ગુજરાતની ગઝલો/સાકીને ઠપકો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સનમને સવાલ ગુજરાતની ગઝલો
સાકીને ઠપકો
[[સર્જક:|]]
૧૯૪૩
સનમની શોધ →


૨૬ : સાકીને ઠપકો


સાકી, જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં;
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.

મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં.

આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે,
પાવો એક હાથે સાકીએ, ઈન્સાફ તેં કીધો નહીં.

મારી ગઈ શરમે બધી, દિલદાર હુંજ મહીં હજી;
તારી બની ખાલી સીસી, પાવાય તે રાખ્યો નહીં.

સરખાં બને બન્ને જરા, ત્યાં તો શરાબીની મઝા;
ઊલટી કરી તેં તો સજા, નયને સનમ ખેલી નહીં.

મુજ ખૂન આ કૂદી રહે, દિલદારનું થંડું બને;
મુજને ચડે ત્યાં ઊતરે, કાંઈ મઝા આવી નહીં.

આ રાત પહેલી વસ્લની, માશૂકના ઈન્કારની;
ત્યાં બેવકૂફી તેં કરી, તુજ જામ કાં ફૂટ્યું નહીં?

ના રોશની ગાલે ચડી, જરી ના લબે સુરખી પડી;
ઘેરી બની ના આંખડી, દિલ યારનું જાણ્યું નહીં.

આ પહોર ચાર જ રાતના, કંઈ વાયદા વીત્યે મળ્યા;
કંઈ હોંશથી જિગરે જડ્યા, તેની કદર તુંને નહીં.

ના ખેંચ આશક તો કરે, માશૂકને પાવો પડે;
ના સાકીએ પીવો ઘટે, તેં કાયદો પાળ્યો નહીં.

જોઈ સનમને રૂબરૂ, ઘેલો હતો પૂરો જ હું;
પાયો ફરી, પીતો ય તું, પણ યારને પાયો નહીં.

આ વાય ફજ્ર તણી હવા, મુજ રાત વીતી મુફતમાં;
દિલદાર આ ઊઠે જવા એ સુખન બોલી નહીં.

જો આવશે કો દી સનમ, તે લાવશે આંહીં કદમ;
તું રાખજે ભાઈ, રહમ; ગફલત ઘટે આવી નહીં.