ગુજરાતનો જય/હમ્મીરમદમર્દન
← નવી ખુમારી | ગુજરાતનો જય હમ્મીરમદમર્દન ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
બે જ માગણીઓ → |
આબુ પર બે જણાં ચડતાં હતાં. તેજપાલ અને અનુપમા. અનુપમા સ્વામીની નવલી રાત્રિઓની ઝીણી ઝીણી હાંસી કરતી હતી. આગલી ગંભીરતા એણે તોડી હતી – તેજપાલને પણ અનુપમાના ગાંભીર્યમાં આ નવો આવેલો હાંસીનો ચમકારો વિચિત્ર લાગ્યો. શોક્ય લાવીને લહેરી બનનારી નારી નવાઈભરી હતી. નવી સ્ત્રી સુહડાની, સાથે જ અનુપમાએ તેજપાલને ચંદ્રાવતી તેડાવ્યો હતો. બેઉનું શયનગૃહ પોતે જ રોજ રાત્રિએ પુષ્પ, અર્ક ને પ્રદીપે સજી આપતી હતી. સુહડાને પોતે જ સ્વાદુપકવાનો જમાડતી ને શણગારતી હતી. થોડા દિવસોમાં પતિનું પુરુષાતન પ્રફુલ્લિત બન્યું હતું. સ્વામી અનુપમાને ભર્યો ભર્યો અને પોતાના પ્રતિ વધુ ભક્તિભાવે ઢળતો, આંબા સમો લાગ્યો.
તેજપાલનું આબુ આવવાનું પ્રયોજન બેવડું હતું - જાહેર અને ખાનગી. પાટણ, મેવાડ, નડૂલ વગેરે પાડોશી પ્રદેશોમાં ખબર થઈ હતી કે તેજપાલ નવી બૈરીને શણગારો સજાવવામાં અને જૂનીને દેલવાડે નવું મંદિર બંધાવીને પટાવી લેવામાં ગૃહકંકાસ ઓલવવામાં પડી ગયો છે. બેઉ ભાઈઓની મશ્કરીનો આ બોલ તો ગુર્જર દેશનાં પાડોશીઓમાં ચલણી થઈ પડ્યો હતો કે 'બેઉનું જોટે જ કામ છે. ભાઈ !'
મંદિરનું ચણતર તપાસતાં વરવહુ ચંદ્રાવતીના ખમીરનું ચણતર કરતાં હતાં. તેજપાલ ધારાવર્ષદેવની સાથે રહી આબુની ઘાટીઓ તપાસતો હતો. અને પરમારની આજ્ઞા પ્રમાણે ચંદ્રાવતી-મંડલના સિંધ બાજુના સીમાડા ખાલી થઈ રહ્યા હતા. ગામેગામ ઉજ્જડ બનતું હતું. વસ્તી દૂર દૂર ખસતી જતી હતી.
આબુ પર આરસનો પ્રભુપ્રાસાદ ઊભો થતો હતો. અને આબુની પેલી બાજુ ઘોર સંગ્રામનો વ્યૂહ વિસ્તરતો હતો. બન્ને પ્રવૃત્તિઓ એકબીજીને તાલ દેતી ચાલતી હતી. વિનાશ અને સર્જન, બેઉ એક જ પુનરુત્થાનનાં બે પાસાં અથવા એક જ રથનાં બે ચક્રો હતાં.
સિંધમાં લપાયેલા કાળયવન મીરશિકારના કાન સુધી વાતો પહોંચતી હતી કે ગુર્જર રાણાએ ભદ્રેશ્વરમાં ખડ ખાધું છે, દખણી સિંઘણદેવની તાબેદારી સ્વીકારી છે, અને એ જાદવને તો એક રૂપાળી ગુજરાતણની પણ ભેટ કરી છે, ઉપરાંત રાણાનો ટિલાત બેટો વીરમદેવ વિગ્રહખોર મનસૂબા ઘડતો ઘડતો એને સાસરે જાબાલિપુર જઈ બેઠો છે.
સિંઘણદેવને સુંદર ગુજરાતણ સાંપડી એ સમાચારે વિશેષ કરીને મીરશિકારની દાઢ સળકાવી મૂકી હતી. વાણિયા મંત્રીઓ જોટે પરણ્યા ! ગુજરાત તો ગોરી હિંદુ સુંદરીઓનો શાદીનો બગીચો લાગે છે ! મીરશિકાર તલપાપડ બન્યો. પહોંચીને પુષ્પો ચૂંટવાની જ વાર હતી. મ્લેચ્છ સૈનિકો ગુર્જરી સુંદરીઓના બાહુપાશમાં લપેટાવા માટે મરણને પણ પ્યારું કરી સજ્જ થઈ ગયા.
અનર્ગળ યવનસેના આવી રહી હતી, નજીક ને નજીક – વધુ વધુ નજીકઃ એક રાજ્યને પાર કર્યું, બીજા રાજ્યે રસ્તો દઈ દીધો, ત્રીજાએ યવન ફોજને સરભરા પૂરી. કોઈ કરતાં કોઈએ એને પોતાની ભૂમિ પર પગ મૂકવાની ના ન કહી, સૌએ પોતાને શિરેથી ઊતરતી બલાને ગુર્જરરાષ્ટ્ર પર ઓળઘોળ કરી. ભલે ત્રાટકે પાટણ પર, ભલે ભાંગે ધોળકું. જૂનાં વેર વીસરી શક્યા નહીં.
આવે છે, યવનો આવે છે...
પાટણમાં ખેપિયા પર ખેપિયા ચાલ્યા આવતા હતા.
“કચ્છ-ભદ્રેસરના મંડળેશ્વર ભીમસિંહ ચાલ્યા આવે છે.”
“માથે છત્ર ને ચામર ધારણ કર્યા છે ને મારા દીકરાએ?” લવણપ્રસાદે મોં મલકાવીને ખેપિયાને પૂછ્યું.
“ના, બાપુ. પોતાના મંડળનાં રાજચિહનો ઉપરાંત કશું નથી.”
“એ પણ નવી નવાઈ. જંગલ-પાણી પણ વિના છત્રચામરે નહોતો જતો”
“આત્મસમર્પણનો પણ ચેપ લાગે છે, બાપુ” વસ્તુપાલે એમ કહીને મોટા રાણાની નિછાવરીને વખાણી.
ભીમસિંહ મંડલેશ્વર આવી પહોંચ્યા અને છત્રચામર એણે ગુર્જર સિંહાસનને પગથિયે મૂકી દીધાં.
"ધન્ય છે, દીકરા" લવણપ્રસાદે એને બાથમાં લીધો, "પણ તારે તો ઝટ પાછા પહોંચવાનું છે. કચ્છની ઉગમણી દિશાએ જ ઊભવાનું છે.”
“હું તો પાછો જવા માટે જ આવ્યો છું. પણ આવવાનું કારણ અગત્યનું છે.”
"કહો."
“પેલા ત્રણ ચૌહાણ ભાઈઓની માગણી છે કે એમને રાણાની રક્ષા માટે અહીં આવવા દેવા.”
એ ત્રણેયને યાદ કરતાં તો રાણા વીરધવલનાં રૂંવાડાં ચિત્કારી ઊઠ્યાં. ભદ્રેસરના દ્વંદ્વમાં એણે રાણાની છાલ કંઈ ઓછી ફાડી હતી ! કેટલા અભિમાની ને ઘમંડી ! રાણાએ પિતાને કહ્યું: “આપણે અહીં શું કામ છે, બાપુ?”
ભીમસિંહે બીજા સમાચાર સુણાવ્યા: “એ ત્રણેએ તો નડૂલના આખા ચૌહાણ કુલને કહેવરાવી દીધું છે. ચૌહાણો ચાલ્યા જ આવતા હશે.”
"દીકરા,” મોટા રાણાએ વીરધવલને કહ્યું, “આ ટાણે કોઈ કરતાં કોઈને ના કહીશ નહીં, જાકારો દઈશ નહીં.”
“પણ કાલે પાછાં આપણે નડૂલને, મારવાડનેને મેવાડને કાન ઝાલી મંડલેશ્વરો કરવા પડશે ત્યારે આ ઉપકાર આડો આવશે.”
"નહીં ભાઈ, નહીં. હવે ઝાઝા મંડલેશ્વરોને ભેગા કરવા નથી. ગુજરાતને આપણી બથમાં આવે તેટલી જ રાખવી છે. બાકીના તમામ સમોવડ મિત્રો જ રહેશે એવી ઘોષણા કરી દે, મારા બાપ ! ગુજરાતને તોતિંગ અજગર કરી રાખે શી સારાવાટ છે? પૂરું પોતાનું જ શરીર ઊંચકીને ચાલી ન શકતી ગુજરાતને તો પાછળથી કૂતરાં કરડી ખાશે. માટે હું તો કહું છું કે તમામ પાડોશીઓને વધામણી પહોંચાડી દો કે આ યવનોને પાછા કાઢવામાં મદદ કરો ને સદાને માટે સ્વાધીનતા ભોગવો. ગુજરાતને આપણે એને પોતાને જ વિસ્તારભારે ચગદાઈ જવા નથી દેવી. કેમ બોલતો નથી તું?” મોટા રાણા વસ્તુપાલ તરફ વળ્યા.
"બાપુ, તમે તો ભરાડી ચોર નીકળ્યા!”
“કાં ?”
"હું ઘેરથી જે કહેવાનું ગોઠવીને લાવ્યો હતો તે જ આપ શબ્દશઃ કહી રહ્યા છો."
"કુસંગતનાં ફળ બધાં, બેટા ! પણ હું તો તમને સૌને કહું છું, કે બથમાં આવે એવડી જ – બસ એવડી જ – ગુજરાતનો મોહ રાખજો.”
"તો પધારો, મંડલેશ્વર !" રાણા વીરધવલે ભીમસિંહને રજા આપી, અને ચૌહાણ- ભાઈઓને 'જય સોમનાથ' કહી અમારું નિમંત્રણ દેજો, ને બાપુની સૂચના મુજબ પાડોશીઓને પત્રો લખી મોકલો, મંત્રીજી.”
પ્રભાત પડે છે ને વધાઈ મળે છે.
રેવાકાંઠો આવી ગયો : પચીસ હજાર. મહીકાંઠાના મેવાસીઓ ચાળીસ હજાર તીરકામઠે હાજર છે.
પખવાડિયું થયું ત્યાં તો એક પણ એવો પ્રદેશ નહોતો રહ્યો જેના પ્રતિનિધિઓ યવનો સામે લડવાને હાજર ન થયા હોય. દરિયાની મહારેલ સમી માનવભરતી આબુ-ચંદ્રાવતી તરફ રેલાવા લાગી. તેમ છતાં એક માણસના હૈયામાંનો જૂનો ફફડાટ હજુ વિરમ્યો નહોતો. એ કાળજું હજુ પણ પ્રશ્નાર્થચિહ્નનો આકાર ધરી રહ્યું હતું. યવનો ! યવનો કેવા હશે ! આ મારા પાતળિયા રૂપકડા ગુર્જરો જો ભાગશે તો હું શું કરીશ? અરે, હું પોતે તો નહીં ધ્રૂજી જાઉંને? કેવડા મહાકાય યવનો ! કેવા વિકરાળ, કેવા પલીત અને નિર્મમ !”
જેતલદેવીની પોતે પ્રભાતે વિદાય લીધી તેને રાણાએ છેલ્લીપહેલી જ માની હતી. અને રાણાને છેલ્લા જે વિદાય-બોલ રાણકી કહી રહી હતી તે આ હતા: "હું સોરઠની દીકરી – જોહર કેમ થાય તેની જાણ નથી, માટે જાણકાર રાજપૂતાણીઓને મેવાડથી તેડાવી રાખી છે. આપ નચિંત રહેજો.”
"શું? એ શું કહી રહ્યાં છો, હેં બા !” એકાએક બહારના ખંડમાંથી મંત્રીનો બોલ સંભળાયો, “બળી મરવાનું ટાણું કલ્પો છો શું? અરે, સોમનાથ સોમનાથ કરો, બા ! એ જમાનો તો ગયો ગુજરાતને માથેથી. અને રાણાજીને જો પાછા ન લાવું ને, તો તમે તમારા મહેલને નહીં પણ આખા પાટણને ને ગુજરાતને આગ ચાંપી દેજો. પછી કોઈને ગુજરાતમાં જીવતા રહેવાની જરૂર જ નહીં રહે. તમે તો બા, યવનોનાં માથાનાં શકટોનું સ્વાગત કરવાની જ સામગ્રી તૈયાર રાખજો.”
“પણ, ભાઈ !” રાણી જેતલની આંખોમાં ઝળઝળિયાં ડોકાતાં હતાં, “અગાઉ કેટલી વાર બન્યું છે?”
“અગાઉ બન્યું તેની ભ્રમણામાં છે એટલે જ યવન આવી રહ્યો છે ના ! જાણતો હશે દીકરો, કે આંહીં ગુજરાતમાં હજીય કીડિયારે લોટ વેરનારા અને પરબડી પર પારેવાંને જુવાર નાખનારા જંતુઓ જ ખદબદે છે. માનતો હશે કે આંહીં તો બામણા ને શ્રાવકડા વચ્ચે સત્તાદોર હાથ કરવાની હરીફાઈ જ ચાલી રહી છે ! એના મનમાં મોજ હશે કે ગુર્જરો પોતાના શત્રુનો વિનાશ મંદિર માયલા પથરાના સતને સોંપી દઈ પોતે તો જપ, તપ અને ગુણિકાના નાચમાં જ ગરકાવ હશે. એથી તો એ આવી રહ્યો છે, બા ! એને ગુજરાતની કાયાપલટના ખબર કોઈએ પહોંચાડ્યા નથી – ને એ તો ઠીક જ થયું છે. તમે જરા ચંદ્રશાલા પર ચડી ને જુઓ તો ખરાં કે વામનસ્થલીના સંગ્રામ પછી આજ ગુજરાતનાં પૌરુષ-નીર ક્યાં જતાં છોળો મારી રહ્યાં છે. અમે સંઘ અમસ્તો નહોતો કાઢ્યો, બા ! માટે બળી મરવા નહીં પણ કૃપાણો ખેંચી કૂદી પડવા તૈયાર કરજો ગુજરાતણોને.”
બહારથી ખબર આવ્યાઃ દેવગિરિથી દૂત આવી ઊભો છે.
યાદવપતિ સિંઘણદેવનું પત્ર વંચાયું. તેમાં પુછાણ હતું: “કેટલું સૈન્ય મોકલું?” જવાબ વાળ્યો: ‘આપનું પત્ર એક અક્ષોહિણી જેટલી સહાય પૂરી પાડ્યા બરોબર છે. હવે તો ગુજરાતના ધ્વંસ પછી જ આપનો વારો આવશે.”
અને છેલ્લે – રાજબંદીવાનોના નિવાસસ્થાનેથી એક વિનતિ રાણા પાસે આવી: “મને આ મહાસંગ્રામમાં અદના સૈનિક લેખે પણ યુદ્ધ ખેલવાનો અધિકાર નહીં આપો એ હું જાણું છું. મારા પર વિશ્વાસ નહીં જ મૂકો – ન મૂકો એમ હું જ સામેથી કહું છું, કારણ કે માણસના મનનું ઠેકાણું નથી. મને જ મારા પર વિશ્વાસ નથી. પણ મને સૈન્યપ્રસ્થાનનાં દર્શન કરવા માટે ભવાનીને મંદિરે ચોકીપહેરા નીચે ઊભો તો રહેવા દો, હું સદગતિ પામીશ.'
એ સંદેશો આગલા લાટપતિ સંગ્રામસિંહનો હતો. સિંઘણદેવ અને માલવપતિ સાથેના એના ષડ્યંત્રની સજામાં એ પાટણનો રાજકેદી બન્યો હતો. ભયંકર અને દારુણ યવનધાડાં ફરી પાછાં એક વાર ગુજરાતની નવરચનાને રક્તસ્નાન કરાવવા ધસ્યાં આવે છે એવા સમાચારે તો સંગ્રામ સમા તરકંટી ગુર્જરનું પણ હૈયું હલાવી મેલ્યું હતું.
ભવાનીમંદિર બલિ ધર્યા પછી જ સૈન્યનું સંચાલન થનાર હતું. અન્ય પશુબલિની, નૈવેદ્યની વગેરે તો તૈયારી રખાઈ હતી. સંગ્રામસિંહે માતાને મઢે ચડીને સૈન્ય નિહાળ્યું ને એણે ઉદ્દગાર કાઢ્યો: “ઓહો! આવા મહાપ્રસ્થાન માટે તો મોંઘા નરબલિ જ મા ભવાનીને ચડવા ઘટે.”
થોડીવાર પછી રાણાજી પાસે ખબર પહોંચાડવામાં આવ્યા કે સંગ્રામસિંહે મા ભવાનીની સમક્ષ એકાએક પોતાની સમશેર વડે પોતાનું શિર ઉતારી બલિ ધર્યો છે. અમને કોઈને જાણ નહોતી ને આ બન્યું છે. મસ્તક ઉતારતાં પહેલાં એણે 'જય ગુર્જરીનો' એવો એક ઉદ્ગાર કાઢ્યો હતો.
મહાશકુન મળ્યાં સમજી પ્રયાણનો પ્રારંભ થયો. સ્તંભતીર્થથી પારસિકો અને પેઢાનપેઢીથી વસી રહેલા અરબો પણ અબીલ-ગુલાલ અને પુષ્પો લઈ વિદાય દેવા ઊભા હતા. નગરશ્રેષ્ઠીની કુમારિકા પુત્રી કુંભ લઈને આવી. રાણાનો અભિષેક કરી એના કરમાં શ્રીફળ મૂક્યું. ધીરે ધીરે ધ્વજ ક્ષિતિજમાં સમાયો ત્યાંસુધી સૌ ઊભા રહ્યા. ગુજરાતનું ઘરેઘર સીમાડે ઊભું ઊભું નયનાશ્રુ લૂછી રહ્યું હતું; કારણ કે એવો એકપણ ઉંબર નહોતો – સિવાય વાંઝિયાનો – કે જ્યાંથી અનેક જોધાર આબુ તરફ ન સિધાવી ગયો હોય.
પેલી તરફ સિંધમાંથી સવારી લઈને ચડેલા મીરશિકારે લૂણી નદીને કાંઠે તંબુ તાયા હતા અને પોતાના નેકપાકગુરુ સાંઈમૌલાના આવવાની પોતે રાહ જોતો હતો. સામાન્ય રીતે દરવેશો બુજરગ હોય છે તો જ સમર્થ રાજાબાદશાહોના મુર્શદ બની શકે છે. પણ મીરશિકારના સાંઈમૌલા છેલ્લા એક દાયકાથી જેવા ને તેવા યુવાન હતા. પંદર સાલથી એનો સિંધમાં નિવાસ હતો અને મીરશિકારને ખાતરી થઈ ચૂકી હતી કે આ દરવેશ એક મગરમચ્છને માથે સવારી કરીને છેક બગદાદથી નગરઠઠ્ઠા આવ્યા છે. ઇસ્લામની ચાદર આખા ગુજરાત પર પાથરી દેવી એવું એ દરવેશનું બિરદ હતું. એ માટે પોતે ગુજરાતમાં વારંવાર જતા અને પાછા સિંધ આવીને મીરને ખુશખબર દેતા કે કેટલા સેંકડો હજારોને પોતે શિષ્યો બનાવ્યા છે. મીરશિકારની આ વખતની ચડાઈને પણ એ યુવાન દરવેશે જ મંજૂરી સંભળાવી હતી. પોતે આગળ જઈને તમામ નિરીક્ષણનો સાર આપવા લૂણીને કાંઠે હાજર થયા ને જણાવ્યું કે ચંદ્રાવતી ઉજ્જડ છે, આબુનાં ગામડાં વેરાન પડ્યાં છે, જે કાંઈ વસ્તી રહી છે તે માત્ર ઇસ્લામીઓની જ છે.
"ત્યારે શત્રુ ક્યાં છે?”
“એની જમાવટ તો છેક પાલનપુર પાસે જ છે. થરથરી ઊઠેલ છે, ફોજનું કાંઈ ઠેકાણું નથી. પહેલું કામ અલ્લાહના શુકર ગુજારવાનું એટલે કે આબુનાં દેરાં જમીનદોસ્ત કરવાનું છે. ઊપડો જલદી. ફતેહ તો ગુલબદનની માફક રાહ જુએ છે, મીરશિકાર !” એમ કહીને ઓલિયાએ રજા લીધી.
“કાં, બાપુ?"
“મારે તો બેસવું પડશે તારી ફતેહ માટે બંદગીમાં.”
"ક્યાં ?”
“પંજા પીરની ગુફાને તળિયે. આહાર ને પાણી બધું છોડીને ત્યાં બેઠો બેઠો તારી ફતેહની રટણા કરીશ.”
બાપુના કદમોને બોસા કરીને મીરશિકાર ચડ્યો અને આંહીં પાછળ ગુફા પાસે ઓલિયાએ પોતાની જમાત સાથે પંદર વર્ષના વેશ પરિધાન ઉતાર્યા; ને પવનવેગી સાંઢ્યો સજ્જ રાખી હતી તેને પલાણી આડકેડે થઈ ગુર્જર સૈન્યને આંબી લીધું. મુદ્રા તો તૈયાર જ હતી, એટલે સૈન્યની ચોકીઓમાં પ્રવેશ પણ સરલ હતો. મંત્રી વસ્તુપાલની પાસે જઈને એકાંતે એણે કહ્યું: “આબુ-અરવલ્લીની ઘાટીમાં.”
"શાબાશ, કમલક” મંત્રીએ પાસે લઈને એ દરવેશ બાપુ મટીને પાછો કમલક નામે ચર બની જનારને પ્રોત્સાહિત કર્યો.
"બોલ જલદી.”
“બીજું કશું નહીં. આબુ-અરવલ્લીની ઊંડી ઘાંટીમાં.”
"મેદાનમાં નહીં?”
“ના, નહીં પહોંચો. અનવધિ સૈન્ય છે યવનોનું.”
“તો શું ઘાંટીમાં આપણે પ્રવેશી જઈએ?” “નહીં. એમને ઠાંસી દેવાના. આપણે બેઉ છેડેથી ડાટો દેવાનો છે.”
“ઘાંટીમાં ઊતરશે ખરા કે?”
“બરાબર ઊતરશે. બીજો કોઈ માર્ગ નથી, અને એને તો પહોંચવું છે આબુનાં દેરાં ભાંગવા.”
“માર્ગે બધો બંદોબસ્ત છે ના?”
"માર્ગે તો માનવીઓ જ ક્યાં રહેવા દીધા છે ! શૂન્ય ગામડામાં ફક્ત વટલેલ તરકડાઓને જ રહેવા દીધા છે. એ લોકો કરશે મહેમાની. પ્રહૂલાદનપુર સુધીના પટને નધણિયાતો બનાવ્યો છે.”
"ઠીક ત્યારે, એ મુજબ વ્યૂહ ગોઠવું છું. તું તો પંદર વર્ષમાં મોટો ઓલિયો બની ગયો.”
“જી હા, ને હવે મને એ લોકો પીર બનાવશે.”
"ભાષાજ્ઞાન બરાબર મેળવી લીધું હશે.”
“જી, અરબી ને ફારસી તો જિહવાગ્રે છે. ખૂબ વાંચ્યું છે – કુરાન, કવિતા, સાહિત્ય, જ્યોતિષ, ઈતિહાસ વગેરે.”
"વારુ, પછી નિરાંતે બેઠાં બેઠાં તારી પાસેથી આ બધી વિદ્યા ભણી શકાશે. એ પણ કેવો લહાવો ! અલ્યા ગાંજોખાંજો પીતો કે નહીં?"
"હા, જી, ખોટેખોટી સટ મારતો ચલમોને.”
“ઠીક, હવે તું ક્યાં જશે?”
"બીજે ક્યાં વળી? ઘાંટીમાં.”
"વારુ.”
રાજ્ય પછી રાજ્યને પાર કરી ગયેલો મીરશિકાર આબુને સીમાડે સામનાની ધારણા સેવતો હતો. પણ એ સીમાડા તો એણે ઉજ્જડ જોયા. ત્યાં ફોજ તો નહોતી. ગામડાં કે શહેરોમાં માણસો પણ નહોતા. મલકાતો મલકાતો મીરશિકાર આકડાની ડાળે માખીઓ વગરનું મધ ભાળી આગળ વધ્યો આવતો હતો. ગામડે ગામડે અને નાના નેસોમાં રડ્યાખડ્યા માણસો હતા. તેઓના વેશપોશાક અને રહેણીકરણી યવનનાં હતાં. તે આ સૈન્યનો સત્કાર કરતા હતા, ફોજને દૂધ-ઘીથી ધરવતા હતા. અનાજની પણ સગવડ કરી દેતા હતા.
મીરશિકારે પૂછ્યું કે, “તમારો ધારાવર્ષ કેમ ફરકતો નથી? એની ફોજ ક્યાં ગાયબ થઈ ગઈ?”
ગામડિયા યવનવેશીઓએ જવાબ વાળ્યો કે કાલે જ ધાર પરમાર પાટણ ભાગી ગયા, ને ફોજ તો પ્રહલાદનપુરના ઓડા બાંધવા દોડી રહી છે. ચંદ્રાવતીમાં કે ડુંગરામાં કોઈ ધણીધોરી નથી. જે છે તે બધું પ્રહલાદનપુર છે.
સાંભળી સાંભળીને મીરશિકાર વખત ગુમાવ્યા વગર વેગ કરતો આગળ વધ્યો. ગામડે ગામડે એણે ફક્ત એકબે માણસો જોયા. તેઓ બધા તુરકવેશી હતા. તેમણે પણ એ-ની એ જ બાતમી આપી: બધી જમાવટ પ્રહલાદનપુરમાં થાય છે, આંહીં તો આખો પ્રદેશ અણરક્ષ્યો છે.
આબુ-ચંદ્રાવતીનાં દેરાં તોડવાની તાતી મુરાદે યવન ફોજ ઊંધું ઘાલીને આગળ વધી; અને કશા જ ડર સંકોચ વગર આબુની ઘાંટીમાં પેઠી.
ઘાંટીમાં આખી ફોજ ઓરાઈ ગઈ, વચ્ચોવચ્ચ આવી, ઠાંસોઠાંસ ભરાઈ ગઈ, તે વખતે પછી પાછળથી એક બીજું સૈન્ય ઘાંટીમાં દાખલ થયું. એને મોખરે હતા ધારાવર્ષદેવ. એ સૈન્યે પાછળનો માર્ગ બંધ કર્યો, યવન સેનાએ પછવાડે કંઈક ભીંસ ભાળી, ઘાંટીને પાર કરવા એણે કદમ ઉપાડ્યા. ત્યાં તો ઘાંટી નિર્જન મટીને માનવસિંધુએ ઊભરાઈ ઊઠી. ઘાંટીના આગલા પ્રવેશસ્થાનને ઠાંસીને બીજું એક સૈન્ય ઊભું હતું. એના આગેવાન હતા વીરધવલ અને તેજપાલ.
બન્નેની વચ્ચે પ્રચંડ યવન ફોજ ભચરડાઈ ગઈ. આગળ કે પાછળ નીકળાયું નહીં. બેઉ પડખે ઊંચા પહાડોની દીવાલો હતી. પહાડો પરથી પણ છૂપા સૈન્યે મૃત્યુ વરસાવ્યું. મીરશિકારનાં માણસો અને સાધનો ચુપચાપ ત્યાં રોળાઈ ગયાં.
યુદ્ધ પત્યા પછી રાણા વીરધવલે ધારાવર્ષદેવને કહ્યું: “મારે તમારું સૈન્ય જોવું છે.”
પ્રત્યેક સૈનિકને જોતા જોતા, કોઈકને જાણે એ શોધતા હતા. આખરે એક સામાન્ય યોદ્ધાની પાસે આવતાં એ થંભ્યા, એણે અણસાર પારખી પૂછ્યું: “આપણે સૌરાષ્ટ્રના ગામડાના શિવાલયમાં મળેલા?”
યોદ્ધો નમન કરીને નીચે જોઈ ગયો. એનો મદ એક સ્ત્રીએ ગાળી નાખ્યો હતો.
“કટારીનો દાવ તમે જ બતાવેલો. ખરું ?"
યોદ્ધાએ લજ્જા રાખીને હા કહી.
“એ કરતાંય વધુ કારમાં તો તમે તમારી જીભના કટાર-ઘા ચોડેલા, નહીં?”
“હું ક્ષમા પ્રાર્થુમં છું.” યોદ્ધાએ જવાબ વાળ્યો.
“તમને ધારાવર્ષદેવે કંઈક શિક્ષા કરવી જોઈએ."
ધારાવર્ષદેવ કંઈ બોલ્યા વગર ઊભા રહ્યા.
“પણ એ શિક્ષા કરે તે પૂર્વે મારે તમને બદલો દેવો રહે છે.” એમ કહીને વીરધવલે પોતાની કૃપાણ લઈને એ વીરને ખંભે આરોપી અને ધારાવર્ષને કહ્યું: “પરમારદેવ ! આ જુવાને મને યવનોથી ડરતો દેખી ફિટકાર દીધેલો. હું માણસાઈ ચૂકતો હતો તેમાંથી એણે બચાવેલો. તારું નામ શું, સૈનિક?”
“સોમ.” યોદ્ધાએ ટૂંકું નામ આપ્યું. સાંભળનારા સૌ રમૂજ પામ્યા. સોમને તો જીવન ગંભીર બન્યું હતું.
"તારા પિતાનું નામ?”
"ધારાવર્ષદેવ.” વીરધવલ વધુ ચકિત બન્યા. આ પોતે જ ધાર પરમારનો પુત્ર હતો. અને આબુની ગાદીનો વારસદાર એક સામાન્ય યોદ્ધાની પંગતમાં ! એને સોમ-ચંદ્રપ્રભાવાળી ઘટના માલુમ નહોતી.
ધારાવર્ષદેવે કહ્યું: “રાણાજી ! સોમ તો હજુ બચ્ચું છે. એનો અપરાધ થયો લાગે છે.”
“પણ આમ કેમ?” વીરધવલે સોમનું નીચલું પદ દેખીને પૂછ્યું.
“એ તો એને સ્થાને જ શોભે ને, રાણા ! ગાદી પર બેસે ત્યારે જુદી વાત, તે પહેલાં તો એ અદના સૈનિક જ છે અને રહેશે.”
"એટલે જ કદાચ આબુનો વિજય થયો છે. પણ હવે તો મારે મારા ધોળકાવાસીઓનોયે ડર મટાડવો છે, યવનોને તો મારા પ્રજાજનોએ કદી ભાળ્યા નથી.”
"જીવતા તો લઈ જવા માટે રહ્યા નથી.”
“તો હું મૂએલાને લઈ જઈ બતાવીશ.”
આબુની એ ઘાટીમાં રડવડતાં યવનોનાં વિકરાળ છેદાયેલાં મસ્તકોનાં ગાડાં ને ગાડાં ભરીને વીરધવલ અને તેજપાલ ધોળકે લઈ ગયા અને ધોળકાની પ્રજાને ખાતરી થઈ કે યવનો પણ ઘુઘૂલની માફક બેપગા ને બેહાથાળા સામાન્ય મનુષ્યો છે અને એને પણ ગુર્જરી પરાજય આપી શકે છે.
એ માથાના ઢગલા દેખીને સૌથી વધુ ઠરેલી આંખો સિદ્ધેશ્વરના બુઢ્ઢા રખેવાળ દેવરાજ પટ્ટકિલની હતી. હવે આ જીવનમાં પોતાને જોવા જેવું કશું રહ્યું નહીં. દેવરાજે તે જ રાત્રિએ ખાટલો ઢાળ્યો. ધીરે ધીરે એના પ્રાણ છૂટી ગયા. એ ખબર રાણા લવણપ્રસાદને પાટણ પહોંચતાં તેમણે જીવનમાં ફરી એકવાર જગતથી છૂપું સ્નાન કર્યું. ધોળકામાં વીરધવલે સ્નાન કર્યું. વીરધવલ ખૂબ ખૂબ રડ્યા. એણે પિતાના મૃત્યુનું દુઃખ અનુભવ્યું.
આબુના વિજય પછી વસ્તુપાલ અને તેજપાલ પાટણના મહામંત્રીપદે સ્થપાયા. લવણપ્રસાદ સાથે મહામંત્રી મંત્રણામાં બેઠા. વામનસ્થલી પત્યું, ગોધરા પત્યું, દેવગિરિ, ભદ્રેશ્વર અને લાટનો પ્રશ્ન ઊકલ્યો. હવે બાકી રહ્યાં અવન્તી, મેવાડ અને નડૂલ. વસ્તુપાલે નિઃશ્વાસ નાખ્યોઃ “બધેથી સાંધિવિગ્રહિકો નિરાશ થઈ પાછા ફર્યા છે, બાપુ ! એ તો બધા ગુજરાતની મૈત્રીની ઘસીને ના પાડે છે.”
“ત્યારે તો દિલ્લીના સુરત્રાણનો ભો ઊભો ને ઊભો!”
"પણ મારે હવે એ ઊભો નથી રહેવા દેવો, બાપુ.”
“શું કરીએ? એને શરણે તો ઓછા જ જવાય છે?”
“ના, પણ હવે તો સુરત્રાણની સીધી મૈત્રી શોધવી જ રહે છે. આ હિંદુ રાજ્યોથી તો હવે હાથ ધોઈ નાખ્યા. સંગઠન અશક્ય છે.”
"કેમ કરશું?”
“ઉતાવળ નથી. કોઈક માનભરી તક મળે ત્યારે જ વાત છે.”
રાત્રિએ ચંદ્રશાલા (અગાસી)માં ચંદ્ર-કિરણોનો સ્વાગત-થાળ છલકાતો હતો. રાણકી જેતલદે પતિનું શિર ખોળામાં લઈ એના કપાળ પરથી કેશ ખેસવીને ચંદ્રનાં પ્રતિબિમ્બ નીરખી રહી. ટપ ટપ ટપ એની આંખોનાં નેવલાં ટપકવા લાગ્યાં. લાંબી વારનું મૌન તોડીને રાણકીએ પૂછ્યું: "યવનો કેવા લાગ્યા, કહો તો ખરા?”
“કહેતાં લાજી મરું છું.” વીરધવલ હસ્યા.
"કાં ?”
“અરે રામ ! હું નાહકનો બીકે મરતો હતો. દેખાવે ભયંકર પણ સાચેસાચ ચીંથરાં સરીખા. જે ડરે તેની તો દર્શનમાત્રથી છાતી બેસાડી દે; પણ આપણી રણહાકે શું નાઠા છે ! ગભરાઈને, ભાન ભૂલીને અંદરોઅંદર કાપાકાપી કરી બેઠા.”
“તમે ક્યાં રહી લડ્યા?”
"સૌની મોખરે. મારે બેઉ પડખે હતા મંત્રી ભાઈઓ. પણ રંગ તો રાખ્યો એક દાઢીવાળા દરવેશે. એ તો ઘાંટીમાં દોડતો ગયો ને યવનોને એમ કહી ભડકાવ્યા કે “ભાગો, ભાગો, વીરધવલ પોતે જ આવે છે. ભાગો ભાગો ભાગો, વીરધવલ આવે છે. એને જોતાં જ યવન-ફોજ થડકી ગઈ. એના શબ્દોએ ચમત્કાર કર્યો. યવનો ગાભરા બની ગયા.”
"એ દરવેશ કોણ?”
“આપણો એક ગુપ્તચર એ યવનોનો ઓલિયો બનીને આ કામ કરી ગયો. જુક્તિ અને સમશેર, બેઉએ મળીને પડ ભેળી દીધું.”
“હવે તો યવનોનો ડર નથીને?”
“સાક્ષાત્ કાળનો પણ નહીં.”
“આવો ત્યારે.” કહીને રાણીએ પતિને છાતીએ લીધો.