લખાણ પર જાઓ

ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?

વિકિસ્રોતમાંથી
ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?
મીરાંબાઈ



ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?

શું કરું રાજ તારાં ? શું કરું પાટ તારાં ?
ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું? રાણા શું રે કરું ?
ભૂલી ભૂલી હું તો ઘર કેરાં કામ ... રાણા, ચિતડાં ચોરાણાં
અન્નડાં ન ભાવે, નેણે નિદ્રા ન આવે,
ગિરિધરલાલ વિના ઘડી ન આરામ ... રાણા, ચિતડાં ચોરાણાં
ચિત્તોડગઢમાં રાણી, ચોરેચૌટે વાતો થાય,
માનો મીરાં, આ તો જીવ્યું ન જાય ... રાણા, ચિતડાં ચોરાણાં
ઊભી બજારે રાણા, ગજ ચાલ્યો જાય છે,
શ્વાન ભસે તેને લજ્જા નવ થાય ... રાણા, ચિતડાં ચોરાણાં
નિંદા કરે રાણા, તારા નગરના લોક એ,
ભજન ભૂલું તો મારો ફેરો થાય ફોક ... રાણા, ચિતડાં ચોરાણાં
મનમાં ભજો મીરાં, નારાયણ નામને,
પ્રગટ ભજો તો મારાં છોડી જજો ગામ ... રાણા, ચિતડાં ચોરાણાં
નગરીના લોકો રાણા, મીરાંને મનાવે સૌ,
માનો માનો, ને કંઈ છોડો, એવી ચાલ ... રાણા, ચિતડાં ચોરાણાં
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ ... રાણા, ચિતડાં ચોરાણાં