જીવનનું ગાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું,
જેહને જીવન આ વ્યર્થ લાગે,

પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે,
જીવનનો સર્વ આનંદ ભાગે;

જીવનનો મહામૂલો જોગ ચાલી જતો,
મેઘ વરસી જતો વ્યોમમાંથી;

જે દીવાલો કરે આસપાસે ઊભી,
ને સૂએ માંહી અંધાર ઓઢી,

તે ન કૈ દિવસનાં તેજ પામી શકે,
ખોય ત્યાં સર્વ આનંદ પોઢી;

ફૂલ નહિ જોય નિજ રંગસૌરભ કશું,
તદપિ કાંટા જ નીરખે શરીરે,

તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે!