છૂટાં છૂટા તીર અમને મારો મા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ... છૂટાં છૂટાં તીર

બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર