ગુલાબસિંહ/તરંગ ૬:રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર

વિકિસ્રોતમાંથી
← અમૃતનું ટીપુ ગુલાબસિંહ
રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર
મણિલાલ દ્વિવેદી
પ્રેમનો નિશ્ચય →


પ્રકરણ ૮ મું.

રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર.

“છેવટ આ દહાડો આવ્યો !–હું જ તારાથી મારી મેળે વિખૂટી પડુ છું ! આવી પ્રેમભ્રષ્ટ હું તને છેલી વારનું પ્રેમાલિંગન આપી રામરામ કહું છું. આ અક્ષરો તારા વાચવામાં આવે ત્યારથી મને મુવેલી જાણજે. તું મારૂં જીવન છે, મારો પ્રાણ છે, તારાથી જુદી થઈ તે મોઈજ ! પ્રિયતમ ! પ્રાણેશ ! મારા હૃદયની પૂજ્ય મૂર્તિ ! જો તારો મારા ઉપર પ્રેમ સત્ય હોય, હજી પણ તારા અંતર્‌માં મારા ઉપર કોઈ દયા હોય, તો મારી શોધ કરીશ નહિ. તારા મંત્ર તંત્રના બલથી તું મારું સ્થાન જાણી શકે તો પણ મને રહેવા દેજે, આપણા બાલકને ઉગરવા દેજે. ગુલાબસિંહ ! હું એ બાલકની તારા ઉપર ભક્તિ થાય, તને તે પોતાનો પૂજ્ય પિતા ગણે, એવી રીતે ઉછેરીશ, જે યોનિમાં તું ભટકે છે તેમાંથી તારો ઉદ્ધાર કરવા એનું કોમલ હૃદય સર્વદા ઈચ્છા કરશે. અરે ! જરૂર, આટલા બાલકને જવા દે; મને તો આ પ્રકારે આજ સુધી છેતરી, મારો અવતાર બગાડ્યો: માણસ ન છતાં માણસ થઈ મને તેં આટલે સુધી આણી; પણ હવે આ બાલકને તો છોડ; બાલકો તો દેવ જેવાં જાણવાં, એમની સંભાળ પરમેશ્વર પોતે રાખે છે, એમની વ્હારે ધાય છે. શા માટે આ પ્રમાણે જાઉ છું તે કહું ? ના નહિ કહું; તારા ભયંકર જ્ઞાનના પ્રભાવે તું જાણી શકશે, મારે હાથે હું લખી શકતી નથી; પ્રેમમાં શંકા પડવી એજ પાપ છે, પણ પ્રેમજ મને એ શંકાનાં કારણ લખતાં અટકાવે છે. તારા ભયકારક સામર્થ્યથીજ ત્રાસ પામી હું આપણા બાલકને લેઈને નાસું છું; ત્યારે પણ મને એટલો સંતોષ વળે છે કે તારામાં સામાનું હૃદય યથાર્થ જાણવા જેટલી શક્તિ છે. તું જાણે છે જ કે આ બધુ લખનાર પુત્રવત્સલ માતા છે, પતિભ્રષ્ટ ભાર્યા નથી. તારા જ્ઞાનપ્રભાવમાં પાપ છે ? પાપ હોય તો દુઃખ થવું જોઈએ અને એ દુઃખમાં તારી સભાગી થાઉં, તને આશ્વાસન આપી શકું, એમાં કેટલો આનંદ ! પણ આ બાલક, આ પશુ, એનો આધાર મારા વિના કોના ઉપર ! એટલા નિર્દોષ જીવને હું તારા હાથમાંથી ઝુંટાવી લઉં છું. આવું લખવામાં મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજે; જો, લખતાં લખતાં પણ હું પગે પડી તને નમન કરી ક્ષમા યાચું છું.

“મનુષ્યની પારની યોનિના આ તારા જ્ઞાનથી મને પૂર્વે નિર્વેદ કેમ ના ઉપજ્યો, તારા જીવનની ગૂઢતાથીજ મારા કૌતુકમાં અને પ્રેમમાં વૃદ્ધિ શાથી થતી ગઈ ! એટલાજ કારણથી કે તું ગમે તે દેવ હો કે દૈત્ય હો, મનુષ્ય હો કે પિશાચ હો, પણ તેથી જે લાભ હાનિ તે મારી એકલી જાતનેજ હતી, અથવા મારી જાતને પણ હાનિ ન હતી કેમકે મારો પ્રેમ મારી દૈવી પ્રકૃતિનો અંશ હતો, એટલે કે “હું તે તુંજ” એવી પ્રેમસમાધિ વિના અન્ય વાર્તાના અત્યંત અજ્ઞાનને લીધે અન્ય વિચાર કે વાત મારા લક્ષમાંજ આવી શકતાં નહિ, તો મને અસર ક્યાંથી કરે ? પણ હવે તો એ અભેદમાં વિક્ષેપ થયો છે – પ્રેમનું અન્ય સ્થાન પ્રકટ થયું છે. જો, જો, એની દૃષ્ટિ નિરંતર મારા ઉપરજ રહે છે. સોપાલંભ આંખે જાણે મને ઠપકો દે છે, તારૂં વશીકરણ એને પણ વળગી ચૂક્યું છે કે શું ? તારા જ્ઞાનનો એને પણ ભંગ કર્યું છે કે શું ? મારૂં કાળજું કાપી નાખ, એના ઉપરથી તારા હાથને ઉઠાવી લે.

“સાંભળ, પગથીઆં આગળ હોડીનાં હલેસાં ખખડવા લાગ્યાં ! મને લેઈ જવાની તૈયારી થઈ ! હું આ સ્થાનમાં ચોપાસ જોઉં છું, તો બધે તનેજ દેખું છું. સ્થાને સ્થાનેથી તુંજ બોલતો સંભળાઉ છું, ઉંચે તારામાંથી પણ તું નજરે આવે છે. પણે પેલી બારી ઉપર તેં મને, અધરામૃતરૂપ પ્રેમશ્રદ્ધાનું ઐક્ય જતે જતે અનુભવાવ્યું હતું. પણે બારણા આગળથી મારા સ્મિતમાં તારા મંદસ્મિતને મેળવી નેત્રદ્વારા પ્રેમનો અભેદમય વિશ્વાસ કહી સંભળાવ્યો હતો ! ગુલાબ ! પ્રાણનાથ ! હું નહિ જાઉં, રહીશ; તારાથી જુદી કેમ થઈ શકું ? નહિ, નહિ જાઉં; જે ઓરડામાં તારા મધુર સ્વરે મારી મહાયાતનાને શાન્ત પાડતાં “પ્રિયતમા ! મા ! તું માતા થઈ” એમ કહી આનંદ આપ્યો હતો ત્યાજ જઈશ ! માતા ! — માતા ! — માતા — હા, હું માતા થઈ છું; હું આ ઉઠી ઉભી થઈ, માતાને યોગ્ય ધીરજ રાખી આ ચાલી.”

જેને માટે ગુલાબસિંહે સાર્વભૌમ સામ્રાજ્યના વિશુદ્ધ આનંદનો ઘણે ભોગે ત્યાગ કર્યો હતો તેજ અત્યારે આ રીતે, અજ્ઞાનબુદ્ધિથી ઉપજતા વહેમને આધીન થઇને, અથવા કલ્પિત કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને, ગુલાબસિંહને, મનુષ્યરૂપે આવતા કોઈ પિશાચરૂપ સમજી તજી ગઈ ! આ પ્રમાણેનો પરિત્યાગ, પ્રથમથી લેશ પણ જણાયલો કે અટકળાયલો નહિ એવો પરિત્યાગ, એ તો જે લોકો આત્માને સ્થૂલ સૃષ્ટિની પાર રાખી, હૃદયના સ્થૂલમાં રમવા દે છે, તેમના પ્રારબ્ધમાં સર્વદાજ લખેલો છે. અજ્ઞાન અને જ્ઞાનનો પરસ્પર વિરોધ નિત્ય છે. પણ જે અવિદ્યમાન પુરુષનોને પરિત્યાગ આ ભાર્યાએ અત્યારે કર્યો તેના ઉપર તેનો પોતાનો જે અત્યંત સ્વાર્પણમય પ્રેમાભેદ હતો તેવો આજ પર્યંત કોઈ માણસે માણસ ઉપર કર્યો નહિ હોય. એણે સત્યજ લખ્યું હતું કે “પુત્રવત્સલ માતા તને તજે છે; પતિભ્રષ્ટ ભાર્યા નહિ.”

આ કામ કરાવનાર ઉર્મિનું જ્યાં સુધી પ્રબલ રહ્યું ત્યાં સુધી તો મા પોતાના પુત્રને છાતી સરસો દાબી રહી, અને મનમાં કાંઈ વસમું માન્યા કરતાં સારું માની રહી. પણ પોતાની સાથેની દાસી, પ્રયાગને રસ્તે જતાં પોતાને ઘેર પહોંચવાની સમીપ આવતી ગઈ, તેમ હાથ જોડીને હરિની સ્તુતિ કરવા લાગી — હે પ્રભુ ! ઘર જલદી દેખાડ ! મારા પ્રાણનાથને તુરત મેળવ, તેમની સાથે સુખી કર ! એમ બોલવા લાગી — તે સાંભળી માને પોતાની આવી ભ્રષ્ટ સ્થિતિ ઉપર અનાદર થઈ આવ્યો. એમ થતાંજ એના મનનો વેગ બદલાયો, મનમાં ને મનમાં જ લજવાઈને સમાઈ ગઈ, પણ હવે અંદરથી કોણ આશ્વાસના આપે !