ગુજરાતની ગઝલો/જુદો છે!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નિજાનંદ ગુજરાતની ગઝલો
જુદો છે!
[[સર્જક:|]]
૧૯૪૩
ગઝલરૂપ ! →


ફકીર

૭૩ : જુદો છે !


કહું હું શું અહીં–મુજ દિલતણો હર તાર જુદો છે,
અને ફરિયાદનો હર તારમાં પોકાર જુદો છે.

ન પીતે હું મદિરા-પણ, અહીં પાનાર જુદો છે;
ન સુણતે લેશ–કિંતુ, ગીતનો ગાનાર જુદો છે.

જમાવું છું હવે હું સૂર-દિલના તાર તોડીને;
કલેજું હાથમાં છે, આજ સાંભળનાર જુદો છે.

હતી નીચી નજર એની–મગર, મીઠી નજર એની;
સકળ સંસારથી એ યાર બેદરકાર જુદો છે.

પ્રપંચોથી ભરી દુનિયા, વિલાસોની નથી સીમા;
અસંગત પાર સાગર વીંઝતો તરનાર જુદો છે..

ન જીવું સારહીન જગમાં, મગર બંધન વફાનાં છે;
અમારી જિંદગીને જીવવામાં સાર જુદો છે.

જુદાઈના ભરૂં છું દમ, ગુમાન છે તને હર-દમ;
ન કહેજે તું મને હમદમ, કે મારો યાર જુદો છે.

સદા સૂતો રહ્યો હું સ્વપ્ન જોતો જાગૃતિઓનાં;
જીવન વીતી ગયું કિંતુ-અહીં ભણકાર જુદો છે.

હયાએ શિર ઝુકાવીને અદાથી શું કહ્યું એવું
કે સૌ ઇકરારથી પર આજનો ઇકરાર જુદો છે.

મિલન-આશા ભલે જૂઠી, મગર એની જુદાઈમાં;
કહું કોને જઈને હું, કે મારો પ્યાર જુદો છે.