લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/સરસ્વતીચંદ્રનો સ્નેહ

વિકિસ્રોતમાંથી
← સરસ્વતીચંદ્રનો ત્યાગ ગુજરાતની ગઝલો
સરસ્વતીચંદ્રનો સ્નેહ
[[સર્જક:|]]
૧૯૪૩
અમારા રાહ →


૨૦ : સરસ્વતીચંદ્રનો સ્નેહ


દીધાં છોડી પિતા માતા, ત્યજી વહાલી ગુણી દારા;
ગયો, વહાલી, ગયો આવ્યો, હૃદયનો ભેદ ના ભાગ્યો.

ન જોવાયું, ન બોલાયું, હૃદય આ ના ઉઘાડાયું !
પીધું તે, પાયું મેં, વિષ ! હવે કૂટું વૃથા શિર.

અહો ઉદાર ઓ વહાલી ! અહો ! સુકુમારી ! ઉર ફાટી-
ગયું તારું, રહ્યું મારું બની દારુણ ગોઝારું I
.
શરીર તારું, હૃદય મારું, કર્યું આ મેં જ ગોઝારું !
મળી ત્યારે મળી આમ ! કર્યો તેં ભસ્મવત્ કામ.

અહો ઉદાર ! ઓ વહાલી ! સતી તું શુદ્ધ ! ઓ શાણી !
હૃદય જ્યાં જોડ્યું ત્યાં જોડ્યું ! શરીર જ્યાં હોમ્યું ત્યાં હોમ્યું !
 
અહો ! રસધર્મ વરનારી ! અતિથિ-પતિ-યજ્ઞ યજનારી !
ન ભુલાતું તું ના ભૂલી ! વિવાહની વંચના ડૂલી !
 
હવે આ ભેખ મેં ધાર્યો, નવો રસધર્મ છે જાયો;
જૂઠા જગધર્મ દઉં તોડી કુમુદને કાજ, કર જોડી.

પ્રમાદી વાયુએ તોડ્યું કુમુદને સ્થાનથી મોડ્યું !
અતિથિશું ધર્મના બંધ અધર્મીએ કીધા બંધ !

અતિથિ જો કરે ત્યાગ, કીયો કોનો જ યજમાન ?
કુમુદિની મૂળથી ત્રૂટી, કૃતક જગ-ધર્મથી છૂટી;
 
હવે ગિરિરાજ પર આવ્યાં, સુધર્મી સાધુને ભાવ્યાં:
પ્રિયા! ત્યજ સર્વ ભયને તું, પરાપ્રીતિ-યજ્ઞ રચને તું,

પડ્યું શબ તુલ્ય ચેતન આ, ત્યજી મૂર્ચ્છા સચેત તું થા !
સુધાકર આ સુધા વર્ષે, તને નહિ કેમ તે સ્પર્શે ?

સૂતી વહાલી, તું મુજ , મુખે તું કેમ ના બોલે ?
શિલાને આથી શું સારી, ગણે શય્યા તું, ગુણી નારી ?

ગણે જે એમ તો વહાલી ! કહી દે નેત્ર ઉઘાડી;
સુકોમળ ગાત્ર આ તારું, શિલા પર કેમ સુવાડું ?

સર્યું તુજ વસ્ત્ર જાતે આ, ઊડે તુજ કેશ વાયે આ;
સમારું કે સમારું ના ? કહી દે, પ્રાણ ! બેઠી થા.

કપાળે સ્વેદ આ ઝાઝો, પવનથી ના જ લોહવાતો;
ક્ષમા કરજે હું લોહું તે, તું જો જાગી, લોહું તે.

જડે ના જીવ કાયામાં, સરે આશ્વાસ નાસામાં;
રહે ના ધૈર્ય, તે જોઉં; ક્ષમા કરજે, ઉરે રોઉં;

મીચાયાં નેત્ર, તોયે આ, સરે આંસુ તણી ધારા !
કરી ભીની પાંપણો તેણે, પડે સરી પાસ બે તે તે.

પ્રિયા ! આ આંસુ લોહતો હું, વદન શશિબિમ્બ જોતો હું.
અધિકૃત આંસુએ લોહવા ના મુખકાન્તિ તુજ જોવા,

ઊંડી મૂર્ચ્છા થકી, ઊંડે હૃદય દુઃખે ઊંડું બુડે-
પ્રવાતથી પદ્મ ત્યમ, આ ક્યાં દુઃખી મુખ ? મુગ્ધ મુખ તે ક્યાં ?

તપ્યાં ઉર શીત કરવાને, વિકારોને શમાવવાને,
ઊંડા વ્રણને રુઝવવાને, અમૃતરસરાશિ દ્રવવાને,

અધરપુટ મન્મથે ભરિયું, મૃદુપણું ગાલમાં વસિચું;
પ્રીતિજીવના વિના શબ એ, અધર્મૠતુ વિશે વિષ એ.

અતિ રમણીય ઓ વેલી ! ઉરે મુજ વાસના રેલી,
ધડકતું ઉર તુજ ભાળું, સમાવા ત્યાં જ લોભાઉં.

નથી અધિકાર જોવા જો, હૃદય ફળમાં જ લોભાવો;
કંઈ કંઈ લોભ સંસ્કાર સૂતા જાગો ! હવે જાઓ !

અહો લોભાવતી વેલી ! હતી તું મહાલવી સહેલી,
કલાપી હવે હું ઊડું પાસે, નમાવું ન બેસીને ડાળે.

પવન ! મર્યાદ ના તોડ, વીખેર ન વાળી આ સોડ.
ઝીણી મૃદુ ચુંદડી આ તું, ઉરાડ ન ! અંગ શરમાતું.

સુ-ગડ ઘટ પાટલીવાળી, નદી મૂળ છાતી જ્યમ ઝાડીઃ
પવન ! આ અહીંજ રહેવા દે, મદન ! તુજ બાણ સહેવા દે.

લતા કરમાઈ આ શોકે, મધુરતા ન મૂકતી તોયે.
કિરણ શશીનાં પ્રકટ એ કરે, ન જોવાનું હું જોતો અરે !

હું લોભી છું, હું લોભાતોઃ હું દુઃખી છું, હું દુઃખાતો:
હું ઝેરી છું, હું વિષ વાતો, પ્રિયા–ઉરમાં હું વિષ લ્હાતો

પ્રિયા ! મૂર્ચ્છા તું છોડી દે, શરમની ગાંઠ તોડી દે,
તું કાજે હું કરું શું ? કહે ! હૃદય પર શલ્ય શાને વહે ?

હવે આવ્યાં નવે દેશે, હવે ફરીએ નવે વેશે;
નથી સંસારની ભીતિ, ત્યજી સંસારની રીતિ.

સગાં સંસારનાં છોડ્યા, છૂટ્યાં તેઓથી તરછોડ્યા:
વિશુદ્ધ જ સાધુને પન્થા, ધરિયે આપણે કન્થા.

ગિરિવર રમ્ય પાવન આ: જગતમાં ના જડે એ સમાઃ
અહીં એકાન્ત ને શાન્ત વસીએ, વહાલી, રહી દાન્ત,

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા:
સરિતા ! પૂર ભરી આવી, અટકી રહી કેમ આ આધી ?

કહે સત્કાર સાગર આ, ઉછાળે નીર-ઝાલર આ,
હવે વિશ્વંભરે જે રચ્યો, પ્રિયા, સંકેત તે આ મચ્યો.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ખોળેથી બેઠી થા !
ઉઘાડી આંખ જો ને જો ! અલખ-સંકેત શો આ મચ્યો ?

નવે દેશે નવા વેશ, જગતનું કામ નહીં લેશ;
નવા વિશુદ્ધ ધર લોભ, મને તે લોભમાં યોજ.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા,
દિવસ દુઃખના ગયા નાસી ! ભર્યા તુજ કાજ રસરાશિ.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા;
ઉઘાડી આગળા દેને, મનઃ પૂત તારું ગણી લેને.