ગુલાબસિંહ/તરંગ ૭:નીચની નીચતા

વિકિસ્રોતમાંથી
← પ્રકૃતિનો અપરાજય ગુલાબસિંહ
નીચની નીચતા
મણિલાલ દ્વિવેદી
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર →


પ્રકરણ ૨ જું.

નીચની નીચતા.

લાલાજીએ આ પ્રકારે જે કહ્યું તેની ઉદારતા અને ઉચ્ચતાથી તથા લાલાજીના મોઢા ઉપર ને આખી આકૃતિ ઉપર જે ક્ષત્રિયધર્મનું તેજ છવાયું હતું તેથી, બંદો જરા ભય પામી ગયો, અને બોલતો બંધ થઈ ગયો. એને તુરતજ એમ લાગ્યું કે આ માણસની મેં બરાબર કીંમત કરી નથી.

આ સમયે પેલી ગોપિકા એક ખૂણામાં રીસાઈને બેઠી હતી ત્યાંથી આગળ આવી બોલી કે “તમે કહો છો તે બધી વાત ખોટી છે; તમારા ભાઈ તો એ કરતાં પણ વધારે સારો માર્ગ નક્કી કરીને બેઠા છે; અને તમે તમારાં લાગ્યાં ભોગવો એમ એમની મરજી છે. એમની ધારણા ખરી છે, પણ—”

“નાશી જશો !” બંદાએ આશ્ચર્યથી કહ્યું “શી રીતે ? – કીયે રસ્તે – કેવી રીતે ? દિલ્હી શહેરની ચારે પાસે એવા ચોકીદાર અને બાતમીદાર ફરે છે કે એક કીડી પણ બહાર કે અંદર જઈ શકે એમ નથી. નાશી જવું ! ખુદા એ વખત આપે ?”

“ત્યારે બંદા ! તું પણ આવા આનંદના સમયને છોડીને નાશી જવા ઈચ્છે છે !”

“ઈચ્છુંછું !” બંદાએ લાલાજીને પગે પડી વિનતિ કરી “તારી સાથે મને પણ ઉગાર. મારૂં જીવવું મુવા સરખુ છે; એક ક્ષણ પણ હું જલ્લાદની તરવાર મારી ગરદનથી દૂર દેખતો નથી. મને એમ લાગે છે કે મારૂં આવી બન્યું છે, પેલે કિરુદ્દીન મારું નામ પોતાની યાદીમાં દાખલ કરવાની રાહ જુએ છે, પણ એક વાર દાખલ થયું તે પછી કાફુર કાજી તો એટલુંજ માગે છે. લાલાજી ! આપણી જૂની દોસ્તી યાદ લાવીને, આપણે એક ધંધાવાળા છીએ તે ઉપર નજર રાખીને, તારી ક્ષત્રિયવટને અનુસરીને, મને પણ તારી સાથે લેઇ જા.”

“એવી જ તારી મરજી હોય તો ભલે આવજે.”

“ધન્ય છે ! હું જીવતા સુધી તારો ઉપકાર ભુલનાર નથી, પણ ભાઈ ! શાં સાધનો તમે તૈયાર કર્યાં છે ? રજાચીઠી, વેષ બદલવાનો સામાન —”

 “હું તને કહીશ, તું દીવાનસાહેબના ખાસ મિત્ર મીરસાહેબને ઓળખે છે ? એમને રજાચીઠી કરી આપવાનો અધિકાર છે, ને પૈસાનો લોભ છે.”

“ત્યારે તો ઠીક.”

“મેં મારે જરૂરની ચીઠીઓ મેળવી લીધી છે, તારે માટે પણ લાવીશ.”

“ત્યારે તારી પાસે બહુ પૈસા જણાય છે !”

“તેની તારે શી ફીકર છે ? આપણ સર્વને ચાલે તેટલા તો છેજ.”

આટલી વાત થતામાં લાલાજી ઉઠ્યો અને હાથના ઈશારાથી બંદાને પાસેના ઓરડામાં લઈ ગયો. તેણે તેને રજાની ચીઠીમાં લખ્યા પ્રમાણે વેષ વગેરે બદલવા વિષેની હકીકત ટુંકામાં સમજાવી; ને પછી કહ્યું :—

“હું તને જે મદદ કરું છું તેના બદલામાં તું મારા ઉપર એક મેહેરબાની કર. તારા હાથમાં જ છે. તને માનું નામ યાદ છે ?”

“કેમ નહિ ? સારી પેઠે યાદ છે, ને જેની સાથે તે જતી તેનું પણ યાદ છે. ”

“એનીજ પાસેથી તે અત્યારે નાશી આવેલી છે.”

“ક્યાં ? તારી પાસે આવી છે ? — તારાં તો ભાગ્ય ભળ્યાં, ભાઈ !”

“ચૂપ ! બધા જગત્ ઉપર દીન પ્રવર્તાવી માણસના ભેદમાત્ર ભાગી નાખવાની અને સદ્‌ગુણ અને સંસ્કૃતિનું ન્યાયમય રાજ્ય સ્થાપવાની બડાઈ કરનાર તારા જેવા, દયા કે સદ્‌ગુણને ઓળખતા જ નથી.”

બંદાએ પોતાની જીભને દાંત તલે કચડી, અને મનમાં ઘણું લાગી આવ્યા છતાં મોઢું ઠેકાણે રાખી, જવાબ દીધો “ભાઈ ! અનુભવથી આંખો ઉઘડે છે. બોલ, આ માની વાતમાં મારો શો ખપ પડ્યો છે ?”

“પગલે પગલે ખાડામાં પડાય કે જાલમાં ગુંચવાઈ મરી જવાય એવા આ નગરમાં હું એને લાવ્યો છું. નિર્દોષતા કે અપ્રસિદ્ધિ એકેથી જ્યાં ઉગરવાની આશા નથી એવા સ્થાનમાં હું એને મૂકીને જવા ખુશી નથી. તમારા દીનની ન્યાયમય રાજધાનિમાં કોઈ હલકામાં હલકા માણસે પણ પરણેલી કે કુમારી ગમે તેવી સ્ત્રી ઉપર નજર નાખવી જોઈએ; પછી તેણે કાં તો તેને સ્વાધીન થવું કે અપયશ સાથે મોતને સ્વીકારવું. બસ બસ, માએ આપણી સાથે આવવું જ જોઈએ.”

“એમાં શી મુશ્કેલી છે ? તમારી ચીઠીમાં એનું પણ નામ છે, પછી શું ?”

"એમાંજ મુશ્કેલી છે. આ ગોપલી; રંડા” --હું એને કદાપિ મળ્યો જ ન હોત તોજ સારું હતું-– મારા આત્માને ઈંન્દ્રિયોના વેગને વશ ન થવા દીધો હોત તો જ સારું હતું; નિરક્ષર, ઉગ્ર, અને ધોરણરહિત, એવી સ્ત્રીનો પ્રેમ સ્વર્ગનું દર્શન કરાવીને નરકમાં લેઈ જાય છે. બધી દુનિયાની અદેખાઈ એ રાંડની આંખમાં ભરેલી છે. અમારી સાથે કોઈ સ્ત્રી આવે તે એનાથી ખમાતું નથી; ને તેમાં વળી માની કાંતિ દેખે એટલે તો બાકીજ રહે નહિ.એનો મીજાજ જાય છે ત્યારે એ શું કરે તે કહેવાતું નથી.”

"હું સારી પેઠે જાણું છું; એવી સ્ત્રીઓ કેવી હોય છે તેનો મને પૂર્ણ અનુભવ છે. ”

“તે વાત મારે સાંભળવી નથી; આવી સ્થિતિમાં તું શો રસ્તે બતાવે છે ?”

“ તારી ગોપીને પછવાડે રહેવા દે."

“ નહિ, એમ તો ના બને, એક વાર મેં એને એવો દગો દીધો છે; ગમે તેવી છે તો પણ એણે મારા પ્રેમનો આશ્રય કર્યો છે, એટલે એવી રીતે એને આ સ્થાનમાં મૂકીને તો ને જાઉં.”

“તેં એક વાર તો એને તજી દીધી હતી ?”

“હા, પણ ત્યાં આવું ભય ન હતું, ને વળી એનો પ્રેમ આવો ગાઢ છે એમ મારા જાણવામાં ન હતું. મેં એની પાસે પૈસા મૂક્યા હતા, અને હું એમ ધારતો હતો કે એથી એને સંતોષ થશે. પણ તે પછી તો અમે બન્ને સાથે જ ઘણાં દુઃખ વેઠ્યાં, ઘણીક આપત્તિ વેઠી. મારા ઉપર પ્રેમ ન હોત તો જે ભયમાં એ આવી ન પડત તેવા ભયમાં હવે એને એકલી મૂકી જવી એ તો ન બને, – અશક્યજ. મને એમ સૂજે છે કે તું એને તારી, બેહેન, કે સગી, કે ભલું કરનારી, કે ઓળખીતી, એવી કોઈ ઠરાવી, અને મારી પાસેથી એમ માગી લે કે એને પણ હું બચાવવા ઇચ્છું છું. દિલ્હી છોડીને જતા સુધી આપણે આ મારી ગોપિકાને એમ નહિ સમજાવી શકીએ ? કે મા સાથે મારે કશી લેવા દેવા નથી; માત્ર તારી ખાતરજ તેને સાથે લીધી છે.”

“સારી યુક્તિ છે; એમ થઈ શકશે.”

“હું મારી પ્રિયાની ઇચ્છાને આધીન થઈ, જેની તે ઇર્ષ્યા કરે છે તેને ઉગારવાની વાત મૂકી દઈશ; અને પછી તું એને એમ કહેજે કે આ એક જણને બચાવવામાં મને મદદ કરો.”

"આ એક ગૃહસ્થની બાઈ છે, તેણે મને બહુ ઉપકાર કર્યો છે, તેને મારે સાથે લેઈ ઉગારવી છે; એમ કહીશ. કેમકે મારે બહેન તો છે નહિ એમ એ જાણે છે. અરે ! પેલો ગુલાબસિંહ કયાં છે?”

“એનું નામ જવા દે.”

“ આ મા ઉપર એને પ્રેમ હશે ખરો?”

“હશેજ; એ એની પત્ની છે, અને એના પુત્રની માતા છે.”

"પત્ની—માતા ! ગુલાબસિંહનો પ્રેમ હજી છે ! ત્યારે એ આમ કેમ રખડે છે?”

“હવણાં વાતો કરવાનો વખત નથી; હું માને સમજણ પાડી, આપણી સાથે આવવા તૈયાર કરવા જાઉં છું. તું જા ઘરમાં બેશ.”

"પણ એનું ઠેકાણું? વખતે તારી ઘરવાળી પૂછે ત્યારે?”

"યમુનાના કીનારા ઉપર માછીવાડામાં--"

લાલાજી તુરતજ ચાલતો થયો. બંદો એકલો પડ્યો એટલે થોડીક વાર વિચારમાં ગ્રસ્ત થઈ ગયો. “વાહ રે વાહ ! આ બધામાંથી હું મારું સાધી લેઉ તો કેવું ! મેં વારંવાર કસમ લીધા કે હું વેર વાળીશ,--ગુલાબસિંહ! તારી સ્ત્રી ને તારો છોકરો આજ મારા હાથમાં આવ્યાં છે, હવે એ વેર વાળવુંજ જોઈએ, અને ઓ ઉદ્ધત જયપુરીઆ! તારી રજાચીઠી, તારા પૈસા, ને તારી સ્ત્રી બધુ મારે કબજે કેમ નહિ થાય ? તું જાણે મહોટો બાદશાહનો બેટો હોય તેમ વળી મારી સાથે પણ મીજાજથી વર્તે છે, ને એક ભીખારીને દયા લાવીને આપતો હોય તેમ, મને મદદ કરે છે, અને એ ગોપી! તું તો મારી પ્યારી છે, ને તારી દોલત મને તારા કરતાં પણ વધારે પ્યારી છે! બસ, ત્યારે, ચાલો પૂતળાં, તમારી દોરી હુ ખેંચું છું.”

જે ઓરડામાં પેલી ગોપિકા વિચારમાં ગુમ થઈ જઈ, ઇર્ષ્યાથી આંખ ચઢાવી, બેઠી હતી ત્યાં બંદો ધીમે ધીમે ગયો. બારણું ઉઘડ્યું કે તુરત એણે આતુરતાથી ઉંચું જોયું, પણ બંદાનું મોં જોતાં નિરાશ થઈ અવળું જેવા લાગી.

“બંદાએ કહ્યું “ લાલાજીએ મને તમારી પાસે વાતો કરવા મૂક્યો છે. એને મારી ઇર્ષ્યા નથી-જો કે હું પણ એક વાર તારો પરમ ભક્ત હતો. પણ તે વાતની હવે વિમાસણ શા કામની?”

“ ત્યારે તમારા ભાઈ ઘરમાંથી બહાર ગયા છે ! ક્યાં ગયા છે? કેમ ? શા માટે અચકાઓ છો? બોલો, ખરી વાત કહી દો, મારા સમ કહી દો.”

“ તને શાની ભીતિ છે ?”

“હા, મને ભીતિ છે;” એટલું કહીને ઉંડો નીસાસો મૂકી જ્યાં બેઠી હતી ત્યાં ખૂણામાંજ સમાઈ ગઈ.

થોડાક સમય પછી, પોતાના મુખ ઉપર આવેલા અલકને દૂર કરી તે ઉભી થઈ અને આમ તેમ ફરવા લાગી. છેવટ બંદાના સામે આવીને ઉભી, એનો હાથ પકડીને એક ખૂણામાં લેઈ ગઈ, ત્યાં એક પથરો ખશેડી નાખી અંદર ભરેલા સૂવર્ણભંડારને બતાવી, “તું ગરીબ છે-તને દ્રવ્યનો લોભ છે. તારે જે જોઈએ તે લે, પણ મને ખરી વાત કહે. જેની પાસે તારા ભાઈ જાય છે તે સ્ત્રી કોણ છે?--એના ઉપર એમનો પ્રેમ છે?”

સુવર્ણના રાશિ ઉપર જોતાં બંદાની આંખો પહોળી થઈ ગઈ, ને હાથની મૂઠીઓ વળવા માંડી. પણ જેમ તેમ કરી લોભને દબાવી, બહુ ખેદથી બોલતો હોય તેમ બોલ્યો “તું શું મને લાંચ આપવી ધારે છે? આપવી હોય તો સુવર્ણની નહિ. કદાપિ તારો પ્રિયતમ બીજી ઉપર પ્રેમ રાખતો હોય તો પણ શું? તને ફસાવે તો પણ શું? તારી ઈષ્યાલુ પ્રકૃતિથી કંટાળીને, નાશી જતી વખતે, તને સાથે ન લે તો પણ શું?–એવી વાત જાણવાથી તેને કાંઈ ફાયદો છે?"

“ છે.” હિમાલયની ગોપિકાએ પૂર્ણ ક્રોધના આવેગથી કહ્યું “ફાયદો છે; કેમકે દ્વેષ રાખી દ્રેષનો બદલો વાળવામાં ફાયદો- સુખ-છે; તને ખબર નથી કે જે ખરા પ્રેમથી બંધાયલાં છે તેમનો પ્રેમ જ્યારે દ્રેષનું રૂપ લે છે ત્યારે તેમાં તેમને કેટલો આનંદ આવે છે."

"ત્યારે જો, તું એમ ખાતરી કરી આપે છે કે હું તને ખરેખરી વાત જણાવું તો તું મને ફસાવશે નહિ. ? તારો દગાખોર પતિ આવે એટલે બૈરાંની જાતના સ્વભાવ પ્રમાણે આંસુ ઢાળતી તું તેને વઢવા ને ગાળો દેવા ને મહેણાં મારવા તો તૈયાર નહિ થાય?”

"આંસુ--મહેણાં! કાઈંજ નહિ--હાડ ભાગવાનું તો હસતે હસતેજ થાય છે.” "ત્યારે તો તું જબરી છે; એક બીજી વાત પણ સાંભળ. તારો પ્રિયતમ આ નવી પ્રિયા સાથે નાશી જવાનો છે, તને અહીં મૂકી જવાની છે. આ વાત જો હું સાબીત કરી આપુ, અને તને વેર વાળવાનું સાધન કરી આપું, તો તું મારી સાથે આવશે ? હું તને પૂર્ણ પ્રેમથી ચહાઉ છું— હું તને પરણીશ.”

ગોપિકાની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. અવર્ણ્ય તિરસ્કારથી તે બંદા સામું જોઈ રહી, કાંઈજ બોલી નહિ.

બંદો સમજયો કે વાત હદ પાર થઈ ગઈ; એટલે એણે કલ ફેરવી. માણસ જાતના નીચ સ્વભાવનું જે જ્ઞાન, એને, નીચવૃત્તિનાં કર્મમાં નિમગ્ન રહેવાથી પ્રાપ્ત થયું હતું તેને આધારે. એણે એમ નક્કી કર્યું કે આટલે સુધી આ સ્ત્રીનો પ્રેમાવેગ વધારી દીધા પછી, હવે તે આવેગની ઇર્ષ્યાના જોરથી જે જે થવાનું તે થવા દેવું.

" મને માફ કરજે, મારા પ્રેમના વેગમાં હુ ભાન ભૂલી ગયો. છતાં ખાતરીથી માનજે કે એ મારા પ્રેમને લીધેજ, હું જેને મારા ભાઈ જેવો ગણું છું તેને તારા આગળ ફસાવું છું. તેં એનાથી વાત ગુપ્ત રાખવાની પ્રતિજ્ઞા કરી છે તે ઉપર મને વિશ્વાસ છે.”

“મારી પ્રતિજ્ઞા ઉપર, મને જે અન્યાય મળ્યો છે તે ઉપર અને મારા પહાડી લોહી ઉપર, વિશ્વાસ રાખ.”

“બસ, ચાલ મારી સાથે.”

ગોપિકા જરૂરનાં વસ્ત્ર પહેરવા ગઈ તે સમયે બંદાની દષ્ટિ વળી પેલા સુવર્ણરાશિ ઉપર પડી. એણે આશા રાખેલી તે કરતાં પણ એ રાશિ અધિક હતો, એણે ઢાંકણું જરાક વધારે ઉંચું કર્યું તો સામે એક તાકામાં કેટલાક કાગળોનો જુડો એની નજરે પડ્યો. તે એણે લેઈ લીધો ને જરાક નજર ફેરવી એમાંથી એક બે કાગળ વાંચી લીધા. વાંચતાંજ એની આંખો ચમકવા લાગી. “આટલાથીજ તારા જેવા પચાસ લાલા જલ્લાદોને હાથ આપી શકશે” એમ કહેતાં એ જુડાને પોતાના ખીસામાં ઘાલ્યો.

રે ચિત્રકાર ! રે ભ્રષ્ટ ! રે ભ્રમિત પ્રતિભા! તારા ખરાબમાં ખરાબ બેજ શત્રુ છે:-કેવલ નિરીશ્વરમય એવી નાસ્તિકભાવના ! અને આત્માના પવિત્ર પ્રકાશથી નહિ પણ ઇન્દ્રિયો બહેકી જવાથી ઉગ્ર રીતે પ્રદીપ્ત થયેલી ખોટી પ્રેમભાવના !