લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૨:આશામાં નિરાશા

વિકિસ્રોતમાંથી
← ભાવિનું સામર્થ્ય ગુલાબસિંહ
આશામાં નિરાશા
મણિલાલ દ્વિવેદી
પ્રેમની પ્રતીતી →


પ્રકરણ ૧૦ મું.

આશામાં નિરાશા.

એ પોતાના ઘરના આંગણામાં બેઠી હતી–પેલી નાની નટી. યમુના નદીનો વિસ્તીર્ણ પ્રવાહ વાંકાચુંકાં વલન લેઈ લેઈ કીનારે કીનારે એવો લપાઈ લપાઈને ચાલતો હતો કે જાણે પૃથ્વી માતાના પ્રસારેલા હાથમાં નાનું બાલક ગેલ કરી રહ્યું હોય ! જોનારની આંખને હર્ષના તેજથી પ્રફુલ્લ કરી દેતો હતો. ગામના પ્રૌઢ અમીર ઉમરાવો પોતાના શૌર્યની ઉન્મત્તતામાં આનંદ પામતા ધીમે ધીમે અશ્વને ખેલાવતા. તથા પોતાના બેસનારનું માહાત્મ્ય જાણી ઉલ્લાસથી સાભિપ્રાય કુદતા અશ્વની ગતિ નીહાળતા, ચાલ્યા જતા હતા. અહીં તહીં વૃક્ષની કુંજોમાં કોઈ ગોવાળીયા વાંસળીનાં તાન લલકારી રહ્યા હતા, અને કૃષ્ણલીલાનાં અપૂર્વ વર્ણનથી શ્રવણને પાવન કરતા હતા. કોઈ મોજમઝા કરનારની ટોળીઓ ઠઠ્ઠા મશ્કરી કરતી ગંમત રમતમાં કીનારે બેશી સુખ માણતી હતી. આમ વિવિધ જાતના ઉપભોગમાં મસ્ત થઈ રહેલા લોક કેવલ નિષ્કર્મ રહ્યા રૂપી શૂન્યતાના આનંદમાંજ મઝા માની રહ્યા હતા. આ બધુ માની નજરે રમી રહ્યું હતું, પણ તેની દૃષ્ટિ પેલી નદીના લાંબા ને લાંબા ચાલ્યા જતા આડા અવળા પ્રવાહ પર સ્થિર થઈ રહી હતી ! એના જેમ તેમ પહેરી લીધેલા તથા ગમે તેમ લટકતા પોશાક પરથી એના મનની એકાંત કલ્પનામાં જે તન્મયતા વ્યાપી હતી તેનું અનુમાન બની આવે એવું હતું. એના ગુંચળાંવાળા કાંઇક સુરખી મારતા વાળ ગમે તેવી રીતે ઢીલાઢીલા બાંધી લીધેલા હતા અને તેનો જુડો કસવામાં જે સોનેરી રંગનું નાડું વાપરેલું હતું, તેને મુકાબલે તેમનો રંગ વિશેષ ખીલી રહ્યો હતો. કોઈ લટ છૂટીને ગળા પર લટકી પણ રહી હતી. ઓઢેલી જાંબુ રંગની ઓઢણીના છેડા છાતી પર આવતી પવનની લેહેરથી આમ તેમ ઉડ્યાં કરી એની સુંદર કાંતિનું સહજ દર્શન આપ્યાં જતા હતા. દિવસની ગરમીને લીધે કે પછી ગમે તે કારણથી એના ગાલ તેજ મારી રહ્યા હતા, અને એની વિશાલ કાળી આંખો અતિ અલસ જણાતી હતી. અહો ! રંગભૂમિપરનો ભવ્ય સ્વાંગ ધારણ કરી હજારો મશાલોની રોશની આગળ પણ મા કોઈ વાર આવી અને મનોહારિણી જણાતી નહિ.

એની પાસેજ, ઉમરાની અંદરની પાસે, પેલી બુઢ્ઢી દાસી ઉભેલી હતી. જેવો નિશ્ચય ભરેલો, તથા બાલકને કોઈ વાત સહજમાં ગળે ઉતારે એવો, ઘરડાં અનુભવી બૈરાં અવાજ કાઢે છે, તેવા અવાજે તે બોલી ઉઠી “બેટા ! હું તને ખાત્રીપૂર્વક કહુ છું કે આખા દીલ્હી શહેરમાં એવો બહાદુર ઉમરાવ મળવાનો નથી, તેમ તેવો કાન્તિવાળો પણ નજ જાણવો. મેં તો વળી એમ પણ સાંભળ્યું છે કે એ જયપુરવાળા તો પૈસાદાર પણ ઘણાં હોય છે, અને એવું કહે છે કે તેના સોના મોહોરો તો એ લોક કાંકરાની પેઠે ઉડાવે છે. કેમ બેટા ! કેમ ધ્યાન આપતી નથી ? આમ શું કરે છે !”

“ગુલાબસિંહને માટે આવી વાત કહેવાય છે ?” રમા, પોતાની બુઢ્ઢી દાસીનું લાલાજી તથા જયપુરવાસીઓને માટે કહેવાનું ન ગણકારતાં બોલી ઉઠી.

“રામ રામ રામ ! એ જાદુગર ધૂતારા ગુલાબસિંહનું નામ જવા દે. તારે સમજવું જોઈએ કે એનું સુંદર મોહોડું તથા તેથી પણ વિશેષ સુંદર એની મોહોરો એ બધું જાદુનો ખેલ છે. તે દિવસે એણે જે થેલી મને આપી હતી તેને હું ઘડી સાયતે ઉધાડી જોઉં છું કે તે મોહોરોના કાંકરા તો થઈ નથી ગયા.”

“ત્યારે” મા એ બિહીતે બિહીતે આતુરતાથી પૂછ્યું, “તું એમ માને છે કે જાદુની વાત સાચી છે !”

“માનું ? — જાદુને માનું છું?— રામ, કૃષ્ણ, પરશુરામ, એમને માનું છું એમજ પૂછને. પેલા માછીના છોકરા ઉપર જ્યારે વૈદ્ય લોકે હાથ ધોઈ નાખ્યા ત્યારે તેને એણે શી રીતે ઉભો કર્યો ? પોતે ત્રણ વરસ થયાં જીવતોને જવાન છે તે કેમ? જેમ ડાકણો કરે છે તેમ જોતાં વારજ ગમે તેને વશ કરી નાખે છે તે પણ કેમ ? કોણ જાણે બીજું શું શું એ કરતો હશે ! ડાકણોની વાત સાંભળી નથી ?”

“અહો આનું જ નામ જાદુ ! — એના જેવું છે ખરૂં. હોવું જ જોઈએ.” મા, ઘણી ફીકી પડી જઈ મનમાં બબડવા લાગી. આ ગવૈયાની દીકરી પેલી બુઢ્ઢી કરતાં વહેમમાં પાછી હઠે તેવી ન હતી; એટલે, એવી મુગ્ધાના નિર્દોષ મનને નવે નવા કામવિકારને લીધે, જે વાત વધારે અનુભવી માણસો પ્રેમને નામે કે તે જાદુરૂપે જણયજ !

“વારું, વળી પેલો—અમીર એનાથી કેમ ડરી ગયો ? એણે આપણને હેરાન કરવાં કેમ મૂકી દીધાં ? એ એવો નરમ કેમ પડી ગયો ? આ બધી વાતોમાં શું જાદુ નથી ?”

“ત્યારે ” મા. ઘણાજ મધુર પણ પોતાના જ વિચારનો વ્યાઘાત થાય થાય તેવા શબ્દોથી બેલી ઊઠી “શું તું ખરેખર એમ માને છે કે મને જે હાલમાં એ તરફની નીરાંત છે તે એને લીધે છે ? હા, હા, એમજ હોવું જોઈએ છે. ચૂપ, બુઢ્ઢી ચૂપ; બોલ નહિ; મારા મનનો વિચાર ચાલવા દે. અરે ! મારે નસીબે તું અને મારૂં બિહીકણ મન બેજ મારી પાસે ક્યાંથી છો? રે ! સર્વપ્રકાશક સૂર્યનારાયણ ! તમે બધાં સ્થલને પ્રકાશ આપો છો,” પણ, પોતાના હૃદય પર ઘણા આવેશથી હાથ મુકી બોલી “આટલા ખુણાને અંધકારમાંજ રાખો છો. જા જા બુઢ્ઢી ! ચાલી જા : મને એકલી રહેવા દે.”

“તુ ન કહત તો પણ મારે જવુંજ છે, કેમકે ચૂલે મૂકેલો પૂડો ખરાબ થઈ જવા આવ્યો હશે, ને તેં તો સવારનું કાંઈ ખાધું પણ નથી. જો તું આમ લાંઘા ખેંચશે તો તારી કાન્તિ કરમાઈ જશે ને તને કોઈ પછી ચહાશે નહિ. જ્યારે આપણા ચહેરાનો રંગ બદલાય છે ત્યારે કોઈ આપણા સામું જોતું નથી, એનો મને પૂરો અનુભવ છે. એમ થતાં તારે પણ કોઈ મા મારી પેઠે બગાડવા માટે શોધી લેવી પડશે. લે હું તો મારે આ ચાલી પેલા પૂડાને તપાસવા.”

એની પૂઠ વળી કે મા સહજ મહોટેથી વિચારવા લાગી. “જ્યારથી એનું મારે ઓળખાણ થયું છે, જ્યારથી એની કાળી કાકીએ મને કામણ કર્યું છે, ત્યારથી હું હતી તે મટી ગઈ છું. હું જાણે મારી જાતથી પણ ડરીને છૂટી થવા ચાહું છું — સૂર્યનાં કિરણ ભેગી ભળીને પણ જાણે ટેકરીની ટોચે ચઢવા ઈચ્છું છું — કાંઈક જે આ દુનીયાનું ના હોય તે થવા ઈચ્છું છું. મારી નજર આગળ રાતે ભાતભાતના ખેલ જામ્યાં કરે છે, કોણ જાણે પ્રેત પિશાચ કે શાનાં ચિત્ર દેખું છું, અને મારા હૃદયમાં, કોઈ પક્ષીની પાંખથી થતા હોય તેવા ફફડાટને લીધે એમ માનું છું કે અંદરનો જીવ પોતેજ ગભરાઈ ગયો છે ને હવે પાંજરૂં ભાંગી ઉડી છૂટશે.”

આવા અસંબદ્ધ તરંગની પરંપરામાં લીન થયેલી હોવાથી તેના પણ લક્ષમાં ન આવે તેવે ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું ને ધીમેથી તેને હાથે હાથ લગાડી બોલ્યું “મા! મારી મા !” સાંભળતાં જ ફરીને જોવા લાગી તો લાલાને જોયો. એનું કાંતિમાન્ તથા સંગીન મુખ જોઈ એના મનને તુરતજ શાન્તિ વળી. એના આવવાથી એને આનંદ થયો.

મા ?” લાલાજીએ જ્યાંથી મા ઉઠી ઉભી થઈ હતી ત્યાં તેને બેસાડીને પોતે તેની પાસે બેસતાં કહ્યું “મા ! હું કહું તે સાંભળ. તું જાણતી તો હોઈશ કે હું તને પ્રેમપૂર્વક ચાહું છું. તારી કલાના આનંદથી જ કે તારી સ્થિતિ પર દશાના આવેશથીજ હું તારી પાસે આવુંછું એમ ન જાણતી. એવાં ઘણાં કારણ છે કે જેથી હું તારી સાથે આ વાત વિષે મારી આંખો સિવાય બીજે રસ્તે આજ પહેલાં બોલી શક્યો નથી. પણ આજે તો, હું જાણતો નથી કે શાથી, મારામાં તને કહેવાનો નિશ્ચય તથા હિંમત બન્ને આવ્યાં છે, અને મારા નસીબમાં જે સુખ કે દુઃખ હોય તે જાણવાની પણ ઈચ્છા થઈ છે. હું જાણું છું કે મારે પ્રતિસ્પર્ધી છે — મારા જેવા ચીતારાના કરતાં જબરા છે, પણ બોલ તે વધારે માનીતા છે?”

પોતાની સ્તુતિ સાંભળી સહજ શાલીનતાના આવેશથી માના ગાલ ઉપરનું તેજ કિંચિત્ ઝાંખું પડયું. પણ એના મોં ઉપર ગંભીરતા અને ખેદ તેવાં ને તેવા જ રહ્યાં. આંખો નીચી ઢાળીને, તથા પગના અંગુઠા વતે જમીન ખોતરતે ખોતરતે, તેમજ કાંઈ અચકાતે અચકાતે તથા જરા ખુશમિજાજમાં હોય તેવો ફોકટ પ્રયત્ન કરતે કરતે માએ કહ્યું “લાલાજી ! જે માણસો નૃત્ય કરતી બાલાઓ પાછળ ભમે છે તેમને પ્રતિસ્પર્ધી તો હોયજ, આપણે એવાં નિર્ભાગી છીએ કે આપણી જાતનો પણ આપણે એકલાં જ આનંદ લેઈ શકતાં નથી.

“પણ તું એવા ભાગ્યને ચહાતી નહિજ હોય. તે ગમે તેવા ભભકાવાળું તને જણાતું હોય તથાપિ મને ખાત્રી છે કે તારી હોશીઆરીથી જે ધંધાને તું શોભાવે છે તે ધંધામાં તારું દિલ નથી.”

“નહિજ, નહિજ,” આંખમાં અશ્રુસહિત માએ કહ્યું “એક વખત એવો હતો કે હું ગાન તાનની પૂજારી હતી, પણ હવે મને એમ લાગે છે કે દુનીયાંને ખુશ કરવા માટે મથવું એ તો મહાદુષ્ટ ભાગ્યની નિશાની છે.”

“ચાલ, ત્યારે, મારી સાથે ચાલ;” એમ પેલા ચીતારાએ ઘણા આવેશ તથા આગ્રહદર્શક શબ્દથી કહ્યું, “અને જે તારા પ્રેમી દિલને મારા એકલાનુંજ થઈ રહેતાં અટકાવે છે, તેવા ધંધાને તજ. હાલ અને હવે પછી સર્વકાલને માટે મારા ભાગ્યને આધીન થા, — મારા આનંદમાં, મારા વિચારમાં, મારી વિદ્યામાં. તું મારાં ચિત્ર અને ગાનની અધિષ્ઠાત્રી થઈશ અને તારી કાન્તિ ઘણી પવિત્રતા તથા ખ્યાતિને પામશે. મહોટા રાજાઓના દરબારમાં કોઈ રતિ કે સતીના ચિત્ર પાછળ હજારો લોક ભેગા મળશે, અને સર્વે કહેવા માંડશે કે અહો ! આ તે મા, મા, મા, હું તને મારા ઈશ્વરને ઠામે પૂછું છું, મને કહે કે મેં તારી પૂજા આટલા કાલથી ફોકટ નથી કરી.”

માએ, પોતાનો હાથ હાથમાં લેઈ ધીમે ધીમે પાસે આવતા આશકની તરફ જોઈને કહ્યું “તું ઘણો ભલો તથા સુંદર માણસ છે, પણ મારી પાસે શા બદલાની આશા રાખે છે ?”

“પ્રેમ, પ્રેમ, ને પ્રેમ ! બીજું નહિ.”

“નાની બહેનનો પ્રેમ !”

“અરે ! આમ છેક તરછોડીને શું બોલે છે !”

“તારે માટે તો એવા પ્રેમ વિના બીજું કાંઈ મારી પાસે બાકી રહ્યું નથી. સાંભળ જ્યારે હું તારૂં મુખ દેખું છું, તારો ધ્વની સાંભળું છું, ત્યારે મારા અંતઃકરણમાં કોઈ અવર્ણ્ય શાંતિ તથા ગંભીરતા પ્રસરે છે અને તમામ વિચાર મંદ પડી જાય છે — અરે ! કેવી તપી જાઉં છું, કેવી ગભરાઈ જાઉં છું; જ્યારે તું જાય છે, ત્યારે મને દિવસ એક આની વધારે વસમો લાગે છે, પણ વળી બધું ચાલ્યું જાય છે. મને તું સાંભરતો નથી; મને તારા વિશે વિચાર આવતો નથી; ના, તારે માટે સમગ્ર પ્રેમભાવે ટળવળતી નથી. ત્યારે જ્યાં મારો એકાગ્ર પ્રેમ વળગ્યો છે ત્યાંજ હું મારા આત્માનું અર્પણ કરીશ.”

“પણ હું તારો પ્રેમ સંપાદન કરીશ, મનમાં પાછી ન હઠ. તું જે પ્રેમભાવ મારે માટે બતાવે છે તે ખરે, મુગ્ધા અને નિર્દોષપણાનો નિષ્કલંક સ્નેહભાવ છે, પણ તેને વધતાં શી વાર છે?”

“નિર્દોષપણાનો ! શું નિર્દોષપણાનોજ સ્નેહભાવ છે ! હા, હોય પણ ! ત્યારે ભલા પરદેશી ! તું મારા જેવી માબાપ વિનાની મુગ્ધાને પરણશે ! મને ખાત્રી છે કે તું દયાલુ છે, ઉદાર છે. હું નથી ધારતી કે એજ નિર્દોષતાનો નાશ કરવાની તારી ઈચ્છા હોય !”

આ શબ્દો સાંભળતાંજ મનમાં શરમાઈ પોતાની દુષ્ટ વાસનાનો તિરસ્કાર કરતા લાલો પાછો હઠ્યો.

પોતાના આશકના મનમાં જે લજ્જા, શંકા, પશ્ચાતાપ ઇત્યાદિ ભાવની ગરબડ ચાલી રહી તેનું ભાન ન છતાં પણ ઉભી થઇ જઈને મા બોલવા લાગી “નહિ, નહિજ, તારા મનમાં એ વિચાર નહિજ હોય. મને મૂકી દે; મને ભૂલી જા, ચાલ્યો જા. તું જેના પર પ્રેમ રાખવાનો વિચાર કરે છે તેનો સ્વભાવ તું સમજતો નથી, તારા ખ્યાલમાં પણ આવી શકે તેમ નથી. મને મારા બાલપણથીજ એમ ભાસે છે કે મારા કર્મમાં કોઈ વિલક્ષણ તથા ચમત્કારિક સંકટ લખેલું છે; હું સામાન્ય માણસ જાતિથી એટલી વાતે જુદી છું. આની આજ ભાવના મારા મનમાં દિન પ્રતિદિન દૃઢ થતી જાય છે— કોઈ વાર મનને ઉન્મત્ત બનાવી દે તેવા આનંદનો અનુભવ કરાવે છે, કોઈ વાર ગહન અંધકારમાં ડુબાવી દે છે. મને લાગે છે કે સંધ્યાસમયનાં કિરણો આસપાસ ધીમે ધીમે ફેલાતાં જતાં હોય તેવી એ વાત છે. તુરતજ અંધકાર આવશે, મને લાગે છે કે હવે મારું આવી બન્યું છે, થોડો વખત વીતવા દે, એટલે ચારે તરફ અંધકારજ થઈ રહેશે.”

માનું આ બોલવું લાલો સ્પષ્ટ જણાઈ આવતા ગભરાટથી સાંભળી રહ્યો, તે બોલતી બંધ રહી કે બોલ્યો “મા ! તારા શબ્દો સાંભળી હું હંમેશાં કરતાં પણ વધારે તારી સાથે બંધાતો જાઉં છું. જેવું તને લાગે છે તેવુંજ મને લાગે છે. મારા મનમાં તો મારી સર્વ વૃત્તિને ઠંડી કરી નાખે તેવી અને અલૌકિક ભવિષ્યની કલ્પના થયાં કરે છે. માણસના સમૂહમાં પણ હું એકલોજ હોઉં એવું મને લાગ્યાં કરે છે. મારી સર્વે રમત ગંમતમાં, મહેનતમાં, પ્રયાસમાં, મને એવી સૂચક વાણીનો આભાસ શ્રવણદ્વારા થયાંજ કરે છે કે ‘તારી તરૂણાવસ્થા પછીની અવસ્થામાં તારે માથે મહાદાવાનલ તૂટી પડનારો છે.’ જ્યારે તું તારા વિશે બોલી ત્યારે, જાણે મારો પોતાનો આત્માજ બોલતો હોય એમ મને ભાસ્યું.”

મા લાલાના તરફ આશ્ચર્ય તથા ભય પામતી જોઈ રહી. એનું મુખ સ્ફટિક જેવું શ્વેત થઇ ગયું હતું; એના મુખ પર ગંભીરતા તથા દિલગીરી છવાઇ રહ્યાં હતાં. ધીમે ધીમે એજ મુખની કઠોરતા નરમ પડવા લાગી, અને પાછો હતો તેવો રંગ થઈ રહ્યો; સ્તબ્ધ થયેલું હૃદય ફરી કૂદવા લાગ્યું અને આખા શરીરને પૂર્વવત્‌ સ્મૃતિ આવી ગઈ.

“બોલ લાલાજી ! તું એક જણને ઓળખે છે ? જેના વિષે આ ગામમાં તમામ જાતિની ગેબી ગપ્પો ચાલ્યાં કરે છે ?”

“હા, તું ગુલાબસિંહે વિષે કહે છે; મેં એને દીઠો છે, હું એને ઓળખું છું; અને તું !—અરે ! એ પણ મારો પ્રતિસ્પર્ધી છે, એ પણ મને તારાથી જુદો કરનારો છે !”

“તું ભુલ કરે છે” માએ ઘણો ઉંડો નિશ્વાસ નાખીને કહ્યું, “એ તો ઉલટો તારો પક્ષ કરે છે; એણેજ મને તારો મારા પર પ્રેમ છે એ વાત સમજાવી છે, અને તે પ્રેમની ના ન પાડવા આજીજી કરી છે.”

“શો વિલક્ષણ માણસ ! કદી પણ ન સમજાય તેવોજ કોહેડો ! એનું નામ તેં શા માટે સંભાર્યું ?”

“એટલુંજ પૂછવા માટે કે જે ભવિષ્યકલ્પના તેં તારા સંબંધમાં કહી તે જ્યારે તું એને મળેલો તે વખતે તારા મનમાં કાંઈ સવિશેષ ભયથી તથા વિશેષ સ્પષ્ટ રીતે ખડી થયેલી કે નહિ ? અથવા તને એનાથી દૂર થવાનો તેમજ એની તરફ ગાઢ સ્નેહ કરવાનો સાથેજ વિચાર થયેલો ? અથવા તને એમ લાગેલું કે તારી જીંદગીની દોરી ( આ વાત માએ જરા વિશેષ આવેશથી કહી ) એના હાથમાં છે ?”

“હા” લાલાએ કહ્યું “હું એને પ્રથમ મળ્યો તે વખતેજ મને એવી સર્વ વાતનું ભાન થયું હતું. મારી આસપાસ આનંદ, ગંમત, રમતનો વરસાદ વરસતો હતો, ગાનતાન ગાજી રહ્યાં હતાં, અને આબોહવા ખુશનુમા હતાં, છતાં મારા પગ થથરવા લાગ્યા, મારું લેાહી થંડુ થઈ જવા લાગ્યું. તે સમયથી મારા મનમાં માલિક તું અને એ બે સમાન રીતે થઈ રહ્યાં છો !

“બસ બસ,” રમાએ કહ્યું “આ બધી વાતમાં ખરે દૈવનો કોઈ ચમત્કાર છે ! તેવે તારી સાથે આ વખત વિશેષ વાત બને તેમ નથી. બસ ! રામરામ !” આમ કહેતી કૂદકો મારીને ઘરમાં પેશી ગઈ, અને બારણું બંધ કરી દીધું. લાલો તેની પાછળ ગયો નહિ, તેમ તેને જવાનું મન પણ થયું નહિ. ગુલાબસિંહ તથા તેની સાથેની પોતાની મુલાકાતનું સ્મરણ થતાં તમામ માનુષીવૃત્તિઓ ગુમ થઇ ગઈ, માની મૂર્તિ એના હૃદયમાં સંતાઈ ગઈ, અને લાલો થથરતો થથરતો દિલ્હીના વધારે ગર્દીવાળા ભાગ તરફ નાશી છૂટ્યો.



બીજો તરંગ સંપૂર્ણ.