જાદવરાય જીવે મોતિયાવાળો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
જાદવરાય જીવે મોતિયાવાળો
પ્રેમાનંદ સ્વામી
વરઘોડામાં ગાવાનું  જાદવરાય જીવે મોતિયાવાળો,
  ઘણા મૂલાને ઘણી ખમા, ઘણું જીવો ઘણી ખમા.
  છેલવર આવે રે છોગાળો,
  રાજેશ્વર ચરણે નમા, જગજીવન ચરણે નમા... ટેક

માણીગર માણકિયે રે આજે, શોભા જોઈ કામ લાજે;
ચરમ ઢળે રે છત્તર છાજે, આગે ઘણાં વાજાં વાજે... ૧

કેસરિયાને કોડે કોડે જોઈએ, જોઈ જોઈ દુઃખ ભાગે;
માથે મોતીડાનો ઝૂડો રૂડો, વિઠ્ઠલવર વ્હાલો લાગે... ૨

કેસર તિલક રે કીધાં ભાલે, કાને કુંડળ શોભા કાજુ;
સોનેરી વાઘો શોભે અંગે, બાંયે નંગ જડિયલ બાજુ... ૩

ઉરમાં ઉતરિયું રે રૂપાળી, ભાળી ભાળી નેણાં ઠરે;
હાર હજારો કમરે કટારો, પ્રેમાનંદનાં મનડાં હરે... ૪