જાગો રે અલબેલા કા’ના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

જાગો રે અલબેલા કા’ના મોટા મુકુટધારી રે,
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ તમારી નિદ્રા ભારી રે ... જાગો રે.

ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે,
દાતણ કરો તમો આદે દેવા, મુખ ધુઓ મોરારિ રે ... જાગો રે.

ભાતભાતનાં ભોજન નીપાયાં, ભરી સુવર્ણથાળી રે,
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે ... જાગો રે.

પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે,
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે ... જાગો રે.

પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે ... જાગો રે.