જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન

વિકિસ્રોતમાંથી
જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
નટુભાઈ ઠક્કર
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય →


પ્રકરણ ૧

જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન

સાહિત્યનું સર્જન વિદ્ધદ્‌ભોગ્ય અને લોકભોગ્ય એમ બે રૂપે પ્રાપ્ત થાય છે. સાહિત્યના ઊંડા અધ્યયનના પરિપાકરૂપે પ્રાપ્ત થતું કેટલુંક સર્જન વિદ્વદ્‌ભોગ્ય બને છે જ્યારે સામાન્ય જનરૂચિને આકર્ષતું સાહિત્ય લોકભોગ્ય રૂપ ધારણ કરે છે. લોકભોગ્ય સાહિત્યમાં પણ કેટલુંક નિમ્નકોટિનું અને લોકોના અપરસને ઉત્તેજે એવું હોય છે. જ્યારે કેટલુંક સમાજનાં રસરુચિને સંસ્કારી એનું ઊર્ધ્વીકરણ સાધે છે. લોકભોગ્ય સાહિત્યમાં આવા સંસ્કારપ્રેરક સાહિત્યને સર્જવાનું કામ ઠીક ઠીક અઘરું છે, કારણ કે એમાં એના સર્જકે એકસાથે બેવડી કામગીરી નિભાવવાની હોય છે. જનસામાન્યની રુચિ સંતોષવાની અને સાથે સાથે અભિરુચિનું ઊર્ધ્વીકરણ સધાય એવું આલેખન પણ કરવાનું. અને સાથે સાથે અભિરુચિનું ઊર્ધ્વીકરણ સધાય એવું આલેખન પણ કરવાનું. આવા સાહિત્યમાં સાહિત્યિક ગુણવત્તા જળવાય તેમજ જનસમાજને જીવનનું સત્ત્વશીલ પાથેય પણ મળી રહે - આ બંને લક્ષ્ય તરફ સર્જકે એકસાથે ગતિ કરવાની હોય છે. વળી સંસ્કારપ્રેરક એવું આ સાહિત્ય ઉપદેશાત્મક ન બની જાય એ પણ એના સર્જકે સતત ધ્યાનમાં રાખવાનું હોય છે. કારણ કે શુષ્ક ઉપદેશ તો સહુ કોઈ આપી શકે પણ જીવનનાં મૂલગત મૂલ્યોને, પાયાના સિદ્ધાંતો અને નરવી નિષ્ઠાના સંદેશને રસિક, સરળ અને સચોટ શૈલીમાં સાહિત્યગુણનો પુટ આપીને રજૂ કરવાનું કામ મુશ્કેલ હોય છે. સમયદૃષ્ટિએ ગાંધીયુગનું ફરજંદ એવા શ્રી જયભિખ્ખુ આવા સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક સાહિત્યના સર્જક છે.

સમર્થ સર્જક દીર્ઘાયુષ્ય ભોગવે અને લેખન સાતત્ય જાળવે, તો સર્જનાત્મક પરંપરાની બે પેઢીઓની સંયોગભૂમિકાનાં પરિણામો અભ્યાસીને તુલનાત્મક અધ્યયનની અનેક શક્યતાઓ ચીંધે છે. એ ઉપરાંત દીર્ઘકાલીન સર્જનસાતત્યથી લેખકના પોતાના સર્જનમાં પણ સાંસ્કૃતિક વૈવિધ્યની શક્યતા પેદા થાય છે. શ્રી ક. મા. મુનશી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય અને ચુનીલાલ વ. શાહના સમકાલીન અને પોતાની સુદીર્ઘ પ્રવૃત્તિથી જૂની અને નવી પેઢીને સાધનાર શ્રી જયભિખ્ખુની બાબતમાં ઉપર્યુક્ત હકીકત સાર્થ નીવડે છે. એમના યૌવનકાળ દરમ્યાન ગુજરાતની ધરતી ઉપર અને એમાંય તે અમદાવાદને આંગણે તો ગાંધીજી દ્વારા અસહકાર-આંદોલન શરૂ થઈ ચૂક્યું હતું. ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ મેળવીને જ જંપીશું’નો સૂર વાતાવરણમાં ગૂંજતો હતો. અનેક નવયુવાનો ગાંધીજીની હરિજનોદ્ધારની પ્રવૃત્તિથી આકર્ષાઈ એમની સાથે જોડાયા હતા. સ્વાતંત્ર્ય માટે મરી ફીટવાનો કેસૂડો રંગ હવામાં લહેરાતો હતો.

જેને માટે અનેકોએ પોતાનાં લીલુડાં માથાં વધેર્યા હતાં, શહાદત વહોરી હતી તે સ્વરાજ્યની પ્રાપ્તિ ઈ. સ. ૧૯૪૭માં થઈ. પણ સ્વાતંત્ર્ય મળ્યા પછી દેશમાં જીવનનાં મૂલ્યો અને માનવતાના વિકાસની જે અપેક્ષા રાખવામાં આવી હતી તે પરિપૂર્ણ ન થઈ. જે રાષ્ટ્રના સંસ્કારના પાયામાં અનેક ઉમદા તત્ત્વો પડ્યાં હતાં તેના વિશાળ જનસમુદાયને ક્લિષ્ટતા વચ્ચે જીવન વિતાવતો જોઈને કોઈ પણ સંવેદનશીલ હૃદયને આંચકો લાગે એવું થયું. જે ભૂમિ ઉપર ગાંધીજીએ જીવનના નૈતિક મૂલ્યો પોતાના જીવનના મૂર્ત દૃષ્ટાંતથી શીખવ્યા હતા, પવિત્ર સાધ્ય માટે સાધનની પવિત્રતા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અને જે રાષ્ટ્રના બાપુ માત્ર રાજકીય રાહબર નહીં; નૈતિક અને આધ્યાત્મિક રાહબર પણ થયા હતા ત્યાં બહુ ટૂંકા ગાળામાં ગાંધીચીંધ્યાં મૂલ્યો વીસરાવાં લાગ્યાં હતાં.

આપણા સામાજિક જીવનમાં મદછકી હીનતા ફાલવા-ફૂલવા લાગી. સત્તા અને દ્રવ્ય કોઈ ઉચ્ચ ધ્યેય માટેનાં સાધન બનવાને બદલે સાધ્ય જેવાં બનવા માંડ્યાં. સત્તા કે સાધનની પ્રાપ્તિ અર્થે ગમે તેવું હીણુ કામ કરતાં ન શરમાવું એ હોંશિયારી ગણાવા લાગી. હીન સાધનથી પ્રાપ્ત થયેલ ધનથી શ્રીમંત બનનારા લોકોને પાછું સમાજે અદકેરું માન આપવા માંડ્યું. સમાજના અગ્રણીઓ તરીકે તેમની ગણના થવા માંડી.

રાજકારણના સાધનને સાધ્ય બનાવી જીવવાની, પરસ્પર ટાંટિયા ખેંચી એકમેકને પાડવાની હલકાઈભરી પ્રવૃત્તિ જ્યારે સ્વાભાવિક જીવનરીતિ મનાવા લાગી, અંગત લાભને ખાતર અન્યને ગમે તેવું નુકસાન પહોંચાડવામાં સહેજ પણ શરમ ન અનુભવવા લાગી ત્યારે રાજકારણીઓનો આ દોષ ચેપી રોગ બની જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પણ પ્રસરવા લાગ્યો. વિદ્યાધામો અને સાહિત્યપ્રવૃત્તિ પણ તેનાથી મુક્ત ન રહ્યાં. નિરાશાના અને મૂલ્યહ્રાસના આ મહારણમાં સાહિત્યક્ષેત્રે જયભિખ્ખુનો પ્રવેશ માનવતાની મીઠી વીરડી સમો, સંસ્કારજ્યોતની ચિનગારી સમો બની રહ્યો.

સાહિત્યજગત જેને જયભિખ્ખુના હુલામણા નામથી ઓળખે છે તે જયભિખ્ખુનો એટલે કે બાલાભાઈ વીરચંદ દેસાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વસ તેરસને શુક્રવારે સાત વાગે (ઈ. સ. ૧૯૦૮ના જૂન મહિનાની ૨૬મી તારીખે) સૌરાષ્ટ્રમાં એમના મોસાળ વીંછિયા ખાતે થયો હતો. એમનાં માતાનું નામ પાર્વતીબહેન અને પિતાનું નામ વીરચંદભાઈ ખેમચંદ દેસાઈ. જયભિખ્ખું જ્યારે ચાર વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ વઢવાણ ખાતે થયું હતું. માના મૃત્યુ પછી બાલ્યકાળના કેટલાંક વરસો એમણે મોસાળમાં જ વિતાવ્યાં.

પિતા વીરચંદભાઈ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા જૂના સાબરકાંઠાના વરસોડા રાજ્યના અને પાછલાં વર્ષોમાં નાના ભાયાતોના કારભારી હતા. તેમનો અભ્યાસ ચાર ચોપડી સુધીનો. પણ કાયદાગત જ્ઞાન ભલભલા ડિગ્રીધારી વકીલોને હંફાવે એવું. સમાજમાં એક શક્તિશાળી કારભારી તરીકેની નામના. પોતાના વૈભવવાળા કુટુંબની કગમગી ગયેલી, સ્થિતિને સ્વપ્રયત્ને તેઓએ સ્થિર કરી હતી. પિતાના નીડર, અતિથિપ્રેમી કુટુંબવત્સલ સ્વભાવના સંસ્કાર બાળ જયભિખ્ખુને ગળથૂથીમાંથી જ મળ્યા હતા.

વીરચંદભાઈનું કુટુંબ ધર્મપ્રેમી, કુટુંબવત્સલ અને સાહિત્યના સંસ્કારોથી ઓપતું હતું. તેમના ભાઈ દીપચંદ એટલા ભક્તિપરાયણ જીવ હતા કે બધા તેમને ‘દીપચંદ ભગત’ કહેતા. એમણે પત્નીના અવસાન પછી જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરી હતી. એમના દીકરા રતિભાઈ પણ જૈન સાહિત્યના અગ્રણી લેખક રહ્યા હતા. એમનું જીવન પણ સાધના અને સમર્પણથી ઓપતું હતું. આવા ધાર્મિક પ્રકૃતિના વાતાવરણવાળા કુટુંબમાં જન્મ અને ઉછેરને કારણે જૈન ધર્મના સંસ્કાર જયભિખ્ખુને ગળથૂથીમાંથી જ સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જયભિખ્ખુએ સૌરાષ્ટ્રમાં આવેલ બોટાદ અને તે પછી ઉત્તર ગુજરાતના વીજાપુર પાસેના વરસોડામાંથી મેળવ્યું. અંગ્રેજી ત્રણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાંથી કર્યો. ત્યાર પછી કેળવણીની તેમની દિશા ફઁટાઈ. સામાન્ય રીતે પરંપરાથી મેળવાતું માધ્યમિક અને કૉલેજશિક્ષણ લેવા તરફ તેઓ વળ્યા નથી. અંગ્રેજીના ત્રણ ધોરણ સુધીના માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ - જે વિલેપાર્લેમાં હતું - તેમાં સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ સ્થળાંતર કર્યું ત્યારે તેની સાથે કાશી, આગ્રા અને છેવટે ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યાભર્યા શિવપુરીમાં સ્થળાંતર કરી આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કર્યું. તેમની સાથે જ પિતરાઈ ભાઈ રતિલાલ પણ અભ્યાસરત હતા. શિવપુરીમાં બંને પિતરાઈ ભાઈઓ એટલા નજીક આવ્યા કે સહુ એમને સગા ભાઈ જ માનતા.

વીરતત્ત્વ પ્રકાશક મંડળની આ સંસ્થામાં રહીને જયભિખ્ખુએ જૈનતત્ત્વજ્ઞાન અને જૈનદર્શનનું ઊંડું અધ્યયન કર્યું. ત્યાર બાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી સંપાદન કરી. શિવપુરી ગુરુકુળની ‘તર્કભૂષણ’ની પદવી પણ મેળવી.

‘ન્યાયતીર્થ’ની પરીક્ષા આપવા માટે જયભિખ્ખુ જ્યારે કલકત્તામાં આવ્યા ત્યારે ભાવિ જીવનના નકશા માટે મનમાં અનેક પ્રકારની ઊથલપાથલો ચાલતી હતી. જીવનનો કોઈ એવો રાહ પસંદ કરવો હતો જે કાંટાળો ભલે હોય પણ કોઈ ધ્યેયને ચિંતવતો હોય. એમાંથી ત્રણ નિર્ણયો થયા : નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ લેવી નહીં અને કલમના આશ્રયે જિંદગી વિતાવવી. જીવનના આરંભકાળે લીધેલા આ ત્રણ નિર્ણયોએ એમના પુરોગામી નર્મદ અને ગોવર્ધનરામની જેમ એમની પણ સારી એવી તાવણી કરી. પૈતૃક સંપત્તિ નહીં લેવાની પ્રતિજ્ઞાને સાચવવા જતાં નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા સાત-આઠ વર્ષ માટે વિસારે પણ મૂકવી પડી છતાં આ નિર્ણયોએ એમના ખમીરની કસોટી કરી જીવનમાં પ્રાણ રેડડ્યો.

જયભિખ્ખુનાં લગ્ન ઈ. સ. ૧૯૩૦ના મેં મહિનાની તેરમી તારીખે વૈશાખ વદ એકમના રોજ રાણપુરના શેઠ કુટુંબની પુત્રી વિજયાબેન સાથે થયાં હતાં. એમનું ગૃહજીવન મધુર આતિથ્ય અને ઉદાત્ત સંસ્કારની મહેકથી ભર્યું ભર્યું હતું. જયભિખ્ખુ એમના જીવન દરમિયાન સૌ સ્નેહીજનોમાં ત્રણ નામથી જાણીતા હતા. કુટુંબનું એમનું હુલામણું નામ હતું ભીખાલાલ. સ્નેહીઓમાં તે બાલાભાઈના નામે જાણીતા હતા અને સાહિત્યક્ષેત્રે ‘જયભિખ્ખું’ એમનું ઉપનામ લોકપ્રિય બન્યું હતું. ‘જયભિખ્ખુ’ ઉપનામ એમણે વિજયાબેનમાંથી ‘જય’ અને ભીખાલાલમાંથી ‘ભિખ્ખુ’ લઈને બનાવ્યું હતું. મજાદર ખાતે મળેલા લેખકમિલન સમારંભમાં જયભિખ્ખુનો પરિચય આપતાં આ સંદર્ભમાં શ્રી જ્યોતીન્દ્ર દવેએ પોતાની લાક્ષણિક રમૂજી શૈલીમાં કહેલું, “અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામના ‘બાળા’ અને ‘ભાઈ’નો એવો સમન્વય સધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એક ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું ન લાગે માટે એમણે ધારણ કરેલ તખલ્લુસ જયભિખ્ખુ માં એમની પત્ની જયાબેન અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગા કરીને જયભિખ્ખુ બની ગયા !” (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૫૦)

જ્યભિખ્ખુના સાહિત્યિક ઘડતરમાં આમ જન્મજાત શક્તિ સાથે ધાર્મિક પ્રકૃતિના સંસ્કારી અને સાહિત્યપ્રીતિ ધરાવતા કુટુંબમાં જન્મ અને ઉછેરે મૂળગત રીતે ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત માતા-પિતા અને અન્ય સ્વજનો, શિક્ષણ-શિક્ષકો તેમજ અન્ય મહાનુભાવો, પ્રસન્નમંગલ દામ્પત્ય અને પ્રકૃતિસૌંદર્ય પણ સારો એવો ફાળો આપ્યો છે.

કુદરતી સૌંદર્યથી ભર્યાભર્યા વાતાવરણમાં નિવાસ કરવાની જે તક જીવનના આરંભકાળમાં એમને સાંપડી એણે એમના રસરંગીન મિજાજને ઓપ આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. એમનું બાળપણ વીંછિયામાં, કિશોરાવસ્થા ડૉ. ક્રાઉઝેએ પોતાની મુલાકાત દરમિયાન ‘હોલીવૂડ’ જેવું જેને ગણાવ્યું હતું એ વરસોડામાં અને વિદ્યાર્થીકાળ કુદરતી સૌંદર્યથી ભર્યાભર્યા શિવપુરીમાં વીત્યાં. પ્રકૃતિસૌંદર્યનો આ સંસ્પર્શ એમના જીવનમાં એક પ્રકારની મસ્તી અને સાહસિકતાને સંભરી ગયો છે. શ્રી મધુસૂદન પારેખ આથી જ કહે છે, ‘એમની કૃતિઓમાં એમને મળેલા ધર્મસંસ્કાર એ જેમ પ્રેરકબળ છે, તેમ એમણે કરેલું પરિભ્રમણ એ પણ એક પરિબળ છે. પ્રકૃતિનો રસાસ્વાદ પામીને એમનો જીવ કોળ્યો છે.’ તેમનામાં ‘રોમેન્ટિસિઝમ' દેખાય છે તે ખીલવવામાં આ પ્રકૃતિદર્શનનો પણ ફાળો હશે.’ (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, ડિસે. ’૭૦, પૃ. ૫૧)

કથાવાર્તા વાંચવાનો શોખ જયભિખ્ખુને છેક બાળપણથી જ. આવું સાહિત્ય એકલું વાંચવાનું નહીં..... એ વાંચતાં વાંચતાં જે નોંધવા જેવું લાગે એ નોંધી પણ લેવાનું એ એમની ટેવ. ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ સાથે એમને સમજ ખીલી ત્યારથી અનોખી પ્રીતિ, અને એને કારણે સાહિત્યકાર તરીકે એમના આદર્શ રહ્યા છે - ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામના જીવને પણ જયભિખ્ખુના સાહિત્યિક ઘડતરમાં ઠીક પ્રેરણા પૂરી પાડી છે. એમના જીવનાદર્શમાંથી પ્રેરણા મેળવીને જયભિખ્ખુએ પણ પોતાના જીવનના આરંભકાળમાં જીવનની કસોટી કરે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ કરી. એ પ્રતિજ્ઞાઓએ એમને સંઘર્ષની એરણ ઉપર ઠીક ઠીક કસ્યા પણ ખરા. પણ છેવટે મા શારદાની સેવા-ઉપાસનાની દૃઢ તમન્નાએ જયભિખ્ખુને યશ અપાવ્યો. આ સંદર્ભમાં જયભિખ્ખુ કહે છે, ‘ઊખર જમીનમાં જે વૃક્ષ વાવ્યું તેને ઉછેરતાં કાળી કસોટી થઈ, પણ અંતે તેના પર રંગબેરંગી ફૂલ આવ્યાં, એની રૂપસુગંધથી મન મહેંકી રહ્યું ને લાંબે ગાળે સુસ્વાદુ ફળ પણ બેઠાં.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૧૯)

જયભિખ્ખુને મહાશાળામાંથી મળતું શિક્ષણ નથી મળ્યું. માધ્યમિક શિક્ષણ પણ એમણે અધૂરું જ લીધું છે એટલે અન્ય સાહિત્યકારોની જેમ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી કે અન્ય સાહિત્યનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાની તક એમને નહીં મળી હોય એવું અનુમાન થાય. પણ આ અનુમાનમાં બહુ તથ્ય જણાતું નથી. વિજયધર્મસૂરિએ સ્થાપેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈન દર્શનનું અધ્યયન કર્યું એની સાથે સાથે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનો પણ ઠીક ઠીક અભ્યાસ કર્યો છે. શિવપુરીના ગુરુકુળમાં યુરોપીય વિદ્વાનો અભ્યાસ અને નિરીક્ષણ માટે આવે. ડૉ. કાઉઝે નામના વિદૂષી તો વર્ષો સુધી આ સંસ્થામાં રહેલાં. એમના સંપર્ક અને સમાગમને કારણે પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો તેમને પરિચય થયો. મધ્યપ્રદેશમાં લાંબો સમય રહેવાને કારણે હિંદી ભાષાનો પણ સારો મહાવરો કેળવાયો. તેઓના પોતાના મત પ્રમાણે તો તેમના ઘડતરમાં ભણતર કરતાં ગુરુજનોની સેવાના બદલામાં મળતી પ્રેમાશિષે, વાચન કરતાં વિશાળ દુનિયા સાથેના જીવંત સંપર્કે અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળતી પ્રેરણાએ વધુ ફાળો આપ્યો છે.

‘તું તારો દીવો થા’ એ જયભિખ્ખુના જીવનનું પ્રિય સૂત્ર હતું અને એ સૂત્ર પ્રમાણે જીવન જીવવાના તેઓ રસિયા હતા. કિશોરવયમાં લેખનની પ્રેરણા એમને મળી હતી એક બહેન પાસેથી. સાહસ અને જિંદાદિલીનો રસકટોરો પાયો છે પઠાણખાન શાહ ઝરીને. મશહૂર ચિત્રકાર કનુ દેસાઈ સાથેની મૈત્રીએ જયભિખ્ખુને મુદ્રણકલા તરફ રસ લેવા પ્રેર્યા. એમાંય પેપર કંટ્રોલ આવતાં આ કલા એમને માટે ખૂબ મહત્ત્વની બની ગઈ.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય સાથેના સંબંધ અને શારદા મુદ્રણાલયના સંચાલનને કારણે જયભિખ્ખુ અનેક લેખકોના પરિચયમાં આવ્યા. ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, રતિલાલ દેસાઈ, કનુભાઈ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિદ્યાપીઠવાળા શાંતિલાલ શાહ, ૨. જ. દલાલ, ગોવિંદભાઈ પટેલ, ચિત્રકાર ચંદ્ર ત્રિવેદીનો પરિચય ગુર્જર ગ્રંથરત્નમાં ભરાતા ડાયરાને કારણે થયો. આ ડાયરામાંથી જ જીવનમણિ સદ્‌વાચનમાળા ટ્રસ્ટની સ્થાપના થઈ જેને જૂના અને સંસ્કારપ્રેરક સાહિત્યને નવો ઓપ આપવામાં સારો ફાળો આપ્યો છે.

શ્રી નટુભાઈ રાજપરાના મતે બાલાભાઈ-જયભિખ્ખુ-ના વ્યક્તિત્વઘડતરમાં એમના કુટુંબસંસ્કાર, વિદ્યોપાસના અને સાહિત્યપ્રીતિનો જેટલો ફાળો છે એટલો જ એમનાં પત્ની અ. સો. જયાબહેનનો પણ છે. એમનું પ્રસન્નમંગલ દાંપત્ય જોઈને સદ્‌ગત કવિવર ન્હાનાલાલ અને માણેકબાના અભિજાત અને પ્રસન્ન દામ્પત્ય વિશે વાંચેલું-સાંભળેલું યાદ આવે. અતિથિ માત્રને સહૃદયતાભર્યો ઊજળો આદર અને સંપર્કમાં આવનાર સૌ કોઈને યથાશક્ય સહાયરૂપ થવું એ શ્રી બાલાભાઈનો, એમના કુટુંબના દરેક સભ્યના સ્વભાવનો એક સ્વાભાવિક અંશ છે. એમના આવા હૂંફાળવા કોટુંબિક વાતાવરણને નવાજતા શ્રી દુલાભાઈ કાગ કહે છે, ‘મારા જેવો અલગારી માનવી પણ એવો વિચાર કરે છે કે સાવ ઘડપણ આવે ત્યારે બાલાભાઈના ઘેર સેવા ચાકરી માટે જાઉં. આ શ્રદ્ધાને પામવી એ નાનીસૂની વાત નથી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૩૨)

જયભિખ્ખુનાં પ્રસન્નમંગલ દામ્પત્ય અને જયાબહેનના સંદર્ભમાં શ્રી હસિત બૂચ કહે છે, ‘બાલાભાઈના ઘરની એ સાચી જ્યોતિ મૂંગામૂંગા સ્મિતથી સત્કારે ને આવનાર માત્રને આતિથ્યની મીઠાશથી ન્હવરાવે. બાલાભાઈ જે કંઈ લખી શકે છે, આવું વ્યાપક મિત્રમંડળ ધરાવે છે એમાં જયાબહેનનાં સૌજન્ય-સેવાનો ફાળો તરત વરતાય એવો છે... મારા બાદશાહ મિત્રદંપતી જયાબહેનનાં વખાણ કર્યા કરે છે તેમાં ભારોભાર ઔચિત્ય જોઉં છું. જયાબહેનને બાલાભાઈ સારે-માઠે અવસરે હંમેશાં પડખે આવીને ગૃહસ્થાશ્રમને દીપ્તિમય કરે છે. ઘણીવાર તો એવું જણાઈ રહે છે કે બાલાભાઈ-જયભિખ્ખુ-ના યશસાફલ્યનું રહસ્ય એમને પ્રાપ્ત થયેલા જયાબહેનના સાથમાં જ છે.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૧૧૬-૧૧૭)

તેમના પુત્ર કુમારપાળને પણ સાહિત્યના સંસ્કાર વારસામાં મળ્યા છે. વિનયી, વિવેકી અને તેજસ્વી એવા કુમારપાળ દેસાઈને પણ એમની આરંભની કારકિર્દીમાં જ સાહિત્યક્ષેત્રે નોંધનીય સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત સરકારે ‘લાલ ગુલાબ’ અને ‘ડાહ્યા ડમરા’ને ઇનામ આપી એમનું સન્માન કર્યું છે. તેઓ ક્રિકેટ તેમ જ રમતગમત ક્ષેત્રે વિવિધ ગતિવિધિના નોંધપાત્ર વિવેચક તરીકે પણ જાણીતા બન્યા છે. વિવેચક-સંશોધક અને જૈનદર્શનના ચિંતક તરીકે તેમણે ખ્યાતિ મેળવી છે. પુત્રવધૂ પ્રતિમા દેસાઈ પણ ગ્રેજ્યુએટ થયેલાં છે. પુત્રપાલન અને ઘરકામમાંથી નિવૃત્તિના સમયે તે પણ લેખનકાર્ય કરે છે. એમના આવા સ્નેહભર્યા કુટુંબને નિરખીને દુલા કાગ કહે છે, ‘જગત ભક્ત બને પણ કુટુંબ તો દ્વેષ કરે અને ઉદાસીન રહે પણ બાલાભાઈના પુણ્યનો પાર નથી. શ્રી રતિભાઈ (ર. દી. દેસાઈ) તથા છબીલભાઈ, જયંતિભાઈ આદિ જેવા ભાઈઓ તથા ચંપકભાઈ દોશી અને રસિકભાઈ વકીલ જેવાના માસા થવાનું સુભાગ્ય એમને મળ્યું છે. એમાંય તે ચંપકભાઈ તથા રસિકભાઈ આ બંને ભાઈઓની બાલાભાઈમાં એટલી જ ભક્તિ છે જેટલી શ્રી રામમાં હનુમાનને હતી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૩૨) જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં અન્ય મહાનુભાવોએ પણ સારો એવો ફાળો આપ્યો છે. સંસારી જનોની જેમ તેઓ સાધુજનોના પણ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંતશ્રી શાંતિપ્રસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની એમની ઉપર ગાઢ પ્રીતિ હતી. તેમની પાસેથી જયભિખ્ખુને અવારનવાર માર્ગદર્શન પણ મળતું હતું. પ. પૂ. મોટાના તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આશીર્વાદ અનેક વર એમને પ્રાપ્ત થયેલા.

મહાન જાદુગર કે. લાલ (કાંતિલાલ વોરા) અને જયભિખ્ખુ વચ્ચે અનોખો મનમેળ હતો. કે. લાલે શ્રી જયભિખ્ખુને આકર્ષ્યા ને બંને વચ્ચે ગાઢ આત્મીય સંબં સ્થાપિત થઈ ગયો. ભાવનગરની યશોવિજય ગ્રંથમાળાના તંત્રી હતા ત્યારે કે. લાલની વિદ્યાકળાનો તેને લાભ અપાવી પ૦ હજાર જેટલી રકમની સહાય કરી હતી અને એ સંસ્થાને પુનર્જીવન બક્ષ્યું હતું. શ્રી ચાંપશી ઉદ્દેશી તેમના સ્નેહીવર્ગની વિશાળતાના સંદર્ભમાં એમના વ્યક્તિત્વની એક ખાસિયત તરફ ધ્યાન દોરતાં કહે છે કે ‘એમનો સ્નેહીવર્ગ વિશાળ છે આનું કારણ કેવળ એમની મિષ્ટભાષિતા કે વ્યવહારપટુતા જ નથી પણ અંગ્રેજીમાં જેને Obliging nature કહીએ છીએ તે છે.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૨૯)

કુટુંબસંસ્કાર, સ્વજનો શિક્ષકો અને અન્ય મહાનુભાવોની જેમ જયભિખ્ખુના સાહિત્યિક-સાસ્કૃતિક વ્યક્તિત્વને ઘડવામાં સંસ્કૃતસાહિત્યના ઊંડા અભ્યાસ પણ સારો ફાળો આપ્યો છે. ખાસ કરીને જૈન શાસ્ત્રોનો અભ્યાસ એમને વાર્તાલેખન તરફ દોરી ગયો છે. જૈન કથાસાહિત્યને સર્વ સમાજોપયોગી બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન તેમના દ્વારા થયું છે. સંસ્કૃત સાહિત્યના અભ્યાસે તેમના માનવતાપૂર્ણ જીવનના ઘડતરમાં અને ચણતરમાં જ્ઞાત કે અજ્ઞાતભાવે શુભ ફાળો આપ્યો છે અને સાથે સાથે જીવન-સમગ્રનું પાથેય પણ એમને એમાંથી જ લાધ્યું છે. જૈન પંડિતની દયનીય દશા વિલોકી એવી નોકરી પ્રત્યે ઊપજેલા તિરસ્કારભાવે, પ્રેસમાં કામ કરતાં કરતાં કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતીના ચરણામૃતથી સંતોષ માનવાના નિશ્ચયે ઈ. સ. ૧૯૩૩માં તેમના જીવનને જે વળાંક આપ્યો તે ઘણી લીલી સૂકી અનુભવ્યા પછી છેવટે આનંદ અને ઉલ્લાસમાં પર્યવસાન પામ્યો છે. ટૂંકમાં સંસારના, ઇતિહાસના, સાહિત્યના અને શસ્ત્રના પ્રેરકબળે જયભિખ્ખુ ચેતનવંતા બન્યા છે.

શ્રી પન્નાલાલ પટેલ જેમને ‘પ્રેમના ઉભરા’ તરીકે ઓળખાવે છે તે શ્રી જયભિખ્ખુના વ્યક્તિત્વને વર્ણવવામાં, તેમની જીવનભાવનાને ઉપસાવવામાં ઉમાશંકર જોશીનું આ મુક્તક જરૂર ટાંકી શકાય :

‘નથી મેં કોઈની પાસે વાંચ્છ્યું પ્રેમ વિના કંઈ:
નથી મેં કોઈમાં જોયું વિના સૌંદર્ય કૈં અહીં’

જનજાગૃતિના આ વૈતાલિકમાં અષાઢના મેઘની માફક વરસવાનો ગુણ છે. જેમ સાગર પાણીથી ઘૂઘવે છે તેમ તેમનું અંતર સદ્‌ગુણોથી ઘૂઘવે છે. બીજા પોતાની પ્રકૃતિને વશ થઈને સમાજ પાસે જતાં હોય છે ત્યારે જયભિખ્ખુ જ્યાં બેઠા હોય ત્યાં સંસ્કૃત સમાજ ઊભો થતો હોય છે. એકવાર પરિચય થયા પછી એમના પ્રેમ અને મમત્વનો પ્રવાહ આપણને એવો રસતરબોળ બનાવે કે એમાં સતત સ્નાન કરવાનું ગમે. સ્નેહાળ સ્વજન તરીકે જયભિખ્ખુએ નાનામોટા સહુનો પ્રેમાદર મેળવ્યો છે. સાચદિલ, નિખાલસ મિત્ર અને માર્ગદર્શક તરીકે મિત્રમંડળમાં એમનું માન હતું.

બહોળું મિત્રમંડળ ધરાવતા જયભિખ્ખુની સર્વપ્રિયતાના મૂળમાં બે વસ્તુઓ પડેલી હતી : (૧) પરગજુ સ્વભાવ, (૨) મનની નિર્મળતા. જેની સાથે માત્ર બે આંખ મળ્યાનો સંબંધ હોય તેને માટે પણ કશુંક કરી છૂટવાની સદ્‌ભાવના એમનામાં પડેલી હતી. દુઃખિયાનાં આંસુ લૂછવાનું તેમને જાણે કે વ્યસન હતું.

જયભિખ્ખુની યોજક શક્તિ અજબ પ્રકારની હતી. આ યોજક શક્તિના બધે જ વિવિધ વ્યવસાયના માણસોને તેઓ પરસ્પર સહાયભૂત થાય એ રીતે સાંકળી શકતા. વળી શરીર અસક્ત હોય, આંખ કામ કરતી ન હોય છતાં કોઈનું કામ થતું હોય તો પોતે કષ્ટ વેઠવામાં અનોખું સુખ મેળવતા. આવા સ્વભાવને કારણે સલાહસૂચન અને મદદ માગનારાઓનો પ્રવાહ એમની આસપાસ વીંટળાયેલો જ રહેતો.

એમનો સ્વભાવ બાળક જેવો નિર્મળ હતો. સાચાદિલી અને સાફદિલી એમની સાથે આવનાર દરેકને નાનામોટા પ્રસંગે અનુભવવા મળે. કહેણી અને કરણી એ બે વચ્ચેના વિરોધ તરફ એમને નફરત હતી. સાચું લાગ્યું તે નિખાલસપણે કહી દેવાની એમને ટેવ હતી. આ સંદર્ભમાં શ્રી હસિત બૂચ કહે છે, 'એમને જે ગમે છે, જે નથી ગમતું, એમને જે પ્રેરે છે, જે ચેતવે છે એ એમની કલમ નિખાલસપણે સૂચવવાની જ. હા, લેખક છે, કલાપ્રેમી છે તેથી કુદરતી રીતે રજૂઆત નક્શીમાં રાચવાની. પરંતુ પેલી નિખાલસતા ત્યાં ય વિગતે વિગતે પ્રતિબિંબિત થવાની જ.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. '૭૦, પૃ. ૧૧૬)

જયભિખ્ખુ જેટલા આદર્શવાદી એટલા જ વ્યવહારુ પણ હતા. આદર્શ અને વ્યવહારનું સુભગ સંયોજન એમના રોજિંદા વ્યવહારમાં જોવા મળતું. તેઓ વ્યવહારમાં સદાય સાવચેત, સૂક્ષ્મ દૃષ્ટિવાળા અને સમાધાનકારી વૃત્તિ ધરાવતા રહ્યા હતા.

શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીને એમના વ્યક્તિત્વનું સૌથી વધારે આકર્ષી ગયેલું પાસું તે તેમનું ચારિત્ર્ય. આ સંદર્ભમાં તેઓ કહે છે, ‘એમના વ્યક્તિત્વ વિષે સૌથી વધુ માન ઉપજાવનારું તો એમનું ચારિત્ર્ય જ છે. આજે જ્યારે સુંદર વિચારો પ્રજાને આપનારા અને ‘મહાન’ તથા ‘પ્રતિષ્ઠિત’ લેખાતા લેખકોમાંના કેટલાક જ્યારે ચારિત્ર્યહિનતાથી કલુષિત થયેલા નજરે પડે છે ત્યારે આ સજ્જનની ચારિત્ર્યશીલતા, ચારિત્ર્યદૃઢતા અને ધર્મભાવના વંદનીય છે. સાદા પણ એટલા જ. વિલાસ એમને સ્પર્શવાની હિંમત કરી શક્યો નથી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૨૯)

તો શ્રી નટુભાઈ રાજપરાને જયભિખ્ખુની ઝિંદાદિલી આકર્ષી ગઈ હતી. તેઓ કહે છે : ‘શ્રી બાલાભાઈના વ્યક્તિત્વનો મને સૌથી વધુ આકર્ષ ગયેલો અંશ છે. એમની ઝિંદાદિલી, શૌર્ય, સાહસ અને શહાદતની અનેક વાતો લખનારા શ્રી બાલાભાઈ જીવનમાં ય ઝિંદાદિલ રહ્યા છે. અનેક મૂંઝવતા પ્રશ્નો વચ્ચે ય મેં એમને સ્વસ્થ અને પ્રસન્ન રહેલા જોયા છે. શરીર પ્રમાણમાં કસાયેલું અને ખડતલ અને હૃદયના ખૂબ કોમળ. સામા માણસે નાનો અમથો ગુણ કર્યો હોય તો ય ઓછા ઓછા થઈ જાય.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૬૮)

સહેજ જાડું ધોતિયું અને ખમીસ – જેનો ઉચ્ચાર તેઓ કમીઝ કરે તેના ઉપર કોઈ વાર ખાદીનો તો કોઈ વાર મિલનો કોટ, માથે ધોતી ટોપી અને શામળા મોં પર જાડાં ચશ્માં.... ખડતલ શરીર, વ્યવસ્થાપ્રવીણ બુદ્ધિ, મસ્તીરંગ અને આદર્શ પ્રેમનો સમન્વય બતાવતું દિલ, વૈદકથી માંડીને રાજકારણ સુધીની વાતો-વિગતોમાં રસ અને સમજ, બીજાનું કામ કરી છૂટવાની તત્પરતા, મિત્રો-પરિચિતો સહુનું મન મેળવવાની સ્વાભાવિક ફાવટ. એવા જયભિખ્ખુમાં જીવનના ધ્યેય અને પોતાના કાર્ય વિષે હંમેશાં સ્પષ્ટ નક્શો છે. એમનું વ્યક્તિત્વ Awe - inspiring - ભયયુક્ત માન પેદા કરે તેવું નહીં પરંતુ Magneitc ચુંબકીય છે.

એકની એક બંડી સાબરના નીરમાં આંતરે દિવસે પલાળીને પહેરવાની અને છતાં છાતી કાઢીને ગૌરવપૂર્વક હરવું-ફરવું એ એમનો સ્વભાવ અને છતાં એમનું જીવન કેટલું ઉલ્લાસમય અને પ્રસન્ન ! મુખ પર સદા તરવરતું હાસ્ય, રોષ અને તોષમાં પણ નીતરતી સ્નેહાર્દ્રતાએ સૌને આત્મીય બનાવ્યા છે. સ્વભાવની એ ઉલ્લાસિતા અને પ્રસન્નતાએ, દીર્ધદર્શિતાએ અને આત્મીય ભાવે તેમના દામ્પત્ય અને કૌટુંબિક જીવનને એવું તો રસમય અને સદ્‌ભાવપૂર્ણ બનાવ્યું છે કે જાણે સાકરનો ગાંગડો, જ્યાંથી મોંમાં નાખો ત્યાંથી મધુરમ્ મધુરમ્ !

ગુલાબી હૈયાની મસ્તી અને ત્યાગી પુરુષાર્થી મનની અમીરીનો સથવારો શોધતા જયભિખ્ખુનો જીવનાદર્શ હતો સમાજને તંદુરસ્ત જીવનદૃષ્ટિ પ્રેરે તેવું સાહિત્ય પીરસવાનો. વાચકના ધ્યાનને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે અને સાથે સાથે તેને કશાક ઉદાત્ત આનંદનો અનુભવ કરાવે એવું સાહિત્ય પીરસવું એ એમની તમન્ના હતી. આથી જ પોતાના સાહિત્ય દ્વારા એમણે જીવનમાં અને સાહિત્યમાં રસિકતા અને ઊર્ધ્વગામિતાનો મેળ સાધવાનો-સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

સાહિત્ય આમજનતાના ઉત્થાન માટે છે, જીવનઘડતર માટે છે તથા જીવનમાંગલ્ય માટે છે એ સત્ય સદેવ જયભિખ્ખુએ પોતાની નજર સમક્ષ રાખ્યું છે અને એ સત્યને અનુરૂપ એમનું સમગ્ર સાહિત્ય સ્વચ્છ, નિર્ભેળ અને માંગલ્યકર રહ્યું છે.

જયભિખ્ખુ બહુજનસમાજને કંઈક આપવું છે, કંઈક કહેવું છે, પોતે જે કંઈ પામ્યા છે તે બતાવવું છે, - એવો પોતાનો સર્જકધર્મ સમજીને લખે છે. આજે જ્યારે જીવનનાં નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, વ્યવહારમાં અને આચારમાં અપ્રમાણિકતા, અનીતિ, ભ્રષ્ટાચાર ઘર કરતાં જાય છે, માનવસંબંધોની સચ્ચાઈ જ્યારે લાભાલાભના માપદંડે મપાઈ રહી છે ત્યારે આ લેખક પલાંઠી વાળીને જીવનનું પરમ મંગલ ગીત કલમમાંથી વહેતું રાખે, એ લેખકના વ્યક્તિત્વનું વિલક્ષણ વલણ બની રહે અને સાહિત્યકોમાં અભ્યાસપાત્ર બને એ બંનેનો મહિમા સમજાય એવો છે. નીતિપરાયણતા અને સદાચાર એ જ માનવીના કલ્યાણના રાજમાર્ગો છે એ બતાવવા એમની કલમ વણથંભી ચાલ્યે જ જાય છે અને એમનું સર્જન સંપ્રદાયની સીમાઓ વીંધીને જીવનસ્પર્શી સાહિત્ય બની રહે છે.

નવલકથા, ટૂંકીવાર્તા કે નાટક એમ કોઈ પણ સ્વરૂપની કૃતિના વસ્તુની પસંદગી દરમિયાન બે વાતનો તેઓ ખાસ ખ્યાલ રાખે છે : (૧) વસ્તુમાં રસને ઝીલવાનું કેટલું બળ છે ? (૨) એમાંથી માનવતાનું દર્શન કેટલે અંશે થાય છે ? તેઓ જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મને આર્ય સંસ્કૃતિનાં સમાન અંગ માને છે. ધર્મકથાના ખોખામાંથી તેમની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના માનવવૃત્તિઓના સંઘર્ષથી સભર પ્રાણવંતી વાર્તાઓ સર્જે છે. ધર્મની જીવનવ્યાપી હવાને કલાની મોરલીમાંથી ફૂંકવાની અને રસસિદ્ધ સૂરાવલિઓ વહેતી કરવાની ફાવટ જયભિખ્ખુને સારી એવી છે અને તેથી જ જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાખીને તેને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર સ્થાપી બતાવે છે.

જયભિખ્ખુ પ્રયોગશિલતા કે અદ્યતનતા અને નાવીન્યના આગ્રહોથી કે પ્રલોભનોથી અસ્પૃષ્ટ રહ્યા છે. પોતે માનેલા નીતિધર્મ અને સાહિત્યધર્મને કશા અભિનિવેશ વગર-પ્રામાણિકપણે અદા કરવાનો પુરુષાર્થ એ કરતા રહ્યા છે. માનવજાત માટેનો અસીમ પ્રેમ અને જીવનમાંગલ્ય માટેની શ્રદ્ધા તેમના વિપુલ સાહિત્યમાં તુલસીક્યારામાં મૂકેલા ઘીના દીવડા પેઠે ઝળહળે છે.

જયભિખ્ખુની દૃષ્ટિમાં ધર્મ અને નીતિ, સાધુતા અને નિઃસ્પૃહતા અવિરતપણે ફરફર્યા કરે છે. તે શૃંગારની વાત કરતા હોય કે શૌર્યની, ત્યાગની હોય કે નેક-ટેક ઔદાર્યની... સર્વમાં ભારતીય સંસ્કૃતિની પરંપરામાંથી વહેતી આવેલી વિશાળ ધાર્મિકતાનાં રંગછાંટણાં હોય છે. એમની દૃષ્ટિ સાંપ્રદાયિક હશે પણ સાંકડી નથી. જીવનના અને સંસ્કૃતિના ઉદાત્ત ગુણોની પૂજા તેમના સાહિત્યનું સર્વમાન્ય લક્ષણ છે. તે મુસ્લિમ સમયનું શબ્દચિત્ર આલેખતા હોય કે બૌદ્ધ સમયનું પ્રસંગદર્શન કરાવતા હોય, કોઈ નર્તકીની મિજલસનું વાતાવરણ સર્જતા હોય કે જૈન સાધુની તપતિતિક્ષાનું ગદ્યકાવ્ય પીરસતા હોય સર્વત્ર એમની દૃષ્ટિ સાત્ત્વિક છે.

જયભિખ્ખુ સાહિત્યને ચરણે વિપુલ વૈવિધ્યવંતા સાહિત્યનો જે રસથાળ ધરી શક્યા છે એના મૂળમાં પ્રત્યેક મનુષ્યના ઊંડાણ સુધી પહોંચવાની તેમની દૃષ્ટિ જોઈ શકાય છે. તેમને મન દરેક મનુષ્ય એક એક વાર્તા કે નવલકથા છે. લેખકનું પરિચિત વર્તુલ સમાજના દરેક ઘરને અડતું હોય છે. તેઓ જેના સંગમાં આવે છે તેનામાં ઊંડો રસ લઈ માણસાઈભરી લાગણીથી તેનું જીવન જોઈને, સાહિત્યકારની તટસ્થ ન્યાયવૃત્તિ દાખવીને સુંદર આલેખન કરે છે. બહુજનસમાજનો સંસર્ગ તેમની કૃતિઓને વૈવિધ્ય અને રસિકતા આપે છે.

જયભિખ્ખુ મુખ્યત્વે માનવતાવાદી છે. માનવના અવશ્યંભાવી ઉત્કર્ષમાં તેની ઊર્ધ્વગતિ અને શ્રેષ્ઠ પરિણતિમાં તેમને વ્યાપક વિશ્વાસ છે. સદ્દગુણો પર આશ્રિત માનવતાની સર્વોચ્ચ પ્રતિષ્ઠાના તેઓ નિષ્ઠાવાન ઉપાસક છે. તેમણે આલેખેલું પામરમાં પામર પાત્ર પણ તેના યત્નના ચરમ અંધકારમાં જ્યોતિની ક્ષીણતમ રેખાનાં દર્શન દીધા વગર વિદાય થતું નથી. પામરના પતનથી અનિવાર્યતાનો સ્વીકાર કરવા છતાં લેખક તેને ઠોકર ખાવાની તક આપીને ફરીથી કાદવમાં ખૂંદતા નથી. તેમની નૈતિકતા પડેલાને પાટુ નથી મારતી, તેને વહાલ કરે છે. એમ લાગે છે કે આ જ નૈતિકતા કરૂણતામાં અવગાહન કરી વારંવાર કહે છે : ‘ઊઠો, ફરીથી જીવન શરૂ કરો.’ અનંત સંભાવનાઓનું બીજું નામ જ તો જીવન છે. તેમના તીવ્ર વ્યંગમાં, તીક્ષ્ણ કટાક્ષમાં અને ધિક્કાર સુધ્ધમાં કરુણાનું પ્રસન્ન મંગલ દર્શન કરી શકાય છે.

સતત ચાલીસ વર્ષ સુધી કલમની ઉપાસનાએ એમની કીર્તિને ઉજાળી છે અને એમના જીવનને સતત વિકાસશીલ બનાવ્યું છે. સરસ્વતીને ખોળે માથું મૂકનાર જો થોડાક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરી ભાળ રાખ્યા વગર રહેતી નથી, એ વાતની પ્રતીતિ જયભિખ્ખુનું જીવન કરાવે છે.

જયભિખ્ખુએ સૌથી પહેલી કૃતિ ‘ભિક્ષુ સાયલાકર’ના નામથી ઈ. સ. ૧૯૨૯માં લખી હતી. એમાં એમણે પોતાના ગુરુ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર આલેખ્યું હતું. એમનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું હતું. વર્ષો સુધી એમની વેધક કલમે ‘જૈનજ્યોતિ’ અને ‘વિદ્યાર્થી’ સાપ્તાહિકમાં સમાજ અને આવતી કાલની આશા સમા નાગરિકો માટે પોતાની તેજસ્વી કલમ દ્વારા નવા વિચારો પીરસ્યા. મુંબઈના ‘રવિવાર’ અઠવાડિકમાં એમની સંપાદકીય નોંધોએ અને વાર્તાઓએ પણ એમને આમજનતામાં લોકપ્રિય બનાવવામાં ઠીક ઠીક ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક સંદેશમાં ‘ગુલાબ અને કંટક’ તથા ‘ગુજરાત સમાચાર’માં ખૂબ પ્રસિદ્ધ પામેલા ‘ઇંટ અને ઇમારત’ની કટારે જનતાની ખૂબ ચાહના મેળવી આપી છે. ‘ગુજરાત સમાચાર’ સંસ્થાના જ લોકપ્રિય બાલસાપ્તાહિક ‘ઝગમગ’માં પણ તેઓએ વર્ષો સુધી લખ્યું છે. સૌરાષ્ટ્ર ‘જયહિંદ’ અને ‘ફૂલછાબ’માં તેમ જ અન્ય સામયિકોમાં તેમની ધારાવાહી નવલકથાઓ પ્રગટ થયેલી છે. નડિયાદથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘ગુજરાત ટાઈમ્સ’માં ‘ન ફૂલ ન કાંટા’ કટાર પણ વાચકો પર કામણ કરનાર નીવડી હતી.

કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે લૂખુંસૂકું આપે તેનાથી જીવનનિર્વાહ કરવાનો નિશ્ચય કરનાર અને એને કપરા સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળનાર જયભિખ્ખુએ જ્યારે સાઠમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કે. લાલની સાથે તેઓ રાજકોટમાં એક પ્રકાશક મિત્રની પુત્રીના લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાં લગ્નની વચ્ચે કે. લાલના મનમાં વિચાર આવ્યો કે જયભિખ્ખુનો આ વર્ષે સાઠમા વર્ષમાં પ્રવેશ થાય છે ત્યારે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, મિત્રોને પરિચિતોને તેમની સાહિત્યસેવાને લક્ષ્યમાં રાખીને તેમની આજીવન તપશ્ચર્યા અને ત્યાગને સન્માનીને એક થેલી અર્પણ કરવી જોઈએ. એ થેલી કમથી કમ પચાસ હજાર અને બને તો એક લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. આ થેલી એમને અંગત રીતે આપવી, જેથી તેઓ પોતાનું જીવન સાહિત્યસેવામાં નિશ્ચિંતપણે ગાળી શકે અને જનતાને અપૂર્વ સાહિત્ય સાથે તેમના અનુભવપૂર્ણ જીવનનો લાભ મળ્યા કરે. તેઓએ આજ સુધી કોઈના ઉપર આધાર રાખ્યો નથી, સ્વતંત્ર જીવન ગાળ્યું છે ને હવે ઉત્તરાવસ્થામાં કોઈના ઉપર અવલંબન રાખવું ન પડે એ હેતુથી આમ કરવું જોઈએ.

કે. લાલે પોતાને આવેલો આ વિચાર ત્યાં રહેતા સૌને કહી સંભળાવ્યો. એમાં મહંતશ્રી શાન્તિદાસજી પણ હતા. સૌને આ વિચાર ખૂબજ ગમ્યો પણ સૌ જયભિખ્ખુની સ્વમાની સ્વભાવવાળી પ્રકૃતિથી પરિચિત હતા એટલે આ વાત એમની પાસે કરવાની હિંમત કોઈ કરી શક્યું નહીં. છેવટે શાન્તિદાસજીએ પહેલ કરી. એમણે જયભિખ્ખુને આ વાત કરી ત્યારે સૌપ્રથમ તો વાત સાંભળીને જયભિખ્ખુ ડઘાઈ જ ગયા. છેવટે કહ્યું. “મેં કદી સરસ્વતીને વેચી નથી અને લક્ષ્મીની ઉપાસના કરી નથી. મને માન આપવા કરતાં માતા સરસ્વતીને માન આપો.” એમની આ વાત સાંભળીને કે. લાલને પણ લાગ્યું કે એક એવી સંસ્થા ઊભી કરવી જોઈએ કે જે પ્રજાને જ્ઞાન અને સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ આપ્યા કરે. આ સંસ્થા સાથે જયભિખ્ખનું નામ પણ જોડી દઈએ. અને એ રીતે ‘જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ’ની સ્થાપના થઈ. આ ટ્રસ્ટ દ્વારા જયભિખ્ખુને પ્રિય એવા લોકકોળવણી અને સ્ત્રી બાળકોની કેળવણીમાં સહાયભૂત થઈ શકે તેવા પ્રેરક અને રાષ્ટ્રહિતની દૃષ્ટિવાળા સાહિત્યનું પ્રકાશન કરવામાં આવે એમાં નવોદિત સાહિત્યકારોને પ્રેરણા આપવા માટે ઇનામો, પારિતોષિકો, ચંદ્રકો વગેરે આપવાની યોજના દાખલ કરવામાં આવે; ગુજરાતી ભાષામાં ઊંચી ગુણવત્તા સાથે યુનિવર્સિટી અથવા કૉલેજમાં સારાં પરિણામ દાખવનાર તેજસ્વી વિદ્યાર્થીને જયભિખ્ખુના નામ સાથે જોડાયેલ ચંદ્રક અથવા પારિતોષિક આપવાની યોજના કરવામાં આવે; સાહિત્યકારોનું સન્માન, તેઓનાં વ્યાખ્યાનો અને સાહિત્યનું પ્રદર્શન વગેરે પણ યોજવામાં આવે એવું આયોજન કર્યું.

જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં શરીર રોગોથી ઘેરાતું જતું હતું. પંદર વર્ષથી ડાયાબિટીસ હતો… પિસ્તાલીસથી પણ વધુ વર્ષથી આંખો કાચી હતી... પાંચ વર્ષથી સહેજ બ્લડપ્રેશર રહેતું હતું. છેલ્લા બે વર્ષથી કીડની પર થોડી અસર હતી. પગે સોજા પણ રહેતા હતા. કબજિયાત અને તફની તકલીફ પણ ક્યારેક થઈ આવતી. આટઆટલા રોગ હોવા છતાં તેઓ ઇચ્છાશક્તિને બળે આનંદથી જીવન વ્યતીત કરતા હતા. પોતાના રોગોની રોજનીશીમાં લાંબી સૂચી આપીને તેઓ લખે છે કે ‘મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે જિવાય છે.’

ઈ.સ. ૧૯૬૯ના વર્ષની દિવાળી વખતે તો જયભિખ્ખુની તબિયત ઠીક ઠીક લથડી ગઈ હતી. તબિયત નાદુરસ્ત હોવા છતાં એમણે ભાઈબીજને દિવસે શંખેશ્વર તીર્થની યાત્રાએ જવાનો વિચાર કર્યો. બેસતા વર્ષના દિવસની પોતાની રોજનીશીમાં તેઓ લખે છે, “આવતીકાલે શંખેશ્વર જવું છે પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જવું કે ન જવું તેનો વિચાર ચાલુ છે.” બીજના દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી શંખેશ્વર જવા નીકળ્યા. એમની તબિયત જોઈને એમના નિકટનાં સ્નેહીજનોએ જવાની આનાકાની બતાવી હતી. પરંતુ તેમનો નિર્ણય અફર હતો.

અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષર શંખેશ્વરમાં આવ્યા. જેમ આ તીર્થભૂમિ નજીક આવતી ગઈ, તેમ એમની તબિયતમાં સુધારો થતો ગયો. શરીરમાં નવો જ થનગનાટ અનુભવાતો હતો. લાંબા સમયથી તેઓ ભોજન માટે બેસે ત્યારે ઉબકા આવતા હતા. આ તીર્થભૂમિ પર આવતાં જ તે ફરિયાદ દૂર થઈ ગઈ. પ્રવાસમાં સાથે દવાની એક આખી બેગ રાખી હતી, પરંતુ અહીં આવ્યા પછી એને ખોલવી જ ન પડી. ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા રોગોની ગોળીઓ એમની એમ પડી રહી. કારતક સુદ ૪ના દિવસે પોતાની રોજનીશીમાં તેઓ આ ચમત્કારની નોંધ લખે છે, મારા માટે એક અદ્‌ભૂત ચમત્કાર બન્યો. અહીં આવ્યો ત્યારે જર્જરિત તબિયત લઈને આવ્યો હતો, શું થશે એની ચિંતા હતી. તેના બદલે અહીં આવતાં જ શરીરની તાસીર બદલાઈ ગઈ. એક ડગલું ચાલી શકતો નહિ, તેને બદલે માઈલ-દોઢ માઈલ ચાલવા લાગ્યો. બે રોટલી જમતાં અધધધ થતું. હવે સહુમાં હું વધુ જમતો. તમામ દવાઓ બંધ કરી હતી.

લાભપાંચમના દિવસે શંખેશ્વરની વિદાય લેતી વખતની એમની સ્થિતિને આલેખતાં રોજનીશીના પાનામાં જયભિખ્ખુ લખે છે : ‘અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન ‘અબ હમ અમર ભયે ન મરેંગે’નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.’ આ તીર્થયાત્રાએથી આવીને જયભિખ્ખુએ પોતાની તમામ ચોપડીઓનું પ્રકાશનકાર્ય અટકાવી દીધું. મનમાં એક જ તમન્ના હતી - ‘શંખેશ્વર તીર્થનું અનુપમ પુસ્તક તૈયાર કરવાની’. દેવદિવાળીના દિવસે તેઓ લખે છે : ‘તબિયત ખૂબ સારી. સવારમાં એકાદ માઈલ ફરી આવું છું. લાકડા જેવા થતા પગો ચેતન અનુભવી રહ્યા છે : સર્વ પ્રતાપ ભગવાન શંખેશ્વરનો છે. લેખનનો ખૂબ ઉત્સાહ પ્રગટ્યો છે. ઠરી ગયેલી પ્રેરણા સળવળી રહી છે અને શંખેશ્વર મહાતીર્થ ‘પુસ્તક’ પૂરા વેગ સાથે લખવાનું ચાલું થાય છે.’

ત્રેવીસમીની સાંજે શરીર લૂથી પીડાઈ રહ્યું હતું. થોડો તાવ પણ હતો. પરંતુ આ તીર્થનું પુસ્તક કોઈ પણ સંજોગોમાં સમયસર પ્રગટ કરવાનો નિર્ધાર હતો. આ દિવસે માત્ર શંખેશ્વર પાર્શ્વનાથની છબી છપાવવાની હતી. પોતાની છાપકામ વિશેની તમામ સૂઝ અને કુશળતા કામે લગાડી. શરીરમાં તાવ હતો પણ એની પરવા કર્યા વગર ચાર કલાક સુધી દીપક પ્રિન્ટરીમાં જુદાજુદા રંગોમાં તે છબી કઢાવી. અંધારું થયું હોવાથી કાચી આંખોને કારણે, ‘બીજે દિવસે આમાંની તસવીર પસંદ કરીને મોકલાવીશ એમ કહ્યું. જતી વેળાએ કહેતા ગયા ‘હવે હું આવવાનો નથી.’

બીજે દિવસે લૂના કારણે શરીર બેચેન હતું. બપોરે તાવ ધખતો હોવા છતાં શંખેશ્વર પાર્શ્વનાથની જુદી જુદી છબીઓ જોઈ પોતાને પસંદ હતી તે છબી સૂચના સાથે મોકલી.

કાર્ય પૂરું થવાના સંતોષ સાથે પલંગ પર સૂતા. કૉફી પીવાની ઇચ્છા થઈ. કૉફી આવી. પત્ની, પુત્ર, પુત્રવધૂ પાસે હોવા છતાં અને થોડો તાવ હોવા છતાં જાતે જ કૉફી પીધી. જીવનમાં એમની એક ખ્વાહેશ હતી કે કોઈ પાણીનો પ્યાલો આપે અને પિડાવે, તેટલીય લાચારી મૃત્યુ વેળા ન જોઈએ, તે સાચું જ પડ્યું. એ પછી થોડા સમયમાં એમના આત્માએ સ્થૂલ શરીરની વિદાય લીધી. ઈ. સ. ૧૯૬૯ના ડિસે.ની ૨૪મી તારીખ ને બુધવારે જયભિખ્ખુની સ્થૂળ જીવનલીલાની સમાપ્તિ થઈ.

જયભિખ્ખુએ પોતાના મૃત્યુ અગાઉ રપ-૧૧-૬૯ના રોજ લખેલી રોજનીશીમાં જે વિદાય-સંદેશ આપ્યો છે તે એક સ્વસ્થ મનનશીલ પ્રકૃતિવાળા મહામના માનવીના હૃદયની ભાવોર્મિથી ભરેલો છે. તે કહે છે :

જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી
ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને
કેટલાં વર્ષ માગે ?

જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો
નહિં, કાં તો ગંભીર ધારણા કરવી, કાં
એકાદ ભજન યા ધૂન ચલાવવી.

નનામીની પ્રથા ના છુટકે અજમાવવી. મળી
શકે તો મ્યુ. બસ મંગાવી એમાં દેહને
લઈ જવો ને અગ્નિસંસ્કાર કરવો.
સ્મશાનમાં કાં ભજન કાં નિવાપાંજલિની
સભા કરવી.

એક જ દિવસે સહુને બોલાવી લેવા. એક જ
ટંક રોકવા.

લૌકિકે ખાસ સગા સિવાય ઝમેલો એકત્ર ન
કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરી,
વહાલપની ક્રિયા વધુ થવા દેવી.

બહારગામથી ચૂંટીને પચાસ સગાંને બોલાવવાં.
સહુને એક ટંક દાળ, ભાત, રોટલી ને શાક ખવડાવવાં.
ખાટકી કે બીજા રિવાજો છોડવા.

પત્નીએ બંગડીઓ રાખવી. ચાલુ વસ્ત્રો પહેરવાં.
ખૂણો ન રાખવો. રોજ બને તો શંખેશ્વર
ભગવાનનો ફોટો મૂકી ધ્યાન ધરવું કે સ્તવન ગાવું.

વૈધવ્યનાં કોઈ ચિહ્ન ન પહેરવા. પહેરાવવા જે
પ્રયત્ન કરે એને ચાર હત્યા લાગે.

મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન
કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં.
નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું.
પારેવાં ને દાણા નાખવાં - ગાયને ચાર નાખવી.
બને ત્યારે તીર્થયાત્રા કરવી. રોવું, કૂટવું, હાય હાય કરવું સદંતર બંધ કરે.
કરાવે તે પાપના ભાગી.

સૌ. જયાએ હિમ્મતથી વર્તવું. જિંદગી જાત્રા જેવી,
રાજા-મહારાજા જેવી, શ્રીમંત શાહુકાર જેવી ગઈ
છે. પાછળ તે રીતે હસતે મોઢે રહેવું.
સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે.
તેવી વહુ મળી છે. તેવો દીકરો મળ્યો છે.
સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.

(જયભિખ્ખુ પ્રષ્ટિપૂર્તિ સ્મરણિકા ડિસે. ’૭0, પૃ. ૫)
 

ધર્મ અને જય, કરુણા અને માંગલ્ય, સદ્‌ભાવ અને સુખ, પ્રેરણા અને આનંદ આ સર્વ યુગ્મો જીવનસંઘર્ષનાં દ્વન્દ્વયુદ્ધોથી ભિન્ન પડીને સતત ચૈતન્યગતિનો સાક્ષાત્કાર કરાવે છે અને સંઘર્ષની પરિસ્થિતિમાં આનંદ અને આશ્વાસનનાં પ્રોત્સાહક બને છે. જયભિખ્ખુને ઘડનારાં આ પરિબળોએ તેઓને મરણાસન્ન પરિસ્થિતિમાં પણ સુખસંપન્ન રાખ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાલ્યકાળથી જ સંઘર્ષ વેઠતો આ માનવી સદા આનંદમગ્ન સ્થિતિમાં રહીને મૃત્યુસમીપ થાય છે ત્યારે ય કશાય ભય-ક્ષોભ વિના મૃત્યુની ચૈતન્ય સ્થિતિને પામવા-ઓળખવાની સજ્જતા ધારણ કરી શકે છે.

આ જ સંદર્ભમાં જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વનો વિચાર કરીએ તો સદા પ્રસન્ન જીવનનો ધારક આ સર્જક એની સર્જનલીલામાં પણ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સમર્થ વિવેચક જેને ‘મુદા’ તરીકે ઓળખાવે છે એવા સાહિત્યિક આનંદની સંતર્પક અનુભૂતિ કરાવે છે.

☯☯☯