ગુલાબસિંહ/તરંગ ૨:મહાત્મા

વિકિસ્રોતમાંથી
← બે પ્રતિસ્પર્ધીઓ ગુલાબસિંહ
મહાત્મા
મણિલાલ દ્વિવેદી
સિદ્ધિની લાલસા →


પ્રકરણ ૬ ઠું.

મહાત્મા.

માણસ જાતિનાં સાધારણ દૂષણોની હલકા મનના માણસો વારંવાર ટીકા કરે છે; પણ તેમાં જે તે વાત ખરી માની બેસવાના ભોળપણને તો તેઓ ઘણુંજ ઉપહાસ યોગ્ય માને છે. પણ આની સાથે એ વાત પણ વિસરી ન જવી કે સ્વાર્થી અંતઃકરણ અને નબળી બુદ્ધિનાં ચિહ્નમાંનું એ પણ એક અચુક ચિહ્ન છે કે જે તે વાતની ના ને નાજ કહ્યાં કરવી.

ખરા જ્ઞાનનું લક્ષણ એ છે કે ના કહેવા કરતાં ખુલાસો આપવા પ્રયત્ન કરવો. ઉપરછલા તત્ત્વજ્ઞાનનું ડોળ રાખનાર કીમીયાની અને સ્પર્શમણિના ચમત્કારની ભલે અવગણના કરો, પણ ખરા જ્ઞાનીઓ સમજે છે કે કીમીઆની મારફતજ હાલના રસાયન શાસ્ત્રમાંની ઘણી ખરી વાત બહાર આવેલી છે, અને હજી પણ જે જે વાત અગમ્ય લાગે છે તે તે, જો આપણી પાસે શબ્દશક્તિ સમજવાનાં યથાર્થ સાધન હોય તો, થોડે કાલે ઘણી ગહન બાબતો પ્રસિદ્ધિમાં લાવે. ચાલુ જમાનાના કેટલાક સમર્થ રસાયનશાસ્ત્રીઓને સ્પર્શમણિની વાત અસંભવિત જેવી નથી લાગતી; અથવા વિશ્વનિયમોનું ઉલ્લંઘન કરવાને કોણ સમર્થ છે ? પણ શું વિશ્વના સઘળા નિયમો આપણને સમજાઈ ચૂક્યા છે ? ત્યારે શા માટે એવું ડોળ ઘાલવું કે હાલનું પદાર્થ વિજ્ઞાન આમ બતાવે છે, માટે તેમજ હોય તે વાત ખરી ને બીજી ખોટી ? એ પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર જેટલું જણાયું છે તેટલે અંશે ભલે ખરું છે, પણ તેટલા ઉપરથી આખા વિશ્વના નિયમોનું જ્ઞાન હોય તેવું ડોળ રાખી, જણાયલી બાબતથી જરા આડ વાત આવે કે ઈનકાર કરવા ઉભા થવું. એ કેવી ફીલસુફી ! કેવું જ્ઞાન ! ને કેવી શોધક બુદ્ધિ !

કેવલ બુદ્ધિ અને યુક્તિથી ચાલીએ છીએ એવું પાંડિત્ય કરનારા આજ કાલના સુધારાનું ડોળ રાખનારા લોક કહે છે કે “તમે કહો છો તે કરી બતાવો, અને તે કાર્ય વાસ્તવિક છે એમ જણાશે તો અમે પણ તેનાં કારણોની તપાસ કરવા લાગીશું.” ગુલાબસિંહ પાસેથી ગયા પછી, લાલજીના મનમાં પણ કાંઈક આ પ્રકારનો જ તર્ક ચાલી રહ્યો હતો, જો કે લાલો બીચારો છેક સયુક્તિક સુધરેલો અથવા કેવલ પ્રત્યક્ષવાદી ન હતો. ગુલાબસિંહનાં વચનનો જેમ જેમ અસંબદ્ધ અને ગૂઢ જણાતાં ગયાં તેમ તેમ લાલાના મન ઉપર વધારે વધારે ભવ્ય અસર થતી ચાલી. ગુલાબસિંહે કાંઈ પ્રત્યક્ષ કરી બતાવ્યું હોત તો તે એનાથી સમજાત અને તે પર એને વિચાર કરવાનું ફાવત; પણ એમ થવાથી કેવલ ચમત્કાર જેવી વાતને સહજ બનાવોની પેઠે બનતી જોઈ એના મનમાંનાં આશ્ચર્ય તથા નવાઈ ભાંગી પડત, તો પણ પોતાના ભોળપણમાંથી જાગ્રત્ થઈ, મનમાં શંકા લાવીને, લાલો એમ સમજવા પ્રયત્ન કરતો કે આ ગુલાબસિંહનામાં કોઈ સ્વાર્થી જાદુગર કે ચતુર ધુતારાના જેવાં લક્ષણ છે કે નહિ ? પણ તે વ્યર્થ ! એવા લોકો, ગંભીર ચેહેરો રાખી, ધીમી ધીમી વાતો કરી, અંદરની વાસના જાલને બહારના ઢાંગથી ઢાંકી, અનેક ફૂદાંને જાલમાં ઉતારી પૈસો કમાવાની જોગવાઈ રાખે છે, તેમ આ માણસ રાખતો ન હતો; તેમ લાલાની પોતાની સ્થિતિ એવી ન હતી કે લાલાને કબજે કર્યાથી એને કશો લાભ થઈ શકે. આમ છતાં પણ, માણસો દુનિયાદારીના સાધારણ ડહાપણનો જે ટેક રાખે છે તે ટેકના ગર્વથી લાલો જેમ તેમ કરી એમ તો માનતો કે પેલી ગરીબ નાચનારી સાથે પરણવાની મને ફરજ પાડવામાં ગુલાબસિંહને કાંઈ મતલબ છે ખરી. વખતે એ બે જણાં સિદ્ધ સાધક તો ન હોય ! ને આ બધી ચમત્કારિક વાતો મને છેતરવાનું કાવતરૂં તો નહિ હોય ! માએ પોતાનું કામ પાર પાડવા આવો શાગિર્દ રાખેલો છે, એમ સમજી લાલાના મનમાં તેના તરફ તિરસ્કાર આવવા લાગ્યો. પણ આ તિરસ્કાર અથવા ક્રોધ ઇર્ષાથી મિશ્રિત થયા વિના રહેતો નહિ. ગુલાબસિહે હું પોતેજ એ સ્ત્રીને પરણીશ એવી ધમકી બતાવેલી છે, અને ગુલાબસિંહ પોતાનામાં પણ મોહ પમાડી આકર્ષણ કરે તેવાં બાહ્ય સાધન થોડાં નથી; આવા આવા પોતાના તર્ક વિતર્કમાં ગુંચવાઈ જવાથી લાલો પોતાના જે થોડા ઘણા મિત્રો દીલ્હીમાં થયેલા-વ્યાપારી, કારીગર વગેરે- તેમના ભેગો જઈ ગંમતમાં પડી આ વાત વીસરી જવા પ્રયત્ન કરતો, પણ તેમના તરફથી તો ગુલાબસિંહ સંબધી વાતમાં ઉલટો વધારો થતો. કેમકે એવા વર્ગના માણસોમાં આવો પ્રતાપી પુરુષ સર્વ વાતનો મુખ્ય વિષય ઘણું કરીને થઈ પડે છે.

લાલાને એ એક નવાઈ લાગી હતી કે, રજપૂત લોકોની ચારણી હિંદી ગુલાબસિંહ ક્યાંનો એ રહીશ છતાં સ્પષ્ટ રીતે અને કોઇ રજપૂતની પેઠે બોલતો હતો. તેમજ ઉર્દુ, ફારસી, તથા સંસ્કૃત ભાષાનું પણ એનું જ્ઞાન એટલુંજ ઊંડું અને આશ્ચર્યકારક હતું. ઈરાનના એક ચીતારા સાથે એને વાત થયેલી તે એમજ સમજેલો કે આ કોઈ ઈરાની છે; અને કાશીનો એક પંડિત એની વાતચિતથી, એ શુદ્ધ સંસ્કારી બ્રાહ્મણ છે એમ સમજેલો. લાલાએ આ વાતનું મનન કરતાં એમ ધાર્યું કે પુરાતન કાલમાં કહેવાતા સિદ્ધ મહાત્માઓ વિના આ સત્તા બીજાનામાં હોઈ શકે નહિ. તંજલિ, તથા ત્સ્યેન્દ્ર, ગોરક્ષ અને સર્વોત્તમ શૈવાગમના પ્રણેતા શિવનાં વચન તથા મહાસિદ્ધિઓનો વિચાર કરતાં એના મનમાં વિવિધ તર્ક ઉઠવા લાગ્યા. એને એમ પણ સ્મરણ થઈ આવ્યું કે એક અનાદિ સિદ્ધસમાજ, આ જગત્‌ના આરંભથીજ દુનિયામાં કોઈને કોઈ સ્થલે સાક્ષાત્‌ રહી મુમુક્ષુ ભક્તલોકને માર્ગ પ્રેરે છે; તેમને મરણનો ભય હોતો નથી કે દ્રવ્ય ક્યાંથી આવશે તેની ચિંતા કરવી પડતી નથી. આવા લોકો આર્યાવર્તમાં ઘણાં સ્થાનોએ રહે છે, અને ભાવિની નિરીક્ષા કરી જ્ઞાનમાર્ગના પ્રવાહને કશાથી મલિન થવા દેતા નથી; માયાના તાપથી તેને સૂકાવા દેતા નથી. યુરોપમાં, એ, એક સમય “રોસીક્રુશીયન” એ નામથી ઓળખાતા, અને તેમની ગુપ્ત મંડલી હતી. ગ્રીસમાં પણ પ્લેટો અને સોક્રૅટીસના મત તેવાજ હતા. લાલાના સમજવામાં તો એમજ હતું કે દેશે દેશે આવું હોય છે, ને તે સર્વમાં આર્યાવર્ત મુખ્ય છે. ગુલાબસિંહ આમાંનો તો કોઈ નહિ હોય ? આ લોકો તો હંમેશાં જિતેન્દ્રિય તથા પરહિતમાં તત્પર રહી શુદ્ધ દક્ષિણ માર્ગનાજ અનુયાયી હોય છે. ગુલાબસિંહમાં પણ એ માર્ગથી ઉલટું કાંઈ જણાયું ન હતું, એના વિશે જે થોડી વાત પ્રસિદ્ધિમાં આવી હતી તે એના લાભમાં ઉતરે તેવી હતી, એણે ઉદારતાથી જે જે બક્ષિસો કે દાન પુણ્ય કરેલાં હતાં, તે એવાં તો યોગ્ય પાત્રોનેજ કરવામાં આવ્યાં હતાં કે તે જાણનારને આશ્ચર્ય લાવ્યા વિના રહે નહિ કે, દુઃખી મનુષ્ય જાતિના સંકટની આવી ખાંચખુંચ ગુલાબસિંહ ક્યાંથી સમજી શક્યો હશે ! એનામાં જે સામર્થ્ય હતું તે એણે કોઈ વાર ગેરરસ્તે વાપર્યાની વાત સંભળાઈ ન હતી. એક બે ખરાખર માંદા માણસોને વૈદ્યલોક નિરાશ થઈ તજી ગયા પછી, પોતે જોવા ગયો અને તેઓ ઉઠીને ઉભા થયા. તે પોતે પણ ન કહી શકતા કે શી દવાથી તેમને મટ્યું, કેમકે ગુલાબસિંહ આવ્યો, બેઠો, તેમની સાથે જરા વાત કરી ને તેઓ ઉંઘી ગયા ને સાજા થઇને ઉઠ્યા !

એક બીજી વાત પણ લાલાના મનમાં ધીમે ધીમે આવવા લાગી, ગામમાં પ્રતિષ્ઠિત કહેવાતા પણ અંદરથી ખરા પાપી, વહી ગયેલા, ફક્કડ લોકો જેની જેની સાથે ગુલાબસિંહ ફરતો તે બધા જાણે એના સમાગમથીજ સુધરી ગયેલા લાગતા. પેલો જુગારીઓનો રાજા હમીર પણ ગુલાબસિંહની તે રાતની વાત જોયા પછી કેવલ બીજોજ માણસ થઈ ગયો હતો. પ્રથમ તો એણે જુગારના સોગન લીધા, પછી જેને છ વર્ષથી મારવા ફરતો હતો, તેવા પોતાના કુટુંબના એક શત્રુ સાથે સંધિ કરી, — છતાં આ બધું પરિણામ ગુલાબસિંહે કોઈ પણ પ્રકારની શીખામણ કે સલાહ આપીને આણ્યું હોય એમ હમીરની વાતમાંથી જરા પણ સમજાતું નહિ. બધા ગુલાબસિંહને વિષે એમજ બોલતા કે એ દરેક પ્રકારની મોજમઝામાં ભળી જાય તેવો છે; આચારમાં વિવેકને વળગી રહેનારો નથી; છેક મ્હોછૂટો તો નહિ. પણ ખુશ, ગંભીર તથા નિરંતર હસમુખો છે; ગમે તેની નકામી પણ વાત સાંભળવાને તૈયાર; તેમજ જ્ઞાન ભરેલી, ચમત્કારિક તથા દુનિયાંના બારીક અનુભવવાળી વાતોના અખૂટ ભંડારથી સર્વને ખુશી કરવાને પણ તૈયારનો તૈયારજ છે. દેશદેશની રીતભાત, દેશદેશના લોક તથા લોકના પણ સર્વ વર્ગ, એ બધાનો એને ઘણો પરિચય જણાતો હતો. એની અખૂટ દોલત તથા એના મુખની આકૃતિ ઉપરથી કોઈ એને રાનનો રહેવાસી, તો કોઈ લંકાનો વેપારી, તો કોઈ હિંદુસ્તાનનોજ ઝવેરી માનતું. પણ ગુલાબસિંહ એ નામ ઉપરથી કોઈ લોક એને જપુતસ્તાનનો કે પંજાબનો ક્ષત્રિય ધારતા અને એમ કલ્પતા કે એ ઠામે રહેલી રાજયોગાનુસારી ગુપ્તવિદ્યાઓનો એણે અભ્યાસ કરેલો છે અને 'રાન વગેરે સાથે વેપારમાંથી અખૂટ દોલત મેળવેલી છે. કોઈ વિશેષ બારીકાઈથી જોનાર કવિની એમ પણ કલ્પના થતી કે જેમ ગુલાબ સર્વ પુષ્પનુ નૂર છે, તેમ માણસ માત્રનું આ પુષ્પ નૂર છે. શ્રીકૃષ્ણ ભગવાન્ કહે છે :—

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।।
यतत्ताद्यपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: ।।

તેમ હજારોમાં કોઈ હરિને સમજવા મહેનત કરે ને તે મહેનત કરનારા હજારમાંથી કોઈ ખરું સમજે; તો ગુલાબસિંહ જે અદ્ભૂત સિદ્ધ ખરેજ આ લાખોમાંનો કોઈ, ‘માણસનું નૂર,’ હોવો જોઈએ ‘ફાઇલોલોજી’ ની શોધ કરવાવાળાને નોંધી રાખવી હોય તો આ વાત ભલે યાદ રાખે કે નવી કલ્પના બેસાડે, પણ એટલું તો નક્કી કે લાલાના મનમાં આ ભવ્ય અને ચમત્કારિક પુરુષ ઉપર ખરી આસ્તાપૂર્વક શ્રદ્ધા થવા લાગી.