ગુલાબસિંહ/તરંગ ૨:પ્રેમતૃપ્તિના અંકુર

વિકિસ્રોતમાંથી
← પ્રેમની તાણાતાણ ગુલાબસિંહ
પ્રેમતૃપ્તિના અંકુર
મણિલાલ દ્વિવેદી
પ્રેમ અને જ્ઞાનનો કલહ →


પ્રકરણ ૩ જું.

પ્રેમતૃપ્તિના અંકુર.

ગુલાબસિંહ માની પાછળ ઘરમાં ગયો; બુઢ્ઢી સમજીને દૂર થઈ ગઈ; અને બન્ને એકાંતમાં સામ સામે દૃષ્ટે દૃષ્ટ મેળવી બોલ્યા ચાલ્યા વિના ઉભાં છે એમ થયું. પોતાના પિતાના આનંદી સમયે તેના મધુર ગાનથી ગાજી રહેલા સ્થલમાં આ વખતે ઉભેલી મા. આ ગૂઢ પ્રકૃતિવાળા, કદાપિ પણ સ્મૃતિમાંથી ન ખસતા, અને કાન્તિમાન્ તથા ભવ્ય પરદેશીને, જે સ્થલે પોતે પોતાના પિતાને ચરણે ઉભી રહેતી, ત્યાંજ ઉભેલો જોઈ આનંદમાં કે તે પ્રસંગના ગભરાટમાં મોહિત થઈ જઈ, કૃત્રિમ અભિનથી નવી નવી આકૃતિઓ ખડી કરવાની પોતાને પડેલી તરંગી રીતિ મુજબ વિચારવા લાગી, કે અહો એ દિવ્યપિતાના દિવ્યગાનની પ્રતિકૃતિજ શું મારા આગળ રૂપાંતરે અત્યારે ઉભી તો નહિ હોય ! આ વિચારમાં પડેલી હોવાથી પોતાની ભવ્ય કાન્તિનું તો તેને ભાનજ ન હતું. એણે માથેથી ચાદર કાઢી નાખી હતી એટલે એની ગુંચળાંવાળી કાળી લટો સાડીમાંથી હાથીદાંત જેવા સ્વચ્છ ગળાપર લેહેતી જણાતી હતી; એનાં શ્યામ પણ પ્રેમાલ નયન ઉપકાનાં મંદ મંદ અશ્રુમાં જાણે તરતાં હતાં, અને એના ગાલ તથા મોંઢા ઉપર ગુજરેલા બનાવોના સ્મરણથી સહજ કાંઈ શોકમિશ્રિત પ્રેમલજ્જાની સુરખી છવાઈ રહી હતી. તિને પોતાને ખુશ કરતાં કામદેવે પણ આ આકૃતિ કરતાં વધારે મોહક અને આકર્ષક છબી ભાગ્યેજ નીહાળી હોય !

ગુલાબસિંહ એના તરફ જોઈ રહ્યો હતો, પણ એની દૃષ્ટિમાં પ્રેમની સાથે જ દયાની પણ ઝીણી છાંટ નજરે પડતી હતી. મનમાં જ કાંઈક બોલ્યા પછી મોહોટેથી રમાને કહેવા લાગ્યો :—

“રમા ! મેં તને ભયમાંથી બચાવી છે; તારી લાજ રાખી એટલુંજ નહિ, પણ તારો જીવ પણ બચાવ્યો છે. હાલની શિથિલ રાજ્યવ્યવસ્થામાં એ ઉદ્ધત અમીર—કોઈની દરકાર કરતો નથી; નજરમાં આવે તેવા ગુનાહ કરે છે. પોતાની વિષયવાસના તૃપ્ત કરતાં પણ, ખરા લુચ્ચા માણસો જેવું ડહાપણ વાપરે છે તેવું વાપરવામાં એ ચૂકતો નથી, જો તેં એની મરજીને હંમેશને માટે તાબે થવા કબુલ ના કર્યું હોત, તો એના જુલમની વાત જાહેર કરવા માટે તું ફરીથી દુનિયાનું મોઢું દેખત નહિ. એ જુલમગારનામાં દયાનો છાંટો પણ નથી. એનો હાથ ગમે તે કામ કરવા નિરંતર તૈયારજ છે. એવા ભયમાંથી મેં તેને બચાવી; પણ કદાપિ તું પૂછશે કે શા માટે ?” આટલું બોલી ગુલાબસિંહ જરા અટક્યો અને દિલગીરી ભરેલે ચેહેરે જરા હસીને કહેવા લાગ્યો “જે તારા પર જુલમ ગુજારનાર હતો તેના કરતાં તારા બચાવનારના વિચાર કાંઇ વધારે નિઃસ્વાર્થી નથી એમ ધારી અને તું દોષ ન ચઢાવતી. નિરાધાર બાલા ! તારા આશકો જે ભાષા બોલે છે તે હું આ વખતે બોલતો નથી; મને તારા આગળ તે આવડતી ૫ણ નથી. એટલુંજ તારે સમજવું બસ છે કે મારામાં દયાનો અંશ છે, અને તેથી કોઈની પણ પ્રીતિથી હું ઉપકૃત થાઊં છું. અરે ! શા માટે એ શબ્દ સાંભળી શરમાય છે, શા માટે કંપે છે ! હું બોલતે બોલતે પણ તારા મનમાં શું ચાલે છે તે સમજી શકું છું, અને જોઈ શકું છું, તેમાં તારે શરમાવા જેવું કાંઈ નથી. હું એમ નથી કહેવા માગતો કે તારા મનમાં હજી મારે માટે પ્રેમ પદા થયો છે, કેમકે હૃદયમાંની ખરી વૃત્તિ જાગ્રત્‌ થતા પહેલાં ઘણી વાર કલ્પનામાત્રજ તીવ્ર બની રહી હોય છે. પણ મારા દુર્ભાગ્યે મેં તારી આંખને મોહિની લગાડી છે, તારી કલ્પનાને કબજે કરી છે ! જે વાતથી તને દુઃખ સિવાય બીજું પ્રાપ્ત થનાર નથી તે વાતથી દૂર રહેવાની ચેતવણી એક વાર આપી હતી તેમ ફરીથી આપવા માટેજ હું તારા ઘરમાં આવ્યો છું. પેલો જયપુરવાસી લાલો તારા ઉપર સારો પ્રેમ રાખે છે, કદાપિ પણ મારાથી ન રાખી શકાય તેવો પ્રેમ રાખે છે. કદાપિ તે તારા પ્રેમને અદ્યાપિ પાત્ર નહિ થયો હોય, પણ જેમ જેમ તને વધારે ઓળખતો જશે તેમ તેમ સહજમાં થઈ શકશે. એની સાથે પરણીને તું સુખી થશે, તારી માના ગામમાં જઈ વસશે. મારું નામ પણ ભૂલી જા, એનો પ્રેમ સ્વીકારી સામે પ્રેમ બતાવવા તત્પર થા–એમ કરવાથીજ તું કીર્તિ પામી સુખી થશે.”

પોતાના મનમાં ખેદ અને શોકની જે વૃત્તિનું અવર્ણ્ય તોફાન ચાલતું હતું તે બહાર બતાવ્યા સિવાય, મોં ઉપર શેરડા પડતે પડતે મા આ વિલક્ષણ વ્યાખ્યાન સાંભળી રહી, અને જ્યારે તે પૂરું થયું ત્યારે બન્ને હાથે મોં ઢાંકી રોવા લાગી. જોકે આ શબ્દોથી અપમાન અથવા તિરસ્કાર, કે ક્રોધ અથવા શરમ, સાથેજ થઇ આવે તેમ હતું, તો પણ જે વિચારથી માની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી અને એનું હૃદય ધડકી રહ્યું હતું, તે વિચાર એ બધાથી જુદાજ હતા. સ્ત્રીભાવ આ સમયે બાલભાવમાં લીન થઈ ગયો હતો. સામા માણસે અને ચહાવુંજ જોઇએ એવી હઠીલી અને ગાંડી પણ નિરપરાધી ઈચ્છા બર ન આવતાં, જેમ કોઈ બાલક સામાના મનને ખોટું ન લાગે તેવી પણ મહા શોકગ્રસ્ત વૃત્તિથી રડે છે, તેમ મા પણ ક્રોધ કે શરમનો આવેશ પામ્યા વિના પ્રેમનો બદલો આવોજ વળ્યો એમ ઓછું આણી, ડુસકે ડુસકે રોવા લાગી.

ગુલાબસિંહ એની આવી આકૃતિ નીહાળી રહ્યો હતો; માનું ખુલ્લું થઇ ગયેલું પણ સુંદર અને છટાદાર લટોથી છવાયેલું માથું એના આગળ નમી રહ્યું હતું. એક ક્ષણ ભર વિચાર્યા પછી એ એની પાસે ગયો અને ઘણા મધુર સ્વરે સાંત્વના કરતો કાંઈક મંદસ્મિત સહિત બોલ્યો “રે બાલા ! મેં તને પરમ જ્યોતિ માટે પ્રયત્ન કરવા જે કહેલું, અને તે પ્રયત્નના ઉદાહરણમાં તારી પડોશમાંનું વૃક્ષ બતાવેલું તે તને યાદ તો હશે; પણ તેજ પ્રસંગે હું તને પતંગિયાનું ઉદાહરણ પણ સાથેજ આપવું ચૂક્યો, કે પતંગિયું જ્યોતિને જોઈ તે તરફ જઈ પહોંચે છે, પણ તેની સમીપજ ખાખ થઈને પડે છે. શાન્ત થા, હું તને ઠીક સમજાવું છું. આ જયપુરવાસી—”

મા તુરતજ દૂર ખશી ગઈ અને વધારે રોવા લાગી.

“આ જયપુરવાસી તારા જેટલીજ ઉંમરનો છે, ને તારા સમાન કુલનો પણ છે, તું એની સાથે સુખે દિવસ ગાળી છેવટ શ્મશાનમાં પણ એની સાથે પગ વાળશે; પણ હું તો—અથવા એ ભવિષ્યની વાત વિષે હાલ જરૂર નથી. તારા હૃદયને જરા તપાસી જો. હું આ વખત ફરીથી તારી નજરે આવ્યો તે અરસામાં, તારા હૃદયમાં ધીમે ધીમે એવાં સ્નેહાંકુર ફૂટવા લાગ્યો છે કે જે પરિણામે પ્રેમરૂપ વૃક્ષ થઈ નીવડશે. જાણે તું કોઈ ઘરની ધણીયાણી છે અને ત્યાં આ તારો જવાન આશકજ તારો પતિ થઈ તને રીઝવે છે એવો તર્ક શું તેં કદાપિ પણ નથી કર્યો ?”

“કદાપિ નહિ” મા આવેશમાં આવી મહોટેથી બોલી “કદાપિ નહિ; પણ કદી કર્યો હોય તો પણ એટલાજ માટે કે મારા નસીબમાં તેમ થવાનું નિર્માણ થયુંજ નથી. અને અરે !” પોતાના મોં ઉપર છવાયેલી લટો દૂર કરી એક દૃષ્ટે ગુલાબસિંહ તરફ જોતી, રોતે રોતે બેશી ગઈ હતી ત્યાંથી ઉભી થઇને બોલવા લાગી “અરે ! આ પ્રમાણે મારા હૃદયની વાત સમજીને મારૂં ભવિષ્ય બાંધી આપનાર ! તું ગમે તે હો, પણ જે વૃત્તિથી (એમ કહેતાં જરા અચકાઈ, અને નજર નીચી નમાવી બોલી) મારું હૃદય તારામાં ગુંથાયું છે તે વૃત્તિને તું કોઈ બીજે રૂપે સમજતો નહિ. જે પ્રેમ મારામાં ઉત્પન્ન કરવા માટે સામેથી પ્રયત્ન કરવામાં આવ્યો નથી, અને મારામાં પ્રેમ થાય તો પણ જેને બદલે સામેથી વળે તેમ નથી, તેવો પ્રેમ હું કદાપિ કરતીજ નથી. પરદેશી ! તારે માટે મારા મનમાં જે વૃત્તિ થાય છે તે પ્રેમની નથી. શા માટે તારા પર પ્રેમ થવો જોઇએ ? તેં મારી સાથે મને શીખામણ આપવા સિવાય બીજા કોઈ પ્રકારની વાત અદ્યાપિ કરી નથી – ને વળી હાલ તો છેક મારું અપમાન કરવા સુધીની પણ કરી છે !” આમ કહેતાં વળી અટકી ગઇ, અવાજ નરમ પડી ગયો. પાંપણો પરથી અશ્રુના કણ ગરવા માંડ્યા, પણ તેને લોહી નાખી કહેવા લાગી “નહિ, પ્રેમ તો નહિ જ ! મેં જે વિષે સાંભળ્યું છે, વાચ્યું છે, અને રંગભૂમિ ઉપર જેનું નિરૂપણ કરવા પ્રયત્ન કર્યો છે તે જો પ્રેમ હોય તો નહિ, પ્રેમ તો નહિજ ! પણ એથી એ સવિશેષ માન પેદા કરવાવાળું, ભય પ્રેરનારું અને લગભગ અમાનુષ આકર્ષણ છે ! એથીજ મને આનંદ અને ક્ષોભ સાથેજ પેદા કરવાવાળાં મારાં તરંગી ચિત્રોમાં પણ જાગતાં કે સ્વપ્નમાં સર્વદા તારૂંજ ભાન થયાં કરે છે. તું એમ ધારે છે કે જો તારે માટે મારા મનમાં પ્રેમજ હોય તો હું તારી સમક્ષ આમ બોલી શકું ? ( આ વખતે એણે વળી પોતાની દૃષ્ટિ એકદમ ગુલાબસિંહની દૃષ્ટિ પર માંડી ) અને મારી ને તારી આંખે આંખ આ પ્રમાણે મેળવી તારા હૃદયમાંની વાત સમજવા પ્રયત્ન કરૂં ? રે અનભિજ્ઞાત ! કોઈ કોઇ વાર મને તારાં દર્શન કરવાનું કે તારી વાત સાંભળવાનું મન થતાં હું પૂછું છું; પણ મારા આગળ તું બીજા કોઈની વાત શા માટે લાવે છે ! શીખામણ દે, ઠપકો આપ, મારા હૃદય ઉપર મરાય તેટલા ઝખમ માર — જે ઘટતો ઉપકાર મારાથી દર્શાવી જવાય છે તેનો મરજીમાં આવે તો સ્વીકાર ન કર — પણ હમેશાં દિલગીરી અને આંસુનો દૂત થઈ મારે ઘેર આવ નહિ. મેં કોઈ કોઈ વાર તને મારાં સ્વપ્નમાં ભવ્ય તેજમાં ઉભેલો જોયો છે. જે આનંદ હાલ તારી દૃષ્ટિમાં જણાતો નથી તેવા દિવ્ય આનંદથી તારી દૃષ્ટિ પણ સ્ફુરી રહેલી જોઈ છે. અજાણ્યા પરદેશી ! તેં મને બચાવી છે, અને હું તે માટે તારો ઉપકાર માની આશિષ દઉં છું. શું આ હૃદયોદ્‌ગારરૂપ સેવા પણ એવી છે કે જેનો તું અનાદર કરશે ?” આ છેલા બોલ બોલતે બોલતે પોતાના બન્ને હાથ જોડી મા એની આગળ પોતાના જોડેલા હાથ ઉપર માથું નમાવી રહી. આ પ્રમાણેની એની નમ્રતા કોઈ સ્ત્રીને છાજે નહિ તેવી કે હલકી ન હતી, અથવા આશક માશુક વચ્ચે હોય તેવી ન હતી, કે ન હતી શેઠ ચાકર વચ્ચેની હોય તેવી; પણ જેવી કોઇ બાલક પોતાના પાલક તરફ અથવા કોઈ શિષ્ય પોતાના મહાત્મા ગુરુ તરફ દર્શાવે, તેવા પ્રકારની એ નમ્રતા હતી. ગુલાબસિંહ ભ્રૂકુટી ચઢાવી દિલગીરીમાં વિચાર કરતો ઉભો રહ્યો. દયા અને શોકની અવર્ણ્ય દૃષ્ટિથી પણ મૃદુ પ્રેમની નજરે મા તરફ જઈ રહ્યો હતો; છતાં પણ સખ્ત મોંએ અને અનુત્સાહક શબ્દે બોલ્યો :—

મા તું જે માગે છે તે શું છે તેની તને ખબર છે ! તારી જાતને, કદાપિ આપણ ઉભયને, જે ભયમાં તું નાખવા ઈચ્છે છે તેની તને ખબર છે ? સંસારની સાધારણ ઘટમાલમાં પડેલાં અલ્પ પ્રાણીઓનાથી મારું જીવતર નીરાળું છે; રૂપ, રંગ, અંગ કશાને હું ઓળખતો નથી, સ્થૂલનો જેમાં ગંધ પણ નથી, વિષયવાસના જેને અભડાવતી નથી, એવી કોમલતા અને કાન્તિમાત્રનીજ ઉપાસનામાં હું નિમગ્ન છું. અને તેમ છતાં પણ કોમલ કાન્તિના દર્શન સ્પર્શનથી ઘણાનામાં જે થઈ આવે છે તેથી હું વિરક્ત છું. જેમાં માણસ પરમાનંદ માને છે, તેને હું મહા વિપત્તિ માની દૂરથીજ પરહરૂ છું — સંસારમાં સ્ત્રીઓની પ્રીતિથી સવિશેષ દૂર રહું છું. હાલ મારામાં એવું સામર્થ્ય છે કે હું તને આગળથી ચેતવણી આપી ઘણાં દુઃખમાંથી બચાવી શકું, પણ જો મારું ને તારૂં ઓળખાણ આથી આગળ વધે તો પછી એ સામર્થ્ય મારામાં રહેશે ? મુગ્ધે ! હું પૂછું છું તેમાંનું તું કાંઇ પણ સમજતી નથી ! પણ એ કહ્યા પછી હવે જે કહું છું તે તારાથી સહજમાં સમજાશે. તને મારે એવી જ આજ્ઞા કરવી પડે છે કે તારૂં ભવિષ્ય તારા સુખને માટે તેને જેમ કોઈ વાતનો નિષેધ કરતું હોય તેમ મારા વિષેના વિચાર તારા મનમાંથી નિર્મૂલ કર. જો તું સ્વીકાર કરશે તો લાલો તને મરણ પર્યંત પ્રેમથી ચહશે; કદાપિ હું પણ (એણે ગળગળા સ્વરે ઉમેર્યું) કે તારા પર પ્રેમ રાખું !”

“તમે” ! હર્ષ અને ઉલ્લાસના સત્વર ઉદ્‌ગારમાં માથી બોલી જવાયું; પણ એકજ ક્ષણમાં તેને સમજાયું કે એ બોલેલું પાછું મળે તો જે બેસે તે મૂલ આપીને પણ લેવું જોઇએ.

“હા, મા ! હું કદાપિ તારા પર પ્રેમ રાખું; પણ તે પ્રેમમાં અહો શી વિપત્તિ ! શું દુઃખ ! શો અવસ્થાન્તર : જે કઠિન પર્વત ઉપર પુષ્પ ઉગે છે તે પર્વતને તો પુષ્પ સુવાસિત કરે છે. બીજીજ ક્ષણે પુષ્પ કરમાઈ જાય છે, પણ પર્વત તો તેનો તેજ–આગળ પાછળ હિમના ઢગલા ! માથા પર સૂર્યનો બળતો તાપ ! જરા શાન્ત થા–વિચાર કર. હજી પણ તારે માથે આપત્તિ ઉભી છે. થોડા વખત સુધી તો તારા નિર્દય જુલમગારના પંજામાંથી તું બચી શકશે, પણ આખરે એવો વખત આવશે કે અહીંથી નાશી છૂટવા વિના તારે સિદ્ધિ રહેશે નહિ. જો પેલો જયપુરનો રજપૂત તારા ઉપર ખરો પ્રેમ રાખતો હશે તો એને તારી આબરૂ પોતાની આબરૂ જેટલીજ વહાલી લાગશે, તેમ નહિ બને તો એવો પણ કોઈ જાગશે કે જેની પ્રીતિ વધારે સાચી ઠરશે, અને જેને હવાલે સદાચાર વધારે સહી સલામતીમાં રહેશે. બસ; ત્યારે મારા ભાગ્યમાં શું આવે છે તે તો હવે હું સાફ જોઇ શકતો નથી. આટલું હું કહી શકું છું કે આપણે ફરી મળીશું, પણ રે મધુર પુષ્પ ! તે પહેલાં સમજજે કે પર્વતની કઠિન ભૂમિ કરતાં બીજી વધારે નરમ જમીન પણ તારે ઉગવા માટે સર્જાયેલી છે.”

આમ કહેતાંજ ચાલતો થયો, અને જ્યાં પેલી બુઢ્ઢી દાસી ઉભી હતી તે દરવાજા આગળ જઈ પહોંચ્યો, એને હાથે પકડીને ગુલાબસિંહ આનંદી સ્વરે કહેવા લાગ્યો “લાલાજી તારી શેઠાણી પર આશક છે, ને ઘણું કરી એને પરણશે. તું તારી શેઠાણી પર કેટલો ભાવ રાખે છે તે મને ખબર છે, ને તેથીજ કહું છું કે એના મનમાં મારે માટે કાંઈ ભૂત ભરાયું હોયતો કાઢી નખાવજે. અમે તો નિરંતર ઉડતાં પક્ષી કહેવાઈએ.” આમ કહેતાંજ દાસીના હાથમાં મોહોરોની થેલી મૂકી દૃષ્ટિ બહાર થઇ ગયો.