલકથાકારે સચોટ રીતે ઉપસાવ્યો છે.

નવલકથામાં પાત્રચિત્રણની કેટલીક મર્યાદાઓ પણ જણાય છે. જેમકે ક્યારેક પાત્રનું ચિત્રણ યથાર્થ રીતે કરવાના મોહમાં લેખકહાથે વિવેક ચુકાઈ ગયો છે. જેમકે શિશુપાલની નફટાઈ, વરવાઈ ઉપસાવવા ઇચ્છતા લેખક એક પ્રસંગે શિશુપાલના મુખે સ્ત્રીના સંદર્ભમાં ‘માલ સારો છે' એવું ઉચ્ચારણ કરાવે છે જે અનુચિત લાગે છે. આને બદલે બીજી કોઈ રીતે પણ લેખક પાત્રનો આ ભાવ ઉપસાવી શક્યા હોત. એ જ રીતે ક્યારેક જેમ પ્રેમાનંદને હાથે પૌરાણિક પાત્રોનું ગુજરાતીકરણ થઈને એ પાત્રની પૌરાણિક મહત્તા હણાઈ જતી એવું જયભિખ્ખુને હાથે પણ થયું છે. રુકિમણીના પિતાની પુત્રીને પરણાવવા સંબંધી જે ચિંતા છે એમાં એક રાજવીને શોભતું ગૌરવ નથી. ગુજરાતના ઘણી દીકરીના બાપની દીકરીના ભવિષ્ય માટેની ચિંતા જેવું ચિંતાળવાપણું છે. એવી જ રીતે 'મૂઆ જરાસંઘથી ચેતતા રહેજો'માંનો 'મૂઆ’ શબ્દપ્રયોગ કરતી દેવકી રાજરમણી કરતાં ગુજરાતણ વધુ લાગે છે.

આ નવલકથા પ્રણય અને શૌર્યને પોતાના નિમિત્ત બનાવી અંતે ઉપશમ-શાંતિમાં સમાપન પામે છે. પ્રણયનિરૂપણમાં લેખકની કુશળતા ‘કામવિજેતા'ની જેમ અહીં પણ ઠીક અંશે જોવા મળે છે. શૃંગારના સંયોગ અને વિપ્રલંભ બંને પાસાનું નિરૂપણ યથાવકાશ અહીં થયું છે. એના નિમિત્ત બન્યા છે નેમિનાથ અને રાજ્યશ્રી. યુદ્ધના પડછંદા તો નવલકથામાં પાને પાને વાગે છે. પણ એટલું સાચું છે કે લેખક યુદ્ધની વિભિષિકાને પ્રત્યક્ષ બતાવવામાં બહુ રચ્યા નથી. જ્યાં જ્યાં યુદ્ધ બતાવવાનું આવ્યું ત્યાં ત્યાં એમણે કોઈના મુખે જ એ વર્ણવ્યું છે. કુરુક્ષેત્રનું આખું યુદ્ધ રાજ્યશ્રીને આવતા સ્વપ્નરૂપે વર્ણવાયું છે. માત્ર અશ્વત્થામા દ્વારા પાંડવસેનાની થતી ખુવારી લેખકે યુદ્ધના વરવા ચિત્રરૂપે ઉપસાવી છે. એટલે યુદ્ધમાંથી જન્મતો વીર અહીં છે ખરો પણ તે રંગોળીમાંના રંગછાંટણાં તરીકે. કથામાં સર્વત્ર તો પથરાઈ રહે છે શાંતનો અહાલેક. કથાના નાયક જો નેમિનાથને ગણીએ તો એમણે તો છેક બચપણથી જ પ્રીતનો, અધ્યાત્મનો, અવૈરનો સંદેશ ગુંજતો કર્યો છે.

નવલકથા-આલેખન પદ્ધતિ માટે સર્જકે વિવિધ પ્રયુક્તિઓ કામમાં લીધી છે. વર્ણન દ્વારા, સંવાદ દ્વારા, પ્રત્યક્ષ કથન દ્વારા, ક્યારેક કથકરૂપે કોઈ પાત્રને ઉમેરી એના દ્વારા લેખક નવલકથા નિરૂપે છે. કથનની સરસતા માટે પદ્યનો પણ ઉપયોગ કર્યો છે. જેમકે રાજ્યશ્રીના નેમવિરહની પ્રણયવેદનાના મનોભાવ વ્યક્ત કરવા સખીઓ બારમાસી ગાય છે. (પૃ. ૩૯૭, ભા. ૨). ભાવ ત્યાં સઘન બનીને ઊર્મિનું રૂપ ધારે છે. એ જ રીતે રાજ્યશ્રી નેમને પ્રેમપત્ર લખે છે એ પણ પદ્યમાં છે. રાજ્યશ્રીએ સ્વપ્નમાં કરેલું ભારતદર્શન નિરૂપણની એક વિશિષ્ટ પદ્ધતિનું સૂચક છે. ગોવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ની કુમુદની જેમ આ નવલકથાની નાયિકા રાજ્યશ્રી તંદ્રામાં સ્વપ્નમાં મહાભારતનું - કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળે છે. એના મુખે નિરૂપાતી યુદ્ધકથા નવલકથા-આલેખનની એક વિશિષ્ટ પદ્ધતિ છે.

નવલકથાકારે દૃષ્ટાંતકથાઓ, આડકથાઓ યોજીને પણ પોતાના કથનને સચોટ બનાવ્યું છે. કેટલીકવાર કથનની સચોટતા માટે લેખક કેટલાક દૃષ્ટાંતરૂપ પ્રસંગો પણ નવલકથામાં વણી લે છે, જેમ કે નેમનાથને સત્રાજિત યાદવે આપવા ધારેલો મણિ લઈને કેટલાક યાદવો નેમનાથ પાસે આવે છે તેને મણિ લેવા સમજાવે છે. સાથે સાથે એક ક્ષત્રિય રાજવીપુત્ર તરીકે યાદવોના નેતા કૃષ્ણને હઠાવીને એણે રાજવીપદ લેવું જોઈએ એ માટેની ખટપટ પણ શીખવે છે. નેમનાથને રાજખટપટનું આ ઝેર પસંદ નથી. એ સમયે એની નજર ત્યાં એક ઘણો સમય ઘાણી ઉપર રહેલા અને એને કારણે જેના શરીર પર કાંધ પડી ગઈ છે એવા બળદ ઉપર જાય છે. કાંધમાંથી માંસ અને પરુ નીકળે છે જેની ઉજાણી કરવા કાગડાનો સમૂહ આવી ગયો છે. બળદમાં એ કાગડાના સમૂહને ઉડાડવાની પણ શક્તિ નથી. નેમિનાથથી આ જોયું જતું નથી. એ મણિ ફેંકી કાગડાને ઊડાડી મૂકે છે. ત્યારે યાદવો બોલી ઊઠે છે : 'કાગડાને ઉડાડવા મણિ ફેંકી દીધો ?' નેમનાથ જવાબ આપે છે, 'ના, ના, મેં આ દ્વારા મારા આત્મારૂપી મણિની રક્ષા કરી લીધી.' (પૃ. ૨૯૨-૨૯૩, ભા. ૧). એ જ રીતે યાદવ મુત્સદીઓ તેમની ક્ષમાભાવના અને વૈરાગ્યની વાતો માત્ર ગરજ પૂરતી છે એ સમજાવવા હાથી અને મૃગની દૃષ્ટાંતકથા રજૂ કરે છે. (પૃ. ૩૧૨, ભા. ૧) કુંતા દ્વારા ભીમ અને યાદવોના દરબારને સંદેશારૂપે કહેવાયેલી વિદુલા અને તેમની પુત્રની દૃષ્ટાંતકથા ભીમને 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'નો સંદેશ આપે છે. (પૃ. ૩૮૭)

રાજકારણ વિષેના જયભિખ્ખુના કેટલાક વિચારો પાત્રમુખે વ્યક્ત થાય છે. જેમ કે યાદવો નેમિનથની આગળ રાજને કાચા સોના તરીકે ઓળખાવે છે. અને કહે છે કે એકવાર એ સોનું હસ્તગત થયા પછી જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડી શકાય (પૃ. ર૯૦, ભા. ૧). 'યોગી તે રાજા અને રાજા તે યોગી' એ લેખકની પ્રિય ભાવના એમની અન્ય નવલોની જેમ અહીં પણ પાત્રમુખે ગુંજે છે. રાજકારણમાં લોકનેતાએ લોકપ્રશંસા કે લોકનિંદા પર ભરોસો ન રાખવો જોઈએ. એ બંને તો કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે એવું પણ રાજકારણનું સત્ય પાત્રમુખે એક સ્થળે વ્યક્ત થાય છે. (પૃ. ૨૯૧, ભા. ૧)

અન્ય નવલોની જેમ આ નવલકથાનું ગદ્ય પણ સર્જકના હાથે કલ્પના, રૂપક, ઉપમા વગેરેથી સુચારુ બન્યું છે. કેટલાક શબ્દપ્રયોગો ગદ્યની લઢણને રઢિયાળું રૂપ આપે છે. જ્યભિખ્ખુનું ગદ્ય યથાપ્રસંગ અવનવાં રૂપો ધરે છે. વર્ણનોમાં તો ઉપમાઓની આવલિ લેખકને જાણે કે અતિપ્રિય હોય એવું જણાય છે. આમેય ઉપમા સાથે એમને વધારે પ્રીતિ જણાય છે. જોકે આ નવલકથામાં તો અવનવી કલ્પનાને વ્યક્ત કરતાં રૂપકો, સમાસો, શબ્દપ્રયોગો પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક ઉપમાઓ સુંદર છે. જેમકે 'મદભરી પ્રિયાના લાલ નયન સમો સૂરજ' (પૃ. ૩, ભા. ૧), ડાલામથ્થા સિંહના જેવા મોટા માથાવાળા ગોવાળો (પૃ. ૧૨, ભા. ૧), દરિયાનાં નીલજળ જેવાં નયન (પૃ. ૫૧, ભા. ૧), પ્રેરણાની પરબ જેવા હોઠ (પૃ. ૧૩૬, ભા. ૧) જરાસંઘની આજ્ઞાંકિત પત્ની જેવા રાજાઓ (પૃ. ૧૬૩, ભા. ૧), ઢોલ જેવી દુનિયા.. જેટલી મોટી પોલ એટલો અવાજ વધુ (પૃ. ૧૭૨, ભા. ૧), ચંદનની ડાળ જેવી નાજુક નારીઓ (પૃ. ૧૯૫, ભા. ૧), મીણના પિંડા જેવી ફિલસૂફી (પૃ. ૨૬૬, ભા. ૧), નીલગગન જેવી રાજ્યશ્રીની કીકી (પૃ. ૧૩૪, ભા. ૨), નારીયેળીના વૃક્ષ પર રહેલા મધપુડા જેવી સત્યા (પૃ. ૨૩૫, ભા. ૨) ઝીણી સેંથા જેવી પગથિયાની કેડી (પૃ. ૩૯૭, ભા. ૨), પ્રબળ લાગણીઓની અગ્નિશિખા જેવી રાજ્યશ્રી (પૃ. ૪૪૬, ભા. ૨) જીવંત મોક્ષ સમો રથનેમિ (પૃ. ૪૬૪, ભા. ૨), દેવપ્રતિમા જેવું નિર્દોષ મોં (પૃ. ૪૭૪, ભા. ૨) પૃથ્વીમાતાના સ્તન જેવી નગરી (પૃ. ૪૯૪, ભા. ૨) નકલંક મોતી સમા ભીષ્મ (પૃ. ૪૯૮, ભા. ૨), કલિયુગના મો સમો ધૃષ્ટદ્યુમ્ન (પૃ. ૪૯૮, ભા. ૨), ફૂલ ગજરા જેવી સોહામણી રાજ્યશ્રી (પૃ. ૫૦૮, ભા. ૨), પાપીના હૃદય જેવી કાળીમેશ રાત (પૃ. ૫૦૮, ભા. ૨) ઉપમાની જેમ દૃષ્ટાંત પણ અહીં ઠીક પ્રમાણમાં મળે છે. જેમકે 'રાજકુળોમાં અંતઃપુરો ચામડી પરના રોગ જેવા હોય છે જે સદા ખંજવાળ પેદા કરે. ખણીએ તો તરત સુખ લાગે પણ પછી પીડા થાય.' (પૃ. ૧૭૧, ભા. ૧), આકાશમાંથી વાદળો સરી જાય એમ યાદવો ઉત્તર આર્યાવર્તની ધરતી છોડીને સરી ગયા. (પૃ. ૧૯૨, ભા. ૧), રાજ તો કાચું સોનું છે. એક વાર સોનું હસ્તગત થયા પછી જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડજે. (પૃ. ૨૯૦, ભા. ૧), મધુમાલતી આકાશી વાદળીની જેમ સરી ગઈ, (પૃ. ૪૨૦, ભા. ૨), કસાઈ જેમ ઘેટાને સંહારે એમ યમ માનવોને હણી રહ્યો છે. (પૃ. ૪૫૧, ભા. ૨), ભાલપ્રદેશ ઉપરનું કુમકુમ તિલક પ્રસ્વેદથી ભૂંસાઈ જાય એણ એમનો આનંદ ભૂંસાઈ ગયો હતો (પૃ. ૪પ૯, ભા. ૨), રૂપકયુક્ત કલ્પનાચિત્રો તો અહીં પણ ઘણાં બધાં છે જેમ કે પ્રેમનું કાવ્યફૂલ તો હજારો સાવધ આંખોમાં ધૂળ નાંખીને પાંગરતું રહે છે. (પૃ. ૧પ૯, ભા. ૧), રુકિમણી પોતાના કૃષ્ણ સાથે મનોમન થયેલા લગ્નને આવી રૂપકાત્મક કલ્પનાના શબ્દચિત્રથી નિરૂપે છે, 'હું તો ચિત્તમાં ચોરી બાંધી, શ્રદ્ધા પુરોહિતની શાખે, મન માંહ્યરામાં બેસી શ્રીકૃષ્ણ ગોપાલને ક્યારની ય પરણી ચુકી છું.' (પૃ. ૧૩૩, ભા. ૧), દરેક માનવના હૃદયમાં દ્વેષ, વેર, લોભ, મોહરૂપી ઢોર તોફાન કરતાં જ હોય છે. એમને હું ચોરીશ. (પૃ. ૨૦૨, ભા. ૧), રુકિમણીની જેમ રાજ્યશ્રી પણ તેમની સાથે આવું લગ્નસ્થળ પસંદ કરીને પરણે છે : ‘એ મંડપનું નામ હૃદયમંડપ ! ભારે શણગાર હતો એનો ! પ્રેમપતાકાઓ ચારે તરફ ઊડતી હતી. વાસના ઉપરના વિજયના એના થાંભલા હતા. કરુણાના ઝરૂખા અને અખંડ આનંદના વાજિંત્ર ત્યાં બજતાં હતાં. એ હૃદયમંડપ નીચે બેસીને નેમ સાથે હું પરણી’ (પૃ. ૪૨૦, ભા. ૨), એ જ રૂપક આગળ લંબાય છે, ‘પહાડ વેદી બનાવ્યો, સત્યને અગ્નિ બનાવ્યો, પુણ્ય પુરોહિત ત્યાં આવી બેઠો. એણે ચાર જન્મને ચાર ચોરી બનાવીને હું અને નેમ ફેરા ફર્યા’ (પૃ. ૪૨૦, ભા. ૨) નેમિનાથ સાથેના પોતાના હૃદયલગ્નની ઓળખાણ સખીને તે આ શબ્દોમાં આપે છે : ‘કેવા લગ્ન ! સંયમ પિતા ! શ્રદ્ધા માતા, વિવેક વીરો, ધીજ બહેનડી ! ત્યાગની બલિવેદી અને સમર્પણનો અગ્નિ ! ચાર ફેરા અમે ફર્યા તે જાણે અમે ચાર ગતિ ટાળી (પૃ. ૪૨૯, ભા. ૨) પશુવાડાને જયભિખ્ખુ કુરુક્ષેત્રનું રૂપક આપતાં કહે છે, '‘એ પણ એક કુરુક્ષએત્ર જ છે ને !’ (પૃ. ૪૫૭, ભા. ૨). પણ અત્યારે રાગદ્વેષી ભરતી ભયંકર હતી. હૃદયના-પ્રેમના તમામ ટાપુઓ એ ભરતીમાં ડૂબી ગયા હતા. (પૃ. ૫૦૧, ભા. ૨).

પ્રેમાનંદના ‘ચંદ્રહાસાખ્યાન’ની વિષયાની યાદ આપતું એક નાનકડું પણ રઢિયાળું શબ્દચિત્ર આછા લસરકે સરસ ઉપસાવાઈ ગયું છે. રાજશ્રીએ પ્રિય નેમને લખેલો પત્ર સખી દ્વારા પહોંચાડવો છો. નજીકમાં જ મધુમાલતી અન્ય સ્વજનો સાથે સૂતી છે એને જગાડીને વાત કરવા બહાર લઈ જતી વખતે સહેજ પણ અવાજ ના થાય એ રીતે બહાર નીકળવાની મધુમાલતીની ક્રિયા, એ માટે ઝમકતાં ઝાંઝરને પગમાં ઊંચે ચડાવી દેવાની સ્વભાવોક્તિ સુંદર ચિત્ર નિર્માણ કરી આપે છે. ‘મધુમાલતી ચકોર સખી હતી’ એણે પગનાં ઝાંઝર ધીરેથી ઊંચા કરી લીધાં ને ઊંચા પગે રાજ્યશ્રીની પાછળ પાછળ ચાલી (પૃ. ૪૦૭, ભા. ૨).

કેટલીક સુંદર કલ્પનાઓ ઉપરના અલંકારોમાં તો છે જ પણ આ સાથે કેટલીક શૈલીપ્રયોગના સુંદર નમૂના જેવા કે – ઊગતા પરોઢ માટે લેખક લખે છે : ‘સૂરજે સોનાનો ચંદરવો આભમાં બાંધ્યો’ (પૃ. ૧૪૭, ભા. ૧), સ્મશાન એ નવજીવનનું પ્રવેશદ્વાર (પૃ. ૧૬૭, ભા. ૧), શૈલીપ્રયોગની ચમત્કૃતિ વ્યક્ત કરતો ભાષાપ્રયોગ - પગનો ભડકો માથે અડ્યો ને તેમાંથી ભયંકર હુંકાર જાગ્યો (પૃ. ૧૮૧, ભા. ૧). કે પછી ‘આ ગોપચાળો તો મીરકીથી પણ ભૂંડો રોગચાળો છે.’ (પૃ. ૧૮૨, ભા. ૧), કમલદત્ત જેવાં નયનોમાં ઊજાગરાના કંકુ વેરાયા (પૃ. ૧૮૩, ભા. ૧), હું તમને મનનું દૂધ આપીશ, અમૃત જેવી ભાવનાની ખેતી આપીશ. (પૃ. ૨૦૯, ભા. ૧), ફિલસૂફી તો મીણના મીંડા જેવી છે (પૃ. ૨૬૬, ભા. ૧), ભક્તિને વળી વિભક્તિ કેવી ? મારે તો મનના ભાવ પ્રકટ કરવા છે ને ? (પૃ. ૪૦૪, ભા. ૨), યુવાનીમાં શરમ એ ઢાલ છે ને આંખ એ તલવાર છે. (પૃ. ૪૮૬, ભા. ૨) મનના મોર અપમતિયા હોય છે (શબ્દપ્રયોગ), મૃગ કસ્તુરી મૂકેએવી શબ્દાવલિ હતી (સરસકલ્પના, પૃ. ૪૯૫, ભા. ર), યુવાની સહુના જીવનબાગમાં અચૂક આવે છે. આવીને દેહના ગજરાને દીપાવે છે. (પૃ. ૪૯૫, ભા. ૨), શાલી (ડાંગર) (પૃ. ૧૭૫, ભા. ૧) કે પછી આખેટ (શિકાર) (પૃ. ૧૬૭, ભા. ૧) જેવા અજાણ્યા શબ્દો જ્યાં લેખકે વાપર્યા છે ત્યાં એના અર્થ પણ એ આપે છે.

દેશની અને આત્માની આઝાદીને વર્ણવતી આ કથા જયભિખ્ખુની કૃતિઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.

‘લોખંડી ખાખનાં ફૂલ’, ભા. ૧, ૨ :

૬૬૦ પૃષ્ઠો અને બે ભાગમાં પથરાયેલી ‘લોખંડી ખાખનાં ફૂલ’ શ્રી જયભિખ્ખુની પ્રસ્તારયુક્ત ઐતિહાસિક નવલકથાઓમાં લોકપ્રિય તથા એમાંના કેટલાક કથાંશને કારણે ચર્ચાસ્પદ બનેલી કૃતિ છે. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથા ઇતિહાસમાં બહુ પ્રચલિત નહીં એવી પણ લેખકદૃષ્ટિએ નોંધપાત્ર નીવડેલી ઘટનાને ધ્યાનમાં રાખીને રચાઈ છે. ઇતિહાસનો તંતુ એમાં આછોપાતળો છે. જૈન કથાનકોમાં પ્રચલિત કથાંશને ઉપયોગમાં લઈને લખાયેલી આ કૃતિ એક સિંહપુરુષ ધર્માચાર્યની વાત વર્ણવે છે, જેણે એક અમાનુષી, ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય, અત્યાચારને દૂર કરીને ધર્મની ગયેલી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી હતી. સત્યની તલવારથી અને ધર્મની ઢાલથી સંસારની રક્ષા કરનાર ભગવાન મહાવીર અને બુદ્ધને થઈ ગયે ચારસોએક વર્ષ પસાર થયાં હતાં. એમણે પ્રવર્તાવેલો ધર્મ ધીમે ધીમે સમાજમાંથી નિર્મૂળ થતો જતો હતો. ધર્મને નામે વામાચાર અને અનાચાર બધે પ્રસરી ગયા હતા. ધાર્મિક આડંબરો અને કલહોએ આખા સમાજને ઘેરી લીધો હતો. પૂજા કરતાં પાખંડનું જોર વધી પડ્યું હતું. મંત્ર-તંત્રની બોલબાલા હતી. નરમેઘ, પશુબલિ, નગ્નસુંદરીની પૂજા, મદ્યપાન અને માંસાહાર ધર્મનાં અંગ લેખાતાં હતાં. ધર્મના ઓઠા નીચે અધર્મ પોતાનો પગદંડો જમાવી રહ્યો હતો. દેશ ઉપર અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી હતી. નવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો હતો. એવા સમયે પોતાનાં માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકીને ધર્મની વિનિષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરનાર કાલકાચાર્ય જૈન મુનિ આચાર્ય કાલકની કથા પ્રસ્તુત કૃતિમાં વણી લેવાઈ છે. જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ હતી એવા આ ‘કમ્મે શૂરા સો ધમ્મે શૂરા’ આર્ય કાલકની ધર્મ દ્વારા દેશોદ્ધાર અને વિશ્વોદ્ધારની વિભાવના અહીં આલેખાઈ છે.

મૂળે ક્ષત્રિય રાજકુમાર કાલકને સંસારના વૈભવ-વિલાસ ઉપર વૈરાગ્ય થવાને કારણે એ જૈન સાધુ થયા. એમની બહેન સરસ્વતીએ પણ ભાઈના પગલે દીક્ષા લીધી. સરસ્વતીના રૂપના દિવાના બનેલા ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લે એનું અપહરણ કર્યું. ધર્મનું આવું હડહડતું અપમાન એક રાજાના હાથે થાય એ ઘટના આર્ય કાલકના સાધુહૃદયને હચમચાવી ગઈ. એમણે મહાજનને, મંત્રીઓને, સામંતોને, નગરાદ્યક્ષોને રાજા પાસે મોકલી ધર્મમાં દખલ ન કરવા અને આવા ઘોર પાપકૃત્યમાંથી પાછા વાળવા વીનવ્યા. પણ મદાંધ અને ગર્વાંધ રાજાએ કશું સાંભળ્યું નહીં. ખુદ કાલક પોતે ગયા. ધર્મની દુહાઈ દીધી, માનવતાનો સાદ કીધો, દયાની ભીખ માંગી પણ કામાંધ અને સત્તાંધ રાજાએ એમની વાત ન સાંભળી, ઊલટું આચાર્યને મારી નાખવા માટે એમની ઉપર ગાંડો હાથી છૂટો મૂક્યો. સત્યની અને ધર્મની પુનઃસ્થાપના માટે સાધુવેશ ત્યજીને આર્યગુરુ ઠેર ઠેર ફર્યા, લોકોને, લોકનાયકને જગાડવા મથ્યા પણ શાસકોએ પ્રજાને દાબી દીધી હતી, એટલે સત્તાશાળી બળવાન રાજા ગર્દભિલ્લ સામે લડવા કોઈએ હિંમત બતાવી નહીં.

આખરે ધર્મરક્ષા ખાતર એમણે પરદેશી શાસનની મદદ સ્વીકારી. ઈ. સ. પૂ. ૧૨૦-૧૧૫ની આસપાસ સિંધમાં આવીને વસેલા શકોને પોતાની શક્તિ અને વિદ્વત્તા દ્વારા રીઝવ્યા. જોગાનુજોગ એવું બન્યું કે જે શકરાજના તેઓ અતિથિ બન્યા હતા એમની ઉપર અને એમના જેવા બીજા ૯૫ ખંડિયા રાજાઓ ઉપર શક શહેનશાહતનો કોપ ઉતર્યો. આ સર્વે રાજવીઓને શહેનશાહી કોપમાંથી બચાવી આર્ય કાલક ભારતમાં લાવ્યા. એમની સહાયથી સૌરાષ્ટ્ર કબજે કર્યું ને પછી ઉજ્જૈન ઉપર હલ્લો કર્યો. મુખ્યત્વે કાલકની કુનેહ તથા યુદ્ધકૌશલથી રાજા ગર્દભિલ્લ હાર્યો અને કેદ પકડાયો. અહિંસાપ્રેમી ધર્માચાર્યે ગર્દભિલ્લને એનાં પાપકર્મોની શિક્ષા કરવા મૃત્યુદંડ દેવાને બદલે ક્ષમા દઈને ત્યજી દીધો. શકરાજને અવંતીનું રાજ્ય સોંપી પોતે પોતાનો સાધુધર્મ ચરિતાર્થ કરવા નીકળી પડ્યા.

ઇતિહાસની ઉપર્યુક્ત ઘટનાને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ નવલકથા આરંભાય છે મંત્રતંત્ર વિદ્યાના ઉપાસક મહાગુરુ માઘના આશ્રમમાં વિદ્યા ભણતા સુકુમાર, તેજસ્વી કાલક-સરસ્વતી, દર્પણ-અંબુજાના સ્નેહાદરભર્યા કિલ્લોલથી. ભાઈ-બહેનની આ બે જોડી ઉપર ગુરુને વહાલ છે. મંત્રવિદ્યાની ઘણી સિદ્ધિ કાલક-દર્પણે મેળવી છે. દર્પણ જે ક્ષત્રપક્ષત્રિય યુવાન છે અને જેની પાસે વારસાગત એવી આમ્નાય ગર્દભિલ્લ વિદ્યા છે, એ ગુરુ આજ્ઞાથી એક દિવસ ગુરુ, કાલક, અંબુજા, સરસ્વતી વગેરેની સામે આ વિદ્યા કેવી શક્તિશાળી છે એનો પ્રત્યક્ષ પ્રયોગ કરે છે. ગર્દભિલ્લ વિદ્યાના મંત્રો ભણતાની સાથે જ ગુરુ, કાલક, સરસ્વતી, અંબુજા સહિત સમગ્ર જીવંત સૃષ્ટિ એક પ્રકારનો ત્રાસ અનુભવે છે. આ ત્રાસની પરાકાષ્ઠાના સમયે અચાનક આવી પડતા એક જૈન મુનિ કેટલાક સાદા ભક્તિમંત્રો બોલીને સૃષ્ટિને શાંત બનાવે છે. મહાગુરુ માઘને આ જૈન મુનિ અને એમના ભક્તિમત્રો સામે દ્વેષ છે. એમને મુનિનું આગમન રુચતું નથી પણ મુનિ તો આવીને દર્પણ, કાલક વગેરેને એક પ્રશ્ન પૂછે છે, ‘તમારી શક્તિ સો હાથીને સંહારી શકે, પણ મરેલી એક કીડીને જીવિત કરી શકે ખરી ?’ (પૃ. ૫૦, ભા. ૧). એનો જવાબ મહાગુરુ, કાલક કે દર્પણ આપી શકતા નથી. મહાગુરુની એવી દલીલ, આવી વિદ્યાઓ દ્વારા રાજાઓને પોતે અવિજેય બનાવવા માગે છે. - નો જવાબ આપતા મુનિ કહે છે કે, ‘એવી શક્તિનો સંચય ન કરવો જે પાણી સાથે પાત્રને ગરમ તો કરે પણ પછી પાત્રને પણ તોડી-ફોડીને નષ્ટ કરી નાખે.’ (પૃ. પર-પ૩, ભા. ૧) અને ‘રાજા તો યોગીનો પૂર્વાધ છે’ ‘રાજધર્મ એ ત્યાગધર્મની પૂર્વદિશા છે.’ (પૃ. ૫૩, ભા. ૧). જૈન મુનિના મતે અવિજેયતા આત્માની હોવી જોઈએ. દેહની અવિજેયતા તો સંસારના રાવણરાજ્યને જ જન્માવે. મુનિની આ વાણી કાલકના રાજસિક હૈયામાં સાત્ત્વિકતાનું ઘમ્મરવલોણું શરૂ કરે છે. પોતાનો એક અતિ તેજસ્વી શિષ્ય આવી વાતોમાં આવી મંત્રવિદ્યા ત્યજી દે એ મહાગુરુને પસંદ નથી અને તેથી જ મહાગુરુ દર્પણ અને કાલકને મંત્રવિદ્યાના ચરમ શિખર જેવી કેટલીક વિદ્યાઓ શિખવવા અમાવાસ્યાની રાત્રિએ ગુપ્ત સ્થળે લઈ જાય છે.

કાલકનું હૈયાવલોણું ચાલું જ છે. જૈન મુનિની વાત - શક્તિ કરતાં ભક્તિ વધુ મોટી છે - એના હૈયા ઉપર ખૂબ જ અસર કરી છે. મંત્રવિદ્યામાં વસેલી શક્તિની મર્યાદા એણે જાતે નિહાળી છે. એનો માંયલો વળી વળીને જૈન મુનિની વાત પર જઈને જ ઠરે છે. અત્યાર સુધી પોતે પ્રાપ્ત કરેલી વિદ્યા ખોટી હતી એવું લાગે છે. એને થાય છે કે દેવતા બનવાથી શું વળ્યું ? માણસ બનવું ઘટે, અને માણસાઈ તો મુનિએ દર્શાવી એ હતી. સામે પક્ષે દર્ણપને તો સત્તા અને સૌન્દર્યની પ્રાપ્તિ એ જ ધ્યેય હતું. આ બંને ક્યાંથી અને કેવી રીતે મેળવાય છે એ વાત એના મનમાં ગૌણ હતી.

તંત્રવિદ્યાની અંતિમ વિધિ સમયે મહાપૂજાની અધિકારીણી જે સ્ત્રી ઠરે એણે સંપૂર્ણ નિર્વસ્ત્ર બનવું પડે. એનાં સર્વ અંગોની સ્ત્રી પુરુષો દ્વારા પૂજા થાય. એ સમયે કોઈનામાં પણ વિકાર પ્રવેશે તો એને એ સિદ્ધિ તો ન જ મળે પણ સાથે મૃત્યુદંડ પણ મળે. વિકારોની સર્વ સામગ્રી હાજર હોય અને છતાં જેનું અંતર કોઈ પણ વિકાર ન અનુભવે એ જ આ સિદ્ધિનો હક્કદાર. જૂઈના ફૂલ જેવા સ્ત્રીત્વવાળી સરસ્વતી આવી અધિકારીણી બનવા તૈયાર થતી નથી. જ્યારે પુરુષ સમોવડી અંબુજા સામે ચાલીને તૈયારી બતાવે છે. બધા અંબુજાની એ રીતે પૂજા કરે છે પણ કાલક એવી તૈયારી બતાવી શકતો નથી. એનું મન ગુરુદેવને પ્રશ્ન કરી ઊઠે છે, ‘અરે ગુરુદેવ ! પાયો સારો, રંગમંડપ સારો, ઝરૂખો ને બારીઓ સારી અને શિખર આટલુ ભયંકર કેમ ? શું મહાન તાંત્રિક માટે આ અનિવાર્ય છે.’ (પૃ. ૮૫, ભા. ૧). અવિજેયતાની આવી કસોટી જ એને મંજૂર નથી. એનું મન પોકારી પોકારીને કહે છે, ‘ના ગુરુજી ! એ અંબુજા છે, નિષ્કલંક નારી છે, એના અંગોને સ્પર્શ કરતાં મારું મન કંપારી અનુભવે છે.’ (પૃ. ૮૫, ભા. ૧) પોતાની બહેનનાં અંગોની આવી પૂજા કરતાં ખુદ દર્પણ પણ એક ક્ષણ કંપે છે, પોતાના બંને શિષ્યોની હાલત મહાગુરુને મૂંઝવે છે. કાલકની અસ્થિરતા જોઈને ગુરુ દર્પણ પણ પોતાના હાથમાંથી સરી ન જાય માટે એની આ નિર્બળતાને ચલાવી લે છે.

પછી આરંભાય છે મહાચક્ર પૂજા – આ પૂજા માટે પુરુષોના હાથમાં લાલ રૂમાલ છે અને સ્ત્રીના હાથમાં નીલી કંચુકી. સામે બે ચક્ર ચાલે છે. પુરુષો કંચુકીવાળા ચક્ર પાસે ઊભા રહે અને ચક્ર દ્વારા પગ પાસે ફેંકાતી કંચુકીને ગ્રહણ કરે અને સ્ત્રીઓ લાલ રૂમાલવાળા ચક્રની પાસે ઊભી રહે ને જે લાલ રૂમાલ એના પગ પાસે પડે તે ઊંચકી લે. જેની પાસે જેનો લાલ રૂમાલ હોય અને જેની પાસે નીલ કંચુકી હોય એ બંને એકબીજાનાં પુરુષ-પ્રકૃતિ. આ પૂજા દરમિયાન સર્વ કોઈ પુરુષ પુરુષ છે, અને સ્ત્રી સ્ત્રી છે. સંસારના કોઈ સંબંધો ભાઈ-બહેન, માતા-પિતા અહીં નથી.

ગુરુદેવની સૂચના થયેથી ચક્ર ફર્યા. રૂમાલ અને કંચુકીની વહેંચણી શરૂ થઈ. પુરુષ અને પ્રકૃતિ એક વિરાટ ખંડ તરફ ચાલ્યાં. આ ખંડના ચાર દિશાના ચાર બારણાં હતાં અને એ બારણાં ઉપવનોની દિશાનાં હતાં. આ ઉપવનોમાં નાના મંડપો અને નાની ગુફાઓ હતાં. સ્ત્રી-પુરુષના યુગલ માટે આનંદપ્રમોદની બધી સામગ્રી ત્યાં હતી. મધ હતું, માંસ હતું, મીન હતી.

મહાચક્રપૂજાના અંતિમ સમયે કોઈને પણ ખબર ન પડે એ રીતે કાલક-સરસ્વતી નાસી ગયાં હતા. એમણે જોયેલું દૃશ્ય, પેખેલી નગ્ન માનવતા તેમનાથી વીસરી વિસરાતી નહોતી. બંનેએ નિર્ણય કર્યો હતો કે પ્રાણાન્ત પણ મહાચકની વિધિમાં સામેલ ન થવું, અનાચારની આ પરબનાં પાણી ન પીવાં. જરૂર પડે તો અમર આત્માના રક્ષણ માટે દેહ પાડી દેવો. આ દૃશ્યે એના ધર્મપ્રેમી હૃદય ઉપર સારો એવો આઘાત પહોંચાડ્યો હતો.

‘મહાચક્રપૂજા’ પ્રકરણ (પૃ. ૮૨, ભા. ૧)ના આ નિરૂપણે સાહિત્યજગતમાં પણ ચર્ચાનો ઠીક વંટોળ જગાવ્યો હતો. કૃતિમાંનાં આવાં નિરૂપણો તંદુરસ્ત સમાજનું ઘડતર કરવા ઇચ્છનાર માટે હાનિકર્તા તો નથી નીવડતાંને ? આવું વાચન એના વાચકને મલિનતાના પથ ઉપર દોરી જનારું ન નીવડે શું ? લેખકને આવું નિરૂપણ કરવાની શી જરૂર હતી ? એવો પ્રશ્ન પણ કોઈને થાય ખરો. કૃતિમાંના કલાતત્ત્વને એથી ઘણી વાર હાનિ પણ પહોંચતી હોય છે. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં આવાં કેટલાંક મલિન અને કામવિકારી ચિત્રો આપ્યાં ત્યારે એમના આવા નિરૂપણ સામે ઠીક ઠીક ઊહાપોહ થયો હતો અને એ નિરૂપણ લેખકની રુગ્ણ મનોદશાનું દ્યોતક છે એવો આક્ષેપ પણ થયેલો. આવું નિરૂપણ સમાજને અનીતિના માર્ગે દોરી જવામાં સહાયભૂત નીવડે એવો પણ આરોપ એના સર્જક ઉપર આવે. આ નિરૂપણની યોગ્યાયોગ્યતાના સંદર્ભમાં એક માપદંડ આપણને જોવા મળે છે કે એ નિરૂપણ લેખકે કયા હેતુસર કર્યું છે ? લેખકનો ઇરાદો આવાં નિરૂપણ દ્વારા એના વાચકોની હીન અને મલિન વૃત્તિને ઉત્તેજનાનો હોય, કામવૃત્તિને જગાડવાનો હોય અને એ દ્વારા સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો હોય તો નવલકથાની કલાની દૃષ્ટિએ, નીતિમત્તાની દૃષ્ટિએ એ નિરૂપણ અયોગ્ય છે; પણ લેખકનો ઉપર જણાવ્યો એવો ઇરાદો ન હોય, આવી અનીતિ સમાજને કેવા હિન રસ્તે લઈ જાય છે અને એનું અંતિમ પરિણામ કેટલું ખરાબ આવે છે એ કલાત્મક રીતે દર્શાવવાનો હોય, દેશકાળના સંદર્ભમાં એ વર્ણવવું જરૂરી હોય તો આવું નિરૂપણ યોગ્ય ઠરે છે.

આ નવલકથામાં જયભિખ્ખુએ ‘મહાચક્રપૂજા’માં જે નિરૂપણ કર્યું છે એમાં લેખકનો હેતુ સ્પષ્ટપણે આવા હીન માર્ગે પ્રાપ્ત થતી હાનિને બતાવવાનો છે. મંત્રતંત્ર દ્વારા પ્રાપ્ત થતી આવી સિદ્ધિ છેવટે તો સમાજના અનાચાર, વ્યભિચારને પોષતી હોય છે. સમાજમાં પ્રવર્તતો આ સડો છેવટે સમાજની ઇમારતને પોલી બનાવી સર્વનાશ કરતો હોય છે એ બતાવવાનો છે અને એટલે એના મુખ્ય પાત્રો કાલક-સરસ્વતીને આ વિધિમાં સામેલ થવાને બદલે નાસી જતાં બતાવાયાં છે. બીજી બાજુ દર્પણ-અંબુજા જે ભાઈ- બહેન હોવા છતાં આ વિધિમાં પતિ-પત્નીને ભોગ્ય એવા યૌનસંબંધો ભોગવે છે એમનો અંત છેવટે ખરાબ આવે છે એ પણ લેખકે ખૂબ જ વિસ્તારથી માર્મિક રીતે નિરૂપ્યું છે. તો પછી લેખકે આવું નિરૂપણ નવલકથામાં શા માટે મૂક્યું એવો પ્રશ્ન થાય ખરો ! એના સંદર્ભમાં કહી શકાય કે લેખક જે કાળનું ચિત્ર આપણી સામે મૂકવા માગે છે એ કાળના યથાર્થદર્શન માટે આવું ચિત્ર જરૂરી છે. લેખકનું આ નિરૂપણ વાચકના મનમાં આ વિધિ તરફ ભાવ ઉત્પન્ન કરે તેવું નથી. એનાં મુખ્ય પાત્રોની જેમ વાચકના મનમાં પણ આ વિધિ તરફ ધૃણા થાય એવા જ પ્રકારનું એ નિરૂપણ છે અને એ દૃષ્ટિએ આ નિરૂપણ કૃતિની કલાત્મકતાને કે નીતિમત્તાને ક્યાંય હાનિ પહોંચાડનાર નીવડતું નથી.

અનાચારના આ વિષદૃશ્યનું દર્શન કાલકના જીવનમાર્ગને પલટાવી નાખે છે. પોતે સામે ચાલીને ગુરુને આ વિદ્યા પાછી આપે છે. એનું ચિત્ત રાજકારણમાં પણ સ્થિર થઈ શકતું નથી. જીવનમાં કંઈક એવું કરવું છે જે દ્વારા આત્માને અનુપમ શાંતિ પ્રાપ્ત થાય. કાલકને સાધુતાના સમરાંગણેથી સાદ પડે છે. વામાચાર, અનાચાર અને પાપાચારમાંથી પૃથ્વીને છોડાવવા કોઈ એને વળી વળીને બોલાવે છે. વિરાગી બનીને સંસારમાંથી ચાલી નીકળવા તૈયાર થયેલા કાલકની સામે સૌન્દર્યમૂર્તિ સુનયના આવી ચડે છે. એના તરફથી ચાંદની રાતે એકાંતમાં નૌકાવિહારનું નિમંત્રણ મળે છે. કાલક સંસારના વિરાગને વગોવવા નહોતો માગતો એટલે જ વિરાગ લેતા પહેલાં એણે પોતાના રાગને - કામદેવને કસોટીની એરણ પર ચડાવવા સુનયનાનું નિમંત્રણ સ્વીકાર્યું. રસિયા વાલમને જીતવા તમામ પ્રકારનો રૂપશૃંગાર સજીને આવેલી સુનયનાને કાલક પોતાના જીવનમાંથી માનભેર વિદાય આપે છે. સુનયનાને પ્રતીતિ થાય છે કે કાલક વાસનાવેલનું સામાન્ય પતંગિયું નથી, સાચા અર્થમાં લોખંડી પુરુષ છે. સુનયનાને સંસારમાં એક જ પુરુષ એવો મળ્યો જેણે એના ચિત્તના વિષને હણ્યું અને કાલકને હણવા જતા એ પોતે જ નિર્વિષ બની ગઈ. દુર્ગંધમય રાજકીય જીવનનું પ્યાદું બનીને આવેલી સુનયના હિંસાની ડાકણ મટી કાલકના હાથે અહિંસાની દેવી બની ગઈ. પોતાના જ મિત્ર દર્પણ - જે મંત્રતંત્રશક્તિથી પિતાને સિંહાસન પરથી ઊઠાડીને ઉજ્જૈનીનો રાજા, સર્વસત્તાધિશ બની બેઠો હતો. - દ્વારા પોતાનો વધ કરવા મોકલાયેલી સુનયનાના મુખે સર્વ હકીકત કાલક જાણવા પામે છે. ત્યારે કાલકને આવા રાજકારણ તરફ નફરત પેદા થાય છે. એનો વૈરાગ્ય વધારે દૃઢ બને છે અને જે રાજસિંહાસનો માટે સમાજમાં ઘોર યુદ્ધો ચાલે છે એને એ થુવારની વાડ સમજીને ત્યજી દે છે. કાલકના પગલે સરસ્વતી પણ દીક્ષા ગ્રહી લે છે.

સમાજનો સાચો રાહ દાખવતાં આ બંને ભાઈ-બહેન સાધુ-સાધ્વી બનીને દેશની ભૂમિના જુદા જુદા ભાગોમાં ઘૂમી રહ્યાં હતાં, એ દરમિયાન ઉજ્જૈનીમાંથી સાધ્વી સરસ્વતીનું ગર્દભિલ્લ રાજા દર્પણ દ્વારા અપહરણ થાય છે. આ ઘટનાની જાણ કાલકને થાય છે ત્યારે ધર્મસત્તા પરની રાજસત્તાની આવી તરાપ તેનાથી સહી જતી નથી, સાધ્વીના અપહરણની ઘટના એને મારવા કરતાં પણ વિશેષ ભયાનક કાલકને લાગે છે, કારણ કે એમાં ધર્મનું જીવંત મોત એ જુએ છે. સંસારનું દેવત્વ શીલ, પ્રજ્ઞા અને સ્વાપર્ણ છે. એ દેવત્ત્વ દાનવોના હાથમાં કેદ પકડાયું હોય ત્યારે ધર્મના પ્રમુખ પુરુષ તરીકે દેવત્ત્વને જાળવવાની પહેલી ફરજ કાલક ઊજ્જૈનીના સભાગૃહ સમક્ષ પ્રકટ કરે છે. પણ એનો ઉચિત પડઘો સાંપડતો નથી. ઉજ્જૈનીની પ્રજામાં ધર્મસ્નેહ ઉપર સત્તાભયે પોતાનો વિશેષ કાબૂ જમાવ્યો હતો એટલે જ ઉજ્જૈનીનાં શૌર્ય, શાણપણ અને ધર્મ ત્રણેના હામીઓએ સાધ્વી સરસ્વતીના અપહરણ સામે ચુપકીદી સેવી. કાલકે અલબેલી ઉજ્જૈની નગરીનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો, બોલીબોલીને જીભના કૂચા કરી નાખ્યા પણ નગરીમાં અધર્મ સામે હુંકાર ન જાગ્યો તે ન જ જાગ્યો. ઉજ્જૈનીની ધર્મસભા તો માત્ર ચર્ચાઓ જ કરતી રહી, ત્યારે જે ધર્મ પોતાના નૈતિક-ધાર્મિક જીવનને સંરક્ષી શકતો નથી એવા મુડદાલ ધર્મની, તત્ત્વચર્ચાની ધૂળ કાઢતાં આર્ય કાલક કહે છે : “રે તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા ! કરવા-ધરવાનું કંઈ નહીં, અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારોને ભરડ્યા કરવાનું !” (પૃ. ૨૭૨, ભા. ૧).

‘પ્રતિશોધનો પાવક’ (પૃ. ૩૭૯, ભા. ૧)માં આર્ય કાલકનો માનસિક સંઘર્ષ સૂક્ષ્મ રીતે નિરૂપાયો છે. જૈન મુનિ હોવાને નાતે શસ્ત્ર એમને ગ્રહવાનાં નહોતાં, જ્યારે આ સમયે શસ્ત્રગ્રહણ અનિવાર્ય બન્યું હતું. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રના ભીષણ યુદ્ધમાં ધર્મક્ષેત્ર જીત્યું. ધર્મની રક્ષા કાજે, સત્યની સંસ્થાપના કાજે આર્ય કાલકે પોતાનાં સાધુપદ, ગુરુપદ અને આચાર્યપદનું પોટલું વાળીને પીપળે લટકાવ્યું. ક્ષત્રિય ધર્મ અંગીકાર કરી પ્રાપ્ત ધર્મ બજાવ્યો.

અનેક સ્થળે અનેક પ્રકારની કાલકની ટહેલ છતાં જ્યારે કોઈએ પણ આ અધર્મની સામે થવા માટે કાલકને સાથ-સહકાર ન આપ્યો ત્યારે દેશની શક્તિનું નવનીત તારવવા સ્વદેશી દૂધમાં પરદેશી છાશનું મેળવણ કરવું કાલકને અનિવાર્ય લાગ્યું. સાધુનો વેશ છોડવા છતાં અંતરના સાધુપણાને અકબંધ રાખી કાલક શકદ્વીપના પ્રદેશમાં શક એલચી બૈરુત અને તેની પત્ની મધા સાથે ગયા. બીજા ભાગમાં પ્રમુખ પાત્ર તરીકે લગભગ મધા જ રહે છે. આ પરદેશી યુવતી નકલંક નામધારી આર્ય કાલકના જીવનમાં શિષ્યપદે પહોંચી દુશ્મન દળને હટાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. ભારતીય સ્ત્રીથી જુદું એવું એનું શૂરવીર, સ્વમાની અને આખાબોલું વાચાળ સ્ત્રીત્વ એક અનેરી છાપ ઊભી કરે છે. ત્યાંના શકરાજને કાલક પોતાની વિદ્વત્તાથી અભિભૂત કરી શકશહેનશાહત દ્વારા તેમની ઉપર આવી પડેલી આપત્તિના સમયે સાચી સલાહ આપી ભારત લઈ આવે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાંચિયાઓને પોતાના સાગરિત બનાવી ધીમે ધીમે સેનાને વિશાળ - વ્યવસ્થિત રૂપ આપી ઉજ્જૈની ઉપર આક્રમણ કરે છે અને અંતે કાલકની જ સૂઝને કારણે ઉજ્જૈનીમાંથી ગર્દભિલ્લની સત્તાનો અંત આવે છે. બીજા ભાગમાં મુખ્ય કથા ઓછી છે. આડકથાનો ઉપયોગ લેખકે વિપુલ પ્રમાણમાં કર્યો છે.

જે સમયની વાત લઈને લેખક નવલકથા સર્જે છે એ સમયનું વાતાવરણ- રાજકીય, સામાજિક અને ધાર્મિક – કંઈક આવું છે :

ભારતમાં એ સમયે ગણતંત્ર, જનપદ રાજા અને રાજન્યનાં રાજ્યો હતાં.
એમાં ગણતંત્રોની સંખ્યા મોટી હતી. પંજાબ, રજપૂતાના અને સૌરાષ્ટ્રમાં ગણરાજ્યો હતાં. સતલજના નીચા કાંઠા પર યૌધેયનું મજબૂત ગણરાજ્ય હતું. હિમાલયની તળેટીમાં પણ ગણરાજ્ય હતું.
ગણતંત્રો અનેક હતાં પણ એમાં રાજકીય ભાવનાનો આવેગ ધઈમો હતો.
પ્રાંત પ્રાંત વચ્ચે ભારે વૈમનસ્ય પ્રવર્તતું હતું.
ગણરાજ્યો જર્જરિત સ્વરૂપનાં થઈ ગયાં હતાં. એમાં વાદવિવાદો એટલા ચાલતા કે કોઈ કામનો અંત આવતો નહિ અને વિતંડાવાદ એટલો હતો કે કામ કર્યા વગર જ સભા પૂરી થઈ જતી.
ધર્મ અહીં મહાન વસ્તુ લેખાતો હતો પણ દેશપ્રેમ અથવા રાષ્ટ્રભાવનાની કલ્પના ઝાંખી હતી.
ધર્મના નામ પર એક થવાની મોટી શક્યતા સમાજમાં હતી. શાણા આગેવાનો એવી નવચેતના માટે પ્રયત્ન પણ કરતા હતા; પણ વર્ણ, જાતિ અને પ્રાંતવાદના ખડક સાથે અથડાઈને ભારતની એકતા વારંવાર ઠોકર ખાતી હતી.
ધર્મ વિલાસ, વિકાર અને વૈભવનું સાધન બન્યો હતો.

આવા સમયને વાતાવરણને કથામાં મઢીને લેખક સરસ રીતે ઉપસાવી શક્યા છે.

લેખકને પ્રિય એવી કેટલીક ભાવનાઓ-વાતો બંને ભાગમાં ગુંજ્યા કરે છે :

 સઘળા મહાવિકારોમાં કામવિકાર બહુ બૂરો છે. બહુ ભયંકર છે. તે બધું નષ્ટભ્રષ્ટ કરી નાખે છે.
 વિકારના તમામ હેતુઓ હોય છતાં જેમાં વિકૃતિ ન જાગે ત્યારે સાધકને સાચી સિદ્ધિ વરે છે.
આત્મિક શક્તિથી મહાન કોઈ શક્તિ નથી.
શક્તિ કરતાં ભક્તિ વધારે ઊંચી છે.
સાધુ જો રાજા હોય, ને રાજા જો સાધુ હોય તો આ સંસારમાં બીજી કોઈ શક્તિની જરૂર ન રહે.
રાજધર્મ એ ત્યાગધર્મની પૂર્વદશા જેવો છે. રાજા એ યોગીનો પૂર્વાર્ધ
અવિજેયતા આત્માની હોવી જોઈએ. દેહની અવિજેતા સંસારમાં રાવણરાજ્ય જન્માવશે.
જે શક્તિ સો હાથીને સંહારી શકે પણ એક કીડીને જિવાડી ના શકે એવી શક્તિનો અર્થ નથી.
સર્જન વગરની શક્તિથી કદી સંસારનું ભલું થતું નથી.

લેખક દૃઢપણે માને છે કે ધર્મ દ્વારા જ દેશનું, સમાજનું કલ્યાણ થઈ શકે. એ ધર્મ સાચો ધર્મ હોવો જોઈએ. લેખકના મતે જે ધર્મમાં સત્યને ખાતર સર્વસ્વ અર્પણ કરવાનું શહુર હોય એ જ સાચો ધર્મ. લેખક માને છે કે કર્તવ્યને ખાતર દેહને ડૂલ કરવો એ જ મોટામાં મોટી ધાર્મિકતા.

કાયાની રક્ષા ને ધર્મના સગવડિયા ઉપયોગને તેઓ ધર્મ ગણાવતા નથી. સિંહને સન્માનવા જેવી ને ઘેટાને રહેંસવા દેવા જેવી અહિંસા એ સાચી અહિંસા નથી. આપણે ત્યાં સૌએ ધર્મનો સગવડિયો ઉપયોગ કર્યો છે, જેમાં આત્માનો નાશ થતો હોય એવી ધાર્મિકતાને આ નવલકથામાં આર્ય કાલકના પાત્ર દ્વારા લેખક સતત ઉપાલંભે છે. લેખક દૃઢપણે માને છે કે રાજાના પાપમાં પ્રજાનો પણ હિસ્સો છે. પ્રજા સબળ હોય તો રાજા સ્વચ્છંદચા આચરી શકે નહીં. પ્રજા જાગ્રત હોય તો કોઈ રાજ્યસત્તાની હિંમત નથી કે એ બેફામ રીતે વર્તી શકે. પ્રજા વ્યક્તિ કરતાં સમષ્ટિના હિતને મહત્ત્વ આપતી હોય, મક્કમ હોય, નિસ્વાર્થી હોય, અર્પણશીલ સ્વભાવની હોય તો કોઈ નેતા કે રાજા એનો દ્રોહ ક્યારેય કરી ન શકે. ઉજ્જૈનીની પ્રજામાં ધર્મનું આ સાચું શહુર નહોતું એટલે જ ગર્દભિલ્લ રાજાના અનાચાર અને અન્યાય છડેચોક ચાલતા હતા.

લેખકના આર્ષદર્શનના અનુસંધાનમાં આ નવલકથાના કેટલાક વસ્તુખંડો સાંપ્રત પરિસ્થિતિમાં પણ અવનવા સ્વરૂપે અનુભવાય છે એ નોંધપાત્ર છે. કોઈ પણ પ્રજાતંત્રનું કૌવત જ રાજ્યતંત્રની બેફામ પ્રવૃત્તિને કાબૂમાં રાખી શકે છે, પછી ભલેને એ તંત્ર ‘સ્વાતંત્ર્ય’ નામધારી કેમ ના હોય ! પ્રજાતંત્રની નિર્બળતા કોઈ પણ પ્રકારના સત્તાધારકને સત્તાનો સાચો અર્થ ન સમજાવી શકે. લોકશાહીની વ્યવસ્થામાં પણ પ્રજાતંત્ર નબળું હોય તો નબળાં પરિણામો જ સંભવે. આ રીતે પ્રજાકીય શાણપણના કોઈ પણ દેશકાળમાં અસરકારક બનતા પદાર્થપાઠની આ નવલકથામાં થયેલી અભિવ્યક્તિ જયભિખ્ખુને આર્ષદૃષ્ટાનું બહુમાન અપાવે એવી છે.

નવલકથાની પાદનોંધરૂપે અપાયેલાં કેટલાંક નવાં અર્થઘટનો વિચારણીય છે. જેમકે વર્તમાનકાળના અણુબૉમ્બને લેખક પ્રાચીનકાલીની વિષકન્યા સાથે સરખાવે છે. લેખક કહે છે : “રાજશાસન રાજાશાહીના વખતમાં વ્યક્તિના નાશ માટે વિષકન્યા જેવા પ્રયોગો થતાં. લોકશાસનમાં વ્યક્તિના બદલે સમૂહનું મહત્ત્વ વધી જવાથી સામૂહિત નાશ અર્થે અણુબોમ્બ વગેરેની આયોજના થઈ રહી છે. વસ્તુતઃ ભાવરૂપમાં બંને સમાન છે. સત્તા, સંપત્તિ માટે આ પ્રયોગ તરફની માણસની આદિકાળની આજસુધી એકસરખી રુચિ રહી છે. (પૃ. ૨૧૦, ભા. ૧)

‘મહાચક્રપૂજા’ પ્રકરણમાં આવતા વામમાર્ગના સ્વૈરાચારને લેખક આજના કહેવાતા ઉચ્ચ વર્ણની સ્વૈરલીલા સાથે સરખાવે છે : ‘આજે પણ ઉચ્ચ વર્ગમાં આ જાતના સ્વૈરવિહાર માટે મોટાં મોટાં નગરોમાં હોટેલો, રાત્રિક્લબો ને નાચ-ઘરો ચાલે છે. જેમાં પુરુષ ઇચ્છે તે સ્ત્રીને તેની સાથે લપેટાઈને નૃત્ય કરવું પડે છે.’ (પૃ. ૯૨, ભા. ૧).

સંજીવની રોપ તરીકે પુરાણકાળમાં પ્રચલિત રોપ તે લેખકના મતે કોઈ વનસ્પતિ નથી. એ તો છે આપણું પંચતંત્ર. લેખકના મતે હિંદના પહાડો એટલે વિદ્વાનો. ઔષધિ એટલે હિતકારી બોધવચનો. મૃતકો એટલે અજ્ઞાની પુરુષો મૃતકરૂપી અજ્ઞાનીઓને મહાત્માઓ પોતાનાં બોધવચનો દ્વારા ઉપદેશ આપે છે. અર્થાત્ મૃતક પર જ્ઞાનરૂપી અમર સંજીવની છાંટી એમને અમર જીવવાળા બનાવે છે તે સંજીવની. (પૃ. ૫૭-૫૮, ભા. ૨)

પુરાણકાળની ગર્દભિલ્લ મંત્રવિદ્યાનો વૈજ્ઞાનિક ખુલાસો આપતાં તેઓ કહે છે : ‘પુરાણકાળમાં, મંત્ર, તંત્ર ને યંત્ર ત્રણે વસ્તુ યુદ્ધમાં વપરાતી. ગર્દભી વિદ્યા એ કોઈ મંત્રપ્રયોગ ન હોય ને યંત્રપ્રયોગ હોય એમ પણ સંભવી શકે.’ (પૃ. ૩૧૮, ભા. ૨) લેખક જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે કર્મમાં માને છે. તેઓ પાત્રમુખે કહે છે : ‘જગતની આ અવ્યવસ્થામાં કર્મ વ્યવસ્થા આણે છે અને ખુદ રાજા જેનો ન્યાય નથી ચૂકવી શકતો, એનો ન્યાય કર્મરાજા ચૂકવે છે. ‘મણને મણ ને કણને કણ’ (પૃ. ૧૦૩, ભા. ૧) જૈન સૂત્રોનો પણ લેખકે કથામાં અત્રતત્ર ઉપયોગ કર્યો છે. પણ એનો ઉપયોગ સર્વત્ર કથાને રસાળ બનાવતો નથી. ક્યાંક એ જૈનધર્મી વાચકને જ ગમ્ય બને છે. અલબત્ત, ફૂટનોટરૂપે એનું ગુજરાતીકરણ લેખકે આપ્યું છે ખરું, પણ જૈનધર્મ તરફ લેખકનો પક્ષપાત આમાં છતો થઈ જાય છે.

મંત્રતંત્ર અંગેની વાતોના સંદર્ભમાં પણ લેખકને ખુલાસો કરવો પડ્યો છે કે ‘આજના વિજ્ઞાનના યુગમાં વાચકોને કદાચ એ નહિ ગમે’; તો પ્રસ્તુત નવલકથામાંનો દર્પણસેન ઉર્ફ ગર્દભિલ્લ રાજા કોણ હતો, કયા વંશનો હતો એ વિષે ઇતિહાસસિદ્ધ પ્રમાણો ઓછાં જ મળે છે. એવી એક માન્યતા પ્રચલિત છે એ પરદેશી લોહીનો અંશ હતો અને એને ભારતીય સંસ્કૃતિ તરફ ઓછો જ પક્ષપાત હતો. એનામાં ભારતીય સંસ્કારો સાવ ઓછા હતા. લેખકે ગર્દભિલ્લના પાત્રઘડતરમાં આ માન્યતાનો પૂરો ઉપયોગ કર્યો છે.

શીર્ષકનો અર્થ આપતાં લેખક કહે છે : ‘મરેલા મડદાં જેવી પ્રજાને યમરાજ જેવો રાજા મળ્યો હતો. આજ એમાં પરદેશી તત્ત્વ ઉમેરીને મેં મારા જીવનલોખંડની ખાક સરજી છે - પણ એમાંથી જ હવે નવસર્જનનાં ફૂલ ખીલશે’ (પૃ. ૩૨૬, ભા. ૨). બીજી રીતે પણ શીર્ષકના અર્થઘટનનો વિચાર કરી શકાય. પ્રજાનાં ધર્મ અને શીલની રક્ષા કરવા કાલક જેવા સિંહપુરુષની લોખંડી મનોબળવાળી જીવનઆબુતિમાંથી જે ખાખ સર્જાય - જે ખાતર સર્જાય - એમાંથી જ નવસ્વાતંત્ર્યના, નવનિર્માણનાં પુષ્પો પ્રગટી શકે.

ક્યાંક લેખક વધુ બોલકા બનીને કલાને હાનિ પહોંચાડે છે. જેમકે ‘પ્રતિશોધનો પાવક’ (પૃ. ૩૦૭, ભા. ૧) પ્રકરણમાં સાધુધર્મ કે ક્ષત્રિય ધર્મના સંઘર્ષમાં અટવાયેલા કાલકની સામે વન-જંગલમાં એક દૃશ્ય ખડું થાય છે. શિયાળિયાંઓની કિકિયારીઓ જ્યાં સુધી વાઘનું આગમન નથી થતું ત્યાં સુધી જ હોય છે. વાઘ આવતાંની સાથે શિયાળિયાં ચૂપ થઈ ગયાં. ઝાડીમાંથી નીકળેલા સાબરનો ભક્ષ્ય કરી વાઘ ચાલ્યો ગયો. વાઘના ગયા પછી ભક્ષ્ય માટે શિયાળિયાં અંદરોઅંદર લડતા હતા. આ દૃશ્ય આખું પ્રતીકાત્મક છે. પાત્રની મનઃસ્થિતિનો ચિતાર એમાંથી મળી રહે છે. પણ લેખકને તો એની પ્રતીકાત્મકતા વાચક સમક્ષ વાચાળ બનીને વ્યક્ત કર્યા સિવાય જંપ વળતો નથી. લેખક કહે છે : ‘સાબર એ પ્રજાનું રૂપ, શિયાળ એ અમલદારનું રૂપ, વાઘ એ રાજાનું રૂપ.’ (પૃ. ૩૦૭, ભા. ૧) અહીં પ્રતિકને ખુલ્લું કરીને નવલકથાની કલાને લેખક કથળાવી મૂકે છે.

આવી કેટલીક મર્યાદાઓ બાદ કરીએ તો અથવા એ મર્યાદાઓને એ સમયે લખાતી નવલકથાની સ્વાભાવિક પરિસ્થિતિ તરીકે સ્વીકારીએ તો આ નવલકથા બીજી અનેક રીતે આસ્વાદક્ષમ બની છે, એ આપણે જોઈ ગયા. જયભિખ્ખુનું ચિત્ત નવલકથાના આલેખન માટે ‘નવલ’ વિષયવસ્તુનો આગ્રહ રાખતી વેળાએ ઇતિહાસના અંશોને સ્વીકારે છે, પણ એની પસંદગીમાંય લેખકની આગવી દૃષ્ટિનું વિશિષ્ટ પ્રદાન હોય છે, એમ આ નવલકથાનું વિષયવસ્તુ સૂચવી જાય છે. વળી, આલેખન દરમ્યાન એક આર્ષદૃષ્ટાની જેમ તેઓ વિષયવસ્તુને સર્વદેશકાળભોગ્ય બનાવે છે એ પણ અહીં પ્રતીત થાય છે; તેથી ઇતિહાસના અંશો ધરાવતાં કથાનકો પણ સર્જકની વિશેષ પ્રકારની અવધારણાને કારણે ચિરંજીવ સાહિત્યિક મૂલ્યો ધરાવતાં થઈ જાય છે.

ત્રીસેક વર્ષના વિશાળ સમયપટ ઉપર પથરાયેલી આ નવલકથાઓ મોટેભાગે ઐતિહાસિક વસ્તુને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે. એમાં ‘ભગવાન ઋષભદેવ’, ‘ચકવર્તી ભરતદેવ’, ‘રાજવિદ્રોહ’ અને ‘પ્રેમાવતાર’ ભાગ. ૧, ૨માં પુરાકાલીન ઇતિહાસ નિરૂપાયો છે. '‘પ્રેમનું મંદિર’, ‘સંસારસેતુ’, ‘નરકેસરી’, ‘શત્રુ કે અજાતશત્રુ’ ભાગ ૧-૨, ‘કામવિજેતા’ અને ‘લોખંડી ખાખનાં ફૂલ’ ભા. ૧, ૨માં ઈ. સ. પૂ. પાંચમી સદીથી ઈ. સ. ૧૦૦ની આસપાસના સમયનો પ્રાગઔતિહાસિક યુગ કથાનું કેન્દ્ર બન્યો છે; તો ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ'’, ‘દિલ્હિશ્વર’, ‘ભાગ્યવિધાતા’ અગિયારમીથી સોળમી સદીના મુગલકાલીન ઇતિહાસને અને ‘બૂરોદેવળ’ તથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ એ જ સમયના રાજપૂતી ઇતિહાસને આધારે લખાયેલી ઐતિહાસિક નવલો છે. જયભિખ્ખુ પાસેથી ‘દાસી જનમ જનમની, સાથી જનમ જનમના’ એક માત્ર સામાજિક નવલકથા મળે છે. ગુજરાતી નવલકથાઓમાં જયભિખ્ખુ પહેલાં ‘ગુલાબસિંહ’ કે ‘યોગિનીકુમારી’ જેવી થોડી નવલો સિવાય ધાર્મિક વસ્તુને નવલકથાનું રૂપ આપવાના ક્ષેત્રમાં ઝાઝું ખેડાણ થયું નથી. જયભિખ્ખુએ પોતાની ‘કામવિજેતા’, ‘ભગવાન ઋષભદેવ’, ‘લોખંડી ખાખનાં ફૂલ’, ‘પ્રેમાવતાર’, ‘સંસારસેતુ’ જેવી ઐતિહાસિક નવલોમાં વર્તમાન દૃષ્ટિને રુચે એ રીતે ધાર્મિક વસ્તુને નવલસ્વરૂપે ગૂંથી બતાવી સાહિત્યના એક નહીંવત્ ખેડાયેલા પ્રદેશમાં પડેવી વિસ્તૃત શક્યતાઓનો નિર્દેશ સફળતાપૂર્વક કરી બતાવ્યો છે.

એમાંય એમણે જૈન કથાઓનો પુનરુદ્ધાર કરીને મહત્ત્વની સાંસ્કૃતિક-સાહિત્યિક સેવા કરી છે. જયભિખ્ખુ પહેલાં જૈનધર્મના કથાવસ્તુને વિષય બનાવી જૈન સાધુઓ સહિત સુશીલ, મોહનલાલ ધામી, રતિલાલ દેસાઈ જેવા કેટલાકોએ લખ્યું છે ખરું. એમાં જૈન સાધુઓ દ્વારા રચાયેલી કથાઓમાં જૈન પરિભાષાનું પ્રમાણ એટલું બધું હતું કે જૈન ધર્મના ઊંડા અભ્યાસી સિવાય કોઈ એને માણી શકે નહીં. આ કથાઓ જૈન સમાજમાં જ વંચાતી હતી અને એનો હેતુ પોતાના શ્રોતાજનોની ધર્મભાવનાને દૃઢાવવા સિવાય કશો નહોતો. સુશીલે જૈન કથાઓને લોકભોગ્ય અને સર્વજન્ય બનાવવાનો પહેલો પ્રયાસ કર્યો પણ ઘડાયેલી ભાષાશૈલીના અભાવે અને પ્રચુર પ્રમાણમાં સાંપ્રદાયિક અંશોને કારણે એમની કથાકૃતિઓ લોકપ્રિય બની શકી નથી. મોહનલાલ ધામીએ જૈન કથાનકોને આધુનિક નવલકથા-નવલિકારૂપે રજૂ કર્યાં છે. પણ તેમની કૃતિઓમાં સર્જનાત્મકતાનો સદંતર અભાવ વરતાય છે. મોટે ભાગે કથાવસ્તુની ગતાનુગતિક રજૂઆત જ એમની કૃતિઓમાં જોવા મળે છે. એમનાં કથાનકોમાં વસ્તુની પ્રમાણભૂતતાનો અભાવ, ઉપદેશાત્મકતાનું પ્રાચુર્ય છે. જ્યારે જયભિખ્ખુના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈની જૈન કથાવસ્તુવાળી રચનાઓમાં ઉપદેશાત્મક વલણ વિશેષ અનુભવાય છે. જૈન કથાનકોને જયભિખ્ખુની જેમ લોકપ્રિય બનાવવામાં ચુ. વ. શાહનો ફાળો નોંધનીય છે. પણ એમનાં કથાનકોમાં જૈનધર્મના ઊંડા તલસ્પર્શી અભ્યાસનો અભાવ વરતાય છે.

સૌ પ્રથમવાર જયભિખ્ખુએ જ જૈન કથાનકોને વ્યાપક સંદર્ભમાં અને વ્યાપક પ્રમાણમાં ગુજરાત સમક્ષ મૂકી આપ્યાં છે. એમનાં આ જૈન કથાનકો માત્ર જૈનોમાં જ આસ્વાદ્ય બન્યાં નથી, એમણે એ કથાઓને સાર્વજનીન રૂપ આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો પ્રભાવ જયભિખ્ખુના વ્યક્તિત્વ અને વાઙ્‌મય ઉપર હોવા છતાં એ સાંપ્રદાયિક સર્જક નથી બન્યા એ એમની નવલકાર તરીકેની વિશેષતા છે.

જયભિખ્ખુએ પોતાની જૈન ધર્મના કથાવસ્તુવાળી નવલોમાં કથાઓમાંના મૂળભૂત જીવનવિધાન તત્ત્વને અને માનવીય પરિબળોને જ વિશેષ ઉઠાવ આપ્યો છે. આજ સુધી આપણા શિષ્ટ સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા તરફ કોઈની ખાસ નજર ગઈ નથી. જયભિખ્ખુએ એ માટે સામગ્રી પૂરી પાડી છે અને દિશા ખોલી આપી છે. આ જ કારણે પંડિત સુખલાલજી જેવા પણ કહે છે, “જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારવાળું કથાસંવિધાન કરનાર હું જાણું છું ત્યાં સુધી જયભિખ્ખુ એક જ છે.” (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, ડિસે. ૭૦, પૃ. ૯૧)

જૈન ધર્મ, તેનું સાહિત્ય અને ઇતિહાસ તથા સંસ્કૃત ભાષાનો સારો પરિચય ધરાવતા જયભિખ્ખુએ જૈન ધર્મમાંથી વિષયો લઈને જે વિપુલ પ્રમાણમાં નવલકથા, ટૂંકી વાર્તા અને અન્ય સાહિત્ય રચ્યું અને સારા એવા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડી છે. પરંતુ સાહિત્યના આ એક નવા જ પ્રદેશને સફળતાથી ખેડી આપનાર સર્જક તરફ ઇતિહાસકારો કે વિવેચકોનું લક્ષ્ય ખાસ ખેંચાયું જણાતું નથી. મોટે ભાગે એમને ‘સાંપ્રદાયિક સર્જક’નું લેબલ જ લગાડી દેવામાં આવ્યું છે. જયભિખ્ખુ એટલે જૈનોનાં સાહિત્યકાર… જૈન કથાવસ્તુને જ આલેખનાર..… એવી ઓળખ જ એમની માટે અપાઈ છે. પણ આ હકીકત સર્વથા સત્ય નથી. જયભિખ્ખુએ જૈનધર્મના કથાનકો વિપુલ પ્રમાણમાં પસંદ કરીને નવલો આપી છે એ વાત સાચી પણ એ નવલોમાં જૈનધર્મ ક્યાંય સંપ્રદાયના વાડામાં બંધાઈને નિરૂપાયો નથી. ‘ભગવાન ઋષભદેવ’, ‘કામવિજેતા’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’ વગેરેમાં જૈનધર્મના વિશાળ સિદ્ધાંતો લોકગમ્યરૂપે જ રજૂ થયા છે. આવાં કથાનકોને નવલસ્વરૂપે આપવા પાછળનો એમનો ઇરાદો ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર જનસમાજ સમક્ષ ઉપસાવી આપવાનો પણ હતો. જયભિખ્ખુએ જૈનધર્મને કદી સંપ્રદાય માન્યો નથી ને એનાં તત્ત્વોમાં એમને કોમવાદની ગંધ જણાઈ નથી. ધર્મ અને સંપ્રદાયને તેઓ સરિતા અને સરોવર સામાન ગણે છે. તેઓ કહે છે : ‘સરિતાનાં નીર જ્યારે આછા ને દુર્લભ થાય ત્યારે સરોવર પોતાના સંચયથી તૃષાતુરની તૃષાને તૃપ્ત કરે છે, પણ એટલું ન ભૂલવું જોઈએ કે એ સરોવરના મહાજળની શુદ્ધિ સરિતાનાં જળથી છે, ને સરોવર ગમે તેટલું મોટું અને વિશાળ હોય પણ સરિતાની વ્યાપકતા ને શુચિતાને એ પહોંચી શકે એમ નથી.’ (‘ભગવાન ઋષભદેવ’ની પ્રસ્તાવના, પૃ. ૮-૯). ધર્મ અને સંપ્રદાય વિષે આટલું સ્પષ્ટ વિચારનાર સંપ્રદાયમાં જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ ન જ થઈ શકે અને આવા લેખકને કઈ રીતે સાંપ્રદાયિક સર્જક કહી શકાય ? અલબત્ત, જયભિખ્ખુએ જૈન સંપ્રદાયની કથાસામગ્રીનો ટેકણ-લાકડી તરીકે ઉપયોગ જરૂર કર્યો છે, પણ એ દ્વારા એમને રજૂઆત તો વિશાળ ધર્મતત્ત્વની જ કરવી છે.

જયભિખ્ખુ માત્ર સાંપ્રદાયિત સર્જક નથી, જૈનધર્મને વિષયમ બનાવીને જ નવલો લખતા નથી. એ વાતનો બીજો પુરાવો એ પણ આપી શકાય કે એમણે વિવિધ ધર્મના સિદ્ધાંતોને વિષય બનાવીને નવલો સર્જી છે. એમની ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ વૈષ્ણવી ભક્તિના રૂપ-સ્વરૂપને અને વૈષ્ણવ સંપ્રદાયના પરિવેશને નિરૂપે છે. ‘પ્રેમાવતાર’ મહાભારત તથા ભાગવતના ધર્મતત્ત્વચિંતનને શબ્દરૂપ આપે છે તો ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યવિધાતા’ અને ‘દિલ્હીશ્વર’માં મુસ્લિમ પરિવેશ જળવાયો છે.

ઐતિહાસિક નવલકથાકાર જયભિખ્ખુએ ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ ન હોય એવી વ્યક્તિઓને વિષય બનાવીને નવલો સર્જી છે. મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ વગેરે એનાં ઉદાહરણ ગણાવી શકાય. વળી ચૌલુક્ય, સોલંકી, ગુપ્ત, મૌર્ય વગેરે વંશના રાજવીઓને કથતી ઐતિહાસિક ગ્રંથાવલિઓ તો ધૂમકેતુ, ચુ. વ. શાહ, મુનશી કે ગુણવંતરાય આચાર્ય દ્વારા આપણને ઘણી મળી છે. પણ હેમુ જેવા એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખીને એની આસપાસ શેરશાહ અને અકબરનાં ચરિત્રોને ઉપસાવતી વિશિષ્ટ પ્રકારની ઐતિહાસિક નવલત્રયી- ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’ અને ‘દિલ્હીશ્વર’ સૌ પ્રથમ જયભિખ્ખુ જ આપે છે. ઇતિહાસની શુષ્ક વિગતોને કલ્પનાની રંગપૂરણીથી કક્ષાક્ષમ બનાવવાની જયભિખ્ખુની ગુંજાશ આ નવલત્રયીમાં અનુભવવા મળે છે.

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોનું તલસ્પર્શી અધ્યયન કરતાં જણાય છે કે પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ ઇતિહાસને મોટે ભાગે ક્યાંય વિકૃત બનાવ્યો નથી, ઇતિહાસ સાથે અણછાજતાં અટકચાળાં કર્યાં નથી. ઇતિહાસને તેઓ વફાદાર રહ્યા છે. મુનશીએ જે પોતાની નવલોમાં ઇતિહાસનો માત્ર ટેકણલાકડી તરીકે ઉપયોગ કર્યો છે એવું જયભિખ્ખુએ કર્યું નથી. એ વાતની પ્રતીતિ મુગલકાલની યુગની ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ કે પછી ‘બૂરો દેવળ’, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ જેવી નવલો કરાવે છે. ‘ભાગ્યવિધાતા’ જેવી ઊભડક રીતે લખાયેલી નવલમાં પણ તેઓ ખુદ કબૂલે છે : ‘કથા અંગે કેવળ નિવેદન એટલે કે કલ્પનાના વ્યોમમાં વિહરતા ઇતિહાસની શૃંખલાને તોડી નથી.’ (લેખકની વાત.)

ઇતિહાસના કથાવસ્તુના ઇતિહાસ અંગે જ્યાં જૈન અને બૌદ્ધ પરંપરા પ્રચલિત છે ત્યાં મોટે ભાગે જયભિખ્ખુ જૈન પરંપરાને વિશેષ અનુસર્યા છે. ‘નરકેસરી’માં મગધરાજનું જે ચરિત્ર એમણે ઉપસાવ્યું છે એમાં બૌદ્ધ અને જૈન મતમાંથી જૈન મતનું અનુસરણ વધુ જણાય છે. ‘સંસારસેતુ’, ‘કામવિજેતા’ વગેરેમાં પણ જૈન પરંપરાનું અનુસરણ ઇતિહાસ સાથે નવલકારે વિશેષ પ્રમાણમાં કર્યું છે.

ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી આ નવલો પાત્રપ્રસંગના આલેખનમાં તેના સમયના વાતાવરણને લક્ષમાં રાખીને કેટલી હદે નવલકથામાં કલ્પનાતત્ત્વને ઉમેરે છે અને એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને કેટલો ઉપકારક થયો છે એનો મહિમા તપાસી શકાય એ હેતુથી જેટલી જરૂરી જણાય એટલી ઇતિહાસભૂમિકા પોતાની નવલોની પ્રસ્તાવનામાં આપવાનું જયભિખ્ખુ ચૂક્યા નથી. આ પ્રસ્તાવના ઇતિહાસના ઊંડા અભ્યાસી જયભિખ્ખુને આપણી સમક્ષ ઉપસાવે છે. પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ આમ ઇતિહાસનો વિવેકયુક્ત ઉપયોગ કરી કલાત્મક નવલકથાઓ સર્જી છે, પણ લેખકનો હેતુ ઇતિહાસદર્શન કરાવવા માટે નવલકથાઓ સર્જવાનો નથી. એમનો હેતુ પોતાને પ્રિય માંગલ્યની જુદી જુદી ભાવનાઓને આ નિમિત્ત શબ્દરૂપ આપવાનો છે. ‘બૂરો દેવળ’ની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : ‘સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈને કોઈ જીવન ઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે. તોજ એની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈને કોઈ એવી વિચારશ્રેણી રમતી રહી છે. સંસ્કૃતિઓના સમન્વયને લક્ષ્યમાં રાખીને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને ‘મહર્ષિ મેતરાજ’માં ગૂંથ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન ‘નરકેસરી વા નરકેશ્વરી’માં રજૂ કર્યું. સબળું નબળાને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વ સમસ્યાને ‘મસ્યગલાગલ’માં આકાર આપ્યો. બિનમજહબી સામ્રાજ્યના એક મહાન પ્રયોગને ‘વિક્રમાદિત્ય હેમુ’ના ત્રણ ભાગમાં સ્પષ્ટ કર્યો ને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા ‘ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણી ખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિત્વ વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.’ (‘બૂરો દેવળ’, પ્રસ્તાવના, પૃ. ૫,૬)

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી આ નવલોનું નિર્માણધ્યેય આજના ‘તર્કપ્રધાન અને શ્રદ્ધાઅલ્પ’ એવા સમાજ માટે અને નવી ઊગતી તરુણ પેઢીને માટે તમને ગમે તેવું અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેય થવાનું અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી આ નવલો સર્જકના માંગલ્યવાદી દૃષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું છે એ મંત્ર ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘રાજવિગ્રહ’, ‘કામવિજેતા’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘પ્રેમાવતાર’ જેવી અનેક નવલોમાં કલાપૂર્ણ સૂચકતાથી ગુંજતો જોવા મળે છે.

ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી, ચાહક જયભિખ્ખુ દ્વારા રચાતી ઐતિહાસિક વિષયવસ્તુવાળી આ નવલોમાં જીવનમાંગલ્યપોષક આલેખન - કોઈ એક કાળનું નહીં પણ સાર્વત્રિક-સર્વાશ્લેષી અભિગમથી ચિરંજીવ મૂલ્યોનું દર્શન કરાવે છે. એ ઐતિહાસિક નવલકાર તરીકે જયભિખ્ખુની આગવી અને અભ્યાસપાત્ર વિશેષતા છે. જેમકે ‘પ્રેમનું મંદિર’માં જયભિખ્ખુએ ઇતિહાસ-પુરાણની જે ઘટનાઓ લીધી છે એ નામફેરે જાણે કે અર્વાચીન છે. સ્થળ, કાળ, વ્યક્તિઓનાં નામકરણ નવાં કરીએ તો જાણે અત્યારે બનતા બનાવોનું જ એમાં ઇતિવૃત્ત છે. કૌશાંબી, અવન્તી, ચંપા કે વિદેહને સ્થાને ઇટલી, જર્મની કે રશિયાનાં નામ અવશ્ય મૂકી શકાય. એ જ રીતે ‘વિશ્વમાત્રનો માનવ એક છે’ એ ઘોષણા કરતાં ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો ગાંધીજીનો સંદેશ જ જાણે સંભળાય છે; એ જ રીતે ‘સંસારસેતુ’માં પૌરાણિક કથાસંદર્ભ દ્વારા જયભિખ્ખુએ માણસની પંથ, પક્ષ કે જાતિ વગરની માણસ તરીકેની યોગ્યતા, મહાનતાની અર્વાચીન ભાવનાને શબ્દરૂપ આપ્યું છે.

જયભિખ્ખુનું ચિત્ત નવલકથાના આલેખન માટે ‘નવલ’ વિષયવસ્તુનો આગ્રહ રાખતી વેળાએ ઇતિહાસના અંશોને સ્વીકારે છે, પણ એની પસંદગીમાંય લેખકની આર્ષદૃષ્ટિ જોવા મળે છે. ‘લોખંડી ખાખાનં ફૂલ’નું કથાવસ્તુ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ નવલના આલેખન દરમિયાન આર્ષદૃષ્ટાની જેમ તેઓ વિષયવસ્તુને સર્વદેશકાળભોગ્ય બનાવે છે.

જયભિખ્ખુનું વસ્તુસંકલન મોટે ભાગે કથાના રસમાં ખેંચી રાખે તેવું કુતૂહલદિપક હોય છે. ‘કામવિજેતા’ જેવામાં તો કોઈ સુરમ્ય ચિત્રપટ નિહાળતા હોઈએ એમ પ્રસંગો વેગથી આગળ વધે છે. જેમ ફૂલની એક એક પાંદડી ખૂલતી જાય અને પોતાનું અનેરું રૂપ પ્રગટાવતી જાય તેમ કથામાં ગૂઢ પાંદડીઓ કલાત્મક રીતે નવે નવે રંગે ઊઘડતી જાય છે. ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ જેવી કેટલીક નવલોનું વસ્તુ પ્રમાણબદ્ધ અને અંગપ્રત્યંગના સંવાદવાળું હોઈ ઘાટીલું બન્યું છે. નવલકથા પૂરી થાય ત્યાં સુધી વાચકને રસતરબોળ રાખે તેવું અખંડ કુતૂહલસાતત્ય પણ તેઓ જાળવે છે. ‘દિલ્હીશ્વર’ નવલનો અર્ધ ઉપરાંત ભાગ રોકતી ચિંતામણીની કથામાં ઐતિહાસિક તથ્ય ઓછું અને લેખકની કલ્પનાષ્ટિ જ વિશેષ છે. છતાં એની ગૂંથણી એવી આકર્ષક છે કે આપણે સતત વાર્તાપ્રવાહમાં ખેંચાયેલા રહીએ છીએ. એ જ રીતે ‘ભક્તકવિ જયદેવ’ કે ‘સંસારસેતુ’ જેવી નવલોમાં તો કોઈ ખંડિત ક્લેવરોમાંથી નવી ઇમારત આબાદ ઊભી કરનારની સર્જક-કુશળતા જયભિખ્ખુ દાખવે છે.

વસ્તુસંકલનમાં આડકથાઓનો ઉપયોગ એ પણ નવલકથાકાર જયભિખ્ખુની વિશેષતા છે. આડકથાનો ઉપયોગ તેઓ ક્યાંક મુખ્ય કથાનકને પુષ્ટ કરવા તો ક્યાંક ઉપદેશને દઢાવવા કરે છે. આવી આડકથાઓ ક્યાંક કથાને આડમાર્ગે પણ લઈ જાય છે. ‘પ્રેમાવતાર’ (પૃ. ૨૯૨, ભા. ૧)માં આવતી આડકથાઓ ક્યાંક ઉપદેશને દૃઢાવે છે કે પછી કથનને સચોટ બનાવે છે. (પૃ. ૩૧૨, ભા. ૧). તો ‘લોખંડી ખાખાનાં ફૂલ’ ભા. રમાંની આડકથાઓ કથાને આડમાર્ગ પણ લઈ જાય છે. (પૃ. ૯ર, ૧૮૩). ‘લોખંડી ખાખનાં ફૂલ’નો આ બીજો ભાગ તો લગભગ આડકથાઓથી ભરેલો છે. આડકથાઓમાંનાં કેટલાંક કથાનકો ઉપરથી જયભિખ્ખુએ કાં તો વાર્તા સર્જી છે, કાં તો નવલકથા; જેમકે ‘નરકેસરી’માં ભગવાન ઋષભદેવનું કથાનક (પૃ. ૧૩૬), મેતારજનું કથાનક (પૃ. ૩૦૪)ને આધારે સ્વતંત્ર નવલકથાઓ સર્જાઈ છે. કેટલીક આડકથાઓ સ્વતંત્ર વાર્તા જેવી છે જેમકે આ જ નવલમાં ધન્ય અણગારનું કથાનક (પૃ. ૩00), શાલિભદ્રનું કથાનક (પૃ. ૧૭૪).

નવલકથાના આલેખનમાં જયભિખ્ખુ વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ યોજે છે. વર્ણન, સંવાદ, પ્રત્યક્ષ કથન, ક્યારેક કથક રૂપે કોઈ પાત્રને ઉમેરીને એના દ્વારા કથાનું નિરૂપણ, કથનની સરસતા માટે પદ્યનો ઉપયોગ વગેરે પદ્ધતિઓ એમની નવલોમાં જોવા મળે છે. લેખકની ‘પ્રેમાવતાર’ નવલકથામાં એકસાથે ઘણી બધી નિરૂપણપ્રયુક્તિઓનો સમુચિત પ્રયોગ ધ્યાનાર્હ નીવડે છે. એમાંય તે રાજ્યશ્રીએ સ્વપ્નમાં કરેલ ભારતદર્શન નિરૂપણની એક સુંદર પદ્ધતિનું પરિચાયક બને છે. (પૃ. ૪૯૬, ભા, ૨). કેટલીક વાર કથનની સચોટતા માટે કેટલાક દૃષ્ટાંતરૂપ પ્રસંગો પણ તેઓ વણી લે છે, જેમકે ‘પ્રેમાવતાર’ માં કુંતા દ્વારા ભીમ અને યાદવોના દરબારને સંદેશારૂપે કહેવાયેલી વિદુલા અને તેના પુત્રની દૃષ્ટાંતકથા ભીમને ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ની વાત સચોટ રીતે સમજાવે છે. (પૃ. ૩૮૭, ભા. ૨). જ્યારે ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘રાજવિદ્રોહ’ નવલત્રયીની નિરૂપણપદ્ધતિ તો જાણે કાલિદાસ, ભવભૂતિ અને બાણના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં સ્નાન કરતા હોય એવી રસમય શૈલીમાં થયું છે.

નવલકથાકાર જયભિખ્ખુ પાત્રોની માવજત કુશળ રીતે કરે છે. પોતાની પૌરાણિક નવલોમાં ધર્મની શુષ્કતાને તેમણે પાત્રોમાંથી ઓગાળી નાખી છે અને માનવતા તથા જીવનના શુદ્ધ આનંદનો રંગ એને લગાડ્યો છે. એમની પાત્રસૃષ્ટિ વિવિધરંગી છે પણ એમાંના ગુણ એકસરખા છે. પાત્રોની પરિસ્થિતિઓમાં વૈવિધ્ય હશે પણ એમના ભાવના-વ્યવહારો લગભગ સમાન છે. દિલાવરી, અમીરી, શૌર્ય, નેક, ટેક, ત્યાગ, સ્વાર્થ, શહીદીની મસ્તી અને ભાવના તથા રસિકતાનો કસુંબલ રંગ એમનાં પાત્રોમાં ઘૂંટાતો જોવા મળે છે. ઇતિહાસપ્રસિદ્ધ પાત્રોનું આલેખન કરતી વખતે નવલકથાકારે પોતાની વિવેકશક્તિને યોગ્ય લાગ્યું એ રીતે પાત્રોનું સંમાર્જન અને સંવર્ધન કર્યું છે. ‘કામવિજેતા’ માંનો સ્થૂલિભદ્ર-કોશાનો પાત્રવિકાસ આ દૃષ્ટિએ નોંધનીય છે. એ જ રીતે દેહની બત્તી કરી, રુધિરનાં તેલ કરી, જીવનને શાસનસેવા માટેની જલતી મશાલ બનાવી દેનાર પદ્મસુંદર જતિનું પાત્ર (‘ભાગ્યનિર્માણ’) જયભિખ્ખુની અનુપમ પાત્રચિત્રણકલાનો યાદગાર નમૂનો બની રહે છે. માણસને આંતર-બાહ્ય ઓળખવાની જયભિખ્ખુમાં પ્રબળ શક્તિ છે. આ શક્તિનાં વિનિયોગને કારણે તેમનાં પાત્રો જીવનનાં જુદાં જુદાં પાસાં જીવતાં છતાં ઉચ્ચ જીવન તરફના તલસાટવાળાં અને લાગણીનાં સ્પંદનોવાળાં હોય છે. વાચકો જ્યારે તેને વાંચે છે ત્યારે તે પાત્રો પોતાનું જ જીવન જીવતાં હોય તેવું અનુભવે છે ને તેમાં તદ્રુપ થઈ જાય છે. ‘ભાગ્યનિર્માણ’માંથી ચિંતામણિનું પાત્રસર્જન કંઈક અંશે આ પ્રકારનું છે. વેશ્યામાંથી વનિતા બનેલી, ઝેરીલી નાગણમાંથી નમણી નાગરવેલ બનેલી ચિંતામણીનો પાત્રવિકાસ તથા એક નારીનાં વૈવિધ્યભર્યાં કરુણમધુર પાસાંઓનું ચિત્રણ જયભિખ્ખુની પાત્રનિરૂપણશક્તિનો સચોટ પરિચય કરાવે છે. આ પાત્રો તેમની વિષમ પરિસ્થિતિમાં જીવનની ઉદાત્ત ભાવનાઓ, પ્રવૃત્તિઓ અને વ્યવહારો પ્રગટ કરે છે ત્યારે એવું નિરૂપણ મુગ્ધ વાચકોને મહાન લાગે છે. અન્યના સુખ કાજે સ્વસંતાનને સોંપી પોતે વેદનાના વમળમાં અટવાતી વિરૂપા (‘સંસારસેતુ’) કે પછી જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા સ્વસુખોને ત્યજી જગતસુધારનો અહાલેક જગાવવા નીકળી પડેલા નેમ-રાજુલ (‘પ્રેમાવતાર’), ધર્મની વિનિષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના માટે માટે માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકનાર જૈન મુનિ કાલક (‘લોખંડી ખાખનાં ફૂલ’), પ્રભાવશાળી અને અન્યને પોતાના પ્રકાશથી ડારતા વ્યક્તિત્વની બાબતમાં મુનશીની મંજરી કે શશીકલાની યાદ આપતી નિર્મળા (‘દાસી જનમ જનમની...’) વગેરે એમાં નોંધપાત્ર છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો શાશ્વત જીવનતત્ત્વોથી ઘડાયેલાં લાગે છે. એકવાર વાંચ્યા પછી ચિરકાળ આપણી કલ્પનામાં રમ્યાં કરે છે તેવું તેમનું કલાવિધાન છે. જેમકે ‘નરકેસરી’માં મારવિજય અને દિગ્વિજય બંનેમાં કાલાન્તે વિજયી નીવડનાર મગધરાજ શ્રેણિક બિંબિસારનું માનવી તરીકેનું પાત્ર જયભિખ્ખુએ ઉપસાવ્યું છે. તેજઅંધારના લિસોટા જેવું આ પાત્ર ભાવકચિત ઉપર અમીટ છાપ મૂકી જાય છે.

નવલકથા આમ તો કથનાત્મક, વર્ણનાત્મક સાહિત્યપ્રકાર છે. આમ છતાં નવલકથાકાર ટૂંકા, સચોટ, ચેતનવંતા અને વ્યક્તિત્વના રંગો સુરેખરૂપે ઉપસાવે એવા સંવાદ યોજીને નવલકથાને નાટ્યાત્મક બનાવી શકે છે. જયભિખ્ખુની નવલોમાં ક્યાંક સંવાદો ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. (‘કામવિજેતા’, પૃ. ૧૮), તો ક્યાંક લાંબા અને ઉપદેશાત્મક સંવાદો (કામવિજેતા, પૃ. ૧૩૦) પણ જયભિખ્ખુ યોજે છે. ‘કામવિજેતા’ના કેટલાક સંવાદો આ દૃષ્ટિએ તપાસવા જેવા છે. લાગણીભર્યા પ્રવાહી સંવાદ, ચિંતનરસ્યા, ટૂંકા અને જીવનના મર્મને સમજાવતા સંવાદો પણ તેઓ યોજે છે. ‘કામવિજેતા’માં રૂપકોશા-સ્થૂલિભદ્ર વચ્ચેના કે પછી ‘ભક્તકવિ જયદેવ’માં જયદેવ-પદ્મા વચ્ચેના સંવાદો આ પ્રકારના છે. ‘કામવિજેતાના’ સંવાદોની વિશેષતા એ છે કે એમાં એક જ ભાષાની અંદર બધાં પાત્રો બોલે છે છતાં એમનાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જુદી જુદી શ્રેણીઓ તેઓ દર્શાવી શક્યા છે. એક વેળાનો પતિત યુવાન સ્થૂલિભદ્ર સર્પની કાંચળીની જેમ બધું ફગાવી કામવિજેતા બને છે, મુનિઓમાં મહાન બને છે - આ બધા વખતે સંવાદમાં ભાષા બદલાતી નથી અને છતાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જ એમનું નિરૂપણ છે. જયભિખ્ખુની ‘નરકેસરી’, ‘શત્રુ કે અજાતશત્રુ’, ‘વિક્રમાદિત્ય હેમુ’ જેવી કેટલીક નવલોમાંના સંવાદો કથાને વિકસાવવામાં અને પાત્રોનાં વ્યક્તિત્વને પ્રગટાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. અલબત્ત, નવલકથાને સંપૂર્ણપણે નાટ્યરૂપ આપી શકાય એવા જે સંવાદો મુનશી યોજે છે એટલી સંવાદકુશળતા જયભિખ્ખુમાં ઘણે ઓછે ઠેકાણે જોવા મળે. આમ છતાં જયભિખ્ખુની નવલોના સંવાદ ટૂંકા, સચોટ, માર્મિક અને પરિસ્થિતિ તથા પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ જરૂર છે.

રસનિરૂપણની બાબતમાં પણ જયભિખ્ખુએ ઠીક ઠીક સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે જે પ્રસંગે જે રસની આવશ્યકતા જણાઈ છે તે રસને પૂર્ણ મર્યાદામાં રહીને, ન્યૂનાધિક માત્રા ન થાય એ ધ્યાનમાં રાખીને પોતાની નવલોમાં ગૂંથ્યો છે. શૃંગાર, કરુણ, અદ્‌ભુત અને શાંત રસ એમની ઐતિહાસિક નવલોમાં યથાવકાશ ઉચિત માત્રામાં એમણે નિરૂપ્યા છે. જયભિખ્ખુની ‘કામવિજેતા’, ‘પ્રેમાવતાર’, ‘ભક્તકવિ જયદેવ’ જેવી નવલોમાં શૃંગારનાં સંયોગ પાળ ઓળંગતું નથી. આ નવલોમાંનો શૃંગાર અંતે ઉપશમના શાંત રસમાં જઈને ઠરે છે. શાંત, કરુણ અને શૃંગાર રસનું નુરૂપણ ‘ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘રાજવિદ્રોહ’માં પણ સરસ થયું છે. ત્યાં પણ છેવટે તો સર્વોપરી બને છે ઉપશમનો શાંત જ. ધાર્મિક કથાવસ્તુને વિષય તરીકે પસંદ કરીને ઉદાત્ત જીવનમાંગલ્યને પોતાની નવલો દ્વારા સમાજચરણે ધરવા ઇચ્છતા લેખકમાં એ સ્વાભાવિક પણ છે. જયભિખ્ખુએ જેટલું શૃંગારનું નિરૂપણ ફાવ્યું છે એટલો વીરરસ નિરૂપવો ફાવ્યો નથી. યુદ્ધવર્ણનો લેખક કરે છે પણ એમાં ભયાનકતા તેઓ ઉપસાવી શક્યા નથી. હા, યુદ્ધનાં દુષ્પરિણામો એ જરૂર બતાવે છે. ‘શત્રુ કે અજાતશત્રુ’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘પ્રેમનું મંદિર’ જેવામાં આ વાતની પ્રતીતિ આપણને થાય છે. ‘વિક્રમાદિત્ય હેમુ’ માં જયભિખ્ખુએ અદ્‌ભુત રસનું નિરૂપણ સરસ રીતે કર્યું છે. ધર્મભાવના અર્થે હેમુની જિંદગી બચાવી એને સફળતા અપાવવા માટેના જૈન જતિના અતિ માનવનિયતિક્રમને પણ પલટાવી નાખવા મથતા પ્રયત્નો, એ હેતુ અર્થે એમની અદ્‌ભુત રસપ્રધાન સાધના અને એક ધર્મવીરને છાજે એવું આત્મસમર્પણ જયભિખ્ખુએ રોચક કલ્પનાશક્તિથી કર્યું છે. (‘ભાગ્યનિર્માણ’, પૃ. ૧૦૩). ‘લોખંડી ખાખનાં ફૂલ'માં ક્યંક બીભત્સનું નિરૂપણ જયભિખ્ખુએ કર્યું છે. (પૃ. ૮૦, ભા. ૧). પણ એ નિરૂપણ પાછળનો લેખકનો હેતુ માણસની મલિન વૃત્તિઓની સામે લાલબત્તી ધરવાનો હોઈને અને એ દ્વારા ધર્મનો ઉદ્ ભવ જ દર્શાવવાનો હોઈને અંતે એનું ઉપશમન શાંતમાં જ થાય છે. આમ વિવિધ રસોની રંગપૂરણીમાં ભક્તિનો શાંતરસ છેવટે સર્વોપરી નીવડે છે. કેવળ ગ્રંથોમાં નહીં, પરંતુ એમના જીવન, વ્યવહાર અને વર્તનમાં પણ તે રસનાં પ્રત્યક્ષ દર્શનનો અનુભવ થાય છે.

જીવનમાંગલ્યવાદી સર્જકની નવલો ચિંતનના રસે રસાઈ ન હોય તો જ નવાઈ લાગે. જયભિખ્ખુની નવલોમાં ચિંતનનું તત્વ ક્યાંક કલાત્મક રૂપે આપ્યું છે, તો ક્યાંક ઉપદેશાત્મક ઢબે. જ્યાં એ કલાત્મક રૂપ ધરીને આવ્યું છે ત્યાં કથાવસ્તુમાં એવું વણાઈ ગયું છે, ઓતપ્રોત બની ગયું છે કે વાચક કોઈ ચિંતનના ઊંડા વહેણમાં ખૂંતી ગયો છે એનો ખ્યાલ પણ આવતો નથી. 'કામવિજેતા'માં આવતું ચિંતન ઘણે ઠેકાણે આ પ્રકારનું (પૃ. ૧૩૮, ૨૪૦, ૨૬૬); એનાથી વિપરીત 'દાસી જનમ જનમની...” (પૃ. ૧૯૪, ૧૯૭) કે પછી 'નરકેસરી' (પૃ. ૨૧૩), 'સંસારસેતુ' (પૃ. ૧૬૪) વગેરેમાં કેટલાક ચિંતનખંડો ઉપદેશાત્મક રૂપ ધરીને જ આવી ગયા છે. ત્યાં એટલે અંશે નવલકથાની કલાત્મકતાને હાનિ પણ પહોંચી છે. રાજકારણ વિશેની, ધર્મ વિશેની અમુક ચોક્કસ વિચારધારા ચિંતન બનીને એમની નવલોમાં વણાઈ ગઈ છે. ધર્મનો રાજકારણ દ્વારા થતો દુરુપયોગ એમને સતત કઠ્યો છે. એનો આક્રોશ 'કામવિજેતા', ‘વિક્રમાદિત્ય હેમુ' જેવી નવલોમાં એમણે સફળ રીતે વ્યક્ત કર્યો છે. એ જ રીતે યુદ્ધ તરફનો અણગમો પણ એમની નવલોમાં વ્યથા બનીને પ્રગટે છે. તેઓ દૃઢપણે માને છે કે રાજનીતિ કરતાં ધર્મનીતિ ચડિયાતી છે. લોકસુધારણા કરવાથી સમાજનો ઉત્કર્ષ આપોઆપ થાય છે. એમની આ વિચારણા પણ વિવિધ ઐતિહાસિક નવલોમાં ઝિલાઈ છે.

જયભિખ્ખુની નવલોમાં ઉપદેશનું તત્વ ઘણી વાર કલાત્મકતાને ભોગે પ્રાધાન્ય ભોગવી જાય છે. જેમકે 'નરકેસરી'માં 'ધર્મકથા' (પૃ. ૧૩૩), 'મધ્યમ પ્રતિપદા' (પૃ. ૧૬૭) 'જગતગુરુ ક્ષત્રિયો' (પૃ. ૨૬૯), ‘જ્ઞાતપુત્ર મહાવીર' (પૃ. ૨૭૫). જેવાં કેટલાંક પ્રકરણો માત્ર ઉપદેશયુક્ત છે. કથાના વિકાસમાં એનો કોઈ ફાળો નથી. પોતાના સાહિત્યને ઉપદેશાત્મક છે. કથાના વિકાસમાં એનો કોઈ ફાળો નથી. પોતાના સાહિત્યને ઉપદેશાત્મક બનાવવા પાછળ જયભિખ્ખુનો ઇરાદો 'સરસ્વતીચંદ્ર'ના સર્જકની જેમ સમાજને 'સ્યુગરકોટેડ ક્વિનાઈન' આપવાનો જ રહ્યો છે. લેખકને સાહિત્ય દ્વારા સમાજઘડતર કરવું છે એટલે એ ઉપદેશાત્મક બની ગયા છે. એમની આ ઉપદેશાત્મકતા જ્યાં કલાની ઉપરવટ જતી રહી છે ત્યાં એ હાનિકર પણ નીવડી છે.

નવલકથાના નાટ્યાત્મક નિરૂપણમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષનું આલેખન પણ કલાત્મક નીવડે છે. જયભિખ્ખુએ પોતાની નવલોમાં યથાવકાશ આ બંને પ્રકારના સંઘર્ષનું યથોચિત નિરૂપણ કર્યું છે. 'કામવિજેતા'માં બાહ્ય અને આંતરિક બંને સ્વરૂપે સંઘર્ષ નિરૂપણ મળે છે. પણ એમાં વધારે ઉત્કૃષ્ટ રૂપે નિરૂપાયો છે રાગ અને ત્યાગ વચ્ચેનો સ્થૂલિભદ્રનો આંતરસંઘર્ષ (પૃ. ૨૫૪). એ જ રીતે સાધુ સ્વરૂપે સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળાને ચાતુર્માસ ગાળવા આવે છે ત્યારે કોશા પોતાના સર્વજિત સૌંદર્યથી, પ્રેમથી અને રૂપથી સ્થૂલિભદ્રને ચલિત કરવા મથે છે તે સમયે કોશાના ચિત્તની અસદ્ વૃત્તિઓની સામે સ્થૂલિભદ્રના ચિત્તની સદ્ વૃત્તિઓનો સંઘર્ષ (પૃ. ૨૯૬) પણ નવલકથામાં હૃદ્ય રૂપે નિરૂપાયો છે. આ સંઘર્ષ જયભિખ્ખુની નાટ્યાત્મક નિર્માણશક્તિનો પરિચાયક બને છે. એ જ રીતે શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેલતા યોદ્ધાઓ કરતાં પોતાના વાત્સલ્યભર્યા હૃદય સામેનો 'સંસારસેતુ'ની વિરૂપાનો આંતરજંગ પણ જયભિખ્ખુએ અનોખી કુશળતાથી નિરૂપ્યો છે. (પૃ. ૧૦૪, ૨૧૫). યુદ્ધનાં મેદાનોમાં ગાજતો બાહ્ય સંઘર્ષ 'શત્રુ કે અજાતશત્રુ' (પૃ. ૨૩૦, રપર, ભા. ૨) અને ભાગ્યનિર્માણ (પૃ. ૧૯૩) જેવી નવલોમાં લંબાણથી નિરૂપાયો છે. પણ જયભિખ્ખુની વિશેષ શક્તિ આંતરસંઘર્ષના નિરૂપણમાં જ નીખરી ઊઠી છે.

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં એમણે આજના વિજ્ઞાનયુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને ગળે ઊતરે એવા પૌરાણિક સંદર્ભનાં અર્વાચીન અર્થઘટનો કર્યા છે. આ અર્થઘટનો નવલકથાઓમાં એક બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. આવાં અર્થઘટનો ‘લોખંડી ખાખનાં ફૂલ', પ્રેમાવતાર’ અને ‘પ્રેમનું મંદિર' જેવી નવલોમાં જોવા મળે છે. 'પ્રેમનું મંદિર'માં ભગવાન મહાવીરે લાંબા ઉપવાસને પારણે એક દુષ્કર અભિગ્રહ લીધાની ઘટનાનું જે બૌદ્ધિક અર્થઘટન જયભિખ્ખુએ કર્યું છે એ ખરેખર આજના વિજ્ઞાનબુદ્ધિમાં રાચતા માનસને ગળે ઊતરે એવું છે. (પૃ. ૬૮, ૬૯). એ જ રીતે કંસવધ માટેની ભવિષ્યવાણીને પણ નવલકથાકારે 'પ્રેમાવતાર'માં નવા જ અર્થઘટનથી હૃદ્ય બનાવી છે. (પૃ. ૩૮, ભા. ૧). લોખંડી ખાખનાં ફૂલ'માં તો એક કરતાં વિશેષ અર્થઘટનો મળે છે. એમાં પુરાણકાળમાં પ્રચલિત સંજીવની છોડને લેખકે જે રીતે ઓળખાવ્યો છે એ નિરૂપણ ઊંડી વિચક્ષણ તાર્કિક બુદ્ધિશક્તિનો પુરાવો બની રહે છે ! લેખકના મતે 'સંજીવની' એટલે આપણું 'પંચતંત્ર'. આ સંજીવની હિંદના પહાડોમાં મળે.. એ પહાડો તે આપણા વિદ્વાનો અને એમનાં હિતકારી વચનો, જે મૃતકો એટલે કે અજ્ઞાની પુરુષોને જ્ઞાની એટલે અમર બનાવે (પૃ. ૫૭, ભા. ૨). પુરાકલ્પનોનું આવું વૈજ્ઞાનિક અર્થઘટન નવલકથાને એક નવું જ સૌંદર્ય બક્ષે છે.

પોતાની ઐતિહાસિક-પૌરાણિક-સામાજિક નવલોમાં જયભિખ્ખુ ગોવર્ધનરામ, ક. મા. મુનશી, દર્શક વગેરેની જેમ રાષ્ટ્રિય અસ્મિતાના ગાયક રૂપે પણ ઊપસી આવે છે. દેશસુધારની ઝંખના એમના મનમાં પડેલી છે. તેઓ માને છે કે દેશની સુધારણા ત્યારે થાય જ્યારે સમાજ સુધરે અને સમાજ તો જ સુધરે જો ધર્મ સુધરે. આ જ સંદર્ભમાં 'લોખંડી ખાખનાં ફૂલ'માં કાલક મુખે તેઓ પોતાની વાત આમ રજૂ કરે છે : 'જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો.' (પૃ. ૧૭૯, ભા. ૧). 'શત્રુ કે અજાતશત્રુ'માં જયભિખ્ખુએ વૈશાલી અને મગધના રાજતંત્રની સંઘર્ષકથા રજૂ કરીને એ દ્વારા અર્વાચીન ભારતની પ્રજા સમક્ષ પ્રજાતંત્રના એક મહાન પ્રયોગનું જ દર્શન કરાવ્યું છે. વર્તમાનકાળે ભારતની પ્રજા જ્યારે લોકશાહીના, પ્રજાતંત્રના એક મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે ત્યારે આ નવલ દ્વારા જયભિખ્ખુએ રાજતંત્ર અને પ્રજાતંત્રના લાભાલાભ જ કુશળતાથી સમાજને દર્શાવ્યા છે. 'કામવિજેતા'માં પણ શકટાલના મુખે જયભિખ્ખુ રાષ્ટ્રનો અનોખો આદર્શ રજૂ કરે છે. (પૃ. ૧૩૧). ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ” અને 'દિલ્હીશ્વર' એ નવલત્રયી દ્વારા જયભિખ્ખુ 'સુલહ કુન બા ખાસ ઓ આમ – સહુની સાથે મળીને રહો'નો સંદેશ જ રાષ્ટ્રચરણે પ્રસરાવવા માગે છે. આ નવલત્રયી સમાજમાં એવા સમયે આવે છે જ્યારે હિંદુ-મુસ્લિમના ભેદભાવનું વિષ સમાજની રગોમાં ઊંડું ઊતરતું જતું હતું. અંગ્રેજોએ હિંદુસ્તાન-પાકિસ્તાન કરાવીને હિંદુ-મુસ્લિમ કદીય સાથે ના રહી શકે એવું વિષ સમાજની રગોમાં ઊંડુ ઉતારી દીધું હતું. આવા વિષમય વાતાવરણ વખતે હિંદુ-મુસ્લિમ ઐક્યની કલ્પનાકથા નહીં પણ ઇતિહાસસિદ્ધ હકીકતોને રૂપકડા કલકસબથી નવલકથામાં મઢીને રાષ્ટ્રિય અસ્મિતાનું એક ઉજમાળું ઉદાહરણ સાહિત્યચરણે ધર્યું છે.'

જયભિખ્ખુની નવલોમાં નારીગૌરવ પણ ઉજમાળો અંશ બનીને ડોકાય છે. સ્ત્રીઓ તરફનો એમનો અભિગમ ગૌરવયુક્ત હતો. સ્ત્રી દાસી નથી, સાથી છે એ એમની ભાવના હતી. નાનપણથી એમણે સ્ત્રીઓનું દુઃખ જોયું હતું તેથી સ્ત્રીઓને શોષણમાંથી મુક્તિ અપાવવાની ચાહત એમના અંતરે સદાકાળ રમતી હતી. એના જ પરિણામરૂપે એમના દ્વારા એક માત્ર સામાજિક નવલકથા રચાઈ અને તે, 'દાસી જનમ જનમની : સાથી જનમ જનમનાં' સ્ત્રીનો સાચો વિકાસ એનું ખુદનું ખમીર જાગે ત્યારે જ શક્ય બને એ વાત આ નવલમાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી એમણે રજૂ કરી છે. 'શત્રુ કે અજાતશત્રુ'માં રાણી ચેલા, મગધપ્રિયા ફાલ્ગુની અને આમ્રપાલીનાં ચરિત્રચિત્રણો નારીગૌરવનાં જ જીવંત ઉદાહરણો છે. 'કામવિજેતા'માં જયભિખ્ખએ રૂપકોશાના મુખે નારીગૌરવ, નારીની શક્તિનું યશોગાન કર્યું છે. (પૃ. ૪૨). અહીં કોશા ગણિકામાં રહેલા ઉદાત્ત નારીતત્વને જ એમણે નિખાર્યું છે. નારીગૌરવના ચાહક જયભિખ્ખુ ‘દિલ્હીશ્વર'માં ચિંતામણિના પાત્રસર્જનમાં પણ મન મૂકીને મ્હોર્યા છે.

જયભિખ્ખુએ પોતાની નવલોમાં ક્યાંક મલિન ચિત્રો ઉપસાવ્યાં છે. એમની આવી નવલો ચર્ચાસ્પદ પણ નીવડી છે. એમાં ‘લોખંડી ખાખનાં ફૂલ'માંનું 'મહાચક્રપૂજા’ પ્રકરણ (પૃ. ૮૨, ભા. ૧) તો સારો એવો ઉહાપોહ જગાડનાર બન્યું હતું. 'જીવનમાંગલ્યના યાચક સર્જકની નવલોમાં આવું નિરૂપણ સોનાની થાળીમાં લોઢાની મેખ તો નથી બની જતું ને ? પણ આવા નિરૂપણ સોનાની થાળીમાં લોઢાની મેખ તો નથી બની જતું ને ? પણ આવા નિરૂપણનું મૂલ્યાંકન કરતી વખતે એક જ મુદ્દો લક્ષ્યમાં રાખવો જોઈએ અને તે એ કે આવું નિરૂપણ લેખકે કયા હેતુથી કર્યું છે ? જો લેખકનો આવા નિરૂપણ પાછળનો હેતુ ઉજમળો હોય, સમાજને દુરિત તરફથી પાછા વાળવાનો હોય તો આવા નિરૂપણમાં કશું અયોગ્ય નથી. આ નવલમાંનુ આ પ્રકરણમાંનું નિરૂપણ આવા જ ઉમદા હેતુથી થયું છે. એ નિરૂપણ દ્વારા લેખકનો હેતુ સમાજમાં પ્રવર્તતા આવા સડા તરફ લાલબત્તી ધરવાનો હોવાથી એ નિરૂપણ અનુચિત જણાતું નથી. વળી જે કાળની નવલ હોય એ કાળના વાતાવરણને યથાર્થ ઉપસાવવા એવું નિરૂપણ જરૂરી હોય તો એમાં કશું ખોટું નથી. કૃતિમાંનું એ નિરૂપણ કૃતિની કલાત્મકતાને કે નીતિમત્તાને ક્યાંય હાનિ પહોંચાડનાર નીવડ્યું નથી.

નવલકથા એ કથનાત્મક પ્રકારનું સાહિત્યસ્વરૂપ હોવાથી વર્ણનોને પણ એમાં અવકાશ મળે છે. જયભિખ્ખુનાં સ્થળ, સ્વરૂપ અને મનોસંઘર્ષના વર્ણનો ઉલ્લેખનીય બન્યાં છે. આ વર્ણનો એમાંની વિગતસભરતા, સૂક્ષ્મ અવલોકનશક્તિ, ચિત્રાત્મકતા વગેરેને કારણે સચોટ અને ગ્રાહ્ય નીવડ્યાં છે. નવલકથાના ઐતિહાસિક વાતાવરણને ઉપસાવવામાં જયભિખ્ખુની વર્ણનકલાએ સારો ફાળો આપ્યો છે. પાત્રનાં રૂપવર્ણન ઘણી વાર જયભિખ્ખુની ઊંચી સૌંદર્યદૃષ્ટિનું દર્શન કરાવે છે. 'કામવિજેતા'માં રૂપકોશાનું વર્ણન, ‘દિલ્હીશ્વર'માં ચિંતામણિનું વર્ણન અને ‘ભક્તકવિ જયદેવ'માં પદ્માનું વર્ણન નવલકારમાં રહેલી સૌંદર્યદૃષ્ટિ સાથે કવિદ્રુષ્ટિનાં પણ દ્યોતક બને છે. પ્રકૃતિવર્ણનોમાં ક્યાંક કવિત્વની છાંટ ભળી ચિત્રમય સૌંદર્યદૃશ્યને ઉપસાવી આપે છે. (‘કામવિજેતા', પૃ. ૨૮૨). પાત્રોનો મનોસંઘર્ષ પણ વર્ણનાત્મક ઢબે લેખકે ઘણે સ્થળે નિરૂપ્યો છે.

વિવિધ નવલોમાં જયભિખ્ખુની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો જયભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની વણઝાર ‘કામવિજેતા', 'ભગવાન ઋષભદેવ' તથા 'ભક્તકવિ જયદેવ’ - 'પ્રેમાવતાર' વગેરે નવલોમાં જોવા મળે છે. નવલકથામાં વ્યાસશૈલીને માટે વધારે ગુંજાઈશ હોવા છતાં નાટક તેમ વાર્તા બંને કરતાં સાદી, સરળ શૈલીને પણ ફેલાવી શકાય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયભિખ્ખું 'કામવિજેતા'માં પૂરું પાડે છે. 'વિક્રમાદિત્ય હેમુ'માં ટૂંકા અને કાવ્યાત્મક સ્પર્શવાળાં વાક્યો, ઉર્દૂ અને સંસ્કૃતમિશ્રિત શબ્દ પ્રયોગો, રસળતી પ્રવાહી ગતિ, કાવ્યમય ગદ્યથી ભર્યું ભર્યું 'બુલબુલનું રુદન' (પૃ. ૨૨૩) પ્રકરણ ગદ્યના એક આગવા મિજાજને પ્રગટ કરે છે. એ જ રીતે ‘દિલ્હીશ્વર'માંનું 'ભૂતિયો વડ” (પૃ. ૭૭) હિંદુસમાજના વહેમ, અંધશ્રદ્ધા અને મુસ્લિમ સમયના ગુજરાતના જનજીવનને ગદ્યની એક અનોખી છટાથી ઉપસાવી આપે છે. એમાં ટૂંકા વાક્યો અને દૃશ્યાત્મક શબ્દાવલિથી પેદા થતો એક સુંદર મરોડ, છટા અનુભવવા મળે છે. એ જ રીતે આ જ નવલનું ‘ગુણકાની આત્મકહાણી’ (પૃ. ૧૦૬) પ્રકરણ એમાંના ભાવનાત્મક ગદ્યને કારણે નવલમાં જુદી ભાત પાડે છે. ગદ્યશૈલીની દૃષ્ટિએ ‘ભગવાન ઋષભદેવ’, ‘કામવિજેતા’, ‘પ્રેમાવતાર ભા. ૧-૨’, ‘સંસારસેતુ’ વગેરે જ્યભિખ્ખુની ગદ્યકાર તરીકેની શક્તિઓનો ઉજમાળો પરિચય કરાવે છે.

માતબર ઐતિહાસિક નવલો આપી ગુજરાતી નવલકથાસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલોમાં જે કેટલીક મર્યાદાઓ જોવા મળે છે એમાંની કોઈ નવલકથાકારે કરેલા સર્જનધ્યેયને કારણે છે તો કોઈ સરતચૂકને કારણે. જીવનમાંગલ્યલક્ષી લેખકને પોતાના સર્જન દ્વારા સમાજને પ્રેરણા આપવી છે. એને કારણે ક્યાંક ઉપદેશાત્મકતાનું પ્રાચુર્ય થઈ ગયું છે, તો ક્યાંક કલાત્મકતાને ભોગે ચિંતન મુખ્ય બની ગયું છે. ‘દાસી જનમ જનમની.....’ કે ‘પ્રેમનું મંદિર’ અને ‘શત્રુ કે અજાતશત્રુ’ માં કેટલેક સ્થળે આવું થયું છે ખરું, લાંબી લેખણે લખાતાં સર્જકની ‘નરકેસરી’ કે ‘દાસી જનમ જનમની..…’ જેવી નવલોમાં વસ્તુસંકલન થોડું શિથિલ પણ રહ્યું છે ખરું. ‘પ્રેમનું મંદિર’ જેવામાં ક્યાંક પ્રસંગનો વિકાસ કરવા તરફ લક્ષ્ય ઓછું જણાય છે. ત્યાં તેઓ પ્રસંગને શબ્દોથી, અલંકારોથી શણગારીને એમાંથી પોતાને અભિપ્રેત રહસ્યની રજૂઆત તરફ જ વધારે લક્ષ્ય કેન્દ્રિત કરતાં દેખાય છે. છતાં આવું તો એમની નવલસૃષ્ટિમાં ઘણું ઓછું જ છે. પાત્રવિકાસ ક્યાંક અછડતો થઈ ગયો છે. આટલી વિશાળ પાત્રસૃષ્ટિમાં કોઈ પાત્ર એવું પણ આલેખાયું છે જેમાં માનવચિત્તની જે રંગછાયાઓ આવવી જોઈએ તે આવી શકી નથી જેમ કે ‘શત્રુ કે અજાતશત્રુ’માંનું મુનિ વેલાકૂલનું પાત્ર. ક્યાંક વિચારનિરૂપણ અને વર્ણનથી વાર્તાપ્રવાહ મંદ પણ પડેલો જણાય છે. વાતાવરણની પ્રતીતિકારકતા વધારવા ગુજરાતી બાનીમાં અજાણ્યા અરબી-ફારસી શબ્દ-પ્રયોગ પણ સર્જક દ્વારા થઈ ગયા છે. આમ તો જયભિખ્ખુ સાંપ્રદાયિક સર્જક નથી છતાં મુનશીની નવલોમાં જેમ એમનું બ્રાહ્મણત્ત્વ ક્યાંક કલાતત્ત્વને ભોગે કૃતિ ઉપર છવાતું જણાય છે એમ જયભિખ્ખુનું સાંપ્રદાયિક જૈનદર્શન (‘કામવિજેતા’, પૃ. ૩૫ર, ‘ભાગ્યનિર્માણ’, પૃ. ૯૫), કલાત્મકતાને ભોગે પ્રવેશી ગયું છે ખરું. પણ આ મર્યાદાઓ તો નવલકથાકાર જયભિખ્ખુની ગુણસૃષ્ટિની સામે નહીંવત્ છે.

આમ પોતાની વૈવિધ્યસભર તથા માતબર ઐતિહાસિક, પૌરાણિક નવલકથાઓ દ્વારા ગુજરાતી ઐતિહાસિક નવલક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલસૃષ્ટિ તરફ વિવેચકોનું ધ્યાન ખાસ ખેંચાયું નથી. જૈન ધર્મકથાસાહિત્યમાંથી વસ્તુ લઈને સર્વભોગ્ય નવલકથા લખનાર ગુજરાતી નવલકથાસાહિત્યમાં જયભિખ્ખુ જ કદાચ પહેલા લેખક છે. પ્રાચીન ધર્મકથાને નવીન રસસંભૃત નવલકથારૂપે યોજીએ દિશામાં એમણે આદરણીય પહેલ કરી છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાંખીને એને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર તેઓ સ્થાપી આપે છે. પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ઇતિહાસનો પોતાની નવલોમાં ટેકણલાકડી તરીકે નહીં પણ પ્રમાણભૂત રીતે ઉપયોગ કરીને જયભિખ્ખુએ જે ઐતિહાસિક, પૌરાણિક નવલકથાઓ સર્જી છે. એમાંના વિષયોનાં નિરૂપણમાં પણ એમણે જ પહેલ કરી છે. મુગલકાલીન વાતાવરણને નિરૂપતી એમની ‘વિક્રમાદિત્ય’ની નવલત્રયી કે પછી ‘કામવિજેતા’ અને ‘ભગવાન ઋષભદેવ’માંની નવલત્રયીના વિષયો ઉપર અગાઉ કોઈએ નવલકથાઓ સર્જી નથી. ઇતિહાસની ઘટનાઓના ઉપયોગ દ્વારા જીવનમાંગલ્યલક્ષી ભાવનાઓનું નિરૂપણ કરવા જયભિખ્ખુ સમાજને પોતાના અનોખા કલાવિધાનથી શ્રેયસ્કર માર્ગે દોરે એવું નવલસાહિત્ય નવલરૂપે આપે છે એમાં જ એમની મહત્તા છે તો એવી કૃતિઓને ઇતિહાસગ્રસ્ત થવા દેવાનું વિવેચકો-સંશોધકોને પાલવે નહિ. આ મહાનિબંધમાં તો જયભિખ્ખુની નવલકથા વિશેનું સંશોધન એક પ્રકરણરૂપે છે. આમાંથી ‘જયભિખ્ખુની નવલકથા’ વિશેના એક આખા શોધપ્રબંધની કોઈ અભ્યાસી પ્રેરણા મળશે, તો અહીંનું કર્યું લેખે લખાશે.

☯☯☯