ચાબખા/પદ-૪, ભરમાવી દુનિયાં ભોળીરે
Appearance
< ચાબખા
← પદ-૩, જોઇ લો જગતમાં બાવારે | ચાબખા ભોજા ભગત |
પદ-૫, મૂરખો રળી રળી કમાણો રે → |
૫દ ૪ થું.
ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. - ટેક.
દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;
જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે. ભરમાવી.
નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;
માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે. ભરમાવી.
સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે. ભરમાવી.