ગુજરાતની ગઝલો/જોગીની ગઝલ
← દરગાહ બસ મુજ કત્લગાહ | ગુજરાતની ગઝલો જોગીની ગઝલ [[સર્જક:|]] ૧૯૪૩ |
મારી સનમ → |
જનમના જોગીડા છઈએ : અમે તો જોગીડા છઈએઃ
ખુદાના ખુદ બન્યા છઈએઃ જનમના જોગીડા છઈએ.
સનમના જોગીડા છઈએ:
સનમના જોગીડા છઈએ.
અનલહકમાં મચ્યા રહીએ:
જનમના જોગીડા છઈએ.
અમે જૂના જમાનાના
શરાબી આદમી છઈએ:
ડૂબેલા ઈશ્કને દરિયે
જનમના જોગીડા છઈએ,
ફકીરી હાલમાં ફરીએ:
ન પર્વા કાલની કરીએ !:
ખુદા દિલબર સનમ કરીએ:
જનમના જોગીડા છઈએ.
ભલે રડીએ, ભલે હસીએઃ
ભલે પડીએ, ભલે ચડીએઃ
મગર ના ! ના! નહીં ડરીએઃ
જનમના જોગીડા છઈએ.
નહી ! નહીં નોકરી કરીએ :
અસલ મસ્તાન દિલ છઈએ.
જુલમ જૂઠા નહીં સહીએ:
જનમના જોગીડા છઈએ.
સનમના પ્રેમસાગરની,
અમે ગેબી લહર છઈએ:
સનમના મસ્ત કાયમના,
જનમના જોગીડા છઈએ.
ફકીરી બાદશાહ છઈએઃ
ફકીરી બાદશાહ છઈએ.
અમે તો બાદશાહ છઈએ:
ફકીરી બાદશાહ છઈએ.
નહીં જામો, નહીં કફની,
નહીં ! નહીં ! ખાક નહીં ધરીએ:
અનલહક બસ રહે હઈયેઃ
ફકીરી બાદશાહ છઈએ.
અસલ સત્તા સનમશાહી,
ઝમીં અસ્માનને દરિયેઃ
સલામી બસ તહીં દઈએ:
ફકીરી બાદશાહ છઈએ.
ફક્ત માલેકની રૂબરૂ,
અજાયબ ગુફ્તગો કરીએઃ
સનમ ! તારી હકીકતમાં,
ફકીરી બાદશાહ છઈએ:
ફના કરીએ, ફના થઈએ:
ફના કરવા હુકૂમ કરીએ:
ફનાની શહનશાહતના,
ફકીરી બાદશાહ છઈએ.
બકાના તખ્ત પર આખર,
ખરા વારસ અમે છઈએ:
અમરગઢ જીતવા જઈએ:
ફકીરી બાદશાહ છઈએ.
સનમનાં જોર પર સાગર,
ભરી ભરી નૂર પી લઈએ:
દિલે દિલ શહનશાહબાનું !
ફકીરી બાદશાહ છઈએ.