ગુજરાતની ગઝલો/દરકાર
← કટાક્ષ | ગુજરાતની ગઝલો દરકાર [[સર્જક:|]] ૧૯૪૩ |
અગર તે ચાર શિરાઝી ! → |
હું કરું છું યાર યાર યારને ના દરકાર લગાર;
ખ્વાર છું ભરપ્યારમાં યાર ન ઈન્તિજાર લગાર..
ઘડી ખફા ઘડી ખુશી ઘડીક ગુમાની મિજાજ,
મરજી તમારી સાચવ્યે છું યાર ન કરજદાર લગાર.
હજાર ગુલેલાલા લઈ આવીને બતલાવશે,
રંગ આ દિલ દાગને યાર નહિ ગુલઝાર લગાર.
મહાલક્ષ્મી મુકુટ મરકત કરવા ચહે મુજ મન,
દરકાર નથી કાંઈ થશે યાર ન દગાદાર લગાર.
મન કીર અલકજાળમાં ફસિયું ગતિ કશી?
લઈ દામ નિપટમાં કરે યાર ન સારવાર લગાર.
યાર બેદરકાર સમું દુઃખ શું દુનિયા મહીં ?
અંતર કોઈ તણો ભંગ યાર ન થાય વાર લગાર.
બસ દઈશ ગાળ કહીશ કંઈક મર્મ વાણીમાં,
વાત હુકમમાં કરીશ યાર ન અર્જદાર લગાર.
નિર્દય હૃદય કપાટ નહિ ઉચાટ કંઈ દિલે,
કોમળ વંશ કામિની યાર ન ખબરદાર લગાર.
મનસૂરને તનડે રુધિર વહ્યું હતું પ્રિય નામનું,
મુજને તને પ્રતિરોમ ઝાંખી થાય છાપ વાર લગાર.
કંઈ સાચું કહે રે તને મસ્તાનના સોગન !
મનસૂરના સોગન ! તને કુરસદ ન મળે વાર લગાર.
ઝુલેખા તણા સોગન ! તને યુસૂફના સોગન !
ઘર આવશે એક વાર કે યાર નહિ પળવાર લગાર?
હાફેઝના સોગન ! તને ફરહાદના સેગન !
બતલાવશે મુખ માધુરીની છટક એકવાર લગાર?
અધર અનમ ટેકી મારી ગરદનના સોગન !
ઝટ આવ રે, ઝટ આવ રે, મુજ પ્રાણ, ન ખબરદાર લગાર.
નહિ તો તને છે કુટિલ તારી વાણીના સોગન;
બતલાવ રે, બતલાવ રે, તે યાર નિઘાહ બાંકી લગાર.
ફરહાદ શું હિસાબ માંહી ! ભેદું ઘડીકમાંહી વ્યોમ !
બાલને કંઈ પા રે સજન તુજ મદિરા વાર લગાર.