ગુજરાતની ગઝલો/કટાક્ષ

વિકિસ્રોતમાંથી
← જિગરનો યાર ગુજરાતની ગઝલો
કટાક્ષ
[[સર્જક:|]]
૧૯૪૩
દરકાર →


૭ : કટાક્ષ


મધુર મધુરી આંખડીની કટાક્ષ તે ક્યમ વીસરે ?
તે પૂર દગલબાજી ભરી, ભર વ્યંજના ક્યમ વીસરે ?

રમવા કરી'તી આશ તુજ, મૃદુ ગૌર બાહુબંધમાં,
દરિયાઈ મોજે રડવડ્યો હું, દુઃખ તે ક્યમ વીસરે ?

અંતર પડેલા દાહ પર, દુશ્મન લગાડે લૂણને,
તવ પ્રેમનાં બાધક કરે, દુખ હાય ! તે ક્યમ વીસરે ?

સર્વાંગ કોમળ કુસુમ લજવે, એહવાં તારાં લસે,
પણ અંતરે પથ્થર સમી, પ્રિય પીડ તે ક્યમ વીસરે?

મુજ દુઃખને વિશ્રામ વહાલી, મેં ધર્યો મુખપંકજે,
મૂક થઈ ગયો ભોગી ભ્રમર હું, બંધ તે ક્યમ વીસરે?

તુજ કાજ બંધન બેડીના, કરું બંધ એક્કેકે જુદા,
પણ એક તૂટતાં સાત સંધાયે, કહો કેમ વિસરે ?

શાને ધરું ના માન જ્યારે, માની તું થઈ નીવડે,
પણ નજર ગુસ્સાબાજના, રસભાવ તે ક્યમ વીસરે?

લઈ સ્કંધ પર વીણા મધુરી, ગાઉં તારુ બિરદ હું,
પણ જીવ ચહે અમૃત અધરના, ઘૂંટડા ક્યમ વીસરે ?

સંદર મનહર પ્રેમના, નિર્મળ ઝરામાં નાહીને,
નાહ્યો જગતને તુજ માટે, ટેક તે ક્યમ વીસરે?

છૂટી છૂટી પડી કર્પૂર ગૌર કપોલ પર અલકાવલી,
રૂપ નાગણી અંતર ડશી, દુખદંશ તે ક્યમ વીસરે ?

બતલાવું પ્રાણ ! ઉપાય, ઘાયલ પ્રેમી કેરા વૈદનો,
કરી પાશ કંઠ દ્રશ્યા વિના, ચિત્ત ઝેર તે ક્યમ વીસરે?

કામી વિચાર કરે કરોડો, ચિત તથાપિ શું કરે,
પણ પ્રેમીની પળ પળ કદાપિ દુઃખથી ક્યમ વીસરે?

આવી લહર સુગંધી લહેરાતી સુગંધી અલકથી,
પેગામ આપે પણ નહિ તું, ચિત્ત તે ક્યમ વીસરે ?

અંતર રુધિર રુશનાઈએ, લખું લેખ નભપાટી ઉપર,
પ્રેમી તણા બહુ રંગ તે, શૂન્યાત્મમાં ક્યમ વીસરે?

શાણા સનેહીનો સનેહી, મસ્તમાં મસ્તાન બાલ,
વીસરે ક્યમ વીસરે, તવ મધુર મુખ કયમ વીસરે ?