ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/પ્રેમાનંદ સ્વામી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  નરભેરામ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
પ્રેમાનંદ સ્વામી
દલપતરામ
નાહાનો ભક્ત →


એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. લોકો કહે છે કે, તે પૂર્વાશ્રમે ગાંધર્વ હતો. તે ગાન કળામાં ઘણો હુંશિયાર, તે મતના સગળા સાધુઓમાં ગણાતો હતો. તેથી ઘણી જાતનાં વાજાં બાજાવી જાણતો હતો. પ્રેમ સખી એવું તેનું બીજું નામ હતું. તેણે તરેહ તરેહના રાગના પદ રેખતા, ઠુમરિયો વગેરે આશરે ૭૦૦૦ પદ હિંદુસ્તાની ભાષામાં અને ૩૦૦૦ ગુજરાતી ભાષામાં કરેલાં છે. તુલસી વિવાહના ધોળ ઘણાં સરસ રચેલાં છે. નવરાગ ઉપજાવવાની તેનામાં શક્તિ હતી. તેની કવિતા એવી તો રસિક છે કે બીજામતનાં લોકોનાં મન પણ રંજન થાય છે., અને તે ગાવા શિખે છે. કેટલાએક લોકો, સ્વામીનારાયણ મતનાં પદ ગાવાથી અદેખાઈ રાખે છે તેઓ પ્રેમાનંદના નામને ઠેકાણે તુલસીદાસનું અથવા બીજા કોઈનું નામ દાખલ કરીને પ્રેમાનંદ સ્વામીના પદ ગાય છે. કેટલીએક રામજણિયો પણ તેનાં પદ ગાય છે, તેણે સુંદ રાગમાં કૃષ્ણલીલા વધારે વરણવી છે. સ્વામીનારાયણના વિજોગની ગરબિયો તેણે બનાવી. તે ગરબિયો મેળામાં એક ઠેકાણે કોઈ ગાતા હતા. તે સાંભળનારા સર્વેની ઓખ્યોમાંથી આંસુ ચાલ્યાં, અને ગાનારની છાતી ભરાઈ આવ્યાથી તેનો કંઠ પણ બંધ પડ્યો, ત્યારે બીજા મોટા મોટા સાધુઓએ કહ્યું કે, પ્રેમાનંદ સ્વામીને થપકો દેવો જોઈયે, કે આવી ગરબિયો તમે હરિભક્તોને, અને સાધુઓને રોવરાવવા સારૂ કરી છે, તે ઠીક કરયું નથી. અને આજ પછી ઘણું કરીને આ ગરબિયો કોઈયે ગાવી નહિ. તેમજ પ્રેમની ગરબિયો તેણે રચેલી છે તે સાંભળીને તે મત્તના લોકોને પોતાના ગુરૂદેવ ઉપર અતિશે પ્રેમની અસર થાય છે. એવો એની કવિતામાં ચમત્કાર છે. કહે છે કે એ પ્રેમની ગરબિયો તેણે આશરે સવંત ૧૮૭૮માં રચીને, સભામાં સહજાનંદ સાવીમીની આગળ ગાઈ, તેમ સર્વ સભાને પ્રેમની ઘણી અસર થઈ, અને તે સાંભળી સહજાનંદ સ્વામી ડોલતા હતા. છેલીવારે તેઓ બોલ્યા કે તારાં માત પિતાને ધન્ય છે.

પ્રેમાનંદ સ્વામીનુંમંડળ જે ગામમાં જાય, ત્યાંના લોકો પર મતના હોય તો પણ તેનું ગાન સાંભળવા સારૂ ઘણા આતુર થઈને તેની પાસે જતા હતા. તે કવિ સવંત ૧૯૦૫માં હયાત હતો. ત્યારે તેની ઉમ્મર આશરે ૭૦ વર્ષની જણાતી હતી. ગવૈયા લોકો તેની પાસે ગાનકળા શિખવા આવતા. પ્રેમાનંદ સ્વામીએ દેહ મુક્યા પછી તેના જેવો કોઈ કવિ એ મતના સાધુઓમાં કેહેવાતા નથી. અને તે મતની સભામાં વાજાં સાથે બીજાની કવિતા પણ છે. જ્યારે પ્રેમાનંદ સ્વામીની કવિતા ગવાય ત્યારે હદ વળે છે, અને સૌને સંતોષ ઉપજે છે. કાઠિયાવાડમાં ગઢડાના મંદિરમાં તે ઘણું રહેતો હતો. એ કવિ ઘણું કરીને પહેલા વર્ગમાં ગણવા લાયક છે.