લખાણ પર જાઓ

ગુજરાતનો જય/પોતાની બા

વિકિસ્રોતમાંથી
← મહામેળો ગુજરાતનો જય
પોતાની બા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
સાધુની ચેતવણી →
16
પોતાની બા

સ્તુપાલ ચમક્યો નહીં. 'આ બા' કોણ બોલ્યું એ એણે વિચાર્યું નહીં, બોલનારનો બોલ આખી પ્રતિમા પર લેપાઈ ગયો. પ્રતિમા પથ્થરની ન રહી, બા-રૂપ – બા પોતે જ બની ગઈ.

માતા કુમારદેવીની પૂરા માનવમાપની આ પ્રતિમા અહીં ઘડાઈ રહી હતી એવી વસ્તુપાલને ખબર નહોતી. અગાઉથી ત્યાં જમા થયેલા જાત્રાળુઓ તલપાપડ થઈ રહ્યા હતા. બાની પ્રતિમા દેખીને મંત્રી વસ્તુપાલ કોઈ અનહદ હર્ષાવેશમાં આવી જશે, શોભનદેવ શિલ્પી પર બક્ષિસોના મેહુલા વરસાવશે, કે શું કરશે? મંત્રીના મન પરની અસર નિહાળવા સહુની આતુરતા આંગળાં પર ઊભી થઈ ગઈ. 'વિધવા રત્નકુક્ષી' વિશે સકલ ગુર્જર દેશમાં વિસ્તરેલી ભૂતકાળની રહસ્ય-કથાને યાત્રાળુઓ આ પ્રતિમાનાં અંગેઅંગ ઉપર, મુખમુદ્રાની કરુણતાભીની પ્રસન્નતા પર, આંખોની ગગન-શી સઘન ગંભીરતા પર ઉકેલી રહ્યા હતા. પ્રતિમાને જોઈ જોઈને બધાં યુવાન શોભનદેવને ન્યાળતા હતા.

પહેલાં તો કેટલીક વાર સુધી વસ્તુપાલ માતાની મૂર્તિ તરફ એકમીટે જોઈ રહ્યા. એના માથાના લાંબા કેશ અને એની રાજપૂત મરોડની દાઢીમૂછના બાલ પ્રફુલ્લતાની પવનલહરે ફરર ફરર થઈ રહ્યા. એની પહોળી છાતી વધુ ઘેરાવો પાથરી રહી. એની નજર બાની પ્રતિમાના પગથી માથા સુધી ચડતી હતી ને પાછી મસ્તકથી પગ સુધી ઊતરતી હતી. એનું ગર્વિષ્ઠ મોં શોભનદેવ સામે મરકતું હતું. હમણાં જાણે એ શિલ્પીના ખભા થાબડવા લાગશે.

સંઘપતિનાં નેત્રો પર પોપચાંના પડદા સર્યા, 'બા'ની રોમાંચક જીવનકથા જાણે કે કોઈ રંગભૂમિના તખતા પર ખેલાવા લાગી.

માલાસણ ગામની એક આલેશાન હવેલીમાં આજથી પાંસઠ વર્ષ પર 'બા' ભરજોબનમાં બેઠી હતી. એનું નામ 'કુંઅરી' હતું. એની આસપાસ ઠાઠમાઠ ને વૈભવની છોળો હતી. એ પાણી માગે ત્યાં દૂધ હાજર થતાં. એનો દેહ હીરામોતીએ ભાંગી પડતો પરંતુ એના કાંડા ઉપર ફક્ત બે જ શણગાર નહોતા: બે કંકણો. કંકણવિહોણી બા કુંઅરીને વસ્તુપાલે શાસ્ત્રો ભણતી ને સ્તવનો ગાતી કલ્પી: દેરે જતી ને દેવોને પૂજતી કલ્પી; પોષધશાળાએ જતી ને પોસહ-પડિકમણાં કરતી કલ્પી. રખે એને રંડાપાનું ભાન થઈ આવે એ વિચારે પિતા આભુશેઠે માલાસણ ગામમાં સતત નોતરેલાં ટોળાબંધ સાધુ-સાધ્વીઓને ઘી અને પકવાનો વહોરાવતી સાધુઘેલડી વિધવા કલ્પી; વિધવા 'કુંઅરી'ને આવતા ભવની સ્વર્ગીય ગતિ પીરસતા સૂરિઓ કલ્પ્યા.

બાને તે વખતે કેવું લાગતું હશે ! બાના હૈયામાં અજ્ઞાનની કેવી શાંતિ હશે !

પછી એક દિવસ બા કુંઅરીના એવા સૂતેલા યૌવનમાં એક સળવળાટ થતો કલ્પ્યોઃ બાના હૈયા પર એક પડછાયો પડતો કહ્યો. એ પડછાયો એક માનવીનો હતોઃ એ માનવી એક યુવાન હતો. દીનદરિદ્ર, પાટણનો પોરવાડ આસરાજ હતો. પિતાની કલ્પના કરવા માટે એણે પોતાની ને તેજપાલની દેહકાંતિ અને મુખમુદ્રા ધ્યાનમાં લીધાં. પિતા કેવો સુંદર હશે ! બાની યૌવનભરી આંખોમાં એણે કેવું સ્વપ્ન ભર્યું હશે !

ભણેલી ગણેલી અને ધર્મધ્યાનમાં મળેલી બાએ જેના પર પહેલી મીટ માંડી હશે તે યુવાન શું ઉચ્છૃંખલ હશે? નહીં નહીં, એ તો હતો સાત પેઢીની સંસ્કારિતાનો વારસદાર; પૂર્વજોની છલકતી લક્ષ્મીને દૈવયોગે હારી બેઠેલો, છતાં રૂપે અને સંસ્કારે તો એ જ પૂર્વજોનાં લોહીનો લાડકવાયો પિતા આસરાજ: પાટણમાં વસવાની શરમને કારણે માલાસણમાં આવી વસ્યો હશે ત્યારે શું એને ખબર હશે કે આંહીં એક પ્રેમકથા રચાવાની છે?

પછી વસ્તુપાલની કલ્પના એક પોષધશાળામાં ભમવા લાગી. એક જૈન મુનિના વ્યાખ્યાનનાં વેણ ગુંજ્યાં. વ્યાખ્યાન ઝીલતી સભાને એક ખૂણે યુવાન બા કુંઅરીને બેઠેલ કલ્પી. બીજે છેડે યુવાન પિતા આસરાજને કલ્પ્યોઃ હીરામોતી અને તેમનાં આભરણે મઢેલું એક શરીર ને પૂરાં વસ્ત્રો પણ જેને ઢાંકવા નહોતાં તેવું એક બીજું ચીંથરેહાલ શરીર. એક વૈધવ્ય ઢાંક્યું રૂપ બીજું ગરીબીએ ને સામાજિક તિરસ્કાર પાટણમાંથી ગામડામાં ધકેલેલું રૂપ.

બેઉ રૂપને, બેઉ શરીરોને છેક જ સામસામી ને વિરોધી દુનિયામાંથી ખેંચી લઈને એક સર્વત્યાગી સાધુએ ભેળાં કર્યાં ! કેવી એ રંગભૂમિ ! કેવું નાટક ! કેવી રહસ્યકથા ! ઇતિહાસમાં અજોડ અને કલ્પનાને અદીઠ !

સાધુએ વૈરાગ્ય અને સંયમનો બોધ દેતે દેતે 'બા'ની જે બે હથેળીઓ અને પગતળિયા પર મીટ માંડી હશે, તે કેવાં સુંદર હશે !

પોતે જેને કદી મળ્યો નહોતો ને પોતે જેનો કોઈ સગો કે સાગવી નહોતો, જેના પ્રેમ કે શૃંગારનો પોતે સ્વામી નહોતો, એક કરતાં એક પણ વાતે હકદાર કે દાવાદાર નહોતો, તેવી એક યુવતીની રેખાઓ ઉકેલનાર સાધુને ઠપકો દેવા ગયેલો પિતા યુવાનીમાં કેવો હશે ! કંગાલ ચીંથરેહાલ છતાં કેવો સંસ્કારી હશે !

ને પછી આ વિધવા ફરી પરણીને માનવરત્નો પ્રસવશે એવું ભાવિ ભાખનાર સાધુજી પાસે પોતાનો ગુપ્ત પ્રેમ પ્રકટ કરનાર પિતાનું યૌવન કેવું મધુર હશે !

પછી એ યુવતીના જ ઘરના રબારી સાથે ભાઈબંધી બાંધીને એની જ સાંઢ્ય ઉપર મધરાતે ઘસઘસાટ ઊંઘતી કુંઅરને ઉઠાવી લઈ દક્ષિણના છેક સોપારા ગામે જે પિતા નાસી ગયો, તે કેવો રણબંકો અને પ્રેમમુગ્ધ હશે !

એ રાત કેવી રૂપાળી ને આસમાની હશે !

સાંઢ્યના માફા પર પણ ભરનીંદર ખેંચતી 'બા' કેટલી નિર્દોષ હશે ! જાગીને પોતાની સ્થિતિ જોતાં એક જ પલમાં પોતાનાં વસ્ત્ર નીચેથી કટાર ખેંચી રબારી પર ધસતી એ નિર્જન અરણ્ય-રાત્રિની અપહરેલી 'કુંઅર' શું તું જ હતી, બા !

એ જ વખતે તને ખોળામાં લઈ બેઠેલા યુવાનનો પ્રેમટૌકો સાંભળતાં જ તારી કટાર ભોંઠી પડી હતી, ખરુંને, બા ! પિયરસુખને પિતૃપ્રેમને, માતૃવાત્સલ્યને, વિધવા તરીકેની કીર્તિને અને શાસ્ત્રજ્ઞાનની ખ્યાતિને, લક્ષ્મીને, આબરૂને, કુલીનતાને, સર્વસ્વને ઓળઘોળ કરવાની આ હિંમત તારા પાપભીરુ હૃદયમાં જગાડનાર શું હતું, હેં બા? મારા પિતાનું શૌર્ય અને સાહસ? મારા પિતાનું ચીંથરેવીટ્યું સૌંદર્ય ? તારી સાથે સમસ્ત સંસારના આક્રમણનો સામનો કરવાની એ રાત્રિના વીરની અબોલ તૈયારી?

તે પછી તો તું ગામગામનાં પાણી પીતી પિતા સાથે ભટકી. તેં પિતાની ગરીબીને જ વહાલી ગણી. પિતાના પ્રેમશૌર્યની વેલડી બનીને તેં એના આપ્યા ચાર બેટા ને સાત પુત્રીઓ સંસારને સમર્પ્યા. પિતાના મૃત્યુ પાછળની કંગાલિયતને ખોળે પણ તેં અમને અગિયારેને ઉછેરી, મોટાં કરી, છેક પાટણ મોકલીને ભણાવ્યાંગણાવ્યાં, અને તને તો એ સાધુએ ભાખેલ ભાવિ સાચું પડતું જોવાનું પણ ન જડ્યું, બા ! તારા પેટના તો આવા ને તેવા પ્રતાપી પાકશે તેવું ભાખી ગયેલી વિદ્યા પ્રત્યે તું હસતી તો નહીં ચાલી ગઈ હો, બા? તું જો અત્યારે હોત તો તને કાંઈક તો પ્રતીતિ થાત હો, કે તારું સમર્પણ છેક નિરર્થક નથી ગયું.

વસ્તુપાલનાં સ્થિર થયેલાં નેત્રોમાં સજળતા તરવરી ઊઠી. શરૂમાં તો એક અશ્રુબિંદુ દેખાયું. પછી દેહ સહેજ કંપાયમાન બન્યો. એક ડૂસકું આવ્યું. પછી ડળક ડળક આંસુ સમેત ડૂસકાં પર ડૂસકાં ચાલુ થયાં, ને પછી એનો યોદ્ધા-કંઠ બદલી ગયો. કવિ-કંઠની વીણા વાગી, ને એણે રુદનભર્યા ને અનરાધાર આંસુભર્યા ગાલને હાસ્ય વડે ઢાંકવાની સંયમશક્તિ ગુમાવી મોટે અવાજે આક્રંદ માંડ્યું: “બા! ઓ બા! ઓ મારી બા !”

એ રુદનના પ્રતિઘોષ –ઋષભ-પ્રાસાદના ગભારામાં ઘોર્યા. કોઈ મોટા હર્ષના આવિષ્કારની આશાએ ઊભેલી જન-ભીડ તો મંત્રીની આ લાગણીને પરખી જ ન શકી. શોભનદેવ એકલો જ સૌની સામે અનિમેષ નેત્રે તાકી રહ્યો હતો. એના ચહેરા પર ચમકાટ નહોતો. એ તો જાણે આ રુદનની ગણતરી રાખીને જ ઊભો હતો. એની આંખો તો અનુપમા, લલિતાને સોખુ ઉપર ભમી ભમી ફરી પાછી પોતે ઘડેલી એ કુમારદેવીની પ્રતિમા પર વિરમતી હતી.

કોઈની મગદૂર નહોતી કે વસ્તુપાલને આ આક્રંદનું કારણ પૂછી શકે કે છાના રહેવાનું આશ્વાસન આપી શકે. નાભેયનાથના પ્રાસાદની જીવતી ને જડ બેઉ દુનિયાઓ વિસ્મયમાં ગરક હતી. કારણ કે, શંખ અને સદીકનો આ કરાળ કાળ, વાજા, ચૂડાસમા ને વાળા, ગોહિલો, ચાહમાનો અને જદુવંશીઓનો ગર્વગંજણ આ તો ગુર્જરેશ્વરનો મંત્રી એક અનાથ બાળકની જેમ રડતો હતો.