ગુજરાતનો જય/સાચક ભટરાજ

વિકિસ્રોતમાંથી
← ચાલો માનવીઓ ગુજરાતનો જય
સાચક ભટરાજ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
સુવેગ ફાવ્યો →





13
સાચક ભટરાજ

જાત્રાળુઓની અનંત કતાર વચ્ચે એક ઘોડેસવાર કઢંગી ચાલે અશ્વ હાંકતો એ વાહનોના વ્યવહારમાં ખલેલ કરતો ચાલ્યો આવતો હતો. સૌ એને ટપારતા હતા. શ્રાવકો હસી, કંટાળી, કહેતા હતા કે, “નવી નવાઈનો અસવાર લાગે છે. બાપગોતર કદી ઘોડે બેઠો નથી જણાતો.”

"તોછડાઈ ન કરો,” ઘોડેસવાર જવાબ દેતો હતો, “આજકાલના નથી અમે. અમેય સૈન્યમાં સેવા કરી છે.”

“અરે હા હા ! કોના સૈન્યમાં?”

"આ તમારા તેજપાલના જ સૈન્યમાં. તોછડાઈ શું કરો છો? અમેય એક દિવસ ભટરાજ હતા.”

એમ કહેતો કહેતો પ્રત્યેક વાહનને ટલ્લે ચડતો હતો, અને "જોઈ લેજો ભટરાજ ન જોયા હોય તો!” એમ બોલી બોલી યાત્રિકો આગળ વધતા હતા.

ચિડાઈને ઘોડેસવાર બબડતો હતો: “ફાટ્યા છેને ! ફાટો ફાટો, બાપુ ! કોના બાપની ગુજરાત છે !”

એની બોલીમાં માલવદેશ તરફની છાંટ હતી. ટલ્લે ચડતો ચડતો એ છેક પાછળ પડી ગયો, અને બે સુખપાલોથી શોભતી એક નાનકડી જાત્રાળુ-મંડળી લગોલગ એ થઈ ગયો. એ સુખપાલોમાંના એકમાંથી એક સ્ત્રીએ બહાર ડોકું કાઢ્યું, એટલે પોતાને સૈન્યનો ભટરાજ કહેવરાવવા ઈચ્છતા એ ઘોડેસવારે યાત્રિકોનાં ટોળાંને ઉદ્દેશીને વધુ તીખો બબડાટ આરંભ્યો: “હાલી મળ્યાં છેને ઘેલડાં ! ઘરમાં હોય એટલાં ઘરાણાં ઘાલીને નીકળી પડ્યાં છે ! કોના બાપની ગુજરાત ! કયો કાકો રક્ષણ કરી દેવાનો હતો. પોલું છે પોલું, બધું !”

“અરહંંત ! હે અરહંત !” બીજા સુખપાલમાં બેઠેલો એક બુઢો જણાતો યાત્રાળુ બે હાથ જોડીને ગાંડાની માફક સૌરાષ્ટ્રભૂમિને સંબોધતો હતોઃ “વાહ તીર્થંકરોની ભૂમિ ! વાહ વા! વાહ મારા દાદા! ન ભૂતો ન ભવિષ્યતિ !”

“હા એ તો,” ઘોડેસવાર ભટરાજ પણ બબડતા હતા, “ભૂતોથી જ ભરી છે સૌરાષ્ટ્રભૂમિ ! ભૂતાવળ નથી તો છે શું બીજું?”

અજબ જેવી વાત હતી કે આ વૃદ્ધ નર અને યુવાન નારીના યાત્રીવૃંદ આગળ ભટરાજનો ઘોડો એકસરખી ચાલ કાઢી થનગનાટ કરતો ચાલવા લાગ્યો.

સુખપાલમાં બેઠેલા વૃદ્ધ શ્રાવકજીને જાણે આ ભટરાજની કશી પરવા જ નહોતી ! તેમની હાથજોડ, તેમના મોંની ચેષ્ટા, તેમના બબડાટ, તેમની આંખો, બધાં તેમની ધર્મઘેલછા જ સૂચવતાં હતાં. સૌરાષ્ટ્રભૂમિને એ વારંવાર “વાહ દેવભૂમિ ! તરણતારણી ! આત્મોદ્ધારણી !” કહી કહી વંદતો હતો અને ઘોડેસવાર ભટરાજ એની મશ્કરી કરતો લાગે છતાં એના બોલવામાં ને એની ચેષ્ટઓમાં ઊંડો રસ લેતો હતો.

ઘોડેસવાર ફરી બબડ્યો– “અનુભવ થશે એ તો કેવીક દેવભૂમિ છે તેનો ! ના, પણ ખરા, બેય ભાઈઓ ખરા છે ! કોઈએ ન વગાડ્યું હોય એવું સાચોસાચ સાંબેલું વગાડી રહ્યા છે. અંદર જુઓ તો... ઠીકાઠીક છે બધું!"

પાલખીમાં બેઠેલ બુઢ્ઢો પુરુષ તો આ ટકોરા પ્રત્યે બહેરો જ હોય તે રીતે પોતાની ભક્તિઘેલછામાં મગ્ન હતો, પણ એની સાથેના બીજા સુખપાલમાં બેઠેલી જુવાન બાઈ જાણે કે મોતી વીણે તેવી ખંત રાખીને આ ઘોડેસવારના શબ્દો પકડતી હતી.

ધીરે ધીરે ઘોડેસવાર અને આ સ્ત્રીની પાલખી લગોલગ આવી ગયાં.

"કેમ, તમે પણ સંઘમાં છો કે?” પાલખીવાળી યુવતીએ ઘોડેસવારની સાથે વાત આદરી.

“એક રીતે તો ખરા જ ને!”

“કેમ એક રીતે?”

"અમે તો માળવાના શ્રેષ્ઠીઓ આવેલ છે તેના વોળાવિયા હતા. અમે શ્રાવક નથી; ક્ષત્રિય છીએ.”

“તે પણ જિનપ્રભુની સેવા જ છેના ! પ્રભુની સમક્ષ શ્રાવક-અશ્રાવકનો ભેદ ક્યાં છે?”

"પ્રભુ ભેદ રાખે કે ન રાખે, માણસ પાસે પ્રભુનું શું ચાલે? નહીંતર મારી નોકરી શું કામ તૂટે?”

"ક્યાં નોકર હતા? કોણે તોડ્યા?”

“આંહીં ધોળકામાં જ હતો.”

“કયા ખાતામાં

"સૈન્યમાં.” “સંભાળીને પગ મૂકજે તું”, એમ કહીને પેલા બુઢ્ઢા શેઠે પોતાની પાલખી ખેંચનારા ભાઈઓને પૃથ્વી પર આંગળી ચીંધી બતાવ્યું, "કીડીઓ કચરાય નહીં.”

પોતાને આ માર્ગ પર કચરાતી કીડીઓનો પ્રશ્ન વધુ મહત્ત્વનો હોય તેમ બતાવીને એ તો પાછો 'જય દેવભૂમિ!' રટવામાં પરોવાયો. પેલી બાઈએ થોડે દૂર ગયા પછી પાછું ઘોડેસવારને પૂછ્યું: “સૈન્યમાં હતા તમે, એમ કે ભટરાજ? સારું થયું ભાઈ, હિંસા કરવી મટી. કેટલાંક વર્ષથી અહીંના સૈન્યમાં હતા?”

"સાત વરસથી. તન તોડીને નોકરી આપી. આ સૌરાષ્ટ્રને કડે કરવામાં અમે જ હતાને? બસ, પછી કહે કે તમે ગુર્જર નથી, માળવી છો, પરદેશી છો, માટે ચાલ્યા જાવ ! ઠીક બાપા, આ ચાલ્યા.”

"એ જુઓ, ત્યાં લીલોતરી કચરાય છે, અલ્યા એઈ!” બુઢા શ્રેષ્ઠીજીએ વળી પાછા પાલખી-વાહકોને સાવધ કર્યા.

“હવે મૂકોને લપ!” એમ કહીને બુઢ્ઢાને તડકાવતી તરુણીએ એક મોહક સ્મિત કરીને વળી પાછી સૈન્યની વાત આગળ કરી, “પાપનો ધંધો ત્યાગ્યો એ તો સારું કર્યું, ભટરાજ ! માળવાના સંઘની સેવા કરવા આવ્યા એટલું પુણ્ય બંધાશે.”

“પુણ્ય તો બંધાઈ ગયું જ ના ! એમણેય મને અંતરિયાળથી રજા આપી.”

"કેમ?"

“કેમ શું? એ બધા વસ્તુપાલ શેઠના નામનાં બણગાં ફૂંક્યા કરે, ને હું રહ્યો સાચક, પેટમાં હોય તેવું કહી નાખું, એટલે અમારે ન પોસાયું.”

“તો હવે ક્યાં જશો? ઘેર બૈરીછોકરાં હશે, ખરું?"

"ના રે ના, સૈન્યની નોકરીમાં એ લપ તે પોસાય? અમે તો કાયમના મોકળા. ફાવે ત્યાં ફરીએ. બાકી તો ક્યાં જાઉં? આવી ભરાણો. બધાને જોઈએ ગુર્જર મંત્રીઓનાં ગુણગાન, ને હું તો રહ્યો સાચક – માયલા ભેદ જાણનારો."

“એવું ન રાખીએ. ભટરાજ, જાણીએ બધું, પણ બોલીએ શા સારુ? સાચું આજકાલ કોને ગમે છે?”

“હા જ તો. તોછડા પેટના માણસ વધી પડ્યા છે. હું ઘણોય મનને વારું છું, પણ હળાહળ જૂઠ તો કેમ ખમી ખવાય, શેઠાણીજી ! આ જુઓને, આમ સંઘનો ઠઠારો કરે છે, પણ હજી તો ગુજરાતને માથે કંઈક દુશમનો ગાજી રહ્યા છે તેનુંય ભાન રાખે છે?”

“દુશ્મનો ! હોય નહીં હોય ! હવે તો ગુજરાતનું નામય લે કે કોઈ?”

“શું ન લે? આ દેવગિરિનો જાદવ સિંઘણદેવ ડણકે. આમ શ્રાવકો સંઘ લઈને ગયા કે ત્રાટકવાનો. માળવાના અમારા દેવપાળ દીઠા છે? તલપાપડ થઈ રહ્યા છે પાટણને તોડવા.”

“તમે ભૂલ કરો છો. જિનપ્રભુ તેમને સર્વને આંધળાભીંત કરી મૂકશે. પણ તમે પરદેશી છો, ભટરાજ. વળી પાછા આહીંની સેનામાંથી તૂટીને માળવે ગયા છો. માટે આવું કાંઈ બોલતા નહીં. કોઈક નાહક વહેમાશે.”

“હા, એ ખરું. હું રહ્યો સાચક માણસ, ને ક્યાંક બોલાઈ જાય. તો તો હું પાછો જ ફરી જાઉં એ જ ઠીક નહીં?”

એમ કહીને એણે ઘોડો થંભાવ્યો.

“ના રે ના, એવું કાંઈ નથી. પણ કોઈ વહેમાય કે ચાડી ખાય નહીં તેવા ધણીની નોકરીમાં રહી જજો.”

"એવા તો આંહીં અંતરિયાળ કોણ મળે, શેઠાણીજી?”

“મળી રહે એ તો. તમારા જેવા સાચક બહાદરની જરૂર તો ઘણાને પડે. ચાલોને તમતમારે, કોઈક એવો ન મળે ત્યાંસુધી આપણી જોડે જ પડાવ રાખજો. મને કે આમને કંઈ વધુ વાતો કરવાની ટેવ જ નથી એટલે તમને ને અમને ફાવે તો જોજો.”

"પણ હું તો તમને કહી રાખું છું, શેઠાણીજી ! કે હું રહ્યો સાચક માણસ તમારે વસ્તુપાલ શેઠનાં વખાણ જોતાં હોય તો મારામાં નહીં ઠરો.”

"ભટરાજ! આપણે એમની વાત જ શીદ કરવી? હું તમારા જ જેવા સ્વભાવની છું. અમને લપછપ ગમતી જ નથી. ધર્મને વખતે ધર્મ, ને સંસારને ટાણે સંસાર. ધર્મ ને સંસારની સેળભેળ અમે કરતાં જ નથી. વળી ધર્મ તો આ અમારા શ્રાવકજી એટલો બધો કરે છે કે મારે તો નિરાંત છે. એના ધર્મમાં મારો અરધો ભાગ છે. હું તો ખરું કહું છું કે આંહીં આનંદ કરવા આવી છું. એમને સંસારી વાતોમાં રસ નહીં એટલે મને તો એકલું એકલું લાગે છે. તમે હશો તો જૂના વખતની, સૈન્યની, શૌર્યની, પ્રેમની વાતો તો સાંભળશું. ને વળી તમે તો પાકટ, એટલે આમને પણ કઈ ચિંતા ફફડાટ નહીં.” એમ કહીને એ ગોરીએ બુઢ્ઢા પ્રતિ હાથ ચીંધી, અંતરને વલોવી લે તેવો એક મિચકારો આ ભટરાજને હૈયે હુલાવ્યો. ભટરાજે કહ્યું: “એ ખરું છે. અમો તો અસલ ક્ષત્રી. ગુર્જરો જેવા નકલી નહીં. મગદૂર નથી કોઈની કે તમારા પડાવમાં પગ મૂકી શકે.”

આમ આ શેઠાણી અને માળવી ભટરાજ વચ્ચે ધોળકા પહોંચતાં સુધીમાં ઘાટો સંબંધ બંધાઈ ગયો. સંઘને એકત્ર થતાં પાંચદસ દિવસ લાગ્યા. દરમ્યાન બુઢ્ઢા શ્રેષ્ઠી ધર્મભાવે ઓગળી જતા એકેએક દેરાસરમાં ઘૂમી વળ્યા. શેઠાણી એકાદબે ઠેકાણે જઈને કંટાળી જતી. બુઢ્ઢા શ્રેષ્ઠી એને ઘણું ઘણું સમજાવી પરાણે સાથે લેવા મથતા ને છેવટે 'નારી નરકની વેલડી ! નારી નરકની ખાણ !' એ સ્તવન ગાતા. ગાતા 'અભાગ્ય તારાં !' એમ કહી દેવપૂજા માટે ચાલ્યા જતા. દેર દેરે જઈ પોતાને જે મળે તેને વાતે ચડાવતા, વસ્તુપાલ શેઠનાં વખાણ કરતા અને સામા માણસનું પેટ લેવા પ્રયત્ન કરતા.

માળવી ભટરાજ શેઠાણી સાથે પડાવમાં રહી વાતો કરતા; શેઠાણીને સૈન્યની ને શૂરવીરોની વાતો ગમતી. સૈન્ય કેવાં હોય, તેના પડાવો, શસ્ત્રસરંજામો, વ્યૂહરચનાઓ વગેરે કેવાં હોય એવું પૂછ્યા જ કરતી. ને માળવી ભટરાજ પણ બહાર ફરી આવીને કહેતાઃ “આજ તો સૈનિક ભાઈબંધોને મળવા ગયો હતો.” “આજ તો ફલાણી ચોકી પર જઈ જૂના સંબંધો તાજા કરી આવ્યો, ને અમુક નગરદ્વારના રખેવાળોને ખરખબર પૂછી આવ્યો.”

"આંહીંના યોદ્ધા, કહે છે કે, બહુ રૂપાળા હોય છે, એ સાચું?” શેઠાણી એને પૂછતાં.

"ના રે ના, ધૂળ રૂપાળા ! અમારા અવન્તિના સૈનિકોની આંખો, મરોડ, બાંધો, બોલી, એ બધું ક્યાં? ને ક્યાં બાપડા આ બનાવટી ગુર્જરો ! માળવીને જુઓ તો ચક્કર ખાઈ જાઓ.”

"એ તો રોજ ખાઉં જ છુંના?” એમ કહેતાં શેઠાણી હસી પડતાં અને એવી કટોકટીની વેળાએ માળવી ભટરાજ વધુ અનુભવો આ શેઠાણીને ખોળે ઠાલવવા માટે બહાર નીકળી પડતા.

“છેક જ પોલું ! ઓહોહો ! આ તો બધો ઉપલો ઠઠારો !” સાંજે આવીને ભટરાજે વાત છેડી.

“અરહંત ! અરહંત !” જિન-સ્તવન રટતે રટતે શ્રેષ્ઠીએ આંખ આડા કાન કર્યા એટલે માળવી ભટરાજે અરહંતના રટણમાં ખૂતેલું એમનું ચિત્ત બહાર કાઢવા વધુ પ્રયત્ન કર્યો. "છેક સૈન્ય-દુર્ગમાં પણ બધું ઢમઢોલ માંહીં પોલ.”

ચમકીને શેઠાણી ચેતવતાં: “ધીરે બોલો, ભટરાજ ! એવું ના બોલીએ. બોલ્યું બહાર પડે. મને તો બીક લાગે છે.”

"શું કરું પણ? મારો તો જીવ બળે છે. આ ધોળકાનું શું થવા બેઠું છે? બધું જ પોલ. હું તો છેક દુર્ગમાં જઈને બેસી આવ્યો આજ.”

“એ જંજાળ છોડી દો ભટરાજ, ને હવે તો પ્રભુમાં ધ્યાન પરોવો. શું સૈન્યમાં ફરી સેવા માગવા ગયેલા?”

“ના. આ તો હું સહેજ જૂની ઓળખાણ તાજી કરવા ગયેલો. છેક દુર્ગમાં જઈ આવ્યો.” "જવા દીધા?”

“અરે, મને કોણ ના પાડે? એક તો ઓળખાણ ને બીજું એમનેય સ્વાર્થ.”

“સ્વાર્થ શાનો વળી?”

“આ માળવાની વાતો જાણી લેવાનો.”

“ન કહીએ, હો ભટરાજ ! એ રાજખટપટમાં ન પડવું, એઈને સુખેથી જાત્રા કરો ને !”

"અરે હું તે કરું? ગમે તેમ તોય માળવા મારું ઘર. એનો ભેદ હું જીવ જાય તોય ન આપું.”

“રાજ્યો વચ્ચેના વિગ્રહની વાતો કરીએ જ નહીં ભટરાજ ! એ તો મહાપાપનો પ્રકાર છે. મરશે એ તો ! કરશે તે ભરશે.”

"ના પણ મારો તો જીવ બળે છે, શેઠાણીજી કે આ સિંઘણદેવ જાદવ ત્રાટકે તો શું થાય ગુજરાતનું? પાકી કેરીની જેમ ખરી પડે તેવું છે આંહીંનું કમઠાણ.”

"સિંઘણદેવ ત્રાટકે? શી વાત કરો છો? ક્યાં દેવગિરિ ને ક્યાં ધોળકું? અરહંત અરહંત કરો ! આંહીનો દુર્ગ તો વજ્રનો કહેવાય છે. તમને ખબર ન હોય કે એની સજાવટ ક્યાં સંતાડી હશે.”

"મને ખબર ન પડે? તો તો તમે ખાંડ ખાવ છો. તમે કહેતાં હો તો વિગતવાર વર્ણવી દેખાડું કેટલાં શસ્ત્રો છે ને કેટલા હાથી, ઘોડા ને લડવૈયા છે.”

"આપણે એ વાતથી શો સંબંધ છે, ભટરાજ? ચાલો હવે, એ જે હો તે હો. કાલે તો સંઘ ઊપડશે.”

“હા, ને સંઘમાં જ મોટા ભાગનું સૈન્ય જોડાઈ જશે. અહીં તો પાછળ રહેશે બધું, ચુડેલના વાંસા જેવું.”

“એવું ન બોલો. જે જોયું હોય તે પેટમાં રાખો, ને હવે અરહંતનું નામ લઈ ઊંઘી જઈએ.”