લખાણ પર જાઓ

જીવ ને શિવની થઈ એકતા

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
જીવ ને શિવની થઈ એકતા
ગંગાસતી



જીવ ને શિવની થઈ એકતા

જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.
 
સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.