ગ્રહાષ્ટક વત્તા એક/ત્યક્તેન ભૂંજીથા:

વિકિસ્રોતમાંથી
← બે જ ઉગારનારાં ગ્રહાષ્ટક વત્તા એક
ત્યક્તેન ભૂંજીથા:
ચુનીલાલ મડિયા
બુચાજીનું સ્વપ્ન →








૩.
ત્યક્તેન ભુંજીથા:
 

‘ગિરજાને ઘેરથી ગાડી પાછી આવી છે.’

‘પણ ગિરજો આવ્યો કે નહિ ?’

‘ગોરાણીમાએ કહ્યું કે ગોર રુદ્રી કરાવવા ગયા છે, એટલે મોડા આવશે.’

‘લો સાંભળો સમાચાર ! તડ પડે ત્યારે રાંકા મોંઘા થાય એ આનું નામ. વારુ, બુચાજી શું કહે છે?’

‘ફરી ફોન કર્યો હતો. ઘેરેથી નીકળી ગયા છે.’

‘વકીલોનું આ બહુ સુખ. ખોટે બોલાવો તો ફીની લાલચે સાચે જ હાજર થઈ જાય. બિચારાઓને બેકારી પણ એવી જ છે. કહે છે, આ બુચાજી તો એમના રિજેન્ટ સ્ટ્રીટનાં કોટ–પાટલૂનની ધોલાઈ જેટલું પણ નથી રળતા. સાચી વાત, સેવંતીલાલ !’

‘એટલે જ તે વકીલ–બૅરિસ્ટરો કાળાં કપડાં જ પહેરતા આવ્યા છે. એ મેલખાઉ કોટ દસ વરસ સુધી ધોવાય નહિ તોય કોઈને કશી ખબર ન પડે.’

‘નહિ, નહિ. કાળો રંગ તો એમનાં કરતૂકનો રંગ છે. એ કજિયા–દલાલોએ કાળાંધોળાં બહુ કરવાં પડે તે ? એટલે જ એ લોકો ગાઉન–હુડ કાળાં ને ગલપટા ધેાળા રાખે છે.’

ફોનની ઘંટડી વાગી.

સર ભગને, આદતને જોર જ વાસ્કુટમાંથી રોસ્કોપ ઘડિયાળમાં જોયું. અને બોલી ઊઠ્યા :

‘મારકિટનો હશે.’

‘જી હા, સાહેબ, મારકિટમાંથી જ છે, સેવંતીલાલે ફોન ઉંચકીને ‘હલ્લો હલ્લો’ કરતાં કહ્યું.

‘મારકિટમાં મૂકો ને પૂળો, હવે આખી પૃથ્વીનો પ્રલય આવી રહ્યો છે ત્યારે મારકિટના ભાવતાલને શું ધોઈ પીવા ?’

‘પણ કહે છે સોનામાં અણધાર્યો ઉછાળો આવી ગયો.’ સેવંતીલાલ ફોનના ભૂંગળા પર હાથ દાબીને બોલ્યા.

‘એ શાથી ?’

‘કહે છે કે લોકો હિજરત કરે છે ત્યારે માલમિલકત વેચીસાટીને સોનું લેતા જાય છે.’

‘સોનું સડે નહિ, એ વાત સાચી. કાગળની નોટો તો ઊધઈ ખાઈ જાય.’

‘પાટલો ઊંચે મથાળે ઊઘડીને સાંકડી વધઘટે બંધ રહ્યો છે.’

‘મરશે વાયદાવાળા.’

‘એરંડામાં નરમાઈ વધી છે.’

‘મારો ઝાડુ એરંડાને.’

‘સીંગદાણા દેશાવરની લેવાલીમાં ટકી રહ્યા હતા.’

‘રોશે એ રાતી પાઘડીવાળા.’

‘ઈસબગુલમાં વધારે નરમાઈ.’

‘એ તો ઈસબગુલ વિના પણ સહુ નરમઘેંશ જ થઈ ગયા છે ને ?’

‘શેરબજારમાં ટેકાના અભાવે કડાકો બોલી ગયો.’

‘કડાકો તો હજી બાકી છે. એ તો ચોથી ફેબ્રુઆરીએ બોલશે, મકર રાશિમાં આઠેઆઠ ગ્રહ ભેગા થશે ત્યારે.’

સેવંતીલાલે ફોન ઉપર હથેળી દાબીને કહ્યું : ‘કહે છે કે અષ્ટગ્રહ યુતિ વખતે ખગ્રાસ ગ્રહણ થવાનું છે અને ગ્રહણ ઘેરાતી વખતે વિમલ સરોવર ફાટવાની અફવા છે, એટલે ચારેય બાજુ ગભરાટ ફેલાઈ ગયો છે. એ ગભરાટને લીધે જ બજારો બેસતાં જાય છે.’

‘વિમલ સરવર ફાટશે ?’ બોલતાં બોલતાં સર ભગનનો સાદ ફાટી ગયો. ‘વિમલ સરોવર ફાટે તો તો બધેય જળબંબાકાર થઈ જાય.’

‘એટલે જ લોકો માલમિલકત વેચી પરવારીને દૂરદૂર નાસવા માંડ્યા છે.’

‘અરે, પણ વિમલ સરોવર ફાટે તો તે બધે પાણીને બદલે મોત જ ફરી વળે.’

‘મૂવું આ દિવસ આખો મોતની ને મરવાની જ વાત શી માંડી બેઠા છો ?’ આખરે લેડી જકલથી ન રહેવાયું. એમનામાં આ પ્રૌઢ ઉમ્મરે પણ ઊછળતો જીવનરસ આવી મૃત્યુની વાત સાંભળીને બંડ પોકારી રહ્યો હતો.

‘સર ભગન, આજે આપનો ટૅનિસ રમવાનો ટાઈમ તમે આ અષ્ટગ્રહીની મોંકાણમાં વેડફી માર્યો.’ પત્ની ફરિયાદ કરી રહી.

‘લેડી જકલ, તમે તો આપણી તિલુ કરતાંય નાનકડી બાળકી જેવાં જ રહ્યાં. અત્યારે દુનિયા આખી જીવન ને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે ત્યારે તમને ટૅનિસ રમવાનું સૂઝે છે ?’

‘ટેનિસ ન સૂઝે તે બીજુ શું સૂઝે ? વિમલ સરોવર ફાટવાનું જ છે અને દુનિયા આખી ડૂબી જ જવાની હોય તો છેલવેલું ટૅનિસ તો રમાય એટલું રમી જ લઈએ ને ?’

‘સિલી !’

‘સિલી કહો કે બિલ્લી કહો, મને તો ટૅનિસ રમ્યા વિના ચેન નહિ પડે.’

‘તમે તે ઘરણટાણે જ ટૅનિસ રમવાનો સાપ કાઢ્યો !’

‘ત્યારે શું કરું ? એક તરફથી તમે જ કહો છો કે, લેડી જકલ તમે ઓવરવેઈટ છો, સોસાયટીમાં શોભતાં નથી, વજન ઘટાડો. એ ઉપરથી ડોક્ટરે મને સ્લિમિંંગ ડાયેટ ને ટૅનિસની ભલામણ કરી. અત્યારે તમે જ મને ટૅનિસમાં પાર્ટનરશિપ નથી આપતા.’

‘આપણી બધી જ પાર્ટનરશિપો હવે હું તિલ્લુને આપી દેવા માગું છું.’

‘હાય, હાય ! આ શું બાફી માર્યું ? બોલો છો કે બકો છો ?’

‘સૉરી. હું બિઝનેસની પાર્ટનરશિપની વાત કરતો હતો.’

‘તો ઠીક’, તાત્કાલિક રાહત અનુભવીને તુરત લેડી જકલે ચિંંતાતુર પ્રશ્ન પૂછ્યો : ‘તે શું તમે બધું તિલ્લુને જ આપી દેશો?’

‘છૂટકો જ નથી. આપણે તો પુત્રી કે પુત્ર–જે ગણો તે આ એક તિલ્લુ જ છે ને ? પેલા સાહિત્યકારો જેને પુત્રસમોવડી કહે છે, એવી જ. આપણે બેઉ તો, અષ્ટગ્રહીને દહાડે વલ્કલ પહેરીને યજ્ઞવેદી પર બેઠાં હોઈશું; પછી જીવતાં રહીશું તો પાછાં આવીશું.'

‘એ વલ્કલ-બલ્કલ મારાથી નહિ પહેરાય, આ તમને સાફ કહી દીધું.’

‘પણ આમાં તમારું કહ્યું ન ચાલે.’

‘તો કોનું ચાલે ?’

‘ગિરજાશંકર ગોરનું. ગોરદેવતા કહે એ પ્રમાણે જ બધું કરવું પડે. નહિતર ગ્રહદેવતાઓ કોપે.’

‘મૂઆ એ ગ્રહો. આકાશમાં એટલે દૂર રહ્યે રહ્યે પણ લોહી પી ગયા છે.’

‘ગ્રહોને ગાળ ન દો, લેડી જકલ. એ સર્વશક્તિમાન છે. આપણે મનુષ્યો મઈ-મગતરાં છીએ. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં સાત ગ્રહની યુતિ થયેલી ત્યારે મહાભારત યુદ્ધ ખેલાયું હતું. તે આ ફેબ્રુઆરીમાં તો સાતને બદલે આઠ આઠ ગ્રહો મકર રાશિમાં એકઠા થાય છે, ત્યારે શું નહિ થાય અને શું બાકી રહેશે ?’

‘તમે જાણો કે તમારા એ ગ્રહો જાણે. હું તો મારે આ ચાલી ટૅનિસકોર્ટ ઉપર.’

‘પણ એકલાં જ ?’

‘આ ક્યાં રાંદલમા પાસે સાંતક બેસવાનું છે કે વરઘોડિયાંએ છેડાછેડી બાંધીને ભેગાં જ બેસવું પડે ? હું મારે સૉલોમનને પાર્ટનર તરીકે બોલાવીશ.’

‘સૉલોમન ! કુત્તામાસ્તર ?’

‘હા, કુત્તામાસ્તર થયો એથી શું બગડી ગયું ? તમારા કરતાં એ વધારે લવ કરે છે. મેન્સ સિંગલ્સમાં તો એ ચેમ્પિયનશિપ લાવ્યો છે.’

સૉલોમન આ શ્રીભવન વસાહતનો સત્તાવાર કુત્તામાસ્તર હતો. વિવિધ વર્ણનાં, વયનાં અને ઓલાદનાં વીસ કૂતરાંઓનું ખાસ્સું ટાળું એની સંભાળ તળે રહેતું હતું.

‘પણ આજનો દહાડો તમે ટૅનિસ નહિ રમો તો શું ખાટુંમોળું થઈ જવાનું છે ?’

‘આજની મારી કૅલરીઝ વજનમાં ઉમેરાઈ જાય.’

સાંભળીને સર ભગને માનસિક રીતે કાનબૂટ પકડી. પત્નીની દલીલ એમને હૃદયસોંસરી ઊતરી ગઈ. આજે લેડી જકલ ટૅનિસ ન રમે તો આજના એમના ખોરાકની બધી કૅલરી વજનમાં ઉમેરાઈ જાય તે અસહ્ય કહેવાય. તેથી જ, એમણે સૉલોમનના સંગાથને સત્વર સંમતિ આપી દીધી.

‘વારુ જાઓ, રમી આવો. પણ બુચાજી બધા સ્ટેમ્પ–પેપરો પર દસ્તાવેજ કરે ત્યારે મત્તું મારવા તો આવશો ને ?’

‘શાવર લીધા પહેલાં નહિ. આમેય, આ સહીસિક્કા કરીને આપણે તો નાહી જ નાખવાનું છે ને ? તો હું પહેલેથી જ નાહી ધોઈને આવીશ.’

‘જેવી તમારી મરજી.’ કહીને સર ભગને સેક્રેટરીને પૂછ્યું : 'આ બુચાજીને આવતાં હજી કેટલી વાર ?’

‘નીકળી તો ગયા છે, પણ અત્યારે ટ્રાફિક જામ હોય, એમાં ગાડી ફસાઈ ગઈ હશે.’

‘અરે બાવા, ગાડી તો કીથે બી ફસાઈ નહિ હુતી.’ કરતાકને બૅરિસ્ટર બુચાજી દીવાનખંડમાં પેઠા.

‘તો કયાં ફસાયેલ ?’

‘આય તમારો પેલો ડોરકીપર... કોન બબુચકને પકડી લાઈવા છો ?’

‘ગુરખો ? ગુરુચરણ?’

‘હા, એ નેપાલ બાજુની જ ઓલાદ જણાય છે. તે હું જાણે કે ખૂની–લૂંટારો કે ડાકુ હોઉં ને, એમ મને પજવવા લાગિયો. કે’છ કે અજાનિયા માનસોને બ’ગલામાં પેસવાની જ શેઠે મનાઈ કીધી છે. સાચી વાત, સર ભગન ?’

‘સાચી વાત. મનાઈ તો કીધેલી, પણ તમારે માટે નહિ.’

‘મેં પન એ ઇડિયટને એમ જ કીધું કે અઈલા અક્કલના બારદાન, બીજા બધા લોકો માટે ઘરનાં બારણાં બંધ કરો તો ચાલે, પણ દાક્તર વકીલ માટે તો રાઉન્ડ ધ ક્લૉક ઓપનડોર રાખવાં જોઈએ. ખરુ ને સર ભગન ?’

‘સાવ સાચું કહ્યું.’

‘અગાઉ હિન્દુ–મુસલમાનનાં હુલ્લડો થતાં ત્યારે ડસ્ક ટુ ડૉન કરફ્યુમાં પણ દાક્તરો–વકીલોને તો ફરવાની છૂટ અપાતી જ. દાક્તરોએ પેલાં ઘવાયેલાંઓની સારવાર કરવી પડે ને વકીલોએ એ ઘાયલ કરનારાઓને જામીનખતના સ્ટેમ્પ પેપર આપીને છોડાવવા પડે. કેમ બોલિયા નહિ, સર ભગન ?’

‘અત્યારે તમે સ્ટૅમ્પ–પેપરો લાવ્યા છો કે ?’

‘માગો તેટલાં; ને માગો તે સાલનાં ક્વીન વિક્ટોરીયાના ચહેરાવાલો જૂનામાં જૂનો સ્ટૅમ્પ–પેપર બી આ બુયાજીના બ્રીફકેસ માંથી મળી આવશે. જૂનું તે સુનું. કેમ બોલિયા નહિ, સર ભગન ?’

‘આજે આપણે બોલબોલ કરવાને બદલે મૂંગામૂંગા કામ કરવાનું છે.’

‘તે ફરમાવો ને બાવા, આય સેવક તૈયાર જ છે.’

સર ભગન એટલે ભારતના એક ઔદ્યોગિક શહેનશાહ. ‘ભગન ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ને નામે મશહૂર થયેલ એમનાં અસંખ્ય ઔદ્યોગિક સાહસોનો પ્રસાર અને પથારો પણ એક સામ્રાજ્ય જેટલો જ હતો. એમાં કાપડથી કૉલીયરી સુધીનું ને દીવાસળીથી માંડીને દવા-દારૂ સુધીનું બહોળું વૈવિધ્ય હતું. આ ઉદ્યોગપતિ વિશે કહેવાતું કે તેઓ ધૂળમાંથી સોનું બનાવી શકે એવા કાબેલ કીમિયાગર છે. અને સાચે જ સર ભગનના ઔદ્યોગિક સામ્રાજ્યમાં મેંગેનિઝની ખાણોની સાથેસાથ જ ધૂળખાણોનો પણ સમાવેશ થતો હતો અને સાચે જ એ ધૂળમાંથી તેઓ વૉશિંગ સોડાનું સર્જન કરતા હતા.

આવા ધરખમ સામ્રાજ્યનો ત્યાગ કરવાનું કાંઈ સહેલું નહોતું. છતાં જનક વિદેહી જેવી નિઃસ્પૃહતાથી એમણે આ ઔદ્યોગિક સામ્રાજયનું વિસર્જન કરવા માંડ્યું. પોતાનાં સઘળાં હિતો અને હક્કો એમણે તિલોત્તમાને નામે ચડાવવા માંડ્યાં.

જેના પરથી સૂરજ કદી આથમતો જ નહિ એવા વ્યાપક બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જનનો વિચાર કરનાર અંગ્રેજ મુત્સદ્દીઓ જેવી જ મનોદશા અત્યારે સર ભગન ધરાવી રહ્યા હતા. બ્રિટિશરો બીજા વિશ્વયુદ્ધની પછડાટ ખાઈને ખોખરા થઈ ગયા હતા અને સામ્રાજ્ય સાચવી શકવાને અશક્ત બની ગયા હતા, એમ સર ભગન પણ અષ્ટગ્રહીના ગભરાટમાં ઢીલાઢફ થઈ ગયા હતા.

પોતે દેશભરની કેટલી લિમિટેડ કંપનીઓમાં ડિરેક્ટરપદ ધરાવતા હતા એની ચોક્કસ સંખ્યા ખુદ સર ભગનને યાદ રહી શકતી નહોતી. કેટલી કંપનીઓમાં તેઓ અંકુશાત્મક હિસ્સો ધરાવતા હતા એની સંખ્યા પણ એમણે સેક્રેટરીને પૂછવી પડતી.

ઉપરાંત પોતાની સુવાંગ માલિકીની કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ હતી, એનો ચોક્કસ આંકડો એમને ચોપડાઓમાં જોવો પડતો. આર્થિક હિતોનો આવડો જબરો પથારો સંકેલીને પુત્રીને નામે ચડાવતાં પણ કેટલો સમય લાગે ! એ તો સારું થયું કે બૅરિસ્ટર બુચાજીના બ્રીફકેસમાંથી માગો તેટલા સ્ટૅમ્પ–પેપર નીકળતા જ રહ્યા અને સેક્રેટરી સેવંતીલાલ એના ઉપર ટપોટપ ટાઈપ કરતા રહ્યા.

આવી રહેલ અષ્ટગ્રહ યુતિથી અકળાઈ ઊઠેલા સર ભગન આજે ‘ત્યેન ત્યક્તેન ભૂંજીથા:’ના ગીતાબોધ્યા ઉપદેશને અમલમાં મૂકી ૨હ્યા હતા.

દીવાનખંડમાં કોઈના ઉઠમણાનું પાથરણું પડ્યું હોય એવી ઉદાસી છવાઈ ગઈ હતી.

આવી ઉદાસી વચ્ચે એક માત્ર બુચાજી આનંદ અનુભવી રહ્યા હતા. કોઈની દાઢી સળગે ત્યારે તાપણું માણવા મળે એ ઢબે સર ભગનના આ ત્યાગપત્ર ટાઈપ કરાવતાં કરાવતાં આ બેકાર બૅરિસ્ટરને પોતાની ફીનો તડાકો પડી રહ્યો હતો; એનો આનંદ એમના હૃદયમાંથી ઊભરાઈને આંખ વાટે છલકાતો હતો.

સૉલોમન જોડે ટૅનિસ ખેલીને અને પેટ ભરીને ફુવારા–સ્નાન કરીને લેડી જકલ દીવાનખંડમાં પેઠાં ત્યારે ‘શ્રીભવન’ને સિંહદ્વારે ગોકીરો ઊઠતો સંભળાયો :

‘મારી નાખ્યો !’

‘બાપલિયા રે !’

‘બચાવો ! બચાવો !’

‘વોય માડી રે !’