ગુલાબસિંહ/તરંગ ૧:અંબર

વિકિસ્રોતમાંથી
← ગુરુનો આશ્રમ ગુલાબસિંહ
અંબર
મણિલાલ દ્વિવેદી
ભાડાની કોટડી →


પ્રકરણ ૬ ઠું.

અંબર.

ચોહાણોના સમયમાં આર્યાવર્તમાં ધર્મની શ્રદ્ધા અને વિદ્યાની ચર્ચા તથા વિદ્વત્તાનું માન સારી રીતે ઠામે ઠામ દીઠામાં આવતું હતું, રાસ, કાવ્ય, વાદવિવાદ, ઈત્યાદિ ચર્ચાઓ પ્રસંગે પ્રસંગે થતી, અને નાના કે મહોટા દરેક રજવાડામાં કવિ, પંડિત, આદિની ઉચ્ચ પંક્તિ ગણવામાં આવતી. પરંતુ જે શાન્તિના સમયમાં વિદ્યા કલા ઉત્તેજિત થાય છે તેજ શાન્તિ ઘણીવાર મોજશોખ, એશઆરામ, આલસ્ય અને નિરુત્સાહને પણ પોષણ કરનારી નીવડે છે. શાસ્ત્ર ધારણ કરવાના ભવ્ય અને ઉદાર વ્યાપારમાંથી પરવારેલા રજપૂતો પરસ્પરના વૈભવોની તુલના કરી એક એકનો દ્વેષ કરતા થયા હતા અને દીલ્હીની ગાદી પૃથુરાયને ભળવાથી કનોજના જયચંદ પ્રભૃતિ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. અંતઃકલહનાં ચિન્હો અને એશઆરામનો વધારો એથી આર્યાવર્ત બહુ સબલ હોવાને સ્થાને નિર્બલ થવા લાગ્યો હતો.

ગયા પ્રકરણમાં જે વર્ણન કર્યું પછી ઘણે દિવસે અંબર નગરમાં કોઈ એક ઘણા કુલીન અને શોખીન ગૃહસ્થને ઘેર ગામના મુખ્ય વિદ્વાનો અને ચતુર લોકો ભેગા મળ્યા હતા. એ સમયે પશ્ચિમ દિશામાંથી મુસલમાનોનાં ટોળે ટોળાં વારંવાર આર્યાવર્ત ઉપર વરૂની માફક તૂટી પડતાં, અને પાયમાલ થતા ભારતવાસીઓ વારંવાર માર ખાઈ બેશી રહેતા. અંબરના રજપૂત રાજાઓ ખરા વીર્યવાન્ ને ટેક વાળા હતા; તેમનામાં કાલે કરી કેટલાએક એવા નિપુણ નર પણ થયા હતા કે જે કેવલ રાજનીતિ ઉપરજ લક્ષ રાખી જાત જાતના રાજકીય તર્ક વિતર્કમાં મશગુલ રહેતા. અંબરની રાજગાદી ઉપરથી પૃથુરાજ દિલ્હી જવાથી અમીરોને આવા વિચારો માટે અવકાશ મળતો. આજ એમ વિચાર કરે કે રાજાને બદલે પંચાયતથી કામ કરીએ તો રાજ્ય ઠીક ચાલે; તો વળી કાલ એવા તર્ક કરે કે લોક સ્વચ્છંદે ચાલે તો વધારે સુખી થાય. આ તર્ક વિતર્ક જેમ ફ્રાન્સ દેશમાં આખરે રાજા એ નામનો પણ નાશ કરવા વાળા થઈ પડ્યા તેમ અંબરમાં થયું નહિ; કારણકે પંડિતોની મંડલીમાં વાક્‌ચર્ચા કરવા કરતાં તે વિચારો વધારે આગળ જઈ શકતા નહિ, રજપૂત લોકની એકનિષ્ઠા અને રાજભક્તિ એવી દૃઢ હતી કે આવા વિતર્કથી તેમના વિચાર આડે માર્ગે વળી શકતા નહિ. કદાપિ વળ્યા હોત, પણ જેમ એક તરફથી તેમની શ્રદ્ધા તેમને હદમાં રાખતી હતી તેમ બીજી તરફથી મુસલમાનોના ત્રાસને લીધે સર્વે પોતાના દેશ માટે જીવ વેગળા મૂકી બેઠેલા હતા. બીજું સુજતુંજ નહિ.

એક તરફથી પોતાના રાજ્યમાં સુધારો કરવાના અને બીજી તરફથી મુસલમાન લોકોનો ત્રાસ નિવારણ કરવાના વિચાર ચાલી રહ્યા છે, મંડલીમાં અફીણ, મદિરા, આદિનો દોર જામી રહ્યો છે, સર્વે પોતપોતાની જે કાંઈ ધૂન હોય – રાજ્ય, કાવ્ય, ધર્મ, નીતિ – તેને તાને ઝુકી રહ્યા છે, તેવામાં કોઈએ કહ્યું કે આ કલિકાલનો મહાવિકટ વખત આવતો ચાલે છે, તેમાં આપણા શિષ્ટ આર્ય લોકનો આચાર તો ધીમે ધીમે મલિન થઈ જતો જાય છે ને તેથીજ આપણી પડતીનો વખત પાસે આવતો માલુમ પડે છે. એવામાં માનસિંહ નામે શૂરવીર મદિરાનો પ્યાલો પોતાના મોં આગળ લઈ જતાં બોલી ઉઠ્યો કે “એ તો બધું ખરૂં પણ હાલનો કાલ શો માઠો થઈ ગયો છે, કે તમે બધા પુરાતનની વાતોને જ વખાણો છો ? લોકને એવી પ્રકૃતિ પડેલી હોય છે કે જે ન સમજાય તે બધું ઘણું પવિત્ર અને માન આપવા લાયક ગણી લેવું ! પણ એમાં શું ? એ તો વગર અક્કલનું કામ કહેવાય. શું દિવસે દિવસે માણસો બેવકૂફ થતા જાય છે ? ઉલટું હું તો એમ ધારૂં છું કે બુદ્ધિનો દિનપ્રતિદિન વધારો થતો ચાલે છે, ને સર્વ વાતનો ધીમે ધીમે ખુલાસો થતો જાય છે. અરે મારો હજામ પણ આજ સવારે કહેતો હતો કે હુંતો તપાસ કર્યા વગર કાંઈ પણ વાત એકદમ માનું નહિ.”

કોઈ બોલી ઉઠ્યું કે “બધા જ્યારે એમ અક્કલમંદ થવા મંડ્યા છે ત્યારે તો નક્કી હવે જે સત્યયુગ કલિ પછી આવનાર છે તેને ઝાઝી વાર સમજવી નહિ !”

આ સાંભળતાંજ રાજલોભને મદે ચઢેલા અને તેમાં વધારે સુખ માનવામાં મસ્ત થઈ રહેલા ઝનુની અમીરો એકદમ ભેગા થઈ ગયા અને આનંદમાં આવી તરહ તરહવાર વાતો કરવા લાગ્યા. એ બધામાંથી રણમલસિંહ નામનો મહા વક્તા અને પંડિતાઈનો ડોળ ધારનાર યોદ્ધો બોલી ઉઠ્યો કે “વાહ ! ત્યારે તો સર્વ રીતે સત્યનોજ પ્રકાશ થઈ રહે. ધન ધાન્ય વગેરે સર્વને સમાન થઈ રહે. એક તરફથી દુઃખનો નાશ થઈ જાય અને બીજી તરફથી જ્ઞાનનો વધારો થતે થતે વનૌષધિના ગુપ્ત ગુણ એવી રીતે જણાઈ આવે કે પછી વ્યાધિ કે મરણ માણસમાં દાખલ થઈ શકે નહિ. આ કરતાં તે બીજું સુખ કેવું હોય ! આવો મુસલમાનો ! પછી જુઓ તમારા હાલ થાય તે ! ધન્ય છે આર્યભૂમિ ! તારા પ્રતાપની સીમા નથી ! તારા ઉપર કોણ હાથ ધરનાર છે !”

આ બધી વાત ચાલતી હતી તે વખતે બે નવા માણસો જે પણ આ મિજલસમાં આવ્યા હતા તે એક ખુણામાં બેશી રહ્યા હતા અને આ તકરારો ઉપર કંઈ પણ લક્ષ આપતા ન હતા. કેફના જોશથી અને રાજ્યના લોભથી ઉકાળે ચઢેલા મગજના આ તરંગોમાં કાંઈ સાર નથી એમ તે સમજતા હતા. એમાંનો એક તો થોડા વખતથીજ અંબરમાં આવ્યો હતો, પણ પોતાનાં સમૃદ્ધિ તથા વૈભવથી સર્વ લોકમાં પરિપૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો હતો. બીજો જે એની સાથે વાત કરતો હતો તે આશરે સિત્તેર વર્ષની ઉંમરનો વૃદ્ધ રાજકવિ ચંદ હતો. બન્ને જણ ધીમેથી વાતો કરતા હતા.

પરદેશીએ કહ્યું “હા ખરી વાત છે આપણે આગળ મળ્યા છીએ.”

“મને તમારૂં વદન કોઈ વાર જોયું હોય તેવું પરિચિત લાગે છે ખરૂં, પણ હાલ તે વિષે કાંઈ વિશેષ સ્મરણ થઈ આવતું નથી.”

“જ્યારે તમે ફક્ત જાણવાની ખાતરજ કે પછી વિશેષ જ્ઞાન મેળવવાની મરજીથી હિમાલયના ગહન પ્રદેશમાં આવેલા માનસરોવર ઉપરના સિદ્ધાશ્રમમાં દાખલ થવા આવ્યા હતા તે વખત યાદ છે ?”

“હાં હાં હાં ! તમે તે સિદ્ધ મંડલમાંનાજ છો કે ?”

“હા, હું તે લોક શું કરે છે તે જોવા માટે ગયો હતો, અને તેમની ક્રિયા ખરા જ્ઞાન માર્ગથી કેટલી અદૂર છે તે જોઈને આશ્ચર્ય પામ્યો હતો.”

“તમને હજુ એવી બાબતનો શોખ રહ્યો જણાય છે ! મેં તો એ બધા વ્યર્થ વિચાર મૂકી દીધા.”

“તમને એમ લાગે ” પેલે પરદેશીએ જવાબ દીધો “પણ એ વિચાર હજુ તમારા અંતર્‌માંથી ખસ્યા નથી, તમારા અંગથી જુદા થયા નથી. તે એટલે સુધી કે તમે હવણાં ધારો તો તમારી જીભેજ એવા સિદ્ધની પેઠેજ અનેક ભવિષ્ય ભાખી શકો.”

આ પ્રમાણે વાત કરતાં તે પરદેશી જ્ઞાનમાર્ગ તથા યોગનાં જુદાં જુદાં અંગ વૃદ્ધ કવિરાજને સમજાવતો જતો હતો અને જુદા જુદા સિદ્ધાંત એમના મનમાં ઉતારતો હતો; છેક પાસ પાસે બેશી વાતો કરતાં પરદેશીની દૃષ્ટિ વરદાયીની દૃષ્ટિ ઉપર દૃઢ રીતે પ્રકાશી રહી હતી, અને વચમાં વચમાં ચંદના વરદાયી એ બિરુદનાં પણ પેલો નિપુણ પુરુષ વખાણ કર્યા જતો હતો. તેવામાં ચંદનો ચહેરો બદલાઈ ગયો અને તે પોતાના સોબતી તરફ જોવા લાગ્યો કે આ શું થાય છે !

આ જોતાં ણમલસિંહ બોલી ઉઠ્યો “કેમ કવિરાજ ! તમે આ મુસલમાનો વિશે અને સત્યયુગના ઉદય વિષે શું ધારો છો ? આપણું એમાં શું થશે ?”

આ પ્રશ્ન સાંભળતાંજ કવિ ચમકી ઉઠ્યો, એનું વદન ફીકું પડી ગયું, અને કપાળે પરશેવાનાં બિંદુ થઈ આવ્યાં, હોઠ ફફડવા લાગ્યા. આ જોઇને સર્વેને ઘણું આશ્ચર્ય લાગ્યું !

એ ડોસાના હાથ ઉપર પોતાનો હાથ મૂકીને પેલો પરદેશી ધીમેથી બોલ્યો : “કહો, એમાં શું છે ”?

ણમલ ! તુંજ એ વાત પૂછેછે તો લે સાંભળ, તને મ્લેચ્છ લોક પકડીને લેઈ જશે પણ તું તેમની તરવારથી નહિ પણ તારી પોતાની તરવારથી બંદીખાનામાં આપઘાત કરશે.”

ણમલે જવાબ દીધો “અરેરે ! કવિ ઘરડા થયા એટલે મત ગઈ, બાકી સત્યયુગ આવવાનો થયો ત્યાં મ્લેચ્છ કેવા ને બંધીખાનાં કેવાં ?”

એક બીજાએ પૂછ્યું, “અને મારૂં શું ધારો છો ?”

“તું પણ તારે હાથેજ તારૂં ગળું કાપનારો છે. અને તમે ભીમદેવ ! ને તમે રામસિંહ ! તમે બધા ઘણે ખરાબ કમોતે મરવાના છો, વ્યર્થવાદ મૂકીને તમારી સ્વભૂમિનું રક્ષણ કરો.”

આવી વાતો સાંભળતાંજ બધા ચૂપ થઈ રહ્યા. પણ ભીમદેવે હિંમત ધરી પૂછ્યું કે “કવિરાજ ! ત્યારે તો માંહેથી માંહે આ રાજ્યનું શું થશે તે જોઈ કાઢો.”

“પશ્ચિમથી જે બલ આવશે તે અંબર અને દીલ્હીની ગાદીનો પાયો ઉખેડી નાખશે એમાં સંશય ન સમજવો. આર્ય ભૂમિ ઉપર તેનાં પરાક્રમી બાલકોની જે અનાસ્તા થઈ છે તેથી આ અંબિકા કોપે ભરાઈ છે, અને તેણે પોતાનું ખપ્પર ભરવાને આ ભૂમિ ઉપર ક્યારનોએ અવતાર લીધો છે. સંભાળજો, તમારા પોતાના ઘરમાં પેશીને, તમારી થઈને, એ તમારો ભોગ લેશે. શિવ ! શિવ ! શિવ ! મુસલમાનોને તમેના તમેજ તમારા ઘરમાં બોલાવી લાવશો; પૃથુરાય, યચંદ, હાહુલીરાય, મરસિંહ, એવા ણધીર સ્તંભો ભાંગી પડશે; મ્લેચ્છ લોકો બધાનો પરાજય કરી ચક્રવર્તી રાજા થશે. અરે ! આગળ જતાં ક્ષત્રિયનું નામ પણ આ ભૂમિમાં નહિ રહે, મ્લેચ્છ લોકો તમારી કન્યાઓને પરણી તમને ભ્રષ્ટ અને પતિત કરશે. હજી પણ આ ભૂમિના ભાવિમાં જે છે તે સાંભળવું હોય તો આજથી ત્રણ વર્ષ અને છતરીશ દિવસે દીલ્હી આવજે ત્યાં વીરભદ્ર પ્રકટ થઈને કહી બતાવશે.”

કોઈ બોલી ઉઠ્યો કે “કવિરાજ ! ત્યારે તો તમારું શું થવાનું છે તે પણ કહો તો ઠીક.”

કવિનું શરીર કંપવા લાગ્યું પણ ધીરજ અને શાંતિથી જવાબ દીધો કે “મહા યુદ્ધ પછી સાતમે દિવસે મ્લેચ્છ લોકને હાથે જે થનાર તે થશે.”

એટલું કહીને ચંદ જાગ્રત્ થઈ ગયો. પોતપોતાની પ્રકૃતિ અનુસાર સર્વ મહેમાનો આ બધા બનાવ ઉપર ચર્ચા કરતા કરતા, અને મનમાં કાંઈક ડરતા ડરતા, પોતપોતાને ઘેર ચાલી ગયા.