ચાબખા/પદ-૬, મૂરખો માની રહ્યો મારું રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પદ-૫, મૂરખો રળી રળી કમાણો રે ચાબખા
ભોજા ભગત
પદ-૭, ભક્તિ શિશતણું સાટુંરે →


મૂરખો માની રહ્યો મારું રે, તેમાં કાંઇયે નથી તારું. - ટેક.
સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;
ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે. મૂરખો.
દુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;
વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે. મૂરખો.
હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;
ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે. મૂરખો.