ગુજરાતની ગઝલો/સરસ્વતીચંદ્રનો ત્યાગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્વરૂપોર્મિ ગુજરાતની ગઝલો
સરસ્વતીચંદ્રનો ત્યાગ
[[સર્જક:|]]
૧૯૪૩
સરસ્વતીચંદ્રનો સ્નેહ →


ગોવર્ધનરામ

૧૯ : સરસ્વતીચંદ્રનો ત્યાગ


દીધાં છોડી પિતામાતા, તજી વહાલી ગુણી દારા,
ગણ્યા ના મર્મ ભેદાતા, લીધે સંન્યાસ એ, ભ્રાતા !

પિતા કાજે તજી વહાલી, ન માની વાત મેં તારી,
ગણ્યા ના ગાઢ નિઃશ્વાસો, લીધો સંન્યાસ એ, ભ્રાતા !

થયો દારુણ મન માન્યો, વિફળ થઈ સ્નેહની સામે,
હવે સુકુમાર ઉર ફાટી જતું જોવું રહ્યું બાકી.

રુએ તે દેવી રેવા રે ! અધિકારી ન લહોવાને
પ્રિયાનાં આંસુ-હું ભાઈ ! ન એ રહેવાય જોવાઈ.

અહો ઉદાર વહાલી રે ! ટકાવી દેહ રાખી રે !
ન ભુલાતું તું ભૂલી દે, વિધિનું ધાર્યું વેઠી લે.

અહો ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !
છૂટે ના તે નિભાવી લે. પડ્યું પાનું સુધારી લે !

ન જોડાતું તું જોડી દે, છૂટેલાને તું છોડી દે.
અહો ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !

અહા ઉદાર વહાલી રે ! દીઠું તે સ્વપ્ન માની રે.
ન ભુલાતું તું ભૂલી દે ! દીસે તેને નિભાવી લે !

અહો ઉદાર વહાલી રે ! ન નિવારાયું ભાવિ રે !
ન ભુલાતું તું ભૂલી જા ! વિધિનું પાયું તે પી જા !

અયિ ઉદાર ઓ વહાલી ! સખા ! વહાલા ખરા ભાઈ !
અમીની આંખ મીચોને, જનારાને જવા દ્યો ને.

ગણી સંબંધને ત્રૂટ્યો, ગણી સંબંધને જૂઠો,
કૃતઘ્નીને વિસારો ને, જનારાને જવા દ્યો ને.

હતી લક્ષ્મી, હતા તાત, હતી વહાલી; હતો ભ્રાત;
નહીં ત્યારે-નહીં કાંઈ ! ન લેવું સાથ કંઈ સાહી.

અહો તું ભાઈ વહાલા રે ! ભૂલી સંસ્કાર મારા રે !
બિચારો દેશ આ આર્ય ! કરે તે કાજ કંઈ કાર્ય !

અહો તું ભાઈ-ભાઈ રે તું–રૂપી છે કમાઈ રે
બિચારા દેશને, તેને ગુમાવે શોધી શેં મુને?

મૂકી દે શોધવો મુને, મૂકી દે શોચવો મુને,
પ્રિયાની આ દશા દેખું, નથી સંસારમાં રહેવું.

હવે પાછો નહિ આવું, મૂક્યું પાછું નહિ સાહું;
રહ્યું છે કે તજી દેવું–શું છે સંસારમાં લેવું?

અહો તું જીવ મારા રે ! દીશો શો દંશ દારાને ?
ગણી ના પ્રાણપ્યારી તેં, ઠગી તેં મુગ્ધ વહાલીને !

અહો તું જીવ મહારા રે ! દીધો શો દંશ દારાને?
થશે શું પ્રાણપ્યારીને ! હણી મુગ્ધા કુમારી તેં.

હવે, ઓ ક્રૂર ઉર ફાટ ! અહોરાત્રિ વહો ધાર,
અભાગી નેત્ર મારાની ઘટે નિરાંત તે શાની ?

અહો ઓ જીવ મારા રે ! દઈ આ દંશ દારાને,
ઘટે ના વાસ સંસારે-ઘટે સંન્યાસ તો તારે.

અહો ઓ જીવ મારા રે ! દઈ આ દંશ દારાને,
ઘટે ના ભોગ સંસાર, ઘટે ના શાંત સંન્યાસ.

શરીરે ભસ્મથી છાંયો, ઉરે અત્યંત સંતાપ્યો,
ઊંડો જવાળામુખી જેવો, હવે સંન્યાસ આ તેવો.

તજી તે ત્યાં પડી છૂટી, સરિતા અબ્ધિમાં સૂતી,
ગિરિ ! એ સાંકડી તુંને નહી તોડી કદી તૂટે:

જડાઈ ભૂમિમાં સ્થિર, ઊંચે આકાશ ઉદ્ગ્રીવ,
થઈ તારે રહ્યું જોવું, નદીનું અબ્ધિમાં રોવું.

હવે સ્વચ્છંદચારી હું, યદ્દચ્છાવેશધારી હું;
પતંગો ઊડતી જેવી, હવે મારી ગતિ તેવી.

ઊડે પક્ષીગણો જેમ, હવે મારે જવું તેમ,
સમુદ્ર મોજું રહે તેવું, હવે મારે ય છે રહેવું.

નહીં ઊંચે-નહીં નીચે, મળે આધાર ઘનહીંચે.
નિરાધાર-નિરાકારઃ હવે મારી ય એ ચાલ.

સ્ફુરે પોતે, ન દેખાય, કુમુદની ગન્ધ ગ્રહી વાય,
અરણ્યે એકલો વાયુ, જીવન એ ભાવિ છે મારું,

જહાંગીરી–ફકીરી એ, લલાટે છે લખાવી મેં.
પ્રજા એ હું-નૃપાલ એ હું; ઉરે ઓ એકલી, તું-તું !