ગુજરાતનો જય/ભક્ત-હૃદય

વિકિસ્રોતમાંથી
← સાધુની ચેતવણી ગુજરાતનો જય
ભક્ત-હૃદય
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
'ધીર બનો' →




18
ભક્ત-હૃદય

શું પ્રયોજને સૂરિજી આજે ચારેક વર્ષે મારી પાછળ દોટદોટ વિહાર કરતા પહોંચ્યા એ વિચાર મંત્રીને સતાવતો હતો. પણ આદિ તીર્થંકર ઋષભદેવના પ્રાસાદમાં પ્રવેશ કરતાં પહેલાં એણે માનસિક તર્કવિતર્કોને અને પગનાં ઉપાનને એકસાથે જ બહાર કાઢી નાખ્યાં. મનની ગતિ રૂંધ્યા વગરની મહત્તા બધી બનાવટી છે એ વિચાર એના પર અદ્રશ્ય તમાચા જેવો પડ્યો. હું જ બધી ઊથલપાથલોનું મધ્યબિંદુ છું ને મારા વગર દુનિયાનું રસાતળ જવા બેઠું છે એવા છૂપા અભિમાનને એણે કાંચળી ઉતારતા સાપની માફક ઉતારી નાખ્યું. ને એણે જિનપ્રતિમાની સમીપ ઊભા રહીને અનુભવ્યું કે વાગ્દેવીના પ્રથમ-પહેલા ઝંકાર જેવી શબ્દરચના એની જીભને ટેરવે નાચી રહી છે; વર્ષોની પહેલી વાદળી જાણે વરસુંવરસું થઈ રહી છે; નદીનું પહેલું પૂર જાણે દૂરથી દોડ્યું આવતું, નજીક ને નજીક ગાજ્યે આવતું, હૃદયના બંને કિનારાને છેલાવી રહ્યું છે.

સુભાષિતો તો એણે મહેનત કરી કરી ઘણાંયે રચ્યાં હતાં, સ્તંભતીર્થમાં રાત્રિએ દીવીઓ બાળી બાળી, કષ્ટ વેઠી વેઠીને કવિતાનાં પાંખિયાં એ મેળવતો હતો ને લલિતા-સોખુને એવી રચનાઓ વડે રાત્રિના પ્રેમામોદમાં રીઝવતો હતો; પણ શત્રુંજયના આદિનાથ-પ્રાસાદના ઘૂમટ નીચે એણે જે કાવ્ય-ઘોષ પોતાના અંતરમાં ઊઠતો અનુભવ્યો તે નવીન પ્રકારનો ને નવી ચેતના સ્ફુરાવતો લાગ્યો; આ શબ્દો એને મોંએથી સર્યા –

त्वत्प्रासादकृते नीड वसन् शृण्वन् गुणांस्तव ।
संघदर्शनतुष्टात्मा भूयासं विहगोऽप्यहम् ॥

[આ તારા મંદિરમાં માળો ઘાલીને અંદર વસતો વસતો, તારાં સ્તવનો સુણતો અને તારા યાત્રીસંઘોનાં દર્શને સંતુષ્ટ બનતો હું એક પંખી જન્મું. તારા ઘૂમટમાં પારેવું બની ઘૂઘવતો રહું, એવું હું ભાવું છું. હે નાભેય ! હે ઋષભદેવ !]

પછી તો શ્લોકોની સાત સાત દેગડી ચડી. અન્ય ધ્યાનભાન એને રહ્યું નહીં. મંદિર, મંદિરનો ઘૂમટ, એ ઘૂમટમાં પંખીનો માળો નાખવાનાં વાંછિત સ્થાનો, અરે, ખુદ દેવમૂર્તિ પણ અદ્રશ્ય બન્યાં, ને એના પ્રાણની પ્રેમલગન સચરાચરને વ્યાપી બેઠેલા નિરંજન નિરાકાર કલ્યાણતત્ત્વ સાથે લાગી પડી –

यद् दाये धुतकारस्य, यत्प्रियायां वियोगिनः ।
यद् राधावेधिनः लक्ष्ये, तद् ध्यानं मेऽस्तु ते मते ॥

[દાવમાં જેવું જુગારીનું ધ્યાન, વિરહી પિયુનું જેવું પ્રિયામાં ધ્યાન, તીરંદાજનું જેવું નિશાનમાં ધ્યાન, તેવું જ એકાગ્ર ધ્યાન, હે દેવ ! મારું પણ તારામાં લાગી રહો !]

એની પ્રાર્થના પૂરી થઈ. એનું મન એને વરસી રહેલા શરદ-મેઘ જેવું સમુજ્જવલ ને શુભ્રવરણું, હળવુંફૂલ અને લહેરાતું લાગ્યું.

બપોરે સંઘ નીચે ઊતરતો હતો. વહી જતા શિયાળાની છેલ્લી ચમકી, ડુંગર પર પથરાયેલી કનકવર્તી તડકી સાથે એકરસ બની હતી. પથિકો પાછળ પાછળ ચાલ્યાં આવતાં હતાં ને મંત્રી પોતાના કવિમંડળ તેમ જ શ્રેષ્ઠીમંડળની સાથે આગળ આગળ ઊતરતો હતો. પોતાના પગમાં સ્વાભાવિક વધતા માનસિક વેગને એ મહેનત કરી કરી ખાળતો હતો. અરધો ડુંગરો ઊતરી રહ્યે એને સોએક માલણો સામે મળી. માથા પર ફૂલોના ઝૂંડલા હતા. તેમણે મંત્રીને ઓળખ્યા વગર પૂછી જોયું: “હેં ભાઈ, તમે સંઘમાં છો?”

"હા, કેમ પૂછો છો?"

“સંઘ શું પાછો વળે છે?”

“હા, બાઈઓ !”

“અરેરે અભાગ્ય !" માલણોએ નિઃશ્વાસ નાખ્યા, “અમારે ઘણુંય ફૂલ લઈને વે'લા પહોંચવું હતું. આજ આટલાં વર્ષે જાત્રાળુઓને ફૂલ આપીને રળવાની આશા હતી, પણ અમારે છોકરાંને રોટલા કરી દેવામાં અસૂર થયું.”

"હવે શું કરશો?”

“હવે તો બધાંએ પૂજા કરી વાળી, હવે તો અમારાં ફૂલ કોણ લ્યે?"

"તમે આંહીં થોડી વાર ઊભાં રહેશો, બાઈઓ?” વસ્તુપાલના મનમાં અનુકંપા રમતી હતી, સાથે સાથે એને એક વિચાર પણ સૂઝતો હતો. એણે માલણોને રોકી રાખી, ને સંઘ જ્યારે ઊતર્યો ત્યારે સૌને એણે પૂછ્યું:

“યાત્રિકો, તમે બધા જ દેવોની પૂજા ઉકેલીને પાછા વળો છોને?”

“હા જ તો.” યાત્રિકોએ જવાબ વાળ્યો, “બધા જ દેવોની.”

“નહીં નહીં" વસ્તુપાલે કહ્યું, “તમે એક મહાન દેવને, દેવોના પણ આરાધ્ય દેવને પૂજવો ભૂલી ગયા છો.”

“કયા દેવ ?” "જે દેવનું ખુદ આપણા સિદ્ધોએ પણ શરણું લીધું છે તે દેવને.”

“કોને?”

"આ ગરવાને. જુઓ, આ ગિરિ પોતે જ સર્વ તીર્થંકરોના દેવાલયરૂપ નથી શું? આ સિદ્ધાચલ પોતે જ યોગાસન વાળીને બેઠેલો મહાસિદ્ધ નથી શું? કેટલા માનવીને એની વનસ્પતિ, ઔષધિ, જંગલ ને ઝાડી, પથ્થરો ને માટી પોષણ આપે છે ! એ સાક્ષાત્ દેવ નથી શું? હું તો એની પૂજા કર્યા વગર નહીં ઊતરું. લાવ બાઈ, ફૂલ.”

એમ કહીને એણે માલણ પાસેથી પુષ્પો વેચાતાં લઈ નવી જ એક પૂજા ભણી શત્રુંજય પહાડની.

આખો સંઘ એને અનુસર્યો. માલણો રળીને પાછી વળી.

તળેટીમાં આવી પહોંચ્યા પછી પણ એને જોઈતું એકાંત જડવાને ઘણી વાર હતી. એનું સન્માન કરવા માટે સિંહપુરી(સિહોર)ના ગુહિલ ઠાકોર, તાલધ્વજ(તળાજા)ના વાળા ઠાકોર તેમ જ બીજા કંઈક હાજર હતા. તેમનો માનવિધિ પતાવતાં, તેમની ઘોડાંની ભેટો સ્વીકારતાં, તેમની સમક્ષ મોભો અને દરજ્જો સાચવી રાખવાની પોતાની કરડાઈ પર કંટાળો ખાતે ખાતે પણ મંત્રીને રાત પડી. રાતે સંઘજનોના પ્રત્યેક પડાવ પર જઈ જઈ એણે સર્વની સુખસગવડો તપાસી. તે પછી પોતે વિજયસેનસૂરિજી સાથે, કોઈને ગુપ્ત ન લાગે તેવા વાર્તાલાપમાં રોકાયા. એકાદ પ્રહર રાત્રિ વિત્યે એ ઉતાવળે પગલે ઉતારે આવ્યા.

રાત્રિએ સંઘપતિના પડાવમાં એક માણસ પેસતો હતો. ચોકી પછી ચોકી વટાવવામાં એને નડતર થતી નહોતી. મંત્રીની સહીવાળી અમુક મુદ્રા બતાવતો કે તરત એક પહેરેગીર એને અંદરની બીજી ચોકી સુધી પહોંચાડવા આવતો.

એને દિવસે જોનારો કોઈપણ આદમી ઓળખી શકે તેવું નહોતું. વેશપલટાની અને મોંની મુદ્રા બદલવાની એની આવડત આબાદ હતી.

ફક્ત આપણે જ કહી શકવાની સ્થિતિમાં છીએ, કે એ પેલો માલવી ભટરાજ હતો.