લખાણ પર જાઓ

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/નિષ્કુળાનંદ

વિકિસ્રોતમાંથી
← રેવાશંકર ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
નિષ્કુળાનંદ
દલપતરામ
રણછોડજી દીવાન →


નિષ્કુળાનંદ

એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. તેણે ભક્તચિંતામણી નામનો ગ્રંથ સંવત ૧૮૭૭માં કાઠીયાવાડ પ્રાંતના ગઢડામાં રહીને તેણે પુરો કરેલો છે. એ ગ્રંથ તુલસીદાસની રામકથા જેવડો છે. તેમાં ઘણું કરીને ત્રણતાળની ચોપાઈએ અને પૂર્વ છાયા છે. તેની કલ્પનાશક્તિ સારી જણાય છે. પણ તેણે પિંગળનો અભ્યાસ કરેલો જણાતો નથી.

જમદંડ નામનો ગ્રંથ, વચનવિધિ, પુરૂષોતમપ્રકાશ, ભક્તનિધિ, હરિસ્મૃતિ, અરજી વિનય, ચિન્હચિંતામણી, મનગમન, ચાતુરિયું, સ્નેહગીતા, ચોસઠપદી, ગુણગ્રાહક, કલ્યાણનિર્ણય, હરિવિચરણ, સારસિદ્ધિ, ધીરજખ્યાન, શિક્ષાપત્રી, રૂદેપ્રકાશ, હરિબળગીતા, ઈત્યાદિક ગુજરાતીભાષાની કવિતામાં તેણે ગ્રંથ રચેલા છે. અને છુટકપદ પણ ઘણાં કરેલાં છે. તેનો અડસટો મને માલમ નથી. પણ એ કવિને ચોમાસામાં એવો નિયમ હમેશાં હતો કે, દરરોજ ચાર ગરબિયો અથવા કોઈ રાગનાં ચાર પદ નવાં રચ્યા પછી અન્ન જમવું. તેનાં સગળાં પુસ્તકો ગઢડામાં તથા ધોલેરામાં આચાર્યજી રઘુવીરજી મહારાજના તાબામાં છે. અને કેટલાએક ગુજરાતમાં ફેલાએલાં પણ છે. સ્વામીનારાયણની પાસે ગયા સૈકામાં દશ કવિયો હતા. તેમાંનો એ પણ હતો. બીજા કવિયોએ રાધાકૃષ્ણના વિહારની કવિતા કરેલી છે. પણ નિષ્કુળાનંદે એવી કવિતા મુદ્દલ કરી જણાતી નથી. ઘણું કરીને વૈરાગ્ય વિષે, તથા પોતાના ગુરૂનાં ચરિત્ર વિષે જ તેણે કવિતા કરેલી છે. એને ધોલેરાના મંદિરના મહંતની પદવી મળી હતી. મારે તેનો મેળાપ થયો હતો. તેનો સ્વભાવ શાંત હતો, તેના મોઢાનું ભાષણ સાંભળીને લોકોના મનમાં ઘણી અસર થતી હતી. નિર્માની અને ગંભીર સ્વભાવ હતો. સામળભટ કરતાં અને પ્રેમાનંદભટ કરતાં તેણે ગુજરાતીમાં વધારે પુસ્તકો રચેલાં છે, પણ કોઈક ઠેકાણે તેની કવિતામાં તાળ તુટે છે, તથા ઝડઝમક પણ વખાણવા જેવી નથી, તેથી તેને બીજા વર્ગના કવિયોમાં ગણીએ છૈએ. તેની કવિતાના નમુના દાખલ કાવ્યોદોહનમાં સ્ત્રીનિંદાનું, પ્રકરણ લીધું છે. એ જ રીતે પુરુષનિંદાનું, ધનનિંદાનું, સ્વાદનિંદાનું અને અભિમાનનિંદા વગેરેનાં પ્રકરણ ભક્તચિંતામણીમાં તેણે રચેલાં છે. એ કવિયે મને વાત કરી હતી કે, અમારા ગુરૂએ અમને સર્વે પરમહંસોને એવી આજ્ઞા કરી હતી કે, તમારે વગડામાં જ રાતને દહાડો રહેવું, ફક્ત ભિક્ષા માગવા ગામમાં જવું; અને ભિક્ષામાં રાંધેલું અથવા કાચું અન્ન જે જે લોકો આપે તે બધું એકઠું લેવું. પછી પાણીના ઘાટ ઊપર જઈને તેમાં પાણી છાંટીને તેના ગોળાવાળીને જમવા. પણ કોઈ એક ગ્રહસ્થને ઘેર જમવા બેસવું નહીં. અને ઉઘાડે માથે ફક્ત નાનું પોતિયું પેહેરવું. પછી અમે બે ત્રણ વર્ષ સુધી એવી રીતે કર્યું. અમે જે ગામમાં જતા ત્યાંના ઘણાખરા લોકો અમારો તિરસ્કાર કરતા હતા. કારણ કે અમારી વાતો સાંભળીને કેટલાએક અમારા જેવા થઈ નિસરતા હતા. તે સમે અમે ૫૦૦ પરમહંસો હતા, તે દશ દશ બારનાં જુદાં મંડળ બાંધીને ફરતા હતા. વેરાગીઓએ અમારામાંના કેટલાએક પરમહંસોને મારી નાંખ્યા હતા અને કેટલાએકને અધમુઆ કર્યા હતા. પછી ગુજરાતમાં જ્યારથી અંગ્રેજ સરકારનું રાજ્ય થયું ત્યારથી થોડે થોડે અમને સુખ થતું ગયું. પછી અમારા ગુરૂએ વસ્તીમાં રહેવાની તથા રાંધેલું જમવાની અમને આજ્ઞા આપી. અમે ખરા દિલથી પરમેશ્વર પાસે એવું માગીએ છૈએ કે અંગ્રેજ સરકારનું રાજ્ય ભરતખંડમાં હમેશાં રહેજો અને અમે જાણીએ છૈએ કે, પરમેશ્વરે અમારા રક્ષણ વાસ્તે જ અંગ્રેજનું રાજ્ય ગુજરાતમાં મોકલ્યું છે.