ગુજરાતની ગઝલો/અમારી ગુનેહગારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ફરિયાદ શાની છે ? ગુજરાતની ગઝલો
અમારી ગુનેહગારી
[[સર્જક:|]]
૧૯૪૩
ત્યાગ →


ર૩ : અમારી ગુનેહગારી


અરેતે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી' તી,
જિગરમાં આહ દીધી મેં ગુનેહગારી અમારી એ.

કરે સૌ તે અમે કીધું, ન જોયેલું જરા જોયું.
મગર એ આહને માટે ગુનેહગારી અમારી છે.

હતી ત્યાં ગુલછડી, દિલબર ! હતી તેની કળી ખીલી;
ઝુકી ચૂંટી કહ્યું, “લે જે,” ગુનેહગારી અમારી એ.

કણી દેતાં જિગર દીધું, ગમીનું જામ પી લીધું,
તૂટી દિલની લગામો એ, ગુનેહગારી અમારી એ.

“ખુદાની બન્દગીમાં કર મને શામિલ તું દિલબર !”
કહ્યું મેં તે ન સુણ્યું તેં , ગુનેહગારી અમારી એ.

લવ્યો બે ઈશ્કના બોલો, અધૂરું કાંઈ તું બોલી,
ગણ્યો મેં ઈશ્ક એ બોલે, ગુનેહગારી અમારી એ.

“અયે દિલદાર ! તું દિલમાં ગુલોને રાખનારી છે.”
હમે એ સૌ કહ્યું જૂઠું, ગુનેહગારી અમારી એ.

ખુદા જાણે ગઈ તું ક્યાં? ખુદા જાણે ભમ્યો હું ક્યાં ?
જૂઠી આશા ધરી હૈયે, ગુનેહગારી અમારી એ.

કરી પેદા તમે આશા, અમે તેની બન્યા ક્યામત;
અરે! એ ખૂનને માટે ગુનેહગારી અમારી છે.

ગુના લાખો મહીં છું હું, મગર તુંને કર્યું છે શું?
હવે એ પૂછવું તે એ ગુનેહગારી અમારી છે.

સજા હું ભોગવું હા ! સબબ વિણ રોઉં છું કો દી,
સજા એ વેઠવામાં એ ગુનેહગારી અમારી છે.

ગુનામાં જે ગુનેગારી સજામાં જે ગુનેગારી,
સજાથી છૂટશે ક્યારે ગુનેહગારી અમારી એ.

હવે આ ગીત ગાઉં છું, હવાને હું સુણાવું છું,
દીવાનાની દીવાનાઈ ગુનેહગારી અમારી છે.

દીવાનો તો કર્યો છે તેં, કર્યો આ ગીત ગાતો તેં,
ગુનેહગારી તમારી એ ગુનેહગારી અમારી છે.

ખુદા પાસે કહું છું, કે “ગુના તારા અમારા હો.”
ગુનેહગારી? સનમની એ ગુનેહગારી અમારી છે.

હમારું સૌ તમારું છે ! તમારું સૌ તમારું હો.
મગર તારી ગુનેહગારી ગુનેહગારી અમારી છે !