ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/વલ્લભભટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← દલપત ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
વલ્લભભટ
દલપતરામ
રઘુનાથદાસ →


એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ હતો. તે પ્રથમ વિષ્ણુભક્ત હતો પણ કહે છે કે, તે શ્રીનાથજીની જાત્રા કરવા ગયો. ત્યાં મંદિરમાં સેહે જ થુંક્યો, તેથી મંદિરના લોકોએ તેનો ઘણો જ ધિક્કાર કર્યો. ત્યારે વલ્લભભટે કહ્યું કે, પરમેશ્વરનાં આપણે છોકરાં છિયે, માટે છોકરાં તો મા બાપના ખોળામાં થુંક શેડા નાંખે તે મા બાપ સહન કરે.

મંદિરવાળાએ કહ્યું કે, મા સહન કરે, પણ બાપ એવું સહન કરે નહિ માટે આ તો માનું મંદિર નથી. બાપનું મંદિર છે.

એ સાંભળીને તેના મનમાં એવો વિચાર આવ્યો કે, માના કરતાં બાપનું હેત ઓછું જણાય છે. માટે પરમેશ્વરને બાપ કહિયે તો તેના હેતમાં ખામી આવે છે. અને પરમેશ્વરને પુરુષને આકારે કે, સ્ત્રીને આકારે છે. તે કોઈયે દીઠો નથી. માટે હવેથી મારી આખી ઉંમર સુધી પરમેશ્વરને મા કહીને જ મારે પ્રાર્થના તથા વરણન કરવું અને પરમેશ્વરનાં જેટલાં નામ છે, તે લોકોએ કલ્પિત ઠરાવ્યાં છે. માટે હિંદુસ્તાનમાં જેટલી દેવિયો કહેવાય છે, તેનાં નામ તથા તેનાં રૂપ તે, પરમેશ્વરનાં જ નામ અને રૂપ છે. એવો નિશ્ચય કર્યો. વળી તેણે જોયું કે, સગળાં તિર્થ અને દેવસ્થાનોના માલેક લોકો થઈ પડ્યા છે. માટે મારે એક નવું તિર્થ અને નવાં દેવસ્થાનનો મહિમા વધારવો.

પછી તેણે દેશાટન કરતાં ચુંવાળ પ્રાંતમાં બહુચરાજીનું સ્થાન દીઠું. તેનો મહિમા પોતે વધાર્યો અને ગુજરાતી ભાષામાં મોટા મોટા ગરબા રચ્યા, તેની વાણી એવી સરસ છે કે, તેથી તે પેહેલા વર્ગના કવિયોમાં ગણાય છે. એની કવિતાની અસરથી ઘણા લોકો બહુચરાજીના સેવક થયા. અને મોટા મોટા સંઘ ત્યાં જવા લાગ્યા. ગાયકવાડ મહારાજે મોટું દેરૂં કરાવ્યું; એ જગા જે તાલુકદારના તાબામાં હતી. તેણે ચોકી પહેરા વાસ્તે કમાળિયા જાતના મુસલમાનોને એવો હક કરી આપ્યો કે, તે મંદિરની ઉપજ તમે લેજો, અને બંદોબસ્ત રાખજો. એક સમે વલ્લભભટને અને કમાળિયાઓને તકરાર પડી, ત્યારે વલ્લભભટ અમદાવાદના સંઘ સાથે બહુચરાજીએ જતાં રસ્તામાં દેતરોજ ગામ આવ્યું ત્યાં તેણે લોકોને કહ્યું કે, દેવિયે મને સ્વપ્નમાં કહ્યું કે, હવેથી હું દેતરોજમાં રહીશ, માટે આ ઠેકાણે મારી માનતા ચલાવવી.

પછી લોકો તેના કહેવા ઊપરથી એ જ ઠેકાણે બાધાઓ ઉતારી, અને પાછા ઘેર ગયા. એ વાત કમાળિયાઓએ જાણી ત્યારે જાણ્યું કે, આપણી આજીવિકા તુટી જશે. તેથી તેઓ વલ્લભભટના સામા આવીને તેની આજીજી કરીને તેને મનાવ્યા અને પાછું તે જ સ્થાનક કાયમ રાખ્યું.

બહુચરાજી વિષે તેણે એવી વાતો ચલાવી કે, ત્યાંના કુંડમાં નહાવાથી એક સ્ત્રી હતી તે પુરુષ થયો, અને ઘોડીનો ઘોડો, નેં કુતરીનો કુતરો થયો. એવી વાત દેશમાં ફેલાયાથી "ઘણાએક નપુંસક પુરૂષો ત્યાં જઈને રહ્યા. તેઓ બહુચરાજીના પાવૈયા કહેવાય છે. હાલમાં આશરે ૧૫૦૦ છે. તેઓ સ્ત્રીનો વેષ રાખે છે. અને જેમ ગોંસાઈ, ખાખીની જમાતો બંધાય છે, તેમ તેઓની પણ જમાતો બંધાઈ છે. તેમાં એક મોટેરો હોય તે ગુરૂ કહેવાય છે, નેં બીજા તેના ચેલા કહેવાય છે. તેઓ દરએક ગામમાં જઈને દુકાને દુકાને ભીખના પૈસા ઉઘરાવે છે. કાંધાં પાજરાં પણ કરે છે, દેવાદાર કોઈ તેનાં નાણાં ઓળવી શકતો નથી. કારણ કે તેને ઘેર જઈને બેઅદબી બોલીને તથા નવસ્ત્રો થઈને તેને કાયર કરે છે. તેના ગુરૂનો વારસો ચેલાને મળે છે."

વલ્લભભટની વખતમાં સંવત, ૧૭૮૮ના વર્ષમાં મોટો દુકાળ પડ્યો તથા રાજાનો રૈયત ઊપર ઘણો જુલમ હતો, તેનું વરણન કળિકાળના ગરબામાં તેણે કરેલું છે. કહે છે કે, વલ્લભભટ પરણ્યો નહોતો. ધોળોભટ, હરીભટ તથા એક ત્રીજો મળીને તેઓ ચાર ભાઈ હતા. અમદાવાદમાં તેણે બહુચરાજીનું સ્થાન કરાવેલું છે. હાલ તેના પિત્રાઈના ઘરમાં તેની કવિતાના તમામ ચોપડા છે. વલ્લભભટ માથે ચુનડી બાંધતો હતો, ભાંગ બહુ પીતો હતો. બહુચરાજીમાં પણ હાલ તેની એક ઓરડી કહેવાય છે. લોકો કહે છે કે, બહુચરાજી પ્રત્યક્ષ તેને મળતાં હતાં. તેણે આનંદના ગરબામાં કહ્યું છે કે -

"તોતળા મુખ તન, તોતો તો કહેમા;"
"અર્ભક માગે અન્ન, નિજ માતા મન લે મા."
અર્થ

બોબડા મોઢાનો બાળક, કહે તો તોતો; પણ તેની મા સમજી લે કે, એ બાળક રોટલો માગે છે.

તેમજ હું તારી પાસે ગમે તે માગું, અને ગમે તેવા આકારે જાણીને હું તારી સ્તુતિ કરું પણ આ દુનિયાનો પેદા કરનાર તું જ હોય તે જાણી લેજો કે, તેને બોલતાં નથી આવડતું માટે આ રીતે બોલે છે, અને માગતાં નથી આવડતું માટે આ રીતે માગે છે. પણ તેનો પ્રેમ મારા ઊપર છે, અને તેને ફલાણી ચીજ આપવી યોગ્ય છે.

વલ્લભભટની કવિતા આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે, પણ ઘણું કરીને તે નવરાતમાં ગવાય છે.

એની કવિતા ઊપરથી જણાય છે કે, તેણે સંસ્કૃતનો અભ્યાસ કરેલો હતો.