ગુજરાતનો જય/ગૃહલક્ષ્મી

વિકિસ્રોતમાંથી
← કવિશ્રી ગુજરાતનો જય
ગૃહલક્ષ્મી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
વણિક મંત્રીઓ →


15
ગૃહલક્ષ્મી

સ્તુપાલ ઊભી બજારે પોતાના પુસ્તક-લાદ્યા ટટ્ટુને દોરીને નીકળ્યો ત્યારે દુકાનદારોને હસવાની લહેર પડી. કોઈ વિદ્યાપ્રેમીનું આવું પ્રદર્શન ગામમાં બહુ નિહાળવા મળેલું નહીં. લોકોની હાંસી તરફ એ બેધ્યાન હતો. તેજપાલભાઈએ શો ઉલ્કાપાત મચાવ્યો છે એ જ સૌ પહેલાં સમજી લેવું હતું. એ ઘેર પહોંચ્યો ત્યારે બહેન વયજૂકા એને ભેટવા દોડી આવી, અનોપની ભદ્રામૂર્તિ પરસાળમાં રેંટિયો કાંતતી બેઠી હતી. તેજપાલ પણ હાટેથી આવી પહોંચ્યો.

બધી હકીકત જાણ્યા પછી વસ્તુપાલે નાના ભાઈને પૂછ્યું: “તારે કોઈની સલાહ તો લેવી હતી.”

“મોટાભાઈ, મેં ઉતાવળ કરી નથી. રાતોની રાતો બેસીને અમે ચાર જણાએ મંત્રણા કરી હતી.”

“કોણ કોણ ચાર?”

"ગુરુ વિજયસેનસૂરિ, સોમેશ્વરદેવ, હું અને એક ચોથા - તમે એને નહીં ઓળખો – મેહતા ગામના પટ્ટકિલ દેવરાજ.”

“એ કોણ છે?”

"છે તો એક ગામડાના પટ્ટકિલ, એણે એકલાએ જ ગામડાંમાંથી કુંવરપછેડો ઉઘરાવી દેવાની મામાને ના પાડી દીધી હતી. બીજા તમામ ગામપટેલોએ મામાને આજ સુધી ખવરાવ્યું જ છે. રાજભાગ ચોરાઈ ચોરાઈને વામનસ્થલી તરફ ઊપડી ગયા છે. ખંભાતના વહાણવટી સદીકે વહાણોની સગવડ કરી આપી છે.”

“દેવરાજ પટ્ટકિલનું નામ તો કોઈ લેતું નથી!”

“ના, એ પરદા પાછળ છે. એ એકલો કેમ સ્વતંત્ર રહી શક્યો છે તેની તો ખબર નથી. પણ એ વાતમાં વારંવાર આંસુભેર વિલાપ કરી ઊઠતો હતો કે, મારા પેટના દીકરાનું નખ્ખોદ નીકળી જતું હોય તેવી મારી વેદના છે.”

"રાણીજીનું સર્વસ્વ ગયું?”

“હા, એક હેમની મુદ્રા પણ બાકી ન રહી.” “ભાઈ!” વયજૂકાએ આવીને કહ્યું, “એક વાર અંદર આવી જશો અનોપભાભી અધીરાં થઈ રહ્યાં છે.”

“શાને માટે?”

“પોતાના જેઠને પોતાના પિયરનો કરિયાવર બતાવવા માટે ક્યારનાં થનગની રહ્યાં છે. કહે છે કે તે જોયા પહેલાં જમવાનું જ નહીં પીરસું જેઠને.”

"જમવાની તો જરૂર જ શાની રહેશે એમનો કરિયાવર જોયા પછી? વિચારોથી તો ધરાઈ રહેવાને હું ટેવાયેલો છુંને ! ચાલો, ચાલ તેજપાલ.”

"હું જરા કામમાં છું.” એમ કહી એ દુકાને ચાલ્યો ગયો.

“ભાઈ કેમ આમ કરે છે, વયજૂકા?” વસ્તુપાલે પૂછ્યું.

"પછી કહીશ, ભાઈ, પહેલાં ભાભીને રાજી કરી લો.”

ઓરડો અને ઓસરી સોના-રૂપાંથી ને હાર-ચીરથી ઢંકાઈ ગયાં હતાં. વચ્ચે હીરાજડિત આભરણોની કપૂર-દાબડીઓ પડી હતી.

"વાહ!” અહોભાવ અનુભવતો વસ્તુપાલ સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યો. “વાહ અર્બુદનંદિની કુલવધૂ! તું તો અમારે ઘેર સાક્ષાત્ લક્ષ્મી પધારી.”

જેઠના એ ઉમળકાભરપૂર બોલ એક બાજુ ઊભી રહેલી અનોપના શ્યામરંગી મોં પર શરમના શેરડા પાથરી રહ્યા. એ મોં પર વ્યથા પણ વંચાતી હતી.

બીજા ખંડમાં જઈને વયજૂકાએ ભાઈને કહ્યું: “ભાઈ, ભાભી છ મહિનાથી આવી છે, પણ તેજલભાઈ બોલાવતા નથી.”

“બેન, અધીરી ન થજે. તેજલનાં જ્ઞાનચક્ષુઓ ઉઘાડશું.”

ભોજનટાણે તેજપાલ ઘેર આવ્યો; ભોજન પતાવીને પછી વસ્તુપાલે કહ્યું “આવો, અનોપ અને આપણે સૌએ સાથે બેસીને એક વાત વિચારવી છે.”

બે ભાઈઓ બેઠા. અનોપ આવીને બેઠી. વસ્તુપાલે વાત ઉચ્ચારી:

"અનુપમાદેવી ! અમારી ગૃહલક્ષ્મી ! વાત એમ છે કે, આપણે તો ગરીબ ઘર છે. તેમ બીજી તરફથી ગુજરાતનો કાળ ભયથી ભરેલો છે. તમે આ જે બધું લાવ્યાં છો તે પહેરતાં-ઓઢતાં જોઈને આંખો ઠારવાનું કયા જેઠને ન ગમે ?”

"હું એકલી પહેરવાની નથી,” અનોપ બોલી, “બહેન પહેરે અને મારાં જેઠાણી પહેરે તે જોઈ હું પણ મારી આંખો ઠારું.”

“જરૂર જરૂર પહેરે. એ તો તમારી જ બહેનો છે ને! પણ મને એમ થાય છે કે..”

"કેમ બોલતા રહી જાઓ છો, ભાઈ? ભાભીને દુઃખ લાગશે એવી બીક રાખશો મા,” વયજૂકાએ હિંમત દીધી. “તેજલ, તને મારો વિચાર ગમશે?”

“ગમશે જ.”

“પણ તારી મંજૂરીની આમાં જરૂર જ નથી. દેવી અનુપમાનો ને મારો જ એકમત થવો જરૂરનો છે.”

“મારે તો આજ્ઞા જોઈએ છે.” અનોપ નીચે જોઈને બોલી.

"તો હું આમ કહું છું, કે આપણા રાણાની રાણી જેતલદેવીને તેજલે બહેન કહી છે. એના સગા ભાઈએ એને અડવી બનાવી છે. આપણે જે ઓઢી-પહેરીને બહાર નીકળી શકીએ તેમ નથી તે આભૂષણો જેતલદેવીને ગળે રોપીએ તો?”

“મારું તો સર્વસ્વ આ ઘરને અર્પણ છે. તો શણગાર શું !” અનોપે હર્ષગદ્‌ગદ બનીને કહ્યું.

“તો ભોજન માટે નોતરીએ, એટલે ગઈ કાલનો આખો મામલો સુધરી જાય. કોને ખબર છે, રાજાની મતિ આજે કેવી છે ને કાલે કેવી થશે? તેજલની સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે.”

“એ પ્રશ્ન તો નથી," તેજપાલે કહ્યું, “પણ કાલે મેં એ રાણીને ગરીબડું મોં કરી ભાઈ ! વીર ! કહેતાં સાંભળેલ છે તેના હજુય મારે કાને ભણકારા વાગે છે, મોટાભાઈ !'"

"બસ, તો પછી આપણે એના ધર્મભાઈઓ બનીને એના સગા ભાઈનો અત્યાચાર નિવારીએ. અત્યારે વ્યવહારદક્ષતા દાખવવાનો અવસર છે. અનુપમાદેવી પોતાને હાથે જ પહેરાવે.”

બીજા ખંડમાં જઈને એણે તેજપાલને પૂરી સમજ પાડી. રાજનીતિજ્ઞતાનો પહેલો દાવ વસ્તુપાલે ઘેર આવતાં જ રમી જાણ્યો.

એ તો ઠીક, પણ વસ્તુપાલ ઘરમાં આવતાં ઘરની વાણીમાં પણ શિષ્ટતાની ફોરમ ઊઠી. સંસ્કૃતના એ ભક્તે અનોપને અનુપમાદેવી કહી સંબોધી, એથી અનોપને પોતાને જ પોતાની કાળાશ કંઈક ઓછી થઈ એવું લાગ્યું. એ જમવા બેઠો ત્યારે પણ રસોઈની બાબતમાં વિદ્યારસ બતાવી એણે અનોપને રાજી કરી.

પણ જેમ જેમ દિવસ જતો ગયો તેમ તેમ વસ્તુપાલ છૂપી એક ઉત્સુકતા અનુભવી રહ્યો. એ કોઈ ને કોઈ બહાનું કાઢીને ઘરના આ ઓરડામાં ને તે ખંડમાં ડોકાઈ આવ્યો. એણે વાડા પણ જોયા, બળતણની કોટડી પણ જોઈ.

રસોડાના જાળિયામાંથી મોટાભાઈનાં આ ખાંખાખોળાં જોતી જોતી વયજૂકા અનોપભાભી સાથે મંદ મંદ હસતી હતી ને પૂછતી હતીઃ “પણ મને કહોને ભાઈ, તમારે શું જોઈએ છે? શું શોધી રહ્યા છો?” શરમાતો વસ્તુપાલ “ના રે ના, કશું નહીં,” એમ કહીને પાછો બેઠકમાં ચાલ્યો ગયો ને ત્યાં બેઠાં એણે અનોપ-વયજૂકાની હસાહસ સાંભળી.

વળી પાછો વસ્તુપાલ ઘરમાં આંટા દેવા ને પૂછવા લાગ્યો: “હેં વયજૂ ! આ પેટી કોની? આ બચકીમાં શું છે? આ તેલનો કૂપો કોણ લાવ્યું છે?” વગેરે.

દરેકના જવાબ વયજૂકાએ રોકડા પરખાવી દીધા. તે પછી હૃદયમાં સહેજ ચિડાયેલો વસ્તુપાલ પોતાની ચીડ રખે ક્યાંક બહાર પડી જાય એવી કાળજી રાખીને વર્તન કરવા લાગ્યો. સાંજ પડતી ગઈ તેમ તેમ એનું અંતર નિરાશામાં ઢળતું ગયું. પણ પોતે કોઈને પોતાના અંતરની વાત પૂછી શકે તેમ નહોતું, કેમ કે ઘરમાં પોતે વડીલસ્થાને મૂઓ હતો !

વાત એમ હતી કે પરણીને પાછા પાટણ ભણવા ચાલ્યા ગયા પછી ઘણાં વર્ષે વસ્તુપાલ ઘેર આવ્યો હતો. એણે આશા રાખેલી કે એની સ્ત્રી લલિતા એના આવતા પહેલાં જ પિયરથી આણું વળીને આંહીં પહોંચી ગઈ હશે ! એ આશા આથમી ગઈ. પણ પૂછવું કોને? કોઈ કહેતુંયે કાં નથી? કોઈએ લલિતાને તેડાવી પણ કેમ ન લીધી ! કવિશ્રીએ મનમાં મનમાં ધૂંધવાતાં-ધૂધવાતાં માંડ સાંજ પાડી.