લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/પણ કંદર્પ કયાં ?

વિકિસ્રોતમાંથી
ગ્રહાષ્ટક વત્તા એક
પણ કંદર્પ કયાં ?
ચુનીલાલ મડિયા
બે જ ઉગારનારાં →







૧.
પણ કંદર્પ ક્યાં ?
 

ખટમીઠું, મધુરું, અસ્સલ ફ્રેન્ચ વિનયાર્ડના શેમ્પેઈનના સ્વાદ જેવું શવ્રોલે ઈમ્પાલાનું ભૂંગળું સાંભળતાં જ ગુરખો ગુરુચરન સાબદો થઈ ગયો. એણે નેપાળી નિયમ મુજબ સદૈવ ઢળેલી રહેતી પાંપણો પરાણે ઊંચકવાનો વ્યર્થ પ્રયત્ન કરીને પોતાના જન્મજાત પૌરુષની જાહેરાત કરવા તીણો ખોંખારો ખાઈ બતાવ્યો.

કામશાસ્ત્રી છતાં મહર્ષિ વાત્સ્યાયને વર્ણવેલ હસ્તિની સ્ત્રીની શૈલીએ શેવ્રોલે પણ ઘડીક ડાબી સ્પ્રિંગ ઉપર તો ઘડીક જમણી સ્પ્રિંગ ઉપર અચકાતી લચકાતી, મદમાતી ને શેલપતી રાણીપાઠમાં ઊતરેલી નવીસવી એમેટર અભિનેત્રીની અદાથી ‘શ્રીભવન’ના દરવાજામાં દાખલ થઈ.

ગુરુચરને હડેયુહુમ્મ કરીને લગભગ લશ્કરી ઢબે જ શેઠજીને સલામ ભરી દીધી.

પણ ગાડીમાં પહોળા થઈને પથરાઈને પડેલા સર ભગને ગરીબ ગુરખાની એ સલામ આજે ઝીલી જ નહિ.

દરવાન તરીકેની ગુરુચરનની લાંબીલય કારકિર્દીમાં આ પહેલો જ બનાવ હતો, પોતે ભરેલી સલામ સર ભગને ઝીલી ન હોય એવો આ સર્વપ્રથમ અનુભવ હતો.

પણ એમાં સરનો કશો વાંક નહોતો. વાંક કોઈનો હોય તો વિધાતાનો હતો, વિધાતાએ યોજેલી ગ્રહોની રચનાનો હતો, એ ગ્રહોની થઈ રહેલી યુતિનો હતો. અવકાશમાં ભ્રમણ કરતા એ આઠેઆઠ ગ્રહોને ભાર અત્યારે સર ભગનના દિલ અને દિમાગ ઉપર તોળાઈ રહ્યો હતો.

સર ભગનની નાઈટહૂડ વિષે અહીં જ પેટછૂટો ખુલાસો કરી નાખીએ કે એમનો સર ઇલકાબ તો બ્રિટિશ સરકાર માબાપની નવાજેશ હતી. પણ અંગ્રેજો હિન્દ છોડી ગયા છતાં સર ભગન પોતાનું નાઈટહૂડ છોડવાની ના પાડતા હતા. એ ‘સર’નું છોગું તેઓ ‘પદ્મશ્રી’ના સાટાપાટામાં આપવા પણ તૈયાર નહોતા.

માન–મોભા ને મરતબાની એમની આ વળગણ એકલા ઇલકાબમાં જ નહિ, એમની રહેણીકરણીમાં, ખાણીપીણીમાં, વાણીવર્તનમાં પણ દેખાઈ આવતી હતી. હજી પણ સર ભગન ભારતીય પોશાક ધારણ કરે ત્યારે મર્સરાઈઝ્‌ડ ધોતિયા ઉપર મોજાં, ને મોજાં ઉપર ચરડચરડ ચમચમાટી બોલાવે એવાં રોમોય લેધરનાં પમ્પશુઝ ચડાવતા. પશ્ચિમી ઢબનો પોશાક પહેરે ત્યારે પાટલૂનને સસ્પેન્ડર ખભાપટા ચડાવતા અને વાસ્કુટના ખિસ્સામાં સોનાના અછોડાવાળું અસલી રેસ્કોપ ઘડિયાળ ભરાવતા. અને કોટપાટલૂન ઉપર કોઈ વાર હેમ્બર્ગ૨ હૅટને બદલે ચાંચવાળી પાઘડી પણ ચડાવી દેતા.

સર ભગને નાઇટહૂડ અંગ્રેજો પાસેથી ખુશામત કરી કરીને મેળવેલું, છતાં એ પ્રજા પ્રત્યે એમને એક જન્મજાત તિરસ્કાર પણ હતો. એમને તેઓ મ્લેચ્છ–યવન ગણીને આર્યોથી ઊતરતી કોટિના ગણતા, અને પોતાની શુદ્ધિ રક્ષવા ખાતર વારંવાર પ્રાયશ્ચિત્તો પણ કરતા. બ્રિટિશ યુગમાં ગોરા હાકેમ જોડે હસ્તધૂનન કરવું પડે ત્યારે ઘેર આવીને તેઓ ગંગાજળ વડે એ સ્પર્શની શુદ્ધિ કરી નાખતા. દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે એક વાર એમને વાઈસરૉય જોડે ભોજન લેવું પડેલું ત્યારે એમણે ઘેર આવીને બ્રાહ્મણોની હાજરીમાં ગૌછાણ વગેરે પંચદ્રવ્યો ખાઈને શાસ્ત્રોક્ત વિધિસર દેહશુદ્ધિ કરી નાખી હોવાનું કહેવાતું.

આવી ધાર્મિક–બૌદ્ધિક ભેળસેળ ધરાવનાર સર ભગનની ઇમ્પાલા જ્યારે શ્રીભવનના પૉર્ચમાં શ્રમિત તરુણીની પેઠે થોભી ત્યારે પણ તેઓ તે અન્યમનસ્ક જ હતા. એમના મગજમાં ઉદ્યોગોના નફાતોટાના આંકડાઓને બદલે અવકાશી ગ્રહની ઊથલપાથલ ચાલી રહી હતી.

કુટુંબના વિશ્વાસુ ને જુના પહેરેગીર જદુનાથે બાઅદબ કમ્મરમાંથી કાટખૂણે ઝૂકીને ગાડીનું બારણું ઉઘાડ્યું ત્યારે પણ સર ભગને એની નોંધ ન લીધી. ઇમ્પાલામાંથી ઊતરીને એમણે પૉર્ચમાં પગ મૂક્યો એ પણ ચાવી આપેલા યાંત્રિક પૂતળાની પેઠે જ. પરસાળના પહોળા આરસનાં પગથિયાં ચડવા માંડ્યાં તે પણ જાણે કે ઊંઘમાં ચાલતા હોય એવી કઢંગી રીતે જ.

આજે સર ભગન જેવા ભડ આદમીના પગ ભાંગી ગયા હતા, દેશના અર્થતંત્ર પર અદૃષ્ટ અંકુશ ધરાવનાર અને નાણાબજારને મનફાવે તેમ નચાવી શકનાર માણસ આજે અવકાશી ગ્રહોની હેર ફેરથી હતાશ થઈ ગયો હતો. ઉદ્યોગક્ષેત્રે ભલભલા હરીફોને હંફાવનાર આ કાબેલ ખેલાડી આજે દૂરદૂરના ઉડુગણમાંના ગ્રહોની ચાલચલગતથી હારણ બની ગયો હતો.

સ્થિતિ ખરેખર કઢંગી હતી. સો–સો સંગ્રામોનો વિજેતા સેનાપતિ આખરે બાથરૂમમાં લપસીને મરણશરણ થઈ જાય એવા હાલ સર ભગનના થઈ પડ્યા હતા. ભલભલા શત્રુઓથી ગાંજ્યો ન જાય એવો ભડવીર માઠા અદૃષ્ટ ગ્રહોના સંમિલનના સમાચારથી ગભરાઈ ગયો હતો.

આફત આવે ત્યારે એકસામટી જ આવે એ અંગ્રેજી કહેવતનો સર ભગનને અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો હતો. આમેય આજકાલ એમના હૃદયમાં એક હોળી તો સળગતી જ હતી. શેઠની સુપુત્રી તિલ્લુએ એ હોળી પ્રગટાવી હતી. હવે, આવી રહેલી અષ્ટગ્રહ યુતિએ એ હોળી સામે ડાકણ પેટવી હતી.

આ તિલ્લુ એટલે તિલોત્તમા, સર ભગનની, ભગવાનની દીધી, સાત ખોટની સમ ખાવા પૂરતી એક પૂરી પુત્રી. શેઠશેઠાણી લાડચાગમાં એને તિલ્લુ કહીને બોલાવતાં. અને તિલ્લુના હાથનો હાથે કરીને બની બેઠેલો ઉમેદવાર કંદર્પ વળી વધારે પડતું વહાલ દર્શાવવા એને તિલ્લી કહીને જ સંબોધતો.

આ કંદર્પ કોણ હતો એ વિશે તો અમે પોતે જ પૂરું નથી જાણતા, ત્યાં તમને શી માહિતી આપીએ ? આ પૃથ્વીના પટ ઉપર બહુ ઓછા માણસો કંદર્પ વિશે કશું જાણે છે. કંદર્પ પોતે પોતાની જાતને કથકલિ નૃત્યનો અઠંગ ઉસ્તાદ ગણાવતો, અને પોતાના બનાવટી નામની મોખરે નર્તકરાજ એવું ઉપનામ વાપરતો. ઘણી વાર એ પોતાને નટરાજ શંકર ભગવાન તરીકે પણ ખપાવતો અને એ હેસિયતથી તિલ્લુને પાર્વતી ગણીને એની જોડે સંલગ્ન થવા આકાશપાતાળ એક કરી રહ્યો હતો.

હવે આમાં મુશ્કેલી એ આવી હતી કે સર ભગનને તેમ જ તેમનાં પત્ની લેડી જકલને કાંદા અને નૃત્ય બેઉ પ્રત્યે એકસરખી જ સૂગ હતી. દૂરદૂર ‘શ્રીભવન’ના માળી રામશરણના આઉટ હાઉસની ઝૂંપડીમાં કાંદા-લસણ સમારાતાં હોય છે એનો વઘાર થતો હોય તો એની વાસથી પણ શેઠશેઠાણીને ઓકારી આવતા માંડતી. એથીય વધારે સૂગ એમને નૃત્ય અને નૃત્યકાર પ્રત્યે હતી. નૃત્યપ્રવૃત્તિ કરનારાઓને તેઓ નાચણિયા-કુદણિયા કહીને જ ઓળખતાં, અને એમને માટે ‘વંઠેલા’ કરતાં વધારે સારું વિશેષણ કદી વાપરતાં જ નહિ. આવી સ્થિતિમાં મુફલિસ નૃત્યકાર પોતાની પુત્રીનો હાથ ઝાલવા મથે અને સર ભગનના ઔદ્યોગિક સામ્રાજ્યનો ભાવિ વારસ બનવા માગે છે તે સાંખી જ શેં શકાય ?

જિંદગી આખીની કરી કમાણી ધૂળમાં મળતી હોય, દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવાનો વારો આવ્યો હોય, એવો વસમો અનુભવ શેઠને થઈ રહ્યો હતો, એમાં વળી આ અષ્ટગ્રહીની વાત આવી એથી તો તેઓ દિશાશૂન્ય થઈ ગયા હોય એમ રૉબોટ–રમકડાની પેઠે દાદરો ચડી રહ્યા.

દીવાનખંડમાં લેડી જકલે સર ભગનને, તેઓ પતિ હોવા છતાં, પ્રેમપૂર્વક આવકાર્યા, પણ સર ભગન આજે એ પ્રેમનો પડઘો પાડી શકે એવી મનઃસ્થિતિમાં જ નહોતા. એમને તો આ સંસાર સાચે જ સાવ અસાર જણાતો હતો. જીવતર કડવું ઝેર લાગતું હતું. આ બધું કોને માટે ? કોને માટે ? એ મહાપ્રશ્ન એમના મગજમાં સણકા બોલાવી રહ્યો હતો.

મિલની ઑફિસમાંથી મોટરમાં સાથે આવેલી ખાનગી પત્રોની ફાઈલો, ડિરેક્ટરોની મિટીંગની મિનિટ–બૂકો, હિસાબકિતાબના કાગળો, ઇન્કમટૅક્સ ખાતાના લિફાફા, પરમિટ, લાઈસન્સ, ક્વોટા આદિના પત્રવ્યવહાર વગેરેની સગેભરી ટ્રે લઈને સેક્રેટરી સેવંતીલાલ આવ્યા, પણ શેઠને આજે એમાં કશામાં રસ રહ્યો નહોતો. એ સઘળા કાગળિયાંમાં એક સારી જોઈને દીવાસળી ચાંપી દેવાનું એમને મન થઈ આવ્યું.

શેર બજારમાં પોતાની મિલના શેરોના ભાવ કઈ સપાટીએ બંધ રહ્યા એ જાણવાની પણ આજે એમને ઇન્તેજારી નહોતી. જહન્નમમાં ગયા એ શેર ને શેરહેલ્ડરો, એવું મનશું ગણગણીને તેઓ મર્સરાઈઝ્ડ ધોતિયાંની વેરવિખેર ગાંસડીની પેઠે લોચપોચો થઈને સોફામાં પથરાઈ પડ્યા...

હૈયામાં બેવડી હોળીઓ વેંઢારી રહેલા સર ભગન ઘડીભર ગ્રહાષ્ટકની ઉપાધિ વીસરીને પુત્રી તિલોત્તમાની ચિંતામાં પડ્યા. પત્નીને પૂછ્યું :

‘ક્યાં ગઈ તિલ્લુ ?’

‘તિલ્લુ ! ઓ...તિલ્લુ !’ લેડી જકલ લાંબે ને નરવે સાદે પુત્રીને પોકારી રહ્યાં.

શેઠાણીના એ પોકારના પડઘા પડી રહ્યા. એક ઓરડામાંથી બીજા ઓરડામાં થઈને એ પોકાર પરસાળમાં પડઘાતા રહ્યા.

નોકરોના ગંજાવર કાફલાએ શેઠાણીનો એ અડધો બોલ આખા ગણીને ઊંચકી લીધો અને તિલોત્તમાને બોલાવવા અહીંથી તહીં અવાજો ગાજી રહ્યા :

‘તિલ્લુબહેન !...બહેન !... તિલ્લુબહેન !’

શ્રીભવન કાંઈ મામૂલી મકાન નહોતું, એ બંગલો પણ નહોતો. એ તો એક જમાનામાં ગોરા લાટસાહેબનું રહેણાક હતું. એ ગોરા હાકેમના રહેણાક ઘરના ક્ષેત્રફળ કરતાં અનેકગણો વિસ્તાર તો નોકરોનાં રહેણાકો રોકતાં હતાં. આયાઓથી માંડીને માળીઓ અને રસોઇયાઓથી માંડીને શૉફરો, ચોકિયાતો કૂતરાનાં રખેવાળો સુદ્ધાંનાં આઉટ હાઉસની એ ખાસ્સી લાંબી-પહેળી વસાહત હતી. ખુદ સર ભગનનું રહેણાક મકાન પણ એટલા તો એરડાઓની ભૂલ- ભુલામણી જેવું હતું કે એમાં એકબીજા ઓરડા વચ્ચે સંપર્ક સાધવા માટે ટેલિફોનનો ઉપયોગ કરવો પડતો.

તેથી જ આખા બંગલામાં તિલ્લુબહેનના નામનો પોકાર ગાજી રહ્યા છતાંય ક્યાંયથી બહેનનો પત્તો ન મળ્યો ત્યારે છેવટે ટેલિફેનના સ્વિચબોર્ડ ઉપરથી ઑપરેટરે ચાંપો દાબવા માંડી.

ઘડીભર તો આખીય વસાહત ઘાંઘી બની ગઈ. ટેલિફોનનાં દોરડાં ઝણઝણી ઊઠ્યાં. એ સાથે જ ચારેય બાજુ નોકરની દોડધામ મચી ગઈ. તિલ્લુબહેને તો ગામ ગાંડું કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો.

દરવાજેથી દરવાન ગુરુચરને તો સોઈ ઝાટકીને કહી દીધું કે તિલ્લુબહેન બંગલાની બહાર ગયાં જ નથી. તો પછી એમની ભાળ કેમ નથી મળતી ?

સર ભગનને ચિંતા થઈ પડી. પેલો નાચણિયો અલેલટપ્પુ તો મારી છોકરીને નહિ ઉઠાવી ગયો હોય ? લેડી જકલ પણ ગભરાઈ ગયાં. એ નર્તકરાજ તિલોત્તમાની પાછળ પડેલો ત્યારથી માતાએ કદી ધરાઈને ધાન નહોતું ખાધું કે આંખ ભરીને ઊંઘ નહોતી કરી. પેટમાં ફડકો રહ્યા જ કરતો હતો કે પેલો નાચણિયો કોક દિવસ મારી ભોળુડી છોકરીને ભરમાવી જ જવાનો. એ ભયથી તે દરવાન ગુરુચરનને પાકી સૂચના અપાઈ ગઈ હતી. કંદર્પને આપણા કમ્પાઉન્ડમાં કદી પગ જ મૂકવા ન દેવો, અને છતાં અત્યારે તિલોત્તમાનો પત્તો કાં ન લાગે ? વા’એ કમાડ ભિડાઈ ગયાં કે શું ?

સર ભગને ફરી બૂમ પાડી : ‘તિલ્લુ !’

અને ગોળગુંબજમાં ઊઠતા પડઘા પેઠે આખું શ્રીભવન ગાજી ઊઠ્યું : તિલ્લુ ! તિલ્લુબહેન !

ફરી આખી વસાહત ખળભળી ઊઠી. વાતાવરણ હાલકડોલક થઈ ગયું. હમણાં શેઠ બેચાર નોકરને બરતરફી ફરમાવી દેશે એવી દહેશત અનુભવાઈ રહી, ત્યાં તો દૂરના રસેડાવિભાગમાંથી સંદેશો આવ્યો :

‘તિલ્લુબહેન રાસોઈખાતામાં છે.’

‘શું કરે છે?’ શેઠાણીએ બરાડો પાડ્યો.

‘પેલા કંદર્પભાઈ સાથે વાતો કરે છે.’

સાંભળીને સર ભગનની આંખ લાલ થઈ ગઈ.

કંદર્પને આ બંગલામાં કડક પ્રવેશાબંધી હોવા છતાં એ પેઠો કેમ કરીને ?

ગુરખો કહે છે કે આ દરવાજામાંથી તો કંદર્પ નામનું કોઈ ચલ્લું પણ અંદર આવ્યું જ નથી.

ભેદ વધારે ઘરો બની રહ્યો.

સર ભગન સોફા ઉપર મર્સરાઈઝ્ડ ધોતિયાંની ગાંસડીની જેમ પડેલા એમાંથી એકદમ કાંજી કરેલ પોપલિનની પેઠે ટટ્ટાર થઈને ઊઠ્યા અને હાથમાં હાથવગી હૉકી–સ્ટિક લઈને દોડ્યા.

‘આજે તો એ હરામખોરનાં હાડકાં જ ખોખરાં કરી નાખું.’

શંકરનું ત્રીજું લોચન ખૂલ્યું હોય એવો તાપ વરસી રહ્યો.

અષ્ટગ્રહ યુતિની સઘળી આપદાઓ ઘડીભર વીસરી જઈને સર ભગન રસોડા ખાતા તરફ આગળ વધી રહ્યા.

કંદર્પનું તો જે થવાનું હશે તે થશે, પણ મારી દીકરી આડી અડફેટે આવી જશે તો શું થશે, એની ચિંતાથી લેડી જકલ પણ શિયાવિયા થઈ રહ્યાં.

‘ક્યાં છે એ હરામહ્ખોર ?’ રસોડાને ઉંબરથી શેઠ ગરજી ઊઠ્યા.

‘અહીં તો એકલાં તિલ્લુબહેન જ છે. પેલા કંદર્પભાઈ તો ક્યાંક અલોપ થઈ ગયા લાગે છે.’

મહારાજનોને આ ઉત્તર સાંભળીને શેઠ હતાશ થઈ ગયા. સ્વતંત્ર તપાસ કરાવી. રસોડાને ખૂણેખૂણો ખેાળી વળ્યા, છતાં કંદર્પનું ક્યાંય નામનિશાન ન જણાયું ત્યારે એમની પેલી અષ્ટગ્રહીની વ્યગ્રતામાં ઉમેરો થયો. મનશું ગણગણી રહ્યા :

‘આ નવમો ગ્રહ તો મારું નખોદ કાઢી નાખશે.’