લખાણ પર જાઓ

ચાબખા/પદ-૫, મૂરખો રળી રળી કમાણો રે

વિકિસ્રોતમાંથી
← પદ-૪, ભરમાવી દુનિયાં ભોળીરે ચાબખા
ભોજા ભગત
પદ-૬, મૂરખો માની રહ્યો મારું રે →


૫દ ૫ મું.

મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. - ટેક.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે. મૂરખો.
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે. મૂરખો.
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે. મૂરખો.