ઘનશ્યામ પૂરણ કામ પર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ઘનશ્યામ પૂરણ કામ પર
પ્રેમાનંદ સ્વામીઘનશ્યામ પૂરણ કામ પર,
કરું તન મન કુરબાણ રે... ટેક

શ્યામ છોગાળો મોતિયાંવાળો,
મારો જીવન પ્રાણ રે;
નટવર નાગર સુખનો સાગર,
સુંદર શ્યામ સુજાણ રે... ઘનશ્યામ ૧

ધર્મનો કુંવર ડોલરિયો,
મારો દિલડાંનો દીવાણ રે;
દીનબંધુની દાસી છું હું તો,
દામ વિનાની વેચાણ રે... ઘનશ્યામ ૨

મીઠડા બોલા માવ સાથે,
મારે આગેની ઓળખાણ રે;
અંતરજામી આવી મળ્યા મને,
આપો આપ નારાણ રે... ઘનશ્યામ ૩

જેમ રાખે તેમ રહું હું,
એની મરજીને પરમાણ રે;
પ્રેમાનંદના નાથ સાથે,
મારે થઈ અતિ સુવાણ રે... ઘનશ્યામ ૪