લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/આત્મજ્ઞાન

વિકિસ્રોતમાંથી
← કાફી છે ગુજરાતની ગઝલો
આત્મજ્ઞાન
[[સર્જક:|]]
૧૯૪૩
ચન્દાને સંબોધન →


‘કાન્ત’

૪૬ : આત્મજ્ઞાન

અહા ! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા !
બળેલ આર્ત એ શો એ સ્વરસ્નાને કરે આશા !

અરે ! શું આવશે ત્યારે ફરીશું સાથ એવો દિન,
કદાપિ સ્નેહને સ્વર્ગે ? કહે શું ખરે ? આશા !

અને શું રૂઝશે આખર ઝખમ એ શુદ્ધ હૈયાનો,
અને એ ચાલશે સાથે ? દયા કેવી કરે, આશા !

નહીં પરવા જરા અમને, કશી એ વસ્તુ ઐહિકની;
કરે સંતોષ જો તેને મને તો ઉદ્ધરે આશા !

નિહાળું હા ! ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો,
સખાનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે, આશા !

મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં, દેવી !
સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા !