લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/પ્રેમનિવેદન

વિકિસ્રોતમાંથી
← અમારી મસ્ત ફકીરી ગુજરાતની ગઝલો
પ્રેમનિવેદન
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રેમધર્માગીકાર →


દેરાસરી


૩૭ : પ્રેમનિવેદન

સદા મન મસ્ત તુંમાં રહે; તું તું તું તું જ મારે છે !
છે તું મારે મન વશી, મધુર રસીલી યાર;
જીવનદોરી રાંકની–મુજ ધનના ભંડાર;
મધુરૂં મુખડું તારૂં, કરોડો ચંદ્ર હું વારું;
પીને અમી થાઉં અમર ધારૂં, કહે ક્યારે પિવાડે છે? સદા૦

અર્ધ નિશાકરથી રૂડું−પ્યારી ! તુજ કપાળ;
મંગળ સમ મહીં શોભતો ગોળ ચાંદલો લાલ;

વીખરી વાંકી અને કાળી-લલિત લટ શોભતી બાળી;
અટકી ભાલે જ રૂપાળી, અરે ! જા ! શું ખસેડે છે? સદા૦

લટક્યો બાંધ્યો બાપડો, જીવ શુભ લટથી, યાર !
જીવવા દે, કહે શીદ હણે−કરી ક્રૂર આચાર ?
ઘવાયો તેહ તારાથી–હરાયો હેત સારાથી;
મનાયો નેન પ્યારાંથી–હવે, પ્રિય! શું સતાવે છે? સદા,૦

મધુર સુવાસિત માહરી, તું ચંબેલી સારઃ
ગોરી પાતળી ખીલતી સહુ સુગંધ ભંડાર;
લગીર લાલાશવાળી વા–ચિતે ખૂબ સ્નેહવાળી વા;
મધુરી પોયણી કહું હા−ભરી મદ ખૂબ લાગે જે ? સદા૦

છઉં ચકોર હું માટે શું−કહું, વહાલી ! થા ચંદ્ર?
ના ! ક્ષયરોગે તું મરે−બહુ સાલે નેહબંધ;
અરે ! હું હું જ બદલાઉં−ચહે તું તે કહું થાઉં;
પ્રીતિનાં ગીતડાં ગાઉં–ખરે! મન એ જ ભાવે રે! સદા૦

કે હું ઝાઝું ટેકીલું−ચાતક થઈ, દિલદાર !
વાંછું તારા નેહનું બિંદુ સુખ આધાર ?
અને ના ! મેઘ જો થાયે–બહુ દૂર તું થકી જાયે;
વિયોગે નાજ રહેવાયે, નશીબે દુઃખ પાછું રહે! સદા૦

તું તે તું ! મુજ યાર રહે−હું રહું છું તે હુંય !
પ્રેમ પીધેલો જીવડો, કહે બીજું કે' શુંય?
લગીર ચપળા રૂડી તારી−ભરી મદ આંખ જે કારી;
કરી મુજ તર્ફ ઓ મારી, બચાવી મિત્રને તું લે ! સદા૦