ગુજરાતની ગઝલો/પ્રેમીની પ્રણયઘોષણા
← પ્રેમની બેપરવાઈ | ગુજરાતની ગઝલો પ્રેમીની પ્રણયઘોષણા [[સર્જક:|]] ૧૯૪૩ |
સનમની નિગાહ → |
જગ છો ગમે તે કહો તને હું તો ચમેલી કહીશ જા;
તત્પર ગુણાનુવાદ ગાવા હું હમેશે રહીશ જા.
રહેવા હજૂરમાં તાહરી દિનરાત દિલમાં ચહીશ જા;
તજીને બધું હું તો અનન્યે દાસ તારો થઈશ જા.
તારા વગરનાં સહુ સુખો ગતિ તુચ્છ હુંય તજીશ જા,
એકાગ્રચિત્તે લહેરથી હું તુજને જ ભજીશ જા.
તારી મનોહર મૂર્તિ હું નેનોથી પીશ ઠરીશ જા;
હે પ્રાણ ! તારા નામનું બહાનું હમેશ ધરીશ જા.
તુ જ નામની કિસ્તી થકી ભવસાગરે ઝીલીશ જા;
તારા બિરદની એકલી ચિત્ત આશ મીઠી ધરીશ જા.
હર રીતથી વહાલી તને ખૂબ ખુશ ખુશ કરીશ જા;
તારી ભલાઈઓથી બધી દશ દિશ હું ગજવીશ જા.
ખુદ ખૂબસૂરતીને તાહરૂં કરી બ્યાન હું લજવીશ જા;
તું આગળે એ પણ હઠે કહી માન હું તજવીશ જા.
સહુ સૃષ્ટિમાં તું તું ભરી તું એક ભરી એ લહીશ જા;
તારા વગર બીજું ન દેખું હું છચોકે કહીશ જા,
આઠે પ્રહર તુ જ પ્રેમની મદિરા પીને હું છકીશ જા;
બની યાદમાં ગુલતાન ભૂલી ભાન નિત્ય બકીશ જા.
મારી ચમેલી રસભરી, મારી ચમેલી જપીશ જા;
આ પ્રેમઘેલો છે બનેલો ભલે હું એમ ખપીશ જા.