લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૧:ગુલાબસિંહ

વિકિસ્રોતમાંથી
← અણધાર્યો મદદગાર ગુલાબસિંહ
ગુલાબસિંહ
મણિલાલ દ્વિવેદી
ગુરુનો આશ્રમ →


પ્રકરણ ૪ થું.

ગુલાબસિંહ.

પોતાના ધંધામાં ન રોકાયો હોય ત્યારે ત્યારે બપોરે જરા વિશ્રાંતિ લેવાનો રીવાજ સરદાર કવિએ રાખ્યો હતો. કેમકે જે રાત્રીએ ઘણી થોડી નિદ્રા કરે તેવા માણસને એ રીવાજ કેવલ શોખ જેવો નહિ પણ ઘણો જરૂરનો છે. સરદાર પોતાનું ગાન કે કાવ્યરચના મરજી છતાં પણ મધ્યાન્હે કરી શકતો નહિ. એવાં કેટલાંક ઝરણ થાય છે જે પ્રાતઃકાલ અને સાયંસંધ્યા સમયે ભરપૂર વહે છે, રાત્રીએ ઉભરાઈ જાય છે અને મધ્યાન્હે સુકાઈ જાય છે. સરદારની બુદ્ધિ પણ એવી હતી. સરદાર આ પ્રમાણે વિશ્રામ લેતો તે વેળે એની સ્ત્રી ઘરકામને માટે જરૂરનો સામાન સરંજામ વોહોરવા સારું બહાર નીકળી જતી, અથવા તો જેમ સર્વે સ્ત્રીઓ કરે છે તેમ પોતાની કોઈ સહીઅરો સાથે વાતચીત કરવા જઈ બેસતી. જે આનંદની રાત્રી ગઈ તે પછીના મધ્યાન્હે તો વળી આ બીચારીને કેટલા કેટલા લોકનાં અભિનંદન પણ સાંભળવાનાં હોય !

આવા પ્રસંગોએ મા પોતાના ઘરની બહારની ઓસરીની છાયામાં બેસતી. આજે તો પોતાના પિતાનું પુસ્તક ખોળામાં મૂકી તે ઉપર આમ તેમ નજર કરતી બેઠી છે, એની પાછળ સુગંધમય જુઈના વેલા એક ઉપર એક ગુંચળાં વળી ઝુકી રહ્યા છે, આગળ જમનાનો પ્રવાહ ઉપર ધોળા શઢવાળી નાની નાની હોડીઓ ઝુલી રહી છે; વિચારમાં નહિં પણ કોઈ જાતના તાનમાં ગરક થઈ ગઈ હોય તેમ મા બેઠી છે. તેવામાં સામેથી એક માણસ ધીમે પગલે અને નીચી નજરે ઘર આગળ થઇને ચાલી ગયો; મા પણ એકદમ ઉચું જોતાંજ પેલા પરદેશીને ઓળખતાની સાથે ગભરાટથી ચમકી ઉઠી. તેના મોંમાંથી સ્વષઃજ કાંઈક ઉદ્‌ગાર નીકળી ગયો તે પેલા માણસે સાંભળ્યો તેથી તે પાછો ફર્યો અને જોઈને ઉભો રહ્યો. પ્રેમવૃત્તિ કરતાં જરા વિશેષ ગંભીર વદનથી તે માણસ આ શરમાતી કુમારિકાના વદનને બે ચાર પલ સુધી નિહાળી રહ્યો, ને બોલ્યો.

“કેમ બાપુ !” તેણે કોઈ પિતા પોતાની પુત્રીને પૂછે તેમ પૂછ્યું “જે તારા નસીબમાં લખ્યું છે તેથી તેને સંતોષ છે ? સોળથી તે ત્રીશ સુધીમાં તો તારા ગલામાંથી નીકળતું સારામાં સારું ગાન જેવું મીઠું લાગે તે કરતાં પણ પારકા લોકે કરેલાં વખાણ વધારે મીઠાં લાગે છે !”

મા ભાગે તૂટે શબ્દે બોલી : “હું જાણતી નથી,” પણ જે શબ્દો પોતાના કાનમાં પડ્યા તેની મૃદુતાથી ધીરજ પકડીને કહેવા લાગી કે “હું જાણતી નથી. જે હું હાલ સંતોષમાં છું કે નહિ, પણ કાલ રાત્રીએ તો જરૂર હતી. અને મારા કદરદાન મુરબ્બી ! મને એમ પણ લાગે છે કે મારે ઉપકાર પણ તમારોજ માનવાનો છે, જોકે તમે તો ભાગ્યેજ જાણતા હશો કે શા માટે.”

તેણે કાંઈક હસતે મ્હોડે જવાબ દીધો “તું સમજતી નથી; તને જે યોગ્ય જય મળવો જોઈએ તેમાં મેં તને મદદ કરેલી છે એ હું સારી પેઠે જાણું છું; ઉલટું તે મદદ જે મેં કરી તે તું ભાગ્યેજ જાણતી હશે કે કેવી રીતે કરી. મેં શા માટે તને મદદ કરી છે તે તો લે હું તને કહું. સાધારણ સ્ત્રીઓના મનમાં જે અભિમાન હોય છે તે કરતાં વધારે ઉંચા પ્રકારની ઈચ્છા તારા હૃદયમાં જોઈ તેથી મેં તને મદદ કરી. મને જે ભાવ થઇ આવ્યો તે તારી પિતૃભક્તિ ઉપર થઈ આવ્યો, જોકે તું તો એમ ઇચ્છતી હશે કે મને તારા ગાન ઉપર પ્રીતિ થઈ આવી હોત તો ઠીક !”

“ના ના, જરાએ નહિ.”

“ઠીક છે, તું કહે છે તે હું ખરું માનું છું. અને જ્યારે આ પ્રમાણે આપણને મળવાનો પ્રસંગ મળ્યો છે ત્યારે હું તને થોડી શીખામણ પણ આપતો જાઉં એમ ધારૂં છું. જ્યારે ફરીથી તું રાસભૂમિ ઉપર દેખાવ દેશે ત્યારે આખા દિલ્હી શેહેરના ફક્કડ લોક તને પગે લાગવા ભેગા થશે. પણ રે બાલા ! જે જ્વાલાથી આંખ ઝંખવાઈને મોહિત થાય છે તે જ્વાલાથી પાંખે પણ બળી જાય છે એ વાત ભુલીશ નહિ. એ ખુબ યાદ રાખજે કે કદાપિ પણ ઝાંખો ન થાય એવો પ્રકાશ તે કોઈ જુદીજ ચીજ છે; આ લોકમાં જે તું દેખે તેમાં તે છે એમ છેતરાતી નહિ. તારા મનમાં તારી ભવિષ્યની સ્થિતિ વિષે ગમે તે તર્ક વિતર્ક ચાલતા હો — હું તો તારી સાથે હાલ વાત કરતાં પણ જોઈ શકું છું કે તે કેવા અવ્યવસ્થિત અને અનિયમિત છે — પણ મારી તો એજ ઈચ્છા છે કે તેમાંના જે વિચાર આ સુખી ઘર સંબંધના હોય તેટલાજ પરિપૂર્ણ થજો.”

ઉપર ઓઢેલી શાલના ઉછાળાથી એમ લાગ્યું કે માની છાતી ગભરાટને લીધે ધબકવા લાગી એટલે આ પરદેશી વાત કરતો બંધ થઈ ગયો, પોતાના હૃદયમાંની સ્વાભાવિક અને પવિત્ર વૃત્તિઓના બલે કરીને, સાંભળેલી શિક્ષાનું ગાંભીર્ય સમજ્યા વિના મા એકદમ બોલી ઉઠી.

“અરે મેહેરબાન ! તમને ખબર નથી કે હું આ ઘરને કેટલું ચાહું છું. રે મારા પિતા ! તમારા વિના તે ઘર હોયજ કેવું !”

આ સાંભળતાંજ પેલા પરદેશીના મુખ ઉપર દિલગીરીની ગંભીર છાયા પડી રહી, લીલી વેલોથી છવાઈ રહેલા શાન્ત ઘર તરફ દૃષ્ટિ કરીને પાછો આ જવાન પેલી નટીના ચંચલ અને ગભરાયલા વદન તરફ જોવા લાગ્યો.

“ઠીક છે” તે બોલ્યો “જેનું મન અવિકૃત છે તેને તે મનજ ખરે રસ્તે દોરી જાય છે; તે રીતે ચાલી જા અને સુખી થા. રમણીય ગાયક ! હું રજા લઈશ.”

“પધારો મેહેરબાન, પણ–” એમ, મનમાં ન સમાઈ શકે તેવા ભય અને આશાના બલે કરી તે આતુરતાથી બોલી “હું તમારાં દર્શન ફરી પામીશ ! નહિ વારું ? – એ રંગભૂમિ ઉપર જ !”

“નહિ, થોડા વખત સુધી તો નહિજ; કેમકે આજ દિલ્હીથી બહાર જાઉં છું.”

“ખરે !” એમ કહેતાંજ માનું હૃદય વિંધાઈ ગયું, રંગભૂમિનો સઘળો આનંદ ઉડી ગયો.

તે પરદેશી જતાં જતાં પાછો ફરી, પોતાનો હાથ રમાના માથા ઉપર ધીમેથી મેલી બોલ્યો “અને કદાપિ આપણે મળીશું તે પહેલાં તારા ઉપર દુઃખ આવી ચૂક્યું હશે; –સંસારમાં દુઃખ શું છે તેની તીવ્રતાનો પ્રથમ અનુભવ તને થયો હશે; –દિલમાં જે ઘા લાગે છે તેને કીર્તિથી પ્રાપ્ત કરેલો આનંદ કેટલો રૂઝવી શકે છે એ પણ તેં જાણ્યું હશે; પણ બાલા ! ધીરજ રાખજે અને ગભરાઈશ નહિ, કશાને વશ થઈશ નહિ, આખરની ભેદભક્તિમાં પણ પકડાઈશ નહિ. તારા પડોશીની વાડીમાંનું પેલું ઝાડ જો. જો તે કેવું વાંકું ચૂંકું, અંબળાતું અકડાતું ઉગેલું છે. કોઈ અકસ્માત્‌ પવનથી એનું બીજ આવીને આ ખડકમાં ૫ડ્યું, અને પથરાથી ને મકાનોથી સ્વાભાવિક રીતે તથા માણસની મેહેનતથી સર્વ રીતે બંધાઈ જવાને લીધે એનું આખું જીવતર જે પ્રકાશ એ જાતિનાં પ્રાણ અને પોષણ છે તે પામવા માટેની લડાઈરૂપ થઈ પડ્યું, એણે કેવા વળ ખાધા છે ને ઉગતે ઉગતે જ્યાં અડચણ નડી ત્યાંથી બીજે રસ્તે અંબળાઈ અંબળાઈને પણ આખરે કેવું આકાશ સુધી પહોંચી ગયું છે ! તારી પાછળ જેના વેલા પરિપૂર્ણ સૂર્ય પ્રકાશ પામી ખીલી રહ્યા છે તેના જેવુંજ એ પણ, જન્મની તથા સ્થિતિની આટલી આટલી અડચણો છતાં શા કારણથી બની રહ્યું છે ? પ્રિય બાલા ! એનામાં રહેલી જે પ્રેરણાથી એ યુદ્ધ ચાલતું હતું તે પ્રેરણાથીજ પ્રકાશ પામવા માટેની લડાઈ આખરે પ્રકાશ સુધી લેઈ ગઈ. ધીર માણસોનાં હૃદય પણ એમજ કરે છે. પ્રત્યેક દુઃખદાયક વિપત્તિમાં અથવા પ્રારબ્ધના કઠિન પ્રસંગમાં તે પરમ જ્યોતિ તરફ દૃષ્ટિ રાખે છે, પરમ ધામ પર નિશાન માંડે છે. આમ કરવાથીજ દૃઢ મનના માણસોને જ્ઞાન મળે છે, અને સાધારણ લોકને સુખ મળે છે. આપણે ફરી મળીશું તે પહેલાં એ વૃક્ષની શાન્ત ડાળીઓ તરફ તારે રોતી નજરે અને ભર્યે હૈયે જોવાનો પ્રસંગ આવશે; અને જ્યારે તેવે કાલે એની ગટામાંથી પક્ષીઓનું ગાન તારા કાનમાં પડે, અને ચારે તરફથી એનાં પાંદડાં ઉપર રમી રહેલો સૂર્યપ્રકાશ તારી દૃષ્ટિએ ચઢે, ત્યારે સમજજે કે વિરાટરૂપ સર્વવ્યાપી ભગવાન્ પોતે, એમ પ્રત્યક્ષ થઈ, તને ઉપદેશ કરે છે કે એ પ્રમાણે અંધકારમાંથી અજવાળામાં જવાને પ્રયત્ન કર.”

આ બોલવું પૂરૂં થતાની સાથે તે ધીમે ધીમે ચાલવા લાગ્યો; મા તો મૂઢ બની જઈ જે દુઃખરૂપ ભવિષ્ય એણે કહી બતાવ્યું તેના વિચારથી દિલગીરીમાં ગરક થઈ ગઈ; દિલગીર છતાં પણ આનંદ પામવા લાગી. અજાણતાં જ એની દૃષ્ટિ તેની પાછળ જવા લાગી, અજાણતાંજ તેણે પોતાના હાથ તેને બોલાવવાના ઈરાદાથી ઉંચા કર્યા એને પાછો ફેરવે, એનો ધીમો શાન્ત અને મધુર સ્વર સંભળાવે, એના હાથનો આનંદજનક સ્પર્શ ફરી કરાવે, તેને મા મોટાં રાજ્યનાં રાજ આપી દે. જેમ સ્થલે સ્થલે પડતા ચંદ્રપ્રકાશથી તે તે સ્થલ આલ્હાદકારક જણાય છે તેવી એ પરદેશીની નજર હતી; જેમ ચંદ્રપ્રકાશ દૂર થતાં પ્રતિવસ્તુ હોય તેવી નજીવી ને નકામી જણાય છે તેમ એના જવાથી જગત્‌માત્ર માને ભુલાઇ ગયું.

તે પરદેશી ચાલતો ચાલતો મોહોટા ગામ વચ્ચેના બાગની સામે આવેલા મેહેલ આગળ જઈ પહોંચ્યો. એક મકાનનો દરવાજો તે દિવસોમાં પૈસાદાર અને ઉંચા કુલમાં ચાલી રહેલી જુગારની રમત માટે ખુલ્લો હતો. તેની આગળ રખડતા જવાન અને વહી ગયેલા રાજપુરુષોના ટોળામાં થઇને જેવો તે ચાલ્યો તેવા સર્વે તેને રસ્તો આપવા લાગ્યા.

“અલ્યા નક્કિ” એક જણ બોલી ઉઠ્યો “આખું ગામ જેની વાત કરી રહ્યું છે તે ગુલાબસિંહ તો પેલો ન હોય ?”

“લોકો કહે છે એની પાસે તો અખૂટ દોલત છે !”

“કોણ એમ કહે છે, લોક કહે તેમાં શું ? એની ખાત્રી શી છે ? દીલ્હીમાં આવ્યાને એને ઘણા દિવસ થયા નથી, તેમ કોઈ એવું માણસ પણ જણાતું નથી કે જે એની જાત ભાત, વતન અથવા જાગીર કે દોલત વિષે કાંઈ જાણતું હોય.”

“એ ખરૂં, પણ કહેછે કે એ એક મોહોટા વહાણમાં આવેલો છે ને તે એનું પોતાનું જ છે, જો પેલું રહ્યું – ના, ના; જરા આઘે છે. જે નાણાવટીઓ સાથે આપ લે કરે છે તે લોકો પણ એણે જે પૈસા તેમને આપેલા છે તેની વાત ઘણા આશ્ચર્ય સાથે કરે છે.”

“પણ એ આવ્યો ક્યાંથી ?”

લંકાના કોઈ બંદરથી આવ્યો છે. મારા ચાકરે એના ખારવાને પૂછી જોયું તો તેમણે કહ્યું કે એ ઘણાં વર્ષ સુધી ત્યાં રહેલો છે.”

“મેં સાંભળ્યું છે કે લંકામાં તો કાંકરાને બદલે પણ સોનું હાથ આવે છે. અને એવી પણ ત્યાં ખાણો છે કે જેમાં પક્ષીઓ પોતાના માળા ઝવેરથી બાંધે છે કે પ્રકાશમાં ઝંખવાઈને આવતાં જીવડાં જલદીથી ઝાલી શકે. અહો પેલો આવ્યો ! આપણો જુગારીઓનો રાજા હમીર, એણે તો નક્કી આવા પૈસાદાર અમીર જોડે ક્યારનું ઓળખાણ કરી દીધું હશે. જેમ ચુંબકમણિ લોહ તરફ ખેંચાય તેમ એ સોના તરફ દોડે એવો છે. કેમ હમીર ! ગુલાબસિંહની મોહોરોની શી ખબર છે ?”

“અરે મારો દોસ્ત…”

“ઓહો જુઓ જુઓ એનો દોસ્ત, હાં શું ?”

“હા, હા, મારો દોસ્ત ગુલાબસિંહ અહીં પહેલોજ આવ્યો છે તેથી થોડો સમય દરીકેદારની જાત્રાએ જનાર છે, પાછો આવશે ત્યારે એણે મારે ઘેર જમવા આવવાનું કબુલ કરેલું છે, તે વખતે હું તમને તથા દીલ્હી શહેરના બીજા ઉમરાવોને પણ એનું ઓળખાણ કરાવીશ. ઓહો શો ખુશ મિજાજવાળો અને મળતાવડા સ્વભાવનો ગૃહસ્થ છે જો !”

“તારે ને એને એકદમ દોસ્તી ક્યાંથી થઈ ગઈ ?”

“એમાં શું હતું, એ તે દિવસે રાસ જોવા આવ્યો ત્યાં એને બેસવાની જગો જોઈતી હતી, પણ નવો રાસ અને નવા ભજવનારની વાત સાંભળીને આખું મકાન ભરાઈ ગયું હતું એ તો તમે જાણો છો. પરદેશીઓ તરફ મારા હંમેશના વિવેકી સ્વભાવ પ્રમાણે મેં એને મારી જગાએ બેસાડ્યો, ને હું એની પાસે ઉભો રહ્યો. જતી વેળે એણે મને જમવા આવવાનો આગ્રહ કર્યો, તેથી આપણે પણ જઈ પડ્યા. શો સામાન ! શા નોકર ચાકર ! અમે તો ઘણી રાત જતા સુધી બેઠા. મેં એને દીલ્હી શેહેરની બધી ખબરો કહી, ને અમે બહુ સારા મિત્ર થઈ ગયા. એણે મને આ હીરાની વીંટી ઘણા આગ્રહ સાથે ભેટ કરી ને કહ્યું કે એમાં કંઈ નથી એની કીમત તો ઝવેરી લોક ફક્ત પાંચ હજાર રૂપિયાજ કરે છે. આ દશ વર્ષમાં આપણે તો એવી રાત કાઢી નથી.”

એક ગંભીર ચહેરાવાળો માણસ જેણે આ વાત સાંભળતાં બે ચાર વાર તો રામ, શિવ, કૃષ્ણ, સર્વને સંભારી લીધા હતા તે બોલી ઉઠ્યો : “ભાઈ હમીર ! એ માણસ વિષે જે વાતો ચાલે છે તે તો તેં સાંભળી હશે. ત્યારે એની પાસેથી આવી હજાર કામણ ટુમણની ભરેલી એક વીંટી ન લીધી હોત તો શું થાત ? લોકો કહે છે કે એ તો મોહોટો જાદુગર છે ને સાધનાવાળો છે; એણે તો જક્ષણી સાધેલી છે, જક્ષણી ! સંભાળજે, પાંચ હજારની વીંટી નાખી દીધી તે અમથી નહિ હોય ?”

“બસ બસ ” હમીરે બેદરકારીથી જવાબ દીધો “તમારા વહેમ તમારી પાસે રાખો. એ વાતોના દિવસ તો ગયા. આજ તો સર્વે નાસ્તિક અને બુદ્ધિથી ખરૂં લાગે તેટલું માનવાવાળા થઈ ગયા છે. એવી એવી ગપોનો સરવાળો કરે ત્યારે તેમાંથી સાર શો નીકળનાર છે ? ગમે તે રીતે એવી વાતો પેદા થાય છે, ને તમારા જેવા તેને ચલવે છે. એકાદ એંશી નેવું વરસનો ગત વગરનો ડોસો કહે કે મેં એ ગુલાબસિંહને સિત્તર વર્ષ પર જ્જયિનીમાં જોયો હતો ને ત્યારે પણ આવો ને આવો હતો એટલે થઇ રહ્યું ! શું આપણે બધા દેખતા નથી ભાઈ ! કે આ ગુલાબસિંહ તો મારા કે તમારા જેવડો જુવાન બાલકજ છે ?”

“પણ ભાઈ સાહેબ !” પેલો ગંભીર વૃદ્ધ માણસ બોલ્યો “એજ ખુબી છે તો. ભાઈરામ કાકા કહે છે કે જ્જયિનીમાં દીઠો ત્યારે હતો તે કરતાં એક દિવસનો પણ ફરક આજ જણાતો નથી. જ્જયિનીમાં વળી એ બીજાજ નામથી ઓળખાતો હતો, ને ત્યાં પણ એનો આનો આજ ભભકો, ને એના વિશે આની આજ ગપ ચાલી રહી હતી. વધારે નવાઈની વાત તો એજ છે કે ત્યાં એક હાજી મુસલમાન ડોસો હતો તે કહે કે મેં એને સાઠ વર્ષ પર તો ક્કે જતાં ઈરાનમાં જોયો હતો.”

“થયું, થયું,” મીર બોલ્યો “થયું; એમાં કાંઈ માલ નહિ, મીયાંભાઈની વાતો ! આપણા અશ્વત્થામાનું એ એનું એજ કહે છે તો; પણ કાંઈ નહિ; ગપાટા ! જો આ હીરાની વીટીં ઘાસનું તરણું બની જાય તો તો એ બધી વાતો ખરી માનું. બાકી હું આ પ્રસિદ્ધ અમીરને મારો મિત્ર ગણુંછું અને એની આબરૂ ઉપર જે કોઈ હાથ નાખશે તો તે મારી આબરૂ ઉપર નાખ્યા બરાબર થશે.”

મીર પટાના દાવ ઘણા સારા જાણતો હતો; કોઈથી પણ હારતો નહિ. પેલા ગંભીર માણસને જો કે હમીરનો આત્મા પાપમાં ન પડે તેની ઘણીએ ચિંતા હતી, તો પણ પોતાના શરીરની ચિંતા આગળ તે વાત ભૂલી જઈ ચુપ થઈ જવું પડ્યું. મીર તરફ દયાની દૃષ્ટિ કરી, પોતે દરવાજામાં થઈને જુગારખાનામાં દાખલ થઈ ગયો ?

“જોયું કે ભાઈઓ !” મીર બોલ્યો “આ કાકાને મારી વીંટીની અદેખાઈ થઈ આવી હો. ચાલો તમે બધા આજ વાળુ મારી સાથે કરવાના છો. હું ખરેખરૂં કહુંછું કે મારા પ્યારા દોસ્ત ગુલાબસિંહ જેવો આનંદી, માયાળુ, અને ઉદાર માણસ તમે કદી પણ જોયો નહિ હોય.”