લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/દીઠી નહીં !

વિકિસ્રોતમાંથી
← ચંદા ગુજરાતની ગઝલો
દીઠી નહીં !
[[સર્જક:|]]
૧૯૪૩
ખબર લે →


બાલાશંકર

ર : દીઠી નહીં !

બલિહારી તારા અંગની, ચંબેલીમાં દીઠી નહીં;
સખ્તાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહીં.

મન માહરું એવું કૂંળું, પુષ્પપ્રહાર સહે નહીં;
પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં

એક દિન તે અલકાવલીમાં, દીઠી'તી મુખની છબી;
પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.

એ કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન ?
મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.

ગુમ્માની નુખરાબાજ ગોરી સુન્દરીઓ મન હરે;
પણ કોઈએ એ યાર સમ, તુજ સુન્દરી દીઠી નહીં.

એ ! વીર ! વિરહી ખોળવા, તુજને જગત કંઈકંઈ ભમ્યો;
ગિરિવર ગુહા કે કુંજકુંજે, તોય મેં દીઠી નહીં.

બાગમાં અનુરાગમાં, કે પુષ્પના મેદાનમાં
ખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.

સરખાવી તારું તંન મેં, ખોળી ચમેલી વંનમાં;
પણ હાય ! ખૂબી આજની, કરમાઈ ! કાલ દીઠી નહીં.

તું તો સદા નૂતન અને આખું જગત નિત્યે જૂનું
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું ! તેથી મેં દીઠી નહીં.

તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીનાં કાળજ બળે;
એવી દયા તો એ ! ગુમાની ! મેં કહીં દીઠી નહીં.

મુખચંદ્રમાં મેં દીઠી છે આખી છબી આ જગતની;
પણ આંખડી મુજમાં વસી તું, તેથી મેં દીઠી નહીં.

એ ! કાળજાની કોર કાં કાપે હવે તો થઈ ચૂકી;
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.

કોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંસરી;
આ જગ્તની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં,

જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તે દીધો બદલો ખરો !
તો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.

એક દિન મળશે તે અધરસુધા સબૂરી બાલ ! ધર;
હા ! એ બધું એ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.