ગુલાબસિંહ/તરંગ ૭:છેલી મુલાકાત

વિકિસ્રોતમાંથી
← ભલાઈનો બદલો ગુલાબસિંહ
છેલી મુલાકાત
મણિલાલ દ્વિવેદી
રક્તબીજનો સંહાર →


પ્રકરણ ૭ મું.

છેલી મુલાકાત.


બંદાએ આ પ્રમાણે પોતાનો સ્વાર્થ સાધવાની નીચ બુદ્ધિએ પ્રેરેલી યુક્તિ રચી, તે સમયે લાલાજી પણ પોતાના મુરબ્બીના આવાસમાંથી પોતાને જવાની રજાચીઠી વગેરેની વ્યવસ્થા કરીને બહાર આવ્યો. એના મનમાં જે સુખસ્પર્શની ભાવના થતી હતી, તેનો પરિપાક થવાનો સંધિ આ પ્રકારે પાસે આવેલો જોઈ એને જે પ્રસન્નતાનું ભાન થતું હતું તેમાંજ એને કોઈક એવું કહેતું હોય એમ લાગ્યું કે “શું ! મારાથી છૂટીને બચી જવાનું ઇચ્છે છે ! પુનઃ સાત્ત્વિકજીવન અને સંતોષસુખ ભાગવાની વાંછના કરે છે. એ બધી વાતો વ્યર્થ છે હવે કશા કામની નથી. ના, ના, હું તને હવે પજવીશ નહિ, કેમકે મારા કરતાં ક્રૂરતા કે આગ્રહમાં જરા પણ ઉતરે નહિ તેવાં માણસો તારી પાછળ લાગી ચૂક્યાં છે. હવે તને હું મળનાર નથી, તારો અંત આવવાની મધ્ય રાત્રીએ કેદખાનામાંજ મળીશું ?–”

લાલાજીએ સહજ રીતે જ, આવો વિચાર થતાં ડોકું ફેરવીને પાછું જોયું તો એક માણસ એની પાસે થઈને જા આવ કરે છે એમ એણે દીઠું; તુરતજ એ સમજી ગયો કે મારી પાછળ આ બાતમીદાર લાગુ કરવામાં આવ્યો છે,  મારા ઉપર કાંઈક બન્યું છે. એ સમયે તાપ બહુ સપ્ત પડતો હતો તેથી કોઈ માણસો તો રસ્તામાં ફરતાં ન હતાં. સર્વે પોતપોતાનાં બારી બારણાં બંધ કરી સૂઈ રહ્યાં હતાં, કે ઘરમાં બેઠે બેઠે ધંધો કરતાં હતાં. પોતાની આવી સ્થિતિ જોતાંજ લાલાની ધીરજમાત્ર જતી રહી અને હૃદયમાં કોઈ એવો {{SIC|આઘાત|અઘાત} થયો કે એને કંપારો વછૂટી ગયો. દિલ્હીમાં એ સમયે જે ન્યાયપદ્ધતિ અને રાજ્યવ્યવસ્થા ચાલી રહ્યાં હતાં તે સારી પેઠે લાલાના જાણવામાં હતાં, એટલે આવી રીતે માણસ પાછળ આવવાનો અર્થ સારી પેઠે જાણી શક્યો, શ્વાસના પણ સાંસા પડવા માંડ્યા, હોઠ ગળુ સૂકાઈ ગયાં, અને લાલો તુરત એક પાસા ઉભો રહી પેલા માણસના ઉપર દૃષ્ટિ સ્થિર ઠરાવી રહ્યો, માણસ પણ દૂર ઉભો રહ્યો.

પણ બાતમીદારની પાસે બીજાં માણસ ન હતાં, રસ્તામાં લોક ન હતાં, એ આદિ વાતનો વિચાર કરતાં લાલાના મનમાં ધીરજ આવી, અને પેલા માણસના ભણી એણે ચાલવા માંડ્યું. તેની પાસે જતાં લાલે પૂછ્યું “ભાઈ ! તમે મારી પાછળ લાગ્યા છો એમ જણાય છે ! તમારે શું કામ છે !”

દિલ્હીના રસ્તા આપણ બેને જવા જેટલા પોહોળા તો છે; ને હું ધારતો નથી કે તમે હજી પણ આખી દિલ્હી તમારી ગણવાનો તોર રાખતા હો.”

“ત્યારે મારી આગળ જાઓ, હું આ ઉભો.”

પેલો માણસ જરાક નમી સલામ કરીને ચાલતો થયો. તુરતજ લાલો પાસેની એક આડગલીમાં પેસી ગયો, અને અનેક ગલીકૂચી વટાવીને ક્યાંનો ક્યાં નીકળી ગયો. બહુ દૂર ગયા પછી જરા શાન્તિ પડી સંતોષ માનવા લાગ્યો કે પેલો બાતમીદાર ઠીક પત્યો. એમ ધારી ઘર તરફ જવા માટે ચાલ્યો; પરંતુ એકાદ ગલીમાંથી જેવો બહાર નીકળે છે તેવામાંજ માથાથી પગ સુધી મોટો કાળો ઝભ્ભો ઓઢેલો એવા કોઈ પરદેશીએ લાલાની પાસેથીજ નીકળતાં ધીમે રહી કહ્યું “લાલાજી ! મારી પાછળ પાછળ આવ;– તારી પૂંઠે માણસો લાગેલા છે.” અને ત્વરાથી આગળ ચાલવા માંડ્યું, લાલો એ માણસની પાછળ પાછળ ચાલ્યો, પણ ડોકું વાળીને પાછું જુવે છે તો પ્રથમના માણસને જોઈ ગભરાવા લાગ્યો. એ બનાવને લીધે પેલા પરદેશીની ભલામણ ભૂલી જઈ એક દુકાન પાસે લોકનું ટોળું મળ્યું હતું તેમાં લાલાજી પેશી ગયો અને તેમાંથી આડે રસ્તે થઈ પાછો અનેક ગલી કૂચીઓ વટાવી શહેરના ઘણા દૂરના ભાગમાં જઇ પહોંચ્યો. મુનાના કીનારા ઉપર જ્યાં મહોટું ગીચ જંગલ છે તે જંગલમાં લાલો પહોંચ્યો એટલે એવા ભયપ્રસંગે પણ પોતાના સ્વાભાવિક પ્રેમથી વિશ્વલીલાને વિલોકી ખુશી થવા લાગ્યો; થાક્યો પાક્યો આ સ્થાને નદીનો ઠંડો પવન લેતો લાલાજી ઉભો રહ્યો. ને વિસામો ખાવા લાગ્યો; અને મનમાં હાશ કરીને કહેવા લાગ્યો કે અહીં તો હવે પેલો બાતમીદાર આવનારો નથી. પરંતુ આવો વિચાર કરી નગર ભણી જુવે છે તો તેનો તેજ બાતમીદાર એનાથી પચીસ કદમ છેટે ઉભેલો હતો. દેખતાંજ એનું લોહી ઉડી ગયું, છૂટવાનો આરો રહ્યો નહિ, આગળ નદી અને પાછળ શહેર તેની વચમાં લાલાજી ભરાઈ પડ્યો. જરાક આગળ ચાલતાં પોતે અચક્યો કે પોતાની અને પેલા માણસની વચમાંના એક ઘરમાંથી ઘણા લોકોનું ખડખડાટ હસવું કાને આવવા લાગ્યું; એ ઘરમાં પણ ભાગોળ ઉપરનું મ્લેચ્છોનું થાણું રહે છે, એમ સમજી વધારે ગભરાટમાં પડ્યો. પેલો બાતમીદાર તે ઘર સુધી આવ્યો અને તુરત બહારથીજ એક ઉચી બારીમાં નજર ઘાલી, થોડોક અંદર વળીને કોઈની સાથે વાત કરવા લાગ્યો.

આ સમયે પોતાથી થોડેક આગળ એક ઘરના બારણામાં પેલા જે પરદેશીએ સાથે આવવાનું કહ્યું હતું તેને લાલાજીએ દીઠો. મહોટા ઝભ્ભાને લીધે એ માણસ ઓળખાતો ન હતો, પણ હાથથી તેણે આવવાનો ઇશારો કર્યો તે લાલાજીએ દીઠો, લાલાને અંદર લેતાંજ બારણું બંધ કરી તે પુરુષ આગળ ચાલ્યો અને લાલો બોલ્યા ચાલ્યા વિના ઉંચે શ્વાસે તેની પૂઠે પૂઠે ચાલવા મંડ્યો. જતે જતે એક નાની એારડીમાં આવ્યા ત્યારે પેલાં પુરુષે ઝભ્ભો દૂર મૂક્યો એટલે લાલાજીએ ગુલાબસિંહને પોતાની સમક્ષ ઉભેલો દીઠો.