ગુલાબસિંહ/તરંગ ૪:ગુરુનો આશ્રમ

વિકિસ્રોતમાંથી
← રહસ્ય શીખવાની શાલા ગુલાબસિંહ
ગુરુનો આશ્રમ
મણિલાલ દ્વિવેદી
પ્રથમ ક્રમ →


પ્રકરણ ૨ જું.

ગુરુનો આશ્રમ.

ત્સ્યેન્દ્રે પોતાની પાસે ઝાઝો રસાલો રાખ્યો ન હતો; એના નોકર ચાકર એવા વિલક્ષણ આવાસને, તેમ એના જેવા તત્ત્વવિચાર કરનારને, જોઈએ તેવા ને તેટલાજ હતા. જે ઓરડા એ સિદ્ધ વાપરતો હતો તે સર્વ પ્રકારની સગવડવાળા અને યોગીના મહને શોભે તેવા હતા, અને પ્રાચીન શોભાનાં કાંઈક શેષભૂત નીશાન તેમના શણગારમાં કોઈ કોઈ સ્થલે રહેલાં હતાં. લાલાજીને સુવા બેસવાનો ઓરડો સર્વ પ્રકારે શાન્તિ પેદા કરે તેવો હતો, અને તેની એક બારી એક પ્રકારના ખુલ્લા મેદાન ઉપર પડતી હતી. બહાર પથરાયલી વૃક્ષશોભાથી દીપી રહેલી વનલીલા જોઈ તેનું હૃદય અધિકતર આનંદ પામી સમષ્ટિગત આનંદમાં લીન થાય એવું હતું. એ ઓરડાની બીજી પાસાના બારણાંમાંથી એક લાંબી નેળ જેવા ઓરડામાં થઈ પંદરેક પગથીઆંની નીસરણી ચઢતાં મત્સ્યેન્દ્રને ઓરડે પહોંચી શકાય તેમ હતું, આખા સ્થાનમાં અતિ પ્રગાઢ, છતાં અતિસુખકર, ગંભીરતા અને શાન્તિ વ્યાપી રહ્યાં હતાં, ને એમ એ સ્થાન, ત્યાં જે અભ્યાસનો ક્રમ ચાલનાર હતો તેને સર્વથા અનુકૂલ હતુ.

કેટલાક દિવસ સુધી તો ત્સ્યેન્દ્રે પોતાના શિષ્ય સાથે પ્રકૃતિવિષય વિષે કાંઈ વાત કરી નહિ. તેણે કહ્યું કે “સર્વ બાહ્ય સામગ્રી તત્પર છે, પણ આંતરશુદ્ધિ હજી તેવી થઈ નથી; તારો આત્મા આ સ્થલરૂપ થઈ જવો જોઈએ, ને અત્રત્ય સમષ્ટિમાં લય પામવો જોઈએ, કારણકે સમષ્ટિલીલા એજ સર્વ શક્તિનું સ્થાન છે.” આવું બોલીને ત્સ્યેન્દ્ર સાધારણ વિષયો ઉપર વાર્તા કરતો. ચારે તરફ પથરાઈ રહેલાં રસમય ચિત્રરૂપ દેખાવોમાં રખડવા સારું ત્સ્યેન્દ્ર પોતાના શિષ્યને સાથે લેઈ જતો. ત્યારે પેલો ચીતારો આ ભવ્ય લીલા જોઈ સાશ્ચર્યમત્ત થઈ આનંદતો ત્યારે ત્સ્યેન્દ્ર બહુ સંતોષ પામતો, અને એવી જ્ઞાનના ભંડારરૂપી વાતો બોલતો કે જે સાંભળતાં લાલાજીને બહુ આનંદ અને આશ્ચર્ય ઉપજતાં. જો કે એ વાતો પાનાં પુસ્તકમાં લખેલી નહતી, તેમની સત્યતાના પ્રમાણરૂપે શ્રુતિસ્મૃતિનાં વચન બોલવામાં આવતાં નહતાં, તો પણ વાત કરનાર પોતાના જાતિઅનુભવના વિશ્વાસપૂર્વક બોલતો અને તેથી વાત સાંભળનારને મોહિની લગાડતો. પ્રસંગે પ્રસગે તો એ, વિશ્વના એવા કોઈ ઉત્કૃષ્ટ અને ઉપયુક્ત ચમત્કારની વાતે ચડતો કે તે તો તત્ત્વવિવેક કરતાં કાવ્યકલ્પનાના તરંગ જેવીજ લાગતી. આમ ધીમે ધીમે પોતાના સોબતીની વાતોથી પોતાનું હૃદય વિસ્તાર પામવા લાગ્યું છે, તથા પોતાની વૃત્તિઓ શાન્ત થવા માંડી કે ઉચ્ચતમ ભાવમાં વળવા માંડી છે, એમ લાલાજીને અનુભવ થવા માંડ્યો. ધારણાના અભ્યાસથીજ જે સહજ શાન્તિ અને ગાંભીર્યનો ઉદય થાય છે તે એને એના આત્મામાં જણાવા લાગ્યો; ઉગ્ર ઈચ્છાનો અગ્નિ ટાઢો પડ્યો; એના અંતર્‌માં સર્વ વ્યાપી એકાત્માની પ્રતીતિ ધીમે ધીમે ઉગવા લાગી.

લાલાજીને આ સ્થિતિએ લાવવાનીજ ત્સ્યેન્દ્રની ઈચ્છા હતી; ને એટલું કરવામાં તો એ બધા સિદ્ધલોકના જેવોજ હતો કેમકે સાધનચતુષ્ટ્યસંપન્ન થાય વિના મુમુક્ષત્વ પ્રાપ્ત થતું નથી એમ નિશ્ચયપૂર્વક માનતો હતો. વળી જેને કાંઈ શોધવાની આકાંક્ષા છે તેણે તો કોઈ કલ્પનારૂપ ઉત્તમાંશનેજ વળગી ધારણા તથા કલ્પનાનેજ સ્વાધીન થઈ રહેવું જોઈએ એમ તેનો આગ્રહ હતો.

લાલાજીને માલુમ પડ્યું કે ફરતાં ફરતાં જ્યાં વૃક્ષાલતાદિનું જૂથ ઘણું પ્રગાઢ હોય છે ત્યાં ત્સ્યેન્દ્ર કાંઈ કાંઈ ને કાંઈ વીણવા થોભે છે. એ ઉપરથી એને ગુલાબસિંહ પણ એમજ કરતો હતો તે સ્મરણમાં આવ્યું. એક દિવસ એણે પૂછ્યું “શું તમે એમ ધારો છો કે આ એક દિવસમાત્રનાજ આયુષવાળાં મૂળ પત્રાદિ તે અમર તત્ત્વના રહસ્યને ઉપયુક્ત છે ? જેમ સ્થૂલદેહને સારો રાખવાની ઔષધિઓ છે તેમ શું આત્માને માટે પણ ઔષધિ હોઈ શકે છે ? શું વસંતઋતુનો ભવ્ય સમાજ શારીરિક નિરામયત્વ સાધવા ઉપરાંત આધ્યાત્મિક નિરામયનો પણ સાધક છે ?”

“વનસ્પતિનો એક પણ ગુણ જેને જાણવામાં ન હોય એવા કોઈ જંગલી લોકના નિવાસમા કોઈ પરદેશી જઈને કહે કે જે વનસ્પતિને તમે નિત્ય પગ તલે ચગદી ધૂલધાણી કરો છો તે અતિ દિવ્ય પરાક્રમવાળી છે, મરણની પથારીએ પડેલાને પણ ઉઠાડે તેવી છે, તમારા નિપુણમાં નિપુણ જ્ઞાની પણ મૂર્ખ કરી નાખે તેવી છે, તમારા બલિષ્ઠમાં બલિષ્ઠ યોદ્ધાને ધૂલધાણી કરી વિનાશ પમાડે તેવી છે, ને એમ જીવિત, શૌર્ય પરાક્રમ, બુદ્ધિ, આત્મજ્ઞાન, આદિ અનેક વીર્યવાન્ ગુણ એને પત્રે પત્રે ભરેલા છે; તો તે લોક એ પરદેશીને જૂઠો અથવા કોઇ મેલી સાધનવાળો ગણત નહિ ? જે જંગલી લોકની મેં કલ્પના કરી તેનાજ જેવી સ્થિતિમાં, દુનીયાના લોક વનૌષધિના અર્ધો અર્ધ ગુણોની બાબતમાં છે. આપણામાં જે વૃત્તિઓ છે તેની સાથે ચુંબક જેવો સંબંધ ધરાવનારી ઘણીક ઔષધિ છે; સોમાદિ રસના જે વર્ણન છે તે બધા કેવલ કલ્પનાજ નથી.”

ત્સ્યેન્દ્રની દેખીતી રીતભાત ગુલાબસિંહ કરતાં જુદીજ હતી. ગુલાબસિંહની વાતચીતમાં મનુષ્યમાત્રના ભલા ઉપર પરોપકાર અને પ્રેમની ઉંડી અને સાર્વજનિક અભિલાષા સમજાયાં કરતી, ને એ અભિલાષા, કલા અને સૌંદર્યપ્રતિ પોતાની અતિ ઉગ્રપ્રીતિરૂપે પરિણમતી. એના વિશે જે વાતો ચાલતી તેની ગૂઢતા, એના પરોપકાર અને દયાનાં કૃત્યથી અધિક દીપી ઉઠતી; એની આખી વૃત્તિમાંજ કાંઈક એવું જણાતું કે એથી જે ભવ્ય માનબુદ્ધિ એ પેદા કરતો હતો તેનું ભય કાંઈક ઉભું થતું, જે ગુપ્તવિદ્યાનાં રહસ્યની એ વાતો કરતો તે વિષે શક પેદા થઈ આવતો. પણ ત્સ્યેન્દ્રને મન જાણે બધી દુનીયાં હોયજ નહિ એવી તેની વૃત્તિ હતી; ને જો એ કાંઈ ખોટું કરતો નહિ, તો સારું કરવાની પણ એને કશી વાંછના ન હતી. એના કૃત્યથી એ કોઈને સહાય થતો નહિ, તેમ વાણીથી એ કોઈને દીલાસો આપતો નહિ, જેને આપણે હૃદયના આવેશરૂપે સમજીએ છીએ તે બધું એનામાં બુદ્ધિમાં લીન થઈ ગયું હતું. એ જાણે આ દુનીયાંની પાર હોય તેમ હાલતો, ચાલતો, ફરતો; માણસ જોડે જાણે એને કશો સંબંધ ન હોય તેવી એની વૃત્તિઓ થઈ ગઈ હતી. એક દિવસ, પૃથ્વી ઉપર થઈ ગયેલા અનેક કાલની વાતો કરતાં ત્સ્યેન્દ્રને લાલાજીએ ધીમેથી આ તફાવત વિષે પૂછ્યું. ત્સ્યેન્દ્રે કહ્યું “ખરી વાત છે; એમ છે; મારૂં જીવન કેવલ સમાધિરૂપ છે, ગુલાબસિંહનું જીવન ભોગરૂપ છે; જ્યારે વનસ્પતિને હું લેઉં છું ત્યારે માત્ર તેના ઉપયોગનોજ વિચાર કરૂં છું, ગુલાબસિંહ તો તેની સુંદરતાને પણ વખાણે !”

“ત્યારે તમે શું તમારી જીવનપદ્ધતિને વધારે સારી ગણો છો ?”

“ના, એની જીવનપદ્ધતિ જવાનીને છાજે તેવી છે, મારી અનેક વર્ષ દીઠાનું પરિણામ છે. અમે જુદી જુદી વૃત્તિને કેળવેલી છે; તેથી પ્રત્યેકનામાં જે સામર્થ્ય છે તે ઉભયનામાં નથી. જેમની સાથે ગુલાબસિંહ ભળે તેમનું જીવન ઉચ્ચતર થાય છે, જેમની સાથે હું ભળું તે વધારે જ્ઞાન પામી શકે છે.”

“બરાબર છે.” લાલાજીએ કહ્યું “મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં એના મિત્રો એની સોબત થયા પછી વધારે ઉત્તમ જીંદગી ગાળતા થયા; છતાં પણ શું એક તત્વજ્ઞાનીને એવા સોબતીઓ શોભે ? તેમ વળી પલા ઉમરાવને અને એક બીજાને, પૂરા કરવામાં એણે જે સામર્થ્ય વાપર્યું તે પણ શું કોઈ તત્ત્વજ્ઞાનીને શોભે ?”

“એમજ હોય;” મત્સ્યેન્દ્રે ઠંડે પેટે હસીને કહ્યું “ જેતત્ત્વવેત્તાઓ માણસ જાતની તાણાતાણમાં ભમવા જાય છે તે એવીજ ભૂલને પાત્ર થવાના. એકનું ભલું કરવું તે બીજાનું ભૂંડું કર્યા વગર બનતું નથી; સારાનું રક્ષણ કરવું તે પણ નઠારા જોડે યુદ્ધ કર્યા વિના સંપાદન કરી શકાતું નથી; ને જો તમારે નઠારાંને સારાં કરવા હોય તો નઠારાંની જોડે રહ્યા વિના પણ તમારે ચાલતું નથી. ઘણા મહાત્માઓ કહે છે ‘સંસારમાં સરસો રહે ને મન મારી પાસ’; પણ એવી નીતિનો ઉપદેશ, એવી મૂર્ખાઈ હું પસંદ કરતો નથી. મારૂં જીવિત તો જ્ઞાનમાત્રજ છે, અજ્ઞાનરૂપ વ્યવહાર તો મારા મનથી મરી ગયેલો છે.”

કોઈ બીજે પ્રસંગે, લાલાજીએ, ગુલાબસિંહે જે સમાજની વાત કરી હતી તે વિષે વાત છેડી; બોલ્યો કે “તમે અને ગુલાબસિંહ શંકરાનુયાયી રાજયોગી છો એમ હું માનું છું તે ખોટું નથી.”

“શું તું એમ ધારે છે કે આજ સાધનોથી આનું આ રહસ્ય શોધતા બીજા મહાત્માઓના સમાજ શંકરે પોતાના અનુયાયીઓને ઉપદેશ કર્યો તે પૂર્વે નહિજ થયા હોય ? એ વાત ખરી છે કે શંકરભગવાન્‌નો સિદ્ધાન્ત તે પ્રાચીન સિદ્ધાન્તવાળી ગુરુપરંપરાએ આવતાં વૃદ્ધમાં વૃદ્ધ શાખાનો છે એ રાજયોગીઓ પથરામાંથી સોનું બનાવવા ઈચ્છતા કીમીઆગરો કરતાં ડાહ્યા છે, પણ એમના પૂર્વજો એમના કરતાં એ ડાહ્યા હતા.”

“ત્યારે એ શંકરની પણ પૂર્વના સમાજમાંના કેટલાક છે ?”

“હાલ તો માત્ર બેજ, હું અને ગુલાબસિંહ !”

“અહો, બેજ ! ને તમે બેજ જણ આખી દુનીયાંને મૃત્યુથી બચી જવાની ગુપ્ત વિદ્યા શીખવવાની આશા કરો છો ?”

“તારા પૂર્વજમાંના એકને તે મળી હતી; પણ જે એકનેજ એ પોતાનું સર્વંસ્વ ગણતો હતો તેના ગયા પછી જીવવા કરતાં મરવુંજ એને સારું લાગ્યું. મારા શિષ્ય ! સમજ કે અમારી પાસે એવું તો કાંઈ નથી જેનાથી અમે મૃત્યુને અમારા રસ્તામાંથી દૂર કરી શકીએ, કે જગત્‌ની વ્યવસ્થામાંથી રદ કરી શકીએ. આપણે અહીં ઉભા છીએ તેવામાંજ, જો થનાર હોય તો, આ ચાર ભીંતોમાંજ હું કચરાઇ મરૂં. અમે જે કરી શકીએ તે એટલુંજ છે કે માણસના શરીરની સર્વ હકીકત સમજી, જુદા જુદા ભાગ કેમ સુકાઈ જાય છે, કેમ મરી જાય છે, ઈત્યાદિ વિચારી, બગાડ થતો અટકાવીએ, ને એમ કાલની અસરને જીતીએ. એમાં કશો જાદુ નથી, એ તે ખરી આયુર્વિદ્યા છે. અમે જે જ્ઞાનથી બુદ્ધિ આત્મપ્રવણ થાય તેને મુખ્ય ગણીએ છીએ, કે શરીરનો ધ્વંસ થતાં પણ આત્મસ્થ હોવાથી જ્ઞાની કદાપિ મરે નહિ શરીરને સ્થિર કરનારા જ્ઞાનને અમે ગૌણ માનીએ છીએ. પણ ઉભયનો ઉપયોગ સરખોજ છે. જેનાથી કાયિક બલ વધે, અને નિત્ય થતો ક્ષય અટકે, તથા પેલી ગુપ્ત શક્તિ જેના વિષે હાલ તને એટલુંજ કહ્યું કે તેનાથી મરી જતું જીવિત પુનઃ પુનઃ જાગ્રત્ થઈ ટક્યાં કરે છે, તે સર્વરક્ષણ માટે પૂર્ણ નથી. માણસોના કોપથી બચી જવું, કે યોદ્ધાઓની તરવારો તેમનાં પોતાનાંજ ગળાં કાપવામાં વપરાવવી, દેખતી આંખો આગળથી ગુપ્ત રીતે ચાલી જવું, એ બધાં પણ અમારાં કામ છે. કોઈ શીયાળશીંગડીમાં, કોઈ અમુક અંજનમાં, એમ અનેક વાતોમાં આ બધી શક્તિઓ વસેલી ધારે છે, પણ પેલી ખીણમાં હું તને એક વનસ્પતિ બતાવીશ કે જેનાથી સર્વ વાત તને સહજમાં સમજાશે, એટલુંજ યાદ રાખજે કે એવું કશું નથી જે નકામું હોય; કેમકે નકામામાં નકામી વસ્તુમાંથી પણ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પેદા કરી શકાય છે.”

“ત્યારે જો આવી ગુપ્ત વાતો આટલી બધી ઉપયોગી હોય તો તે છુપાવીને ગુપ્ત શા માટે રાખો છો ? બધી દુનીયાંને કેમ બતાવતા નથી ? જે ઢોંગી લોકોની ગુપ્ત વિદ્યા છે તે યથાર્થ તત્ત્વવિવેકથી એટલીજ બાબતમાં જુદી પડે છે કે જ્યારે તત્ત્વવિવેક સર્વ વાતનાં કારણ આપી ખુલાસો કરે છે, ત્યારે ધૂતારા મહોટી મહોટી વાત કરી તેનું કશું કારણ આપી શકતા નથી.”

“ઠીક કહ્યું, વ્યાવહારિક ન્યાયપૂર્વક કહ્યું ! પણ જરા વિચાર કર. એમ ધાર કે અમે અમારી રહસ્ય વિદ્યા સર્વને આપીએ, કાંઈ પણ સાધનની અપેક્ષા કર્યા વિના, સારા નઠારા સર્વને આપીએ, તો એમ કરવાથી અમે જગત્‌ને લાભ કરીએ કે હાનિ ? જુલમગાર, વિષયલંપટ, નીચ, દુષ્ટ, એ સર્વ એનો શો ઉપયોગ કરશે ? ધારો કે એજ શક્તિ સારાંને પણ મળેલી છે, પણ પરિણામ શું થશે ? સારાં નાસતાં ફરશે, નઠારાં તેમની પૂઠે પડશે; ને એમ દુનીયાં જંપવા પણ પામશે નહિ. આવા યુદ્ધમાંથી કાંઈ સારાંનો વિજય થશે એમ પણ નથી, કેમકે આ કલિકાલમાં નઠારાંનું પ્રબલ છે તેથી નઠારાંનોજ વિજય થાય. એટલા માટે અમે સાધનસંપન્નનેજ ઉપદેશ કરીએ છીએ એટલુંજ નથી, પણ પ્રત્યેક શિષ્યની કસોટી પણ એવી રીતથી કાઢીએ છીએ કે જેથી તેની વૃત્તિમાત્ર શુદ્ધ અને શાન્ત થઈ સાત્ત્વિક થાય, તથા એની કામનાઓ નરમ પડી જાય. અને આ ઠેકાણે વિશ્વરચના પણ અમને સહાય કરે છે, કારણકે નીચ વૃત્તિવાળાંની વાંછના ઉત્તમ રહસ્યવિદ્યાથી પૂર્ણ થવામાં અનેક વિકરાલ અંતરાય આડે આવે છે.”

જે વાતચીત ગુરુ શિષ્ય વચ્ચે ચાલ્યાં જતી તે આવા પ્રકારની હતી. એમ અનેક દિવસ વહી ગયા, ઘણાક માસ ગયા. લાલાજીની વૃત્તિમાં સાત્વિકપણું ઠરવા લાગ્યું, અને દૂર પડેલી દુનીયાંમાત્ર એના લક્ષમાંથી નીકળી ગઈ. એક વખત રાત્રીએ એ બહારની અગાશીમાં ફરતો હતો, ને એક પછી એક દૃષ્ટિએ પડતા તારાને લક્ષપૂર્વક જોતો હતો. એના હૃદય ઉપર કોઈ પણ વખત પૃથ્વી અને આકાશની ભવ્યતાએ આવી અસર કરી ન હતી. આત્માને બાહ્યલીલાના આવેશ કેવી અસર કરે છે તેનો અનુભવ એને અત્યારે થવા માંડ્યો હતો. પ્રાણવિનિમયના બલથી જેમ કોઈ વિધેય ઉપર આકર્ષણ થતું ચાલે છે તેમ એને આ વખતે સર્વવ્યાપી આત્મભાવનું આકર્ષણ એટલું બધું સમજાવા લાગ્યું કે સમષ્ટિ સાથે વ્યષ્ટિને કેવો ગુઢ પણ અચુક દૃઢ સંબંધ છે તેનો એને પૂર્ણ વિશ્વાસ અને અનુભવ થઈ ગયો. કોઈ અવર્ણ્ય અને અપરિચિત શક્તિનું એને ભાન થવા લાગ્યું, ને કોઈ અવર્ણ્ય વૃત્તિ એને એના ગુરુ તરફ ખેંચવા લાગી. એજ ક્ષણે ગુરુપાદ પાસે ઉપદેશ યાચી આંતરસૃષ્ટિમાં પ્રવેશ કરૂં એમ એને નિશ્ચય થઈ ગયો. મંદિરમાં પાછો પેઠો, પેલા નેળ જેવા ઓરડામાં થઈ ગુરુના ઓરડા ભણી ચાલ્યો.