ગુલાબસિંહ/તરંગ ૪:ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા

વિકિસ્રોતમાંથી
← દૈવી અને માનુષી પ્રેમ ગુલાબસિંહ
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા
મણિલાલ દ્વિવેદી
સ્થાનાન્તર →


પ્રકરણ ૯ મું.

ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા.

પત્ર ૧.

“તારા નવા શિષ્યની શી ખબર છે તે તે મને જણાવ્યું નથી; પ્રાચીન સમયના સાત્ત્વિક અને પ્રેમમય પુરુષો કરતાં આ જમાનાના લોક મને જેવા પ્રકારના જસ્થાય છે, તેથી નિરંતર એમ ભય રહ્યાં કરે છે કે તારી બહુ વિચક્ષણ ક્ષણ અને તીક્ષ્ણ દૃષ્ટિને આધારે ચાલનાર ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય પણ આ સમયમાં સિદ્ધિ પામવો કઠિન, ત્યાં એવા સાધારણ શિષ્યનું શું ગજુ ! જાગ્રત્‌ અને સુષુપ્તિથી વિલક્ષણ જે તૃતીય જાગ્રત્‌સ્વરૂપે અવસ્થા છે, ને જે તુર્યાના ભાગરૂપ ગણાય છે, તે આ સમયના લોકને યથાર્થ રીતે જાણવામાં નથી, એ સ્થિતિને અંતઃકરણની વૃત્તિએ પેદા કરેલી મિથ્યા માયારૂપ માની, તેનાથી અળગા રહેવા પ્રયત્ન ન કરે તેવા આજ તો કોઈકજ હશે; વૃત્તિના વ્યુત્થાન અને ઉપશમની વચમાંની સમતાને કોઈકજ સમજતા હશે, એ દશાને અધિકાધિક પ્રગાઢ અને ઉદ્દીપિત કરવાથી વિશ્વવ્યાપી આકાશ સાથે એકતા પ્રાપ્ત થતાં અનેક અને અનંત જ્ઞાનની દૃષ્ટિ સહજમાં ખુલી શકે છે તે વાત વીસરી જઈ લોકો ઉલટ તેવી દશા ન પ્રાપ્ત થાય તેને માટે ઉપાયે કરે છે ! જીવના પરિમિત પ્રદેશમાંથી બ્રહ્મના અપરિમિત પ્રદેશમાં પગ મૂકવાના એ માગને લોક એક વ્યાધિ રૂપ માને છે, અને ઔષધ તથા ઉપચારથી તેને મટાડવા પ્રયાસ કરે છે, અરે ! એટલું પણ સમજી શકતા નથી કે તેમના જીવિતની અતિ અપરિપક્વ એવી એ દશામાંથીજ કાન્તિ અથવા સૌંદર્યના વિચારને પુષ્ટિ આપનાર રસ, ગાન, કલા, તે સર્વ પેદા થાય છે; જાગ્રત્‌ કે સુપ્તિ કોઈ પણ, એવા અતિમાનવ વિશ્ચનું ઉત્તમ સ્વરૂપ પ્રત્યક્ષ બતાવવા સમર્થ નથી ! જ્યારે આપણે શિષ્યવર્ગમાં હતા ત્યારે આપણી સ્થિતિ તો એમ હતી કે સ્થૂલ સૃષ્ટિ અને તેના વ્યવહાર આપણી દૃષ્ટિએ અસત્‌જ થઈ જતા. આપણા પૂર્વજોને જીવિત હેતુ જ્ઞાનપ્રાપ્તિ વિના બીજો હતો નહિ. જન્મથીજ આપણને જ્ઞાનાનુકુલ કેળવણી મળવા માંડી હતી. અર્વાચીન સમયની અટકળો, જે ઠેકાણે આગળ ન ચાલી શકે એવી પોતાની પાંખ બંધ કરી ગોથું ખાય છે, તે ઠેકાણેથી આપણી શોધનો આરંભ થયો હતો. જે વાતને મિથ્યા તરંગ કે અગમ્ય ગુંચવાડાના નામથી અર્વાચીન શોધકો ઉડાવી દે છે તેજ વાતો આપણા જ્ઞાનનો વિષય હતી. હાલના પંડિતોના મતમતાંતરમાં, છેક મૂલતત્ત્વની વાતો, જેવીકે વિદ્યુત્‌ અને પ્રાણના પ્રભાવની સંકલનાઓ તે પણ આખી ભાગી અને અસ્ત વ્યસ્ત ચુંથાઈ ગયેલી છે; આપણે શિષ્યમંડલમાં હતા તે સમયે કોઈ પણ મુમુક્ષુને એ વિષયના સંપૂર્ણ જ્ઞાન વિના અધિકારીમંડલમાં પ્રવેશજ મળતો નહિ ! જ્ઞાન એજ એક પ્રબળ ઈચ્છા જેનામાં જાગ્રત્‌ છે એવો તું, જ્ઞાનનો માર્ગ ક્યાં લેઈ જશે, સુખમાં કે દુઃખમાં, તેની કશી ચિંતા રાખતો નથી; અને જે જે લોક ગુપ્તજ્ઞાનનો માર્ગ શોધે છે તેમને બહુ ખુશીથી સહાય થવા તૈયાર રહે છે; તું મનુષ્ય છતાં પુસ્તક જેવો છે. ઉપદેશ આપે છે, છતાં તેના રાગદેષથી વિકાર પામતો નથી. તેં આપણા સંઘમાં ઘણાક વધારા કર્યા છે, પણ એ રીતે નવા દાખલ થયેલા માણસોને બધી વાત બતાવવામાં આવી નથી, કેમકે દંભ અને વિકારને લીધે તે લોક સંપૂર્ણ જાણવા યોગ્ય હતા નહિ. હાલ વળી, અધ્યાત્મવિદ્યાનો એક પ્રયોગ અજમાવી જોવાની ઈચ્છા સિવાય બીજી કશી ઈચ્છા વિના, સ્નેહ કે દયા વિના, તેં આ બાલકને ભયંકર કસોટી અને તેમાંથી પેદા થતા ભયને આધીન કર્યો છે. તેને એમ લાગ્યું કે આવી અવિરત અને વિશાલ પૃચ્છકબુદ્ધિ, અને આવું સાહસિક તથા અસ્ખલિત ધૈર્ય, તે, જે ઠામે અતિ વિશુદ્ધ વૃતિ અને અતિ તીક્ષ્ણ બુદ્ધિને પણ વિજય મળ્યો નથી, ત્યાં વિજયી થઈ શકશે. શક્તિ અને કાન્તિના અંકુરમાત્રને પેદા કરવા સમર્થ એવું ચિત્રકલાનું બીજ ગુપ્ત વિદ્યાના સુવર્ણમય પુષ્પરૂપે ખીલી નીકળશે એમ તારા ધારવામાં છે. એ પ્રયોગ નવો છે. તારા શિષ્ય સાથે દયાથી, મૃદુતાથી વર્તજે, અને અભ્યાસના પ્રથમ ક્રમમાંજ એની પ્રકૃતિ તને સતોષકારક ન જણાય તો એને સ્થૂલ સૃષ્ટિમાં પાછો મોકલી દેજે, કે ઈંદ્રિયજન્યઅનુભવયોગ્ય અને શ્મશાનમાં પૂર્ણ થનાર એવા જીવિતનો જે થોડો રહ્યો હોય તે ઉપભોગ એ બીચારો કરી શકે. મત્યેન્દ્ર ! હું તને આ રીતે શીખામણ આપવા બેઠો છું, તે વખતે મારા હૃદયમાં જે પરસ્પર વિરુદ્ધપ્રાય આશાઓ છે, તેમનો તું ઉપહાસ કર્યા વિના રહેવાને નથી ! જેણે આપણી ગુપ્તવિદ્યામાં બીજાને દાખલ કરવા નિરંતર ના પાડેલી છે એવા મને પણ છેવટ સમજાવી લાગ્યું કે અત્યંત એકાન્તવાસી થઈ વિરાગમાં વિચરવા ઈચ્છતા મનુષ્યને પણ મનુષ્યવર્ગ સાથે સાંકળી લેતો ગુપ્તવિદ્યાનો મહા નિયમ શા માટે તારી અને તારા સજાતીય વર્ગ વચ્ચે આકર્ષણ કરે છે, — શા માટે તું ચેલા અને શિષ્ય મેળવવા ઈચ્છા રાખે છે — એક પછી એક જીવોને આપણા સંઘરૂપી આકાશમાંથી તારાની પેઠે રાજી ખુશીથી ખરી પડતા જોતાં ખાલી પડેલાં સ્થાનને શા માટે પૂરવા મથે છે — શા માટે, વિશ્વનિયમોની પેઠે નિરંતર ગતિમાન્‌ છતાં, તું એક રહેવાથી કંટાળે છે, અનાદિ એક સત્‌ જેણે આરંભે “બહુ” થવાની ઈચ્છા કરી તેની પેઠે બહુ થવા ઈચ્છે છે ! મને પણ તેમનું તેમજ થયું છે, હું પણ છેવટ એક શિષ્ય કરવા ઈચ્છું છું — મારા બરાબર કઈકને કરવા ચાહું છું — — મને પણ એકલા રહેવું ભય ભરેલું લાગે છે. જે વાતની તેં મને ચેતવણી આપી હતી તે જ વાત હવે બનવા બેઠી છે. પ્રેમ સર્વ વસ્તુને પોતારૂપ બનાવે છે. પ્રેમસ્થાનની પ્રકૃતિમાં ભળવા માટે મારે નીચા ઉતરવું પડે, કે તેને મારી બરાબર ઉંચે ચઢાવવું પડે. કલામાત્રની ઉત્પત્તિનું સ્થાન એવો જે ભાવનાનો પ્રદેશ તેમજ જીવનાર એવા આપણે જે ખરી કલા હોય તેનાથી હમેશાં આકર્ષાઈએ છીએ; એટલે આ મારી પ્રિયતમામાં એવું શું છે કે જેથી પ્રથમ દર્શનેજ હું તેની સાથે બંધાઈ ગયો તે હું હવે સમજી શક્યો છું. ગાનનીજ પુત્રી — ગાનમય જીવિતવાળી — તેનું ગાન ધીમે ધીમે રસરૂપ થયું. હૃદયને આઘાત ન કરનારાં એવાં વચન અને અભિનયનું સ્થાન જે રંગભૂમિ તે એને કશું આકર્ષણ કરતી ન હતી; પણ એ પોતે એમ સમજતી હતી કે મારા મગજમાં જે ભાવનામય વિશ્વ મારા જીવિતના સાર અને જીવરૂપ છે તેની તાદૃશ પ્રતિકૃતિ રંગભૂમિ વિના બીજી નથી. એના હૃદયના રસને તે સ્થાનમાં આવિર્ભાવ પામવાનો અવકાશ મળ્યો, પણ તે સ્થાન એને ભાટે સંપૂર્ણ ન જણાતાં તે રસ પાછો તેના પોતાનામાંજ સમાવા લાગ્યો. એનાથી એના વિચાર પણ રસમય થઈ ગયા; એનો આત્મા રસરૂપ બની ગયો; એનો આવિર્ભાવ શબ્દોમાં કે કોઈ વસ્તુમાં ન થતાં, રસવૃત્તિના ઉર્મિ ઉભરાવા લાગ્યા, અને ભાવનામય સ્વપ્નજલાશયમાં એ ઝોકાં ખાવા લાગી. એ સમયે પ્રેમનો ઉદ્‌ભવ થયો. ને તે મહાસાગરમાં એ જલાશય આખુંએ ઠલવાયું, ત્યાંજ બધું વિરામ પામ્યું: શાન્ત, ગાઢ, અનિર્વચનીય, બની રહ્યું — બ્રહ્માંડથી અવિનાશી આરસી થઈ રહ્યું.

“ત્યારે હું પૂછું છું કે આ સમયયતામાંથી એને મહારસમાં લઈ જવી એમાં શું કઠિન છે ? બુદ્ધિ પારના અભેદપ્રેમમાં લઈ જવી એ શું મુશ્કેલ છે ? કોઈ એકાન્ત પુષ્પમાં અનેક અપરિચિત અને અજ્ઞાત ગુણ અનુભવાય તેમ એની સાહજિક વાતચીતની રમ્યતામાં અનેક ગૂઢ મર્મો દીઠામાં આવે છે. મારી નજર આગળ એના અંતઃકરણના ખીલવાનો ક્રમ હું જોઉં છું, અને તે પ્રદેશમાં અગણિત નૂતન છતાં ઉત્તમોત્તમ વૃત્તિનાં અંકુર જોઈ વિસ્મય પામું છું. અને ત્યેન્દ્ર ! આપણામાંના કેટલા બધાએ આખા બ્રહ્માંડના નિયમોને સ્પષ્ટ કરી બતાવ્યા છે ? બાહ્ય વિશ્વની આંટી છોડી આપી છે ! અંધકારમાંથી પ્રકાશને પ્રકટી બતાવ્યો છે ! પણ મનુષ્યના હૃદયમાત્રનોજ અભ્યાસ કરનાર રસમશ્ન કવિ તે શું સર્વ કરતાં મહોટો તત્વજ્ઞ નથી ! જ્ઞાન અને અશ્રદ્ધા એ બેને બનતું નથી. વિશ્વને જાણવું એજ તે વિશ્વના જ્ઞાતાને જાણ્યા બરાબર છે. પણ વિશ્વરચનાની પદ્ધતિ અને યુક્તિ સમજવા માટે આટલા બધાની જરૂર છે ! મને તો એમજ લાગે છે કે ગમે એવું અજ્ઞાનમગ્ન કે બાલિશ છતાં પણ અતિ વિશુદ્ધ હોય એવું હૃદય જ્યારે દીઠામાં આવે છે ત્યારે સર્વના અવભાસક એવા વિશુદ્ધ પરસત્‌નો મને એવો સાક્ષાત્કાર સમજાય છે કે જે સ્થૂલસૃષ્ટિના અનંત ગોલના વ્યાપાર બુદ્ધિથી વિચારતાં પણ સમજાય નહિ.

“આપણા સંઘનો જે નિયમ છે કે અત્યંત વિશુદ્ધનેજ ગુપ્ત વિદ્યાનું રહસ્ય આપવું તે યોગ્ય છે. આપણા જ્ઞાનના આરંભક્રમની બહુ વિકટ કસોટી એજ ઠેકાણે રહેલી છે કે જે ઠેકાણેથી પ્રાપ્ત થતા સામર્થ્યને લીધે, વિકારી હૃદયને પાપ કરવાનાં અધિક પ્રસંગ અને સરલતા પ્રાપ્ત થાય છે. પાપી હૃદય આપણું સામર્થ્ય પામી શકે એમ હોત તો સૃષ્ટિમાં શો ગરબડાટ મચી જાત ! એમ નથી એજ બહુ યોગ્ય છે; વિકાર એજ સામર્થ્યને ક્ષીણ કરનાર છે ! તેં તારા શિષ્યોનાં ધૈર્ય કે બુદ્ધિ ઉપર જેમ ભરોસો રાખ્યો છે, ને તે પણ નિરતર વિજય સાથે નહિ. તેમ મેં તો સર્વથા વિજયની આશા સમેત મારો વિશ્વાસ રમાની વિશુદ્ધિ ઉપર બાંધ્યો છે, મત્સ્યેન્દ્ર ! તું મારો સાક્ષી છે કે મને ગુપ્તવિદ્યાનું રહસ્ય પ્રાપ્ત થયું ત્યારથી આજ પર્યંત અયોગ્ય કામમાં એ શક્તિ મેં કદાપિ વાપરી નથી. યદ્યપિ આપણા જીવિતતા અનંત યુગપર્યત લંબાયાથી આપણે કોઈ દેશ કે સ્થાનને આપણું કહી શકતા નથી; જે નિયમે, સર્વ વિદ્યા અને સર્વ કલા, માનુષજીવિતના તોફાની વિકારોમાંથી વિરક્ત થવામાંથીજ સિદ્ધ થાય છે, તેજ નિયમ યદ્યપિ આપણને મહોટાં રાજ્ય અને દેશનાં ભવિષ્ય ઉપર જે અસર સાધારણ વ્યક્તિઓ કરે છે તે કરતાં પણ અટકાવે છે; તથાપિ હું જ્યાં જ્યાં વિચર્યો હોઈશ ત્યાં ત્યાં મેં દુઃખને હલકું કરી આપવામાં અને લોકને પાપથી પાછા વાળવામાંજ મારા સામર્થ્યનો ઉપયોગ કર્યો હશે. મારૂં સામર્થ્ય પાપીનેજ હાનિકારક નીવડ્યું છે; અને એમ હોવાથી આપણું સામર્થ્ય ગમે તેવડું મહોટું કે સ્વતંત્ર મનાતું હો, તો પણ જે સર્વમયશક્તિ પોતાના અસ્ખલિત નિયમે યોગ્યાયોગ્ય વિતરે છે તેનાજ એક નિમિત્ત રૂપે આપણે સર્વથા વર્તીએ છીએ એ તો સિદ્ધજ છે, નાનામાં નાના જલબિંદુને પણ અનુરૂ૫ અસંખ્ય જીવની સૃષ્ટિથી ભરી દેનાર અને તુચ્છમાં તુરછ વનસ્પતિને મહા ઉગ્ર ગુણ અર્પનાર જે અવર્ણ્ય શક્તિ છે તેના આગળ આપણું સામર્થ્ય કોણમાત્ર છે ! બીજાના સુખ ઉપર અસર કરવાનું સામર્થ્ય છતાં, આપણા પોતાના ભવિષ્યનો વિચાર કરતી વખતે આપણી દૃષ્ટિ કેવી અંધ બની રહે છે ! આપણે આપણું ભવિષ્ય આંકી શકતા નથી ! મારા એકાન્તના અંધકારને તેજોમય કરનાર એક સ્મિત વદન, સાથે રાખવાની શક્યતાનો વિચાર હું કેટલા અનિશ્ચયથી બાંધી શકું છું !

પત્ર બીજામાંથી ઉતારા.

“એવા શુદ્ધ હૃદયને ઉપદેશ આપવા જેટલી શુદ્ધતા મારામાં નથી એમ સમજી, વિશ્વસ્વરૂપના જ્ઞાનનો કાંઈક અનુભવ કરાવનાર સાહજિક શક્તિ જે કાવ્યપ્રતિભા તે, દેવ અને શક્તિઓનો વિકલ્પ જેનાથી પ્રેરાયો છે તેવાં ઉપાસ્ય સત્ત્વોને, મારા શિષ્યનાં સહાય કરે એમ હું વારંવાર પ્રાર્થું છું. પરંતુ એ પણ એના અંતરાત્મા કરતાં ઓછાં વિશુદ્ધ નિવડ્યાં છે ! એની પ્રેમમયતા કરતાં ન્યૂન તન્મયતાવાળાં જણાય છે કે તે એને એના માનુષહૃદયની પાર લેઈ જઈ શક્યાં નથી, કેમકે એના હૃદયમાંજ એને એનું એક ખાસ સ્વર્ગ છે.

“હવણાંજ નિદ્રાશૂન્ય સ્થિતિમાં મેં એની નિરીક્ષા કરી — તે સમયે મારૂં નામ એના પ્રાણ સાથે આવિર્ભાવ પામતું જણાયું. અરે ! જે બીજાને આવું મધુર છે તે મારે મન અતિ વિષમય કડવું છે; કારણ કે મને એવો વિચાર આવે છે કે એવો સમય થોડા જ વખતમાં આવશે જ્યારે આ નિદ્રા નિતાંત સ્વપ્નરહિત થઈ જશે, જે હૃદયમાંથી આ નામોદ્‌ગાર ઉભરાય છે તે અત્યંત શીત પડી જશે, અને જે ઓષ્ઠથી તેનો વર્ણોચ્ચાર થાય છે તે કેવલ મુદ્રિત થઈ રહેશે. અહો ! પ્રેમનાં પણ કેવાં બે સ્વરૂપ છે ! જો સ્થૂલરૂપે જોઈએ, સ્થૂલમાત્રના તજ્જન્ય સંબન્ધ જોઈએ, પ્રેમથી માદતુલ્ય જ્વર અને તેની જ પછી થઈ આવતી કેવલ શુષ્ક અને નીરસ જડતા વિચારીએ, તો એ માનવું કેવું આશ્ચર્યકારક લાગે કે આ હૃદયાવેશ આખા જગત્‌ને ચલાવનાર છે, એણેજ મહોટામાં મહોટાં સ્વાર્પણ કરાવ્યાં છે, સર્વ સમયના સર્વ વ્યવહારને અસર કરી છે ! મધુરમાં મધુર અને ભવ્યમાં ભવ્ય પ્રતિભાએ પણ એના આગળ હાથ જોડી સેવા બજાવી છે ! એ વિના સુધારો, — ગીત, કાવ્ય, કાન્તિ, ટુંકામાં પશુ કરતાં ઉત્તમજીવિત, કશું હોઈ શકત નહિ ?

“પણ એનું દિવ્યરૂપ તપાસો — જેમાંથી સ્વ એ વિચાર સંપૂર્ણ ઉન્મૂલિત છે; — તેજ સ્વરૂપ જુઓ કે જેને આત્માની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મૃદુમાં મૃદુ એવી વિભૂતિ સાથે નિકટ સંબંધ છે. વ્યવહારમાં જે જે સ્વાર્થપરાયણતા છે તેનાથી ઉત્તમોત્તમતામાં એની શક્તિના આવિર્ભાવને અવલોકો — નીચ પૂજામાં ઉપયુક્ત મૂર્તિઓની પારનું એનું સામર્થ્ય અનુભવો – ઝુંપડીને પણ મહાલય બનાવી ત્યાં તન્મય થઈ રહેવાની, કે શૂન્ય અરણ્યને લીલો બગીચો બનાવી દેવાની, કે હિમાલયના ધવલગિરિ ઉપર પ્રચંડ સૂર્યાતપ વિસ્તારી પ્રકાશવાની એની ચમત્કૃતિમય ચાતુરીનો પ્રભાવ પેખો – તો ખરૂં આશ્ચર્ય લાગશે કે કેમ આટલાં થોડાં જ મનુષ્ય એનું ખરૂં દેવીરૂપ સમજે છે ! જેને વિષયાંધ લોક પ્રેમસુખ કહે છે તે તો એના શુદ્ધરસની કલામાત્ર પણ નથી. શુદ્ધ પ્રેમ તે તો આવેશ કરતાં એક ભાવનામય મૂર્તિ છે. તેનું સુખ અમુક એક નથી, પણ વિશ્વમાં જે જે સુખ, જે જે વ્યાપાર છે તે બધા તેના પોતાનાજ છે એમ તેનો અનુભવ છે. અહો ત્સ્યેન્દ્ર ! શું એ વખત આવનાર છે કે જ્યારે મારે તારી આગળ માને ‘એક હતી’ એ રૂપે જ વર્ણવવી પડશે !!

*******

પત્ર ત્રીજામાંથી ઉતારા.

“તું જાણતો નહિ હોય કે હવણાં હવણાંમાં હું કોઈ કોઈ વાર મારી જાતને પૂછું છું કે “જે જ્ઞાનથી આપણે આપણી જાતિથી વિભિન્ન થઈ ગયા છીએ તેમાં પાપ તો નહિ હોય !” શું એ વાત ખરી છે કે જેમ જેમ આપણે ઉત્તરોત્તર ઉર્ધ્વગતિ પામતા જઈએ, જેમ જેમ સર્વમય પ્રેમાસ્પદનું પ્રેમત્વ આપણા જીવિતમાં અધિકતર ભળતું જાય, અને જેમ જેમ આપણે આનંદમાત્ર તે સ્થાનથી જ ઉતરતો સમજાય, તેમ તેમ જગત્‌ની અલ્પ આયુવેલીઓનું વિષમયત્વ આપણને વધારે વધારે નિર્વેદ આપવાવાળું થતું જાય ! પણ બીજી પાસાં જોતાં જે મર્ત્ય જગતમાં છતાં મરણથી મુક્ત રહે તેમનામાં કેટકેટલા ઉત્તમ ગુણો છેક મૃતવત્ થઈ જાય છે ! આત્મસ્થ થઈ સમાધિમાં લય પામવો, માત્ર સ્વાનુભવમય અને સ્વયંપ્રકાશ સન્માત્રની ભવ્યતા અનુભવવી, જેનાથી આપણાં હર્ષ ભયાદિ પરાર્થે પ્રવર્તે એવી આપણી પ્રકૃતિની ઉત્તમત્તાનો ત્યાગ, એ બધું, શું અતિ ઉગ્ર સ્વાર્યપરાયણ અહંતારૂપ નથી ? ભયથી અગમ્ય, જરાથી અપરિભૂત, ચિંતાથી વિમુક્ત, રોગાદિથી વર્જિત એવા રહેવું તેથી આપણા અભિમાનને આનંદ લાગે છે; પરંતુ તે પોતે પણ શું તેને વધારે નથી વખાણતો કે જે પોતાને પરાર્થે હોમ આપે ? અમને એકરસ કરી દેનાર હૃદયને ભસ્મ કરનાર ચિંતાથી પાછા હઠવું એ તો, એના પ્રેમમાં હું ગળ્યો છું ત્યારથી, મને એક પ્રકારનું બાયલાપણુંજ સમજાય છે. મને સ્પષ્ટ સમજાય છે મારા આત્માને સ્થૂલની છાયા લાગવા માંડી છે. તારી વાત ખરી હતી – શાન્ત, રાગશૂન્ય, અનન્ત જીવિત તે, તદનુરૂપ ઈચ્છા અને આવેશથી ઘેરાયેલા અનન્ત યૌવન કરતાં વધારે સુખમય છે. આપણે આત્મમય થઈએ ત્યાં સુધી એકાન્તમાં શાન્તિનું સાધન ઉપેક્ષા એજ હોવું જોઈએ.

*****

પત્ર ૪ માંથી ઉતારા.

“તારું પત્ર મળ્યું. શું ! એમજ થયું ! તારા શિષ્યે તને નિરાશ કર્યો ! અરે દુર્ભાગ્ય શિષ્ય ! પણ—

*****

(આ ઠેકાણે લાલાના જીવિતમાંના જે પ્રકાર વાચકને માલુમજ છે તે ઉપર કેટલીક ટીકા છે, અને તે પછી ત્સ્યેન્દ્રને એવી પ્રાર્થના છે કે હજુ પણ એના ભાવિ ઉપર તેણે લક્ષ રાખવું.)

*****

“પણ મને તો એની એજ ઈચ્છા છે, ને તે પણ કાંઈક વધારે આશાપૂર્વક. મારા શિષ્ય ! તારી કસોટીનાં સંકટના વિચારથી જ હું તને તે કસોટીએ ચઢાવતાં પાછો હઠું છું. હું હજી એક વાર શંકરને બોલાવીશ.

*****

“હા, શંકર, જેમણે ઘણો વખત મારી પ્રાર્થના કાને ન ધરી, તે છેવટ મારી દૃષ્ટિએ આવ્યા છે; અને પોતાની પાછળ પોતાનું તેજ મારા હૃદયની આશારૂપે મૂકતા ગયા છે. અહો ! મા ! અશક્ય નથી, કે હજી પણ આપણે, આત્મા આત્માથી, એક થઈએ.

પત્ર ૫ માંથી ઉતારો.

(આગલા પછી ઘને મહીને લખેલું)

ત્સ્યેન્દ્ર ! તારા નિર્જીવ વિરાગમાંથી જાગ્રત્ થા, આનંદ પામ ! આ જગત્‌માં એક નવા જીવનો ઉમેરો થશે, જેમને માટે વ્યવહારની અનંત ખટપટ પડેલી છે તેવાને પણ, પોનાનાં બાલકની આકૃતિમાં પોતાના જ બાલ્યની પ્રતીતિ પામવાનો પ્રસંગ માની આનંદનો ઉભરો ચઢે છે, અને તેવા જન્મમાં તેઓ પોતાના આત્માને જ કેવલ નિર્દોષપણામાં અવતર્યો માને છે. તેમજ તેઓ પોતાના ઉપર એક મહોટા દેવનું કાર્ય એટલામાં આવેલું સમજે છે કે જેટલાથી તેમને એક જીવને પાલણાથી બહાર સુધી ને પૃથ્વીથી સ્વર્ગ સુધી દોરી જવો છે. જે પ્રાકૃત લોકને આ બધું થાય છે તો મારા જેવાને, મારામાં જે જે છે અને જે આપ્યાથીજ બમણું થાય છે, તેને ચોગ્ય વારસ પેદા થયાની વાત કેટલો આનંદ આપતી હશે ! રક્ષણ કરવાની, ભય દૂર કરવાની, જ્ઞાન આપવાની, દુઃખ ટાળવાની, અને છેવટે જીવિત નદીને વધારે વિપુલ વિશાલ અને અગાધ સ્રોતમાં — જ્યાંથી તે આવી તે દિવ્ય સ્થાનમાં — લેઈ જવાની, જે જે શક્તિ સમયે સમયે વાપરવી પડે તેનો ઉપયોગ કેવો રસમય અને આનંદરૂપ છે ! અને હે મધુરી માતા ! આપણા આત્મા હવે એ નદીની વિપુલતામાં એક થશે. આપણી એકતા માટે જે ઊણું છે તે આ બાલક પૂરું પાડશે; અને જ્યારે તારા બાલકના પાલણા આગળ જ તને ઉપદેશ થવાનો વખત આવશે ત્યારે તારા આગળ શાં શાં સત્ત્વ આવી ઠરશે ! તને શા શા ભય લાગશે !