લખાણ પર જાઓ

ચોમાસામાં વનવર્ણન

વિકિસ્રોતમાંથી
ચોમાસામાં વનવર્ણન
નર્મદ



ચોમાસામાં વનવર્ણન


કેવો ઠંડો પવન અતિશે જોરમાં આવતો રે,
આ ! આ આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે,
ઓહો ! કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,
ઓહો ! આવ્યો ખૂબ તૂટી પડ્યો મેઘ મોટી જ ધારે.

ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે,
ગાજી રેહે ગરજન થકી રાન આખું વળી રે;
વ્યાઘ્રોસિંહો અતિશ તડૂકે, ઝાડ મોટાં પડે રે,
જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી પડે રે.

પહાડે મોરો થનગન કરે શિર ઊંચું લઈને,
આંબાડાળે કરતી ટહુકા ખૂબ કોયલડી તે;
દાદુરો તે સરવર વિષે બોલતા, કૂદતા ને
પીએ તો યે પય પય કરે આકળા ચાતકા તે.

પાણી પાણી સકળ વનની કુંજમાહે મચે ને
પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઈને રે;
કો કો ઠામે ડુંગર પથી ધોધ મોટા પડે રે,
જેમાં રૂડા સૂરજકિરણે રંગ ઝાઝા બને રે.

એને જોતાં અચરત થઈ કાં ન તું ને સ્તવું રે,
ધો ધો ધો ધો મધુર સુણતામ કાં ન લ્હેરે સૂઉં રે.