ગુજરાતની ગઝલો/ મજા કયાં છે ?

વિકિસ્રોતમાંથી
← આપણી રાત ગુજરાતની ગઝલો
મજા કયાં છે ?
[[સર્જક:|]]
૧૯૪૩
રસહેલ →


લલિત'

૫૧ : મજા ક્યાં છે ?


ક્યાં છે મજા ક્યાં છે મજા? કહે તું મુસાફર ખલ્કના !
દુનિયામહીં ક્યાં છે મજા? માની લઉં શામાં મજા ?
છે ક્યાંઈ ખાણ ખુશાલીની આ ખલ્કને કોઈ ખૂણે?
દેખાડી દે ! જો હોય તો, ખોદી લઉં ત્યાંથી મજા !

આલમ સુણે બહેરી ન ગાણું જ્ઞાનનું દરિયા તણું,
ને દુઃખ પોતાનું રડે તે માની લઉં શેમાં મજા?
રોવે હસે અસ્થિર ભૂત શોધે ન 'શું-ક્યાં સત્ય છે?'
દુઃખભાર લઈ મૂંગી ફરે ધરતી, લઉં શેમાં મજા ?

ત્યાં આસમાને આભલાં જુદાં જુદાં કંઈ ચકચકે;
સમજે ન કો તેથી નિસાસા સૌ ભરે, શામાં મજા ?

દરિયામહીં–ધરતીમહીં–ત્યાં આસમાન મહીં ઊંડે,
કહે તખ્ત ખુશાલી તણું–શું કામની પણ તે મજા ?

છે ત્યાં ગયાં ભૂત તો હજારો માણવા જ અખૂટ મજા ?
સાથે લઈ પાછા ફર્યા દીઠાં નહીં, તો ક્યાં મજા ?

વર્ષા બિચારી ગર્ભિણી સહેતી પ્રસૂતિ વેદના
પછડાય ચીસો પાડતી ને ગર્ભ જળરૂપે પડે;

થિજાય શિયાળામહીં, સિઝાય ઉનાળા મહીં;
દુનિયા બધી એમ જ પીડાતી દેખું છું; તો ક્યાં મજા?

ખૂબસૂરતી આલમ તણી હસતી ખીલે જે કારમી,
દેખું હું, પણ કરમાય ક્ષણમાં, માનું તો શેમાં મજા ?

સુણવા કહે, અવલોકવા કો, વાંચવા કોઈ કહે,
હું મ્હાવરો રાખું ઘણો, તેમાં ન આવે પણ મજા.

આલમ તણી મેં ચોપડીનાં ફેરવ્યાં પાનાં ઘણાં;
માલિકના ડહાપણ થકી સમજુ થયો, પણ ના મજા.

હું ગાન દુનિયાનું સુણું અવલોકું સારી ખલ્કને,
જાણી લઉં છું ભેદ સઘળો તોય તેમાં ના મજા.

જિગર વિના તનહા ફરું તેથી ન આવે રે મજા;
આ ઇશ્ક વિણ રોતું ન માને દલડું ક્યાંઈ મજા.

ઊડી ગયેલા નૂરથી ઝાંખો ફરૂં જનમંડળે,
ધારી ફકીરી હું પુકારૂં 'નૂર ! ઓ ! મુજ નૂર કયાં ?'

સુણે ન કો, રડવું જુએ ના મુજ હાલત આલમે;
દેખું જ તેને રડતી હું તો દુનિયામાં ક્યાં મજા ?

દુનિયા મહીં, ભાઈ ! નથી−ક્યાંઈ નથી−કાંઈ મજા.
ગમગીનીનો ભંડાર આ છે−માનું તો શેમાં મજા ?

ઝિન્દગી છે જ્યાં સુધી સહેવું બધું રે! ત્યાં સુધી;
આ ઝિન્દગી પૂરી થશે તો આવશે ઊંચી મજા.

સ્મરવાં ગએલાં સ્નેહીને, રડવાં ગએલાં સ્નેહીને;
ભગ્નાશ જીવિત મુજ એ છે, હાલ તો કહો તે મજા !

કહો તે મજા કે દંભ કે મૂર્ખાઈ ડહાપણ જે ગમે,
અવસાન સુધી હૃદય મુજ તેમાં જ માની લે મજા.

અવસાન બાદ ઊડી જતાં, અકળિત અગમ્ય જ સ્થાનમાં,
આ ખલ્કમાં નથી ક્યાંઈ એવી લહીશ ત્યાં સાચી મજા