ગુજરાતની ગઝલો/અમારી મસ્ત ફકીરી

વિકિસ્રોતમાંથી
← શરાબનો ઈનકાર ગુજરાતની ગઝલો
અમારી મસ્ત ફકીરી
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રેમનિવેદન →


૩૬ : અમારી મસ્ત ફકીરી
ગઝલ


ફકીરીમાં સખિરી મેં, ભરી આજે મજા કેવી?
અમીરીને ફકીરીમાં, મળી આજે રજા કેવી? ૧

ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી ?
શરીરે ત્યાગની કફની, ચડાવી ત્યાં કજા કેવી ? ૨

ખલકને જાણતા ફાની, પછી પરવાહ તે શાની ?
નથી દરકાર દુનિયાની, મળે તે ક્યાં મજા એવી? ૩

પીવો પ્યાલા ભરી પાવો, કરીને જ્ઞાનનો કાવો,
અમીરીને ધરી દાવો, ફકીરીમાં મજા લેવી. ૪

કદી મખમલ તણી શૈય્યા, કદી ખુલ્લી ભૂમિ મૈયા,
કદી વહેતી મૂકી નૈયા, તરંગોની મજા લેવી. ૫

કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ,
રગશિયું દેહનું ગાડું, ઉપર ભગવી ધજા કેવી ? ૬.

કદી છે શાલ દુશાલા, કદી લંગોટ ને માલા,
કદી હો ઝેરના પ્યાલા, મળે તેવી મજા લેવી. ૭

ધર્યા છે કેશરી જામા, કર્યાં કાષાયનાં કપડાં,
તજી સંસારના ભામા, કજામાંથી મજા લેવી. ૮

ભર્યા છે જ્ઞાનધન ભાથાં, ઝુકાવે શાહ પણ માથાં,
જગતનો ગમ સદા ખાતાં, ગમીને જ્યાં રજા દેવી. ૯

ખુશી આફત મૂકી સાથે, ધખાવી હોળીઓ હાથે,
બીજાના દુઃખની માથે, ખુશીથી જ્યાં સજા લેવી. ૧૦

જગત જીત્યું અલખ નામે,અચલ એ રાજને પામે,
નમાવી સર કદર સામે, ઊભાં ત્યાં દેવ ને દેવી. ૧૧

અમીરીની મજા મીઠી, ફકીરીમાં અમે દીઠી,
ન કરવી ચાકરી ચીઠી સ્પૃહાને જ્યાં રજા દેવી. ૧૨

થયાં જ્યાં એક ઈશ્વરથી, પછી શી ગાંઠ ઘરઘરથી,
જગાવ્યે પ્રેમ પરવરથી, શલાકા નેહની સેવી. ૧૩