ગુલાબસિંહ/તરંગ ૧:પ્રિયતમે બતાવેલું વૃક્ષ

વિકિસ્રોતમાંથી
← ક્ષત્રિયોની પડતી ગુલાબસિંહ
પ્રિયતમે બતાવેલું વૃક્ષ
મણિલાલ દ્વિવેદી
નવો આશક →


પ્રકરણ ૯ મું.

પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

કેમ સરદાર ! હવે તો તને સંતોષ થયો ?— તને તારી નોકરી પાછી મળેલી છે, તારી પ્રિયસરંગી તારા વિજયમાં પરિપૂર્ણ સહાય થઇ છે. તારા શ્રવણમાં હવે તારાજ કાવ્યનો રમરમાટ જામી ગયો છે. રંગભૂમિના તખ્તાપર તારી પુત્રીજ ઝળકી રહી છે;— તારૂં પ્રમોદકારક ગાન અને આ નાયિકા બે એવા અંગાંગિભાવ વડે મિશ્ર થયાં છે કે એકની સ્તુતિ કરતાં ઉભયની થાય છે. રાસભવનમાં લોક તને માનપૂર્વક રસ્તો આપે છે; અને જ્યારે કેવલ પ્રેમોન્માદના આવેશમાં તું તારી પ્રિય સરંગીને તારા ચપલ હાથમાં લાડ લડાવતો બૂમો પડાવે છે, રડાવે છે, ક્રોધિત કરે છે, કે ચીડવે છે ત્યારે પણ, હવે કોઇ તારો તિરસ્કાર કરતું નથી, કે તારા તરફ સોપહાસ દૃષ્ટિએ જોતું નથી. આ વખતેજ તેમના સમજવામાં આવ્યું છે કે ખરી અને અક્કલનો ખેલ કેવો અનિયમિત અને તરંગી હોય છે. ચન્દ્રબિંબમાં જે કલંકરૂપ ખોડખાંપણો છે તેજ સર્વની દૃષ્ટિએ ચંદ્રપ્રભાનું તેજ દીપાવે છે. કવિરાજ ! જો તારા શાન્ત હૃદયમાં ઇર્ષ્યાનો અંશ પ્રવેશ કરી શકતો હોય, તો હાલ તારાં કાવ્ય દૂર થયાં છે ને તેને બદલે, જે લક્ષ્મીપ્રભવનું કાવ્ય સાંભળી તું શંકાથી મસ્તક ધૂણાવતો, તેનીજ ઉપર લોક ગાંડા બની ગયા છે ! પણ દીર્ઘકાલ થયાં કીર્તિના અમર સ્ત્રાવમાં ઠંડા થયેલા વરદાયીને ખબર છે કે નવાનો પણ વખત આવવોજ જોઇએ; તેથી ફરી અમર થઈ ગયેલું જૂનું થોડુંજ નિર્મૂલ થઈ જવાનું છે. આમ માનવું કદાપિ ભુલ ભરેલું પણ હોય, તથાપિ એવી ભુલોથી કરીનેજ ખરી શક્તિવાળા સહૃદય પુરુષો ઇર્ષ્યાભાવને તરછોડી શાન્ત પડી સર્વત્ર સમતા અનુભવી શકે છે. એમાંજ તેમને સંતોષ રહે છે, ને એથીજ તેમની બુદ્ધિ સતેજ થઈ નવી ભૂમિકા ઉપર પ્રવેશ કરે છે. પોતાના ન્યૂનગુણને, સામાનો અધિક ગુણ દેખી, સામાના મુરબ્બી થવાનું ડોળ કરીને છુપાવવાના યત્નમાં ઇર્ષાને લપેટી લેવાની યુક્તિ તેમને આવડતી જ નથી. आत्मवत़् सर्व भूतानि એમ સમજવાથીજ અમર થવાય છે, તે પ્રસંગે અહંતાના આશ્રયથી નીપજતા તત્કાલના સંકટથી છૂટા રહેવાય છે, જે તરંગ અને તાન ઉપર લોક પૂર્વે હાસ્ય કરતા તેનુંજ હવે માનપૂર્વક શ્રવણ કરવા લાગ્યા ! સરદારે બીચારે બોલ્યા ચાલ્યા વિના પોતાના જન્મરાના ત્રણમાંથી બે ભાગ આ શ્રેષ્ઠ કાવ્ય રચવામાં ગાળ્યા હતા, એટલે સુધી કે બીજાના ગ્રંથોમાં એ ગમે તેવા સુધારા વધારા સૂચવે, પણ આમાં તો એક અક્ષર પણ હવે આઘો પાછો કરી શકે તેમ રહ્યું ન હતું. પણ શું સર્વે આમ નથી કરતા ? આજકાલનો કોઈ નકામો ટીકાકાર કોઈ ગ્રંથનું અવલોકન કરતાં કહેશે કે “આ ઠીક નથી; ને આ ઠીક નથી.” “આ બદલવું જોઇએ, આ કાઢી નાખવું જોઇએ;” એટલું જ નહિ પણ જો એને બે તાન ટપ્પા રાગોડતાં આવડતાં હશે તો પોતાના હાથમાં સરંગી લઇને જરા વાર પોતાની બતાવેલી અમૂલ્ય સૂચનાઓને આલાપી પણ બતાવશે ! પણ જરા ધીરજ પકડીને રચના કરવી શરૂ કરે તો પછી ‘સુધારા વધારા’નાં અટકચાળાં કરવામાં તેને પણ ઝાઝી ! મઝા માલુમ પડે નહિ. જ્યારે પોતાનાજ રચેલા ગીતની ખુબી સરંગીના તરંગીપણાથી ધૂળ ધાણી થતી હોય ત્યારે તો સર્વે ઠેકાણેજ રહે !

રમા પણ સઘળે પૂજાઈ રહી છે, આખા દીલ્હી શહેરમાં ઘેર ઘેર એના કીર્તન ચાલી રહ્યાં છે. હવે તો એ સર્વ લોકની ખુશામદથી મગરૂર બનેલી, રંગભૂમિની રાણી બની રહી છે. એના અભિનયાદિકમાં કદાપિ સહજ બીગાડ થઈ આવે, પણ શું લોકો એનો સ્વભાવ બદલી શકવાના છે ? નહિ, નહિજ. ઘર આગળ તો એ હતી તેવીજ ભલી ને સાદી રહી છે, હજુ પણ પ્રેમભક્તિમાં લીન થઇ ધ્યાન ધરતી હોય તેવી બેઠેલી હોય છે. રે ઉંટના ભાઇ વક્રાકાર વૃક્ષ ! તારી લીલી ડાળીઓ તરફ એ કેવી જોઈ રહે છે ! કેટલી બધી વાર તારી પેઠે એ પણ પોતાના મનથી જ્યોતિની અપેક્ષા કરે છે !—રંગભૂમિની જ્યોતિ નહિ પણ પરમજ્યોતિ ! હે બાલકી ! બસ બસ, રંગભૂમિની જ્યોતિથીજ હાલ તો સંતોષ ધર, એક પાઈના તેલનું અજવાળું ગૃહકર્મ માટે તો લાખો ગ્રહઉડ્ડગણના તેજ કરતાં વધારે ઉપયોગનું છે.

દિવસના દિવસ ચાલી ગયા પણ પેલો પરદેશી પાછો આવ્યો નહિ ! મહીનાને મહીના વીતી ગયા પણ એણે કહેલી વિપત્તિ જણાઈ નહિ ! એક દિવસ સાંજે સરદારની તબીયત બગડી આવી. એણે જે જય મેળવ્યો હતો તેને લીધે ઘણા વખતથી અનાદરના અંધકારમાં ગુમ થઈ રહેલા આ ગવૈયાને પોતાની સરંગીને અનુકૂલ પડે તેવા નાના તાન ટપ્પા બનાવવાનું ઘણું કામ આવી પડતું હતું. કેટલોક વખત થયાં એ દિવસ અને રાત એક કાવ્ય રચવામાં પડ્યો હતો, ને તે રચનામાં પોતાની આજ સુધીની સર્વ રચના કરતાં વિશેષ ખુબી લાવવા માટે બહુ શ્રમ કરતો હતો. આ બનાવટ એવી હતી કે કેવલ ખુબી લાવવા માટે બહુ શ્રમ કરતો હતો. આ બનાવટ એવી હતી કે કેવલ ગીતના સ્વરની રચનાથી, ધ્વનિમાત્રની મર્યાદાથી, આખી વસ્તુનો ભાવ ઉપજાવવાનો હતો. કોઇ રાજા મોજ મઝામાં આનંદ ઉડાવે છે, તેવામાં જ સરંગીમાંથી અતિશય ભય તથા ત્રાસનો સ્વર ઉઠે છે; રાજા પોતાના મદનપીડિત પુત્રને કોઈ દેવીઓનો ભોગ થયો સમજે છે, ભય, ત્રાસ, ક્રોધ અને ઉત્સવના આવેશ એક પછી એક સપાટા સાથે સારંગીના તારમાંથી છૂટે છે ને પુત્રશોકાતુર પિતા પેલી દિવ્ય રાક્ષસીઓ તરફ દોડે છે. અહો ! એકદમજ ભયનું રૂપ બદલાઈ શાથી ગયું ? આ ધીમું, કારુણિક, મધુર ગાન ક્યાંથી ! વિલક્ષણ ચમત્કાર ! પેલી દિવ્ય અંગના કોયલરૂપે પરિવર્ત પામી (બદલાઈ) વસંતબાંધવ સહકાર વૃક્ષની ડાળે ચઢી પંચમરવર આલાપતી માદક, રસિક, મૃદુ ગાનથી સર્વને વશ કરી રહી છે ! આવો દુર્ઘટ પ્રયાસ કરવામાં હાલના વિજયથી અને આગળના ઉમંગથી આપણા સરદારનું શરીર નબળું પડી ગયું; ને રાત્રીએ એ માંદો થઇ ગયો. સવારમાં વૈદ્યે એનો તાવ ઘણો ખરાબ તથા ચેપી છે એમ જણાવ્યું. એની પ્રેમબદ્ધ સ્ત્રી તથા આનંદમૂર્તિ રમા બે એની પાસે રહેવા લાગ્યાં, પણ આખરે રમા એકલીનેજ એની પાસે રહેવાનો વખત આવ્યો ! રમાની માને તાવ લાગુ થયો અને થોડીજ મુદતમાં તેની તબીયત પોતાના પતિની તબીયત કરતાં વિશેષ બગડી આવી. દીલ્હી શહેરના ચાકરો ચેપી તથા વળગે તેવા રોગના ભયથી ઘણા સ્વાર્થી થયેલા એટલે ઘરમાં હતી તે દાસી પણ માંદી થવાનો ઢોંગ કરી દૂર રહી. પ્રેમ અને શોકને લીધે જે શ્રમ ઉઠાવવાનો તે હવે રમાનેજ માથે પડ્યો ! તે સમયનાં દુઃખ, વિકાર, વિષમતા ! પણ તેનું બ્યાન કરી વાંચનારને દુઃખ કરવા કરતાં જલદી વાત આગળ ચલાવવી ઠીક છે — પ્રથમ તો સરદારની પત્ની મરણ પામી.

એક દિવસ સરદાર સાંજ પહેલાં, જે ત્રિદોષમાં પડેલો હતો તેમાંથી જરા શુદ્ધિ આવી જાગી ઉઠ્યો, અને ચોતરફ પોતાની ભ્રમિત દૃષ્ટિ ફેરવી જોતાં રમાને જોઈ જરા આનંદ પામ્યો. ઉભો થઇને હાથ લાંબો કરતાં તેણે રમાનું નામ જેમ તેમ લેઈ તેને બોલાવી. રમા તુરતજ બાપને કોટી કરી પડી અને પોતાની આંખમાંનાં આંસુ જેમ તેમ ખાળી શકી !

“તારી મા, છોકરી ! ક્યાં છે ? ઉંઘે છે ?”

“ઉંઘે છે, હા ઉંઘેજ છે ”—એમ કહેતાં રમાની આંખમાંથી આંસુ બહાર ઢળી આવ્યાં.

“હું સમજ્યો —હા– પણ હું જાણતો નથી કે શું સમજ્યો. પણ શા માટે રૂવે છે.— હું હવણાંજ સારો થઇશ — બીલકુલ સારો થઇશ. જાગશે ત્યારે એ મારી પાસે જરૂર આવશે — આવશેજ; નહિ ?”

રમા કાંઇ ઉત્તર આપી શકી નહિ, પણ સન્નિપાત મટતાંજ વૈદ્યે આપવા કહેલી દવા કહાડવા લાગી. વૈદ્યે વળી એમ પણ કહેલું હતું કે આવો જરૂરનો ફેરફાર જણાઈ આવે કે તુરત મને બોલાવજો, આટલા માટે રમા બારણા આગળ જઈને જે નવી દાસી રાખેલી હતી તેને બોલાવવા લાગી. પણ જવાબ કોણ આપે ! રમા ઓરડે ઓરડે જોઈ વળી પણ કોઇ મળ્યું નહિ — આ દાસી પણ અસલની દાસી પાસેથી વાત સમજીને ભાગી ગઈ હતી. ત્યારે હવે કરવું શું ? કામ પૂરી ઉતાવળનુ છે, વૈઘે કહેલું છે કે મને બોલાવતાં જરા પણ વાર કરવી નહિ — રમાએજ પોતાના પિતાને મૂકીને જવું જોઇએ — પોતેજ જવું જોઇએ ! ઓરડામાં ધીમેથી પાછી ગઇ. તો દવાની અસર થવાથી દરદીની આંખ સહજ મળેલી એને જણાઈ. ધીમે રહીને ત્યાંથી નીકળી ચાલી અને માથા ઉપર બુરખો નાખી ઘરમાંથી ચાલતી થઈ.

ખરી વાત એમ હતી કે દવાએ ધારવામાં આવી તેવી અસર કરી ન હતી. સુખરૂ૫ નિદ્રાને બદલે એથી જરા ખુમારી આવી ગઈ હતી, જેને લીધે સ્વાભાવિક રીતે જ ચંચલ મનોવૃત્તિ પોતાનાં પરિચિત સ્થલોમાં ભટકવા લાગી, પૂર્વના સંસ્કારની જાગૃતિથી તે તે વિષયના ને વૃત્તિઓના સ્મરણમાં લીન થયેલી હતી. ન હતી નિદ્રા તેમ ન હતો સન્નિપાત, હતી કેવલ એવીજ સ્વપ્નવત્ જાગ્રદ્‌વસ્થા કે જેવી અફીણ વગેરે ખાધાથી વારંવાર થઈ આવે છે, દરેક નાડી ધમધમાટ કરતી તાજી થઈ ઉઠે છે અને આખા શરીરમાં તેજ રીતની ચંચલતા ઉત્પન્ન કરી, ક્ષણ વાર આનંદ અને ઉત્સાહ ઉશ્કેરે છે. સરદાર કાંઇક શોધવા લાગ્યો — પણ શું ! તે એ જાતે પણ ભાગ્યેજ સમજતો હશે, કેમકે એની બુદ્ધિને પૂર્ણ પોષણરૂપ એની સ્ત્રીના મધુર શબ્દ અને એની પ્રિય સરંગીને ગ્રહણ કરવાની ઈચ્છા એ બેના સંયોગથી એની હાલની વૃત્તિ પેદા થયેલી જણાતી હતી, પલંગ પરથી ઉઠ્યો, ને આસ્તે આસ્તે તેણે, જે ઝભ્ભો પહેરીને રોજ કાવ્ય રચવા બેસતો તે પહેર્યો. એ ડગલાને જોતાં જે વિચારસંગતિ એના મનમાં થઈ આવી તેથી આનંદ પામી હસવા લાગ્યો; અને ધૃજતે, ધૃજતે, જે નાની ઓરડીમાં પોતાની પ્રિયા બેસી રહી સંભાળ રાખતી તે તરફ, પોતાના ઓરડામાંથી ગયો. ઘણી ચોકશીથી ને આતુરતાથી એ ચારે તરફ જોવા લાગ્યો, મનમાં કાંઇ બબડવા લાગ્યો, અને વળી ટટાર થઈ ધીમે ધીમે આખા ઘરના એક પછી એક ખંડમાં ફરવા લાગ્યો.

આખરે ઘરના ઘણા દૂર ભાગના જે ખંડમાં પેલી બુઢી દાસી—બીજા કોઈને નહિ તો પોતાની જાતને તો પૂરેપૂરી નિમકહલાલ-પોતાની મેળે સંભાળ કરતી ભરાઇ રહી હતી. ત્યાં જઇ પહોંચ્યો. જેવો તે ફીકો, સુકાઇ ગયેલો, અસ્થિર, આતુર, તથા ચિંતાભરી નજરે ચારે ખુણા તપાસતો ધીમેથી અંદર પેઠો કે પેલી ડોસી બૂમ પાડીને ઉભી થઈ અને એને પગે આવી ઢળી પડી. તુરત તે નીચે નમ્યો, ને એના અવળા ફેરવી રાખેલા મોં ઉપર પોતાનો સૂકાઈ ગયેલો હાથ ફેરવી, માથું ધૂણાવતાં, ખોખરે અવાજે બોલ્યો કે “હું એને દેખતો નથી, ક્યાં છે ?”

“મારા શેઠસાહેબ ! કોને ? અરેરે ! તમારી વૃત્તિ જરા સાવધાન રાખો, અહીં તો કોઈ નથી. અરે પ્રભુ ! હવે આવી બન્યું ! આપનો મારે સંસર્ગ થયો, હવે મારું આવી રહ્યું !”

“આવી રહ્યું ! કોનું આવી રહ્યું ? કોણ કોઈ મરી ગયું ?”

“એમ શું બોલો છો ? તમે સારી પેઠે જાણતા જ હશો. બીચારાં શેઠાણીજ— તેને તમારોજ તાવ લાગુ થયો; એટલો તો ઝેરી છે કે એના ચેપે કરીને આખું દીલ્લી શેહેર ઉજ્જડ થઈ રહે ! ને આ હું તમારી દાસી રહી છું, તેનું પણ હવે આવી બન્યું લાગે છે, જાઓ જાઓ, મારા મેહેરબાન ! જાઓ, ને પાછા સુઈ રહો.”

ચિંતાતુર ગવૈયો આ સાંભળી એક ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. પણ તુરતજ એનું આખું શરીર કંપવા લાગ્યું, અને પાછો ફરી, આવ્યો હતો તેમજ ચુપકીથી ભૂતની પેઠે ચાલ્યો. જે ખંડમાં બેશીને કાવ્ય રચતાં પોતાના આત્માને, પોતાની પ્રિયા તેના શાન્ત અને મધુર સ્વભાવની ધીમાશથી જેને આખું ગામ તિરસ્કાર કરતું તેને વખાણી અભિનંદન આપતી તે ખંડમાં આવી પહોંચ્યો. કીર્તિ અને વિજ્યના પ્રમોદની રાત્રીએ તેણે પોતાને માથે પુષ્પનો જે મુકુટ પહેરાવેલો તે એક ખુણામાં પડેલો હતો, ને તેની પાસેજ પોતાનું પ્રિય વાદિત્ર પણ રજુ હતું.

રમાને ઝાઝી વાર થઈ નહિ, વૈદ્ય મળવાથી તેને લેઈને ઝટ પાછી વળી; અને જેવાં તે બન્ને ઘરના ઉમરા આગળ આવી પહોંચ્યાં કે તેમને કાને અંદરથી હૃદય ભેદી નાખે એવા શોકના સ્વરનું ગાન આવવા લાગ્યું. એ ગાન, માણસને હાથે કરીને જડ વાદિત્રથી ઉઠે છે તેવું ન હતું, પણ વૈતરણીની આ તરફ રહી કોઈ એકલો પડેલો દુઃખી પ્રેત મહાશોક અને દુઃખના તીવ્ર આવશમાં સામે કીનારે જણાતા ધર્મપુરને પોકારતો હોય તેવું હતું. રમા અને વૈદ્ય એક એક તરફ ભયભરી નજરે જોવા લાગ્યાં; ઝટ ઘરમાં પેશી, સરદાર હતો ત્યાં ગયાં. સરદારે તેમના તરફ નજર કરી. પણ તે દૃષ્ટિમાંનાજ પ્રેતરૂ૫ તેજથી તથા આ કરડાટથી બન્ને પાછાં પડી ગયાં. કાળો ઝભ્ભો, ને પુષ્પનો મુકુટ પણ એની પાસે પડેલાંજ હતાં. રમા તુરતજ સમજી ગઈ ને પાધરીજ ઘુંટણીએ પડી એ બધાંને વળગી પડીને બોલી “પ્રિય પિતા ! હું હજી તમારીજ છું.”

શોકનો પોકાર ધીમો પડ્યો, સ્વર બદલાયો, કાંઈક મનુષ્ય બુદ્ધિથી પિતૃત્વના ધર્મે અને કાંઈક રસિક બુદ્ધિથી સહૃદયત્વના આનંદે, એ શોક અદ્યાપિ પણ ગાનરૂપ છતાં હળવે હળવે વધારે વધારે મધુરતા પકડતો ચાલ્યો. હાથમાંથી કોયલ ઉડી ગઈ — ધીમેથી, વાયુરૂપે, પક્ષીની પેઠેજ — થોડી વાર મધુર રાગ રહ્યો અને પછી વિરામ પામી ગયો, સરંગી હાથમાંથી પડી ગઈ ને તાર તૂટી ગયા. ગવૈયો પગે પડેલા બાલકને તે પછી જમીન પર પડેલા વાદિત્રને જોવા લાગ્યો…… “મને પણ એની પાસેજ બાળજો” ઘણા શાન્ત તથા ડૂબતા સ્વરે બોલ્યો “અને આને મારી પાસે.” આટલું બોલતાંજ એનું આખું શરીર પથ્થર જેવું અક્કડ થઈ ગયું. એની મુખાકૃતિ પણ છેવટ બદલાઈ ગઈ. જમીન ઉપર ધબ દઇને પડ્યો, તાર પણ– શરીરરૂપ વાદિત્રના તાર પણ — તૂટી ગયા, જેવો પડ્યો તેવોજ તેને ઝભ્ભો પેલા પુષ્પના મુકુટને પણ લેતો પડ્યો, પણ તે આ મુવેલા માણસને હાથ આવે તેટલો નજીક પડ્યો નહિ.

ત્રુટી ગયેલું વાદિત્ર—વિખેરાઈ ચૂરા થઈ ગયેલું હૃદય, સૂકાઈ ગયેલો પુષ્પમુકુટ—આ સર્વ ઉપર લીલી વેલીથી છવાયલી જાળીમાંથી સાંજના સૂર્યનાં મંદ મંદ કિરણ ઝળકી રહ્યાં હતાં. એમજ અવિનાશી પ્રારબ્ધનો વિશ્વક્રમ માણસના જીવતરને જ્વલિત કરનાર મહા પદાર્થોના પરાભવનો ઉપહાસ કર્યાંજ જાય છે ! સૂર્ય પણ કોઈ સ્થલે આમજ ભંગ થઈ ગયેલા ગાન ઉપર કે કરમાઈ ગયેલા પુષ્પમુકુટ ઉપર રોજને રોજ ભાગ્યેજ અસ્ત નહિ પામતો હોય !

સરદારને તથા તેની વહાલી સરંગીને એકજ ઠેકાણે બાળ્યાં, મધુરી સરંગી ! તારા ક્ષણભંગુર માલિક કરતાં પણ તારે માથે ભારે દુઃખ ગુજ્યું ! તારો આત્મા તો તારામાંજ સમાઈ રહેલો હોવાથી લગભગ નાશ પામ્યો, પણ તારા રમાડનારનો પરમ અંશ સ્વર્ગમાં વાસ પૂરી, કોઈ કોઈવાર જ્યારે આકાશ ભવ્ય દેખાય છે અને સંસાર લૂખો લાગે છે ત્યારે, પેલી ભક્તિમાન્ પુત્રીના કાનમાં મૃદુ શબ્દ કરે છે, ને હૃદયમાં આવિર્ભાવ પામે છે, આવી રીતે સાંભળવાની ઇંદ્રિયો પણ માણસનામાં છે. પણ તે જડ બુદ્ધિને જડતી નથી. જેઓ શ્રદ્ધાસહિત મરનારનું સ્મરણ વીસરતાં નથી તેમને આવા સુસ્વર વારંવાર સંભળાયા વિના રહેતા નથી.

રમા હવે જગત્‌માં એકલી પડી, જે ઘરમાં રહી એને એકલાં રહેવું તે શું તેની સમજ પણ ન હતી, તેજ ઘરમાં હવે એ નિરાધાર એકલી થઈ પડી ? પહેલાં તો આવું એકલાપણું એ ઉજ્જડ ઘરમાં એને ઘણું વસમું લાગવા માંડ્યું, રે વાંચનાર ! — આ અદ્‌ભૂત અને અગમ્ય વાત વાંચનાર ! — કોઈ પ્રેમબદ્ધ પ્રાણના સનાતન વિયોગે તને એમ નથી લાગ્યું કે આ ઘર હવે ખાવા ધાય છે, એને મૂકીને કોઈ ઝુંપડીમાં રહેવું પણ ઠીક છે ? જંગલના જડવૃક્ષાદિક અને ક્રૂર હિંસક પ્રાણીનો સહવાસ સારો છે ! એમ છતાં પણ, અહો ! માણસ ! તારી વૃત્તિ શી વિલક્ષણ છે ! આવા વિચાર ગ્રહણ કરીને ઘર છોડી ગયા પછી પણ, જ્યારે નવા સ્થાનમાં મરનારનું સ્મરણ કરાવે તેવું કાંઇ નથી જડતું, ત્યારે જે વિચારોથી મૂલ દુઃખ થતું હતું, તેજ પાછા અંગીકાર કરવાનું મન તને નથી થતું ? અસલનો પ્રેમસંસ્કારથી અભિષિક્ત મંડપ–પારકાને સોંપવામાં તને પાપ જેવું નથી લાગતું ? જ્યાં તારા પૂર્વજોએ દિવસ ગુજારી તને આશિર્વાદ આપી ઉછેર્યો તેને તજી જવામાં તને અંતઃકરણથીજ બળતરા થઈ આવે છે. આપણા લોક જે માને છે, કે મરનાર મનુષ્ય જે ઘરનો હોય, તે ઘરમાં રક્ષકરૂપે રહે છે, તે બહુ રીતે વાસ્તવિક અને સંતોષકારક છે. કોનું અંતઃકરણ છેક એવું બુઠું હશે કે જેને આવી લાગણી નહિ થતી હોય ? પોતાના પિતાની જોડે નિકટ સંબંધ ધરાવનાર એક કુટુંબે, રમાને પોતાની સાથે રહેવાનું કહ્યું. તે પ્રથમ તો પોતાની દુઃખી અવસ્થામાં તેણે સ્વીકાર્યું; પણ આપણા અંતર્‌ને જે શોક બાળતો હોય, તેનાથી કેવલ અપરિચિત તથા તેમાં ભાગ ન લેનાર એવા કોઇ ત્રાહિતનો સમાગમ ખરા દિલના કારી ઘાને કેવો નડે છે ! આવામાં પણ માબાપ, છોકરાં, છૈયાંની વાતો સાંભળવી–એક એક સાથે પ્રેમમોદ કરતાં કુટુંબીઓને જોવાં–જાણે કોઇને કાંઈ આવી પડીજ નથી એમ બેદરકારીથી મોજ કરતા લોકને જોવા–અને અરે ! ઈશ્વરે મોત તે મારા એકલાનેજ ઘેર મોકલ્યું કે શું એવો ખેદ સવિશેષ પામવો–એ કેમ વેઠાય ! દુનીયાંદારીની રીતિ પ્રમાણે લોક દિલાસો આપવા આવે છે, પણ સામાનું દુઃખ ન સમજતાં પોતાનાં તેજ પ્રકારનાં સુખ તેની દૃષ્ટિએ નિઃશંક થઈ ધરે છે, તેમાં શી મોહોટી ભૂલ કરે છે, તે તેઓ સમજતા નથી. गत जानहिगो दरदी दरदीकी; બાકી તો બીજાને શી પડી હોય ? પણ આવા સમાગમ કરતાં ભલી બીચારી તેજ એકાંત ભૂમિ, જ્યાં પ્રેમભક્તિના પરાક્રમનો અંત આવ્યો છે, ને જ્યાં અગણિત નાના મોહોટા સ્મારક પ્રસંગોથી હૃદયનો મીઠો પ્રવાહ ચાલુ રહેવાનો સંભવ છે. એ સ્થલનેજ છેવટે જીભ આવે છે, તેજ પ્રબોધે છે. તેથીજ અંતે પ્રેમભક્તિમાં શાંતિ મળે છે. જા બાપુ ! જા રમા ! તારે ઘેર જા. સ્મશાન પોતે પણ સુખમાં મસ્ત થયેલા લોકની બેદરકાર મંડલી સમાન દુઃખ આપતું નથી–ઘેર જઈ બારીમાં બેશી,-અથવા ઘર બહાર રહી તું પેલા વૃક્ષને જો–તારાજ જેવુંજ નોધારૂં, પથ્થરમાંથી ફૂટી નીકળેલું, પણ પરમજ્યોતિ તરફ જોર ભર્યું ધસતું !– એજ રીતે ગમે તેવું દુઃખ આવી પડે. પણ જ્યાં સુધી જોબનનું જોર કાયમ છે, ત્યાં સુધી માણસની અંતર્વૃત્તિ ચાલુ રહે છે. જ્યારે અંદરનો રસ સૂકાઇ જાય અને કાલે કરી ગાત્ર શિથિલ થઈ જાય, ત્યારે તો માણસને તેમ ઝાડને હજારો સૂર્યનું તેજ પણ નકામુંજ છે !

કેટલાએક દિવસ ને મહિના–ખેદકારક મહિના–ચાલ્યા ગયા. રમાને દિલ્હી શહેરના લોક આમ એકાંતમાં પડી રહેવા દે તેમ ન હતું. સંસાર પોતાના હજાર હાથ વડે ગમે ત્યાં ભરાઈ બેઠા હોઈએ, ત્યાંથી પણ આપણને બહાર તાણી લાવે છે. મા પાછી રંગભૂમિ ઉપર હાજર થઈ. કીર્તિ તેમજ નાણું પણ આ જવાન નટિને ભરપૂર મળવા લાગ્યાં, તથાપિ એણે પોતાની સાદાઈમાં કોઈ ફેરફાર કર્યો નહિ. એના એજ નાના ઘરમાં તે રહેતી, ને એકજ ચાકર, જેના ગુણદોષ તેની કાચી બુદ્ધિમાં ઉતરી શકતા ન હતા, તેટલોજ તે રાખી રહી હતી, એની પાસે વિવિધ પ્રકારની લાલચો ભેગી થવા લાગી, અને એની અરક્ષિત કાન્તિથી તથા ઉઘાડા ધંધાથી, જેટલાં લફરાં એને વળગી શકે તેટલાં વળગવા લાગ્યાં. એનાં માબાપે એને કુલીન કુમારિકાનો સદ્ધર્મ એવો સારો સમજાવેલો હતો કે એનું અંતકરણ ડગ્યું નહિ; લગ્નવિધિ વિનાના જેજે સંબધો એને બતાવવામાં આવતા, તે એને ઘણા દુષ્ટ અને તેથી ધિક્કારવા જોગ લાગતા. પણ આ ઉપરાંત જેમ જેમ એકાંતમાં રહી એનું હૃદય શોકથી ને શોકથી પકવતા ગ્રહણ કરતું ચાલ્યું. તેમ તેમ એના બાલપણના સ્વપ્નવત્ તરંગોમાંથી હાલ પ્રેમનું સ્વરૂપ એના હૃદયમાં પૂર્ણ અંશે ખડું થયું. આવું કલ્પિત પ્રેમરૂપ જેના મનમાં જડાય છે તેને તુરત મળી આવતી વસ્તુઓ ઉણી લાગે છે, ને પોતાની રચનાને મળતા આવે તેવા વિષયની વાંછના ઓછી થતી નથી. જેમ જેમ આ ઉચ્ચ મનોભાવ માના મનમાં રમવા લાગ્યો, તેમ તેમ તેની સાથે પેલા પરદેશી આકૃતિ– કાંઈક ભય પમાડતી અને સાવધાન રહેવાની સૂચના કરતી-પ્રેમની અંતર્દૃષ્ટિએ ચઢવા લાગી. આજ તેને દીલ્હીથી ગયાને બે વર્ષ પૂરાં થઈ ગયાં; પણ એની કાંઇ ખબર અંતર સાંભળવામાં આવી નહતી. દીલ્હી શેહેરના ગ૫ ચલાવનારા નવરા લોક, જે એના વિષે અદભુત વાત ચલાવતા. તે તો એને ભૂલી ગયા હતા, પણ રમાનું હૃદય એને વીસરે એમ ન હતું. તે વારંવાર રમાને સ્વપ્નમાં દર્શન દેતો; અને જ્યારે એના નામનું સ્મરણ કરાવતો ઝીણો પવનનો પેલા વૃક્ષમાંથી સપાટો રમાને કાને પડતો, ત્યારે જાણે એ પોતેજ એને ચેતવણી આપતો હોય, તેમ તે ચમકી ઉઠતી.

પોતાની પાછળ જે આશકોનું ટોળું ફરતું, તેમાંના એક ઉપર એની નજર ઠરી હતી. એ પોતાના વતનનો હતો તેથી, અથવા એનો શરમાલ સ્વભાવ પોતાના મનમાં વિશ્વાસ પેદા કરતો હતો તેથી, અથવા સ્થિતિએ પોતાની બરાબરીનો હોવાથી જે સ્તુતિ એ કરતો તે બીજા તવંગર આશકોના અપમાન ભરેલા શબ્દો કરતાં વધારે આનંદકારક લાગતી તેથી, અથવા એ જાતે પણ તરંગી હોઈ રમાને રુચે તેવા વિચાર દર્શવતો તેથી, કે ગમે તે કારણથી, પણ એની નજરે એ માણસ ઠીક લાગ્યો હતો. એના ઉપર એની પ્રીતી થવા માંડી; પણ જેમ કોઈ બેહેન પોતાના ભાઈને ચહાય તેવીજ. આખરે એ બંને જણ વચ્ચે વાત ચિતનો પડદો તૂટ્યો અને નિ:શંક બોલચાલ શરૂ થઈ. મા !-એકલી પડેલી મા!-આ સંબંધમાં વધારે ભય ? કે તને અદ્યાપિ પ્રાપ્ત નથી થયું એવું જે પ્રેમ સ્વરૂપ તારા હૃદયમાં છે તેમાં?

આટલેથી આ ઉપોદ્‌ઘાત રૂપ સમારંભ બંધ થાય છે. વાચનાર ! તારે વધારે જાણવાની ઈચ્છા છે? એમ હોય તો તારી શ્રદ્ધા સબલ કરીને તત્પર થજે. મારે અથડાઈને આંધળી થઈ ગયેલી આંખોનો ખપ નથી, પણ જાગ્રત થયેલી બુદ્ધિની જરૂર છે.


પ્રથમ તરંગ સંપૂર્ણ.